Wednesday, November 23, 2011
મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે : ફાધર વાલેસ
સોમવારે (21-11-11) સાંજે ફાધર વાલેસના મુખ્ય મહેમાનપદે ‘વિકાસના હમસફર’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ હતો. ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓના પ્રદાન અંગેના આ પુસ્તકના સંપાદકો છેઃ ફાધર વર્ગીસ પોલ અને નવીન મેકવાન. ફાધર વાલેસે પુસ્તકનું વિમોચન કર્યું અને પચીસેક મિનીટ પ્રવચન કર્યું (જે શુક્રવારના તેમના વક્તવ્ય કરતાં ચડિયાતું લાગ્યું.)
‘અંગ્રેજી અને સ્પેનિશ કરતાં વધારે પુસ્તકો ગુજરાતીમાં લખનાર’ ફાધરના પ્રવચનના મુદ્દાઃ
- ધર્મ, પુસ્તક અને ભારત- આ ત્રણે મારા પ્રિય વિષયો છે અને આ પુસ્તકમાં એ ત્રણે ભેગા થયા છે. ‘ધર્મ’ શબ્દ સાથે મારી તકલીફ છે. હું ગુજરાતી શીખતો હતો ત્યારે (‘ધર્મ’ શબ્દને લીધે) મારી કફોડી સ્થિતિ થઇ. કઇ રીતે? ભાષા શીખવાનું પહેલું હથિયાર છે શબ્દકોશ. કયો શબ્દ કોશ? ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ. વીસ રૂપિયાનો. ગુજરાતી ભાષા શીખવા માટે ગુજરાતી-અંગ્રેજી કે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ નકામો. દરેક વખતે અહીંથી યુરોપ જવું પડે (દરેક ગુજરાતી શબ્દનો અર્થ અંગ્રેજી શબ્દના સંદર્ભમાં સમજવો પડે) એ ઠીક નહીં.
- ગુજરાતી વાંચતાં વાંચતાં પ્રાણીઓ અને તેમનાં લક્ષણો વિશે જોતો હતો. તેમાં એક વાક્ય આવ્યું ‘ગાયનો ધર્મ દૂધ આપવાનો છે.’ મને થયું કે આ વાક્યનો અર્થ ‘રિલિજીયન ઓફ કાઉ’ એવો તો ન જ થાય. ગાયના ગુણ ઘણા છે, પણ એનો ‘રિલિજીયન’? એટલે (હું સમજ્યો કે) ગાયનો ધર્મ એટલે તેનો સ્વભાવ, પ્રકૃતિ, શક્તિ, જણાય-દેખાય-ઉપયોગી થાય તે. ફક્ત રિલિજીયન નહીં, પણ ડ્યુટી. ધર્મના ગુંચવાડા દૂર કરવા માટે મેં એક વાક્ય બનાવ્યું હતું, જેમાં ધર્મના ત્રણે અર્થ આવતા હતા. એ વાક્ય હતું, ‘મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે.’ તેનું અંગ્રેજી થાયઃ My religion that becomes my nature is my duty.` એટલે ધર્મના ત્રણ અર્થ એક જ વાક્યમાં થાયઃ રિલિજીયન, નેચર અને ડ્યુટી. ધર્મ એટલે ફક્ત કાયદાઓ, આજ્ઞાઓ, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ જાય એ જ મારો ધર્મ. તો જ એ સરલ અને સહજ બને. કબીરનું વચન મારા મનમાં બેસી ગયું હતું, ‘સહજ સમાધિ ભલી.’ ધર્મ-પ્રાર્થનામાં બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એને કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાં આવે, એ ઉપરથી નહીં, અંદરથી આવેલું જોઇએ. એ રીતે અર્થ કરતાં ધર્મમાં આખું જીવન આવી શકે.
- ફાધરે માર્મિક રીતે કહ્યું કે આ પુસ્તકની ટેગલાઇન ‘ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન’ એ વાક્યમાં ‘વિકાસ’ પહેલાં છે અને ‘ખ્રિસ્તીઓનું પ્રદાન’ પછી. ‘વિકાસ’ એટલે આગળ, ઉપર, વધારે. (ફાધર છેલ્લાં થોડાં વર્ષથી ગુજરાતમાં રહેતા હોત તો તેમણે વિકાસની થોડી વધુ વ્યાખ્યાઓ પણ આપી હોત.) ફાધરોને માટે મુદ્રાલેખ છે, ‘જે કર્યું છે તે સારું છે, પણ હજુ વધારે. બેસી રહેવાનું નથી. સંતોષ પૂરતો નથી. એટલે આ લખાણ જોઇને મને આનંદ થયો.
