Showing posts with label Lawrence of Arabia. Show all posts
Showing posts with label Lawrence of Arabia. Show all posts

Sunday, July 13, 2014

પરાક્રમ અને પ્રચારે સર્જ્યો વિશ્વયુદ્ધનો મહાનાયક : લૉરેન્સ ઑફ અરેબિયા

~ પ્રથમ વિશ્વયુદ્ધની પહેલી સદી ~

‘ચોરોને આબરૂ હોય, પણ રાજકારણીઓને એવું કંઇ હોતું નથી.’ આ સંવાદ ભલે ફિલ્મી છે, પરંતુ એ બોલનારના રોષ અને તેની હતાશાને આબાદ વ્યક્ત કરે છે. એ પાત્ર છે અંગ્રેજ ફૌજી ટી.ઇ. લૉરેન્સ, જે યુદ્ધના અને ફિલ્મના ઇતિહાસમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ના નામે પ્રખ્યાત છે.

પહેલા વિશ્વયુદ્ધમાં એક તરફ જર્મની, ઓસ્ટ્રો-હંગેરી અને તુર્કીનાં સામ્રાજ્યો હતાં, તો સામા પક્ષે બ્રિટન, ફ્રાન્સ અને રશિયા તથા તેમનાં સંસ્થાનો. મુખ્ય સમરાંગણ યુરોપ હતું. ત્યાંથી આવતા ભીષણ જાનહાનિ અને મક્કમ મનોબળના, જીવલેણ અગવડો અને અભૂતપૂર્વ સંહારના સમાચારો પ્રસાર માઘ્યમોમાં છવાયેલા રહેતા હતા. તેમની સરખામણીમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યના હિસ્સા જેવા આરબ પ્રદેશનું - અને ત્યાં મોકલવામાં આવેલા ટી.ઇ.લૉરેન્સનું શું વજૂદ? આરબ ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસી લૉરેન્સને જરૂર પડ્યે આરબોની બાબતમાં સલાહસૂચન માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ તેના કોઇ એક પાત્રનું નામ ગાજતું હોય તો એ છે : ટી.ઇ.લૉરેન્સ / T.E.Laerence ઉર્ફે લૉરેન્સ ઑફ અરેબિયા/Lawrence of Arabia.
(T.E.) Lawrence of Arabia/ અસલી લોરેન્સ ઓફ અરેબિયા
લૉરેન્સે મોટાં લશ્કરની આગેવાની લીધી ન હતી કે વિશાળ શત્રુસેના સામે એકેય મોટી લડાઇમાં તે ઉતર્યો ન હતો. છતાં, પ્રથમ વિશ્વયુદ્ધનો તે સૌથી પ્રખ્યાત ‘હીરો’ ગણાયો. વર્ષ ૨૦૦૧માં લૉરેન્સનાં પોતાનાં અને તેેના વિશેનાં લખાણોની ફક્ત સૂચિ આપતું ૯૦૮ પાનાંનું એક પુસ્તક (‘ટી.ઇ.લૉરેન્સઃ અ બિબ્લિઓગ્રાફી / T.E.Lawrence : A Bibliography) પ્રગટ થયું હતું. વર્ષ ૨૦૦૮માં પ્રગટ થયેલી તેની પૂરવણી (‘સપ્લીમેન્ટ ટુ ટી.ઇ.લૉરેન્સઃ આ બિબ્લિઓગ્રાફી/ Supplement to T.E.Lawrence : A Bibliography)માં આશરે ૨,૫૦૦ નવી એન્ટ્રી હતી.

આટલી અધધ સામગ્રીના પ્રેરક લૉરેન્સે આખરે એવું તે શું કર્યું હતું? તેનો શક્ય એટલો મુદ્દાસર જવાબ :

તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યની પ્રજા આરબ હતી. તુર્કી સામે લડતા બ્રિટનને એવો રસ હતો કે આરબો ઓટ્ટોમન સામ્રાજ્યની સામે બળવો કરે. આરબોને પણ સામ્રાજ્યની ઘૂંસરી ફગાવી દેવામાં રસ હતો. પણ તેમના જુદા જુદા કબીલા વચ્ચે લોહીયાળ હુંસાતુંસીનો પાર ન હતો. લશ્કરના નીચલી પાયરીના અધિકારી તરીકે લૉરેન્સનું કામ આરબ પ્રિન્સ ફૈસલને મળીને તે શું વિચારે છે- શું કરવા ધારે છે, એ જાણવાનું હતું. પરંતુ પોતાના અભ્યાસ ખાતર રણવિસ્તારમાં અઢળક રખડી ચૂકેલા લૉરેન્સને એવો રસ હતો કે તુર્કીના સામ્રાજ્ય સામે લડનારા આરબોને યુદ્ધના અંતે પોતાનો સ્વતંત્ર દેશ મળવો જોઇએ. તેમના માથેથી તુર્કી જાય ને બ્રિટન ચડી બેેસે, એવું ન થવું જોઇએ.

શરૂઆતમાં આરબોને એવી શંકા હતી કે લૉરેન્સ અંગ્રેજોનો જ સ્વાર્થ સાધશે, પણ પોશાકથી માંડીને ખાણીપીણી-રહેણીકરણીની બાબતોમાં પૂરા આરબ બની ગયેલા લૉરેન્સ પર તેમને ભરોસો પડ્યો. ઝઘડતા આરબ કબીલાઓને પોતાની અલાયદી ઓળખને બદલે આરબ તરીકેની નવી ઓળખ અપનાવવા લૉરેન્સે સમજાવ્યા અને યુદ્ધ પૂરું થયે તેમને આરબ રાષ્ટ્રનું વચન આપ્યું. આ વચન આપવા માટે કે કેટલીક લશ્કરી કાર્યવાહીઓ માટે લૉરેન્સે પોતાના ઉપરીઓને પૂછ્‌યું ન હતું.

લશ્કર યુદ્ધ લડતું હતું, ત્યારે અંગ્રેજ અને ફ્રેન્ચ રાજકારણીઓએ સમજૂતી કરીને, ઓટ્ટોમન સામ્રાજ્યના કસદાર હિસ્સાના અંદરોઅંદર ભાગ પાડી લીધા. તેનાથી લૉરેન્સને છેતરાયાની તીવ્ર લાગણી થઇ. અફાટ રણમાં ઊંટ પર બેસીને સેંકડો કિલોમીટરનું અંતર કાપી નાખનાર અને રેલવે લાઇનો તથા કેટલાક વિસ્તારો પર અણધાર્યા હુમલા કરીને સવાયો આરબ બની રહેનાર લૉરેન્સ જાણે પોતાની નજરમાંથી ઉતરી ગયો. લેખની શરૂઆતમાં મૂકેલા રાજકારણીઓ માટેના ઉદ્‌ગાર  એ જ સંદર્ભે હતા.

યુદ્ધ પૂરું થયા પછીના અરસામાં બ્રિટનના કોલોનિઅલ સેક્રેટરી વિન્સ્ટન્ટ ચર્ચિલની પહેલથી ૧૯૨૧માં ઇજિપ્તના કેરો શહેરમાં એક કોન્ફરન્સ યોજાઇ. તેમાં લૉરેન્સ પણ હાજર હતો. તેણે પ્રિન્સ ફૈસલને આપેલા વચનનો અંશતઃ અમલ કરીને બ્રિટને નવા રચાયેલાં ઇરાક (મેસોપોટેમિયા) અને જોર્ડન પર અનુક્રમે પ્રિન્સ ફૈસલ અને તેમના ભાઇ અબ્દુલ્લાને રાજ સોંપ્યું. લૉરેન્સનું અસલ વચન એવા અરેબિયાનું હતું, જેમાં ઇરાક-જોર્ડન સહિતના બધા પ્રદેશ આવી જતા હોય. પરંતુ એ શક્ય બન્યું નહીં.

