Showing posts with label japan. Show all posts
Showing posts with label japan. Show all posts

Sunday, September 11, 2011

જાપાનની અણુદુર્ઘટનાઃ છ મહિના પછીના હાલચાલ-હાલહવાલ

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં 25 વર્ષ પછી કિરણોત્સર્ગી કચરો અને પ્લાન્ટનું સ્થળ સાફ થવાનાં ઠેકાણાં નથી. તેની સામે ‘ડાયટ’ તરીકે ઓળખાતી જાપાનની સંસદે 26 ઓગસ્ટના રોજ (દુર્ઘટનાના છ મહિના થાય તે પહેલાં) એક કાયદો પસાર કર્યો છે. તેની જોગવાઇ પ્રમાણે કિરણોત્સર્ગી કચરો અને વિકિરણથી દૂષિત માટીની સફાઇની જવાબદારી સરકારના માથે નાખવામાં આવી છે.

વર્ષે માર્ચ 11ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમા પ્લાન્ટનાં ત્રણ રીએક્ટરમાં ‘મેલ્ટ ડાઉન’ તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ સર્જાઇ. રીએક્ટરના કિરણોત્સર્ગી મલીદા ઉપરાંત વિકિરણ-દૂષિત પાણીનો પણ ખતરો ઉભો થયો, જે હજુ પૂરેપૂરો ટળ્યો નથી. અકસ્માત પછીના દિવસોમાં રોજેરોજ અણુદુર્ઘટનાનાં ગંભીર પરિણામ વિશે અનુમાન-આશંકા સાંભળવા મળતાં હતાં,

પરંતુ રીએક્ટરો ટાઢાં પડે તે પહેલાં પ્રસાર માધ્યમોમાંથી તેમને લગતા સમાચાર ઠરી ગયા છે. અણુવીજળીના ઇતિહાસની સૌથી ખતરનાક ચેર્નોબિલ દુર્ઘટનાની હારોહાર ગણાયેલી ફુકુશિમા કટોકટીમાં છ મહિના પછીની સ્થિતિ શી છે? તેના વિશે અનેક પ્રકારના સવાલ જાગે, જેના જવાબ હવે પ્રસાર માધ્યમોમાં મથાળાં બનતા નથી.

સૌથી પહેલાં સરકારી પ્રતિક્રિયાની વાતઃ દુર્ઘટના પછી તરતના અરસામાં જાપાન સરકારે તેની ગંભીરતા છુપાવવાનો ઠીક ઠીક પ્રયાસ કર્યો. પરંતુ સ્થિતિ ધીમે ધીમે એટલી હદે વણસી કે સરકાર માટે ઢાંકપિછોડો અશક્ય બન્યો. એક અંદાજ પ્રમાણે, ભૂકંપ-ત્સુનામી અને અણુદુર્ઘટનાના ત્રેવડા ફટકામાં આશરે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને 1.25 લાખ લોકોએ ઘરબાર. પ્લાન્ટના સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ (ટેપ્કો) અને સરકારે તેમના માટે અલગ અલગ રીતે વળતરની જાહેરાત કરી. અખબારી અહેવાલ પ્રમાણે અસરગ્રસ્તોને કંપનીએ આરંભિક વળતર તરીકે 10 લાખ યેન (આશરે 13 હજાર ડોલર) ચૂકવવાની જાહેરાત કરી. સાથે સરકાર તરફથી 3.5 લાખ યેન (આશરે 4550 ડોલર) ની મદદ પણ ખરી. કુલ વળતર પેટે કંપનીએ 5 અબજ ડોલરનું ભંડોળ અલગ કાઢ્યું છે અને ઘણાને વળતર ચૂકવાયું પણ છે. છતાં પરંતુ વળતરની ચૂકવણીમાં ઘણો વિલંબ થતો હોવાની બૂમ ‘ટાઇમ’ સાપ્તાહિકના અહેવાલમાં સાંભળવા મળી છે.

કંપની અને સરકાર હાલની પરિસ્થિતિ કાબૂહેઠળ હોવાની જાહેરાતો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ 5 સપ્ટેમ્બરના રોજ કહ્યું છે કે પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાનું- શટડાઉનનું-કામ હાલની ઝડપે ચાલશે તો એ ધારેલી મુદત કરતાં વહેલું પૂરું થઇ જશે. છતાં કંપની સ્વીકારે છે કે સૌથી મોટું જોખમ મોટા જથ્થામાં એકઠા થયેલા વિકિરણયુક્ત પાણીના સલામત નિકાલનું છે. પ્લાન્ટની આજુબાજુ 20 કિલોમીટરના ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર પણ પ્રદૂષણ ફેલાયું છે. ત્યાં રાહત કામગીરીમાં સરકારી તંત્ર સાવ ઢીલું પુરવાર થયું છે. પ્લાન્ટથી 50-60 કિ.મી.ના અંતરે આવેલા ફુકુશિમા શહેરના વાતાવરણમાં વિકિરણનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું. છતાં સરકારે એ શહેર ખાલી કરાવ્યું નહીં. શહેરનાં વિવિધ સ્થળોએ વિકિરણનું પ્રમાણ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભળેલું પ્રદૂષણ તપાસવાનું કામ આખરે કેટલાક નાગરિકોએ સરકારી તંત્રની સાથે મળીને, બલ્કે આગળ પડીને ઉપાડી લીધું. તેમની ચકાસણીમાંથી જાણવા મળ્યું કે શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઘણું વધારે હતું. સરખામણીની રીતે જોઇએ તો, સામાન્ય સંજોગોમાં અણુવીજળી મથકના કામદારો માટે જે પ્રમાણ માન્ય કરવામાં આવ્યું છે, તેના કરતાં પણ ફુકુશિમા શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઊંચું હતું.

બાળકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભા કરતા આ અહેવાલની પ્રતિક્રિયા તરીકે ‘ફુકુશિમા નેટવર્ક ફોર સેવિંગ ચિલ્ડ્રન ફ્રોમ રેડિએશન’ની સ્થાપના થઇ. નાગરિકોની પહેલથી કાર્યરત આ સંસ્થા મુખ્યત્વે શાળાઓમાં અને ખેતીવાડીનાં ઉત્પાદનોમાં વિકિરણોની માત્રા ચકાસે છે અને તેમનો ઉપયોગ થઇ શકે કે નહીં, તે જણાવે છે. શહેરને વિકિરણમુક્ત કરવાના કામ માટે જાપાનની કેન્દ્ર સરકારે 30 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી છે, પણ શહેરનું વહીવટી તંત્ર અને નાગરિકો એ નાણાં આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી. કિરણોત્સર્ગથી ફક્ત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જ નહીં, જમીન સુ્દ્ધાં દૂષિત થાય છે. તેને વિકિરણમુક્ત કરવા માટે દૂષિત જમીન પર 50 સેન્ટીમીટર જેટલો ચોખ્ખી માટીનો થર કરીને સ્થાનિક વહીવટી તંત્રે જમીનને સાફ કરવા પ્રયાસ કર્યો છે.

ફુકુશિમા પ્લાન્ટમાં પેદા થતી અણુવીજળી દેશના બીજા લોકો ખુશીથી વાપરતા હતા, પણ કિરણોત્સર્ગી કચરાના નિકાલ માટે જગ્યાની વાત આવે ત્યારે એ કચરો સંઘરવા કોઇ તૈયાર નથી. ફુકુશિમા પ્રાંત નજીક કામચલાઉ ધોરણે કિરણોત્સર્ગી કચરો સંઘરવા માટે વ્યવસ્થા ઉભી કરવાની વાત હતી, પરંતુ ત્યાંના રહીશોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો. આ પ્રકારના બનાવ ધ્યાનમાં રાખીને જાપાનના પર્યાવરણ મંત્રીએ બીજા પ્રાંતોને ફુકુશિમાની આફતમાં સહભાગી થવા કહેવું પડ્યું છે.

ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર રહેતા લોકોમાંથી ઘણાની ફરિયાદ એવી છે કે તેમના વિસ્તારમાં વિકિરણનું પ્રમાણ જોતાં, તેમને પણ પોતાનાં રહેઠાણો ખાલી કરીને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જવું છે, પણ આ બાબતે સરકાર મદદ કરે એવું તે ઇચ્છે છે. સૌથી મોટા પ્રશ્નોમાંનો એક ખાલી કરાવાયેલા વિસ્તારના લોકોનો છે. શરૂઆતમાં તેમને એવી આશા હતી- અને સરકારે પણ એવા સંકેત આપ્યા હતા- કે થોડા વખત પછી એ લોકો પાછા ફરી શકશે. પરંતુ પાંચ મહિના પછી સરકારી પ્રવક્તાએ કબૂલવું પડ્યું છે કે ‘કેટલાક વિસ્તારોના રહીશો લાંબા સમય સુધી ત્યાં પાછા ફરી ન શકે એવી સંભાવના છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે (ટીકાકારો માનતા હતા તેમ) પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેનારા ઘણા લોકો અને તેમની આગામી કેટલીક પેઢીઓ પણ એ જગ્યાએ પાછી ફરી નહીં શકે.’

ફુકુશિમા દુર્ઘટનાથી અત્યાર લગી જાપાનમાં ભાગ્યે જ ચર્ચાયેલો ઉચ્ચક કામદારોના હિતનો મુદ્દો પણ બહાર આવ્યો છે. જાપાનનાં 18 વ્યાવસાયિક અણુવીજળી મથકોમાં કામ કરતા આશરે 80 હજાર લોકોમાંથી 80 ટકા કાયમી નહીં, પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકો છે. ફુકુશિમા પ્લાન્ટમાં ગયા વર્ષના આંકડા પ્રમાણે (10 હજાર કામદારોમાંથી) 89 ટકા કોન્ટ્રાક્ટ પર કામ કરનારા હતા. (ભારતમાં પણ ગટરસફાઇના જોખમી કામ માટે દલિત કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, જેથી તેમને કંઇ થાય તો કોર્પોરેશન સહેલાઇથી હાથ ઉંચા કરી શકે.)

સામાન્ય મજૂરી કામ કરતાં અ્ણુવીજળી મથકોમાં મળતું મહેનતાણું ઘણું વધારે હોવાથી કામદારો ત્યાં જવા લલચાય છે, પરંતુ અણુવીજળી મથકોમાં જોખમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. દુનિયાના ટોચના પાંચ સમૃદ્ધ દેશોમાં સ્થાન પામતા જાપાન જેવા દેશમાં ઉચ્ચક કામદારોનું આટલું મોટું પ્રમાણ હોય અને કંપની કે સરકાર તેમની કોઇ પ્રકારની જવાબદારી લેતી ન હોય તે શરમજનક કહેવાય. સામાન્ય સંજોગોમાં રોજી ગુમાવવાની બીકે ચૂપ રહેતા અણુવીજળી મથકના કામદારોમાંથી કેટલાક હવે અવાજ ઉઠાવતા થયા છે. પરંતુ હજુ સુધી કંપની કે સરકારે જોખમ લેતા કામદારોના ભવિષ્યની જવાબદારી લેવાને બદલે, તેમને વધુ નાણાં આપવાની પદ્ધતિ ચાલુ રાખી છે.

ચેર્નોબિલ દુર્ઘટનાનાં વાસ્તવિક પરિણામ જાણવા-સમજવામાં વર્ષો નીકળી ગયાં. ફુકુશીમાને હજુ માંડ છ મહિના થયા છે. જાપાન રશિયા નથી એ ખરું - જાપાની નાગરિકોની સક્રિયતાએ એ સાબીત કરી આપ્યું છે - પણ જાપાનની સરકારે હજુ એ સાબીત કરવાનું બાકી છે.

Sunday, April 10, 2011

જાનનું જોખમ ખેડીને અણુમથકનું સમારકામ કરતા ‘જમ્પર’: ક્યારેક દેશ માટે, ક્યારેક ‘કૅશ’ માટે

‘હવે રોદણાં રડવાનો અર્થ નથી. અત્યારે અમે નરકમાં હોઇએ તો પણ સરકીને સ્વર્ગ તરફ ગયા વિના છૂટકો નથી. અણુશક્તિની અદૃશ્ય શક્તિ પર નજર રાખજો. (આ અકસ્માતમાંથી) બઘું સમુસુતરું પાર પડે એ માટે અમે કામ કરી રહ્યા છીએ.’
***
‘મારાં માતાપિતા ત્સુનામીમાં તણાઇ ગયાં..આ પ્રકારની માનસિક સ્થિતિમાં હું અત્યંત કઠણ કામમાં જોતરાયેલો છું...હવે વધારે સહન થતું નથી.’
***
‘મારા સહિત બધા આપત્તિનો ભોગ બનેલા છે. પણ અમે અમારી જાતનો ભોગ બનેલા તરીકે વિચાર કરવાને બદલે, કંપનીના કર્મચારી તરીકે અમારું કામ પૂરું કરવા માટે પરિશ્રમ કરી રહ્યા છીએ.’
***
‘અકસ્માત પછીના થોડા દિવસ કામદારોએ માત્ર બ્રેડના જોરે ટકી રહીને રોજના ૨૩-૨૩ કલાક કામ કર્યું હતું અને માત્ર એક કલાક આરામ લઇને ફરી કામે ચઢી જતા હતા. આટલી ઓછી ઉંઘને લીધે ઘણી વાર તે એટલા થાકી જતા કે બ્રેડ ચાવવાનું પણ તેમને આકરું લાગતું હતું.’
***
‘સૌ પોતાના વતનથી દૂર છે. પાછા ફરવાનું ક્યારે થશે એની ખબર નથી. અમારી ચિંતાઓ અને ગુસ્સો કોની સમક્ષ ઠાલવવો એ સમજાતું નથી...સૌએ સર્વસ્વ ગુમાવ્યું છે- ઘરબાર, નોકરી, સ્કૂલ, મિત્રો, પરિવાર...આ વાસ્તવિકતા સામે કોણ ઝીંક ઝીલી શકે?
***
ઉપરનાં અવતરણો જાપાનના દુર્ઘટનાગ્રસ્ત ફુકુશિમા અણુમથકમાં કામ કરનારા કેટલાક કર્મચારીઓનાં છે. ૧૧ માર્ચ, ૨૦૧૧ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમાનાં રીએક્ટરોમાં ભંગાણ પડ્યું, ત્યારે સૌથી ગંભીર આશંકા વિકિરણો ફેલાવાની હતી. જોતજોતાંમાં તે વાસ્તવિકતા બની. એ સાથે જ રાહત કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થવો જોઇતો હતો. પ્લાન્ટની સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ના કર્મચારીઓ માનવશરીર પર વિકિરણોની ગંભીર અસરો વિશે જાણતા જ હોય. બેકાબૂ બનેલાં રીએક્ટરો અને તેમાંથી ફેલાતા વિકિરણને કાબૂમાં લેવાના પ્રયાસમાં કર્મચારીઓ શા માટે જીવનું જોખમ વહોરે?

