Showing posts with label baba ramdev. Show all posts
Showing posts with label baba ramdev. Show all posts
Tuesday, November 25, 2014
ખોટું કરવાનો ‘અધિકાર’
‘દીવાર’માં અમિતાભ બચ્ચન શશિ કપૂરને ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’ એમ કહીને કુટુંબ સાથે થયેલા અન્યાયની આખી યાદી સંભળાવે છે, ત્યારે દર્શકો પણ મનોમન અમિતાભ સાથે સંમત થઇ જાય છે. પછી નાનો ભાઇ શશિ કપૂર સાવ સાદું સત્ય સમજાવે છે. તેના શબ્દો જુદા હશે, પણ સાર આ છે :
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...
છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.
સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.
જાતે વિચારો
ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા. દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?
પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’
ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.
વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?
આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.
‘તમે’ નહીં, ‘આપણે’
રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...
છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’
ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?
આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.
રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.
દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે.
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...
છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.
સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.
જાતે વિચારો
ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા. દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?
પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’
ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.
વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?
આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.
‘તમે’ નહીં, ‘આપણે’
રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...
છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’
ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?
આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.
રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.
દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે.
Labels:
baba ramdev,
film/ફિલ્મ,
politics,
religion
Tuesday, August 14, 2012
અન્ના આંદોલન: તળેટીથી નીચે તરફ
(written on 11- 8 - 12)
‘અમે તો પહેલેથી
જ કહેતા હતા’ અથવા ‘અમે નહોતું કહ્યું?’ એવું બોલીને, એકબીજાને તાળી આપવા જેવું એમાં કશું નથી. અન્ના હજારેના જનલોકપાલ માટેના
આંદોલનનો અંત, રણપ્રદેશમાં
દિશાવિહીન બન્યા પછી મોતને ભેટતા મુસાફર જેવો કરુણ આવ્યો. આ કિસ્સામાં તેના માટે
રણની નિષ્ઠુરતા કરતાં પણ વધારે જવાબદારી, દિશાભાન વિના નીકળી પડેલા કે દિશા ભૂલી ગયેલા મુસાફરોની ગણાવી જોઇએ.
અન્ના આંદોલનનો
કરૂણાંત એક નાગરિક તરીકે મિશ્ર લાગણી પ્રેરે છેઃ ચૂંટાયેલા રાજકારણીઓને ડારો
દેવાની- તેમને ઉત્તરદાયી બનાવવાની દિશામાં માંડ ઊભી થનારી એક તક વેડફાઇ ગઇ તેનો
ખટકો રહે છે. સાથોસાથ, ટૂંકી
દૃષ્ટિ અને ભ્રમણાઓની માયાજાળમાં ગરક અન્નામંડળીને બોધપાઠ મળ્યો તે જરૂરી પણ લાગે
છે.
કોરી નિષ્ફળતા
હોલિવુડની
ટ્રેઝરહન્ટ પ્રકારની ફિલ્મોમાં મોટે ભાગે એવું બને છેઃ જુદાં જુદાં હિત અને
ખાસિયતો ધરાવતા લોકો એક જ સ્વાર્થ માટે ભેગા થાય, ટીમ બનાવે, અભિયાન આદરે, તેની
તીવ્રતા વધે તેમ એક યા બીજા કારણસર અમુક માણસો અધવચ્ચેથી ખરતા જાય અને નવા ઉમેરાય
પણ ખરા. આખરે ખજાનો હાથવેંતમાં દેખાય - અને ત્યારે જ ખબર પડે કે ખજાનો તો બાજુ પર
રહ્યો, જીવ બચાવવો હશે તો આવ્યા
હતા એવા ને એવા, કોરાધાકોર,
પાછા ફરવું પડશે.
અન્નામંડળની
સ્થિતિ કંઇક એવી જ થઇ. મંડળી સાથે (તેમના મતે) છેક સુધી પહોંચ્યા પછી, રહીસહી આબરૂ બચાવવા માટે તેમને ઉપવાસ સંકેલી
લેવા પડ્યા અને ‘રાજકીય વિકલ્પ’ પૂરો
પાડવાની જાહેરાત કરવી પડી. એ નામોશીથી બચવા માટે ઉતાવળે લેવાયેલું પગલું હતું કે
પછી અન્નામંડળ વિકલ્પ પૂરો પાડવા માટે ગંભીર છે, એ હજુ નક્કી કહી શકાય એમ નથી. પરંતુ મુંબઇ-દિલ્હી એમ બન્ને ઠેકાણે ખત્તા ખાધા પછી
નજીકના ભવિષ્યમાં અન્નામંડળ ઉપવાસ માટે હિંમત નહીં કરે એટલું નક્કી લાગે છે.
ઇતિહાસ જોતાં
જણાશે કે આંદોલનોની સફળતા કેવળ તેના અંતીમ પરિણામ પરથી નક્કી થતી નથી. ગાંધીજીના
ઘણા સત્યાગ્રહોમાં તેમની માગણી પૂરેપૂરી સંતોષાઇ ન હોય એવા દાખલા છે. પરંતુ
ગાંધીજીના સત્યાગ્રહોનો એક મુખ્ય આશય પ્રજામાં જાગૃતિ આણવાનો અને તેમને અંગ્રેજી
શાસનની બીક છોડીને અહિંસક રીતે અન્યાયની સામે અવાજ ઉઠાવતા કરવાનો હતો. એ હેતુમાં
ગાંધીજી ઘણી હદે સફળ થયા. અંગ્રેજ સરકારની ચાપલૂસી કરવામાં ગૌરવ અને તેમનાથી
ડરવામાં સલામતી સમજતા સેંકડો સામાન્ય લોકો ગાંધીજીના સત્યાગ્રહોથી પ્રેરાઇને સરકાર
સામે ઊભા થયા. ભારતીય સમાજમાં દયનીય સ્થિતિ ધરાવતી અને બેવડી ગુલામી ભોગવતી
સ્ત્રીઓ ગાંધીજીનાં આંદોલનોથી ઘરની બહાર નીકળતી થઇ. એ દૃષ્ટિએ ગાંધીજીના નિષ્ફળ
સત્યાગ્રહો પણ સફળ હતા. અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન આ ફુટપટ્ટીથી
માપતાં પણ ખાસ કશી ઉપલબ્ધિ હાથ લાગતી નથી.
કેન્દ્ર સરકારનાં
સંખ્યાબંધ કૌભાંડ વિશે લોકોના મનમાં તીવ્ર અસંતોષ હતો. અન્ના આંદોલનથી તેને બહાર
નીકળવા માટેનો રસ્તો મળ્યો. તેને લીધે અન્ના આંદોલનને બળ અને વેગ મળ્યાં. પરંતુ
તેના માટે આમપ્રજાની ભ્રષ્ટાચારવિરોધી લાગણી મુખ્ય હતી. અન્ના આંદોલનની મુખ્ય
માગણી જેવા જનલોકપાલની જોગવાઇઓ-મર્યાદાઓ વિશે ઘણાખરા આંદોલનકારીઓની સમજણ નહીંવત્
કે સાવ પ્રાથમિક હતી.
ચુનંદો વિરોધ
ભ્રષ્ટાચાર સામે
આક્રોશ હોવો એ પણ સારી બાબત છે. અન્નાઆંદોલન એવો નક્કર આક્રોશ ઊભો કરી શક્યું હોત
તો એ તેની સિદ્ધિ ગણાત. પરંતુ અન્ના આંદોલન સાથે જોડાયેલા બહુમતી વર્ગની માન્યતા
એવી હતી કે ‘ભ્રષ્ટાચાર એટલે બીજા
કરે તે.’ ભ્રષ્ટાચારને તે ફક્ત
રાજનેતાઓ સાથે સાંકળતા હતા. એમાં પણ અમુક ઉત્સાહીઓ ભ્રષ્ટાચારને કેવળ પોતાના
અણગમતા પક્ષ સાથે જ સાંકળતા હતા. જેમ કે, અન્ના આંદોલનના ગુજરાતી સમર્થકોમાંથી ઘણાખરાને ગુજરાત સરકાર પર થયેલા
ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વિશે કંઇ કહેવાનું ન હતું. ગુજરાતમાં લોકાયુક્તની
નિમણૂંક સામે સરકારી રાહે થયેલા અખાડા તેમની પટ્ટીબંધ આંખોને દેખાતા ન હતા. તેમને
સૌથી વધારે ‘કીક’ કોંગ્રેસને ગાળો દેવામાં આવતી હતી અને અન્ના
આંદોલન એ માટે તેમને સૌથી હાથવગું લાગ્યું.
લોકશાહીમાં અને
ખાસ કરીને કેન્દ્ર સરકારે જે રીતે વહીવટ ચલાવ્યો છે એ જોતાં, કોંગ્રેસને ભાંડવામાં કશું ખોટું નથી. પક્ષીય
વફાદારી ન હોય એવા કોઇ પણ નાગરિકને યુપીએ સરકાર સામે અઢળક વાંધા હોય. પરંતુ એવા
ગુજરાતી નાગરિકોને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આરોપના મુદ્દે પણ સવાલ થવા
જોઇએ.
