Showing posts with label આર્થિક મંદી. Show all posts
Showing posts with label આર્થિક મંદી. Show all posts

Tuesday, October 21, 2008

‘બજાર-કંપ’ : ૧૯૨૯ અને ૨૦૦૮

અનેક દેશોમાં આફ્ટરશોક ફેલાવનાર વોલસ્ટ્રીટનાં બે ગાબડાં વચ્ચેનાં સામ્ય અને તફાવત

મામુલી વરસાદ ધરાવતા કચ્છ કે સુરેન્દ્રનગર જેવા કોઇ વિસ્તારમાંથી વરસાદી પાણીનાં ટીપાં શીશીમાં ભરીને ચેરાપુંજી મોકલ્યાં હોય તો કેવું લાગે? કંઇક એવી જ સ્થિતિ આઠ દાયકા પહેલાં અમેરિકામાં સર્જાઇ. સતત ૧૮ મહિનાથી ભર તેજીમાં ઉછળી રહેલું અમેરિકાનું શેરબજાર ઓક્ટોબર, ૧૯૨૯માં ચત્તાપાટ એવું પછડાયું કે હાડકે હાડકે મલ્ટીપલ ફ્રેક્ચર થઇ ગયાં. ત્યાર પછીના કપરા સમયમાં, અમેરિકાના ભૂખ્યા, ‘નવ-ગરીબ’ (‘નીઓ-પૂઅર’) લોકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે, કેમેરૂનના લોકોએ ૩.૭૭ ડોલરનો ચેક મદદ તરીકે મોકલ્યો હતો! બીજી તરફ, ફક્ત અમેરિકાની બેન્કોએ શેરબજારમાં હોમેલી રકમનો આંકડો હતો ઃ ૮ અબજ ડોલર.

ધ ગ્રેટ ડીપ્રેશન’ તરીકે જાણીતી બનેલી અમેરિકાની એ મંદી આંતરરાષ્ટ્રીય દુર્ઘટના તરીકે ઇતિહાસમાં નોંધાઇ અને મંદીનો માપદંડ બની. ત્યાર પછીની દરેક મંદીને ૧૯૨૯ના સંદર્ભમાં માપવામાં આવે છે. અત્યાર સુધીની અનેક પછડાટો ૧૯૨૯ની સરખામણીમાં મામુલી અને કામચલાઉ નીવડી, પણ માઠા સમાચાર એ છે કે ૨૦૦૮ની મંદી વિશે એવું કહી શકાય એમ નથી. અર્થતંત્રના અભ્યાસીઓ ગંભીરતાપૂર્વક માને છે કે વર્તમાન પરિસ્થિતિ ૧૯૨૯ જેવી જ - અને કેટલાક મુદ્દે એનાથી પણ વધારે ખરાબ- છે.

કેવું હતું ‘ધ ગ્રેટ ડીપ્રેશન’?
૧૯૨૯ની મંદી સુધી દોરી જનારી સ્થિતિનું વર્ણન વાંચતાં એવું લાગે કે મામુલી ફેરફાર સાથે તે ૨૦૦૮માં પણ લાગુ પડી શકે છેઃ

‘ફેક્ટરીઓના ઉત્પાદનમાં મોટા પાયે વધારો થયો, પણ કામદારોના પગાર વઘ્યા નહીં. મુઠ્ઠીભર મૂડીપતિઓની તિજોરીઓ જ ભરાતી રહી. હપ્તેથી વસ્તુઓ ખરીદવાની હોડ લાગી હતી, એટલે હપ્તા ચડવા લાગ્યા હતા. નવી વસ્તુઓ બનતી જાય, લોકો હપ્તેથી ખરીદતા જાય, બેન્કો ઉધાર આપતી જાય અને લોકોની છાતી પર હપ્તાનો બોજ ખડકાતો રહે. આખરે એક તબક્કો એવો આવ્યો કે લોકોએ માલ ખરીદવાનું બંધ કરી દીઘું. બજારમાં માલનો ભરાવો થયો અને ઔદ્યોગિક ઉત્પાદન અટકી પડ્યું. સંખ્યાબંધ કર્મચારીઓને માલિકોએ છૂટા કર્યા. બેકારી વધી એટલે વિષચક્રને વેગ મળ્યો. પગાર ન મળે, તો માલ ખરીદે કોણ? અને માલ ન ખપે, તો માલ બનાવવા માટે નોકરીએ કોણ રાખે?’

માંડ થોડા ટકા લોકોની સમૃદ્ધિના પ્રચાર અને તેમાંથી પેદા થયેલા ‘ફીલગુડ ફેક્ટર’માં મોેટા ભાગના લોકો ફસાયા. બજાર તેજીનું હતું એટલે લોકોને -કોઇ દેખીતા કારણ વિના-સમૃદ્ધિ હાથવેંતમાં લાગતી હતી (જેમ અત્યારે સૌને લાગે છે). શેરબજારની તેજીને કારણે બીજાં અનેક ક્ષેત્રોનાં નાણાં પણ ત્યાં ઠલવાયાં. અમેરિકાના રીપબ્લિકન પ્રમુખ હર્બટ હુવરને પરિસ્થિતિ સમજાઇ ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હતું. ૨૪ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ પહેલી વાર ભાવમાં મોટો કડાકો થયો. એ દિવસે ૧.૨ કરોડ શેરના સોદા થયા. ત્યાર પછી ભાવોની તળીયા તરફની ગતિ સતત ચાલુ રહી.

