Showing posts with label badshah khan. Show all posts
Showing posts with label badshah khan. Show all posts

Sunday, January 11, 2015

‘તાલિબાન ભૂમિ’માં, ઇસ્લામને અનુસરીને, અહિંસાના આશ્ચર્યજનક પ્રયોગો

અત્યારે પાકિસ્તાની તાલિબાનોના અડ્ડા જેવા સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તારોમાં આઠ દાયકા પહેલાં બાદશાહખાને ખૂંખાર પઠાણોને અહિંસાના રસ્તે વાળ્યા હતા. ભારતે ભૂલાવી દીધેલા અને પાકિસ્તાન માટે અળખામણા આ ‘ચમત્કાર’નું પવિત્ર સ્મરણ

પ્રમાણમાં સુંવાળા- લોહિયાળ હિંસાથી દૂર રહેનારા ખેડા-બોરસદ-બારડોલી-ગુજરાતના લોકોને અહિંસા શીખવવી અને નજીવી વાતમાં એકબીજાના જીવ લેવા તત્પર, પેઢીઓ સુધી વેરની વસૂલાતની પરંપરા ધરાવતા ગરમ લોહીના પઠાણોને અહિંસાના માર્ગે વાળવા- એ બન્ને વચ્ચે પાયાનો તફાવત છે. ગાંધીજીની લડતમાં (તેમની અનિચ્છા છતાં) અહિંસા મહદ્‌ અંશે રાજકીય વ્યૂહરચનાનો ભાગ બની. ગાંધીજીને પણ પાછળથી લાગતું હતું કે ઘણા લોકો કેવળ લડવાની હિંમતના અભાવે ‘અહિંસાવાદી’ થયા હતા. તેની સરખામણીએ આઠ દાયકા પહેલાં (વર્તમાન પાકિસ્તાનના) સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાને (કે બાચાખાને) સામાજિક કારણોસર અહિંસા અપનાવી. પોતે તો અહિંસાવાદી થયા. સાથોસાથ, ‘જંગલી અને ખૂંખાર’નું લેબલ ધરાવતા પોતાના સમાજને પણ તેમણે સામાજિક ઉત્થાન માટે અહિંસાના માર્ગે વાળ્યો અને દોર્યો.

Badshsh Khan / બાદશાહખાન

બાદશાહખાને સ્થાપેલા સંગઠન ‘ખુદાઇ ખિદમતગાર’ના કાર્યકરોએ જેટલા શારીરિક અત્યાચાર વેઠ્યા, એટલાં ભારતમાં ભાગ્યે જ કોઇ કોંગ્રેસી કાર્યકરને વેઠવાના થયા હશે. છતાં, ‘ખુદાઇ ખિદમતગાર’ તરીકે અહિંસા માટે પ્રતિજ્ઞાબદ્ધ પઠાણો ચૂપચાપ અંગ્રેજ અને દેશી પોલીસ તથા નેતાઓનો જુલમ વેઠતા રહ્યા. ગયા સપ્તાહે નોંઘ્યું હતું તે અહીં યાદ કરી લેવું જોઇએ : આ એ પ્રજા હતી, જેણે સદીઓથી વિદેશી આક્રમણખોરોને હંફાવ્યા હતા, સશસ્ત્ર સંગ્રામમાં ઔરંગઝેબના સૈન્યથી માંડીને અંગ્રેજોની તેમણે નામોશીભરી અવદશા કરી હતી. પરંતુ બાદશાહખાને શીખવેલા સાચા ઇસ્લામના પાઠ તેમાંથી ઘણાએ એવા આત્મસાત્‌ કર્યા કે ઘણા સમય સુધી મુસ્લિમ લીગનો કોમવાદી, સત્તાપરસ્ત અને સગવડીયો ઇસ્લામ તેમને ચળાવી શક્યો નહીં.

