Saturday, March 20, 2021

‘અમારા માણસ’ નીલના સગપણ નિમિત્તે

નીલ રાવલઃ બાળપણમાં અને બે દિવસ પહેલાં, યેશા ઉનડકટ સાથે
‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે’—એવું નહીં માનનારા લોકોમાં મારો સમાવેશ થાય છે. બાળકોને રમાડવાનો મને શોખ નહીં. બને ત્યાં સુધી હું તેમનાથી દૂર રહેતો. એમ અણગમો કે એવું કશું નહીં. પણ તેમના માટે વહાલ ન ઉભરાઈ જાય. તેમની નજીક જવામાં, ઉલુલુ-આલાલા કરવામાં, બક્કુડીને હિંચકા નાખવામાં ને બક્કુડાને ફરવા લઈ જવામાં મને રસ ન પડે.

નીલનો જન્મ થયો, ત્યારે પણ એ પરિસ્થિતિ બદલાવાનું કોઈ દેખીતું કારણ ન હતું. નીલના પપ્પા વિપુલ રાવલ મારા કરતાં સાત વર્ષે મોટા. તે મોટા ભાઈ બીરેનના પરમ મિત્ર. બીરેનના મહેમદાવાદી મિત્રોની IYC તરીકે ઓળખાતી મંડળી વૈવિધ્યપૂર્ણ પાત્રોવાળી, પણ તેમની દોસ્તીના ગામમાં દાખલા દેવાય. તેમની મિત્રતાની શરૂઆત બાળપણમાં સાથે ભણવાથી થઈ હતી. પછી પુખ્ત વયે તે સહજ ક્રમમાં ખરી પડવાને બદલે પાકી થતી ગઈ. ૧૯૮૦ના દાયકાના નાનકડા મહેમદાવાદમાં તેમણે મિત્રમંડળીનું ઔપચારિક-સત્તાવાર નામ પાડ્યું, ‘ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ’. આ નામમાં ગામલોકોને ‘ઇન્ટેલિજન્ટ’વાળા ભાગ વિશે ખાતરી અને મિત્રોને પોતે ‘યુથ’ હોવા વિશે કોઈ શંકા નહીં. રહી વાત ‘ક્લબ’ની. એ તો મંડળીનું અંગ્રેજી સ્વરૂપ—અને તે સમયગાળામાં આવી કંઈક મંડળીઓ બનતી-વિખેરાતી. તેમનું સ્વરૂપ ગાજરની પીપુડી જેવું હોય. ચાલે ત્યાં સુધી ઠીક ને ખોટકાય તો, સંસાર છે. ખોટકાયા કરે.

IYC વિશે અલગથી અને બહુ લાંબું લખી શકાય એમ છે—બીરેન અને હું અલગ અલગ રીતે કે સાથે કદીક લખીશું, પણ નીલની વાતના સંદર્ભે જેટલું જરૂરી છે, એટલું અત્યારે કહું: વિપુલ રાવલનું ઘર ૧૭, નારાયણ સોસાયટી IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર બન્યું. બધા મિત્રો સાંજે ત્યાં ભેગા મળે. વિપુલના પપ્પા રાવલકાકા (હર્ષદકાકા), મમ્મી ઇલાકાકી, નાની બહેન ટીની (મનીષા)—આ બધાં સાથે પણ છૂટથી હળેભળે.

મારો એ મંડળીમાં સમાવેશ આમ તો ન હોય. કારણ કે હું બીરેનનો ભાઈ. બધા મિત્રો કરતાં છથી આઠ વર્ષ નાનો. પણ મારો અને બીરેનનો મનમેળ અત્યંત નિકટના મિત્રોનો હોય એવો. સંગીત-સાહિત્ય-વાચનમાં મારાં રસરુચિ બીરેન થકી ઘડાયાં. થયું એવું કે બારમા ધોરણ અને ત્યાર પછી કોલેજકાળ ૧.૦ સુધી મારે કોઈની સાથે ગાઢ દોસ્તી જામી નહીં. બીજી તરફ, દોસ્તીના આદર્શ જેવું ગણાતું બીરેનનું મિત્રમંડળ આંખ સામે. એટલે ધીમે ધીમે હું પણ ૧૭, નારાયણ સોસાયટી જતો થયો. થોડા સમય પછી મારી ગણતરી IYC ના બિનસત્તાવાર જુનિયર સભ્ય તરીકે થવા લાગી. તેમનાં દિવાળીમિલનોમાં હું જોડાતો થયો.

