Tuesday, July 17, 2012

‘બોસોન’ખ્યાત સત્યેન્દ્રનાથ બોઝ : ફરક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાનો


SN Bose/ સત્યેન્દ્રનાથ બોઝ
વાત મહાન વિજ્ઞાની અને ‘હિગ્સ બોસોન’ના પાયામાં રહેલા સત્યેન્દ્રનાથ બોઝની જ કરવાની છે, પણ શરૂઆત કેટલાંક બીજાં દંતકથા જેવાં નામથી કરીએ. 

કેપ્ટન લક્ષ્મી ઉર્ફે લેફ્‌ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ. આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડા. સુભાષચંદ્ર બોઝનાં અંતેવાસી. ઐતિહાસિક પાત્ર. તેમનું નામ પડતાં જ, પરિચિતોના ચહેરા પર આદર-અહોભાવની લાગણી પથરાઇ જાય. પરંતુ કેપ્ટન લક્ષ્મીનાં ગુણગાન અધવચ્ચેથી અટકાવીને કહેવામાં આવે કે ‘એ હજુ આપણી વચ્ચે હયાત છે’ તો?

સંભવ છે. સાંભળનારની પ્રતિક્રિયા એટલી જ તીવ્ર રહે. બસ, ચહેરા પર અહોભાવના જગ્યાએ આશ્ચર્ય - અવિશ્વાસ અને જીભે  ‘ના હોય!’ જેવા શબ્દો આવી જાય.

ભજનગાયિકા જુથિકા રોય. આઝાદી પહેલાંના સમયમાં આઘુનિક મીરાં તરીકે ઓળખાતાં. તેમનાં ભજનની રેકોર્ડ ઘરમાં હોવી એ સંસ્કારિતાની નિશાની ગણાતી. ગાંધીજી જેવા ગાંધીજીએ તેમનાં ભજન સાંભળ્યાં હતાં. પેઢીઓની પેઢીઓ તેમનાં ભજન સાંભળીને મોટી  અને તેમના પ્રત્યે ધન્યભાવ અનુભવતી થઇ. તેમનું નામ પડે એટલે ‘ઓહોહો’ થઇ જાય. પરંતુ બીજા તો ઠીક, જુથિકા રોયના ચાહકોમાંથી કેટલા જાણતા હશે કે જુથિકાજી હજુ આ જ દુનિયામાં- કોલકાતામાં - છે?’ અને આ જાણતા લોકોએ પણ છાપાંમાં કે ચેનલો પર એમના વિશે - કે લક્ષ્મી સહગલ વિશે- છેલ્લે ક્યારે વાંચ્યું-સાંભળ્યું? ‘ગુગલ ન્યૂઝ’ પર લક્ષ્મી સહગલનો એકમાત્ર રેફરન્સ ૧૦ વર્ષ પહેલાં તે ડો.અબ્દુલ કલામ સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં તેનો બતાવે છે અને જુથિકા રોય? એમનું તો ‘ગુગલ ન્યૂઝ’ પર અસ્તિત્ત્વ જ નથી. (અહીં સર્ચએન્જિન ગૂગલની નહીં, પણ તેના સમાચારવિભાગની વાત છે.)

પ્રમાણમાં ઘણાં લોકપ્રિય અને સંખ્યાબંધ લોકોને સ્પર્શે એવા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી લક્ષ્મી સહગલ- જુથિકા રોય જેવી હસ્તીઓની આ સ્થિતિ હોય, તો ભાગ્યે જ કોઇને ટપ્પી પડે એવા વિષયમાં પ્રચંડ પ્રદાન કરનાર સદ્‌ગત વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ વિસરાઇ જાય એમાં શી નવાઇ?

બોઝ-આઇન્સ્ટાઇન સંબંધો

હિગ્સ બોસોન કણની સંભવિત ઓળખ પછી થયેલાં ઉજવણાંમાં જીવીત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના જયજયકારની સાથે ૧૯૭૪માં અવસાન પામેલા ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝનો પણ ઉલ્લેખ થયો. બ્રહ્માંડના મૂળભૂત કણોના બે મુખ્ય પ્રકારમાંથી એકનું નામ  ‘બોઝ’ પરથી ‘બોસોન’ રખાયું હતું. એટલે એક રીતે, સત્યેન્દ્રનાથને યાદ કર્યા વિના છૂટકો ન હતો. છતાં, ઉજવણીના માહોલમાં થોડો ગણગણાટ એવો પણ થયો કે ‘સત્યેન્દ્રનાથ ભૂલાઇ ગયા. તેમનો થવો જોઇએ એટલો જયજયકાર ન મળ્યો.’ વધારે સાદા શબ્દોમાં કહીએ તો, તેમને (મરણોપરાંત) જોરદાર પ્રસિદ્ધિ ન મળી.

