Showing posts with label world war 1. Show all posts
Showing posts with label world war 1. Show all posts

Tuesday, September 09, 2014

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : જ્યારે ગાંધીજીએ સશસ્ત્ર સંગ્રામ માટે ખેડા જિલ્લામાં ભરતીઝુંબેશ ઉપાડી

દક્ષિણ આફ્રિકાથી જાન્યુઆરી, ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું. રસ્તામાં થોડા મહિના લંડન રહેલા ગાંધીજી ‘બ્રિટિશ પ્રજાજન’ તરીકે યુદ્ધમાં પ્રાથમિક સારવારની સેવા આપવાની તૈયારી બતાવી ચૂક્યા હતા. એ માટેની બાકાયદા તાલીમ પણ તેમણે અને એ વખતે લંડનમાં વસતા બીજા કેટલાક હિંદીઓએ લીધી. પરંતુ ભારત આવ્યા પછી તે ભારતને સમજવામાં ગુંથાયા. બે જ વર્ષમાં  સરકાર સામે ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો.

ખેડામાં દુષ્કાળની સ્થિતિમાં મહેસૂલમાફી માટે લડત ચાલતી હતો, ત્યારે દિલ્હીમાં વાઇસરોયે યુદ્ધ પરિષદ ભરી. તેમાં ભારતીય આગેવાનોને નિમંત્રીને યુદ્ધમાં તેમનો સહકાર માગ્યો. એ સભા પછી  ગાંધીજીએ ‘રંગરૂટ’ની ભરતીનું કામ હાથમાં લીઘું. (અંગ્રેજી ‘રિક્રુટ’ને ગુજરાતી અપભ્રંશ થયું ‘રંગરૂટ’.) આ ‘રીક્રુટ’ એટલે કે રંગરૂટે યુદ્ધમોરચે જઇને સેવાશુશ્રુષા કરવાની ન હતી. તેમણે શસ્ત્રો ધારણ કરવાનાં હતાં અને બ્રિટન વતી ખપી જવાનું હતું.

અહિંસાને વરેલા ગાંધીજીએ સશસ્ત્ર સૈન્યભરતીનું કામ કયા હેતુથી હાથમાં લીઘું? અભ્યાસી લેખક (સગપણમાં ગાંધીજીના પૌત્ર) રાજમોહન ગાંધીએ લખ્યું છે કે દિલ્હીની પરિષદમાં ગાંધીજીએ ખેડાનો સત્યાગ્રહ ચાલુ રાખવાની અને યુદ્ધમાં સરકારને સહયોગ આપવાની વાત કરી. વાઇસરોય એ વિશે વિચારવા તૈયાર હતા, પણ ગૃહમંત્રી સર વિલિયમ વિન્સેન્ટે ગાંધીજીને કહ્યું,‘તમે તો સ્થાનિક અમલદારોને ઘણો ત્રાસ આપી રહ્યા છો... યુદ્ધપ્રયાસમાં તમે શી મદદ કરી છે? એક પણ સૈનિકની ભરતી કરાવી છે?’ ટોણા જેવા આ સવાલના જવાબમાં  ગાંધીજીએ સૈન્યભરતીનું કામ હાથ ધર્યું.

ખેડા સત્યાગ્રહ ત્યારે ચાલુ હતો. સ્થાનિક લોકો સાથે ઠીકઠીક પરિચય હોવાને કારણે ગાંધીજીએ રંગરૂટની ભરતીની શરૂઆત ખેડા જિલ્લાથી કરી. આ કાર્યક્રમ કોંગ્રેસે નહીં, પણ ગુજરાત સભાએ ઉપાડ્યો હતો. (શરૂઆતનાં વર્ષોમાં ગુજરાતમાં ગાંધીજી એ સંસ્થા મારફતે સક્રિય હતા.) વલ્લભભાઇ જેવા સાથીને રંગરૂટની ભરતી અંગે ગાંધીજીનું વલણ પૂરેપૂરું ન સમજાયું. વ્યવહારુ મુશ્કેલી એ પણ હતી કે સત્યાગ્રહ વખતે  અંગ્રેજી સરકારના કડવા અનુભવો ખેડા જિલ્લાના લોકોના મનમાં તાજા હતા. હવે એ જ લોકોને, એ જ સરકાર માટે ખપી જવા માટે પ્રેરવાના હતા. પણ વલ્લભભાઇ ગાંધીજી સાથે જોડાઇ ગયા. તેમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા તો ખરી જ. ઉપરાંત, રાજમોહન ગાંધીના મતે,‘ગુજરાતીઓ હથિયાર વાપરતા શીખે એ ખ્યાલ પણ તેમને ગમતો હતો.’

પહેલા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીના મનમાં બ્રિટિશ સામ્રાજ્યના ‘વફાદાર નાગરિક’ તરીકેનો ખ્યાલ દૃઢ હતો. યુદ્ધ ચાલુ હતું ત્યારે ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી રાજકીય પરિષદમાં તેમણે કહ્યું હતું, ‘સર વિલિયમ વિલસન હંટર લખી ગયા છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ધાર્યું મેળવવાનો સીધામાં સીધો રસ્તો રણસંગ્રામમાં મેળવેલો વિજય છે. જો (ભારતનો) શિક્ષિત વર્ગ મૂંગે મોંહે આ વેળા લડાઇમાં જોડાઇ શકત તો મારી ખાત્રી છે કે આપણને માગ્યું હમણાં જ મળત, એટલું જ નહિ પણ એ મળ્યાની ખુબી ઓર જ હત. આપણે ઘણી વેળા કહીએ છીએ કે હિંદુસ્તાનના ઘણા સિપાહી ફ્રાન્સનાં મેદાનમાં અને મેસોપોટેમિયાનાં મેદાનમાં કપાઇ મૂઆ છે. આનો જશ આપણે શિક્ષિતવર્ગ નથી લઇ શકતા. એ સિપાહીઓને તૈયાર આપણે નથી કર્યા. એ સિપાહીઓ દેશાભિમાનથી નથી ગયા. તેઓને સ્વરાજની ખબર નથી. લડાઇને અંતે તેઓ સ્વરાજ માગવાના નથી...’

ગાંધીજીના મતે, શિક્ષિતો માટે આશ્વાસન ફક્ત એેટલું જ હતું કે એ વર્ગને લડાઇથી અને શસ્ત્રોથી દૂર રાખવા માટે અંગ્રેજ સરકાર જવાબદાર હતી. યુદ્ધ પરિષદ સ્વરૂપે અંગ્રેજ સરકારે એ તક પૂરી પાડી. ગાંધીજીને લાગ્યું કે શિક્ષિત ભારતીયોએ આ તક ઝડપી લેવી જોઇએ.

યુદ્ધમાં જોડાવા માટે તેમણે જૂન ૨૨,૧૯૧૮ના રોજ પહેલી પત્રિકા કાઢી ત્યારે ખેડા સત્યાગ્રહ ચાલુ હતો. એ પત્રિકામાં તેમણે લખ્યું હતું, ‘સરકારને પાંચ લાખ માણસ લશ્કરને સારૂ આ સમયે જોઇએ છે. આ માણસોને ગમે તેમ કરી સરકાર મેળવશે. આપણે જો આટલાં માણસો આપીએ તો આપણે જશ મેળવીએ...ભરતીનું બઘું કાર્ય આપણે હાથ આવે એ કાંઇ જેવીતેવી સત્તા નથી...જો તેની દાનત શુદ્ધ ન હોય તો સરકાર આપણી મારફતે ભરતી ન કરાવે.’

