Tuesday, May 02, 2023

દાંતના દુખાવા પર સર્જિકલ સ્ટ્રાઇક

દાંત કાઢવા ને કઢાવવામાં કેટલો ફેર છે, તે સમજવા ભાષા શીખવાની જરૂર નથી. એક વાર દાંતનો (કે દાઢનો) દુખાવો ઉપડે, એટલે તે સમજાઈ જાય છે. સમાધાનના બધા પ્રયાસ કર્યા પછી યુદ્ધ એ જ કલ્યાણની ભૂમિકાએ પહોંચતા જણની જેમ, દાંતનો દુખાવો નાથવાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે સર્જિકલ સ્ટ્રાઇકનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દુખાવગ્રસ્તને ખબર હોય છે કે પીડામુક્તિનો વિકલ્પ પોતે ઓછો પીડાદાયી નથી. છતાં, લાંબા ગાળાની પીડા ટાળવા તે ટૂંકા ગાળાની પીડા વહોરી લેવાનું અને ખાંડણિયામાં માથું મુકવાનું પસંદ કરે છે.

દુખતા દાંતના કિસ્સામાં ખાંડણિયાની ભૂમિકા ખુરશી ભજવે છે, પણ તેના વિશે દુખાવાગ્રસ્તને ધીમે ધીમે જાણ થાય છે. દુખતો દાંત લઈને તે ડોક્ટર પાસે પહોંચે ત્યારે વેઇટિંગ રૂમમાં દાંતની સારવારને લગતી સામગ્રી ચોતરફ દાંતીયાં કરતી હોય એવું લાગે છે. કેટલાંક દવાખાનાંમાં વેઇટિંગ રૂમ અને દંતચિકિત્સાખંડ વચ્ચે અભેદ્ય પડદો કે બારણું હોય છે. તેથી અંદર શું ચાલતું હશે તેની દર્દીએ કલ્પના કરવાની રહે છે. દાંતના દુખાવાને કારણે અને ખાસ તો અંદર ગયા પછી શું થશે, તેની કલ્પનાને કારણે દંતપીડિત પર વેઇટિંગ રૂમના એસીની અસર થતી નથી. કેટલાંક દવાખાનાં પારદર્શકતામાં માને છે. તેમાં બહાર બેઠેલો દર્દી અંદર શું ચાલે છે તે જોઈ શકે છે. તે સમયની દંતપીડિત હવે મારો વારો છે–ની બેચેની અનુભવે છે.

આખરે તેડું આવે છે અને દંતપીડિતને અંદર પ્રવેશ મળે છે. ત્યાંની સૌથી ધ્યાનાકર્ષક ચીજ હોય છે ખુરશી. ખુરશીની ખેંચતાણમાં કોઈ પણ હદે જેવું, એ માણસની સામાન્ય તાસીર હોય છે, પરંતુ ડેન્ટિસ્ટની ખુરશીને તેમાં અપવાદરૂપ ગણવી પડે. તેને જોતાં જ માણસના મનમાં ખુરશી પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય છે. એવો વિચાર પણ આવે છે કે હોદ્દેદારો માટે ગાદીવાળી રિવોલ્વિંગ ચેરને બદલે ડેન્ટલ ચેર રાખી હોય તો કદાચ હોદ્દા માટે બહુ ખેંચતાણ ન થાય.

ડેન્ટિસ્ટની ખાસ પ્રકારની ખુરશીમાંથી બીજાં બધાં લટકણિયાં કાઢી લેવામાં આવે તો તે એટલી આરામદાયક હોય છે કે તેની પર આરામથી લાંબા થઈને સુઈ શકાય. પરંતુ દર્દી તરીકે ત્યાં બેસવાનું હોય ત્યારે તે બધા આરામ સહિત કાંટાળી લાગે છે. કોઈ માણસને કહેવામાં આવે કે તારા જીવનના ત્રીસ દિવસ બાકી રહ્યા છે અને એટલા દિવસમાં તારે જે મોજ કરવી હોય તે કર, તો મોટા ભાગના લોકોને ભલભલી આનંદદાયક પ્રવૃત્તિ વખતે પણ મનમાં અજંપો રહે. એવું જ આ ખુરશીનું હોય છે. જે સંજોગોમાં તેની પર બેસવાનું થાય છે, તેમાં તેની આરામદાયકતાની નિરાંતને બદલે અમંગળની આશંકા જ મનમાં છવાયેલી રહે છે. સાથે, સ્વસ્થ રહેવાના પ્રયાસરૂપે એવો વિચાર પણ આવી જાય છે કે ચાર્લી ચેપ્લિન આવી ખુરશીને લઈને કેટકેટલી ગમ્મતો કરી શકે?

