Wednesday, July 29, 2020

સાચું બોલ્યે કૂતરાં કરડે?

કહેણી તો ‘જૂઠ બોલે કૌઆ કાટે’ની અને ‘કાગડા બધે કાળા’ની છે. કાગડાની કાળાશને તેમની જૂઠ પારખવાની ક્ષમતા સાથે કોઈ સંબંધ હોવાનું સંશોધન વોટ્સએપ સહિતની એકેય યુનિવર્સિટીએ કર્યાનું જાણ્યું નથી. હા, દંતકથા પ્રમાણે, માનસરોવરના સફેદ હંસ નીરક્ષીરવિવેક કરીને સાચું-જૂઠું તારવી શકે છે, એકબીજાથી સ્વતંત્ર છતાં તર્કસંબંધ ધરાવતી આ હકીકતોથી સાબિત થાય છે કે આવી કહેવતોથી કશું સાબિત થતું નથી. આજ સુધી કાગડા સામાન્ય સંજોગોમાં માણસને કરડ્યા હોવાનું જાણ્યું નથી. તેમની સરખામણીમાં કૂતરાં માણસને કરડવા માટે કુખ્યાત છે, પણ સમાચારની આદર્શ વ્યાખ્યા પ્રમાણે, કૂતરું માણસને કરડે તે નહીં, માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. એટલે કૂતરાંના કરડવા વિશેનો પૂરતો અભ્યાસ થયો નથી. પરિણામે, ‘સચ બોલે કુત્તા કાટે’ જેવી કોઈ કહેણી બની નથી.

વાતવાતમાં કેટલાક કહેતા હોય છે, ‘ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એનાં બોર વેચાય..બોલો, આમાં શું સમજવું? ગુજરાતી ભાસા તો છે જ એવી...’ આ સમસ્યાનો કાયમી નીવેડો લાવવાના આશયથી અહીં જણાવવામાં આવે છે કે આ કહેવતોમાં કશો વિરોધાભાસ નથી. બંને કહેવતોનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હતું : ‘સાચું બોલ્યામાં નવ ગુણ’ અને ‘જૂઠું બોલે તેનાં બોર વેચાય’. અહીં ‘નવ’નો અર્થ નવનો આંકડો કે નવવધૂમાં થાય છે તેવો નહીં, પણ નર્મદની પંક્તિ ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ પ્રમાણેનો લેવાનો છે. એક માન્યતા એવી પણ છે કે કહેવતનું મૂળ સ્વરૂપ ‘સાચું ન બોલ્યામાં નવ ગુણ’ એવું હતું. મતલબ, સાચું ન બોલવાને કારણે (ઓછામાં ઓછા) નવ પ્રકારના ફાયદા થાય છે. (એ વિશેની વધુ વિગતવાર માહિતી માટે ગાંધીનગર-દિલ્હીનો સંપર્ક સાધવો.)

આપણા દેશમાં અમસ્તો સત્યનો અપ્રમાણસરનો મહિમા થયેલો હતો-અલબત્ત, પુસ્તકોમાં જ. એમાં વળી ગાંધીજી આવ્યા અને તેમણે સત્યને ઇશ્વરના સ્થાને સ્થાપી દીધું. ગમે તેટલા સારા માણસને કે સારા ગુણને ભગવાન બનાવવાથી શું થાય એ આપણે જાણીએ છીએ—ભલે, જાણ્યા પછી પણ એવું કરવાનું છોડી ન શકતા હોઈએ. એટલે એક તરફ ગાંધીજીનું ‘સત્ય ઇશ્વર છે’, બીજી તરફ આઝાદ ભારતનો  મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’. આ બંનેને સાથે મૂકીને કોઈએ સાર કાઢવા કોશિશ ન કરી કે ‘આખરે’ એટલે માણસ ઇશ્વર પાસે જાય ત્યાર પછી સત્યનો વિજય થાય છે. અથવા સત્ય પાસે જવું હોય તો સત્યને ઇશ્વરતુલ્ય ગણીને ઇશ્વર પાસે જવું પડે.આ સંજોગોમાં શું સરકાર કે શું પ્રજા, અસત્યને ભજે તો તેમાં તેમનો શો વાંક?

વર્તમાન સરકારના રાજમાં અસત્યની રંગેચંગે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. એ પ્રક્રિયા ઑનલાઇન થઈ હોવાને કારણે ઘણા લોકોને સરકારપ્રેરિત, સરકારપ્રોત્સાહિત કે સરકારઉપેક્ષિત અસત્યનાં મંદિરો દેખાતાં ન હોય એ જુદી વાત છે. ‘મંદિર વહીં બનાયેંગે’ જેવા કોઈ નારા વિના જ સાયબર સ્પેસમાં (ઇન્ટરનેટ પર) અસત્યનાં મંદિર બની ગયાં છે, જેને અશ્રદ્ધાળુઓ ‘સાયબર સેલ’ તરીકે ઓળખે છે. તેના પૂજારીઓ અને ભક્તજનોની ‘અશ્રદ્ધાળુઓ’ સાથે અવારનવાર લડાઈઓ ચાલતી હોય છે. પણ અશ્રદ્ધાળુઓ સાયબર સેલના એક અસત્યનો છેદ ઉડાડે ત્યાં સુધીમાં બીજાં બે અસત્યો તેનું સ્થાન લેવા તૈયાર હોય છે. પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી ન શકતા અબુધો કે અસત્યનારાયણમાં શ્રદ્ધા ન ધરાવતા નાસ્તિકો આ ધર્મયુદ્ધને ‘ટ્રોલિંગ’ કે ‘ફેક ન્યૂઝ’ જેવી યવન સંજ્ઞાઓથી નીંદવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાયબરસેલની નાભિ ક્યાં છે અને તેમાં રહેલા અમૃતકુંભને શી રીતે ભેદવો, તે સમજવામાં હજુ સુધી તેમને ઘોર નિષ્ફળતા મળી છે.

