Thursday, May 15, 2025
કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે
છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.
*
(17-4-25)
Wednesday, April 23, 2025
ત્રાસવાદી હુમલોઃ નાગરિક ભૂમિકાએ
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
Tuesday, June 28, 2022
સર્વોચ્ચ અદાલતના નામે
(તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)
સુપ્રીમ
કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ,
(સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા
સવાલ ઊભા કરે છે.
ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.
શુક્રવારે
સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું
હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની
હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન
ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય.
કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ
પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે
નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ
ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના
આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે
હતોઃ ‘આખરે, આ કેસ ગુજરાત
રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો
પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના
હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે
સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ.’ આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ
છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત
કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)
શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.
ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં.
મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/
Wednesday, March 16, 2022
સામુદાયિક અત્યાચારો, નાગરિકધર્મ અને ફિલ્મની ભૂમિકા
કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલો અત્યાચાર, દિલ્હીમાં શીખો પર થયેલો અત્યાચાર, ગુજરાતમાં મુસ્લિમો પર થયેલો અત્યાચાર અને આવા બીજા બધા જ અત્યાચારોને એકબીજાની સામે મૂકીને, તેમના સામસામા છેદ ઉડાડી શકાય નહીં.
એક અત્યાચારની વાત થાય ત્યારે, નાગરિક તરીકે આપણે તેની સામે બીજા અત્યાચારનું પત્તું ઉતરીને, પહેલા અત્યાચારને નકારી શકીએ નહીં.
જેમ કે, કોઈ કાશ્મીરની વાત કરે ત્યારે 'તમે 2002માં ક્યાં હતા?' અને કોઈ 2002ની વાત કરે ત્યારે 'તમે પંજાબમાં ક્યાં હતા?' એવું નાગરિકો તરીકે ન પૂછાય. એ ધંધો રાજકીય પક્ષોનો છે. કારણ કે, તેમને ન્યાય અપાવવામાં નહીં, મત અંકે કરવામાં રસ હોય છે.
નાગરિકો પર સામુહિક કે સામુદાયિક ધોરણે થયેલા અત્યાચારના કિસ્સામાં ન્યાયની માગણી માટે, તમામ ન્યાયપ્રેમી નાગરિક સમુદાયોએ હાથ મિલાવવા પડે. બધા લોકો દરેક વખતે સક્રિય કે બોલકું સમર્થન આપી ન શકે તો કમ સે કમ, મૂક સમર્થન તો આપી જ શકે. તેની પાછળનો આશય એટલો કે કોઈ અત્યાચારને ઢાંકવા માટે બીજા અત્યાચારોનો ઉપયોગ ન થાય.
***
જુદા જુદા પ્રકારના અત્યાચારનો વિરોધ કરનારા પંજા લડાવવાને બદલે હાથ મિલાવે તો?
હું કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ એ વાતમાં સંપૂર્ણપણે સંમત છું અને તે માટે બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને તેમની નિષ્ફળતાઓ પછી મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું.
હું 2002માં જે લોકોની હત્યા થઈ તેમના માટે ન્યાયની માગણીમાં સામેલ છું. અને તે માટે તત્કાલીન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ત્યાર પછીની બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું. (આ બે પ્રસંગ તો જાણીતાં ઉદાહરણ તરીકે.)
મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરી પંડિતો માટે ન્યાય માગનારા આખી વાતમાં ભાજપની ભૂમિકા, જવાબદારી અને નિષ્ક્રિયતા પ્રત્યે આંખ આડા કાન કરે. 2002 માટે ન્યાય માગનારા કોંગ્રેસની ભૂમિકા, જવાબદારીની અને નિષ્ક્રિયતા બાજુ પર રાખીને જ વાત કરવા ઇચ્છે.
આ લક્ષણ ન્યાયપ્રિય નાગરિકોનાં નહીં, પક્ષના 'વફાદાર' કાર્યકરોનાં અથવા આખી કરુણતાની રાજકીય કે બીજી રીતે રોકડી કરી લેનારાનાં છે. (અહીં વફાદારનું વિશેષણ હકારાત્મક અર્થમાં નથી. ) એવા અભિગમથી પીડિતોને ન્યાય નથી મળતો, પણ તેમની પીડાનો વેપાર થઈ જાય છે.
***
સામુદાયિક અત્યાચાર દર્શાવતી ફિલ્મોની વાત આવે ત્યારે, તે ફિલ્મ બનાવનારનો આશય શો છે, તે સૌથી અગત્યનું છે. આશય ફિલ્મ પરથી નક્કી કરી શકાય છે. દા.ત.
- સંવેદન જગાડતી ફિલ્મઃ તેનો આશય દર્શકોને એક પ્રકારનો અત્યાચાર બતાવીને, એવા તમામ પ્રકારના અત્યાચારો સામે લોકોને સંવેદનશીલ બનાવવાનો હોઈ શકે. તેવી ફિલ્મ તમામ પ્રકારના અત્યાચારો સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપી શકે. 'શિન્ડલર્સ લીસ્ટ' આવી એક ફિલ્મ છે, જેમાં ક્રૂરતમ વાતાવરણમાં પણ બે સમુદાયોને બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચી દેવાયા નથી. તે ફિલ્મમાં બધેબધા યહુદી પીડિત નથી અને બધા જર્મન વિલન નથી. સંવેદના જગાડવા માટે બનાવાયેલી ફિલ્મની એ ખાસિયત હોય છે.
- દસ્તાવેજીકરણ ધરાવતી ફિલ્મઃ તેમાં અન્યાય સામે ન્યાયની લડત જીવંત રાખવા માટે ઘટનાઓનું યથાતથ આલેખન કરાયું હોય છે. આખા ઘટનાક્રમનાં શક્ય એટલાં વધુ પાસાં રજૂ કરવામાં આવે છે. રજનીશ વિશેની સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' (નેટફ્લિક્સ) તેનું ઉત્તમ ઉદાહરણ છે.
- ધિક્કારકેન્દ્રી ફિલ્મઃ કેટલાક મુસલમાન ધર્મગુરુઓ મુસલમાનવિરોધી હિંસાનાં ચુનંદાં દૃશ્યોનો ઉપયોગ મુસલમાન યુવાનોને તમામ હિંદુઓ સામે ઉશ્કેરવા માટે કરતા હોવાનું જાણ્યું છે. એવી જ રીતે, હિંદુવિરોધી હિંસાનાં દૃશ્યો બતાવીને હિંદુઓને બધા મુસલમાનો સામે ઉશ્કેરવાનો ધંધો પણ થાય છે. આ પ્રકારની ફિલ્મોનો આશય ન્યાયનો કે દસ્તાવેજીકરણનો નહીં, ધાર્મિક કે રાજકીય નેતાગીરીના લાભાર્થે સમાજમાં ધિક્કારની બોલબાલા કરવાનો હોય છે. આવી ફિલ્મ બનાવનારા દાવો તો પહેલા બે પ્રકારનો કરે છે, પણ તે પ્રકારોની મૂળભૂત શરતોનું તેમાં પાલન થતું નથી. આવી ફિલ્મોનો આશય ઘાની દવા કરવાનો નહીં, ઘા વકરાવવાનો હોય છે, જેથી રાજકીય, ધાર્મિક અને આર્થિક સહિતનાં અનેક સ્થાપિત હિતોનું કામ થઈ જાય.
***
વિશ્લેષણ માટે 'કાશ્મીર ફાઇલ્સ' ને કોઈ અલગ નિયમ કે માપદંડથી માપવાની જરૂર નથી. ઉપર જણાવેલા સામાન્ય નિયમો પૂરતા છે.
શાંતિથી વાંચજો, વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.
Sunday, March 01, 2020
દિલ્હીની કોમી હિંસા અને આપણે
કોમવાદનો વિરોધ કરનારા ઘણા લોકોને પણ આ પૂછનાર જેવો સવાલ થઈ શકે. એટલે તેની જાહેરમાં જ વાત કરવી જોઈએ, એવું લાગતાં મારો જવાબ અહીં લખું છું.
- પહેલી વાત તો એ છે કે હિંસા કોઈ પણ કરે, તે મને માન્ય નથી. કોમી હિંસાને બહુ તો સમજાવી શકાય, પણ તેને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં. હિંસા એ હિંસા જ છે--તે હિંદુની હોય કે મુસલમાનની, જમણેરીની હોય કે ડાબેરીની, આઘાતની હોય કે પ્રત્યાઘાતની. એકેય હિંસાને હું સમર્થન આપી શકતો નથી, વાજબી ઠરાવી શકતો નથી.
- 'તો પછી તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવો સવાલ દિલ્હીના સંદર્ભે થઈ શકે. 'તમે મુસલમાનોની હિંસાની ટીકા કરતા નથી અને ફક્ત હિંદુઓની હિંસાને વખોડો છું એ બરાબર ન કહેવાય. ન્યાય ખાતર તમારે બંનેની હિંસાને એકસરખી વખોડવી જોઈએ.’ એવું કોઈ કહી શકે. સાંભળવામાં બહુ તાર્કિક લાગે, એવી આ દલીલ થાય, ત્યારે સૌ પહેલાં એટલું વિચારવું પડે કે આ દલીલ કરનારનો આશય શો છે? બીજી શબ્દોમાં, મારી પ્રાથમિક ભૂમિકા જેમ કોઈ પણ હિંસાને અમાન્ય ગણવાની છે, તેવી જ રીતે આ દલીલ કરનારને પણ બંને પક્ષોની હિંસા અસ્વીકાર્ય છે?
