Showing posts with label superstition. Show all posts
Showing posts with label superstition. Show all posts

Thursday, May 28, 2020

જય 'માતાજી' (પ્રહ્લાદ જાની) નહીં, જય અંધશ્રદ્ધા

મિત્ર-સાથી પ્રણવ અધ્યારુ સાથે ‘માતાજી’ પ્રહ્લાદ જાનીને  મળ્યા પછી લખેલો લેખ, (’આરપાર’ ૮ ડિસેમ્બર,૨૦૦૩) જ્યારે દસ દિવસના કહેવાતા અને અવિશ્વસનીય ટેસ્ટિંગના આધારે માતાજી ૬૮ વર્ષથી અન્નજળ વિના જીવતા હોવાનાં પ્રમાણપત્રો ડૉક્ટરોએ ફાડી આપ્યાં અથવા તેમના નામે તે ચાલવા દીંધાં ને અખબારોએ સવાલ કરવાને બદલે તે છાપી માર્યાં.

અફસોસની વાત છે કે આપણાં છાપાં અને પ્રસાર માધ્યમો પણ ધંધા ખાતર કે અંધશ્રદ્ધાળુઓની નારાજગીની બીકે અંધશ્રદ્ધાનાં હોંશીલાં ખેપિયાં બને છે. અહીં મૂકેલા લેખનાં ત્રણ પાનાં ફોટો તરીકે સેવ કરીને, એન્લાર્જ કરીને વાંચી શકાશે.



***

થોડાં વર્ષ પહેલાં સ્ટેન લીની સિરીઝ ‘સુપરહ્યુમન્સ’ જોઈ હતી. તેમાં કોઈ કહે તો માન્યામાં ન આવે એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા લોકોની વાત દર અઠવાડિયે રજૂ થતી હતી. દર હપ્તે રજૂ થનાર વ્યક્તિની વિશિષ્ટ શક્તિની એક પછી એક, અઘરામાં અઘરી કસોટીઓ લેવામાં આવે અને છેલ્લે તેમની એ શક્તિનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવે.

શરીર બહુ કમાલની ચીજ છે. ડીએનએનાં મ્યુટેશન સહિત બીજાં પરિબળોને કારણે કોઈ કોઈ જણમાં વિશિષ્ટ શક્તિઓ નીપજી આવે એવું બિલકુલ શક્ય છે. પણ એ સિરીઝમાં આવતા લોકો એટલા ઈમાનદાર હતા કે તે પોતાની શક્તિને ચમત્કાર ગણાવતા ન હતા ને અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવતા ન હતા.

ધારો કે, પ્રહ્લાદ જાની આવી કોઈ શક્તિ ધરાવતા પણ હોય (જેના કશા શ્રદ્ધેય પુરાવા હજુ સુધી મળ્યા નથી અને હવે મળે એમ નથી) તો પણ, તે માતાજીના નામે ચલાવવામાં આવે ત્યારે તૂત જ બની રહે છે. તેમની આવી કથિત શક્તિથી સમાજને કશો ફાયદો થતો નથી. ઉલટું, અંધશ્રદ્ધાની લાંબી પરંપરામાં વધુ એક મણકો ઉમેરાય છે અને એ રીતે સમાજની કુસેવા જ થાય છે. એ કુસેવામાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો પણ ભળે ત્યારે ‘એ દેશની ખાજો દયા..’ સિવાય બીજું શું યાદ આવે?
***
ગઈ કાલે  'માતાજી' ના અવસાનના સમાચાર આવ્યા ત્યારે તેમને અંજલિ આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લખ્યું
"ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે..."

માનનીય મુખ્ય મંત્રીએ ફોડ ન પાડ્યો કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે નહીં અને કર્યું તો શું પરિણામ આવ્યું. પંદર વર્ષમાં નેતાઓ ન જ સુધર્યા. અને હવે તો નહીં સુધરવાનો લાભ એટલો મોટો છે કે 'હમ નહીં સુધરેંગે' એ માત્ર જડતા નહીં, વ્યૂહરચના પણ હોય છે.

Tuesday, July 08, 2014

શ્રદ્ધા : ભક્ત અને ભગવાન વચ્ચેનો મામલો

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સાંઇબાબા ઇશ્વર નથી, તેમની મૂર્તિ બીજા ભગવાનોની સાથે મૂકવી ન જોઇએ અને હિંદુઓએ તેમની પૂજા ન કરવી જોઇએ, એવાં વિધાનો કરીને વિવાદ છેડ્યો છે. કોર્ટકચેરીએ પહોંચેલા એ મામલા વિશે ટીવી ચર્ચાઓના અંદાજમાં પાણી વલોવવાને બદલે કેટલીક મૂળભૂત બાબતો વિશે વાત થાય તો, આ પ્રકારના વિવાદોથી બચી શકાય. સાથોસાથ, કેટલીક પાયાની સ્પષ્ટતાઓ સુધી પણ કદાચ પહોંચી શકાય.

ઇશ્વર એટલે...

સાહિર લુધિયાનવી રચિત ઉત્તમ કવ્વાલી ‘યે ઇશ્ક ઇશ્ક હૈ’ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેમાં એક પંક્તિ આવે છે : ‘ખાક કો બુત ઔર બુત કો દેવતા કરતા હૈ ઇશ્ક.’ તેમાં મહિમા ભલે પ્રેમનો થયો હોય, સાથોસાથ ઇશ્વરની સાદામાં સાદી ‘રેસિપી’ બતાવી દેવામાં આવી છે :  માણસ જેને પ્રેમથી-શ્રદ્ધાથી ભજે, મનથી માને તે ઇશ્વર.

માણસ ઇશ્વર થકી છે કે નહીં (ઇશ્વરે માણસનું સર્જન કર્યું કે નહીં) એ ચર્ચા, વિવાદ અને વૈજ્ઞાનિક સંશોધનનો વિષય હોઇ શકે છે, પણ ઇશ્વર માણસ થકી છે એ હકીકત છે. માણસ ન હોત તો ઇશ્વરને ઇશ્વર તરીકેની ઓળખ કે એવો દરજ્જો કોણ આપત? માણસની અનુપસ્થિતિમાં, આસ્તિકોની માન્યતા પ્રમાણેના સર્જક-પાલક-સંહારક ઇશ્વરની દશા ‘જંગલમેં મોર નાચા’ જેવી ન થાત?