બાદશાહખાનને પાકો ભરોસો હતો કે પઠાણોની ઉન્નતિ સાધવી હોય તો તેમનાં અજ્ઞાન અને નિરક્ષરતા દૂર કરવાં રહ્યાં. એ માટે તેમણે સરહદ પ્રાંતમાં શાળાઓ શરૂ કરી. પઠાણોમાં સામાજિક જાગૃતિ ફેલાવવાના તેમના પ્રયાસોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાવતરા તરીકે જોવામાં આવ્યા. સરહદ પ્રાંતમાં ત્યારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ અમલી હતો. કોઇ પણ સરમુખત્યારીને ટપી જાય એવા આ કાયદા હેઠળ પોલીસ મન થાય તેની ધરપકડ કરતી અને અંગ્રેજોના ખાંધિયાઓનું બનેલું પંચ આરોપીને દોષી ઠરાવીને ચૌદ વર્ષની સજા ફટકારી દેતું હતું. એ સજા પણ ભારતના સરેરાશ રાજકીય કેદીઓએ ભોગવી છે એવી નહીં. એકદમ આકરી. (તેના આકરાપણાનું એક ઉદાહરણ : જેલવાસના પહેલા બે મહિનામાં બાદશાહખાનનું વીસ કિલો વજન ઘટી ગયું હતું)

પાકિસ્તાની તાલિબાનો અને ધર્મઝનૂનીઓ ઇસ્લામના નામે આતંક મચાવે છે- લોહી વહાવે છે, પરંતુ એ જ ઇસ્લામને આગળ ધરીને બાદશાહખાને હકની લડાઇની સાથોસાથ અહિંસા અને ક્ષમાનો પેગામ આપ્યો. એક વાર હજયાત્રા પછી બાદશાહખાન નજીકના વિસ્તારમાં ફરતા હતા ત્યારે એક માણસે તેમને કહ્યું, ‘અહીં રસુલિલ્લાહની દાઢીનો એક વાળ છે. પાસે એક પથ્થર છે. તેના પર તેમનાં પગલાં છે.’ ત્યારે બાદશાહખાને તેમને કહ્યું હતું, ‘હું અહીં એ જોવા નથી આવ્યો, પણ રસુલ-એ-પાકનું ધૈર્ય, સહિષ્ણુતા અને સાહસ જોવા આવ્યો છું. આ રણપ્રદેશના લોકોના ભલા વાસ્તે પયગંબરસાહેબ મક્કાથી અહીં આવ્યા. ત્યારે અહીંના લોકોએ તેમને પથ્થર માર્યા, તેેમની પાછળ કૂતરાં દોડાવ્યાં, તેમને માર માર્યો. એવા અત્યાચાર  છતાં તે નિરાશ ન થયા. ઉલટાના પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે ખુદા, મારા આ ભાઇઓ નેકીના માર્ગે ચાલે એવી સન્મતિ આપ.’

આ હતી બાદશાહખાનની ઇસ્લામ વિશેની સમજ. ધર્મ જેટલી જ તેમને પોતાની માતૃભાષા પશ્તો વહાલી હતી. એ માનતા હતા કે ‘હિંદુઓ અને મુસ્લિમો કરતાં શીખોમાં વઘુ ધર્મભાવ છે. કારણ કે તેમનો ધર્મગ્રંથ માતૃભાષામાં છે. તેેને લીધે એ લોકો શબ્દોનો યથાર્થ સમજી શકે છે...જ્યારે આપણે- હિંદુ અને મુસલમાન- જે ભાષામાં ઇશ્વરભક્તિ કરીએ છીએ એ ભાષા પૂરી સમજતા નથી.’

બાદશાહખાન અને તેમના સાથીઓએ ૧૯૨૯માં ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠન સ્થાપ્યું ત્યારે તેના સભ્ય માટે રખાયેલા કેટલાક સંકલ્પ : ‘હું ખુદાઇ ખિદમતગાર છું. ખુદાને ખિદમતની જરૂર નથી. તેથી ખુદાની સૃષ્ટિ (મખલૂક)ની સેવા એ જ ખુદાની સેવા છે. હું માનવમાત્રની સેવા કશા સ્વાર્થ કે હેતુ વિના, ખુદાની ખાતર કરીશ...હું હિંસા નહીં કરું અને કોઇ રીતે વેરનો બદલો નહીં લઉં. કોઇ મારા પર ગમે તેટલો અત્યાચાર અને જુલમ ગુજારશે તો પણ હું એને ક્ષમા આપીશ...’

