Wednesday, August 27, 2014
બે ઉપવાસી : ઇરોમ શર્મિલા, અન્ના હજારે
મેરી કોમના જીવન પરથી કમર્શિયલ હિંદી ફિલ્મ રજૂ થઇ રહી છે, જેમાં પ્રિયંકા ચોપડા જેવી જાણીતી અભિનેત્રી મેરી કોમની ભૂમિકા ભજવે છે. મેરી કોમ ઓલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને ‘ભારતનું ગૌરવ’ બન્યાં ત્યાર પહેલાં- અને હજુ પણ- ઇશાન ભારતનાં રાજ્યોના ભારત સાથેના સંબંધ સુમેળભર્યા નથી. ‘ભારત’ના લોકો ઇશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોનાં, જુદાં ચહેરામહોરાં ધરાવતા લોકો સાથે પોતાના દેશવાસીઓ જેવો વ્યવહાર કરતા નથી. (એ હકીકતનો ઉલ્લેખ રમતગમત આધારિત બીજી ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં પણ કરવામાં આવ્યો હતો.)
આ ઉપેક્ષા સામે ઇશાન ભારતનાં રાજ્યોમાં ઘણો કચવાટ જોવા મળે છે. તે એટલી હદ સુધી કે મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ ખુદ મેરી કોમના રાજ્ય મણિપુરમાં રજૂ નહીં થાય. કારણ કે મણિપુરમાં બમ્બૈયા હિંદી ફિલ્મો માટે થિએટરોના દરવાજા બંધ હોય છે. ત્યાંનાં અલગતાવાદી સંગઠનો હિંદી ફિલ્મોને ‘સાંસ્કૃતિક આક્રમણ’ તરીકે જુએ છે અને તેનાથી ભડકે છે.
આવા અંતિમવાદની ટીકા થવી જ જોઇએ અને એ કરવી બહુ સહેલી છે, પણ એ સિક્કાની બીજી બાજુ છે : ઇરોમ શર્મિલા. ભારત સરકારના કાનૂની અંતિમવાદ સામે તે ૧૪ વર્ષથી ઝઝૂમી રહ્યાં છે. તે ઉપવાસ પર છે, એવું ટેક્નિકલી ન કહી શકાય. કારણ કે પોલીસ અને સરકાર તેમના નાકમાં નળીઓ નાખીને બળજબરીથી શર્મિલાને પ્રવાહી ખોરાક આપીને જીવાડી રહ્યાં છે. પરંતુ શર્મિલાએ ૧૪ વર્ષથી પોતાના હાથે અન્નનો કોળિયો સુદ્ધાં મોંમાં મૂક્યો નથી. તેમની માગણી છે કે મણિપુરમાં ભારતીય લશ્કરને અમર્યાદ સત્તા આપતો અત્યાચારી કાયદો નાબૂદ થાય.
અત્યાર લગી મણિપુરની સરકાર ઉપવાસી શર્મિલા સામે આપઘાતના પ્રયાસની કલમ લગાડીને તેમની ધરપકડ કરતી હતી. આ ‘ગુના’ માટે એક વર્ષની સજા હોય. વર્ષ પૂરું થાય, એટલે શર્મિલા મણિપુરના પાટનગર ઇમ્ફાલની હોસ્પિટલની બહાર આવે અને હોસ્પિટલની સામે જ ઊભી કરાયેલી વાંસની ઝૂંપડીમાં રહે. ત્યાં સાવ પ્રાથમિક સુવિધાઓ સિવાય બીજું કંઇ ન હોય, પણ શર્મિલા હોસ્પિટલમાં હોય ત્યારે તેમને નૈતિક ટેકો બતાવનારા લોકો વર્ષ ૨૦૦૮થી એ ઝૂંપડીમાં રહીને પોતાનું આંદોલન ચલાવે છે.
શર્મિલાને હોસ્પિટલની બહાર ઝાઝું રહેવાનું ન બને. કારણ કે ત્યાં પણ તેમના ઉપવાસ ચાલુ રહે. એટલે ટૂંક સમયમાં પોલીસ ફરી આત્મહત્યાના પ્રયાસના ગુનાસર તેમની ધરપકડ કરે અને તેમને ઇમ્ફાલની હોસ્પિટલમાં કેદી-દર્દી તરીકે મોકલી દેવામાં આવે. છેલ્લા ૧૪ વર્ષથી ચાલતા શર્મિલાના ઉપવાસ-ધરપકડ-કેદના સિલસિલા પછી ગયા સપ્તાહે ઇમ્ફાલની અદાલતે ચુકાદો આપ્યો કે ઇરોમ શર્મિલા સામે આત્મહત્યાના પ્રયાસનો ગુનો બનતો નથી. માટે તેમને મુક્ત કરવામાં આવે. તેમના આરોગ્યની કાળજી અદાલતે સરકારના માથે નાખી.
‘આફસ્પા’નો આતંક
ઇરોમ શર્મિલાના સમર્થકો અને માનવ અધિકાર માટેના લડવૈયાઓએ અદાલતના આ ચુકાદાને નાનકડી છતાં નૈતિક જીત તરીકે જોયો છે. પરંતુ તેનાથી શર્મિલાની લડાઇનો અંત આવવાનો નથી. આ લખાય છે ત્યારે વઘુ એક વાર મહિલા પોલીસ દ્વારા તેમને લઇ જવાયાં હોવાના સમાચાર છે.
પરંતુ ગમે તે સંજોગોમાં શર્મિલાનું ઉપવાસ-આંદોલન ચાલુ રહે છે. કારણ કે તેમની લડત મણિપુરમાં લાગુ કરાયેલા ‘આર્મ્ડ ફોર્સીસ (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) એક્ટ’ - ‘આફસ્પા’- સામે છે. પોતાના ઉપવાસ માટે શર્મિલા ‘આમરણ’ જેવું વિશેષણ પણ વાપરતાં નથી. એ કહે છે કે જે દિવસે ભારત સરકાર ‘આફસ્પા’નો અત્યાચારી કાયદો મણિપુરમાંથી ઉઠાવી લેશે, એ દિવસે પોતે ઉપવાસ તોડશે.
શર્મિલા બહુ સરળતાથી અને વિશ્વાસથી આવું કહે છે. પરંતુ મણિપુરમાંથી ‘આફસ્પા’ નાબૂદ થાય તે એટલું સહેલું નથી. ભારત સરકાર અને ભારતીય સૈન્ય ‘આફસ્પા’ને મણિપુર પર કાબૂ રાખવા માટે અનિવાર્ય માને છે. મણિપુરનાં અલગતાવાદી સંગઠનોને ભારત સરકાર સામે ઘણા વાંધા છે. એ વાંધા વાજબી હોય તો પણ ભારતથી અલગ થવાની તેમની માગણી સ્વીકાર્ય ન જ બને. પરંતુ ઇરોમ શર્મિલા અને તેમના જેવી બીજી ઘણી મહિલાઓ અલગ મણિપુરની માગણી કરતી નથી. તેમની દલીલ એટલી જ છે કે ભારતીય લશ્કરને બેરોકટોક મનમાની માટેનો પરવાનો આપતો ‘આફસ્પા’ મણિપુરમાંથી જવો જોઇએ અને મણિપુરના લોકોને પૂરા અધિકારથી અને સ્વમાનથી જીવવાનો અધિકાર મળવો જોઇએ.