સવાલ માત્ર અસત્યનારાયણમાં શ્રદ્ધા-અશ્રદ્ધાનો નથી. દુનિયાદારીની સાદી ભાષામાં વાત કરીએ તો, સત્ય મોટા ભાગના લોકોને પકાઉ, કંટાળાજનક, એકવિધ, બોરિંગ લાગે છે. કારણ કે તે મોટે ભાગે એવું જ હોય છે. સાતત્ય એ સત્યનો મૂળભૂત ગુણ છે અને સાતત્ય એ કંટાળાનું જન્મસ્થળ છે. એક જ વાત, ભલે તે ગમે તેટલી સો ટચની સાચી હોય તો પણ, એક માણસ કેટલી વાર સાંભળી શકે? માણસની સહનશક્તિની ક્યારેક તો હદ આવે કે નહીં? ક્યારેક તો તે બરાડી ઉઠે ને કે, ‘બસ, હવે બહુ થયું. આ સત્ય સાંભળી સાંભળીને કાન ને માથું પાકી ગયાં. કંઈક નવું હોય તો કહો.’ આવું થાય તેમાં વાંક કોઈનો નથી—બરાડી ઉઠનારનો પણ નહીં ને સત્યનો પણ નહીં. સત્ય જે છે તે છે. તેને ‘ફિલ્મી સિતારોંકા સૌદર્ય સાબુન’થી નવડાવીને, ફૅરનેસ ક્રીમ લગાડીને આકર્ષક-મનમોહક સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તો પછી મોટા ભાગના લોકોને તે નીરસ અને બોરિંગ લાગે તેમાં શી નવાઈ? તેની સરખામણીંમાં જૂઠાણાંમાં કેટકેટલી શક્યતાઓ રહેલી છે? મોટા ભાગના કિસ્સામાં સાચો જવાબ એક જ હોય છે, જ્યારે જૂઠા જવાબોમાં મેઘધનુષી વૈવિધ્યને સ્થાન રહે છે.

કોઈને લાગે કે આ બધું ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન છે અને તે સાચું હોય તો પણ કોણ સમજવાનું? તો તેમને જણાવવાનું કે આપણી સરકાર આ બધું સમજે છે. એટલું જ નહીં, બીજી સમજ અમલમાં મૂકે કે ન મૂકે, પણ આ બાબતની સમજ બરાબર અમલમાં મૂકે છે. એટલે તો આટલા મોટા પાયે સાયબર સેલ સ્વરૂપે જૂઠાણાંની ફૅક્ટરીઓ બેરોકટોક ધમધમે છે અને સાચું કહેવા જનારને કૂતરાં કરડવાં ધસે છે.

Tuesday, July 28, 2020

ટ્વીટર પર ૧૦૦ વીડિયો : પ્રક્રિયાની મઝા, પ્રતિભાવોનો સ્વાદ ને દોસ્તીની સુગંધ

લૉક ડાઉનમાં આજુબાજુની દુનિયા બદલાય, તેની થોડી અસર અંદરની દુનિયા પર પણ થાય. સતત સક્રિય રાખે એવાં આનંદપ્રદ કામોની ખોટ ન હતી ને કામ વગરની છતાં ન-કામી ન કહેવાય એવી પ્રવૃત્તિઓની પણ ખોટ નહીં. છતાં, એકવિધતા ચાલુ થાય પછી તેને તોડવાની મહેનતને બદલે, તેને જામવા જ ન દેવી—એવું કંઈક મનમાં હતું. એટલે જનતા કરફ્યુની જાહેરાત પછીના સમયમાં વિચાર્યું કે કંઈક જુદું કરવું જોઈએ. 

આ ‘કંઈક જુદું’—ફિલ્મવાળા ને તેમના પછી કટારલેખકો જેને ‘કુછ હટકે’ કહે છે—તેની એક મોટી મુશ્કેલી છેઃ દુનિયાનાં ઘણાં પાપ ‘કુછ હટકે’- ‘કુછ અલગ’ના નામે જ થયાં છે. પુણ્ય કરવાની ક્ષમતા મર્યાદિત હોય ત્યારે નવાં પાપ ન ઉમેરવાં, એ પણ પુણ્ય જ ગણાય, એવી સમજ ઘણા વખતથી રહી છે. એટલે થોડું વિચાર્યું. એક આઇડીયા આવ્યો વીડિયો બનાવવાનો. પણ શાની?  થયું કે ગમતાં પુસ્તકોમાંથી કંઈક વાંચવું-મારાં ને બીજાંનાં પુસ્તકોમાંથી. પણ એમ કેટલું વંચાય? ને એટલી વારમાં વાત બને?

એટલે, હું જેમને બિનસત્તાવાર રીતે ‘મારાં સત્તાવાર સોશિયલ મીડિયા ગુરુ’ કહું છું તે, પરમ મિત્ર હેતલ દેસાઈને ફોન કર્યો.
***
હેતલ દેસાઈ સાથે સજોડે (દીપક સોલિયા) અને સ્વતંત્ર એમ બંને પ્રકારની મજબૂત દોસ્તી છે. દસેક વર્ષ પહેલાં ફેસબુક પર મને આગ્રહ કરીને તાણી લાવ્યો ભાઈ રોશન રાવલ (જે હાલ કેનેડા છે અને તસવીરોમાં અવનવી દાઢી સાથે જોવા મળે છે.) પણ ત્યાર પછી શરૂઆતમાં માર્ગદર્શન-સલાહસૂચન પાસેથી હેતલ મળતાં હતાં અને એ પણ અમારી વચ્ચે દર મિનિટે બે-ત્રણ વાર થતાં અટ્ટહાસ્યોની સરેરાશ સાથે.
દીપક સોલિયા-હેતલ દેસાઈ / Dipak Soliya-Hetal Desai
ટ્વીટર પર હેતલ ઘણા વખતથી છે. એટલે તેમની પાસેથી થોડી પ્રેક્ટિકલ વિગતો અને ટીપ્સ ઉપરાંત ભયસ્થાનોની માહિતી મેળવી. અગાઉ એક વાર નલિન શાહના પુસ્તક નિમિત્તે ટ્વીટર થોડા દિવસ માટે વાપરી જોયું હતું. છતાં, કેટલીક બાબતો સમરસિયા-સમવાંધા ધરાવતા સિનિયર પાસેથી જાણીએ તો સારું પડે. બીજી, ભૌગોલિક રીતે હવે દૂર, પણ આત્મીયતાની રીતે અત્યંત નિકટની મિત્ર નિશા પરીખ પણ વર્ષોથી ટ્વીટર વાપરે છે. તેણે પણ ટ્વીટર-સંસારની ઉપયોગી અને કામ લાગે એવી ઘણી વાતો કરી.
 નિશા પરીખ-સંઘવી / Neesha Parikh-Sanghavi
એ વખતે, એટલે કે ૨૧ દિવસના પહેલા લૉક ડાઉન દરમિયાન, ફેસબુક અને યુટ્યુબ પર ગુજરાતી હાસ્યનાં પુસ્તકોમાંથી થોડું વાચન કરીને તેની વીડિયો મુકવાનું ચાલુ કર્યું. ત્યારે જ ટ્વીટર પર પણ એકાઉન્ટ ખોલ્યું. પહેલા દિવસે ટ્વીટરની સૃષ્ટિની હિંસકતા જોઈને થયું કે આવી દુનિયામાં શી રીતે રહેવાય? રાત્રે દીપક (સોલિયા) સાથે વાત થઈ ત્યારે મેં કહ્યું કે મહેમદાવાદનો માણસ જિંદગીમાં પહેલી વાર મુંબઈની પીક અવર્સની ભીડમાં આવી ચડે ત્યારે જેવું લાગે, એવું ફેસબુક પરથી ટ્વીટર પર આવીને લાગ્યું. દીપકે કહ્યું, વાત તો સાચી છે. અઠવાડિયું રહી જા. પછી એવું લાગે તો નીકળી જજે.
***
પચીસેક વર્ષ પહેલાં દીપક મારા પહેલા ચીફ રીપોર્ટર હતા અને હું ટ્રેની રીપોર્ટર-કમ-સબ-એડિટર હતો, ત્યારે એક સાથીદારને અમારા સાહેબ સામે બહુ વાંધો પડી ગયો. તેમણે આકરા શબ્દોમાં વાંધો રજૂ કર્યો. હું તો સાવ નવો હતો. જોઈ રહ્યો. એ વખતે અમારા ક્યુબિકલમાં ભજવાયેલું દૃશ્ય યાદ રહી ગયું છે. દીપકે પેલા સાથીદારના આક્રોશને સંપૂર્ણ સમર્થન આપ્યું અને કહ્યું કે ‘ખરી વાત છે. આવી જગ્યાએ તો કંઈ કામ થતું હશે? અહીંથી તો રાજીનામું જ આપી દેવું જોઈએ. લાવ, હું તને રાજીનામું લખી આપું.’ એમ કહીને તેમણે કાગળ લીધો અને પોતાના હાથે રાજીનામું લખ્યું. પછી કકળાટ કરનાર પેલા સાથીદારને કહે, ‘લે કરી દે સહી.’ રાજીનામા પર સહી થઈ ગઈ. પછી? દીપકે શાંતિથી, ઠંડકથી એ સાથીદારને સમજાવીને તેમની આર્થિક જવાબદારીની અને એકંદર પરિસ્થિતિની વાત કરી અને યોગ્ય વિકલ્પની વ્યવસ્થા થાય ત્યાર પછી અચૂક નોકરી છોડવી એવી સમજ પાડી. આખરે, બધાં ઊભાં થયાં અને દીપકે રાજીનામું ડૂચો વાળીને ડસ્ટ બિનમાં નાખ્યું.

