Thursday, May 18, 2023

ગરમી ખાળવાના ઉપાય

કેટલાક લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે—પછી ભલે તે સમાધાનમાં બીજી સમસ્યાઓ છુપાયેલી હોય. એવા જ્ઞાનીજનો ક્યારેક મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે તો ક્યારેક સ્વઘોષિત ગુરુ તરીકે, ક્યારેક મૂલ્યનિરપેક્ષ પોઝિટિવ થિંકિંગના પડીકા તરીકે તો ક્યારેક વિશુદ્ધ સરકારી અફસર તરીકે  સમાજ પર ખાબકતા રહે છે. ગરમીનો ચઢતો પારો અચ્છાખાસા સ્વસ્થ માણસોને દેવદાસ (હારેલા) બનાવવા લાગે, ત્યારે ગરમી વિશેનું ચિંતન શરૂ થાય છે. ગરમી ચાળીસ ડિગ્રીને વટાવી જાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? એવો સવાલ આગળ જણાવેલી પ્રજાતિને કરવામાં આવે તો કેવા જવાબ મળી શકે? કેટલીક કલ્પનાઃ

આ બધું તો ભાઈ, આપણી પર છે. આપ ભલા તો જગ ભલા. તેમને યાદ કરાવવામાં આવે કે તમારું જેનરિક માર્ગદર્શન નહીં, પણ ચોક્કસ વિષય પરની તમારી સલાહ માગવામાં આવી રહી છે. ત્યારે તે કહી શકે છે, ઓહો, ગરમી. ગરમી વિશે અને ઉનાળાની બપોરના સૌંદર્ય વિશે કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે. એમ તો મેં પણ કાકાસાહેબના પગલે ચાલીને એક નિબંધ લખેલો. બસ, એ હવે પાઠ્યપુસ્તકમાં આવે એની જ રાહ છે. તેમની વાત સાંભળીને એવું જ લાગે, જાણે પાઠ્યપુસ્તકમાં તેમના નિબંધના સમાવેશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકલી જશે.

મોટિવેશનલ સ્પીકરોને ઉકેલ પૂછતાં એ કહી શકે છે, એક વાર હું અમેરિકામાં હતો અને અચાનક ગરમી વધી ગઈ. તેમને ખબર હોય છે કે લોકોને વાર્તા બહુ ગમે છે અને વિચારવાનો બહુ કંટાળો છે. એટલે તેમને વાર્તાઓ કહેવી અને એવું ઠસાવવું કે આવી વાર્તાઓથી તમારી વિચારશક્તિ બહુ ખીલશે અથવા ખીલી ચૂકી છે, તમે જ જગતનું શ્રેષ્ઠ ઓડિયન્સ છો અને અમેરિકા પણ મારી સલાહ માગે તો હું આપવા તૈયાર છું. તમને થશે કે આખી વાતમાં ગરમીનો મુકાબલો શી રીતે કરવો એ વાત તો આવી જ નહીં. પણ મોટિવેશનલોનું ઘણુંખરું એવું જ હોય. તેમાં મુદ્દો નહીં, તે મુદ્દાની આસપાસ પોતાને કે પોતાના ધારી લીધેલા શાણપણને કેન્દ્રમાં રાખીને તેમણે બનાવેલી વાર્તા મુખ્ય હોય છે.

છૂટકના ભાવે જથ્થાબંધમાં મોટિવેશન વેચતા બીજા પ્રકારના મોટિવેશનવિક્રેતાઓની પીન એ વાત પર ચોંટી ગઈ હોય છે કે આપણે ધારીએ તો કશું અશક્ય નથી. પાણીપુરીમાંથી પાણી રકાબીમાં ન ઢળે એવી રીતે કેમ ખાવું ત્યાંથી માંડીને ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ કેમ ચલાવવી, ત્યાં સુધીની વાતો અને ખાસ તો માલેતુજારોનાં કિસ્સાકહાણી હાથવગાં રાખે છે--ન જાણે ક્યારે તેની જરૂર પડી જાય. તેમને ગરમી વિશે પૂછવામાં આવે તો તે કહી શકે છે, લોકોને ધીરુભાઈ અંબાણી થવું છે, પણ ગરમી સહન થતી નથી. એવું શી રીતે ચાલે? અને પછી ધીરુભાઈએ વેઠેલી ગરમીના ધીરુભાઈને પણ ખબર ન હોય એવા કિસ્સા તે કહી શકે છે. ઝકરબર્ગ, મસ્ક, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવાં નામ તેમના મોઢેથી એવી રીતે નીકળે છે, જાણે એ બધા એક પાટલી પર બેસીને ભણ્યા હોય અને આ જણ એકલો જ આ મહત્ત્વના કામ માટે પડતર રહી ગયો હોય.

