Wednesday, August 12, 2020

ગપ્પાં મારવા વિશે

ગપ્પાં શબ્દ વાંચતાં વેંત તમારા મનમાં કોઈ વ્યક્તિવિશેષ કે લેખકવિશેષનાં નામ આવ્યા હોય, તો આગોતરી સ્પષ્ટતાઃ આ લેખ ગપ્પીઓ વિશે નહીં, ગપ્પાં વિશે છે. શાસ્ત્રોના નામે ચાલતાં ગપ્પાંનો ઘણાને અનુભવ હશે, પણ આ લેખ ગપ્પાના શાસ્ત્ર વિશેનો છે. ઘણા લોકો હળવી-અકારણ-સટરપટર વાતચીત માટે પણ ‘ગપ્પાંગોષ્ઠિ કરવી’ અથવા ‘ગપ્પાં મારવાં’ એવો પ્રયોગ કરે છે. વર્ષો પહેલાં એક વડીલ જ્યારે ઘરે આવે ત્યારે કહેતા, ‘ચાલ ને દોસ્ત, થોડાં ગપ્પાં મારીએ.’ અહીં એવાં ગપ્પાંની પણ વાત નથી. કેમ કે, તેમનો સંબંધ ગપશપ સાથે છે. (ગપશપનો ‘ગોસિપ’ સાથે હોય, તો એ વળી જુદી વાત થઈ.)

ચિંતનની જેમ ગપ્પાં હાંકવા માટે પણ કોઈ વિશેષ લાયકાતની જરૂર હોતી નથી. ચિંતનમાં તો જાતે ને જાતે કહેવું પણ પડે કે ‘હું ચિંતક છું’ અથવા બીજા પાસે એવું કહેવડાવવું પડે અથવા ગાલમાં આંગળીઓ ખોસીને ફોટા પડાવવા પડે. પરંતુ ગપ્પાં મારનારને એવી તસ્દી લેવી પડતી નથી. તેના જાહેર કર્યા વિના કે બીજા કોઈને પ્રેરિત કર્યા વિના કે ચોક્કસ મુદ્રામાં તસવીરો પડાવ્યા વિના જ, ઘણા બધાને ખબર પડી જાય છે કે આ ભાઈ (યા બહેન) ગપ્પી છે અને ગપ્પાં મારે છે.

ચૂલામાં જેમ ધુમાડાવાળા અને નિર્ધૂમ એમ બે પ્રકાર હોય છે, તેમ ગપ્પાંમાં પણ નિર્દોષ અને સદોષ એવા જાડા પ્રકાર પાડી શકાય. અલબત્ત, ગપ્પાંનો વ્યાપવિસ્તાર એટલો બહોળો છે કે તેના ભાગ બીજી ઘણી રીતે પણ પાડી શકાય. જેમ કે, અહેતુક અને સહેતુક, રાજકીય અને બિનરાજકીય, સામાજિક અને અસામાજિક, મનોરંજક અને મનોભંજક (દિલ તોડી નાખે એવાં)... ઘણા લોકો ગપ્પાંને જૂઠાણાની સમકક્ષ અને ગપ્પાં હાંકવાની પ્રવૃત્તિને નિંદનીય ગણે છે. એવા ચોખલીયા લોકો ગપ્પાં મારનારામાં રહેલા સર્જકતા, મૌલિકતા, કલ્પનાશીલતા, હિંમત, સાહસ જેવા ગુણોની કદર કરી શકતા નથી. હકીકતમાં ગપ્પાંને સાચજૂઠના ત્રાજવે તોળવાં તે દૂધને ફૂટપટ્ટીથી માપવા જેવું ગણાય.

એ ખરું કે મોટા ભાગનાં ગપ્પાં સ્પષ્ટ ઓળખ સાથે—એટલે કે ગપ્પાં તરીકે રજૂ થતાં નથી. તેને બદલે તે દાવા, વાયદા, ભ્રમ, શાસ્ત્ર, ધર્મ જેવા વિવિધ સ્વાંગ સજીને આવે છે. એટલે, તેમનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થતું નથી. પરિણામે, લોકો તેમાં વ્યક્ત થતા વિવિધ ગુણોની કદર કરે તો પણ, જેવી તેમને ખબર પડે કે એ ગપ્પું છે, એ સાથે જ તેમનો એ વાત ભણી જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. એ વાત પ્રત્યેનો તેમનો વ્યવહાર બદલાઈ જાય છે. ગપ્પું ગંભીરતાથી માની લીધા બદલ તેમને શરમ લાગે છે કે છેતરાયાની લાગણી થાય છે. ત્યાર પછી ગપ્પામાં રહેલા અને આગળ વર્ણવેલા વિવિધ ગુણો પ્રમાણવા જેટલો સમભાવ કે એટલી સ્વસ્થતા તેમનામાં રહેતાં નથી.

