Wednesday, July 29, 2020

સાચું બોલ્યે કૂતરાં કરડે?

કહેણી તો ‘જૂઠ બોલે કૌઆ કાટે’ની અને ‘કાગડા બધે કાળા’ની છે. કાગડાની કાળાશને તેમની જૂઠ પારખવાની ક્ષમતા સાથે કોઈ સંબંધ હોવાનું સંશોધન વોટ્સએપ સહિતની એકેય યુનિવર્સિટીએ કર્યાનું જાણ્યું નથી. હા, દંતકથા પ્રમાણે, માનસરોવરના સફેદ હંસ નીરક્ષીરવિવેક કરીને સાચું-જૂઠું તારવી શકે છે, એકબીજાથી સ્વતંત્ર છતાં તર્કસંબંધ ધરાવતી આ હકીકતોથી સાબિત થાય છે કે આવી કહેવતોથી કશું સાબિત થતું નથી. આજ સુધી કાગડા સામાન્ય સંજોગોમાં માણસને કરડ્યા હોવાનું જાણ્યું નથી. તેમની સરખામણીમાં કૂતરાં માણસને કરડવા માટે કુખ્યાત છે, પણ સમાચારની આદર્શ વ્યાખ્યા પ્રમાણે, કૂતરું માણસને કરડે તે નહીં, માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. એટલે કૂતરાંના કરડવા વિશેનો પૂરતો અભ્યાસ થયો નથી. પરિણામે, ‘સચ બોલે કુત્તા કાટે’ જેવી કોઈ કહેણી બની નથી.

વાતવાતમાં કેટલાક કહેતા હોય છે, ‘ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એનાં બોર વેચાય..બોલો, આમાં શું સમજવું? ગુજરાતી ભાસા તો છે જ એવી...’ આ સમસ્યાનો કાયમી નીવેડો લાવવાના આશયથી અહીં જણાવવામાં આવે છે કે આ કહેવતોમાં કશો વિરોધાભાસ નથી. બંને કહેવતોનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હતું : ‘સાચું બોલ્યામાં નવ ગુણ’ અને ‘જૂઠું બોલે તેનાં બોર વેચાય’. અહીં ‘નવ’નો અર્થ નવનો આંકડો કે નવવધૂમાં થાય છે તેવો નહીં, પણ નર્મદની પંક્તિ ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ પ્રમાણેનો લેવાનો છે. એક માન્યતા એવી પણ છે કે કહેવતનું મૂળ સ્વરૂપ ‘સાચું ન બોલ્યામાં નવ ગુણ’ એવું હતું. મતલબ, સાચું ન બોલવાને કારણે (ઓછામાં ઓછા) નવ પ્રકારના ફાયદા થાય છે. (એ વિશેની વધુ વિગતવાર માહિતી માટે ગાંધીનગર-દિલ્હીનો સંપર્ક સાધવો.)

આપણા દેશમાં અમસ્તો સત્યનો અપ્રમાણસરનો મહિમા થયેલો હતો-અલબત્ત, પુસ્તકોમાં જ. એમાં વળી ગાંધીજી આવ્યા અને તેમણે સત્યને ઇશ્વરના સ્થાને સ્થાપી દીધું. ગમે તેટલા સારા માણસને કે સારા ગુણને ભગવાન બનાવવાથી શું થાય એ આપણે જાણીએ છીએ—ભલે, જાણ્યા પછી પણ એવું કરવાનું છોડી ન શકતા હોઈએ. એટલે એક તરફ ગાંધીજીનું ‘સત્ય ઇશ્વર છે’, બીજી તરફ આઝાદ ભારતનો  મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’. આ બંનેને સાથે મૂકીને કોઈએ સાર કાઢવા કોશિશ ન કરી કે ‘આખરે’ એટલે માણસ ઇશ્વર પાસે જાય ત્યાર પછી સત્યનો વિજય થાય છે. અથવા સત્ય પાસે જવું હોય તો સત્યને ઇશ્વરતુલ્ય ગણીને ઇશ્વર પાસે જવું પડે.આ સંજોગોમાં શું સરકાર કે શું પ્રજા, અસત્યને ભજે તો તેમાં તેમનો શો વાંક?