પરંતુ જાપાનમાં એ સવાલ પેદા જ ન થયો. અકસ્માત પછી ઘણા કર્મચારીઓ સ્થળ છોડીને સલામત વિસ્તારમાં જવાને બદલે, પ્લાન્ટ પર સતત તહેનાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાણીતા બનેલા જાપાની કામીકાઝી (આત્મઘાતી) પાયલોટોની જેમ, પોતાના જીવની પરવા ન કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૦૦થી ૫૦૦ જેટલી છે. પણ દરેક પાળીમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી, પ્રસાર માઘ્યમોએ તેમનું નામ પાડ્યું: ‘ફુકુશિમા-૫૦’. તેમનું એક જ લક્ષ્યઃ કોઇ પણ ભોગે, પોતાના જીવના પણ જોખમે, વઘુ નુકસાન થતું અટકાવવું. રીએક્ટરોને ટાઢાં પાડવાં અને વિકિરણોનો ફેલાવો રોકવો.

અણુમથકમાં મોટો અકસ્માત થયા પછી રાહત કામગીરીમાં કેવાં જોખમ હોય છે, તે ૧૯૮૬ની ચેર્નોબિલ દુર્ઘટના પછી જાણીતું હતું. યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કમિટીના અહેવાલ પ્રમાણે, ચેર્નોબિલ દુર્ઘટના પછી ત્રણ મહિનામાં ૨૮ જેટલા બચાવ કામદારો વિકિરણોની અસરને કારણે મૃત્યુ પામ્યા. વિકિરણની ત્વચા પર અસરને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં, બીજા ૧૯નાં મૃત્યુ થયાં અને ૧૦૦થી વઘુ લોકોને ઉબકા, ઉલટી, ડાયેરિયા જેવી વિકિરણની વિવિધ અસરો થઇ.

‘ફુકુશિમા ૫૦’ તરીકે ઓળખાતી ટુકડી રાહત કામગીરીમાં રહેલાં જોખમોથી ભાગ્યે જ અજાણ હોય. છતાં, એ લોકો હજુ મેદાન છોડવા તૈયાર નથી. આટલી મોટી સંખ્યામાં કામદારો જોખમ વહોરી લેતા હોવા છતાં એકાદ અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઇનાં કુટુંબીઓ પ્રસાર માઘ્યમો સમક્ષ સહાનુભૂતિ માટે આવ્યાં છે. જૂજ નિવેદનોમાં એક માતાનું બયાન સૌથી જાણીતું બન્યું છે, જેણે પોતાના ૩૨ વર્ષના પુત્ર અને તેના સાથીદારોની બહાદુરી અંગે ગળગળા કંઠે કહ્યું હતું કે કે ‘પોતે કેવું જોખમ લઇ રહ્યા છે, તે એ લોકો જાણે છે. (બચાવ કામગીરી પછી) તેમની જિંદગી થોડાં અઠવાડિયાં કે મહિના પૂરતી હશે અથવા લાંબા ગાળે તે કેન્સરનો ભોગ બનશે, એ પણ તે સમજે છે. પરંતુ તેમણે એ હકીકત સ્વીકારી લીધી છે.’

અકસ્માતના સ્થળે કામ કરનારાની સ્થિતિ વિશે આ લખાય છે ત્યાં સુધીમાં સૌથી અધિકૃત માહિતી ‘ન્યુક્લીયર સેફ્‌ટી એજન્સી’ના ઇન્સ્પેક્ટર કાઝુમા યોકોતાએ પૂરી પાડી છે. પાંચ દિવસ સુધી કામદારો સાથે રહેલા યોકોતાએ જાપાની ‘દૂરદર્શન’ (એનએચકે) સમક્ષ કહ્યું હતું,‘કામદારો કોન્ફરન્સ રૂમમાં, હોલ-વેમાં કે બાથરૂમ નજીક સુઇ જાય છે. દરેક કામદારને એક-એક ધાબળો આપવામાં આવે છે. સૌ ફરસ પર પાથરેલી સીસાની ચાદરો પર લાઇનબંધ સુઇ જાય છે. સીસું મકાનમાં પ્રવેશતાં વિકિરણો સામે તેમનું રક્ષણ કરે છે.’

યોકોતાના જણાવ્યા પ્રમાણે, રોજ સવારે ૨૭૦થી ૫૮૦ જેટલા કર્મચારીઓ મિટિંગ યોજીને પરિસ્થિતિની ચર્ચા કરે છે અને રોજનું કામ વહેંચે છે. મોટા ભાગના કર્મચારીઓ સવારના દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરે છે. રાતની પાળીમાં મુખ્યત્વે પ્લાન્ટની મશીનરીનાં રીડિંગ નોંધવામાં આવે છે. દરેક કામદારને માપ મુજબનું ભોજન અને પાણી આપવામાં આવે છે. નાસ્તામાં વઘુ કેલરી ધરાવતાં બિસ્કિટ અને ભોજનમાં ગરમાગરમ ચડાવેલો ભાત તથા જેમાં વિકિરણોની અસરનો ભય ન હોય એવો ટીનબંધ ખોરાક આપવામાં આવે છે. આ ખોરાકમાંથી કામદારોને પૂરતું પોષણ નહીં મળતું હોય, એવી ટીપ્પણી પણ યોકોતાએ કરી હતી.

જાપાનના પ્રસિદ્ધ અખબાર ‘યોમુરી શિમ્બુન’ના અહેવાલ પ્રમાણે, દરેક કામદારને રોજ ફક્ત દોઢ લીટર પાણી આપવામાં આવે છે. તેથી તે નહાતા નથી અને હાથ પણ પાણીને બદલે આલ્કોહોલથી ઘુએ છે. એ પોતાનાં કપડાં પણ ભાગ્યે જ બદલી શકે છે. કામ કરતી વખતે રક્ષણાત્મક વસ્ત્રો ઉપરાંત બેવડું આવરણ ધરાવતાં હાથમોજાં, ચહેરા સહિત આખું માથું ઢંકાય એવા માસ્ક અને અંધારામાં કામ કરી શકાય એ માટે ફ્‌લેશલાઇટ તેમની પાસે હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર બિછાવવાથી માંડીને કાટમાળ સાફ કરવાનું અને રીએક્ટર પર પાણીનો મારો કરવા જેવાં કામ કરે છે.

ફરજપરસ્ત અને દેશભરમાં ‘હીરો’ તરીકે પંકાયેલા કર્મચારીઓ હોવા છતાં કેટલાંક કામ એટલાં જોખમી છે કે તેના માટે અલગથી ભરતી કરવા માટે ટોકિયો ઇલેક્ટ્રિક કંપનીએ કલાકના પાંચ હજાર ડોલર જેવા મહેનતાણાની જાહેરાત કરી છે.

અણુમથકોની જોખમી કામગીરી માટે વફાદાર કર્મચારીઓ હોય તો પણ ફક્ત તેમનાથી કામ ચાલી જાય, એવું ભાગ્યે જ બને છે. એ સંજોગોમાં ઊંચું મહેનતાણું લઇને જોખમી કામ કરી આપનારા લોકો ‘જમ્પર’ તરીકે ઓળખાય છે. અમેરિકા જેવા સમૃદ્ધ ગણાતા દેશમાં છેક સિત્તેરના દાયકાથી થોડા ડોલરમાં અણુમથકોનું જોખમી કામ કરી આપનારા ‘જમ્પર’નું આખું બજાર ખીલ્યું છે. વર્ષો પહેલાં (નવેમ્બર, ૧૯૮૨ના અંકમાં ‘મધર જોન્સ’ સામયિકમાં ‘ધ ગ્લો બોય્ઝ’ શીર્ષક હેઠળ જમ્પરોના બજાર વિશે વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો હતો. એ લખનાર પત્રકારે પોતે છૂપી રીતે જમ્પરોની ભરતીપ્રક્રિયામાં જોડાઇને જમ્પરોને કેવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવે છે, કેવી રીતે તેમને જોખમથી સાચીખોટી રીતે નિશ્ચિંત બનાવવામાં આવે છે અને ડોલર માટે જીવ જોખમમાં મુકનારાની માનસિકતા કેવી હોય છે એ બધી વાતો લખી હતી. તે ‘એટલાન્ટિક ન્યુક્લીઅર સર્વિસિઝ’માં જમ્પર તરીકે ભરતી થયો હતો. તેના એ વખતના અંદાજ પ્રમાણે, ૧૯૮૨માં ફક્ત અમેરિકામાં જમ્પરોની સંખ્યા ૪૦ હજારના આંકડે પહોંચવાનો અંદાજ હતો.

ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ ‘જમ્પર’ માટે પાંચ હજાર ડોલર પ્રતિ કલાકના ભાવે જમ્પરની ભરતીનો પ્રયાસ કર્યા પછી, ચેર્નોબિલ અણુમથકની કામગીરીમાં છ વાર ઉતરી ચૂકેલા સર્ગેઇ બેલ્યાકોવની કથા પણ બહાર આવી. યુક્રેન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરનાર બેલ્યાકોવ ૪૦ દિવસ સુધી ચેર્નોબિલમાં રહેલો હતો. એ દરમિયાન અણુરીએક્ટરના છાપરા પર વઘુમાં વઘુ બે મિનિટ અને ઓછામાં ઓછી ૩૦-૪૦ સેકન્ડ જેટલો સમય ગાળીને તેમણે નિર્ધારીત સફાઇકામ કર્યું હતું. આ કામગીરીમાં ઘણા લોકો સંકળાયેલા હતા. તેમાંથી પાંચ સાથીદારોના મૃત્યુ વિશે બેલ્યાકોવ જાણે છે. એ પોતે થોડો સમય બિમાર રહ્યા, પણ તેમનો જીવ બચી ગયો. આ કામ માટે કેટલી રકમ મળી હતી? એ સવાલના જવાબમાં બેલ્યાકોવે કહ્યું હતું,‘એ રકમથી હું પહેલી વાર ભારત ફરવા આવી શક્યો. એ મારી પહેલી વિદેશયાત્રા હતી.’

બેલ્યાકોવ જેવા લોકો ‘જમ્પર’ તરીકે કામ કર્યા પછી ટકી શકે તો વિદેશયાત્રા કરી શકે અને વિકિરણની અસરો ઘાતક નીવડે તો? છેક ઉપરની યાત્રા. પણ બન્નેમાંથી એકેયનો વિચાર કર્યા વિના કામ કરી રહેલા ‘ફુકુશિમા-૫૦’એ અણુઇતિહાસની તવારીખમાં નવા પૃષ્ઠનો ઉમેરો કર્યો છે.

Tuesday, March 29, 2011

જાપાનની તારાજીના પગલે તાજી થયેલી ૨૫ વર્ષ જૂની ભૂતાવળ : ચેર્નોબિલની અણુમથક-દુર્ઘટના

જાપાનના ફુકુશિમા અણુવિદ્યુત મથકમાં ભૂકંપ અને ત્સુનામીના પગલે પ્રચંડ દુર્ઘટના સર્જાઇ. રેડિયોએક્ટિવ બળતણ ધરાવતા એક રિએક્ટરની કામગીરી ખોરવાઇ અને આજુબાજુના મોટા વિસ્તારમાં તેનાં વિકિરણો પ્રસરવાનો ગંભીર ખતરો ઉભો થયો (જે આ લેખ પ્રગટ થતાં સુધીમાં શક્યતા મટીને વાસ્તવિકતા પણ બને.)
જાપાનના અણુવિદ્યુત મથકમાં ભંગાણના સમાચાર આવ્યા, તે સાથે જ પ્રસાર માઘ્યમોનાં મથાળાંમાં અને જાણકારોના મનમાં ઝબકેલો એક ડરામણો શબ્દ હતોઃ ચેર્નોબિલ.

ખતરનાક અણુદુર્ઘટનાનો પર્યાય બનેલું ચેર્નોબિલ એટલે વિઘટન પહેલાં સોવિયેત રશિયાના યુક્રેન પ્રાંતમાં આવેલું, આશરે ૧૨,૫૦૦ માણસની વસ્તી ધરાવતું એક નગર. તેનાથી ૧૮ કિ.મી. દૂર રશિયાનાં સંખ્યાબંધ અણુવિદ્યુત મથકોમાંનું એક મથક કાર્યરત હતું. ૧૯૭૭થી ૧૯૮૩ સુધીમાં આ મથકમાં વારાફરતી એક-એક હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં ચાર રીએક્ટર સ્થાપવામાં આવ્યાં. આ ચારેય ‘ચેનલ ટાઇપ રીએક્ટર’ હતાં. તેમની કાર્યપદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણે હતીઃ પમ્પની મદદથી પાણી રીએક્ટરમાં ધકેલાય, રીએક્ટરમાં ન્યુટ્રોન કણોના મારા થકી યુરેનિયમના અણુઓનું વિખંડન થાય અને ગરમી સાથે વઘુ ન્યુટ્રોન છૂટા પડે.

છૂટા પડતા ન્યુટ્રોન યુરેનિયમ સાથે ટકરાયા વિના પૂરઝડપે નાસી છૂટે તો વિખંડનની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે? એટલે તેમની ઝડપ ઘટાડવા અને યુરેનિયમ સાથે તેમની ટક્કરની સંભાવના અનેક ગણી વધારવા માટે ‘મોડરેટર’ વાપરવામાં આવે છે. તેમનું મુખ્ય કામ ન્યુટ્રોનની ઝડપ ઘટાડવાનું હોય છે. ચેર્નોબિલના રીએક્ટરમાં ગ્રેફાઇટના બનેલા મોડરેટર વાપરવામાં આવ્યા હતા.

મોડરેટરથી ગતિ અંકુશમાં આવતાં, ગરમી સાથે છૂટા પડેલા ન્યૂટ્રોન યુરેનિયમના બીજા અણુઓનું વિખંડન કરે છે અને તેમાંથી વઘુ ન્યૂટ્રોન- વઘુ ગરમી છૂટાં પડે છે. આ પ્રક્રિયાચક્ર- ચેઇન રીએક્શનને કારણે પ્રચંડ ગરમી પેદા થાય છે. તેના થકી રીએક્ટરમાં દાખલ થતું પાણી વરાળમાં ફેરવાય. વરાળ અને પાણીનું મિશ્રણ સેપરેટર ડ્રમમાં જાય. ત્યાં પાણી અને વરાળ જુદાં પડે. વરાળ આગળ જઇને ટર્બાઇનનાં ચક્કર ફેરવે અને ટર્બાઇનની ગતિશક્તિમાંથી જનરેટર વિદ્યુતશક્તિ (વીજળી) પેદા કરે. ચેર્નોબિલનું અણુવિદ્યુત મથક સામાન્ય સંજોગોમાં આ રીતે કામ કરતું હતું.