સૃષ્ટિનું સર્જન થયાનાં કરોડો વર્ષ પછી આવનાર મનુષ્ય નામના પ્રાણીએ પહેલી વાર ઇશ્વરનું સ્થાપિત-સંસ્થાકીય-દાર્શનિક-આઘ્યાત્મિક સ્વરૂપ કલ્પ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, ઇશ્વર કરોડો વર્ષોથી આ સૃષ્ટિનો સર્જક-પાલક-સંહારક હોય તો પણ,  આજે જે સ્વરૂપે કલ્પવામાં કે માનવામાં આવે છે એવા ઇશ્વરનો ‘જન્મ’ મનુષ્યના આગમન પછી થયો.

આદિમ પ્રજા પ્રાકૃતિક તત્ત્વો અને પશુપક્ષીઓને ભગવાન માનતી હતી. ત્યારથી માણસે પાછું વાળીને જોયું નથી. ઇશ્વર બનાવવાની માણસની જરૂરિયાત અથવા મજબૂરી અથવા બન્ને ધીમે ધીમે કરતાં વ્યવસાય અને ‘હૉબી’ બનવાની હદે પહોંચ્યાં છે. ઘણાં દેવી-દેવતાનું ‘અવતરણ’ તો સાવ નજીકના ભૂતકાળમાં થયું છે. તેનો સૌથી જાણીતો અને સ્વીકૃત દાખલો છે : સંતોષીમા.

વર્ષ ૧૯૭૫માં ‘શોલે’ની સમાંતરે ‘જય સંતોષીમા’ ફિલ્મ આવી અને એકાદ-બે વર્ષ સુધી ‘શોલે’ને ટક્કર આપે એટલી પ્રચંડ સફળતા પામી. ત્યારથી સંતોષીમાનો સંપ્રદાય ધમધમવા લાગ્યો. બાકી, એની વાર્તામાંં હતું શું? ‘જય સંતોષીમા’નાં ગીતો લખનાર પ્રદીપજીએ કહ્યું હતું કે આવાં કોઇ દેવીનું નામ ‘દેવીભાગવત’માં નથી. છતાં, પરચા-રસથી ભરેલી વ્રતકથાની પાતળી ચોપડીમાં કલ્પનાઓ ઉમેરીને સંતોષીમાની પૂરા કદની ફિલ્મી કથા તૈયાર કરવામાં આવી. તેની એવી સફળતા મળી કે થિએટરનાં પ્રાંગણમાં સંતોષીમાનાં મંદિર ખડાં થઇ ગયાં, શ્રદ્ધાળુઓ ત્યાં યથાશક્તિ ભેટ મૂકીને ગોળ-ચણાનો પ્રસાદ મેળવવા લાગ્યા, શુક્રવાર ‘સંતોષીમાનો વાર’ બની ગયો.

ત્યાર પછી પણ અવનવા નામ ધરાવતાં ઘણાં દેવીદેવતા અસ્તિત્ત્વમાં આવ્યા છે અથવા તેમને ખોળી કાઢવામાં આવ્યાં છે. કેટલાંક નામ તો હસવું આવે એવાં હોય છે. છતાં, એ શ્રદ્ધાપૂર્વક લખાયેલાં જોવા મળે છે. એનો અર્થ જ એ થયો કે કંઇ નહીં તો થોડા લોકો માટે એ ‘ભગવાન’નું સ્થાન ધરાવે છે. જ્યાં લગી એ લોકોને તેમનામાં શ્રદ્ધા છે, ત્યાં સુધી ભગવાન તરીકે એમનું સ્થાન પાકું છે. થોડાં વર્ષ પછી દસ-પચીસ-પચાસ પૈસાના સિક્કાની જેમ તેમની ‘ઉપયોગીતા’ ખતમ થઇ જાય અથવા તેમનું સ્થાન બીજા કોઇ ‘ભગવાન’ લે, તો શક્ય છે કે સિક્કાની જેમ જ અમુક દેવીદેવતાઓ પણ ચલણમાંથી નીકળી જાય.

દક્ષિણના લોકો એમ.જી.રામચંદ્રન્‌, એન.ટી.રામારાવ જેવા અભિનેતામાંથી મુખ્ય મંત્રી બનેલા લોકોથી માંડીને જીવીત અભિનેત્રીઓનાં મંદિર બનાવવા માટે જાણીતા છે. ગાંધીજીથી અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવી લોકપ્રિય હસ્તીઓનાં છૂટાંછવાયાં મંદિર પણ બને છે. જીવંત વ્યક્તિને ભગવાન માનવાની વાત નીકળે એટલે ગુજરાતના જેલસ્થ એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ વણઝારા પણ યાદ આવે. તેમણે પત્રમાં લખ્યું હતું, ‘ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો...પણ શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં.’

ફિલ્મી, રમતજગતની કે અન્ય હસ્તીઓને ભગવાન માનવા- તેમનાં મંદિર સ્થાપવાની ચેષ્ટાઓ પાછળ ઘેલછાની હદે પહોંચેલી લાગણી, પ્રસિદ્ધિની લાલસા, આર્થિક ફાયદો કે એવાં એક યા વઘુ પરિબળ જવાબદાર હોઇ શકે છે. છતાં, તેની સામે શંકરાચાર્ય જેવા કોઇ ધર્મગુરુ જાહેર કકળાટ કરતા નથી. ‘શાસ્ત્રોમાં આવા કોઇ ભગવાનનો ઉલ્લેખ નથી’ એવી ‘શાસ્ત્રીય’ દલીલો થતી નથી. તેનું એક કારણ કદાચ એ છે કે આ મંદિરો મોટો ભક્ત સમુદાય - અને તેની સીધી પેદાશ જેવી અઢળક કમાણી- ખેંચી લાવતાં નથી અને સ્થાપિત ધર્મસંસ્થાઓ માટે તે ખતરો ઉભો કરતાં નથી. આવાં મંદિરોને લોકો નિયમને બદલે અપવાદ તરીકે વધારે જુએ છે.

