Friday, December 12, 2025
અણગમતા રાજકીય વિચાર ધરાવતા કલાકારો વિ. એજન્ડાવાળી ફિલ્મો
એજન્ડાવાળી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકારો--આ બે વચ્ચે હું અંગત રીતે ભેદ પાડું છું. જેમ કે, પરેશ રાવલ મને નેતા કે રાજકારણી તરીકે સદંતર નાપસંદ છે, પણ તેમનું એ સ્વરૂપ તેમનો અભિનય માણવામાં મને નડતું નથી. નરેન્દ્ર મોદીની ભૂમિકા કરનાર વિવેક ઓબેરોયની 'ઓમકારા' જેવી ફિલ્મો જોવાનો આનંદ જ આવે છે. એવું જ 'તનુ વેડ્સ મનુ'માં કંગના વિશે અને 'જોલી' સહિતની કેટલીક ફિલ્મોમાં અક્ષય કુમાર વિશે.
તો આ એક વાત થઈ. કલાકારની કલાકારી, જે તેમના અંગત વિચારો કરતાં સાવ જુદી બાબત છે.
હવે વાત નેરેટીવ ઊભો કરનારી ફિલ્મોની.
હિટલરના જમાનામાં એક ધુરંધર ફિલ્મકાર અને તસવીરકાર થઈ ગયાં. તેમનું નામ લેની રાઇફન્સ્ટાલ (Leni Riefenstahl. ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી). તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ Triumph of the Will (1935) હિટલરનો દબદબો સ્થાપિત કરવામાં બહુ મહત્ત્વની ગણાય છે. એટલે કે, તેનું મહત્ત્વ એક ફિલ્મ કે દસ્તાવેજી ફિલ્મનું હોઈ શકે એના કરતાં બહુ વધારે ગણાય છે--અને એવું ફિલ્મ રીવ્યૂકારો નહીં, ઇતિહાસકારો માને છે. સાથોસાથ, એવું પણ કહેવાય છે કે ફિલ્મકળાની દૃષ્ટિએ તે ફિલ્મ ઉત્કૃષ્ટ હતી.
તો, બંદૂક સોનાની હોય, તો તેનાથી થતી હિંસા નજરઅંદાજ કરીને, તે 24 કેરેટ સોનાની છે, એવાં વખાણ ન થાય. એમ ફિલ્મ તરીકે ગમે તેટલી મહાન હોય, પણ તેનો એક મુખ્ય સૂર ભૂતકાળની સરકારને ધોકા મારવાનો હોય તો તેના વિશે પ્રશ્નો થવા જોઈએ.
સામાન્ય સંજોગોમાં એક સરકારની ટીકા કરતી ફિલ્મ પછીની સરકારના વખતમાં આવે તો તે સ્વાભાવિક ગણાય. કારણ કે ચાલુ સરકારની ટીકા કરવાની હિંમત કોઈ ન કરે. પણ સાથોસાથ એવી અપેક્ષા હોય કે જે મુદ્દે ભૂતકાળની સરકારની ટીકા કરવાની થઈ, એ મુદ્દે વર્તમાન સરકાર સખણી ચાલતી હશે.
જેમ કે, કટોકટી વિશેની ફિલ્મો નરેન્દ્ર મોદીના રાજ પહેલાંની કોઈ પણ સરકારમાં આવે તો થાય કે બરાબર છે. કટોકટી વખતે જે કહી ન શકાયું, તે કટોકટીની આત્યંતિકતાઓ ભૂતકાળ બન્યા પછી ફિલ્મ થકી કહી શકાય છે. તેમાં કશું ખોટું નથી.
પરંતુ કટોકટીને ભૂલાવે એવી કટોકટી ચાલતી હોય, ત્યારે જૂની કટોકટીની ફિલ્મ લઈને આવવું અને વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પ્રત્યે હળવો ઇશારો સુદ્ધાં ન કરવો, તે રાજકીય, બલ્કે, પક્ષીય એજેન્ડા કહેવાય અને એને ઓળખવો પડે. કારણ કે એવી ફિલ્મો વર્તમાન સરકારની ઘોર નિષ્ફળતાને બહુ અસરકારક રીતે ઢાંકી દેવાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.
તેનું મૂલ્યાંકન નકરા માસુમ ફિલ્મપ્રેમી તરીકે ન કરાય. એવું કરીએ તો તે ભૂતકાળની ઓથે વર્તમાન છુપાવી દેવાના હાલની સરકારના વિરાટ યંત્રનો એક પૂરજો બનીને રહી જઈએ--ઇચ્છાએ કે અનિચ્છાએ.
આ કસોટી 'ધુરંધર' માટે લાગુ પાડીને વિચારી જોજો.
Sunday, October 23, 2022
મહેફિલ હેમંતકુમાર અને વી. બલસારાની
ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત.
તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી.
નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા.
રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે.
એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...
ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)
બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."
***
'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા. એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી.
થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.
સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ.
ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે.
***
ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ.
આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી.
પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.
હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.
1. 6ઃ52થી
2. 20ઃ25થી
આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?
***
શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી.
કૈસી યે પહેલી હાયે...
ગીતો, ગીતોની સર્જનપ્રક્રિયા, ગાયકો તે ગીતો કેવી રીતે ગાય છે, તેનું ઇન્ટરલ્યુડ મ્યુઝિક કેવી પ્રક્રિયાથી તૈયાર થાય છે--આ બધું મારા માટે કાયમી વિસ્મયનો વિષય છે.
શબ્દો-સંગીત-સૂરનું સંયોજન મને હંમેશાં જાદુઈ જ નહીં, દૈવી લાગ્યું છે. આસ્તિક ન હોવા છતાં, ઘડીભર એવું માનવાનું મન થાય છે કે આટલી પરફેક્ટ રચના કોઈ માણસ કે માણસોની શી રીતે હોય? નક્કી તેમાં કોઈ દૈવી તત્ત્વ હોવું જોઈએ એવો ભાવ મનમાં અને આંખોમાં પણ ઉભરાતો હોય છે.
અજિત મર્ચંટ જેવા સંગીતકાર સાથે કલાકોના સત્સંગમાં ઘણી વાર તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. તેમની અતિપ્રસિદ્ધ રચના 'તારી આંખનો અફીણી'નો તો પૂરજેપૂરજો તેમણે મને છૂટો પાડીને, રીવર્સ એન્જિનિયર કરીને બતાવ્યો. છતાં, કોઈક તત્ત્વ એવું હોય છે, જે તર્કમાં પકડાતું નથી. સીધું મનને સ્પર્શી જાય છે.
આટલી લાંબી પ્રસ્તાવના પછી એક અતિશય જાણીતા ગીતની વાત. 'ઝિંદગી કૈસી હૈ પહેલી હાય'(આનંદ, મન્ના ડે, સલિલ ચૌધરી, યોગેશ) જેટલી વાર સાંભળું એટલી પહેલી વાર સાંભળ્યા જેવી આરપાર અસર થાય છે. હવે તો યુટ્યુબ પર મન્ના ડે તે ગીત લાઇવ ગાત હોય એવી વિડીયો પણ છે.
મૂળ ગીતની સરખામણીમાં લાઇવમાં વાદ્યો સાવ ઓછાં છે. છતાં, મન્ના ડે 'કભી યે હસાયે, કભી યેે રુલાયે'-માં જે રીતે 'હસાયે' અને 'રુલાયે' શબ્દો ઉચ્ચારે છે, બલ્કે ફંગોળે છે, તે એટલું સહજ લાગે છે કે તેમાં કશું નોંધપાત્ર ન લાગે. ( એક ગીતમાં મન્નાડેના અવાજ માટે 'સ્વરફંગોળ' એવો પ્રયોગ રજનીકુમાર પંડ્યાએ પહેલી વાર કર્યો હતો. તે એટલો આબાદ છે કે બીજો કોઈ શબ્દ તેની જગ્યાએ ગમતો નથી.)
પરંતુ આ જ ગીત યુટ્યુબ પર કવિતા કૃષ્ણમૂર્તિ જેવી તાલિમી ગાયિકાના અવાજમાં અનાયાસે સાંભળવા મળ્યું. તેમાં કવિતા કૃષ્ણમૂર્તિને 'હસાયે' અને 'રુલાયે'માં જે મહેનત પડી અને છતાં મન્ના ડે જેવી અસર તો ન જ આવી, એ જોઈને વધુ એક વાર મન્ના ડેની ગાયકી વિશે નતમસ્તક થઈ ગયો. મહાનતા અને સાહજિકતા વચ્ચે ઊંડો સંબંધ હોય છે.