બી.એસસી. કર્યા પછી ને ગુજરાત રિફાઇનરીમાં એપ્રેન્ટિસશીપ કર્યા પછી મારી કારકિર્દીના પ્રશ્નો ઊભા થયા. પરંતુ આ બધા સમયગાળા દરમિયાન રોજ રાત્રે જમ્યા પછી ૧૭, નારાયણ સોસાયટી જવાનું ચાલુ રહ્યું. મોટે ભાગે બીરેન ઉપરાંત અજય પરીખ (ચોક્સી), મુકેશ પટેલ (મુકો), ઘણી વાર પ્રદીપ પંડ્યા (ડૉ. પંડ્યા), મયુર પટેલ, તુષાર પટેલ જેવા IYCના મિત્રો રાત્રે ત્યાં હોય. પ્રસંગોપાત્ત ઘરે કે દિવાળીમિલનમાં ખેડાથી પૈલેશ શાહ પણ આવે. કામકાજને કારણે મિત્રોની અવરજવર અનિયમિત બની ત્યારે પણ ચોક્સી અને હું તો હોઈએ જ. વિપુલ (રાવલ) અને બિંદુ (શાહ)નું સગપણ નક્કી થયું ત્યારે ગળ્યા મોં કરવાની વિધિ માટે વલ્લભ વિદ્યાનગર જવાનું હતું. ત્યારે શુભ પ્રસંગે બેકી સંખ્યામાં માણસો ન લઈ જવાય, એવી ગણતરીને કારણે રાવલ પરિવારના સભ્યોની સાથે મને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

બીરેનને હું ‘બીરેનભાઈ’ કહેતો નહીં, એટલે આ કોઈ મિત્રો માટે ‘ભાઈ’ શબ્દ મોઢે ન ચઢ્યો, પણ તેમને અને નવાં આવનારાં મિત્રપત્નીઓને માનાર્થે બહુવચનમાં બોલાવવાનો ક્રમ પડ્યો. સૌ મિત્રો બૃહદ પરિવારનાં સભ્યો હતાં. પણ રોજ રાત્રે વિપુલના ઘરે જઈએ, એટલે તેમની સાથે-તેમના પરિવાર સાથેના સંબંધમાં થોડાં વધારાનાં સ્તરો ઉમેરાયાં. એ અરસામાં, ફેબ્રુઆરી ૨૮, ૧૯૯૨ના રોજ તેમના પુત્ર નીલનો જન્મ થયો. 

બાળકો સાથે મારે કશી લેવાદેવા નહીં. પરંતુ રોજ રાત્રે વિપુલના ઘરે જવાને કારણે નીલને જોવાનો થાય. એમ કરતાં કરતાં તે ‘ભગવાનનું સ્વરૂપ’ તો ન જ લાગ્યો, પણ વહાલો જરૂર લાગવા માંડ્યો. કાલા થયા વિના તેની સાથે રમવાનું-તેને રમાડવાનું ગમવા લાગ્યું. તેને પણ અમારી માયા લાગી. અજય પરીખ (ચોક્સી) અને હું રોજ રાત્રે અડધો-પોણો કલાક ત્યાં હોઈએ. બીરેન-કામિની પણ ઘણી વાર હોય. ચોક્સીની અને મારી સાથે નીલને પણ એવી માયા લાગી કે રોજ રાત્રે અમે અમારા ઘરે પાછા ન જઈએ એવી તે જિદ કરે. તેના દેખતાં અમે નીકળી જઈએ તો તે વિરોધ પ્રદર્શન તરીકે જોર જોરથી રડે. તેનાં મમ્મી ઘણી વાર તેને સિફતથી અંદરના રૂમમાં લઈ જાય અને પછી અમે બે જણ નીકળીએ. તો પણ એ ઘણી વાર રડે. એટલે એક તબક્કે તો અમે એ હદ સુધી વિચારવા લાગ્યા હતા કે રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ બંધ કરીએ. છોકરો આપણા લીધે રોજ રડે તે ઠીક નહીં.