ભારતીય સૈન્યની દલીલ છે કે ‘આફસ્પા’ અંતર્ગત મળે છે એવી અબાધિત સત્તા ન હોય તો મણિપુરના અલગતાવાદીઓને અંકુશમાં રાખી શકાય નહીં. જોકે, બંદૂકની પાછળની બાજુએ રહેલા લોકોની દલીલ આવી જ હોય. પરંતુ વિશાળ સત્તાઓ મળે ત્યારે તેના દુરુપયોગની - અને એ દુરુપયોગને કારણે પરિસ્થિતિ ન સુધરવાની કે વણસવાની- સંભાવનાઓ ઘણી વધી જાય છે. કાશ્મીરની જેમ મણિપુર પણ તેનું ઉદાહરણ છે.
જ્વાળાનું પ્રાગટ્ય
મણિપુરમાં ઇરોમ શર્મિલાના ઉપવાસ આંદોલનની શરૂઆત માટે ભારતીય સૈન્યનો એક હત્યાકાંડ નિમિત્ત બન્યો. ‘આસામ રાયફલ્સ’ના જવાનોએ દસ જણને ગોળીએ દીધા અને ગામમાં કરફ્યુ નાખી દીધો. એ સમાચારની વિગતો જાણીને- તસવીરો જોઇને ઇરોમ શર્મિલા ખળભળી ઉઠ્યાં. તેમને થયું કે આવો અત્યાચાર સહી લેવાય નહીં.
ઇરોમ શર્મિલાનું અગાઉનું જીવન એક નિમ્ન મઘ્યમ વર્ગની, ભણવામાં સાધારણ યુવતી તરીકેનું હતું. ટાઇપિંગ-શોર્ટહેન્ડ-પત્રકારત્વ- સીવણકામ વગેરેની થોડીઘણી તાલીમ પછી ‘આફસ્પા’ સામે ઝુંબેશ ચલાવતા એક સ્થાનિક સંગઠનમાં કાયદા વિશની જાણકારી તેમણે મેળવી હતી. પરંતુ દસ જણની હત્યાના બનાવ પછી શર્મિલાએ મણિપુરના સામાન્ય નાગરિકો માટે દોઝખ પેદા કરનારા ‘આફસ્પા’ના કાયદા સામે લડી લેવાનું નક્કી કર્યું. આ કાયદામાં એવી જોગવાઇ છે કે માત્ર શંકાના આધારે સૈન્ય કોઇ પણ વ્યક્તિ સાથે ગમે તે વ્યવહાર કરી શકે અને તેને મારી પણ નાખે. તેની સામે ન્યાય મેળવવાનો કોઇ રસ્તો નહીં. સૈનિકો સામે ફક્ત તેમના ઉપરીઓ ફૌજી રાહે કાર્યવાહી કરી શકે- અને એવું ભાગ્યે જ બને. કેમ કે, એવું કરવા જતાં ‘સૈનિકોના નૈતિક જુસ્સા’નો સવાલ ઊભો થાય.
આવા સત્તાવાર અંતિમવાદ સામે લડત આપવા માટે એક રસ્તો હિંસાનો હતો, જેમાં કેટલાંક અલગતાવાદી સંગઠનો સક્રિય હતાં. પરંતુ ભારતીય સૈન્યના બળ સામે હિંસાનો ગજ ન વાગે. એટલે શર્મિલાએ ગાંધીજીના માર્ગે- શરીરબળથી નહીં, પણ આત્મબળથી - લડત આપવાનું વિચાર્યું. એ રીતે ૬ નવેમ્બર, ૨૦૦૦ના રોજ તેમના ઉપવાસની શરૂઆત થઇ.
ઘણા વખત સુધી તેમના ઉપવાસ સ્થાનિક સમાચાર બની રહ્યા. ભારતમાં ઉપવાસીઓની નવાઇ નથી હોતી અને તેમાંથી મોટા ભાગના ભાદરવાના ભીંડા જેવા હોય છે. એટલે તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી. ઇરોમ શર્મિલા એવી કોઇ હસ્તી પણ ન હતાં કે જે ઉપવાસ કરે તો અખબારોમાં કે ટીવી ચેનલોમાં મથાળાં બને. અમસ્તું પણ ઇમ્ફાલમાં શું બને છે તેની દિલ્હી-મુંબઇનાં પ્રસાર માઘ્યમોને અને તેના વાચકવર્ગને શી પરવા?
પરંતુ વર્ષ ૨૦૦૪માં મણિપુરની એક મહિલાને અલગતાવાદી સંગઠનની સભ્ય હોવાના આરોપ સાથે મારી નાખવામાં આવી. ધીમે ધીમે ખબર પડી કે એ મહિલાને છ ગોળીઓ મારતાં પહેલાં તેમની પર સૈનિકોએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને જનનાંગમાં પણ ગોળી મારવામાં આવી હતી. એ ઘટના પછી મણિપુરી મહિલાઓના સંગઠને ‘આસામ રાયફલ્સ’ના ઇમ્ફાલમાં આવેલા હેડક્વાર્ટસ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં, ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’નાં બેનર સાથે દેખાવો કર્યા. અસલમાં દારૂ અને ડ્રગ્સના રવાડે ચડેલા પુરૂષોના અત્યાચારનો મુકાબલો કરવા રચાયેલું મણિપુરી મહિલાઓનું સંગઠન આ રીતે ભારતીય સૈન્યના અત્યાચારની સામે પડ્યું. એ ઘટનાના અહેવાલ માટે ગયેલા લોકોને ઇરોમ શર્મિલાના ઉપવાસ વિશે જાણ થઇ. ત્યારથી શર્મિલા વિશે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમોમાં માહિતી આવવા લાગી અને સમય જતાં તે અડીખમ આત્મબળ સાથે અન્યાયના મુકાબલાનું પ્રતીક બન્યાં.
વર્ષ ૨૦૧૧માં અન્ના હજારેએ ભ્રષ્ટાચાર સામે ઉપવાસ શરૂ કર્યા તેનાં પાંચ વર્ષ પહેલાં, એક માનવ અધિકાર સંગઠનની મદદથી ઇરોમ શર્મિલા પણ જંતરમંતર પર પહોંચ્યાં હતાં અને ત્યાં તેમના ઉપવાસ આદર્યા હતા. પણ ઇમ્ફાલની જેમ દિલ્હીમાં પણ તેનું પરિણામ ધરપકડમાં જ આવ્યું. અન્ના હજારેના આમરણ ઉપવાસમાં કેટકેટલા લોકોને ક્રાંતિનાં પગલાંની આહટ સંભળાઇ હતી. સાચા અને દંભી, સુંવાળા અને લડાકુ, સગવડીયા અને ખરેખરું પરિવર્તન ઇચ્છતા- એમ ઘણા લોકો સડક પર ઉતરી આવ્યા હતા. પરંતુ પ્રસિદ્ધિથી છકી ગયેલા અન્ના હજારે અંતે ફારસરૂપ બની રહ્યા, જ્યારે ‘મારાં ગુણગાન ગાશો નહીં. મને ટેકો આપો’ એવું કહેનારાં ૪૨ વર્ષનાં ઇરોમ શર્મિલાનું ૧૪ વર્ષથી ચાલતું - અને અન્ના-આંદોલનકારીઓની ચેતનાને સ્પર્શી ન શકેલું- આંદોલન એક દીર્ઘ, કરુણ કવિતાથી કમ નથી.
