Showing posts with label Madhu Rye. Show all posts
Showing posts with label Madhu Rye. Show all posts

Sunday, April 25, 2010

સમય ઓ ધીરે ચલો...


પ્રિય લેખક મધુ રાયે ગયા બુધવારે 'દિવ્ય ભાસ્કર'ની તેમની કોલમમાં કમ્પ્યુટર પર ગુજરાતી લેખનના તેમના પ્રયોગોની વાત કરી હતી. એ વાંચીને કેટલીક જૂની યાદો તાજી થઇ. એ અરસામાં મધુ રાયની એક નવલકથા 'કલ્પતરુ' મહેમદાવાદની લાયબ્રેરીમાંથી વાંચવા લાવ્યો હતો. તેની આગળ એ મતલબનું લખાણ હતું કે 'કમ્પ્યુટર પર લખાયેલી પ્રથમ ગુજરાતી નવલકથા.'

જે જમાનામાં કમ્પ્યુટર વિશે ફક્ત સાંભળવા મળતું હતું અને કમ્પ્યુટર પર ગુજરાતી લખી શકાય એવું તો સાંભળ્યું પણ ન હતું, ત્યારે મધુ રાય તેમના મેક પર ગુજરાતીમાં તેમની સર્જકતા વહાવતા હતા. તેમના 'ઇસવી સન પૂર્વે'ના ગુજરાતી ફોન્ટનો એક નમૂનો અમારી પાસે વિશિષ્ટ રીતે- એક પત્ર સ્વરૂપે- સચવાયેલો પડ્યો છે. અમે એમને વાચક તરીકે લખેલા પત્રનો તેમણે પ્રેમથી જવાબ આપ્યો હતો. તેમના જવાબ જેટલો જ રોમાંચ એરોગ્રામ પર સફાઇથી પ્રિન્ટ થયેલા ગુજરાતી કમ્પ્યુટરી અક્ષરોને જોઇને થયો હતો.

'હજુ હમણાંનો' લાગતો એ પત્ર સ્કેન કરવા માટે કાઢ્યો ત્યારે ખબર પડી કે એ વાતને 21 વર્ષ થયાં.

Monday, February 23, 2009

સ્લમડોગ હવે સ્લમગોડ...

જૂની કહેવત હતીઃ સત્તા આગળ શાણપણ નકામું છે. નવી કહેવત બનાવી શકાયઃ સફળતા આગળ શાણપણ નકામું છે. ઓસ્કર એવોર્ડમાં ‘સ્લમડોગ મિલિયોનર’ની બમ્પર સફળતાથી વધુ એક વાર કહી શકાય.
રહેમાન ઉપરાંત કાકા ગુલઝાર સહિત બીજા ભારતીયોને ઓસ્કર મળ્યો એ આનંદની વાત છે, પણ તેમાં ઉભરાઇ જવાપણું નથી. આ રેકોર્ડબુકની ક્ષણ હોઇ શકે છે-હૃદયોર્મિની નહીં.

અભિનવ બિન્દ્રા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી લાવ્યો, તેની સાથે આ સિદ્ધિની તુલના થઇ શકે? જવાબ સ્પષ્ટ ‘ના’માં મળે છે. બિન્દ્રાની સિદ્ધિ ભારતસહજ તમામ પ્રતિકૂળતાઓ અને સમૃદ્ધ પરિવારના સંતાનસહજ તમામ અનુકૂળતાઓ પછી પણ એક ભારતીયની નિર્ભેળ, માર્કેટિંગના જોર વગરની, નિર્વિવાદ, સ્પર્ધાત્મક સિદ્ધિ છે, જ્યારે ‘સ્લમડોગ..’ પેકેજિંગ, પ્રેઝન્ટેશન અને માર્કેટિંગની ધારી સફળતા છે. તેની સાથે સંકળાયેલાં ઘણાં પડદા ઉપરનાં અને પાછળનાં પાત્રો ભારતીય છે. છતાં આ ફિલ્મ ભારત વિશેની છે- ભારતની નથી એ યાદ રહે. અને ભારતની હોય તો પણ, ઓસ્કર એ સફળતાનો અને લોબીઇંગનો માપદંડ છે, ગુણવત્તાનો નહીં.