‘ઇંગ્રેજી પ્રજાના ગુણો ઉપર મારો વિશ્વાસ છે, તેથી જ હું ઉપર પ્રમાણે સલાહ આપી શકું છું એ મારે કબૂલ કરવું જોઇએ...હું માનું છું કે એ પ્રજાએ હિન્દુસ્તાનનું ઘણું નુકસાન કર્યું છે છતાં તે પ્રજાની સાથે રહેવામાં આપણને લાભ છે. તે પ્રજાના ગુણદોષનું માપ કરતાં મને તો ગુણનું માપ ચઢીઆતું જણાય છે.’

‘જે આશા હું ખેડા જિલ્લાની અને ગુજરાતની રાખું છું તે પાંચસો-સાતસો માણસની ભરતી કરવાની નહિ, પણ હજારોની. ગુજરાત ‘નમાલા’ના કલંકમાંથી નીકળવા માગે તો તેણે હજારો સિપાહીઓ આપવા જોઇએ...જેને ઉમરલાયક દીકરા છે તેઓ દીકરાને મોકલતાં જરાએ નહિ અચકાય એવી મારી ઉમેદ છે. લડાઇમાં દીકરાનો ભોગ આપવો એ દુઃખકર નહિ પણ વીર પુરૂષને સુખકર હોવું જોઇએ. આ વેળાએ દીકરાનો ભોગ તે સ્વરાજ્યને ખાતર અપાયો હશે....’

આમ, એ સમયે ગાંધીજીના મનમાં વિશ્વયુદ્ધમાં ભાગ લેવો અને સ્વરાજ્યની લડતમાં ભાગ લેવો તે બરાબર હતું. રંગરૂટની ભરતીઝુંબેશમાં ગાંધીજી સાથે વલ્લભભાઇ ઉપરાંત મહાદેવ દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞિક, માવળંકર, મોહનલાલ પંડ્યા ‘ડુંગળીચોર’, રાવજીભાઇ પટેલ જેવા કાર્યકરો જોડાયા હતા. પણ આ કામ સત્યાગ્રહ કરતાં ઘણું વધારે કઠણ હતું. લડત માટે ટોળાંમાં ઉમટતા લોકો ભરતીની સભાઓથી દૂર રહેતા હતા. સરખો આવકાર પણ મળતો ન હતો.

ભરતીના પ્રયાસોને ધારી સફળતા ન પડતાં જુલાઇ ૨૨,૧૯૧૮ના રોજ ગાંધીજીએ નડિયાદથી બીજી પત્રિકા પ્રગટ કરી. તેમાં લખ્યું હતું, ‘...હજુ ઘણા માણસોએ ભરતીમાં આવવા પોતાનાં નામ નથી લખાવ્યાં. ભાગ્યે સો માણસ થયાં હશે...સમજુ વર્ગમાં એવા મેં જોયા કે જેઓને આ કાર્યને વિષે શ્રદ્ધા નથી. તેઓને સારૂ આ પત્રિકા લખી છે...જે સરકારે આપણી ઉપર જુલમો ગુજાર્યા છે, જેણે આપણને શસ્ત્રરહિત કર્યા છે, જેણે આપણે બ્હીવડાવીને રાજકારભાર ચલાવ્યો છે, જેણે આપણો પૈસો હરી લીધો છે તેને મદદ કરવા કેમ જઇએ? અમને ઉમળકો જ નથી આવતો. આ દલીલ ભારેમાં ભારે છે. તેનો જવાબ સહેલાઇથી નથી આપી શકાતો એ હું કબુલ કરી લઉં છું. પણ આ સવાલ આ સમયે ઉઠાવવો એ ટૂંકી નજર છે. પાછલા દોષો યાદ કરી અત્યારે થતો લાભ જતો કરવો એ વિચારવંતનું કામ નથી...’

‘યુદ્ધમાં દાખલ થવાથી આપણે આપણી ફરજ બજાવીએ છીએ એટલું જ નથી. યુદ્ધમાં દાખલ થવાથી આપણે સ્વરાજ્ય મેળવવાનો હક્ક પ્રાપ્ત કરીએ છીએ. દરેક સ્વરાજ્યવાદી બીજું કંઇ નહિ કરતાં માત્ર યુદ્ધમાં જોડાઇ જાય અને બીજાને પ્રેરે તો સ્વરાજ્ય આજે જ મળે એ હું આગલી પત્રિકામાં જ બતાવી ગયો છું...’

આટલેથી ન અટકતાં, ગાંધીજી લડતમાં જોડાવાનો આર્થિક લાભ દર્શાવવા સુધી ગયા. ‘અમે જઇએ તો અમારાં બૈરાં છોકરાંનું શું થાય? આ સવાલ તો સૌ પુછે. લડાઇમાં જનારને દર માસે કપડાં, ખાવાપીવા ઉપરાંત પગાર મળે છે. ઓછામાં ઓછો ૧૮ રૂપીઆ મળે અને લાયકાત મુજબ તેનો દરજ્જો વધે અને પગાર પણ વધે. જો તેનું મરણ થાય તો તેનાં બૈરાં-છોકરાંનું ભરણપોષણ સરકાર કરે છે. લડાઇમાંથી પાછા ફરે તેને ઇનામ અકરામ મળે છે...જે આર્થિક લાભ સિપાહીગીરીમાં છે તે બીજા ધંધામાં નથી જ મળતો...’

અઢી મહિના સુધી તડકામાં રખડ્યા પછી ગાંધીજીએ કમિશનર પ્રાટને સો રંગરૂટોનાં નામ આપ્યાં. તેમાં પહેલું નામ ગાંધીજીનું અને બીજું વલ્લભભાઇનું હતું. થોડાં નામ આશ્રમવાસીઓનાં હતાં. આ ફોજને તાલીમ આપવા માટે ગુજરાતમાં લશ્કરી કેન્દ્ર ન હતું. કમિશનર પ્રાટે આ લોકોને બહાર મોકલવા સૂચવ્યું, પણ ગાંધીજી ખેડામાં જ લશ્કરી તાલીમ કેન્દ્ર શરૂ થાય એમ ઇચ્છતા હતા. કવાયતનો અનુભવ, કૂચકદમ અને બંદૂકબાજીથી બીજા લોકો લશ્કરમાં જોડાવા આવશે એવી તેમની ગણતરી હતી. એ બહાને પ્રજા નિર્ભય બનશે અને ભવિષ્યમાં એ નિર્ભયતાનો સત્યાગ્રહમાં ખપ લાગશે, એવો પણ તેમનો ખ્યાલ હતો.

નોંધાયેલાં સો નામની સામે ગાંધીજી અને સાથીદારોની રઝળપાટનો પાર ન હતો. રોજ વીસ-વીસ માઇલ ચાલવાનું થાય. તાપમાં રખડવાનું. ખાવા-પીવાનાં ઠેકાણાં નહીં. ક્યારેક રાંધવાનું ઠેકાણું પડે, તો ક્યારેક ગાંધીજી ભૂંજેલી સીંગ અને ગોળ પર ખેંચી કાઢે. રહેવાનું સરખું ન મળતાં વાસદના રેલવે સ્ટેશને બાંકડા પર રાત ગુજારી હોય એવું પણ મહાદેવભાઇએ નોંઘ્યું છે.

આકરા શ્રમ, અયોગ્ય ખોરાક અને નિરાશાની સહિયારી અસરથી ગાંધીજીની તબિયત બગડી. તેમને મરડો લાગુ પડ્યો. ભરતીનું કામ છોડીને તેમને અમદાવાદ જવું પડ્યું. તેમના જ શબ્દોમાં, ‘જે શરીરને હું આજ લગી પથ્થર જેવું માનતો તે શરીર ગારા જેવું થઇ ગયું.’ શરીર વળે એ માટે દૂધ, ઇંડાં કે માંસ તો એ લે નહીં. છેવટે એક ડોક્ટરે દૂધ લેવાનો આગ્રહ કર્યો. ગાય-ભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી ગાંધીજીએ દૂધ બંધ કર્યું હતું, પણ કસ્તૂરબાએ બકરીનું દૂધ લેવા સૂચવ્યું. ગાંધીજીએ લખ્યું છે કે ‘સત્યાગ્રહની લડાઇના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો...’ ‘આત્મકથા’માં તેમણે લખ્યું,‘બકરીનું દૂધ પીતાં રોજ દુઃખ અનુભવું છું, પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી.’