દરમિયાન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’નું નામ ગાજતું થઇ ગયું હતું. તેમની છાપ એવી હતી કે પ્રસિદ્ધિની દિશામાં તે બે ડગલાં આગળ અને ચાર ડગલાં પાછળ ચાલે છે. એટલે કે પ્રસિદ્ધિના પ્રયાસમાં અમુક હદ સુધી સહકાર આપે, પણ પછી અચાનક મોં ફેરવી લે છે. ૧૯૧૯-૨૦માં તેમણે ‘સેવન પિલર્સ ઑફ વિઝડમ’ / Seven Pillars of Wisdomપુસ્તકમાં પોતાની યુદ્ધકામગીરીનું આલેખન કર્યું, જેનાં બર્નાડ શૉ/Bernard Shaw જેવા ભાગ્યે જ પ્રસન્ન થતા લેખકે મોકળા મને વખાણ કર્યાં. (લૉરેન્સે પુસ્તકની ભૂમિકામાં મૂલ્યવાન સૂચનો માટે અને લખાણમાં મુકાયેલાં તમામ અર્ધવિરામચિહ્નો માટે શૉ દંપતિનો આભાર માન્યો હતો.)

બ્રિટનમાં સેલિબ્રિટી તરીકેના દરજ્જાથી બચીને સામાન્ય જીવન ગુજારવા માટે તેમણે બે વાર નામ બદલ્યાં અને બ્રિટિશ સૈન્યમાં સામાન્ય, ટેક્‌નિકલ હોદ્દે નોકરી કરી. વર્ષ ૧૯૩૫માં પૂરપાટ ઝડપે મોટરસાયકલ ચલાવતી વખતે નડેલા અકસ્માતમાં છ દિવસ બેભાન રહ્યા પછી ૪૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમનું નામ હતું : ટી.ઇ. શૉ./ T.E.Shaw

પરંતુ પહેલા વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ, લૉરેન્સ ઑફ અરેબિયાનું નામ ઇતિહાસનાં અંધારિયાં ભોંયરામાં ખોવાઇ ગયું નથી.  તેમને આ હદે અમર બનાવવામાં બે જણનો ફાળો મોટો હતો : અમેરિકન પત્રકાર લૉવેલ થૉમસ  અને બ્રિટિશ ફિલ્મકાર (‘બ્રિજ ઑન ધ રીવર ક્વાઇ’ ખ્યાત) ડેવિડ લીન./David Lean

યુદ્ધ ચાલુ હતું ત્યારે સામાન્ય જનતાને લૉરેન્સ વિશે જાણકારી ન હતી. તુર્કીના ઑટ્ટોમન સામ્રાજ્યે લૉરેન્સના માથા સાટે ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ તેમના કોઇ અફસરે કદી લૉરેન્સનો ચહેરો જોયો ન હતો. એટલે દમાસ્કસમાં લૉરેન્સ તુર્કી સૈનિકોના હાથે પકડાઇ ગયો ત્યારે તેને કોઇ સામાન્ય ભાગેડુ સમજીને, થોડી મારઝૂડ કરીને જવા દેવાયો હતો. પરંતુ યુદ્ધ પછી તરતના અરસામાં પત્રકાર લૉવેલ થોમસે લૉરેન્સનાં પરાક્રમ વિશેનો એક શો તૈયાર કર્યો.

વર્તમાન પરિભાષામાં ‘મલ્ટીમિડીયા શો’ કહેવાય એવા થૉમસના કાર્યક્રમમાં ‘લાઇવ નૃત્ય’, થોમસની લાઇવ કોમેન્ટ્રી, આરબ પોશાકમાં સજ્જ લૉરેન્સની સ્ટુડિયોમાં પડાવેલી તસવીરો અને મોટા પડદે તેનાં કેટલાંક લાઇવ દૃશ્યોનું સંકલન રજૂ કરવામાં આવતું હતું. સાથે પાશ્ચાત્ય જનતા માટે અજાણી આરબભૂમિનાં રણ, રોમાંચ અને રહસ્યને પણ સાંકળી લેવામાં આવતાં. ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ જેવું નામકરણ પણ ઘણું કરીને થૉમસની જ દેન હતી.

Lawrence (left) with Lowell Thomas
અમેરિકા ઉપરાંત બ્રિટન જેવા દેશોમાં લૉવેલ થૉમસનો શો જોયા પછી લોકોને જાણ થઇ કે ટી.ઇ.લૉરેન્સ નામનો કોઇ અંગ્રેજ બચ્ચો છે, જે અરબસ્તાન જેવા અજાણ્યા મુલકમાં, આરબ પોશાક પહેરીને, આરબો સાથે હળીભળીને, તેમનો વિશ્વાસ જીતીને અસંભવ લાગતાં પરાક્રમ કરી ચૂક્યો છે. લાખો લોકોનો ભોગ લેનાર યુદ્ધની કરુણ વાસ્તવિકતાને ભૂલવા માટે વીરકથાઓમાં શરણું શોધતા લોકો માટે ટી.ઇ.લૉરેન્સની રોમાંચક ગાથા હાથવગી બની રહી.