આ તો જૂની વાત. પરંતુ બ્રહ્મની જેમ ગપ્પાં અનાદિ અને અનંત છે. એટલે જીવન સુખેથી જીવવા માટે ગપ્પાં સાથે પનારો પાડવાનું જરૂરી છે અને માણસોએ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે તે શીખી લીધું છે. ત્યાર પછી જે સમાજ અસ્તિત્વમાં આવ્યો છે તેને અભ્યાસીઓ ‘પોસ્ટ ટ્રુથ સોસાયટી’ કહે છે. તેમાં ગપ્પું ગંભીરતાથી માની લીધા પછી વ્યક્તિ કોઈ કાળે એ સ્વીકારવા તૈયાર હોતી નથી કે તેણે જે માની લીધું તે ગપ્પું હતું. સવાલ ગપ્પાની સચ્ચાઈનો નહીં, પોતાની સમજણનો આવે છે: ‘શું હું તમને એવો/એવી લાગું છું કે મને ગપ્પા ને સચ્ચાઈ વચ્ચેનો ભેદ પણ ખબર ન પડે?’ માટે, તેમણે માની લીધેલી વાત ગપ્પું જાહેર થાય, ત્યારે તેમને નથી શરમ આવતી કે નથી છેતરાયાની લાગણી થતી, પણ ગપ્પાને વધારે જોરથી વળગી રહેવાનું-તેના બચાવમાં ઝંપલાવવાનું ઝનૂન ચડે છે. કેમ કે, પછી એ ગપ્પું તેમની સમજનું પ્રતિક બની જાય છે અને તેનો કોઈ પણ ભોગે બચાવ કરવો, એ સ્વમાનનો મામલો બને છે.

ગપ્પાંનું સમાજશાસ્ત્ર આટલી હદે વિકસ્યા અને વકર્યા છતાં ગપ્પાંને તે માટે મળવો જોઈએ એટલો જશ મળતો નથી. ગપ્પાંની જેમ ગુંડાઓનો પણ એક સમયે રાજકારણમાં વ્યાપક ઉપયોગ થતો. ઘણા નેતાઓ છોછ વગર સ્થાનિક કે આયાતી ગુંડાઓની સેવાઓ લેતા અને સજ્જનની જેમ તેનો બદલો પણ પ્રસંગે વાળી આપતા. છતાં, જેમ ગપ્પાંને તેમ ગુંડાઓને જાહેરમાં કદી જશ મળતો નહીં. એ પરિસ્થિતિ વર્ષો સુધી જોયા પછી ગુંડાઓને થયું હશે આપણા જોરે લોકોને નેતા બનાવવાને બદલે આપણે જ નેતા બની જઈએ તો કેવું? ત્યાર પછી વિધાનગૃહોમાં ગુંડાઓનું ને ગંભીર આરોપીઓનું આગમન થયું અને લોકશાહીમાં તેમનું ખૂટતું પ્રતિનિધિત્વ ઉમેરાતાં તે વધારે વૈવિધ્યસભર બની. એવું જ કંઈક ગપ્પાંની બાબતમાં પણ થયું લાગે છે.

ઘણા વખતથી ગપ્પાંનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. હવે તે ગપ્પાં તરીકે નહીં, પણ ધર્મભાવના, રાષ્ટ્રવાદ, દેશપ્રેમ જેવાં અનેક સ્વરૂપે જાહેર જીવનમાં માનવંતું સ્થાન ધરાવે છે. જેમ ચૂંટાયેલા ગુંડાને ગુંડો કહી શકાતું નથી-માનનીય કહેવું પડે છે, તેમ વિવિધ સ્વાંગમાં, વિવિધ મુખેથી આવતાં ને વહેતાં ગપ્પાંને પણ ગપ્પાં કહી શકાતાં નથી. નહીંતર લાગણીઓ દુભાવાથી માંડીને કાળા કાયદાની કલમો લાગવાની સંભાવના રહે છે. પલટાયેલા યુગનો નવો યુગધર્મ વ્યક્ત કરતું સૂત્ર છેઃ ‘ગર્વ સે કહો હમ ગપ્પી હૈં’.