બાદશાહખાનના જોશ અને સાદગીભર્યા છતાં પ્રભાવશાળી નેતૃત્વથી તેમના સંગઠનનો ઝડપભેર પ્રસાર થવા લાગ્યો. અંગ્રેજો સામેની લડતમાં મદદ મેળવવા માટે ખુદાઇ ખિદમતગારોએ મુસ્લિમ લીગનો સંપર્ક કર્યો, પણ લીગ અંગ્રેજોના દોરીસંચાર પર ચાલતી સંસ્થા હતી. તેને ખુદાઇ ખિદમતગારોના રાજકારણ કે ધર્મકારણ, કશામાં રસ પડે એમ ન હતો. લીગની ઉદાસીનતા પછી ખિદમતગારો કોંગ્રેસ સાથે જોડાયા  એટલે અંગ્રેજોના પેટમાં તેલ રેડાયું. પહેલાં તેમણે ખિદમતગારોને લાલચો આપી. તેથી કામ ન સર્યું એટલે અંગ્રેજોએ સરહદ પ્રાંતમાં ગામડે ગામડે ફરીને અંગુઠા ઉઘરાવવાના શરૂ કર્યા. એ લોકોને કહેતા કે ‘અમે ખુદાઇ ખિદમતગાર નથી’ એવા નિવેદન પર અંગુઠો પાડી આપો. તેનો પણ પઠાણોએ બહિષ્કાર કર્યો.

હાલના પાકિસ્તાનમાં ‘ફાટા’ (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ) કહેવાતા, સરહદ પ્રાંતની પડોશમાં આવેલા કબાઇલી વિસ્તારમાં પણ ખુદાઇ ખિદમતગારોની ઘણી લોકપ્રિયતા હતી. ગાંધીજી અને બાદશાહખાનના જેલવાસ વખતે કબાઇલી પ્રતિનિધિઓ અંગ્રેજોને તાકીદ કરતા હતા કે ‘ખાન અબ્દુલ ગફ્‌ફારખાં અને મલંગબાબા (મહાત્મા ગાંધી)ને મુક્ત કરો. લાલ ખમીસવાળા (ખુદાઇ ખિદમતગારો)ને જેલમાંથી છોડો અને પઠાણો પર જુલમ ગુજારવાનું બંધ કરો.’ ખેદની વાત એ છે કે પહેલાં અંગ્રેજોએ અને પછી પાકિસ્તાની સરકારે કબાઇલીઓ તથા પઠાણોને એકબીજાથી વેગળા રાખવા ભરપૂર પ્રયાસ કર્યા. સરહદ પ્રાંતના ચીફ કમિશનર ગ્રિફ્‌થને બાદશાહખાને કહ્યું હતું, ‘કબાઇલોને કાબૂમાં રાખવા તેમની કતલ અને બરબાદી પાછળ તમે જેટલું ખર્ચ કરો છો, તેના કરતાં અરધા ખર્ચામાં તેમના માટે ગૃહઉદ્યોગો શરૂ કરીને, તેમના માટે સન્માનજનક આજીવીકાની વ્યવસ્થા કરી શકાય...તેમને માટે શિક્ષણ અને ચિકિત્સાની વ્યવસ્થા થઇ શકે તો તેમના સંતાન નવા જીવનની લાયકાત અને ક્ષમતા મેળવી શકે. એ રીતે તે સ્વાભાવિમાની પઠાણ જાતિના સમર્થ અને કાર્યકુશળ તથા સમાજ માટે લાભદાયક નાગરિકો બની શકશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

