Showing posts with label Sardar Patel/સરદાર પટેલ. Show all posts
Showing posts with label Sardar Patel/સરદાર પટેલ. Show all posts

Saturday, August 28, 2021

મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...

ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી)

ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.

  • ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે. 
    ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ

  • ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
  • મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
  • મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.) 
    મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ
  • મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
  • ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’ 
  • આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
    . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા. 
  • નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.

'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી 



Wednesday, February 14, 2018

‘જો’ અને ‘તો’ : નિરર્થકતાનો ઑચ્છવ

જેને વાંચતાં-લખતાં જ નહીં, જોતાં-સાંભળતાં પણ આવડતું હોય એવી ભારતવર્ષની પ્રજા હવે જાણી ચૂકી હશે કે જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

આશ્ચર્ય હોય તો ફક્ત એટલું કે ‘જો’ અને ‘તો’નો આ જૂનો અને જાણીતો સિલસિલો કેમ ત્યાંથી શરૂ થઈને ત્યાં જ અટકી જાય છે? કલ્પનાના પતંગ ચગાવવા હોય તો આકાશ મોકળું છે.
***

જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

...તો ડિસેમ્બર, 1950માં તેમના મૃત્યુ પછી પંડિત નહેરુ ભારતના બીજા વડાપ્રધાન થાત અને તેમનો શાસનકાળ 1947-1964ને બદલે 1950-1964 થયો હોત—અને સંઘ-જનસંઘ-ભાજપ ઇત્યાદિના નેતાઓ કહેતા હોત, ‘જો સરદાર પટેલ દસેક વર્ષ વધુ જીવ્યા હોત તો...’

...તો સરદારે મહારાજા હરિસિંઘને કહ્યું હોત કે ભારત સાથે જોડાઈ જવું હોય તો ભારત સાથે જોડાવ ને પાકિસ્તાનમાં જવું હોય તો ત્યાં જાવ, પણ જે કરવું હોય તે વેળાસર કરો. સવાલ એ છે કે જો મહારાજા હરિસિંઘે વેળાસર કાશ્મીરને ભારત સાથે જોડી દીધું હોત તો તે બીજાં અનેક રજવાડાંની જેમ ભારતનો હિસ્સો બની જાત. ત્યાર પછી પાકિસ્તાની સૈન્ય છૂપા કે પ્રગટ વેશે કાશ્મીર પર હુમલો કર્યો હોત તો ભારતને કાશ્મીરનું રક્ષણ કરવાનો સત્તાવાર અધિકાર મળી જાત. ભારતના સૈન્યે તેને સરહદ પર જ પડકાર્યું હોત અને કાશ્મીરમાં ઘુસવા ન દીધું હોત.

...તો પણ અત્યારની કાશ્મીરસમસ્યા રહી હોત. કારણ કે અત્યારે જોવા મળતી કાશ્મીર સમસ્યાનાં મૂળ આઝાદીના વખતમાં છે એ સાચું, પણ તેને નવેસરથી અને ઉગ્ર સ્વરૂપ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝીયાના શાસનકાળમાં મળ્યું. એ વખતે રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું. તેની સામે અમેરિકાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કટ્ટરપંથીઓને હથિયાર આપ્યાં. આ શસ્ત્રોનો ઉપયોગ કાશ્મીરને નવેસરથી સળગાવવા માટે અને તેમાં પાકિસ્તાનતરફી કટ્ટરવાદ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યો.
એટલે મૂળ ‘જો’ અને ‘તો’ પરના નવા ચણાયેલા માળ છેઃ જો રશિયાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય ન મોકલ્યું હોત તો....જો અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન કરી હોત તો...જો ઝુલ્ફીકારઅલી ભુટ્ટોને ઉખેડીને જનરલ ઝિયા પાકિસ્તાનના સરમુખત્યાર ન બન્યા હોત તો…

***

રાષ્ટ્રવાદના નામે આંગળીચીંધામણાં અને ઢાંકપિછોડા કરવાનો જ મામલો હોય તો સાત દાયકાની સીમા શા માટે રાખવી? આપણી સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની છે.

જો સિંધુ સંસ્કૃતિનું પતન થયું ન હોત તો…
જો ગુપ્ત સામ્રાજ્યનો અસ્ત જ ન થયો હોત તો…

આ બધો વધારે દૂરનો ઈતિહાસ લાગે છે? ઠીક છે. જરા વધુ નજીક આવીએ.

જો ઇ.સ. 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની સામે બાબર હારી ગયો હોત તો...
...તો ભારતમાં મોગલ વંશનું શાસન સ્થપાયું ન હોત.
...તો બાબર ભારતમાં ન હોત. એટલે તેના પૌત્ર અકબરનો પૌત્ર જહાંગીર પણ ગાદીએ ન બેઠો હોત.
...તો જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી ટૉમસ રો હાજર ન થયો હોત અને જહાંગીરે તેને વેપારની પરવાનગી આપવાનો સવાલ પણ ઉભો ન થાત.
...તો અંગ્રેજોએ ભારતમાં વેપારના બહાને પગપેસારો ન કર્યો હોત.
...તો 1857નો સંગ્રામ થયો ન હોત અને એ થયો જ ન હોત, એટલે નિષ્ફળ પણ ન જાત.
...તો મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ પર સત્યાગ્રહ કરતા ત્યાં જ રોકાઈ પડ્યા હોત અને આજીવન આફ્રિકન નેશનલ કૉંગ્રેસના માર્ગદર્શક બની રહ્યા હોત.
...તો વલ્લભભાઈ બૅરિસ્ટર સુખેથી બૅરિસ્ટરી કરતા હોત અને સમૃદ્ધિમાં જીવન વીતાવ્યું હોત.
...તો કાશ્મીરની કોઈ સમસ્યા જ ન રહી હોત. કારણ કે રાજકીય એકમ તરીકે ભારતનું અસ્તિત્વ જ ન હોત. ભારત પાંચસો-સાતસો રજવાડાંમાં વહેંચાયેલું હોત અને એ..ય તે સંસ્કૃતિના પ્રેમીઓ ઘીદૂધની નદીઓના કિનારે મોજ કરતા હોત.

માટે, કાશ્મીર સમસ્યા માટે ખરેખર જો કોઈ જવાબદાર હોય તો એ ઇબ્રાહિમ લોદી છે.
***

આગળ જણાવેલી ‘જો’ અને ‘તો’ની દલીલો હાસ્યાસ્પદ- શેખચલ્લીના તરંગો જેવી લાગી? તેના વિશે ‘આવું તે કંઈ હોતું હશે?’ અથવા ‘એનું અત્યારે શું છે?’ એવી લાગણી થઈ? તેમાં કૉમન સૅન્સનો અભાવ લાગ્યો?
જવાબ ‘હા’ હોય, તો જણાવવાનું કે એ જ તેનો આશય હતો.

જે આ દલીલોમાંથી ઐતિહાસિક ખાંચાખૂંચી શોધવા બેસે અને તેની સામે ગંભીરતાથી પોતાની ‘જો’ અને ‘તો’ની થિયરીઓ રજૂ કરવા બેસે, તેમને પૂરી સહાનુભૂતિ સાથે જણાવવાનું કે તમે આખું કોળું શાકમાં જવા દઈ રહ્યા છો.

