Monday, June 24, 2019

ડોક્ટરઃ યમદૂત? દેવદૂત? કે 'માણસ’?

બંગાળમાં પડેલી ડોક્ટરોની હડતાળ તો આટોપાઈ ગઈ, પણ એ નિમિત્તે ઊભા થયેલા કેટલાક મુદ્દા મમતા વિરુદ્ધ મોદીના રાજકારણમાં રગદોળાયા વિના વિચારવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે અધ્યાપકો, વકીલો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયર, પત્રકાર ...આ બધાની જેમ 'ડોક્ટર' તરીકેની ઓળખ વ્યાવસાયિક છે--વ્યક્તિલક્ષી નહીં. કોઈ માણસ અધ્યાપક હોય તેનાથી એટલું સિદ્ધ થાય છે કે તે ભણાવવાનું કામ કરે છે. તે સારું જ (કે ખરાબ જ) ભણાવે તે જરૂરી નથી. તે વિદ્વાન હોય જ (કે ન જ હોય) એ જરૂરી નથી. તે માણસ તરીકે સરસ જ (કે ખરાબ જ) હોય તે જરૂરી નથી.

એવી જ રીતે, ડોક્ટર એટલે યમદૂત કે ડોક્ટર એટલે દેવદૂત, ડોક્ટર એટલે સેવાભાવી-પરગજુ કે ડોક્ટર એટલે ચીરી લેનારા--એવું સામાન્યીકરણ શી રીતે કરી શકાય? કેમ કે, મુખ્ય આધાર માણસ શો વ્યવસાય કરે છે તેની પર નહીં, માણસનાં માણસ તરીકેનાં લક્ષણ કેવાં છે તેની પર હોય છે.

કોઈ સ્વસ્થ માણસ રાજીખુશીથી જેમ વકીલ પાસે જતો નથી, તેમ ડોક્ટર પાસે પણ જતો નથી. એમાંય ડોક્ટર પાસે પહોંચેલો માણસ અનિવાર્યપણે શારીરિક અસ્વસ્થ હોય છે. તેથી ડોક્ટરની ભૂમિકા 'હાઈ રિસ્ક, હાઇ રીટર્ન'વાળી બને છે. જોકે, રિસ્ક તેમાં મોટે ભાગે દર્દીનું હોય છે અને ડોક્ટરની કામગીરી ઉમદા હોય તો, વળતર તરીકે નાણાં ઉપરાંત સાજા થયેલા દર્દીનો અને તેનાં સગાંસંબંધીનો અહોભાવ મળે છે. કેટલાક ડોક્ટરોને માથે તેજવર્તુળ સાથે રજૂ થવાનું બહુ ગમતું હોય છે. પોતાના વિશેની સદંતર ખોટી, ગેરરસ્તે દોરનારી અને ભ્રામક છબી તે ઉપસાવે છે અને 'ડોક્ટર એટલે દેવદૂત' એવા ખોટા સામાન્યીકરણને તે પોષે છે. સ્વાભાવિક છે કે આ ઊંચી અપેક્ષા જૂજ ડોક્ટરો જ સંતોષી શકે--અને તે પણ ડોક્ટર તરીકે નહીં, માણસ તરીકેના તેમના ગુણો થકી. બાકીના ડોક્ટરોના વર્તનને દેવદૂત જેવા ઊંચા આદર્શની ફૂટપટ્ટીથી માપીને સામા છેડે ગણી કાઢવામાં આવે છે--અને છાપ એવી ઊભી કરવામાં આવે છે, જાણે સમાજમાં ફક્ત ડોક્ટરો જ ખરાબ (કે બીજાની સરખામણીએ વધુ ખરાબ) છે.

ડોક્ટરોની ખોદણી કરતી વખતે એ વિચારવું ન જોઈએ કે આખરે ડોક્ટરો આવે છે ક્યાંથી? અને તેમનાં દર્દીની મજબૂરીનો ફાયદો ઉઠાવી લેવાનાં લખ્ખણ લાવે છે ક્યાંથી? બેશરમ થવાની નફ્ફટાઈ કે બેધડક છેતરપીંડી કરવાની નૈતિક હિંમત તે ક્યાંથી લાવે છે?

જવાબ છેઃ આપણી પાસેથી. આપણા સમાજ પાસેથી.

ડોક્ટરો આ જ સમાજની પેદાશ છે, જ્યાં પ્રામાણિકતાનું મૂલ્ય ઘસાઈ ચૂક્યું છે, માનવતા નબળાઈમાં ખપે છે, યેનકેનપ્રકારેણ રૂપિયા ભેગા કરવા, કાયદાની ઐસીતૈસી કરવી--આ બધી આવડત ગણાય છે. ડોક્ટર બનતાં પહેલાં જીવનના અઢી-ત્રણ દાયકા વ્યક્તિ જે મૂલ્યવ્યવસ્થા વચ્ચે ગાળે તે ડોક્ટર બન્યા પછી અચાનક ભૂંસાઈ જાય? કારણ કે ડોક્ટરનો વ્યવસાય પવિત્ર છે અને તે હિપોક્રેટીસના સોગંદ લઈને કામગીરીની શરૂઆત કરે છે?

નૈતિકતા નેવે મૂકીને કામ કરતાં ડોક્ટરોને હિપોક્રેટીસના સોગંદનો હવાલો આપવો, તે સરેરાશ નેતાને બંધારણનો હવાલો આપવા જેવું છે. તેનાથી હવાલો આપનારને સારું લાગી શકે છે, પણ સામેવાળાને તેનો કશો ફરક નથી પડતો. કારણ કે તે હિપોક્રેટીસના સોગંદ કે બંધારણનું હાર્દ પાળવા ધંધામાં નથી આવ્યા. (ડોક્ટરોને ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે સામાન્ય અનુભવ પ્રમાણે, સારા નેતાઓ કરતાં સારા ડોક્ટરોનું પ્રમાણ વધારે લાગે છે.)