પાયાનો તફાવત

ભગવાનની વાત નીકળી છે તો થોડી ચર્ચા શ્રદ્ધા-અંધશ્રદ્ધા વિશે પણ કરવી રહી. તેમના માટેના અંગ્રેજી શબ્દો કોઇ ગુંચવાડા વગરના છે : શ્રદ્ધા એટલે ‘ફેઇથ’ અને અંધશ્રદ્ધા એટલે ‘સુપરસ્ટીશન’. રેશનાલિસ્ટો માને છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક જ છે. બન્નેમાં આંખ મીંચીને, તર્કશક્તિને બાજુએ રાખીને વિશ્વાસ મૂકવાની વાત છે. માટે, તેમના મતે દરેક શ્રદ્ધા ‘અંધશ્રદ્ધા’ જ હોય છે.

તાર્કિક રીતે આ દલીલ સાચી હોય તો પણ શ્રદ્ધાળુઓને તે સ્વીકાર્ય બનતી નથી. કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક હોય તો પણ ભાવતઃ - વ્યવહારુ અર્થમાં-  તેમને જુદાં ગણવામાં આવે છે. બન્ને વચ્ચેની ભેદરેખા એકદમ સ્પષ્ટ નથી એ ખરું, પણ તે આંકી શકાય એવી તો છે. પ્રાથમિક રીતે જ શ્રદ્ધામાં હકારાત્મક અને અંધશ્રદ્ધામાં નકારાત્મક ભાવ છે. શ્રદ્ધા વ્યક્તિની આંતરિક બાબત છે. તે વ્યક્તિને આંતરિક તાકાત આપી શકે છે. તેમાં ગણતરી કે શરત હોતાં નથી. ‘હે ભગવાન, તમે મારું આટલું કામ કરી દેશો તો હું તમને અમુક ભેટ ચડાવીશ કે અમુક વ્રત કરીશ કે અમુક વાર કરીશ’ એવી ઑફરમાં શ્રદ્ધા કરતાં વેપારીબુદ્ધિનું પ્રમાણ ઘણું વધી જાય છે- અને તે શ્રદ્ધાની સરહદ ઓળંગીને અંધશ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશી જાય છે. અંધશ્રદ્ધા કે દેખાડાબાજી વગરની આંતરિક શ્રદ્ધાને પાંગરવા માટે ટોળાંશાહીની, ભવ્ય ધર્મસ્થાનોની, વૈભવી બાવા-બાવીઓની કે ભપકાદાર ઉત્સવોની કે રાજ્યાશ્રયની જરૂર પડતી નથી.

શ્રદ્ધાળુ વ્યક્તિ સૃષ્ટિનો કોઇ સર્જક-ચાલક છે એવી માન્યતા ધરાવે છે. વૈજ્ઞાનિક રીતે એ માન્યતા ધારો કે ખોટી હોય તો પણ, શ્રદ્ધાળુ માટે એ માન્યતા માનસિક તાકાત પૂરી પાડનારી બની શકે છે. અગવડ વેઠીને નીતિમત્તાના-પ્રામાણિકતાના રસ્તે ચાલતા રહેવાના સંઘર્ષમાં કોઇને ઇશ્વરના ખ્યાલથી તાકાત મળતી હોય, તો એવો ખ્યાલ ગમે તેટલો અવૈજ્ઞાનિક હોવા છતાં, તેને નકારાત્મક ગણી શકાય નહીં- અંધશ્રદ્ધામાં ખપાવી શકાય નહીં. તેને માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવો અને પ્રમાણવો પડે. ઇશ્વર કે દૈવી તત્ત્વ પરની શ્રદ્ધાના જોરે વ્યક્તિ ટકી જાય અને કપરો સમયગાળો પસાર કરી નાખે, તો એવી શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ તરીકે ઉતારી પાડવાનું કેટલું યોગ્ય, કેટલું માનવીય ગણાય?

બન્ને વચ્ચેનો એક મૂળભૂત તફાવત એ છે કે શ્રદ્ધા માણસને  મજબૂત બનાવે છે અને અંધશ્રદ્ધા તેને પાંગળો બનાવે છે. શ્રદ્ધામાં બાહ્યાચાર અને કર્મકાંડને ભાગ્યે જ સ્થાન હોય છે, જ્યારે અંધશ્રદ્ધામાં પરમતત્ત્વ કે ઇશ્વર બાજુ પર રહી જાય છે અને તેમના નાના-મોટા એજન્ટો દોર સંભાળી લે છે. કોઇની નક્કર શ્રદ્ધાનો ગેરલાભ લઇ શકાતો નથી. કારણ કે સાચો શ્રદ્ધાળુ ચમત્કારોની કે દુન્યવી ફાયદાની આશા રાખ્યા વિના, કેવળ ઇશ્વરને નજર સામે રાખે છે અને પોતાનો પુરુષાર્થ ઓછો કર્યા વિના, જે થાય તેમાં ઇશ્વરેચ્છા જુએ છે.

બીજાને કોઇ પણ રીતે નડ્યા વિના વ્યક્તિગત ધોરણે ઇશ્વરમાં શ્રદ્ધા રાખનારા કે ઘેલાં કાઢ્‌યા વિના (પરંપરાગત સંસ્કારોની અસરથી)  મૂર્તિપૂજા, પાઠ કે માળા કરતા લોકોને ‘અંધશ્રદ્ધાળુ’ કહી દેવાનું બહુ સહેલું છે. પણ  એમ કરતી વખતે યાદ રાખવું જોઇએ કે આસ્તિકતા કે નાસ્તિકતા સ્વતંત્ર સદ્‌ગુણો (કે દુર્ગુણો) નથી. કોઇ માણસ ફક્ત આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારો કે ખરાબ થઇ જતો નથી. કોઇ રેશનાલિસ્ટ નાસ્તિકતાને સ્વતંત્ર સદ્‌ગુણ માનીને ફક્ત એ ફૂટપટ્ટીએ આખા જગતનું માપ કાઢે અને કોઇ આસ્તિક ભક્તિની સાથે દુનિયાભરની ખલનાયકી કરે, તો આ બન્ને પ્રકારોમાં તેના કર્તાનું કે બાકીની દુનિયાનું કશું ભલું થતું નથી. તે ‘શું ન કરવું જોઇએ’ એના જ નમૂના બની રહે છે.