વર્તમાન સરકારના રાજમાં અસત્યની રંગેચંગે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. એ પ્રક્રિયા ઑનલાઇન થઈ હોવાને કારણે ઘણા લોકોને સરકારપ્રેરિત, સરકારપ્રોત્સાહિત કે સરકારઉપેક્ષિત અસત્યનાં મંદિરો દેખાતાં ન હોય એ જુદી વાત છે. ‘મંદિર વહીં બનાયેંગે’ જેવા કોઈ નારા વિના જ સાયબર સ્પેસમાં (ઇન્ટરનેટ પર) અસત્યનાં મંદિર બની ગયાં છે, જેને અશ્રદ્ધાળુઓ ‘સાયબર સેલ’ તરીકે ઓળખે છે. તેના પૂજારીઓ અને ભક્તજનોની ‘અશ્રદ્ધાળુઓ’ સાથે અવારનવાર લડાઈઓ ચાલતી હોય છે. પણ અશ્રદ્ધાળુઓ સાયબર સેલના એક અસત્યનો છેદ ઉડાડે ત્યાં સુધીમાં બીજાં બે અસત્યો તેનું સ્થાન લેવા તૈયાર હોય છે. પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી ન શકતા અબુધો કે અસત્યનારાયણમાં શ્રદ્ધા ન ધરાવતા નાસ્તિકો આ ધર્મયુદ્ધને ‘ટ્રોલિંગ’ કે ‘ફેક ન્યૂઝ’ જેવી યવન સંજ્ઞાઓથી નીંદવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાયબરસેલની નાભિ ક્યાં છે અને તેમાં રહેલા અમૃતકુંભને શી રીતે ભેદવો, તે સમજવામાં હજુ સુધી તેમને ઘોર નિષ્ફળતા મળી છે.

સવાલ માત્ર અસત્યનારાયણમાં શ્રદ્ધા-અશ્રદ્ધાનો નથી. દુનિયાદારીની સાદી ભાષામાં વાત કરીએ તો, સત્ય મોટા ભાગના લોકોને પકાઉ, કંટાળાજનક, એકવિધ, બોરિંગ લાગે છે. કારણ કે તે મોટે ભાગે એવું જ હોય છે. સાતત્ય એ સત્યનો મૂળભૂત ગુણ છે અને સાતત્ય એ કંટાળાનું જન્મસ્થળ છે. એક જ વાત, ભલે તે ગમે તેટલી સો ટચની સાચી હોય તો પણ, એક માણસ કેટલી વાર સાંભળી શકે? માણસની સહનશક્તિની ક્યારેક તો હદ આવે કે નહીં? ક્યારેક તો તે બરાડી ઉઠે ને કે, ‘બસ, હવે બહુ થયું. આ સત્ય સાંભળી સાંભળીને કાન ને માથું પાકી ગયાં. કંઈક નવું હોય તો કહો.’ આવું થાય તેમાં વાંક કોઈનો નથી—બરાડી ઉઠનારનો પણ નહીં ને સત્યનો પણ નહીં. સત્ય જે છે તે છે. તેને ‘ફિલ્મી સિતારોંકા સૌદર્ય સાબુન’થી નવડાવીને, ફૅરનેસ ક્રીમ લગાડીને આકર્ષક-મનમોહક સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તો પછી મોટા ભાગના લોકોને તે નીરસ અને બોરિંગ લાગે તેમાં શી નવાઈ? તેની સરખામણીંમાં જૂઠાણાંમાં કેટકેટલી શક્યતાઓ રહેલી છે? મોટા ભાગના કિસ્સામાં સાચો જવાબ એક જ હોય છે, જ્યારે જૂઠા જવાબોમાં મેઘધનુષી વૈવિધ્યને સ્થાન રહે છે.

કોઈને લાગે કે આ બધું ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન છે અને તે સાચું હોય તો પણ કોણ સમજવાનું? તો તેમને જણાવવાનું કે આપણી સરકાર આ બધું સમજે છે. એટલું જ નહીં, બીજી સમજ અમલમાં મૂકે કે ન મૂકે, પણ આ બાબતની સમજ બરાબર અમલમાં મૂકે છે. એટલે તો આટલા મોટા પાયે સાયબર સેલ સ્વરૂપે જૂઠાણાંની ફૅક્ટરીઓ બેરોકટોક ધમધમે છે અને સાચું કહેવા જનારને કૂતરાં કરડવાં ધસે છે.

No comments:

Post a Comment