વિખ્યાત અંગ્રેજ દિગ્દર્શક ડેવિડ લીને ૧૯૬૨માં ભવ્યતાના પર્યાય જેવી ફિલ્મ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ બનાવીને લૉરેન્સના પાત્રનો આઘુનિક યુગમાં પ્રવેશ કરાવ્યો. તેમાં લૉવેલ થોમસ પર આધારિત અમેરિકન પત્રકારનું જેક્સન બેન્ટલીનું પાત્ર ઊભું કરવામાં આવ્યું. ફિલ્મમાં બેન્ટલીને લૉરેન્સની સાથે કેટલાક હુમલામાં સામેલ થતો બતાવાયો છે. વાસ્તવિક જીવનમાં લૉવેલ થૉમસે લૉરેન્સનાં ‘લાઇવ એક્શન’ દૃશ્યો કદી લીધાં ન હતાં. લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન લંબાઇ અને નિરાંતવી ગતિ ધરાવતી આ ફિલ્મમાં રણનાં, યુદ્ધનાં, ભવ્યતાનાં અને ટોળાંનાં દૃશ્યો મંત્રમુગ્ધ કરે એવાં છે.

David Lean directing Peter O'Toole / Lawrence of Arabia
ફિલ્મમાં એક મહત્ત્વનું - અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર એવોર્ડ મેળવનારનું- પાત્ર શરીફઅલીનું છે, જેના માટે ડેવિડ લીને દિલીપકુમારનો સંપર્ક કર્યો હતો. (દિલીપકુમારે તેનો કેમ અસ્વીકાર કર્યો એ તેમની થોડા સમય પહેલાં પ્રગટ થયેલી આત્મકથામાં પણ જાણવા મળતું નથી.) તેમણે ના પાડ્યા પછી ઇજિપ્તના કલાકાર ઓમર શરીફે એ ભૂમિકા ભજવી.

Omar Sharif as Sherif Ali with 'Lawrence' Peter O'Toole
ફિલ્મમાં એક નાનો (છતાં ‘શોલે’ના સાંભા કરતાં ઘણો મોટો) રોલ હિંદી (હાસ્ય) અભિનેતા આઇ.એસ.જોહરનો હતો. લૉરેન્સ લાંબું રણ ખેડીને અકાબા શહેર પર અણધાર્યો હુમલો કરવા માટે ચુનંદા ઊંટસવારો સાથે નીકળે છે, તેમાંના એક સવાર કાસિમ- એટલે આઇ.એસ.જૌહર.

I.S.Johar a Qasim in 'Lawrence of Arabia'
નવા અભિનેતા પીટર ઓ’ટૂલ/Peter O'tooleની મુખ્ય ભૂમિકા ધરાવતી ડેવિડ લીનની ફિલ્મમાં ઉત્તરાર્ધમાં લૉરેન્સની હતાશાનું અને છેતરાયાની લાગણીનું પણ આબાદ નિરૂપણ કરવામાં આવ્યું હતું. આખી ફિલ્મ જોયા પછી ઉપસતું લૉરેન્સનું પાત્ર સફળ નાયકને બદલે, બ્રિટિશ અને આરબ વફાદારી વચ્ચે ભીંસાતા નિષ્ફળ આગેવાન તરીકેનું, વીરરસને બદલે કરૂણરસનું, વધારે લાગી શકે.

છતાં, ફિલ્મમાં લશ્કરી વડા એડમન્ડ એલન્બી/ Edmund Allenbyના મોઢેથી લૉરેન્સ માટે મુકાયેલો સંવાદ સાચો પુરવાર થયો છે. એલન્બી લૉરેન્સને કહે છે,‘યુદ્ધ પૂરું થયા પછી મને વૉર મ્યુઝીયમમાં શોધવો પડશે, જ્યારે તને બધા ઓળખતા હશે.’