એવું ન હોય તેનો
અર્થ એટલો કે એવો લોકો ગુજરાતના મુખ્ય મંત્રીના કે ભાજપના, બિલ્લાધારી કે બિલ્લા વગરના સમર્થક છે. છતાં પોતાનો
રાજકીય એજેન્ડા છુપાવવા માટે તે ભ્રષ્ટાચારવિરોધી તરીકેનું મહોરું પહેરીને
મેદાનમાં આવ્યા છે અને અન્ના હજારેના આંદોલનમાં ભળી ગયા છે. ભ્રષ્ટાચારનાબૂદીની
વાતો તેમના માટે ‘વેશ’નો હિસ્સો છે.
અન્ના આંદોલન
આટોપાઇ ગયા પછી પણ આવા લોકોને ઓળખવાનું બહુ સહેલું છે. કેવળ ભ્રષ્ટાચારનો વિરોધ
કરનારા લોકો અન્ના આંદોલનની નિષ્ફળતા પછી અન્નામંડળે ક્યાં કાચુ કાપ્યું, ક્યાં બાફ્યું, ક્યાં અતિવિશ્વાસથી કામ લીઘું, કેવી વ્યૂહાત્મક ભૂલો કરી એ વિશે આત્મમંથન કરતા જણાશે.
સાથોસાથ, ભવિષ્યમાં આ પ્રકારના
આંદોલનમાં કેવી ચીવટ રખાવી જોઇએ એ સમજવાની કોશિશ પણ કરતા હશે. અન્ના આંદોલન જે
કારણસર નિષ્ફળ ગયું એ મુદ્દા પહેલેથી ઊભા કરનારા તમામને ‘કોંગ્રેસી’ કહીને ઉતારી પાડવામાં ઉતાવળ થઇ એવું, તેમને લાગતું હશે.
પરંતુ જે ભાજપી
કાર્યકરોનો કે બિનકાર્યકરોનો એજેન્ડા માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો દેવાનો હતો,
એવા લોકો આંદોલનની નિષ્ફળતામાંથી કશું
શીખશે નહીં કે ન કોઇ જાતનો વસવસો અનુભવશે. ઊલટું, આ નિષ્ફળતા માટે પણ તે સરકારને અને મીડિયાને જવાબદાર
ઠેરવશે. ‘દુષ્ટ રાજકારણીઓ સામે
ભલા આંદોલનકારીઓ હારી ગયા’ એવી જાતને છેતરતી ગેરમાન્યતાઓ ફેલાવવાના
પ્રયાસ કરશે - અને હા, ગાળાગાળીનો
કાર્યક્રમ ઉત્સાહભેર ચાલુ રાખશે.
બાબા-અન્ના
શીર્ષાસન
અન્નામંડળના
આંદોલનની અવગતિને વધારે તીવ્ર બનાવતી ઘટના છેઃ બાબા રામદેવના ઉપવાસ. યોગના ધંધામાં
મોટું સામ્રાજ્ય ઉભું કરીને અઢળક સંપત્તિ અને તેને લગતા વિવાદો ધરાવતા રામદેવ ઘણા
સમયથી કાળાં નાણાંની વાત કરે છે. વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં ભારતમાં આવવાથી
ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવો
પ્રચાર-લોલીપોપ તે સૌને આપે છે. યોગથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવું ગમ્મતમાં નહીં પણ ગંભીરતાથી કહેતા બાબા
રામદેવને ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ ગંભીરતાથી લેતું ન હતું. પરંતુ અન્ના હજારેનું
આંદોલન શરૂ થયા પછી બાબાને વગર પ્રાણાયામે નવો પ્રાણવાયુ મળ્યો.
શરૂઆતમાં એવી પણ
વાત હતી કે અન્નાના પહેલા આંદોલનને મળેલી સફળતા પાછળ બાબા રામદેવના સમૃદ્ધ
આયોજનતંત્રનો મોટો ફાળો હતો. પરંતુ અન્ના હજારે રાષ્ટ્રિય હીરો બની ગયા, એ સાથે જ બાબા રામદેવ ખૂણે ધકેલાવા લાગ્યા.
તેમના યોગસામ્રાજ્ય, રાજકીય
સંબંધો અને ભગવાં કપડાં છતાં લોકોનાં ટોળાં અને પ્રસાર માઘ્યમો અન્ના હજારેના
પક્ષે હતાં અને અન્ના તથા તેમનું મંડળ એ પ્રસિદ્ધિનો ભરપૂર આનંદ માણી રહ્યું હોય
એવું જણાતું હતું.
રામલીલા મેદાનમાં
બાબા રામદેવ અને તેમના અનુયાયીઓ પર અડધી રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે અનુયાયીઓની ચિંતા
કરવાને બદલે સ્ત્રીવેશમાં નાસી છૂટેલા બાબા રામદેવ ફરી આંદોલનના ચાળે નહીં ચડે
એવું ત્યારે લાગતું હતું. પરંતુ છેવટે અન્નાને મળેલા થોડા સમય માટેના લોકસમર્થનની
સામે બાબાના સામ્રાજ્યની તાકાતની જીત થઇ. અન્નાએ બાબા સાથે હાથ મિલાવવા પડ્યા અને
તેમની સાથે સંયુક્તપણે પત્રકાર પરિષદ ભરવી પડી.
અન્ના આંદોલન
માટે એ ભટકાવનો વઘુ એક મહત્ત્વનો પડાવ હતો. આર્થિક સામ્રાજ્ય-સમૃદ્ધિને કારણે
ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની નેતાગીરી માટે અયોગ્ય ગણાઇ જાય એવા બાબાની આણ અન્નાએ
સ્વીકારવી પડી. બાબા રામદેવ અને અન્ના સમોવડીયા હોય કે બાબા અન્નાના માર્ગદર્શન
નીચે કામ કામ કરે એવો કોઇ પ્રશ્ન જ ન હતો. બાબા રામદેવની બોડી લેંગ્વેજમાંથી પ્રગટ
થતા સંકેત સ્પષ્ટ હતાઃ બાબાને અન્નામંડળ વગર ચાલશે, પણ અન્નામંડળનો બાબા વગર ઉદ્ધાર નથી.
આવનારા દિવસોમાં
આ હકીકતનાં પ્રમાણ પણ મળી રહ્યાં. અરવિંદ
કેજરીવાલ પ્રણવ મુખર્જી સહિત નેતાઓનાં નામ પાડીને આક્ષેપ કરતા હતા ત્યારે બાબા
રામદેવ તેમની ચિરપરિચિત ચબરાકી સાથે, સંબંધો બગાડ્યા વિના આંદોલન ચલાવવાના ઉપદેશ આપતા હતા અને અરવિંદ
કેજરીવાલ-કિરણ બેદી એન્ડ કંપનીને જાણે સાનમાં સમજાવી રહ્યા હતા કે ‘મારી સાથે કામ કરવું હોય, તો બોલવામાં ઘ્યાન રાખવું પડશે.’ અન્નાના છેલ્લા ઉપવાસ-ધબડકા પહેલાં કેજરીવાલ
સહિત બીજા લોકો ઉપવાસ પર ઉતર્યા ત્યારે લોકોની સાવ પાંખી હાજરી હતી. પરંતુ ઉપવાસના
સ્થળે બાબા રામદેવની સવારી આવી એ સાથે જ ચાર-પાંચ હજાર લોકો આવી ગયા. એ સાથે બાબા
પર અન્નામંડળની છેલ્લી સરસાઇ પણ જતી રહીઃ
લોકોનાં ટોળાં માટે સુદ્ધાં બાબાને અન્નામંડળની નહીં, અન્નામંડળને બાબાની જરૂર હતી.
આ વળાંક પર આવી
ઊભેલું અન્ના આંદોલન આટોપાઇ જાય તેનો વસવસો કેવો?
અફસોસ એ વાતનો છે
કે અન્ના અને તેમના સાથીદારો થકી આંદોલિત થયેલા થોડાઘણા સાચકલા લોકોની
આશા-અપેક્ષાઓ ચૂર થઇ. ભ્રષ્ટાચારવિરોધી જુવાળને ધીમે ધીમે
પ્રજાલક્ષી-પ્રજાકેન્દ્રી આંદોલનોમાં વાળી શકાશે અને લાંબા ગાળે તમામ પક્ષોના
નેતાઓની નીતિરીતિ પર કડક જાપ્તો રાખી શકાશે, એવો આશાવાદ નકરો આશાવાદ જ ઠર્યો. દુઃખ એ વાતનું પણ છે
કે લોકપ્રિયતાની ટોચે પહોંચેલા આંદોલનમાં જરૂર પ્રમાણે દિશાસુધાર કરવાને બદલે,
અન્નામંડળે તેને પોતાની ઘૂનમાં આગળ
હંકારીને છેવટે તળેટીભેગું કર્યું. હવે પછીનાં સંભવિત, વ્યાપક સ્તરનાં પ્રજાકીય આંદોલનો માટેનો રસ્તો
સાફસુથરો નહીં હોય. તેની પર અન્નાઆંદોલનનો ભંગાર નડતરરૂપ બને એ રીતે વેરાયેલો
મળશે.