પહેલા વિશ્વયુદ્ધ પછીના અરસામાં ‘રૉલેટ એક્ટ’ દ્વારા અંગ્રેજ સરકારની અસલ દાનત પ્રગટ થઇ. સરકારને અબાધિત સત્તા આ કાયદા પછી ગાંધીજી બ્રિટિશ સરકારના વફાદાર પ્રજાજન મટીને ‘બળવાખોર’ અસહકારી બન્યા.  

Monday, September 01, 2014

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : અહિંસાના પૂજારીની યુદ્ધમાં સામેલગીરી

પહેલા વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૭)નાં સો વર્ષ નિમિત્તે તેની સાથે સંકળાયેલી ઘણી કથાઓ તાજી થઇ રહી છે. ગુલામ ભારત માટે આ વિશ્વયુદ્ધ વિશિષ્ટ હતું. તેમાં હજારો ભારતીય સૈનિકો ફ્રાન્સ,   મેસોપોટેમિયા (ઇરાક) જેવા મોરચે લડ્યા, પણ પોતાના દેશ માટે નહીં- પોતાના રાજકર્તા અંગ્રેજો માટે. તેમના માટે ગૌરવ લેવું કે નહીં, એ આઝાદ ભારતની સરકારો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે.

પરંતુ ઘણા ભારતીયો માટે પહેલા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો સૌથી મૂંઝવનારો સવાલ ગાંધીજીના અભિગમ અંગેનો છે. પ્રખર અહિંસાવાદી તરીકે જાણીતા બનેલા ગાંધીજી પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને? બ્રિટન માટે સૈન્યભરતી કરવાની હદે જાય? અને એ પણ અંગ્રેજ સરકાર સામે ચંપારણ-ખેડા જેવા સત્યાગ્રહોમાં ઉતરી ચૂક્યા પછી?  

આ સવાલો ફક્ત ગાંધીટીકાકારોને નહીં, ગાંધીજીના પરમ ચાહકો અને ગાઢ મિત્રોને થયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીનું આ પગલું રૂચ્યું ન હતું એવું તેમના અંતેવાસી  ‘દિનબંઘુ’ એન્ડ્રુઝે નોંઘ્યું છે. દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીના સાથી- મિત્ર રહેલા પાદરી સી.એફ. એન્ડ્રુઝ/ C.F.Andrews ને પોતાને યુદ્ધપ્રયાસોમાં ગાંધીજીની સામેલગીરી કદી સમજાઇ નહીં. આ મુદ્દે તેમની અને ગાંધીજીની વચ્ચે ‘પેઇનફુલ ડીસઅગ્રીમેન્ટ’ (પીડાકારક અસંમતિ) રહ્યું. બાકી, સત્યાગ્રહી ગાંધીજી માટે એન્ડ્રુઝને એવો ઊંડો ભાવ હતો કે તે ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેવાના છે એવી અફવા એક સમયે ઉડી હતી.

C.F.Andrewz/ ’દિનબંધુ’ ચાર્લી એન્ડ્રુઝ
ખ્રિસ્તી ધર્મસંસ્થાએ એન્ડ્રુઝ પાસે ખુલાસો માગ્યો, જે આપવાનો તેમણે ઇન્કાર કર્યો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તે મિશન કોલેજ છોડીને શાંતિનિકેતનમાં જોડાઇ ગયા અને પાદરીપદું પણ તજી દીઘું. છતાં, વિશ્વયુદ્ધમાં (બ્રિટનના પક્ષે) લડવા માટે સૈનિકોની ભરતી કરવાનો ગાંધીજીનો નિર્ણય તેમને કદી યોગ્ય લાગ્યો નહીં.

દરેક બાબતોમાં ગાંધીજીની સમજ આગવી અને મૌલિક હતી. એ બદલાતી અને વિકસતી પણ રહી. ગાંધીજી સવાયા ધાર્મિક હતા, પણ કોઇ પુસ્તક કે કંઠીથી બંધાયેલા ન હતા. સત્ય અને અહિંસા અનાદિકાળથી હોવા છતાં, એ બન્નેમાં ગાંધીજીએ સાધેલો વ્યવહાર અને આદર્શનો સમન્વય મૌલિક, વિશિષ્ટ અને ઘણી વાર ગૂંચવાડા પ્રેરનારો હતો. પરંતુ બીજાને ગૂંચવાડો લાગે તે ગાંધીજીને દીવા જેવું સ્પષ્ટ ભાસતું. એટલે જ, એન્ડ્રુઝ જેવા મિત્રોના પ્રખર વિરોધ છતાં પોતે યુદ્ધપ્રયાસમાં સહયોગ આપવો જોઇએ, એ વિશે ગાંધીજીને કશી અવઢવ થઇ ન હતી.

વિશ્વયુદ્ધના મોરચે લડવા માટે સૈનિકભરતીનું કામ ગાંધીજીએ ભારત આવ્યા પછી ૧૯૧૮માં ખેડા જિલ્લાથી શરૂ કર્યું, પરંતુ આ દિશામાં તેમની ગતિ ૧૯૧૪થી આરંભાઇ હતી. બન્યું એવું કે ગાંધીજી કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા નીકળ્યા ત્યારે વચ્ચે ચારેક મહિના લંડન રોકાયા. ઓગસ્ટ ૪, ૧૯૧૪ના રોજ તે લંડન ઉતર્યા એ જ દિવસે બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.

જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ તરીકે યુદ્ધમાં પોતાનો શો ધર્મ છે? એ વિશે વિચારતાં ગાંધીજીને લાગ્યું કે બ્રિટન સામેની લડાઇ ઊભી રાખીને આફતના સમયે બ્રિટિશ પ્રજાજન તરીકે ભારતીયોએ યુદ્ધમાં બનતો ભાગ ભજવવો જોઇએ. એટલે ગાંધીજીએ કસ્તુરબા ઉપરાંત સરોજિની નાયડુ અને ત્યારે લંડન ભણવા આવેલા (અલગ ગુજરાતના પ્રથમ ભાવિ મુખ્ય મંત્રી) જીવરાજ મહેતા સહિત કુલ ૫૩ લોકોની સહી ધરાવતો એક પત્ર  અંગ્રેજ સરકારને લખ્યો. તેમાં લડાઇ અંગે યથાશક્તિ કામ કરવાની ઇચ્છા દર્શાવી.

ગાંધીજી માટે યુદ્ધભૂમિની નવાઇ ન હતી. આફ્રિકાનિવાસ દરમિયાન બે વાર તે યુદ્ધમાં ‘એમ્બ્યુલન્સ કોર્પ્સ’ માં ઘાયલોને મેદાનથી છાવણી સુધી લઇ જવાની સેવા આપી ચૂક્યા હતા. એ માટે તેમને સરકારી મેડલ પણ મળ્યો હતો. બ્રિટનમાં ગાંધીજીની રજૂઆત પછી તેમની આશરે એંસી જણની ટુકડીને છ અઠવાડિયાં સુધી પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી. પછી બાકાયદા પરીક્ષા લેવાઇ. તેમાં એક સિવાયના સૌ પાસ થયા. એ લોકોને લશ્કરી ટુકડીનો ભાગ બનાવવા માટે અને ફૌજીની જેમ કવાયતો કરાવવા માટે એક ગોરા અફસરના હાથ નીચે મૂકવામાં આવ્યા.