Thursday, July 10, 2014

એક સદી પછી પણ સળગતી પહેલા વિશ્વયુદ્ધની પેદાશ : ઇરાક-સમસ્યા

વિજ્ઞાનની મદદથી ‘આઘુનિક’ બનેલા માણસની અવળી મતિ અને ગતિ સૂચવતી પહેલી વૈશ્વિક ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. તેમાં મુખ્ય પક્ષકાર તરીકે બન્ને બાજુ ત્રણ-ત્રણ સામ્રાજ્ય હતાં : એક તરફ સેન્ટ્રલ પાવર્સ- એટલે કે જર્મન અને ઓસ્ટ્રો-હંગેરિયન તથા (તુર્કીનું) ઓટ્ટોમન સામ્રાજ્ય. સામે પક્ષે હતી ‘ટ્રીપલ આન્તાંત’ / Triple Entente તરીકે ઓળખાતી બ્રિટન, ફ્રાન્સ અને રશિયાનાં સામ્રાજ્યોની યુતિ. ઉપરાંત, જેના કોઇને કોઇ હિસ્સામાં હંમેશાં દિવસ રહેતો હતો- અને સૂર્ય કદી આથમતો ન હતો- એવા બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારત જેવા ઘણા દેશોને વિશ્વયુદ્ધમાં સંડોવાવું પડ્યું. (દિલ્હીમાં રાજપથ પર બનેલો ‘ઇન્ડિયા ગેટ’ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોના પ્રદાનને અંજલિ તરીકે અંગ્રેજ સરકારે ૧૯૩૧માં ખુલ્લો મુક્યો હતો.)

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આશરે એક કરોડ લોકો માર્યા ગયા અને બીજા બે કરોડ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાક આજીવન પંગુ બન્યા. ખુવારીનો આ આંકડો માનવ ઇતિહાસમાં અજાણ્યો અને અભૂતપૂર્વ હતો. પ્રચંડ જાનહાનિ ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધનાં બીજાં માઠાં પરિણામની લાંબી યાદી બને એમ છે. તેમાં સૌથી પહેલા ક્રમે કદાચ બીજા વિશ્વયુદ્ધને મૂકવું પડે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધનું સૌથી દીર્ઘજીવી અનુસંધાન છે અસ્થિર ઇરાક.

જૂન ૨૮,૨૦૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ માટે નિમિત્ત બનનાર ઘટનાને સો વર્ષ પૂરાં થયાં. એ બનાવ એટલે ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના સંભવિત વારસદાર આર્કડ્યુક ફર્ડિનાન્ડની હત્યા. તેની સોમી વરસીની લગભગ સમાંતરે અંતિમવાદી સંગઠન ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના નેતાઓએ તેમના તાબામાં રહેલા ઇરાક અને સિરિયાના પ્રદેશોમાં ‘ખિલાફત’ની- એટલે કે ઇસ્લામી શાસનની- ઘોષણા કરી.

ઇતિહાસની વક્રતા એ છે કે આ બન્ને દેશો પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટ્ટોમન સામ્રાજ્યમાંથી નવી સરહદો આંકીને કોરી કઢાયા હતા. તેમના સર્જન પાછળ વિજેતા બ્રિટનની બોલીને ફરી જવાની કાયમી દગલબાજી અને કોઇના પણ ભોગે પોતાનો સ્વાર્થ સાધી લેવાની પદ્ધતિ જવાબદાર હતાં. ભારતમાં બ્રિટને જે રીતે પહેલાં લાલચ અને પછી સૈન્યબળથી એક પછી એક પ્રદેશો હડપ કર્યા, કંઇક એવી જ ‘નીતિ’ વિશ્વયુદ્ધ વખતે તેણે ઓટ્ટોમન સામ્રાજ્યના વિસ્તારો માટે અપનાવી.

