Sunday, June 08, 2025
India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)
‘ગાંધી પછીનું ભારત’–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
આવું કેમ?
તેનો એક જવાબ
એટલે આ પ્રકાશન-કથા.
*
વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે ‘પેન્ગ્વિન ઇન્ડિયા’ના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.
![]() |
સ્ટોરીની લિન્ક |
ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.
વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.
બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’માં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.
જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, ‘આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ.’ મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી.’ પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.
મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે ‘તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો.’ તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ‘ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.’
અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.
ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)
*
કામ પૂરું થયાના થોડા અરસા પછી એક
વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ
સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ
પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ
મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો
તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.
ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, ‘મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ.’ તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નું ગુજરાતી કરવાની ખરેખર ‘હા’ પાડી હતી? કે મારા મોઢે ‘ના’ પાડવી ન પડે, એટલે માટે ‘હાએ હા’ કરી હશે?
(ક્રમશઃ)
No comments:
Post a Comment