Showing posts with label photo. Show all posts
Showing posts with label photo. Show all posts

Sunday, January 24, 2016

હાડોહાડ જિજ્ઞાસુ, તંતોતંત કળાકાર રમેશ ઠાકરની વિદાય

Ramesh Thakar (27-6-1931, 15-1-2016) Photo : Biren Kothari
કળાજીવી--આવો શબ્દ બહુ વપરાતો નથી, પણ રમેશ ઠાકરને જેટલી વાર મળીએ એટલી વાર એ મનમાં ઉગે-- કળા થકી ગુજરાન ચલાવનારના અર્થમાં નહીં, કળાને જીવતા માણસના અર્થમાં. પરંપરાગત અર્થમાં રમેશભાઇ કળાકાર ન ગણાયા. ગુજરાતના કળાકારોની--જૂનાનવા ચિત્રકારોની કે તસવીરકારોની પ્રચલિત યાદીઓમાં તેમનું નામ ભાગ્યે જ વાંચવા મળે. પરંતુ કળાનાં અનેક ક્ષેત્રોમાં તેમનું માતબર પ્રદાન જોયા પછી લાગે કે આ માણસનું નામ કળાક્ષેત્રે પહેલી હરોળમાં એમની નહીં, આપણી ગરજે મૂકાવું જોઇએ.

કઇ કળાના ક્ષેત્રે?’ એવા સવાલનો ટૂંકો જવાબ મેળવવાની ગણતરી હોય, તો માથું ખંજવાળવાનો વારો આવે. ઓછામાં ઓછી રેખાઓમાં વ્યક્તિત્વ ઝીલતા સ્કેચ? હા. માથાના વાળની કે કપાળની કરચલી જેટલી બારીક વિગત ધરાવતા સ્કેચ? એ જોઇને તો લાગે કે પેન્સિલથી આવું કામ થઇ જ કેવી રીતે શકે? નક્કી એ કોઇ મંતરેલીપેન્સિલ વાપરતા હશે.ચિત્રોના વિવિધ પ્રકાર? હા. તસવીરકળા? એની તો વાત જ મૂકી દો. એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું,‘માણસનો ફોટો ૩૬૦ ડિગ્રીથી પાડી શકાય. તેમાં કઇ ડિગ્રીએ જોતાં એ સૌથી સારો લાગે છે, એ શોધવાનું કામ મારું.અને એ કામ તે એટલી ખૂબીથી કરતા હતા કે તેમના કેમેરામાં ઝીલાયેલા ચહેરા કદી બદસૂરત લાગી ન શકે. અટલબિહારી વાજપેયી જેવા રાજનેતા હોય કે અમૃતા પ્રીતમ જેવાં સાહિત્યકાર, રમેશભાઇએ પાડેલી તેમની તસવીરો જોઇને એ હસ્તીઓનો તો બરાબર, તસવીર પાડનારની હસ્તીનો પણ પરિચય મળે.

અમૃતા પ્રીતમની રમેશભાઇએ પાડેલી આ તસવીર જોઇને ઇમરોઝે કહ્યું હતું
કે આ તસવીરમાં મને દસ-દસ તસવીરો દેખાય છે.
આપણે કલ્પના પણ ન કરી શકીએ, એવા મહાનુભાવોની રમેશભાઇ પાસે (અને ઘણા કિસ્સામાં તેમની સાથે) તસવીરો મળે. પંડિત રવિશંકર, પક્ષીવિદ્‌ સલીમઅલી, જાદુગર ગોગિયા પાશા, ક્રિકેટર દુલીપસિંહ, પંડિત ઓમકારનાથ, ગાયિકા ગીતા દત્ત, લોકસેવક બાબા આમ્ટે, પૃથ્વીરાજ કપૂર, લેખક મુલ્કરાજ આનંદ, કવિ મૈથિલીશરણ ગુપ્ત, ગાંધીચરિત્રકાર લુઇ ફિશર, પર્વતારોહક તેનસિંગ, શ્રી અરવિંદ...આટલી ઝલક તો ફક્ત ક્ષેત્રવૈવિઘ્ય દર્શાવવા પૂરતી. અનેક હસ્તીઓના સ્કેચ પર તો ખુદ એમના હસ્તાક્ષર પણ હોય. સ્કેચ જોઇને  માણસ મોંમાં આંગળાં નાખી જાય, એવી અદલિયત તેમાં ઝીલાઇ હોય.  પેન્સિલ સ્કેચની બારીકી એવી કે પૂર્વ રાષ્ટ્રપતિ વેંકટરામને એક સ્કેચમાં રીતસર નખ મારી જોયો હતો--એ ખાતરી કરવા કે એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર નહીં, પેન્સિલથી કરેલો સ્કેચ છે. એક અંદાજ પ્રમાણે, તેમણે કરેલા વિવિધ સ્કેચની સંખ્યા ૧,૮૦૦ના આંકડે પહોંચી હતી.

મોટા ભાગના સ્કેચ પર રમેશભાઇએ રૂબરૂ હસ્તાક્ષર મેળવ્યા હોય, પણ કેટલીક હસ્તીઓના કિસ્સામાં એ શક્ય ન હોય તો રમેશભાઇ ટપાલથી સ્કેચ મોકલીને તેની પર હસ્તાક્ષર આપવા વિનંતી કરે--અને તેમને એવી રીતે હસ્તાક્ષર આપનારા પણ કેવા? અમેરિકાના પ્રમુખ આઇઝનહોવર, વિચારક બર્ટ્રાન્ડ રસેલ, વિન્સ્ટન્ટ ચર્ચિલ, રાણી એલિઝાબેથ... અને ક્યારેક જૉન કૅનેડી જેવું પણ થાય. તેમનાં પત્ની જૅકી કેનેડી ભારત આવ્યાં તસવીર પરથી બનાવેલો જૉન અને જૅકીનો સ્કેચ લઇને રમેશભાઇ ઉદેપુર પહોંચી ગયા. જૅકીએ તો ઑટોગ્રાફ આપી દીધા, પણ જૉન કેનેડીના ઑટોગ્રાફનું શું? રમેશભાઇની વિનંતીને માન આપીને, જૅકી એ સ્કેચ સાથે લઇ ગયાં, પણ થોડા વખત પછી જૉન કેનેડીની ઑફિસમાંથી રમેશભાઇ પર ઑટોગ્રાફ સાથેના સ્કેચને બદલે એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું,‘તમારો સ્કેચ અંગત સંગ્રહ માટે રાખી લેવામાં આવ્યો છે. ઑટોગ્રાફ માટે બીજો સ્કેચ મોકલવા વિનંતી.

સ્કેચના મામલે રમેશભાઇનું સૌથી ઐતિહાસિક કહેવાય એવું કામ એટલે તેમણે તૈયાર કરેલા ગાંધીજીના ૧૦૦ સ્કેચ અને તેની પર ગાંધીજીના સમકાલીનો પાસે તેમના હસ્તાક્ષરમાં લખાવેલા સંદેશ. જૂન ૨૭, ૧૯૩૧ના રોજ જન્મેલા રમેશભાઇ ગાંધીજીનો સ્કેચ દોરી શક્યા નહીં કે તેમના હસ્તાક્ષર મેળવી શક્યા નહીં, એ વસવસો તેમને કોરી ખાતો હતો. તેને હળવો કરવા માટે છેક સાઠના દાયકાથી રમેશભાઇએ, આજની પરિભાષામાં કહીએ તો ગાંધી પ્રૉજેક્ટશરૂ કર્યો. તેના વિશે પહેલી વાર રજનીકુમાર પંડ્યાએ લખ્યું. તેમના થકી જ રમેશ ઠાકરનો પરિચય થયો અને એ સ્કેચ જોવા મળ્યા. 
'હિમાલય' બંગલાના વાસ્તુ વખતે રમેશભાઇ-કાંતાબહેન,
કેદારભાઇ અને બીનાબહેનની સંપરિવાર તસવીર, 1994

બીરેન, બિનીત, ઉર્વીશ, રમેશભાઇ, ફેબ્રુઆરી, 1994 (રાજકોટ) . તેમના બંગલા
'હિમાલય'ના વાસ્તુ વખતે અમે ખાસ ત્યાં ગયા હતા એ વખતની યાદગાર તસવીર
એક જોઇએ ને એક ભૂલીએ એવા ગાંધીજીના સ્કેચ, તેની નીચે છોડેલી કોરી જગ્યામાં વિવિધ મહાનુભાવોના ગાંધીજીને લગતા સંદેશ. તેમાં ગુજરાતી, હિંદી ને અંગ્રેજી ઉપરાંત બાદશાહખાનનો ઉર્દુ હસ્તાક્ષર ધરાવતો સંદેશો પણ હોય. કોઇ પણ ગાંધીપ્રેમી-ઇતિહાસપ્રેમી-કળાપ્રેમી માટે અમૂલ્ય ખજાના જેવા રમેશભાઇના આ જીવનકાર્યને જીવનના અંતિમ વર્ષોમાં નવજીવન ટ્રસ્ટે પૂરા દબદબા સાથે પ્રકાશિત કર્યું. ૧૦૦ ટ્રિબ્યુટ્‌સનામે પ્રગટ થયેલું એ પુસ્તક અંગત ખરીદીમાં મોંઘું પડે તો પુસ્તકાલયોમાં મંગાવવા જેવું ને કંઇ નહીં તો અમદાવાદ નવજીવન કાર્યાલયમાં આવીને એક વાર નિરાંતે જોવા જેવું છે. (navajivantrust.org પર તેની ઝલક જોવા મળી શકે છે.)