‘સ્લમડોગ..’ નિમિત્તે ગરીબીના ચિત્રણની બહુ ચર્ચા થઇ હતી, પણ મોટા ભાગની ચર્ચા આડા પાટે રહી. કેમ કે, તેનો મુખ્ય મુદ્દો ‘એક વિદેશીએ બતાવેલી ગરીબી’ હતો. દર્શક તરીકે એટલું જ જોવાનું રહે કે ગરીબીનું ચિત્રણ કોણે નહીં, કેવું કર્યું છે. એ બાબતે મધુ રાય સાથે એક વાર વાત થઇ ત્યારે તેમણે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કેટલોક ભાગ બહુ વિરૂપ છે. આપણને ખબર પડે કે આવું ન હોય.’ આવી જ લાગણી બીજા કેટલાક મિત્રોની પણ રહી છે. આ મુદ્દો કળાકીય સૌંદર્યદૃષ્ટિનો છે-દેશપ્રેમનો નહીં, એટલું યાદ રહે.

કાયદાકાનૂન વિશે અજબગજબની માહિતી આપતા અર્થશાસ્ત્રી બિબેક દેબ્રોયે આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઓસ્કર વિશે કેટલીક મઝાની વાતો લખી છે.

  • ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસ’ના આશરે 6 હજાર મતદારોના મતથી વિજેતાની પસંદગી થાય છે. આ મતદાન યોગ્ય ઢબે થયું છે એવું પ્રમાણપત્ર (હવે ‘સત્યમ’ના ગોટાળાથી નામીચી બનેલી કંપની) પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ આપે છે.
  • કોઇ પણ ફિલ્મ કેલિફોર્નિયાની લોસ એન્જલીસ કાઉન્ટીમાં રિલીઝ ન થાય ત્યાં સુધી તેને ઓસ્કર માટે લાયક ગણવામાં આવતી નથી.
  • સીટીઝન કેન, સાયકો, 2001 એ સ્પેસ ઓડીસી, ઇટી, સ્ટારવોર્સ જેવી ઘણી ફિલ્મો ઓસ્કર જીતી શકી નથી.
  • લેખમાં અપાયેલા ફિલ્મનિર્માણના વાર્ષિક આંકડા રસપ્રદ છેઃ 2007ના વર્ષમાં ભારતમાં 1,164, અમેરિકામાં 453, જાપાનમાં 407 અને ચીનમાં 402 ફિલ્મો બની. અમેરિકા કરતાં લગભગ અઢી ગણી ફિલ્મો બનાવવા છતાં ભારતની ફિલ્મોને ત્યાં સ્વાભાવિક રીતે ‘ફોરેન ફિલ્મ’ની કેટેગરીથી સંતોષ માનવો પડે છે.

છેલ્લે વાત રહેમાનની. એ વર્તમાન સમયનો શીર્ષસ્થ સંગીતકાર છે અને વ્યક્તિગત રીતે લાંબાપહોળા દાવા કર્યા વિના તે સફળતાનાં પગથિયાં ચડતો રહ્યો છે. પણ મારા જેવા ઘણા શ્રોતાઓને રહેમાનના સંગીતમાં મોટે ભાગે મેલડીનો અભાવ લાગે છે. અમારા કાન અત્યંત મધુર એવાં જૂનાં હિંદી ગીતોથી ટેવાયેલા છે એ ખરું, પણ એ એકમાત્ર કારણ નથી. સરખામણી આમ તો અસ્થાને જ ગણાય, પણ રહેમાન પર વિશેષણોનો ખડકલો થઇ રહ્યો છે અને થશે ત્યારે, આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, નૌશાદથી સલિલ ચૌધરી અને જયદેવ સુધીના સંગીતકારોને અન્યાય ન થાય એટલા માટે આટલું યાદ અપાવવું જરૂરી લાગ્યું.

બાકી, ‘છોટી સી આશા’નો હું એવો ચાહક હતો કે ‘રોજા’ની બે કેસેટ લાવ્યો હતો- એક ઘસાઇ જાય તો બીજી લેવા ન જવું પડે- અને રહેમાનની તાજગી પ્રત્યે મારો પ્રેમ જાણતા ગુરૂ નલિન શાહ ચેન્નઇમાં રહેમાનને એના સ્ટુડિયો પર મળ્યા, ત્યારે ખાસ મારું અને બીરેનનું નામ લખાવીને રહેમાનની તસવીર પાછળ એના ઓટોગ્રાફ લઇ આવ્યા હતા. છતાં...