***
મન્ના ડેના લાઇવ ગીતની લિન્ક
ફિલ્મ માટે રેકોર્ડ થયેલા, પૂરી ઓર્કેસ્ટ્રા સાથેના, ગીતની લિન્ક
અને જિજ્ઞાસા ખાતર સાંભળવાનું મન થાય તો કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં એ ગીતની લિન્ક
Wednesday, March 16, 2022
સામુદાયિક અત્યાચારો, નાગરિકધર્મ અને ફિલ્મની ભૂમિકા
કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલો અત્યાચાર, દિલ્હીમાં શીખો પર થયેલો અત્યાચાર, ગુજરાતમાં મુસ્લિમો પર થયેલો અત્યાચાર અને આવા બીજા બધા જ અત્યાચારોને એકબીજાની સામે મૂકીને, તેમના સામસામા છેદ ઉડાડી શકાય નહીં.
એક અત્યાચારની વાત થાય ત્યારે, નાગરિક તરીકે આપણે તેની સામે બીજા અત્યાચારનું પત્તું ઉતરીને, પહેલા અત્યાચારને નકારી શકીએ નહીં.
જેમ કે, કોઈ કાશ્મીરની વાત કરે ત્યારે 'તમે 2002માં ક્યાં હતા?' અને કોઈ 2002ની વાત કરે ત્યારે 'તમે પંજાબમાં ક્યાં હતા?' એવું નાગરિકો તરીકે ન પૂછાય. એ ધંધો રાજકીય પક્ષોનો છે. કારણ કે, તેમને ન્યાય અપાવવામાં નહીં, મત અંકે કરવામાં રસ હોય છે.
નાગરિકો પર સામુહિક કે સામુદાયિક ધોરણે થયેલા અત્યાચારના કિસ્સામાં ન્યાયની માગણી માટે, તમામ ન્યાયપ્રેમી નાગરિક સમુદાયોએ હાથ મિલાવવા પડે. બધા લોકો દરેક વખતે સક્રિય કે બોલકું સમર્થન આપી ન શકે તો કમ સે કમ, મૂક સમર્થન તો આપી જ શકે. તેની પાછળનો આશય એટલો કે કોઈ અત્યાચારને ઢાંકવા માટે બીજા અત્યાચારોનો ઉપયોગ ન થાય.
***
જુદા જુદા પ્રકારના અત્યાચારનો વિરોધ કરનારા પંજા લડાવવાને બદલે હાથ મિલાવે તો?
હું કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ એ વાતમાં સંપૂર્ણપણે સંમત છું અને તે માટે બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને તેમની નિષ્ફળતાઓ પછી મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું.
હું 2002માં જે લોકોની હત્યા થઈ તેમના માટે ન્યાયની માગણીમાં સામેલ છું. અને તે માટે તત્કાલીન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ત્યાર પછીની બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું. (આ બે પ્રસંગ તો જાણીતાં ઉદાહરણ તરીકે.)
મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરી પંડિતો માટે ન્યાય માગનારા આખી વાતમાં ભાજપની ભૂમિકા, જવાબદારી અને નિષ્ક્રિયતા પ્રત્યે આંખ આડા કાન કરે. 2002 માટે ન્યાય માગનારા કોંગ્રેસની ભૂમિકા, જવાબદારીની અને નિષ્ક્રિયતા બાજુ પર રાખીને જ વાત કરવા ઇચ્છે.
આ લક્ષણ ન્યાયપ્રિય નાગરિકોનાં નહીં, પક્ષના 'વફાદાર' કાર્યકરોનાં અથવા આખી કરુણતાની રાજકીય કે બીજી રીતે રોકડી કરી લેનારાનાં છે. (અહીં વફાદારનું વિશેષણ હકારાત્મક અર્થમાં નથી. ) એવા અભિગમથી પીડિતોને ન્યાય નથી મળતો, પણ તેમની પીડાનો વેપાર થઈ જાય છે.
***
સામુદાયિક અત્યાચાર દર્શાવતી ફિલ્મોની વાત આવે ત્યારે, તે ફિલ્મ બનાવનારનો આશય શો છે, તે સૌથી અગત્યનું છે. આશય ફિલ્મ પરથી નક્કી કરી શકાય છે. દા.ત.
- સંવેદન જગાડતી ફિલ્મઃ તેનો આશય દર્શકોને એક પ્રકારનો અત્યાચાર બતાવીને, એવા તમામ પ્રકારના અત્યાચારો સામે લોકોને સંવેદનશીલ બનાવવાનો હોઈ શકે. તેવી ફિલ્મ તમામ પ્રકારના અત્યાચારો સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપી શકે. 'શિન્ડલર્સ લીસ્ટ' આવી એક ફિલ્મ છે, જેમાં ક્રૂરતમ વાતાવરણમાં પણ બે સમુદાયોને બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચી દેવાયા નથી. તે ફિલ્મમાં બધેબધા યહુદી પીડિત નથી અને બધા જર્મન વિલન નથી. સંવેદના જગાડવા માટે બનાવાયેલી ફિલ્મની એ ખાસિયત હોય છે.
- દસ્તાવેજીકરણ ધરાવતી ફિલ્મઃ તેમાં અન્યાય સામે ન્યાયની લડત જીવંત રાખવા માટે ઘટનાઓનું યથાતથ આલેખન કરાયું હોય છે. આખા ઘટનાક્રમનાં શક્ય એટલાં વધુ પાસાં રજૂ કરવામાં આવે છે. રજનીશ વિશેની સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' (નેટફ્લિક્સ) તેનું ઉત્તમ ઉદાહરણ છે.
- ધિક્કારકેન્દ્રી ફિલ્મઃ કેટલાક મુસલમાન ધર્મગુરુઓ મુસલમાનવિરોધી હિંસાનાં ચુનંદાં દૃશ્યોનો ઉપયોગ મુસલમાન યુવાનોને તમામ હિંદુઓ સામે ઉશ્કેરવા માટે કરતા હોવાનું જાણ્યું છે. એવી જ રીતે, હિંદુવિરોધી હિંસાનાં દૃશ્યો બતાવીને હિંદુઓને બધા મુસલમાનો સામે ઉશ્કેરવાનો ધંધો પણ થાય છે. આ પ્રકારની ફિલ્મોનો આશય ન્યાયનો કે દસ્તાવેજીકરણનો નહીં, ધાર્મિક કે રાજકીય નેતાગીરીના લાભાર્થે સમાજમાં ધિક્કારની બોલબાલા કરવાનો હોય છે. આવી ફિલ્મ બનાવનારા દાવો તો પહેલા બે પ્રકારનો કરે છે, પણ તે પ્રકારોની મૂળભૂત શરતોનું તેમાં પાલન થતું નથી. આવી ફિલ્મોનો આશય ઘાની દવા કરવાનો નહીં, ઘા વકરાવવાનો હોય છે, જેથી રાજકીય, ધાર્મિક અને આર્થિક સહિતનાં અનેક સ્થાપિત હિતોનું કામ થઈ જાય.
***
વિશ્લેષણ માટે 'કાશ્મીર ફાઇલ્સ' ને કોઈ અલગ નિયમ કે માપદંડથી માપવાની જરૂર નથી. ઉપર જણાવેલા સામાન્ય નિયમો પૂરતા છે.
શાંતિથી વાંચજો, વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.
Monday, September 23, 2019
બજારની ઝાકઝમાળમાં ખોવાયેલું વનરાજનું સંગીત
![]() |
| (L to R) Preeti Sagar, Shyam benegal, Smita Patil, Vanraj Bhatia |
ફિલ્મઉદ્યોગની લોકપ્રિય હસ્તીઓની ગુમનામી અને આર્થિક બેહાલીની કરુણ કથાઓ એક સમયે સામાન્ય ગણાતી હતી. કલાકાર પોતાના સમયમાં પ્રખ્યાત બન્યા હોય, કમાયા હોય, પણ યોગ્ય આયોજનના અભાવે કે ઉડાઉ પ્રકૃતિના કારણે અને લાંબા આયુષ્યના પ્રતાપે છેલ્લાં વર્ષોમાં મુશ્કેલી પડી જાય એવું બને. એ વખતે સારસંભાળ રાખનાર તો ઠીક, મળવા આવનાર પણ કોઈ ન હોય. એ પ્રકારના સમાચાર વનરાજ ભાટિયા વિશે વાંચ્યા, તેના ૧૧ વર્ષ પહેલાં મોટા ભાઈ બીરેન સાથે ભાટિયાને મળવાનું થયું હતું.
