Sunday, April 25, 2010

સમય ઓ ધીરે ચલો...


પ્રિય લેખક મધુ રાયે ગયા બુધવારે 'દિવ્ય ભાસ્કર'ની તેમની કોલમમાં કમ્પ્યુટર પર ગુજરાતી લેખનના તેમના પ્રયોગોની વાત કરી હતી. એ વાંચીને કેટલીક જૂની યાદો તાજી થઇ. એ અરસામાં મધુ રાયની એક નવલકથા 'કલ્પતરુ' મહેમદાવાદની લાયબ્રેરીમાંથી વાંચવા લાવ્યો હતો. તેની આગળ એ મતલબનું લખાણ હતું કે 'કમ્પ્યુટર પર લખાયેલી પ્રથમ ગુજરાતી નવલકથા.'

જે જમાનામાં કમ્પ્યુટર વિશે ફક્ત સાંભળવા મળતું હતું અને કમ્પ્યુટર પર ગુજરાતી લખી શકાય એવું તો સાંભળ્યું પણ ન હતું, ત્યારે મધુ રાય તેમના મેક પર ગુજરાતીમાં તેમની સર્જકતા વહાવતા હતા. તેમના 'ઇસવી સન પૂર્વે'ના ગુજરાતી ફોન્ટનો એક નમૂનો અમારી પાસે વિશિષ્ટ રીતે- એક પત્ર સ્વરૂપે- સચવાયેલો પડ્યો છે. અમે એમને વાચક તરીકે લખેલા પત્રનો તેમણે પ્રેમથી જવાબ આપ્યો હતો. તેમના જવાબ જેટલો જ રોમાંચ એરોગ્રામ પર સફાઇથી પ્રિન્ટ થયેલા ગુજરાતી કમ્પ્યુટરી અક્ષરોને જોઇને થયો હતો.

'હજુ હમણાંનો' લાગતો એ પત્ર સ્કેન કરવા માટે કાઢ્યો ત્યારે ખબર પડી કે એ વાતને 21 વર્ષ થયાં.

Tuesday, April 20, 2010

માયાવતી અને લલિત મોદીઃ જાહેર જીવનના બે ‘નમૂના’

ક્યાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી. બહુજન સમાજ પક્ષનાં સર્વેસર્વા, ‘બહેનજી’ માયાવતી અને ક્યાં ક્રિકેટની ‘પેજ-૩’ આવૃત્તિ જેવી ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના કમિશનર લલિત મોદી?
બન્નેનાં નામ એકસાથે લેવાં પડે એવું દેખીતું કોઇ કારણ ઉભું થયું નથી. માયાવતીને હજુ સુધી ક્રિકેટથી અળગાં રહ્યાં છે. (કાલની ખબર નથી) અને લલિત મોદીને દલિત રાજનીતિ સાથે લેવાદેવા નથી. આ બન્ને પાત્રોને ‘વિવાદાસ્પદ’ કહી શકાય, પણ એટલું પૂરતું નથી. વિવાદાસ્પદ તો સાનિયા મિર્ઝા પણ છે ને સુનંદા પુષ્કર પણ છે. એમ તો શરદ પવાર અને શશિ થરૂર પણ ક્યાં ઓછા ગવાયેલા છે? છતાં, માયાવતી અને લલિત મોદીની વાત જુદી છે.

એવા રે અમે એવા...
સાવ જુદા સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતાં માયાવતી અને લલિત મોદી ‘ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે’ એ સૂત્રમાં પાકો વિશ્વાસ ધરાવે છે. દુનિયાને ઝુકાવવા ઉપરાંત, પોલા નિયમો-પોલી સીસ્ટમને પોતાની તરફેણમાં વાળવામાં પણ તે માહેર છે. તેમની આ ખાસિયતને સીસ્ટમની નબળાઇનો ગેરલાભ લેવાની આવડત કહો કે બેશરમી-નફ્ફટાઇની હદ, તેમની આ પ્રકારની હરકતોમાંથી એક જ સંદેશો ઝમે છેઃ ‘અમે જે કરવું હતું તે કરી દીઘું. તમારામાં તાકાત હોય તો એને પડકારીને અમને ગુનેગાર સાબીત કરી બતાવો- અને એ ન કરી શકો તો દાંત ભીંસીને-મુઠ્ઠીઓ વાળીને અમારી બેશરમ સફળતાને પચાવતાં શીખી જાવ.’