જેમ ડોક્ટરો, તેમ દર્દીઓ પણ આ જ સમાજમાંથી આવે છે અને સમાજમાં સ્વીકૃત બનેલાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટરની સાચી કે ધારી લીધેલી ભૂલ બદલ તેમની પર હુમલો કરવો એ ખતરનાક રિવાજ છે. ડોક્ટર સામે કાર્યવાહી માટેના બીજા મંચ છે. પરંતુ વ્યાપક સચ્ચાઈ એ છે કે કોઈ પણ મુદ્દે, કોઈની પણ સામે કાયદો હાથમાં લેવાનું યોગ્ય નથી. જેમ ડોક્ટરો સામે કાયદો હાથમાં લેનારનો બધા વિરોધ કરે છે અને વિરોધ કરવો જોઈએ, તેમ બીજા લોકોની સામે કાયદો હાથમાં લેવામાં આવે, ત્યારે પણ બધાએ અને ડોક્ટરોએ એટલી જ ચિંતા કરવી જોઈએ. કેમ કે, સવાલ ડોક્ટરો પરના હુમલાનો ઓછો ને કાયદો હાથમાં લેવાનો વધારે છે.

ડોક્ટરો પર થતા હુમલા માટે દસ વર્ષની જેલ ને પાંચ લાખના દંડની જોગવાઈનું સૂચન છે. અત્યારે પણ ઘણાં રાજ્યોમાં ડોક્ટરો પર હુમલા માટે સજાની જોગવાઈ ધરાવતા કાયદા છે જ. ડોક્ટરોનાં મંડળો ભારે સજાની જોગવાઈ ધરાવતો કાયદો ઇચ્છતાં હોય તો (અને ન ઇચ્છતાં હોય તો પણ) તેમના પક્ષે મહત્ત્વનો સવાલ આત્મમંથનનો છે. તબીબી વ્યવસાય જે હદે બજારુ અને અપ્રમાણસરનો-બિનજરૂરી ઢબે મોંઘો બની રહ્યો છે, તેમાં ગામડાના અને ગરીબ દર્દીની વાત જ કયા મોઢે કરવી? શહેરના સમૃદ્ધ, બોલકા વર્ગના દર્દીઓ જ સરેરાશ ડોક્ટરોથી એકંદરે દુઃખી હોય છે. અપોઇન્ટમેન્ટ લીધા પછી પણ એક-બે કલાકના વેઇટિંગ ટાઇમથી માંડીને દર્દીઓ સાથે ઉભડક વાતચીત, અસંતોષકારક વ્યવહાર, પિતાશ્રીની ગાદી સાચવવા માટે મારીમચડીને રૂપિયા અને વગના જોરે ડોક્ટર બની ગયેલાઓની આવડતના ગંભીર પ્રશ્નો, ડોક્ટર અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચેની ભ્રષ્ટ સાંઠગાંઠ...આ બધા એવા મુદ્દા છે, જેના માટે કશી જાસુસી કરવાની જરૂર નથી. આ બધું ઉઘાડેછોગ અને નરી આંખે જોઈ શકાય એ રીતે ચાલતું હોય છે.

ડોક્ટરોના બચાવ અંગે વાજબી રીતે ઉત્સાહી થઈ જતાં તેમનાં મંડળોને તેમની બિરાદરીના વધુમતી સભ્યોનાં આ બધાં અપલક્ષણો વિશે કશું કહેવાનું થાય છે? ડોક્ટરથી જાહેરખબર ન થાય—એવા એકાદ જૂના અને હવેના સમયમાં ઘણી હદે અપ્રસ્તુત બની ગયેલા કેટલાક નિયમો પર જ જાણે વ્યવસાયની બધી નૈતિકતાનો ભાર આવી જાય છે અને પૂંછડીઓનું ધ્યાન રાખવામાં હાથીના હાથી નીકળી જાય છે.

ડોક્ટરોની સલામતી બેશક અગત્યની છે. પણ ફક્ત ડોક્ટરોની જ શા માટે? ડોક્ટર વગર નથી ચાલતું, તેમ સફાઈ કામદાર વિના પણ સમાજને નથી ચાલતું. પરંતુ ગટર સાફ કરવા જતાં મોતને ભેટતા સફાઈ કામદારો વિશે સમાજને ચિંતા તો ઠીક, જાણ કરવા માટે પણ કેટલી મહેનત પડે છે અને ત્યાર પછી પણ લોકોને એ દિશામાં વિચારતા કરવાનું શક્ય બનતું નથી. સવાલ સામસામી તકલીફોનો છેદ ઉડાડીને આગળ વધી જવાનો નથી, પણ ઉપરછલ્લી બાબતો કે ઘટનાઓને બદલે મૂળભૂત મુદ્દા વિશે વિચારવાનો અને સંવેદના સંકોરવાનો છે. 

Wednesday, June 19, 2019

રાજકીય કાર્ટૂન : અબ તેરા ક્યા હોગા?

૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં તે પહેલાં કેટલાક લોકો ગંભીરતાથી નહીં, પણ વિરોધની અભિવ્યક્તિ તરીકે કહેતા હતા, 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો અમે અમેરિકા જતા રહીશું.’ પરંતુ થોડા વખત પછી ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ‘અમે અમેરિકા જતા રહીશું’--એવું કહેનારા પાસેથી અમેરિકા પણ છીનવાઈ ગયું. કારણ કે ટ્રમ્પ તો બધાને ટપે એવી ધોરાજી હંકારવા લાગ્યા. અમેરિકાનાં ઉદાર મતવાદી પ્રસાર માધ્યમોથી માંડીને કાર્ટૂનિસ્ટો અને સ્ટેન્ડ અપ કૉમેડિયનો સુધીના સૌ કોઈની ટીકા અને હાંસી પછી પણ ટ્રમ્પ આટલું ખેંચી ગયા.

અમેરિકા જેવા લોકશાહી મૂલ્યોની કદર અને ખુલ્લાપણા માટે, બેરોકટોક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જાણીતા દેશમાં ટ્રમ્પ જેવો લોકશાહી મિજાજથી વિરોધી વલણ ધરાવતો માણસ પ્રમુખ બની જાય, એને ફક્ત લોકશાહીની નહીં, બદલાયેલા સમયની પણ તાસીર ગણવી રહી. આ સમય એવો છે, જેમાં લોકોની અસલામતી ભડકાવીને, સારપોને બદલે શંકાકુશંકાઓ-દ્વેષ-ધીક્કાર જગાડીને તેમને પોતાની તરફ ખેંચી શકાય છે. સોશ્યલ મિડીયા તેમાં અઢળક ફાળો આપે છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પર 'ફેસબુક' થકી રશિયા અસર પાડી શકે, એવી અસંભવ લાગતી વાત પણ ટૅક્નોલોજીએ અને આગળ લખેલાં પરિબળોએ શક્ય કરી બતાવી છે. રાષ્ટ્રવાદના (‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’) દેખાવ સાથે, દેશભક્તિના નામે ટ્રમ્પ દેશના સામાજિક-ધાર્મિક-લોકશાહી-સહિષ્ણુ પોતને વીંખી શકે છે--અને આ લશ્કરના જોરે ચડી બેઠેલા કોઈ કિમ જોંગ પ્રકારના સરમુખત્યારની વાત નથી, અમેરિકા જેવી ઊંડાં મૂળીયાં ધરાવતી લોકશાહીએ આટલા વર્ષે આપેલા નમૂનાની વાત છે.