ખાસ તેમનો સમય લઈને તેમને મળવા મુંબઈના તેમના ઘરે પહોંચ્યા ત્યારે મનમાં અનેક સંગીતસભર સ્મૃતિઓ ઊભરાતી હતીઃ શ્યામ બેનેગલની 'અંકુર'થી 'સરદારી બેગમ' સુધીની ફિલ્મોમાં ભાટિયાનું સંગીત હતું. પણ 'મારો ગાંવ કાંઠા પારે' (‘મંથન’), ‘તુમ્હારે બિન જી ના લગે ઘરમેં’ (‘ભૂમિકા’) જેવાં પ્રીતિ સાગરે ગાયેલાં ગીતો સવિશેષ રીતે મનમાં ગુંજતાં હતાં. ગોવિંદ નિહલાણીની યાદગાર ટીવી શ્રેણી ‘તમસ’નું, કારુણીનો માહોલ ખડો કરી દેતું આક્રંદમય ટાઇટલ મ્યુઝિક, બેનેગલની ‘ભારત એક ખોજ’ શ્રેણીનું મંત્રમુગ્ધ કરી નાખે એવું ટાઇટલ મ્યુઝિક તથા તેના કેટલાય હપ્તાનું મનમાં અંકાઈ ગયેલું સંગીત... https://www.youtube.com/watch?v=Yx21N-kb4uU
વનરાજ ભાટિયાએ જેમાં સંગીત આપ્યું, એવી સમાંતર ધારાની ‘આર્ટ’ ફિલ્મોમાં મોટે ભાગે ગીતો જ ન હોય અથવા એટલાં ઓછાં હોય કે તેની અલગ રેકોર્ડ ભાગ્યે જ બહાર પડે. 'અમુલ'ની સહકારી ક્રાંતિની કથા પરથી બનેલા ‘મંથન’ના ગુજરાતી છાંટ ધરાવતા ગીત ‘મારો ગાંવ કાંઠા પારે’ની એક ઇ. પી. રેકોર્ડ બહાર પડેલી, જેની એક બાજુ ગીતનો એક ભાગ હતો ને બીજી બાજુ બીજો. ‘ભૂમિકા’ની લોંગ પ્લે રેકોર્ડની પાછળ ભાટિયાનો પ્રૌઢ વયનો ફોટો જોવા મળ્યો. બાકી, સંગીતકાર તરીકે આટલા પ્રતિભાશાળી હોવા છતાં તેમની એકલદોકલ તસવીર માંડ જોવા મળતી હતી. એટલે રૂબરૂ મુલાકાત વખતે જિજ્ઞાસાની શરૂઆત તેમના શારીરિક દેખાવથી થતી હતી અને પછી તેમની કારકિર્દી-વ્યાવસાયિક સફળતા-સર્જકતા-કદર જેવી ઘણી બાબતો વિશે સવાલ કૂદકા મારતા હતા.
‘ભાટિયા’ હોવાથી વાતો ગુજરાતીમાં થઈ શકશે, એ ધારણા તો સાચી પડી. પરંતુ એ સિવાયની મોટા ભાગની ભવ્ય ધારણાઓને તે એક પછી એક ખોટી પાડતા ગયા. ફિલ્મોમાં તેમની કારકિર્દી ભલે ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ, પણ જન્મતારીખ ૩૧ મે, ૧૯૨૭. એટલે ધાર્યાં કરતાં તેમની ઉંમર ઘણી વધારે નીકળી. સમાંતર ફિલ્મો બનાવનાર નામી નિર્દેશકોના પ્રિય સંગીતકાર તરીકે તેમની ઓળખ ભલે અપાતી હોય, પણ તેમને પોતાને તે ઓળખ બહુ પ્રિય ન હતી. ‘એનએફડીસીવાળા’ (‘આર્ટ ફિલ્મો’ના) નિર્દેશકો વિશે તેમણે કહ્યું, ‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વધુમાં વધુ એકાદ અંતરો તે પિક્ચરાઇઝ કરી જાણે. ’ એટલે વનરાજ ભાટિયાએ બનાવેલું ઉત્તમ ગીત ફિલ્મમાં અધવચ્ચેથી કટ થઈ જાય અથવા તેને ટુકડા સ્વરૂપે આખી ફિલ્મમાં વિખેરી નખાય. એ જ નિર્દેશકો એ. આર. રહેમાન જેવા સંગીતકાર સમક્ષ ‘કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે’ એવું પણ તેમણે કહ્યું.
ફિલ્મો અને ટીવી શ્રેણીઓ ઉપરાંત તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના ઉત્તમ સંમિશ્રણ જેવાં ઘણાં આલ્બમ તૈયાર કર્યાં છે. તેમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદનો સમાવેશ થાય છે. જાપાનની પહેલથી બનેલી રામાયણ વિશેની આંતરરાષ્ટ્રીય એનિમેશન ફિલ્મ હોય કે જુદાં જુદાં સ્થાપત્યો વિશે નામી વિદ્વાનો સાથે મળીને નામી નિર્દેશકોએ બનાવેલી ડોક્યુમેન્ટરી હોય, આવા પ્રતિષ્ઠિત અને ઊંચી ગુણવત્તાની અપેક્ષા ધરાવતા પ્રોજેક્ટમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય. બેનેગલ-નિહલાણી ઉપરાંત કેટકેટલા નિર્દેશકોની પ્રયોગશીલ ફિલ્મો (જેમ કે, કુંદન શાહની 'જાને ભી દો યારોં’, અપર્ણા સેનની '૩૬, ચૌરંઘી લેન')માં સંગીતકાર તરીકે તેમનું જ નામ વાંચવા મળે.
'ભારત એક ખોજ' શ્રેણીના ૫૩ હપ્તામાં તેમણે આપેલું સંગીત ભારતીય ટીવીજગતના ઇતિહાસમાં આવું સંગીત 'ન ભૂતો, ન ભવિષ્યતી' છે. કેમ કે, પંડિત નહેરુના ગ્રંથ પરથી બનેલી આ શ્રેણીમાં ૫૩ હપ્તામાં ભારતનો પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ આવરી લેવાનો હતો. એ સમયગાળા દરમિયાન બદલાતા યુગ, બદલાતી સંસ્કૃતિ, પાત્રો, પ્રભાવો અને તેની સંગીતમય પ્રસ્તુતિનું કામ દરેકેદરેક હપ્તે નવો પડકાર લઈને આવતું હોય. પૃથ્વીરાજ ચૌહાણના કે જોતિરાવ ફુલેના હપ્તા વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે ગીતો પણ આવે.
આવું કપરું કામ આટલી ઉત્તમ રીતે કરવા બદલ વનરાજ ભાટિયાની કેવીય કદર થઈ હશે ને કેટલો જયજયકાર થયો હશે, એવી ધારણા ઉપર પણ તેમણે ઠંડું પાણી રેડ્યું. ‘આના માટે મળવા આવનારા તમે પહેલા છો’ એવું તેમણે કહ્યું ત્યારે લાગ્યું કે તે સારું લગાડવા કહે છે. પણ તેમની આખી વાતના સૂર પરથી લાગ્યું કે બીજા ઘણા કામની જેમ ‘ભારત એક ખોજ’ના તેમના કામની કદર ન થઈ, એનો પણ તેમને વાજબી રંજ છે.
દર અઠવાડિયે આટલું વૈવિધ્યપૂર્ણ અને ઊંડાણભર્યું કામ આપવા માટે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?--એવા સવાલના જવાબમાં ખડખડાટ હસીને તેમણે કહ્યું,‘વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઈને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડિંગ કરી દેવાનું. એટલે હપ્તો તૈયાર.’
યુટ્યુબના જમાનામાં 'ભારત એક ખોજ'ના બધા હપ્તા સહેલાઈથી જોવા મળે છે. https://archive.org/details/HindSwaraj-BEK-00 શ્રેણી તરીકે તો તે ઉત્તમ છે જ, પણ તેનો એકાદ હપ્તો જોવાથી સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાની ઊંચાઈનો ખ્યાલ આવશે--અને એવો વિચાર પણ આવશે કે આવું કામ ભૂલાઈ કેવી રીતે શકે? ગયા સપ્તાહે આવેલા અહેવાલોમાં ભાટિયાનું સંગીત ધરાવતી ઘણી ફિલ્મોનો અને ‘તમસ’ જેવી સિરીયલનો ઉલ્લેખ હતો, પણ ‘ભારત એક ખોજ’ની વાત ન હતી.
વનરાજ ભાટિયાને આર્થિક મદદ તો અલગ વાત છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદાનની પૂરતી નોંધ લેવાય-કદર થાય એ પણ એટલું જ જરૂરી લાગે છે.