માયાવતી અને લલિત મોદી નમ્રતાનો દંભ કરતાં નથી. તેમને મહાત્મા તો ઠીક, સેવક કહેવડાવાના પણ અભરખા નથી. પોતાના સ્વાર્થ અને હિત માટે, આખી સૃષ્ટિ પોતાની આસપાસ ફરતી રહેવી જોઇએ, એવી તેમની સ્પષ્ટ માન્યતા છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓ વિશે તેમના મનમાં ક્ષોભ-સંકોચ નહીં, પણ ગૌરવ-અભિમાન છે. એટલે જ, સામાન્ય માણસ તો ઠીક, મોટા નેતાઓ કલ્પી ન શકે એ હદે તે જાય છે- અને તે પણ છડેચોક, ખુલ્લેઆમ, ‘તમારાથી થાય તે કરી લો’ના તુચ્છકાર વેરતા પડકાર સાથે.
તેમની વાત કે વૃત્તિમાં ‘એવા રે અમે એવા’નો એકરાર કે શરણાગતિનો ભાવ નથી. તેમની ઘુ્રવપંક્તિ છેઃ ‘એવા રે અમે એવા, થવું’તું અમારે જેવા’. તેમાં સફળતાનું ગુમાન છલકે છે અને ‘આટલા ધમપછાડા કરીને તમે અમારૂં શું ઉખાડી લીઘું?’નું અભિમાન પણ ખરૂં જ.
ન પહેલાં, ન એકલાં

લલિત મોદી અને માયાવતી વિશે વિચારવાલાયક સવાલ એ હોવો જોઇએ કે ‘એ લોકો લાગે છે એટલાં ખરાબ હોય, તો એમને કંઇ થતું કેમ નથી? કોઇ એમનું કંઇ બગાડી શકતું કેમ નથી?’

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’ (૧૦ એપ્રિલ, ૨૦૧૦)ના અંકમાં આનંદ તેલતુંબડેએ માયાવતીના સંદર્ભે આ સવાલનો જવાબ આપતાં લખ્યું છે કે માયાવતીની ભલે પારાવાર ટીકા થતી હોય, પણ તેમણે કશું નવું કર્યું નથી.

માયાવતીનાં જે ‘પરાક્રમો’થી પ્રસાર માઘ્યમો અને દેશની સરેરાશ મઘ્યમ વર્ગીય જનતા ઉકળી ઉઠે છે, એ બઘું તેમની પહેલાંના અનેક નેતાઓ કરી ચૂક્યા છે. માયાવતીનો વઘુ મોટો ‘ગુનો’ એ છે કે બાકીના લોકોએ જે ઢાંકપિછોડા સાથે, સેવાનો દંભ રાખીને ઠાવકા મોઢે કર્યું, તે માયાવતી એકદમ ઝાકઝમાળ સાથે, ઉઘાડેછોગ અને રતીભાર શરમસંકોચ વિના, બલ્કે ઓળખના રાજકારણના ભાગરૂપે કરી રહ્યાં છે. એ સારૂં કે સાચું નથી. પણ તેનાથી જાહેર જીવનમાં નૈતિકતા ખાડે ગઇ હોવાને અહેસાસ તીવ્રતમ રીતે થાય છે. તેનાથી ભ્રષ્ટાચાર અને અનૈતિકતા સાથે સમાધાન સાધી ચૂકેલા લોકો પણ અકળાઇ ઉઠે છે અને વિચારે છે કે ‘આવું થોડું ચાલે?’ (નૈતિકતા જેવા લપસણા મુદ્દે બીજા નેતાઓની સરખામણીમાં માયાવતીની ટીકા વધારે પડતી થાય, એનું એક કારણ માયાવતીનું દલિત કુળ પણ છે.)

