Monday, September 28, 2026
લોકશાહી રાજાશાહી
‘એક રાજા હતો’—થી શરૂ થતી વાર્તાઓમાં શ્રોતાઓ-વાચકો મોટે ભાગે રાજાનાં પરાક્રમો કે મહાનતાથી અંજાતા હોય છે. વાર્તારસનો પ્રવાહ એવો વેગીલો હોય છે કે લોકો વાર્તાના પહેલા વાક્ય તરફ ધ્યાન આપવાનું ચૂકી જાય છે. તે વાક્ય છેઃ એક રાજા 'હતો’. તેમાં છેલ્લા શબ્દ પર ભાર આપવાથી, તેને વજનપૂર્વક વાંચવાથી, સમજાશે કે રાજા ગમે તેવો પરાક્રમી, પ્રતાપી, મહાન, દુષ્ટ, આતતાયી, આત્મમુગ્ધ... પણ છેેવટે તો એ 'હતો’ જ—’છે’ નહીં. તેની બધી મહાનતા કે દુષ્ટતા સહિત તે એક દિવસ માણસની જેમ જ મરી ગયો. આમ, ‘એક રાજા હતો’ પ્રકારની વાર્તામાં કથા ગમે તે હોય, પણ તેનો એક મહત્ત્વનો બોધપાઠ છેઃ કોઈ ગમે તેટલા ધમપછાડા કરે, છેવટનો અંત તો સરખો જ આવવાનો. તે 'છે’માંથી 'હતો’ જ થવાનો.
નવા જમાનામાં રાજાઓનું સ્થાન
ચૂંટાયેલા કે ચડી બેઠેલા કે ચૂંટાયા પછી ચડી બેઠેલા શાસકોએ લીધું છે. ધારો કે જૂના
રાજાઓનાં લાખ અપલક્ષણ હતાં (ને ઘણા કિસ્સામાં તો તે ધારવાનાં પણ ન હતાં--ખરેખર હતાં)
તેમ છતાં, તે કદી એવું કહેેતા નહીં કે 'અમે પ્રજાના સેવક. અમે તો સબકા સાથ, સબકા વિકાસમાં
માનીએ છીએ. અમે તમારું કલ્યાણ કરી દઈશું. અમે વીસ વર્ષ પછી તમારો વિકાસ કરી નાખીશું,
રાજ્યનાં 50 શહેરોને સ્માર્ટ કરી દઈશું’ વગેરે. એ રાજાઓ પ્રજા પાસેથી આકરા વેરા લેતા
હતા, ને સૌથી હાસ્યાસ્પદ રીતે ક્રૂર વેરા કુંવરના જન્મ પેટે કે રાજા માટે નવી રોલ્સ
રોયસ કાર લાવવા માટે રહેતા. હવેના રાજાઓનો વેરા નાખવાનો ઉત્સાહ રાજાશાહીના રાજાઓને
સારા કહેવડાવે એવો છે. ગરીબમાં ગરીબ પ્રજાના વપરાશની વસ્તુ પર વેરો નાખતાં તેમને જરાય
ખચકાટ થતો નથી. બલ્કે, તેમના દરબારીઓ એવા વેરાનો 'માસ્ટર સ્ટ્રોક’ તરીકે પ્રચાર કરીને
રાજાના શાસનનાં ગુણગાન ગાય છે..
રાજાશાહીનાં વખાણ કેમેય કરીને
થાય એવાં નથી, પણ વર્તમાન સ્થિતિ સાથે તેની સરખામણી કર્યા વિના રહેવાતું નથી. રાજાશાહીમાં
રાજા કે રાજપરિવારના થોડા લોકો રાજાશાહી દબદબો ભોગવતા--જેમ કે, રસ્તા પર તેમની સવારીઓ
નીકળતી ત્યારે બાકીનો ટ્રાફિક અટકી જતો. લોકશાહીમાં
મુખ્યપ્રધાન કે વડાપ્રધાન તો ઠીક, ધારાસભ્યો-સાંસદો ને તેમનાથી પણ નીચેના, પક્ષના હોદ્દેદારો
"ખબર છે, હું કોણ છું?”ની લાલ લાઇટ સાથે ફરતા હોય છે. રાજાશાહીમાં ગામનો સૂબો
ગામનો રાજા, પણ રાજાનો નોકર. એવું લોકશાહીમાં છે, પણ એવા લોકોની સંખ્યા બહુ મોટી છે.
એટલે પ્રજાને રાજાશાહીની જરાય ખોટ સાલતી નથી.