Saturday, August 08, 2020

ફીણ અને પરપોટા

 શીર્ષક તો કોઈ ચિંતનલેખના સંગ્રહનું હોવું જોઈએ તેવું છે. પણ ચિંતા ન કરતા. વિષય બીજો છે. કેટલીક ચીજો સાક્ષાત્ નિરર્થકતાનું પ્રતિક હોય છે. ના, વડાપ્રધાનનાં વચનોની વાત નથી. વાત છે પરપોટાના સમુહ જેવા ફીણની. બજારમાં સાબુ વેચાતા મળશે, પણ ફીણ કદી વેચાતું જાણ્યું? હા, સ્વરૂપાંતરે ઘણી અને ઘણું વેચાતી ચીજો વિશે એવું લાગે કે તે જરાય નક્કર નથી-નકરી ફીણ જેવી છે. છતાં, તે ફીણ તરીકે નહીં, બહુ કામની ચીજ તરીકે જ બજારમાં મુકાતી ને ઉપડતી જણાશે.

ફીણની કશી કિંમત નથી. એ અર્થમાં તે નિરર્થક ખરું. પણ ફીણ પેદા કરતા પદાર્થો નિરર્થક નથી હોતા. માથામાં ફીણ કરતાં શૅમ્પુ કે એવા બીજા પદાર્થો પોષણ અને વર્ધનના ગમે તે દાવા કરે, પણ તેમાં ખર્ચેલા રૂપિયા છેવટે ફીણ વાટે જ વહી જતા હોય છે. ખરેખર તો તે રૂપિયા પાણીમાં નહીં, ફીણમાં ગયા ગણાય. આવી ફીણકારક ચીજવસ્તુઓની કિંમત એટલી ઊંચી હોય છે કે સામાન્ય માણસને તો (તે ખરીદતાં પહેલાં જ) મોઢે ફીણ આવી જાય અને મન કઠણ કરીને તે ખરીદી પણ લે, તો કોઈ સમજુ જણ તેને ઠપકો આપી શકે, ‘ભલા માણસ, બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં મોંઘુંદાટ ફીણકારક ખરીદીને તે શું ફીણી લીધું?’ (અથવા કેટલાક વિસ્તારોમાં કહે છે તેમ, શું ફેણી લીધું?) જોકે, ઘણા લોકોનો આવી ચીજો માટેનો મોહ જોઈને સલાહ આપનારને પોતાના વિશે પણ એવો જ સવાલ થાય છે કે આવું કહીને મેં શું...

ફીણ પોતે નકામું છે, પણ તે જે ચીજની (કે પ્રક્રિયાની) પેદાશ છે તે મહત્ત્વની મનાતી હોવાથી ફીણને ઝટ કોઈ નકામું કહેવાની હિંમત નથી કરતું. કેટલાંક મંત્રીસંતાનો-મોટા માણસોનાં સંતાનોનું પણ એવું જ નથી હોતું? જાહેરખબરોના યુગમાં બીજી અનેક નકામી ચીજોની જેમ ફીણને પણ રૂડુંરૂપાળું ને સુખની નિશાની જેવું દર્શાવવામાં આવે છે. કપડાં બોળતી ગૃહિણી ફીણના ગોટામાંથી એકાદ ટપકું નજીક ઉભેલા બાળકને કે પતિને લગાડી દે, તેમાં એ વૉશિંગ પાવડરનું અવતારકાર્ય તો સફળ થાય જ છે, સાથોસાથ, નકામી આડપેદાશ ગણાતા ફીણને તેનું અવતારકાર્ય પ્રાપ્ત થાય છે. જાહેરખબર જોનાર વિચારે છે (કમ સે કમ, જાહેરખબર બનાવનાર એવી આશા રાખે  છે કે જોનારને થાય), વાહ, આ બહેનના જીવનમાં ફીણ ન હોત તો એ પોતાની કુટુંબવત્સલતા શી રીતે પ્રગટ કરી શક્યાં હોત? ટીવી પર વૉશિંગ પાવડરના ‘ઝાગ’નો મહિમા જોઈને ઉછરેલાં બાળકો ક્યારેક દરિયાકિનારે જાય, તો ઉછળતાં મોજાંનું ફીણ જોઈને તેમને સવાલ થાય છે કે આ પાણીમાં આટલો બધો વૉશિંગ પાવડર કોણે નાખ્યો હશે?