પરંતુ ૨૫ એપ્રિલ, ૧૯૮૬ના સંજોગો અસામાન્ય હતા. ચેર્નોબિલમાં ત્રણ વર્ષ પહેલાં સ્થપાયેલા રીએક્ટર નં.૪ને રાબેતા મુજબ શટ ડાઉન કરતાં પહેલાં એક પ્રયોગ હાથ ધરવાનો હતો. પ્રયોગનો હેતુ કંઇક આ પ્રકારનો હતોઃ
સામાન્ય સ્થિતિમાં આખા પ્લાન્ટની કામગીરી વીજળીના જોરે ચાલતી હોય, પણ વીજળીનો પ્રવાહ કોઇ કારણસર, અકસ્માતે ખોરવાઇ જાય તો? ટર્બાઇન સાવ બંધ થતાં પહેલાં કેટલો સમય ચાલી શકે અને તેમની એ ગતિશક્તિમાંથી કટોકટીને પહોંચી વળવા જેટલી - પાણીના પમ્પ ચાલુ રહે એટલી - વીજળી પેદા કરી શકે? અગાઉ આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે વિદ્યુતપ્રવાહ ખોરવાયા પછી ટર્બાઇન ઝડપથી બંધ થઇ જતાં, પૂરતી વીજળી પેદા થઇ ન હતી. ૨૫ એપ્રિલ, ૧૯૮૬ના રોજ એ પ્રયોગ નવેસરથી આરંભાયો.

૨૫મીની વહેલી સવારે ૧:૦૬ મિનીટ. અણુવીજળીના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની રહેનારા પ્રયોગનો આરંભ થયો. શરૂઆત રીએક્ટરમાંથી પેદા થતી ઉર્જાનું સ્તર ઘટાડવાથી થઇ. રીએક્ટરમાં પેદા થતી ઉર્જા મેગાવોટ (થર્મલ)ના એકમમાં મપાય છે, જ્યારે જનરેટરમાંથી વિદ્યુતપ્રવાહ સ્વરૂપે નીપજતી ઉર્જા મેગાવોટ (ઇલેક્ટ્રિકલ) તરીકે માપવામાં આવે છે.

ચેર્નોબિલ પ્લાન્ટના રીએક્ટરમાંથી પેદા થતી થર્મલ ઉર્જાનું સ્તર ઘટાડીને ૧૬૦૦ મેગાવોટ (થર્મલ) સુધી લઇ જવામાં આવ્યું. તેને કારણે પેદા થતી વીજળીના પ્રમાણમાં પણ ઘટાડો થયો. બપોરે બે વાગ્યે પ્લાન્ટની ઇમરજન્સી કૂલંિગ સીસ્ટમના છેડા છૂટા કરી દેવામાં આવ્યા, જેથી પ્રયોગના ભાગરૂપે વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવે, તો તેને કટોકટી ગણીને ‘ઇમરજન્સી કૂલિગ સીસ્ટમ’ ચાલુ ન થઇ જાય.

પ્રયોગ આગળ વધારવા માટે વીજઉત્પાદન હજુ ઘટાડવાની જરૂર હતી, પણ નજીકની પાવરગ્રીડમાંથી આવેલી વીજળીની માગ પુરી કરવાનું જરૂરી હતું. એટલે રાત સુધી ૧૬૦૦ મેગાવોટ (થર્મલ) પર રીએક્ટર ચાલતું રહ્યું. રાત્રે ૧૧:૧૦ વાગ્યે રીએક્ટરને વઘુ ધીમું પાડવાની અને વીજ ઉત્પાદન ઘટાડવાની મોકળાશ ઉભી થઇ. રાત્રે બાર વાગ્યે પ્લાન્ટમાં ઓપરેટરોની શિફ્‌ટ બદલાયા પછી ૧૨:૦૫ વાગ્યે (એટલે કે ૨૬ એપ્રિલની સવારે ૦૦:૦૫ વાગ્યે) પ્લાન્ટના પાવરમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો.

સલામતીના નિયમો પ્રમાણે પ્લાન્ટને ૭૦૦ મેગાવોટ (થર્મલ) કરતાં ઓછા સ્તરે ચલાવી શકાય નહીં. પણ ચેર્નોબિલમાં એ નિયમને અવગણવામાં આવ્યો. પાવર સતત ઘટીને ૫૦૦ મેગાવોટ(થર્મલ) પર પહોંચ્યો, ત્યારે પ્લાન્ટનું સંચાલન ઓટોમેટિક પ્રણાલીને હવાલે કરવામાં આવ્યું. ત્યાર પછી પણ પાવરનું સ્તર ઘટતું રોકવામાં ઓટોમેટિક સિસ્ટમ નિષ્ફળ ગઇ કે ઓપરેટર એ સૂચના આપવાનું ચૂકી ગયા. કારણ જે હોય તે, પણ પાવરનું સ્તર ઘટતું ઘટતું ૩૦ મેગાવોટ (થર્મલ) જેવા તળીયે પહોંચી ગયું.

ક્યાં ૭૦૦ મેગાવોટ (થર્મલ)નું સલામત સ્તર અને ક્યાં ૩૦ મેગાવોટ (થર્મલ)! પાવર ઘટી જવાને કારણે ટર્બાઇન-જનરેટરને અટકાવી દેવાનું માંડવાળ રાખવામાં આવ્યું અને પાવરનું ઉત્પાદન વધારવા માટે ‘ઓટોમેટિક સેફ્‌ટી રોડ’ બહાર કાઢવામાં આવ્યા. (ન્યુટ્રોન શોષવાનો ગુણધર્મ ધરાવતા સેફ્‌ટી રોડ રીએક્ટરની પ્રક્રિયા બંધ કરવા માટે અથવા તેના પ્રમાણમાં વધઘટ માટે વાપરવામાં આવે છે.) સેફ્‌ટી રોડ બહાર કઢાતાં ૨૬ એપ્રિલની સવારે ૧:૦૦ વાગ્યે ફરી પાવરનું ઉત્પાદન વધીને ૨૦૦ મેગાવોટ (થર્મલ)ના સ્તરે પહોંચ્યું અને એ સપાટીએ સ્થિર બન્યું.

આ તબક્કે રીએક્ટરને શટ ડાઉન કરી શકાયું હોત. કારણ કે પ્રયોગ આગળ વધારવા માટે ૭૦૦ થી ૧૦૦૦ મેગાવોટ (થર્મલ) પાવર જરૂરી હતો. પરંતુ ઓપરેટરોએ જોખમી સંજોગો અવગણીને પ્રયોગ આગળ ધપાવવાનો નિર્ણય લીધો. કૂલિગ પમ્પ અને વધારાના કૂલિગ પમ્પ ચાલુ કરવામાં આવ્યા. તેમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે રીએક્ટરના મુખ્ય હિસ્સા ‘કોર’નું તાપમાન ઘટવા લાગ્યું. તેની અસરથી ઉર્જાનું સ્તર ઘટી ન જાય, એટલા માટે વઘુ સેફ્‌ટી રોડને બહાર કાઢવામાં આવ્યા.

પાણીનો આવશ્યક કરતાં વઘુ જથ્થો ઠંડા પડી રહેલા રીએક્ટરના ઠંડા પડી રહેલા ‘કોર’ હિસ્સામાં જવાને કારણે વરાળનું પ્રમાણ ઘટ્યું. વરાળ-પાણી છૂટાં પાડતા સેપરેટર ડ્રમમાં પણ દબાણ ઘટ્યું, ડ્રમમાં પાણીનો જથ્થો અચાનક ઘટીને સાવ ઇમરજન્સી લેવલે પહોંચ્યો, એટલે પાણીનો જથ્થો ઓર વધારવામાં આવ્યો. તેનાથી ડ્રમમાં પાણીની સપાટી ઊંચી આવી. છતાં ઉર્જાનું સ્તર નીચે ઉતરી ગયું હતું. તેને ૨૦૦ મેગાવોટ (થર્મલ) પર ટકાવી રાખવા માટે ફરી સેફ્‌ટી રોડને વઘુ બહાર કાઢવામાં આવ્યા.