દિલ્હીની વાત કરીએ, તો 'તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવું કોણ પૂછે છે?
- જે લોકોને આટલા વખતથી ચાલતા શાહીનબાગના આંદોલનમાં જળવાયેલો સંયમ દેખાતો નથી તે?
- જે લોકો બે-ચાર મુસલમાનોના બેફામ બખાળાની સાથે બે મહિનાના શાહીનબાગના અહિંસક દેખાવોને કે સીએએના ટીકાકારોને દેશદ્રોહી કે દેશહિતવિરોધી કે હિંદુવિરોધી ગણાવવા તત્પર છે તે?
-સત્તાધારી પક્ષના નેતાઓ તથા જવાબદાર મંત્રીઓ તરફથી સતત થયેલા હિંસા ભડકાવવાના ભયંકર પ્રયાસ જેમને દેખાતા નથી અથવા તેમાં જેમને કશું વરવું લાગતું નથી, તે?
જો ઉપર જણાવ્યા છે એવા લોકો પૂછતા હોય, તો તેમના સવાલને સવાલ તરીકે લેવાની અને તેનો જવાબ આપવામાં પડવા જેવું નથી. કેમ કે, એવા ઘણાખરાને મન તે સવાલ નથી, હથિયાર છે. એ જાણવા માટે નહીં, પ્રહાર કરવા માટે વપરાય છે. તેનો આશય સત્તાધારી પક્ષપ્રેરિત હિંસાના આપણા દ્વારા થતા વિરોધને મોળો પાડવાનો હોય છે.
એવા સવાલનો ગમે તેટલો પ્રામાણિક જવાબ આપો, તેમાંથી કશો સંવાદ નીપજશે નહીં. કેમ કે, તે સવાલ ન્યાયવૃત્તિમાંથી પેદા થયેલો નથી. તેનો આશય સંવાદ નીપજાવીને સમજ અને શાંતિ સ્થાપવાનો નથી. આવો સવાલ ફેંકનારામાંથી કોઈ વડાપ્રધાનપ્રેમી હશે, કોઈ મુસ્લિમદ્વેષી, કોઈ કોંગ્રેસવિરોધી હશે, કોઈ 'આપ'વિરોધી, તો કોઈને ઉદારમતવાદી વલણ સામે વાંધો હશે. આ બધાનું ઓછુંવત્તું મિશ્રણ હોય એવા પણ ઘણા.
આવા લોકોમાંથી કોઈ આપણા માટે 'હિંદુવિરોધી' કે 'દેશહિતવિરોધી' જેવાં પ્રમાણપત્રો ફાડે તો બચાવની મુદ્રામાં આવી જવું નહીં કે પોતાની તટસ્થતા વિશે શંકામાં ડૂબી જવું નહીં. (આવા સવાલ પૂછનારામાંથી ઘણાને ગાંધીજી પણ હિંદુવિરોધી લાગતા હોય છે. એટલે, ચાલ્યા કરે.)
- 'પણ મૂળ સવાલ ઊભો રહ્યો. વિડીયોમાં હિંસા કરતા ઝડપાયેલા મુસલમાનોનું શું?’
એનો જવાબ બહુ સાદો છેઃ હિંસા કરતા કોઈ પણ માણસનું કાયદાના રાજમાં શું થવું જોઈએ? એ જ વિડીયોમાં ઝડપાયેલી વ્યક્તિનું થવું જોઈએ. તે મુસલમાન હોય કે ન હોય, તેનાથી મને કશો ફરક નથી પડતો. મારી અપેક્ષા એટલી જ છે કે હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે.
આવું ન થાય અને
- સરકાર ધરાર પોતાના પક્ષની ભયંકર કક્ષાની ઉશ્કેરણીઓ પ્રત્યે આંખ આડા કાન કરતી રહે,
- સરકાર અને તેના કોમવાદના સમર્થકો રાહ જોતા હોય કે ક્યારે મુસલમાન તોફાન કરતા ઝડપાય ને તેમને આગળ કરીને, અત્યાર સધી આપણા પક્ષે ફેલાવેલો બધો ધીક્કાર વાજબી ઠરાવી પાડીએ- હિંસાને 'પ્રતિકાર' તરીકે ખપાવી દઈએ.
- વાજબી જ શા માટે, આવા ધીક્કારને અગમચેતીભર્યો ઠરાવવાની કોશિશો પણ થાય છે ('જોયું? અમે નહોતા કહેતા? આ લોકો તો છે જ એવા')
આવા સંજોગોમાં, ઉપર જણાવેલી માનસિકતા ધરાવતા લોકો આપણી પાસેથી મુસલમાનોની હિંસાની ટીકાની અપેક્ષા રાખે, ત્યારે આપણે શા માટે બચાવની મુદ્રામાં આવવું જોઈએ?
આપણી ભૂમિકા સ્પષ્ટ છેઃ હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે. અને તે એવું ન કરે, ઉપરથી પોતે જ ધીક્કાર ફેલાવવામાં કારણભૂત બને, તો આપણે એ સરકારની ટીકા કરવી જ પડે.
તે વખતે મુસલમાનોની હિંસાની અલગથી ટીકા કરવાથી, સરકારપ્રેમીઓને તમને 'તટસ્થ' ગણશે એવા ભ્રમમાં ન રહેવું. તમે તેમને કદી સંતોષી નહીં શકો. કારણ કે તેમની ભૂમિકા ન્યાયની નથી.
આપણે આપણી જાતને, આપણી નૈતિકતાને, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો આપણા અંતરાત્માને જવાબદાર છીએ. તેમાં કોઈની હિંસા માટે કૂણી લાગણીને સ્થાન નથી--તરફેણ કરવાની તો બહુ દૂરની વાત છે. આપણા મનમાં આટલી સ્પષ્ટતા હોય, ત્યાર પછી દિલ્હીમાં મોટા પાયે અને આક્રમક રીતે સરકારી રાહે ફેલાવાયેલા ધીક્કારની ગંભીર નોંધ લીધા વિના કેમ ચાલે?
Tuesday, February 27, 2018
અન્યાયબોધની અવળી ગંગા
આ સંપૂર્ણ સત્યઘટના છે અને ઘણા વાંચનાર સાથે તે જુદા જુદા સ્વરૂપે બની હશે. પરંતુ સવાલ બીજો છેઃ કોઈ વ્યંગકાર લખે તો સારા વ્યંગ તરીકે ખપી જાય, એવું સાચેસાચ અને ગંભીરતાપૂર્વક બનવા લાગે ત્યારે શું કહેવું? --અને ખેદની વાત છે કે આવું વલણ રસ્તા પર થતા અકસ્માતથી માંડીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાં પૂરી ઠાવકાઈથી વ્યક્ત થાય છે.
દા.ત. શ્રી 11,400 નીરવ મોદી. તેમણે અને તેમના મામાશ્રીએ એ મતલબની સફાઈ રજૂ કરી, બલ્કે આરોપ મૂક્યો કે પંજાબ નેશનલ બૅન્કે ઉતાવળ કરી નાખી અને બધું ચિતરી માર્યું. એટલે મામલો બગડી ગયો. બાકી, અમે તો પૈસા ચૂકવી જ દેવાના હતા. નીરવ મોદીને ‘આપણા વર્ગના’ ગણનારા કેટલાકે તેમની વાતમાં ટાપશી પણ પુરાવી. સમાચારમાં મથાળું વાંચીને પહેલાં તો લાગ્યું કે કોઈ ટીખળીએ રમૂજ કરી હશે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ગંભીરતાપૂર્વક કરાયેલું નિવેદન છે. નીરવ મોદી અૅન્ડ કંપનીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપીંડી કરીને ખોટા લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યે રાખ્યા, એ પહેલા અને પ્રાથમિક ગુનાની કોઈ વાત જ નહીં. અને આરોપી મટીને સીધા ફરિયાદીની ભૂમિકામાં જ આવી જવાનું.
આ તો ખૂન કર્યા પછી ખંજર લોહીલુહાણ થઈ જવાની ફરિયાદ કરે એવી વાત થઈ, પણ ‘આક્રમણ એ બચાવનો સૌથી અસરકારક પ્રકાર છે’ એવી તરકીબ હવે સામાન્ય બની ચૂકી છે. ધોળાઓના વર્ચસ્વમાં માનતા અને તેના માટેના પ્રયાસોમાં કશું ખોટું ન જોતા એક ભાઈનું ખાતું ટ્વિટરે બંધ કર્યું, તો ગયા અઠવાડિયે એ ભાઈએ ટ્વિટર સામે ભેદભાવનો દાવો દાખલ કર્યો. એવો જ દાવ ગુગલમાંથી કાઢી મુકાયેલા એક એન્જિનિયરે કર્યો. તેમણે કહ્યું કે કંપનીના ઉદારમતવાદી રાજકીય વલણ ધરાવતા લોકો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતો હતો. ભેદભાવવિરોધી છાવણી આક્રમણને બદલે બચાવની ભૂમિકામાં આવી જાય, એ આશયથી આ યુક્તિ અજમાવવામાં આવે છે.