શ્રદ્ધા-અંધશ્રદ્ધાના તફાવતને, કેવળ સમજૂતી ખાતર અને એ પણ થોડી અતિશયોક્તિ સાથે, વિટામીનની ગોળી જોડે સરખાવી શકાય. આદર્શ સ્થિતિ એ છે કે માણસને આવી ગોળી લેવી ન પડે.  પરંતુ સૌની સ્વસ્થતા એકસરખી હોતી નથી. ધારો કે કોઇને વિટામીનની ગોળી લેવાથી સારું લાગતું હોય - અને એ લેવાનું પરવડતું હોય- તો ઠીક છે. વ્યક્તિ પોતાને ઠીક પડે એવા ડોક્ટર પાસેથી, અનુકળ આવે એવી ગોળી લે અને પોતાની સ્વસ્થતા ટકાવી રાખે. પરંતુ વિટામીનની ગોળીઓના બુકડા ન મરાય. એવી જ રીતે, છ-છ મહિને વિટામીનની ગોળીઓ કે ડોક્ટર પણ ન બદલાય અને બાજુવાળાને બીજી ગોળી લેતા જોઇને ‘હું પણ એ ગોળી શરૂ કરી દઉં’ એવી વૃત્તિ ન જાગવી જોઇએ.

અસ્થિરતા કે અસલામતી પેદા કરે તેને અંધશ્રદ્ધાથી માંડીને સ્થાપિત હિત સુધીનું કંઇ પણ કહી શકાય- શ્રદ્ધા ન કહેવાય.

Saturday, May 24, 2014

વાસ્તુદોષ : ‘શાસ્ત્રી’નું તરભાણું ભરો...

એશિયાના દેશો અઘ્યાત્મ અને ગરીબીમાં બહુ આગળ પડતા  ગણાય છે. આ બન્ને બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં, એ જુદી ચર્ચાનો વિષય છે. પણ આમ થવાનું એક સંભવિત કારણ : ભારત-ચીન જેવા દેશોની વસતી એટલી પ્રચંડ છે કે તેમાં અનુયાયીઓની ક્યારેય ખોટ પડતી નથી. અઘ્યાત્મ કે ‘તાઓ’ના નામે ગમે તેવી દુકાન ખોલીને બેસનારને પણ  માખીઓ મારવાનો વારો ન આવતો નથી. પૂરતી સંખ્યામાં માણસો મળી રહે છે.

ભેંસ ખરીદતી વખતે તેની પીઠે ચોંટેલી બગાઇ ‘ફ્રી’માં આવે છે, એમ અઘ્યાત્મની સાથે અંધશ્રદ્ધા ‘પેકેજ’માં આવતી હોય છે. ‘આપણે અંધશ્રદ્ધામાં નહીં, અઘ્યાત્મમાં  માનીએ છીએ છે’, એવું દેખાડવા આતુર વિશાળ વર્ગના લાભાર્થે ‘વાસ્તુશાસ્ત્ર’ જેવાં કેટલાંક સ્યુડો-શાસ્ત્રોેની વ્યવસ્થા મોજુદ છે. ભારતીય વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં જેમનું સ્ટેટસ જોખમાતું હોય, તેમના માટે ચીની વાસ્તુશાસ્ત્ર ‘ફેંગ શુઇ’ પણ છે.સવાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇમાંં સ્થાપત્યકળા અને તેના સિદ્ધાંતો વિશે નહીં, પણ ઘરની આંતરિક રચના, રુમોની વ્યવસ્થા અને ચીજવસ્તુઓની ગોઠવણ વિશે લંબાણથી સૂચન કરવામાં આવ્યા છે. નવું ઘર બનાવતી વખતે કે જૂના ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફારો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખશાંતિનું વાતાવરણ ફેલાય છે,એવું કહેવાય છે. અલબત્ત, કોના ઘરમાં આવું વાતાવરણ પેદા થાય છે, એ વિશે શંકા પ્રવર્તે છે.

મુંબઇની ચાલીમાં રહેતા એક ભાઇના ઘરમાં સતત કંકાસ રહ્યા કરતો હતો. કંકાસ દૂર કરવા માટે તેમણે (આત્મખોજ  સિવાયના) બધા જ રસ્તા અપનાવી જોયા. પણ દરેક અખતરામાં રુપિયા પડી ગયા અને તેને કારણે સરવાળે કંકાસમાં વધારો થયો. છેવટે તેમને કોઇએ વાસ્તુશાસ્ત્રીના શરણે જવા કહ્યું. મિત્રનું ગુજરાતી પાકું અને સમાજશાસ્ત્ર કાચું. એટલે ‘વાસ્તુશાસ્ત્રી’નો અર્થ તેમણે ‘વાસ્તુ કરાવી આપનાર શાસ્ત્રી (ગોર મહારાજ)’ કર્યો હતો. પરંતુ ‘વાસ્તુ કન્સલટન્ટ’ નો સંપર્ક થયા પછી તેમને જ્ઞાન થયું કે આ શાસ્ત્રીઓ ધર્મે ગમે તે હોય, પણ કર્મે તો બ્રાહ્મણ હરગિઝ નથી.

‘વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી તેને મુઠ્ઠી વાળીને દક્ષિણા આપી દઇશ’- એવી મિત્રની ગણતરી હતી. તેમની આર્થિક તૈયારી પણ એવી જ હતી. એટલે વાતચીતના અંતે દક્ષિણાને બદલે બિલ ચૂકવવાનો વારો આવતાં મિત્રના ચહેરા પરનું કુદરતી રાચરચીલું અસ્તવ્યસ્ત થઇ ગયું. તેમની બન્ને આંખો એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોપચાંની જેલ તોડીને બહાર નીકળવા મથતી હોય એમ ચકળવકળ થવા લાગી, સહરાના રણમાં વગર પાણીએ દસ કિલોમીટર ચાલ્યા હોય તેમ એમનું મોં સુકાઇ ગયું અને ડોક ધરી પરની પૃથ્વીની માફક ત્રાંસી થઇ ગઇ. વાસ્તુશાસ્ત્રી જ્ઞાની હતો કે નહીં, એ તો વાસ્તુપુરુષ જાણે, પણ તે દયાળુ અવશ્ય હતો. એણે ક્લાયન્ટ પાસે રહેલા થોડા રુપિયા ખિસ્સામાં મુકીને બાકી રુપિયા ઉધાર રાખ્યા.