રમેશભાઇ જે વિષયમાં રસ લે તેમાં એટલા ઊંડા ખૂંપે કે તેનાથી સાવ જુદા વિષયમાં પણ તે એટલા જ પહોંચેલાહશે તેની કલ્પના ન આવે. જેમ કે, ગાંધીમાં ઓતપ્રોત રમેશભાઇ પાટો બદલીને મહાન ગાયક કુંદનલાલ સાયગલની વાત પર આવે, ત્યારે એમ લાગે કે આ તો સાયગલના પરમ આરાધક છે. ૧૯૪૪માં રમેશભાઇના પિતા કરાચીમાં રહેતા હતા ત્યારે તેમની પાડોશમાં સાયગલ આવ્યા. એ વખતે તેર વર્ષના રમેશભાઇએ ફોટોગ્રાફીના શોખીન એવા ટેલીગ્રાફમાસ્તર પિતા સોમનાથ ઠાકર પાસેથી કૅમેરા માગીને સાયગલનો ફોટો પાડ્યો હતો. ત્યાર પછી સાયગલ સાથે સંકળાયેલા ઘણા લોકોને તે મળ્યા. તેમાંથી એક સાયગલનાં ગીતોનું રેકોર્ડિંગ કરનાર માણસ પણ હતો. સુવાચ્ય, મરોડદાર અક્ષરોમાં લાંબા પત્રો લખતા રમેશભાઇએ વીસેક વર્ષ પહેલાં એક પત્રમાં એ રેકોર્ડિસ્ટની વાત કરતાં લખ્યું કે ક્યા હમને બિગાડા હૈએ ગીતમાં એક ઠેકાણે સાયગલ ખોટી જગ્યાએ એક શબ્દ ગાઇ ગયા છે, એ વાત યાદ કરતાં બુઢા રેકોર્ડિસ્ટની આંખમાં આંસુ આવ્યાં હતાં.ફિલ્મ ભંવરા’ (૧૯૪૪)નું એ ગીત સાંભળેલું, પણ એ જગ્યા રમેશભાઇનો પત્ર વાંચ્યા પછી જ ધ્યાનમાં આવી. 
(નીચે આપેલી યુટ્યુબની લિન્કમાં કાઉન્ટ 2:52 મિનીટ પર)



--અને રમેશભાઇના શોખના-કામના વિષયોની યાદી હજુ અધૂરી છે. તેમની પાસે ટપાલટિકિટોનો મોટો સંગ્રહ હતો. ગિરના સિંહોની અને હિમાલયની અઢળક તસવીરો એટલી તસવીરો લીધેલી કે તેની પરથી ઉત્તમ પુસ્તકો બની શકે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ વિશેનું તેમનું પુસ્તક દ્વાદશજ્યોતિર્લિંગતો પ્રકાશિત થયેલું છે. આવા અનેકાનેક વિષયો પર અદ્‌ભૂત ખેડાણ કરનાર રમેશભાઇને તેમનાં પત્ની કાન્તાબહેન, એરફોર્સમાં ઊંચા હોદ્દે કાર્યરત પુત્ર કેદાર અને આકાશવાણીમાં કામ કરનારાં (હવે નિવૃત્ત) પુત્રી બીનાનો આજીવન સહયોગ મળ્યો. આર્થિક ઉપાર્જન માટે અઢાર વર્ષ સુધી ડીએસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. પરંતુ ઘણાં વર્ષથી તેમનું જીવન પોતાને ગમતા વિષયોમાં ઓતપ્રોત રહ્યું. છેવટ સુધી તેમની બાળસહજ જિજ્ઞાસા અને તેને સંતોષવાની ખાંખતીયા વૃત્તિ ટકી રહ્યાં. જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ના રોજ, થોડી બિમારી પછી, દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં ૮૫ વર્ષના રમેશભાઇએ વિદાય લીધી. આશા તો એવી જ રહે કે થોડા વખત પછી પાંચ-છ પાનાં ભરીને રમેશભાઇનો પત્ર આવશે અને તેમાં એમણે મૃત્યુના અનુભવ વિશે વિગતે લખ્યું હશે.


મલયેશિયાથી રમેશભાઇએ લખેલું પિક્ચર પોસ્ટકાર્ડ (click to enlarge)

રમેશભાઇ વિશે સંદેશની મહેફિલ પૂર્તિમાં 1999માં લખ્યું હતું. એ વિશેના તેમના
ચાર પાનાંના પ્રતિભાવપત્રનું પહેલું પાનું. (click to enlarge)


Tuesday, December 01, 2015

બ્લેક એન્ડ વ્હાઇટ યુગના રંગીન ફોટોગ્રાફર જી.એચ.માસ્ટરને અંજલિ

જી.એચ.માસ્ટર / G.H.Master (1947-2015)
ગઇ કાલે પત્રકાર અતુલ ડાયાણીના આકસ્મિક અવસાનના આંચકાજનક સમાચાર પછી, આજે ગુજરાતી ફોટોજર્નાલિસ્ટોની ટૂંકી નાતમાં મોટું નામ ધરાવતા જી.એચ.માસ્ટરની વિદાયના સમાચાર મળ્યા. માસ્ટર સાથે પરિચય બહુ ઓછો. મળવાનું થયું હશે, પણ વધારે તો 2006-07માં દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે. એ વખતે માસ્ટર પણ તેમનો પ્રાઇમ ટાઇમ વટાવી ચૂકેલા. છતાં, યાદ છે કે  કોઇક સંદર્ભે એક વાર તે ઉસ્તાદ બિસ્મિલ્લાખાનની તેમણે પાડેલી દુર્લભ તસવીરો લઇ આવ્યા હતા. ગુજરાતમાં --અને ગુજરાત સમાચારમાં-- ઝવેરીલાલ મહેતાની સમાંતરે ન્યૂઝ ફોટોગ્રાફીમાં પોતાનું નામ માસ્ટર ઊભું કરી શક્યા.  'તસવીરઃ જી.એચ.માસ્ટર' એ બાયલાઇન મારી કે તે પહેલાંની પેઢીના વાચકોને એટલી જાણીતી લાગતી, જાણે તેમનું આખું નામ જ 'તસવીરઃ જી.એચ.માસ્ટર' હોય.

માસ્ટરની તસવીરોનો સંગ્રહ મારી પાસે નથી, પણ અમદાવાદમાં ફોન નંબર છ આંકડામાં હતા અને જયેન્દ્ર પંડિત અમદાવાદના મેયર હતા, એ જમાનામાં માસ્ટરનો વન મેન શો યોજાયેલો. એ વખતે બહાર પડેલા અને સરકારી છપાઇ ધરાવતા એક સુવેનિયરમાંથી કેટલીક તસવીરો અને કેટલાક અભિપ્રાયો અહીં સાભાર મૂકું છું.

અલવિદા, ગુલામગૌસ હાજીભાઇ માસ્ટર (1947-2015).

***

પ્રમાણમાં નિરાશાજનક અને સર્જનક્ષેત્રે લગભગ નપુંસક કહી શકાય તેવા ભારતીય છબીકલાના ક્ષેત્રે સદભાગ્યે ગણ્યાગાંઠ્યા જે અપવાદો આજે જોવા મળી શકે છે તેમાં જી.એચ.માસ્ટર પણ છે.
-- જ્યોતિ ભટ્ટ

માસ્ટર અટક આમ તો તેને વારસામાં મળી છે, પણ ફોટોગ્રાફી ક્ષેત્રે તેણે મેળવેલી માસ્ટરને કારણે તેની અટક મટી વિશેષણની જેમ વપરાય છે...'ફોટોગ્રાફી હાથની કળા છે કે આંખની?' એમ તેને પૂછો તો આંખ મીંચકારીને હસી પડતાં તે કહેશે, 'વૈસે તો યે હાથકી સફાઇ હૈ. તુમ ઉસે કલા બોલો તો ભી મુઝે કોઇ વાંધા નહીં હૈ. લેકીન યાર યે સબ એપ્રીશીએટ કરનેકે લિયે આંખ ભી ચાહિયે. ક્યા સમઝે? ફિર ભી ઇસમેં દિમાગકી જરૂરત નહીં પડતી, યે મૈં સાફ બોલ દેતા હું. ક્યા સમઝે?'
-- વિનોદ ભટ્ટ

શેખાદમ (આબુવાલા)ની ગઝલો, સુંદર મજાનાં ગુજરાતી તથા ઉર્દુ કાવ્યો કે જે કાવ્યોને માસ્ટરે પોતાની તસવીરોથી જીવંત કર્યાં. માસ્ટરની એક એક તસવીરો જોયા પછી જાણે એમ જ લાગે કે શેખાદમનું કાવ્ય કે શેખાદમની ગઝલ હમણાં બોલી ઉઠશે... એક તસવીરકાર, એક શાયર અને એક કલાકાર આ ત્રણેનો સંગમ મને માસ્ટરમાં જોવા મળ્યો.
-- પંકજ ઉધાસ

તા.ક. વિવેક દેસાઇ જેવા મિત્ર તસવીરકારે માસ્ટર વિશે ફેસબુક પર થોડું લખ્યું છે. તેમનો વધુ પરિચય ધરાવતા મિત્રો તેમનાં સંભારણા લખીને અંજલિમાં ઉમેરો કરે એવી અપેક્ષા.

G.H.Master with Amitabh Bachchan

(L to R) Pandit Hariprasad Chaurasia, G.H.Master, Ustad Zakir Husain

Assembly of Gujarati photographers (L to R) : G.H.Master, A.L.Saiyed,
Jagan Mehta, Surendra Patel, Suleman Patel

G.H.Master family

Monday, February 02, 2015

‘લાઇફ’નાં જગવિખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે લીધેલો ગાંધીજીના જીવનનો સંભવતઃ છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યુ

યુદ્ધવિમાન પર ચડી ગયેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટ /
Margaret Bourke-White

રેંટિયો કાંતતાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટનું ’સેલ્ફી’ : Margaret Bourke-White

ગાંધીજીને નજીકથી જોનાર અને સમજવાનો પ્રયાસ કરનાર વિદેશી પત્રકારોમાં માર્ગારેટ બૉર્ક-વ્હાઇટનું નામ લેવું પડે. વ્યવસાયે તો એ બહાદુર-બાહોશ ફોટોગ્રાફર હતાં. ‘લાઇફ’ સાપ્તાહિક માટે તેમણે લીધેલી બીજા વિશ્વયુદ્ધની તસવીરો વિના વીસમી સદીની તવારીખ અઘૂરી ગણાય. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ૧૯૪૬માં તે ભારત આવ્યાં. ત્યાર પછી ૧૯૪૭-૪૮માં થોડા મહિના માટે ફરી પાછાં આવ્યાં. ‘લાઇફ’ અને માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ થકી ભારતીય નેતાઓ અને જાહેર જીવનના માણસોની આખી ઇન્દ્રસભાની ઉત્તમ તસવીરો આપણને મળી, જે સામાન્ય સંજોગોમાં ન લેવાઇ હોત અથવા અત્યારે મળી શકે એ રીતે ન સચવાઇ હોત.