ટ્રમ્પવિજયથી ઘણા નાના પાયે, પણ કંઈક એ જ પ્રકારનો અહેસાસ આપે એવી ઘટના ગયા અઠવાડિયે બની. ટ્રમ્પની ટીકામાં અગ્રસર ગણાતા અને લોકશાહી મૂલ્યોમાં-ધીક્કારવિરોધી રાજકારણમાં માનનાર તરીકે પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' નિર્ણય કર્યો કે તે હવે રાજકીય કાર્ટૂન પ્રગટ નહીં કરે. ઉત્તમ ગુણવત્તા અને ટ્રમ્પની ટીકાના મામલે નિર્ભિકતા માટે જાણીતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? કારણ કે થોડા સમય પહેલાં તેની આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં માથે યહુદી ટોપી પહેરેલા અંધ ટ્રમ્પને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દોરી રહ્યા છે. તેમને શ્વાન સ્વરૂપે દર્શાવાયા હતા, જેની દોરી ટ્રમ્પના હાથમાં હતી. આ કાર્ટૂનથી ભારે ઉહાપોહ થયો. અખબારે દિલગીરી વ્યક્ત કરવી પડી અને સંભવતઃ તેના લાંબા ગાળાના પરિણામ તરીકે, રાજકીય કાર્ટૂનનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

એ મુદ્દે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની ટીકામાં જતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે તેણે પહેલેથી રાજકીય કાર્ટૂનની પરેજી પાળી છે. તેના રાજકીય કાર્ટૂનિસ્ટ પેટ્રિક શપેતે/Chappatte (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) તેની વેબસાઇટ પર આ સમાચાર સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે કે 'ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં રાજકીય કાર્ટૂન શરૂ કરાવતાં તેને કેટલી મહેનત પડી. ‘આપણે ત્યાં રાજકીય કાર્ટૂન આવતાં નથી’ એવા ચોખ્ખા જવાબ છતાં પેટ્રિકે પ્રયાસ ચાલુ રાખ્યા. છેવટે અખબારની અમેરિકાની પ્રિન્ટ આવૃત્તિ સિવાય આંતરરાષ્ટ્રીય આવૃત્તિમાં અને તેની વેબસાઇટ પર રાજકીય કાર્ટૂન શરૂ કરાવવામાં પેટ્રિકને સફળતા મળી. વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન જોકે પેટ્રિકનું નહીં, અખબારને સિન્ડિકેટેડ સર્વિસમાંથી મળેલું હતું. એટલે કે એ તેના સ્ટાફ કાર્ટૂનિસ્ટે દોર્યું ન હતું કે તંત્રીઓમાંથી કોઈએ દોરાવ્યું ન હતું.

વિવાદ જગાડનાર કાર્ટૂનની ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના ધોરણ પ્રમાણે, તેના જ એક કટારલેખકે ટીકા કરી હતી. પરંતુ કાર્ટૂનની ટીકા કરતી વખતે પ્રત્યાઘાતનું માપ ન રહે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાય છે. ભારતમાં એક કાર્ટૂનિસ્ટે નકામાં કાર્ટૂન બનાવ્યાં, ત્યારે યુપીએ સરકારના રાજમાં તેની પર રાજદ્રોહનો કેસ ફટકારી દેવાયો હતો. એ કાર્ટૂન બેશક સ્થૂળ, ભદ્દાં અને કળાતત્ત્વ વગરનાં હતાં. પરંતુ તેના કારણે તે રાજદ્રોહના કેસને લાયક નથી બની જતાં. ફ્રેન્ચ વ્યંગપત્ર ‘શાર્લી એબ્દો’ના કાર્ટૂનિસ્ટોને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાખવામાં આવે, ત્યારે અપ્રમાણસરના પ્રત્યાઘાતની કરુણતાનો વરવો પરચો મળ્યો. મમતા બેનરજી પણ એ યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યાં છે. તેમના વિશેનું એકંદરે નિર્દોષ કહેવાય એવું કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ એક અધ્યાપક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા પ્રસંગો બને ત્યારે તેને 'કાર્ટૂનિસ્ટોની સ્વતંત્રતા પર તરાપ' તરીકે જોવામાં આવે છે. પણ ન્યૂ યોર્ક ટાઇમ્સના રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે હમણાં સુધી કામ કરનારા પેટ્રિકે 'ટેડ ટોક’માં કહ્યું હતું તેમ, આ સવાલ કાર્ટૂનિસ્ટોની નહીં, આપણી સૌની-નાગરિકોની અભિવ્યક્તિ પર તરાપનો હોય છે. કેમ કે, ઘણા લેખકોની અને ખાસ તો કાર્ટૂનિસ્ટો અભિવ્યક્તિ સ્વતંત્રતા કેવળ 'કળા ખાતર કળા' માટે નથી હોતી. તેમની વિરોધ અભિવ્યક્તિ પ્રવાહ સાથે તણાતા લોકોને વિચારતા કરવા માટેની હોય છે.