વાસ્તુશાસ્ત્રીએ મિત્રને ઉધાર ઉપરાંત સલાહો પણ આપી, ‘ઘરમાં ફ્રીઝની જગ્યાએ ઘરઘંટી, ટીવીની જગ્યાએ વોશિંગ મશીન, નૈૠત્ય દિશામાં સોફા, વાયવ્ય દિશામાં બેડરુમ, રસોડું પૂર્વાભિમુખ, ટોઇલેટ ઉત્તરાભિમુખ... અને મારું બાકી રહેલું બિલ તમને રોજ દેખાય એવી રીતે તમારા ટેબલ પર ગોઠવજો.’

મુંબઇનાં સરેરાશ(એટલે કે સાંકડાં) ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ભાગ્યે જ કામ લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં જે આઠ દિશામાં ગોઠવણો કરવાનું સૂચવ્યું છે, એ દિશાઓ ઓળખી શકાય એટલી જગ્યા તો હોવી જોઇએ કે નહીં? કેટલાંક ઠેકાણે તો નાનકડા રુમની દિશાઓ છૂટી પાડવામાં ખુદ હોકાયંત્ર ગૂંચવાઇ જાય એવી સ્થિતિ હોય છે. આ રુમોમાં રહેનારાને દુઃખી થવા માટે વાસ્તુશાસ્ત્રની જરુર પડતી નથી- એના માટે બીજા ઘણા મુદ્દા હોય છે- અને સુખી થવાના પ્રયાસ કરવા માટે વાસ્તુશાસ્ત્ર પોસાતું નથી.સઆર્થિક રીતે સંપન્ન એવા એક ભાઇએ વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા પછી વિશુદ્ધ જિજ્ઞાસાથી વાસ્તુશાસ્ત્રીને પૂછ્‌યું હતું,‘ઘરમાં સુખશાંતિ લાવવા માટે બીજી બધી ઘરવખરીની જેમ તમે કોઇને પતિ કે પત્ની બદલવાની સલાહ આપો ખરા?’

વાસ્તુશાસ્ત્રીએ કહ્યું, ‘તેનો આધાર કુટુંબજીવનમાં પતિ કે પત્નીની ‘ગોઠવણ’ પર છે. એ જો માથા પર હોય તો તેને ખભા સુધી લાવીને, પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખને બદલે તમારી બાબતોમાંથી માત્ર વિમુખ રાખવાથી ઘણો સુધારો થઇ શકે છે.’સવાસ્તુશાસ્ત્ર મુખ્ત્વે મોટા ફ્‌લેટ અને બંગલાવાળા માટે જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એ હકીકત  સૂચવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપયોગનો વિચાર આટલો બરકતવાળો હોય, તો તેનો અમલ કેટલો ફાયદાકારક હશે? રાજકારણમાં વાસ્તુશાસ્ત્ર ઘણું લોકપ્રિય છે. ખુરશી ટકાવવા માટે રાજકારણીઓ ગમે તેવાં પવિત્ર શાસ્ત્રોનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકતા હોય તો વાસ્તુશાસ્ત્રનો અમલ કરવામાં છોછ કેવો? દરેક નવા પ્રધાનો- મુખ્ય પ્રધાનો તેમના વાસ્તુશાસ્ત્રીઓના તરંગ પ્રમાણે ખર્ચા કરીને ઓફિસમાં અને ઘરમાં ફેરફારો કરાવે છે. તેમનું કહેવું છે કે પ્રધાનો તેમના ફર્નિચર અને આર્કિેટેક્ચરને ગમે તેટલા રૂપિયાના ખર્ચે ગમે તે દિશામાં અભિમુખ કરવા તૈયાર હોય છે, પણ તે પોતે કોઇ પણ ભોગે લોકાભિમુખ થવા રાજી હોતા નથી.

અન્ય શાસ્ત્રોની માફક વાસ્તુશાસ્ત્રનો પણ સૌથી વધારે ફાયદો (વાસ્તુ)શાસ્ત્રીઓને જ થયો છે. દુઃખની ફરિયાદ કરનારા મોટા ભાગના લોકો પોતે સુધરવા માગતા નથી, એ વાત સમજી ચૂકેલા વાસ્તુશાસ્ત્રીઓ તેમને શાસ્ત્રના નામે જાતજાતના ટુચકા દેખાડે છે. એક જમાનામાં ક્રિકેટપ્રેમ અને દેશપ્રેમ સમાનાર્થી શબ્દો લાગતા હતા, ત્યારે ટીવીની સામે ચોંટીને ભારતની આખી વન ડે મેચ જોવામાં ગૌરવ લાગતું હતું. એવી મેચોમાં વિરોધી ટીમના બેટ્‌સમેનોની કોઇ જોડી કેમેય કરીને આઉટ ન થતી હોય ત્યારે કેટલાક ઉત્સાહીઓ કહેતા,‘હું પંદર મિનીટ માટે સુઇ જઉં છું. પાછો ઉઠીશ ત્યાં સુધીમાં ચોક્કસ આ પેર તૂટશે.’ કોઇક વળી એ જોડી તોડવા માટે પોતાની જગ્યા બદલતા, તો કોઇ ચોક્કસ ઘૂંટડા પાણી પીતા કે માથે રૂમાલ ઓઢીને બેસતા. તેમ છતાં જોડી ન તૂટે તો શું થઇ શકે? પણ આવું કરવાથી તેમને  માનસિક આશ્વાસન મળતું હતું કે ‘આપણે તો બહુ પ્રયાસ કર્યો, પણ તકદીરે સાથ ન આપ્યો.’ બીજાના ઘર કે ઓફિસમાં સુખસમૃદ્ધિ લાવવાના વાસ્તુશાસ્ત્રીઓના પ્રયાસ વિશે જાણીને ક્રિકેટમેચના એ ટુચકાબાજ દર્શકો યાદ આવી જાય છે. ફેર એટલો જ છે કે દર્શકો દેશદાઝ (અને મૂર્ખામી)થી પ્રેરાઇને પોતાના પર ટુચકાબાજી કરતા હતા, જ્યારે વાસ્તુશાસ્ત્રીઓ આવા અખતરા બીજા લોકો પર કરે છે અને પોતે રૂપિયા કમાય છે.