Thursday, August 22, 2019
ખય્યામની વિદાયઃ થોડી વાતો
આવા ઘણા વિચાર ખય્યામના અવસાનના સમાચાર જાણીને આવ્યા. તે ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ, ૯૨ વર્ષે ગયા. મારા જેવા ઘણા સંગીતપ્રેમીઓ તેમને સુવર્ણયુગના છેલ્લા સર્જક ગણતા હતા. તેમનું સ્થાન વ્યાવસાયિક રીતે કદી પહેલી હરોળમાં ન ગણાયું, પણ તેમનો મોભો હંમેશાં આગવો રહ્યો. તેમની બીજા કોઈની સાથે સરખામણી ન કરી શકાય, એવું તેમનું કામ રહ્યું. ખાસ કરીને 'રઝિયા સુલતાન' અને 'ઉમરાવજાન' એવા સમયગાળામાં આવેલી ફિલ્મો હતી, જ્યારે જૂના ફિલ્મસંગીતના ઘણા પ્રેમીઓએ નવાં ગીત સાંભળવાનાં બંધ કરી દીધાં હોય (અને તેના માટે પૂર્વગ્રહ નહીં, મજબૂત કારણો જવાબદાર હોય). તેમને પણ ખય્યામનાં ગીત આવે એટલે સાંભળવાં પડે અને ખય્યામનાં ગીત જુદાં જ તરી આવે. ખય્યામના સંગીત વિશે યાદ આવતી થોડી છૂટીછવાયી વાતોઃ
![]() |
| LP of Khayyam's hits |
![]() |
| From the write up on the back side of Khayyam's LP |
ખય્યામનાં ઘણાં ગીતો ચોક્કસ પ્રકારની વાદ્યસૃષ્ટિ અને સૂરસૃષ્ટિને લીધે ઓળખાઈ જતાં. ઓપનિંગ મ્યુઝિક કે વચ્ચેનો કોઈ ટુકડો સાંભળવા મળે તો પણ થાય, 'ખય્યામ લાગે છે.' ઘણા સંગીતકારોની આવી શૈલી હતી. તેનું ભયસ્થાન એ હોય છે કે શૈલી એકવિધતામાં પલટાઈ શકે છે. ખય્યામની બાબતમાં એવું વાંધો પડે એ હદે ન બન્યું. ('પરબતોંકે પેડોં પર' અને 'બહારોં મેરા જીવન ભી સંવારો'--એક સાંભળતાં બીજામાં પહોંચી જવાય. પણ તેનાથી ખટકો ન લાગે.)
![]() |
| LP of Non film songs of Mukesh composed by Khayyam |
![]() |
| Phir Subah Hogi LP Front Cover |
આગળ સાહિર નિમિત્તે 'પ્યાસા'ને યાદ કર્યું. એવી જ રીતે, 'જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ' માં રફી જે રીતે નીચા સૂરથી શરૂઆત કરીને, સૂરના પગથિયાં ચડતાંચડાવતાં છેક ટોચ પર પહોંચે છે, તેનાથી 'યે દુનિયા અગર મિલ ભી જાયે'નું સહજ સ્મરણ થાય. નકલ કે પ્રેરણાની રીતે નહીં, પ્રકૃતિસામ્યને લીધે.
![]() |
| Umrao Jaan LP Front Cover |
૧૯૮૩માં આવેલી 'રઝિયા સુલ્તાન' આશાને બદલે લતાનાં ગીત હતાં. પણ તેમાં જબરી કમાલ ગુલામ યાકુતની ભૂમિકા માટેના પાર્શ્વગાયકે કરી. તેમનું નામ કબ્બન મિર્ઝા. વર્ષો પહેલાં ક્યાંક વાંચ્યા પ્રમાણે તે (લખનૌ?) રેડિયોમાં એનાઉન્સર હતા. તેમની પાસે ખય્યામે ગવડાવેલાં બે ગીત 'ખુદા ખૈર કરે' અને 'તેરા હિજ્ર મેરા નસીબ હૈ' ગાયકની સાથે ખય્યામની પણ દાદાગીરી બતાવનારાં છે. એકદમ બુલંદ અવાજ પાસે કેવું કામ લેવાય ને કેવું ન લેવાય, તેનો વિવેક જાળવીને ખય્યામે આ બે ગીતો બનાવ્યાં ને એ ગાઈને કબ્બન મિર્ઝા પાર્શ્વગાયનના ઇતિહાસમાં, એક નાનકડી પણ મજબૂત એન્ટ્રી તરીકે, અમર થઈ ગયા.
![]() |
| Center spread (above) and back side (below) of Razia Sultan double LP |
'નાખુદા'ની નુસરત ફતેહઅલીખાનની કવ્વાલી રેડિયો પર સાંભળીને ઘણા વખત સુધી તેના માટે ખય્યામને જશ આપતા હતા. પણ વર્ષો પછી અસલ નુસરતને સાંભળીને સમજાયું કે આ પ્રકારના ગાયકોની આવી કવ્વાલીમાં સંગીતકારે ભાગ્યે જ કશું કરવાનું બચતું હોય છે. આમ પણ, ખય્યામનું ખાતું એટલું સમૃદ્ધ છે કે આવી એકાદ એન્ટ્રી સકારણ ઓછી થાય તો કશો ફરક નથી પડતો.
ત્રીસેક વર્ષ પહેલાં બીરેન સાથે મુંબઈ ગમતા કલાકારોને મળવાના પ્રવાસો વખતે બીરેને ખય્યામના ઘરે પણ ફોન કર્યો હતો. યાદ છે ત્યાં સુધી જગજિત કૌરે ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે ખય્યામસાહેબને લુઝ મોશન છે. એટલે મળવાનું ફાવે એમ નથી. 'ફરી ક્યારેક'નો મેળ ન પડ્યો. એક વાર તે અમદાવાદ આવ્યા હતા. ત્યારે રજનીભાઈ તેમને મળવાના હતા. પણ અમારે નિરાંતે મળવાનું ન થયું. અલપઝલપ મુલાકાતની યાદગીરી તરીકે એકાદ ફોટો રહી ગયો છે, જેમાં ખય્યામસાહેબ અને રજનીભાઈની સાથે સલિલભાઈ (દલાલ) અને ચંદ્રશેખરભાઈ (વૈદ્ય) પણ હતા.
આરંભે જ કહ્યું તેમ, આ બધા દાદાઓ (અને દાદીઓ)ની રચનાઓ તેમની વિદાય પછી પણ જીવે છે ને આપણને જીવાડે છે. તેમનાં સર્જનો અને સર્જકતાને સલામ.
(તમામ રેકોર્ડ કવર અમારા--બીરેનના અને મારા-- સંગ્રહમાંથી)
Saturday, March 24, 2018
The Colour of Darkness – film by Girish Makwana
While editing a film-special issue of ‘Dalitshakti’ magazine—a Gujarati monthly dedicated to Dalit issues, I found a glaring absence of heartfelt movies based on caste discrimination. Of course there are movies right from ‘Acchut Kanya’(1935), ‘Acchut’(1940) to ‘Aarakshan’ (2011), but they are more focused on sympathy than talking about rights or equality. How would a film portraying the bitter reality and wide sweep of caste discrimination look? I could not find the answer.
Nick Clooney (Hollywood actor George Clooney’s Dad, a noted journalist) must have faced a similar predicament while writing ‘The Movies That Changed Us’. He could not find a single film doing complete justice to the discrimination faced by the Blacks in the US. Clooney included many films and discussed its social impact in the book. Then he wrote a chapter called “The Film That Was Never Made”, to stress absence of a genuine movie depicting evil of racism.
I am not sure about Clooney, but for me, I found answer in Girish Makwana`s ‘The Colour of Darkness’. This film brings two issues – racism and casteism in one fold, in one story. This is probably the first film to link both kinds of discrimination, and portray a nuanced reality. For this very reason, it can be called The Film That Was Never Made.
![]() |
| Color of Darkness : A film by Girish Makwana |
Girish Makwana (Music,Writer, Director) himself was a fighter from young age. He not only fought casteism but also polio, to be where he is today. He possesses a distinct personality which sticks in your mind after just one meeting. He is classically trained to play tabla and his hair falls like that of Ustad Zakir Hussain. He always has a scarf-like gamchha around his neck and a distinct way of talking. His first impression might be filmy but that is far from reality. As soon as you get to know him, you realise how grounded and talented he is. Warmth and happiness reflect in personal interaction with him. He can swiftly and easily switch between Australian English and Charotari Gujarati.
In 2009, when attacks on Indian students happened in Melbourne, Girish was there. The Indian media was calling Australia a racist country but Girish himself wasn’t quite sure. While he condemned the attacks, he himself had rarely faced racism in all the years he had stayed in Australia. Besides, Girish thought who were Indians really to call anyone racist? A system as old and as atrocious as the caste system doesn’t exist anywhere else in the world. With due apologies to Gujarati poet Khabardar who wrote “Wherever a Gujarati lives, there is one Gujarat there”, and only a little exaggeration, I can say that – anywhere an Indian lives, the caste system also lives there. Indians practice the idea of casteism wherever they live. Even when they migrate overseas, they carry it with them. And then, they complain about racism. Doesn’t anyone else see the irony in this?
This is the central idea of the movie. Girish developed the story with this as its core theme. He has studied in Australia taking his Masters degree in Film and Television, so directing was not an issue but production was! Budget requirements were in dollars which was a problem because there were so few and his resources were so limited. But how can something like money stop Girish! He was determined to make this movie, and on his own terms. He started the journey to make this film and met people of different kinds from all across the globe who believed in his story, his vision.