ઇસ્લામી શાસન ધરાવતા ઓટ્ટોમન સામ્રાજ્યમાં બ્રિટનનું આક્રમણ ‘ખ્રિસ્તી વિરુદ્ધ મુસ્લિમ’ની ‘ક્રુસેડ’ (ધર્મયુદ્ધ) નથી, એવું દેખાડવું બ્રિટનને જરૂરી લાગતું હતું. ઉપરાંત ઓટ્ટામન સામ્રાજ્યને અંદરથી નબળું પાડવા માટે, આરબોને શાસન વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા. અંગ્રેજોની ‘પ્રેરણા’થી સો વર્ષ પહેલાં ‘આરબ સ્પ્રિંગ’ (વિદ્રોહની વસંત)નાં મંડાણ થયાં. આરબ વિદ્રોહનો વાવટો ફરકતો રાખવા માટે અંગ્રેજોએ અરબ પ્રદેશોના અભ્યાસી અને ઇતિહાસની ડિગ્રી-પુરાતત્ત્વમાં રસ ધરાવનાર ટી.ઇ.લૉરેન્સ/ T.E.Lawrenceની સેવાઓ લીધી. તેનું કામ આરબોને વિશ્વાસમાં લઇને તેમને ઓટ્ટોમન સામ્રાજ્ય સામે લડાવવાનું હતું. બદલામાં આરબોને વિશ્વયુદ્ધ પછી અલગ અરબસ્તાન- આરબોનો અલગ દેશ- આપવાનો ગોળ તેમની કોણીએ લગાડવામાં આવ્યો હતો.
Lawrence Of Arabia/ (અસલી) લોરેન્સ ઓફ અરેબિયા
આરબોને સમજાવવા-પટાવામાં અને તેમની ટુકડીઓનું નેતૃત્વ લઇને ઓટ્ટોમન સામ્રાજ્યના સૈન્ય પર- તેની ધોરી નસ જેવી લાંબી રેલવે લાઇન પર વીજળીક હુમલા કરવામાં લૉરેન્સ એવો પાવરધો પુરવાર થયો કે બ્રિટન સહિત વિશ્વભરમાં તે ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ તરીકે વિખ્યાત બન્યો. અરબી પોશાકમાં સજ્જ લૉરેન્સની તસવીર આરબો માટે આદરનું અને અંગ્રેજ પરાક્રમ-કુશળતા-ક્ષમતાનું પ્રતીક બની રહી. પરંતુ અંગ્રેજોનો ઇરાદો સાફ ન હતો. ખુદ લૉરેન્સને પણ એ વાતનો અંદાજ હતો. તેણે પોતાના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑફ વિઝડમ’માં નોંઘ્યું હતું કે ‘અમે યુદ્ધ જીતી જઇશું તો આરબોને આપેલાં વચનોનું મહત્ત્વ કાગળીયાંના ટુકડાથી વિશેષ રહેવાનું નથી...પૂર્વના મોરચે યુદ્ધ જીતવામાં આરબોની મદદ અમારા માટે સૌથી મોટું ઓજાર બની હતી...છતાં, અમે સાથે મળીને જે કંઇ કર્યું એનું ગૌરવ લેવાને બદલે, હું સતત અને ભયંકર કટુતાપૂર્વક શરમ અનુભવતો હતો.’ (લૉરેન્સ ઑફ અરેબિયાની વિગતે વાત ફરી ક્યારેક)

અંગ્રેજોને મન તેમનું આર્થિક અને રાજકીય હિત સર્વોપરી હતું. એટલે એક બાજુ તે આરબોને અલગ આરબ રાજ્યના વાયદા આપતા હતા અને બીજી તરફ આરબોના કટ્ટર દુશ્મન એવા યહુદીઓને પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય ઊભું કરી આપવાનું કહેતા હતા. યુદ્ધનો અંત હાથવેંતમાં દેખાતો ન હતો, એ વખતે ‘સાઇક્સ-પિકો એગ્રીમેન્ટ’/ Sykes-Picot Agreement તરીકે જાણીતા કરાર અંતર્ગત બ્રિટન અને ફ્રાન્સની સરકારોએ ઓટ્ટોમન સામ્રાજ્યના અંદરોઅંદર ભાગ પણ પાડી દીધા. ક્યાં બ્રિટનની સીધી સત્તા રહેશે અને કયા વિસ્તારોમાં તેનો સીધો પ્રભાવ, એવું જ ફ્રાન્સની બાબતમાં પણ નકશા આંકીને નક્કી કરી નાખવામાં આવ્યું. તેમાં ફ્રાન્સના ભાગે હાલનાં સિરીયા અને લેબનોન આવતાં હતાં અને બ્રિટનને હાલનાં ઇરાક, જોર્ડન તથા પેલેસ્ટાઇન મળતાં હતાં. આ વહેંચણ પછી આરબોના ભાગે તેમણે માગેલું નહીં, પણ બ્રિટન-ફ્રાન્સે ઓળવી લીધા પછીનું વઘ્યુંઘટ્યું અરબસ્તાન જ આવતું હતું. (વિગત જોવા માટે નીચેના નકશા પર ક્લિક કરો)