એ ખરું કે રાજકીય છાવણીઓના જમાનામાં કાર્ટૂન જેવી લોકશાહી ચીજનો ઉપયોગ લોકશાહી મૂલ્યોને પરાસ્ત કરવાના અને ધીક્કાર ફેલાવવાના હેતુ માટે પણ કરી શકાય છે. લેખકોની જેમ કાર્ટૂનિસ્ટો પણ સત્તાધીશોનાં ચાવીવાળાં રમકડાં બની શકે છે. એ બાબતમાં ભારતની સ્થિતિ હજુ સુધી તો સારી રહી છે. આર. કે. લક્ષ્મણ જેવી સર્વવ્યાપી નામના ધરાવતા કાર્ટૂનિસ્ટ અત્યારે ભલે કોઈ ન હોય (તેમની એવી નામના માટે ગુણવત્તા ઉપરાંત બીજાં પણ કારણ જવાબદાર હતાં), છતાં હેમંત મોરપરિયા, સતીશ આચાર્ય, મંજુલ, કેશવ, સુરેન્દ્ર જેવા બીજા ઘણા કાર્ટૂનિસ્ટો ઉત્તમ અને ધારદાર રાજકીય કાર્ટૂન બેરોકટોક આપી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ  હશે જ, છતાં બહારની વ્યક્તિ તરીકે-કાર્ટૂનના ભાવક તરીકે એનડીએ સરકારમાં કાર્ટૂનિસ્ટો પર ધોંસ ઉતરી હોય એવું જણાતું નથી. ઇંદિરા ગાંધીએ  લાદેલી કટોકટી વખતે લક્ષ્મણનાં નિર્દોષ લાગે તેવાં કાર્ટૂન પણ સેન્સરની અડફેટે ચડી જતાં હતાં અને એ જ અરસામાં અબુ અબ્રાહમે કેટલાંક યાદગાર કટોકટીવિરોધી કાર્ટૂન પણ દોર્યાં હતાં.

સામાન્ય રીતે એવું મનાય કે બ્રિટન-અમેરિકાની સરખામણીમાં ભારત કાર્ટૂનક્ષેત્રે પછાત છે. અમેરિકામાં જે પ્રકારે હાસ્યવ્યંગના અનેક પ્રકારો અને મોટો પટ છે, એવું ભારતમાં નથી. ‘મૅડ’ જેવા તોફાની, પરંપરાભંજક અને બેફામ છતાં મૌલિક સામયિકની કલ્પના ભારતમાં ન થઈ શકે. તેમ છતાં, અમેરિકામાં અને તે પણ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવા અખબારમાં રાજકીય કાર્ટૂન બંધ કરવાનો નિર્ણય જાહેર થાય, ત્યારે ભારતમાં રાજકીય કાર્ટૂનોની તેજી ચાલતી હોય તે હકીકત, ટ્રમ્પના અમેરિકાએ ભારત માટે પુરા પાડેલાં (સરખામણી કરીને) રાજી થવાનાં કારણોમાં વધુ એકનો ઉમેરો કરે છે. 

Tuesday, June 11, 2019

ઉદાર મતઃ ભારતીયતાનો પર્યાય કે વિરોધી?

ચૂંટણીનાં પરિણામથી રાજકીય સિવાયની, ખાસ કરીને સામાજિક બાબતો વિશે મોટા પાયે ચર્ચા છેડાય એવું ઓછું બનતું હોય છે. એવાં પરિણામ પણ ભાગ્યે જ આવતાં હોય છે. ચૂંટણીઓ ભ્રષ્ટાચાર, ગરીબી, રાષ્ટ્રવાદ, ઉદ્ધારકની ખોજ જેવા વિવિધ મુદ્દે લડાતી હોય છે. આ વખતની ચૂંટણી પ્રચારના તબક્કે એવી જ લાગતી હતી. પરંતુ પરિણામ આવ્યા પછી કેટલીક નવી (ગેર)સમજો પ્રચલિત બની રહી છે, જે જાહેર જીવન માટે ચિંતાજનક છે. કેમ કે, તેમાં એક શબ્દની સાથે ભારતીયતાના અર્ક જેવા જીવનમૂલ્યને ઉચ્ચ વર્ગીય, દેશવિરોધી, સામાન્ય જનતાનું વિરોધી અને હારી ગયેલું ગણાવવાનું ચાલી રહ્યું છે. એ મૂલ્ય એટલે સહિષ્ણુતા, ઉદાર મત. આ મૂલ્યમાં વિશ્વાસ ધરાવનાર માટેનો અંગ્રેજી શબ્દ છે ‘લિબરલ’.

એક વાત સૌથી પહેલાં સ્પષ્ટ કરી લેવી જોઈએ. ઉદાર મત અથવા સહિષ્ણુતા એ જીવનમૂલ્ય,ગુણ કે લક્ષણ ચોક્કસ છે, પણ તે સામ્યવાદ કે સમાજવાદ કે મૂડીવાદ કે રાષ્ટ્રવાદ જેવો કોઈ વાદ કે સિદ્ધાંત નથી. એટલે તેની સમજ કે વ્યાખ્યા જડ નથી ને કોઈના વિરોધમાં પણ નથી. ‘ઉદાર મત’ એ શબ્દપ્રયોગમાં ‘ઉદાર’ શબ્દને મહાનતા સાથે નહીં, રોજબરોજના સામાન્ય જીવનમાં જોવા મળતા માનવીય અભિગમ સાથે સાંકળવાનો છે. એટલે કે, એવી ‘ઉદારતા’, એવી વ્યવહારુ માનવતા મોટા ભાગના લોકોમાં મૂળભૂત રીતે જ મોજુદ હોય. આવી માનવતા એટલે અવિશ્વાસ, ધીક્કાર, દ્વેષ, ભોગ બન્યાની લાગણી, ગૌરવ, અસ્મિતા—આ બધું માપમાં, ભયજનક સપાટીથી ઘણું નીચે હોય એવી સ્થિતિ. સોશ્યલ મિડીયા પહેલાંના સમયમાં મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ આવી રીતે ‘ઉદાર’ રહેતી હતી. એવી માનસિકતા વ્યાપક હોય ત્યારે લડાઇઝગડા-તકરારો થાય તો ખરાં, પણ એકંદરે બધા એવું સ્વીકારીને ચાલતા હોય કે વાસણ છે. ખખડે. છેવટે રહેવાનું તો ઘરમાં (ગામમાં-દેશમાં) સાથે જ છે. આ થયો વ્યવહારુ, થિયરીના ભાર વગરનો, રાજકીય અભિપ્રાયોથી સ્વતંત્ર એવો ઉદાર મત.