દક્ષિણ આફ્રિકામાં અહિંસક સત્યાગ્રહ સફળતાથી અજમાવી ચૂકેલા ગાંધીજી વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને, એથી તેમના ઘણા સાથીઓને નવાઇ લાગી. આફ્રિકાના સાથીમિત્ર પોલાકે તાર કરીને પૂછાવ્યું, ‘તમારું આ કામ અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’ એ સવાલ અપેક્ષિત હતો અને ગાંધીજી પાસે તેનો જવાબ પણ હતો, જે મિત્રોને  સમજાવવા તેમણે કોશિશ કરી. જેમ કે, લંડનથી નવેમ્બર ૧૫, ૧૯૧૪ના રોજ પ્રાગજી દેસાઇને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું હતું, ‘સત્યાગ્રહીથી લડાઇને સીઘું કે આડકતરી રીતે ઉત્તેજન ન અપાય એ નિર્વિવાદિત વાત છે. તેવો શુદ્ધ સત્યાગ્રહી હું નથી. તેવો થવા પ્રયત્ન કરું છું. દરમિયાન જેટલે દરજ્જે પહોંચાય, તેટલે પહોંચવું જોઇએ. હું વિલાયતમાં આવ્યો ને લડાઇ શરૂ થઇ. મારી ફરજ વિચારવામાં કેટલાક દિવસ ગાળ્યા. હું વિલાયતમાં મૂંગે મોઢે પડ્યો રહું તો પણ લડાઇમાં ભાગ લેવા જેવું જણાયું.’

આમ વિચારવા પાછળ ગાંધીજીનો તર્ક એ હતો કે બ્રિટનનું સૈન્ય દેશનું રક્ષણ કરતું હતું અને પોતે પણ સૈન્યના રક્ષણ નીચે હતા. એટલે કાં તેમણે અંગ્રેજ સૈન્યનું રક્ષણ ન હોય એવી કોઇ જગ્યાએ, પહાડી પર જતા રહેવું જોઇએ. સરકારી વ્યવસ્થાને કારણે નહીં, પણ પહાડ પર જે ઉગે તે ખાવું જોઇએ. ત્યાંથી જર્મનો તેમને પકડી જાય તો ભલે- અને જો પોતે આવું ન કરી શકે તો પછી યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપવો જોઇએ. સપહેલો વિકલ્પ અપનાવવાની ‘મારી હિંમત ન ચાલી’ એમ કહીને ગાંધીજીએ પત્રમાં લખ્યું, ‘હજારો તો કપાઇ પણ ગયા. છતાં હું બેઠો બેઠો મોજ કર્યા કરું ને અનાજ ખાઉં? ગીતાજી શીખવે છે કે યજ્ઞ વિના અન્ન ખાનાર ચોર કહેવાય. અહીં યજ્ઞ આ સમયે આપભોગનો હતો ને છે. ત્યારે મેં જોયું કે મારે પણ યજ્ઞ કરવો જોઇએ. હું પોતે ગોળી તો ન જ ચલાવી શકું, પણ જખમીની સારવાર કરી શકું. તેમાં તો મને જર્મનો પણ સારવારમાં મળે. હું એ કામ નિષ્પક્ષપાતે કરી શકું. તેમાં દયાભાવનો ભંગ ન થાય. તેથી મેં મારી નોકરી આપવા નિશ્ચય કર્યો...’

ગાંધીજી અને સાથીદારોએ સરકારને પત્રમાં એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ‘જે કામને સારુ અમે યોગ્ય હોઇએ તે કામ વગર શરતે અમે કરશું.’ તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ પ્રાગજીભાઇ પરના પત્રમાં લખ્યું,‘હું લડાઇને સારુ યોગ્ય નથી એમ બધા જાણે છે. એટલે મારે સારુ લડાઇનું કામ હોય જ નહીં.’

અહિંસાનો પોતાનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયાસ કરતાં તેમણે લખ્યું, ‘મારાથી સર્પ મરાય નહીં એવી એ વાત છે, પણ જ્યાં સુધી સર્પની મને બાયલાપણે ધાસ્તી રહી છે ત્યાં સુધી (એને) મારું નહીં તો પકડીને છેટે મૂકી આવું ખરો. એ પણ હિંસા છે ને છેટે મૂકવા જતાં જો તે જોર કરે તો સાણસામાં એટલો દબાવું કે તેને લોહી પણ નીકળે ને વખતે કચરાઇ મરણ પણ પામે. તો પણ સર્પને મારાથી ન મરાય એ વાક્ય તો રહ્યું જ છે ને રહેવું જોઇએ. જ્યાં સુધી મારામાં નિર્ભયતાનો ગુણ સર્વાંશે નથી આવ્યો ત્યાં સુધી મારાથી પૂરા સત્યાગ્રહી ન થવાય.’

ટૂંકમાં, અહિંસા ભયમાંથી નહીં, ભય પરની જીતમાંથી પેદા થવી જોઇએ. એ તો બરાબર. છતાં, ગાંધીજીએ આત્મકથામાં લખ્યું હતું,‘હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારઓ સમક્ષ બની શકે તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે.’

(ભારત આવ્યા પછી ગાંધીજીએ બે ડગલાં આગળ વધીને સૈન્યભરતીનું શા માટે શરૂ કર્યું? અને બકરીના દૂધને પહેલા વિશ્વયુદ્ધ સાથે શો સંબંધ? તેની વાત આવતા સપ્તાહે)

Sunday, July 13, 2014

પરાક્રમ અને પ્રચારે સર્જ્યો વિશ્વયુદ્ધનો મહાનાયક : લૉરેન્સ ઑફ અરેબિયા

~ પ્રથમ વિશ્વયુદ્ધની પહેલી સદી ~

‘ચોરોને આબરૂ હોય, પણ રાજકારણીઓને એવું કંઇ હોતું નથી.’ આ સંવાદ ભલે ફિલ્મી છે, પરંતુ એ બોલનારના રોષ અને તેની હતાશાને આબાદ વ્યક્ત કરે છે. એ પાત્ર છે અંગ્રેજ ફૌજી ટી.ઇ. લૉરેન્સ, જે યુદ્ધના અને ફિલ્મના ઇતિહાસમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ના નામે પ્રખ્યાત છે.

પહેલા વિશ્વયુદ્ધમાં એક તરફ જર્મની, ઓસ્ટ્રો-હંગેરી અને તુર્કીનાં સામ્રાજ્યો હતાં, તો સામા પક્ષે બ્રિટન, ફ્રાન્સ અને રશિયા તથા તેમનાં સંસ્થાનો. મુખ્ય સમરાંગણ યુરોપ હતું. ત્યાંથી આવતા ભીષણ જાનહાનિ અને મક્કમ મનોબળના, જીવલેણ અગવડો અને અભૂતપૂર્વ સંહારના સમાચારો પ્રસાર માઘ્યમોમાં છવાયેલા રહેતા હતા. તેમની સરખામણીમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યના હિસ્સા જેવા આરબ પ્રદેશનું - અને ત્યાં મોકલવામાં આવેલા ટી.ઇ.લૉરેન્સનું શું વજૂદ? આરબ ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસી લૉરેન્સને જરૂર પડ્યે આરબોની બાબતમાં સલાહસૂચન માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ તેના કોઇ એક પાત્રનું નામ ગાજતું હોય તો એ છે : ટી.ઇ.લૉરેન્સ / T.E.Laerence ઉર્ફે લૉરેન્સ ઑફ અરેબિયા/Lawrence of Arabia.
(T.E.) Lawrence of Arabia/ અસલી લોરેન્સ ઓફ અરેબિયા
લૉરેન્સે મોટાં લશ્કરની આગેવાની લીધી ન હતી કે વિશાળ શત્રુસેના સામે એકેય મોટી લડાઇમાં તે ઉતર્યો ન હતો. છતાં, પ્રથમ વિશ્વયુદ્ધનો તે સૌથી પ્રખ્યાત ‘હીરો’ ગણાયો. વર્ષ ૨૦૦૧માં લૉરેન્સનાં પોતાનાં અને તેેના વિશેનાં લખાણોની ફક્ત સૂચિ આપતું ૯૦૮ પાનાંનું એક પુસ્તક (‘ટી.ઇ.લૉરેન્સઃ અ બિબ્લિઓગ્રાફી / T.E.Lawrence : A Bibliography) પ્રગટ થયું હતું. વર્ષ ૨૦૦૮માં પ્રગટ થયેલી તેની પૂરવણી (‘સપ્લીમેન્ટ ટુ ટી.ઇ.લૉરેન્સઃ આ બિબ્લિઓગ્રાફી/ Supplement to T.E.Lawrence : A Bibliography)માં આશરે ૨,૫૦૦ નવી એન્ટ્રી હતી.