Labels:
anna hazare,
baba ramdev,
corruption
Tuesday, July 12, 2011
ધર્મસ્થાનોની ધનદોલત અને ‘ઇશ્વરેચ્છા’
‘બચ્ચા બોલા દેખકર મસ્જિદ આલીશાન/ અલ્લા તેરે એકકો ઇતના બડા મકાન!’- નીદા ફાઝલીની આ પંક્તિઓ ઘણાંખરાં ધર્મસ્થાનોને લાગુ પાડી શકાય.
પ્રચલિત (ગેર)સમજણ પ્રમાણે, જેટલું આલીશાન-સમૃદ્ધ ધર્મસ્થાન, એટલો પ્રભાવશાળી ધર્મ. કળિયુગમાં લોકોને આંજવા માટે ફક્ત સાદગી-સજ્જનતા-સચ્ચરિત્ર- સંતોષ-સેવાના ઉપદેશથી કંઇ ન થાય. આ બધા ઉપદેશ વરસાવનારે આલીશાન ગાડીઓમાં ફરવું પડે, મલ્ટીનેશનલ કંપનીઓના વૈભવને શરમાવે એવી ભપકાદાર ઇમારતો ખડી કરવી પડે, મોટા ગજાના સત્તાદલાલો પણ પાછા પડે એવા રાજકીય ખેલ ખેલવા પડે, નફાખોર કંપનીઓને સારી કહેવડાવે એ હદે સામાન્ય-ગરીબ પ્રજાની સ્થિતિની ઉપેક્ષા કરવી જોઇએ.
છેવાડાના માણસનાં દુઃખદર્દનું દર્શન નેતાઓની જેમ વિમાનમાંથી ન કરવું હોય તો વ્યાસપીઠનો વિકલ્પ છે જ. ભારતમાં ઘણી વાર વિમાન કરતાં વ્યાસપીઠ વધારે ‘અદ્ધર’, વાસ્તવિકતાથી વધારે છેટી હોય છે. ગાંધી બનવા જતાં ગાદી નહીં, ગોળી મળે એ બરાબર સમજતા ધર્મગુરૂઓ ધનના ઢગલા વચ્ચે રહીને, ધર્મના રસ્તે પોતે ચાલવાના અને બીજાને દોરવાના દાવા કરે છે. તેમના અનુયાયીઓ એ માની લેવા ઉત્સુક હોય છે.
‘સંસ્થા’ બની ગયેલા ધર્મની અઢળક સંપત્તિથી માંડીને તેમાં થતા કાવાદાવા, ખૂનખરાબાથી માંડીને તમામ પ્રકારના ગોરખધંધા ‘ધાર્મિક લાગણી’ના મજબૂત કવચનું રક્ષણ ધરાવે છે. અનુયાયીઓનાં ટોળાંની ધાર્મિક લાગણી દુભાશે, એ બીકે સમજુ લોકોમાંથી મોટા ભાગના મૌન ધારણ કરે છે અથવા લોકોની ધાર્મિક લાગણીનો પોતાની લોકપ્રિયતા/લોકમાન્યતા/સત્તા વધારવા માટે કેવી રીતે ઉપયોગ થઇ શકે, તે શોધી કાઢે છે.
એટલે જ, સ્વિસ બેન્કમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં આણવાના રસ્તામાં રહેલી કાનૂની અને ટેકનિકલ અડચણો અવગણીને, ‘એ નાણાં આવે તો દેશનું કેવું કલ્યાણ થઇ જાય’ એવાં ટુક્કલ સૌ પોતપોતાની અનુકૂળતા અને સ્વાર્થ પ્રમાણે ચગાવે છે. પણ આપણા જ દેશનાં ધર્મસ્થાનોમાં કેદ અઢળક સંપત્તિનો દેશના કલ્યાણમાં ઉપયોગ કરવાના વિચાર એટલા ઉમંગથી આવતા નથી- જાણે ધર્મમાં આવવાથી કાળાં નાણાં ધોળાં થઇ જતાં હોય અને ધર્મ એ ધનની સંઘરાખોરી કરવાનું લાયસન્સ હોય!
પ્રાથમિક વિકલ્પો
ધર્મસ્થાનોની સંપત્તિનો મુદ્દો ચર્ચામાં આવવાનું કારણ છે કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાંથી નીકળેલો-નીકળી રહેલો ખજાનો. એ ખજાનાની ઓછામાં ઓછી કંિમત એક લાખ કરોડ રૂપિયા જેટલી મનાય છે. (આટલી મોટી રકમ સાંભળીને કેન્દ્ર સરકારનું સ્પેક્ટ્રમ કૌભાંડ કે ગુજરાતના લોકોને સરકારી એમઓયુની રકમની યાદ આવી શકે છે.) યાદ રહે, એક લાખ કરોડ રૂપિયા તો ખજાનાની કેવળ ‘કિમત’ છે, તેનું ‘મૂલ્ય’ નથી. આ ખજાનાને વેચવાનું નક્કી થાય તો કિમતી ધાતુઓ-નંગ-હીરામોતી વગેરેની કિમતની સાથોસાથ તેની પ્રાચીનતા/એન્ટીક વેલ્યુને પણ ઘ્યાનમાં લેવી પડે- અને એમ કરવાથી ખજાનાની કિમત ઘણી વધી જાય.
સામાન્ય સ્થિતિમાંથી સમૃદ્ધ થયેલા લોકોને જાતઅનુભવે ખબર હશે કે રૂપિયાની મઝા હોય, તેમ એની વિશિષ્ટ મુશ્કેલીઓ પણ હોય છે. ખાસ કરીને, અઢળક દલ્લો ઓચિતો હાથ લાગે ત્યારે! સમૃદ્ધિનો વરસાદ થતાં સૌથી પહેલો વિચાર તેની સલામતીનો અને પછી તેના વહીવટનો કરવો પડે છે.
મંદિરના કે ધર્મસ્થાનના મોટા દલ્લાના વહીવટની વાત આવે ત્યાંથી મતાંતરની શરૂઆત થાય છે. પદ્મનાભસ્વામી મંદિરના રેકોર્ડબ્રેક ખજાના વિશે વિચારતાં, સાવ પ્રાથમિક તબક્કે આટલા વિકલ્પ હોઇ શકેઃ
૧) સરકાર એ ખજાનો હસ્તગત કરી લે અને તેનો ‘દેશના કલ્યાણ માટે’ કે ‘ગરીબો માટે’ ઉપયોગ થાય.
2) એ ખજાનો ત્રાવણકોરના રાજપરિવારના ટ્રસ્ટીઓને હસ્તક રહે અને તેને ‘ભગવાનની અમાનત’ ગણીને સહીસલામત જાળવી રાખવામાં આવે.
3) મૂડીનો અસરકારક વહીવટ કરી જાણતા અને મૂલ્યના નામનું સાવ નાહી નાખ્યું ન હોય એવા ઉદ્યોગસાહસિકોને (અઝીમ પ્રેમજી, નારાયણમૂર્તિ જેવાને) સાથે રાખીને ટ્રસ્ટ માનવકલ્યાણની પ્રવૃત્તિ ચલાવે.
4) ખજાનો હિદુ ધર્મસ્થાનનો હોવાથી તે ફક્ત હિદુઓ માટે જ વપરાવો જોઇએ, એવો સૂર ક્યાંકથી સંભળાય અને એ દિશામાં કોઇને વિચારવું હોય તો, અસ્પૃશ્યતા જેવું હિદુ ધર્મનું સદીઓ જૂનું - ખજાનાથી પણ ઘણું વધારે જૂનું- અનિષ્ટ દૂર કરવામાં અને તેનો ભોગ બનેલા દલિતોને ગૌરવભેર પુનઃસ્થાપિત કરવામાં તેનો અમુક હિસ્સો વાપરી શકાય.
રાજીપોઃ ઇશ્વરનો અને આસ્તિકોનો
પરંપરાગત રીતે ધર્મપ્રેમી એવી જનતાની લાગણી એવી રહેવાની કે ‘આ ખજાનાને અડાય નહીં. કેમ કે, એ ભગવાનનો છે.’ તેમની ધાર્મિક લાગણીની પૂરી કદર સાથે એટલું કહેવું પડે કે ખજાનો ભગવાનનો છે, પણ ભગવાન કોના છે?