આ પ્રકારની ફરિયાદમાં કંઈક અંશે સમૃદ્ધ વર્ગો દ્વારા અનામત માગતી વખતે વ્યક્ત કરાતા અન્યાયબોધ જેવી લાગણી જવાબદાર હોઈ શકે છે. એટલે કે, વ્હાઇટ સુપ્રીમસિસ્ટ (ધોળી ચામડીને કારણે ગુરુતાગ્રંથિમાં રાચનારા) છીએ ને એવા હોવાનો અમારો અધિકાર છે. અમારા એ અધિકારનો ઇન્કાર કરીને, અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે.
આ પ્રકારની દલીલોને ગમે તેટલા રૂપાળા શબ્દોમાં વીંટાળીને રજૂ કરવામાં આવે, પણ તેનું ગુજરાતી એવું થાય કે ‘પ્રગતિશીલ મૂલ્યોમાં-માનવ અધિકારમાં માનતા ને તેના માટે લડતા લોકો અમને સુખેથી ભેદભાવ રાખવા દેતા નથી-અે લોકો ભેગા થઈને મને હેરાન કરે છે. અમને અમારો (બીજાને નીચા-ઉતરતા ગણવાનો) હક ભોગવવા દેતા નથી. આ હળાહળ અન્યાય કહેવાય. અમને ન્યાય મળવો જોઈએ.’
આ પ્રકારની દલીલોનો આશય પોતાના ભેદભાવગ્રસ્ત વર્તનને છુપાવીને, ભેદભાવ સામે લડનારા લોકોને જ ભેદભાવ રાખનાર તરીકે ચિતરવાની હોય છે. ભારતમાં- ગુજરાતમાં સેક્યુલરિઝમ સંદર્ભે પણ આવો આત્યંતિક પ્રચાર ચલાવવામાં આવે છે. કૉંગ્રેસી સેક્યુલરિઝમમાં માનતા લોકોના ઘણા પ્રશ્નો છે, પરંતુ સર્વધર્મસમભાવમાં માનતા બધા લોકોને એક જ કાળા કુચડાથી ચીતરી દેવા, એ બધાને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા અને કોમી હિંસાથી માંડીને કોમવાદ માટે પણ એવું જ ચિત્ર ઉભું કરવું, જાણે સેક્યુલરિસ્ટોએ જ દુકાનો લૂંટવા ને લોકોને સળગાવવા માટે નીકળી પડ્યા હોય.
બીજા કોઈની પણ જેમ સેક્યુલરિસ્ટો ટીકાથી પર ન હોઈ શકે. તેમનાં બેવડાં ધોરણની ટીકા થવી જ જોઈએ. પણ દંભી બિનસાંપ્રદાયિકતા અને હાડોહાડ કોમવાદની સગવડીયા સરખામણી કરીને, હાડોહાડ કોમવાદને નિર્દોષ (કે ધાર્મિક) જાહેર કરવાના આશયથી, દંભી બિનસાંપ્રદાયિકતાને આરોપીના કઠેડામાં ન ઉભી કરી શકાય. દંભી બિનસાંપ્રદાયિકતા સામેની આકરી ટીકા અને તેની સામેનો રોષ તો જ વિશ્વસનીય લાગે, જો તે કોમવાદની વકીલાતના લાભાર્થે ન હોય. તેમાં બિનસાંપ્રદાયિકતા તથા દંભી બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત પાડવા જેટલો વિવેક જળવાવો જોઈએ.
એવી જ રીતે, હંમણાં એવું પણ ઘણું સાંભળવા મળે છે કે જમણેરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે તેમને નીચી નજરે જોવામાં આવે છે. સેક્યુલરિસ્ટોની જેમ ડાબેરીઓના પોતાના પ્રશ્નો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના લોકોએ એક સાદું સત્ય જાણવાની જરૂર છેઃ જે જમણેરી ન હોય કે જમણેરીઓનો વિરોધ કરતા હોય, એ બધા ડાબેરી નથી હોતા. ગરીબોની-શોષિતોની-વંચિતોની વાત કરનારા બધા રાજકીય વિચારધારા પ્રમાણે ડાબેરી નથી હોતા. આપણા મુદ્દાની વાત કરીએ તો, જમણેરીઓ પ્રત્યે રાખવામાં આવતો કહેવાતો ભેદભાવ હકીકતમાં ધર્મના નામે કોમવાદી અભિગમની, રાષ્ટ્રવાદને નામે સંકુચિતતાની, ટુંકમાં જમણેરીઓના ભેદભાવગ્રસ્ત વર્તનની ટીકા હોય છે. પણ ભેદભાવની ટીકાને ભેદભાવ તરીકે ખપાવી દેવાથી પ્રચારમાં જીત મેળવી શકાય છે અને જમાનો પ્રચારનો છે.
બિનસાંપ્રદાયિકતાનો એક રંગ દંભનો છે, એવી જ રીતે શોષણ સામે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓનો એક રંગ હળાહળ શોષણખોરીનો છે. બધી સંસ્થાઓને એક લાકડીએ ન હાંકી શકાય, એ તો દેખીતું છે. પરંતુ દુનિયામાં શોષણની સામે લડવાનો દાવો કરનારા અને લડનારા પોતાની સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે, એવી શરમજનક ઘટનાઓની નવાઈ નથી. તેમાં સૌથી શરમજનક ગણાય એવી પરંપરાની વાત એક જાણીતી ફંડિગ એજન્સીના કર્મચારી પર થયેલા આરોપમાંથી બહાર આવી. એ ભાઈ હૈતી દેશમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નાણાંના સાટામાં દેહસુખ મેળવ્યું. આ વાત જાહેર થઈ ત્યારે તેમણે, રૉંગ સાઇડેથી આવીને ભટકાયા પછી દાદાગીરી કરતા બાઇકવાળાની જેમ, કહ્યું કે એમાં શું થઈ ગયું? આમ કરવાથી પેલી સ્ત્રીને રોજગારી મળી. બીજાએ વળી એવો બચાવ કર્યો કે આવી સંસ્થાઓમાં કામ કરનારા સંત હોય એવી અપેક્ષા ન રાખવી જોઈએ.
કોઈ સામાન્ય જણ આવી દલીલ કરે તો તેને સમજનો કે સંવેદનશીલતાનો અભાવ કહીએ, પણ આંતરરાષ્ટ્રીય ફંડિગ એજન્સીમાંથી તગડા પગાર લેતા ને દુનિયાભરનું ડહાપણ ડહોળતા લોકો આવી દલીલ કરે ત્યારે તેમાંથી વિકૃતિની અને છલોછલ અહંકારની બૂ આવે છે. માનવ અધિકારનું કામ કરનાર માણસ સંત ન હોય, તો કમ સે કમ, શોષણખોર કે શોષણખોરીને ઉત્તેજન આપનાર પણ ન જ હોઈ શકે.
Wednesday, December 06, 2017
સામાજીક એકતાનું ગુજરાત મોડેલ
સામાજિક ભેદભાવ કે સામાજિક વિષમતાનો મામલો રાજનેતાઓના હાથમાં આવે એટલે તે ધ્યાન રાખે છે કે ભેદભાવ દૂર ન થઈ જાય. નહીંતર, તેમની દુકાનો શી રીતે ચાલતી રહે? અને પોતાની સત્તા સામે જરાસરખી અસલામતી લાગે કે તરત નેતાઓ સમાજની ફોલ્ટલાઇન્સ (ફાટફૂટો)ને વકરાવવાના કે રુઝાઈ ગયેલા ઘાને ફરી ખોલવાના કારસા શરૂ કરી દે છે. વિચિત્રતા એ છે કે આ બધું તે સમાજનું હિત કરવાના દાવા-દેખાડા સાથે કરે છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન બીજી આરોપબાજીના ઘોંઘાટ વચ્ચે એક નાનકડા સમાચાર આવ્યાઃ વડાપ્રધાને પાલીતાણામાં તેમના ભાષણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની ત્રણ દાયકા પહેલાંની દુશ્મનાવટની યાદ અપાવી અને સભામાં હાજર રહેલા પાટીદારોને પૂછ્યું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીર્વાદ આપવા છે?
વડાપ્રધાને જેનો ઉલ્લેખ કર્યો તે 1984નો માનગઢ હત્યાકાંડ પટેલો અને દરબારો વચ્ચેની ચાર વર્ષ જૂની શત્રુવટનું પરિણામ હતો. પરંતુ સમય જતાં બંને સમાજ લોહીયાળ દુશ્મનીનો રસ્તો છોડીને એકબીજા સાથે સંપથી રહેતા થયા. માનગઢ હત્યાકાંડના ઘા સંપૂર્ણપણે રુઝાઈ ગયા અને તેની કડવાશ પણ સાવ મટી ગઈ.
આ થઈ સાચી સામાજિક સમરસતા. પરંતુ ‘વિકાસવાદ’ની વાતો કરતા વડાપ્રધાને આવીને ફરી રૂઝાઈ ગયેલી જગ્યાએ ટપલી મારી જોઈ. મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં રાજકીય ‘સમરસતા’ને ચલણી બનાવનારે પટેલો-દરબારો વચ્ચેના નમૂનેદાર સંપને બિરદાવીને, દેશના લોકોને આ ‘ગુજરાત મોડેલ’ બતાવવાનું હોય કે તેમાં ભંગ પાડવાની કોશિશ કરવાની હોય?