Tuesday, December 17, 2013
પરિણામોનો ઉભરો ઓસર્યા પછી
ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.
પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.
કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.
દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.
આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...
કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?
કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)
યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.
આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.
અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.
‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.
‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,
મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..
આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે.
Tuesday, August 14, 2012
અન્ના આંદોલન: તળેટીથી નીચે તરફ
Wednesday, August 08, 2012
ઓલિમ્પિકમાં ભારતઃ નવી દૃષ્ટિએ
દર ચાર વર્ષે એક વાર ભારતમાં કકળાટની સીઝન આવે છે. દુનિયા તેને ઓલિમ્પિક રમતોત્સવના નામથી ઓળખે છે. કકળાટનો મુદ્દો એ નથી કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતું. સુરેશ કલમાડી જેવા જીવો ભારતમાં ઓલિમ્પિક યોજવા માટે ત્રાગું કરી શકે છે- એટલે કે જંતરમંતર પર કે રામલીલા મેદાન પર ઉપવાસ કરી શકે છે. સીઘું ગણિત છેઃ કોમનવેલ્થ ગેમ્સમાં અમુક રકમનાં કૌભાંડ થયાં, તો તેનાથી અનેક ગણી મોટી ઓલિમ્પિકમાં તેના ઘ્યેયમંત્ર પ્રમાણે ‘ફાસ્ટર, હાયર અને સ્ટ્રોંગર’ કૌભાંડ કરવાની તક મળે કે નહીં?
પરંતુ ચતુર્વર્ષી લોહીઉકાળાનો મુખ્ય મુદ્દો છેઃ એક અબજની વસ્તીમાં એક પણ ગોલ્ડમેડલ નહીં? વસ્તીનો આંકડો સામાન્ય રીતે બહુ ન ઉછાળાતો મુદ્દો છે. પહેલાં પાંચ કરોડ, પછી સાડા પાંચ કરોડ અને હવે છ કરોડ ગુજરાતીઓના હિતરક્ષણની દુહાઇઓ આપીને ગુજરાતના મુખ્ય મંત્રીએ સૌને ગુજરાતની વસ્તી મોઢે કરાવી દીધી છે. રાષ્ટ્રની વસ્તીના આંકડા માટે એવું ખાસ બનતું નથી, પરંતુ ઓલિમ્પિક આવે ત્યારે રટણ શરૂ થઇ જાય છેઃ એક અબજની વસ્તીમાં...
ટીકા કરનારા ભૂલી જાય છે કે હમ ઇસ દેશકે વાસી હૈ જહાં, વાલ્મિકી કે તુલસીદાસ થકી નહીં તો રામાનંદ સાગરના પ્રતાપે પણ, રામાયણની કથા સૌ જાણે છે. સીતાજીએ સુવર્ણમૃગ માટે કરેલી જિદ અને તેનાં પરિણામો હજુ લોકો ભૂલ્યા નથી. સામાન્ય રીતે બોધપાઠ લેવામાં ઉદાસીન ભારતીયોએ ત્યારથી સુવર્ણ પાછળ નહીં દોડવાની ગાંઠ વાળી હોય, એવું ઓલિમ્પિકમાં ભારતીયોના ઇતિહાસ પરથી સ્પષ્ટ તારવી શકાય છે. ભારતીયોને સોનું વહાલું છે એની ના નહીં, પણ એના માટે આટલા બધા લોહીઉકાળા કરવાની શી જરૂર?
ચચ્ચાર વર્ષ સુધી દિવસ-રાત પ્રેક્ટિસ કરવી, તનતોડ મહેનત કરવી ને તાલીમ માટે અઢળક ખર્ચા કરવા- એટલી મહેનત ધંધામાં કરીએ કે એટલું રોકાણ શેરબજારમાં કરીએ તો, આપણે બીજાને સુવર્ણચંદ્રકો આપવા જેટલું કમાઇ શકીએ. આ સચ્ચાઇ હર્ષદ મહેતા-કેતન પારેખના દેશના વાસીઓ ન જાણતા હોય? કેટલાક ઉત્સાહીઓ સુવર્ણચંદ્રક સાથે સંકળાયેલા અમરત્વ અને ગૌરવના મુદ્દા આગળ લાવે છે, પણ સાચું કહેજોઃ ઓલિમ્પિકમાં અનેક વાર હોકીમાં સુવર્ણચંદ્રક જીતનાર ટીમના ઘ્યાનચંદનું નામ કેટલાને યાદ છે? (એ સિવાયના સભ્યોની તો વાત જ નથી.) તેમની સરખામણીમાં સોનાની દાણચોરી કરતા હાજી મસ્તાન ટાઇપના દાણચોરોને હજુ લોકો યાદ કરે છે અને આટલાં વર્ષે પણ તેમના જીવન પરથી ફિલ્મો બનાવે છે.
ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળતા નથી, એવાં રોદણાં રડનારા ભૂલી જાય છે કે ભારત રેંજીપેંજી, ભીખારી દેશ નથી. તે ભાવિ સુપરપાવર છે. ત્યાં વગર દોડે કે ફેંકે કે કૂદે અબજોના અબજો રૂપિયા આમથી તેમ થઇ જાય છે. એ દેશના નાગરિકો સોનાના ટુકડા ખાતર ઉચ્ચ ભૂમિકા પરથી નીચે ઉતરીને તમે કહો તેમ દોડવા તૈયાર ન થઇ જાય. સોનાનો મોહ છોડવાનું ભલે ભારતીયોના હાથમાં ન હોય, પણ સોનું ખરીદવા જેટલી ક્ષમતા તેમનામાં હજુ બરકરાર છે. વિશ્વભરમાં સોનાની ખરીદી કરવામાં ભારતીયો મોખરે છે અને સુવર્ણચંદ્રક મેળવવામાં એ સૌથી છેલ્લે- આ બન્ને બાબતો એકસાથે મૂકીને જોવાનું અભ્યાસીઓને કેમ સૂઝતું નહીં હોય?
દેખાદેખી માણસની દૃષ્ટિ હણી લે છે. એટલે ઓલિમ્પિક રમતોમાં મેડલોની યાદી બહાર પડે અને તેમાં બીજા દેશોની સરખામણીએ ભારત બહુ પાછળ હોય એટલે હાયવોય શરૂઃ એક અબજની વસ્તીમાં... ઉત્સાહીઓ વળી ચીનના દાખલા આપીને ભારતને શરમાવવાનો પ્રયાસ કરે છે. ભાઇ, ચીન ચીન છે ને ભારત ભારત. ચીનમાં સામુહિક હત્યાકાંડો થાય ત્યારે સરકાર તેને વાજબી ઠરાવતી નથી. એ માહિતી પર ઢાંકપિછોડા કરે છે, જ્યારે ભારતમાં કેન્દ્ર-રાજ્યની સરકારો હત્યાકાંડોને આઘાત-પ્રત્યાઘાતની થિયરી આપીને વાજબી ઠેરવે છે, ખાનગીમાં તેના વિશે ગૌરવ લે છે, તેમાંથી પોતાની છબી બનાવે છે અને લોકપ્રિયતાની સાથે મત પણ મેળવે છે.