ઈતિહાસનો સૌથી સારો ઉપયોગ તેમાંથી સાચો બોધપાઠ લઈને કરી શકાય છે. ઈતિહાસની તોડેલીમરોડેલી હકીકતો કે અર્ધસત્યો કે પા-સત્યો વર્તમાનમાં તાણીને, તેના જોરે સ્વાર્થ સાધવાની કોશિશ થાય, ત્યારે એ પણ આ લેખમાં રજૂ કરેલી ‘જો’ અને ‘તો’ની દલીલો જેટલું જ અપ્રસ્તુત લાગવું જોઈએ. એ મુદ્દે જો કોઈ ચર્ચા હોઈ શકે તો તેની હાસ્યાસ્પદતાની અથવા તેની પાછળ રહેલા બદઈરાદાઓની જ હોય.

આવા ‘જો’ અને ‘તો’ દેશના વડાપ્રધાનના મોઢેથી નીકળે અને દેશની સંસદમાં ઉચ્ચારાય, ત્યારે સંબંધિત પાત્રોનું જ નહીં, આપણી, ભારતના નાગરિકોની સામાન્ય બુદ્ધિનું પણ અપમાન થતું લાગે છે. કૉંગ્રેસ લાંબો સમય સત્તામાં રહ્યો હોવાને કારણે તેને આવા ‘જો’ અને ‘તો’ નું શરણું લેવું પડ્યું નથી, પરંતુ દાયકાઓથી ચાલતાં આવાં અનેક અર્ધસત્યોને-જૂઠાણાંને રોકવામાં અને કચરાટોપલી ભેગા કરવામાં કૉંગ્રેસની નિષ્ફળતા પણ ઓછી ખેદજનક-શરમજનક નથી. આપણને રવાડે ચડાવવા એ નેતાઓનો ધંધો છે, પણ રવાડે ચડવું કે નહીં, તે આપણી પુખ્તતાનો અને સમજનો સવાલ છે.

Thursday, November 02, 2017

ગાંધીહત્યાની વિચારસરણી અને સરદાર

કેટલાક સમાચાર એટલા બધા જૂના હોય છે કે તે એકદમ નવા અને ‘બ્રેકિંગ’ લાગે. ગુંચવાડો થયો?  તો આ રહ્યો નમૂનો--ઉમાશંકર જોશીના તંત્રીપદે પ્રગટ થતા માસિક ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી, 1951ના અંકમાંથીઃ

‘હિંદુ મહાસભાનું અધિવેશન.
પૂનામાં ભરાયેલું આ અધિવેશન અને તેની સાથે મળેલી નિરાશ્રિતોની પરિષદ દેશમાં અત્યારે કેવાં બેજવાબદાર તત્ત્વો સળવળી રહ્યાં છે તેનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે. અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો તે એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યોઃ સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આનાથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?
અધિવેશન ઉપર દિલ્હીથી રાજપ્રમુખનો સંદેશો ગયો હતો! રાબેતા મુજબ કચેરીએ રાજપ્રમુખને પૂછ્યા પણ વગર સંદેશો મોકલી દીધો હતો એમ પાછળથી ખુલાસો કરવામાં આવ્યો છે. કચેરી પાસે આ બાબત જવાબ માગી પગલાં લેવાવાં જોઈએ.’

ઉમાશંકરની નાનકડી નોંધ એકથી વધુ કારણોસર ઘણી મહત્ત્વની છેઃ

૧) અભૂતપૂર્વ કોમી હિંસાનો દૌર તાજો હતો ત્યારે પણ, ગાંધીહત્યારાનો મહિમા ઉમાશંકર જોશીને અકળાવતો હતો. રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રવાદના નામે ચાલતો ગમે તેટલી દલીલોનો ખડકલો ગાંધીહત્યાને 1950ના કપરા કાળમાં વાજબી ઠરાવી શકતો ન હોય, તો ત્યાર પછીના સામાન્ય કહેવાય એવા કાળમાં ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ (ધર્મકાર્ય) કેવી રીતે કહી શકાય?  અને ગોડસેની વિચારધારાને યોગ્ય ઠરાવતા સંદેશાઓનું હવે નવા ઉત્સાહથી આદાનપ્રદાન થતું હોય, તેને શું કહેવું? કેવળ કરુણતા? કે ધીક્કારકેન્દ્રી વિચારધારા માટે ચાલુ રહેલું-નવેસરથી ઘટ્ટ બનેલું ચિંતાજનક વાતાવરણ?

૨) ગાંધીહત્યાની નૈતિક જવાબદારી ગૃહ મંત્રી તરીકે સરદારની કહેવાય કે નહીં, એવો બિનજરૂરી અને (સરદારને) અન્યાયી વિવાદ એ વખતે જાગ્યો હતો. સરદારના કેટલાક વિરોધીઓનો એક આરોપ એવો પણ હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે તે પૂરતા કડક નથી. મૌલાના આઝાદથી માંડીને કેટલાક  વર્તમાન અભ્યાસીઓ દ્વારા પણ એવાં આંગળીચીંધામણાં થતાં રહ્યાં છે. ત્યારે ભાગલા સમયનાં હિંદુ અંતિમવાદી પરિબળો સરદારને ‘પોતાના માણસ’ તરીકે જોતાં ન હતાં, તેનો સ્પષ્ટ ખ્યાલ ‘સંસ્કૃતિ’ની નોંધમાંથી આવે છે.

છેલ્લા ઘણા સમયથી જમણેરી અંતિમવાદી પરિબળો સરદારને એવી રીતે ગજવે ઘાલીને ફરે છે, જાણે સરદાર તેમની વિચારધારાના મશાલચી હોય. ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે ગાંધીહત્યાને ધર્મ્ય ગણતી વિચારધારાને 1950માં સરદાર જરાય આદરણીય લાગ્યા ન હતા. એટલે તેમના મૃત્યુ અંગે શોકઠરાવ પસાર કરવા જેટલા સાધારણ વિવેકમાંથી પણ એ લોકો ગયા. જમણેરી અંતિમવાદી રાજકારણની ઝેરી સંકુચિતતાનો ગાંધીહત્યા પછીના ક્રમે મૂકી શકાય એવો આ નમૂનો. પછીનાં વર્ષોમાં કોંગ્રેસે સરદારની વ્યવસ્થિત ઉપેક્ષા કરી, એટલે જમણેરીઓ દ્વારા તેમનું ‘અપહરણ’ શક્ય બન્યું.

૩) કમનસીબી એ વાતની થઈ કે વિરોધીઓ જે આરોપ મૂકીને સરદારની ટીકા કરતા હતા, એ જ આરોપસર જમણેરીઓને સરદાર માટે આકર્ષણ પેદા થયું. એ દૃષ્ટિએ જોતાં, તેમણે સરદારના ટીકાકારોની (ખોટી) ટીકાને સાચી પાડી અને સરદાર પ્રત્યે આદરના નામે તેમના અપમાનમાં સામેલ થયા. કહેવા પૂરતી તો સરદારની વાત ‘દેશની એકતા અને અખંડિતતાના ઘડવૈયા’ તરીકે કરવાની, પણ એ આદરને સહેજ ખોતરતાં સરદારને મુસ્લિમવિરોધી ગણવાની આ કહેવાતા સરદારપ્રેમીઓની માનસિકતા અચૂક છતી થઈ આવે.