બંને સમાજની સમજણ પાકી અને તેમની વચ્ચેની એકતા સાચી હતી. એટલે તેમણે આ ચેષ્ટા સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે, ભાવનગર પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખે પણ આ પગલાની આકરી ટીકા કરી અને વડાપ્રધાન પર ધાર્મિક-સામાજિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાનો આરોપ મૂકીને, કાયદેસર કાર્યવાહીની માગણી કરી. (2-12-2017)
આ બનાવને ચૂંટણીલક્ષી છમકલું ગણીને ભૂલી જવા જેવો નથી. વડાપ્રધાનના આશય કરતાં વધારે અગત્યનો મુદ્દો બે સમાજ વચ્ચેની એકતાનો છે. સમાજના ખટરાગ ધરાવતા સમુદાયો વચ્ચે પરસ્પર અવિશ્વાસ દૂર થાય તો જ સમજપૂર્વકની એકતા થાય. આવી એકતામાં કોઈએ એકબીજામાં ઓગળી જવાપણું ન હોય, પણ રોજબરોજના જીવને-સહઅસ્તિત્વને ઘર્ષણમુક્ત અને તનાવમુક્ત બનાવવાનું હોય. હિંદુ-મુસ્લિમો વચ્ચે, ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે કે એવા બીજા કોઈ પણ સમુદાયો વચ્ચે કાયમી તનાવ રહે તો તેમાં સૌથી વધુ ફાયદો રાજનેતાઓને અને ધર્મનેતાઓને થઈ શકે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે જે કંઇ પ્રયાસ કર્યા, તેે બંનેમાંથી એકેય પક્ષના કોઈ પણ ધર્મનેતા કરી શક્યા હોત? (કરવા ધાર્યું હોત કે નહીં એ વળી બીજો મુદ્દો છે)
માનવ ઇતિહાસની ભયંકર ઘટનાઓમાં સ્થાન પામે એવા ભાગલાનાં હુલ્લડો વખતે અવિશ્વાસનો દાવાનળ ભભૂકતો હતો. ગાંધીજી પોતાના વ્યક્તિગત નૈતિક પ્રભાવના અમૃતજળની કૂપી લઈને તેને ઠારવા મથતા હતા અને કમાલની વાત એ છે કે ઘણાં ઠેકાણે તે સફળ પણ થયા. તેમનું મુખ્ય કામ અવિશ્વાસ દૂર કરવાનું હતું. કારણ કે અસલામતીના રાજકારણનો પાયો અવિશ્વાસ છે. ગાંધીજીની જન્મશતાબ્દિના વર્ષે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી શરૂ કરીને છેક 2002 સુધી હિંદુ-મુસ્લિમો વચ્ચેનો આવો અવિશ્વાસ અમુક શહેરોના અમુક વિસ્તાર પૂરતો સીમીત રહ્યો. બાકીના મોટા ભાગના ભારતમાં હિંદુ-મુસ્લિમોનું સહઅસ્તિત્ત્વ સહજતાથી ચાલુ રહ્યું. તેમની વચ્ચે ઝઘડા તો થાય, પણ તે ‘કોમી’ ન હોય. એકબીજા સાથે સુમેળથી રહેવાને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એવી પણ તેમને ખબર ન હોય. સામે પક્ષે હિંદુહિતના નામે મુસ્લિમવિરોધી પ્રચારમારો, અવિશ્વાસ વધારવાની કોશિશો ધીમી ધારે સતત ચાલુ રહ્યાં હતાં. તેના લીધે ગાંધીહત્યા પછી આવી રહેલી રુઝનો પોપડો બાઝ્યો- ન બાઝ્યો ને તૂટી ગયો.
એ વખતે કોંગ્રેસે મુસ્લિમોનું ખરેખરું હિત ઇચ્છ્યું હોત તો મુસ્લિમ સમાજમાં રહેલા ભણેલાગણેલા, પ્રગતિશીલ, સમજુ લોકોને સમાજના નેતા તરીકે આગળ કર્યા હોત, પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં ભારતને પોતાનો દેશ ગણીને અહીં રહી ગયેલા મુસ્લિમોનો બાકીના સમુદાયો સાથે સંવાદ-સુમેળ વધે અને અવિશ્વાસની ખાઈ ધીમે ધીમે પુરાય એવા પ્રયાસ કર્યા હોત, મુસ્લિમોમાં રહેલા ગુનેગારોને ‘મુસ્લિમ’ ગણીને વોટબેન્કના રાજકારણમાં તેમનો ઉપયોગ કરવાની લાલચ છોડીને, ફક્ત ‘ગુનેગાર’ તરીકે તેમની સાથે કામ લીધું હોત... તો તેનાથી બે ફાયદા થયા હોતઃ મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્તોનું વજન ઘટ્યું હોત, ધાર્મિક સિવાયના ભણતરનું પ્રમાણ પણ વધ્યું હોત અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અતર સતત સંવાદના અભાવે ઘટ્યું હોત. આવું થયું હોત તો હિંદુ-મુસ્લિમોના હિતના નામે તેમની વચ્ચે સતત અવિશ્વાસનું રાજકારણ ખેલનારા બંને પક્ષના અંતિમવાદીઓના હાથ હેઠા પડ્યા હોત.
જે વેરઝેરનું સામાજિક મૂલ્ય નથી રહેતું કે તેનો સામાજિક-વૈચારિક મહિમા નથી થતો, એ સમાજમાં ટકી શકતું નથી. એવા વેરઝેરનું વિષ ચલણમાંથી કાઢી નાખવાનું કામ રાજનેતાઓ કરવા ઇચ્છતા નથી અને કરી શકતા પણ નથી. હા, રાજનેતાઓ તેને વકરાવી શકે છે અને એ ખૂણેખાંચરે પડ્યું હોય તો તેને મુખ્ય મંચ પર લાવી શકે ખરા. લોકો પોતાને ઉદ્ધારક કે સંરક્ષક ગણે તે માટે પણ લોકોના મનમાં અસલામતી અને દહેશત ઉભી કરવી જરૂરી છે. બીક હોય તો જ ઉદ્ધારકની ગરજ પડે. આ સત્ય નાગરિકો સમજતા નથી અને નેતાઓ બરાબર સમજે છે. એટલે નાગરિકોના મનમાં રહેલા અવિશ્વાસ-આશંકા-પૂર્વગ્રહોને સતત મોટા કરવામાં આવે છે અને દાવો એવો કરવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે થઈ રહ્યું છે.
નેતાઓ આપણા રોજિંદા-કાયમી સંબંધોને અભડાવી ન જાય, એ સામાજિક તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે અને તે આપણા હાથમાં હોય છે. ‘ભાવનગર મોડેલ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
Thursday, August 24, 2017
વિભાજન, સ્ત્રીઓ પર અત્યાચાર અને 'લવ જેહાદ’
'મૂળસોતાં ઊખડેલાં’માં ભાગલા જેવા વિશિષ્ટ સમયખંડમાં, મુખ્યત્વે પંજાબના હિંદુ-શીખ અને મુસ્લિમો ભાન ભૂલીને ભયંકર હિંસા પર ઉતરી આવ્યા હતા, ત્યારની ઘટનાઓ આલેખાઈ છે. એવા અંતિમવાદી અને અકલ્પ્ય માહોલમાં પણ ભાગ પાડવા જ હોય તો 'હિંદુ અને મુસલમાન' કે 'શીખ અને મુસલમાન' એવા નહીં, પણ 'પુરુષ અને સ્ત્રી'--એવા જ પાડી શકાય એમ હતા. દરેકે દરેક કિસ્સો એક અલગ કથા હતો, જેને સમજવા માટે બીજા બનાવની ફુટપટ્ટી ઉપયોગમાં લઈ શકાતી ન હતી. એટલે કે, સ્ત્રીઓ પર અત્યાચારના બધા બનાવોનું સામાન્યીકરણ કરી શકાતું ન હતું. તેનાથી અનેક ગણા સામાન્ય એવા અત્યારના માહોલમાં જ્યારે પણ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના સંબંધ કે લગ્નની વાત આવે ત્યારે ઝાઝી પડપૂછ કર્યા વિના, સીધું 'લવ જેહાદ'નું બૂમરાણ ચાલુ થઈ જાય છે. તેની માટે, યુવતીના ભવિષ્યની ચિંતાની કરતાં પણ વધારે બે બાબતો કારણભૂત હોય છેઃ છોકરીને સંપત્તિ અને છોકરીના લગ્નને કુટુંબની આબરૂનો સવાલ ગણવાની માનસિકતા તથા કોમવાદી લાગણીના જોરે ફૂલતુંફાલતું રાજકારણ.
તેની સરખામણીમાં કમળાબહેને, જરાય લાગણીજડ થયા વિના છતાં પૂરા સમભાવથી, એ સમયે તેમની સમક્ષ આવેલા અવનવા કિસ્સા મૂક્યા છે. એક પ્રસંગમાં દિલ્હીના પિતા તેમની યુવાન પુત્રીની શોધમાં લાહોર આવ્યા હતા. તેમની પાસે માહિતી હતી કે લાહોરના એક જાણીતા ઘરમાં તેમની દીકરી હતી. પોલીસની મદદ લઈને છોકરીને પાછી લાવવા જતાં જરા પણ ગંધ આવી જાય તો એ છોકરીને એવી રીતે સંતાડી દેવામાં આવે કે પછી તેનો પત્તો જ ન લાગે. પણ છોકરીના પિતાના એક મિત્ર સ્થાનિક પોલીસ અફસર હતા. તેમની મદદને કારણે, સાંજ સુધીમાં પાકિસ્તાનની પોલીસ એ છોકરીને લઈ આવી અને કમળાબહેન પટેલની છાવણી પર મૂકી ગઈ. સામાન્ય રીતે પાકિસ્તાની પોલીસનું વલણ સહકારભર્યું રહેતું નહીં. હકીકતમાં બન્ને પક્ષો સામેના લોકોનો વાંક કાઢીને પોતાની આડોડાઈ વાજબી ઠરાવતા અને 'જાઓ, પહેલે ઉનકા સાઈન લેકર આવો’ જેવી માનસિકતામાં રાચતા.