શેરબજારમાં સીઘું રોકાણ કરનારા લોકો સંખ્યા અને પ્રભાવની રીતે ઘણા લાગે, પણ દેશની કુલ વસ્તીની ટકાવારીમાં તેમનું પ્રમાણ સાવ ઓછું હોય છે. મુશ્કેલી ત્યારે થાય, જ્યારે સામાન્ય લોકોની બચતો ધરાવતી બેન્ક અને બીજી નાણાંકીય સંસ્થાઓ તથા તેમને રોજગારી પૂરી પાડતા ઉદ્યોગો શેરબજારના કડાકામાં પાયમાલ થાય. ૧૯૨૯માં એવું જ બન્યું. યુરોપની મૂડી અમેરિકાના બજારમાં રોકાણ માટે ઠલવાતી હોવાથી, મંદીએ યુરોપને પણ ઘુ્રજાવ્યું. અમેરિકામાં ૪૫ લાખ અને બ્રિટનમાં ૨૦ લાખથી પણ વઘુ લોકો બેકાર બન્યા. બે વર્ષમાં બેકાર અમેરિકનોની સંખ્યા ૮૩ લાખ સુધી પહોંચી. બ્રિટનમાં એ આંકડો ૩૦ લાખને આંબી ગયો. જર્મનીમાં લાખો બેકાર બન્યા. ૧૯૩૨ સુધીમાં અમેરિકાની આશરે ૩,૫૦૦ બેન્કો બેસી ગઇ.

અત્યારે અમેરિકાની ઓળખ ગણાતી ‘સોશ્યલ સિક્યોરિટી’ની વ્યવસ્થા ન હોવાથી, અનેક બેકારોને બે ટંક ભોજન માટે ભીખ મારવાનો વારો આવ્યો. ભારતમાં બ્રિટન સામેની લડતમાં ગાંધીજી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા હતા, ત્યારે એ જ દેશની જનતાને ભૂખસરઘસ કાઢવાં પડે એવી સ્થિતિની કલ્પના થઇ શકે? પણ એ વાસ્તવિકતા હતી. પાટનગર લંડનમાં પ્રજાજનોનાં ‘ભૂખસરઘસ’ (‘હંગર માર્ચ’) નીકળવા લાગ્યાં. અમેરિકામાં સૌથી નામોશીભરી સ્થિતિ ત્યારે સર્જાઇ, જ્યારે નાણાંના મુદ્દે નિવૃત્ત સૈનિકો અને સરકાર આમનેસામને આવી ગયાં. પહેલા વિશ્વયુદ્ધમાં દેશ વતી લડનારા સૈનિકોને ૧૯૪૫ સુધીમાં સરેરાશ ૧ હજાર ડોલરનું બોનસ મળવાનું હતું, પણ મંદીથી પેદા થયેલી સ્થિતિમાં સૈનિકો ૧૯૪૫ સુધી રાહ જોવા તૈયાર ન હતા. પોતાનાં બાકી પડતાં નાણાં મેળવવા માટે વીસેક હજાર સૈનિકોએ વોશિંગ્ટનમાં ધામા નાખ્યા.

થોડો સમય સરકારે સહાનુભૂતિથી કામ લીઘું, પણ સૈનિકોને વચગાળાનું ચૂકવણું કરવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર થઇ શક્યો નહીં. એટલે, બારેક હજાર સૈનિકો હતાશ થઇને પાછા જતા રહ્યા અને બાકીના પ્રત્યે સરકારનું વલણ સખત થવા લાગ્યું. છેવટે, આખા દેશની સહાનુભૂતિ ધરાવતા નિવૃત્ત સૈનિકોને હુવર સરકારે ગુનેગાર અને ‘સામ્યવાદી’માં ખપાવીને, બળપ્રયોગથી તેમને વોશિંગ્ટનમાંથી તગેડી મુક્યા. આ શરમજનક ઘટનાક્રમથી આગામી ચૂંટણીમાં હુવરની નક્કી ગણાતી હાર વઘુ નિશ્ચિત બની.

‘ન્યૂ ડીલ’: બેઠા થવાની દવા
હુવરને હરાવીને ૧૯૩૨માં ડેમોક્રેટિક પક્ષના ફ્રેન્કલીન રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા. વર્તમાન સંજોગોમાં રીપબ્લિકન બુશના આઠ વર્ષના શાસન પછી ડેમોક્રેટ બરાક ઓબામાની જીતની શક્યતાઓ ઘણી ઉજળી છે. ઓબામાની જેમ રૂઝવેલ્ટ પણ નવી આશાનો સંદેશ લઇને આવ્યા હતા. તેમણે ‘ન્યૂ ડીલ’ અને ત્યાર પછી ‘સેકન્ડ ન્યૂ ડીલ’ અંતર્ગત ઘણાં પગલાં જાહેર કર્યાં: ‘નેશનલ રીકવરી એડમિનિસ્ટ્રેશન’ સ્થાપ્યું, ઉદ્યોગો માટે લધુતમ વેતન અને બાળમજૂરીના વિરોધથી માંડીને કામદારો માટેના હક નક્કી કરવામાં આવ્યા, લોકોને રોજગારી પૂરી પાડવા માટે ‘વર્ક પ્રોગ્રેસ એડમિનિસ્ટ્રેશન’ સ્થાપવામાં આવ્યું. ઓગસ્ટ, ૧૯૩૫માં ‘સોશ્યલ સિક્યોરિટી એક્ટ’ પસાર કરવામાં આવ્યો, જેના થકી અમેરિકાના નાગરિકોને પહેલી વાર પેન્શન, બેકારીભથ્થું, વિકલાંગો માટે આર્થિક સહાય અને પ્રજાકીય આરોગ્ય સુવિધાઓ મળતી થઇ.