ગાંધીહત્યા પછી સંઘ પરિવાર પર પ્રતિબંધ મૂકનાર અને પ્રતિબંધ ઉઠાવતી વખતે ચોક્કસ શરતો મૂકનાર સરદાર સંઘ પરિવાર વિશે એવું વિચારતા હતા કે તેમણે દેશની સેવા કરવી હોય તો (એ સમયની) કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સરેરાશ હિંદુઓ નિર્બળ છે અને વખત આવ્યે સ્વરક્ષા કે સ્વજનોની રક્ષા પણ કરી શકતા નથી, એનો તેમને અફસોસ હતો. ગાંધીજી પણ એવું જ માનતા હતા અને સમયાંતરે તેમણે એકથી વધુ વાર કહ્યું હતું કે અહિંસક પ્રતિકાર કરીને ખપી જવું એ શ્રેષ્ઠ રસ્તો છે, પણ એ ન ફાવે તો કાયરની માફક ભાગી છૂટવાને બદલે સામે લડવું. સરદારની બોલવાની રીત આકરી હતી. તેમની એકંદર કામગીરી, વલણ અને તેમના સમયને ધ્યાનમાં લીધા વિના તેમનાં કેટલાંક વિધાન રજૂ કરવામાં આવે તો તે કોમવાદી લાગી શકે. પરંતુ તેમની સમગ્ર કારકિર્દી અને કામગીરીને તપાસ્યા પછી તેમની પર કોમવાદી કે ‘મુસ્લિમવિરોધી’નું લેબલ લગાડી શકાય નહીં.

૪) ઉમાશંકર જોશીની નોંધમાં છેલ્લે રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપતિ)ની કચેરી વિશે પણ નુક્તચીની કરવામાં આવી હતી. તેનું હાર્દ એ હતું કે ગાંધીહત્યા માટે કારણભૂત વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનને ઉચ્ચ સત્તાસ્થાન કે બંધારણીય હોદ્દેદારો તરફથી ઔપચારિક શુભેચ્છા પાઠવવાનું યોગ્ય નથી. એ તેમને માન્યતા કે પ્રોત્સાહન આપ્યા બરાબર ગણાય.

ગાંધીહત્યાની વાત નીકળે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમાં સીધી રીતે સંડોવાયેલો નથી અને ગોડસેને સંઘ સાથે કશો સંબંધ ન હતો, એવી ટેકનિકલ દલીલ આગળ કરવામાં આવે છે. તેની ટેકનિકલ સચ્ચાઈ સ્વીકાર્યા પછી પણ દાયકાઓ સુધી સંઘ પરિવારે ગાંધીહત્યાને ધર્મ્ય કાર્ય તરીકે તરીકે ખપાવ્યા કરી, એ સચ્ચાઈ મટી જતી નથી. સર્વોદયી અગ્રણી હસમુખભાઈ પટેલે હમણાં આલેખેલાં સંભારણાં પ્રમાણે, કટોકટી વખતે જેલવાસ દરમિયાન સંઘ પરિવારના સભ્યો સાથીકેદીઓને  ગોડસે કેટલો રાષ્ટ્રવાદી હતો અને ગાંધીહત્યા કેવી રીતે યોગ્ય હતી, તે સમજાવવા ભરપૂર મહેનત કરતા હતા. ગાંધીહત્યાથી સરદારને ભારે આઘાત પામનાર સરદારને ગાંધીહત્યાનું તાર્કિક સમર્થન કરનારાઓ વિશે શું કહેવાનું હોત, એ કલ્પવું અઘરું નથી.

છેક 1920ના દાયકાથી સરદારને ગાંધીજી વિશે એવું લાગતું હતું કે તેમણે આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને હવે આપણે તેનો યથાશક્તિ અમલ કરવો જોઈએ. અમલ ન થાય તો સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે એ રસ્તે ચાલવાની આપણી શક્તિ નથી. ગાંધીના નામે ચાલતા દંભની સરદારને સખત ચીડ હતી. તો પોતાના નામે ચાલતા દંભ અને દેખાડાબાજી, મુસ્લિમવિરોધ અને કોમવાદથી સરદારને કેટલી ચીડ ચડતી હોત, એ પણ ધારી શકાય છે. પરંતુ મહાનુભાવોના નામે ચરી ખાનારા માટે તેમની ગેરહાજરી સૌથી મોટી સુવિધા બની રહે છે--પછી તે મહાનુભાવ સરદાર હોય કે ગાંધી, આંબેડકર હોય કે નહેરુ.. 

Monday, October 30, 2017

એક નવી શરૂઆતઃ 'વિકાસગીત'થી

ફેસબુક પરનાં મારાં સ્ટેટસ જોનારા મિત્રો જાણે છે તેમ, થોડા વિચાર પછી અને મિત્ર દીપક સોલિયાના ધક્કા પછી, છેવટે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચાર્યું. તેની આ પહેલી રજૂઆત છે. 

પહેલી વિડીયોનો વિષય રાજકારણ અથવા વધુ સાચી રીતે કહીએ તો, ગુજરાતનું જાહેર જીવન છે. પરંતુ આ ચેનલ પર ફક્ત  રાજકીય ચર્ચા માટે નથી. એ સિવાય ગમતાં પુસ્તકો, સંગીત અને બીજા વિષયો વિશે પણ ટૂંકમાં આ માધ્યમથી વાત કરવાનો ખ્યાલ છે--અઠવાડિયે એક કે બે વાર. 


કેટલાંક મિત્રોએ વ્યક્ત કરેલી વાજબી ચિંતાના અનુસંધાનમાં, ખાસ સ્પષ્ટતા એ કરવાની કે આ કશું લખવાના ભોગે નથી. આપણે જે કહેવું છે, પહોંચાડવું છે, જે શેર કરીને આનંદ કરવો છે, તેના માટે વધુ એક માધ્યમનો ઉપયોગ કરવાનો જ આશય છે.

તમને ગમે તો આનંદ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે લિન્ક તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ન ગમે તો વાંધો નહીં. જીવનમાં એવું બધું ચાલ્યા કરે :-)


Tuesday, October 27, 2015

સરદાર, ચીન અને વક્રતાનો સિલસિલો

 ‘ચીનની સરકારે શાંતિમય ઇરાદાઓની જાહેરાતોથી આપણને છેતરવાનો પ્રયત્ન કર્યો છે...આપણે આપણી જાતને ભલે ચીનના મિત્ર માનતા હોઇએ, ચીનાઓ આપણને એમના મિત્ર માનતા નથી. એમની સાથે નથી તે એમની સામે છેએવી સામ્યવાદી મનોવૃત્તિ હોવાથી આ એક અર્થસૂચક ચિહ્ન છે અને આપણે એની યોગ્ય નોંધ લેવી જોઇએ.આ વાક્યો સરદાર પટેલે ૭ નવેમ્બર, ૧૯૫૦ના રોજ, અવસાનનાં માંડ પાંચ અઠવાડિયાં પહેલાં, વડાપ્રધાન નેહરુને એક પત્રમાં લખ્યાં હતાં.

તિબેટના મુદ્દે ચીને ભારતના એલચીને અંધારામાં રાખીને, તેમને શાંતિપૂર્ણ કાર્યવાહીનું આશ્વાસન આપીનેતિબેટ પર સૈન્ય મોકલ્યું. એ કાર્યવાહીને સરદારે વિશ્વાસઘાતગણાવી અને ચીને ભારતને આપેલા ઉદ્ધત-ઉડાઉ જવાબ વિશે લખ્યું, ‘એમ દેખાય છે કે જાણે આ ભાષામાં કોઇ મિત્ર નહીં, પણ ભાવિ દુશ્મન બોલી રહ્યો છે.