કેટલાક વક્તાઓ રોજ પોતાના વિશે જૂઠો ભ્રમ સેવવાને કારણે જોતજોતાંમાં પોતે જ પોતાની મહાનતાના પ્રેમમાં પડી જાય છે. નાર્સિસસ એકલો અમથો બદનામ થયો. તે આ પ્રજાતિને સાંભળે તો તેને ખ્યાલ આવે કે તેમણે કેટલો વિકાસ સાધ્યો છે. આ જૂથના લોકો સમક્ષ ગરમી વિશે ફરિયાદ કરતાં તે કહી શકે, મને તો કદી ગરમી લાગતી જ નથી. કારણ કે હું કાયમ એસીમાં રહું છું. આટલું સિમ્પલ સોલ્યુશન છે, પણ આપણા લોકોને ખોટી ફરિયાદો કરવાની ખોટી ટેવ પડી ગઈ છે. હાય ગરમી, હાય ગરમી શું કરવાનું? તરબૂચ ખાવ, કેરીનો રસ ખાવ (કે પીઓ), ફાલસાનો જ્યુસ પીઓ, છાશ પીઓ, લસ્સી પીઓ—આટલા બધા તો વિકલ્પ છે. દરેક બાબતમાં ગરીબી-ગરીબીને શું રડવાની? પણ જાતે હાડકાં હલાવવાં ન હોય તેનું શું થઈ શકે? આપણો દેશ આમ જ પાછળ રહી ગયો છે. બાકી, હું જ્યારે ટિમ્બકટુ ગયો ત્યારે ત્યાંના મેયરે સ્વાગતપ્રવચનમાં મારા વિચારોથી અભિભૂત થઈને કહ્યું હતું કે...

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ વખતે ગરમીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અલબત્ત, એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલાઓમાં જેમનો કશો વાંક નીકળ્યો ન હોય, તેમનો ગરમીમાં થયેલાં મરણ માટે તો શી રીતે વાંક હોઈ શકે? આવા મહાનુભાવોની ભક્તસેના અને ટ્રોલસેના સમક્ષ ભૂલેચૂકે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો તે તરત મેદાનમાં આવી જશે, તમને તો બધું વાંકું જ દેખાય છે. અગાઉની સરકારો વખતે તમે ક્યાં ગયા હતા? તમે બધા દંભી સેક્યુલરિયા ડાબેરી રાષ્ટ્રવિરોધી હિંદુવિરોધી (આ બધું એક સાથે જ અને બને ત્યાં સુધી સમજ્યા વિના બોલવાનો રિવાજ છે)... કંઈ ન ચાલ્યું તો છેવટે ગરમીની ફરિયાદ કરીને સરકારને બદનામ કરવા આવી પહોંચ્યા? ખબરદાર હવે ફરી ગરમીના પ્રકોપ વિશે ફરિયાદ કરી છે તો. અમારે ધાર્મિક-સમકક્ષ બની ગયેલી રાજકીય લાગણી દુભાવવા બદલ તમને સીધા કરવા પડશે.

દુભાવાના-દુઃખી થવાના કિસ્સામાં માનવીય લાગણી ગૌણ અને બાકીની લાગણીઓ મુખ્ય બની જાય, ત્યારે પેદા થતું (પ્ર)દૂષણ સમાજના પર્યાવરણ માટે જોખમી બની જાય છે. ઉદાહરણ ટાંકવાની જરૂર લાગે છે?