જેમ કે, ગાંધીજીનાં બહેન રળિયાતબહેનની તસવીર, સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની કે જયપ્રકાશ નારાયણની ઉત્તમ તસવીરો, સરદાર પલંગ પર અને મણિબહેન નીચે બેઠાં હોય એવી, છાયા-પ્રકાશનું જાદુઇ સંયોજન ધરાવતી તસવીરોની સિરીઝ, કે પછી મુંબઇ કોંગ્રેસના નગીનદાસ માસ્ટરની ઘ્વજને સલામી આપતી તસવીર...આ યાદી ઘણી લાંબી છે. એ સિવાય ગાંધીજીની સૌથી યાદગાર તસવીરોમાંની એક (ચરખાના ચક્રની પછવાડે બેઠેલા ગાંધીજી) અને સરદાર પટેલનો સૌથી જાણીતો ક્લોઝ-અપ પણ માર્ગારેટ બોર્ક-વ્હાઇટના કૅમેરાની કમાલ છે.

માર્ગારેટ બૉર્ક-વ્હાઇટની તસવીરકળા જુદા લેખનો વિષય છે. આ લેખમાં વાત છે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે તેમણે લીધેલા ગાંધીજીના, સંભવતઃ છેલ્લા, ઇન્ટરવ્યુની. ‘હું ઑટોગ્રાફ લેવાની શોખીન નથી’ એવું જાહેર કર્યા પછી માર્ગારેટે લખ્યું કે ‘ગાંધીજીના બે ફોટા ‘બનાવવામાં’ એટલો કકળાટ પડ્યો હતો કે એ બે પર મારે ગાંધીજીના હસ્તાક્ષર લેવા હતા.’ તેના માટે ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ ગાંધીજીને મળ્યાં. હસ્તાક્ષર માગ્યા એટલે ગાંધીજીએ તરત કહ્યું, ‘એક (હસ્તાક્ષર)ના પાંચ રૂપિયા થશે.’

માર્ગારેટે આશ્ચર્યનો આંચકો ખાઇને પર્સમાંથી દસનું પત્તું કાઢ્‌યું. એટલે ગાંધીજીએ સમજાવ્યું કે ‘આ હરિજન ફંડ માટે છે’ અને એ વિશે થોડી વઘુ વાત કરી. માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ જાણતાં હતાં, પણ એ ચૂપ રહ્યાં. પછી તેમણે કહ્યું કે ‘આવતી કાલે મારો છેલ્લો દિવસ છે.’  અને ઘણા વખતથી તેમના મનમાં ઘોળાતા કેટલાક સવાલના જવાબ મેળવવા માટે ગાંધીજીની મુલાકાત માગી. કહ્યું કે ‘હું ભારત વિશે એક પુસ્તક લખી રહી છું.’

‘કેટલા વખતથી પુસ્તકનું કામ ચાલે છે?’ ગાંધીજીએ પૂછ્‌યું.

‘બે વર્ષથી.’

‘અમેરિકન એક ચોપડી પર બે વર્ષ સુધી કામ કરે એ બહુ કહેવાય.’ ગાંધીજીએ મજાક કરી. પછી ગંભીરતાથી કહ્યું કે અગાઉ કૅથરિન મેયો નામનાં એક અમેરિકન બહેન તેમના પુસ્તક માટે ઇન્ટરવ્યુ લઇ ગયાં હતાં.

કૅથરિનના પુસ્તક ‘મધર ઇન્ડિયા’ પર ભારતમાં પસ્તાળ પડી હતી. ‘ગટર ઇન્સ્પેક્ટરનો રીપોર્ટ’ જેવું વિશેષણ પામેલું આ પુસ્તક અધકચરી હકીકતો અને જૂઠાણાંને કારણે માર્ગારેટ બૉર્ક-વ્હાઇટને પણ ઘણું નડ્યું હતું. તેમણે લખ્યું છે કે ‘લોકોને વાંચતાં પણ ન આવડતું હોય એવાં સ્થળે એ પુસ્તકની છાપ મને નડી હતી.’ ગાંધીજીએ માર્ગારેટ પાસેથી એ બોલાયેલા શબ્દોમાં તોડમરોડ નહીં કરે એનું વચન માગ્યા પછી મળવાનું કબૂલ્યું અને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ મુલાકાત ગોઠવાઇ. ‘હાફવે ટુ ફ્રીડમ - અ રીપોર્ટ ઑન ધ ન્યૂ ઇન્ડિયા ઇન ધ વર્ડ્‌ઝ એન્ડ ફોટોગ્રાફ્‌સ ઑફ માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ’ / Halfway to Freedom - A Report On the New Indian In the Words and Photographs of Margaret Bourke-White (૧૯૪૯)માં ગાંધીજી સાથેની મુલાકાતનું વિગતવાર વર્ણન મળે છે.

તેમનો પહેલો જ સવાલ હતો, ‘ગાંધીજી, તમે હંમેશાં સવા સો વર્ષ જીવવાની વાત કરો છો. એ આશા તમને ક્યાંથી મળે છે?’

ગાંધીજીએ કહ્યું,‘મેં એ આશા છોડી દીધી છે. વિશ્વમાં એવા ભયંકર બનાવો બની રહ્યા છે. મારે અંધકાર અને પાગલપણાની વચ્ચે જીવવું નથી.’

વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો કાંતતા હતા. માર્ગારેટે બીજો સવાલ પૂછ્‌યો કે તેમના મતે સારો ‘ટ્રસ્ટી’ કોણ? ગાંધીજીનો જવાબ હતોઃ ‘જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોનું શબ્દો અને હાર્દથી પાલન કરે.’

‘કોઇ ભારતીય ઉદ્યોગપતિ એ પ્રમાણે વર્તે છે?’

‘મારી જાણમાં કોઇ નથી.’

માર્ગારેટે સવાલને વધારે અણીદાર બનાવતાં પૂછ્‌યું, ‘ધારો કે તમારી નજીકના વર્તુળમાંથી કોઇ કહે કે મારે ટ્રસ્ટી થવું છે, તો તમે એને શું કહેશો?’ તેમને બિરલાના દેખીતા વિરોધાભાસ અને ગાંધીજીની તેમની સાથેની નિકટતા સમજાતાં ન હતાં.

ગાંધીજીએ કહ્યું, ‘એના માટે દૂર જવાની જરૂર નથી. આ ઘરના માલિક (બિરલા) જ છે. એ ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. એ એકલા નથી. બીજા ઘણા છે, જેે મારા કહ્યા પ્રમાણે ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. હું આશા રાખું છું કે એ મને છેતરે નહીં.’

પછી હળવેકથી, ‘જાણે પોતાના મનનો લાંબા વખતથી ભીડાયેલો દરવાજો ખોલીને તેમાં ડોકિયું કરતા હોય એમ’ ગાંધીજીએ કહ્યું, ‘મને લાગશે કે બિરલા મને છેતરી રહ્યા છે, તો હું એમના ઘરમાં નહીં રહું. હું અહીં છું કારણ કે એ જે કહે છે તે હું માનું છું. હું એમને લાંબા સમયથી ઓળખું છું- (પછી વર્ષો ગણીને)- બત્રીસ વર્ષથી- અને હજુ એ મને છેતરવાના અપરાધી લાગ્યા નથી.’

બિરલાની ફેક્ટરીઓમાં કામદારોની અસંતોષકારક દશા જોઇ ચૂકેલાં માર્ગારેટને આ જવાબોથી પૂરો સંતોષ ન થયો. ગાંધીજી રહેતા હતા એ જગ્યાએથી થોડે દૂર આવેલી બિરલા ફેક્ટરીની મુલાકાત લઇને માર્ગારેટે એક અલગ પ્રકરણ લખ્યું હતું. ગાંધીજી એ કેમ જોઇ શકતા નહીં હોય? એવું તેમને થયું, પરંતુ માર્ગારેટે નોંઘ્યું છે કે ‘આંખ આડા કાન કરવાની વૃત્તિ ફક્ત ગાંધીજી પૂરતી સીમિત નથી. ઊચ્ચ આદર્શો ધરાવતા ઘણા ભારતીય નેતાઓમાં જોવા મળે છે અને પશ્ચિમી જગત પણ એનાથી પર નથી.’ અલબત્ત, દેખીતી વિસંગતી છતાં ગાંધીજીનું સત્ય માટેનું વળગણ વાસ્તવિક હતું, એવું પણ તેમણે લખ્યું. એ માટેની તેમણે તારવેલી સમજૂતી એવી હતી કે ગાંધીજી ફક્ત બિરલા કે તમામ ઉદ્યોગપતિઓનું નહીં, એ મશીનયુગ પહેલાંની ‘ઓલ્ડ ઑર્ડર’ (જૂની વ્યવસ્થા)નું રક્ષણ કરવા માગતા હતા. સમાજનું માળખું બદલવાની તેમની કોઇ મહત્ત્વાકાંક્ષા ન હતી. એ માણસના મનને બદલવા માગતા હતા. દરેક માણસના મનમાં રહેલી સદ્‌વૃત્તિને એ સ્પર્શવા માગતા હતા.’

ગાંધીજીએ કહ્યું, ‘આ સજ્જનો (ઉદ્યોગપતિઓ)માંથી થોડાને હું કહું કે તમારે તમારું સર્વસ્વ આપી દેવાનું છે, તો એમની ખરી કસોટી થાય. ત્યાર પછી મારી સેવાની મુદત પણ પૂરી થઇ જાય.’

‘એવું કેમ?’

‘કારણ કે એ લોકો કહેશે, ‘અમને ખબર નહીં કે અંદરથી એ (ગાંધીજી) સરમુખત્યાર, હિટલર હતા (જેમણે આવો આપખુદ હુકમ આપ્યો).’