ગુજરાતી પ્રજાને જેમ ગરબા ગાવા માટે કોઈ ઉશ્કેરણીની જરૂર પડતી નથી, તેમ ચિંતનમાં સરી પડવા માટે પણ કોઈ તકની ગરજ હોતી નથી. એમાં દરિયાકિનારો સામે હોય તો થઈ રહ્યું. પછી તો ભરતી-ઓટથી માંડીને દરિયાની રેતમાં બનાવાતા કિલ્લા સુધીની બાબતો ચિંતનખોરીના ઇલાકામાં આવી જાય છે. છતાં, તેમાં પણ ફીણને ભાગ્યે જ સ્થાન મળે છે. બે નિરર્થક ચીજો એકસાથે નહીં સમાઈ શકતી હોય કદાચ. દરિયાકિનારે પરપોટા ઉડાડવાનું પણ માહત્મ્ય હોય છે. સાબુના ફીણદાર પાણીમાં પ્લાસ્ટિકનો લુપ બોળીને તેમાંથી ફુંક મારતાં જે પરપોટા થાય છે, તેમાંથી ઘણા ચિંતક સિવાયના લોકોને પણ સર્જનનો આનંદ મળે છે. એ રીતે ફુલાવાતા પરપોટાને હવામાં છોડતી વખતે તેની  નિરર્થકતા, ક્ષણિકતા, ક્ષણભંગુરતા જેવા વિચારો આવે તો ફૅમિલી ડૉક્ટરની મુલાકાત લઈ આવવી. ડૉક્ટર એમ નહીં કહે કે સાવ ફીણ જેવી બાબત માટે શું આવ્યા. કદાચ એવું કહે કે ધૂળ જેવી બાબત માટે કેમ ધક્કો ખાધો? હા, ધૂળ કરતાં ફીણનો સામાજિક દરજ્જો ઊંચો છે.

અતીતરાગમાં રાચનારા અફસોસ સાથે કહી શકે છે કે અરર, હવે પહેલાં જેવાં ફીણ પણ ક્યાં રહ્યાં છે? વૉશિંગ મશીન આવી ગયાં, એટલે હાથ અને ફીણને તો જાણે વેર થઈ ગયું. બાકી, કપડાં ઘસતી વખતે એવું ફીણ ઉડતું, જાણે સ્વર્ગનો ફિલ્મી સૅટ. હવે તો છેલ્લે ફીણ ક્યારે જોયું હતું એ પણ યાદ નથી આવતું. કેટલાક અતીતરાગીઓને બદલાયેલા સંજોગોમાં અભાવ મહેસૂસ કરવામાં એટલો બધો રસ હોય છે કે તેમની પ્રિય ચીજ હજુ હયાત હોય તો પણ તેને દિવંગત બનાવી દેતાં તેમને જરાય ખચકાટ થતો નથી.

સાબુ અને ફીણ વચ્ચેનો સંબંધ સીધોસાદો નથી. તેને શાંતિથી સમજતાં લોકશાહીની વર્તમાન અવદશા વિશેની સમજ પાકી થઈ શકે છે. આદર્શવાદીઓ-બંધારણવાદીઓ-લોકશાહીવાદીઓ માને છે કે લોકશાહી સાબુ છે ને સત્તા તેનું ફીણ, એટલે કે (લોકશાહી માટે) નકામી-નિરુપયોગી આડપેદાશ. પરંતુ નેતાઓનો ખ્યાલ જુદો છે. તેમને લાગે છે કે અસલી સાબુ તો સત્તા છે અને લોકશાહીનું મહત્ત્વ તેના ફીણ જેટલું હોય છેઃ (તમામ ઉંમરનાં) બાળકોને રમવા ને ક્યારેક, ફીણનું ટપકું લગાડતી ગૃહિણીના અંદાજમાં, ક્ષણિક પ્રસન્નતા અનુભવવા પૂરતું. આ બંને છાવણીઓ વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે અને બંને પક્ષો પોતપોતાના દાવાને સાચો ઠરાવવા મથે છે. પણ મોટે ભાગે લોકશાહીવાળાના મોઢે ફીણ આવે છે—અને એ દલીલ કે પુરાવાl તરીકે નહીં, થાક અને હાંફની નિશાની તરીકે.