તેમ છતાં, સરખામણીની ધોંસ વધી જાય અને ભારતને ધરાર નીચાજોણું કરવાની કાવતરાબાજી વધી પડે ત્યારે વિવેક છોડીને કહેવું પડે છે કે ભારતમાં છે એવા ચેમ્પિયન જગતમાં ક્યાંય નથી. પરંતુ તેમની કદર કરવી ન પડે, એ માટે ઓલિમ્પિક કમિટીવાળા અમુક ભારતીય રમતો સ્પર્ધામાં રાખતા નથી. વિરોધાભાસો જીવવા અને જીરવવા એ ભારતની નીયતી છે. કોઇ પણ ભોગે અમેરિકા જવાની લાલસા અને આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ હોવાનું ગુમાન એકસાથે રહી શકે છે, એવી જ રીતે સહેલાઇથી ગોલ્ડમેડલ જીતી શકે એવા પ્રતિભાશાળીઓ અને મેડલની યાદીમાં ગોલ્ડમેડલનો અભાવ- આ બન્ને પણ ભારતના મામલે એકસાથે બની શકે છે.
કઇ છે એ રમતો, જે ઓલિમ્પિક કમિટીવાળા અંચઇ કરીને ભારતને ગોલ્ડમેડલથી વંચિત રાખવા માટે યોજતા નથી? કેટલાંક ઉદાહરણ.
સિરીઅલ ફાસ્ટ
ના, ફાસ્ટ દોડવાની વાત નથી, પણ ફાસ્ટ (ઉપવાસ) કરવાની રમતની વાત છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ ચાલે એ દરમિયાન કયો ખેલાડી સૌથી વઘુ ઉપવાસ ખેંચી શકે છે, એવી સ્પર્ધા રાખવામાં આવે તો કોઇની તાકાત છે કે અન્ના હજારેને ગોલ્ડમેડલ મેળવતાં અટકાવી શકે? હવે છેલ્લા ઉપવાસ પછી અરવિંદ કેજરીવાલ પણ સિલ્વર મેડલ લઇ આવે એવા થઇ ગયા છે. બસ, ઓલિમ્પિક કમિટીએ આ સ્પર્ધા પૂર્વે એટલું જાહેર કરવું પડે કે અમે ઓલિમ્પિક રમતોને જનલોકપાલના સત્તાક્ષેત્રથી બહાર રાખવા ઇચ્છીએ છીએ.
સ્પેક્ટ્રમ-વહેંચણી
દુનિયાના ભલભલા પ્રગતિશીલ દેશોને મોબાઇલ સેવાઓના સ્પેક્ટ્રમની વહેંચણીમાં ઘણો સમય લાગી જાય છે. તેમના ખેલાડીઓ હજુ તો વિચારતા હોય ત્યાં ભારત તરફથી મેદાને પડેલા એ.રાજા દોડવીર બોલ્ટ કે તરવૈયા ફેલ્પ્સને ચકિત કરી દે એટલી ઝડપે સ્પેક્ટ્રમની વહેંચણી કરીને અચૂક ગોલ્ડમેડલ પ્રાપ્ત કરે. શરત એટલી કે સ્પેક્ટ્રમની વહેંચણીમાં લાભાર્થી તરીકે એમની સાથે સાંઠગાંઠ ધરાવતી કંપનીઓ હોવી જોઇએ અથવા એ કંપનીઓ સાથે તેમનું ગોઠવાઇ શકશે, એની તેમને ખાતરી હોવી જોઇએ.
બોલ-ટેનીસ
આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારત સામે કેવું કાવતરું ચાલે છે, તેનો વઘુ એક નમૂનો છે. ટેનીસની રમતનો સાર આખરે શું છે? કોર્ટમાં પહોંચ્યા પછી બોલ સતત સામેના ખેલાડી તરફ મોકલી આપવાનો એ જ ને? આ રમતાં ભારતના નેતાઓને કોઇ પહોંચી વળે એવું લાગે છે? જો બોલીને ટેનીસ રમવાની મેચ રાખવામાં આવે તો ભારતીય નેતાઓ ફક્ત સુવર્ણ જ નહીં, તમામ ચંદ્રકો જીતી જાય. એ સંભાવના ટાળવા માટે ટેનીસમાં રેકેટ અને બોલ જેવાં બાહરી તત્ત્વો દાખલ કરવામાં આવ્યા. જે કામ પરસેવો પાડ્યા વિના, (રીઝર્વ બેન્કનાં અને અન્ય) કાગળીયાંના જોરે થઇ શકતું હતું તે- કોર્ટમાં સામેના પક્ષે બોલ મોકલી આપવાના- કામ સાથે દોડાદોડ અને શારીરિક મજૂરી સાંકળી લેવામાં આવ્યા, જેથી ભારતના નેતાઓ તેમાં ભાગ લેવા ઉતરે જ નહીં.
Sunday, February 26, 2012
અન્ના આંદોલનની પાકિસ્તાની આવૃત્તિ: ઇમરાનખાન


Wednesday, January 18, 2012
અન્નામંડળની ઉત્તરાયણ
Tuesday, January 03, 2012
અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ
Wednesday, December 28, 2011
બાર્ગેઇનમેં બહાર હૈ
વિચારવાનું એ નથી કે દેશનું શું થાત. સવાલ એ છે કે સ્વાતંત્ર્યસંગ્રામના ભવ્ય ઇતિહાસનું શું થયું હોત? શું આઝાદ ભારતની ભાવિ પેઢી ઇતિહાસમાં એવું શીખત કે અંગ્રેજોએ ભારતને ‘ઓન ડીમાન્ડ’ આઝાદીની ‘હોમ ડિલીવરી’ આપી? એવું ધારત કે બેરિસ્ટર ગાંધી લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં હેટ ખરીદવા ગયા ત્યારે ભેગાભેગી આઝાદી ફ્રી લેતા આવ્યા હશે? આ શરમજનક કલ્પનાઓ સાચી ન પડી, તેનું ઘણું શ્રેય જો કોઇને આપવું હોય તો એ અંગ્રેજોને કે ભારતીય નેતાઓને નહીં, પણ તેમની વચ્ચે થયેલા બાર્ગેઇનિંગને આપવું જોઇએ.
બાર્ગેઇનિંગનો સાદો સિદ્ધાંત સની દેઓલ શૈલીમાં એક જ વાક્યમાં કહી શકાયઃ દૂધ જોઇતું હોય તો ખીર માગવી અથવા આપનારના દૃષ્ટિકોણથી કહી શકાયઃ ખીર માગે તો દૂધ આપવું. તેનો પેટાસિદ્ધાંતઃ આપનારે શરૂઆત સદંતર નકારથી કરવી અને માગનારે પહેલેથી બઘું જ માગી લેવું.