Gandhi, Badshah Khan, Nehru / ગાંધી, બાદશાહખાન, નેહરુ

સરહદ પ્રાંતના હિંસક પઠાણો અને એવા જ હિંસક કબાઇલીઓ પર બાદશાહખાન જેવા અહિંસક નેતાનો પ્રભાવ હોવા છતાં, આઝાદી પહેલાં અંગ્રેજોને અને આઝાદી પછી મુસ્લિમ લીગની પાકિસ્તાની સરકારને બાદશાહખાનની નેતાગીરી ખપતી ન હતી. અંગ્રેજો કહેતા હતા કે ‘હિંસક પઠાણ કરતાં અહિંસક પઠાણ વધારે ખતરનાક છે.’ પરંતુ કહેવાતા મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનને અહિંસક પઠાણોની શક્તિમાં રસ ન હતો. ભારતના વિભાજન પહેલાંની ચૂંટણીમાં સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગની સામે ખુદાઇ ખિદમતગારોનો ભવ્ય વિજય થયો હતો. તેમની ઇચ્છા પાકિસ્તાન સાથે જોડાવાની ન હતી. પરંતુ કોંગ્રેસે સરહદ પ્રાંતમાં લોકમતને સમર્થન આપ્યું ત્યારે બાદશાહખાનની દલીલ હતી કે માંડ એક વર્ષ પહેલાં લીગ સામે ખિદમતગારોની જીત થઇ હોય, પછી લોકમત શાનો લેવાનો? અને ‘સરહદ પ્રાંતે કોની સાથે જોડાવું?’ એ મુદ્દે લોકમત લેવો જ હોય તો ‘ભારત કે પાકિસ્તાન?’ ને બદલે ‘પાકિસ્તાન કે પખ્તુનિસ્તાન?’ એવો વિકલ્પ રાખો.

આવો વિકલ્પ ન મળતાં ખિદમતગારોએ લોકમતનો બહિષ્કાર કર્યો. ત્યાર પછી મુસ્લિમ લીગની માંડ જીત થઇ અને સરહદ પ્રાંત પાકિસ્તાનમાં જોડાયો. ત્યારથી અત્યાર લગી સરહદ પ્રાંત અને કબાઇલી ઇલાકો પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. બાદશાહખાન અને તેમના પુત્રોને પાકિસ્તાને અંગ્રેજ સરકાર કરતાં પણ વધારે ત્રાસ આપ્યો. તેમની અહિંસક ચળવળને ખતમ કરી નાખી.

સરહદ પ્રાંત (અત્યારનો ખૈબર-પખ્તુનવા પ્રાંત) તથા કબાઇલી વિસ્તારમાં સમાંતર સરકાર ચલાવતા પાકિસ્તાની તાલિબાનોની વાત થાય ત્યારે રશિયા-અમેરિકા વચ્ચેના ઠંડા વિગ્રહને યોગ્ય રીતે જ યાદ કરવામાં આવે છે, પરંતુ ખુદાઇ ખિદમતગાર ચળવળને ખતમ કરીને પાકિસ્તાને પોતાના પગ પર જે કુહાડો માર્યો, તેની ભાગ્યે જ ચર્ચા થાય છે. ભારતમાં જેમ રસ્તાઓ, ચોકો અને સ્મારકોમાં ગાંધીજી જડાઇ ગયા છે, તેમ પાકિસ્તાનમાં બાદશાહખાનની સ્મૃતિ પેશાવર એરપોર્ટના ‘બાચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ’ જેવા સત્તાવાર નામકરણ  પૂરતી સીમિત રહી ગઇ છે. 

Monday, January 05, 2015

અહિંસક ‘ખુદાઇ ખિદમતગાર’ના મુલકમાં હિંસાખોર ‘પાકિસ્તાની તાલિબાન’નાં મૂળીયાં કેવી રીતે નખાયાં?

પેશાવરની સ્કૂલમાં ૧૩૨ બાળકોની ઠંડા કલેજે હત્યા કરનારા પાકિસ્તાની તાલિબાનોએ ફરી એક વાર ‘સરહદના ગાંધી’, નખશીખ અહિંસક પઠાણ બાદશાહખાનની યાદ કરુણ રીતે તાજી કરી આપી છે. આઝાદી પહેલાં ‘ખુદાઇ ખિદમતગારો’નું વર્ચસ્વ ધરાવતી ભૂમિ હિંસાખોર તાલિબાની પ્રભાવક્ષેત્ર શી રીતે બની, તેના જાણીતા ઇતિહાસથી થોડે આગળ જવાનો પ્રયાસ    


ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ની કલ્પનાઓનું મહત્ત્વ દિલ બહલાવવાના ખ્યાલથી વિશેષ નથી. છતાં, કેટલીક ઘટનાઓ એવી બને છે, જ્યારે ‘જો’ અને ‘તો’ની પાંખે ઉડ્યા વિના રહી શકાતું નથી. પહેલા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડનાર અને ઘાયલ થનાર હિટલરને  વીંધી નાખવાની શત્રુદળના સૈનિક પાસે પૂરી તક હતી, પણ એણે દયા ખાઇને હિટલરને જીવતો જવા દીધો. હિટલર એ વખતે વીંધાઇ ગયો હોત તો જગતનો ઇતિહાસ કેવો હોત? મહંમદઅલી ઝીણા (ત્યારે અસાઘ્ય ગણાતા) ટી.બી.ના દર્દી હતા. આઝાદી પછી માંડ એક વર્ષમાં તે અવસાન પામ્યા. તેમનું મૃત્યુ બે-પાંચ વર્ષ વહેલું થયું હોત તો ભારતીય ઉપખંડની ભૂગોળ કેવી હોત? ગાંધીજી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ હિંદુત્વના ઝનૂનમાં પાગલ ગોડસેની ગોળીથી વીંધાઇ જવાને બદલે જીવીત રહ્યા હોત અને તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન જઇ શક્યા હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચેની શત્રુવટમાં કેવો ફરક પડ્યો હોત?

આવો એક સવાલ છે : ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ‘સરહદના ગાંધી’ની અધૂરી ઓળખથી જાણીતા બાદશાહખાન અલગ પખ્તુનિસ્તાન મેળવવામાં સફળ રહ્યા હોત અથવા પાકિસ્તાનના સંવેદનશીલ સરહદ પ્રાંતમાં તેમની નેતાગીરીને મોકળું મેદાન મળ્યું હોત તો? સરહદ પ્રાંત અને કેન્દ્રશાસિત કબીલાઇ વિસ્તાર ખૂંખાર તાલિબાનોથી ખદબદતા અડ્ડા બની શક્યા હોત?

તાલિબાની ચળવળનો જન્મ ભલે અફઘાનિસ્તાનમાં થયો, પરંતુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સેંકડો છીંડાં ધરાવતી સરહદને કારણે પાકિસ્તાનનો સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તાર તાલિબાનો માટે અભયારણ્ય પુરવાર થયા. અફઘાન તાલિબાની નેતા મુલ્લા ઓમર અને અલ કાઇદાના સૂત્રધાર ઓસામા લાદેનનાં સંગઠન અલગ હોવા છતાં, આતંકવાદ અને રૂઢિચુસ્તતાના મુદ્દે બન્ને એક માળાના મણકા હતા. અલ કાઇદા કેવળ ત્રાસવાદી સંગઠન હતું, જ્યારે તાલિબાનો પાસે અફઘાનિસ્તાનની રાજ્યસત્તા હતી.

વર્ષ ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલા પછી, અમેરિકાએ તાલિબાનો અને અલ કાઇદા બન્ને સામ યુદ્ધ છેડ્યું. અમેરિકન દળો અફઘાનિસ્તાનમાં  ધૂસ્યાં. સાથોસાથ, તેના સાખપાડોશી પાકિસ્તાની ભૂમિ પર પણ સક્રિય બન્યાં અને પાકિસ્તાનને ‘ત્રાસવાદવિરોધી લડાઇ’માં ઢસડ્યું. ભારતમાં ઘોંચપરોણા કરવા માટે પાકિસ્તાનને ત્રાસવાદીઓની ગરજ હતી ને અમેરિકાને નારાજ ન કરવા માટે ત્રાસવાદીઓ સામે લડવાની ફરજ. આ બન્નેમાંથી પાકિસ્તાન માટે ગરજનું પલ્લું ભારે રહ્યું. ત્રાસવાદવિરોધી લડાઇમાં અમેરિકાના સાથી એવા પાકિસ્તાને લાદેનને સલામતીપૂર્વક સંતાડી રાખ્યો અને ત્રાસવાદીઓને છાવરવાનું તેણે ચાલુ રાખ્યું.