વાયવ્ય દિશામાં મોં રાખીને અને ઇશાન દિશામાં રહેલા સ્વીચ બોર્ડમાં લેપટોપનો ચાર્જિંગ કેબલ નાખ્યા પછી લખાયેલો આ લેખ કેવો લાગ્યો? વાંચતાં કંટાળો આવ્યો હોય તો શક્ય છે કે જ્યાં બેસીને આ લેખ વાંચ્યો તેની વાસ્તુશાસ્ત્રીય ગોઠવણ બરાબર નહીં હોય. કેટલાંક નકારાત્મક પરિબળો તમારી પ્રજ્ઞાનું પ્રાગટ્‌ય અટકાવતાં હશે. તેના નિવારણ માટે ઘરના ઇશાન ખૂણે રાખેલું રેફ્રિજરેટર પૂર્વ ખૂણે રાખેલા ટીવીની જગ્યાએ ગોઠવશો, રસોડાની જગ્યાએ ડ્રોઇંગ રુમ બનાવશો અને છાપું વાંચવા માટે પૂર્વ દિશામાં નહીં, પણ ઉત્તર દિશામાં મોં રાખીને બેસશો તો તમને આ લેખમાં મઝા આવે એવી પૂરી શક્યતા છે.

Tuesday, November 12, 2013

‘ઇસરો’નું મંગળયાન : વિજ્ઞાનની સોનેરી થાળીમાં અંધશ્રદ્ધાનો ગોબો

મિશન-મંગળ અઘરૂં તો ગણાય. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અહેવાલ પ્રમાણે, મંગળ સુધી જવા નીકળેલાં ૫૧માંથી માંડ ૨૧ યાન મંગળની ભ્રમણકક્ષા લગી પહોંચ્યાં છે. તેમાંથી એશિયાના એક પણ દેશનું યાન મંગળનાં દર્શન કરી શક્યું નથી. ચીને રશિયાની મદદથી મંગળયાન રવાના કર્યું હતું, પણ એ પૃથ્વીની ભ્રમણકક્ષાથી આગળ ન ગયું. એકાદ દાયકા પહેલાં જાપાનના પ્રયાસને પણ નિષ્ફળતા મળી હતી.

હવે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’એ મંગળ ગ્રહની ભ્રમણકક્ષા સુધી યાન પહોંચાડવાનું સાહસ હાથ ધર્યું છે. તેમાં પહેલો અને સાવ પ્રાથમિક કહેવાય એવો તબક્કો ગયા મંગળવારના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો અને મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકાયું છે. ત્યાંથી ક્રમશઃ તેની ભ્રમણકક્ષાનું અંતર વધારીને, ૧ ડિસેમ્બરના રોજ તેને મંગળના લાંબા રસ્તે મુકી આપવામાં આવશે.

અફાટ અવકાશમાં યાન બે રીતે ચાલી શકે ઃ બળતણના જોરે  અને ગુરૂત્વાકર્ષણથી. વિરાટ કદના ગ્રહો પોતાનું ગુરૂત્વાકર્ષણ ધરાવતા હોય છે. મોબાઇલ ટાવરના સિગ્નલની જેમ (પણ તેમના કરતાં અનેક ગણા વધારે વ્યાપક-શક્તિશાળી) ગુરૂત્વાકર્ષણનો પ્રભાવ અવકાશમાં મોટા વિસ્તારમાં પથરાયેલો હોય છે. એ વિસ્તારમાં યાન દાખલ થાય એટલે, ઢાળ પરથી ન્યૂટ્રલ ગીઅરમાં સડસડાટ આગળ વધતા વાહનની જેમ, તે બળતણ વિના કે નહીંવત્‌ બળતણ વાપરીને પ્રવાસ ચાલુ રાખે છે. યાનનો પ્રવાસમાર્ગ નક્કી કરતી વખતે આ બાબતને ખાસ ઘ્યાનમાં રાખવામાં આવે છે, જેથી ગુરુત્વાકર્ષણનો મહત્તમ લાભ લઇને ઓછામાં ઓછા બળતણથી લાંબો પ્રવાસ ખેડી શકાય અને બળતણના નામે યાનના વજનમાં થતો વધારો કાબૂમાં રાખી શકાય. (માર્સ ઓર્બિટર એટલે કે મંગળયાનના કુલ ૧,૩૩૭ કિલોગ્રામ વજનમાંથી ૮૫૨ કિલોગ્રામ તો કેવળ બળતણનું જ વજન છે.)

શ્રીહરિકોટા મથકેથી ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન હજુ સાવ આરંભિક તબક્કામાં છે. એ ભાગ સફળતાપૂર્વક સંપન્ન થયો એટલે ભારે જયજયકાર થયો. એક મહત્ત્વાકાંક્ષી મિશનની શુભ શરૂઆત તરીકે એ બરાબર છે, પણ કેટલાક અભ્યાસીઓને આ ઉજવણાં  વહેલાં અને અપ્રમાણસરનાં લાગ્યાં છે. મંગળયાત્રામાં નિષ્ફળતાના પ્રમાણને ઘ્યાનમાં રાખતાં સાવચેતી અને સંયમ રાખવાનું વઘુ યોગ્ય લાગે છે.