મધુ રાય પર મુકદ્દમોઃ બામશક્કત લેખનની સજાને પાત્ર મુજરિમ બાઇજ્જત બરી







(photoline : 1. drishti patel, prakash n.shah, labhshankar thakar, sitanshu maheta, himmat kapasi. 2. chinu modi, harshad trivedi 3. madhu rye 4. with avinash parekh 5. with suvarnaben 6. with suvarnaben and brother arun thakar
All photos : Binit Modi

(શનિવાર, તા.21 ફેબ્રુઆરીની સાંજે પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં મધુ રાયની પંચાયત યોજાઇ હતી. રમેશ તન્ના (‘ગુજરાત ટાઇમ્સ’) અને બીજી કેટલીક સંસ્થાઓના સહયોગથી થયેલા આ કાર્યક્રમ વખતે હું બહારગામ હતો, પણ બિનીત મોદી, પ્રણવ અધ્યારુ અને બીરેન કોઠારી તેમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા. તેમની સાથેની વાતચીત અને બિનીતે લખેલા અહેવાલ પરથી આ નોંધ મુકી છે.)

‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ જેવી કૃતિઓમાં આવતું કેશવ ઠાકરનું પાત્ર જેમનો ઓલ્ટર ઇગો હોવાનો ભાસ થાય, એવા લેખક મધુ રાય ઉર્ફે ગગનવાલા જૂના અને સંગીન અપરાધી છે. ઓછું લેખન તેમનો મુખ્ય ગુનો છે. (‘ભાસ્કર’ની કોલમમાં આવે છે એવું ડાબા હાથનું લેખન બીજો ગુનોઃ-)

અંગત રીતે નાજુક મિજાજના માણસ તરીકે જાણીતા ગગનવાલા સામે ખુલી-ખેલીને મુકદ્દમો ચલાવવાનું કામ સહેલું નથી. એટલે જ, ચિનુ મોદી જેવા ‘આકંઠ’ મિત્ર ફરિયાદી પક્ષના વકીલ અને સાક્ષીઓમાં લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક જેવાં મિત્રો હોવા છતાં, કાર્યક્રમમાં આરોપ-પ્રતિઆરોપોની ફટકાબાજી ન થાય એ સમજાય એવું હતું.

અગાઉ અશ્વિની ભટ્ટને પોતાની નવલકથા ધરાર પાસે બેસાડીને સંભળાવી ચૂકેલા અને ત્યાર પછી પંદરસો પાનાંની નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇ ક્યાંક બદલો ન લે એ બીકે તેમનાથી દૂર ભાગતા રહેલા મધુભાઇની પંચાયતમાં સૌથી વધુ મઝા અશ્વિનીભાઇએ કરાવી. તેમણે મધુ રાયનો બચાવ કર્યો હતો.
કોર્ટમાં, ઓ.કે.- પંચાયતમાં, સાક્ષીઓનો ક્રમઃ વિનાયક રાવલ, ચંદ્રકાંત શેઠ, પ્રીતિ સેનગુપ્તા, ઇન્દુ પુવાર, ઠાકોરભાઇ પટેલ, અશ્વિની ભટ્ટ, હર્ષદ ત્રિવેદી અને પન્ના નાયક. ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર (છતાં) સાહિત્યકાર-સાહિત્યપ્રેમી તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કિરીટ દૂધાત, દામિની મહેતા, મૃણાલિની સારાભાઇ અને લલિત લાડ હાજર રહી શક્યાં ન હતાં.