- ‘ધર્મોના સંઘર્ષો પણ છે અને ગેરસમજણો પણ છે. પણ હવે બધા ડાહ્યા થઇ રહ્યા છે.’ એવો ઉલ્લેખ કરીને ફાધરે કાકાસાહેબ કાલેલકરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ‘સર્વધર્મસમભાવ’ પછી ‘સર્વધર્મમમભાવ’ શબદ આપ્યો. બધા ધર્મોમાં જે સારું છે એ મારું છે. એ સ્વીકારીએ, અપનાવીએ તો બધા ભેગા થઇને ઉપર જઇ શકીએ. ધર્મ બધી રીતે ઉપકારક છે, પણ ઇતિહાસમાં ધર્મના નામે અધર્મ ઘણો થયો છે. રાજકારણ સાથે, દેશો-દેશો વચ્ચેની ગેરસમજણો સાથે તેનો સંબંધ આવી જાય છે. ધર્મ ને રાજકારણ બધું ભેગું થાય તો નુકસાન થાય.
- ફાધર ટોની (એન્થની) ડીમેલોનાં લખાણની યાદ અપાવે એવો એક દાખલો ફાધર વાલેસે આપ્યોઃ આયર્લેન્ડમાં અમુક કામ માટે ફોર્મ ભરવાનાં હતાં. ત્યાં પ્રોટેસ્ટન્ટ અને કેથલિક એમ બન્ને પ્રકારના ખ્રિસ્તીઓ છે. ફોર્મમાં બધાએ નામ, સરનામું, ઉંમર, ધર્મ બધું લખવાનું હતું. એક જણે ફોર્મમાં ધર્મની સામે લખ્યું ‘નાસ્તિક.’ બરાબર છે. તેમને કહેવામાં આવ્યું, ‘આવું લખવાનો તમારો અધિકાર છે, પણ એ તો કહો? તમે નાસ્તિક એટલે કેથલિક નાસ્તિક કે પ્રોટેસ્ટન્ટ નાસ્તિક?’
- ફાધરે ધર્મ અને પરમતત્ત્વમાં શ્રદ્ધાનો પણ મહિમા કર્યો અને કહ્યું કે ચર્ચમં, મંદિરમાં દિલથી ભગવાનનું નામ લેવાનું, જે કરો તે શ્રદ્ધા, લાગણીથી, દિલથી કરવાનું. અમે તો ન્રમતાથી પણ વિશ્વાસથી કહીએ, ‘આવીએ ભગવાન પાસેથી, જઇએ ભગવાન પાસે.’
- ફાધરે હળવાશથી કહ્યું, ‘પુસ્તક લખવાં એ મારો ધંધો છે.’ બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીએ સુધાર્યું, ‘ધંધો નહીં, ધર્મ’. એટલે ફાધરે કહ્યું, ‘ધર્મ તો ખરો પણ ડ્યુટી, રિલીજીયન કે નેચર?’ પછી જાતે જ કહ્યું, ‘એ મારે સ્વભાવ બને તે સૌથી ઉત્તમ. જોર કરીને પુસ્તક લખવાનાં નહીં. મનમાંથી આવે તે આવવા દેવાનું. ગુજરાતીમાં સરસ પ્રયોગ છેઃ બોલાઇ ગયું, લખાઇ ગયું. આટલાં પુસ્તક લખાઇ ગયાં એ સંતોષ લઇને હું જઇશ.’
રઘુવીર ચૌધરીએ પરદેશમાં સ્વામિનારાયણ (બાપ્સ) દ્વારા ખરીદાયેલાં કેટલાંક ચર્ચોની વાત કરીને કહ્યું કે ‘એ કેટલી મોટી ઘટના છે? પણ ચિંતા નથી. કારણ કે સ્વામિનારાયણે લીધેલાં ચર્ચોમાં પણ ધર્મસ્થાન જ રહ્યાં છે. (ખરીદાયેલા ચર્ચની જગ્યાએ) બજાર બને તો ચિંતા થાય. ‘અજ્ઞેય’ને યાદ કરીને અને તેમને ટાંકીને રઘુવીરભાઇએ કહ્યું, ‘ઇસ્લામના આક્રમણકારીઓએ ધર્મસ્થાન તોડ્યાં છે, પણ ત્યાં શરાબખાનાં નહીં, ધર્મસ્થાન જ બનાવ્યાં છે એવું અજ્ઞેયજીએ કહ્યું હતું. ચુસ્ત હિંદુઓને આઘાત લાગે એવી વાત છે. પણ અજ્ઞેય વેદાંત અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી હતા. તેમણે આ વાતને આ રીતે જોઇ.’