છબીમાંના ભગવાનની જેમ ડેન્ટિસ્ટની ખુરશી પણ ચાર હાથવાળી હોય એવું લાગે છે. તેની દરેક બાજુએ કોઈ ને કોઈ પ્રકારની સામગ્રી ગોઠવાયેલી હોય છે. એટલે તે કોઈ સાઇ-ફાઇ ફિલ્મના સજ્જ યંત્રમાનવ જેવી પણ લાગી શકે છે. ડોક્ટર ન આવે ત્યાં સુધી એ ખુરશી પર માથું ઢાળીને બેઠેલો જણ ખુરશીનાં આજુબાજુનાં લટકણીયાં જોવા-સમજવાનો પ્રયાસ કરે છે. પણ તેનાથી મન બીજે વળવાને બદલે, ખુરશીના જુદા જુદા હિસ્સા શી રીતે દાંત પરના આક્રમણ માટે ઉપયોગમાં લેવાશે, તેના વિચારે ચડી જાય છે. તેનાથી બેચેની વધતાં તે ખુરશીનો અભ્યાસ માંડવાળ કરીને, શાંતિથી ડોક્ટરની રાહ જોવાનું પસંદ કરે છે.

ડોક્ટર આવતાં પહેલાં તેમના સહાયકો આવીને નિર્જીવ લાગતી ખુરશીમાં પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ કરે છે. ખુરશી પર બેઠેલા જણ ઉપર ત્યારે કશું જ થતું ન હોવા છતાં, તેની આસપાસની ગતિવિધિ જે રીતે શરૂ થાય તે જોઈને તેને લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સમય આવી પહોંચ્યો છે. એવામાં કમાન્ડર-ઇન-ચીફ જેવા ડોક્ટર પ્રગટ થાય છે. તે આવીને બધું જુએ છે, દર્દીને થોડું આશ્વાસન અને થોડી હૈયાધારણ આપે છે અને દર્દીનું મોં પહોળું કરીને કામગીરીનો આરંભ કરે છે.

ડેન્ટિસ્ટને ત્યાં જતાં પહેલાં, મોં મહત્તમ પહોળું કરવાની પ્રેક્ટિસ પાણીપુરી ખાતી વખતે હોય છે. પરંતુ ખુમચા પર મોં પહોળું કરીને પુરી અંદર પધરાવ્યા પછી, તરત મોં બંધ કરવાની રજા હોય છે. ડેન્ટિસ્ટને ત્યાં મોં પાણીપુરી મુકતાં કરવું પડે તેનાથી પણ વધારે ખોલવું અને પછી ખુલ્લું રાખવું પડે છે. ત્યાંથી કસોટીની શરૂઆત થાય છે. મોં પહોળું રાખવાનું અઘરું પડે ત્યારે ડોક્ટર આશ્વાસન, પ્રોત્સાહન અને ઠપકાના મિશ્રણ જેવાં વચનો ઉચ્ચારીને, દર્દીના મોંમાં કશોક નક્કર પદાર્થ મુકીને મોં પહોળું રાખે છે. ત્યારે મનોદશા એવી હોય છે કે તે નક્કર પદાર્થ પણ ચાવી જવાનું મન થાય.

એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે. તેમને એવું લાગે છે કે આ બધું તો બીજા સાથે થઈ રહ્યું છે ને મારે એની સાથે કશી લેવાદેવા નથી. છેવટે ડોક્ટર કામગીરી પૂરી થયાની જાહેરાત કરે ત્યારે, એનેસ્થેશિયાની અસરથી મોં દડા જેવું થઈ ગયું હોય એવું લાગે છે, પણ ખુરશીમાંથી મુક્તિ મળ્યાના આનંદમાં બાકીનું બધું ભૂલાઈ જાય છે. 

2 comments:

  1. Anonymous9:41:00 PM

    "એનેસ્થેશિયા અપાયા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે!"
    👌👏😊

    ReplyDelete