રૂઝવેલ્ટે ખોટા વાયદાને બદલે નક્કર કામગીરી દ્વારા અમેરિકાના ખરાબે ચડેલા જહાજનું સુકાન સંભાળ્યું. મૂડી અને વિશ્વાસ બન્નેનું ઉઠમણું કરી ચૂકેલી બેન્કોને રૂઝવેલ્ટે નક્કર સરકારી ટેકો પૂરો પાડવાની જાહેરાત કરી. લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમણે ‘ફાયરસાઇડ ચેટ’ (તાપણે બેઠાં) નામથી રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં પ્રમુખ કોણીએ ગોળ જેવી જાહેરાતો કે રાષ્ટ્રજોગ ભારેખમ સંબોધન નહીં, પણ પોતાના નાગરિકો સાથે ગોષ્ઠિ કરતા હતા. રેડિયો પર રૂઝવેલ્ટના મૈત્રીપૂર્ણ રણકાથી તેમની નક્કર કામગીરીને જબ્બર ટેકો મળ્યો. ઉઠમણાના આરે ઊભેલી બેન્કોમાં અમેરિકાના લોકોએ નવેસરથી એકાદ મહિનામાં જેટલા ટૂંકા ગાળામાં ૧ અબજ ડોલર જેટલી રકમો પાછી જમા કરાવી, એમાં રૂઝવેલ્ટની તાપણાગોષ્ઠિ (‘ફાયરસાઇડ ચેટ’)નો મોટો ફાળો હતો.

તેમ છતાં, કડાકાનો ઘા એટલો ઉંડો હતો કે અમેરિકાનું ગાડું કોણ જાણે ક્યારે ચીલે ચડી રહેત. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરી એક વાર પુરવઠાની પ્રચંડ જરૂરિયાત ઊભી થઇ. તેનાકારણે ધંધાઉદ્યોગો-અર્થતંત્ર ફરી ધમધમતાં થયાં અને ૧૯૨૯ની મંદીના ઓછાયા આખરે દૂર થયા.

વોલસ્ટ્રીટઃ ઢેકા અને કાઠાંનો સિલસિલો
૧૯૨૯માં મુખ્યત્વે શેરબજારમાં સીધાં રોકાયેલાં નાણાં ડૂબી જતાં તારાજી સર્જાઇ હતી. ૨૦૦૮માં મામલો વધારો પેચીદો છે. યુરોપના ઉદ્યોગોનું અમેરિકામાં મોટું મૂડીરોકાણ ૧૯૨૯માં હતું ને ૨૦૦૮માં પણ છે. એટલે, આ વખતના કડાકા પછી ‘યુરોપને વાંધો નહીં આવે’ એવો આરંભિક દાવો ખોટો પુરવાર થયો છે. યુરોપિયન યુનિયને પોતાની બેન્કોને ઉગારવા (બેઇલ આઉટ) માટે અમેરિકાના પેકેજ કરતાં લગભગ બમણી રકમ- ૧.૪ ટ્રિલીયન ડોલર (૧૪૦૦ અબજ ડોલર)નું પેકેજ જાહેર કરવું પડ્યું છે. છતાં, ધરતીકંપનું ઉદ્ગમબિંદુ (એપીસેન્ટર) અમેરિકા છે, એમાં બેમત નથી.

સૈદ્ધાંતિક દૃષ્ટિએ અગત્યનો એક મુદ્દો એ પણ ખરો કે ૧૯૨૯ની મંદીમાંથી બહાર નીકળવાનાં પગલાં ૧૯૩૨માં પ્રમુખપદે ચૂંટાયેલા રૂઝવેલ્ટે લીધાં, જ્યારે ૨૦૦૮માં મહત્ત્વના આર્થિક નિર્ણયો, પ્રમુખપદની ચૂંટણીના થોડા મહિના પહેલાં, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ લીધા છે. એ નિર્ણયો અનિવાર્ય લાગતા હોવા છતાં તેનો બોજ વેંઢારવાની જવાબદારી નવા ચૂંટાનારા પ્રમુખના માથે આવશે. અર્થતંત્રને ઉગારવા માટે ટ્રેઝરી સેક્રેટરીએ ૭૦૦ અબજ ડોલરનું પેકેજ નક્કી કર્યા પછી અમેરિકાની સંસદે એ પ્રસ્તાવને મંજૂરી આપીને, વાસ્તવમાં ટ્રેઝરી સેક્રેટરીનું માન નહીં, પોતાનો મોભો જાળવી લીધો છે.

૧૯૨૯ પછી ઠેકઠેકાણે (અને શબ્દાર્થમાં!) અમેરિકાનાં લશ્કર લડતાં ન હતાં. ઇરાક-અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં શું કરવું, તેની ચિંતા રૂઝવેલ્ટને ન હતી. હવે પછીના પ્રમુખને એ ડખા માથે પડવાના છે. રૂઝવેલ્ટના ‘નસીબજોગે’ બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને મંદીના ઓછાયા દૂર થયા. અમેરિકાના આગામી પ્રમુખ એવા ‘નસીબદાર’ નહીં હોય.

- અને છેલ્લું છતાં પહેલું પરિબળ છેઃ લોભ. ૧૯૨૯ની મંદીથી ૨૦૦૧માં થયેલા ‘એનરોન’ના ઉઠમણા પછી સરકાર કાયદા વધારે કડક બનાવ્યા કરે છે, પણ ‘ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યાં કાઠાં’ એ ન્યાયે વોલસ્ટ્રીટમાંથી લાખો કમાતા ભેજાબાજો, કાયદામાંથી છટકવાના અને લોકોના લોભની રોકડી કરવાનાં નવાં નવાં કાઠાં શોઘ્યા કરે છે. પૂરપાટ દોડતી લોભની ગાડી માટે કાયદા સ્પીડબ્રેકર કે ડાયવર્ઝન સાબીત થઇ શકે છે- તેને સાવ ઊભી રાખી દેવાનું કાયદાનું ગજું નથી. એટલે જ, ભગવાન વિશે કહેવાય કે ન કહેવાય, પણ મંદી વિશે છાતી ઠોકીને કહી શકાય છેઃ સંભવામિ યુગે યુગે.