પેશાવરની સ્કૂલ પર થયેલા તાલિબાની હુમલા વખતે હિલેરી ક્લિન્ટને એ મતલબનું કહ્યું હતું કે ‘ઘરના વાડામાં ઉછેરેલો સાપ ફક્ત પાડોશીને જ કરડે એવું ન હોય.’ આ સત્યનું ભાન અમેરિકાને ૨૦૦૧માં ‘મુજાહિદો’ થકી થઇ ગયું હતું. વર્ષ ૧૯૭૯માં અફઘાનિસ્તાનના સામ્યવાદી ઝોક ધરાવતા શાસક સામે ધાર્મિક-કટ્ટરપંથીઓએ વિદ્રોહ કર્યો. તેને ડામવા રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં આવ્યું. ત્યારે ઇસ્લામના નામે હિંસા આચરીને પોતાની જાતને ‘મુજાહિદ’ (ધર્મયોદ્ધા) તરીકે ઓળખાવતા લોકોને અમેરિકાએ છૂટથી હથિયાર આપ્યાં હતાં.  અમેરિકાને રસ રશિયાને હંફાવવામાં હતો. તેનાં શસ્ત્રો મેળવનારા ‘મુજાહિદો’માં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનના સરહદ પ્રાંતના (બાદશાહખાનના સમુદાયના) પુશ્તુનો ઉર્ફે પખ્તુનો ઉર્ફે પઠાણો ઉર્ફે અફઘાનો મુખ્ય હતા. એ જ ‘મુજાહિદો’ વર્ષ ૨૦૦૧માં અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે અને અમેરિકાની સામે થયા. અમેરિકાનાં જ આપેલાં હથિયારો તેની સામે વપરાવા લાગ્યાં.

વર્ષ ૨૦૦૭માં જુદાં જુદાં અંતિમવાદી-કટ્ટરવાદી હિંસક સંગઠનોએ ભેગા મળીને ‘તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ નામનું સર્વસમાવેશક ત્રાસવાદી જૂથ બનાવ્યું. તેના મોટા ભાગના સભ્યો પખ્તુન હતા. તેમનાં મુખ્ય બે ઠેકાણાં હતાં : બાદશાહખાનથી જાણીતો સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, જેને વર્ષ ૨૦૧૦માં નવું નામ મળ્યું : ખૈબર પખ્તુનવા) અને કેન્દ્રશાસિત કબાઇલી વિસ્તાર (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ, જેમાં ‘ટ્રાઇબલ’નો અર્થ ‘આદિવાસી’ નહીં, પણ કબીલાને લગતો થાય છે.)

અંગ્રેજી રાજ સમયનો પખ્તુન/Pakhtun યોદ્ધો
પખ્તુનો સદીઓથી તેમની લડાયકતા માટે જાણીતા હતા. ખૈબરઘાટ ઓળંગીને ભારત પર ચડી આવતાં હુમલાખોર સૈન્યો સામે તેમણે ઝીંક ઝીલી. પોતાની સૈન્યશક્તિ અને શિસ્તબદ્ધતાથી અજેય બનેલા અંગ્રેજો પણ પખ્તુનો સામે હાંફી ગયા હતા.  એ વખતે સરહદ પ્રાંત પંજાબનો જ હિસ્સો ગણાતો હતો. ઇ.સ.૧૮૪૨માં કાબુલ પરનો કબજો ગુમાવ્યા પછી પીછેહઠ કરતા આશરે ૧૬ હજારથી પણ વઘુ અંગ્રેજ અને ભારતીય સૈનિકોને પખ્તુનોએ પહાડી ઇલાકામાં બેહરમીથી રહેંસી નાખ્યા હતા. આખા સૈન્યમાંથી ફક્ત એક જ અંગ્રેજને ચીંથરેહાલ અવસ્થામાં જીવતો જવા દેવામાં આવ્યો. અંગ્રેજી રાજનો સૂર્ય મઘ્યાહ્ને તપતો હતો ત્યારે થયેલી તેની આ અવદશા અભૂતપૂર્વ હતી અને તે પખ્તુનોના લડાયક મિજાજની સૂચક હતી.