પણ આ કિસ્સામાં પોલીસ છોકરીને મુકી ગઈ. કમળાબહેને છોકરીને શાંત પાડ્યા પછી તેની વાત જાણી. તે લાહોર કૉલેજમાં ભણતી હતી ત્યારે મુસ્લિમ જમીનદારના દીકરાના પ્રેમમાં પડી. બન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો, પણ એ દિશામાં કંઈ થાય તે પહેલાં હુલ્લડો થયાં. એટલે છોકરીને લાહોર છોડીને પરિવાર સાથે દિલ્હી જવું પડ્યું. પણ છૂટા પડ્યા પછી બન્નેને ચેન પડતું ન હતું. એટલે પત્રથી નક્કી કરીને તેમણે લગ્નનો ફેંસલો કર્યો. નક્કી થયેલા દિવસે છોકરો વિમાનમાં દિલ્હી આવ્યો અને લગ્ન કરીને છોકરીને લાહોર લઈ ગયો.
એ છોકરીના પિતા અને પુત્ર છોકરીને પાછી મેળવવા માટે લાહોર આવ્યા અને તેમની રજૂઆત પછી લાહોર પોલીસ સાંજે છોકરીને છાવણીમાં મુકી ગઈ. ત્યાર પછી છોકરાના પક્ષે એવી રજૂઆત કરી કે છોકરી સ્વેચ્છાએ પરણીને આવી છે. પણ તે પહેલાં છોકરીની સોંપણી તેના પિતા અને ભાઈનેે થઈ ચૂકી હતી. એ બનાવને કારણે કમળાબહેનને થોડું સાંભળવાનું પણ આવ્યું. પરંતુ ચારેક દિવસ પછી છોકરીનો જ તેમની પર ફોન આવ્યો. તેણે કહ્યું,’દિલ્હીમેં રહા ન ગયા. માતાપિતાકો ધોખા દેકર વાપસ આ ગઈ હું. અબ મરને તક યહાં રહુંગી.’
એવી બીજી એક પ્રેમકહાનીમાં મુસ્લિમ યુવતી અને તેના હિંદુ પ્રેમીને કારણે ઘણી ખેંચતાણ ચાલી. મુસ્લિમ યુવતીને ભારતમાંથી પાકિસ્તાન મોકલી આપવામાં આવી હતી, પણ હિંદુ પ્રેમી એ નિર્ણય સ્વીકારી લેવા તૈયાર ન હતો. લાંબી કડાકૂટ પછી છોકરાની જીદ સામે નમતું જોખીને કમળાબહેનની સાથે મૃદુલાબહેન પણ છોકરીના ઘરે ગયાં. પરંતુ તેમની હાજરીમાં છોકરીએ બીજો જ સૂર કાઢ્યો. તેણે મૃદુલાબહેન પર આળ નાખતાં કહ્યું,’અમ્મા, વહ બાલકટી ઔર હૈ વહ મુઝે યહાં આને પર રોક રહી થી...’ અને તેના પ્રેમીના તો ટુકડા કરીને કુતરાને ખવડાવી દેવાની વાત કરી. આ વાત તેના પ્રેમીને કહેવામાં આવી, પણ તે સ્વીકારી શક્યો નહીં અને 'દેવદાસ' બની ગયો.
સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું કામ પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી લોકોને ગમતું, પણ પોતાની નીચે રેલો આવે ત્યારે તે કરગરીને, કકળાટ મચાવીને કે ખિજાઈને પોતાનો કક્કો ખરો કરાવવાની કોશિશ કરતા. કેટલાક લોકો તો બેશરમ બનીને એવી માગણી કરતા કે 'તમારી પાસે બહુ સ્ત્રીઓ આવે છે. અમને તેમાંથી એકાદ સ્ત્રી તો આપો.’ સામે પક્ષે એવા પણ કિસ્સા હતા, જેમાં અપહૃત સ્ત્રી કમળાબહેન કે તેમના સાથીદારો સાથે પાછા ફરવા ઇન્કાર કરતી. તેમાં બીકનું કે ધાકધમકીનું તત્ત્વ તો સમજી શકાય, પણ કેટલીક સ્ત્રીઓ નવી જગ્યાએ ગોઠવાઈ ગઈ છું. હવે ફરી પાછું ક્યાં અનિશ્ચિતતામાં કૂદવું? આ માણસ મને સારું રાખે છે અને પાછી આવ્યા પછી મારા કુટુંબનું ઠેકાણું નહીં પડે- તેમાંથી કોઈ મને નહીં મળે અને મળ્યા પછી નહીં સ્વીકારે તો હું શું કરીશ?’ એવું કારણ પણ આપતી.
પુસ્તકમાં આપેલા આંકડા પ્રમાણે, પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં સ્ત્રી-બાળકોની સંખ્યા 9,032 હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં અને પાકિસ્તાનને સોંપાયેલાં મુસ્લિમ સ્ત્રી-બાળકોની સંખ્યા 20,728 હતી. આ આંકડો 1947થી 1955 સુધીનો હતો. ત્યાર પછી આ કામગીરી બંધ થઈ. એ દરમિયાન અમાનવીય વર્તણૂંકના કંપાવનારા કિસ્સાની વચ્ચે વચ્ચે માણસજાત પરનો ભરોસો સાવ ઉઠી ન જાય અને ટકી રહે એવા પણ કિસ્સા નોંધાયા છે. તે આ પુસ્તકને જુદી ઊંચાઈ આપે છે.
નોંધઃ મુંબઈનાં સંધ્યાબહેન મહેતાએ ધ્યાન દોર્યું કે મૂળસોતાં ઉખડેલાંનો અંગ્રેજી અનુવાદ ઉમા રાંદેરિયા/ Uma Randeriyaએ Torn From Roots કર્યો છે. એમેઝોન-ફ્લિપકાર્ટ પર તે ઉપલબ્ધ નથી. પણ આ લિન્ક પર તે બતાવે છે.
https://www.swb.co.in/store/book/torn-roots
Sunday, August 20, 2017
ભાગલાની દાનવતા વચ્ચે માનવતાની મહાગાથાઃ મૂળસોતાં ઊખડેલાં
ભાગલા વખતની કંપાવનારી કથાઓની વાત થાય ત્યારે યોગ્ય રીતે જ સઅાદત હસન મંટોની વાર્તાઓનો ઉલ્લેખ થાય છે, પરંતુ મંટોની વિભાજનકથાઓના પ્રેમીઓમાંથી કેટલા ગુજરાતી વાચકોએ કમળાબહેન પટેલનું નામ સાંભળ્યું હશે? અલબત્ત, તેમાં નામ ન સાંભળનારાનો કશો વાંક નથી. એટલું જ કે તે કમળાબહેનના ઉત્તમ પુસ્તકથી વંચિત રહી ગયા તેનો એક ગુજરાતી વાચક તરીકે અફસોસ થાય છે. અહીં કમળાબહેન અને મંટો વચ્ચે લખાણના વિષય સિવાય બીજી કોઈ બાબતે સરખામણી કરવાનો ઇરાદો નથી. છતાં, માનવમનના અંધારા ઓરડા ખોલી આપતી અને સમભાવના અજવાળે તેનો પરિચય કરાવતી મંટોની કલમની માફક, કમળાબહેનનું લખાણ હચમચાવી મૂકે એવું છે--શૈલીની કે સાહિત્યિકતાની રીતે નહીં, પણ તેની સામગ્રી અને કમળાબહેનના પોતાના અનુભવોને લીધે.
ભાગલા વખતે હિંદુ-શીખો અને મુસ્લિમોમાંથી કોણે હિંસાની શરૂઆત કરી ને કોણે વધુ હિંસા કરી એવા હિસાબો કાઢવાનું વ્યર્થ છે. હકીકત એ હતી કે બન્ને પક્ષે ભાન ભૂલીને હિંસા આચરી અને તેનો સૌથી વધારે પ્રમાણમાં ભોગ બની સ્ત્રીઓ. પુરુષપ્રધાન વિચારસરણીમાં સ્ત્રીને સંપત્તિ ગણવામાં આવતી હોવાથી, પુરુષોને પાઠ ભણાવવા માટે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભાગલા વખતે તેમાં એક ઓર સ્તર ઉમેરાયું. બીજા ધર્મની સેંકડો સ્ત્રીઓને બળજબરીથી ઉપાડી જવાઈ. બાળકોનાં પણ અપહરણ થયાં. ચોતરફ અંધાધૂંધી મચી હોય અને સૌ પોતાનું સંભાળવામાં પડ્યાં હોય, ત્યારે અપહૃત સ્ત્રી-બાળકોની સમસ્યા કોણ હાથમાં લે? અને એ પણ દુશ્માનવટથી છૂટા પડેલા દેશ સાથે?
