Monday, July 18, 2022

ભૂવા અને વિકાસ

ધૂણતા ભૂવા (કે મંત્રી) અંધશ્રદ્ધાના ખાનામાં આવે છે, પણ પડતા ભૂવા શ્રદ્ધાનો કે માન્યતાનો વિષય નથી. તે નક્કર હકીકત છે. એટલી નક્કર હકીકત કે જો રોડ તેના જેટલો નક્કર હોત તો ભૂવા પડતા જ ન હોત. વસંત આવે એટલે ફૂલ ખીલે ડાલી ડાલી થઈ જાય છે. એવી જ રીતે, થોડો વરસાદ પડ્યો નથી કે રસ્તો ઠેકઠેકાણે ભૂવા-ચ્છાદિત થઈ જાય છે. સૌંદર્યદૃષ્ટિથી વંચિત લોકો ભૂવા ખીલ્યા કહેવાને બદલે ભૂવા પડ્યા એમ કહે છે. કલાપીએ અમથું ગાયું હતું કે સોંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’? કેટલાક ભૂવા આત્મનિર્ભર હોય છે. તે સર્જાવા માટે વરસાદ સુધી રાહ જોવાને બદલે સ્વયંભૂ પ્રગટ થાય છે. તે અર્થમાં ભૂવાને આધ્યાત્મિક ઘટના કહી શકાય. ચિંતક જેવા દેખાવું હોય તો તેને કોસ્મિક ઘટના પણ કહેવામાં પણ વાંધો નથી. અધ્યાત્મમાં સગવડીયું વિજ્ઞાન ઉમેરીને છાકો પાડવો હોય તો એમ પણ કહેવાય કે તમે જેને બ્લેક હોલ કહો છો, તે બ્રહ્માંડમાં વગર વરસાદે પડેલા ભૂવા નથી, તો બીજું શું છે?’

હજુ સુધી કોઈ શબ્દાળુ બાવાએ, ગુજરાતી ચિંતકે અથવા સંચાલકે ભૂવા શબ્દનું મૌલિક અર્થઘટન કર્યું નથી—અથવા કર્યું હોય તો જાણમાં નથી. લોકરંજની માટે લાકડે માંકડું બેસાડવામાં નિષ્ણાત એવી એ પ્રજાતિ કહી શકે કે ભૂવા એ સ્વતંત્ર શબ્દ નહીં, પણ બે શબ્દોનું સંયોજન છેઃ ભૂ અને વા. એટલે કે, પાણી અને હવા. આ બે પ્રાકૃતિક તત્ત્વોના મિલનથી સર્જાયેલા ભૂવાને અનિષ્ટ કે અનિચ્છનીય લેખવામાં પ્રકૃતિનું, આપણી પ્રાચિન સંસ્કૃતિનું, ઋષિમુનિઓનું, ધર્મનુંઅને ખાસ તો આ બધાના નામે ચરી ખાતા નેતાઓનું અપમાન થઈ શકે છે.

એક વાત તો હકીકત છેઃ  બીજી ઘણી અકારી ચીજોની જેમ ભૂવા પણ હવે ન્યૂ નોર્મલ છે. ચોમાસામાં કે એ સિવાય પણ ભૂવા ન પડે, તો લોકોને મ્યુનિસિપાલિટીની કાર્યક્ષમતા વિશે શંકા જાગે છે. પહેલો વરસાદ પડે અને ભૂવા ન પડે તો લોકોને જાતજાતના વિચાર આવે છેઃ શું કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપાલિટીના સંબંધિત લોકો વચ્ચેના સંબંધમાં કડવાશ વ્યાપી હશે? શું તેમની વચ્ચેનો  ભાઈ-ભાઈ-ચારો ખતમ થઈ ગયો હશે? એવું થશે તો શહેરના સામાજિક પોતનું શું થશે?’ પરંતુ તેમની શંકાકુશંકાઓ વધે તે પહેલાં જ સમાચાર આવે છે કે શહેરના ફલાણા વિસ્તારમાં ભૂવો પડ્યો અને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ અથવા વિકાસ ઉઘાડો પડી ગયો અથવા સ્માર્ટ સીટીના દાવાની અસલિયત સામે આવી.

ભૂવા વિશેના સમાચારોમાં ભલે ગમે તેટલો ટીકાનો ભાવ હોય, પણ સરેરાશ નાગરિક તેનાથી હાશકારો અનુભવે છે. કારણ કે, ભૂવા પડ્યા પછી જ તેને લાગે છે કે ચોમાસું બેઠું. (વડોદરામાં રસ્તા પરથી કે કોઈકના બાથરૂમમાંથી મગર ન પકડાય, ત્યાં સુધી ચોમાસું પૂર્ણ કળાએ બેઠેલું ગણાતું નથી.) સવાલ ભૂવાના બ્રાન્ડિંગનો છે. વડાપ્રધાનને મળી હતી એવી કોઈ બ્રાન્ડિંગ એજન્સી ભૂવા માટે પણ શોધી કાઢવામાં આવે તો ભૂવા પ્રત્યે જોવાના લોકોના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવી શકે. ગુજરાતી ડાયરાબાજો, કટારલેખકો, કથાકારો, સંચાલકો બધા મળીને ભૂવા શરમનો નહીં, પણ અસ્મિતાનો અને ગૌરવનો વિષય છે, એવું પ્રજાને સહેલાઈથી સમજાવી શકે. કેરળના સામ્યવાદી ભૂવાનું, બંગાળના મમતાવાદી ભૂવાનું કે દિલ્હીના આમ ભૂવાનું માપ કાઢીને તેમની સરખામણીમાં ગુજરાતના ભૂવા કેમ વિશિષ્ટ, ચડિયાતા (અને ભલું હોય તો રાષ્ટ્રવાદી) છે, તે સમજાવી શકે.

ભૂવાને ગૌરવ બક્ષવા માટે સારી સડકો પર ભૂવાનાં ચિત્રો મૂકી શકાય, જેથી ભૂવા પર લાગેલું કલંક અને તેની સાથે સંકળાયેલી શરમ દૂર થાય. કલંક અને શરમને ગૌરવમાં શી રીતે ફેરવવાં, એ જોકે આ તંત્રને બીજા કોઈએ શીખવવું પડે તેમ નથી. એટલે, ભૂવાની સામાજિક સ્વીકૃતિની વાત કરીએ. બે અક્ષરના, નવતર પ્રકારનાં, કોઈએ ન પાડ્યાં હોય એવાં નામ માટે ઝંખતા લોકો તેમનાં સંતાનો માટે ભૂવો કે ભૂવી જેવું વિશિષ્ટ નામ વિચારી શકે. રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરો અને તેમને કોન્ટ્રાક્ટ આપતી સંસ્થાઓના સાહેબોએ તો ખાસ તે નામ રાખવા વિશે વિચારવું જોઈએ. એમ કરવાથી કમ સે કમ, તેમની સમૃદ્ધિમાં ભૂવાની ભૂમિકા અને ભૂવા પડે એવા રોડના પ્રદાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી ગણાશે.

ભૂવા દેશના વિકાસ માટે અત્યંત જરૂરી છે. દર વર્ષે ભૂવા પડે તો રસ્તાના સમારકામ નિમિત્તે નાણાં ખર્ચાય. તે નાણાં છેવટે દેશના અર્થતંત્રમાં જ આવવાનાં છે. દર વર્ષે ઠેકઠેકાણે ભૂવા નહીં પડે તો આ દેશનું અર્થતંત્ર પાંચ-દસ ટ્રિલીયન ડોલરનું શી રીતે થશે? અને એ નહીં થાય, તો આ જ ટીકાકારો ટીકા કરવા બેસશે. એટલે ભૂવાનો વિરોધ કરનારને આર્થિક પ્રગતિના-ટૂંકમાં, વિકાસના વિરોધી ગણીને તેમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ અદાલતે કહ્યું નથી, તેટલું ગનીમત છે.

ભૂવાનું ભવિષ્ય ઉજળું છે તેમાં કોઈ શંકા નથી. દેશનો મોટો હિસ્સો કોમી તનાવના ભૂવામાં પડ્યો હોય, ઘણીખરી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા ભૂવામાં હોય, અર્થતંત્ર તો ભૂવામાં હોય જ, સતત વધતા ભાવને કારણે દેશના મોટા ભાગના લોકોનાં બજેટની સમતુલા ખોરવાઈને ભૂવામાં ઉતરી ગઈ હોય, પ્રસાર માધ્યમોની વિશ્વસનિયતા ભૂવા હોય... છતાં, કોઈનું રૂંવાડુંય ફરકતું નથી, તો રસ્તા પરના સ્થાનિક ભૂવાઓનું કોણ અને શું ઉખાડી લેવાનું હતું?

Friday, July 15, 2022

'મારી પત્રકારત્વ-લેખનની સફર' : પ્રકાશનના ચોવીસ કલાક પહેલાં

કેટલાંક કામ પૂર્વઆયોજિત હોય છે ને કેટલાંક આવી પડેલાં. પહેલેથી નક્કી કરી રાખેલાં કરવાનાં કામની મારી યાદી લાંબી છે. ઝડપથી ખૂટે એમ નથી. પરંતુ વર્ષ 2020માં એક કામ જૂનાં કામોની યાદી ચાતરીને, સીધું સામે આવી ગયું. 

પત્રકારત્વમાં પચીસ વર્ષ પૂરાં થયાં, તે નિમિત્તે બિનીત મોદીએ સૂચવ્યું કે મારે કંઈક લખવું. મને પણ થયું કે પચીસ વર્ષમાં અનેક દિશામાં અનેક પ્રકારનાં કામ થયાં છે. તેની એક યાદી બને તો સારું. કારણ કે ઘણાં કામ એવાં હતાં કે એક સાથે મને પણ યાદ ન આવે--યાદ કરવા જેવાં ને યાદ રાખવા જેવા હોવા છતાં. આમ, નિર્દોષભાવે, એવાં કામની અછડતી યાદી કરવાના ઇરાદા સાથે બ્લોગ લખવા બેઠો. તેમાં 'અભિયાન'કાળની (1995-96) કેટલીક તસવીરી યાદગીરી મૂકી અને બીજા ભાગમાં, 'અભિયાન'માંથી શું શીખવા મળ્યું તે થોડું લખ્યું. 

વિચાર્યું હતું કે દરેક કામ વિશે આવું એકાદબે ભાગમાં લખીને પૂરું કરી દઈશ.  પણ 'સંદેશ'ના સમય વિશે લખવાનું શરૂ કર્યું અને જે પ્રકારના પ્રતિભાવ મળવા માંડ્યા, તેનાથી લાગ્યું કે આગલા સ્ટેશને જવા માટે ઉપડેલી ગાડી એમ અટકે એવું લાગતું નથી. પછી 'સીટીલાઇફ' આવ્યું. વર્ષોથી સાચવી રાખેલી દસ્તાવેજી સામગ્રી, ડાયરી, નોંધો બધું એક પછી એક આવતું ગયું અને ગોઠવાતું ગયું. 

સામાન્ય રીતે કોઈ પત્રકાર પાસે હોય તેના કરતાં મારું દસ્તાવેજીકરણ બહુ મજબૂત. છતાં મને ખ્યાલ નહીં કે આટલી બધી સામગ્રી નીકળશે અને કટકે કટકે સળંગસૂત્ર દસ્તાવેજીકરણનો ઘાટ આવતો જશે. ધીમે ધીમે સફર આગળ વધતી ગઈ અને શરૂઆતના થોડા ભાગ પછી હું પણ લંબાણની ચિંતા મુકીને પૂરી ગંભીરતાથી અને લિજ્જતથી લખતો ગયો. લાંબું ન થઈ જાય તેની સભાનતા સતત હતી, તેમ અકારણ ટૂુંકું ન થઈ જાય તેની પણ ચીવટ રાખી. એમ કરતાં કુલ 49 ભાગ લખાયા. કુલ 90 હજારથી એક લાખ જેટલા શબ્દો થયા હશે. 

લેખમાળા પૂરી થયા પછી પચાસમો ભાગ મારી દસ્તાવેજીકરણની સફર વિશે લખ્યો (જે બ્લોગ પર વાંચી શકાશે). લેખશ્રેણીમાં દસ્તાવેજીકરણનો જે ઘાટ ઉપસ્યો, તેના પરથી એટલું તો સમજાયું કે આ પુસ્તકનો  મામલો છે. સાથોસાથ, એ પણ સમજાયું કે પુસ્તક કરતાં પહેલાં સારુંએવું કામ કરવું પડશે. કારણ કે લેખમાળામાં શરૂઆતથી સભાનતા ન હતી. એટલે 'અભિયાન' વિશે સાવ ટૂંકમાં પૂરું થઈ ગયું હતું.  પછીનાં પ્રકરણોમાં પણ ક્યાંક કાલાનુક્રમના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. ઉપરાંત ,દરેક ભાગના છેડે એક અધૂરી વાત મૂકીને, બીજા ભાગમાં અધૂરી વાતનું અનુસંધાન શરૂઆતના ત્રણ-ચાર ફકરા પછી આવે, એવું રાખ્યું હતું. પુસ્તકમાં માણસ સળંગ વાંચતો હોય, ત્યારે એવું ન ચાલે. 

થોડા સમય પછી પુસ્તકનું કામ હાથ પર લીધું ત્યારે વર્ષોથી બાકી રહેલાં પુસ્તકનાં કામ જાણે મારી સામે ડોળા કાઢતાં હોય એવું લાગતું હતું,પણ આ કામ પૂરું કર્યે જ પાર હતો. એવું પણ લાગ્યું કે ગુજરાતી પત્રકારત્વના બસોમાં વર્ષમાં  જુલાઈ 2022 પૂરો થતાં સુધીમાં પૂરું થઈ જાય તો સારું. એ પ્રમાણે આખી લખાયેલી શ્રેણીમાં ઘણો સમય આપ્યો. શરૂઆતનાં 'અભિયાન'નાં પ્રકરણ તો સાવ નવાં જ લખ્યાં. પછીનાં પ્રકરણોમાં નવેસરથી એડિટિંગ કર્યું. પરિણામે, મેટર જરા પણ કાપ્યા વિના, એડિટિંગના કારણે, (નવાં ચાર પ્રકરણ ઉમેર્યાં છતાં) પુસ્તકનાં કુલ 47 પ્રકરણ થયાં. તેનું પ્રૂફ અજિતભાઈ મકવાણાએ સરસ રીતે અને સમયસર કરી આપ્યું. 

પછી શરૂ થયું તેના ડિઝાઇનિંગનું કામ. 'આર્ટ મણિ'ના મિત્ર, મણિલાલ રાજપૂત સાથે અને તેમની ઓફિસે કામ કરતા તેમના ભત્રીજા રણજિત સાથે મનમેળ એવો છે કે કામનો જરાય બોજ ન લાગે. એટલે કામ સપાટાબંધ આગળ ચાલવા લાગ્યું. દરેક પ્રકરણમાં સમાવવાના હોય એવા ફોટોને હું અલગ ફોલ્ડરમાં સેવ કરતો હતો અથવા જરૂર લાગ્યે તો નવેસરથી સ્કેન કરીને મુકતો હતો. ફક્ત વિઝ્યુઅલ સામગ્રી ભેગી કરવાનું કામ ઘણા કલાક માગી લેનારું હતું. કારણ કે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં હોય એટલા જથ્થામાં વિઝ્યુઅલ સામગ્રી હતી. પણ તે કામ કરતી વખતે જૂના સમયમાં જવાના આનંદને લીધે થાક લાગતો ન હતો. 

પુસ્તકનું કામ આગળ વધતું ગયું તેમ સમજાયું કે આ ફક્ત મારી કથા હોત તો તેને 'સાર્થક જલસો'ની જેમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સહેલાઈથી છાપી શકાત, પણ મારી વાતની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વના 1995-2005 સુધીના સમયગાળાનું તેમાં દસ્તાવેજીકરણ છે અને એ પણ ફક્ત શબ્દોસ્વરૂપે નહીં, વિઝ્યુઅલ સ્વરૂપે.  વ્યક્તિગત સિવાય ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના એક નાનકડા ખંડના, અગાઉ કદી ન થયા હોય એવા દસ્તાવેજીકરણ તરીકે તેનું મહત્ત્વ મને સ્પષ્ટ દેખાયું. એટલે  મન કઠણ કરીને નક્કી કર્યું કે આખું પુસ્તક ફોર કલરમાં કરવું જોઈએ. 

એ જ રીતે, પુસ્તકનું કામ ક્યારે પૂરું થશે તેનો અંદાજ માંડ્યા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવ્યો. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તેનો છેલ્લો દિવસ આવતી કાલે (16 જુલાઇ, 2022) છે, જ્યારે સાંજે પોણા છ વાગ્યાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ.ટી.પારેખ ઓડિટોરિયમમાં 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પ્રકાશિત થશે. 

પત્રકારત્વ-લેખનની અત્યાર સુધીની સફરની જેમ પુસ્તક તૈયાર કરવાની સફર પણ પૂરો કસ કાઢનારી અને એવી જ રીતે, પૂરો સંતોષ આપનારી રહી છે. હવે પત્રકારત્વ-લેખનની સફર તો ચાલુ રહેશે, પણ પુસ્તકસર્જનની સફરનું છેલ્લું પ્રકરણ આવતી કાલે, ઘણા સ્નેહીમિત્રોની હાજરીમાં લખાશે. તેની માટે ઇંતેજારી અને સૌને આમંત્રણ. 

Sunday, July 03, 2022

સુરતમાં અસંતુષ્ટ-સંવાદ

કહેવતમાં સુરતના જમણની વાત હતી, પણ થોડા દિવસ પહેલાં સુરતનું શરણ સમાચારોમાં આવ્યું. સૌ જાણે છે તે પ્રમાણે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોનું એક ટોળું સુરતના શરણે આવ્યું હતું. સદીઓ પહેલાં શિવાજીએ રાજકીય કારણોસર સુરત લુંટ્યું હતું. વર્તમાનકાળમાં શિવસેનાને લુંટવા માટે તેના ધારાસભ્યો સુરત આવ્યા. હવે અડધું કાઠિયાવાડ બનેલા સુરતે ધારાસભ્યોની સ્વર્ગ ભુલાવે એવી મહેમાનગતિ કરી-ન કરી, ત્યાં આખા ધણને આસામ હાંકી જવામાં આવ્યું. એટલે સુરતના યજમાનો પાસે તોતિંગ બિલની બાકી રકમ સિવાય ખાસ કંઈ રહ્યું નહીં.

યોગભ્રષ્ટ આત્માઓ માટે એમ કહેવાય છે કે તે બહુ પવિત્ર હોવા છતાં, એકાદ ભૂલની સજા તરીકે તેમને એક વાર પૃથ્વી પર મોકલવામાં આવે છે. એવી જ રીતે, શિવસેનાના પથભ્રષ્ટ ધારાસભ્યોને થોડા સમય જલસા જ કરવાના હોય. છતાં, કદાચ કોઈ નાનકડા પાપને કારણે તેમને થોડા સમય પૂરતું સુરતમાં અવતરવું પડ્યું હશે. સુરત એવું ખરાબ શહેર નથી કે ત્યાં આવવું સજારૂપ લાગે. પણ ગુજરાતમાં ટેકનિકલી દારૂબંધી છે અને સુરત ટેકનિકલી ગુજરાતમાં જ છે. કેટલાક જાણકારોના મતે, પથભ્રષ્ટ આત્માઓને ટેકનિકલ બાબતો નડી ગઈ હશે. એટલે તે ટૂંક સમયમાં આસામ જવા રવાના થઈ ગયા.

સાચું કારણ જે હોય તે, અટકળનો વિષય એ છે કે સુરતમાં રહેલા એ ધારાસભ્યો વચ્ચે અંદરોઅંદર કેવી વાતો થતી હશે? કેટલાક કાલ્પનિક સંવાદ.

આગેવાનઃ ભાઈઓબહેનોંઓંઓંઓં.

આગેવાનનો પીએઃ આપણે બધા ભાઈઓને જ ઉઠાવ્યા છે સાહેબ. બહેનો તો...

આગેવાનઃ (ખોંખારીને) પ્રિય ભાઈઓ, આખરે આપણે પહોંચ્યા ખરા.

સભ્ય-૧ : એંહ, વાત તો આપણે મંત્રીમંડળમાં પહોંચવાની થઈ હતી ને તમે સુરત પહોંચ્યાની ખુશાલી મનાવવા બેસી ગયા.

પીએઃ શાંતિ રાખો સાહેબો. શાંતિ રાખો.

સભ્ય-૨ : ખોટ્ટી વાત નહીં કરવાની. આપણે નીકળ્યા ત્યારે ફક્ત બેગ રાખવાની જ વાત થઈ હતી. શાંતિનું કોઈએ કહ્યું ન હતું. 

સભ્ય-૩ (આગેવાન તરફ જોઈને) : આને તમે સમજાવો. મોં સંભાળીને વાત કરે. આજે શાંતિ રાખવાની વાત કરે છે. કાલે ધીરજ રાખવાનું કહેશે. ધીરજ રાખવી હોત તો મુંબઈ શું ખોટું હતું? બીજું કશું નહીં તો, અત્યારે બાર તો ચાલુ હોત અને નિરાંતે દુઃખહર પીણાના ટેકે લોકશાહીની તંદુરસ્તીનું ચિંતન કરતા હોત.