મારા ટ્વીટરના કિસ્સામાં પણ પ્રકારાંતરે કંઈક એવું જ થયું. દીપકે કહ્યું કે અઠવાડિયું રોકાઈ જા. દરમિયાન, પહેલા દિવસની હિંસકતાથી ભડક્યા પછી હું મનની શાંતિ સાથે રહી શકાય એ માટેની પદ્ધતિઓ વિચારતો અને અમલમાં મૂકતો ગયો..
*** 
હેતલની ટિપ્સ, નિશા સાથેની ગોષ્ઠિ અને મારી માનસિકતાને આધારે એટલું નક્કી ઠર્યું કે-
૧. હું ટ્વીટર પર વાહિયાત કે તકરારી લોકો સાથે સંવાદ સાધવા આવ્યો નથી. એટલે કોઈ પણ ફાલતુ દલીલોના કે ટીકાટીપ્પણીઓના જવાબ આપવા નહીં. કેમ કે તેમાં સંવાદની કશી અપેક્ષા કે શક્યતા હોતી નથી. એવી પ્રજાની સદંતર અવગણના કરવી. (આમ તો ઘણા સમયથી ફેસબુક પર પણ, ન સમજવાની પ્રતિજ્ઞાવાળાને સમજાવવાના પ્રયાસો બંધ કર્યા છે.)
૨. ટ્વીટર પર સામાન્ય ચલણ બહુ બધા જાણીતા લોકોને ફૉલો કરવાનું છે. ભાઈ તપને મને સદ્‌ભાવથી સૂચવ્યું પણ હતું ને તેના ફાયદા પણ છે. કારણ કે, એ લોકો જે લખે તે સીધું વાંચવા મળે. બીજાં પણ કારણ  હશે. છતાં મારી પોતાની રુચિ કહો કે પાચનશક્તિ કે સમયશક્તિ, એ બાબતમાં મર્યાદિત છે. એટલે મારે એટલા જ લોકોને ફૉલો કરવા જોઈએ, જેમની સ્પર્શેલી કે મુકેલી સામગ્રીના જથ્થાને હું જોઈ શકું. બાકી, મન થાય ત્યારે ફૉલો કર્યા વિના સીધું પણ વાંચી જ શકાય છે.
૩. ટ્વીટર મારા માટે મુખ્યત્વે ગુજરાત સિવાયના અપરિચિત લોકો સાથેના સંપર્કનું માધ્યમ છે. (ગુજરાતના મિત્રો સાથે ફેસબુક પર સંપર્ક છે જ.) એટલે ત્યાંનો વ્યવહાર હિંદી-અંગ્રેજીમાં જ રાખવો.
૪. ટ્વીટર પર હિંસક દલીલો અને ખેંચતાણનો પાર નથી. વિચારધારાના તાણી જાય એવા ધસમસતા પ્રવાહો છે. તેનાથી બચીને ચાલવાની કોશિશ કરવી.
૫. ટ્વીટર પર ક્યાં સુધી રહેવાશે, તેની ખબર નથી. એટલે તેને અજમાઈશી જ ગણવું.

***

ટ્વીટર પર છબછબિયાં ચાલતાં હતાં, ત્યાં જ ૨૧ દિવસનું પહેલું લૉક ડાઉન પૂરું થયું. એટલે ફેસબુક પરનો ગુજરાતી હાસ્યલેખનની વીડિયોનો સિલસિલો પણ અટક્યો. કેમ કે, તે ૨૧ દિવસ સુધી કરવાનું જ વિચાર્યું હતું. હવે? હેતલ સાથેની વાતચીતમાં મેં વીડિયો ચાલુ રાખવાની વાત કરીને કહ્યું કે હવે ટ્વીટર પર કંઈક કરીએ તો? હાસ્યવ્યંગની ટૂંકી વીડિયો મુકીએ તો? હેતલે કહ્યું કે હા, એ ફોર્મેટ બહુ સારું છે. તેમણે એવા બે-ત્રણ નમૂના પણ મોકલ્યા અને કહ્યું કે ટ્વીટર માટે એવી વીડિયો બહુ અનુકૂળ રહેશે.

 વ્યંગની વીડિયોનું શું સ્વરૂપ હશે, એ નક્કી ન હતું. પણ હાસ્યલેખનની જેમ મૌખિક હાસ્યમાં પણ કેટલીક બાબતો સ્પષ્ટ હતી. અંગ્રેજી-હિંદી સ્ટેન્ડ અપ કૉમેડીવાળા વિના કારણે, સ્ટાઇલના ભાગરૂપે ગાળો છાંટતા હોય છે. મને હંમેશાં થાય કે ભાઈ/બહેન, આપણે લોકોને ગાળો બોલીને હસાવવા પડે, તેનો શો અર્થ? જેમને આવડે છે એવા લોકો પણ વધારાના પંચ માટે ગાળોનો છૂટથી બલકે ધરાર ઉપયોગ કરે. એવો ધંધો ન થવો જોઈએ. બીજું, પત્નીની કે સ્ત્રીઓની રમૂજ માટે સદંતર નો એન્ટ્રી. 

