Showing posts with label caste. Show all posts
Showing posts with label caste. Show all posts

Friday, March 02, 2018

ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ'

(સામાજિક ચેતવણીઃ આ ફિલ્મ રીવ્યુ નથી.)

વર્ષો પહેલાં 'દલિતશક્તિ' સામયિકનો ફિલ્મ વિશેષાંક કાઢ્યો ત્યારે તેમાં જ્ઞાતિના ભેદભાવનું કથાવસ્તુ ધરાવતી ફિલ્મો વિશેના થોડા લેખ હતા. (મુખ્યત્વે હિંદી સામયિક 'કથાચિત્ર'માંથી) તેનો સૂર એ જ હતો કે 'અછૂત કન્યા' (1935) અને 'અછૂત' (1940)થી માંડીને અસ્પૃશ્યતાના ભેદભાવ વિશે ઠીક ઠીક ફિલ્મો બની છે. છતાં, તેમાં સમાનતા અને અધિકારને બદલે સહાનુભૂતિવાળું દૃષ્ટિબિંદુ વધારે જોવા મળે છે. આ સમસ્યાની કઠોર વાસ્તવિકતા અને ખાસ તો, વ્યાપકતા આલેખતી ફિલ્મ કેવી હોઈ શકે? તેનો જવાબ સૂઝતો ન હતો.

વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.

ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.

જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
Girish Makwana / ગિરીશ મકવાણા 
ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના બનાવોના કિસ્સા બહુ ચગ્યા ત્યારે ઑસ્ટ્રેલિયામાં રહેતા ગિરીશના મનમાં ચક્કર ચાલુ થયુંઃ આ રીતે થતા હુમલા તો ખોટા જ કહેવાય, પણ ભારતીયો કયા મોઢે આખા ઑસ્ટ્રેલિયાને 'રેસિસ્ટ કન્ટ્રી' કહી શકે? ભેદભાવના મામલે ભારતના જ્ઞાતિવાદ જેવી ટકાઉ અને અનિષ્ટ વ્યવસ્થા જગતમાં ભાગ્યે જ બીજે ક્યાંય હશે. 'જ્યાં જ્યાં વસે એક ભારતીય, ત્યાં ત્યાં સદાકાળ જ્ઞાતિવાદ'—એવી પંક્તિ થોડી (પણ બહુ નહીં, થોડીક જ) અતિશયોક્તિ સાથે અને કવિ ખબરદારની માફી સાથે લખી શકાય. પોતે આખેઆખા જ્ઞાતિવાદી ભેદભાવના કીચડમાં આળોટતા હોય, બહાર ગયા પછી પણ જ્ઞાતિના ભેદભાવરૂપી કીચડનો સ્વિમિંગ પુલ મનમાં સાથે લઈને ગયા હોય, અને પછી તે ઉઠીને રંગભેદની ફરિયાદ કરે? અને તેમને કશો વિરોધાભાસ પણ ન લાગે?

આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.

ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.

આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs

આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
 http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html


ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં,  કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.

નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત  જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.

આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.

આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html

Friday, January 26, 2018

પ્રજાસત્તાકમાં જોઈએ છેઃ નાગરિક‘સેના’

એક વાર્તાઃ a નામનું એક નગર હતું. તેમાં b નામનો રાજા રાજ કરતો હતો. તેની c નામની રાણી હતી. તે અત્યંત રૂપાળી હતી. તેના રૂપ વિશે x નામના સુલતાનને ખબર પડી. તેણે a નગર પર ચઢાઈ કરી, b રાજાને પકડી લીધો, પણ તેની રાણીને પામી શક્યો નહીં. રાણી c એ બીજી સ્ત્રીઓ સાથે મૃત્યુને ભેટી. સુલતાન x હાથ ઘસતો રહી ગયો.

કેવી લાગી ઉપરની વાર્તા? જેમને એ નિર્દોષ અને બિનવાંધાજનક લાગી હોય, તેમને જણાવવાનું કે આ વાર્તા વાંચીને
1) ગણિતશાસ્ત્રીઓની લાગણી દુભાઈ શકે છે. કેમ કે તેમાં ગણિતમાં વપરાતાં a,b,c,x,y,zનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2) તેનાથી અંગ્રેજી ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ શકે છે. કારણ કે તેમાં અકારણ અંગ્રેજી મૂળાક્ષરો (આલ્ફાબેટ)ને ઘસડવામાં આવ્યા છે.

3) ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પ્રતિષ્ઠાના સંરક્ષકો તેનાથી દુભાઈ શકે છે. કારણ કે આર્યાવર્તનું ગૌરવ કરતી એક વાર્તામાં a,b,c,x,y,z જેવાં નામ અપાયાં છે. એ તો ચોખ્ખો ભારતવર્ષની મહાતાનો ઇન્કાર નથી?

4) અને પદ્મિની ઉર્ફે પદ્માવતી ઉર્ફે પદ્માવત ફિલ્મના વિરોધીઓ તો ખરા જ ખરા. એમ નામ ભૂંસી કાઢવાથી મૂળ કથાનો મહિમા અને તેમનો દુભાવાનો અધિકાર થોડા જતા રહે છે?
***

એક લઘુકથાઃ ચોતરફથી યુદ્ધનાદ ઉઠ્યા, ગૌરવ અને પ્રતિષ્ઠા હોડમાં મુકાયાં હતાં. જાણે છેલ્લું યુદ્ધ લડવાનું હોય તેમ લોકોએ હડી કાઢી, જે આવ્યું તે હાથમાં લઈને મેદાને પડ્યાં, આગના ભડકા અને ધુમાડાથી વાતાવરણ ભરાઈ ગયું, ભીષણ ખખડાટનો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો…
--પછી યુદ્ધનાયકે કહ્યું, ‘ચાલો, આ થિએટરનું કામ પૂરું થયું. હવે તે ફિલ્મ બતાવવાની હિંમત નહીં કરે.’

***
પ્રજાસત્તાક ભારતનો 69મા પ્રજાસત્તાક દિવસે વધુ એક વાર કેટલાક પાયાના અને વ્યાપક મહત્ત્વ ધરાવતા સવાલ ઉભા થયા છે. એને ગાલીચા તળે સંતાડતા રહીને પ્રજાસત્તાકની ઉજવણી કરવી એ બંધારણના હાર્દનો દ્રોહ ગણાય.

દેશ એટલે દેશનું બંધારણ અને તે જેમની સુખાકારી માટે ઘડવામાં આવ્યું છે તે દેશના લોકો. પરંતુ સૌથી અગત્યનો સવાલ છેઃ ‘દેશના લોકો’ એટલે કોણ? ‘પદ્માવત’ ફિલ્મનો ઉગ્ર અને કાયદોવ્યવસ્થા હાથમાં લઈને વિરોધ કરી રહેલા ‘લોકો’ કે સેન્સર બોર્ડે પાસ કરેલી અને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોના જેની સામેના મનાઈહુકમો ફગાવી દીધા છે એવી ફિલ્મ ‘પદ્માવત’ શાંતિપૂર્વક રજૂ થાય એમ ઇચ્છતા ‘લોકો’? તોફાન મચાવીને પાટીદારો માટે અનામત માગતા ‘લોકો’ કે તેમની માગણીનો તાર્કિક અને તોફાન કર્યા વિના વિરોધ કરતા ‘લોકો’? આ બે ફક્ત ઉદાહરણ છે. એક તરફ કાયદો-વ્યવસ્થા-ન્યાયતંત્ર-બંધારણ હોય અને બીજી તરફ તેની ઐસીતૈસી કરીને પોતાનું ધાર્યું કરાવવા મથતા લોકો--આવી યાદી બનાવવા બેસીએ તો પાર ન આવે.

લોકશાહીમાં વિરોધી મત તો રહેવાના. તેમની વચ્ચે શાબ્દિક અને ક્યારેક તેનાથી આગળના સ્તરની અથડામણ પણ થઈ શકે. એ વખતે લોકશાહી અને પ્રજાસત્તાકના હાર્દનું રક્ષણ કરવાનું કામ સરકારનું છે. સરકારે નક્કી કરવું પડે કે કયા ‘લોકો’ના પક્ષે જોરજબરાઈ, દાંડાઈ, કાયદા-બંધારણની ધરાર અવગણના છે અને કયા ‘લોકો’ કાયદાની-બંધારણના હાર્દની હદમાં રહીને પોતાની વાત રજૂ કરે છે.