મશીનો વિશેની ચર્ચામાં ગાંધીજીએ માર્ગારેટને કહ્યું હતું કે ભારત જેવા દેશની મોટી જનસંખ્યા માટે સ્વાવલંબન એ જ સુખનો રસ્તો છે. માર્ગારેટને સૌથી વધારે ઉત્સુકતા અણુબૉમ્બ વિશે ગાંધીજીનો અભિપ્રાય જાણવાની હતી.  બીજા વિશ્વયુદ્ધનો અંત અણુબોમ્બથી આવ્યો હોવાને કારણે, એ નવા સંહારક શસ્ત્રની ચકચાર શમી ન હતી. ગાંધીજીએ અગાઉ પ્રાર્થનાસભામાં કહી ગયા હતા, એ જ વાત માર્ગારેટને કરી, ‘હું અન્ડરગ્રાઉન્ડ આશ્રયમાં જતો રહેવાને બદલે ખુલ્લામાં ઊભો રહીશ, જેથી પાયલટ મને જોઇ શકે અને હું પ્રાર્થના કરતાં કરતાં અણુહુમલામાં મૃત્યુ વહોરીશ. પાયલટ જોશે કે મારા ચહેરા પર તેના માટે કશો ધીક્કાર નથી.’

પછી તરત ગાંધીજીએ કહ્યું, ‘મને ખબર છે કે એટલી ઊંચાઇથી પાયલટને અમારા ચહેરા દેખાય નહીં.પણ પાયલટ અમને નુકસાન નહીં કરે એવી અમારા હૃદયની ભાવના એના સુધી પહોંચશે અને એની આંખ ઉઘડશે. હિરોશીમામાં મૃત્યુ પામેલા હજારો લોકોમાં જો આ રીતે ખુલ્લામાં, હૃદયમાં પ્રાર્થના સાથે મૃત્યુ પામ્યા હોત, તો યુદ્ધનો આવો નામોશીભર્યો અંત ન આવ્યો હોત. અત્યારે તો વિજેતાઓ ખરેખર વિજેતા છે કે કેમ એ સવાલ છે...આ યુદ્ધ પછી વિશ્વ શાંતિમય નહીં, વધારે ખતરનાક થયું છે.’
Gandhi By Margaret Bourke-White

આ ચર્ચાના થોડા કલાક પછી, ગાંધીજીની હત્યા થઇ. અગાઉ ગાંધીજીના ઉપવાસને લીધે અમેરિકા જવાનું પાછું ઠેલનાર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે ફરી એક વાર, છેલ્લી વાર, તેમનું સ્વદેશગમન મોકૂફ રાખ્યું અને ગાંધીજીની અંતીમ યાત્રાની કેટલીક યાદગાર તસવીરો લીધી.

પુસ્તકના અંતીમ પ્રકરણનાં અંતીમ વાક્યોમાં માર્ગારેટે લખ્યું,‘ચિતાની જ્વાળા સમક્ષ રાત ગુજારતી વખતે મને એવું માનવું ગમે છે કે ત્યાં રહેલાં લાખો હૈયામાં એક નાનકડી જ્યોત જલતી હશે. બળજબરીથી નહીં, પણ આંતરિક પરિવર્તનથી એ લોકો સચ્ચાઇના રસ્તે ચાલશે, જે ગાંધીજી ઇચ્છતા હતા. સહનશીલતા અને એકતા માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ નીવડી શકે છે. તેમણે અંધકારમાં ઉજાસ પ્રગટાવવા માટે પોતાની જિંદગી આપી દીધી.’

વાસ્તવમાં, આઝાદ ભારત માર્ગારેટ બૉર્ક-વ્હાઇટના આશાવાદથી ગોડસેના મંદિર સુધીનો રસ્તો કાપી ચૂક્યું છે.

Wednesday, January 22, 2014

પ્રાણલાલ પટેલ ’દાદા’ : યાદોત્સવ (૨)

પાછલાં વર્ષોમાં પોતાની તસવીરો જેટલાં જ કે તેના પણ વધારે પોતાની ઉંમર માટે જાણીતા, ૧૦૫ વર્ષના ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલનું ૧૮ જાન્યુઆરીની બપોરે અવસાન થયું. તેમની સાથેની વિશિષ્ટ પ્રકારની દોસ્તીના નાતે તેમને અંજલિ આપતી એક પોસ્ટ અગાઉ મૂકી હતી (એ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો)  આ તેનો બીજો ભાગ છે. પહેલી પોસ્ટમાં લખ્યું હતું તેમ, દાદા વિશે ગમે તેટલું લખ્યા પછી પણ એ પૂરતું નહીં લાગે. છતાં, પ્રિય વ્યક્તિને લાગણીભીની વિદાય આપવાની- તેમને અલવિદા કહેવાની ચેષ્ટા તરીકે આટલું મૂક્યું છે. 

મહેમદાવાદના અમારા મકાનના નવનિર્માણ પછી યોજાયેલા વિશિષ્ટ ગેધરિંગમાં
(ડાબેથી) આનંદ પટેલ, પ્રાણલાલ પટેલ/ Pranlal Patel, કેતન રૂપેરા/ Ketan Rupera,
રતિલાલ બોરીસાગર/ Ratilal Borisagar અને નગેન્દ્ર વિજય/ Nagendra Vijay
 (photo : Nikunj)
એ જ મેળાવડામાં દાદા સાથે મસ્તીભરી ક્ષણો/
Pranlal Patel & Uvish Kothari
 (photo : Nikunj)
દાદાની સોમી વર્ષગાંઠ નિમિ્તે પૌત્ર પિયુષ પટેલે ઘરે સત્યનારાયણની પૂજા રાખી હતી. આસ્થાની પણ એ જ દિવસે વર્ષગાંઠ હોવાથી સોનલ, આસ્થા અને હું સવારે અમદાવાદ ગયાં હતાં. સૌથી પહેલાં દાદાને ત્યાં પહોંચ્યાં ત્યારે પૂજા ચાલતી હતી અને ફોટોગ્રાફ્સ કે વિડીઓ કોઇ લેતું હોય એવું લાગતું ન હતું. એટલે મને એ કામ કરવાની વિશેષ મઝા આવી અને એ પ્રસંગની એક કાયમી યાદગીરી બની ગઇ.. આ પ્રસંગે દાદાની ચુસ્તી અને સ્ફુર્તિ દર્શાવતી વિડીયો ઝલક પોસ્ટના અંતે મૂકી છે.
દાદાનાં સો વર્ષની ઉજવણી નિમિત્તે
પૌત્ર પિયુષ પટેલે તૈયાર કરેલા નિમંત્રણ
કાર્ડમાં દાદાનાં વિવિધ રૂપ (વચ્ચેની
ફેંટાવાળી તસવીર દાદાના પિતાની છે)

સોમી વર્ષગાંઠના પ્રસંગે યોજેલી સત્યનારાયણની કથામાં પૌત્ર-પૌત્રવધુ સાથે
સહેલાઇથી પલાંઠી વાળીને પૂજામાં બેઠેલા દાદા / Pranlal Patel

સો વર્ષની ઉંમરે સહેલાઇથી પલાંઠી વાળીને બેસી જવું અને એટલી જ ઝડપથી
પલાંઠી છોડીને ઊભા થઇ જવું દાદા માટે સહજ હતું. સોમી વર્ષગાંઠે કથા પછી
આરતી ઉતારતા દાદા 
દાદા પાસે જૂના અને ચાલુ અવસ્થામાં સચવાયેલા કેમેરાનો મોટો સંગ્રહ હતો. એ દરેક કેમેરા માટે તેમને જબરો લગાવ હતો. એ વિશે વાત કરતાં એ પ્રેમિકાની વાત કરતા મુગ્ધ યુવાન જેવા બની જતા હતા. જૂના કેમેરા બતાવતી વખતે તેના વિશે વાત કરતા દાદાની વિડીયો ઝલક છેક છેલ્લે મૂકી છે..
Pranlal Patel with his vintage camera collection

દાદાની તસવીરી કળા જેટલી જ મોટી ખૂબી તેમની સાચવણીમાં હતી. કલાકારો સાથે અવ્યવસ્થિતતાને (ખોટી રીતે) સાંકળી દેવામાં આવતી હોય અથવા તેને કળાકારના ભૂષણ તરીકે ગણવામાં આવતી હોય ત્યારે દાદા પાસે પાંચ-છ દાયકા જૂની તસવીરોની પ્રિન્ટ અને નેગેટિવ એકદમ હાથવગી હોય. તેના એક નમૂના લેખે વિવિધ વિષયો આધારે વર્ગીકૃત કરીને ગોઠવેલી પ્રિન્ટોનાં ખોખાં



દાદાની અસંખ્ય બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં કેવળ વિષય જ નહીં, એ સમયનો ચહેરો જોઇ શકાય છે. જેમ કે, વરાળ છોડતા વરાળીયા એન્જિનની પાસે ઊભેલી પાણીવાળી છોકરીની મુદ્રા. સૌંદર્યનો વ્યાપક અર્થ લઇએ તો આ તસવીરને Beauty & The Beast જેવું શીર્ષક આપી શકાય. 
રવિશંકર રાવળ ગેલેરીમાં યોજાયેલા તેમના તસવીર પ્રદર્શનમાં મારી અત્યંત
ગમતી એક તસવીર સાથે પ્રાણલાલ પટેલ / Pranlal Patel
 ’અહા જિંદગી’ માસિકની ’ગુર્જરરત્ન’ કોલમ માટે બીરેને દાદાનો લાંબો ઇન્ટરવ્યુ કર્યો હતો અને તેનો લાંબા પટે, અઢળક તસવીરો સાથે લેખ પણ કર્યો હતો. એ મુલાકાતની યાદગીરી.
Pranlal Patel & Biren Kothari
કાંચી પંડ્યાએ બીજા મિત્રોની મદદથી અને ફોટોગ્રાફર મિત્ર કેતન મોદીના સહયોગથી, ખાસ્સી જહેમત લઇને, સૂઝપૂર્વક દાદા વિશે એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. અમદાવાદના સીઇસમાં તેના પહેલા જાહેર પ્રદર્શનસમારંભનું, નેગેટીવ પર તૈયાર કરાયેલું આ વિશિષ્ટ આમંત્રણ કાર્ડ. ફિલ્મનું નામ છે ’એનું સર્વસ્વ’

દાદા સાથેની છેલ્લી મુલાકાત. સાથે મારી ભાણી નીશા પરીખ પણ હતી. એણે તેના ફોનમાં પાડેલી આ તસવીર. દાદાને મેં હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક જોવા આપ્યું હતું. મારી એવી તીવ્ર ઇચ્છા હતી કે દાદાના જીવનકાર્યને બે પૂઠાં વચ્ચે સમાવતું આ બરનું એક પુસ્તક તૈયાર થાય. પરંતુ એ શક્ય બન્યું નહીં. 

