Monday, September 06, 2021

સ્મારકોનું નવનિર્માણ

સરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે. એટલે તેમનો પ્રયાસ ઇતિહાસની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાનું પ્રકરણ લખીને જવાનો હોય છે. વર્તમાન શાસકો આ બાબતમાં એકદમ આત્મનિર્ભર છે. એટલે તે પોતાનો જ નહીં, પહેલેથી લખાઈ ચૂકેલો ઇતિહાસ પણ પોતાની મરજી પ્રમાણે ફરી લખવા તલપાપડ હોય છે. ગયા સપ્તાહે થયેલું જલિયાંવાલા બાગ સ્મારકનું નવનિર્માણ તેમની એ તલપાપડગીરીનો વધુ એક નમૂનો છે.

વર્તમાન શાસકોને ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ વૃત્તિ નાના પાયે શાસિતોમાં-લોકોમાં પણ રહી છે. ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ઇમારતો જેવાં સદીઓ જૂનાં સ્થળોએ કે ઇમારતો પર, હાલમાં કોણ કોને પ્રેમ કરે છે, તેને લગતાં લખાણ લખવાં એ આપણી પ્રજાકીય ખાસિયત રહી છે. તેની પાછળનો પવિત્ર આશય પોતાના પ્રેમને ઇતિહાસમાં અમર કરી દેવાનો જ હશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકોમાં સામાન્ય લોકો આવું કરે તો તેનાથી સ્મારકને નુકસાન થયું ગણાય. પણ કાયદો બનાવનારા શાસકો પોતે આવું કરે તો તે સ્મારકોનું નવનિર્માણ કહેવાય. વર્તમાન શાસકોની સ્મારક-નવનિર્માણ પદ્ધતિ એવી છે કે તેમના દ્વારા ‘વિકાસ પામેલાં’ સ્મારકોને મનની આંખથી જોતાં ‘આઇ લવ આઇ’ અથવા ‘મોદી લવ્ઝ મોદી’ લખેલું તરત વંચાઈ જાય. મામલો તો આખરે ઇતિહાસમાં અમરત્વ મેળવવાનો છે. તે પોતાની કામગીરીથી ન મળે તો કોઈની કામગીરી પર પોતાનાં લેબલ મારીને પણ હાંસલ કરી લેવું.

નવાં સ્મારક બનાવવાં અને જૂનાં સ્મારકોને જાળવી રાખવાં એ કળા છે. શાસકોને તે કળા આવડવી જરૂરી નથી. તેમનું કામ આવી કળા આવડતી હોય તેવા લોકોને કામ સોંપવામાં છે. વર્તમાન સરકારમાં આવા લોકો નક્કી છે. એટલે આવાં સ્મારકોની જાળવણીનું કે નવા બાંધકામનું કોઈ પણ કામ નીકળે તો તેના આર્કિટેક્ટ કોણ હશે અને કઈ એજન્સી તે સ્મારકનું ઇતિહાસનું, સુશોભનનું તેમ જ ઇતિહાસના અનુકૂળ સુશોભનનું કામ કરતી હશે, એની ધારણા સહેલાઈથી કરી શકાય અને મોટે ભાગે તે ધારણા ખોટી ન પડે. કોઈ તેને મળતીયાઓને લાભાન્વિત કરવાની નીતિ કહી શકે, તો કોઈ સાતત્ય પણ કહી શકે. પરંતુ અંતે નવનિર્મિત સ્મારકની જે દશા થાય છે તે જોતાં એટલું ચોક્કસ સમજાય છે કે ઘણાં નવનિર્માણ ખંડન કે તોડફોડ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. કારણ કે તેમાં જૂના સ્મારકની ગરીમાનું-ઐતિહાસિકતાનું-વાતાવરણનું પૂરેપૂરું ખંડન થઈ ગયું હોવા છતાં, તે કહેવાય છે નવનિર્માણ. તેને ‘ખંડન’ તરીકે ઓળખાવનારા સરકારવિરોધી અને એવાં બીજાં વિશેષણો મેળવે છે.