![]() |
| Girish Makwana |
The Indian part of movie is shot in Gujarati and the rest in English. (A Hindi edition of the film was also made). The music of the film draws your attention almost immediately and then holds it throughout the film. It is imbedded in the story and becomes part of storytelling process. The songs, which are composed by Girish, stay in your mind even after the movie is over. When this film was released in India, Ravish Kumar (NDTV’s top Hindi news anchor) did an interview with Girish and made a special mention of its music. :Prime time Link
Biren Kothari (well regarded Gujarati journalist/satirist/blogger) has written a piece on the process of creating songs in this film, in Gujarati. (:Link)
While watching the film, it is impossible to know that it was made on such a limited budget, or the know efforts made to make all the ends meet. (According to imdb, the movie is made on budget of approx. 30 Lakh AUD). The movie feels like it has been produced by an experienced production house (in terms of production value). The English part of the film holds attention through vividness, performance and scenes. There are some issues with dialogue and acting in Gujarati part but they are somewhat necessary for the story to be told as they reflect a time of past and village life.
For novelists it is said, the first few novels written are a reflection of their personal life and life history. This film as well, is a reflection of Girish’s life. The Gujarat part of film is inspired by the life experience of Girish’s father, Kantibhai Makwana. We can also see Girish himself twice in this film (one is a long shot of him play tabla in a concert performance and the other as the hero’s roommate) but his subtle presence can be felt in many places – from the hero’s dressing style, which is similar to Girish in real life, to the real name of the village in Gujarat, Tundel. The hero of the film is also called Giriraj and called Giri in the film. Sahil Saluja, who plays Giri displays good acting skills while Vidya Makan looks very comfortable and impressive in her performance.
This film aims to make its audience think consider issues of racism and casteism and its success lies in the fact that it does achieve that.
I congratulate Girish Makwana, Lorriane Grigg and all others associated with this film for a well-made, balanced and visually spectacular film on such distinct topic. The movie has been released and we now have to wait for its DVD to come out. I recommend everyone to watch this film on DVD whenever it comes out.
(Original blogpost in Gujarati)
Wednesday, March 07, 2018
ઝાકઝમાળની ઓથે છુપાયેલી અસમાનતા
ઑસ્કર અેવોર્ડનો સમારંભ દાયકાઓથી ઝાકઝમાળ, ફેશનપરેડ, હોલિવૂડની સર્વોપરિતાની ઉજવણી અને કવચિત્ વિવાદો માટે જાણીતો છે. બીજા અનેક દેશોમાં ફિલ્મોની ધબકતી અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ હોવા છતાં, ઑસ્કર એવોર્ડ અને હોલિવૂડે એકબીજાની સાથે રહીને, અમેરિકાના ફિલ્મઉદ્યોગની સર્વોપરિતાનો છાકો બેસાડી દીધો છે--ભારતમાં તેની અસર એટલી હદે થઈ કે બૉમ્બેકેન્દ્રી હિંદી ફિલ્મઉદ્યોગ ‘બોલિવૂડ’ અને એવી જ રીતે બીજી ભાષાના ઉદ્યોગો ‘ટોલિવૂડ’, ‘મોલિવૂડ’ જેવાં નામે ઓળખાય છે. દેશી એવોર્ડ સમારંભો પણ ઑસ્કર એવોર્ડના સમારંભની તરાહ પર થાય છે. 2018ના ઑસ્કર એવોર્ડ સમારંભ વિશે એક ટિપ્પણીકારે સરસ લખ્યું કે અત્યાર લગી હોલિવૂડની ફિલ્મો સમાજની વાસ્તવિકતાઓને ઝીલતી અને પ્રતિબિંબિત કરતી હતી. આ વખતે ઑસ્કર એવોર્ડ સમારંભમાં ફક્ત ફિલ્મોએ નહીં, ફિલ્મઉદ્યોગે પણ સમાજના પલટાતા પ્રવાહોને દર્શાવ્યા.
આ પ્રકારના અવલોકનનું કારણ હતું श्શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર ફ્રાન્સીસ મેકડોર્મન્ડ/ Frances McDormandનું ટૂંકું પ્રવચન. હોલિવૂડ છેલ્લા ઘણા સમયથી જાતીય શોષણના મુદ્દે આંદોલિત છે. વક્રતા લાગે, પણ અભિવ્યક્તિ સ્વતંત્રતાની વાત કરતાં કેટલાંક ક્ષેત્રોની જેમ ફિલ્મઉદ્યોગમાં પણ આંતરિક સ્વતંત્રતાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. કારણ? નાની બિરાદરી, મર્યાદિત તકો અને અંદરોઅંદરની સાંઠગાંઠો. તેમાં મોટા મગરમચ્છોને નારાજ કરવાનો અર્થ છે આખા ઉદ્યોગનાં સ્થાપિત હિતોની સામે પડી જવું અને કારકિર્દી પર સામે ચાલીને કુહાડો મારવો. એટલે સામાન્ય રીતે જાતીય શોષણ અને લૈંગિક ભેદભાવના કિસ્સા બહાર આવતા નથી પરંતુ આ એવો કચરો હોય છે, જેની પરથી એક વાર ઢાંકણ ખૂલી જાય પછી કશો બાધ રહેતો નથી.
![]() |
| Francis McDormand |
તેમણે કહ્યું કે હું બે શબ્દોથી મારી વાત પૂરી કરવા માગું છું: ‘ઇન્ક્લુઝન રાઇડર’/Inclusion Rider. ઇન્ક્લુઝન રાઈડર એટલે ફિલ્મના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવતી એવી જોગવાઈ, જેમાં મુખ્ય પાત્રો સિવાયનાં પાત્રોમાં સામાજિક વૈવિધ્ય અને સ્ત્રીપુરુષના યોગ્ય પ્રતિનિધિત્વની કાળજી રખાતી હોય. આ વિચાર પ્રમાણમાં નવો છે અને 2016ની એક ‘ટેડ ટૉક’માં તે પહેલી વાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હોલિવૂડમાં પ્રભાવશાળી સ્થાન ધરાવનાર કલાકારો કોન્ટ્રાક્ટમાં આવી માગણી કરે, એવો તેની પાછળનો આશય છે. તેનો વ્યવહારુ અમલ એટલો સહેલો ન હોવા છતાં, આ વિચાર આવા મંચ પરથી મુકાય અને ફિલ્મઉદ્યોગ વર્ષોની ઘરેડ છોડીને સમાનતાની દિશામાં વિચારતો થાય તે આવકાર્ય પરિવર્તન છે. હોલિવૂડના બીજા પ્રવાહોની જેમ આ પ્રવાહનો પણ ભારતના ફિલ્મઉદ્યોગને ચેપ લાગે એની પ્રતીક્ષા.
Friday, March 02, 2018
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ'
વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.
જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
![]() |
| Girish Makwana / ગિરીશ મકવાણા |
આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.
ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.
આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs
આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html
ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં, કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.
નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.
આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.
આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html
Tuesday, February 06, 2018
વિચારહીનતા: વેદના અને ક્લોરોફૉર્મ
દેશને અંધકારયુગમાંથી અજવાસયુગમાં, કહો કે ‘બૂરે દિન’માંથી ‘અચ્છે દિન’માં લઈ આવવાનો જશ જેમને હોંશે હોંશે આપવામાં આવે છે, તે વડાપ્રધાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. એ કેટલો પેઇડ છે અને કેટલો વાસ્તવિક, કેટલો મુગ્ધ છે ને કેટલો પુખ્ત, એ બધી ચર્ચા અસ્થાને છે. વડાપ્રધાનમહિમા સત્ય છે, અાસપાસ દેખાતી વાસ્તવિકતા મિથ્યા છે અને જો તમે ‘સંશયાત્મા’ છો--ઉપર કરાયેલા દાવા માનતા નથી, તો તમારી ખેર નથી: તમે રિલીઝ થવા મથતી એક ફિલ્મ છો ને સામે છે આંખ મીંચીને હિંસા અાચરતી જાતજાતની સેનાઓ; તમે નહીં મળેલું એક ડિગ્રી પ્રમાણપત્ર છો કે પછી એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સળગી ગયેલી ઑફિસ અને સામે છે ભડભડતો આક્રોશ, જેને ટાઢો પાડવાની કુનેહ કે કાબેલિયત કે દાનત ગેરહાજર જણાય છે.
ટૂંકમાં, તમે સંશયાત્મા છો તો તમારી ખેર નથી. કારણ કે તમે એવા ‘રાષ્ટ્રવિરોધી’ છો જેને ફક્ત ‘નકારાત્મક’ જ દેખાય છે. પોઝિટિવ થિંકિંગનાં પડીકાં નાસ્તાનાં સાદાં પડીકાં કરતાં અનેક ગણાં વધારે મોટાં અને ઘણી વધારે હવા ધરાવતાં હોય છે. રાષ્ટ્રવાદનું પડીકું ખરીદો એટલે સાથે મિથ્યાભિમાનની અઢળક અને નકરી હવા મફત... મફત... મફત.