જેમ ફિલ્મથી એક જૂથની લાગણી (ફિલ્મ જોયા વિના જ) દુભાઈ છે, તેમ ફિલ્મ અટકાવવાના પ્રયાસોથી બીજા જૂથની લાગણી દુભાઈ છે. પહેલું જૂથ ધમાલ ને તોડફોડ કરે છે, તો સરકાર તેને અટકાવવાને બદલે તેને આડકતરી રીતે થાબડે છે, તો બીજા જૂથની વાત સરકાર ક્યારે કબૂલ રાખશે? તે પહેલા જૂથ કરતાં વધારે હિંસા ને વધારે તોડફોડ કરે તો? કાયદોવ્યવસ્થાના બહાના હેઠળ કાયદોવ્યવસ્થાના ભંગને ઉત્તેજન આપતી વખતે સરકારને શરમ તો નથી જ આવતી, નાગરિકોને પણ વાંધો નથી પડતો? વાંધો બતાવવા માટે ભાંગફોડ કે ધમાલ કરવાની જરૂર નથી. પણ કાયદાની હદમાં રહીને વાંધો રજૂ ન કરાય, તો નાગરિકો પણ સરકારની તકવાદી કાયરતામાં આડકતરા હિસ્સેદાર નહીં બને?

આને હિંદુ-મુસલમાનનો કે રાજકીય વફાદારીનો મુદ્દો બનાવવા જેવો નથી. ભાજપ હોય કે કૉંગ્રેસ, સ્વાર્થી સરકારો નાગરિકઅધિકારોને આવી જ રીતે દબાવવા માટે ને પોતાના મત સાચવવા માટે પ્રયત્ન કરવાની. સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ સામે કૉંગ્રેસી સરકારે આવી જ રીતે મુસ્લિમ રૂઢિચુસ્તોની લાગણી સાચવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. કૉંગ્રેસે કર્યાં હતાં એ બધાં પાપનો ક્વોટા તેના કરતાં ઘણી વધારે ઝડપે, ઘણા ઓછા સમયમાં પૂરો કરી લેવાનો ભાજપનો ઇરાદો છે? અને સામસામા રાજકીય પક્ષો પોતે ખોટું કરીને સામેના પક્ષે કરેલું ખોટું દેખાડ્યા કરે, તેમાં નાગરિક તરીકે આપણું બેવડું નુકસાન નથી? આપણા માટે પછી વિકલ્પ જેવા વિકલ્પ તો રહેતા જ નથી. આ તો x નો ભાઈ y એવી જ વાત ન થઈ? ( x અને yની જગ્યાએ યોગ્ય વિશેષણો તમે ધારી જ શકશો)

વર્ષો પહેલાં બિહારમાં રણવીરસેના દલિતવિરોધી હિંસા માટે કુખ્યાત હતી. મહારાષ્ટ્રમાં સરકારોની ગરજાઉ કાયરતાને કારણે શિવસેનાની દાદાગીરી ચાલી અને ફુલીફાલી. ગુજરાતમાં પાટીદારોએ અનામતના નામે શક્તિપ્રદર્શન કર્યું, રજપૂતોની કરણી સેના તેમની ધોરાજી હંકારે છે...અને ‘ભારતમાતાકી જય’ના પોકાર પાડનારા કોઈની લાગણી દુભાતી નથી? સરકારોની અને રાજકીય પક્ષોની દેશની અખંડિતતાના પાયામાં ઘા કરનારી માનસિકતા સામે વાંધો પાડવાને બદલે, નાગરિકો પણ રાજકીય પક્ષોની જ છાવણીઓમાં વહેંચાઈ જાય છે.

આ રસ્તે તો સરદાર પટેલે પ્રાંતવાર એક કરેલાં રજવાડાંને જ્ઞાતિવાર  કે ધર્મવાર નવેસરથી પેદા કરવા જેવું થશેને? એ વખતે જરૂર લાગે છે એક અહિંસક નાગરિકસેનાની, જે સંગઠન તરીકે નકલી રાષ્ટ્રવાદ કે નકલી સેક્યુલરિઝમને બદલે, જ્ઞાતિવાદ અને મિથ્યાભિમાનને બદલે રાષ્ટ્રહિતની સમજણ વિકસાવે. તેની રાષ્ટ્રની વ્યાખ્યા કોમવાદ, ધાર્મિક સંકુચિતતા, શુદ્ધ આર્યત્વના હિટલરી ખ્યાલો કે પરિવારવાદના પ્રદૂષણથી મુક્ત હોય.