અંગ્રેજોના વાયદા પ્રમાણેનું અરબસ્તાન (ડાબા નકશામાં મોટો વિસ્તાર) અને
વાસ્તવમાં આપેલું વધ્યુઘટ્યું અરબસ્તાન (જમણા નકશામાં નીચેનો વિ્સ્તાર)
યુદ્ધ પૂરું થયા પછી વિજેતા દેશોએ (હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વસૂરિ જેવી) ‘લીગ ઑફ નેશન્સ’ની સ્થાપના કરી. તેનો હેતુ તો દુનિયામાં શાંતિ સ્થપાય અને ફરી યુદ્ધ ન થાય એવો ઠાવકો હતો, પણ તેનો વહીવટ વિજેતા દેશોના હાથમાં હતો. એટલે ‘લીગ ઑફ નેશન્સ’ દ્વારા એવું ઠરાવવામાં આવ્યું કે ઓટ્ટોમન સામ્રાજ્યના વિઘટન પછી બાકી રહેલાં અને નવાં અસ્તિત્ત્વમાં આવેલાં ઇરાક, સિરીયા, જોર્ડન, પેલેસ્ટાઇન જેવા દેશોને સ્વતંત્રતા ન આપવી. પણ તેમને ‘દૂધપાક’ જાહેર કરીને, બીજા દેશોને તેમની ‘જવાબદારી’ સોંપવી. (એ માટે વપરાયલો ટેક્‌નિકલ શબ્દ હતોઃ મેન્ડેટ. આ દેશોને બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોનાં ‘મેન્ડેટ’ જાહેર કરાયાં હતાં.) દલીલ એવી કરવામાં આવી કે આ દેશો હજુ સ્વતંત્રતા માટે લાયક નથી. યુરોપીઅન દેશોના માર્ગદર્શનમાં થોડાં વર્ષ રહ્યા પછી તે એ માટે લાયક બનશે. (આવી જ દલીલ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અંગ્રેજો દ્વારા થતી હતી.)

મુત્સદ્દીગીરીના નામે ચાલતી ઘૂર્તતાનો સાદો અને વ્યવહારુ અર્થ એટલો થયો કે આરબોના સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન અઘૂરું રહ્યું અને તેમના માથે ઓટ્ટોમન સામ્રાજ્યની જગ્યાએ બ્રિટિશ (કે ફ્રેન્ચ) સામ્રાજ્ય આવ્યું. બ્રિટનને નવા રચાયેલા ઇરાકમાં ત્રણેક જગ્યાએથી મળેલા ક્રુડ ઑઇલના ખજાનામાં રસ પડ્યો હતો. હકીકતે ઇરાકની રચના જ બ્રિટને એવી રીતે આંકી હતી કે જેથી તેમાં ત્રણે તેલક્ષેત્રો આવી જાય. ક્રુડ ઑઇલની લ્હાયમાં શિયા, સુન્ની અને કુર્દ પ્રજાનું સ્ફોટક મિશ્રણ ધરાવતો પ્રદેશ એક રાષ્ટ્ર (ઇરાક) તરીકે અસ્તિત્ત્વમાં આવી ગયો અને કાયમી અશાંતિનાં મૂળીયાં નંખાઇ ગયાં, તે સ્વાર્થઅંધ અંગ્રેજોને દેખાતું ન હતું કે તેમને એ જોવામાં રસ ન હતો.