સીધી વાત છેઃ ભગવાન તેમના સ્થાનકના વહીવટદારોના નહીં, તેમના ભક્તોના- તેમની પર શ્રદ્ધા રાખનારા લોકોના છે. ભારત જેવા આસ્તિકોની બહુમતી અને ભગવાનો-માતાજીઓની ભીડ ધરાવતા દેશમાં તેમના લાખો શ્રદ્ધાળુઓ ગરીબીમાં અને અભાવમાં સબડે છે. ભગવાન પાસે અઢળક મિલકત હોય અને ભગવાન પોતાના ભક્તો-શ્રદ્ધાળુઓનું દુઃખ જોઇને બેસી રહે, એવી સ્થિતિ પેદા કરવામાં કરૂણાસાગર ઇશ્વરનું અપમાન નથી?
શ્રદ્ધાળુઓનું દુઃખ એટલે શું, એની જરા ચોખવટ કરી લઇએઃ અમેરિકાનો વિઝા ન મળવો કે બંગલાનો કેટલોક હિસ્સો કપાતમાં જવો કે ઇન્કમટેક્સ રિટર્નની ક્વેરી નીકળવી કે ડ્રોઇંગરૂમમાં પાણી ટપકવું, એવાં દુઃખની અહીં વાત નથી. બે ટંકના રોટલા પૂરા પાડે એટલા કામનો અભાવ, શિક્ષણ-આરોગ્યની મૂળભૂત સુવિધાની અછત- એવી પ્રાથમિક અમાનવીય મુસીબતોની વાત છે. ભગવાન પરની શ્રદ્ધાથી તે દૂર થાય કે ન થાય, પણ ભગવાનની સંપત્તિથી એ દુઃખોને નિશ્ચિતપણે દૂર કરી શકાય છે- અને આસ્તિકો માની શકે છે કે ‘મારા ભક્તોએ મારું નામ ઉજાળ્યું’ એમ વિચારીને ભગવાન નારાજ નહીં, રાજી થશે.
વિચારશીલ હોય એવા આસ્તિકો (હા, આસ્તિકો પણ વિચારશીલ હોઇ જ શકે. વિચારવું એ ફક્ત નિરીશ્વરવાદીઓનો ઇજારો નથી) એમ પણ વિચારી શકે કે ઇષ્ટદેવ માટે આલીશાન મહાલયો ઉભાં કરીને તેમને મુકેશ અંબાણીની હરોળમાં મુકી દેવાને બદલે, તેમની સંપત્તિમાંથી માનવકલ્યાણનાં નક્કર કાર્યો થાય, તેમાં જ ઇષ્ટદેવની મહત્તા છે.
સાર એટલો જ કે ભગવાનના નામે ભેગી થયેલી અઢળક ધનદોલતમાંથી વર્તમાન અને ભાવિ ખર્ચ માટે જરૂર પૂરતી રકમ રાખીને બાકીની રકમ લોકકલ્યાણ કે દેશકલ્યાણના કામમાં વાપરવામાં આસ્તિકો કે નિરીશ્વરવાદીઓ, કોઇને વાંધો હોવો ન જોઇએ.
શોષણ નહીં, સેવા
લાખ નહીં, બલકે હવે તો લાખ કરોડ રૂપિયાનો સવાલ એ છે કે ધાર્મિક સંસ્થાઓની અઢળક સંપત્તિ દેશકલ્યાણમાં કે ગરીબો માટે કે જરૂરતમંદો માટે કોણે અને કેવી રીતે વાપરવી?
આ કામ માટે (પરંપરાગત રીતે) સૌથી પહેલાં સરકાર યાદ આવે અને અત્યાર લગીના અનુભવોને આધારે સૌથી મક્કમતાપૂર્વક ચોકડી પણ સરકારના નામ પર જ વાગે. નૈતિકતા અને પ્રામાણિકતાના મામલે એક પણ રાજકીય પક્ષનો ચોપડો ચોખ્ખો નથી. એટલે તેમના ભરોસે અઢળક સંપત્તિનો વહીવટ છોડી શકાય નહીં. એમ કરવા જતાં દેશનું અને પ્રજાનું બીજા અર્થમાં ‘કલ્યાણ’ (અહિત) થઇ જાય.
સરકારોના પક્ષે વિચારીએ તો, એમને ધર્મસ્થાનોનો ખજાનો પડાવી લેવાની ઇચ્છા તો બહુ થાય, પણ લોકોની ધાર્મિક લાગણી દુભાવાની બીકે તે અંતરની લાગણી જાહેર ન કરે. પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાના મુદ્દે કેરળના મુખ્ય મંત્રીએ ખોંખારીને કહી દીઘું છે કે સરકાર આ ખજાનો હસ્તગત કરવા ઇચ્છતી નથી. (તેમનું વાતનું ગુજરાતી ‘દ્રાક્ષ ખાટી છે’ એવું કરી શકાય.)
સરકાર પર ચોકડી વાગ્યા પછી બીજો વિકલ્પ મંદિરના અને એ ન્યાયે ખજાનાના મૂળ ટ્રસ્ટીઓનો આવે. આટલી મોટી રકમનો વ્યાપક જનહિતમાં ઉપયોગ કરવા જેટલી ક્ષમતા એકાદ કુટુંબનું પ્રભુત્વ ધરાવતા ટ્રસ્ટ પાસે હોય કે કેમ એ પ્રશ્ન છે. એ સ્થિતિમાં ઉત્તમ વિકલ્પ એ હોય કે તે જુદાં જુદાં ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા લોકોની વ્યાવસાયિક સેવા લે અને તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને અમલમાં મૂકી શકાય એવા દેશહિત-જનહિતના કાર્યક્રમોની યાદી થોડાં અઠવાડિયાંમાં તૈયાર કરે. તેના આધારે કોઇ પ્લાન્ટ કે ફેક્ટરી માટે થતું હોય એવું પાકું આયોજન થાય. આ કામમાં મૂલ્યો સાથે ઠીક-ઠીક લેવાદેવા ધરાવતા ઉદ્યોગસાહસિકોથી માંડીને આઇ.ટી.યુગના ખેરખાંઓ અને અન્ના હઝારે જેવા જાહેર ક્ષેત્રના લોકોની પણ મદદ લઇ શકાય. સ્વિત્ઝર્લેન્ડથી કાળાં નાણાં ભારત લાવવા માટે ઉત્સુક બાબા રામદેવ પાસે પણ નજર સામે રહેલાં નાણાંને (યોગકેન્દ્રો ખોલવા સિવાય) બીજાં કયાં લોકહિતનાં કામ માટે વાપરવાં, તેનાં સૂચન મેળવી શકાય.
અગાઉ જણાવ્યું તેમ, સેવાના કામ સાથે સંકળાયેલા સૌએ ‘સેવા’ જ આપવી જોઇએ, એવું નૈતિક બંધન હોવું ન જોઇએ. ‘અમે સેવાનું કામ કરીએ છીએ’ એવો દાવો સાચો હોય તો પણ, એવું કહેનાર ટ્રસ્ટો કે સંસ્થાઓને પોતાના કર્મચારીઓનું શોષણ કરવાનો અધિકાર મળી જતો નથી. સેવાનો ભેખ જો લીધો હોય તો એ સંસ્થાએ લીધો છે. તેમાં કોઇ સામેથી સ્વૈચ્છિક રીતે સેવા આપવા ઇચ્છે તો ઉત્તમ, પણ તે ન ઇચ્છે તો તેમને બજારભાવ પ્રમાણે મહેનતાણું ચૂકવીને સંસ્થાના સેવાના કામમાં જોતરવા જોઇએ. તો સેવાના કામમાં ભલીવાર આવે એવી શક્યતા વધી જાય છે. કામ કરનાર માણસની જવાબદારી અને ઉત્તરદાયિત્વ ઊભું કરવા માટે ઘણી વાર મહેનતાણું જરૂરી બને છે. ‘માનદ્’ મહાનુભાવો રગશિયા ગાડાની ગતિએ ચાલે કે ટાઢાબોળ થઇને બેસી જાય તો પણ તેમના માનદ્પણાને માન આપીને તેમને ટપારી શકાતા નથી.
ધર્મસ્થાનોની સંપત્તિના જાહેર ઉપયોગ માટે સરકારના એકાદ પ્રતિનિધિને વહીવટી ગૂંચ ઉકેલવા પૂરતો રાખી શકાય. બાકી સમાજનો વિચાર કરી શકે એવા જુદા જુદા લોકોને સાંકળીને પાકું આયોજન કરવામાં આવે તથા આદર્શ નહીં, પણ પાર પાડી શકાય એવાં લક્ષ્યાંક નક્કી કરવામાં આવે, તો અઢળક ધાર્મિક સંપત્તિનો માનવકલ્યાણ માટે સદુપયોગ થઇ શકે અને ભારતમાં રહેલી કારમી આર્થિક વિસંગતતાનું મહેણું હળવું બનાવી શકાય.
ધાર્મિક સંસ્થાઓ લોકકલ્યાણ માટે નાણાં ખર્ચવા તૈયાર થાય તો આગળ જણાવ્યું એ રીતે તેનું આયોજન, અઘરૂં હોવા છતાં અશક્ય નથી.