સત્યેન્દ્રનાથ ધારો કે હિગ્સ બોસોનની શોધ જોવા જીવીત હોત, તો તેમને પણ હિગ્સ અને બીજા સાથી વિજ્ઞાનીઓની જેમ ખાસ આમંત્રિત તરીકે બોલાવાય હોત. પરંતુ સત્યેન્દ્રનાથ પ્રસિદ્ધિના પ્રકાશપુંજમાં ઝળહળવા ઉપડી ગયા હોત કે પછી ઘરે બેસીને તેમનાં પ્રિય વાદ્ય- ઇસરાજ અથવા વાંસળી- વગાડીને પરમ તૃપ્તિ અનુભવતા હોત?

આ સવાલનો જવાબ કલ્પનાનો પ્રદેશ છે, પણ નોંધાયેલી-નક્કર હકીકત એ છે કે ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી તૈયાર થતા એક પુસ્તકના લેખક સત્યેન્દ્રનાથને મળવા ગયા- તેમનું શબ્દચિત્ર આલેખવાની વાત કરી, ત્યારે સત્યેન્દ્રનાથે એ કામને ‘સમયનો બગાડ’  ગણાવ્યું હતું. (જેની પર ‘બઘું મળે છે’ એવા‘ગુગલ’ પર સત્યેન્દ્રનાથના ફોટો એટલા ઓછા છે કે આંગળીના વેઢા વધી પડે.)

પ્રસિદ્ધિ પ્રત્યે તેમની ઉદાસીનતામાં દંભ નહીં, પણ જીવનદર્શન અંગેની સ્પષ્ટતા કારણભૂત હતી. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન એવું હતું કે એ બદલ તેમને નોબેલ પારિતોષિક મળવું જોઇએ, એવી ઘણાની લાગણી હતી. છતાં, તેમણે પોતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. આઇન્સ્ટાઇન સહિત અનેક ઘુરંધરો સાથે નિકટનો પરિચય હોવા છતાં, સત્યેન્દ્રનાથે નોબેલ પારિતોષિક માટે કદી પ્રયાસ તો ઠીક, એ ન મળ્યાનો વસવસો પણ ન કર્યો.

હા, એક વાર તેમણે ભારે ખચકાટ સાથે આઇન્સ્ટાઇનની ભલામણ માગી હતી. ઢાકા યુનિવર્સિટીમાં તે રીડર તરીકે કામ કરતા હતા. વિજ્ઞાનજગતના સાંપ્રત પ્રવાહોના અભ્યાસ માટે તે બે વર્ષ યુરોપ ગયા. ત્યાં અનેક વિજ્ઞાનીઓ ઉપરાંત આઇન્સ્ટાઇનને પણ મળ્યા. ફળદાયી પ્રવાસ પછી પાછા ફરેલા સત્યેન્દ્રનાથને મિત્રોએ સૂચવ્યું કે તેમણે  ઢાકા યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવી જોઇએ અને એ માટે આઇન્સ્ટાઇન પાસેથી ભલામણપત્ર માગવો જોઇએ.

સત્યેન્દ્રનાથની વિનંતીથી ખુદ આઇન્સ્ટાઇનને નવાઇ લાગી. તેમને થયું કે બોઝને વળી મારી ભલામણની શી જરૂર? એ પોતે એમની આવડતના બળે હોદ્દા માટે લાયક છે. પરંતુ સાપેક્ષવાદના શોધકને એ ન સમજાયું કે ભારતમાં લાયકાત એ સાપેક્ષ બાબત છે. આઇન્સ્ટાઇને ઉમળકાથી લખી આપેલા ભલામણપત્ર પછી પણ સત્યેન્દ્રનાથને એ હોદ્દો ન મળ્યો. તેમની જગ્યાએ બીજા એક ‘બોઝ’- ડી.એમ.બોઝ-ને પ્રોફેસરપદું આપવામાં આવ્યું. તેમણે અસ્વીકાર કરતાં તેમની જગ્યાએ, એટલે કે આઇન્સ્ટાઇનના હકારથી નહીં, પણ ડી.એમ.બોઝના નકારથી, સત્યેન્દ્રનાથને પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.