બીજા ધર્મો પ્રત્યેનો સમભાવ નહીં, તો અભાવ પણ નહીં, બીજા પ્રત્યેનો પ્રેમ નહીં, તો અવિશ્વાસ પણ નહીં, પારકાં માટે કુટુંબી જેવો ભાવ નહીં, તો દુશ્મનાવટની લાગણી પણ નહીં, બીજા માટે દેશવાસી તરીકેનો ઉમળકો નહીં, તો દેશવિરોધી તરીકેનો ધીક્કાર પણ નહીં—આવી માનસિકતા, આવો ઉદાર મત મોટા ભાગના લોકો માટે સહજ હતો અને કદાચ હજુ પણ હોઈ છે. આવો ઉદાર મત ધરાવતા લોકો અત્યાર સુધી ‘લિબરલ’ તરીકે ઓળખાતા ન હતા. કેમ કે, તેમના માટે એ સામાન્ય (નૉર્મલ) માણસ હોવાનો જ અર્થ હતો. તે બોલકા ન હતા. પોતે જે સ્વાભાવિક લાગણી સાથે જીવી રહ્યા છે, તેને ઉદાર મત કહેવાય એવી પણ સભાનતા તેમને નહીં હોય. એટલે તે ઉદાર મતના સિદ્ધાંતશાસ્ત્રી પણ ન હતા અને પોતાની જાતને ઉદાર મતના પ્રતિનિધિ તરીકે પણ ગણતા ન હતા.

ધ્રુવીકરણના રાજકારણે આ પરિસ્થિતિ બદલવાનું શરૂ કર્યું. ભારતભરનાં અનેક સ્થળોએ હિંદુ-મુસ્લિમો ભાઈભાઈ તરીકે ભલે નહીં, પણ શાંતિથી-સંપીને ઊંડી દુશ્મનાવટ કે અવિશ્વાસ વિના રહેતા હતા અને એને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એની તેમને ખબર ન હતી-પરવા પણ ન હતી. રાજકીય પક્ષોએ પહેલાં સેક્યુલરિઝમની વ્યાખ્યાને વિકૃત કરી. બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ તેમાં મજબૂત ફાળો આપ્યો. તેના પગલે ચાલેલા દુષ્પ્રચારમાં દેખીતો વાંધો ‘દંભી સેક્યુલરિઝમ’ હોવાનું કહેવાયું. એ સાચું હોત તો દંભનો કચરો કાઢીને સેક્યુલરિજમને શુદ્ધ બનાવવાની દિશામાં કામ થયું હોત. એને બદલે, દંભી સેક્યુલરિઝમની સામે સાચા સેક્યુલરિઝમને નહીં, બે મોઢાળા કોમવાદને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. અને સમીકરણ એવું બેસાડી દેવાયું કે સેક્યુલરિઝમ દંભી જ હોય. જે લોકો સેક્યુલરિઝમના સિદ્ધાંતમાં પડ્યા વિના, સ્વાભાવિક રીતે શાંતિથી સંપીને રહેવામાં માનતા હોય, તેવા લોકો પણ સેક્યુલર તરીકે ખપાવી દેવાયા—અને બદલી કઢાયેલી વ્યાખ્યા પ્રમાણે, સેક્યુલર તો દંભી, હિંદુવિરોધી, દેશવિરોધી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, કોમવાદની પ્રતિષ્ઠામાં જે સામેલ ન થાય, તે સૌને દંભી સેક્યુલરિસ્ટ ઠેરવી દેવાયા.

સેક્યુલરિઝમનું ઉદાહરણ એટલા માટે જરૂરી હતું કે સેક્યુલરિઝમને જે રીતે શુદ્ધ કરવાને બદલે, તે મૂલ્યને જ શૂળીએ ચડાવી દેવાયું અને કોમવાદને રાષ્ટ્રવાદ સહિતનાં વિવિધ વસ્ત્રોમાં વીંટાળીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, એવું જ હવે ‘લિબરલ’ શબ્દ માટે થઈ રહ્યું છે. ઉદાર મતવાદની બોલકી તરફેણ કરતા લોકોના ઘણા પ્રશ્નો હોઈ શકે છે. તેમની વાજબી ટીકાને પૂરો અવકાશ છે. તેમના સતત વિરોધ છતાં સત્તાધારી પક્ષ ફરી ચૂંટાઈ આવ્યો, તેનાથી લિબરલ પંડિતો-વિશ્લેષકોએ ઘણું વિચારવાનું રહે છે. પણ એ મૂળભૂત મૂલ્ય વિશે નહીં. વિશાળ જનસમુદાયમાં રહેલા સ્વાભાવિક ઉદાર મતને છાવણીબદ્ધ થતો કેવી રીતે અટકાવવો એ વિચારવાનું છે. એ રીતે, સંઘર્ષ જેટલો જમણેરી વિચારધારા સામેનો છે, એથી પણ વધારે તે સ્વાભાવિક ઉદાર મતના રક્ષણ-સંવર્ધન-મજબૂતીકરણ માટેનો હોવો જોઈશે.

બીજી તરફ, અણુમતીમાં રહેલા બોલકા અને ટીકાકાર એવા ‘લિબરલ’ને ચૂંટણી પરિણામો પછી હારેલા જાહેર કરીને, તેમની સાથોસાથ આખેઆખા ઉદાર મતને નકામો ઠરાવી દેવાનો પ્રચાર ચાલી રહ્યો છે. કેટલાક બોલકા લિબરલ પણ આ જાળમાં બે રીતે ફસાયા છેઃ 1) જે લોકો જીવન વ્યવહારમાં ઉદાર મત ધરાવે છે, છતાં બીજાં અનેક કારણોસર જેમણે શાસક પક્ષને મત આપ્યો હોવાનો સંભવ છે, એવા લોકોને કોમવાદી કે અણસમજુ જાહેર કરીને. આમ કરવાથી તે સાહજિક રીતે ઉદાર મત ધરાવતા મોટા સમુદાયને વિમુખ કરી રહ્યા છે અને ધ્રુવીકરણની પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે. 2) કેટલાક બોલકા લિબરલ પોતાની જ બિરાદરીના બીજા લોકોનાં મૂલ્યોમાં- વલણોમાં રહેલી મર્યાદાઓને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ-દેખાડીને, સીધી કે આડકતરી રીતે આખેઆખા ઉદાર મત નકામો, દંભી અને હારવાને લાયક ગણાવી રહ્યા છે. તેમના મતે, તે ચૂંટણી પરિણામોને આદર આપી રહ્યા છે, પણ હકીકતમાં તે ચૂંટણી પરિણામોના દબાણ સામે ઝૂકીને કે ચતુરાઈનો દેખાવ જાળવી રાખવા માટે પોતાનાં મૂલ્યો સાથે છેડછાડ કરી રહ્યા છે.