અખંડ ભારતમાં સરહદ પ્રાંત- નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ/NWFPનું સ્થાન

૧૯૦૯ના જાતિવાર નકશામાં પઠાણોનું વર્ચસ્વ ધરાવતા સરહદ પ્રાંત-
કબીલાઇ વિસ્તારો 

ત્યાર પહેલાં (ઇ.સ.૧૬૭૨માં) ઔરંગઝેબના સૈન્યનો પણ ખૈબરઘાટમાં સફાયો થઇ ગયો હતો. છેક ૧૯૨૦માં વઝીરીસ્તાનના કબીલાઇ પ્રદેશમાં ૪૩ અંગ્રેજ અફસરો સહિત ૩૬૬ સૈનિકો ભયાનક ઝનૂની એવા સરહદી લોકોના હાથે માર્યા ગયા હતા અને ૧,૬૮૩ ઘાયલ થયા હતા. (અકબર એસ.અહમદ, ‘એન આસ્પેક્ટ ઑફ ધ કૉલોનિયલ એન્કાઉન્ટર ઇન ધ ફ્રન્ટિયર’, ૨૯-૦૮-૨૦૦૯)

વર્ષ ૧૯૦૧માં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાનનો જન્મ થયો. એ જ વર્ષે અંગ્રેજી સરકારે પખ્તુનોની આણ ધરાવતા વિસ્તારને પંજાબ પ્રાંતથી અલગ કર્યો અને તેને નામ આપ્યું : નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (વાયવ્ય પ્રાંત). સરળતા ખાતર તે ‘સરહદ પ્રાંત’ તરીકે પણ ઓળખાયો.

સરહદ પ્રાંત અને કબીલાઇ વિસ્તારના પખ્તુનોને કાબૂમાં રાખવા માટે અંગ્રેજ સરકારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ દાખલ કર્યો. પખ્તુનોએ તેને કાળો કાયદો ગણાવ્યો. કેમ કે, તેમાં કશા આરોપ વગર કોઇની પણ ધરપકડ કરીને તેને જેલની સજા કરવાની જોગવાઇ હતી. આક્રમક રીતે સામે થનાર પખ્તુનોને આ કાયદા અંતર્ગત ફાંસીએ લટકાવી દેવાતા હતા. પખ્તુનોમાં લડાયક વૃત્તિ બહુ, પણ શિક્ષણનો સદંતર અભાવ હતો. નેતાગીરીના પણ પ્રશ્નો હતા. અંદરોઅંદર પેઢીઓ સુધી અદાવતો ચાલતી ને વાતવાતમાં તલવારો ખેંચાતી.

બાદશાહખાને તેમની આત્મકથામાં નોંઘ્યું છે કે આખા ભારતમાં અંગ્રેજોએ નિશાળો શરૂ કરી, પણ ‘અમારી જ એક એવી ભાગ્યહીન કોમ હતી, જેના માટે શિક્ષણની વ્યવસ્થા ન હતી. જ્યાં આછીપાતળી વ્યવસ્થા હતી ત્યાં પણ પરાઇ ભાષામાં શિક્ષણ અપાતું હતું...(અંગ્રેજોએ) એવા નામમાત્રના મુલ્લા-મૌલવી નીમ્યા હતા, જે એવા ફતવા કાઢતા કે શાળાઓમાં ભણવું એ કાફરપણું છે...જે મદરેસામાં ભણવા જાય છે તેમને જન્નતમાં જગ્યા નહીં મળે. તે દોજખમાં ધક્કા ખાશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

શિક્ષણનો અભાવ અને આક્રમકતા- એવું કાતીલ મિશ્રણ ધરાવતા પખ્તુનો આગળ જતાં તાલિબાન બને એમાં કશી નવાઇ ન હતી. પરંતુ વચ્ચેના ગાળામાં ત્રણેક દાયકા માટે બાદશાહખાને આ પખ્તુનોને શિક્ષણ અને અહિંસાના માર્ગે વાળીને ચમત્કાર સર્જ્યો. એવી નક્કર આશા ઊભી થઇ કે પખ્તુનો હિંસક ભૂતકાળ છોડીને, શાંતિના રસ્તે આગળ વધી શકશે.
(બાદશાહખાનના ‘ચમત્કાર’ની વાત આવતા સપ્તાહે) 

Friday, February 17, 2012

ફકીરીના બાદશાહઃ ખાન અબ્દુલ ગફ્ફાર ખાન




આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત નીકળે ત્યારે કોંગ્રેસવિરોધી તરીકે મહંમદઅલી ઝીણાને કે કોંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબ્દુલ ગફ્‌ફારખાનને યાદ કરાતા નથી. ‘અહિંસક પઠાણ’ જેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહેબને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ ‘સરહદના ગાંધી’ તરીકે, જે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપેકિંગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય. 