Tuesday, May 02, 2023

દાંતના દુખાવા પર સર્જિકલ સ્ટ્રાઇક

દાંત કાઢવા ને કઢાવવામાં કેટલો ફેર છે, તે સમજવા ભાષા શીખવાની જરૂર નથી. એક વાર દાંતનો (કે દાઢનો) દુખાવો ઉપડે, એટલે તે સમજાઈ જાય છે. સમાધાનના બધા પ્રયાસ કર્યા પછી યુદ્ધ એ જ કલ્યાણની ભૂમિકાએ પહોંચતા જણની જેમ, દાંતનો દુખાવો નાથવાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે સર્જિકલ સ્ટ્રાઇકનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દુખાવગ્રસ્તને ખબર હોય છે કે પીડામુક્તિનો વિકલ્પ પોતે ઓછો પીડાદાયી નથી. છતાં, લાંબા ગાળાની પીડા ટાળવા તે ટૂંકા ગાળાની પીડા વહોરી લેવાનું અને ખાંડણિયામાં માથું મુકવાનું પસંદ કરે છે.

દુખતા દાંતના કિસ્સામાં ખાંડણિયાની ભૂમિકા ખુરશી ભજવે છે, પણ તેના વિશે દુખાવાગ્રસ્તને ધીમે ધીમે જાણ થાય છે. દુખતો દાંત લઈને તે ડોક્ટર પાસે પહોંચે ત્યારે વેઇટિંગ રૂમમાં દાંતની સારવારને લગતી સામગ્રી ચોતરફ દાંતીયાં કરતી હોય એવું લાગે છે. કેટલાંક દવાખાનાંમાં વેઇટિંગ રૂમ અને દંતચિકિત્સાખંડ વચ્ચે અભેદ્ય પડદો કે બારણું હોય છે. તેથી અંદર શું ચાલતું હશે તેની દર્દીએ કલ્પના કરવાની રહે છે. દાંતના દુખાવાને કારણે અને ખાસ તો અંદર ગયા પછી શું થશે, તેની કલ્પનાને કારણે દંતપીડિત પર વેઇટિંગ રૂમના એસીની અસર થતી નથી. કેટલાંક દવાખાનાં પારદર્શકતામાં માને છે. તેમાં બહાર બેઠેલો દર્દી અંદર શું ચાલે છે તે જોઈ શકે છે. તે સમયની દંતપીડિત હવે મારો વારો છે–ની બેચેની અનુભવે છે.

આખરે તેડું આવે છે અને દંતપીડિતને અંદર પ્રવેશ મળે છે. ત્યાંની સૌથી ધ્યાનાકર્ષક ચીજ હોય છે ખુરશી. ખુરશીની ખેંચતાણમાં કોઈ પણ હદે જેવું, એ માણસની સામાન્ય તાસીર હોય છે, પરંતુ ડેન્ટિસ્ટની ખુરશીને તેમાં અપવાદરૂપ ગણવી પડે. તેને જોતાં જ માણસના મનમાં ખુરશી પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય છે. એવો વિચાર પણ આવે છે કે હોદ્દેદારો માટે ગાદીવાળી રિવોલ્વિંગ ચેરને બદલે ડેન્ટલ ચેર રાખી હોય તો કદાચ હોદ્દા માટે બહુ ખેંચતાણ ન થાય.

ડેન્ટિસ્ટની ખાસ પ્રકારની ખુરશીમાંથી બીજાં બધાં લટકણિયાં કાઢી લેવામાં આવે તો તે એટલી આરામદાયક હોય છે કે તેની પર આરામથી લાંબા થઈને સુઈ શકાય. પરંતુ દર્દી તરીકે ત્યાં બેસવાનું હોય ત્યારે તે બધા આરામ સહિત કાંટાળી લાગે છે. કોઈ માણસને કહેવામાં આવે કે તારા જીવનના ત્રીસ દિવસ બાકી રહ્યા છે અને એટલા દિવસમાં તારે જે મોજ કરવી હોય તે કર, તો મોટા ભાગના લોકોને ભલભલી આનંદદાયક પ્રવૃત્તિ વખતે પણ મનમાં અજંપો રહે. એવું જ આ ખુરશીનું હોય છે. જે સંજોગોમાં તેની પર બેસવાનું થાય છે, તેમાં તેની આરામદાયકતાની નિરાંતને બદલે અમંગળની આશંકા જ મનમાં છવાયેલી રહે છે. સાથે, સ્વસ્થ રહેવાના પ્રયાસરૂપે એવો વિચાર પણ આવી જાય છે કે ચાર્લી ચેપ્લિન આવી ખુરશીને લઈને કેટકેટલી ગમ્મતો કરી શકે?