રાજકીય પક્ષો આ નહીં કરે ને શક્ય હશે તો થતું અટકાવશે. પ્રજાસત્તાકને નેતાસત્તાક કે જ્ઞાતિસત્તાક કે ધર્મસત્તાક બનતું અટકાવવા નાગરિકોએ જ વિચારવું અને કરવું પડશે.

Wednesday, December 06, 2017

સામાજીક એકતાનું ગુજરાત મોડેલ

સામાજિક એકતાનું કામ બહુ મહત્ત્વનું હોય છે. તે સ્વાર્થી, મતલબી, પોતાના સ્વાર્થ ખાતર સમાજનું અહિત કરતાં ન ખચકાય એવા રાજકારણીઓ પર છોડવા જેવું નથી હોતું. પરંતુ થાય છે એવું કે સમાજના આગેવાનો લોભમાં કે શેહમાં આવીને રાજકીય પક્ષોના હાથા બની જાય છે. એટલે સામાજિક એકતાની દિશામાં આગેકૂચને બદલે પીછેહઠ થતી હોય એવું આઝાદીનાં આટલાં વર્ષ પછી લાગે છે.

સામાજિક ભેદભાવ કે સામાજિક વિષમતાનો મામલો રાજનેતાઓના હાથમાં આવે એટલે તે ધ્યાન રાખે છે કે ભેદભાવ દૂર ન થઈ જાય. નહીંતર, તેમની દુકાનો શી રીતે ચાલતી રહે? અને પોતાની સત્તા સામે જરાસરખી અસલામતી લાગે કે તરત નેતાઓ સમાજની ફોલ્ટલાઇન્સ (ફાટફૂટો)ને વકરાવવાના કે રુઝાઈ ગયેલા ઘાને ફરી ખોલવાના કારસા શરૂ કરી દે છે.  વિચિત્રતા એ છે કે આ બધું તે સમાજનું હિત કરવાના દાવા-દેખાડા સાથે કરે છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન બીજી આરોપબાજીના ઘોંઘાટ વચ્ચે એક નાનકડા સમાચાર આવ્યાઃ વડાપ્રધાને પાલીતાણામાં તેમના ભાષણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની ત્રણ દાયકા પહેલાંની દુશ્મનાવટની યાદ અપાવી અને સભામાં હાજર રહેલા પાટીદારોને પૂછ્યું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીર્વાદ આપવા છે?

વડાપ્રધાને જેનો ઉલ્લેખ કર્યો તે 1984નો માનગઢ હત્યાકાંડ પટેલો અને દરબારો વચ્ચેની ચાર વર્ષ જૂની શત્રુવટનું પરિણામ હતો. પરંતુ સમય જતાં બંને સમાજ લોહીયાળ દુશ્મનીનો રસ્તો છોડીને એકબીજા સાથે સંપથી રહેતા થયા. માનગઢ હત્યાકાંડના ઘા સંપૂર્ણપણે રુઝાઈ ગયા અને તેની કડવાશ પણ સાવ મટી ગઈ.

આ થઈ સાચી સામાજિક સમરસતા. પરંતુ ‘વિકાસવાદ’ની વાતો કરતા વડાપ્રધાને આવીને ફરી રૂઝાઈ ગયેલી જગ્યાએ ટપલી મારી જોઈ. મુખ્ય મંત્રી તરીકે ગુજરાતમાં રાજકીય ‘સમરસતા’ને ચલણી બનાવનારે પટેલો-દરબારો વચ્ચેના નમૂનેદાર સંપને બિરદાવીને, દેશના લોકોને આ ‘ગુજરાત મોડેલ’ બતાવવાનું હોય કે તેમાં ભંગ પાડવાની કોશિશ કરવાની હોય?

બંને સમાજની સમજણ પાકી અને તેમની વચ્ચેની એકતા સાચી હતી. એટલે તેમણે આ ચેષ્ટા સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી. ‘દિવ્ય ભાસ્કર’ની વેબસાઇટ પર પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે, ભાવનગર પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખે પણ આ પગલાની આકરી ટીકા કરી અને વડાપ્રધાન પર ધાર્મિક-સામાજિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાનો આરોપ મૂકીને, કાયદેસર કાર્યવાહીની માગણી કરી. (2-12-2017)