આટલી અધધ સામગ્રીના પ્રેરક લૉરેન્સે આખરે એવું તે શું કર્યું હતું? તેનો શક્ય એટલો મુદ્દાસર જવાબ :

તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યની પ્રજા આરબ હતી. તુર્કી સામે લડતા બ્રિટનને એવો રસ હતો કે આરબો ઓટ્ટોમન સામ્રાજ્યની સામે બળવો કરે. આરબોને પણ સામ્રાજ્યની ઘૂંસરી ફગાવી દેવામાં રસ હતો. પણ તેમના જુદા જુદા કબીલા વચ્ચે લોહીયાળ હુંસાતુંસીનો પાર ન હતો. લશ્કરના નીચલી પાયરીના અધિકારી તરીકે લૉરેન્સનું કામ આરબ પ્રિન્સ ફૈસલને મળીને તે શું વિચારે છે- શું કરવા ધારે છે, એ જાણવાનું હતું. પરંતુ પોતાના અભ્યાસ ખાતર રણવિસ્તારમાં અઢળક રખડી ચૂકેલા લૉરેન્સને એવો રસ હતો કે તુર્કીના સામ્રાજ્ય સામે લડનારા આરબોને યુદ્ધના અંતે પોતાનો સ્વતંત્ર દેશ મળવો જોઇએ. તેમના માથેથી તુર્કી જાય ને બ્રિટન ચડી બેેસે, એવું ન થવું જોઇએ.

શરૂઆતમાં આરબોને એવી શંકા હતી કે લૉરેન્સ અંગ્રેજોનો જ સ્વાર્થ સાધશે, પણ પોશાકથી માંડીને ખાણીપીણી-રહેણીકરણીની બાબતોમાં પૂરા આરબ બની ગયેલા લૉરેન્સ પર તેમને ભરોસો પડ્યો. ઝઘડતા આરબ કબીલાઓને પોતાની અલાયદી ઓળખને બદલે આરબ તરીકેની નવી ઓળખ અપનાવવા લૉરેન્સે સમજાવ્યા અને યુદ્ધ પૂરું થયે તેમને આરબ રાષ્ટ્રનું વચન આપ્યું. આ વચન આપવા માટે કે કેટલીક લશ્કરી કાર્યવાહીઓ માટે લૉરેન્સે પોતાના ઉપરીઓને પૂછ્‌યું ન હતું.

લશ્કર યુદ્ધ લડતું હતું, ત્યારે અંગ્રેજ અને ફ્રેન્ચ રાજકારણીઓએ સમજૂતી કરીને, ઓટ્ટોમન સામ્રાજ્યના કસદાર હિસ્સાના અંદરોઅંદર ભાગ પાડી લીધા. તેનાથી લૉરેન્સને છેતરાયાની તીવ્ર લાગણી થઇ. અફાટ રણમાં ઊંટ પર બેસીને સેંકડો કિલોમીટરનું અંતર કાપી નાખનાર અને રેલવે લાઇનો તથા કેટલાક વિસ્તારો પર અણધાર્યા હુમલા કરીને સવાયો આરબ બની રહેનાર લૉરેન્સ જાણે પોતાની નજરમાંથી ઉતરી ગયો. લેખની શરૂઆતમાં મૂકેલા રાજકારણીઓ માટેના ઉદ્‌ગાર  એ જ સંદર્ભે હતા.

યુદ્ધ પૂરું થયા પછીના અરસામાં બ્રિટનના કોલોનિઅલ સેક્રેટરી વિન્સ્ટન્ટ ચર્ચિલની પહેલથી ૧૯૨૧માં ઇજિપ્તના કેરો શહેરમાં એક કોન્ફરન્સ યોજાઇ. તેમાં લૉરેન્સ પણ હાજર હતો. તેણે પ્રિન્સ ફૈસલને આપેલા વચનનો અંશતઃ અમલ કરીને બ્રિટને નવા રચાયેલાં ઇરાક (મેસોપોટેમિયા) અને જોર્ડન પર અનુક્રમે પ્રિન્સ ફૈસલ અને તેમના ભાઇ અબ્દુલ્લાને રાજ સોંપ્યું. લૉરેન્સનું અસલ વચન એવા અરેબિયાનું હતું, જેમાં ઇરાક-જોર્ડન સહિતના બધા પ્રદેશ આવી જતા હોય. પરંતુ એ શક્ય બન્યું નહીં.

દરમિયાન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’નું નામ ગાજતું થઇ ગયું હતું. તેમની છાપ એવી હતી કે પ્રસિદ્ધિની દિશામાં તે બે ડગલાં આગળ અને ચાર ડગલાં પાછળ ચાલે છે. એટલે કે પ્રસિદ્ધિના પ્રયાસમાં અમુક હદ સુધી સહકાર આપે, પણ પછી અચાનક મોં ફેરવી લે છે. ૧૯૧૯-૨૦માં તેમણે ‘સેવન પિલર્સ ઑફ વિઝડમ’ / Seven Pillars of Wisdomપુસ્તકમાં પોતાની યુદ્ધકામગીરીનું આલેખન કર્યું, જેનાં બર્નાડ શૉ/Bernard Shaw જેવા ભાગ્યે જ પ્રસન્ન થતા લેખકે મોકળા મને વખાણ કર્યાં. (લૉરેન્સે પુસ્તકની ભૂમિકામાં મૂલ્યવાન સૂચનો માટે અને લખાણમાં મુકાયેલાં તમામ અર્ધવિરામચિહ્નો માટે શૉ દંપતિનો આભાર માન્યો હતો.)