‘બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક? આગળથી કૉંગ્રેસે એટલું બગાડી મૂક્યું છે કે તેમને સમારકામ કરતાં-સુધારતાં વાર તો લાગે ને’ એવું વડાપ્રધાન તરીકે અતૂટ નિષ્ઠા, અખૂટ આશા અને અછૂટ (ગમે તેવી વાસ્તવિકતા જોયાજાણ્યા પછી પણ ન છૂટે એવી) મુગ્ધતા ધરાવતા લોકો સમજાવે છે. વિચિત્ર જોગાનુજોગ એ છે કે કૉંગ્રેસના કામની સૌથી વધારે ટીકા અને તેના કામની સૌથી વધારે ‘પ્રશંસા’ પણ વર્તમાન એનડીએ સરકારે કરી છે. ટીકા તો ખેર, બહુ જાણીતી છે, પણ પ્રશંસા કઈ? એક કહેણી પ્રમાણે, અનુકરણ એ પ્રશંસાનું સૌથી સીધું ને ચોખ્ખું રૂપ છે--અને આ સરકારના ચોપડે એવી અનેક ચીજો નોંધાયેલી છે, જે તેણે યુપીએ સરકાર પાસેથી મેળવી હોય, તેની પર રહેલું પાટિયું બદલી નાખ્યું હોય અને તેને પોતાના નામે-પોતાની સિદ્ધિ તરીકે ચલાવવાનું શરૂ કર્યું હોય. (બે નમૂના: આધાર કાર્ડ, મહાત્મા ગાંધી રોજગાર યોજના)
વર્તમાન સરકારે ‘યૂ ટર્ન’ લેવાની--એટલે કે પોતાના અગાઉ જાહેર કરેલા વલણથી ફરી જઈને સાવ સામા છેડે બેસવાની--પ્રવૃત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે. અગાઉની સરકાર વખતે આજના શાસકો જે મુદ્દાઓની ઉગ્રતાથી ટીકા કરતા હતા, એવા ઘણા મુદ્દા વર્તમાન સરકારની પૉલિસી બની ગયા છે. એક સાદો નમૂનો છે: બળતણના ભાવ. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે વર્તમાન શાસકોનાં ભૂતકાળનાં નિવેદન યૂ ટ્યૂબ પર કૉમેડીની આખી ચેનલ ચાલુ કરી શકે, એવાં મજબૂત હોય છે. સરકાર તો ખેર, સરકાર છે. પણ નાગરિકો આવી હકીકતોને નજરઅંદાજ કરે અને ઉપરથી તેને યોગ્ય ઠરાવવા બેસે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી.
શાસકો અને તેમના સમર્થકો ઇચ્છે છે કે આપણે હકારાત્મક રહીએ --ભલે તે કડવી, વ્યક્તિગત અને ઘણીબધી વાર તો સદંતર જૂઠી ટીકાઓ કરીને આટલે સુધી પહોંચ્યા હોય. એ ઇચ્છે છે કે આપણે સરકારની કામગીરી વિશે સદા ‘કીક’ અનુભવતા રહીએ. ‘કીક’ કહેતાં ચોક્કસ પીણાં કે દ્રવ્યોના સેવન પછીની ‘ઉચ્ચ અવસ્થા’ બધાને ન પરવડે. એટલે આમજનતા માટે, વિશાળ જનસમુદાય માટે તો બેહોશ કરનારું-વિચારશક્તિ હરી લેનારું ક્લોરોફૉર્મ જોઈએ. એ ક્લોરોફૉર્મનાં અનેક સ્વરૂપ છે: તથાકથિત રાષ્ટ્રવાદના નામે કોમવાદનું ઝેર, જ્ઞાતિ-જાતિના ભેદભાવોને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન-પ્રોત્સાહન અથવા તેના પ્રત્યે આંખ આડા કાન, ટોળાનાં ન્યાયને લોકશાહી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ, તેને મૂક કે બોલકું પ્રોત્સાહન, કાયદાના શાસનનું અવમૂલ્યન... અને આ બધું કર્યા પછી ગાંધી-સરદાર-આંબેડકર જેવાં નામોના જોરે ચરી ખાવાની બેશરમ તત્પરતા.
ક્લોરોફૉર્મની અસર હેઠળ જ આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા દેશમાં સેન્સર બોર્ડે મંજૂરી આપેલી અને સર્વોચ્ચ અદાલતે જેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો એવી એક ફિલ્મનો તદ્દન જોરજુલમીથી અટકાવવામાં આવે છે, રાજ્ય સરકારો તેમાં તોફાની તત્ત્વોની લાગણી જાળવવાના બહાને તેમને તાબે થઈ જાય છે, વિપક્ષો પણ મોઢામાં મગ ભરીને બેસી જાય છે. પણ મતના રાજકારણની વાત આવે ત્યારે આ જ લોકો એકબીજા સામે આંગળીઓ ચીંધીને આપણને, નાગરિકોને મૂરખ બનાવે છે. અગત્યનું એ છે કે આપણે રાજકીય નેતાઓએ ધરેલી નિસરણીઓ પર ચડી જઈને હોંશે હોંશે મૂરખ બનીએ છીએ અને હિંસક પણ બની શકીએ છીએ. એ વખતે આપણા મનના અરીસામાં તો આપણી છબી મહાન રાષ્ટ્રપ્રેમી, સંસ્કૃતિરક્ષક કે સમાજની (વાંચો: જ્ઞાતિ સમુદાયની) આબરૂના ધ્વજધારી તરીકેની જ ક્યાં નથી હોતી?
એક તરફ જ્ઞાતિવાદ-કોમવાદ અને કથિત ગોરક્ષા જેવા મુદ્દે રાજનેતાઓના મૂક કે બોલકા આશીર્વાદ ધરાવતી હિંસા વકરી રહી છે, ત્યારે જાહેર જીવનમાંથી પ્રતિકારનું શાસ્ત્ર જાણે સાવ લુપ્ત થયું છે. સરકાર પાસે પ્રતિકારના નામે પોલીસબળ અને રાજકીય સ્વાર્થ હેતુ કરાતા આંખ આડા કાન--આ બે વાનાં જ રહ્યાં છે. લોક સાથે, સમાજ સાથે સંવાદ સાધીને, સમસ્યાઓનો કુનેહપૂર્વક ઉકેલ કાઢી આપતી નેતાગીરી શોધી જડતી નથી. લોકપ્રિયતામાં બાણું લાખ માળવાના ધણી લેખાનારા ‘પદ્માવત’ જેવા ઘણા મુદ્દે હિંસાનો માહોલ સર્જાતો અને ફેલાતો અટકાવી શક્યા નથી. સરકારની આ સ્થિતિની સામે, રાજકીય-બિનરાજકીય વિરોધનાં પણ ઠેકાણાં નથી. તે દિશાવિહીન શક્તિપ્રદર્શનોમાં અને લાખોનાં ટોળાં ભેગાં કરીને વડાપ્રધાનની ઝાટકણી કાઢ્યાનો સંતોષ લઈને છૂટાં પડી જાય છે. તેમની પાસે પણ ભવિષ્યનું દર્શન કે આયોજન નથી. ઓવરહેડ ટાંકીમાં કચરો હોય તો આપણા નળમાં શી અપેક્ષા રાખીએ?
Friday, January 26, 2018
પ્રજાસત્તાકમાં જોઈએ છેઃ નાગરિક‘સેના’
કેવી લાગી ઉપરની વાર્તા? જેમને એ નિર્દોષ અને બિનવાંધાજનક લાગી હોય, તેમને જણાવવાનું કે આ વાર્તા વાંચીને
1) ગણિતશાસ્ત્રીઓની લાગણી દુભાઈ શકે છે. કેમ કે તેમાં ગણિતમાં વપરાતાં a,b,c,x,y,zનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2) તેનાથી અંગ્રેજી ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ શકે છે. કારણ કે તેમાં અકારણ અંગ્રેજી મૂળાક્ષરો (આલ્ફાબેટ)ને ઘસડવામાં આવ્યા છે.
3) ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પ્રતિષ્ઠાના સંરક્ષકો તેનાથી દુભાઈ શકે છે. કારણ કે આર્યાવર્તનું ગૌરવ કરતી એક વાર્તામાં a,b,c,x,y,z જેવાં નામ અપાયાં છે. એ તો ચોખ્ખો ભારતવર્ષની મહાતાનો ઇન્કાર નથી?
4) અને પદ્મિની ઉર્ફે પદ્માવતી ઉર્ફે પદ્માવત ફિલ્મના વિરોધીઓ તો ખરા જ ખરા. એમ નામ ભૂંસી કાઢવાથી મૂળ કથાનો મહિમા અને તેમનો દુભાવાનો અધિકાર થોડા જતા રહે છે?