Pranlal Patel & Urvish Kothari (Photo : Neesha Parikh)

...અને આ દાદાનું જીવંત- જીવનથી છલકાતું સ્વરૂપ, જે કાયમ યાદ રહેશે. 




Monday, January 20, 2014

સૌથી વડીલ મિત્ર પ્રાણલાલ પટેલની વિદાય : વસમી તો લાગે છે પણ...

 બે-એક અઠવાડિયાં પહેલાં મિત્ર વિવેક દેસાઇને મળવાનું થયું ત્યારે રાબેતા મુજબ પ્રાણલાલ પટેલ ’દાદા’ની વાત નીકળી. એટલે વિવેકે કહ્યું, ’દાદાને મળવું હોય તો મળી આવજો. હવે બહુ કાઢે એમ લાગતું નથી.’ સામાન્ય રીતે ૧૦૫ વર્ષની ઉંમર ધરાવતા માણસ વિશે આવું સાંભળીને આઘાત ન લાગવો જોઇએ. ધક્કો પણ નહીં.  પ્રાણલાલદાદા સાથે ૧૬ વર્ષ જૂની દોસ્તીને કારણે એ પણ ખબર હતી કે થોડા વખતથી તેમની જિજિવિષા જતી રહી છે. છતાં વિવેકની વાત સાંભળીને આઘાત અને ધક્કો બન્ને લાગ્યાં. આ વખતે દાદાની સત્તાવાર વર્ષગાંઠે- પહેલી જાન્યુઆરીએ જઇ શકાયું ન હતું, એ તાજું થયું. પણ દાદા સાથેની દોસ્તી તારીખટાણાં કે વ્યવહારમાં સમાઇ જાય કે એમાં જ આટોપાઇ જાય એવી ન હતી. એટલે ન જવાયાનો કશો ચચરાટ ન હતો. થોડા દિવસ પછી શનિવારે ૧૮ જાન્યુઆરી, ૨૦૧૪ની બપોરે મિત્ર કાંચી પંડ્યાનો મેસેજ આવ્યોઃ પ્રાણલાલ દાદા ઇઝ નો મોર.

પુત્ર આનંદભાઇ અને તેમનાં પત્ની સિવાયનાં  કુટુંબીજનો જૂનાગઢ પારિવારિક લગ્નપ્રસંગે ગયાં હતાં. એટલે દાદાની અંતીમ યાત્રા શનિવારે સાંજે નીકળે કે રવિવારે સવારે એ વિશે પણ થોડી અવઢવ હતી. પણ કેતન મોદીના સહયોગથી દાદા પર ફિલ્મ બનાવનાર કાંચી અમારી દોસ્તી સમજતી હતી. એણે સાચી સલાહ આપી, ’અંતિમ યાત્રામાં ન જવાય એમ હોય તો કંઇ નહીં. ખરેખર તો અત્યારે (સાંજે) જઇ આવો. બહુ થોડા લોકો છે. શાંતિથી દાદાને મળાશે.’

હા, મળાશે. દાદાને તો મળવાનું જ હોય. તેમનાં દર્શન થોડાં કરવાનાં હોય?  પ્રિયજનોના મૃતદેહનાં દર્શનથી હું કતરાતો હોઉં છું. બને ત્યાં સુધી એ ટાળું છું. બહુ વસમું લાગે છે. સંયમ જાળવવાનું કઠણ પડી જાય છે. જાતે જ એવું આશ્વાસન લઉં છું કે ’મારે એમને હાલતાચાલતા-પ્રેમાલાપ ને ગપ્પાગોષ્ઠિ કરતા જ યાદ રાખવા છે.’ છતાં, દાદાને મળવા ગયો. કૈલાસ સોસાયટીના ’છાયાચિત્ર’ બંગલાની બહાર સ્કૂટર પાર્ક કરતી વખતે, અંદર જઇને દાદા મળવાના નથી, એ અહેસાસ તીવ્ર રીતે વાગ્યો. વરંડા સુધી પહોંચ્યો. થોડા લોકો હતા. આ જગ્યાએ બેસીને દાદા સાથે અનેક વાર સુખદુઃખની વાતો સાંભળી હતી. જાણવા મળ્યું કે દાદાને તેમના અંદરના રૂમમાં સુવડાવ્યા હતા. હું અંદર ગયો. દાદા તેમની પાટ પર સુતા હતા. માથું ખુલ્લું હતું. નાકમાં રૂનાં પૂમડાં ખોસેલાં અને બાકીના દેહ પર ચાદર ઓઢાડી હતી. હું થોડો વધુ નજીક ગયો. દાદાનો ચહેરો ધ્યાનથી જોયો. તેમનો ટચુકડો દેહ સંકેલાઇ ગયો હતો, પણ આંખોનાં પોપચાં લોખંડી રીતે ભીડાયેલાં લાગતાં ન હતાં. એવું લાગતું હતું કે હમણાં ’દાદા’ કહીશ, એટલે એ ૧૦૫ વર્ષની ઉંમરે આશ્ચર્યજનક - ચમત્કારિક કહેવાય એવી સ્ફુર્તિથી બેઠા થઇ જશે. ખરેખર એવું લાગતું હતું કે દાદા બેઠા થશે ને અમે વાતો ચાલુ કરીશું.

થોડા વખત પહેલાં એવું થયું હતું. હું આવ્યો, અંદરના રૂમમાં ગયો, પણ દાદા સુઇ ગયા હતા. ઢળતી બપોરનો સમય હતો. મારા જવાથી પણ ન જાગ્યા, એટલે હું પાછા પગલે નીકળી ગયો હતો. આ વખતે પણ એવું જ હોત તો? પણ એવું ન હતું. દાદા સાથેની આ છેલ્લી મુલાકાત હતી. એવું કેવી રીતે બને? ૧૦૫ વર્ષ સુધી કડેધડે રહેલા દાદા અમરપટ્ટો લખાવીને આવ્યા હોય એવું જ સમીકરણ મનમાં ગોઠવાઇ ગયું હતું. તેમની તબિયત એકદમ મસ્ત, આપણને લઘુતાગ્રંથિ થાય એવી રહેતી. આનંદભાઇના જણાવ્યા પ્રમાણે, ૯-૧૦-૧૧ના ત્રણ દિવસ તેમને મુન્શી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પણ ત્યાંથી તો એ સાજા થઇને આવી ગયા હતા. એટલે એ છેક સુધી તંદુરસ્તી ભોગવીને ગયા એવું આશ્વાસન હાથવગું હતું. વાજબી, વ્યવહારુ અને વાસ્તવિક પણ હતું. છતાં એ પૂરતું લાગતું ન હતું.

થોડા મહિના પહેલાં દાદાને મળવાનું થયું ત્યારે દાદા ’વિસામો, વિસામો’ કરતા હતા. ’હવે બહુ થયું. વિસામો મળવો જોઇએ.’ એવી તેમની લાગણી હતી. મને જરા નવાઇ લાગી. દાદા થાકે, કંટાળે ને ફોટોગ્રાફીની દુનિયામાંથી, પોતાના તસવીરી જગતમાંથી તેમનો રસ ઓછો થાય, એ શી રીતે બને? ’કેમ આવી વાત કરો છો?’ એ મતલબનું એમને પૂછ્યું, એટલે કહે, ’આ જન્મમાં બહુ થયું. હવે વિસામો મળે તો વેળાસર આવતા જન્મમાં કામ શરૂ થાય.’ શબ્દોમાં ફેરફાર હોઇ શકે છે, પણ આ ધ્વનિમાં મીનમેખ ન હતી. આ માણસને મુક્તિ જોઇતી ન હતી. મૃત્યુ તેમના માટે પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હતું.

દાદા વિશે ઘણું લખવાનું, ઘણું વહેંચવાનું છે. આ બ્લોગ નિમિત્તે બે ભાગમાં શક્ય એટલી વાત કરીને લાગણીનો ઉભરો હળવો કરવા પ્રયાસ કરીશ. છતાં, ગમે તેટલું લખ્યા પછી મને પૂરો સંતોષ નહીં થાય. તેમના જેવા વડીલ મિત્રો જિંદગીમાં સીધી કે આડકતરી રીતે એટલું બધું આપે છે કે એ જાય ત્યારે આપણા અસ્તિત્ત્વની થોડી પોપડીઓ ખેરવતા જાય. પણ એ તેમનો અધિકાર છે અને આપણા તરફથી અપાયેલી શ્રેષ્ઠ અંજલિ પણ- કે તેમનું સ્થાન મારા જીવનમાં હવેથી હંમેશાં ખાલી રહેશે. એ સ્થાન એક જ હતું ને હવે ત્યાં વ્યક્તિને બદલે ખાલીપો ભરાયો છે.
***
રવિશંકર રાવળ આર્ટ ગેલેરી (લો ગાર્ડન, અમદાવાદ)માં તેમની તસવીરોનું પ્રદર્શન હતું ત્યારે લીધેલી આ તસવીર મારી પ્રિય તસવીરોમાંની એક છે. કારણ કે તેમાં તસવીર અને ચિત્રની વચ્ચથી ડોકિયું કરતો માણસ જાણે કહી રહ્યો છે, ’બધી કળાકૃતિઓ-બધાં કળાસ્વરૂપોને ટપી જાય એવો, અસલી ધબકતો માણસ તો આ રહ્યો.’
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