ગંભીર ચહેરે મસ્તી કરવી એવો આછોપાતળો વિચાર હતો અને વ્યાજસ્તુતિ (વખાણના સ્વરૂપમાં છોલવી) એ મુખ્ય પદ્ધતિ. એટલે બહુ લાંબુ વિચાર્યા વિના, ફેસબુક પરની વીડિયો બંધ થઈ તેના બીજા જ દિવસથી ટ્વીટર પર, હિંદીમાં હાસ્ય-વ્યંગની વીડિયોનો અખતરો શરૂ કર્યો. શરૂઆતમાં ટ્વીટર પરની ઓળખાણ (ટ્વીટર-બાયો) થોડી ગંભીર હતી. વીડિયોની શરૂઆત પછી તે ટૂંકી ને ટચ કરી નાખીઃ ગુજરાતી રાઇટર-સેટાયરિસ્ટ એન્ડ ટેકિંગ ઇટ ઇઝી. ટૂંકમાં, પાર્ટી મઝા કરી રહી છે અને કોઈની બળતરાની કે કાંકરીચાળાને ગણકારવાની નથી.

ગાડી ચાલુ થઈ. આકાર પટેલ, રામચંદ્ર ગુહા, સલિલ ત્રિપાઠી જેવા કેટલાક સાથે ટ્વીટર-જોગીઓ સાથેના ઑફ લાઇન પરિચયને કારણે, તેમના દ્વારા થતા મારી વીડિયોના રીટ્વીટને કારણે, એ ગાડીને થોડો વેગ મળતો રહ્યો. પણ વચ્ચે વચ્ચે કેટલીક હનુમાનકૂદકાની ક્ષણો આવી અને તેમાંની પહેલી તો બહુ ઝડપથી. ત્રીજી જ વીડિયો સ્વરા ભાસ્કર અને બબિતા ફોગાટ વચ્ચેની બબાલ અંગે હતી. વીડિયો મૂકી ને એકાદ કલાક પછી જોયું તો નૉટિફિકેશનના આંકડા બગડેલા મીટરની ઝડપે ફરવા લાગ્યા હતા. મને થયું કે આ વળી શું હશે? શાંતિથી જોતાં સમજાયું કે 'લિસન અમાયા' ફિલ્મથી ગમતી બનેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરે એ વીડિયો શૅર કરી હતી. એટલે નૉટિફિકેશનનો કાંટો ગાડીને બદલે જેટની ગતિએ ફરતો હતો.

ત્યાર પછી સો વીડિયો સુધીની સફરમાં કેટલાક મઝાના નવા પરિચય થયા. ફક્ત વીડિયોના કારણે-તેનાથી પ્રસન્ન થઈને આનંદ વ્યક્ત  કરનારા-ઇન બોક્સમાં મેસેજ કરીને લાગણી વ્યક્ત કરનારા મળ્યા. 'બિઝનેસવર્લ્ડ'ના એક સમયના તંત્રી- Early Indiansના લેખક  ટૉની જોસેફ અને હિંદી 'જનસત્તા'ના તંત્રી ઓમ થાનવી જેવા વરિષ્ઠોથી માંડીને  ઘણાએ મારી વ્યંગ-વીડિયોને પસંદ કરી અને પ્રોત્સાહન આપ્યું. મને જેમની અભિવ્યક્તિ ગમતી હોય, એવા લોકો ફૉલો કરતા થયા એટલે લાગ્યું કે દિશા તો બરાબર લાગે છે. કોઈ પણ તબક્કે અને કોઈ પણ ઉંમરે, સાવ નવી જગ્યાએ, સાવ અજાણ્યા લોકો તરફથી, બીજી કોઈ ગણતરી કે અપેક્ષા વગર, કેવળ કામની કદરના શબ્દો સાંભળવા મળે, તેની મઝા હોય છે. એ ફુલાઈને ફાળકો થવા  કે હવામાં ઉડવા માટે નહીં, પણ ગુણવત્તાની કદર તરીકે મીઠા લાગે છે. આવું કામ ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે, એટલા આનંદ અને એટલી ‘કીક’ માટે પણ તે બહુ ગુણકારી નીવડે છે. 

પત્રકારત્વની શિસ્તની તાલિમને લીધે, એક પણ દિવસ ખાડો પાડ્યા વિના સતત ૧૦૦ દિવસ સુધી સાંપ્રત વિષયો પર દોઢ-બે-સવા બે મિનીટની વીડિયો બનાવવાનું શક્ય થયું અને એક પણ દિવસ મનથી વેઠ ઉતાર્યા વિના. વીડિયોમાં અવાજના કે એવા ટેકનિકલ પ્રશ્નો થોડા હતા અને હજુ તે પ્રોફેશનલ કક્ષાની નથી.  પણ એ જાણીને આનંદ થયો કે 'સોફ્ટવેર' મજબૂત હોય તો 'હાર્ડવેર'ની અમુક હદની મર્યાદાઓ લોકો નજરઅંદાજ પણ કરી શકે છે.
***
દીપકે કહેલું અઠવાડિયું તો ક્યારનું પૂરું થઈ ગયું. રોજની એક લેખે સો વીડિયો એટલે તો ત્રણ મહિના ઉપરનો સમય થયો. આ સિલસિલો ક્યાં સુધી ચાલશે અને ક્યાં લઈ જશે એની ખબર નથી. કારણ કે તે કશી અપેક્ષાથી શરૂ કર્યો ન હતો. હાસ્યવ્યંગનું બોલવાનું અને તે પણ હિંદીમાં કેવુંક ફાવે છે, એ જોવાનો હેતુ હતો. હા, મામલો મુખ્યત્વે બોલવાનો જ છે. વિષય પૂરતા કેટલાક મુદ્દા કે ક્યારેક થોડી લાઇનો નોંધવાની થાય. પણ પછી તો કેમેરા સામે સુઝે તે ખરું. એડિટિંગની સુવિધા હોય એટલે ચિંતા નહીં. 