નીલ ઊભો રહેતો-ચાલતો થયો અને હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભો રહી શકે એટલો મોટો થયો, એટલે રોજ રાત્રે ચોક્સી ને હું તેને ક્રિકેટ રમાડવા લાગ્યા. તેને અમારી સાથે બહુ ભળતું હોય ને પાછું આવાં આકર્ષણ ઉમેરાય. એટલે જોડાણ વધારે મજબૂત બને. નીલના જન્મના બે વર્ષ પછી બીરેનની દીકરી શચિનો જન્મ થયો. એ મારું બીજું પ્રિય પાત્ર બની રહી. તેનાં અને નીલનાં શરૂઆતનાં વર્ષો મહેમદાવાદમાં ગયાં. ફક્ત મારી સાથે જ નહીં, બધાં મિત્રો અને પરિવારો સાથે તેમને લાગણીના સંબંધ થયા. નીલ અને શચિ બંનેની પ્રકૃતિ જુદી. છતાં કેટલુંક મહત્ત્વનું સામ્ય. બંને મીઠડાં. બંને ભાંગફોડીયાં નહીં. બંને પ્રેમાળ અને મોટાં થયા પછી પણ તેમની નિર્દોષતા ટકી રહી. ઉંમરસહજ ‘પુખ્તતા’ (દુષ્ટતા) પ્રવેશી નહીં. અમારી સાથે તેમની આત્મીયતાનાં પરિમાણ બદલાતાં ગયાં, એક પછી એક રંગ ઉમેરાતા ગયા, પણ લાગણીની તીવ્રતા જરાય ઓછી ન થઈ. બલકે, વધતી રહી. 

શચિ અને નીલ
IYC જુનિયર ગેંગના કેટલાક સભ્યો, ૧૩-૧૪ વર્ષ પહેલાં: (ડાબેથી) જય અજય પરીખ, અર્પ અજય પરીખ, નીલ વિપુલ રાવલ, (આગળ) આસ્થા ઉર્વીશ કોઠારી,કલ્પ મયુર પટેલ, (આગળ) દીતિ નીલેશ પટેલ, ઇશાન બીરેન કોઠારી, શચિ બીરેન કોઠારી.
અમારું ઘર નવેસરથી બનતું હતું ત્યારેઃ (ડાબેથી) શચિ, (નીલનાં ફોઈની દીકરી) રિયા વિજલ કાકા, આસ્થા, ઇશાન અને પાછળ નીલઃ 'પેપ્સી' તરીકે ઓળખાતા જામેલા શરબતનું મોડેલિંગ,૨૦૦૯-૧૦
નીલ યુવાન થયો અને કૉલેજમાં આવ્યો ત્યારે તે વલ્લભ વિદ્યાનગર રહેતો હતો, પણ અમે જ્યારે મળીએ ત્યારે તેની સાથે શાંતિથી વાતચીત થાય. IYC સહજ સામાજિક મસ્તીઓને બદલે અમે વિવિધ વિષયો અંગે વાત કરીએ. હું તેના વિશે-તે શું વિચારે છે એ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરું. તે પણ મારી અને બીરેનની લેખન કામગીરી ખરેખર કેવા પ્રકારની છે, તેમાં શું હોય—એ બધું રસ લઈને જાણેસમજે. ઘણી બાબતો અંગેની અમારી સમજમાં વ્યવહારે નહીં, પણ પોતાની સમજથી સંમતિ દર્શાવે. બીરેનની અને મારી રમૂજો માણે-તેમાં જોડાય અને ચોક્કસ સંવાદોના આગળપાછળના સંબંધો સમજીને તેની મઝા લે. એટલે બીજાં બધાં મિત્રસંતાનો માટે આત્મીયતાની લાગણી. છતાં, શચિ માટે લાગે કે ‘આ આપણી છોકરી’, તેમ નીલ માટે પણ એવું લાગે કે ‘આ આપણો છોકરો’. તેની ઉંમર થોડી વધ્યા પછી તે ‘આપણો માણસ’ લાગતો થયો. 