બ્રિટનમાં સેલિબ્રિટી તરીકેના દરજ્જાથી બચીને સામાન્ય જીવન ગુજારવા માટે તેમણે બે વાર નામ બદલ્યાં અને બ્રિટિશ સૈન્યમાં સામાન્ય, ટેક્‌નિકલ હોદ્દે નોકરી કરી. વર્ષ ૧૯૩૫માં પૂરપાટ ઝડપે મોટરસાયકલ ચલાવતી વખતે નડેલા અકસ્માતમાં છ દિવસ બેભાન રહ્યા પછી ૪૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમનું નામ હતું : ટી.ઇ. શૉ./ T.E.Shaw

પરંતુ પહેલા વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ, લૉરેન્સ ઑફ અરેબિયાનું નામ ઇતિહાસનાં અંધારિયાં ભોંયરામાં ખોવાઇ ગયું નથી.  તેમને આ હદે અમર બનાવવામાં બે જણનો ફાળો મોટો હતો : અમેરિકન પત્રકાર લૉવેલ થૉમસ  અને બ્રિટિશ ફિલ્મકાર (‘બ્રિજ ઑન ધ રીવર ક્વાઇ’ ખ્યાત) ડેવિડ લીન./David Lean

યુદ્ધ ચાલુ હતું ત્યારે સામાન્ય જનતાને લૉરેન્સ વિશે જાણકારી ન હતી. તુર્કીના ઑટ્ટોમન સામ્રાજ્યે લૉરેન્સના માથા સાટે ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ તેમના કોઇ અફસરે કદી લૉરેન્સનો ચહેરો જોયો ન હતો. એટલે દમાસ્કસમાં લૉરેન્સ તુર્કી સૈનિકોના હાથે પકડાઇ ગયો ત્યારે તેને કોઇ સામાન્ય ભાગેડુ સમજીને, થોડી મારઝૂડ કરીને જવા દેવાયો હતો. પરંતુ યુદ્ધ પછી તરતના અરસામાં પત્રકાર લૉવેલ થોમસે લૉરેન્સનાં પરાક્રમ વિશેનો એક શો તૈયાર કર્યો.

વર્તમાન પરિભાષામાં ‘મલ્ટીમિડીયા શો’ કહેવાય એવા થૉમસના કાર્યક્રમમાં ‘લાઇવ નૃત્ય’, થોમસની લાઇવ કોમેન્ટ્રી, આરબ પોશાકમાં સજ્જ લૉરેન્સની સ્ટુડિયોમાં પડાવેલી તસવીરો અને મોટા પડદે તેનાં કેટલાંક લાઇવ દૃશ્યોનું સંકલન રજૂ કરવામાં આવતું હતું. સાથે પાશ્ચાત્ય જનતા માટે અજાણી આરબભૂમિનાં રણ, રોમાંચ અને રહસ્યને પણ સાંકળી લેવામાં આવતાં. ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ જેવું નામકરણ પણ ઘણું કરીને થૉમસની જ દેન હતી.

Lawrence (left) with Lowell Thomas
અમેરિકા ઉપરાંત બ્રિટન જેવા દેશોમાં લૉવેલ થૉમસનો શો જોયા પછી લોકોને જાણ થઇ કે ટી.ઇ.લૉરેન્સ નામનો કોઇ અંગ્રેજ બચ્ચો છે, જે અરબસ્તાન જેવા અજાણ્યા મુલકમાં, આરબ પોશાક પહેરીને, આરબો સાથે હળીભળીને, તેમનો વિશ્વાસ જીતીને અસંભવ લાગતાં પરાક્રમ કરી ચૂક્યો છે. લાખો લોકોનો ભોગ લેનાર યુદ્ધની કરુણ વાસ્તવિકતાને ભૂલવા માટે વીરકથાઓમાં શરણું શોધતા લોકો માટે ટી.ઇ.લૉરેન્સની રોમાંચક ગાથા હાથવગી બની રહી.

વિખ્યાત અંગ્રેજ દિગ્દર્શક ડેવિડ લીને ૧૯૬૨માં ભવ્યતાના પર્યાય જેવી ફિલ્મ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ બનાવીને લૉરેન્સના પાત્રનો આઘુનિક યુગમાં પ્રવેશ કરાવ્યો. તેમાં લૉવેલ થોમસ પર આધારિત અમેરિકન પત્રકારનું જેક્સન બેન્ટલીનું પાત્ર ઊભું કરવામાં આવ્યું. ફિલ્મમાં બેન્ટલીને લૉરેન્સની સાથે કેટલાક હુમલામાં સામેલ થતો બતાવાયો છે. વાસ્તવિક જીવનમાં લૉવેલ થૉમસે લૉરેન્સનાં ‘લાઇવ એક્શન’ દૃશ્યો કદી લીધાં ન હતાં. લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન લંબાઇ અને નિરાંતવી ગતિ ધરાવતી આ ફિલ્મમાં રણનાં, યુદ્ધનાં, ભવ્યતાનાં અને ટોળાંનાં દૃશ્યો મંત્રમુગ્ધ કરે એવાં છે.

David Lean directing Peter O'Toole / Lawrence of Arabia
ફિલ્મમાં એક મહત્ત્વનું - અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર એવોર્ડ મેળવનારનું- પાત્ર શરીફઅલીનું છે, જેના માટે ડેવિડ લીને દિલીપકુમારનો સંપર્ક કર્યો હતો. (દિલીપકુમારે તેનો કેમ અસ્વીકાર કર્યો એ તેમની થોડા સમય પહેલાં પ્રગટ થયેલી આત્મકથામાં પણ જાણવા મળતું નથી.) તેમણે ના પાડ્યા પછી ઇજિપ્તના કલાકાર ઓમર શરીફે એ ભૂમિકા ભજવી.

Omar Sharif as Sherif Ali with 'Lawrence' Peter O'Toole
ફિલ્મમાં એક નાનો (છતાં ‘શોલે’ના સાંભા કરતાં ઘણો મોટો) રોલ હિંદી (હાસ્ય) અભિનેતા આઇ.એસ.જોહરનો હતો. લૉરેન્સ લાંબું રણ ખેડીને અકાબા શહેર પર અણધાર્યો હુમલો કરવા માટે ચુનંદા ઊંટસવારો સાથે નીકળે છે, તેમાંના એક સવાર કાસિમ- એટલે આઇ.એસ.જૌહર.

I.S.Johar a Qasim in 'Lawrence of Arabia'
નવા અભિનેતા પીટર ઓ’ટૂલ/Peter O'tooleની મુખ્ય ભૂમિકા ધરાવતી ડેવિડ લીનની ફિલ્મમાં ઉત્તરાર્ધમાં લૉરેન્સની હતાશાનું અને છેતરાયાની લાગણીનું પણ આબાદ નિરૂપણ કરવામાં આવ્યું હતું. આખી ફિલ્મ જોયા પછી ઉપસતું લૉરેન્સનું પાત્ર સફળ નાયકને બદલે, બ્રિટિશ અને આરબ વફાદારી વચ્ચે ભીંસાતા નિષ્ફળ આગેવાન તરીકેનું, વીરરસને બદલે કરૂણરસનું, વધારે લાગી શકે.

છતાં, ફિલ્મમાં લશ્કરી વડા એડમન્ડ એલન્બી/ Edmund Allenbyના મોઢેથી લૉરેન્સ માટે મુકાયેલો સંવાદ સાચો પુરવાર થયો છે. એલન્બી લૉરેન્સને કહે છે,‘યુદ્ધ પૂરું થયા પછી મને વૉર મ્યુઝીયમમાં શોધવો પડશે, જ્યારે તને બધા ઓળખતા હશે.’


Thursday, July 10, 2014

એક સદી પછી પણ સળગતી પહેલા વિશ્વયુદ્ધની પેદાશ : ઇરાક-સમસ્યા

વિજ્ઞાનની મદદથી ‘આઘુનિક’ બનેલા માણસની અવળી મતિ અને ગતિ સૂચવતી પહેલી વૈશ્વિક ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. તેમાં મુખ્ય પક્ષકાર તરીકે બન્ને બાજુ ત્રણ-ત્રણ સામ્રાજ્ય હતાં : એક તરફ સેન્ટ્રલ પાવર્સ- એટલે કે જર્મન અને ઓસ્ટ્રો-હંગેરિયન તથા (તુર્કીનું) ઓટ્ટોમન સામ્રાજ્ય. સામે પક્ષે હતી ‘ટ્રીપલ આન્તાંત’ / Triple Entente તરીકે ઓળખાતી બ્રિટન, ફ્રાન્સ અને રશિયાનાં સામ્રાજ્યોની યુતિ. ઉપરાંત, જેના કોઇને કોઇ હિસ્સામાં હંમેશાં દિવસ રહેતો હતો- અને સૂર્ય કદી આથમતો ન હતો- એવા બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારત જેવા ઘણા દેશોને વિશ્વયુદ્ધમાં સંડોવાવું પડ્યું. (દિલ્હીમાં રાજપથ પર બનેલો ‘ઇન્ડિયા ગેટ’ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોના પ્રદાનને અંજલિ તરીકે અંગ્રેજ સરકારે ૧૯૩૧માં ખુલ્લો મુક્યો હતો.)