Monday, October 20, 2008

અમેરિકાની મંદીનું મહાભારત # 2

અમદાવાદની પ્રતિષ્ઠિત - અને પ્રતિષ્ઠા કરતાં વધારે ‘સ્ટાર વેલ્યુ’ ધરાવતી આઇ.આઇ.એમ.માં દર વર્ષે કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, ત્યારે ઉજવણીનો માહોલ હોય છે. આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓ બોટી લેવા દેશી ઉપરાંત વિદેશી કંપનીઓ પણ લાઇન લગાડે છે. દેશી કંપની ગમે તેટલી મોટી હોય, તો પણ શાહબુદ્દીન રાઠોડના લાભુ મેરાઇની શૈલીમાં કહીએ તો,‘ઇરોપીયન (યુરોપીયન) એટલે ઇરોપીયન’.

અમેરિકાની કંપનીઓ મસમોટા પગારો આપીને આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપાડી જાય, ત્યારે જ લાગે કે,‘હવે બરાબર!’ આ કંપનીઓમાં ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’ જેવાં વોલસ્ટ્રીટમાં પ્રચંડ કદ ધરાવતાં નામ હોય, જે સાંભળ્યા પછી અહોભાવથી ગરદન ઝુકાવવાની જ રહે. ગરદનમાં સ્પ્રીંગને બદલે સળીયો ધરાવતા જૂજ લોકો સમજ્યા વિના ડોક ઝુકાવવાને બદલે, આટલા મોટા પગારોના ઔચિત્ય વિશે ક્યારેક સવાલો પૂછે તો પણ એ ગણકારે કોણ? કેમ કે, ‘લેહમેન’ અને ‘મેરીલ લીન્ચ’ વિશે શંકા ઉઠાવવી એટલે કોર્પોરેટ જગતના ધોમધખતા સૂરજ સામે ઘૂળ ઉડાડવા બદલ ગણાય.

- પણ હવે એ બન્ને સહિત અમેરિકાના બીજા અનેક કોર્પોરેટ સૂરજો તેલ ખૂટ્યું હોય એવાં કોડિયાંમાં ફેરવાઇ ગયા છે. ‘લેહમેન બ્રધર્સ’ દેવાળું ફૂંકી ચૂકી છે, જ્યારે ‘મેરીલ લીન્ચ’ને ‘બેન્ક ઓફ અમેરિકા’એ ખરીદી લેવી પડી છે. આ સ્થિતિમાં હવે એ ભૂતપૂર્વ સૂરજોની કામગીરી અને તેમના ‘ધંધા’ વિશે વાત કરવાનો મોકો આવ્યો છે.

એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદની આઇ.આઇ.એમ.ના ૫૯ વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’માં ઉંચા પગારની નોકરી મળી હતી. એટલે, (નોકરીની અને સ્ટારવેલ્યુની) ભરતીમાં વર્ષોથી ભાગીદાર આ બન્ને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો માટે આઇ.આઇ.એમ. દ્વારા સત્તાવાર ઢબે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ એ બેન્કો કેમ ખરખરાને પાત્ર બની, એ વિશે સ્વાભાવિક રીતે જ આઇ.આઇ.એમ.ને કંઇ કહેવાનું ન હોય.

વર્ષોજૂની આ બન્ને અને બીજી ઘણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો તથા મોટી કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મૂડીબજારને ચગડોળે ચડાવી રહી હતી. આઇ.આઇ.એમ. જેવી બીજી ઘણી સંસ્થાઓમાં પાકતા તેજસ્વી વિદ્યાર્થીઓનો આ કંપનીઓને સૌથી મોટો ખપ અવનવા ગોરખધંધા શોધી કાઢવા અને તેને હેમખેમ ચલાવવા માટે હતો. એ જુદી વાત છે કે અમેરિકાના કાયદા પ્રમાણે એ ‘ગોરખધંધા’ ન હોવાથી કાનૂની રીતે એ ગુનો બનતો ન હતો, પણ તેની પાછળ રહેલી ટૂંકા ગાળામાં, જોખમ લઇને લાભ ખાટી લેવાની દાનતમાં તાત્ત્વિક રીતે લોભની સાથોસાથ થોડીઘણી ગુનાઇત વૃત્તિનું મિશ્રણ પણ હતું.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમના ‘મૌલિકતા’થી છલકાતા ઉસ્તાદોએ શોધી કાઢેલું સફેદ છેતરપીંડીનું એક સાધન હતું: ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’. એના શબ્દોને બદલે એની કરામતનું ગુજરાતી કરીએ તોઃ લોન આપનાર કોઇ પણ સંસ્થાએ (બેન્કે) કાયદા પ્રમાણે પોતાની પાસે એટલું ભંડોળ રાખવું પડે કે જેથી લોન લેનાર પાર્ટી કોઇ પણ કારણસર હાથ ઉંચા કરી દે, તો પણ બેન્ક ઉઠી ન જાય. આ કાયદો લે-વેચ-દલાલી-સંશોધન-સલાહસૂચન જેવાં, ગ્રાહકોની ડીપોઝીટ ઉઘરાવવા સિવાયનાં કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને બહુ નડતો હતો. કેમ કે, તેના બંધનને કારણે આપેલી લોનની સામે અઢળક ભંડોળ તેમણે અનામત (રીઝર્વ) તરીકે રહેવા દેવું પડતું હતું. અબજો ડોલરની રકમ સાવ અનામત તરીકે પડી રહે, એ કયા વેપારીને ગમે?