પ્રાણલાલદાદા સાથે સંબંધ બંધાવામાં નિમિત્ત બન્યું ’સીટીલાઇફ ન્યૂઝ’. નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે ૧૯૯૮માં શરૂ થયેલું આ પખવાડિક મોલ-મલ્ટીપ્લેક્સ વગરના અમદાવાદનું વિશિષ્ટ અને સમૃદ્ધ સીટીમેગેઝીન હતું. તેના વિચારના તબક્કેથી હું તેમાં સંકળાયેલો હતો.  અમદાવાદના આ સામયિકના છેલ્લા પાના પર ’તબ ઔર અબ’ પ્રકારનો તસવીરી વિભાગ શરૂ કરવાનું વિચાર્યું, એટલે પ્રાણલાલ પટેલને મળ્યા. રાબેતા મુજબ હું ચોક્કસ ઘટનાક્રમ ભૂલી ગયો છું. હું એકલો મળ્યો કે હર્ષલ સાથે હતો એ પણ યાદ નથી. પણ એવું નક્કી થયું કે આખા પાનાની કોલમમાં ઉપર દાદાએ લીધેલો એક સ્થળનો જૂનો ફોટો અને એ જ સ્થળનો અત્યારનો ફોટો મૂકવો, જેનાથી શહેરની બદલાતી તાસીરનો ખ્યાલ આવે. એ એન્ગલથી દાદાના થોડા ફોટા પસંદ કર્યા. પહેલા જ અંકમાં તેમણે પાડેલી નેહરુ બ્રિજ બંધાયા પહેલાંની તસવીર લીધી. તેમાં દેખાતું એક ઘર એ વખતે (૧૯૯૮)માં પણ ઊભું હતું અને બન્ને તસવીરો વચ્ચેનું સીધું સામ્ય તથા તફાવત પણ સ્થાપિત કરી આપતું હતું. એટલે નવી તસવીર મેં પાડી- ભૂલતો ન હોઉં તો નદીના પટમાં ઉતરીને, પહેલા અંકનું માસ્ટ અને દાદાની તસવીરો ધરાવતું છેલ્લું પાનું અહીં મૂક્યું છે. એ વખતે ગુજરાતી સામયિકોમાં લેખકો કે કન્ટ્રીબ્યુટરોની તસવીરો છાપવાનો રિવાજ ન હતો. પણ દાદા માટે અમે અપવાદ કર્યો અને તસવીરો સાથે તેમનો ફોટો પણ છાપતા હતા (અને એ વ્યવસ્થા મહેનતાણાની અવેજીમાં ન હતી.)
Citylife News : City magazine of ahmedabad, 1st issue


એ અરસામાં હું પેન્ટેક્સ કે-૧૦૦૦નો જૂનો અને જાણીતો એસએલઆર કેમેરા લઇને ફરતો હતો. એક દિવસ દાદાને ઘરે ગયો અને થયું કે તેમના ફોટા પાડું. બહાર સરસ લાઇટ હતું. ખુરશી પર તેમને બેસવા કહ્યું, એટલે એ બેઠા તો ખરા, પણ પણ ફોટોગ્રાફરે ’સબ્જેક્ટ’ના હાથ કેવી રીતે રખાવા જોઇએ, એના વિશે સરસ વાત કરી. (જૂના જમાનાના ફોટામાં આ પ્રકારની ગોઠવણને કારણે જ, ભલે ક્યારેક નૈસર્ગિકતાના ભોગે પણ, સૌંદર્યનો અહેસાસ આવતો હતો.) આ તસવીર એમણે જૂની સ્ટાઇલમાં, પોતે પોતાના સબ્જેક્ટને બેસાડતા હતા, એવી મુ્દ્રા સાથે પડાવી.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)
એ જ સિરીઝમાં પાડેલાં દાદાનાં કેટલાંક પોર્ટેઇટ, જેમાં મને મઝા આવી હતી. 
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari, 2001)

Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari,,2001)
’સીટીલાઇફ’ના ગાળાથી દાદા સાથે સ્નેહગાંઠ બંધાઇ અને મજબૂત થઇ. તેમની પાસે તસવીરોનો એવો અદભૂત ખજાનો હતો કે મને હંમેશાં એવી ચટપટી રહે કે દાદાના ફોટા ક્યારે વાપરું. તેમાં મુશ્કેલી એક જ હોય- દાદા પોતાની તસવીરોની કિંમત જાણે. એ વખતે દાદાનાં પત્ની દમયંતિબહેન હયાત. એ કાબેલ મેનેજર. દાદા ભોળા છે ને લોકો એમને છેતરી જાય છે, એવું તેમને સતત લાગ્યા કરે અને એ લાગણીમાં તથ્ય પણ ખરું. એટલે તેમની સાથે માફકસરનું બિઝનેસ ડીલીંગ કરવું પડે. વારંવારના ડીલીંગ પછી વિશ્વાસ પડતાં એમની સાથે કામ પાડવાનું મારા માટે ઓછું અઘરું- લગભગ સરળ કહી શકાય એવું બન્યું. છતાં આપણે ત્યાં લેખકોની જેમ બલ્કે લેખકો કરતાં પણ વધારે ફોટોગ્રાફરોને રૂપિયા આપવાના થાય ત્યારે બધાને કીડીઓ ચડે. છતાં, બન્ને પક્ષ નારાજ ન થાય એ રીતે કામ કરવાનો મેં શક્ય ત્યાં સુધી પ્રયાસ કર્યો. અહીં મુકેલી તસવીરમાંથી જૂનો ભાગ મારી બહુ જ ગમતી દાદાની તસવીરોમાંની એક છે. એ ’આરપાર’ના ફિલ્મસંગીત વિશેષાંક માટે અમે વાપરી હતી. એ તસવીરમાં ગ્રામોફોન પ્રત્યે લોકોનું વિસ્મય અને તેમના હાવભાવ જે રીતે ઝીલાયા છે, તે જોનારને એવા જકડી લે છે કે તસવીરમાં તેડેલાં બે બાળકો સાવ સહજતાથી સ્તનપાન કરી રહ્યા છે, એ તરફ ધ્યાન જ ન જાય.


દાદાએ આખા ગુજરાતમાં પિક્ટોરિઅલ ફોટોગ્રાફી કરી, પણ અમદાવાદનું તો તેમણે વ્યવસ્થિ દસ્તાવેજીકરણ કર્યું એમ કહી શકાય. આવો શબ્દ એ કદાચ વાપરતા નહીં, પણ અમદાવાદ નસીબદાર કે તેને પ્રાણલાલ પટેલ જેવા દસ્તાવેજીકરણ કરનાર મળ્યા. અમદાવાદનાં જે સ્વરૂપોને જેટલી માત્રામાં અને જે લાંબા સમયપટ દરમિયાન દાદાએ ઝીલ્યાં છે એટલાં ભાગ્યે જ કોઇએ ઝીલ્યાં હશે.


’દિવ્ય ભાસ્કર’માં એક સમયે એવો મણિકાંચન યોગ સર્જાયો જ્યારે આકાર પટેલ ગ્રુપ એડિટર હતા અને દીપક સોલિયા પૂર્તિ સંપાદક. એ વખતે આકારના કહેવાથી મેં બુધવારની પૂર્તિને આખેઆખી નવેસરથી બનાવવાનું કામ હાથમાં લીધું. ’કળશ’ની જગ્યાએ તેને નામ આપ્યું ’અસ્મિતા’ પૂર્તિ. સોળ પાનાંની ને આકારનાં વળતાં પાણી પછી સંસ્થાકીય કારણોસર કદી નહીં છપાયેલી- ગર્ભમૃત્યુ પામેલી એ પૂર્તિનું છેલ્લું પાનું. તેમાં દાદાની તસવીરી તફાવતની કોલમને અમે આપેલું નામ હતું ’જનરેશન ગેપ’.


’આરપાર’ના અમે તૈયાર કરેલા ’સરદાર વિશેષાંક’ (૨૦૦૪)નો શાહીબાગ સરદાર સ્મારકમાં સમારંભ યોજાયો ત્યારે સરદારની તસવીરો લેનારાં બે તસવીરકાર હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ એ સમારંભમાં હાજર હતા. બીજા વર્ષે મેં અંકની સામગ્રીમાં ખાસ્સા ફેરફાર-ઉમેરા-વધારા કરીને ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પુસ્તક કર્યું. તેનું રાજકોટના હેમુ ગઢવી હોલમાં વિમોચન થયું ત્યારે પણ દાદા ખાસ અમદાવાદથી આવ્યા હતા. વિમોચન સમારંભ પછીની આ યાદગાર તસવીર
L to R : Biren Kothari, Binin Modi, Pranlal Patel, Urvish Kothari
ઘણા સમય સુધી (એકવીસમી સદીમાં પણ) દાદા સાથે પત્રનો વ્યવહાર રહેતો. એ પોસ્ટકાર્ડ અથવા ઇનલેન્ડ લખે. લખવામાં ભારે વ્યવહારુ. મીઠા. વિવેકી. નમૂનાલેખે આ એક પોસ્ટકાર્ડ. એમની ૯૦મી વર્ષગાંઠ પર મેં તેમને કંઇક લખ્યું હશે અને ૧૦૦મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હશે, તેનો એમણે આપેલો  જવાબ સ્વયંસ્પષ્ટ  અને વાંચી શકાય એવો છે. એ વિશે મારે કંઇ લખવાની જરૂર નથી. 


હજુ દાદાની વાત પૂરી થઇ નથી. પણ વધુ તસવીરો- વધુ યાદો બીજા બ્લોગમાં. અત્યારે તો એમનાં સ્મરણનો જલસો.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

Friday, March 29, 2013

ફિલ્મઉદ્યોગનો ‘ભાઇ’ચારો


હિંદી ફિલ્મી દુનિયાના ખ્યાતનામ ગુજરાતી ફોટોગ્રાફર બી.જે.
પંચાલે પાડેલો નરગીસ-સંજયદત્તનો આ ફોટો જોઇને
’એ  પહેલેથી જ હતો આવો’ કે ’જુઓ, જુઓ, એને માએ જ કેવો
બગાડ્યો છે’-ની ભૂમિકામાં આવી જવાની જરૂરી નથી. બાળપણનો
નિર્દોષ ફોટો મોટપણે બદલાયેલા સંજોગોમાં કેવા જુદા અને ભયંકર
અર્થ ધારણ કરી શકે છે એનો આ ઉત્તમ નમૂનો છે.
ફોટો સૌજન્યઃ બી.જે.પંચાલ/ Photo courtesy B.J.Panchal

(ગુજરાત સમાચાર તંત્રીલેખ-શુક્રવાર-૨૯-૩-૧૩)

ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા કરી- હકીકતે છ વર્ષની થવાપાત્ર સજામાં એક વર્ષનો ઘટાડો કરી આપ્યો- ત્યારે ફિલ્મઉદ્યોગે એક અવાજે સંજય દત્ત પ્રત્યે લાગણી, સહાનુભૂતિ અને ટેકો વ્યક્ત કર્યાં. સંજય દત્ત માણસ તરીકે કેટલા સોનાના છે, તેમના દિલમાં કેવું પાપ નથી, એ કેવા પરદુઃખભંજક છે, તેમનું બાળપણ કેટલું ખરાબ વીત્યું હતું, એમનાં માતાપિતા કેટલાં મહાન હતાં- આવી અનેક વાતો જુદા જુદા લોકોએ પોતપોતાના અનુભવ કે લાગણીની ચાસણીમાં બોળીને વહેતી કરી. એ બધાની ઘુ્રવપંક્તિ એ હતી કે આટલા સારા માણસને સજાઓ શું કરવાની? એમને માફ કરી દેવા જોઇએ. એમાં જ આપણી શોભા છે.