યુરોપીઓનોની દેખીતી અંચઇ અને લુચ્ચાઇથી આરબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો. લૉરેન્સ ઑફ અરેબિયાએ પણ એક અખબારના તંત્રીને સપ્ટેમ્બર, ૧૯૧૯માં પત્ર લખીને જણાવ્યું કે ‘આપણે (અંગ્રેજો) સુધરીશું નહીં તો આવતા વર્ષના માર્ચમાં આરબોના વિદ્રોહની તૈયારી રાખવી પડશે.’સમાર્ચ નહીં ને જૂન, ૧૯૨૦માં આરબોનો બળવો ફાટી નીકળ્યો, જેમાં સ્થાનિક અંગ્રેજ તંત્ર ઉંઘતું ઝડપાયું. ખુવારી અને જાનહાનિ વેઠ્યા પછી મોટા પાયે સૈન્યબળ વાપરીને બ્રિટને બળવો કચડી નાખ્યો. કેટલાક અહેવાલ પ્રમાણે એ વખતે આદિવાસી કબીલાઓ સામે બ્રિટને ઝેરી ગેસનો ઉપયોગ પણ કર્યો. છેવટે ૧૯૨૧માં વિન્સ્ટન્ટ ચર્ચિલને બ્રિટિશ સરકારે કોલોનિયલ સેક્રેટરી તરીકે નીમ્યા. તેમણે આરબોને વિશ્વાસમાં લેવા માટે લૉરેન્સ ઑફ અરેબિયાની મદદ લીધી. લોહિયાળ બોધપાઠ પછી આરબોના નેતા અમીર હુસૈનના એક પુત્રને ઇરાકની અને બીજા પુત્રને જોર્ડનની ગાદી પર બેસાડવામાં આવ્યો.

ત્યારથી ઇરાકમાં પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા સુન્નીઓનું શાસન શરૂ થયું. છેવટે ૧૯૫૮માં બ્રિટન વતી રાજ કરતા કઠપૂતળી શાસકો સામે વિદ્રોહ થતાં ઇરાકમાંથી બ્રિટનના વર્ચસ્વનો અંત આવ્યો. ત્યાર પછીનાં વર્ષોમાં લશ્કરી સત્તાપલટા પછી ૧૯૭૦ના દાયકામાં સદ્દામ હુસૈન અને તેમની ‘બાથ’ પાર્ટી સત્તામાં આવી. તેમણે માનવ અધિકારોને કચડી નાખ્યા અને લોખંડી રીતે શાસન ચલાવ્યું. એટલે શિયા-સુન્નીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ટાળી શકાયા. અલબત્ત, કુર્દો સામે ઝેરી ગેસનો ઉપયોગ કરીને તે  જગબત્રીસીએ ચડ્યા. અમેરિકાએ ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’- સામુહિક સંહારનાં શસ્ત્રો રાખવાના બહાને ૨૦૦૩માં ઇરાક પર હુમલો  કર્યો. ઇરાકના લોકોને સદ્દામના શાસનમાંથી તેમણે મુક્તિ તો અપાવી, પણ ત્યાર પછી તેમને વધારે અંધાઘૂંધીમાં તેમને ધકેલી દીધા અને સરવાળે પોતાનું સૈન્ય પાછું ખેંચી લીઘું. ત્યાં સુધીમાં ધણીધોરી વગરના ઇરાકમાં સ્થાનિક શિયાઓ, કુર્દો અને સિરીયા સહિતના દેશોમાં શસ્ત્રસજ્જ ફરતા લોકો જોરાવર બની રહ્યા હતા. ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ જેવા સંગઠનને ફૂલવાફાલવા માટે આનાથી વધારે ફળદ્રુપ સંજોગો કયા હોઇ શકે?

એ સંગઠને ઇરાક અને સિરીયાના પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં ઇસ્લામી શાસન જાહેર કરીને બ્રિટને આંકેલી તથા પાછલાં વર્ષોમાં અમેરિકાએ દૃઢ બનાવેલી ઇરાકની સીમારેખાઓને પડકારી છે.  પહેલા વિશ્વયુદ્ધની શતાબ્દિની ઉજવણી વખતે મઘ્ય-પૂર્વનો હજુ દૂઝતો ઘા ભૂલવા જેવો નથી ને અવગણી શકાય એવો પણ નથી.