એટલે, ઇન્વેસ્ટમેન્ટ બેન્ક જે.પી.મોર્ગનના કેટલાક તિકડમબાજોએ ૧૯૯૪માં નવું ‘સંશોધન’ કર્યું, જે એક રીતે અત્યારની મંદીનું મહત્ત્વનું કારણ બન્યું. તેમણે ગોઠવી કાઢ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ધારો કે એક પાર્ટીને ૧ કરોડ ડોલરની લોન આપે, તો એની સલામતી માટે અનામત ભંડોળ રહેવા દેવાને બદલે, એ લોનનો વીમો લઇ લે તો? વીમા કંપની ૧ કરોડ ડોલરની લોનને ‘સુરક્ષાછત્ર’ આપે, બદલામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તેને તગડું પ્રીમિયમ ચૂકવે. પણ સલામતી માટે અનામત ભંડોળ રાખવાની ઝંઝટ નાબૂદ થઇ જાય અને બેન્કમાં અનામત તરીકે ખડકાઇ રહેલાં અઢળક નાણાં બજારમાં લાવી શકાય.

પહેલી નજરે નિર્દોષ લાગતી આ યોજના ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ તરીકે ઓળખાઇ. તેનું બજાર ઊભું કરવા માટે જેપી મોર્ગને નામી સંસ્થાઓમાંથી સ્નાતકો રોક્યા. (એ વખતે આઇ.આઇ.એમ.ના સ્નાતકો માટે વોલસ્ટ્રીટ હજી દૂર હતી.) પરિણામે, થોડાં વર્ષમાં બજારમાં ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ની ઘૂમ મચી ગઇ.

પુષ્કળ ભંડોળ છૂટું થયું, એટલે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને કોઇ પણ ભોગે એ ભંડોળ ધીરીને, ઉંચું વ્યાજ કમાવાની લ્હાય લાગી. એટલે તેમણે આંખી મીંચીને ધીરાણ શરૂ કર્યાં અને ‘એઆઇજી’ જેવી વીમા કંપનીઓ પાસે એ ધીરાણના વીમા લેવા માંડ્યા. વોરન બફેટ જેવા ખમતીધર અને શાણા રોકાણકારે ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ને ‘ફાઇનાન્શ્યલ વેપન્સ ફોર માસ ડીસ્ટ્રક્શન’ (સામુહિક સંહારનાં આર્થિક શસ્ત્રો) તરીકે યોગ્ય રીતે જ ઓળખાવ્યા હતા. કેમ કે, ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’નું પ્રમાણ સમય જતાં એટલું વધી ગયું કે ઇ.સ. ૨૦૦૦માં તેનો આંકડો ૧૦૦ અબજને વટાવી ગયો અને અંતે ૬૨ ટ્રિલિયન ડોલરે પહોંચ્યો! (એક ટ્રિલિયન બરાબર ૧ હજાર અબજ)

આટલું ઓછું હોય તેમ, અમુક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ એવો નુસખો અપનાવ્યો કે જુદી જુદી કંપનીઓને આપેલી લોનનો સરવાળો કરીને તેના ભાગ પાડી દીધા. એમાંથી સૌથી જોખમી ૧૦ ટકા હિસ્સો અલગ કરીને, તેને ‘બ્રોડ ઇન્ડેક્સ સિક્યોરીટાઇઝ્ડ ટ્રસ્ટ ઓફરિંગ’ જેવા રૂપાળા નામે ખુલ્લા બજારમાં વેચી દીધો, જેની પર સરકારનું કોઇ નિયંત્રણ ન હતું. લોનની રકમોના જોખમને આવી અનેક અવનવી પદ્ધતિએ બજારમાં ફરતું કરી દઇને, તેના બદલામાં બેન્કો નફો ઉસેટતી રહી.

‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ના ઉપાડાનો ખ્યાલ એ હકીકત પરથી પણ આવશે કે ફક્ત ‘એઆઇજી’ જેવી એક કંપનીએ ૧૪ અબજ ડોલરની લોનના વીમા લીધા હતા. એ લોનમાંથી મોટા પાયે ઉલાળીયાં થતાં, ‘એઆઇજી’નું ઉઠમણું થવાનો વારો આવ્યો. પરંતુ અમેરિકન સરકારે તેને ખરીદીને તેનો ઉદ્ધાર કર્યો.

સરકારી કાયદાકાનૂનના હાઇવેથી ચીલો ચાતરીને ઊબડખાબડ રસ્તે કરોડો કમાવાના ચક્કર વિશે જાણ્યા પછી એ આટલાં વર્ષ કેવી રીતે હેમખેમ ચાલ્યું અને બજાર કેમ આટલું મોડું તૂટ્યું, એવો સવાલ ન થાય તો નવાઇ લાગે.

Saturday, October 18, 2008

અમેરિકાનું અર્થતંત્રઃ નિરંકુશ મૂડીવાદની ‘ટાઇટેનિક’

વિશ્વભરનાં અર્થતંત્રોને ઘુ્રજાવતી અમેરિકાની મહામંદીનાં કારણોની સાદીસરળ સમજૂતી

અમેરિકા આ સમયે ખરેખર તો તેના નવા પ્રમુખની ચૂંટણી વિશેના સમાચારોથી ચર્ચામાં હોવું જોઇએ. એને બદલે ૯/૧૧ના ત્રાસવાદી હુમલા પછી સર્જાયેલી સ્થિતિની કંઇક અંશે યાદ અપાવે, એવો માહોલ વર્તમાન અમેરિકામાં સર્જાયો છે. બન્ને સ્થિતિ વચ્ચેનો મુખ્ય ફરક એટલો કે આતંકવાદી હુમલો આકસ્મિક હતો, જ્યારે અર્થતંત્ર પર આવનારી આફતનાં કાળપગલાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી સંભળાતાં હતાં. છતાં તેને અટકાવી શકાઇ નહીં.