ચીન વિશે સરદારની ચિંતા બેધારી હતી : સરહદી અને આંતરિક. ભારત અને ચીન વચ્ચેથી તિબેટનું બફરનાબૂદ થઇ ગયા પછી, ભારતના સામ્યવાદીઓ માટે ચીન પાસેથી શસ્ત્રોની અને બીજી સહાય મેળવવાનું સહેલું બની જાય. એને સરદારે ગંભીર આંતરિક સમસ્યાગણાવી, જ્યારે સરહદી વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરી  કે આક્રમણ ચિંતાજનક બાહ્ય શક્યતા હતી. આટલું થયા પછી પણ શાંતિદૂતની ભૂમિકામાં રજૂ થવા આતુર પંડિત નેહરુ યુનોમાં ચીનના સભ્યપદના દાવાને ટેકો આપવાના મતના હતા. તેની સામે ચેતવણી આપવાની સાથોસાથ સરદારે પત્રમાં ચીની ખતરા અંગે અગિયાર મુદ્દા મૂક્યા હતા. તેમાં પહેલો મુદ્દો હતો : ભારતની સરહદ પર અને આપણી આંતરિક સલામતી પર ચીનના જોખમ અંગે એક લશ્કરી અને જાસૂસી મૂલ્યાંકન.નેહરુએ શાંતિપ્રિય દેખાવા માટે સૈન્યસજ્જતાને તડકે મૂકી દીધી, ત્યારે સરદારે ૧૯૫૦માં ચીનના સંદર્ભે લખ્યું હતું,‘આપણે શસ્ત્રો, દારૂગોળો અને બખ્તરિયાં વાહનોનો આપણો પુરવઠો પાકો નહીં કરીએ, તો આપણી સંરક્ષણ સ્થિતિ કાયમ માટે નબળી બનાવી દઇશું...

ચીનની દાનત વિશે સરદારે વ્યક્ત કરેલી બધી આશંકાઓ તેમના મૃત્યુ પછી કરુણ રીતે સાચી પડી. ચીને તિબેટ હડપ કર્યા પછી પણ શાંતિનો દંભ ચાલુ રાખ્યો, પંચશીલના સિદ્ધાંતો પર સહી કરી અને પંડિત નેહરુને સુખદ ભ્રમમાં રાખ્યા. બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો સ્થપાયા. પરંતુ ચીની દૈત્ય એમ જંપે? તેણે લદ્દાખ અને સિક્કિમના પ્રદેશો પર પોતાનો દાવો કર્યો. ૧૯૬૨માં થયેલા પૂરા કદના યુદ્ધ પછી ચીને જમ્મુ-કાશ્મીરમાં ગણાતો અક્સાઇ ચીનનો આશરે ૩૮ હજાર ચોરસ કિલોમીટરનો પ્રદેશ ભારત પાસેથી પડાવી લીધો, જે હજુ ચીનના કબજામાં છે અને ભારત કશું કરી શક્યું નથી. પાકિસ્તાને ભારત પાસેથી આંચકી લીધેલા કાશ્મીરમાંથી ૫,૧૮૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીનને ભેટ ધર્યો. તેની સામે પણ ભારતનો વિરોધ છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશને (ચીનના તાબામાં રહેલા) તિબેટથી અલગ પાડતી મેકમોહન રેખા ચીનને સ્વીકાર્ય નથી. અરુણાચલ પ્રદેશ પર ચીનનો ડોળો મંડાયેલો છે અને ચીનનાં તેવર વધુ ને વધુ આક્રમક બની રહ્યાં છે. લશ્કરી તાકાતની અને દાંડાઇની બાબતમાં ચીન કોઇને ગાંઠે એમ નથી, તો સસ્તા ભાવે તકલાદી માલ ઠાલવીને વ્યાપારી સંબંધોના નામે ભારત જેવા દેશોના અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં ચીન પાવરઘું છે.

ચીનના પ્રતિકાર માટે લાંબા ગાળાની, ઠરેલ અને મક્કમ નીતિની આવશ્યકતા છે. કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારો તેમાં નિષ્ફળ નીવડી હતી, તો વિપક્ષમાં રહીને  રાષ્ટ્રવાદની મર્દાના વાતો કરતા ભાજપ અને તેની આગેવાની હેઠળની સરકારના વડાપ્રધાને ચીનના મુદ્દે શું કર્યું છે? દોઢ વર્ષના સમયમાં તેમના અગાઉના હાકોટાને અનુરૂપ એકેય કદમ ભરાયું હોય એવું લાગ્યું નથી. ઉપરથી તેમણે ચીની વડાને સાબરમતીના રીવરફ્રન્ટ પર સંખેડાના હિંચકે ઝુલાવ્યા અને ચીનવિજય કર્યો હોય એવા ઉત્સાહથી ચીનયાત્રાના સચિત્ર ટ્‌વીટ કર્યા. હવે સમાચાર આવ્યા છે કે વિશ્વમાં સૌથી ઊંચા પૂતળા તરીકેનો રેકોર્ડ સર્જવા માટે તૈયાર થનાર સરદારના પૂતળાનો (સ્ટેચ્યુ ઓફ યુનિટીનો) મહત્ત્વનો હિસ્સો ચીનમાં બનવાનો છે. પૂતળું બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ તો ભારતીય કંપનીને મળ્યો હતો, પણ એ કંપનીએ પૂતળાનું સ્ટીલનું માળખું અને તેની ઉપરના કાંસાના આવરણ (બ્રોન્ઝ ક્લેડિંગ)નો પેટાકોન્ટ્રાક્ટ ચીનની કંપનીને આપ્યો છે. આ ઉપરાંત, પૂતળા માટે કોન્ક્રીટનો પાયો બનાવવામાં મદદ કરવા માટે ચીનથી કારીગરો ગુજરાત આવવાના છે.

આખી વાતમાં ગુજરાત સરકારે એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કે એમણે તો ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ક્યાં કામ કરાવવું એ હવે કંપની જાણે. પરિણામે બનશે એવું કે ભારતનો ૩૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડનાર ચીનમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદારના પૂતળાનું મુખ્ય માળખું બનશે. ભારતની યુનિટી પર ભૂતકાળમાં તરાપ મારી ચૂકેલા અને ભવિષ્યમાં ખતરા તરીકે ઝળુંબતા ચીનમાં ભારતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે અને તેના વિશે ભારતીયોએ તેનું ગૌરવ લેવાનું રહેશે. આ સ્થિતિના સર્જનમાં સરકારનો ભલે સીધો વાંક ન હોય, પણ આ સ્થિતિ નભાવી લેવામાં અને તેને કોન્ટ્રાક્ટરનો નિર્ણયગણીને હાથ ખંખેરી નાખવા બદલ સરકાર પૂરેપૂરી દોષી ન ગણાય? ધારો કે આ પેટાકોન્ટ્રાક્ટ ચીનને બદલે પાકિસ્તાનની કોઇ કંપનીને અપાયો હોત તો, ગુજરાત સરકારનું વલણ આવું જ હોત?

આ શરમજનક પરિસ્થિતિમાં રહેલી અને નરી આંખે જોઇ શકાય એવી વક્રતાઓની અછડતી યાદી :

૧) ભારતની એકતા-અખંડિતતાના શિલ્પીની વિશ્વવિક્રમી પ્રતિમાનું સર્જન ભારતની ભૌગોલિક એકતા ખંડિત કરનારા દેશમાં.

૨) અખંડિતતાના શિલ્પીનું પૂતળું ચીનથી જુદા જુદા ભાગોમાં ભારત આવશે. ભારતનું વિલીનીકરણ કરનાર સરદારના પૂતળાના વિવિધ ભાગોનું વિલીનીકરણકરવા માટે ચીનથી ખાસ કારીગરો ગુજરાત આવશે અને સરદારના પૂતળાને એકતા-અખંડિતતા પ્રદાન કરશે.