રીએક્ટરનું તંત્ર થાળે પડ્યું હોય એવું લાગતાં સવારે ૧:૨૩ વાગ્યે પ્રયોગ આગળ ધપાવવામાં આવ્યો. સેપરેટર ડ્રમમાંથી વરાળને ટર્બાઇન તરફ લઇ જતો વાલ્વ બંધ કરવામાં આવ્યો. વરાળના ધક્કાના અભાવે ટર્બાઇન (નં.૮) ની ગતિ ધીમી પડી. જોવાનું એ હતું કે ટર્બાઇન સદંતર બંધ થતાં પહેલાં કેટલી વીજળી પેદા કરી શકે છે?
ટર્બાઇન ધીમો પડતાં વીજળીનું પ્રમાણ ઘટ્યું એટલે તેની સાથે જોડાયેલા અને રીએક્ટરમાં પાણી ધકેલતા પમ્પ પણ ધીમા પડ્યા. (એ પમ્પને નીયત ઝડપે ચાલુ રાખનારી ઇમરજન્સી કૂલિગ સીસ્ટમ પહેલેથી હટાવી લેવામાં આવી હતી.) પાણીનો પુરવઠો ઘટતાં રીએક્ટરના ‘કોર’ હિસ્સાનું કૂલિગ ઘટ્યું અને તાપમાન વધવા લાગ્યું. એ સાથે જ રીએક્ટરમાં પેદા થતા થર્મલ પાવરનો આંકડો ઉંચકાવા લાગ્યો. રીએક્ટરમાં વધેલી ગરમીને કારણે પાણી ઝડપથી વરાળ બની જવા લાગ્યું અને પાવર સતત વધતો રહ્યો.

રીએક્ટરમાં બેકાબૂ બનવા તરફ જઇ રહેલા ઉર્જા-ઉત્પાદનને કાબૂમાં રાખવા માટે પાછા ખેંચી લેવાયેલા કન્ટ્રોલ રોડમાં થોડા ફરી રીએક્ટરમાં ઉતારવામાં આવ્યા. તેમ છતાં પરિસ્થિતિ થાળે ન પડતાં કટોકટીના ધોરણે તમામ રોડ અંદર ઉતારાયા. પરંતુ રોડના છેડે રહેલા ડિસ્પ્લેસરે રીએક્ટરની ચેનલોને નુકસાન કરતાં, તમામ રોડને બે-ત્રણ મીટરથી વધારે ઊંડા ઉતારી શકાયા નહીં. એટલે પાવરનો આંકડો અને વરાળનો જથ્થો ભયાનક હદે વઘ્યાં. તેના પરિણામે ‘રન-અવે રીએક્શન’ તરીકે ઓળખાતું વિષચક્ર શરૂ થયું. ‘રન-અવે’નો અર્થ એટલો જ કે એક પ્રક્રિયા કાબુબહાર જતાં ગરમી પેદા થાય અને એ ગરમીને કારણે પ્રક્રિયા વઘુ ને વઘુ કાબુબહાર જાય. તેનો આખરી અંજામ એટલે વિનાશ!

ચેર્નોબિલમાં ૨૬ એપ્રિલની સવારે ૧:૨૩:૪૩ વાગ્યે રન અવે રીએક્શનની શરૂઆત થઇ. થર્મલ પાવર સામાન્ય સ્તર કરતાં ૧૦૦ ગણો વધી ગયો. વરાળનું દબાણ અસહ્ય બન્યું. રીએક્ટરના ‘કોર’ હિસ્સામાંથી પાણી બહાર નીકળવા લાગ્યું અને એકાદ સેકન્ડમાં ફ્‌યુલ રોડમાં વિસ્ફોટ થયા. રીએક્ટરની ચેનલોને ભારે નુકસાન થયું અને રીએક્ટરના કોર હિસ્સાને ઢાંકતું ૧ હજાર ટનનું ઢાંકણ ‘કોર’માં મચેલા કમઠાણના ધક્કાથી ઉંચકાઇ ગયું.

રીએક્ટરની ચેનલોને થયેલું નુકસાન છેલ્લો ફટકો સાબીત થયું. તેના પરિણામે આખો ‘કોર’ હિસ્સામાં પ્રચંડ વિસ્ફોટ થયો. રીએક્ટર ધરાવતું આખું મકાન છાપરા સહિત ભાંગી પડ્યું. અણુ બળતણ ધરાવતા ફ્‌યુલ રોડ અને વિખંડનના પરિણામે પેદા થયેલી કિરણોત્સર્ગી સામગ્રી સીધી વાતાવરણના સંપર્કમાં આવી.

પરમાણુશક્તિ સાથે સંકળાયેલું સૌથી ભયંકર દુઃસ્વપ્ન વસમી હકીકતમાં ફેરવાયું, જેનાં પરિણામ દાયકાઓ સુધી ચાલુ રહેવાનાં હતાં.

(માહિતી સ્ત્રોતઃ વર્લ્ડ ન્યુક્લિઅર એસોસિએશન તથા ધ રશિયન ન્યૂઝ એન્ડ ઇન્ફર્મેશન એજન્સી.)

Tuesday, March 22, 2011

જાપાની અણુકટોકટીની આંટીધૂંટી

જાપાનમાં ધરતીકંપ અને ત્સુનામી પછી કુદરતી તબાહીને વિસારે પાડી દે એવો ખતરો તેના ફુકુશિમા અણુવિદ્યુતમથક તરફથી પેદા થયો છે. મથકનાં છમાંથી ચાર રીએક્ટરમાં અકસ્માતોની હારમાળા દરમિયાન નક્કર વિગતો ઓછી અને ભયજનક ચેતવણીઓ વધારે પ્રમાણમાં સાંભળવા મળી. ગયા અઠવાડિયે બી.બી.સી.ના નામે એક સમાચાર એવા પણ ચાલ્યા કે ‘કિરણોત્સર્ગની અસર ફિલિપાઇન્સ સુધી પહોંચી છે અને એશિયાના બધા દેશોએ સાચવવાનું છે.’ આ સમાચારને ઘણાએ ‘ફોરવર્ડ’ જનજાગૃતિના ભાગરૂપે ફોરવર્ડ પણ કર્યા. પાછળથી ખુલાસો થયો કે એ ગપગોળો હતો.

અણુશક્તિનું નામ આવે એટલે જાપાન પર પડેલા અણુબોમ્બ અને ચેર્નોબિલ (રશિયા)ના અણુમથકમાં થયેલી ભયાનક દુર્ઘટના- આ બન્ને લોકોના મનમાં સૌથી ઉપર તરી આવે છે. તેને કારણે પૂરી વિગત જાણ્યા વિના ગભરાટનું વાતાવરણ ફેલાય છે. જાપાનના અણુમથકમાં સર્જાયેલા સંજોગો ભારે ચિંતાજનક હોવાનું ખુદ જાપાન સરકાર અને તેના શહેનશાહ સુદ્ધાં જાહેર કરી ચૂક્યા છે. આ લખાણ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સુધરી કે વઘુ બગડી શકે છે. ઉચાટ અને ઉત્તેજનાના વાતાવરણમાં મૂળભૂત હકીકતો અને માહિતી સમજવાનું જરૂરી બની જાય છે. ભારતમાં પણ કુલ ૨૦ અણુવિદ્યુતમથકો કાર્યરત છે (તેમાંથી બે જ ફુકુશિમામાં હતાં એ પ્રકારનાં છે) ત્યારે જાપાનમાં જે થયું તે કેમ થયું અને ખરેખર ત્યાં શું થયું હશે, એની મુદ્દાસર માહિતી.

ધરતીકંપનું જોખમ હોવા છતાં જાપાન અણુશક્તિમાંથી વીજળી પેદા કરવાનાં મથકો શા માટે સ્થાપે છે?