આરોપીના પિંજરા જેવી ગોઠવણમાં ખુરશી પર બેઠેલા મધુ રાય સાક્ષીઓના આરોપોનો એક જ જવાબ આપતા રહ્યાઃ ‘નો કમેન્ટ્સ’. પણ બચાવ પક્ષના વકીલ અને ‘અભિયાન’ના ભૂતપૂર્વ માલિક-બિલ્ડર અવિનાશ પારેખને તે સતત કાનમાં બચાવમંત્રો ફૂંકતા હતા.
મંચ પર બેઠેલા પંચ તરીકે લાભશંકર ઠાકર, હિંમત કપાસી, સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશ ન. શાહ અને દૃષ્ટિ પટેલ હતાં. ‘ગુજરાત ટાઇમ્સ’ના ઠાકોરભાઇ પટેલે અખબારનો આરંભકાળ અને મધુ રાયની તેમાં ભૂમિકાને યાદ કરીને કહ્યું કે ‘આ ખટલો ત્રીસ વર્ષ પહેલાં મંડાવો જોઇતો હતો. મધુ રાયને તંત્રી બનાવ્યા પછી મારા ઉજાગરા ઘટવાને બદલે વધી ગયા હતા. કારણ કે એ લીટીએ લીટીએ પ્રૂફની-ભાષાની-વાક્યરચનાની-જોડણીની ભૂલો કાઢતા હતા.’ પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે ‘મધુ રાયે મિસ્ટર યોગીને પરણાવી દીધો, પણ તેની અમેરિકન ગર્લફ્રેન્ડ હજુ હડસન નદીના કિનારે રાહ જુએ છે, તેનું યોગ્ય ઠેકાણું લેખક શોધી શકતા નથી.’ મધુ રાય ક્યાંય ટકતા નથી એવા એક આરોપના જવાબમાં તેમની સાથે અમેરિકામાં કામ કરી ચૂકેલાં એક ‘પંચ’ દૃષ્ટિ પટેલે કહ્યું કે’છેલ્લા પંદર વર્ષથી તે ન્યૂ જર્સીમાં સ્થાયી છે.’ પંચ ‘થોડું મવાળવાદી અને આરોપીતરફી’ હોવાની કબૂલાત સિતાંશુભાઇએ કરીને વાતાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.

છેલ્લે સ્વબચાવમાં મધુ રાયે કહ્યું,’આ બધું ભેટવાને બદલે ધબ્બો મારવા જેવું છે. અહીંથી પરદેશ ગયો, તો દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટને બદલે ટેકનિકલરમાં જોવા મળી. ભરત જેવો ભાઇ (અરૂણ ઠાકર) અને હર્ષદ ત્રિવેદી જેવા મિત્ર મળ્યા એટલો હું નસીબદાર છું- અને જેવું છું એવો, મારા વિશે બે કલાક ચર્ચા થઇ શકે એટલો તો સૌભાગ્યશાળી છું ને’.

સજા સંભળાવતાં દૃષ્ટિ પટેલે કહ્યું,’જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ.’ (મધુ રાયઃ જવાનો જ છું.) સિતાંશુભાઇએ ગગનવાલાના ઘણા પ્રેમીઓની લાગણીને વાચા આપતાં કહ્યું,’મધુ, તમે અમેરિકા ગયા અને અમે એક સર્જક ગુમાવ્યો એનોય વાંધો નથી. વાંધો એ છે કે અમારો શાલિગ્રામ ત્યાં ચટણી વાટવા માટે વપરાય છે.’ લાભશંકર ઠાકરે કહ્યું,’મધુ ઉત્તમ અભિનેતા છે. હૃદયપૂર્વક ઇચ્છીએ કે તે પાછો અમદાવાદ-ગુજરાત આવે. જો કે એ જ્યાં પણ રહેશે, ગમે તેટલું લખશે, લખશે તો ગુજરાતીમાં જ.’

***
પંચાયત પૂરી થતાં રમેશ તન્નાએ મધુ રાયનાં બા સહિત બીજા કુટુંબીજનોનું શાલથી સન્માન કર્યું. સન્માનના પ્રત્યુત્તરમાં મધુ રાયે કહ્યું,’અહીં એક વ્યક્તિ એવી છે જેનું મારા જીવનમાં એક ચોક્કસ સમયગાળા માટે વિશેષ સ્થાન રહ્યું છે. મને મળેલું સન્માન હું તેને અર્પણ કરું છું.’ એમ કહીને તે બીજી હરોળમાં બેઠેલાં સુવર્ણાબહેન (ભૂતપૂર્વ સુવર્ણા રાય) તરફ આગળ વધ્યા. સુવર્ણાબહેન ઊભાં થઇને આગળ આવ્યાં, મધુ રાયને મળ્યાં, બા અને બીજાં કુટુંબીજનોનાં ખબરઅંતર પૂછ્યાં. બન્નેએ સાથે બેસીને હેવમોરનો ‘લોનાવલી’ આઇસક્રીમ ખાધો. વિશિષ્ટ તસવીરો માટે જાણીતા બિનીતે એક ‘કપલ ફોટો’ માટે વિનંતી કરી એટલે મધુભાઇ કહે,’કેમ નહીં. કહો તો એકબીજાને ચમચી-ચમચી આઇસક્રીમ પણ ખવડાવીએ.’ પણ એવું થાય તે પહેલાં હરિયાની ઉર્ફે અર્ચન ત્રિવેદીની ‘કાન’ નાટકનો અંશ ભજવવા સ્ટેજ પર એન્ટ્રી થઇ.