૩) આવા વખતે  કેન્દ્રમાં અને રાજ્યમાં, ભારતની એકતા-અખંડિતતા વિશે અને જમ્મુ-કાશ્મીર વિશે સૌથી વઘુ રાજકીય ઘોંઘાટ મચાવનાર ભાજપની સરકાર છે.

૪) વડાપ્રધાનની મેક ઇન ઇન્ડિયાઝુંબેશ હજુ ચાલુ છે, પણ તે વિશ્વભરમાં ભારતનો જયજયકાર કરવાના હેતુથી ઊભા થનારા પૂતળાને લાગુ પડતી નથી.

૫) અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવનાર અને પૂતળાંબાજીના વિરોધી સરદારના પૂતળા પાછળ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો.

૬) દેશભરના ખેડૂતો પાસેથી ખેતનાં ઓજારસ્વરૂપે લોખંડ મેળવવાના (અને એનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરવાના) દાવા સાથે બધાં રાજ્યોમાં ખટારા રવાના કરવામાં આવ્યા હતા. પણ આ કિસ્સામાં વડાપ્રધાનની આબાદ ઇવેન્ટ મેનેજરી કામયાબ ન થઇ.

૭) દાવો વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવીને અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પૂતળાને ઢાંકી દેવાનો છે, પણ લધુતાગ્રંથિમાંથી જન્મેલી નકલવૃત્તિને લીધે તેનું નામ પાડ્યું છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી’/statue of unity--જે બોલતી વખતે સતત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી/statue of liberty યાદ આવતું રહે.


આને મેડ ઇન ચાઇનારાષ્ટ્રવાદ કહેવાય

Sunday, September 06, 2015

‘પાટીદાર’ સામયિકના તંત્રી, ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને પાટીદારમાસિકના તંત્રીનું સ્મરણ

(LtoR) Mahadev Desai (standing), Sardar Patel, Narsinhbhai
Patel/મહાદેવ દેસાઇ, સરદાર પટેલ, નરસિંહભાઇ પટેલ
ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ક્રાંતિજેવા શબ્દોનું જે હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઇ પટેલનું નામ ભૂલાઇ ગયાથી રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને જોખમે જ વિસરી શકે.

કોણ હતા નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ? અને શા માટે તેમને મૃત્યુનાં સિત્તેર વર્ષ પછી પણ યાદ કરવા પડે? આણંદમાં પોતાના ઘરને પાટીદાર મંદિરજેવું નામ આપનાર નરસિંહભાઇએ એકવીસ વર્ષ સુધી પાટીદારમાસિક ચલાવ્યું. જ્ઞાતિનું માસિક કેવું હોવું જોઇએ, એનું તે આદર્શ ઉદાહરણ છે. જમાનાથી આગળ હોવું એ નરસિંહભાઇની ખાસિયત હતી. એટલે જ, દીકરીઓ સાપનો ભારોગણાતી એવા વખતે નરસિંહભાઇની દીકરીઓ શાંતાબહેન અને વિમળાબહેન તેમની સાથીદાર બની. આઝાદીની ચળવળમાં નરસિંહભાઇ જેલમાં જાય ત્યારે પાટીદારનું કામકાજ દીકરીઓ સંભાળતી.

સરદાર પટેલ કરતાં એક વર્ષ મોટા (જન્મઃ ૧૮૭૪) અને સ્કૂલમાં સરદારની સાથે ભણેલા નરસિંહભાઇ શરૂઆતમાં બોમ્બ દ્વારા ક્રાંતિના સમર્થક હતા. વનસ્પતિની દવાઓજેવા છદ્મનામે તેમણે બોમ્બ બનાવવાની રીતોના બંગાળી પુસ્તકનો અનુવાદ કર્યો. અંગ્રેજ સરકારના ગુપ્તચર વિભાગે તેમને ધ મોસ્ટ ડેન્જરસ મેન ઇન બોમ્બે પ્રેસિડેન્સી’ (બોમ્બે પ્રાંતના સૌથી ખતરનાક માણસ) ગણાવ્યા હતા. કાળા પાણીની સજાની સંભાવના પારખીને તે થોડો સમય આફ્રિકા જતા રહ્યા અને ત્યાં ફ્રેન્ચ અને જર્મન શાસન ધરાવતા પ્રદેશોમાં રહ્યા. એવા વિપરીત સંજોગોમાં તે જર્મન ભાષા શીખ્યા અને વિલિયમ ટેલના જીવનચરિત્રનો જર્મનીમાંથી અનુવાદ કર્યો. ત્યાર પહેલાં ભારતમાં તેમણે ગેરિબાલ્ડી, મેઝિની જેવા રાષ્ટ્રનાયકોનાં ચરિત્રો લખ્યાં હતા. તોલસ્તોયનાં લખાણનો પહેલો પરિચય તેમને કવિ કાન્ત’ (મણિશંકર ભટ્ટ) દ્વારા થયો. પણ બંગાળાના ભાગલા વખતે તે હિંસાના પંથ તરફ વળી ગયા. આફ્રિકા ગયા પછી એ મર્ડરર્સ રીમોર્સજેવા તોલસ્તોયના પુસ્તકની જૂની અસર તાજી થઇ અને અહિંસાના સંસ્કાર દૃઢ બન્યા.

આફ્રિકામાં તે ગાંધીજીના મિત્ર ચાર્લીદીનબંધુએન્ડ્રુઝના સંપર્કમાં આવ્યા. એન્ડ્રુઝ સાથે જ તે શાંતિનિકેતનઆવ્યા અને જર્મન ભાષાના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ વર્ષ રહ્યા પછી દમના રોગને કારણે તે આણંદમાં વસ્યા અને આઝાદીની લડતમાં ગાંધી-સરદારના સાથી બન્યા. ગાંધીજી પ્રત્યે તેમને અહોભાવ વગરનો આદરભાવ હતો. ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે નરસિંહભાઇએ આણંદથી બોરિયાવી સામા જઇને ગાંધીજીનું સામૈયું કર્યું હતું અને તેમની સાથે કૂચમાં જોડાઇને આણંદ આવ્યા હતા.

પરંતુ પણ દલિતોને પ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તુરબા ગયાં અને ગાંધીજીએ નારાજ થઇને તેમને નોટિસ-અંદાજમાં પૂછ્‌યું કે મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ ત્યારે નરસિંહભાઇએ પાટીદારમાસિકમાં લખ્યું હતું, ‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહીં, એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી...પરંતુ પુરૂષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી.નરસિંહભાઇનું પુસ્તક લગ્નપ્રપંચ’  સ્ત્રીઓના શોષણનો ઉગ્ર વિરોધ અને તેમની સમાનતાની જુસ્સાદાર હિમાયત કરનારું હતું. પશ્ચિમી દેશોમાં ફેમિનિઝમની ઝુંબેશ શરૂ થઇ તે પહેલાં લખાયેલા એ પુસ્તકને કારણે કિશોરલાલ મશરૂવાળા જેવા ગાંધીવાદી ચિંતકે નરસિંહભાઇને સ્ત્રીજાતિના એક મોટા વકીલતરીકે ઓળખાવ્યા.