વિકસિત ગણાતા જાપાનને ઉર્જાની જરૂરિયાતો માટે આયાતી માલ પર આધાર રાખવો પડે છે. કોલસો કે પેટ્રોલિયમ જેવો વીજઉત્પાદન માટેનો કાચો માલ જાપાન પાસે નથી. એટલે જાપાની સરકારે ૧૯૭૩થી અણુશક્તિને પ્રાથમિકતા આપી છે. વર્લ્ડ ન્યુક્લીયર એસોસિએશનના આંકડા પ્રમાણે, જાપાનમાં ૫૪ રીએક્ટરો કાર્યરત છે, જે દેશની કુલ વીજળીમાંથી ૩૦ ટકા હિસ્સો પેદા કરે છે. ૨૦૧૭ સુધીમાં આ હિસ્સો વધારીને ૪૧ ટકા સુધી લઇ જવાનું પણ આયોજન જાહેર થયેલું છે. અણુશક્તિથી વીજઉત્પાદનમાં અમેરિકા અને ફ્રાન્સ પછી જાપાનનો ત્રીજો નંબર આવે છે.

ભૌગોલિક પરિસ્થિતિને કારણે સતત માથે તોળાતા ધરતીકંપના જોખમને ઘ્યાનમાં રાખીને અણુવીજમથકોમાં વધારાની સલામતીનાં શક્ય એટલાં પગલાં લેવામાં આવ્યાં છે. ખરું પૂછો તો, ફુકુશિમા મથકનાં રિએક્ટરો ૮.૯ રિક્ટર ધરતીકંપનો આંચકો તો ખમી ગયાં હતાં. ત્યાર પછી આવેલાં ત્સુનામીનાં તોતંિગ મોજાંએ અણુમથકની લોખંડી સલામતી વ્યવસ્થામાં ભંગાણ પાડ્યું.


ત્સુનામી પછી અણુવીજમથકમાં શું બન્યું?

ધરતીકંપને પગલે રીએક્ટરની કામગીરી આપમેળે બંધ થઇ અને તેમાં રહેલા બળતણનું તાપમાન કાબૂમાં રાખવાનું - કૂલિંગનું- કામ પમ્પ વડે બરાબર થતું હતું. ધરતીકંપ પછી વીજપુરવઠાની સામાન્ય વ્યવસ્થા ખોરવાઇ. છતાં, પ્લાન્ટમાં બેક અપ તરીકે રહેલાં જનરેટરથી કૂલિંગ પમ્પ ચાલુ રહ્યા. ત્સુનામી આવ્યું ત્યારે તેનાં મોજાં પ્લાન્ટમાં ધસી ગયાં અને તેમણે પમ્પ ચલાવી રહેલાં જનરેટરને ખોરવી નાખ્યાં. ત્યાર પછી છેલ્લા ઉપાય તરીકે ઇમરજન્સી બેટરી પાવરથી કૂલિંગ પમ્પ ચાલ્યા. આઠ કલાકે બેટરીનો પણ છેડો આવ્યો. એ સાથે જ બેહદ જરૂરી ગણાય એવી કૂલિંગની પ્રક્રિયા ખોટકાઇ અને ખતરાનાં મંડાણ થયાં.
કૂલિંગની પ્રક્રિયાનું મહત્ત્વ જાણતાં પહેલાં આખા વીજમથક રચના ટૂંકમાં જાણવી રહી.


અણુવીજમથકમાં કેવી રીતે વીજળી પેદા થાય છે?

ફુકુશિમા ખાતે ભંગાણનો ભોગ બનેલાં અણુરીએક્ટર ‘બોઇલિંગ વોટર રીએક્ટર’ પ્રકારનાં છે. આ રીએક્ટરના ‘કોર’ તરીકે ઓળખાતા કેન્દ્રીય હિસ્સામાં અણુવિખંડન/ફિશનની પ્રક્રિયા ચાલે છે. ‘કોર’ વિભાગમાં ઝિર્કોનિયમ ધાતુના સેંકડો સિલબંધ નળાકાર હોય છે. તે મૂળભૂત બળતણ જેવી યુરેનિયમની ટીકડીઓ ધરાવે છે. (કામ પ્રમાણે નામ ધરાવતા ઝિર્કોનિયમના આ નળાકાર ‘ફ્‌યુલ રોડ’ કહેવાય છે.)

યુરેનિયમના અણુ પર ન્યૂટ્રોનનો મારો થતાં તે ભાંગીને હળવા અણુઓમાં ફેરવાય છે. તેની સાથે કેટલાક વઘુ ન્યૂટ્રોન અને ગરમી પેદા થાય છે. નવા પેદા થયેલા ન્યૂટ્રોન યુરેનિયમના બીજા અણુ સાથે ટકરાઇને તેમને ભાંગે છે. એટલે વઘુ ઉર્જા, વઘુ હળવા અણુઓ. આમ, પેદા થતા ન્યૂટ્રોન યુરેનિયમના અણુને ભાંગે અને એ વિખંડનમાંથી બીજા ન્યુટ્રોન પેદા થાય, એવું ‘ચેઇન રીએક્શન’ ગોઠવાઇ જાય છે. તેની સાથે ગરમી પેદા થાય છે. ન્યુટ્રોનની ‘વસ્તી’ એક હદથી વધી ન જાય એ માટે રીએક્ટરમાં ‘ફ્‌યુલ રોડ’ની સાથોસાથ ‘કન્ટ્રોલ રોડ’ પણ રાખવામાં આવે છે. બોરોનના બનેલા આ નળાકાર ન્યુટ્રોનને શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે.

અણુવિખંડનને લીધે ગરમાગરમ બનેલા ‘કોર’ હિસ્સામાંથી શુદ્ધ પાણી પસાર કરતાં તે વરાળમાં ફેરવાય છે. વરાળ અને પાણીના મિશ્રણમાંથી પાણીને અલગ પાડીને, વરાળને ટર્બાઇન ભણી રવાના કરવામાં આવે છે. વરાળના જોરથી ટર્બાઇન ફરે છે. તેને કારણે જનરેટરમાંથી વીજળી પેદા થાય છે. ટર્બાઇન વિભાગમાં વધેલી વરાળને કન્ડેન્સરમાં ઠારતાં શુદ્ધ પાણી બને છે, જેને ફરી રીએક્ટરમાં મોકલવામાં આવે છે.


જોખમી રીએક્ટરમાં સલામતી માટે કેવી વ્યવસ્થા હોય છે?

રીએક્ટરમાં યુરેનિયમના વિખંડનથી બનતા હળવા અણુઓ વિકિરણોના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. જોખમી વિકિરણોનો ઉત્સર્ગ કરતા આ કિરણોત્સર્ગી અણુઓને લીધે રીએક્ટર અત્યંત જોખમી અને સંવેદનશીલ બને છે.
ધારો કે બળતણ ધરાવતા ‘કોર’ હિસ્સામાં ગરબડ કે અકસ્માત થાય તો? કિરણોત્સર્ગી પદાર્થોમાંથી વિકિરણો તેમની ઘાતક અસરો સાથે બહાર પ્રસરે. આ શક્યતા નિવારવા માટે પહેલું મજબૂત આવરણ રીએક્ટરના ‘કોર’ હિસ્સાની ફરતે ઉભું કરવામાં આવે છે. બેવડી સલામતી માટે આખેઆખા પહેલા આવરણને અને તેની આજુબાજુ રહેલી પમ્પ, પાઇપ જેવી સામગ્રીને આવરી લેતું બીજું આવરણ બનાવવામાં આવે છે.