***
એક લઘુકથાઃ ચોતરફથી યુદ્ધનાદ ઉઠ્યા, ગૌરવ અને પ્રતિષ્ઠા હોડમાં મુકાયાં હતાં. જાણે છેલ્લું યુદ્ધ લડવાનું હોય તેમ લોકોએ હડી કાઢી, જે આવ્યું તે હાથમાં લઈને મેદાને પડ્યાં, આગના ભડકા અને ધુમાડાથી વાતાવરણ ભરાઈ ગયું, ભીષણ ખખડાટનો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો…
--પછી યુદ્ધનાયકે કહ્યું, ‘ચાલો, આ થિએટરનું કામ પૂરું થયું. હવે તે ફિલ્મ બતાવવાની હિંમત નહીં કરે.’
***
પ્રજાસત્તાક ભારતનો 69મા પ્રજાસત્તાક દિવસે વધુ એક વાર કેટલાક પાયાના અને વ્યાપક મહત્ત્વ ધરાવતા સવાલ ઉભા થયા છે. એને ગાલીચા તળે સંતાડતા રહીને પ્રજાસત્તાકની ઉજવણી કરવી એ બંધારણના હાર્દનો દ્રોહ ગણાય.
દેશ એટલે દેશનું બંધારણ અને તે જેમની સુખાકારી માટે ઘડવામાં આવ્યું છે તે દેશના લોકો. પરંતુ સૌથી અગત્યનો સવાલ છેઃ ‘દેશના લોકો’ એટલે કોણ? ‘પદ્માવત’ ફિલ્મનો ઉગ્ર અને કાયદોવ્યવસ્થા હાથમાં લઈને વિરોધ કરી રહેલા ‘લોકો’ કે સેન્સર બોર્ડે પાસ કરેલી અને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોના જેની સામેના મનાઈહુકમો ફગાવી દીધા છે એવી ફિલ્મ ‘પદ્માવત’ શાંતિપૂર્વક રજૂ થાય એમ ઇચ્છતા ‘લોકો’? તોફાન મચાવીને પાટીદારો માટે અનામત માગતા ‘લોકો’ કે તેમની માગણીનો તાર્કિક અને તોફાન કર્યા વિના વિરોધ કરતા ‘લોકો’? આ બે ફક્ત ઉદાહરણ છે. એક તરફ કાયદો-વ્યવસ્થા-ન્યાયતંત્ર-બંધારણ હોય અને બીજી તરફ તેની ઐસીતૈસી કરીને પોતાનું ધાર્યું કરાવવા મથતા લોકો--આવી યાદી બનાવવા બેસીએ તો પાર ન આવે.
લોકશાહીમાં વિરોધી મત તો રહેવાના. તેમની વચ્ચે શાબ્દિક અને ક્યારેક તેનાથી આગળના સ્તરની અથડામણ પણ થઈ શકે. એ વખતે લોકશાહી અને પ્રજાસત્તાકના હાર્દનું રક્ષણ કરવાનું કામ સરકારનું છે. સરકારે નક્કી કરવું પડે કે કયા ‘લોકો’ના પક્ષે જોરજબરાઈ, દાંડાઈ, કાયદા-બંધારણની ધરાર અવગણના છે અને કયા ‘લોકો’ કાયદાની-બંધારણના હાર્દની હદમાં રહીને પોતાની વાત રજૂ કરે છે.
જેમ ફિલ્મથી એક જૂથની લાગણી (ફિલ્મ જોયા વિના જ) દુભાઈ છે, તેમ ફિલ્મ અટકાવવાના પ્રયાસોથી બીજા જૂથની લાગણી દુભાઈ છે. પહેલું જૂથ ધમાલ ને તોડફોડ કરે છે, તો સરકાર તેને અટકાવવાને બદલે તેને આડકતરી રીતે થાબડે છે, તો બીજા જૂથની વાત સરકાર ક્યારે કબૂલ રાખશે? તે પહેલા જૂથ કરતાં વધારે હિંસા ને વધારે તોડફોડ કરે તો? કાયદોવ્યવસ્થાના બહાના હેઠળ કાયદોવ્યવસ્થાના ભંગને ઉત્તેજન આપતી વખતે સરકારને શરમ તો નથી જ આવતી, નાગરિકોને પણ વાંધો નથી પડતો? વાંધો બતાવવા માટે ભાંગફોડ કે ધમાલ કરવાની જરૂર નથી. પણ કાયદાની હદમાં રહીને વાંધો રજૂ ન કરાય, તો નાગરિકો પણ સરકારની તકવાદી કાયરતામાં આડકતરા હિસ્સેદાર નહીં બને?
આને હિંદુ-મુસલમાનનો કે રાજકીય વફાદારીનો મુદ્દો બનાવવા જેવો નથી. ભાજપ હોય કે કૉંગ્રેસ, સ્વાર્થી સરકારો નાગરિકઅધિકારોને આવી જ રીતે દબાવવા માટે ને પોતાના મત સાચવવા માટે પ્રયત્ન કરવાની. સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ સામે કૉંગ્રેસી સરકારે આવી જ રીતે મુસ્લિમ રૂઢિચુસ્તોની લાગણી સાચવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. કૉંગ્રેસે કર્યાં હતાં એ બધાં પાપનો ક્વોટા તેના કરતાં ઘણી વધારે ઝડપે, ઘણા ઓછા સમયમાં પૂરો કરી લેવાનો ભાજપનો ઇરાદો છે? અને સામસામા રાજકીય પક્ષો પોતે ખોટું કરીને સામેના પક્ષે કરેલું ખોટું દેખાડ્યા કરે, તેમાં નાગરિક તરીકે આપણું બેવડું નુકસાન નથી? આપણા માટે પછી વિકલ્પ જેવા વિકલ્પ તો રહેતા જ નથી. આ તો x નો ભાઈ y એવી જ વાત ન થઈ? ( x અને yની જગ્યાએ યોગ્ય વિશેષણો તમે ધારી જ શકશો)
વર્ષો પહેલાં બિહારમાં રણવીરસેના દલિતવિરોધી હિંસા માટે કુખ્યાત હતી. મહારાષ્ટ્રમાં સરકારોની ગરજાઉ કાયરતાને કારણે શિવસેનાની દાદાગીરી ચાલી અને ફુલીફાલી. ગુજરાતમાં પાટીદારોએ અનામતના નામે શક્તિપ્રદર્શન કર્યું, રજપૂતોની કરણી સેના તેમની ધોરાજી હંકારે છે...અને ‘ભારતમાતાકી જય’ના પોકાર પાડનારા કોઈની લાગણી દુભાતી નથી? સરકારોની અને રાજકીય પક્ષોની દેશની અખંડિતતાના પાયામાં ઘા કરનારી માનસિકતા સામે વાંધો પાડવાને બદલે, નાગરિકો પણ રાજકીય પક્ષોની જ છાવણીઓમાં વહેંચાઈ જાય છે.
આ રસ્તે તો સરદાર પટેલે પ્રાંતવાર એક કરેલાં રજવાડાંને જ્ઞાતિવાર કે ધર્મવાર નવેસરથી પેદા કરવા જેવું થશેને? એ વખતે જરૂર લાગે છે એક અહિંસક નાગરિકસેનાની, જે સંગઠન તરીકે નકલી રાષ્ટ્રવાદ કે નકલી સેક્યુલરિઝમને બદલે, જ્ઞાતિવાદ અને મિથ્યાભિમાનને બદલે રાષ્ટ્રહિતની સમજણ વિકસાવે. તેની રાષ્ટ્રની વ્યાખ્યા કોમવાદ, ધાર્મિક સંકુચિતતા, શુદ્ધ આર્યત્વના હિટલરી ખ્યાલો કે પરિવારવાદના પ્રદૂષણથી મુક્ત હોય.
રાજકીય પક્ષો આ નહીં કરે ને શક્ય હશે તો થતું અટકાવશે. પ્રજાસત્તાકને નેતાસત્તાક કે જ્ઞાતિસત્તાક કે ધર્મસત્તાક બનતું અટકાવવા નાગરિકોએ જ વિચારવું અને કરવું પડશે.
Tuesday, June 13, 2017
‘...તો મંટો આજ મરનેકો તૈયાર હૈ'
વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.
![]() |
| Manto / મંટો |
![]() |
| અહમદ નદીમ કાસમી |
ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’
આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’
આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં. વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે' એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’
ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’
આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?
પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો. મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી. ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’
ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’
આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’
Wednesday, May 10, 2017
વ્હાઇટ હેલ્મેટ્સઃ સિરીયાના ઇસ્લામી બચાવસૈનિકો
માલિકી માટેની આવી હિંસક ખેંચતાણમાં સૌથી વધારે મરો કોઈનો થતો હોય, તો એ સ્થાનિક લોકોનો. લાખો લોકો સિરીયામાં પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત તરીકે બીજા દેશોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણેક લાખ બાળકોનો તો જન્મ જ નિરાશ્રિત તરીકે થયો છે. બીજા અનેકો (સરકાર સહિતનાં) હિંસક જૂથોની લોહીયાળ લડાઈમાં રહેંસાઈ જાય છે. પ્રમુખ અસદનાં દળો કે તેમનાં જોડીદાર એવાં રશિયાનાં વિમાનો વિદ્રોહીઓના પ્રદેશો પર બૉમ્બમારો કરે ત્યારે મકાનોનાં મકાનો કડડભૂસ થાય છે, તેની નીચે લોકો દટાય છે અને વગર ધરતીકંપે માનવસર્જિત ધરતીકંપ જેવાં કરુણ દૃશ્યો સર્જાતાં રહે છે. પોતાનો જીવ બચાવવાનાં ફાંફાં હોય, એવા દેશમાં બીજાનો જીવ બચાવવાની કોને ફુરસદ હોય? ને એવી વૃત્તિ પણ કોની હોય?