ખૂબીની વાત એ છે કે આવું કહેનારા કોઇએ એવો ઇશારો સરખો પણ ન કર્યો કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કશી ખામી છે. સંજય દત્ત સામેના પુરાવા ખોટા છે કે તેમને નિર્દોષ હોવા છતાં ભેરવી મારવામાં આવ્યા છે એવું પણ કોઇએ ન કહ્યું. સંજય દત્તનો અપરાધ એકદમ નક્કર છે એ વિશે કોઇને શંકા ન હતી. કોઇએ તેમની નિર્દોષતા સિદ્ધ કરવાની ન હતી. તેમના મતે, સંજય દત્તે માફી મેળવવા માટે નિર્દોષ હોવાની જરૂર પણ ન હતી. એ સંજય દત્ત હતા એટલું જ પૂરતું હતું. બધાનો સામુહિક સ્વર જાણે એવો હતો કે ‘છોરુ કછોરુ થાય પણ માવતરથી કમાવતર ન થવાય. આ કિસ્સામાં સંજય દત્ત છોરુ છે ને અદાલતો માવતર. એટલે માવતરે મોટું મન રાખીને કામચલાઉ કછોરુ થયેલા સંજય દત્તને માફી આપી દેવી જોઇએ.’

સામાન્ય સંજોગોમાં ફિલ્મઉદ્યોગની આ વર્તણૂંક ‘ભાઇચારા’ જેવી ઉદાત્ત લાગણી હેઠળ ખપી ગઇ હોત. ફિલ્મવાળાને હજુ એવું માનવું ગમતું હશે કે તેમણે સંજય દત્તને માફી આપવાની રજૂઆત કરીને પોતાના ઉદ્યોગનું નામ ઉજાળ્યું છે અને અંગત રીતે દોસ્તી-ભાઇચારો નિભાવ્યાં છે. સંજય દત્ત પ્રત્યે લાગણી દેખાડવામાં સમાનતાના મૂળભૂત બંધારણીય સિદ્ધાંતની અને કાયદાના શાસનની ઘોર અવગણના થાય છે, એવું ફિલ્મઉદ્યોગને ત્યારે જ કોઇએ કહેવું જોઇતું હતું.

ફિલમવાળાઓને કોઇએ સમજાવવું જોઇતું હતું કે ગુનેગાર સાબીત થયેલા સંજય દત્ત પ્રત્યે તમારે સહાનુભૂતિ રાખવી હોય તો એમાં કશું ખોટું નથી. પોતાનો અંગત મિત્ર ગુનેગાર સાબીત થાય એટલે તેનો સાથ છોડી દેવાનું જરૂરી નથી. તેને નૈતિક ટેકો આપવો એ મિત્રાચારીનું લક્ષણ હોઇ શકે છે. મિત્રને જેલમાં મળવા જવાય, તેને હિંમત આપવા માટે શક્ય એટલું બઘું જ કરાય, તેના પરિવારને કોઇ વાતે ઓછું ન આવે એનું ઘ્યાન રખાય. પણ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગુનેગાર સાબીત થઇ ચૂકેલા ગમે તેવા ખાસ મિત્રને માફી આપવાની માગણી કેવી રીતે રાખી શકાય? મિત્રાચારી ખાતર કાયદા અને બંધારણનો દ્રોહ કરી શકાય? અને એકલદોકલ વ્યક્તિ નહીં, આખો ફિલ્મઉદ્યોગ આ રસ્તે ચડે તે ચિંતાજનક નથી?

ફિલ્મો અને ‘ભાઇ’લોગ વચ્ચેના ઊંડા સંબંધો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ‘ઓપન સીક્રેટ’ જેવા છે. સૌ જાણતાં હોય પણ કોઇ બોલવાની હિંમત ન કરે. ગુંડાઓ સામે જુબાની આપવાની હિંમત કોઇ રૂપેરી હીરોએ નહીં, એકમાત્ર અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કરી ત્યારે તેમના માટે એવું કહેવાયું હતું કે ‘ફિલ્મઉદ્યોગમાં એ એક જ મરદ છે’. એક-દોઢ દાયકા પહેલાં ફિલ્મોમાં હીરો ને હીરોઇન તરીકે કોણ હશે તે રૂપિયા રોકનાર નહીં, પણ અન્ડરવર્લ્ડના ‘ભાઇ’ઓ નક્કી કરતા હતા. એ સમયથી સંજય દત્તને ‘ભાઇ’લોગ સાથે નિકટનો નાતો રહ્યો છે. તેનો ઉપયોગ તેમણે ફિલ્મી બિરાદરીનાં કામ કરાવવા માટે કર્યો હોય તો પણ એટલાથી તેમનો ‘ભાઇપ્રેમ’ વાજબી ઠરી જાય છે?

પોતાની રચેલી ‘મેક બિલીવ’ની દુનિયામાં રાચતા ફિલ્મ ઉદ્યોગને ભલે એવું લાગતું હોય કે તેમની દુનિયા અલાયદી છે, પણ સંજય દત્ત કે સલમાનખાનના કેસ જેવા પ્રસંગે ફિલ્મ ઉદ્યોગને એ કડવી સચ્ચાઇનું ભાન થાય છે કે એમની દુનિયા પણ આ દેશના કાયદા અને બંધારણથી ઉપર નથી- ન હોઇ શકે. એવી જ રીતે, ફિલ્મ ઉદ્યોગ પોતાના પરિવારના આડી લાઇને ચડેલા સભ્યો માટે ગમે તેટલી લાગણી બતાવે, પણ એ વખતે તેમણે ભૂલવું ન જોઇએ કે અંગત લાગણી સાર્વત્રિક કાયદાનો- લૉ ઑફ ધ લેન્ડનો- પર્યાય હોઇ શકે નહીં.

Sunday, July 08, 2012

ચશ્મે બદ્‌દૂર: જાદુઇ ચિરાગની કમ્પ્યુટર આવૃત્તિ જેવા ‘ગુગલ ગ્લાસ’



કાચ વગરની, અડધીપડધી ફ્રેમ પહેરીને નીકળેલો એક માણસ   ઘરની બહાર નીકળે એટલે તેને જમણી આંખની સામેના ટચૂકડા જણાતા ડિસ્પ્લે પર, બહાર કેટલું તાપમાન છે તેનો આંકડો દેખાય છે. એટલામાં આંખ સામેના સ્ક્રીનના ખૂણે મિત્રનો મેસેજ આવે છેઃ ‘મળવું છે?’

ફ્રેમ પહેરનાર માણસ મૌખિક જવાબ આપે છેઃ ‘બપોરે બે વાગ્યે, સ્ટ્રેન્ડ બુક સ્ટોલ પાસે.’ એટલે બોલાયેલો સંદેશો સામા છેડે લેખિત સ્વરૂપમાં પહોંચી જાય છે. ફ્રેમધારી માણસ રસ્તા પર આગળ વધે તેમ આંખ સામેના સ્ક્રીન પર રસ્તાના નકશા આવતા જાય છે. અજાણી જગ્યાએ પહોંચવાનું હોય અને માણસ એ જગ્યાનું નામ બોલે, એટલે સ્ક્રીન પર ત્યાં સુધી પહોંચવાનો નકશો આવી જાય. રસ્તે આવતો એકાદ સબ-વે બંધ હોય તો એની માહિતી પણ મળી જાય છે. રસ્તામાં તે એક કાર્યક્રમનું પોસ્ટર જોઇને મૌખિક આદેશ આપે છે, એટલે કાર્યક્રમની ટિકિટોનું બુકિંગ થઇ જાય છે. એક દૃશ્યનો ફોટો પાડીને પોતાના સર્કલમાં શેર કરવાનો આદેશ આપતાં જ, ફોટો પડી જાય છે અને સૌ મિત્રોને પહોંચી જાય છે. આંખ સામેના એ સ્ક્રીનની મદદથી તે વિડીયો ચેટંિગ કરી શકે છે, પોતાને જે દૃશ્ય દેખાતું હોય તેની વિડીયો લાઇવ ઇન્ટરનેટ પર બતાવી શકે છે, ચાલતાં ચાલતાં હાથ ઝુલાવતાં ઝુલાવતાં એ ફેસબુક પર સ્ટેટસ મુકી શકે છે અને મેસેજ મોકલી શકે છે....

આ વર્ણન કોઇ વિજ્ઞાનકથાનું નહીં, પણ ‘ગુગલ’ના તિલસ્મી ગ્લાસ (ચશ્મા)ની કામગીરી દર્શાતા વિડીયોનું છે. હમણાં સુધી ‘ગુગલ’ કંપનીના ‘પ્રોજેક્ટ ગ્લાસ’/ Project Glass વિશે સાવ ઓછી માહિતી ઉપલબ્ધ હતી, પરંતુ ગયા સપ્તાહે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી ગુગલની ડેવલપર્સ માટેની વાર્ષિક કોન્ફરન્સમાં ગુગલ ગ્લાસ/ Google Glassના કેટલાક પરચા જાહેર થયા. જેમ કે, કેટલાક સાહસિકોએ ગુગલ ગ્લાસ સાથે વિમાન (ઝેપેલીન) માંથી નીચે ઝંપલાવ્યું અને તેમની આંખે દેખાતો નજારો કોન્ફરન્સ હોલના પડદા પર, સૌની સામે લાઇવ રજૂ કર્યો.