એ મહાકાર્ય મૃદુલા સારાભાઈએ ઉપાડ્યું. અંબાલાલ સારાભાઈનાં પુત્રી અને ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા ગાંધીવાદી કાર્યકર્તા અને પંડિત જવાહરલાલ નહેરુના અત્યંત નિકટના વર્તુળમાં ગણાતાં. તેમની નિસબત અને પહેલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અપહૃત સ્ત્રી-બાળકો પાછા મેળવવા બાબતે સત્તાવાર કરાર થયા.
![]() |
| ગાંધીજી સાથે મૃદુલા સારાભાઈ/ Mridula Sarabhai with Gandhiji |
આ કામગીરીમાં મૃદુલાબહેનને કેટલીક પ્રતિબદ્ધ બહેનોનો સાથ મળ્યો. તેમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને મૂળ સોજીત્રાનાં કમળાબહેન પટેલ. તેમણે મુખ્યત્વે પાકિસ્તાનમાં, એકંદરે અસહકારી અને વિરોધી વલણ ધરાવતી સરકારની સાથે પનારો પાડીને, સ્ત્રીબાળકોની પુનઃપ્રાપ્તિનું જે કામ કર્યું, તેના અનુભવો તેમણે 'મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ આલેખ્યા. ગુજરાતી વાચકોના કમભાગ્યે ઝવેરચંદ મેઘાણી આઝાદી પહેલાં અવસાન પામ્યા હતા. બાકી, તેમની કમળાબહેન સાથે મુલાકાત થઈ હોત અને કમળાબહેનના 'મૂળસોતાં ઊખડેલાં’ સહિતના અનુભવો મેઘાણી જેવા પ્રચંડ સર્જકને મળ્યા હોત તો આપણને 'માણસાઈના દીવા’ની કક્ષાનું, છતાં સાવ જુદા જ વિષયનું ગુજરાતી પુસ્તક મળ્યું હોત.
એ ભલે શક્ય ન બન્યું, પણ તેનાથી 'મૂળસોતાં ઊખડેલાં’નું મૂલ્ય જરાય ઓછું થતું નથી. તેમાં આલેખાયેલા સ્ત્રીઓ-બાળકોના પુનઃપ્રાપ્તિકાર્યમાં સ્ત્રીઓની ભૂમિકા મુખ્ય હતી, તે નોંધપાત્ર છે અને ગાંધીયુગમાં જાહેર જીવનમાં સ્ત્રીઓની સામેલગીરી સૂચવે છે. પાકિસ્તાનમાં સ્થિતિ અલગ હતી. કમળાબહેને લખ્યું હતું,'પાકિસ્તાન જોઈતા પ્રમાણમાં સ્ત્રી કાર્યકર્તાઓ મેળવવામાં સફળ રહ્યું નહીં. કોઈ પણ ક્ષેત્રે તેમ જ વહીવટી કામ કરી શકે એવી સ્ત્રી કાર્યકર્તાઓ પાકિસ્તાનમાં તે સમયે આંગળીને વેઢે ગણી શકાય એટલી જ હતી. પાક સ્ત્રી કાર્યકર્તાઓની જવાબદારીઓ નિભાવવાનો ભાર ઘણી વખત અમારા તંત્ર પર આવી પડતો. દેશ, ધર્મ, કોમ ઇત્યાદિના ભેદથી ઉપર જઈ અમારા તંત્રની બહેનોએ આ જવાબદારીઓ સફળતાથી પાર પાડી...’
પારકી (પાકિસ્તાનની) ભૂમિ પર, અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી લાવવાની કામગીરી કેવી હતી, તેનાં વિગતવાર ઉદાહરણની વાત કરતાં પહેલાં, તેનો સાધારણ, ઉપરછલ્લો અંદાજ કમળાબહેનના શબ્દોમાં, ‘ઘર, કુટુંબથી દૂર છાવણીજીવનની કઠણાઈઓ વેઠતાં, પોલીસટુકડી સાથે સમય-કસમયે દૂરદૂરનાં ગામોમાં પુનઃપ્રાપ્તિ માટે જવાનું અને મોટે ભાગે 3-4 કિલોમીટર જેટલું અંતર પગે કાપવાનું. (વાહન ગામ સુધી ન લઈ જવાનો ઉદ્દેશ પોલીસ આવવાની ગંધ લાગતાવળગતાઓને જાય એટલે અપહૃત સ્ત્રીઓને આઘીપાછી કરાતી તે ટાળવાનો હતો.) અપહરણકર્તાને ત્યાં જઈ પોલીસ દમદાટી કરે પણ કાર્યકર્તા બહેનો તો ત્યાં હાજર સર્વની સાથે ભારોભાર સભ્યતા દાખવતી. સૌથી કઠિનતમ કાર્ય તો છળી ગયેલી અપહૃતાના સાંત્વન આપી, સમજાવી, મનાવી પોતાની સાથે આવવા તૈયાર કરવાનું રહેતું. અપહરણકર્તા અને તેમના મિત્રો તરફથી વખતોવખત જાન લેવાની ખુલ્લી ધમકીઓ કાર્યકર્તા બહેનોને મળતી. હર પળે તેમને જાનના જોખમના ભય નીચે જીવવાનું રહેતું.’
અને જેમનું અપહરણ થયું હોય એ સ્ત્રીઓની પીડાની શી વાત કરવી? ‘પોતાનાં સ્વજનો, પતિ, પિતા, ભાઈ વગેરેના હત્યારા સાથે ભયભર્યું જીવન એમણે ગુજારવાનું હતું. એટલું જ નહીં, પણ અપહરણકર્તા અને તેનાં કુટુંબીજનોનો ખુલ્લો તિરસ્કાર (વિધર્મી હોવાનો) નતમસ્તકે સહન કરી એ સૌની સેવામાં ખડે પગે રહેવું પડતું. એનું પોતાનું કહી શકાય એવું ત્યાં કોઈ જ ન હતું કે જેની પાસે તે પોતાનું દુઃખ ઠાલવી મન હલકું કરે. ધા નાખવા માટે કાયદો, કચેરી કે સરકાર એને માટે ન હતાં. કારાવાસમાંથી છૂટવાની આશાનું ઝાંખું કિરણ પણ તેની ક્ષિતિજમાં નજરે ન પડતું. પુનઃપ્રાપ્તિની યોજના શરૂ થઈ છે તે સાંભળીને આ કમભાગીઓને લાગેલું કે આ વળી તેમને ઓલામાંથી ચૂલામાં નાખવાને કોઈ તરકટ ઊભું કરવામાં આવ્યું હતું.’
અવિશ્વાસ ફક્ત પુનઃપ્રાપ્તિ યોજના માટે જ નહીં, પોતાનાં અસલી કુટુંબીજનો વિશે પણ રહેતો. સ્ત્રીઓને મોટી ચિંતા એ રહેતી કે એક વાર 'વિધર્મી પાસે ભ્રષ્ટ થયા પછી’ કુટુંબીજનો જ સ્વીકાર નહીં કરે તો પોતાનું શું થશે? તેના કારણે ઘણી સ્ત્રીઓ માંડ ગોઠવાયેલી નવી પરિસ્થિતિ છોડીને, પોતાનાં કુટુંબીજનો પાસે પાછા જવાનો ઇન્કાર કરતી હતી. ઘણી સ્ત્રીઓને રસ્તામાં બીજા કોઈના હાથે પડીને (પહેલી વાર કે કેટલાક સંજોગોમાં, વધુ એક વાર) વેચાઈ જવાનો પણ ડર લાગતો. ભારત પાછા ફર્યા પછી પોતાના કુટુંબ સાથે મેળમિલાપ થશે કે નહીં તેની અનિશ્ચિતતા રહેતી. ઘણી વાર કુટુંબના સભ્યો માટે વિવિધ છાવણીઓમાં તપાસ ચલાવવી પડતી.
આટલા ભયંકર સંજોગોની વચ્ચે અને પુરુષપ્રધાન માનસિકતાની શયતાની અભિવ્યક્તિ વચ્ચે માનવમનની ઋજુ અને અટપટી લાગણીઓ કેવી રીતે માર્ગ કાઢતી હતી, તેનાં થોડાં ઉદાહરણ બીજા ભાગમાં.
Monday, June 19, 2017
ગૌરક્ષા, ધર્મ અને સાવરકર
વફાદારી, દેશભક્તિ અને ગદ્દારી જેવા ખ્યાલ ત્યારે દેશને નહીં, દરેક રજવાડાંને લાગુ પડતા હતા. આજે જેને ભારત કહીએ છીએ તેની પર અંગ્રેજોની ગુલામી કોણે દૃઢ કરી? એ સવાલ વિશે વિચારતાં જણાશે કે ત્યારે હિંદુ-મુસલમાનો 'ભાઇ-ભાઈ’ ન હતા, તો એકબીજા સામે પહેલી તકે લડવા આતુર પણ ન હતા. ધર્મોના જુદાપણા છતાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વનો પાઠ તે સદીઓ થયે શીખ્યા હતા હતા ને તેમાં ખાસ્સા આગળ પણ વધ્યા હતા. અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ ઉપરાંત 'માર્શલ રેસ' (લડાયક જાતિઓ) ગણાતા રજપૂત-શીખ-ગુરખા-મરાઠા વગેરેના રાજાઓને પણ તાબે કર્યા. ત્યાર પછી, ગાયને પવિત્ર ગણતા હિંદુ સૈનિકોએ અંગ્રેજોનાં કેન્ટોન્ટમેન્ટમાં છૂટથી રંધાતા ગોમાંસ સામે વાંધો ઉઠાવ્યો હોય, એવું જાણવામાં આવ્યું નથી.