આવી લાગણીને કારણે જ, વર્ષ 2006-07માં હું ‘દિવ્ય ભાસ્કર’માં હતો, ત્યારે એક વાર આખો દિવસ હું તેને મારી સાથે અમદાવાદ લઈ ગયો હતો. સૌથી પહેલાં ઉત્તમ વાર્તાકાર-નવલકથાકાર અને અમારા ગુરુ રજનીકુમાર પંડ્યાના ઘરે, ત્યાંથી મારી ‘નવસર્જન’વાળી ઑફિસે અને બપોરે ‘દિવ્ય ભાસ્કર’ની ઑફિસે. ‘ભાસ્કર’ની ઑફિસે કેન્ટિનની અમારી મંડળી—‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ, ‘ભાસ્કર’ના સલાહકાર મણિલાલ પટેલ ઉપરાંત દિવ્યેશ વ્યાસ જેવા મિત્રો સાથે નીલનો પરિચય મેં ‘આપણો માણસ છે’ તરીકે જ આપ્યો હશે. મારા જેવો અસામાજિકતા માટે કુખ્યાત જણ કોઈનો પરિચય ‘આપણા માણસ’ તરીકે આપે, તેની કેટલાકને નવાઈ પણ લાગી હશે. (પછીનાં વર્ષોમાં એવું જુદી રીતે, જુદા સ્તરે નિશા પરીખની બાબતમાં થયું)

છેલ્લાં થોડાં વર્ષથી નીલ અમેરિકા છે. તે આઇટીનું ભણ્યો અને સરસ ઠેકાણે કામ કરે છે. અમારી ચિંતા કરી શકે એટલો સ્થાયી છે. તેનો ફોન જ્યારે પણ આવે ત્યારે નિરાંતે વાતચીત થાય, અહીં આવે ત્યારે ગપ્પાંગોષ્ઠિનો સમય લઈને જ આવે. છેલ્લે મળ્યા ત્યારે અડધી રાત પછી પથારીમાં સુતાં સુતાં વાતોમાં બીજા કલાક-બે કલાક નીકળી ગયા હતા. વાતનો મુદ્દો તે તરત સમજે. હા એ હા ન કરે. મારી પત્ની સોનલ કે મમ્મી સાથે પણ તે એટલી જ સહજતાથી ભળી જાય. મારી દીકરી આસ્થાને તેના લાડકા નામથી બોલાવનારા થોડા લોકોમાં નીલ પણ ખરો. હવે તો એ IYCની જુનિયર ગૅંગનો વડીલ છે. પણ અમારી સાથે અમારી રીતે અને જુનિયર ગૅંગ સાથે તેમની રીતે કામ પાડવાની સહજતા તેનામાં હજુ જળવાઈ છે.

બે દિવસ પહેલાં નીલનું યેશા ઉનડકટ સાથે સગપણ થયું. એ સમાચાર જાણીને-તેના સાક્ષી બન્યા પછી આનંદની સાથે મનમાં ફ્લૅશબૅકની આખી પટ્ટી ફરી ગઈ. ત્યાર પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં શચિનું લગ્ન થયું. ત્યારે પણ હળવો આંચકો લાગ્યો હતો કે ઓહો, આપણાં છોકરાં હવે પરણવા લાગ્યાં. મતલબ, આપણે પણ ઉંમરમાં એટલા મોટા થયા?

પરંતુ તે આંચકો જરાય દુઃખદ કે વિષાદપ્રેરક નથી. કેમ કે, શચિની જેમ નીલે પણ પોતાની મૂળભૂત સરળતા-પ્રેમાળપણું છોડ્યા વિના, વર્ષો સાથે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું છે. સાથોસાથ, અમારા પ્રત્યેની તેમની લાગણીની તીવ્રતા અકબંધ રહી છે. નીલ લાડથી-મસ્તીમાં અમને ‘કાકા ઉર્વીશ’ અને ‘કાકા બીરેન’ કહે છે. અમને આવું કહેનારો તે એકલો છે. (યેશા પણ તેને ઠીક લાગે ત્યારે જોડાઈ શકે છે. અમને ગમશે.) 

હજુ પણ ફોનમાં કે રૂબરૂ હું નીલનો અવાજ સાંભળું-તેનો હસતો ચહેરો જોઉં, ત્યારે તેમાં છલકતી ઉષ્મા અને આત્મીયતાથી મારા મનના પડદે તો, ૧૭, નારાયણ સોસાયટીના કમ્પાઉન્ડમાં, ભીંતની આગળ હાથમાં પ્લાસ્ટિકનું બૅટ પકડીને ઊભેલો છોકરો ઉભરે છે અને તેને જમાનાનો રંગ નહીં લાગેલો જોઈને ઊંડો હરખ  અનુભવાય છે.

મનમાં થાય છે.,.આપણો છોકરો...આપણો માણસ.