આરંભે શૂરા થઈને રહી ન જવાય, એ માટે પહેલેથી એક ઠેકાણે વિષયો ને મુદ્દા નોંધવાનું શરૂ કરેલું. લેસન ગણો કે લખાણ ગણો, જે ગણો તે આ. મનમાં લેસન થયું હોય. કી વર્ડ જેવું થોડું હોય. પંચલાઇનોમાંથી કેટલીક લખેલી હોય. તેની પર નજર ફેરવીને કેમેરા સામે બેસી જઈએ એટલે થોડા રીટેક સાથે કાચું રેકોર્ડિંગ પૂરું. ઘણી વાર ડાયરી પણ સાથે જ હોય. ડાયરીની નોંધનો પણ એક નમૂનો, કોઈ મહાન સિદ્ધિના મેમેન્ટો તરીકે નહીં, પણ એક જુદા કામની પ્રક્રિયાના મિત્રો સાથેના શૅરિંગ તરીકે. 
(નોંધઃ મારા અક્ષર આનાથી ઘણા સારા છે, પણ આ નોંધતી વખતે સારા અક્ષરે નહીં, ફક્ત નોંધી લેવાનો ખ્યાલ હોય છે. એટલે અમુક સમય પછી આપોઆપ ડીલીટ થઈ જતા મેસેજની જેમ, આ લખાણોની મારી જ નોંધ મને નહીં ઉકલે એવી પૂરી સંભાવના:-)


વીડિયો શરૂ કરતી વખતે તે કેવળ આનંદ અને મસ્તી માટેનો ઉપક્રમ હતો. માત્ર એટલું જ વિચાર્યું હતું કે તેને સાવ અંતરિયાળ છોડી ન દેવો. એટલે, થોડા દિવસ પહેલાં એક ગુજરાતી ટીવી ચેનલમાંથી એક મિત્રના રેફરન્સથી ફોન આવ્યો અને તેમણે વીડિયો વિશે આનંદ વ્યક્ત કરીને તેમની ચેનલ પર ‘આવું કંઈક’ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે મઝા તો આવી. પણ મારે તેમને ચેતવવા પડ્યા હતા કે ભાઈ, બીજી વાત તો પછી, સાહેબલોકોની આવી ને આટલી છોલપટ્ટી તમારી સંસ્થાને અનુકૂળ આવશે કે નહીં, એ પહેલાં વિચારી જોજો. 

ટ્વીટર પર હું જેમને ફૉલો કરું છું એવા એક પ્રખ્યાત હાસ્ય-વ્યંગવાળા હેન્ડલે ઇન બોક્સમાં બહુ ભાવથી સંદેશો મોકલીને કહ્યું કે તમારી સામગ્રી બહુ સારી છે ને તે બહુ વધારે પ્રસારની અધિકારી છે. પણ તે ધીરગંભીર છે. અહીં બધું ઉછાંછળું વધારે ચાલે છે. તમે થોડુંક એવું કરી શકો તો આ જ સામગ્રી બહુ વધારે પ્રસરે. તેમની લાગણી બદલ અને મને સામેથી લખવાની તસ્દી લીધી, એ બદલ તેમનો ખરેખરો આભાર માનીને લખ્યું કે તમારી વાત સાચી છે, પણ મને જેમાં મારાપણું ગુમાવ્યા વિના આનંદ આવે, તે જ કરવું ફાવે છે.

ક્યારેક એવી ઇચ્છા થતી હતી કે ફેસબુક પર એ વીડિયો મુકું. બે-ચાર વાર લિન્ક મુકી પણ ખરી. એક તરફ લાગતું હતું કે ફેસબુકના કેટલાક મિત્રોને તેમાં આનંદ આવશે. બીજી બાજુ એવું લાગતું હતું કે ટ્વીટર પરની કેટલીક ચર્ચા કે અમુક મુદ્દા ફેસબુક પર કદાચ અજાણ્યા કે અપરિચિત લાગે. એટલે હવે એવો વિચાર થાય છે (નક્કી નથી) કે ફેસબુક પર અલગ પેજ બનાવીને ત્યાં ફક્ત આ હિંદી વીડિયો જ મૂકવી. તેમાં થોડો વહીવટ વધે છે, એટલે થોડી કીડીઓ ચડે છે. પણ જોઈએ.

સમાપન તરીકે, જે નિમિત્તે આ લખાયું તે સોમી વીડિયોની લિન્ક અને કેટલાક રીટ્વીટ-કમેન્ટના નમૂના— ટ્વીટર પર ગેરહાજર અને મારા ત્યાંના સંસારમાં રસ ધરાવતા પ્રેમી મિત્રોના લાભાર્થે.

૧૦૦મી વીડિયોની લિન્ક
https://twitter.com/i/status/1286966947343523840

૧૦૦મી લિન્કમાં વિશેષ આભારદર્શનની યાદી


મઝાના રીટ્વીટ-કમેન્ટના કેટલાક નમૂના 






અને ટ્વીટર પરના બે અંતિમ 😀 



Thursday, July 23, 2020

સાબુનું સમાજશાસ્ત્ર

કોરોનાકાળમાં સેનિટાઇઝરો, પેલી ઐતિહાસિક ઉક્તિની જેમ, આવ્યાં અને છવાઈ ગયાં. તેમાં જૂનાપુરાણા તંદુરસ્તીની ને સૌંદર્યની ને આરોગ્યની ને એવી કંઈક રક્ષા કરનારા સાબુ જાણે ધોવાઈ ગયા. સામાન્ય સંજોગોમાં તો સાબુનો મહિમા ગાવાનો ન થાય. કેમ કે અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં લઈને સાબુનાં અપ્રમાણસરનાં ગુણગાન ગાતાં જ હોય છે. પરંતુ અચાનક ખાબકતા પરગ્રહની જેમ ત્રાટકેલાં સેનિટાઇઝરોએ સાબુને હાંસિયામાં ધકેલી દીધા છે, ત્યારે તેમના વિશે વિચાર કરવાનો આ યોગ્ય સમય છે. આમ પણ, લદ્દાખ સરહદે શું થયું તેનો વિચાર કરી શકીએ તેમ નથી. કારણ કે સરકાર તરફથી કશી સત્તાવાર માહિતી મળતી નથી. ચીન અને કોરોનાના ધમપછાડા વચ્ચે ધારાસભ્યોના ખરીદવેચાણની પ્રવૃત્તિ શી રીતે ચાલતી હશે, એ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસના મગજમાં બેસે એવું નથી. પોલીસ અને પ્રધાનપુત્રમાંથી કોણ કોના બાપનું નોકર છે કે નથી, એ વિશે સુનિતા યાદવે સ્પષ્ટતા કરી દીધા પછી કોઈએ વિચારવાનુંj રહ્યું નથી. કોરોનાના કેસ સીધા લાખમાં વધી રહ્યા છે. એ વિશે સરકાર કશું વિચારતી હોય એવું લાગતું નથી, તો લોકો વિચારીને શું કરવાના? માટે, નાગરિકોએ વિચારવા માટે સાબુમહિમા જેવા મુદ્દા સૌથી સલામત છે.