ઉદાર મત માટેની સૌથી મોટી આશા લિબરલ તરીકે જાણીતો ન હોય તેવો વિશાળ જનસમુદાય છે અને સૌથી મોટો પડકાર અત્યાર સુધી છાવણીમાં ન વહેંચાયેલા ને એકજૂથ નહીં એવા સમુદાયને ઘણી હદે છાવણીબદ્ધ-એકજૂથ કરી રહેલી ધ્રુવીકરણની પ્રક્રિયાનો છે. તેમાં સોશ્યલ મિડીયા અને આઇટી સેલોએ શરમજનક રીતે નોંધપાત્ર ફાળો આપ્યો છે.

ઉદાર મતની સ્થિતિ સેક્યુલરિઝમ જેવી થતી અટકાવવાનો અને ‘તમે ઉદાર મતના છો કે દેશપ્રેમી?’ એવું વિભાજન સંપૂર્ણ બનતું અટકાવવાનો આ છેલ્લો મોકો લાગે છે. 

Sunday, June 09, 2019

શબ્દના રસ્તે સંચરીને 'હનીફ’, આ ગઝલમાંહે રાતવાસ થયો

જાણીતા ગઝલકાર હનીફ સાહિલે ગઈ કાલે રાત્રે સાડા બારની આસપાસ (એટલે તારીખની રીતે આજે) ૭૩ વર્ષની વયે વિદાય લીધી. ફક્ત ગઝલ સાથે જ નહીં, શબ્દ સાથે પણ લેવાદેવા ઊભી કરવાના પાયામાં જે થોડા લોકો ગણી શકાય, તેમાં હનીફ સાહિલનું નામ આવે. જીવનનો મોટો હિસ્સો તેમણે મહેમદાવાદની શેઠ જે. એચ. સોનાવાલા હાઇસ્કુલમાં બાયોલોજી ભણાવ્યું.  ધોરણ અગિયાર-બારમાં બીરેનના ક્લાસને અને છ વર્ષ પછી મારા ક્લાસને પણ. મહેમદાવાદ તેમને 'પઠાણસાહેબ' તરીકે ઓળખે. મયંક ઓઝા જેવા સાહિત્ય-સંગીતપ્રેમી અને બિપીનભાઈ શ્રોફ જેવા અભ્યાસી- પોતપોતાના ક્ષેત્રમાં બહારની દુનિયા સાથે સંકળાયેલા થોડા લોકોને બાદ કરતાં મહેમદાવાદમાં પઠાણસાહેબ શિક્ષક તરીકે જાણીતા. ૧૯૮૫માં તેમનો પહેલો ગઝલસંગ્રહ 'પર્યાય તારા નામનો’ સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો, ત્યારે મહેમદાવાદના માર્કેટ યાર્ડના હોલમાં જાણીતા કવિઓનો મુશાયરો યોજાયો હતો. મહેમદાવાદમાં મુશાયરો અકલ્પનીય ઘટના હતી. તેના સાક્ષી બનવાનો રોમાંચ પછી તો પૂર્વવર્તી અસરથી વધ્યો હતો.
હનીફ સાહિલનું પહેલું પુસ્તક 

એ જ વર્ષે (૧૯૮૫માં) અગીયારમા ધોરણમાં સાયન્સ લીધા પછી પઠાણસાહેબનું ટ્યુશન શરૂ કર્યું.  બીજા પાંચ-છ વિદ્યાર્થીઓ હતા. પરેશ પ્રજાપતિ પણ ખરો. પઠાણસાહેબ ક્લાસમાં ભણાવે તે બધું અદ્ધરથી જાય, પણ ટ્યુશનમાં થોડી ખબર પડતી. પઠાણસાહેબનો ચાર જણનો પરિવાર ભાડાના નાનકડા ઘરમાં રહે. સાંકડમાંકડ બધું ચાલતું હોય. પણ પુસ્તકોના ખડકલા ખરા. ત્યાં ખાસ્સો વખત રહ્યા પછી તે વોરા સોસાયટીના બંગલામાં રહેવા ગયા.

જેને પછી સેક્યુલરિઝમ અને સ્યુડો-સેક્યુલરિઝમ તરીકે બદનામ કરવામાં આવ્યું, તે મહેમદાવાદી (અને ભારતીય) સહઅસ્તિત્વના મોડેલમાં અમારા અતિનિકટના સ્નેહી પાઉલભાઈના ખ્રિસ્તી હોવાનું કે પઠાણસાહેબના મુસ્લિમ હોવાનું આત્મીયતા અને સ્નેહની દૃષ્ટિએ ગૌણ હતું. પઠાણસાહેબના ઘરે અમે ભણવા જતાં ત્યારે અમારાથી થોડાં નાનાં તેમનાં સંતાનો શકીલ અને સાજેદા પણ અમારી સાથે સહેલાઈથી હળતાંભળતાં. તેમનાં પત્ની ફરીદાબહેનને સાહિત્ય સાથે કશી લેવાદેવા નહીં. પઠાણસાહેબની અમુક બાબતો પર તે પત્નીસહજ રીતે ખિજાય પણ ખરાં. છતાં, અમારી સાથે તે સરસ રીતે વર્તતાં. પછીનાં વર્ષોમાં પણ મળવાનું થાય ત્યારે તે પઠાણસાહેબની જેમ, તેમના જેટલા પ્રેમથી બોલાવતાં.

પઠાણસાહેબના ટ્યુશનમાં બાયોલોજી તો ચડ્યું નહીં, પણ ધીમે ધીમે તેમની ગઝલપ્રવૃત્તિમાં રસ પડવા લાગ્યો. બારમું ધોરણ અને ટ્યુશન પૂરું થઈ ગયા પછી પણ તેમની સાથેનો સંપર્ક અને તેમના ઘરે બેસવા જવાનું ચાલુ રહ્યું. ટ્યુશન ચાલુ રહ્યાં. વિષય બદલાયો. તે ગઝલની-ગઝલકારોની વાત કરતા. તેમના સુરતના ગઝલકાર મિત્રો મનહરલાલ ચોક્સી, ડો. દિલીપ મોદી અને બીજા. મનહરલાલનો દીકરો મુકુલ પણ સરસ ગઝલ લખે છે તેની વાત કરતા. પ્રિય ગઝલકાર મુકુલ ચોક્સીનું નામ પહેલી વાર પઠાણસાહેબ પાસેથી સાંભળ્યું અને સમય જતાં મુકુલભાઈના બંને સંગ્રહો પણ પઠાણસાહેબે અમને આપી દીધા. ભૂલતો ન હોઉં તો તેમનાં ઘર બદલતી વખતે તેમને ઘણાં પુસ્તક કાઢવાં પડે તેમ હતાં. તે વખતે હું ઘણાં પુસ્તક લાવ્યો હતો. એ પુસ્તકોનાં પૂંઠાં અને મુકુલભાઈના ગઝલસંગ્રહની ઘણી ગઝલો-તેના શેર એ ઉંમરે મન પર કાયમી છાપ પાડી ગયા. આજે પણ તેમાંના કેટલાક શેર(નો ધ્વનિ) યથાપ્રસંગે યાદ આવતો રહે છે.