આ બનાવને ચૂંટણીલક્ષી છમકલું ગણીને ભૂલી જવા જેવો નથી. વડાપ્રધાનના આશય કરતાં વધારે અગત્યનો મુદ્દો બે સમાજ વચ્ચેની એકતાનો છે. સમાજના ખટરાગ ધરાવતા સમુદાયો વચ્ચે પરસ્પર અવિશ્વાસ દૂર થાય તો જ સમજપૂર્વકની એકતા થાય. આવી એકતામાં કોઈએ એકબીજામાં ઓગળી જવાપણું ન હોય, પણ રોજબરોજના જીવને-સહઅસ્તિત્વને ઘર્ષણમુક્ત અને તનાવમુક્ત બનાવવાનું હોય. હિંદુ-મુસ્લિમો વચ્ચે, ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે કે એવા બીજા કોઈ પણ સમુદાયો વચ્ચે કાયમી તનાવ રહે તો તેમાં સૌથી વધુ ફાયદો રાજનેતાઓને અને ધર્મનેતાઓને થઈ શકે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે જે કંઇ પ્રયાસ કર્યા, તેે બંનેમાંથી એકેય પક્ષના કોઈ પણ ધર્મનેતા કરી શક્યા હોત? (કરવા ધાર્યું હોત કે નહીં એ વળી બીજો મુદ્દો છે)

માનવ ઇતિહાસની ભયંકર ઘટનાઓમાં સ્થાન પામે એવા ભાગલાનાં હુલ્લડો વખતે અવિશ્વાસનો દાવાનળ ભભૂકતો હતો. ગાંધીજી પોતાના વ્યક્તિગત નૈતિક પ્રભાવના અમૃતજળની કૂપી લઈને તેને ઠારવા મથતા હતા અને કમાલની વાત એ છે કે ઘણાં ઠેકાણે તે સફળ પણ થયા. તેમનું મુખ્ય કામ અવિશ્વાસ દૂર કરવાનું હતું. કારણ કે અસલામતીના રાજકારણનો પાયો અવિશ્વાસ છે. ગાંધીજીની જન્મશતાબ્દિના વર્ષે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી શરૂ કરીને છેક 2002 સુધી હિંદુ-મુસ્લિમો વચ્ચેનો આવો અવિશ્વાસ અમુક શહેરોના અમુક વિસ્તાર પૂરતો સીમીત રહ્યો. બાકીના મોટા ભાગના ભારતમાં હિંદુ-મુસ્લિમોનું સહઅસ્તિત્ત્વ સહજતાથી ચાલુ રહ્યું. તેમની વચ્ચે ઝઘડા તો થાય, પણ તે ‘કોમી’ ન હોય. એકબીજા સાથે સુમેળથી રહેવાને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એવી પણ તેમને ખબર ન હોય. સામે પક્ષે હિંદુહિતના નામે મુસ્લિમવિરોધી પ્રચારમારો, અવિશ્વાસ વધારવાની કોશિશો ધીમી ધારે સતત ચાલુ રહ્યાં હતાં. તેના લીધે ગાંધીહત્યા પછી આવી રહેલી રુઝનો પોપડો બાઝ્યો- ન બાઝ્યો ને તૂટી ગયો.

એ વખતે કોંગ્રેસે મુસ્લિમોનું ખરેખરું હિત ઇચ્છ્યું હોત તો મુસ્લિમ સમાજમાં રહેલા ભણેલાગણેલા, પ્રગતિશીલ, સમજુ લોકોને સમાજના નેતા તરીકે આગળ કર્યા હોત, પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં ભારતને પોતાનો દેશ ગણીને અહીં રહી ગયેલા મુસ્લિમોનો બાકીના સમુદાયો સાથે સંવાદ-સુમેળ વધે અને અવિશ્વાસની ખાઈ ધીમે ધીમે પુરાય એવા પ્રયાસ કર્યા હોત, મુસ્લિમોમાં રહેલા ગુનેગારોને ‘મુસ્લિમ’ ગણીને વોટબેન્કના રાજકારણમાં તેમનો ઉપયોગ કરવાની લાલચ છોડીને, ફક્ત ‘ગુનેગાર’ તરીકે તેમની સાથે કામ લીધું હોત... તો તેનાથી બે ફાયદા થયા હોતઃ મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્તોનું વજન ઘટ્યું હોત, ધાર્મિક સિવાયના ભણતરનું પ્રમાણ પણ વધ્યું હોત અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અતર સતત સંવાદના અભાવે ઘટ્યું હોત. આવું થયું હોત તો હિંદુ-મુસ્લિમોના હિતના નામે તેમની વચ્ચે સતત અવિશ્વાસનું રાજકારણ ખેલનારા બંને પક્ષના અંતિમવાદીઓના હાથ હેઠા પડ્યા હોત.