પણ ધાર્મિક સંસ્થાઓ ભપકા સિવાયનાં કામમાં નાણાં વાપરવા તૈયાર ન હોય તો? દેશની બહુમતી ગરીબ પ્રજાએ તેમના અબજો રૂપિયાના ખજાનાની વાતો અલીબાબા ચાલીસ ચોરની કથાઓની જેમ સાંભળવાની અને પેટમાં પગ નાખીને સૂઇ જવાનું.
Labels:
anna hazare,
baba ramdev,
politics,
religion
Tuesday, June 14, 2011
બેજવાબદાર નેતાગીરીની હરિફાઇ અને થોડું ‘રિવિઝન’
બાબા રામદેવ અને તેમના ટેકેદારોને રામલીલા મેદાનમાંથી મધરાતે બળપૂર્વક સરકારી નિર્ણય અને તેની પ્રતિક્રિયાઓથી ઘણી બાબતો પર ફરી એક વાર અજવાળું પથરાઇ ગયું.
તેમાં સૌથી પહેલા ક્રમે આવીને ઉભી સરકારની નમાલી અવઢવ અથવા કુટિલ ચાલબાજી અથવા બન્ને. પાંચ હજાર માણસોની યોગશિબિરની પરવાનગી લીધા પછી બાબા રામદેવે ઘણા વઘુ ટેકેદારો સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાબાએ પહેલેથી કરી દીધી હતી. પરંતુ સરકારે પહેલાં (ચાર મંત્રીઓ મોકલીને) લાલ જાજમ પાથરી અને પછી પગ તળેથી જાજમ ખેંચી લેવા પોલીસનાં ધાડાં મોકલ્યાં- જાણે એક મૂર્ખામીનું સાટું બીજીથી વાળવાનું હોય.
સરકારે દેખાવકારો સામે વાપરેલા બળમાં કેવળ મૂર્ખામી જ નહીં, જડતા, અધીરાઇ અને સરકારને ન છાજે એવા જુગારનું તત્ત્વ પણ હતું.
ધારો કે પોલીસ કાર્યવાહી દરમિયાન બાબા રામદેવે હિંમત બતાવીને સ્થળ છોડવાની ના પાડી હોત તો? આઝાદી પહેલાં બ્રિટિશ ઘોડેસવાર પોલીસ સામે જમીન પર બેસી જતાં ને ભારે ખુવારી વેઠતાં સત્યાગ્રહી દેખાવકારોની જેમ, બાબા રામદેવ અને તેમના ટેકેદારો પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હોત તો? સરકારને અત્યારે મળી છે એના કરતાં પણ વધારે નામોશી મળી હોત.
બાબાના ટેકેદારો પાસે બેઝબોલ બેટ કે પથ્થર હોવાનો આરોપ પોલીસે મૂક્યો છે. આ બાબતોમાં પોલીસનાં નિવેદનો કેટલાં ભરોસાપાત્ર ગણવાં એ હંમેશનો પ્રશ્ન હોય છે. બાબા રામદેવના ટેકેદારો સજ્જ હોય કે નિઃશસ્ત્ર, એ હકીકત છે કે આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓને ખસેડતી વખતે પોલીસને ટીયરગેસના ફક્ત આઠ શેલ વાપરવા પડ્યા. અખબારી અહેવાલો પ્રમાણે આશરે ૭૦ લોકો પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા. આ લોકો પહેલી વાર ત્યાં ભેગા થઇ રહ્યા હતા, ત્યારે સરકારે તેમને અટકાવ્યા નહીં અને પછી તેમને એ જગ્યાએથી હાંકી કાઢવાનો હુકમ આપ્યો, એ બેવડી નીતિનું આ દુષ્પરિણામ હતું. પોલીસના બળપ્રયોગથી ઘાયલ થયેલાં નિર્દોષ લોકોને કારણે, ભ્રષ્ટાચારના મુદ્દે મીંઢું વલણ રાખીને બેઠેલી સરકાર વિશેનો રોષ બેવડાય એ સ્વાભાવિક અને યોગ્ય જ હતું.
બીજા ક્રમે આવીને ઉભી પ્રમાણભાન ભૂલી ગયેલા વિપક્ષી - ખાસ કરીને ભાજપી- નેતાઓની બખાળાબાજી. ઘાયલ થયેલા લોકોના ખભે બંદૂક મૂકીને સરકાર પર ભડાકા કરવાના ઉત્સાહમાં કેટલાક ભાજપી નેતાઓ ભાન ભૂલી ગયા. તેમણે પોતાનો વિરોધ કેવળ બિનલોકશાહી પગલાં પૂરતો મર્યાદિત ન રાખ્યો. પણ સરકારની પોલીસ કાર્યવાહીને તે જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવી બેઠા. સ્કૂલના કોઇ વિદ્યાર્થીએ આવી સરખામણી કરી હોય તો તેને પચાસ ઉઠબેસ કે એક પિરીયડ સુધી અંગુઠા પકડવાની સજા થાય, પણ આ તો રાષ્ટ્રિય - અને રાષ્ટ્રિય બનવા થનગની રહેલા- નેતાઓનો શંભુમેળો! તેમની મોં-માથા વગરની સરખામણીઓ સાથે સંમત થનારા અને તેમને ટેકો આપનારા પણ મળી રહ્યા.
બીજો એક વર્ગ એવો છે, જે ભ્રષ્ટાચારના વિરોધના ઉત્સાહમાં તેના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બાબા રામદેવ વિશેની વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. એ માને છે કે બાબા રામદેવની નીતિરીતિનો કે કાર્યપદ્ધતિનો, તેમના હેતુઓનો કે આશયોનો વિરોધ કરનારા બધા ભ્રષ્ટાચારી સરકારની તરફેણ કરે છે! આવી કાલીઘેલી-સંકુચિત સમજણમાં રાચનારા હોય, ત્યાં સુધી સત્યાગ્રહના નામે બાબાની નૌટંકીને ખાસ વાંધો નહીં આવે.
વાંધો ન હોય તો દાતણ કરી લઉં?
બાબાના સત્યાગ્રહ માટે ‘નૌટંકી’ જેવો શબ્દ બિલકુલ સભાનતાપૂર્વક વાપર્યો છે. કારણ કે સત્યાગ્રહ કોને કહેવાય, એ બાબા પાસેથી કે તેમના ટેકેદારો, ભોળા ભક્તો અને મુગ્ધ-માનદ્ વકીલો પાસેથી શીખવાની જરૂર નથી.
અડધી રાત્રે સત્યાગ્રહી નેતા પર ચડી આવેલાં પોલીસનાં ધાડાંની સિચ્યુએશન પરથી ભાજપી નેતાઓને ભલે કંઇ યાદ ન આવે, પરંતુ આપણે દાંડીકૂચ જેવા વિખ્યાત સત્યાગ્રહનો ઘટનાક્રમ ભૂલી જવાની જરૂર નથી. એ યાદ કર્યા પછી બાબા રામદેવ કેમ ધોળા ધરમે પણ સત્યાગ્રહી ન હોઇ શકે, એ અંગે વઘુ કહેવાની જરૂર નહીં રહે.
દાંડીકૂચના એકાદ મહિના પછી પાંચમી મે, ૧૯૩૦ની મધરાતે કરાડીમાંથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘટનાના સાક્ષી, ગુજરાતી સાહિત્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ ધરપકડ વખતના માહોલનું તાદૃશ વર્ણન કર્યું છે, જે રામદેવ મંડળી અને તેમના ભક્તો-વકીલોએ જ નહીં, સત્યાગ્રહની વાતો કરનાર- તેમને ટેકો આપનાર સૌ કોઇએ વાંચવા જેવું છે.
***
‘(રાત્રે) પોણા વાગે બે મોટી મોટર-બસ આવીને બારણે ઊભી રહી. ક્ષણવારમાં તો એક પછી એક ૨૫-૩૦ સિપાઇઓ કૂદી પડ્યા. સૂરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ (!) સૌથી આગળ દોડ્યા. પાછળ પોલીસ ઉપરી અને આંટિયા અને તેમની પાછળ ૨૫ પોલીસો બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. જાણે ધાડ પાડવા આવ્યા હોય!..
પહેલાં તો સિપાઇઓએ અમને સૌને ઘેરી લીધા હતા. મેં ધાર્યું કે અમને પણ પકડશે, એટલે બિસ્તરો સંકેલવો શરૂ કર્યો. પણ ત્યાં તો જોયું કે એ લોકો બાપુજીની કુટીર તરફ ધસી રહ્યા છે. એટલે મેં પણ દોટ મૂકી...ક્ષણ બે ક્ષણમાં તો સૌ બાપુજી પાસે દોડી ગયા અને આસપાસ વંિટળાઇ ગયા....
એટલામાં તો ન્યાયમૂર્તિ અને આંટિયા આવી પહોંચ્યા. એક જંગલીની માફક બાપુ ઉપર ટોર્ચ ફેંકી. બાપુએ મોં ફેરવ્યું.