એકલવ્યવત્‌ સત્યેન્દ્રનાથ માટે આઇન્સ્ટાઇન ગુરુ દ્રોણ હતા. પણ આ ગુરુએ શિષ્યનો અંગુઠો માગી લેવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા. ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સત્યેન્દ્રનાથે એક પેપર (સંશોધન લેખ) તૈયાર કર્યો હતો. તેનું અંગ્રેજી શીર્ષક હતું : ‘પ્લાન્ક્‌સ લૉ એન્ડ લાઇટ ક્વોન્ટમ હાઇપોથીસીસ’. તેમનાં અગાઉનાં પેપર પ્રકાશિત કરનાર ફિલોસોફિકલ મેગેઝીને આ પેપર સાભાર પરત મોકલ્યું. એટલે સત્યેન્દ્રનાથે આઇન્સ્ટાઇન સાથે કશો પરિચય ન હોવા છતાં, તેમને એ સંશોધન લેખ મોકલી આપ્યો.  સાથેના પત્ર (૪ જુન, ૧૯૨૪)માં પેપરના વિષયવસ્તુ વિશે ટૂંકમાં જણાવીને લખ્યું,

‘જો તમને લાગે કે આ પેપર પ્રકાશનયોગ્ય છે અને જો તમે ફિઝિક્સ વિશેના જર્મન સામયિકમાં એના પ્રકાશન માટે યથાયોગ્ય તજવીજ કરશો તો હું આપનો આભારી રહીશ. તમે મને બિલકુલ ઓળખતા નથી. છતાં તમને આ વિનંતી કરવામાં હું કશો ખચકાટ અનુભવતો નથી. કારણ કે અમે તમારા શિષ્યો છીએ અને તમારાં લખાણમાંથી જ્ઞાનલાભ મેળવીએ છીએ. તમને યાદ હશે કે નહીં જાણતો નથી, પણ તમારા જનરલ રીલેટીવીટી અંગેના પેપરના અંગ્રેજી અનુવાદ માટે કલકત્તાથી કોઇએ તમારી પરવાનગી મંગાવી હતી અને તમે એ આપી પણ હતી...તમારા એ પેપરનો અનુવાદ કરનાર હું જ હતો.’

આઇન્સ્ટાઇને આ પત્રનો જવાબ આપ્યો. એટલું જ નહીં, સત્યેન્દ્રનાથના પેપરનો જર્મન અનુવાદ જાતે કર્યો, જે ભૌતિકશાસ્ત્રના સામયિકના ઓગસ્ટ, ૧૯૨૪ના અંકમાં પ્રગટ થયો. તેની સાથે અનુવાદકની નોંધમાં આઇન્સ્ટાઇને આ સંશોધનને ‘એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોરવર્ડ’ (પ્રગતિની દિશામાં નોંધપાત્ર પગલું) ગણાવ્યું.

આઇન્સ્ટાઇન સાથે સત્યેન્દ્રનાથનો અંગત પરિચય વિજ્ઞાનજગતમાં અમર બન્યો ‘બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ’ અને ‘બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ’ થકી. અત્યંત નીચા તાપમાને પરમાણુઓ  નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. એની ટેકનિકલ ચર્ચાને બદલે, નામ અને પ્રતિષ્ઠાની જ વાત કરતા હોઇએ ત્યારે યાદ રહે કે આ બન્ને પારિભાષિક નામોમાં પહેલું નામ બોઝનું મૂકાયું છે. કારણ કે તેના મૂળ જન્મદાતા સત્યેન્દ્રનાથ બોઝ હતા. આઇન્સ્ટાઇને બોઝના સંશોધનને આગળ વધાર્યું હતું.