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આશરે એક કરોડ લોકો માર્યા ગયા અને બીજા બે કરોડ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાક આજીવન પંગુ બન્યા. ખુવારીનો આ આંકડો માનવ ઇતિહાસમાં અજાણ્યો અને અભૂતપૂર્વ હતો. પ્રચંડ જાનહાનિ ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધનાં બીજાં માઠાં પરિણામની લાંબી યાદી બને એમ છે. તેમાં સૌથી પહેલા ક્રમે કદાચ બીજા વિશ્વયુદ્ધને મૂકવું પડે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધનું સૌથી દીર્ઘજીવી અનુસંધાન છે અસ્થિર ઇરાક.

જૂન ૨૮,૨૦૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ માટે નિમિત્ત બનનાર ઘટનાને સો વર્ષ પૂરાં થયાં. એ બનાવ એટલે ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના સંભવિત વારસદાર આર્કડ્યુક ફર્ડિનાન્ડની હત્યા. તેની સોમી વરસીની લગભગ સમાંતરે અંતિમવાદી સંગઠન ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના નેતાઓએ તેમના તાબામાં રહેલા ઇરાક અને સિરિયાના પ્રદેશોમાં ‘ખિલાફત’ની- એટલે કે ઇસ્લામી શાસનની- ઘોષણા કરી.

ઇતિહાસની વક્રતા એ છે કે આ બન્ને દેશો પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટ્ટોમન સામ્રાજ્યમાંથી નવી સરહદો આંકીને કોરી કઢાયા હતા. તેમના સર્જન પાછળ વિજેતા બ્રિટનની બોલીને ફરી જવાની કાયમી દગલબાજી અને કોઇના પણ ભોગે પોતાનો સ્વાર્થ સાધી લેવાની પદ્ધતિ જવાબદાર હતાં. ભારતમાં બ્રિટને જે રીતે પહેલાં લાલચ અને પછી સૈન્યબળથી એક પછી એક પ્રદેશો હડપ કર્યા, કંઇક એવી જ ‘નીતિ’ વિશ્વયુદ્ધ વખતે તેણે ઓટ્ટોમન સામ્રાજ્યના વિસ્તારો માટે અપનાવી.

ઇસ્લામી શાસન ધરાવતા ઓટ્ટોમન સામ્રાજ્યમાં બ્રિટનનું આક્રમણ ‘ખ્રિસ્તી વિરુદ્ધ મુસ્લિમ’ની ‘ક્રુસેડ’ (ધર્મયુદ્ધ) નથી, એવું દેખાડવું બ્રિટનને જરૂરી લાગતું હતું. ઉપરાંત ઓટ્ટામન સામ્રાજ્યને અંદરથી નબળું પાડવા માટે, આરબોને શાસન વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા. અંગ્રેજોની ‘પ્રેરણા’થી સો વર્ષ પહેલાં ‘આરબ સ્પ્રિંગ’ (વિદ્રોહની વસંત)નાં મંડાણ થયાં. આરબ વિદ્રોહનો વાવટો ફરકતો રાખવા માટે અંગ્રેજોએ અરબ પ્રદેશોના અભ્યાસી અને ઇતિહાસની ડિગ્રી-પુરાતત્ત્વમાં રસ ધરાવનાર ટી.ઇ.લૉરેન્સ/ T.E.Lawrenceની સેવાઓ લીધી. તેનું કામ આરબોને વિશ્વાસમાં લઇને તેમને ઓટ્ટોમન સામ્રાજ્ય સામે લડાવવાનું હતું. બદલામાં આરબોને વિશ્વયુદ્ધ પછી અલગ અરબસ્તાન- આરબોનો અલગ દેશ- આપવાનો ગોળ તેમની કોણીએ લગાડવામાં આવ્યો હતો.
Lawrence Of Arabia/ (અસલી) લોરેન્સ ઓફ અરેબિયા
આરબોને સમજાવવા-પટાવામાં અને તેમની ટુકડીઓનું નેતૃત્વ લઇને ઓટ્ટોમન સામ્રાજ્યના સૈન્ય પર- તેની ધોરી નસ જેવી લાંબી રેલવે લાઇન પર વીજળીક હુમલા કરવામાં લૉરેન્સ એવો પાવરધો પુરવાર થયો કે બ્રિટન સહિત વિશ્વભરમાં તે ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ તરીકે વિખ્યાત બન્યો. અરબી પોશાકમાં સજ્જ લૉરેન્સની તસવીર આરબો માટે આદરનું અને અંગ્રેજ પરાક્રમ-કુશળતા-ક્ષમતાનું પ્રતીક બની રહી. પરંતુ અંગ્રેજોનો ઇરાદો સાફ ન હતો. ખુદ લૉરેન્સને પણ એ વાતનો અંદાજ હતો. તેણે પોતાના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑફ વિઝડમ’માં નોંઘ્યું હતું કે ‘અમે યુદ્ધ જીતી જઇશું તો આરબોને આપેલાં વચનોનું મહત્ત્વ કાગળીયાંના ટુકડાથી વિશેષ રહેવાનું નથી...પૂર્વના મોરચે યુદ્ધ જીતવામાં આરબોની મદદ અમારા માટે સૌથી મોટું ઓજાર બની હતી...છતાં, અમે સાથે મળીને જે કંઇ કર્યું એનું ગૌરવ લેવાને બદલે, હું સતત અને ભયંકર કટુતાપૂર્વક શરમ અનુભવતો હતો.’ (લૉરેન્સ ઑફ અરેબિયાની વિગતે વાત ફરી ક્યારેક)

અંગ્રેજોને મન તેમનું આર્થિક અને રાજકીય હિત સર્વોપરી હતું. એટલે એક બાજુ તે આરબોને અલગ આરબ રાજ્યના વાયદા આપતા હતા અને બીજી તરફ આરબોના કટ્ટર દુશ્મન એવા યહુદીઓને પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય ઊભું કરી આપવાનું કહેતા હતા. યુદ્ધનો અંત હાથવેંતમાં દેખાતો ન હતો, એ વખતે ‘સાઇક્સ-પિકો એગ્રીમેન્ટ’/ Sykes-Picot Agreement તરીકે જાણીતા કરાર અંતર્ગત બ્રિટન અને ફ્રાન્સની સરકારોએ ઓટ્ટોમન સામ્રાજ્યના અંદરોઅંદર ભાગ પણ પાડી દીધા. ક્યાં બ્રિટનની સીધી સત્તા રહેશે અને કયા વિસ્તારોમાં તેનો સીધો પ્રભાવ, એવું જ ફ્રાન્સની બાબતમાં પણ નકશા આંકીને નક્કી કરી નાખવામાં આવ્યું. તેમાં ફ્રાન્સના ભાગે હાલનાં સિરીયા અને લેબનોન આવતાં હતાં અને બ્રિટનને હાલનાં ઇરાક, જોર્ડન તથા પેલેસ્ટાઇન મળતાં હતાં. આ વહેંચણ પછી આરબોના ભાગે તેમણે માગેલું નહીં, પણ બ્રિટન-ફ્રાન્સે ઓળવી લીધા પછીનું વઘ્યુંઘટ્યું અરબસ્તાન જ આવતું હતું. (વિગત જોવા માટે નીચેના નકશા પર ક્લિક કરો)