ખ્રિસ્તી ધર્મસંસ્થા દ્વારા નગરોમાં અપાયેલી શિક્ષણસુવિધાની પ્રશંસા કરતાં કહ્યું કે ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરનારાનાં બાળકો પણ ત્યાં ભણતાં હતાં. ‘સેન્ટ ઝેવિયર્સ કોલેજ’ના વિદ્યાર્થી તરીકે પોતાનો ઋણભાવ પ્રગટ કરીને રઘુવીરભાઇએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં પણ આરોગ્ય અને શિક્ષણને લગતું ઉત્તમ કામ થયું.
રઘુવીરભાઇના પ્રવચનમાં તેમની વિખ્યાત શૈલી (સામે બેઠેલામાંથી બે-ચાર જણને ઉદ્દેશીને કંઇક ટીપ્પણી કરવી) તો હોય જ (જેના નમૂના અહીં આપવાની જરૂર નથી.) સાથે કટાક્ષ પણ ખરા. ‘ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ભાષામાં અને વ્યાકરણમાં આપેલા પ્રદાન વિશે અધ્યાપકો તો જાણતા જ હશે’ એમ કહીને એમણે ચોખવટ કરી કે ‘જે વાંચતા હોય એવા અધ્યાપકોની વાત કરું છું.’ બાઇબલના ગુજરાતી અનુવાદને ‘બહુ મોટું કામ’ ગણાવીને તેમણે બાજુમાં બેઠેલા ફાધરને પૂછ્યું, ‘તમે એમાં મદદ કરતા હતા?’ ફાધરે હાવભાવથી હકાર ભણ્યો, એટલે રઘુવીર ચૌધરી ઉવાચ ‘કરે જ ને. ક્યાં જાય... પણ એ અનુવાદથી ગુજરાતી ભાષા ધન્ય થઇ.’ એક સમયે અંગ્રેજી મિડીયમની સ્કૂલો એટલે મિશનરી સ્કૂલ, એવી સમજણ હતી. પણ હવે રઘુવીરભાઇએ કહ્યું તેમ, ‘જેમને અંગ્રેજી આવડતું નથી એવા લોકો અંગ્રેજી સ્કૂલો ખોલીને બેસી ગયા છે, તમારા (મિશનરીઓના) અનુકરણમાં.’
Wah. Jalso padyo! I have been a huge, huge Father Valles fan since childhood. I had got a chance to have a one-on-one with him for Abhiyaan and it was wonderful. I became even bigger fan after the interview!
ReplyDeletesince i sat just beside you in this programme and knew that you barely scribbled something - maybe a word or a phrase or at best a sentence but never a paragraph - in your diary, i wonder how you could reproduce almost all the important parts of fr valles and raghuvir chaudhari's speech!
ReplyDeleteis it because of your fantastic memory or any other trick of your trade? i mean all journalists develop this skill? I'm asking just out of curiosity.
my pleasure to get id from you as i wiash to send you my positive edu.tory NAVJEEVAN. REGARDS DURGESH B OZA PORBANDAR
ReplyDeleteDear Neeravbhai: I wish I had that faculty. In fact, I scribbled quite a lot and reproduced only edited version. Otherwise, it would not have been possible to reproduce few 'sensitive' things verbatim.Happy you liked it.
ReplyDeleteurvishbhai ek vaar Atal Bihari Bajpayee e pan Narendra Modi ne pan 'Raj Dharma' ne yaad karavyu hatu(2002 na GodharaKand vakhate). Ane Bhagvat Geet na kadach 11 ma adhyay ma pan Dharma vish krishna e arjun ne kidhu hatu ke 'Yad Dharyati Te Dharma'(sanskrut ma vanchvu). What ever you posses as your possession that becomes your Dharma.
ReplyDeleteDear Urvish:
ReplyDeleteNice literary meeting & your narration.
'My religion that becomes my nature is my duty', speaks height of person within himself.
Any quick and one sided angle from the pages of our academic / unacademic history would be disservice to history & plural society we desire, seek and struggle for (quoted by Prof. Raghuvir Chaudhary Saheb). Islamic angle and Muslim angle needs to be diffrentiated from the pages of history.
Frankly, it is possible with hard work & honesty to convert aggression into mutual love & respect.
Perhaps people of this continent are too far in experiencing the ethics & tolerant behaviour of individual-western in terms of plural society & contribution and have lot to learn to co-exist with & without difference.
Jabir A. Mansuri
(Learning & Creating Space)