વર્તમાન રાજાઓ જે વિસ્તારની
મુલાકાત લેવાના હોય ત્યાંના રસ્તા રાતોરાત સરખા કરી દેવામાં આવે છે, જેથી રાજાને તો
ઠીક, તેમના રથને પણ તકલીફ ન પડે. રાજાઓના સ્વાગત માટે પ્રજાને રાજાના આવવાના સમયથી
કલાકો પહેલાં ઊભી કરી દેવાય છે, જેથી રાજા પસાર થાય ત્યારે પ્રજા હાથ હલાવીને તેમનું
અભિવાદન કરીને રાજાને દેખાડી શકે કે તેમના રાજમાં કેટલી લીલાલહેર છે અને રાજાના પસાર
થઈ ગયા પછી, ધક્કામુક્કી કરીને, ફૂડપેકેટ લઈને પોતપોતાના ઘરે પાછી જઈ શકે.
પહેલાંના જમાનામાં એમ્બ્યુલન્સો
ન હોવાથી, રાજાઓ શાહી સવારી વખતે પોતાનો હાથી બાજુ પર ઊભો રખાવીને, કોઈ એમ્બ્યુલન્સને
આગળ જવા દે, એવું શક્ય બનતું ન હતું. એ રીતે, પોતાની પ્રજાવત્સલતા બતાવવાની અમૂલ્ય
તકોથી તે વંચિત રહી જતા હતા. એકઠી થયેલી ભીડમાંથી કોઈ રાજાનું ચિત્ર બનાવીને લાવ્યું
હોય અને રાજા તેની પર સહી કરી આપીને, ચિત્ર લાવનારને ધન્ય કરી દે-ચિત્ર લાવનારની આંખમાંથી
માવઠું થઈ જાય, એવું ત્યારે બનતું ન હતું. કારણ કે, ચિત્ર પર સહી કરાવવાનો-ઓટોગ્રાફ
લેવાનો રિવાજ 'નામ તેનો નાશ’ની માન્યતા ધરાવતી આપણી સંસ્કૃતિને અનુરૂપ ન હતો.
લોકશાહી થકી બની બેઠેલા રાજાઓ
આ બધી બાબતમાં રાજાશાહી કરતાં પણ વધારે સગવડ ભોગવે છે. કારણ કે, અસલી રાજાઓ પાસે સોશિયલ
મિડીયા ન હતું. લોકશાહી રાજાઓ પાસે હાથીને ઉંદર ને ઉંદરને હાથી તરીકે ખપાવી શકે એવી
સોશિયલ મિડીયા અને ગોદી મિડીયાની સેનાઓ છે. હાલના રાજાઓ ગરીબી દૂર કરવાના દાવા કરે
છે, પણ તેમની મુલાકાત વખતે ગરીબી નહીં, ગરીબોને દૂર કરી દેવાય છે. તેમનાં ઝૂપડાંને
આગળ કાપડના પટ્ટા લગાડીને તેમને ઢાંકી દેવામાં આવે છે. તેની પાછળનો આધ્યાત્મિક આશય
એ છે કે રાજાની નજરે ભૂલેચૂકે ગરીબી ન પડી જાય અને રાજકુમાર સિદ્ધાર્થની જેમ તેમને
જીવનનાં પાયાનાં સત્યો વિશે સવાલો ન જાગે.
જૂની રાજાશાહી અને નવી લોકશાહી
રાજાશાહીમાં ચૂંટાઈને સિંહાસન મેળવવા સિવાયનો બીજો એક મોટો તફાવત રહી ગયો હતોઃ જૂની
રાજાશાહીમાં રાજાને પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડતી ન હતી. કારણ કે સવાલ પૂછનારા
પત્રકારો હતા જ નહીં. નવી રાજાશાહી ગમે તેવી તોય લોકશાહી રાજાશાહી હતી. એટલે એવી રીતે
રાજા બની બેઠેલાને પ્રેસ કોન્ફરન્સ કરવી પડતી અને પત્રકારોના અઘરા સવાલનો સામનો કરવો
પડતો હતો. પણ વર્ષ 2014થી એ તફાવત પણ રહ્યો
નથી. જૂની રાજાશાહીમાં જે સવાલ પૂછે તેને રાજદ્રોહી જાહેર કરીને જેલમાં ખોસી દેવામાં
આવતા હતા. આ વાક્યમાંથી 'જૂની’ શબ્દ કાઢી નાખીએ તો પણ ખાસ વાંધો આવે એવો નથી.
રાજાશાહીની પ્રજા લોકશાહીમાં
પણ નાગરિકને બદલે 'પ્રજા' તરીકે વર્તતી રહે, ત્યાં સુધી લોકશાહી રાજાશાહીનું ભવિષ્ય
સુરક્ષિત છે.
No comments:
Post a Comment