Saturday, August 28, 2021

મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...

ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી)

ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.

  • ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે. 
    ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ

  • ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
  • મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
  • મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.) 
    મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ
  • મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
  • ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’ 
  • આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
    . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા. 
  • નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.

'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી 



1 comment:

  1. છીછરા માણસો હોય એની પાસે આવું વિહંગાવલોકન કરવા જેટલી ઊંચાઈએ પહોંચવું શક્ય જ નથી હોતું. એમને મન મેઘાણીનું મહત્વ હોય એવું શી રીતે વિચરાય!

    ReplyDelete