શ્રીશ્રી નહીં, અસલી રવિશંકર મહારાજનું લોકો દ્વારા અઢળક ટંકાયેલું ને ભાગ્યે જ આચરાયેલું સૂત્ર હતું, ‘ઘસાઈને ઉજળા થઈએ.’ સાબુનું થોડુંક જુદું જીવનસૂત્ર છેઃ ‘ઘસીને ઉજળા કરીએ’. આ સૂત્ર અસલમાં કપડાંને લાગુ પડતું હતું, પણ ભારતીય યુવતીઓ વિશ્વસુંદરી બનવા માંડી, એટલે સૌંદર્ય પ્રત્યેની લોકોની જાગૃતિ એટલી વધી ગઈ કે સાબુ મેલ કાઢવા નહીં, ઉજળા થવા માટે વપરાવા લાગ્યો. ભારતમાં ધોળા હોવું એ સોંદર્યનો પર્યાય છે અને એ ગેરમાન્યતા પ્રસારવામાં સાબુએ ઘણો ભાગ ભજવ્યો છે. ટીવી પર સાબુની જાહેરખબરો જોતાં લાગે કે માણસોને ખાવાનું નહીં મળે તો ચાલી જશે, પણ ચોક્કસ બ્રાન્ડનો સાબુ મેળવવો એ તેમનો નાગરિકસિદ્ધ અધિકાર છે.

લોકોને લોકશાહીના નામનું નવડાવી નાખવા આતુર નેતાઓ માટે આ ગમતી વાત છે. કેમ કે, એક વાર માણસ પોતાના વિકાસને સાબુ થકી માપતો થઈ જાય, એટલે તેનામાં રહેલા નાગરિક વિશે નેતાઓને કદી ચિંતા કરવી પડતી નથી. તે એમ જ વિચારે છે કે ‘મારાં મા-બાપ પથ્થર ઘસીને નહાતાં હતાં, હું મોટો થયો ત્યારે બે રૂપિયાના લાલ સાબુના બે ભાગ કરીને, તેના એક અડધીયાથી નહાતો, પણ અત્યારે હું સુડતાલીસ રૂપિયાનો સાબુ વાપરું છું અને સિત્તેર રૂપિયાવાળો એક સાબુ મારા ધ્યાનમાં જ છે. મારી બેબી માટે તો હું ઇમ્પોર્ટેડ સાબુ લાવીશ. મેં જે વેઠ્યું છે તે એને નહીં વેઠવા દઉં.’

ઉદારીકરણ પહેલાંના સમયમાં ગ્રાહકો પાસે પસંદગી ઘણી મર્યાદિત હતી. ત્યારે પરદેશી સગાંવહાલાં ઘણી વાર આકર્ષક સુગંધવાળા સાબુ લઈને આવતાં. જેમની જિંદગી આખી લાલ સાબુ જોઈને ગઈ હોય અને સાબુમાંથી સુગંધ આવે એ વાત જેમને નેતા સાચું બોલે એવી આશ્ચર્યજનક લાગતી હોય, તેમની પાસે આવા પરદેશી સાબુ આવતાં તે સુખદ મૂંઝવણમાં મુકાઈ જતા. ગીતમાં હીરો હીરોઇનને ‘તુઝે દેખું કે પ્યાર કરું?’ એવું પૂછે, તેમ આ લોકોને સાબુ માટે થતું: આ સાબુની સુગંધ લઉં કે તેનાથી સ્નાન કરું? સુગંધ લીધા કરવામાં એ સાબુના સ્નાનથી વંચિત રહી જવાની બીક રહેતી અને સ્નાન કરી નાખવામાં સાબુ ગુમાવી દેવાની બીક. ટૂંકમાં કહીએ તો, લોક ડાઉન ચાલુ રાખવું કે નહીં, એ પ્રકારની મૂંઝવણ જેના બંને વિકલ્પોમાં નુકસાન જ હોય અને જે વિકલ્પ પસંદ કરીએતે ઓછો ખરાબ ધારીને અપનાવવાનો હોય.

એક સ્નેહી દ્વારા ઇંગ્લેન્ડથી સુગંધિત સાબુ આવ્યા પછી એક મિત્ર તેના પ્રેમમાં એવા પડ્યા હતા કે તેમણે સાબુ બાથરૂમને બદલે કબાટમાં મૂક્યો હતો. જ્યારે કબાટ ખોલે ત્યારે તે રૅપરની આરપાર આવતી (કે રૅપરની) સુગંધનો ‘કશ’ લઈ લેતા હતા. ‘સાબુ કેવો છે?’ એવું મિત્રો પૂછે ત્યારે તે છપ્પન ઇંચનું સ્મિત કરીને કહેતા, ‘બહુ ટૉપ છે... વાપરવાનું મન જ નથી થતું.’ સાબુ હોય કે સમજ, તેને વાપરવાને બદલે તેની સુગંધીના નશામાં રહેવાનું જ મન થયા કરતું હોય તો તે નકામું. પણ આવી બાબતમાં કોઈ સમજાવ્યું સમજે? ઘણા મહિના પછી મિત્રોના સતત આગ્રહને માન આપીને તેમણે આખરે સાબુનું અનાવરણ કર્યું, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સાબુની સુગંધી નહીં, તેનું સ્વરૂપ પણ વર્તમાનકાળ મટીને ભૂતકાળ બની ચૂક્યું હતું. સાબુ પથ્થર જેવો થઈ ગયો હતો અને તેને શરીરે લગાડતાં જૂના જમાનાના પથ્થર-સ્નાન જેવો જ અહેસાસ થતો હતો. દિલ પર સુકાયેલા સાબુનો નહીં, અસલી પથ્થર મૂકીને તેમણે એ સાબુને ફેંકી દેવો પડ્યો ત્યારે કેટલાક મિત્રોને લાગ્યું હતું કે દુઃખી મિત્ર ક્યાંક સાબુની શોકસભા ન રાખી દે. એ વખતે ફેસબુક ન હતું. બાકી તેમણે ‘મારા સાબુનું અવસાન’ એવું સ્ટેટસ લખ્યું હોત તો પણ નીચે પચાસ-સો ‘આર.આઇ.પી.’ની કમેન્ટ આવી ગઈ હોત.

ફક્ત સ્નાન-દ્રવ્યોના જ નહીં, સૌંદર્ય પ્રસાધનોના બજારમાં દબદબો ભોગવ્યા પછી કોરોનાકાળની પેદાશ જેવાં સેનિટાઇઝરના મુકાબલે સાબુ હાંફી ગયા છે. એ હાંફને કારણે નીકળતા ફીણને લોકો સાબુમાંથી નીકળતું સીધુંસાદું ફીણ ગણી લે છે, એ સાબુ-સમાજની કમનસીબી છે.