નરસિંહભાઇનું બીજું ક્રાંતિકારી પુસ્તક હતું ઇશ્વરનો ઇન્કાર’. નાસ્તિકતા વિશેના વિચાર આટલા તર્કબદ્ધ રીતે અને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાનું  આજે પણ સહેલું નથી, ત્યારે ૧૯૩૩માં આવું પુસ્તક લખનાર નરસિંહભાઇની વૈચારિક સ્પષ્ટતા અને નૈતિક હિંમત વિશે કલ્પના કરવી રહી. ત્યાર પછી એક પ્રસંગે નડિયાદની અદાલતમાં જુબાની પહેલાં સોગંદ લેવાના થયા ત્યારે નરસિંહભાઇએ કહ્યું હતું,‘હું ઇશ્વરને માનતો નથીઅને માનતો હોઉં તોય સોગંદ લેવા એ મારા ધર્મવિરુદ્ધ માનું છું.ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ છેવટે સાચું બોલવાની પ્રતિજ્ઞા લઇને નરસિંહભાઇને સાક્ષી આપવાની રજા મળી. જુબાની પૂરી થયા પછી એક વકીલે કહ્યું, ‘એટ લાસ્ટ, નરસિંહભાઇ એન્ડ ટ્રુથ ઓલ આર વન એન્ડ ધ સેમ.’ (આખરે, નરસિંહભાઇ અને સત્ય એક જ છે.’) એ સાંભળીને ન્યાયાધીશે કહ્યું, ‘યસ.નરસિંહભાઇનાં લખેલાં કેટલાંક પુસ્તકો ગાંધીજીએ જેલવાસ દરમિયાન વાંચ્યાં હોવાની નોંધ મળે છે. તેમાં પણ આફ્રિકાના પત્રોવાંચ્યા પછી ગાંધીજીએ મહાદેવભાઇને કહ્યું હતું કે એમનું (નરસિંહભાઇનું) નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.

સરદાર પટેલની જેમ પાટીદારના કુરિવાજો વિશે ચીડ ધરાવતા નરસિંહભાઇ સુધારાની શરૂઆત ઘરથી કરવામાં માનનારા હતા. ભાઇના લગ્ન પ્રસંગે પિતાએ કન્યાપક્ષ પાસે દહેજ માગ્યું. નરસિંહભાઇ ત્યારે કોલેજમાં ભણે. તેમણે દહેજનો વિરોધ કર્યો, એટલે પિતાજીએ તેમને કહ્યું, ‘દહેજ ન લઉં તો તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’  એ સાંભળીને નરસિંહભાઇએ નિર્ણય કર્યો, ‘મારો અભ્યાસ દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.અને એેમણે અભ્યાસ છોડીને શિક્ષકની નોકરી લઇ લીધી.

આફ્રિકા-શાંતિનિકેતન થઇને આણંદ આવ્યા પછી ૧૯૨૪માં તેમણે પાટીદારમાસિક શરૂ કર્યું. સામાન્ય રીતે જ્ઞાતિનાં માસિકો જ્ઞાતિગૌરવની લાગણીમાં અને જ્ઞાતિવાદની સંકુચિતતામાં હિલોળા લેનારાં હોય છે, પરંતુ નરસિંહભાઇનું પાટીદારએમાંનું ન હતું. પાટીદારના જેઠ, સંવત ૧૯૮૮ના અંકમાં  પ્રગટ થયેલા એક પત્રમાં નરસિંહભાઇએ લખ્યું હતું, ‘બેશક પાટીદારમારું અંતિમ ધ્યેય નથી. પાટીદાર’, ‘હિંદુએ નામનો તો નાશ જ થવો જોઇએ. માનવીએ જ સ્વાભાવિક નામ હોઇ શકે. પાટીદારપાટીદાર મટી માણસ થાય એ જ પાટીદારચલાવવાનો મારો હેતુ છે. અંતિમ ધ્યેય છે. એ હેતુ, એ ધ્યેય સિદ્ધ ન પણ થાય. પણ તોય એમાં મારે શું? મારે તો મારું કરવું રહ્યું. તે કર્યા કરીશ. એમાંય અંતરાયો ક્યાં નથી?’

પાટીદારના કારતક, સંવત ૨૦૦૧ના અંકમાં નરસિંહભાઇએ વિદાયનોંધ લખી. સ્થાપક અને નિવૃત્ત તંત્રી : શ્રી નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલએવી ક્રેડિટ ધરાવતા એ અંકમાં તેમણે પત્નીના અવસાનથી આવેલી માનસિક અપંગતા અને લકવાના પરિણામે  ડાબા હાથે આવેલી અપંગતાની વાત કરીને લખ્યું હતું, ‘પાટીદાર શરૂ કર્યું ત્યારથી જમણો હાથ થાક્યાના પરિણામે ડાબે હાથે બઘું લખવાનું કામ કરું છું. પણ તે જ હાથે લકવો થયાથી હવે લખવાની કંઇ પ્રવૃત્તિ થઇ શકે એમ નથી. તેથી પાટીદારચલાવવું મુશ્કેલ જણાય છે. તેથી એકવીસ વર્ષ સુધી પાટીદારને પાળીપોષીને મોટું કર્યા પછી ચાલુ અંકથી તેને ચલાવવાનું તંત્રી ભાઇ ઇશ્વર પેટલીકરને સોંપી દઇને હું તમારી સૌની વદાય લઉં છું...

છેલ્લી અવસ્થામાં શારીરિક રીતે અપંગ બન્યા પછી પણ નરસિંહભાઇની વૈચારિક સ્પષ્ટતા અડીખમ રહી. આઝાદી મળ્યાનાં બે વર્ષ પહેલાં ૨૭ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ તેમનું અવસાન થયું. પછીનાં વર્ષોમાં દેશભક્તોને તેમના કર્મના આધારે નહીં, પણ તેમના જન્મની જ્ઞાતિના આધારે વટાવી ખાવાનો રાજકીય અને સામાજિક ધંધો શરૂ થયો, ત્યાં સુધીમાં નરસિંહભાઇની વિસ્મૃતિ સંપૂર્ણ બની ચૂકી હતી.

Monday, August 17, 2015

ગાંધી-સરદારના સાથીદારો : જરા યાદ ઇન્હેં ભી કર લો

'દિવ્ય ભાસ્કર' માટે 15 ઓગસ્ટ, 2015 નિમિત્તે ગાધી-સરદારના કેટલાક ઓછા જાણીતા કે વિસરાયેલા કે બન્ને પ્રકારના સાથીદારો વિશે ટૂંકી છતાં જાણવા જેવી માહિતી અને તેમાંથી કેટલાકની ગુગલ પર પણ ન મળે એવી તસવીર. 
લેખન : ઉર્વીશ કોઠારી, અશ્વિન ચૌહાણ, કિરણ કાપુરે, ચંદુ મહેરિયા
ડિઝાઇન : નરેશ ખીંચી
(પાના પર રાઇટ ક્લિક કરીને સેવ કર્યા પછી, ઝૂમ કરીને પાનું વ્યવસ્થિત વાંચી શકાશે)

Thursday, March 05, 2015

`સરદારઃ સાચો માણસ, સાચી વાત` : દસ વર્ષ પછી...

સરદારઃ સાચો માણસ, સાચી વાત  (ઉર્વીશ કોઠારી)
Sardar : sacho manas, sachi vaat by Urvish Kothari

મિત્ર પ્રણવ અધ્યારુએ યાદ કરાવ્યુંઃ આજથી બરાબર દસ વર્ષ પહેલાં, ૫-૩-૨૦૦૫ના રોજ, રાજકોટના હેમુ ગઢવી હોલમાં ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’નું વિમોચન થયું હતું. મારું સ્વતંત્રપણે થયેલું એ પહેલું પુસ્તક. અપૂર્વ આશર સાથે કરેલું એ પહેલું કામ. ’આરપાર’ સાપ્તાહિકના ઉત્સાહી માલિક મનોજ ભીમાણીના ઉત્સાહથી શરૂ થયેલી પ્રકાશન સંસ્થા ’સત્ય મીડિયા’નું એ પહેલું પુસ્તક. પ્રણવ અધ્યારુનું સંચાલન ધરાવતો એ પહેલો કાર્યક્રમ. 