ગુગલ ગ્લાસની ચમત્કારિક લાગે એવી કામગીરી વિશે જાણીને ‘સિક્સ્થ સેન્સ’થી જાણીતા ગુજરાતી પ્રણવ મિસ્ત્રીની યાદ આવે. પહેરી શકાય એવી (વેરેબલ) કમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધનો માટે પ્રણવ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. એ સિવાય હૃદયના ધબકારા  અને બ્લડસુગરનું લેવલ માપતાં સાધનોથી માંડીને દોડવાની ઝડપ, કપાયેલું અંતર, બળેલી કેલરી જેવાં અનેક નાનાંમોટાં કામ અને શારીરિક માહિતી પૂરી પાડતાં સાધનો અત્યારે ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યની પ્રચંડ શક્યતાઓ ઘ્યાનમાં રાખતાં આ બઘું સાવ આરંભિક- નર્સરીની કક્ષાનું લાગે. માઇક્રોસોફ્‌ટ, એપલ અને ગુગલ જેવી અગ્રણી કંપનીઓ તેનાથી ઘણી આગળ વધવા માગે છે. તે કમ્પ્યુટરને પહેરી શકાય એવાં કરવાને બદલે, કમ્પ્યુટિંગ ટેકનોલોજીને સીધાસરળ સ્વરૂપે, કશી અડચણ વિના પહેરી શકાય એ રીતે રજૂ કરવા માગે છે. લેખની શરૂઆતમાં આપેલું વર્ણન તેનો એક નમૂનો છે. 

ગુગલ ગ્લાસનું વર્તમાન, પ્રાયોગિક-પ્રોટોટાઇપ સ્વરૂપ કેમેરા, ટચ પેડ, જાયરોસ્કોપ, એક્સલરોમીટર, કંપાસ, ટચૂકડાં માઇક્રોસ્કોપ અને સ્પીકર જેવાં સાધનો અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. ઇન્ટરનેટ સાથે તેનું જોડાણ વાઇ-ફાઇ અને બ્લૂ ટૂથ વડે થાય છે. બેટરીથી ચાલતા ચશ્માને ચાલુ-બંધ કરવા માટે બાજુ પર બટન છે. તેનાથી તસવીરો પણ ખેંચી શકાય છે. તસવીરો માટે બીજો વિકલ્પ છેઃ દર દસ સેકન્ડે આપમેળે ફોટો ક્લિક થયા કરે.  એ રીતે બાઇક ચલાવતાં કે પહાડ ચડતાં આજુબાજુનાં દૃશ્યોની તસવીર સતત ખેંચી શકાય. કેમેરા હાથને બદલે આપણી આંખમાં જ હોય તો કેવી આશ્ચર્યજનક તસવીરો લઇ શકાય તેનો એક નમૂનોઃ

ફ્રેમની બાજુ પર રહેલા ટચપેડ ઉપરાંત (જાયરોસ્કોપના પ્રતાપે) માથું હલાવવા જેવી ચેષ્ટાઓથી પણ ચશ્માને કમાન્ડ આપી શકાય, એવી ગણતરી છે.

‘હેન્ડ્‌સ ફ્રી કેમેરા-કમ-સ્માર્ટ ફોન’ની ગરજ સારતા ગુગલ ગ્લાસના ઉપયોગોની શક્યતાનો પાર નથી. તેના થકી ફક્ત સાહસયાત્રાઓનું જ નહીં, કૌટુંબિક મેળાવડા અને મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિનું પણ લાઇવ વિડીયો સ્ટ્રીમિંગ થઇ શકે છે. ખરીદી કરતી વખતે લાઇવ વિડીયો ચેટના અંદાજમાં ચીજવસ્તુની પસંદગીથી માંડીને ભાવતાલ વિશેનું માર્ગદર્શન આપી-લઇ શકાય છે. આવાં કામોની યાદી અનંત છે. એક વિકલ્પ સર્ચની સુવિધા ઉમેરવાનો પણ છે. જો એ શક્ય બને તો પછી, ચશ્માનું બટન દબાવીને મૌખિક સવાલ પૂછવાનોઃ ‘ભારતની રાજધાની કઇ?’ તરત આંખ સામે ‘દિલ્હી’નું નામ અને ભલું હોય તો નકશામાં દિલ્હીનું સ્થાન પણ આવી જશે.

આવતા વર્ષે ૧૫૦૦ ડોલરમાં ફક્ત ડેવલપર્સ માટે ઉપલબ્ધ થનારા ગુગલ ગ્લાસમાં હજુ ઘણું કામ થવું બાકી છે, પરંતુ તેનો પાયો જે રીતે મંડાયો છે એ જોતાં, ગુગલ ગ્લાસ વાસ્તવિકતા બને તે થોડાં વર્ષનો જ મામલો છે. કંપની ૨૦૧૪થી સામાન્ય ગ્રાહકો માટે બત્રીસ લક્ષણા ગુગલ ગ્લાસ (૧૫૦૦ ડોલર કરતાં ઘણી ઓછી કિંમતે) બજારમાં મૂકવા ધારે છે. તેના અત્યારે કરાયેલા બધા દાવા સાચા પડે તો, એ ગ્લાસ પહેરનારને સ્માર્ટફોન કે ટેબ્લેટ વાપરવાની ખાસ જરૂર નહીં રહે. કારણ કે તેમના થકી કરવાનાં બધાં કામ, ખુલ્લા હાથે અને મૌખિક આદેશથી, ચશ્મા વડે પાર પડી જશે. સ્માર્ટફોન-ટેબ્લેટની ઉપયોગીતા અનેક ગણી વધારી મૂકતાં એપ્સ (જુદી જુદી એપ્લિકેશન્સ) ગુગલ ગ્લાસમાં પણ સામેલ કરવામાં આવશે.

એક તરફ ગુગલ ગ્લાસ ટેકનોલોજીની ઉત્ક્રાંતિને નવી દિશા આપી શકે એવા મનાય છે, તો તેને લગતા કેટલાક સવાલ પણ પૂછાઇ રહ્યા છે. સૌથી પહેલો અને પ્રાથમિક સવાલ ચશ્માના વજનને લગતો અને નંબર ન હોય એવો માણસ ચશ્મા પહેરવાનું પસંદ કરશે કે કેમ, એ છે. ગુગલના કર્મચારીઓ સિવાયના બીજા કેટલાક ચશ્મા પહેરી જોનારા એકમતે સ્વીકારે છે કે તેનું વજન બહુ ઓછું છે અને ચશ્મા પહેર્યાનો ભાર જરાય લાગતો નથી. ‘પ્રોજેક્ટ ગ્લાસ’ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે આંખ સામેના સ્ક્રીન પર મેસેજ કે બીજી માહિતી તરીકે આવતો રહેતો ડેટા આંખને તેની સામાન્ય કામગીરીમાં બિલકુલ અવરોધરૂપ નહીં બને. ફ્રેમ પર સ્ક્રીન એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે આંખ તેની સહેલાઇથી અવગણના કરી શકે અને ઇચ્છે ત્યારે જ સ્ક્રીન પર જોઇ શકે.

ફોન અને ટેબ્લેટને કારણે માણસોને સતત સ્ક્રીનમાં મોં ખોસીને આજુબાજુના જીવતાજાગતા માણસોને અવગણવાની આદત પડતી જાય છે, ત્યારે ગુગલ ગ્લાસથી એ સમસ્યા વઘુ નહીં વકરે? એવા સવાલનો કંપની તરફથી અપાતો જવાબ ‘ના’ છે, પરંતુ નવી ટેકનોલોજીના ઉપયોગ અને તેની આડઅસરો વિશે પહેલેથી ખાતરીપૂર્વક કંઇ જ કહી શકાતું નથી.

ગુગલ ગ્લાસ પોતે પ્રોસેસિંગ અને ડેટા સ્ટોરેજની સારી એવી ક્ષમતા ધરાવે છે. છતાં, તેનો એક મૂળભૂત આશય ડેટા સ્ટોરેજ કરતાં ડેટા શેરિંગનો- એટલે કે પોતાના વર્તુળોને તસવીરો અને વિડીયો મોકલતા રહેવાનો વધારે છે. ગ્લાસમાં સ્ટોર થયેલો ડેટા ફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં લઇ શકાય છે. પરંતુ સવાલ એ થાય કે તસવીરો અને વિડીયો લેવાનું આટલું સહેલું બની ગયા પછી, તેમનો કેવો ખડકલો થશે? અને તેનો યથાયોગ્ય વહીવટ- તેમની સરખી ગોઠવણ કેવી રીતે શક્ય બનશે?

બીજી તરફ, ‘વેરેબલ કમ્પ્યુટર’થી બહુ અંજાતા ન હોય એવા લોકો પણ, કોઇ પણ જાતની મહેનત કે તકલીફ વિના પોતાના જીવનનું સતત રેકોર્ડિંગ કે શૂટિંગ થતું રહે એ ખ્યાલથી આશ્ચર્યચકિત થયા છે. એવા એક ઉત્સાહીએ ગણી કાઢ્‌યું છે કે રોજના છ કલાકની ઉંઘ બાદ કરતાં બાકીના બધા સમયનું રેકોર્ડિંગગ કરવાનું હોય તો વર્ષના ૪૫ ટેરાબાઇટના હિસાબે ૮૦ વર્ષનો ૪.૫ પેટાબાઇટ ડેટા થાય. ડેટાના ‘ટેરા’ અને ‘પેટા’ જેવા એકમો હજુ રોજબરોજના વપરાશમાં આવ્યા નથી, પણ જે રીતે ગીગાબાઇટની ક્ષમતા સામાન્ય અને સસ્તી બની છે એ જોતાં, નજીકના ભવિષ્યમાં ટેરા (૧ હજાર ગીગાબાઇટ) અને પેટા (૧૦ લાખ ગીગાબાઇટ) પણ સામાન્ય બની જાય તો નવાઇ નહીં. ડેટાના આટલા ખડકલાની સામાજિક, માનસિક આડઅસરો થવાની પૂરી શક્યતા છે, પણ વેરેબલ ટેકનોલોજીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઇ અટકાવી શકે, એવું અત્યારે તો લાગતું નથી.

કાચ વગરની ફ્રેમ પહેરીને ફરનારાનો દેખાવ અત્યારે ભલે વિચિત્ર લાગતો હોય, પણ ગુગલ ગ્લાસ સફળ થશે તો એકાદ દાયકામાં હાથમાં ફોન કે ટેબ્લેટ લઇને ફરનારા એવા વિચિત્ર દેખાતા થઇ જશે.