અમરત્વની સામગ્રી

બોસોન અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ- આ બન્ને સંશોધનો ભૌતિકશાસ્ત્રમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ અમર બનાવવા માટે પૂરતાં છે, પરંતુ ‘અમરત્વ’ની વાત કરીએ ત્યારે યાદ રાખવું પડે કે તેનો સીધો સંબંધ પ્રસિદ્ધિ સાથે નહીં, પ્રતિષ્ઠા સાથે હોય છે. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સહિયારો ઝળહળાટ (આઇન્સ્ટાઇન જેવા) બહુ ઓછા કિસ્સામાં દાયકાઓ સુધી ટકે છે. તેના માટે પ્રદાન ઉપરાંત દેશકાળથી માંડીને સમાજ-સંસ્કૃતિ જેવાં અનેક પરિબળ કારણભૂત હોય છે. ભારતમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ સુદ્ધાં સાંભળ્યા વિના વિદ્યાર્થી બારમું સાયન્સ કે ભલું હોય તો સાયન્સ ગ્રેજ્યુએટ થઇ જાય, એ બિલકુલ બનવાજોગ છે.

ફક્ત સાયન્સ જ શા માટે, કોઇ પણ વિદ્યાશાખામાં ભણનારને પરિચય હોવો ઘટે, એવું વૈવિઘ્યપૂર્ણ અને મજબૂત સત્યેન્દ્રનાથનું કામ હતું. માતૃભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના તેમના પ્રયાસથી માંડીને શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સુધી  તેમનો વ્યાપ હોવા છતાં, (પ્રસિદ્ધિ માટેની પૂર્વશરત ગણાય એવી) પોતાના કામ સિવાયની પંચાતમાં તેમને રસ ન હતો. તેમની સાદગી-સરળતા અને એકાગ્રતાનાં અનેક ઉદાહરણ વાંચવા મળે છે. કાર્યક્રમોમાં બેઠા પછી આંખ બંધ કરી દેવાની તેમની પદ્ધતિથી ઘણાને ગેરસમજણ થતી હતી. પરંતુ એકથી વધારે પ્રસંગે તેમણે એ અવસ્થામાં પોતાની જાગૃતિનો પરચો આપ્યો હતો. એક વાર તો, વિખ્યાત વિજ્ઞાની નીલ્સ બોહ્‌ર પ્રવચન દરમિયાન કંઇક સમજાવતી વખતે અટક્યા-અટવાયા અને મંચ પર બેઠેલા સત્યેન્દ્રનાથ સામે જોઇને તેમણે કહ્યું,‘કેન પ્રોફેસર બોઝ હેલ્પ મી?’ શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે, આંખો ખોલીને સત્યેન્દ્રનાથ ઊભા થયા, બોહ્‌ર જે કહેવા માગતા હતા તે સમજાવી દીઘું અને ફરી પાછા આંખો બંધ કરીને બેસી ગયા.
Nehru- SN Bose/ જવાહરલાલ નેહરુ- સત્યેન્દ્રનાથ બોઝ
રવીન્દ્રનાથ ટાગોરે પોતાનું પુસ્તક ‘વિશ્વપરિચય’ સત્યેન્દ્રનાથને અર્પણ કર્યું હતું. માનદ્‌ ડોક્ટરેટ, વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી માંડીને ભારતના નેશનલ ફેલો, રાજ્યસભાના સભ્ય, પદ્મભૂષણ અને લંડનની રોયલ સોસાયટીના ફેલો જેવાં માન-સન્માન સત્યેન્દ્રનાથ સહજતાથી પચાવી ગયા. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને ચેમ્બર્સ જેવાં પ્રકાશનોની ડિક્શનરી ઓફ સાયન્ટિસ્ટ્‌સમાં ભારતનાં ગણ્યાંગાંઠ્‌યાં ચાર-છ નામ હોય, પણ એ દરેકમાં સત્યેન્દ્રનાથનું નામ અચૂકપણે જોવા મળે છે. 

તેમ છતાં, લિમ્કા બુક કે ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવનારને કે ફિલ્મમાં આઇટેમ સોંગ કરનારને વધારે પ્રસિદ્ધિ મળતી હોય, તો એવી પ્રસિદ્ધિ સત્યેન્દ્રનાથ બોઝને ન મળ્યાનો બહુ ધોખો કેવો? તેમનો પરિચય નવી પેઢીઓને સહેલાઇથી થતો રહે એટલું જ જરૂરી અને પૂરતું છે.

1 comment:

  1. For a true genius, publicity and fame are merely inconveniences to be dispensed with. Bose would have had no time for the 24x7 craze that our news channels are. Nice, profound piece Urvish explaining the personality of this wonderful scientist (and an even better human-being). I love this series of pieces you have penned on the man lately.

    ReplyDelete