કેવળ સફળ લૉન્ચિંગનો આટલો ઓચ્છવ ન હોય એવી એમની વાત પણ વાજબી છે. કારણ કે ઘુ્રવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવામાં ‘ઇસરો’ ઘણા સમયથી નિષ્ણાત ગણાય છે. પીએસએલવી- પોલર સેટેલાઇટ લૉન્ચ વેહીકલ- દ્વારા અગાઉ બે ડઝન લૉન્ચિંગ થઇ ચૂક્યાં છે. મંગળયાન એવું પચીસમું લૉન્ચિંગ હતું. અગાઉનાં તમામ લૉન્ચિંગની સરખામણીમાં મંગળયાનનો લૉન્ચિંગ તબક્કો સૌથી લાંબો - ૪૩ મિનીટનો હતો. (તેમાં રોકેટ દાગ્યા પછી ૪૩મી મિનીટે મંગળયાન છૂટું પડીને નિશ્ચિત ભ્રમણકક્ષામાં ફરતું થઇ જવાનું હતું.) છતાં મૂળભૂત ટેકનોલોજીની રીતે પહેલા તબક્કામાં કશી નવાઇ ન હતી.

બઘું ગણતરી પ્રમાણે પાર પડે તો મંગળયાન સપ્ટેમ્બર ૨૦૧૪માં  મંગળની ભ્રમણકક્ષામાં પહોંચશે અને માંડ ૧૫ કિલોગ્રામ વજન ધરાવતાં ઉપકરણોની મદદથી દૂર રહ્યે રહ્યે મંગળનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. ‘રીમોટ સેન્સિંગ’ - દૂર રહીને નિકટ પરિચય  હાંસલ કરવામાં ‘ઇસરો’ની મહારત જોતાં મંગળયાન મંગળ વિશે કશી નવી માહિતી લઇ આવે તો નવાઇ નહીં લાગે.

અમેરિકાએ મંગળની સપાટી પર ઉતારેલા યાનની સરખામણીમાં ‘ઇસરો’નું મંગળયાન સસ્તું અને ઓછી સાધનસામગ્રી ધરાવે છે. છતાં મંગળ ગ્રહની અમુક જ સપાટીનો અભ્યાસ કરનાર અમેરિકાના યાનની સામે ‘ઇસરો’નું મંગળયાન આખા મંગળની પ્રદક્ષિણા કરીને ‘રીમોટ સેન્સિંગ’ થકી માહિતી મેળવવા ધારે છે. તેમાંથી એક અગત્યની માહિતી મંગળ ગ્રહ પર મિથેન વાયુની હાજરી અંગેની છે. જીવસૃષ્ટિનો સૂચક ગણાતો આ વાયુ મંગળ પર ગેરહાજર હોવાનું અમેરિકાના મંગળયાને કહી દીઘું છે. પરંતુ ‘ઇસરો’નું મંગળયાન આખા ગ્રહના અભ્યાસ પછી જુદું તારણ આપી શકે છે. આંતરરાષ્ટ્રિય સંશોધકોનો એક સમુહ માને છે કે ‘ઇસરો’નું મંગળયાન ભારતની વૈજ્ઞાનિક ઉપલબ્ધિથી વિશેષ મહત્ત્વ ધરાવતું નથી અને તેના અભ્યાસમાંથી કોઇ ક્રાંતિકારી પરિણામ મળવાની સંભાવના નથી. પરંતુ મંગળયાન જો મંગળ ગ્રહ પરથી મિથેનની હાજરી શોધી કાઢે તો એ મહત્ત્વની શોધ બની રહેશે.

શ્રીહરિકોટા અને તિરુપતિ

વિરોધાભાસની ભૂમિ જેવા ભારતમાં ‘ઇસરો’ એક તરફ દેશી ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે, તો બીજી તરફ તે વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધાની ભેળસેળનો પણ ખેદજનક નમૂનો છે.

‘ઇસરો’એ મંગળયાનનો પ્રોજેક્ટ માંડ રૂ.૪૫૦ કરોડમાં પાર પાડ્યો છે, જે અમેરિકાના આ જ પ્રકારના પ્રોજેક્ટના ખર્ચ કરતાં દસમા ભાગની રકમ હશે. આંતરરાષ્ટ્રિય સમુદાયે ‘ઇસરો’ની આ સિદ્ધિની નોંધ લીધી છે. અલબત્ત, બચાવમાં એવી દલીલો પણ થઇ છે કે ‘અમેરિકાના ઇજનેરોની સરખામણીમાં ભારતીય ઇજેનરોનો પગાર ઘણો ઓછો છે. મંગળયાનમાં મર્યાદિત સાધનસામગ્રી રવાના કરવામાં આવી છે. એટલે ટેકનોલોજીની દૃષ્ટિએ  ભારતના મંગળયાનનું મહત્ત્વ પ્રતીકાત્મકથી વિશેષ નથી.’

આ દલીલો સાચી હોય તો પણ ફક્ત ૧૫ મહિનાના સમયગાળામાં ‘ઇસરો’એ આવો પ્રોજેક્ટ  સસ્તા ભાવમાં સાકાર કરી બતાવ્યો એ મોટી સિદ્ધિ છે. તેનો સંપૂર્ણ જશ ‘ઇસરો’ની ટીમને જાય છે. પરંતુ ‘ઇસરો’માં ઘણાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે કોઇ પણ લૉન્ચિંગ પહેલાં ‘ઇસરો’ના વડા સત્તાવાર રીતે તિરુપતિ મંદિરની મુલાકાતે જાય, રવાના થનારા સાધનની એક નાની પ્રતિકૃતિ ભગવાનનાં ચરણોમાં ધરે અને મંદિરમાંથી આશીર્વાદ મેળવ્યા પછી મિશન આગળ ધપાવે.

‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, ‘ઇસરો’ના વર્તમાન અઘ્યક્ષ રાધાકૃષ્ણન મંગળયાનના લૉન્ચિંગના આગલા દિવસે પત્ની ઉપરાંત ‘ઇસરો’ના ૧૮ સાથીદારો સાથે તિરુપતિ ગયા હતા. રાધાકૃષ્ણન દરેક વખતે લૉન્ચિંગ પહેલાં તિરુપતિની મુલાકાત લીધા પછી સફળતા માટે સ્થાનિક દેવીની પૂજા પણ કરે છે. અહેવાલો પ્રમાણે આ વખતે તેમણે સ્થાનિક મંદિરમાં દેવીની પૂજા પહેલાં કરી અને ત્યાર પછી તિરુપતિ પહોંચ્યા.