Monday, July 13, 2020

સીમાવિવાદ અને વડાપ્રધાન : ઇન્કાર, ઢાંકપિછોડો, જૂઠાણું, જાતપ્રસિદ્ધિ, આશ્વાસન ઉર્ફે જીત

ડિજિટલ સાપ્તાહિક નિરીક્ષક, ૧૩-૦૭-૨૦

સરહદી સમસ્યા વિશે સાવ ટૂંકમાં વડાપ્રધાનની વર્તણૂકનો હિસાબ મથાળામાં આપી દીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલના પરચા બરકરાર રાખવા માટે એવું પણ કહેવાયું કે ‘જોયું? દોભાલે ચીનના વિદેશી બાબતોના મંત્રી સાથે વાતચીત કરી, એટલે કેવું કોકડું ઉકલી ગયું ને ચીની સેના પાછી હઠવા લાગી.’ વિચારો, દોભાલની છબિની આટલી ચિંતા હોય, તો વડાપ્રધાનના મહિમાની ચિંતા કેટલી હશે? 

લદ્દાખ સરહદે સરકાર માટે સૌથી મોટો સવાલ વડાપ્રધાનની આબરૂનો હતો. આક્રમક રાષ્ટ્રવાદના ડિમડિમ વગાડીને અને મુખ્ય મંત્રી તરીકે ચીન સામે ચીપિયા પછાડીને આટલે પહોંચેલા વડાપ્રધાનના રાજમાં ચીની સૈન્ય સરહદે અવળચંડાઈ કરી જાય અને લાઇન ઑફ કન્ટ્રોલથી ભારતની બાજુએ ઘુસી આવે તે પહેલો ફટકો. ત્યાર પછી પણ મહિનાઓ સુધી તેમની સામે એવો કોઈ ખેલ પાડી ન શકાય કે જેથી વડાપ્રધાનને સુપરમૅન ગણતું ઑડિયન્સ રાજી થઈ જાય, એ બીજો ફટકો. વીસ ભારતીય જવાનોની શહીદીનો ડાઘ તો ચીની સૈનિકોનાં મૃત્યુનો આંકડો ચગાવીને ધોવાનો પ્રયાસ થયો. ક્યાંકથી ચાળીસ, તો ક્યાંકથી સો ચીની સૈનિકો માર્યા ગયાના સમાચાર વહેતા થયા. આ સમયગાળાની બીજી તાસીરઃ સત્તાવાર રીતે સરકાર કશું કહે જ નહીં. સૂત્રો થકી તે ગમે તેવા દાવા કરાવી શકેઃ દાવા ચાલે તો જશ ખિસ્સામાં ને દાવા જૂઠા પુરવાર થાય તો ‘અમે ક્યાં કશું કહ્યું જ છે?’

સૈન્યમાં અફસર તરીકે સેવાઓ આપી ચૂકેલા પત્રકાર અજય શુક્લે ૧૧ જુલાઇ,૨૦૨૦ના તેમના લેખમાં જે ચિત્ર આપ્યું છે તેનો સારઃ સમજૂતીની ફૉર્મ્યુલા પ્રમાણે, ગલવાન વૅલી વિસ્તારમાં બંને સૈન્યો તેમના વર્તમાન સ્થાનથી એક-એક કિ.મી. પાછાં ખસશે. મતલબ, ભારતની હદમાં આવેલા પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫ પાસે ચીની સૈનિકો બેથી ત્રણ કિલોમીટર જેટલા અને પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭-એ પાસે ઓછામાં ઓછા એક કિલોમીટર જેટલા ભારતની હદમાં રહેશે. એવી જ રીતે, પેન્ગોન્ગ લેક પાસે ચીની સૈનિકો ફિંગર-૪ની પહાડીથી પાછા ખસીને ફિંગર-૫ સુધી જશે, જ્યારે ભારતીય સૈનિકો ફિંગર-૪થી પાછા ખસીને ફિંગર-૩ સુધી આવશે. યાદ રહે કે અત્યાર લગી ભારતીય ચોકી ફિંગર-૪ સુધી હતી અને ભારતીય સૈન્ય ફિંગર-૮ સુધીના વિસ્તાર પર દાવો ધરાવતું હતું. નવી સમજૂતી પછી ભારતે ફિંગર-૮થી ફિંગર-૩ સુધી લગભગ દસેક કિ.મી.નો વિસ્તાર હાલપૂરતો જતો કરવાનો આવ્યો છે અને સંઘર્ષ પહેલાં જ્યાં ભારતની ચોકી હતી તે ફિંગર-૪ને બંને દેશો વચ્ચેના બફર ઝોન તરીકે સ્વીકારવો પડ્યો છે. 

નવાઈની તો નહીં, છતાં નોંધવા જેવી બાબત એ છે કે સરહદી મુદ્દે પણ વડાપ્રધાને તેમની રાબેતા મુજબની શૈલીથી જ કામ લીધું છે, જેમાં જમીની વાસ્તવિકતા કરતાં પ્રચારની જીત મહત્ત્વની ગણાતી હોય.

Tuesday, July 07, 2020

માસ્ક પ્રમોશન

ના, આ લેખને સ્કૂલો-કોલેજોમાં કોરોનાને લીધે અપાયેલાં માસ પ્રમોશન સાથે કશી લેવાદેવા નથી. તે કોરોનાકાળમાં માથે પડેલા ને શબ્દાર્થમાં મોઢે ચઢાવાયેલા માસ્ક વિશે છે. હોલિવુડની બે ફિલ્મોમાં માસ્ક ઉર્ફે એક જાદુઈ મહોરાની કથા હતી, જે પહેરવાથી માણસ સર્વશક્તિમાન થઈ જાય. એમ તો સર્વશક્તિમાન બનવાની ઝંખનાથી ચહેરા ઉપર મહોરું (માસ્ક) પહેરીને ફરતા મહાનુભાવોની આપણને પણ ક્યાં નવાઈ છે? પરંતુ આજે વાત કરવાની છે કોરોનાને કારણે ફરજિયાતપણે ધારણ કરવા પડેલા માસ્કની.

ભદ્રંભદ્રે જેને ‘સૂક્ષ્માતિસૂક્ષ્મ મુકુટવિષાણુ આગમનનિર્ગમનઅવરોધક મુખોષ્ટનાસિકાદીરક્ષણાર્થ કર્ણદ્વયસમર્થિત વસ્ત્રપટ્ટીકા’ કહ્યો હોત, તે માસ્ક વર્તમાન વેશભૂષાની વિશિષ્ટતા છે. ‘ગામના મોઢે ગળણું ન બંધાય’—એવી કહેણીમાં પરિવર્તન કરીને પોલીસ તથા સરકાર ગામના મોઢે માસ્ક બંધાવવા ઇચ્છે છે.  કોરોનાની વાસ્તવિક બીકને કારણે હાલના સમયમાં માસ્ક પહેરવા માટે કોઈ કારણની જરૂર નથી. હા, તે ન પહેરવા માટે અને ન પહેરીને પણ પોલીસની કરડી નજર કે દંડાત્મક કાર્યવાહીમાંથી બચવા માટે મજબૂત કારણની જરૂર પડી શકે છે. કેમ કે, માસ્ક પહેરવો (કે ન પહેરવો) એ કેવળ આરોગ્યનો નહીં, કાયદો-વ્યવસ્થાનો પણ પ્રશ્ન હોઈ શકે છે. ભારતમાં ઘણી વાર કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો સિવાયની બધી જ બાબતો કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન બની શકે છે અને નિર્દોષો પર પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારોને કારણે ઘણી વાર કાયદો-વ્યવસ્થાના જાળવનારા ખુદ કાયદો-વ્યવસ્થા માટે પ્રશ્ન બની રહે છે. 