છબીમાંના ભગવાનની જેમ ડેન્ટિસ્ટની ખુરશી પણ ચાર હાથવાળી હોય એવું લાગે છે. તેની દરેક બાજુએ કોઈ ને કોઈ પ્રકારની સામગ્રી ગોઠવાયેલી હોય છે. એટલે તે કોઈ સાઇ-ફાઇ ફિલ્મના સજ્જ યંત્રમાનવ જેવી પણ લાગી શકે છે. ડોક્ટર ન આવે ત્યાં સુધી એ ખુરશી પર માથું ઢાળીને બેઠેલો જણ ખુરશીનાં આજુબાજુનાં લટકણીયાં જોવા-સમજવાનો પ્રયાસ કરે છે. પણ તેનાથી મન બીજે વળવાને બદલે, ખુરશીના જુદા જુદા હિસ્સા શી રીતે દાંત પરના આક્રમણ માટે ઉપયોગમાં લેવાશે, તેના વિચારે ચડી જાય છે. તેનાથી બેચેની વધતાં તે ખુરશીનો અભ્યાસ માંડવાળ કરીને, શાંતિથી ડોક્ટરની રાહ જોવાનું પસંદ કરે છે.

ડોક્ટર આવતાં પહેલાં તેમના સહાયકો આવીને નિર્જીવ લાગતી ખુરશીમાં પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ કરે છે. ખુરશી પર બેઠેલા જણ ઉપર ત્યારે કશું જ થતું ન હોવા છતાં, તેની આસપાસની ગતિવિધિ જે રીતે શરૂ થાય તે જોઈને તેને લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સમય આવી પહોંચ્યો છે. એવામાં કમાન્ડર-ઇન-ચીફ જેવા ડોક્ટર પ્રગટ થાય છે. તે આવીને બધું જુએ છે, દર્દીને થોડું આશ્વાસન અને થોડી હૈયાધારણ આપે છે અને દર્દીનું મોં પહોળું કરીને કામગીરીનો આરંભ કરે છે.

ડેન્ટિસ્ટને ત્યાં જતાં પહેલાં, મોં મહત્તમ પહોળું કરવાની પ્રેક્ટિસ પાણીપુરી ખાતી વખતે હોય છે. પરંતુ ખુમચા પર મોં પહોળું કરીને પુરી અંદર પધરાવ્યા પછી, તરત મોં બંધ કરવાની રજા હોય છે. ડેન્ટિસ્ટને ત્યાં મોં પાણીપુરી મુકતાં કરવું પડે તેનાથી પણ વધારે ખોલવું અને પછી ખુલ્લું રાખવું પડે છે. ત્યાંથી કસોટીની શરૂઆત થાય છે. મોં પહોળું રાખવાનું અઘરું પડે ત્યારે ડોક્ટર આશ્વાસન, પ્રોત્સાહન અને ઠપકાના મિશ્રણ જેવાં વચનો ઉચ્ચારીને, દર્દીના મોંમાં કશોક નક્કર પદાર્થ મુકીને મોં પહોળું રાખે છે. ત્યારે મનોદશા એવી હોય છે કે તે નક્કર પદાર્થ પણ ચાવી જવાનું મન થાય.

એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે. તેમને એવું લાગે છે કે આ બધું તો બીજા સાથે થઈ રહ્યું છે ને મારે એની સાથે કશી લેવાદેવા નથી. છેવટે ડોક્ટર કામગીરી પૂરી થયાની જાહેરાત કરે ત્યારે, એનેસ્થેશિયાની અસરથી મોં દડા જેવું થઈ ગયું હોય એવું લાગે છે, પણ ખુરશીમાંથી મુક્તિ મળ્યાના આનંદમાં બાકીનું બધું ભૂલાઈ જાય છે.