મંદીનું તાંડવ અટકાવવાનું શક્ય પણ ન હતું. કારણ કે, તેને જન્મ આપનારાં પરિબળો પોતાનું કામ કરી ચૂક્યાં હતાં. ‘લેસ ગવર્ન્મેન્ટ ઇઝ ગુડ ગવર્નન્સ’ (બજારમાં સરકારની દખલ જેટલી ઓછી એટલો વહીવટ વધારે સારો) - એવો રોનાલ્ડ રેગનના જમાનાથી અમલી બનેલો સિદ્ધાંત અને તેનો અતિરેક હાલની મંદી સર્જવા માટેનું મુખ્ય કારણ બન્યો.

મૂળીયાંમાં જ મોંકાણ

૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં અર્થતંત્ર ‘કાઉબોય ઇકોનોમી’ (જોખમી અર્થતંત્ર) ન હતું. રેગન પહેલાંના શાસકો મૂડીવાદી જ હતા. છતાં, તેમનું સાદું કોઠાડહાપણ હતું: ‘પછેડી પ્રમાણે સોડ તાણવી એટલે કે કરવેરામાંથી જેટલી આવક હોય, એ પ્રમાણે જ ખર્ચ કરવો.’ રેગને આવીને ‘રેગનોમિક્સ’ કે ‘કાઉબોય કેપિટલિઝમ’ કહેવાતી નવી નીતિ દાખલ કરી. તેનો સાર હતો: ‘પહેલાં લાંબી સોડ તાણો એટલે આપણી પછેડી મોટી કરી આપનારા આપોઆપ મળી આવશે. કરવેરામાં આડેધડ ઘટાડો કરો. તેનાથી અર્થતંત્ર એવી તેજીમાં આવશે કે કરના ઘટાડાથી થનારૂં નુકસાન ભરપાઇ થઇ જશે.’

ગૃહિણી-ગણિતથી વિચારો: આવક ઘટે અને ખર્ચ ઘટે નહીં, એટલે શું થાય? ખાધ પડે. ઘરમાં નાના પાયે ખાધ પડે, તો અમેરિકા જેવા જંગી અર્થતંત્રમાં એના હિસાબે જંગી ખાધનું ગાબડું પડે. છતાં રેગનના રાજમાં અમેરિકાનું ગાડું જેટ ગતિએ ચાલી નીકળ્યું. વચ્ચે ડેમોક્રેટિક પક્ષના બિલ ક્લિન્ટને આડેધડ ટેક્સ ઘટાડા પર અંકુશ મુકીને આવક વધારી. એટલે અમેરિકાના અર્થતંત્રની ખાધ ઓછી થઇ, પણ બુશના રાજમાં પાછા ઠેરના ઠેર.

સવાલ એ થાય કે અર્થતંત્રના ચોપડે જમા કરતાં ઉધાર આટલી હદે વધી જાય, તો અર્થતંત્ર ભાંગી ન પડે? તાર્કિક રીતે વિચારતાં ભાંગી જ પડવું જોઇએ, પણ અમેરિકામાં તત્કાળ એવું ન બન્યું. કેમ કે, દુનિયાની નજરમાં અમેરિકા અને તેના આક્રમક મૂડીવાદનાં માનપાન બહુ ઉંચાં હતાં. એટલે દુનિયાભરના દેશો પોતાની કમાણીને અમેરિકામાં રોકતા હતા. એટલે અમેરિકાના પોતાના અર્થતંત્રમાં પડતું ગાબડું બીજા દેશોમાંથી આવતા રોકાણોના નક્કર માલથી પુરાઇ જતું હતું. એટલે અમેરિકાના નેતાઓને લાગતું હતું કે ‘ગમે તેટલી ખાધ હોય, પણ આપણી વિકાસની ગાડી ચોથા ગીયરમાં ચાલે છે ને! પછી શી ચિંતા?’

પરદેશી રોકાણના ખીલે કૂદતા રેગન-તંત્ર ફક્ત કરવેરા ઘટાડીને - અને ખાધ વધારીને - બેસી રહ્યું નહીં. તેનું બીજું પગલું નાણાંકીય સંસ્થાઓ પરથી અંકુશો હટાવી લેવાનું હતું. ૧૯૨૯ની મહામંદી પછી તકેદારીનાં પગલાં રૂપે પસાર કરવામાં આવેલા કેટલાક કાયદા રેગન સરકારે નાબૂદ કરી દીધા. એના કારણે કમર્શિયલ બેન્ક અને ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વચ્ચેનો તફાવત મટી ગયો. ઉંચાં જોખમ લઇને આક્રમક ધંધા કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને ગ્રાહકોની ડીપોઝીટ પર નિયમસર ચાલતી (આપણી નેશનલાઇઝ્ડ બેન્ક જેવી) કમર્શિયલ બેન્કોને ની સમકક્ષ દરજ્જો આપી દીધો. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમની અવનવી તિકડમબાજીઓ પરના અંકુશ સાવ હળવા કરી નાખ્યા. ઇન્વેસ્ટમેન્ટ બેન્કના ભેજાબાજ ખેલાડીઓએ તેનો ભરપૂર લાભ લઇને બેન્કનો નફો અનેક ગણો વધારવા માટે અવનવી તરકીબો અપનાવી. તેના વિશે વઘુ વાત કરતાં પહેલાં, અત્યારની મંદીના પૂર્વાધ જેવી ‘સબપ્રાઇમ ક્રાઇસિસ’ની પ્રાથમિક જાણકારી જરૂરી છે.