કાર્યક્રમના અંતે ‘અરૂણોદય પ્રકાશન’ દ્વારા મધુ રાયનાં લખેલાં ત્રણ પુસ્તકો ‘યાર અને દિલદાર’, ‘કાન્તા કહે’ અને ‘સુરા, સુરા, સુરા’નું વિમોચન થયું. શરૂઆતમાં તેમની મધુ રાયની જૂની તસવીરો અને તેમની કૃતિઓ પરથી ટેલીફિલ્મ-નાટક-સિરીયલ બનાવનાર કેતન મહેતાનો ટૂંકો ઇન્ટરવ્યુ રજૂ થયાં.
મુકદ્દમાની નોંધ નિમિત્તે એટલું જણાવવાનું કે કોઇ પણ વાચકમિત્રો પાસે મધુ રાયનાં લખેલાં – અને પુસ્તક તરીકે પ્રગટ ન થયેલાં- નાટકોની સ્ક્રીપ્ટ, સંવાદો, ઓડિયો રેકોર્ડિંગ, પ્રચારસામગ્રી કે બીજું કંઇ પણ મટીરિયલ હોય તો જણાવવા વિનંતી. તેના થકી મધુ રાયના લેખનને લગતી ઘણી ખૂટતી દસ્તાવેજી કડીઓ જોડી શકાશે.

Wednesday, February 18, 2009

વ્હાલા ગગનવાલાની પંચાયત ઉર્ફે પંચાત

અમેરિકા મઘ્યે નિવાસ કરતા ગૂગળી બ્રાહ્મણ મઘુસુદન ઠાકર, ઊં.વ..., ઉંચાઇ ... , બાંધો મઘ્યમ..., વર્ણ ગૌર, વ્યવસાયે લેખક...

એક મિનીટ! ‘મિસ્ટર યોગી’ ખ્યાત ‘કિમ્બલ રેવન્સવુડ’ નવલકથામાં કન્યાના હટાણે ભારત આવતા કોઇ કોડીલા યુવકની કથા નથી. આ તો ‘યોગી’ના સર્જક ખુદ- મઘુ રાય- વિશેની વાત છે અને એમાં પણ બીજો કશો ગોટાળો નથી. તેમની પર આ શનિવારે સાંજે સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં એક પંચાયત બેસવાની છે, તેની જાણકારી અને નિમંત્રણ છે.

‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી-મિત્ર રમેશ તન્નાએ બીજા મિત્રો અને સંસ્થાઓના સહકારમાં ‘પંચાયતમાં સાહિત્યકાર મઘુ રાય’ એવા અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં લાભશંકર ઠાકર, ચીનુ મોદી, ઇન્દુ પુવાર, સિતાંશુ યશશ્ચંદ્ર, અવિનાશ પારેખ, મૃણાલિની સારાભાઇ, હિંમત કપાસી, અશ્વિની ભટ્ટ, હિંમત કપાસી, હર્ષદ ત્રિવેદી, ભિખેશ ભટ્ટ, વિનાયક રાવલ, ઠાકોરભાઇ પટેલ, લલિત લાડ, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક, દૃષ્ટિ પટેલ ઉપસ્થિત રહેશે. (સઘળા ફેરફારના હક આયોજકોને આધીન)

અર્ચન ત્રિવેદી ‘હરિયો’ બનીને નાટ્યાંશ રજૂ કરશે અને ધીમંત પુરોહિત મઘુ રાય વિશેની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ કરશે.

કાર્યક્રમનો સમયઃ ૨૧ ફેબ્રુઆરી, શનિવાર, સાંજે ૫: ૩૦ વાગ્યે

સ્થળઃ રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

મઘુ રાયના અને સાહિત્યના પ્રેમીઓને પંચાયતમાં જલસો પડવાની અને સાહિત્યનો કાર્યક્રમ થવાની પૂરેપૂરી સંભાવના છે.