‘આઇ એરેસ્ટ યુ.’ ગોરો બોલ્યો. બાપુ હસ્યા. જીવનમાં આ બીજી વાર મૌન તોડ્યું.
‘ડુ યુ વોન્ટ મી?’ બાપુજી બોલ્યા.
‘યસ, સર.’ ગોરાએ જવાબ આપ્યો. ‘તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી?’
‘હા.’ બાપુએ જવાબ આપ્યો. ત્યાં તો સિપાઇઓ આવીને ફરી વળ્યા...
‘જો તમને કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉં?’ બાપુએ પૂછ્યું.
‘ખુશીથી.’ જવાબ મળ્યો. બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કંઇ જ બન્યું ન હોય- જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાતરોપાસના માટે તૈયાર થતા હોય તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા.
‘કાન્તિ’ બાપુ બોલ્યા, ‘મારાં કપડાં તૈયાર કર.’ બાપુ તો દાતણ કરતા જાય અને કહેતા જાય, ‘વાલજી, યંગ ઇન્ડિયા માટે અઘૂરું લખેલું પડ્યું છે. સંભાળી લેજો અને મોકલી દેજો.’ સામે અમલદારો સ્તબ્ધ ઉભેલા.
‘મિ.મેજિસ્ટ્રેટ, મને જણાવશો કે મને કયા સેક્શન નીચે પકડવામાં આવે છે?’ બાપુજીએ ન્યાયમૂર્તિને પૂછ્યું.
ન્યાયમૂર્તિએ ઘુ્રજતાં ઘુ્રજતાં આખું વોરંટ વાંચ્યું. (એક અંગ્રેજી લેખમાં શ્રીધરાણીએ નોંઘ્યું છે કે સીઘુંસાદું વોરન્ટ વાંચવામાં મેજિસ્ટ્રેટને ત્રણ વાર ભૂલ પડી હતી.)
ત્યાં તો આનંદ પત્રોની ફાઇલ લઇને આવી પહોચ્યો. બાપુ એક એક પત્ર લેતા જાય અને સમજ પાડતા જાય...
‘વખત છે ને?’ બાપુએ પૂછ્યું, ‘ના જી’ આંટિયાએ જવાબ આપ્યો, ‘આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.’
‘ત્યારે પાંચ મિનિટ વધારે. એક ભજન ગાઇ લઇએ. પંડિતજી છે કે?’ મહાવીર દોડ્યો અને એકતારો લઇ આવ્યો.
બાપુજી ઉઠ્યા. સૌ એકઘ્યાન થયા. પંડિતજીએ (પંડિત ખરેએ) શરૂ કર્યું. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’
ગામલોક આવી પહોંચ્યુ. પાછલી વાડમાંથી પ્રવેશ કરે ત્યાં તો પોલીસો ગોઠવાઇ ગયા અને તેમને અંદર આવતા અટકાવ્યા. ત્યાં તો ગામની સ્ત્રીઓ આવી અને ગાવા લાગીઃ ‘દાતણ કરતા જાવ રે ગાંધીજી...’
...નવસારી સ્ટેશનથી બે માઇલ દૂર એક સલૂન ઊભું રાખવામાં આવ્યું હતું. કોઇને જાણ ન થાય માટે તેમાં બત્તી પણ નહોતી કરવામાં આવી. બાપુને લાવીને તેમાં બેસાડી દેવામાં આવ્યા.
***
પોતાના ટેકેદારો-અનુયાયીઓને દોરવણી આપવાનું તો બાજુ પર, તેમના ક્ષેમકુશળની ચિંતા કર્યા વિના, મંચ પરથી કૂદકો મારીને ટોળામાં ભળી ગયેલા અને સ્ત્રી-વેશ પહેરીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યા પછી પણ પકડાઇ ગયેલા બાબા રામદેવને ‘સત્યાગ્રહ’ સાથે કશી લેવાદેવા હોઇ શકે ખરી?
સરકારે બીજું કંઇ પણ કર્યા વિના તેમને હવાઇ માર્ગે હરિદ્વાર પહોંચાડી દીધા, ત્યારે ‘સરકાર મારું એન્કાઉન્ટર કરાવવા ઇચ્છતી હતી’ એવો હાસ્યાસ્પદ આક્ષેપ બાબાએ કર્યો. હરદ્વાર પહોંચ્યા પછી પોતાના મૂળ વેશમાં આવી જવાને બદલે, જાણએ પોતાના પરાક્રમ બદલ પોરસાતા હોય એમ તેમણે સ્ત્રી-વેશનું નાટક ચાલુ રાખ્યું. એ જ વેશમાં તેમણે પત્રકારોને સંબોઘ્યા. આ રામદેવ જાહેર જીવનમાં પ્રામાણિકતાના અને ભ્રષ્ટ આચારની નાબૂદીના પ્રતિનિધિ બની રહેશે...એવું માનવા માટે મૂર્ખામીની હદનું ભોળપણ કે દૃષ્ટિહીનતાની હદનો આશાવાદ જોઇએ.
કહેતા ભી દીવાના...
રામલીલા મેદાનમાં પોલીસે કરેલા બળપ્રયોગને જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવવો, એ નિર્દોષતાની નહીં, પણ ગંભીરતાની રીતે, ગુમડા પર મુકાયેલા નસ્તરને બાયપાસ સર્જરી સાથે સરખાવવા બરાબર છે.
ક્યાં ૧૯ મહિનાની કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતાથી માંડીને પ્રસાર માઘ્યમો પર વીંઝાયેલો સરકારી સેન્સરશીપ તથા અત્યાચારોનો કોરડો અને ક્યાં એ જ દિવસે સરકારી વિમાનમાં હરદ્વાર પહોંચ્યા પછી, સ્ત્રી વેશમાં ટીવી કેમેરા સામે પ્રેસ કોન્ફરન્સ યોજતા બાબા રામદેવ!
ક્યાં જલિયાંવાલા બાગના મેદાનમાં જનરલ ડાયરના હુકમને પગલે પચીસેક હજાર નિર્દોષ નાગરિકો પર છોડવામાં આવેલાં ગોળીબારનાં ૧,૬૫૦ રાઉન્ડ - અને મૃત્યુ પામેલા ૧,૫૧૬ નાગરિકો! અને ક્યાં પોલીસે છોડેલા ૮ રાઉન્ડ ટીયરગેસ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૬-૬-૧૧) તથા લાઠીચાર્જથી ઘાયલ થયેલા ૭૦ લોકો! ૭૦ નિર્દોષો કેમ ઘાયલ થયા એ સવાલ અને એની સાથે સંકળાયેલી નામોશી રહે છે, પણ અહીં વાત સરખામણીની છે.
આવી સરખામણીઓ કરનારા નેતાઓ પોતાનો ધંધો કરી રહ્યો છે. તે એવું પણ માની લે છે કે આવી ધડમાથા વગરની વાત સાંભળનારા જ નહીં, તેમાં હઇસો હઇસો કરનારા પણ મળી રહેશે.
કમનસીબે તે સાવ ખોટા નથી.
Labels:
baba ramdev,
corruption,
history/ઇતિહાસ,
politics
Tuesday, June 07, 2011
બાબાના ઉપવાસ, સત્યાગ્રહનો ઉપહાસ
(લખ્યા તા.4-6-11, શનિવાર)
પ્રચારયંત્રો દ્વારા, રિલીઝ થયા પહેલાં સુપરહિટ જાહેર કરી દેવાતી ફિલ્મની જેમ, બાબા રામદેવના ઉપવાસ (તેમના શબ્દોમાં ‘સત્યાગ્રહ’) શરૂ થતાં પહેલાં જ, તેની પ્રચંડ સફળતાની વાતો વહેતી થઇ હતી. અન્નાના ઉપવાસના પગલે સર્જાયેલા કામચલાઉ વાવાઝોડામાંથી કરોડરજ્જુ વગરની કેન્દ્ર સરકારે સાવ અવળો બોધપાઠ લીધો : બાબાના ઉપવાસ શરૂ થવાની રાહ જોયા વિના, આગોતરી જ સરકાર તેમના ચરણોમાં લેટી પડી.
ભ્રષ્ટાચાર જેવા મહાવ્યાપક અને વ્યક્તિથી વ્યવસ્થા સુધીનું વિશાળ ફલક ધરાવતા મુદ્દે આમરણ ઉપવાસ જેવું આત્યંતિક શસ્ત્ર ઉગામાય કે કેમ? એ સવાલ અન્ના સામે પણ હતો ને બાબા સામે પણ છે. ઉપવાસ-સત્યાગ્રહના પ્રણેતા ગાંધીજી મુખ્યત્વે અંગ્રેજ સરકાર પાસે એક ને એક બે જેવી ચોક્કસ માગણીઓ સાથે અથવા જનસમુદાય વતી પ્રાયશ્ચિત કરીને તેમને પશ્ચાતાપનો અહેસાસ કરાવવા માટે આમરણ ઉપવાસ કરતા હતા. અત્યારે ગાંધીજીનો દાખલો ટાંકીએ તો ‘વ્યવહારુ’ લોકો હસે ને ઠપકો પણ આપે. એટલે એમનું ઉદાહરણ આગળ ખેંચવાનું માંડી વાળીએ, પણ વાત આમરણ ઉપવાસના આશય અને તેની સ્પષ્ટતાની છે.