ભારતના નેતાઓ આઝાદી માગે એટલે અંગ્રેજો પહેલાં દંડા મારે ને ઘોડેસવાર પોલીસ દોડાવે. તેમ છતાં માગણી ચાલુ રહે, એટલે અંગ્રેજો વાટાઘાટો કરવા જેટલા નીચે ઉતરે અને પોતાની એંટ છોડ્યા વગર થોડું જતું કરવાની તૈયારી બતાવે કરે. ત્યાર પછી પણ ભારતના નેતાઓ ન માને એટલે અંગ્રેજ બચ્ચા ચૂંટણીઓ યોજવા ને પ્રધાનમંડળો રચવા રાજી થાય. છતાં ભારતીયોની માગણી ચાલુ રહે અને સાંજ પડી જાય- દુકાન (કે લારી) વધાવવાનો સમય આવી જાય, એટલે ‘તમારું પણ નહીં ને મારું પણ નહીં’ની જેમ, અંગ્રેજો ભારતને આઝાદી આપીને, પણ ત્યાર પહેલાં દેશના ભાગલા પાડીને વિદાય લે. છતાં, આદર્શ બાર્ગેઇનંિગની જેમ છેવટે બન્ને પક્ષોને લાગે કે ‘જોયું? આપણે કેવા ફાયદામાં રહ્યા.’
મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે તેમ ભાવતાલની રકઝક માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘બાર્ગેઇનિંગ’નું ગુજરાતી ભાગ્યે જ કોઇને સમજાવવું પડે. ‘સાર્થ જોડણી કોશ’માં એ શબ્દ હજુ સુધી ન હોય, તો તેને વેળાસર દાખલ કરવો જોઇએ અને જો હોય તો તેને અંગ્રેજી નહીં, પણ ગુજરાતી શબ્દ તરીકે સ્થાન-માન મળવું જોઇએ. ‘ગુજરાતપ્રેમ’ના ઉભરા તળે ક્યારેક એવું પણ માનવું ગમે કે ‘બાર્ગેઇનિંગ’ ગુજરાતી ભાષાનો શબ્દ નથી, એ નક્કી ગુજરાતવિરોધીઓનું કાવતરું હોવું જોઇએ.
ચિત્ર, સંગીત, ગણિત, બાર્ગેઇનિંગ- આ બધી આવડતોને કુદરતી બક્ષિસ ગણી શકાય. તેનાં પુસ્તકો ન હોય અને હોય તો પણ એ ફક્ત પુસ્તકો વાંચીને શીખી ન શકાય. એ દૃષ્ટિએ તેની સરખામણી તરવા સાથે પણ થઇ શકે. પાણીમાં પડ્યા વિના કેવળ ચોપડાં વાંચીને કે મહાન તરવૈયાઓની ગાથાઓ સાંભળીને જેમ તરતાં ન આવડે, તેમ બાર્ગેઇન-બહાદુરોના ગમે તેટલા કિસ્સા સાંભળ્યા પછી કે દુકાનદારોની માનસિકતાનો ઊંડો અભ્યાસ કર્યા પછી, સ્થળ પર બાર્ગેઇનિંગ કરવું એ સાવ જુદી વાત છે. અર્જુન જેવા બહાદુરનાં ગાત્રો કુરુક્ષેત્રમાં કિંકર્તવ્યમૂઢ ભાવથી શિથિલ થયાં હતાં, એવો જ અંજામ બીજી રીતે બહાદુર હોય એવા લોકોનો બાર્ગેઇનિંગના કુરુક્ષેત્રમાં થઇ શકે. કોઇને બે ધોલ મારીને મફત પડાવી લેવાની ‘હિંમત’ ધરાવતા લોકો બાર્ગેઇનિંગ કરવાનું આવે ત્યારે તે ગેંગેં ફેંફેં થઇ જાય તો નવાઇ નહીં. (આજકાલ ગુંડાગીરી અને ગુનાઇત માનસિકતાને ‘હિંમત’ તરીકે ઓળખવાની-બિરદાવવાની ફેશન છે)
બે હાથ વિના તાળી પડતી નથી, તેમ બે પક્ષ વિના બાર્ગેઇનિંગ થતું નથી. એટલે જ, બાર્ગેઇનિંગને બીજા કોઇએ નહીં તો ‘અમૂલ-ભૂમિ’ ગુજરાતે સહકારી પ્રવૃત્તિનો દરજ્જો આપીને, તેનો મહિમા કરવો જોઇએ. બાર્ગેઇનિંગ માટે ઉત્સુકતા, ધીરજ, સહિષ્ણુતા, સામેવાળા પાસેથી ધાર્યું કરાવવાની તત્પરતા અને એવું કરાવી શકાશે એવો વિશ્વાસ જેવા ગુણો બન્ને પક્ષે અનિવાર્ય છે. મનની શક્તિઓ વિકસાવવાના અને તેના કાર્યક્રમોના બહાને હજારો રૂપિયા ખંખેરવાના આ જમાનામાં બાર્ગેઇનિંગ એક એવી પ્રવૃત્તિ છે, જેનાથી એ કરનારના મનની શક્તિ ફી ભર્યા વિના, બલ્કે સામેવાળાના આર્થિક હિસાબે અને જોખમે સતત વિકસતી રહે છે. બાર્ગેઇનિંગ લગભગ ઘ્યાનની કક્ષાનો મનોયોગ છે. તેમાં એક જ લક્ષ્ય ચિત્તમાં ધરીને, તેની પરથી નજર અને ઘ્યાન હટાવ્યા વિના, તેની આસપાસનાં બીજાં પરિબળોથી વિક્ષિપ્ત થયા વિના, ટકી રહીને છેવટે લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચવાનું હોય છે.
અનુભવી ખરીદારો અને દુકાનદારો જાણે છે કે બાર્ગેઇનિંગના મુખ્ય બે પ્રકાર છેઃ ખરીદવા માટે અને ‘બસ, યું હી’, રીયાઝ ખાતર. બીજા પ્રકારના લોકો હવામાં ગોળીબાર કરીને બંદૂક બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરી જોનારા લોકો જેવા હોય છે. તેમનો ‘ગોળીબાર’ એટલો નિર્દોષ નથી હોતો એટલું જ. એવા લોકો રસ્તા પર ટહેલતા નીકળ્યા હોય ને લારીમાં કે દુકાનમાં ગોઠવેલી કોઇ ચીજ પર નજર પડે એટલે, ખરીદવાનો કુવિચાર મનમાં આણ્યા વિના, તે જઇ પહોંચે છે અને વસ્તુ તરફ આંગળી ચીંધીને પૂછે છે,‘આનું શું છે?’ અથવા વજનથી ખરીદવાની ચીજ હોય તો ‘કેમ આપી?’
એક વાર સામેથી ભાવ પડે એટલે બસ. તેમને એટલું જ જોઇતું હોય. બોલાયેલા ભાવની રસ્સી પકડીને એ સરસરાટ નીચે ઉતરવા માંડે છે. દુકાનદાર બાર્ગેઇનપ્રેમી ન હોય, તો તે ક્રૂર વિલનની જેમ અધવચ્ચેથી જ દોરડા પર કાતર ચલાવતાં કહે છે,‘લેવું હોય તો લો, નહીંતર ચાલતી પકડો.’ પરંતુ સતયુગ હજુ છેક આથમી ગયો નથી. બાર્ગેઇનિંગને ભાવ આપતા, તેને ગ્રાહકનો અધિકાર સમજતા અને તેમના બાર્ગેઇનિંગને વશ ન થવામાં પોતાની સફળતા ગણતા દુકાનદારો હજુ મોજૂદ છે. એવા દુકાનદારો સાથે બાર્ગેઇનિંગમાં ઘણું આગળ વઘ્યા પછી, એક તબક્કે દુકાનદાર એટલી વ્યૂહાત્મક ઉદારતા દેખાડે છે કે ભાવ કરનાર ગભરાય છે, ‘હવે વધારે બોલીશું તો વસ્તુ ખરીદીને જવું પડશે.’ એમ વિચારીને તે બાર્ગેઇનિંગ પડતું મૂકીને ચાલતી પકડે છે. તેની પીઠ પાછળ ક્યારેક દુકાનદારના મશ્કરીપૂર્ણ શબ્દો અફળાય છે,‘મને તો એનું મોં જોઇને જ ખબર પડી ગઇ હતી કે એને કશું ખરીદવું નથી. અમથો ટાઇમ પાસ કરવા આવ્યો છે. બેટમજીને કેવો ભગાડ્યો!’ મોલ-યુગમાં દુકાનદારોની સહિષ્ણુતા તેમની પ્રામાણિકતા કરતાં પણ વધારે ઝડપથી ઘટી રહી છે, ત્યારે બાર્ગેઇનને પ્રોત્સાહન આપનારા અને ‘શૂરા સંગ્રામ છોડીને ભાગે નહીં’ એવા ગૌરવથી બાર્ગેઇન-બહાદુરોનો મુકાબલો કરનારા દુકાનદાર ઘટતા જાય છે.
ખાલીપીલી ભાવ કરાવનારા માટે સવાલ નિઃસ્વાર્થ મનોરંજનનો હોય છે. બન્નેમાંથી એકેય પક્ષે આર્થિક વ્યવહાર સંકળાયેલો નથી. તેમની સરખામણીમાં, ખરેખર ખરીદી કરનારા ઘણા વઘુ ખતરનાક હોય છે. તેમના મનમાં વસ્તુ ખરીદવાની તાલાવેલી હોવાથી, તે દુકાનદારને કે ફેરિયાને ભીંસમાં લેવાની અનેક યુક્તિઓ અજમાવે છે. બાર્ગેઇન માટે એકસરખો ઉત્સાહ ધરાવતા દુકાનદાર-ગ્રાહક મળે ત્યારે ‘બેઉ બળીયા બાથે વળીયા’ જેવું દૃશ્ય સર્જાય છે. જોનારના શ્વાસ થંભી જાય છે. દુકાનદાર કે ફેરિયો કોઇ વસ્તુનો ભાવ પાંચસો રૂપિયા પાડે, એટલે બાર્ગેઇન કરનાર એ સાંભળ્યું-ન સાંભળ્યું કરીને કહેશે, ‘પચાસ રૂપિયા.’ બન્ને પક્ષો એકબીજાના ભાવ સાંભળીને મોં મચકોડવાને બદલે, ‘અબ આયેગા અસલી મજા’ના અંદાજમાં સજ્જ થાય છે. ત્યાર પછી ટેનિસની રસાકસીભરી મેચની જેમ સામસામા અંક-ફટકા શરૂ.‘૫૦૦’ -‘૫૦’,‘૨૭૦’-‘૫૫’. ‘૧૫૦’-‘૬૦’. સાંભળનારના જીવ અદ્ધર થઇ જાય, પણ બોલનારના પેટનું પાણી હાલતું નથી. છેવટે બન્ને જણ ૮૦ રૂપિયામાં ‘ફાઇનલ’ સોદો પાડે, ત્યારે સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થવાની જ બાકી રહે છે.
બાર્ગેઇનિંગની પ્રક્રિયાના શરમજનક ગણતા લોકો પણ હોય છે. ‘ભાવ અનુકૂળ હોય તો લેવું, ન ફાવે તો નહીં, પણ લમણાંઝીંક કરવાની શી જરૂર?’ એવી અકળામણ તેમને થાય છે. સામેવાળા પ્રત્યે દ્વેષ રાખ્યા વિના તેની સામે લડીને, તેની માનસિકતામાં રોકડું પરિવર્તન આણવાનો બાર્ગેઇન-સત્યાગ્રહ તેમના પલ્લે પડતો નથી.
અન્ના હજારેની મંડળીમાં બાર્ગેઇનની કુદરતી બક્ષિસ ધરાવતો એકાદ ગુજરાતી હોત તો કદાચ લોકપાલનો ડખો ક્યારનો ઉકેલાઇ ગયો હોત, એવું નથી લાગતું?
Tuesday, September 27, 2011
વારંવાર થતી દલીલોના વિચારણીય જવાબ
Tuesday, September 20, 2011
સારી યાદશક્તિ નાગરિકધર્મનો હિસ્સો છે?
Tuesday, September 13, 2011
ભ્રષ્ટાચારનો મુકાબલોઃ સિંગાપોર સ્ટાઇલ
જનલોકપાલ માટે અન્ના હજારે અને સાથીદારોના આંદોલન વખતે, ‘લોકપાલથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે’ એવું માની બેઠેલા ઘણા લોકો પોતાની માન્યતાના સમર્થનમાં સિંગાપોરનો દાખલો ટાંકતા જોવા મળ્યા. સિંગાપોરમાં લોકપાલનાં કેવાં ચમત્કારી પરિણામો આવ્યાં છે, તેની ‘નક્કર વિગતો’ સાથેના ઇ-મેઇલ ફરતા થઇ ગયા. એ વાંચતાં લાગે કે ‘લોકપાલ’ કહેતાં કોઇ કાનૂની જોગવાઇની નહીં, સંતોષીમા-દશામા જેવા ‘ઇચ્છિત ફળ આપનાર’ કાલ્પનિક દૈવી પાત્ર વિશે વાત થઇ રહી છે. આ પ્રકારના ઇ-મેઇલમાં ‘દસ જણને ફોરવર્ડ કરવાથી પુણ્ય મળશે’ એવું લખ્યું ન હતું, પણ ‘દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઇચ્છતા હો, તો આ ઇ-મેઇલ બીજાને ફોરવર્ડ કરો’ એવું સૂચન હતું.