પઠાણસાહેબનો ગુજરાતી અને ઉર્દુ પર મજબૂત કાબુ હતો. મહેમદાવાદ આવતાં પહેલાં તે પેટલાદમાં શિક્ષક હતા. મોટે ભાગે એ અરસામાં તે આદિલ મન્સુરીના પરિચયમાં આવ્યા હતા. ત્યાર પછી ચિનુ મોદી અને બીજા લોકોના પણ સંપર્કમાં આવ્યા. સાહિલ તેમનું તખલ્લુસ હતું, પણ એ વખતે બીજા એક ગઝલકાર 'સાહિલ' નામે લખતા હોવાથી પઠાણસાહેબે હનીફ 'સાહિલ' નામે લખવાનું રાખ્યું. પઠાણસાહેબ અમારા માટે સ્થાનિક વ્યક્તિ હતા. તેમનો ગઝલક્ષેત્રે મોટાં ગણાતાં નામ સાથે સંપર્ક-પરિચય-ઘરોબો હોય તેની અમને બહુ નવાઈ લાગતી. તેમને એવા સંપર્કોની બડાઈ કરવાની ટેવ ન હતી. પણ ક્યારેક કિસ્સા-પ્રસંગો કહેતા. ગઝલના પ્રાથમિક બંધારણની, રદીફ-કાફિયાની-છંદની સમજ તેમણે આપી હતી. આજે પણ બરાબર યાદ છે કે 'બાત ફૂલોંકી’વાળી મકદુમ મોઈયુદ્દીનની ઉર્દુ ગઝલ પરથી ગુજરાતીમાં તેમણે ગઝલ લખી.  ટ્યુશનના અંદાજમાં, લાકડાના પાટીયામાં ભરાવેલા લીટીવાળા કાગળના જથ્થામાંથી એક કાગળ પર તેમણે લખ્યું.

ફૂલ શા હોઠ, ફૂલ શો ચહેરો
એ કરે છે વાત ફૂલોની.

યાદ છે ત્યાં સુધી તેમાં 'લાગણી શીઘ્રપાત ફૂલોની' એવું પણ આવતું હતું. પઠાણસાહેબ પોતે ટૂંકી જમીનની (બહરની) ગઝલોમાં ખીલતા અને ગઝલ એટલે પ્રેમનો વાર્તાલાપ—એવી દૃઢ માન્યતા ધરાવતા. પોતાની ગઝલમાં તગઝ્ઝુલના રંગ વિશે તે બહુ આગ્રહી રહેતા. અગીયારમા-બારમા ધોરણમાં ભણતી વખતે મને બહુ નવાઈ લાગતી કે કોઈ માણસ બોરિંગ બાયોલોજી અને રંગીન ગઝલો સાથે એકસરખી સાહજિકતાથી કેવી રીતે પનારો પાડી શકે?  ધીમે ધીમે સમજાતું ગયું કે આજીવિકામાંથી જ આનંદની કીક ને જીવનની સાર્થકતા મળી રહે એવું ભાગ્યે જ બનતું હોય છે.
***
પઠાણસાહેબને તમાકુ ખાવાની ટેવ હતી. કદાચ તબિયતનાં કારણોસર તેમનાં પત્નીથી સંતાડીને તે ખાતા. એટલે પુસ્તકનાં પાનાંની વચ્ચે વચ્ચે તેમની તૈયાર તમાકુની પડીકી રહેતી. તેમનાં પત્ની આઘાંપાછાં થાય ત્યારે તે પડીકી કાઢીને હોઠમાં દબાવી દેતા. ક્યારેક પકડાઈ જાય ત્યારે પત્નીનો ઠપકો પણ સાંભળતા. આ બધું અમારી સામે થવા છતાં, તેનાથી અમારી પર કશી વિપરીત અસર પડી હોય એવું યાદ નથી. અમારી સાથે તે પ્રેમ અને સાલસતાથી વર્તતા. ક્યારેક ત્યાં વિદ્યાર્થીઓને ચા પીવા પણ મળતી.

ફક્ત બાયોલોજીમાં રસ પડતો હોત તો બારમા ધોરણ પછી નાતો છૂટી ગયો હોત, પણ ગઝલને કારણે અને પછી લેખનક્ષેત્રને કારણે સંપર્ક જળવાયેલો રહ્યો. પત્રકારત્વમાં આવ્યા પછી તેમને મળવાનું બહુ થતું નહીં. પણ જ્યારે મળીએ ત્યારે જૂનો તંતુ સંધાઈ જતો હતો. એક વાર, કદાચ ૧૯૯૮-૯૯ની આસપાસ વિખ્યાત ફોટોગ્રાફર જગન મહેતા સાથે બેઠો હતો, ત્યારે જગનદાદાના મોઢેથી તેમનું નામ સાંભળવા મળ્યું. દાદા સાથે મારે સારી દોસ્તી હતી. એ બહુ લાગણીવાળા. ચિંતા પણ બહુ કરે. કલાકાર જીવ. રૂપિયાપૈસાના હિસાબમાં સમજે નહીં. એવોર્ડ મેળવવા માટે અરજી કરવાનું તેમને ફાવે નહીં. ગુજરાતી સાહિત્યકારોનાં ઉત્તમ પોર્ટ્રેટ તેમણે પોતાના રસથી અને ગાંઠના ખર્ચે પાડ્યાં. તેના કારણે આપણને ઘણા સાહિત્યકારોનાં ઉત્તમ પોર્ટ્રેટ મળ્યાં. નહીંતર દસ્તાવેજીકરણની સૂઝના અભાવે એ ખાનું ખાલી જ રહી જાત. દાદા તેમના જીવનના અંતિમ તબક્કામાં હતા. છતાં, સાહિત્યકારોનાં પોર્ટ્રેટને તે પોતાનું કામ ગણતા. એક દિવસ વાતવાતમાં કહે, ‘મહેમદાવાદમાં હનીફ સાહિલ છે. એનું પોર્ટ્રેટ પાડવાનું બાકી રહ્યું છે. હવે મારાથી તો જવાય એમ નથી. તું એક કામ કરીશ? મને તેમનું સારું પોર્ટ્રેટ પાડી આપીશ?’