ઘણાંખરાં રેસ્તોરાંની પંજાબી સબ્જી માટે કહેવાય છે કે તેમાં રસો તો એકસરખો જ હોય છે, ફક્ત ઉમેરણ બદલાય છે. વર્તમાન સરકારના નવનિર્માણ પ્રોજેક્ટોનો મામલો પણ કંઈક એવો જ લાગે છે. સ્થળ ગમે તે હોય, પણ તેનું નવનિર્માણ કરવાની કે નવા સ્મારકનું નિર્માણ કરવાની તેની પદ્ધતિ એવી છે કે મુલાકાતી પર સ્મારક કરતા સ્મારકના નવનિર્માણની અને તે પ્રોજેક્ટનો હુકમ આપનાર શાસકની અસર વધારે પડે. જેમ કે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસે ગયેલા લોકો પાછા ફરીને બગીચાની, લાઇનોની, તોતિંગપણાની, રેલવે સ્ટેશનની, સ્પેશિયલ ટ્રેનોની, ભૌતિક સુવિધાઓની કે તેમાં પડતી મુશ્કેલીઓની વાત કરશે. સરદાર પટેલના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈના મોઢેથી કશું સાંભળવા મળશે. એ છે અસલી ટૅક્નિક, જેમાં સરદારના નામે સ્મારક થઈ ગયું, પણ જયજયકાર જેનું સ્મારક છે તેના કરતાં ઘણો વધારે જેણે સ્મારક બનાવ્યું, તેનો થાય. આ થઈ નવા નિર્માણની વાત. જૂની જગ્યાના નવનિર્માણમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ થઈ જાય અને સરદાર પટેલનું નામ આખા રમતગમત સંકુલને આપી દેવામાં આવે. ભક્તો તેને સરદાર પટેલનું પ્રમોશન સાથેનું બહુમાન ભલે ગણાવે, પણ જેમણે સમજ ગીરવે નથી મુકી એવા લોકોને તરત સમજાઈ જાય કે આ તો સિનિયર નેતાઓને માર્ગદર્શક મંડળમાં મુકવા જેવું પ્રમોશન છે.

વર્તમાન સરકારનું સ્મારક નવનિર્માણ તંત્ર બીજી રીતે પણ પંજાબી સબ્જી જેવું છે. નવનિર્માણની તેમની વ્યાખ્યામાં અઢળક ખર્ચ, ટૅક્નોલોજિનો ઔચિત્યભાન વગરનો ઉપયોગ, સ્મારકનો આત્મા હણી નાખે એવી ચકાચૌંધ અને ભવ્યતા, લેસર શો-લાઇટિંગ...ટૂંકમાં ઐતિહાસિક સ્થળને પિકનિક માટેના સ્થળના દરજ્જે ઉતારી દેવું અને ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી લોકો ઇતિહાસને બહુ અડે નહીં અને અડે તો પણ માત્ર સરકારને અનુકૂળ થાય એવા ઇતિહાસના ટુકડાને જ. સબ્જીની જેમ સ્મારક ગમે તે વ્યક્તિ કે બાબતનું હોય, નવનિર્માણની રીત તો આ જ.

તૂટેલાં કપ-કીટલી-કાચનાં વાસણમાં ફૂલછોડ ઉગાડનારાને આખા કપ-કીટલી-વાસણો જોયા પછી એવો વિચાર આવી જાય છે કે તેને તોડી નાખીએ તો સરસ પૉટ થઈ શકે. વર્તમાન સરકારની સ્મારકો વિશની મનોદશા કંઈક એવી જ છે. જ્યાં જીવનનો-આત્માનો સળવળાટ હોય તેવાં ઠેકાણાંને જોઈને પણ તેમને થતું હશે કે જૂનાને ખતમ કરી દઈએ, તો નવું સરસ બનાવી શકાય. ઔચિત્યનો વિચાર કર્યા વિના સરકાર સ્મારકોને જે રીતે બાહ્ય ઝાકઝમાળની જરીમાં ઝબકોળી રહી છે, તે જોતાં વર્તમાન શાસક અને સરકારને તેમનું અલાયદું સ્મારક બનાવવાની ભાગ્યે જ જરૂર પડે. તેમના દ્વારા નવનિર્મિત સ્મારકોમાં તેમનાં વિચારસરણીની-શાસનકાળની-કાર્યપદ્ધતિની-મથરાવટીની સાચી રજૂઆત થઈ ચૂકી છે.

1 comment: