Friday, July 15, 2022

'મારી પત્રકારત્વ-લેખનની સફર' : પ્રકાશનના ચોવીસ કલાક પહેલાં

કેટલાંક કામ પૂર્વઆયોજિત હોય છે ને કેટલાંક આવી પડેલાં. પહેલેથી નક્કી કરી રાખેલાં કરવાનાં કામની મારી યાદી લાંબી છે. ઝડપથી ખૂટે એમ નથી. પરંતુ વર્ષ 2020માં એક કામ જૂનાં કામોની યાદી ચાતરીને, સીધું સામે આવી ગયું. 

પત્રકારત્વમાં પચીસ વર્ષ પૂરાં થયાં, તે નિમિત્તે બિનીત મોદીએ સૂચવ્યું કે મારે કંઈક લખવું. મને પણ થયું કે પચીસ વર્ષમાં અનેક દિશામાં અનેક પ્રકારનાં કામ થયાં છે. તેની એક યાદી બને તો સારું. કારણ કે ઘણાં કામ એવાં હતાં કે એક સાથે મને પણ યાદ ન આવે--યાદ કરવા જેવાં ને યાદ રાખવા જેવા હોવા છતાં. આમ, નિર્દોષભાવે, એવાં કામની અછડતી યાદી કરવાના ઇરાદા સાથે બ્લોગ લખવા બેઠો. તેમાં 'અભિયાન'કાળની (1995-96) કેટલીક તસવીરી યાદગીરી મૂકી અને બીજા ભાગમાં, 'અભિયાન'માંથી શું શીખવા મળ્યું તે થોડું લખ્યું. 

વિચાર્યું હતું કે દરેક કામ વિશે આવું એકાદબે ભાગમાં લખીને પૂરું કરી દઈશ.  પણ 'સંદેશ'ના સમય વિશે લખવાનું શરૂ કર્યું અને જે પ્રકારના પ્રતિભાવ મળવા માંડ્યા, તેનાથી લાગ્યું કે આગલા સ્ટેશને જવા માટે ઉપડેલી ગાડી એમ અટકે એવું લાગતું નથી. પછી 'સીટીલાઇફ' આવ્યું. વર્ષોથી સાચવી રાખેલી દસ્તાવેજી સામગ્રી, ડાયરી, નોંધો બધું એક પછી એક આવતું ગયું અને ગોઠવાતું ગયું. 

સામાન્ય રીતે કોઈ પત્રકાર પાસે હોય તેના કરતાં મારું દસ્તાવેજીકરણ બહુ મજબૂત. છતાં મને ખ્યાલ નહીં કે આટલી બધી સામગ્રી નીકળશે અને કટકે કટકે સળંગસૂત્ર દસ્તાવેજીકરણનો ઘાટ આવતો જશે. ધીમે ધીમે સફર આગળ વધતી ગઈ અને શરૂઆતના થોડા ભાગ પછી હું પણ લંબાણની ચિંતા મુકીને પૂરી ગંભીરતાથી અને લિજ્જતથી લખતો ગયો. લાંબું ન થઈ જાય તેની સભાનતા સતત હતી, તેમ અકારણ ટૂુંકું ન થઈ જાય તેની પણ ચીવટ રાખી. એમ કરતાં કુલ 49 ભાગ લખાયા. કુલ 90 હજારથી એક લાખ જેટલા શબ્દો થયા હશે. 

લેખમાળા પૂરી થયા પછી પચાસમો ભાગ મારી દસ્તાવેજીકરણની સફર વિશે લખ્યો (જે બ્લોગ પર વાંચી શકાશે). લેખશ્રેણીમાં દસ્તાવેજીકરણનો જે ઘાટ ઉપસ્યો, તેના પરથી એટલું તો સમજાયું કે આ પુસ્તકનો  મામલો છે. સાથોસાથ, એ પણ સમજાયું કે પુસ્તક કરતાં પહેલાં સારુંએવું કામ કરવું પડશે. કારણ કે લેખમાળામાં શરૂઆતથી સભાનતા ન હતી. એટલે 'અભિયાન' વિશે સાવ ટૂંકમાં પૂરું થઈ ગયું હતું.  પછીનાં પ્રકરણોમાં પણ ક્યાંક કાલાનુક્રમના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. ઉપરાંત ,દરેક ભાગના છેડે એક અધૂરી વાત મૂકીને, બીજા ભાગમાં અધૂરી વાતનું અનુસંધાન શરૂઆતના ત્રણ-ચાર ફકરા પછી આવે, એવું રાખ્યું હતું. પુસ્તકમાં માણસ સળંગ વાંચતો હોય, ત્યારે એવું ન ચાલે. 

થોડા સમય પછી પુસ્તકનું કામ હાથ પર લીધું ત્યારે વર્ષોથી બાકી રહેલાં પુસ્તકનાં કામ જાણે મારી સામે ડોળા કાઢતાં હોય એવું લાગતું હતું,પણ આ કામ પૂરું કર્યે જ પાર હતો. એવું પણ લાગ્યું કે ગુજરાતી પત્રકારત્વના બસોમાં વર્ષમાં  જુલાઈ 2022 પૂરો થતાં સુધીમાં પૂરું થઈ જાય તો સારું. એ પ્રમાણે આખી લખાયેલી શ્રેણીમાં ઘણો સમય આપ્યો. શરૂઆતનાં 'અભિયાન'નાં પ્રકરણ તો સાવ નવાં જ લખ્યાં. પછીનાં પ્રકરણોમાં નવેસરથી એડિટિંગ કર્યું. પરિણામે, મેટર જરા પણ કાપ્યા વિના, એડિટિંગના કારણે, (નવાં ચાર પ્રકરણ ઉમેર્યાં છતાં) પુસ્તકનાં કુલ 47 પ્રકરણ થયાં. તેનું પ્રૂફ અજિતભાઈ મકવાણાએ સરસ રીતે અને સમયસર કરી આપ્યું. 

પછી શરૂ થયું તેના ડિઝાઇનિંગનું કામ. 'આર્ટ મણિ'ના મિત્ર, મણિલાલ રાજપૂત સાથે અને તેમની ઓફિસે કામ કરતા તેમના ભત્રીજા રણજિત સાથે મનમેળ એવો છે કે કામનો જરાય બોજ ન લાગે. એટલે કામ સપાટાબંધ આગળ ચાલવા લાગ્યું. દરેક પ્રકરણમાં સમાવવાના હોય એવા ફોટોને હું અલગ ફોલ્ડરમાં સેવ કરતો હતો અથવા જરૂર લાગ્યે તો નવેસરથી સ્કેન કરીને મુકતો હતો. ફક્ત વિઝ્યુઅલ સામગ્રી ભેગી કરવાનું કામ ઘણા કલાક માગી લેનારું હતું. કારણ કે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં હોય એટલા જથ્થામાં વિઝ્યુઅલ સામગ્રી હતી. પણ તે કામ કરતી વખતે જૂના સમયમાં જવાના આનંદને લીધે થાક લાગતો ન હતો. 

પુસ્તકનું કામ આગળ વધતું ગયું તેમ સમજાયું કે આ ફક્ત મારી કથા હોત તો તેને 'સાર્થક જલસો'ની જેમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સહેલાઈથી છાપી શકાત, પણ મારી વાતની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વના 1995-2005 સુધીના સમયગાળાનું તેમાં દસ્તાવેજીકરણ છે અને એ પણ ફક્ત શબ્દોસ્વરૂપે નહીં, વિઝ્યુઅલ સ્વરૂપે.  વ્યક્તિગત સિવાય ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના એક નાનકડા ખંડના, અગાઉ કદી ન થયા હોય એવા દસ્તાવેજીકરણ તરીકે તેનું મહત્ત્વ મને સ્પષ્ટ દેખાયું. એટલે  મન કઠણ કરીને નક્કી કર્યું કે આખું પુસ્તક ફોર કલરમાં કરવું જોઈએ. 

એ જ રીતે, પુસ્તકનું કામ ક્યારે પૂરું થશે તેનો અંદાજ માંડ્યા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવ્યો. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તેનો છેલ્લો દિવસ આવતી કાલે (16 જુલાઇ, 2022) છે, જ્યારે સાંજે પોણા છ વાગ્યાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ.ટી.પારેખ ઓડિટોરિયમમાં 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પ્રકાશિત થશે. 

પત્રકારત્વ-લેખનની અત્યાર સુધીની સફરની જેમ પુસ્તક તૈયાર કરવાની સફર પણ પૂરો કસ કાઢનારી અને એવી જ રીતે, પૂરો સંતોષ આપનારી રહી છે. હવે પત્રકારત્વ-લેખનની સફર તો ચાલુ રહેશે, પણ પુસ્તકસર્જનની સફરનું છેલ્લું પ્રકરણ આવતી કાલે, ઘણા સ્નેહીમિત્રોની હાજરીમાં લખાશે. તેની માટે ઇંતેજારી અને સૌને આમંત્રણ. 

5 comments:

  1. Anonymous12:02:00 AM

    Best wishes

    ReplyDelete
  2. Anonymous12:59:00 AM

    Gujarat need much and more Liberal communist who can say truth without any bias.much power to you

    ReplyDelete
    Replies
    1. Thanks. Just for the record, I'm not a communist.

      Delete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી,
    તમારી 'પત્રકારત્વની સફર' નો ભવ્ય કાર્યક્રમ પૂર્ણ રીતે સફળ રહે તેવી શુભેચ્છાઓ.

    ReplyDelete
  4. જીવનના આવા મહત્ત્વના તબક્કાનું દસ્તાવેજીકરણ થવા બદલ હાર્દિક અભિનંદન.

    તમારૂં કામ બહુ ચોક્કસ છે એટલે આ પુસ્તક ભવિષ્ય માટે પણ મહત્ત્વનો સંદર્ભસ્રોત બની રહેશે એમ સહેજે આશા રાખી શકાય,

    અહીં જે વિગતો આવરી લેવાઈ હશે તેની સથે જોડાયેલી એવી નાનીનાની પણ બાબતો હશે જેની યાદ આમ જલદી ન આવે ,પણ આવે તો દિલતર થઈ જાય.

    એવી યાદોની લેખમાળા પણ બ્લૉગ પર કરી શકાય તો અમને બધાંને ઘરે બેઠે ગંગાની સાથે ગોદાવરીનો લાભ પણ મળે.

    ReplyDelete