ગુલામીમાં આવા વાંધા પડાય પણ શી રીતે? અને 'ગોમાંસભક્ષક' અંગ્રેજોને ખાનગીમાં અપવિત્ર-ભ્રષ્ટ ગણી નાખીએ એટલે મનના કચવાટનો મોક્ષ થઈ જાય. ગોરક્ષાના પ્રખર હિમાયતી ગાંધીજીએ મુસ્લિમોનેે ગોહત્યા માટે મુખ્ય જવાબદાર ગણીને તેમને પ્રેમથી જીતવાની વાત કરી હતી, પણ અંગ્રેજોએ ગોહત્યા ન કરવી જોઇએ અને તેમને ગોહત્યાના મામલે પ્રેમથી રોકવા જોઇએ, એવું ગાંધીજીએ કે ગૌહત્યાના મુદ્દે તીવ્ર વાંધો અનુભવતા કોઈ નેતાએ કહ્યું હોય, તો જાણવામાં આવ્યું નથી.
આવું કેમ? ગાય માત્રને બચાવવાની હોય તો, તેમાં અંગ્રેજો અને મુસ્લિમોનો ભેદ શા માટે? તેની વાત કરતાં પહેલાં, હિંદુ્ત્વના રાજકારણના એક જનક, પૂર્વાશ્રમના સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરના ગોરક્ષા વિશેના વિચાર જાણવા જેવા છે. ગાંધીહત્યાના કાવતરાના એક આરોપી (અને તેમાંથી નિર્દોષ છૂટેલા) સાવરકરે ગોરક્ષા અને ગોહત્યાની બાબતમાં વાસ્તવને નજર સામે રાખીને તેમના વિચાર મૂક્યા હતા. તેમણે ગાયને ઉપયોગી પ્રાણી ગણીને તેને કુટુંબના સભ્ય જેવો દરજ્જો આપવાની વાત કરી. તેમણે કહ્યું કે ગાયનું રક્ષણ અને તેની જાળવણીને આપણી વ્યક્તિગત તેમ જ કૌટુંબિક ફરજ, તથા હિંદુસ્તાનના મામલે તો રાષ્ટ્રીય ફરજ છે. સાવરકરે આ લાગણીને ફક્ત ગાય માટે જ નહીં, બધાં પ્રાણીઓ માટે લાગુ પાડી અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાને તેમણે હિંદુ ધર્મના કરુણાના ભાવ સાથે સુસંગત ગણાવી હતી.
સાથોસાથ તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે 'ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ અને વડ-પીપળા જેવા વૃક્ષો માણસને ઉપયોગી હોવાથી આપણે તેમને એ હદે ચાહીએ છીએ કે તેમને પૂજનીય ગણીએ છીએ, તેમના રક્ષણ, સંવર્ધન અને સુખાકારીને આપણી ફરજ ગણીએ છીએ અને ફક્ત એ અર્થમાં જ તે આપણો ધર્મ છે. તેથી એ સ્પષ્ટ ન હોવું જોઇએ કે ચોક્કસ સંજોગોમાં તે માણસ માટે મુસીબતરૂપ બને ત્યારે તે રક્ષણને પાત્ર મટી જાય છે અને માણસના કે રાષ્ટ્રના હિતમાં તેમનો નાશ કરવો એ પણ માણસનો કે રાષ્ટ્રનો ધર્મ બને છે?’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.678. savarkar.org)
ગૌરક્ષાના નામે શાંતિ જોખમાવતા અને ઉત્પાત મચાવતા લોકો માટે સાવરકરે હજુ વધારે સ્પષ્ટતાથી કહ્યું હતું,’જ્યારે માણસનું હિત સધાતું ન હોય અને હકીકતમાં તેને નુકસાન થઈ રહ્યું હોય અથવ માનવતા માટે શરમજનક સ્થિતિ પેદા થતી હોય, ત્યારે પોતાના પગ પર કુહાડો મારનારી (સેલ્ફ ડીફીટિંગ) અંતિમવાદી ગોરક્ષા છોડી દેવી જોઇએ.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-3, પૃ.341. savarkar.org) તેમણે એટલી હદે કહ્યું હતું કે 'કોઈ પણ ચીજ માણસને ગુણકારી હોય ત્યાં લગી તેને ખાઈ શકાય. તેમાં ધાર્મિક ગુણોનું આરોપણ કરવાથી તેને ભગવાનનો દરજ્જો મળી જાય છે. આવી અંંધશ્રદ્ધાળુ માનસિકતા રાષ્ટ્રની બૌદ્ધિકતાને નષ્ટ કરે છે.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.559. savarkar.org)
સાવરકરે બિનહિંદુઓ દ્વારા થતી ગોહત્યાને અનિષ્ટ ગણાવી હતી. પરંતુ તેમણે ઘણી જગ્યાએ ફક્ત ગાયને બદલે ગાય-ભેંસ જેવાં ઉપયોગી પ્રાણીઓની એકસાથે વાત કરી હતી. તેમનું એ વલણ બુદ્ધિગમ્ય હતું. કદાચ એટલે જ અત્યારે સાવરકરના આ પ્રકારના વિચારો અભરાઈ પર ચડાવી દેવાયા છે. રાજકારણીઓ માટે ગાય એ હિંદુ-મુસ્લિમ દ્વેષના રાજકારણનો સદી જૂનો સગવડીયો મુદ્દો છે. તેના નામે લોકોને સો વર્ષ પહેલાં પણ ઉશ્કેરી શકાતા હતા અને હજુ પણ, ગોરક્ષાના નામે લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ છંછેડીને તેમની લાગણી (અને સરવાળે મત) જીતવાના સફળ પ્રયાસ થયા કરે છે.
એક કાર્ટૂનિસ્ટે આબાદ દર્શાવ્યું હતું તેમ, વર્તમાન એનડીએ સરકારે શરૂઆત કરી ત્યારે તેનો લોગો (પ્રતિકચિન્હ) 'મેક ઇન ઇન્ડિયા'નો વાઘ હતો, પણ ત્રણ વર્ષમાં એ વાઘ ક્રમે ક્રમે ગાયમાં ફેરવાઈ ગયો છે. ગોરક્ષાના નામે આકરા કાયદા, ગોહત્યારાઓને ફાંસીએ ચઢાવવાની માગણી, મહાન ગોરક્ષક તરીકે રજૂ થવાના ધમપછાડા, ગોરક્ષાના નામે માણસોની હત્યા કે બેફામ ગુંડાગીરી પ્રત્યે આંખ આડા કાન.. અને આ બધું 1890માં નહીં, 2017માં ચાલી રહ્યું છે-- અને ટકી રહેવા માટે. બીજાના ટેકા પર નિર્ભર, નબળી મોરચા સરકાર દ્વારા નહીં, પણ બહુમતી ધરાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા એ ખેલ ખેલાઈ રહ્યા છે.
એનડીએની સૌથી મોટી તાકાત હોય તો એ કોંગ્રેસ જેવો વિરોધ પક્ષ છે. કેરળમાં કોંગ્રેસી કાર્યકર દ્વારા થયેલો ગૌહત્યાનો વિવાદ જાણે ભાજપના લાભાર્થે કરાયો હોય એવો હતો. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષને એ કૃત્ય સાથે કશો સંબંધ નથી, એવો ખુલાસો કરીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરી. પરંતુ ગોહત્યા હોય કે આક્રમક હિંદુત્વને લગતા બીજા વિવાદાસ્પદ મુદ્દા, કોંગ્રેસ એ મુદ્દે સ્પષ્ટ વલણને બદલે અંધારામાં રસ્તો શોધવા ફાંફાં મારતી હોય એવી જ લાગે છે. બીજી તરફ, ગુજરાત ભાજપે ગાયના નામે ચરી ખાવાના પ્રયાસોના ભાગરૂપે ગાય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં બૅનર લગાડ્યાં. હેતુ એટલો જ કે લોકો શિક્ષણ-આરોગ્ય-રોજગારી જેવા સળગતા અને લોકોને સીધા સ્પર્શતા મુદ્દા ભૂલીને ગાયના પૂંછડે ઝૂલવા લાગે. એક બાજુ શક્ય એટલા કોંગ્રેસીઓને ભાજપમાં ખેંચવા પ્રયત્નશીલ અને બીજા બાજુ કોંગ્રેસને ગાયના હત્યારા પક્ષ તરીકે રજૂ કરવાના કારસા--આવી ઉઘાડી બેશરમી પછી પણ તેમની શ્રદ્ધા એટલી જ છે કે ગાય દ્વારા ઘણા લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકાશે. આપણી મૂર્ખામી વિશેની તેમની શ્રદ્ધા સાચી પાડવી કે નહીં, તે આપણે નક્કી કરવાનું છે.
Tuesday, April 04, 2017
સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી
ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે નામચીન ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે.
***
કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ- સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડીયો ધર્મ. કટ્ટરતા અને સગવડીયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, 'ધર્મ્ય' ગણાવી શકાય.
સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં '(સગવડીયો) ધર્મ' બનાવી શકાય—એવો 'ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું-તેમનું હિત ઇચ્છવાનું નહીં, તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.
અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડીયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડીયા ધરમની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા-પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?
સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે. તેમાં સગવડીયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી. તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી. કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી. (સગવડીયા) ધર્મ કે (વિભાજક-ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.
સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું 'હમાસ’, લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહુડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા... આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે. થોડી છૂટછાટ સાથે આપણે તેને 'રોબિનહુડ મોડેલ' કહી શકીએ, જેમાં 'વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત' કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહુડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના 'શત્રુ' મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે. તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર–અને વખત આવ્યે હિંસક કાર્યવાહી--આચરવામાં આવે છે. ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી. છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.
સવાલ એ થાય કે આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારા કે ત્રાસવાદ વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડીયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો 'તટસ્થતા'ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?
પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે. ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળીયાં મજબૂત બનાવે છે. ISISકે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી. તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા (અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી. તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.
આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે લાંબા ગાળે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે. હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.
Wednesday, March 29, 2017
યોગી, સ્વામી અને મહાત્મા
આદિત્યનાથના હિંદુત્વનાં વધામણાં ચાલતાં હોય ત્યારે ગાંધી સ્વચ્છતાની (કચરા) ટોપલી ભેગા જ સારા. છતાં, સરકારે સ્વચ્છતાની જાહેરખબરો માટે તફડાવી લીધેલાં ગાંધીચશ્માં ભૂલેચૂકે પહેરી લઇએ તો શું દેખાય? તેમાં દેખાય કે અમેરિકા-રિટર્ન્ડ સ્વામી સત્યદેવ પરિવ્રાજક ગાંધીજીને મળવા આવ્યા છે. તેમની ધાર્મિકતા નહીં, પણ તેમનો હિંદીપ્રેમ જોઇને ગાંધીજી તેમને હિંદીપ્રચાર માટે મદ્રાસ મોકલે છે. સ્વામી સાબરમતી આશ્રમમાં આવે ત્યારે તેમના ખાવાપીવાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. એક દિવસ સ્વામી આશ્રમવાસી બનવાની વાત કરે છે. ત્યારે ગાંધીજી કહે છે કે ‘આશ્રમમાં દાખલ થવું હોય તો તમારે ભગવાં કપડાં ઉતારવાં પડશે.’
સ્વામી સત્યદેવ આઘાત અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ. પણ સામે ગાંધીજી છે. કોઈ પણ સંન્યાસી કરતાં વધારે સમાજલક્ષી દેશસેવક. સ્વામી કારણ પૂછે છે ત્યારે ગાંધીજી કહે છે, ‘હું સંન્યાસ છોડવાનું નથી કહેતો... આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)
ખુદ ગાંધીજીના મોઢેથી આ વાત સાંભળ્યા પછી, સ્વામી સત્યદેવ તે સમજ્યા તો ખરા, પણ સ્વીકારી શક્યા નહીં અને આશ્રમમાં ન જોડાયા. ગાંધીજીના નિકટના સાથી અને ઉત્તમ ગુજરાતી લેખક સ્વામી આનંદ રામકૃષ્ણ મતના સંન્યાસી હતા. હિમાલયમાં ફર્યા પછી તેમને દેશની સેવામાં સાર્થકતા લાગી. એટલે તે પહેલાં લોકમાન્ય ટિળકના અને પછી ગાંધીજીની અહિંસક લડાઈના સાથી બન્યા - પણ ભગવાંનો મોહ તજીને.
હા, સંન્યાસના પર્યાય જેવા ભગવાંનો પણ મોહ હોય છે. એટલું જ નહીં, તે લાલ બત્તીવાળી કાર કરતાં વધારે હોઈ શકે છે. આદિત્યનાથના મુખ્યમંત્રીપદમાં ભગવાં કપડાં ને લાલ બત્તી - એમ બબ્બે પાવરનો સરવાળો થયો છે. હિંદુ ધર્મને બદલે સંઘપ્રેરિત હિંદુત્વની બોલબાલા થાય ત્યારે ભગવાંધારી મુખ્યમંત્રી બને, તેમાં ઘણા લોકોને ઔચિત્યભંગ લાગતો નથી - અને વાત પાછી હિંદુ ધર્મના રક્ષણની થાય છે.
હિંદુ ધર્મની જેમ ગાયના રક્ષણના નામે- ગોવધ અટકાવવાના નામે ચાલતું રાજકારણ પણ દાયકાઓ જૂનું, બલ્કે સદી જૂનું છે અને ઉત્તર પ્રદેશ તેનું મુખ્ય કેન્દ્ર રહેલું છે. આજકાલ આદિત્યનાથની ગાયની સાથેની તસવીરો જોવા મળે છે. ગોવધ અટકાવવા અને કતલખાનાં બંધ કરાવવા માટે તેમણે લીધેલાં પગલાંનાં મથાળાં બંધાઈ રહ્યાં છે, પરંતુ ઇતિહાસકાર બિપન ચંદ્રે નોંધ્યું છે તેમ, અંગ્રેજોના રાજમાં ઇ.સ.1890ના દાયકામાં ઉત્તર પ્રદેશ-બિહારમાં ગોહત્યાવિરોધી પ્રચારઝુંબેશ ઉપાડવામાં આવી. તેનાં મૂળીયાં કોમવાદી મુસ્લિમ રાજકારણની સમાંતરે ઉભા થઈ રહેલા કોમવાદી હિંદુ રાજકારણમાં હતાં. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલે 19મી સદીના આરંભમાં ભારતીય ઇતિહાસના ધર્મવાર ભાગ પાડ્યા. તેમણે ભારતના પ્રાચીનકાળને ‘હિંદુ કાળ’ અને મધ્યયુગને ‘મુસ્લિમકાળ’ ગણાવ્યો. (બિપન ચંદ્ર લખે છે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળને મિલે ‘ખ્રિસ્તી કાળ’ તરીકે ન ઓળખાવ્યો)
1857ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમ એકતા જોયા પછી અંગ્રેજોએ કોમવાદના રાજકારણને તેમની નીતિ બનાવી દીધું. અંગ્રેજોને વહાલા થવા ઇચ્છતા ને તેમના રાજતંત્રમાં પ્રતિનિધિત્વ મેળવવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ અંગ્રેજોના ખોળે બેઠા. તેમને અંગ્રેજોએ હિંદુ બહુમતીની બીક દેખાડી, તો કેટલાક ઉત્સાહી હિંદુઓએ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વને બદલે મુસ્લિમ રાજના અત્યાચારોની કથાઓ હોંશથી ઉપાડી લીધી. મુસ્લિમવિરોધને તેમણે ધર્મ બનાવી દીધો. ગાયનું રાજકારણ પણ તેમાંથી આવ્યું. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ગોવધના મામલે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્રતા અને કડવાશ વ્યાપી, ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીઓમાં બેરોકટોક ગોહત્યા થતી હતી, પરંતુ ગોરક્ષકોને તે વિશે કંઇ કહેવાનું ન હતું. કારણ કે ગોવધ તો બહાનું હતું. અસલી હેતુ મુસ્લિમવિરોધનો અને તેને શક્ય એટલી દરેક રીતે વાજબી ઠરાવવાનો હતો.
ઇતિહાસકારો નોંધે છે કે 1896 સુધીમાં ગોહત્યાનો વિવાદ ઠરી ગયો. પણ ત્યાર પછીનાં આશરે સવાસો વર્ષમાં એ વિવાદ સતત (અને સગવડે) માથું ઉંચકતો રહ્યો છે. તેમાં ક્યારેક મુસ્લિમો નિશાન બને છે તો ક્યારેક (ઉના જેવા ઘણા કિસ્સામાં) દલિતો. પરંતુ ગાયોને રખડતી રાખનારા અને તેમને રસ્તા પરનું અનિષ્ટ બનાવી દેનારા વિશે કદી ગોરક્ષકોનો રોષ જાગી ઉઠતો નથી કે ગાયોનાં ગોચર હડપ કરી જનારા નેતાઓનો ગોરક્ષાના રાજકારણમાં કદી ઉલ્લેખ થતો નથી. ‘ગોપ્રેમીઓને’ બીજાએ શું ન કરવું, તેના દંડુકા પછાડવાનું જ ફાવે છે.
પોતાની જાતને પ્રખર ગોપ્રેમી ગણતા ગાંધીજીએ ગોહત્યા, ગોરક્ષણ અને હિંદુ-મુસલમાન એકતા વિશે ઘણું લખ્યું છે. સ્વદેશી અને ખિલાફત આંદોલન પુરબહારમાં હતું ત્યારે તેમણે લખ્યું હતું,’(ગાયને બચાવવાની બાબતમાં) આપણે મુસલમાન ભાઈઓ ઉપર જેટલું દબાણ કરવા જઇશું તેટલો વધુ ગોવધ થવાનો. તેમના પોતાના જ ખાનદાની અને ફરજના ખ્યાલ ઉપર આપણે આ બાબત છોડવામાં આપણે હાથે ગાયની ભારેમાં ભારે સેવા રહેલી છે...ગાયને બચાવવાની ખાતર સુદ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મમાં ક્યાંય એવો વિધિ નથી. હિંદુ ધર્મમાં સ્વધર્મની ખાતર - એટલે કે જ્યાં ગોરક્ષા સ્વધર્મ છે ત્યાં ગાયની રક્ષાને ખાતર - પણ જાતે મરી છૂટવાનો જ વિધિ છે.’
ખેદની વાત એ છે કે ગોરક્ષાનું સદી જૂનું રાજકારણ ‘ન્યૂ ઇન્ડિયા’માં પણ યથાવત્ છે