આમ, યુરેનિયમની ટીકડીઓના મુખ્ય બળતણની ફરતે ત્રણ આવરણ થાય છેઃ પહેલું ઝિર્કોનિયમનું, બીજું ફ્‌યુલ રોડની બનેલી ‘કોર’ની ફરતે અને ત્રીજું સમગ્ર રચનાને સમાવી લેતું. આટઆટલી સાવચેતી છતાં, ફુકુશિમા જેવો અકસ્માત બને છે અને આવરણોની ‘ફુલપ્રૂફ’ મનાતી સલામતી સામે પ્રશ્રાર્થ ઉભા કરે છે. ફુકુશિમાની મુસીબતોનું મૂળ કારણ હતું: ખોટકાયેલું કૂલિંગ.

આખી વાતમાં ‘કૂલિંગ’ જેવી સીધીસાદી લાગતી પ્રક્રિયાનું શું મહત્ત્વ છે?

રીએક્ટરના હૃદય જેવા ‘કોર’ હિસ્સામાં અણુવિખંડન ચાલુ હોય ત્યારે પુષ્કળ ગરમી પેદા થાય છે. સાથોસાથ, વિખંડનને કારણે ઉદ્‌ભવતા કિરણોત્સર્ગી પદાર્થોમાંથી વિકિરણ નીકળતાં હોવાથી, ગરમી પેદા થાય છે. આ ગરમી વિખંડનની પ્રક્રિયા અટક્યા પછી પણ એકદમ ઓસરી જતી નથી. જ્યાં સુધી કિરણોત્સર્ગી પદાર્થમાંથી વિકિરણો નીકળવાનાં ચાલુ રહે ત્યાં સુધી ‘રેસિડ્યુઅલ હીટ’ તરીકે ઓળખાતી એ ગરમી ઓસરતી નથી. વિખંડન બંધ થયા પછી ‘રેસિડ્યુઅલ હીટ’ને કારણે વધેલું તાપમાન ફ્‌યુલ રોડને નુકસાન ન કરે, એ માટે ફ્‌યુલ રોડની ફરતે કૂલિંગ પમ્પથી સતત પાણી ફેરવવામાં આવે છે અને તેમને પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. અણુબળતણ ધરાવતા ફ્‌યુલ રોડને અકબંધ અને સહીસલામત રાખવા માટે એ બેહદ જરૂરી છે. વિખંડન બંધ થયા પછી તાપમાન અને દબાણ કાબૂમાં રહે તો જ ફ્‌યુલ રોડ સલામત અને ફ્‌યુલ રોડ અકબંધ, તો જ વિકિરણોનો ખતરો ઉભો ન થાય.


ફુકુશિમા ખાતે શું બન્યું?

ધરતીકંપ પછી તરત ફુકુશિમા રીએક્ટરના ‘કોર’ હિસ્સામાં કન્ટ્રોલ રોડ ગોઠવીને વિખંડનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી. પરંતુ રેસિડ્યુઅલ હીટ તરીકે ઓળખાતી ગરમીને કેવી રીતે ટાઢી પાડવી? આગળ જોયું તેમ, કૂલિંગ પમ્પ બંધ થઇ ગયા. બહારથી બીજાં જનરેટર લાવીને ઉપલબ્ધ કૂલિંગ સીસ્ટમમાંથી જેટલી કામ કરતી હોય તેના દ્વારા પાણી ફેરવીને, ગરમી ઘટાડવાનો પ્રયાસ થયો. પણ એ અપૂરતો નીવડ્યો. કૂલિંગની અપૂરતી માત્રાને કારણે દાખલ કરવામાં આવતું પાણી વરાળ બની જતું હતું અને વરાળને કારણે આંતરિક દબાણ વધતું હતું. રીએક્ટરના ‘કોર’ હિસ્સામાં વરાળનું અને બીજા વાયુઓનું દબાણ સતત વધતું રહે તો ઓર મુસીબત. એટલે વરાળ અને બીજા વાયુઓમાં ઓછેવત્તે અંશે વિકિરણોની માત્રા હોવા છતાં, તેમને બહાર છોડવાનું શરૂ કરવું પડ્યું.

ગરમી ઘટાડવાના તમામ પ્રયાસ છતાં કોર હિસ્સામાં તાપમાન હદ વટાવી ગયું - અને એક અનુમાન પ્રમાણે, પાણીનું સ્તર એટલું ઘટી ગયું કે ફ્‌યુલ રોડ પાણીમાં ડૂબેલા ન રહ્યા. એ વખતે ફ્‌યુલ રોડની ઝીર્કોનિયમ ધાતુની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં વિસ્ફોટક એવો હાઇડ્રોજન વાયુ પેદા થયો. વરાળને બહાર કાઢવાની પ્રક્રિયા/વેન્ટિંગ વખતે એક તબક્કે હાઇડ્રોજન વાયુ પણ બહાર નીકળ્યો અને વિસ્ફોટ થયો. યાદ રહે કે એ વિસ્ફોટ રીએક્ટરના કોર હિસ્સામાં નહીં, પણ તેનાં સુરક્ષા આવરણોની બહારના ભાગમાં થયો હતો.

બીજી તરફ, ‘કોર’માં તાપમાન કાબૂમાં ન આવતાં, ઝિર્કોનિયમના ફ્‌યુલ રોડ ખોરવાવા લાગ્યા અને વિખંડનના પરિણામે અસ્તિત્ત્વમાં આવેલા કિરણોત્સર્ગી સીસીયમ અને આયોડિન બહાર છોડવામાં આવતી વરાળમાં ભળવા લાગ્યા.


ભયાનક સંભાવના

વીજમથકની આજુબાજુમાંથી વિકિરણોનું ઊંચું પ્રમાણ નોંધાયું ત્યાર પહેલાં તેની આસપાસના ૨૦ કિલોમીટરના વિસ્તારમાંથી વસ્તીનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પરંતુ આ લખાય છે ત્યારે તોળાતો સૌથી મોટો ખતરો ‘મેલ્ટ ડાઉન’ની શક્યતાનો છે. ‘કોર’ હિસ્સાની ગરમી ન ઘટે તો એ ગરમીને કારણે ફ્‌યૂલ રોડ ઓગળવા લાગે. સરવાળે અણુબળતણ અને વિખંડનથી પેદા થેયલા કિરણોત્સર્ગી પદાર્થો સહિતનો ઓગળેલો રગડો તમામ રક્ષણાત્મક આવરણો તોડીને બહાર ખુલ્લામાં આવે. એ સાથે જ વિકિરણો હવામાં ભળે અને તેનો આતંક બહુ મોટા વિસ્તારમાં ફેલાય.

આ સંભાવના નિવારવાના પ્રયાસરૂપે હેલિકોપ્ટર દ્વારા બે રીએક્ટર બિલ્ડિંગ પર પાણીનો મારો કરવા સુધીના ઉપાયો અજમાવાયા છે. કારણ કે કિરણોત્સર્ગની બીકે માણસો એક હદથી વધારે નજીક જઇ શકે એમ નથી. હેલિકોપ્ટરને પણ ૧ હજાર ફીટ ઊંચે રાખવું પડે છે. દર ફેરે હેલિકોપ્ટર સાડા સાત ટન પાણીનો મારો કરે છે. બીજાં બે રીએક્ટરોમાં બોરોનયુક્ત દરિયાનું પાણી દાખલ કરીને તેના કોર હિસ્સાને ટાઢો પાડવાની અને ન્યૂટ્રોનને શોષવાની કોશિશ જારી છે.

સફળતાની આશા અને નિષ્ફળતાની ભીતિ સાથે થઇ રહેલા આ પ્રયાસો અણુશક્તિની સુરક્ષા વિશે ઘણા નવા બોધપાઠો શીખવાડી રહ્યા છે, એમાં બેમત નથી.