આમરણ ઉપવાસની સામે મુકાયેલી અન્નાની માગણીઓ અસ્પષ્ટ અને ઘણા સવાલ પેદા કરનારી હતી, પરંતુ જનમનરંજનના અઠંગ ખેલાડી બાબા રામદેવના ઉપવાસ શરૂ થયા પછી અને તેમના હેતુઓ વિશે જાણ્યા પછી, અન્ના હજારે પોતાની કોઇ કમાલ વિના, કેવળ બાબાની સરખામણીમાં બે આંગળ ઊંચા લાગે એવી સ્થિતિ સર્જાઇ. લોકપ્રિયતાને જ સર્વસ્વ માનતાં તમામ ઉંમરનાં ભોળાં-મુગ્ધ બાળકો અન્નાની સરખામણીમાં રામદેવ પર ઓવારી જતી વખતે એ ભૂલી જાય છે કે અન્નાએ તમામ વ્યક્તિગત મર્યાદાઓ સહિત, નાના પાયે અને ચોક્કસ વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે અસરકારક લડત આપી છે. બોલવામાં બેફામ અન્નાની વ્યક્તિગત નિષ્ઠા સામે તેમના ટીકાકારો પણ સવાલ ઉભા કરતા નથી. તેમનું અંગત જીવન ભ્રષ્ટાચારના આરોપ તો ઠીક, વૈભવ અને ધનના ઢગલાથી પણ મુક્ત છે.
જંતરમંતર પર ઉપવાસ શરૂ કરતી વખતે અન્નાનો જે કંઇ પ્રભાવ હતો તે એમની બીજા વ્યવસાયની લોકપ્રિયતાને કારણે નહીં, પણ નાના પાયે તેમણે કરેલી ભ્રષ્ટાચારવિરોધી લડતના પ્રતાપે હતો. તેમ છતાં, રાષ્ટ્રિય સ્તરની લડતમાં અને તેમાં પણ કાયદો ઘડવા જેવી બાબતમાં અન્નાનો અનુભવ- કે જરા કડક શબ્દોમાં કહીએ તો, પાત્રતા- પૂરેપૂરી ન જ ગણાય. અને એ અભાવનાં પરિણામ ઝડપથી દેખાઇ ગયાં.
જંતરમંતર પછીના અન્ના પાસે સિલકમાં ભ્રષ્ટાચારવિરોધી લડતનો નાનો છતાં નક્કર આધાર નહીં, પણ તેમને મળેલી પ્રચંડ છતાં હવાઇ લોકપ્રિયતા છે. એ કેટલી, ક્યાં સુધી અને કયા કયા મુદ્દે કામ લાગશે? અને ‘ઉપવાસ વધારે ચાલ્યા હોત તો સરકાર ઉથલી પડી હોત’ એવા ભવ્ય ભ્રમમાં રાચતા અન્ના ફરી ક્યારે વાસ્તવની નક્કર ધરતી પર આવીને પોતાનું પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરશે? એ સવાલોના જવાબ માટે ભવિષ્યની રાહ જોવાની રહે છે.
ભાગ નહીં, પોતાની ‘દુકાન’
બાબા રામદેવ ભ્રષ્ટાચારના વિરોધની વાતો કરનારા જૂના ખેલાડી છે. ભ્રષ્ટાચાર એક એવો મુદ્દો છે કે જેનો વિરોધ કરીને પોતાની મહત્તા સિદ્ધ કરતા રહેવામાં સુખેથી આખી જિંદગી નીકળી જાય- ભારતમાં તો ખાસ! કારણ કે ગમે તે પક્ષની સરકાર આવે, આ મુદ્દે નક્કર પગલાં લેવાની અનિચ્છાની કે ઔપચારિકતાની બાબતમાં બધાં ‘ભાઇ-ભાઇ’ કે ‘ભાઇ-બહેન’ છે.
બાબા અત્યાર સુધી તેમના યોગ-સામ્રાજ્યના મુખિયા તરીકેના અવતારમાં અને વચ્ચે વચ્ચે ભ્રષ્ટાચારવિરોધી વાતો કરી લેવામાં રાજી હતા. પરંતુ તેમના કરતાં અનેક ગણી ઓછી લોકપ્રિયતા ધરાવતા અન્ના હજારે ભ્રષ્ટાચાર સામેના ઉપવાસથી જે રીતે રાતોરાત રાષ્ટ્રિય હીરો બની ગયા, એ જોયા પછી બાબા આ તક ન ઝડપે તો જ નવાઇ! અન્નાની ઝુંબેશનો આત્યંતિક વિરોધ કરનાર અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અન્નાના આંદોલન વખતે પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, બાબા રામદેવ અગાઉ જંતરમંતર પર આવું આંદોલન કરી ચૂક્યા હતા, પણ એ વખતે કોઇએ તેમને ભાવ આપ્યો ન હતો. એટલું જ નહીં, અન્નાના આંદોલનની સફળતા વખતે બાબાના એક ચેલાએ એ મતલબનું કહ્યું હતું કે ‘અન્ના તો ફક્ત ચહેરો છે. અસલી સંચાલન બાબા રામદેવનું છે.’ આ વાતમાં અતિશયોક્તિ હોય તો પણ તેમાંથી એક સૂર સ્પષ્ટ રીતે પ્રગટતો હતોઃ અન્નાને મળેલો લોકટોળાંનો મહદ્ અંશે અવિચારી ટેકો જોઇને બાબા ‘પ્રેરાઇ’ ઉઠ્યા હતા અને એ નહીં તો એમના ચેલાઓ, અન્નાની સફળતામાં પોતાનો હિસ્સો સુનિશ્ચિત કરી રહ્યા હતા.
પરંતુ ગ્રાહકો છેતરાવા તૈયાર હોય, કાચા માલની અછત ન હોય અને પોતાનું નામ અનેક ગણું વધારે જાણીતું હોય, તો પછી ભાગ શા માટે માગવો? અલગ દુકાન જ ન કાઢીએ! એ પ્રકારની વૃત્તિ-માનસિકતા બાબા રામદેવના હેતુશુદ્ધિ-સાધનશુદ્ધિ સાથે બાર ગાઉનું છેટું ધરાવતા ઉપવાસમાં દેખાઇ આવી.
કાળાં નાણાંનો કાળો જાદુ
બાબા રામદેવના ઉપવાસની અસંદિગ્ધ અને સાફ-સ્પષ્ટ ટીકા બે મુખ્ય પરિબળો પર આધારિત છે ૧) બાબાની માગણીઓમાં રહેલાં અવાસ્તિવકતા, અજ્ઞાન, લોકોને ચગડોળે ચડાવનાર તત્ત્વો ૨) બાબાના આર્થિક સામ્રાજ્ય અને તેમના વિવાદાસ્પદ વિચારોને કારણે ઉભા થતા તેમની પાત્રતાના પ્રશ્નો.
સૌથી પહેલાં તેમની માગણીઓની વાત : ઉપવાસના પહેલા દિવસે અમદાવાદમાં ટાઉનહોલ પાસે ‘ભારત સ્વાભિમાન (ન્યાસ)- પતંજલિ યોગ સમિતિ‘નાં બેનર હેઠળ કેટલાક લોકોએ શરૂ કરેલા ઉપવાસમાં અને અન્યત્ર પોસ્ટરો દ્વારા ત્રણ માગણીઓ જાહેર કરવામાં આવી હતીઃ ૧) વિદેશમાં રહેલા રૂ.૪૦૦ લાખ કરોડના કાળા નાણાંને ભારતીય સંપત્તિ તરીકે જાહેર કરીને તેને ભારત લાવવું. ૨) ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સક્ષમ લોકપાલ કાયદો લાવવો. ૩) સ્વતંત્ર ભારતમાંથી વિદેશી શાસન (બ્રિટિશ રૂલ) સમાપ્ત કરવું, જેથી આર્થિક અને સામાજિક ન્યાય મળી શકે.
‘વિદેશોમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં આવી જાય તો દેશની બધી સમસ્યાઓ ઉકલી જાય’ - આ સરેરાશ ભારતીયોને પકડાવી દેવામાં આવેલો એવો લોલીપોપ છે, જેના થકી નેતાઓ નાગરિકોને શેખચલ્લી બનાવીને મૂળ-મહત્ત્વના મુદ્દા પરથી તેમનું ઘ્યાન દૂર કરી દે છે. (કાળાં નાણાં ભારત લાવવાના હાકોટા કેવા વ્યર્થ અને પોકળ છે એની વિગતવાર માહિતી-દલીલો માટે જુઓઃ ‘કાળાં નાણાંની સ્વીસ ચોકલેટ’. ‘દૃષ્ટિકોણ’, ૮ ફેબ્રુઆરી, ૨૦૧૧)
બાબા રામદેવ કહે છે કે વિદેશોમાં રૂ.૪૦૦ લાખ કરોડનું કાળું નાણું પડ્યું છે. આ આંકડો કેવી રીતે આવ્યો એ તો બાબા જ જાણે, પણ આ આંકડો કેટલો આસમાની અને અતિશયોક્તિભર્યો છે, એ જણાવતાં શેખર ગુપ્તાએ ભારતના વર્તમાન જીડીપીનો આંકડો આપ્યો છેઃ રૂ.૫૯ લાખ કરોડ. એટલે કે બાબાના મતે વર્તમાન જીડીપી કરતાં લગભગ છથી સાત ગણી રકમ વિદેશોમાં છે.