અખંડ ભારતના સરહદ પ્રાંત- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. ‘સિંહ ઘાસ ખાય તો પઠાણ અહિંસક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારો-અનુયાયીઓ કરતાં એ રીતે જુદા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાંથી પોતાની રીતે સાદગી અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનું હતું. એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઇ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું. 

‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્‌ફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુદા પડે. ગાંધીજીના કોઇ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુલમ સહન કરવો પડ્યો ન હતો. ૨૧ વર્ષની વયે જાહેર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહેલી ધરપકડ ‘રોલેટ એક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઇ, ત્યારે તેમની ઊંચાઇ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઇઓએ સૌથી મોટી બેડીને થોડું જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહેવા લાગ્યું. એટલે જેલરે કહ્યું, ‘આ પહેલી વખતની જેલ છે ને! ધીમે ધીમે ટેવ પડી જશે.’


ત્રણ વર્ષની જેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જેટલું ઘટી ગયું હતું. છતાં અહંિસા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જેવા લાગતા આ માણસની અહિંસા તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઉગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ‘ખુદાઇ ખિદમતગાર’- ખુદાના સેવકો-નું સંગઠન રચ્યું. ખિદમતગારો માટે શરૂઆતમાં સફેદ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલ્દી મેલો થઇ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચિંતા કર્યા વિના પોશાકને ગેરુ રંગે રંગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ‘લાલ ખમીસવાળા’ તરીકે પણ ઓળખાયા. 

અંગ્રેજ શાસકોએ પહેલાં ખિદમતગારોના લાલ રંગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂનું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઇ કે થોડા સમયમાં સરહદપ્રાંતની જેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્‌યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા. 

બાદશાહખાનની અહિંસાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રંગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી- શરીર પરથી ગેરુ રંગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહિંસક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજું કંઇ ન સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હિંસાની મદદ વિના શસ્ત્રધારીઓને કઇ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદી-બિનકોંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું.


ગાંધીજીને સાબરમતી જેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહેરવાની જરૂર ન જોઇ, પણ હિંદુ-મુસ્લિમ એકતા અને અહિંસા જેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના- ઘણી વાર તો એકમાત્ર- સાથી બની રહ્યા. મનુબહેન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંઘ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હું આવી છું. પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઇ હોય તો તે ખાનસાહેબ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કિંમત હતી.’ સાબરમતી જેલમાં ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો.


ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી રાજીનામું આપી દીઘું. કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઇ ખિદમતગારોનો માર્ગ નથી...અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી. ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’

‘ગાંધીજીની કોંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરંતુ એક બાદશાહખાન પર્વતની જેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા..ધૈર્ય એ બાદશાહખાનની પોલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઇચારો અને ધૈર્યમાં છે.’



બાદશાહખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.આઝાદી વખતે તેમને પઠાણો માટે ‘પખ્તૂનિસ્તાન’ જોઇતું હતું.  ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને બંગાળ જેમ અનુક્રમે પંજાબી, સિંધી, બલુચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઇએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જે કંઇ માગણી છે તે નામ અંગેની છે.’ પરંતુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી. 

સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઇએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે, પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે  સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો.  કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્‌ગાર કાઢતાં કહ્યું હતું,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’

(photo: Homai Vyarawala)
પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફેરવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુલમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે. ખુદાઇ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી. ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દિ વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરંજિત હતું. એ જોઇને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇંદિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઇને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો. 

Khan Abdul Gjaffar Khan- Moraraji Desai 

જાન્યુઆરી ૨૦,૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય  હિંમતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરંતુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઇ ગઇ છે. મુસ્લિમોમાં  રૂઢિચુસ્તોને વકરાવીને મુસ્લિમહિતનો ડોળ કરતા કે મુસ્લિમવિરોધી લાગણીની રોકડી કરવા તલપાપડ- કોઇ પક્ષોને બાદશાહખાનનો ખપ નથી.