આ સવાલનો જવાબ છેઃ એવા એક-બે નહીં, ત્રણેક હજાર લોકો છે, જે પોતાના જીવનું જોખમ ખેડીને, અવનવા આરોપોનો સામનો કરીને, ધર્મના નામે માનવતાનું કામ કર્યે રાખે છે. આ લોકો માથે સફેદ રંગની હેલ્મેટ પહેરીને કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરતા હોવાથી તેમનું નાગરિકજૂથ 'વ્હાઇટ હૅલ્મેટ્સ’/ White Helmetsના નામથી ઓળખાય છે (જેમ આઝાદી પહેલાં સરહદ પ્રાંતમાં બાદશાહખાનની આગેવાની હેઠળ અહિંસક લડત આદરનારા લડવૈયા- ‘ખુદાઈ ખિદમતગાર’-- 'રેડ શર્ટ'ના નામે ઓળખાતા હતા.) ખૂબીની વાત એ છે કે જે ઇસ્લામને આગળ કરીને ISISના ત્રાસવાદીઓ ઘાતકીમાં ઘાતકી કૃત્યો આચરે છે, એ જ ઇસ્લામમાંથી 'વ્હાઇટ હૅલ્મેટ્સ’ લોકોના જીવ બચાવવાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામમાંથી તેમણે ગ્રહણ કરેલો બોધપાઠ છેઃ 'એક વ્યક્તિની પણ જિંદગી બચાવો, તે આખી માનવતાને બચાવ્યા બરાબર છે.’ આ જૂથમાં મહિલાઓ પણ સામેલ છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું કામ કેવું ખતરનાક છે તેનું તાજું ઉદાહરણઃ ઍપ્રિલ29, 2017ના રોજ થયેલા એક હવાઈ હુમલામાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથના આઠ સભ્યો માર્યા ગયા. જ્યાં શબ્દાર્થમાં આટલાં લશ્કર લડતાં હોય ત્યાં હુમલો કોણે કર્યો, એ વિવાદનો વિષય છે. પરંતુ નોકરીના કે સરકારી આદેશના ભાગરૂપે નહીં, ધર્મકાર્ય લેખે બીજાની જિંદગી બચાવવા જનારા આ બહાદુરોમાંથી આઠ ઓછા થયા એ નક્કર હકીકત છે. અત્યાર લગી જૂથે 140થી પણ વધુ સભ્યો ગુમાવ્યા છે. છતાં તેમની નિષ્ઠા મોળી પડી નથી.
સિરીયામાં સૈન્યના એક હિસ્સાએ સરમુખત્યાર અસદ સામે સશસ્ત્ર બળવો પોકાર્યો અને દેશના વિસ્તારો કબજે કર્યા, ત્યારે બળવાખોરો સામેની જવાબી કાર્યવાહી તરીકે અસદે હવાઈ હુમલા કર્યા. 2012ના અંત-2013ની શરૂઆતમાં અસદનાં દળો દ્વારા થતા હુમલા અને તારાજીનું પ્રમાણ વધવા લાગ્યું, ત્યારે બળવાખોરોની નહીં, પણ સ્થાનિક લોકોની પહેલથી 'સિરીયન સિવિલ ડીફૅન્સ'નામે નાગરિકજૂથની સ્થાપના થઈ. તે સમય જતાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ તરીકે વધુ જાણીતું બન્યું. તેમનો આશય હતોઃ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, ભોગ બનેલા સૌના જીવ બચાવવાની કોશિશ કરવી. આ પ્રયાસમાં અત્યાર લગીમાં આશરે સાઠેક હજારથી પણ વધુ માણસોના જીવ તે બચાવી ચૂક્યા છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું ઉમદા કામ છાનું કે અછતું રહ્યું નથી. અહેવાલો પ્રમાણે, નૉબેલ શાંતિ પારિતોષિક માટે તેમનું નામ યાદીમાં હતું અને એ સિવાયનાં કેટલાંક મોટાં સન્માન આ જૂથને મળ્યાં છે. તેમની કામગીરી પરથી ગયા વર્ષે બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ધ વ્હાઇટ હૅલ્મેટ્સ’ને આ વર્ષે શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી તરીકેનો ઑસ્કાર ઍવોર્ડ પણ મળ્યો. અલબત્ત, રાજકીય વક્રતા એ હતી કે આ ડૉક્યુમૅન્ટરીના સિનેમૅટોગ્રાફર ખાલેદ ખાતિબને ટ્રમ્પનીતિ અંતર્ગત અમેરિકાનો વિઝા મળ્યો નહીં. એટલે તે ઑસ્કારના સમારંભમાં હાજર ન રહી શક્યા. આ વર્ષે રજૂ થયેલી દસ્તાવેજી ફિલ્મ 'લાસ્ટ મૅન ઇન અલેપ્પો’ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ના પ્રેરણાદાયી કામને ઉજાગર કરે છે.
પરંતુ બધા ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’થી રાજી નથી. સિરીયાના પ્રમુખ અસદ અને તેમના મળતીયા વારેઘડીએ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ની ટીકા કરે છે. તેમને પેટમાં એ દુઃખે છે કે બળવાખોરોનો કબજો ધરાવતા વિસ્તારોમાં આ લોકો સેવાકાર્ય કરે છે. વાસ્તવમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ આવો કશો ભેદભાવ રાખતા નથી. પરંતુ અસદનું શાસન ધરાવતા વિસ્તારોમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને કામ કરવાની છૂટ નથી. એવી જ રીતે, અસદને ટેકો આપનારા રશિયાના રાજનેતાઓ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ વિશે અવનવા આરોપો કરે છે. ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ અલ-કાઈદા જેવા ત્રાસવાદી જૂથના મળતીયા છે અને તે ખુવારીની તથા બચાવની ખોટેખોટી તસવીરો રજૂ કરીને--અથવા એકની એક તસવીર વારંવાર વાપરીને--અસદને બદનામ કરવાની કોશિશ કરે છે, એવી થિયરી અને તેની પરથી લખાયેલા લેખ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં મળી રહે છે. તેની સામેનો કુપ્રચાર એટલો વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક રીતે ચાલ્યો કે ટૅકનૉલોજીના ખ્યાતનામ સામયિક ‘વાયર્ડ’ની વેબસાઇટ પર આ કુપ્રચાર વિશે એક લેખ પ્રગટ થયો છે. તેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માહિતીવિસ્ફોટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં એક સાચકલી વસ્તુ વિશે કેટલી અસરકારકતાથી અને કેટલા મોટા પાયે જૂઠાણાં ફેલાવી શકાય છે. એક જૂઠાણાંબાજે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને ઑસ્કાર મળ્યો ત્યારે ઓસામા બિન લાદેન માથે સફેદ હૅલ્મેટ અને હાથમાં ઑસ્કાર ઍવોર્ડની પ્રતિમા સાથે ઊભો હોય એવું કાર્ટૂન બનાવ્યું હતું.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથની તકલીફ એક જ છે કે તેને કોઈ રાજકીય ગઠબંધન નથી. તેની વેબસાઇટ પર જાહેર કરાયેલો તેનો ધ્યેયમંત્ર છેઃ 'અમે નિષ્પક્ષ રીતે, વહેરાઆંતરા વગર અને સિરીયાના બધા લોકો માટે કામ કરીએ છીએ.’ પરંતુ સત્તાની આંતરરાષ્ટ્રીય સોગઠાંબાજીમાં અસલી સિરીયાની--એટલે કે સિરીયાના લોકોની વાત કોને ગમે? શરૂઆતમાં ધરતીકંપમાં બચાવકામનો અનુભવ ધરાવતી સંસ્થા પાસેથી તાલીમ મેળવનાર ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ સિરીયામાં બૉમ્બમારો અને યુદ્ધ અટકાવીને સામાન્ય માણસને તેની સામાન્ય જિંદગી પાછી આપવા માગે છે. તેમનો રસ્તો ઘણો લાંબો છે--અને ઇરાદાપૂર્વક પાથરવામાં આવતા જૂઠાણાંના કાંટાથી આચ્છાદિત. પરંતુ આટલી કારુણી વચ્ચે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ ઇસ્લામનો જે પેગામ આપે છે, તે મુસ્લિમોએ અને બીજા ધર્મીઓએ પણ અંકે કરવા જેવો છે.


