પ્રણવના ફોનથી ખરાબ સ્મરણશક્તિએ પણ ઘણું યાદ આવ્યું. ’આરપાર’માં મનોજ ભીમાણીનું આર્થિક પીઠબળ અને પ્રોત્સાહન, પ્રણવના અવનવા આઇડીયા તથા મારું લેખન- આ ત્રણેની જોરદાર જુગલબંદી જામી હતી. તેના વિશેષાંકો અમે બહુ આનંદથી અને બહુ વિશિષ્ટ બનાવ્યા હતા. એક પણ ગુજરાતી હાસ્યલેખક વગરના હાસ્યવિશેષાંક (હોળીવિશેષાંક, ૨૦૦૨)થી શરૂ થયેલા એ સિલસિલામાં ફિલ્મસંગીત અંક અને ગાંધીઅંક પછી સરદાર સ્પેશ્યલ કરવાનું વિચાર્યું. એ વખતે ખ્યાલ ન હતો કે સરદાર સાથેનો નાતો એક વિશેષાંક પૂરતો નહીં, પણ તેનાથી ઘણો લાંબો અને ઘણો વધારે ફળદાયી નીવડશે.  ’આરપાર’ના વિશેષાંકનું ટાઇટલ પેજ વિખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ પ્રેમપૂર્વક અમને કરી આપ્યું, જે એકદમ બિનપરંપરાગત હતું. એ ટાઇટલની થોડી એન્લાર્જ અને લેમિનેટ કરેલી આવૃત્તિ આજે પણ ઘરની લાયબ્રેરીમાં પ્રવેશનારનું સ્વાગત કરે છે. 

વૃંદાવન સોલંકી/ vrundavan solanki એ તૈયાર કરેલું
આરપારના સરદાર સ્પેશ્યલ અંકનું ટાઇટલ પેજ
@Kotharis', Luharvad, Mahemdavad
સરદાર સ્પેશ્યલ અંકનો ભવ્ય વિમોચન સમારંભ શાહીબાગના સરદાર સ્મારકમાં યોજાયો, જેમાં બીજા અનેક સ્નેહીઓ ઉપરાંત સરદારની તસવીરો લેનારાં બે તસવીરકારો- હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ પણ સમારંભમાં ઉપસ્થિત હતાં. એ કાર્યક્રમનું સંચાલન પ્રેમપૂર્વક અશ્વિનીભાઇએ (અશ્વિની ભટ્ટે) કર્યું હતું. અંકને મળેલા સરસ પ્રતિસાદ પછી સરદારનું પુસ્તક કરવાનું ઠર્યું. ’પરણું તો એને જ’ પ્રકારનો મારો આગ્રહ હતો કે આ પુસ્તક કરાવવું તો અપૂર્વ આશર પાસે જ. ત્યાં સુધીમાં હું તેમનાં કામ જોઇ ચૂકેલો અને એ માટે બહુ પ્રેમાદર હતો. હું અને પ્રણવ અપૂર્વને સેન્ચુરી બજાર (અમદાવાદ)માં આવેલી ’ઇમેજ’ની ઓફિસ પર મળ્યા હતા. સાથે સરદારનો અંક રાખ્યો હતો. બીજા સંવાદ તો યાદ નથી, પણ મેં અપૂર્વને એટલું જ કહ્યું હતું કે ’આપણે આ અંકને કાચા પૂઠામાંથી પાકા પૂંઠાનો કરીને એવી રીતે પુસ્તક બનાવવાનું નથી. ’ અપૂર્વને તો આટલું પણ કહેવાનું ન હોય. છતાં પહેલી વાર હતું એટલે કહ્યું. 

એ પુસ્તકના કામ નિમિત્તે અપૂર્વ આશરના બોપલના ઘરે અવરજવર થઇ. સવારથી સાંજ એમના ઘરે બેસીને તેમને કામ કરતા જોવાનું થાય. તેમના પ્રતાપી પિતા - ’વોરા પ્રકાશન’ના શિવજીભાઇ આશર, અપૂર્વનાં મમ્મી, તેમનાં પત્ની-દીકરીઓ અને વિદુલાબહેન, આ બધાએ એટલો પ્રેમ અને ઉમળકો દર્શાવ્યાં કે ત્યારથી પુસ્તક થતાં પહેલાં જ એક મજબૂત મિત્રની સપરિવાર ઉપલબ્ધિ થઇ. તેમની સાથે ડાઇનિંગ ટેબલ પર મારું ટિફિન ખોલીને જમવામાં અને તેમના ભોજનમાંથી ભાગ પડાવવા ભોજન કરતાં નિઃસ્વાર્થ આત્મીયતાનો સ્વાદ ચડી જતો હતો. પુસ્તકના ટાઇટલના અપૂર્વે બે વિકલ્પ તૈયાર કર્યા હતા. પણ તેમાંથી આ પોસ્ટની શરૂઆતમાં મૂકેલું ટાઇટલ અમને બહુ ગમ્યું. મનોજ ભીમાણી અને પ્રણવ અધ્યારુ તો એક વાર અપૂર્વના ઘરે, ફક્ત અમે નક્કી કરેલું ટાઇટલ જોવા આવ્યા હતા. પુસ્તકનું શીર્ષક ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પ્રણવ અધ્યારુએ આપેલું હતું. આખા પુસ્તકમાં વિવિધ પ્રકારની સામગ્રીની અપૂર્વ આશરે જે કળાત્મક રીતે અને મેટરની સાથે એકરૂપતાથી ગૂંથણી કરી હતી, તેનાથી એ પુસ્તક જેટલું મારું એટલું જ અપૂર્વનું પણ બન્યું. 

પુસ્તકનો વિમોચન સમારંભ રાજકોટમાં રાખવાનું મનોજભાઇએ નક્કી કર્યું. તેમના ખાસ મિત્ર અને ’અકીલા’ના તંત્રી કિરીટ ગણાત્રા પુસ્તકનું વિમોચન કરવાના હતા. ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. આ વિશિષ્ટ સમારંભનું વિશિષ્ટ કાર્ડ પ્રણવે તેની આગવી શૈલીમાં તૈયાર કર્યું હતું. એ સમારંભનું કવર અને અંદરનું કાર્ડ

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડનું કવર
’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૧

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૨
સમારંભમાં ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. એ ઉપરાંત પ્રાણલાલ પટેલ પણ હાજર રહ્યા હતા. મનોજભાઇના ખાસ મિત્ર અને ’અકીલા’ દૈનિકના તંત્રી કિરીટભાઇ ગણાત્રાએ પુસ્તકનું વિમોચન કર્યું. બક્ષીએ બેઠાં બેઠાં પ્રવચન આપ્યું અને પ્રવચનની શરૂઆતમાં કહ્યું, ’મોરારીબાપુને જ્યારથી ટીવી પર બોલતા જોયા ત્યારથી લાગ્યું છે કે બેસીને પ્રવચન કરવાના ઘણા ફાયદા છે.’ આ સમારંભના વક્તાઓ વિશે થોડું કહી શકાય એમ છે, પણ અે ફિર કભી.

