Wednesday, January 03, 2024

શિક્ષણક્ષેત્રે કુરુક્ષેત્રે

 ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.

સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ

એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.

--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય છે.

એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.

શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.

સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક વાર મહોર મારી દેશે.

ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.

ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

ગીતા અભ્યાસમાં આવતાંની સાથે સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું છે. કોઈ સારા ટીચર હોય તો બતાવજો. શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા ધોરણથી જ શરૂ કરી શકાશે.

ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.

સરકારી જાહેરાત પછી મોડા જાગેલા કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક અનુભવી શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.

ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે, જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.

No comments:

Post a Comment