Monday, August 03, 2020

નવી શિક્ષણનીતિ : રૂપાળા નકશા પર વાસ્તવનાં કાળાં ધાબાં

(ડિજિટલ સાપ્તાહિક 'નિરીક્ષક')
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવી શિક્ષણનીતિ વિશેના દસ્તાવેજની ઠીક ઠીક ચર્ચા થઈ. તેમાં બે સૂર સર્વસામાન્ય કહી શકાય એવા હતાઃ કેટલાંક પગલાં ખરેખર અમલી બને તો વર્તમાન સ્થિતિમાં ખાસ્સો સુધારો થાય. જેમ કે, ઔપચારિક શિક્ષણની શરૂઆત  પહેલા ધોરણથી નહીં, પણ ત્યાર પહેલાંના જુનિયર-સિનિયર કે.જી.થી કરવી, શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું, વિદ્યાર્થીને કોઈ એક વિદ્યાશાખાના વિષયોમાં બાંધી રાખવાને બદલે, તેને વિવિધ વિષયોમાંથી રુચિ પ્રમાણે વ્યાપક પસંદગીની તક આપવી, પરીક્ષાની ઔપચારિકતા અને તેના વધુ પડતા મહત્ત્વને બદલે કૌશલ્ય-કેન્દ્રી શિક્ષણ પર ભાર આપવો, જેથી તે ભણીને બહાર પડે ત્યારે શિક્ષિત બેકારની નહીં, પણ પોતાના પગ પર ઊભા રહી શકતા નાગરિકની ગણતરીમાં આવે...

આ બધું સાકાર થાય તેવું કોણ ન ઇચ્છે? પરંતુ શિક્ષણ જેવી અત્યંત પાયાની, અટપટી અને દેશવ્યાપી વ્યવસ્થામાં હાલ જે પ્રકારની સુઆાયોજિત અરાજકતાનું વાતાવરણ છે, તે જોતાં નવી શિક્ષણનીતિની વાતો બિલાડીના ગળે ઘંટ બાંધવા મળેલી ઉંદરસભા જેવી લાગે છે. નવી શિક્ષણનીતિને લગતા દસ્તાવેજથી એટલું સમજાય છે કે દસ્તાવેજ તૈયાર કરનાર સમિતિની વિચારવાની દિશા બરાબર છે. પરંતુ શિક્ષણ વિશે ધોરણસરની સમજ ધરાવનાર કોઈને પણ વિચારવાનું કહેવામાં આવે, તો તે પણ લગભગ આવું જ વિચારે. ખરો સવાલ એ વિચારના અમલીકરણ માટેની દાનતનો અને તેની સામે ઊભેલા વાસ્તવિક પડકારોનો છે.

શૈક્ષણિક સજ્જતાને ઉવેખીને પક્ષીય-વિચારાધારાકીય વફાદારી ધરાવતા લોકોની શૈક્ષણિક નિમણૂકોથી માંડીને શિક્ષણના વેપારીકરણ (ખાનગીકરણ નહીં, વેપારીકરણ) અંગે સરકારની ઉદાસીનતા બલકે એ ધંધામાં રાજનેતાઓનું મેળાપીપણું સુધારાના રસ્તામાં ઊભેલો મસમોટો પહાડ છે. બૌદ્ધિકતા અને વિદ્વત્તા સાથે આડવેર વર્તમાન સરકારની બીજી તાસીર છે. તેને બધું ‘જ્ઞાન’ પોતાના કથિત રાષ્ટ્રવાદી એટલે કે એક તરફ કોમવાદના, તો બીજી તરફ સંકુચિત સંસ્કૃતિગૌરવના ઢાંચામાં જ ખપે છે. ત્રીજું, પરદેશનાં મૉડેલ યોગ્ય સમજ, દાનત અને સુવિધા વિના લઈ આવવાથી શું થાય છે, તેની સમજ સૅમેસ્ટર પ્રથાના ધબડકાથી પડી જવી જોઈએ. ‘પ્રાથમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં’ –એ વાતે ફરી અંગ્રેજી વિ. માતૃભાષાની (મૂળ મુદ્દો ચૂકતી) તકરાર અને દક્ષિણનાં રાજ્યો પર હિંદી લાદવાની આશંકા તાજી કરી છે. એ વિશે વિગતે ચર્ચા પછીના અંકોમાં. પણ મેલી મથરાવટી માટે સાચી રીતે પંકાયેલી સરકાર પાસેથી આવેલો શિક્ષણનો સ્વપ્નિલ દસ્તાવેજ, ઉઠી ગયેલી બૅન્કે લખેલા તોતિંગ રકમના ચેક જેવો વધુ લાગે છે.