જે વેરઝેરનું સામાજિક મૂલ્ય નથી રહેતું કે તેનો સામાજિક-વૈચારિક મહિમા નથી થતો, એ સમાજમાં ટકી શકતું નથી. એવા વેરઝેરનું વિષ ચલણમાંથી કાઢી નાખવાનું કામ રાજનેતાઓ કરવા ઇચ્છતા નથી અને કરી શકતા પણ નથી. હા, રાજનેતાઓ તેને વકરાવી શકે છે અને એ ખૂણેખાંચરે પડ્યું હોય તો તેને મુખ્ય મંચ પર લાવી શકે ખરા. લોકો પોતાને ઉદ્ધારક કે સંરક્ષક ગણે તે માટે પણ લોકોના મનમાં અસલામતી અને દહેશત ઉભી કરવી જરૂરી છે. બીક હોય તો જ ઉદ્ધારકની ગરજ પડે. આ સત્ય નાગરિકો સમજતા નથી અને નેતાઓ બરાબર સમજે છે. એટલે નાગરિકોના મનમાં રહેલા અવિશ્વાસ-આશંકા-પૂર્વગ્રહોને સતત મોટા કરવામાં આવે છે અને દાવો એવો કરવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે થઈ રહ્યું છે.

નેતાઓ આપણા રોજિંદા-કાયમી સંબંધોને અભડાવી ન જાય, એ સામાજિક તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે અને તે આપણા હાથમાં હોય છે. ‘ભાવનગર મોડેલ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Tuesday, November 21, 2017

જ્ઞાતિવાદનું રાજકારણ અને આપણે

ચૂંટણી નજીક આવે એટલે જ્ઞાતિવાદી ઓળખોને નવેસરથી ધાર નીકળે છે. આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપની સામે ઉભા થયેલા ત્રણેય પડકારોની પ્રાથમિક ઓળખ જ્ઞાતિઆધારિત છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અને તેની બહાર વારંવાર એવું શાણપણ સાંભળવા મળે છે કે ‘જ્ઞાતિવાદ ને એવું બધું ખોટું કહેવાય. જ્ઞાતિવાદી રાજકારણનો વિરોધ કરવો જોઈએ.’

આવું કહેનારાના મુખ્ય બે પ્રકાર પાડી શકાયઃ એક એવા, જેમને ભાજપ સામેના કોઈ પણ પડકાર સામે વાંધો પડે છે. તેમની વફાદારી કે તેમનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ છે. આ લાગણીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપીને, તેને વધુ સ્વીકૃત બનાવવા માટે તે જ્ઞાતિવાદના વિરોધનું ઓઠું રચે છે. બીજા લોકો એવા છે, જે રેતીમાં માથું ખોસીને, આસપાસની વાસ્તવિકતા નજરઅંદાજ કરીને, હવામાં આદર્શવાદના ઉપદેશ આપે છે. આ લોકો માને છે કે તેમના ઇન્કારથી વાસ્તવિકતા બદલાઈ જશે--ચાહે તે વાસ્તવિકતા જ્ઞાતિ આધારિત ભેદભાવો વિશેની હોય કે રાજકીય પક્ષોની દાનત વિશેની.

એમ તો ત્રીજો પણ એક પ્રકાર છે. તે જ્ઞાતિ આધારિત ભેદભાવને રાજકીયને બદલે સામાજિક સમસ્યા ગણાવે છે અને ચૂંટણી સિવાય પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ વિશે ધ્યાન દોરતો રહે છે. પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે અથવા ‘ચોર કોટવાળને દંડે’ પ્રમાણે, તેમની પર એવો આરોપ થાય છે કે ‘તમે આવી વાતો કરો છે, એટલે જ જ્ઞાતિવાદ વધે છે. બાકી, લોકો તો આ બધું ક્યારના ભૂલી ચૂક્યા છે.’

અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ--આ ત્રણે ભાજપવિરોધના મુદ્દે એકમત છે. એ સિવાય તેમની માગણીઓ અને આકાંક્ષા જુદાં છે. તેમાં જ્ઞાતિવાદનું તત્ત્વ કેટલું અને સમાજની ચિંતાનું તત્ત્વ કેટલું, એ વિવાદનો વિષય છે. પરંતુ આ ત્રણે પર અથવા તો ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદી રાજકારણનો આરોપ મુકનારા લોકો પોતે જ્ઞાતિના મુદ્દે કેવું વલણ ધરાવે છે?

એ તપાસતાં પહેલાં વધુ એક સચ્ચાઈઃ રાજકીય પક્ષો ગમે તેવા દાવા કરે કે ગમે તેટલી સુફિયાણી વાતો કરે, તેમને માત્ર ને માત્ર જીત વહાલી હોય છે. એ માટે જે કરવું પડે એ કરવા માટે બધા રાજકીય પક્ષો તૈયાર હોય છે. તેમાં જ્ઞાતિનું સમીકરણ મુખ્ય હોય છે. સેક્યુલરિઝમની કે હિંદુત્વની, વિકાસની કે ગાંડા વિકાસની--આ બધી વાત કરનારાને ઉમેદવાર પસંદ કરવાના આવે ત્યારે મંડાતા હિસાબ મુખ્યત્વે જ્ઞાતિગણિતના હોય છે. તેમાં પાવરધા હોય એવા વ્યૂહબાજોને ‘ચાણક્ય’નાં બિરુદ પણ અપાય છે. (બિચારા ચાણક્ય) આવા વ્યૂહખોરોની ઘણી મહાનતા એ ગણતરીમાં સમાયેલી હોય છે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિઓ સંખ્યાની (મતની) રીતે પ્રભાવી છે અને એવાં પ્રભાવી જ્ઞાતિજૂથોના મતોના સરવાળા કેવી રીતે પાર પાડવા?

ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઉભા કરે છે, ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિઆધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઉભો કરવામાં આવે છે, તો ક્યારેક ચૂંટણી પહેલાં આવી પ્રભાવી જ્ઞાતિસમુહના આગેવાનોને પલાળીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે--અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે ‘તુષ્ટિકરણ’ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને ‘વોટબેન્કનું રાજકારણ? એ તો સામેવાળાનું કામ.’

હકીકતમાં, બંને પક્ષો વિવિધ સમુદાયોની વોટબેન્ક પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. એવું કરવામાં સફળતા મળે, તો તેને ‘સોશિયલ એન્જિનિયરિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાવવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં ભૂતકાળમાં ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય), KHAM(ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) જેવાં ‘સોશિયલ એન્જિનિયરિંગ’નાં ઉદાહરણ નોંધાયેલાં છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ખ્યાત ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવા માટે પંકાયેલો છે.

જાગ્રત નાગરિકો નહીં, પણ રાજકીય પક્ષ વોટબેન્કના રાજકારણનો વિરોધ કરે, ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટબેન્કના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવી ગયો, એવું ઘણા માને છે.  તેમને કાં ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઇચ્છા નથી કે ભૂતકાળમાં અનેક વાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ‘ઓબીસી નેતા’ તરીકે થઈ ચૂકી છે.

પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ-કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી? એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે. કારણ કે, એમ કરવાથી તેમને સફળતા મળે છે.

શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.
આ રાજકારણ ક્યાં ચાલે છે? અને તેને કોણ ચલાવે છે?
જવાબઃ એ રાજકારણ સમાજમાં ચાલે છે. તેને ચલાવનારા આપણે છીએ.

આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે. એટલે રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણે વિચારપુખ્ત અને સમજુ હોત, તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં ‘કીક’ આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી.  દાખલા તરીકે,  રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવનધોરણ સુધરી ગયું ન હતું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય, તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાં જરાય પૂરતું નથી--અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે, એવું માની લેવાની જરૂર નથી.

એવી જ રીતે, ભારતનું બહોળું જ્ઞાતિવૈવિધ્ય વિધાનગૃહોમાં જોવા મળે, તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે, નાગરિકોએ, સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં ને મિથ્યાભિમાનમાં રાચીશું, તેમાં જ આપણી ઇતિશ્રી માનતા રહીશું, ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે

--અને એ દોષનો બધો ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય. કેમ કે, તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદ્ અંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ-કમ-પરિણામ હશે.