એ વખતે બીરેને SLR કેમેરા વસાવ્યો હતો અને એ હું સાથે રાખતો. દાદાના કેટલાક ફોટા પાડ્યા હતા. દાદાએ મને આ જવાબદારી સોંપી ત્યારે સૌથી પહેલો આનંદ તો એ વાતનો થયો કે દાદાના મનમાં 'અમારા' પઠાણસાહેબનું પોર્ટ્રેટ પાડવાની--અને એ પાડવાનું બાકી છે તેની આવી નોંધ હતી. મેં મારી સમજ પ્રમાણે ચાર-પાંચ તસવીરો લીધી (કારણ કે ત્યારે ફોટા પાડવાના-ડેવલપ કરાવવાના રૂપિયા થતા હતા અને એ પોસાતા ન હતા). દાદાએ તસવીરો જોઈને રાજીપો વ્યક્ત કર્યો, ત્યારે મને બેવડો સંતોષ થયો હતોઃ દાદાના સંગ્રહમાં પઠાણસાહેબની તસવીરો આવી તેનો અને મારી તસવીરો દાદાને 'ચાલેબલ' લાગી તેનો.


જગનદાદા માટે પાડેલા હનીફ સાહિલની તસવીરો
એ જ અરસામાં (૧૯૯૭-૯૮ની આસપાસ) આદિલ મન્સુરી અમેરિકાથી આવ્યા હતા. પઠાણસાહેબ તેમને મળવા જવાના હતા. એટલે હું પણ તેમની સાથે જોડાઈ ગયો. બંને જણ પ્રેમથી મળ્યા. ત્યાર પછી મેં 'આદિલ'નો નાનકડો ઇન્ટરવ્યુ પણ કર્યો. (તેના પરથી લખેલા લેખની લિન્ક)

૨૦૦૨માં કોમી હિંસાનું ઝેર ગુજરાતનાં અનેક ગામ-શહેરમાં પહેલી વાર ફેલાયું. મહેમદાવાદ પણ એવું એક ગામ હતું. અમદાવાદમાં ગમે તેવાં રમખાણ થાય છતાં અને મહેમદાવાદમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં, મહેમદાવાદમાં કોમી તોફાન થાય એવું દાયકાઓથી કદી બન્યું ન હતું. ૨૦૦૨માં પહેલી વાર મહેમદાવાદમાં કરફ્યુ લાગ્યો.  ત્યારે મગજ બહેર મારી ગયું. યાદ છે કે પહેલી વાર કરફ્યુ લાગ્યો અને પછી થોડા કલાક માટે તેમાંથી મુક્તિ જાહેર થઈ, ત્યારે સૌથી પહેલાં હું વોરા સોસાયટીમાં પઠાણસાહેબના ઘરે ગયો હતો અને અમે બંનેએ 'આપણા ગામને આ શું થઈ ગયું?’નો ભીનો વસવસો વ્યક્ત કર્યો હતો. વોરા સોસાયટીમાં જતી વખતે ત્યારે કે પછી પણ કદી એવો વિચાર નથી આવ્યો કે એ મુસ્લિમ વિસ્તાર કહેવાય. અને પાછલાં વર્ષોમાં એક હાથમાં લાકડી ને બીજા હાથમાં થેલી સાથે ચાલતા પઠાણસાહેબને જોઈને કોઈને પરાયાપણાનો ભાવ લાગતો ન હતો. ચલાતું હતું ત્યાં સુધી તે ઘણી વાર ઘર બાજુ નીકળ્યા હોય તો ઘરે આવી જાય. મારા પરિવારનાં સૌ કોઈ તેમની સાથે હળીભળીને વાતો કરે. મારી પત્નીને દીકરીની જેમ ગણીને તેની સાથે આત્મીયતાથી વાત કરે. ક્યારેક ગઝલ સંભળાવે. તેમનાં નવાં પુસ્તક-કોલમની વાત કરે. મુશાયરામાં ગયા હોય તો તેની પણ વાત કરે. છેલ્લે તેમનાં બે પુસ્તક આપ્યાં હતાં. સતત ચાલુ રહેલી સાહિત્ય-લેખનની પ્રવૃત્તિથી તે સંતુષ્ટ હતા. તબિયત સાથ આપતી ન હતી. ઘણી વાર તેમના પુત્ર શકીલના ઘરે વડોદરા જતા, ત્યારે બીરેનને ફોન કરતા અને બીરેન તેમને મળવા જતો.

'પર્યાય તારા નામનો'માં હસ્તાક્ષર, ૧૯૯૦

'ગુફ્તગૂ', ૨૦૦૦

હસ્તાક્ષર, ૨૦૧૭


છેલ્લે મહેમદાવાદમાં મુશાયરો યોજાયો ત્યારે તે મીર-એ-મહેફિલ હતા. નાદુરસ્ત તબિયતે પણ તેમનાં પત્ની સાથે આવ્યા હતા અને છેલ્લે ગઝલો વાંચી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી અલપઝલપ મળવાનું થયું. ઘણા સમયથી તે થાકેલા લાગતા હતા. વજન ઘણા સમયથી વધ્યું હતું. બહાર નીકળવાનું લગભગ બંધ થયું હતું. એક વાર અમે--બિપીનભાઈ-મયંકભાઈ અને મેં વિચાર્યું કે અમે ત્રણ અને પઠાણસાહેબ અનિયમિત અને અનૌપચારિક રીતે મળવાનું રાખીએ. એકાદ વાર પ્રયાસ કર્યો, પણ પઠાણસાહેબ માટે બહાર નીકળવાનું સહેલું ન હતું.

આજે સવારે મયંકભાઈ સાથે વાત કરતાં ખબર પડી કે ગઈ કાલે રાત્રે પઠાણસાહેબ ગયા.  ૧૯૮૫થી ૨૦૧૯ સુધીનો લાંબો ગાળો નિયમિત-અનિયમિત સંપર્કનો રહેવા છતાં, શબ્દરૂપે અને લાગણીરૂપે પઠાણસાહેબનું સ્થાન મનમાં હતું, છે અને રહેશે.

(પઠાણસાહેબ વિશે બીરેનના લેખની લિન્ક)