સબપ્રાઇમ એટલે?

‘સ્ટાન્ડર્ડ’ (ધોરણસરનું) ન હોય એ ‘સબસ્ટાન્ડર્ડ’ કહેવાય છે. એ જ રીતે, લોન મેળવવા માટેના ‘પ્રાઇમ’ (મુખ્ય) માપદંડમાં એક યા બીજા કારણસર ‘નાપાસ’ થનારા લોકોને થતું ધીરાણ ‘સબપ્રાઇમ’ કહેવાય છે. દેણદાર તરીકે જેનો રેકોર્ડ સારો ન હોય, ભૂતકાળમાં લોન ચૂકવવામાં અખાડા કર્યા હોય અથવા લોન માટે જરૂરી શરતો તે પૂરી કરતો ન હોય- ટૂંકમાં જે ગ્રાહકને લોન આપવામાં જોખમ છે એ જાણ્યા પછી પણ જોખમ વેઠીને તેને લોન આપવી એ ‘સબપ્રાઇમ લેન્ડિંગ’ કહેવાય છે.

નવાઇ લાગે એવી વાત એ છે કે આખા અમેરિકામાં ઉધારી માટેનાં ‘સબપ્રાઇમ’ ધોરણોની કોઇ એક ચોક્કસ વ્યાખ્યા નથી. જુદી જુદી સંસ્થાઓ ગ્રાહકના ક્રેડિટ પોઇન્ટ નક્કી કરે છે. તેમાં નક્કી થયેલા પોઇન્ટથી ઓછા પોઇન્ટ ધરાવતા ગ્રાહકો ‘સબપ્રાઇમ’ કક્ષામાં આવે છે.

સબપ્રાઇમ લોન ઘરની અવેજીમાં (મોર્ગેજ), વાહન કે ક્રેડીટ કાર્ડ ખરીદવા સહિત ઘણા હેતુ માટે આપવામાં આવે છે. લોનની સામે જામીન તરીકે રખાતી મિલકતની રકમને સિક્યોરિટીમાં ફેરવીને, તેને બીજા તબક્કાના (સેકન્ડરી) મોર્ગેજ માર્કેટમાં વેચવામાં આવે છે.

સેકન્ડરી મોર્ગેજ માર્કેટ : લોન-બાજીનું ચક્કર

ઉધારીના ચક્કરની પહેલી કડી બેન્ક હોય, તો બીજી કડી છે કેટલીક સરકાર દ્વારા પ્રાયોજિત (ગવર્ન્મેન્ટ સ્પોન્સર્ડ) સંસ્થાઓ. એવી બે મોટી સંસ્થાઓ છે: ‘ફેડરલ નેશલન મોર્ગેજ એસોસિએશન’ (ફેની મેઇ) અને ‘ફેડરલ હોમ લોન મોર્ગેજ કોર્પોરેશન’ (ફ્રેડી મેક).

લોન આપવા ઇચ્છતી નાણાંકીય સંસ્થાઓ (બેન્કો) લોનના છૂટક વ્યક્તિગત આંકડાને બદલે, એક મોટી રકમનો આંકડો નક્કી કરે છે. એ રકમ પોતાની મિલકત ગીરવી મુકનારા લોકોને લોન પેટે અપાવાની હોવાથી, તેને ‘ગીરવી રાખેલી મિલકત સામે ઉધારી’ તરીકે ગણવામાં આવે છે. ટેકનિકલ પરિભાષામાં તેનું નામ છે ઃ ‘કોલેટરાઇઝ્ડ ડેટ ઓબ્લિગેશન.’ એ રકમની કિંમતની સિક્યોરિટી (નાણાંકીય માન્યતા ધરાવતાં ‘કાગળીયાં’) ફેની મેઇ અને ફ્રેડી મેક જેવી સંસ્થાઓ ખરીદે છે. બદલામાં તે બેન્કને રોકડ રકમ ચૂકવે છે. બેન્કો એ રકમને હોમલોન તરીકે આપે છે અને લોન ભરપાઇ ન થાય ત્યાં લગી એ ઘર બેન્ક પાસે ગીરવી રહે છે.

‘સિક્યોરિટી’નાં કાગળીયાં ખરીદ્યા પછી ફ્રેડી મેક તેને શું કરે છે? જવાબ છેઃ એ ‘કાગળીયાં’ના શેરની જેમ ખુલ્લા બજારમાં સોદા થાય છે. સ્થાનિક રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ઉપરાંત અમેરિકાના અર્થતંત્રથી અંજાયેલા અને તેમાં રોકાણ કરવા ઉત્સુક પરદેશી રોકાણકારો પણ એ કાગળીયાં રોકડેથી ખરીદે છે. આ રીતે મળેલાં નાણાંનો ઉપયોગ ફ્રેડી મેક બેન્કો પાસેથી વઘુ સિક્યોરિટી ખરીદવામાં કરે છે. એટલે સિક્યોરિટી વેચનાર બેન્કોને વઘુ ને વઘુ નાણાં મળ્યા કરે છે, જેના જોરે તે બે હાથે લોન લુંટાવે છે. આ માયાજાળમાં લોન આપવા માટેની હરીફાઇનું તત્ત્વ ઉમેરાતાં લોન માટેની લાયકાતનાં ધોરણોમાં ભયાનક હદે બાંધછોડ થાય છે. બીજી તરફ, સિક્યોરિટીનાં રેટિંગ આપવાનું, એ ખરીદવાનું અને વેચવાનું- એમ ત્રણે કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો પર સરકારની ભાગ્યે જ કશી દેખરેખ હોય છે. એટલે ‘ગાંધી-વૈદ્યનું સહિયારૂં’ જેવો ઘાટ થાય છે.

