Wednesday, October 21, 2026

વોટચોરીના ગરબા

આઝાદીના આંદોલન વખતે નવરાત્રિ આવે ત્યારે ઘણી વાર કોઈ લડતને કે તેના નેતાને સાંકળી લઈને ગરબા રચાતા અને ગવાતા હતા. નવરાત્રિનું વ્યાવસાયીકરણ થયા પછી દર વર્ષે જૂના ગરબા ચાલે છે ને નવા આવે છે, પણ તેમાં આવી કોઈ વાત હોતી નથી. ધારો કે કોઈને જૂની પરંપરા આગળ વધારવાનું મન થાય અને હાલમાં ચાલી રહેલા વોટચોરી વિરુદ્ધના આંદોલનને નવરાત્રિના ગરબામાં સ્થાન મળે તો જૂના ગરબાનાં નવાં સ્વરૂપ કેવાં હોઈ શકે?

 

(‘ઈંધણાં વીણવા ગઈ’તી મોરી સૈયર’ પરથી, કવિ રાજેન્દ્ર શાહની ક્ષમા સાથે)

વોટની ચોરી કરવા ગઇ’તી સૈયર

વોટની ચોરી કરવા ગઇ’તી લોલ

વેળા ચૂંટણીની થઇ’તી મોરી સૈયર,

વેળા ચૂંટણીની થઇ’તી રે લોલ

 

ટેકાનું આભ ઠીક સુનું સુનું તોય

કંઈથી કમળમાં મત પડે રે લોલ

ગરબડ ને ગોટાળા નવલા તે કુંપળે

જ્ઞાનેશના વાયરે ડોલે રે લોલ

 

જેના ભરોસે ચોરી કરી સૈયર

તેની સંગાથે લાજ ગઈ’તી રે લોલ

 

કાપ્યા મેં કંઈક ને જોડ્યા ઘણા લીસ્ટમાં

જીવતા ને જાગતાને માર્યા રે લોલ

કેસરી તે પોદળામાં ગંધાતાં ફૂલ બે

ભક્તોના ગોખલે સોહ્યાં રે લોલ

 

નાલેશીના વહેણમાં ન’ઇતી મોરી સૈયર

નાલેશીના વહેણમાં ન’ઇતી રે લોલ

 

*

(‘મુંબઈથી ગાડી આવી રે...’ પરથી)

દિલ્હીમાં ગાડી આવી રે, વોટચોરીવાલા

ઇ રે ગાડી શું કામ આવી રે, વોટચોરીવાલા

વોટચોરો પડકારવા આવી રે, વોટચોરીવાલા

ઇ ગાડીને ઉભી રાખો રે…

(સીસોટી, લાઠી, પકડાપકડીના અવાજ)

ઇ રે ગાડી સીધે મારગ હાલી રે, વોટચોરીવાલા

ઇ ગાડી ના પાછી વળે, વોટચોરીવાલા

 

ઇ ગાડીમાં કોણ કોણ બેઠું રે,વોટચોરીવાલા

ઇ ગાડીમાં જુવાનિયાં બેઠાં રે, વોટચોરીવાલા

ઇ ગાડીમાં રીલો ઉતારો રે …

ઇ ગાડીમાં સૂત્રો બોલાવો રે, વોટચોરીવાલા

 

વોટચોરો સૌ ભેળા થઈને બોલે, વોટચોરીવાલા

ઇ ગાડીને હાંકી કાઢો રે...

*

(“પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી” પરથી)

માગણી લઈને હું તો દિલ્લી શે’ર ગઈ’તી

ગોદીવાળા, મને સમાચાર દે, મને સમાચાર દે,

નહીં તો તારી નોકરી પાછી દે.

 

માગણી લઈને હું તો દિલ્લી શે’ર ગઈ’તી

ચૂંટણીપંચવાળા, મને હિસાબ દે, હિસાબ દે.

નહીં તો તારી નોકરી પાછી દે.

 

માગણી લઈને હું તો દિલ્લી શે’ર ગઈ’તી

ભાઈ મોટા, તું મને પૂછવા તો દે, પૂછવા તો દે

નહીં તો તારી નોકરી પાછી દે.

 

માગણી લઈને હું તો દિલ્લી શે’ર ગઈ’તી

છપ્પનમોંઢાળા, મને જવાબ દે, જવાબ દે 

નહીં તો તારી નોકરી પાછી દે.

*

(‘નાગર નંદજીના લાલ’ પરથી, ભક્તકવિ નરસિંહ મહેતાની ક્ષમા સાથે)

પામર નંદુજીના લાલ

પામર નંદુજીના લાલ

મત કેરી યાદીમાંથી મતડા ખોવાણા

અઢળક મતડા ખોવાણા... પામર

 

જો તેં ઝૂંટવ્યા હોય તો આપ

ને જોડ્યા હોય તો કાપ

મત કેરી યાદી મહીં મતડા અટવાણા... પામર

મોટી મોટી યાદીઓ ને માંહી પડેલા ચીરા

મત મત કાપ મારા મોટાભાઈના વીરા ... પામર

 

ચોરી ઉપર શિરજોરી તું કરતાં ન શરમાય

ચોરેન્દ્રનો પોરસ તારા મુખ પર ઝોલાં ખાય...પામર

 

ચૂંટણીની કુંજગલીમાં મ્હાલે મોટા ચોર

મતોની યાદીમાં કળા કરી ગયો કયો મોર? ... પામર

 

સૌના મતો પાછા સ્થાપ, એમાં કરે શીદ વાર

ભગતોના સ્વામી ઉપર જાઉં બલિહાર ... પામર

*

(સનેડો)

સનેડો સનેડો લાલ લાલ સનેડો

હમજીને હાંભળજો લાલ લાલ સનેડો

હમજી હકાય તો હમજજો સનેડો

 

અલ્યા વોટ ચોરી, વોટ જોડી, ભાભો બજારમાં જાય

ને આડીઅવળી વાતું કરી

ચૂંટણીઓ ખાઈ જાય...    

 

કળિયુગ આવ્યો અલ્યા કારમો, ને સહુ ભાભાથી ડરે

સહુ પાસે મંગાવે ઝાઝાં કાગળીયાં ને પોતે એકેય ન ધરે... લાલ સનેડો

 

મોટી ઉંમરે આસન મળ્યાં ને દહેજમાં આવ્યું પંચ

છાશવારે પંચને આગળ કરે, ને કરે કેવું મોટું પ્રપંચ ...લાલ સનેડો

 

ફુલફટાક પોતે ફરે દેશ ને વિદેશ માલામાલ

પણ ઘરની લોકશાહીને કરી કેવી ચીંથરેહાલ...લાલ સનેડો.


No comments:

Post a Comment