‘મિસ્ડ કોલ’ કરવાથી કે ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે દેશમાં જાગૃતિ આવી જશે અથવા પોતે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં ‘યથાશક્તિ ફાળો’ આપ્યો ગણાશે, એવી માન્યતા વિશે ચર્ચા કરીને શા માટે સમય બગાડવો? ચર્ચાનો અસલી મુદ્દો સિંગાપોરમાં ‘લોકપાલના ચમત્કાર’ વિશેની જૂઠી માહિતીનો છે, જે સાચી માહિતી તરીકે ચોતરફ ફરી વળી છે. ‘સિંગાપોરના લોકપાલના ચમત્કાર’ વિશેના એક ઇ-મેઇલમાં જણાવાયું છેઃ ‘સિંગાપોરમાં 1982માં લોકપાલ બિલનો અમલ કરવામાં આવ્યો અને (તેના પગલે) એક જ દિવસમાં 142 ભ્રષ્ટ નેતાઓ અને અફસરોની ધરપકડ કરવામાં આવી...આજે સિંગાપોરમાં ફક્ત 1 ટકા લોકો ગરીબ છે. પ્રજાએ સરકારને કોઇ પણ પ્રકારના કરવેરા ચૂકવવા પડતા નથી. શિક્ષણનો દર 92 ટકા જેટલો ઊંચો છે, વધારે સારી તબીબી સુવિધાઓ છે, ચીજવસ્તુઓની કિંમતો પ્રમાણમાં સસ્તી છે અને બેકારીનો દર માત્ર 1 ટકા છે.’
ઉપરનું લખાણ વાંચીને લાગે કે ‘લોકપાલ’ એ કાયદો નહીં, જાદુઇ ચિરાગ હોવો જોઇએ અને ભ્રષ્ટાચારનો રાક્ષસ બધી સમસ્યાઓનો જનક. ચિરાગ ઘસાયો. જિન પેદા થયો. રાક્ષસ ખતમ. પ્રજા ખુશહાલ. વાર્તા પૂરી. બાકી, કાયદાના સદીઓ જૂના ઇતિહાસમાં કોઇ એક કાયદાએ આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી હકારાત્મક અસર ઉભી કરી હોય એવું જાણ્યું છે? (સતીપ્રથાનાબૂદીના કાયદાના ઘણા સમય સુધી – અને કેટલાક પુરાતનવાદીઓના મનમાં હજુ પણ- સતી થનાર સ્ત્રી વિશે આક્રોશ-અનુકંપાને બદલે અહોભાવની લાગણી હોય તો નવાઇ ન લાગે.)
લાંચ માટે બેધારી સજા
હકીકત જાણવા માટે શ્રદ્ધા કે ઉત્સાહ બાજુ પર મૂકીને થોડી તસ્દી લઇએ તો ભ્રષ્ટાચાર સામેની લડતમાં સિંગાપોરને મળેલી નોંધપાત્ર સફળતા અને તેની મર્યાદાઓ વિશે વાસ્તવિક વિગતો જાણવા મળે છે. ભ્રષ્ટાચારનાબૂદીને લગતાં વિવિધ સર્વેક્ષણોમાં સિંગાપોર ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે, એટલી નોંધ સાથે, શરૂઆત સમાચારોથી કરીએઃ
-લાંચ આપવાની કોશિશ બદલ મહિલાની ધરપકડ (5 સપ્ટે., 2011). વ્યસનને લગતી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે 30 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને 150 ડોલરની લાંચ આપીને છૂટી જવાનો પ્રયાસ કરતાં, લાંચ આપવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરવામાં આવી. લાંચ અંગેનો કેસ ‘કરપ્ટ પ્રેક્ટિસિસ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ને સોંપાયો છે.
- માર્ચ, 2009માં ટ્રાફિક ગુનામાંથી બચવા માટે ટ્રાફિક પોલીસને 200 ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવાના ગુનાસર આરોપીને અદાલતમાં ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. માર્ચ, 2010માં ટ્રાફિક પોલીસને 20 ડોલરની લાંચ ધરનારને ત્રણ અઠવાડિયાંની જેલ પડી હતી. સરકારી અફસરને લાંચ આપવાના ગુના બદલ સિંગાપોરમાં મહત્તમ પાંચ વર્ષની સજા, 1 લાખ ડોલર દંડ અથવા બન્નેની જોગવાઇ છે. આ વિગતો જાહેર કરનાર સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ (સીપીઆઇબી)ના નિવેદન પ્રમાણે, વિદેશોમાં વસતા સિંગાપોરના લોકો ટ્રાફિક પોલીસને લાંચ આપવાના ગુનામાં પકડાય, તેના સમાચાર પણ (સરકારી નિયંત્રણ ધરાવતાં) સિંગાપોરનાં ખબારોમાં પ્રસિદ્ધ થાય છે.

સીપીઆઇબીની વેબસાઇટ પર ‘1 દિવસમાં પકડાયેલા 142 નેતાઓ-અધિકારીઓ’ વિશે કશો ઉલ્લેખ મળતો નથી. હા, ભ્રષ્ટાચારના આરોપ બદલ 1966માં એક મંત્રીને હોદ્દેથી દૂર કરાયાનો, 1975માં એક મંત્રીને દોઢ વર્ષની સજાનો અને 1986માં એક મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો સામેની કાર્યવાહીથી બચવા કે તેનાથી શરમાઇને કે પોતાની નિર્દોષતાનું ગાણું ચાલુ રાખીને અંતે આપઘાત કર્યો હોવાની માહિતી મળે છે. એ રીતે પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓને જેલની સજા-દંડ થયાની વિગતો પણ સાઇટ પરથી મળે છે. અત્યાર સુધીની સૌથી મોટી સજા 1995માં સિંગાપોરના પબ્લિક યુટિલિટી બોર્ડના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને થઇ હતી. તેમની પર કોન્ટ્રાક્ટ આપવા માટે 1.38 કરોડ ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. 1995માં તેમને 14 વર્ષની જેલની સજા થઇ અને લાંચની રકમ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી.
આર્થિક ગોટાળા માટેની સજામાંથી ખાનગી ક્ષેત્રોને-વેપારઉદ્યોગોને પણ બાકાત રાખવામાં આવ્યાં નથી. એક કંપની બીજી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે એ કંપનીના અધિકારીને લાંચ આપે, તે પણ ગુનો બને છે અને સંબંધિત અધિકારીઓને સજા-દંડ થાય છે. (દા.ત. ઓટો પાર્ટ બનાવતી કંપની કોઇ કારઉત્પાદક કંપનીના અધિકારીને લાંચ-ભેટસોગાદો આપીને, એ કંપનીમાં પાર્ટસ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવી લે તો ત્યાં પણ ભ્રષ્ટાચારવિરોધી કાયદો લાગુ પડે.)
લાંચવિરોધી બ્યુરોઃ સ્થાપના અને સત્તા
સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશ બ્યુરો’ (સીપીઆઇબી)ને સાવ પ્રાથમિક હેતુની રીતે કદાચ ભારતના લોકપાલ (કે ‘જનલોકપાલ’) સાથે સરખાવી શકાય, પણ એ સિવાયની અનેક બાબતોમાં બન્ને વચ્ચે કોઇ સામ્ય નથી. તેનું એક મોટું કારણ એ પણ ખરું કે ભારત અને સિંગાપોર વચ્ચે વસ્તી અને વૈવિધ્યથી માંડીને શાસનપદ્ધતિ જેવા મુદ્દે મોટો તફાવત છે.