ઘડીભર, કેવળ કલ્પના ખાતર માની લઇએ કે આ આંકડો સાચો છે, તો પણ વિદેશી બેન્કમાં જમા થયેલાં નાણાં પાછાં મેળવવા માટેની અડચણો-આંટીધૂંટીઓ અને આંતરરાષ્ટ્રિય તકાદા વિશે બાબા જાણતા નથી અથવા લોકોને જણાવીને તેમનો મીઠો ભ્રમ તોડવા ઇચ્છતા નથી. અમેરિકા જેવા સુપરપાવરને પણ સ્વિડનની અનેક બેન્કોમાં જમા થયેલાં બે નંબરી નાણાંની વિગતો મેળવતાં નવ નેજાં આવ્યાં છે અને અનેક શરતોને આધીન રહીને એ નાણાં નહીં, પણ એવાં નાણાં ધરાવતા ૪,૪૫૦ ખાતેદારોની ફક્ત વિગતો મળી છે.
ભારતના કિસ્સામાં કલ્પનાની બધી હદો વટાવીને એમ પણ માની લઇએ કે વિદેશી બેન્કોમાં ખડકાયેલાં તમામ કાળાં નાણાંનો કબજો ભારતને મળી ગયો. પછી શું? એ નાણાંનો વહીવટ કેવી રીતે થશે? અને તે લોકકલ્યાણ કે ‘દેશના વિકાસ’માં વપરાય તે શી રીતે શક્ય બનશે?
બાબા રામદેવ આગળ જણાવેલા સવાલો વિશે વિચારતા નથી, પણ નાણાં મળી ગયા પછી ‘તેના અસરકારક વહીવટની થોડી મુશ્કેલી ખરી’ એવું સ્વીકારે છે- અને બીજી જ ક્ષણે તેનો ઉપાય ચીંધતાં કહે છે, ‘એટલે જ તો હું સીસ્ટમ બદલવાની વાત કરું છું.’ અને સીસ્ટમ કેવી રીતે બદલાશે? જવાબ છેઃ ‘યોગ. પ્રાણાયામ. લોકો યોગ કરશે એટલે તેમનાં મન શુદ્ધ અને નિર્મળ બનશે. એટલે સીસ્ટમ સુધરી જશે અને ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે.’
આવી બાળવાર્તા પુખ્ત વયના લોકો સાંભળે, સ્વીકારે અને માની પણ લે, ત્યારે બીજું શું કહેવું? સિવાય કે આપણે બાબા રામદેવોની નેતાગીરીને જ લાયક છીએ!
લાખ દુઃખોંકી એક દવા?
ભાષણોમાં બાબા ભ્રષ્ટાચારીઓ માટે ફાંસીની સજાની જોગવાઇની વાત કરે છે. સરકાર ઢાલગરવાડમાં ડ્રેસની કિંમતના ભાવતાલ કરતી હોય એમ, સંસદ-બંધારણ-કાનૂની પ્રક્રિયા નેવે મૂકીને, આજીવન કેદ માટે સંમતિ દર્શાવે, ત્યારે બાબા રામદેવ કહે છે, ‘ભલે ! ફાંસી નહીં તો આજીવન કેદ. છો ને સડતા જેલમાં!’ તેમના ઉદ્ગારો સાંભળીને મુગ્ધો આંખ સામેની વાસ્તવિકતા ભૂલીને જેલમાં સબડતા ભ્રષ્ટાચારીઓના દૃશ્યની કલ્પનાથી તાળીઓ પાડે છે.
લોકપાલ ખરડામાં વડાપ્રધાન-ન્યાયતંત્રના સમાવેશ અંગે નિવેદનો ફેરવનારા બાબા ‘સક્ષમ લોકપાલ’ની વાત કરે ત્યારે ચૂપચાપ, તેમના વલણપલટાનાં કારણો પૂછ્યા વિના, તેને પી જવાની! ભારતમાં આર્થિક-સામાજિક ન્યાય સ્થાપવા માટે ‘બ્રિટિશ રૂલ’ સમાપ્ત કરવાની તેમની માગણી આર્થિક-સામાજિક ન્યાયના ખ્યાલ વિશેની તેમની સમજણ(નો અભાવ) સૂચવે છે. આર્થિક-સામાજિક ન્યાય માટે વર્તમાન બંધારણ અને કાયદો પૂરેપૂરાં સક્ષમ છે. સવાલ તેના અમલનો છે. પણ બાબાને આવું ન પૂછાય. નહીંતર ‘લાખ દુઃખોંકી એક દવા’ જેવો જવાબ તૈયાર છે : ‘યોગ કરો. પ્રાણાયામ કરો.’
બીજું પાસું બાબાના પોતાના આર્થિક સામ્રાજ્યને લગતું છે. એકાદ દાયકામાં કરોડો રૂપિયાના માલિક (કે ‘ટ્રસ્ટી’) બનેલા બાબા યોગનો પ્રચારપ્રસાર કરે છે, પણ ધંધાદારી રાહે. એ સિવાય કરોડો રૂપિયાની સંપત્તિ કેવી રીતે પેદા થાય? યોગનો ધંધો કરવામાં પણ કશું ખોટું નથી. સવાલ એ છે કે અઢળક સંપત્તિ ધરાવતા અને ભક્તજનો તરફથી એકાદ ટાપુ જેવી મોંઘી ભેટ મેળવનારા, ઉપવાસ-આંદોલનની તૈયારીઓ પાછળ (પોતાના કે ભક્તોના) કરોડો રૂપિયા ખર્ચી કાઢનારા, ઉપવાસ માટે મઘ્ય પ્રદેશથી ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી આવનારા બાબા રામદેવ ‘યોગી’ કે ‘સન્યાસી’ શી રીતે ગણાય? અને તેમના ઉપવાસને સાત્ત્વિકતા કે પવિત્રતાની આભા શી રીતે એનાયત કરી શકાય? બાબાએ આંદોલનની શરૂઆત કરતાં પહેલાં પોતાના ટ્રસ્ટના છેલ્લા પાંચ વર્ષના હિસાબો રજૂ કર્યા હોત અને તેમની સંસ્થાને મળતી અઢળક સંપત્તિનું શું થાય છે, તે જાહેર કર્યું હોત, તો તેમના ઉપવાસમાં અંગત પારદર્શકતાનું થોડું વજન ઉમેરાયું હોત.
હવે? બાબાના ઉપવાસ આ લેખ પ્રગટ થતાં સુધી ચાલુ હોય તો એ પૂરા થવાની - તેમના વિજયોત્સવની, દેશની ‘બીજી આઝાદી’ની- રાહ જુઓ.
- અને ઉપવાસ પૂરા થઇ ગયા હોય તો? ઉચ્ચક જીવે વઘુ એક સ્યુડો-આઘ્યાત્મિક, સ્યુડો-ગાંધીવાદી, સ્યુડો-ભગતસિંઘ/વિવેકાનંદપ્રેમીના ભ્રષ્ટાચારવિરોધી કે કાળાં નાણાંવિરોધીના ઉપવાસ માટે માનસિક રીતે તૈયાર રહો.
Labels:
anna hazare,
baba ramdev,
corruption
Saturday, June 04, 2011
બાબા, મનકી આંખે ખોલ


(અમદાવાદ ટાઉનહોલની બહાર બાબામંડળીનાં દૃશ્યો અને અધ્યાત્મનો આભાસ કરાવતાં ચિહ્નોથી આચ્છાદિત પતંજલિ પીઠની વૈભવી કાર)
(ફિલ્મ ધૂપછાંવ, 1935,ના કે.સી.ડેએ ગાયેલા અમર ભજનનો પહેલો અંતરો, બાબામંડળીનાં તમામ સાઇઝનાં બાબા-બેબીઓને અર્પણ)
બાબા, મનકી આંખે ખોલ
દુનિયા ક્યા હૈ એક તમાશા
ચાર દિનોંકી જૂઠી આશા
પલમેં તોલા પલમેં માશા
જ્ઞાન તરાઝુ લેકે હાથમેં
તોલ સકે તો તોલ, બાબા...
Labels:
Ahmedabad/અમદાવાદ,
baba ramdev,
corruption,
music/સંગીત
Subscribe to:
Posts (Atom)