અંગ્રેજોના વાયદા પ્રમાણેનું અરબસ્તાન (ડાબા નકશામાં મોટો વિસ્તાર) અને
વાસ્તવમાં આપેલું વધ્યુઘટ્યું અરબસ્તાન (જમણા નકશામાં નીચેનો વિ્સ્તાર)
યુદ્ધ પૂરું થયા પછી વિજેતા દેશોએ (હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વસૂરિ જેવી) ‘લીગ ઑફ નેશન્સ’ની સ્થાપના કરી. તેનો હેતુ તો દુનિયામાં શાંતિ સ્થપાય અને ફરી યુદ્ધ ન થાય એવો ઠાવકો હતો, પણ તેનો વહીવટ વિજેતા દેશોના હાથમાં હતો. એટલે ‘લીગ ઑફ નેશન્સ’ દ્વારા એવું ઠરાવવામાં આવ્યું કે ઓટ્ટોમન સામ્રાજ્યના વિઘટન પછી બાકી રહેલાં અને નવાં અસ્તિત્ત્વમાં આવેલાં ઇરાક, સિરીયા, જોર્ડન, પેલેસ્ટાઇન જેવા દેશોને સ્વતંત્રતા ન આપવી. પણ તેમને ‘દૂધપાક’ જાહેર કરીને, બીજા દેશોને તેમની ‘જવાબદારી’ સોંપવી. (એ માટે વપરાયલો ટેક્‌નિકલ શબ્દ હતોઃ મેન્ડેટ. આ દેશોને બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોનાં ‘મેન્ડેટ’ જાહેર કરાયાં હતાં.) દલીલ એવી કરવામાં આવી કે આ દેશો હજુ સ્વતંત્રતા માટે લાયક નથી. યુરોપીઅન દેશોના માર્ગદર્શનમાં થોડાં વર્ષ રહ્યા પછી તે એ માટે લાયક બનશે. (આવી જ દલીલ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અંગ્રેજો દ્વારા થતી હતી.)

મુત્સદ્દીગીરીના નામે ચાલતી ઘૂર્તતાનો સાદો અને વ્યવહારુ અર્થ એટલો થયો કે આરબોના સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન અઘૂરું રહ્યું અને તેમના માથે ઓટ્ટોમન સામ્રાજ્યની જગ્યાએ બ્રિટિશ (કે ફ્રેન્ચ) સામ્રાજ્ય આવ્યું. બ્રિટનને નવા રચાયેલા ઇરાકમાં ત્રણેક જગ્યાએથી મળેલા ક્રુડ ઑઇલના ખજાનામાં રસ પડ્યો હતો. હકીકતે ઇરાકની રચના જ બ્રિટને એવી રીતે આંકી હતી કે જેથી તેમાં ત્રણે તેલક્ષેત્રો આવી જાય. ક્રુડ ઑઇલની લ્હાયમાં શિયા, સુન્ની અને કુર્દ પ્રજાનું સ્ફોટક મિશ્રણ ધરાવતો પ્રદેશ એક રાષ્ટ્ર (ઇરાક) તરીકે અસ્તિત્ત્વમાં આવી ગયો અને કાયમી અશાંતિનાં મૂળીયાં નંખાઇ ગયાં, તે સ્વાર્થઅંધ અંગ્રેજોને દેખાતું ન હતું કે તેમને એ જોવામાં રસ ન હતો.

યુરોપીઓનોની દેખીતી અંચઇ અને લુચ્ચાઇથી આરબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો. લૉરેન્સ ઑફ અરેબિયાએ પણ એક અખબારના તંત્રીને સપ્ટેમ્બર, ૧૯૧૯માં પત્ર લખીને જણાવ્યું કે ‘આપણે (અંગ્રેજો) સુધરીશું નહીં તો આવતા વર્ષના માર્ચમાં આરબોના વિદ્રોહની તૈયારી રાખવી પડશે.’સમાર્ચ નહીં ને જૂન, ૧૯૨૦માં આરબોનો બળવો ફાટી નીકળ્યો, જેમાં સ્થાનિક અંગ્રેજ તંત્ર ઉંઘતું ઝડપાયું. ખુવારી અને જાનહાનિ વેઠ્યા પછી મોટા પાયે સૈન્યબળ વાપરીને બ્રિટને બળવો કચડી નાખ્યો. કેટલાક અહેવાલ પ્રમાણે એ વખતે આદિવાસી કબીલાઓ સામે બ્રિટને ઝેરી ગેસનો ઉપયોગ પણ કર્યો. છેવટે ૧૯૨૧માં વિન્સ્ટન્ટ ચર્ચિલને બ્રિટિશ સરકારે કોલોનિયલ સેક્રેટરી તરીકે નીમ્યા. તેમણે આરબોને વિશ્વાસમાં લેવા માટે લૉરેન્સ ઑફ અરેબિયાની મદદ લીધી. લોહિયાળ બોધપાઠ પછી આરબોના નેતા અમીર હુસૈનના એક પુત્રને ઇરાકની અને બીજા પુત્રને જોર્ડનની ગાદી પર બેસાડવામાં આવ્યો.

ત્યારથી ઇરાકમાં પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા સુન્નીઓનું શાસન શરૂ થયું. છેવટે ૧૯૫૮માં બ્રિટન વતી રાજ કરતા કઠપૂતળી શાસકો સામે વિદ્રોહ થતાં ઇરાકમાંથી બ્રિટનના વર્ચસ્વનો અંત આવ્યો. ત્યાર પછીનાં વર્ષોમાં લશ્કરી સત્તાપલટા પછી ૧૯૭૦ના દાયકામાં સદ્દામ હુસૈન અને તેમની ‘બાથ’ પાર્ટી સત્તામાં આવી. તેમણે માનવ અધિકારોને કચડી નાખ્યા અને લોખંડી રીતે શાસન ચલાવ્યું. એટલે શિયા-સુન્નીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ટાળી શકાયા. અલબત્ત, કુર્દો સામે ઝેરી ગેસનો ઉપયોગ કરીને તે  જગબત્રીસીએ ચડ્યા. અમેરિકાએ ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’- સામુહિક સંહારનાં શસ્ત્રો રાખવાના બહાને ૨૦૦૩માં ઇરાક પર હુમલો  કર્યો. ઇરાકના લોકોને સદ્દામના શાસનમાંથી તેમણે મુક્તિ તો અપાવી, પણ ત્યાર પછી તેમને વધારે અંધાઘૂંધીમાં તેમને ધકેલી દીધા અને સરવાળે પોતાનું સૈન્ય પાછું ખેંચી લીઘું. ત્યાં સુધીમાં ધણીધોરી વગરના ઇરાકમાં સ્થાનિક શિયાઓ, કુર્દો અને સિરીયા સહિતના દેશોમાં શસ્ત્રસજ્જ ફરતા લોકો જોરાવર બની રહ્યા હતા. ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ જેવા સંગઠનને ફૂલવાફાલવા માટે આનાથી વધારે ફળદ્રુપ સંજોગો કયા હોઇ શકે?

એ સંગઠને ઇરાક અને સિરીયાના પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં ઇસ્લામી શાસન જાહેર કરીને બ્રિટને આંકેલી તથા પાછલાં વર્ષોમાં અમેરિકાએ દૃઢ બનાવેલી ઇરાકની સીમારેખાઓને પડકારી છે.  પહેલા વિશ્વયુદ્ધની શતાબ્દિની ઉજવણી વખતે મઘ્ય-પૂર્વનો હજુ દૂઝતો ઘા ભૂલવા જેવો નથી ને અવગણી શકાય એવો પણ નથી.