સીપીઆઇબીની સ્થાપના સપ્ટેમ્બર, 1952માં થઇ ત્યાર પહેલાં પોલીસની લાંચવિરોધી પાંખ દ્વારા આરોપોની તપાસ થતી હતી અને દેશમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. સિંગાપોર ત્યારે અંગ્રેજોનું સંસ્થાન હતું. શરૂઆતનાં વર્ષોમાં ઓછા સ્ટાફ અને પાંખી કામગીરીનો સિલસિલો ચાલ્યા પછી, 1968માં બ્યુરોને વડાપ્રધાનની કચેરીની સીધી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યો. દરમિયાન ભ્રષ્ટાચારવિરોધી કાયદામાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. નેવુના દાયકામાં બ્યુરોની કામગીરી અને તેની સજ્જતામાં મોટા પાયે બદલાવ અને સુધારો થયાં. પોતાના અફસરો માટે બ્યુરોએ પોલીસ અકાદમી પર આધાર રાખવાને બદલે ખાસ તાલીમી કાર્યક્રમો ઘડ્યા. સંસ્થામાં નવા હોદ્દા ઉભા કરવામાં આવ્યા. 1995માં ‘લાઇ ડીટેક્ટર’ તરીકે ઓળખાતા પોલીગ્રાફ મશીનનો તપાસ અને પૂછપરછ માટે ઉપયોગ શરૂ થયો. 1 જૂન, 2011થી બ્યુરોના માળખાને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છેઃ ઓપરેશન ડીપાર્ટમેન્ટ (માહિતી-જાણકારી એકત્ર કરવી), ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ (માહિતીના આધારે પૂરી તપાસ કરીને જરૂરી કાગળીયાં તૈયાર કરવાં) અને કોર્પોરેટ અફેર્સ ડીપાર્ટમેન્ટ (સંસ્થાનો આંતરિક-માળખાકીય વહીવટ).
સિંગાપોરના ભ્રષ્ટાચારવિરોધી કાયદા પ્રમાણે, કોઇ પણ વ્યક્તિ સામે ભ્રષ્ટાચારનો કેસ માંડતા પહેલાં પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ તપાસનાં બધાં કાગળીયાં-દસ્તાવેજ-પુરાવા રજૂ કરવાં પડે છે. તેમની મંજૂરી મળ્યા પછી જ કેસ ચાલી શકે. આરોપી સરકારી કર્મચારી હોય અને તેની સામે પૂરતા પુરાવા ન હોય તો તેમનો કેસ પબ્લિક પ્રોસિક્યુટરની સંમતિ સાથે, કર્મચારીના વિભાગીય વડાને મોકલવામાં આવે છે. બ્યુરો બાકીના સરકારી વિભાગોથી સ્વતંત્રપણે કામ કરે છે, પરંતુ તેનું કામ મજબૂત કેસ ઉભો કરવાનું છે. કેસની ગુણવત્તા નક્કી કરીને સજા ફરમાવવાની આખરી સત્તા અદાલત પાસે છે. બ્યુરોના સર્વોચ્ચ વડા (ડાયરેક્ટર) સીધા વડાપ્રધાનને જવાબદાર છે. બીજાં કોઇ ખાતાં તેમની પર દબાણ લાવી શકતાં નથી, જે સિંગાપોરની લાંબા સમય સુધી એક વ્યક્તિનું એકચક્રી રાજ ધરાવતી લોકશાહીમાં વ્યવહારૂ રીતે શક્ય બન્યું છે.
ભ્રષ્ટાચાર વિશે બાતમી આપનાર-ફરિયાદ નોંધાવનાર(ભારતમાં પ્રચલિત શબ્દઃ વ્હીસલ-બ્લોઅર)ની ઓળખ બ્યુરો દ્વારા ગુપ્ત રાખવામાં આવે છે. પણ કેસ અદાલતમાં પહોંચ્યા પછી તેમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી આવી છે એવું અદાલતને લાગે તો ફરિયાદીની ઓળખ ગુપ્ત રહેતી નથી. એટલું જ નહીં, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સજા ફટકારવામાં આવે છે. એક કંપનીમાં સેફ્ટી સુપરવાઇઝરે તેના ડેપ્યુટી સેફ્ટી મેનેજર સામે મૂકેલો ભ્રષ્ટાચારના આરોપ ખોટા પુરવાર થતાં, ફરિયાદીને આઠ અઠવાડિયાંની જેલ થઇ હોવાનો અને મકાનમાલિક પર ભ્રષ્ટાચારનો જૂઠો આક્ષેપ મુકનાર ભાડૂઆતને એક મહિનાની જેલ થઇ હોવાનો કિસ્સો પણ બ્યુરોની વેબસાઇટ પર નોંધાયેલો છે.
સિંગાપોરમાં ભ્રષ્ટાચારનાબૂદીને કારણે પ્રજાને કરવેરા ચૂકવવા પડતા નથી, એ માન્યતા ખોટી છે. વાર્ષિક 20 હજાર ડોલરની આવક સુધી વ્યક્તિગત કર ભરવો પડતો નથી, પણ ત્યાર પછી જુદી જુદી આવક પ્રમાણે આવકવેરાના આઠ પ્રકારના દર છેઃ સૌથી ઓછો દર (20 હજારથી 40 હજાર ડોલરની આવક માટે) 2 ટકા અને સૌથી વધુ (3લાખ 20 હજાર ડોલર કે વધુ વાર્ષિક આવક પર) 20 ટકા. સ્થાનિક લોકો અને બહારના લોકો માટે આવકવેરાના દર અલગ અલગ હોય છે. અલબત્ત, બીજા દેશોની સરખામણીમાં સિંગાપોર આવકવેરાના ઓછા દર માટે જાણીતું છે. પરંતુ તેનો સંબંધ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનાબૂદી સાથે જોડી શકાય નહીં.
ભ્રષ્ટાચારીઓ સામે તપાસ ઉપરાંત ભ્રષ્ટાચારને અટકાવવા માટે પણ બ્યુરો સરકારી અને શૈક્ષણિક રાહે કાર્યક્રમો ચલાવે છે, જેથી ભ્રષ્ટાચારનો મુદ્દો બાકીની વાસ્તવિકતાઓથી અલગ, અલાયદો બની ન જાય. ભ્રષ્ટાચાર સામે અસરકારકતાથી પનારો પાડવા માટે તેની વ્યાપકતા અને બધાં ક્ષેત્રો સાથે અડતો તેનો છેડો ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ બધું કર્યા પછી પણ ‘સ્વિફ્ટ એન્ડ સ્યોર’ (ઝડપી અને ખાતરીપૂર્વક)નો મુદ્રાલેખ ધરાવતા બ્યુરોનો દાવો એટલો જ છે કે ‘સિંગાપોરમાં ભ્રષ્ટાચાર અંકુશમાં છે.’ આ સફળતા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, શેહશરમ વગર કોઇ પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી અને ભ્રષ્ટાચારને જીવનરીતિ તરીકે જાકારો આપનાર પ્રજા- આ ત્રણને શ્રેય આપવામાં આવે છે.
સરખામણી કરવી હોય તો આ ત્રણે મુદ્દે સિંગાપોર અને ભારત વચ્ચે રહેલા તફાવતને સરખાવી શકાય.