આ સમારંભ માટે ’આરપાર’ની અમદાવાદ ઓફિસથી એક મિનીબસ ઉપડી હતી અને તેમાં ઘણા સ્નેહી-મિત્રો-વડીલો ઉલટભેર જોડાયા હતા. તેમણે આ પ્રસંગને મારા માટે અંગત રીતે જીવનનો અવિસ્મરણીય દિવસ બનાવી દીધો. પરમ મિત્ર પૂર્વી ગજ્જર એ વખતે રાજકોટ આવી હતી. એટલે એ પણ ત્યાં મળી. મહેમદાવાદ આઇ.વાય.સી.ના (બીરેનના) મિત્રો અજય પરીખ, વિપુલ રાવલ અને પૈલેશ શાહ આવ્યા હતા, તો જગદીશ પાટડિયા જેવા અમારા ત્યાર પછીના અમદાવાદના કાર્યક્રમોમાં ભાગ્યે જ આવી શકતા મિત્ર પણ રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામોફોન ક્લબનાં મહેશભાઇ-ગીતાબહેન- ચંદ્રશેખરભાઇ હોય કે પછી સલિલ દલાલ કે પછી અવંતિકા ગુણવંત જેવાં ’આરપાર’નાં લેખિકા કે પછી પત્રકારત્વના ક્ષેત્રથી દૂર એવો, મારો ગુજરાત રિફાઇનરીના (અને ત્યાર પછી બેકારીના) જમાનાનો પરમ મિત્ર (કસ્ટમ્સ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર) બીરેન મહેતા- આવા જિગરીઓ સાથે રાજકોટથી વળતાં બસમાં પાછો આવ્યો, ત્યારે મને એવું લાગતું હતું, જાણે હું જાનમાં (પરણીને) પાછો જાઉં છું. :-)  (એ જુદી વાત છે કે લગ્ન વખતે અમે ઘરમાં સાત-આઠ જણ ’જાન’ તરીકે ગયાં હતાં અને એક સભ્યનો વધારો કરીને પાછાં આવી ગયાં હતાં.)

L to R : Biren, Sonal (with Aastha), Urvish, Rajnikumar Pandya, Tarulata
Dave, Kamini Kothari, (kids l to r) Ravi, Ishan, Shachi Kothari (Rajkot)
L to R : Biren Kothari, Binit Modi, Pranlal Patel, Urvish Kothari (Rajkot)
L to R : Ajay Parikh, Vipul Raval, Urvish Kothari, Pailesh Shah, Shachi, Kamini
Kothari, Biren Mehta (Rajkot)
આ પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા પ્રતિભાવ-પત્રો મળ્યા. અભ્યાસી વડીલ મિત્ર રમેશ ઓઝાએ બહુ લંબાણથી પત્ર લખ્યો. તેમાં ભારે પ્રોત્સાહન ઉપરાંત સરદાર વિશેની મારી સમજ વધારે બારીક બનાવે એવા કેટલાક મુદ્દા હતા. તેમના એ પત્રનો મેં ’સરદાર’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ ઉલ્લેખ કર્યો છે. એવા બધા તો નહીં, પણ ત્રણ સાવ જુદા અને વિશિષ્ટ પત્રો કે તેના અંશ અહીં મૂકુું છું.

Ashwin Mehta about Urvish Kothari's 'Sardar...'
વિખ્યાત તસવીરકાર અશ્વિન મહેતાએ પુસ્તકની પહોંચરૂપે બિનીતને લખેલા પત્રમાં લખ્યું હતું, ’તમારા તરફથી અદભૂત પુસ્તક મળ્યું. ઉર્વીશભાઇને ઢગલો અભિનંદન. બધી દૃષ્ટિએ પરિપૂર્ણ થયું છે. (અપૂર્વનો હાથ છૂપો રહેતો નથી. એને પણ મારાં અભિનંદન) એક્કી બેઠકે, છૂટાંછવાયાં, ત્રીસ-ચાલીસ પાનાં વાંચી ગયો...

Bakul Tripathi's letter to Urvish Kothari -1

Bakul Tripathi's letter to Urvish Kothari -2

બકુલ ત્રિપાઠીએ તેમના અટપટા અક્ષરોમાં ઉમળકાથી લખ્યુંઃ
’ઓ ભાઇ ઉર્વીશ, ધારેલું કે આખું પછી નિરાંતે વાંચીશ. ૨૭મીએ મુંબઇ જવું છે, એટલે હમણાં કામનો ભાર ઘણો છે)..એટલે પહેલું પ્રકરણ ચાવી લઉં. પણ તરત જ પ્રભાવિત થયો. પહેલા પ્રકરણનું લંબાણ વિવેચન- એપ્રીસીએશન- તમને લખું તેમ હતું પણ ૨૯મી પાસે આવી. ન લખાયું. પણ પ્રકરણો અણધાર્યાં ’સરદાર અને અભિવ્યક્તિ’ સુધી મને ખેંચી ગયાં. હવે બ્રેક. મારી, આ પત્ર તમને લખીને ફરજીયાત ’ઇન્ટર્વલ’ પાડી દઉં છું. સરસ પત્રકાર કાર્ય, સંપાદન કાર્ય અને સંદર્ભ સાહિત્યકાર કાર્ય તમે કર્યું છે. અભિનંદન. ’અભિવ્યક્તિ’વાળું પ્રકરણ તો બેનમૂન....’


આ પુસ્તકની કેટલીક વિશિષ્ટ અને અનોખી સામગ્રીમાં ’ફિલ્મ ઇન્ડિયા’ ફિલ્મમાસિકમાં ચાળીસીના દાયકામાં પ્રગટ થયેલાં કેટલાંક સરદારવિષયક કાર્ટૂન પણ હતાં,  (જેમાંથી કેટલાંક બાળ ઠાકરેનાં દોરેલાં,) ’ફિલ્મઇન્ડિયા’ સામયિકના દિવંગત તંત્રી બાબુરાવ પટેલનાં પત્ની સુશીલારાની પટેલને પણ આ પુસ્તક મોકલ્યું હતું, તેનો એમણે સુવાચ્ય અંગ્રેજીમાં લખેલો જવાબ ઉપર છે.

આ ,,સિવાય વિનોદ ભટ્ટ અને રજનીકુમાર પંડ્યા જેવા ગુરુજનોથી માંડીને અજાણ્યા-અપરિચિત અનેક લોકોએ પુસ્તક પર પ્રેમ વરસાવ્યો. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને અમારું પોતાનું ’સાર્થક પ્રકાશન’ બે વર્ષ પહેલાં શરૂ કર્યું, ત્યારે ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ની બીજી આવૃત્તિ થઇ અને તેને પણ સરસ પ્રતિસાદ મળ્યો છે. આ પુસ્તકે સરદાર સાથેનો એક કાયમી નાતો સ્થાપી આપ્યો છે. અત્યાર સુધી આપેલાં અનેક વક્તવ્યોમાંથી સાઠ-સિત્તેર ટકાનો વિષય સરદાર છે, તેના મૂળમાં આ પુસ્તક ગણી શકાય. ત્યાર પછી સરદાર વિશેનાં વાચન, વિચાર અને સમજ હજુ વિકસતાં રહે એ સિલસિલો અટક્યો નથી, એનો આનંદ અને સંતોષ છે.

નોંધઃ ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ મેળવવા ઇચ્છતા મિત્રો આ લિન્ક પરથી ઓર્ડર કરી શકે છે
સરદારઃ સાચો માણસ, સાચી વાત (સાર્થક પ્રકાશન)

આ લિન્ક પરથી કેશ ઓન ડિલીવરી દ્વારા પણ મંગાવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (કેશ ઓન ડિલીવરી)

અને આ લિન્ક પરથી તે ઇ-બુક સ્વરૂપે પણ મેળવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (ઇ-બુક)