ઘણા ભારતીયો તો મોટા માણસ પણ એટલે જ બનવા ઇચ્છે છે કે જેથી તે કાયદાનો બેધડક ભંગ કરી શકે- તેમને ક્ષુલ્લક કાયદા નડે નહીં અને કાયદાને તે ક્ષુલ્લક ગણી શકે. આવી મહત્ત્વાકાંક્ષાઓથી દોરવાઈને પણ કેટલાક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે. કોઈ પૂછે તો તે કહી દે છે કે ‘આવું કંઈ પણ થાય ને કોઈ ટેં ટે કરે તો ફલાણા સાહેબને ફોન લગાડી દેવાનો. એ સંભાળી લેશે.’

ઘણા આસ્તિકો અત્યાર સુધી એમ માનતા હતા કે ભગવાને કાન ચશ્મા પહેરવા આપ્યા છે. પણ કોરોનાના કેર વચ્ચે નવપલ્લવિત થયેલી શ્રદ્ધાથી તે કહે છે, ‘જોઈ હજાર હાથવાળાની લીલા? તે કોરોના આપે છે તો માસ્ક પહેરવા માટે કાન પણ આપે છે.’ આ સાંભળીને જેમનાં પ્રિયજનો કોરોનામાં મૃત્યુ પામ્યાં હોય કે હેરાન થયાં હોય એ સિવાયનાં સૌ કોઈ હજાર હાથવાળાની લીલા આગળ નતમસ્તક કે નતમાસ્ક થઈ જાય છે. પરંતુ બધા આટલી આસ્તિકતા ક્યાંથી લાવે? એવા લોકોને પોતાની અશ્રદ્ધા માસ્કને કારણે પડતી અગવડો દ્વારા વ્યક્ત કરે છે. 

વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં સફેદ એપ્રન પહેરતી વખતે જેમ ડૉક્ટર જેવી કામચલાઉ ‘કીક’ આવે છે, એવું જ માસ્ક પહેર્યા પછીની શરૂઆતની મિનિટોમાં બનવા સંભવ છે. શરૂ શરૂમાં માસ્ક પહેરનારને એવું લાગી શકે છે કે તે ઑપરેશન થીએટરમાં કે રીસર્ચ લેબોરેટરીમાં કાર્યરત છે. પરંતુ માસ્ક પહેર્યા પછી થોડી વારમાં લાગે છે કે આપણે ડૉક્ટર ન બન્યા, તે સારું જ થયું—આરોગ્યક્ષેત્રનું તો ખરું જ, આપણું પોતાનું પણ. બાકી, કેટલો બધો સમય માસ્ક પહેરી રાખવો પડત? 

દેખીતું છે કે માસ્ક પહેરીને ફરવાનું પહેલી તકે ફાવી ન જાય. હેલમેટ ફરજિયાત પહેરવાનો કાયદો થયો ત્યારે તેના વિરોધમાં જાતજાતનાં કારણ રજૂ કરવામાં આવતાં હતાં. તેની સરખામણીમાં માસ્ક સામે બહુ દલીલો થઈ નથી. બંને નહીં પહેરવાનું જોખમી જ છે. છતાં, હેલમેટ નહીં પહેરવાથી થતું જોખમ વ્યક્તિ પૂરતું મર્યાદિત છે, જ્યારે માસ્ક નહીં પહેરવાથી પોતાને તેમ જ બીજાને પણ અસલામતી અને જોખમ લાગે છે. પરંતુ ‘ખતરોંકે ખિલાડી’નો કે ‘આપણને કંઈ ન થાય’નો વહેમ ધરાવતા ઘણા લોકો માસ્ક પહેર્યા વગર નીકળી પડે છે. કેટલાક અશિસ્તપ્રેમી વળી હાથમાં માસ્ક ઝુલાવતા ઝુલાવતા ‘મારી પાસે છે, પણ હું નહીં પહેરું. જાવ, થાય તે કરી લો’—એવો સંદેશો પ્રસારિત કરતા હોય તેમ નીકળે છે. 

માસ્ક ધારણ કરવાની સૌથી લોકપ્રિય સ્ટાઇલ તેને નીચો, ગળા સુધી ઉતારવાની છે. ઘણા લોકોને જેમ ચશ્મા જરૂર ન હોય ત્યારે તેને કપાળે ચડાવીને વાતચીત કરવાની (અને ક્યારેક તો એ રીતે ચશ્મા શોધવાની) ટેવ હોય છે. એવું જ માસ્કની બાબતમાં બને છે. આ રીત સલાહભરેલી નથી અને જોખમી છે, એવાં બોધવચનો તેમના માસ્કના એક છેડેથી પ્રવેશીને બીજા છેડેથી નીકળી જાય છે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દર્શન આપતા મોટા માણસોથી માંડીને સડક પર ફરતા લોકો સુધી માસ્કની આ શૈલી પ્રચલિત છે. શક્ય છે કે તે શબ્દોનો ઉપયોગ કર્યા ‘અમે માસ્કથી ગળે આવી ગયા છીએ’ એવું દર્શાવવા માગતા હોય. વધારે આશાવાદી કલ્પના કરીને કહી શકાય કે તે કદાચ પ્રતીકાત્મક રીતે માસ્કનો નહીં, કોરોના વાઇરસનો વિરોધ કરી રહ્યા હોય. પરંતુ તેમના અને આપણા સૌના કમનસીબે કોરોના વાઇરસની કળાદૃષ્ટિ એટલી વિકસિત નથી. એટલે આવા પ્રતિકાત્મક સંદેશાની તેમની પર કશી અસર થવા સંભવ નથી. ઉલટું, માસ્ક ગળે લટકતો રાખવાથી વાઇરસ પણ ગળે પડે એવી ભીતિ રહે છે. 

વિલન જેવા કોરોના સામે બચ્ચનગીરી (કે શશિ કપૂરગીરી) કરવી હોય તો માસ્ક મોં-નાક સરખાં ઢંકાય એમ પહેરવો પડે. પછી જ કહી શકાય કે ‘મેરે પાસ માસ્ક હૈ’.