Tuesday, January 17, 2023

ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...

આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું. 

હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું. 

એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે. 

બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય. 

અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે. 

***

વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું. 

સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો. 

ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે. 

તો, સરવાળે શું થયું?

- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર. 

- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું. 

***

રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત. 

વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું. 

--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે.  છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે. 

આખું ચિત્ર એ છે કે  કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના. 

***

અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની. 

સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.

ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી. 

આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે. 

વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો. 

એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું? 

***

વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી.  બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે. 

વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો. 

બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.

No comments:

Post a Comment