મિશનની સફળતા માટે તિરુપતિ મંદિરમાં જવાનો રિવાજ ક્યારથી શરૂ થયો હશે, એ ચોક્કસપણે જાણવા મળતું નથી. પરંતુ હવે ભક્તિભાવપૂર્વક તેનું પાલન કરવામાં આવે છે. વિજ્ઞાન અને (અંધ)શ્રદ્ધાની આ ભેળસેળ વિશે જ્યારે પણ ટીકા થાય ત્યારે ‘ઇસરો’નાં મોટાં માથાંનો કે તેમના સમર્થકોનો જવાબ હોય છે કે ‘આટલો મહત્ત્વનો પ્રોજેક્ટ હોય અને તેની સફળતા વિશે ઘણો ઉચાટ હોય ત્યારે માણસ બે ઘડી ભગવાન સમક્ષ માથું ટેકવે તેમાં શું ખસી જાય છે? ભગવાન કે શ્રદ્ધાનો આટલો આત્યંતિક વિરોધ ન કરવો જોઇએ...’

આ મુદ્દે ચર્ચા કરતાં પહેલાં વ્યક્તિગત શ્રદ્ધા (કે અંધશ્રદ્ધા) અને સંસ્થાકીય રિવાજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનું જરૂરી છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની કે કોઇ પણ ધર્મ ન પાળવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ આવી મોકળાશ કેવળ વ્યક્તિઓ માટે છે, જાહેર સંસ્થાઓ માટે નહીં. ‘ઇસરો’ના અઘ્યક્ષ કે બીજી કોઇ પણ ઇજનેરો વ્યક્તિગત જીવનમાં ગમે તેટલા આસ્તિક કે અંધશ્રદ્ધાળુ હોય, એ તેમની સ્વતંત્રતાનો મામલો છે, પરંતુ ‘ઇસરો’ જેવી વિજ્ઞાનના પર્યાય સરખી સંસ્થાના અઘ્યક્ષ તરીકે તે મિશનની સફળતા માટે પૂજાપાઠ કરે, તે કોઇ પણ રીતે વાજબી ઠરાવી શકાય એમ નથી. તેમના આ પગલાથી ‘ઇસરો’ની ઇજનેરી સિદ્ધિઓની લીટી નાની થાય છે. આ ઉપરાંત ભારતના બંધારણમાં સૂચવાયેલી વૈજ્ઞાનિક મિજાજનો પ્રચારપ્રસાર કરવાની વાતનો અનાદર થાય છે. ‘ઇસરો’ના વડા જેવો માણસ સફળતા માટે ભગવાનનું શરણું લે અને લૉન્ચ વેહીકલની પ્રતિકૃતિ ભગવાનના ચરણે મૂકવા જેવી ઘેલી ચેષ્ટા કરે, તેમાંથી બહુમતી આસ્તિક-અંધશ્રદ્ધાળુ જનતા કેવો બોધપાઠ લે? એ કલ્પી શકાય એવું છે.

વિજ્ઞાનીઓ અંધશ્રદ્ધાળુ હોય તેમાં કશી નવાઇ નથી. કારણ કે તેમની વિજ્ઞાનવિષયક પ્રતિભા અને એ સિવાયની બાબતોની વિચારસરણી વચ્ચે એકસૂત્રતા હોવી જરૂરી નથી. થોડા વખત પહેલાં ભારતના ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ અને ‘સેક્યુલર સોસાયટી ઑફ અમેરિકા’એ ૧,૧૦૦ વિજ્ઞાનીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં તબીબી વિજ્ઞાનથી માંડીને પ્રયોગશાળાઓમાં કામ કરનારા લોકોનો અને ૧૪૦ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું કે આશરે ૪૯ ટકા વિજ્ઞાનીઓ પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ૧૪ ટકા તો વાસ્તુશાસ્ત્ર અને ફળજ્યોતિષમાં પણ માનતા હતા.

સામાન્ય માણસની અંધશ્રદ્ધા અને ‘ઇસરો’ જેવી સંસ્થાની સત્તાવાર અંધશ્રદ્ધાનાં પરિણામ બહુ જુદાં હોય, એ ‘ઇસરો’ના ઇજનેરો કેમ સમજવા નહીં માગતા હોય? સૌ અંધશ્રદ્ધાળુ ઇજનેરો સ્નાન કરે છે એવી રીતે, ખાનગી રાહે, પોતાના ઘરે ઇષ્ટદેવની જેટલી પૂજા કરવી હોય એટલી કરીને આવે તો એ તેમની મુન્સફીની વાત છે, પણ જાહેરમાં તે મિશનની સફળતા માટે મંદિરોમાં પૂજાપાઠ કરતા દેખાય, એ દૃશ્ય વરવું લાગે છે. ફિલ્મમાં સરસ એક્ટિંગ કર્યા પછી બોક્સ ઓફિસ પર તેની સફળતા માટે ધર્મસ્થાનોમાં માથાં ટેકવતાં અભિનેતા-અભિનેત્રીઓ અને ‘ઇસરો’ના કાબેલ ઇજનેરો વચ્ચે કશો ફરક હોવો જોઇએ કે નહીં?

છેલ્લે એ પણ જાણી લેવું જોઇએ કે ડિસેમ્બર ૨૦૧૦માં જીએસએલવી એફ-૦૬ના પરીક્ષણના આગલા દિવસે રાધાકૃષ્ણન્‌ તિરૂપતિ મંદિરે પહોંચી ગયા હતા અને ત્યાં પૂજાપાઠ કર્યાં હતાં. તેમ છતાં, જીએસએલવી નિષ્ફળ નીવડ્યું. એટલું જ નહીં, પીએસએલવીમાં  નિષ્ણાત બન્યાનાં વર્ષો પછી હજુ સુધી ‘ઇસરો’ જીએસએલવીમાં સફળતા મેળવી શક્યું નથી. જીએસએલવી બની ગયું હોત તો મંગળયાન પહેલેથી જ વઘુ ઊંચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકાત, પરંતુ પૂજાપાઠ અને તિરુપતિની યાત્રાઓ જીએસએલવીને સફળતા અપાવી શકી નથી. એ સફળતા ‘ઇસરો’ને તેના ઇજનેરી કૌશલ્ય સિવાય બીજી કોઇ રીતે મળી શકે? જવાબ આપણે જાણીએ છીએ.