આગેવાનઃ (પીએને, ખાલી ખાલી ખખડાવતાં) કેટલા વર્ષથી તું સર્વિસમાં છું? સાહેબો સાથે કેવી રીતે વાત થાય, એટલું ભાન નથી પડતું? (સભ્યો તરફ જોઈને) એનું તમારે બહુ મન પર ન લેવું.

સભ્ય-૩ : ઉદ્ધવ માટે પણ અમને એવું જ કહેવામાં આવતું હતું કે એનું તમારે બહુ મન પર ન લેવું. દરેક વાતની એક હદ હોય કે નહીં?

પીએઃ (ધીમેથી) તમારી માગણીઓની ક્યાં હદ છે?

આગેવાન પીએ તરફ જોઈને તેમને ચૂપ રહેવાનો ઇશારો કરે છે. પીએ ચૂપચાપ ખૂણામાં જઈને કશીક ખુસરપુસર કરે છે, એટલે થોડી વારમાં એક બોટલ હાજર થાય છે. પીએ તેમાંથી ગ્લાસ ભરીને હોઠે માંડે છે. એટલામાં—

સભ્ય-૧ : (તપાસના-પૂછપરછના ભાવથી) અલ્યા, શું કરે છે? 

સભ્ય-૨ : તેનો હોદ્દો સાર્થક કરી રહ્યો છે—તે પીએ છે.

સભ્ય-૩: તો આપણે ઘાસ કાપી રહ્યા છીએ? એ પીએ છે, તો આપણે સભ્ય છીએ.

સભ્ય-૧ : એ જ તો પ્રોબ્લેમ છે...આપણે સભ્ય છીએ ને લોકો આપણા વિશે કેવું કેવું ધારે છે.

આગેવાનઃ શાંતિ, શાંતિ. લોકો આપણા વિશે કેવું ધારે છે, એ વિચારવા બેસીએ તો રાજકારણમાં રહેવાય જ નહીં.

પી.એ. : લોકો જે ધારતા હોય તે સાચું હોય તો પણ, તેના વિશે વિચારવું ન જોઈએ. જાહેર જીવન કંઈ લજામણીના છોડ માટે થોડું છે? થોરિયા જેવા થવું પડે, સમજ્યા?...મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈ પક્ષે થોરિયાનું સિમ્બોલ કેમ માગ્યું નહીં હોય? (આગેવાન તરફ જોઈને) આપણે સાહેબ અલગ પક્ષ રચવાનો થાય તો એ સિમ્બોલ વિશે વિચારી શકાય. કેમ લાગે છે આઇડીયા?

સભ્ય-૧ : એટલે આપણે સાહેબ નવો પક્ષ રચવાના? તો હું એનો ખજાનચી.

આગેવાનઃ હજુ જોતા જાવ. બહુ ખેલ બાકી છે. પણ છેલ્લે જીત સત્યની જ થશે.

સભ્ય -૧-૨-૩ : હાય હાય... સત્યની જીત થશે, તો આપણું શું થશે? તમે આવું અશુભ ન બોલો.

આગેવાનઃ તમે લોકો સમજતા નથી. એ તો એવું જ કહેવાય. કહેવાનું કે હું ગુનેગાર હોઉં તો મને ચાર રસ્તે ફાંસીએ લટકાવી દેજો. ને પોલીસ માત્ર પૂછપરછ કરવા આવે તો પણ ભાડૂતી લોકોને રસ્તા પર ઉતારીને કકળાટ મચાવી દેવાનો.

સભ્ય-૧ : અને સત્ય?

આગેવાનઃ સત્ય એટલે શું? એ તો સાપેક્ષ છે. મારું સત્ય અને તમારું સત્ય, તમારું સત્ય અને તમારા સાથીદારનું સત્ય, આપણું સત્ય અને સ્પીકરનું સત્ય, આપણા જૂના નેતાનું સત્ય ને નવા સાહેબનું સત્ય, રાજ્યપાલનું સત્ય ને મુખ્ય મંત્રીનું સત્ય અલગ અલગ હોઈ શકે છે. એટલે આપણી જીત થાય તો કહી દેવાનું કે સત્યની જીત થઈ.

સભ્ય-૨ : અને કોઈ કારણસર આપણા પાસા પોબાર ન પડે તો?

આગેવાનઃ તો કહી દેવાનું કે આખરે સત્યની જ જીત થશે, પણ હજી આખર ક્યાં આવી છે?

(સૌ કપડાં ઉતારીને...ના, ગૃહમાં નહીં...સ્વિમિંગ પુલમાં જાય છે)