આખી કડીમાં સરકારી હોવાની (ખોટી) છાપ ધરાવતાં અને સિક્યોરીટીની સલામતી અંગે લોકોના મનમાં ખોટી ધરપત પેદા કરતાં ફેની મેઇ અને ફ્રેડી મેક ધરખમ તંત્રો છે. અમેરિકાના ૧૨ ટ્રિલીયન ડોલરના મોર્ગેજ માર્કેટમાંથી અડધીઅડધ સિક્યોરિટી ફ્રેની મેઇ અને ફ્રેડી મેકની માલિકીની છે અથવા તેમણે એની પર બાંહેધરી આપેલી છે. (૧ ટ્રિલીયન એટલે ૧ની ઉપર ૧૨ મીંડાં)

ચક્કર શી રીતે ખોટકાય છે?

આગળ જણાવેલી નાણાંનો વરસાદ કરતી આખી વ્યવસ્થામાં આખો નાચ શાની પર છે? તેનો ટૂંકો ટચ જવાબ છેઃ લોન લેનારે ગીરવે મુકેલી મિલકત પર. ગ્રાહક બદલાતા વ્યાજવાળી લોનના હપ્તા નિયમસર ચૂકવે, ત્યાં સુધી બહુ વાંધો આવતો નથી. પણ ઘરની લોનો બે હાથે મળતી થાય, એટલે ઘર ઊભાં કરવાના બજારમાં તેજી આવે. થોડા વખતમાં ઘરની માગ કરતાં પુરવઠો વધી જાય, એટલે ફરી ઘરની કિંમતો બેસી જાય. એવું જ ૯/૧૧ પછીના સમયગાળામાં બન્યું. ઘરની કિંમતો નીચી ગઇ અને લોન પર વ્યાજના દર વધવા લાગ્યા, એટલે લોન ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરનારા ગ્રાહકોનું પ્રમાણ વધવા લાગ્યું. અગાઉ જણાવ્યું તેમ, સિક્યોરિટીના આખા બજારમાં એકમાત્ર નક્કર તત્ત્વ ગ્રાહકનું ઘર હોય અને એની જ કિંમત તળીયે જાય, એટલે બજાર પર તેની અસર જણાયા વિના રહે?

દેણદારો હાથ ઉંચા કરવા લાગ્યા, એટલે મોટા ઉપાડે લોન આપીને બેસી ગયેલી નાણાંકીય સંસ્થાઓને વસમું પડવા લાગ્યું. લોન આપનાર બેન્કો અને સંસ્થાઓની હાલત ખરાબ થઇ, એટલે સેકન્ડરી મોર્ગેજ માર્કેટમાં સિક્યોરીટીનો સટ્ટો કરતી ‘બેર સ્ટર્ન્સ’ જેવી કંપનીનાં પાટિયાં પડી ગયાં. પણ અમેરિકન સરકારના નાણાંખાતાએ વચ્ચે પડીને એવું ગોઠવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ‘જેપી મોર્ગન’ ‘બેર સ્ટર્ન્સ’ને ખરીદી લે. ત્યાર પછી ‘લેહમેન બ્રધર્સ’ જેવી મસમોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કનો વારો આવ્યો. તેને કોઇ પણ જાતની મદદ ન મળતાં, ૧૯૨૯ની મંદીમાં ઉગરી ગયેલી ‘લેહમેન બ્રધર્સ’ને ૨૦૦૮માં દેવાળું ફુંકવું પડ્યું. ફેની મેઇ અને ફ્રેડી મેકમાં કડાકા બોલ્યા. એ ઉઠી જાય તો હાહાકાર મચી જાય. એટલે સરકારે તેમને પોતાના તાબા હેઠળ લઇ લીધાં. સિક્યોરિટીની જ રમતમાં પોતાના અને ગ્રાહકોના કરોડો ગુમાવનાર પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મેરિલ લિન્ચનું દેવાળું ન નીકળે, એ માટે સરકારે દરમિયાનગીરી કરી. પરિણામે, બેન્ક ઓફ અમેરિકાએ ‘મેરિલ લિન્ચ’ ખરીદી લીધી.

સરકારના અંકુશ વગર, લોનની આંધળી હરિફાઇ અને સિક્યોરિટીની સટ્ટાબાજીમાં ખોખલા થઇ ગયેલા અર્થતંત્રના નોંધપાત્ર હિસ્સાને નાદારીમાંથી બહાર કાઢવા અમેરિકાની સરકારે ૭૦૦ અબજ ડોલરની મદદ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકાના બન્ને પક્ષોએ આ મદદને મંજૂરી આપી દીધી છે. પરંતુ એ રકમ મલ્ટીપલ ફ્રેક્ચર ધરાવતા અર્થતંત્રને ફરી ‘વન પીસ’ બનાવવા માટેની છે. એક વાર ‘વન પીસ’ બની ગયા પછી પણ હવે અમેરિકાના ‘કાઉબોય કેપિટાલિઝમ’ની પ્રચંડ તાકાત ભૂતકાળ બની જશે, એવું અત્યારે સ્પષ્ટપણે લાગે છે. અર્થતંત્રના કાંટાને અવળા ફેરવીને રેગન પહેલાંના સમયમાં લઇ જવામાં આવે, એ જ આ મહામંદીનો બોધ અને તકાદો છે.