માયાવતીનો બચાવ કરવાની વાત નથી. તેમની બેસુમાર સંપત્તિ, ડો.આંબેડકર અને કાંશીરામના વિચારોને બદલે તેમનાં પૂતળાં, તેમના નામના બગીચા અને સ્મારકો પાછળ થતું કરોડો રૂપિયાનું આંધણ, તેમના મુખ્ય મંત્રી બન્યા પછી પણ દલિતોની ‘ઠેરના ઠેર’ જેવી દશા- આ બઘું અસહ્ય લાગે એવું છે. પણ તેમાંની એકેય બાબતમાં માયાવતી પહેલાં કે એકલાં નથી. તેમની લાક્ષણિકતા એ છે કે બીજા નેતાઓ ને પક્ષો બહારથી શાણપણ ઝાડીને, ખાનગી રાહે અનૈતિકતા આચરે છે, જ્યારે માયાવતી સરેઆમ પોતાનો વહીવટ ચલાવે છે- અને રાજકારણમાં શું ચાલે છે એ વિશે કોઇ જરાસરખા પણ ભ્રમમાં હોય, તો એ ભ્રમ દૂર કરી નાખે છે.
જેમ કે, ફાડી ખાવા માટે તૈયાર બેઠેલા ન્યૂઝચેનલોના સમાચારભૂખ્યા કેમેરા સામે માયાવતી બિનધાસ્ત દસ-પંદર કરોડ રૂપિયાની ચલણી નોટોનો હાર સ્વીકારે છે ને પહેરે છે. તેમની આ વર્તણૂંકની આકરી ટીકા થાય, તો પણ બીજા દિવસે માયાવતી ચલણી નોટોનો બીજો (થોડી ઓછી રકમનો) હાર સ્વીકારે છે. જાણે કહેતાં હોય,‘તમારી ટીકા મેરી જૂતીસે. આ ફરી ચલણી નોટોનો હાર પહેર્યો. જાવ, થાય તે કરી લો.’

ક્રિકેટના વહીવટમાં લલિત મોદીનું વલણ પણ આ જ પ્રકારનું છે. બીસીસીઆઇ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ બોર્ડના એક સમયના સર્વસત્તાધીશ જગમોહન દાલમિયા સાથે લલિત મોદીને વાંકું પડ્યું, ત્યારે ભારતીય ક્રિકેટને ‘નવો વળાંક’ આપવાનું નક્કી કર્યું. આઇપીએલ થકી તેમણે પોતાના વિચારને સાકાર કર્યો અને અઢળક કમાણી કરીને પોતાના આઇડીયાને વાજબી સાબીત કરી બતાવ્યો.

દુન્યવી ધારાધોરણ પ્રમાણે વાજબી એટલે સફળ અને સફળ એટલે પૈસાદાર. ક્રિકેટની રમત માટે ‘અબ્રહ્મણ્યમ્’ કહેવાય એવું ઘણું બઘું (ચિયરગર્લ્સથી માંડીને શરાબ-શબાબની મહેફિલો) લલિત મોદીએ સફળતાના સિક્કાથી ‘એ તો આમ જ હોય’ એ રીતે ખપાવી દીઘું. તેમની સરખામણીમાં કેરી પેકર તો ક્રિકેટજગતના સંત લાગે.
ફળદ્રુપ દિમાગ ધરાવતા ઉદ્યોગપતિ લલિત મોદીએ ક્રિકેટ સાથે ગ્લેમરનું એવું કાતિલ મિશ્રણ કર્યું કે તેના નશામાં સૌ ભાન અને પ્રમાણભાન ભૂલી ગયા. એક ઉદાહરણ તરીકે આઇપીએલ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓના રોજિંદા કાર્યક્રમની ઝલક જોઇે. અખબારી અહેવાલ પ્રમાણે, વીસ ઓવરની મેચ રમ્યા પછી ખેલાડીઓ હોટેલ પર જઇને ફ્રેશ થઇને રોજ રાત્રે યોજાતી પાર્ટીમાં જોડાય છે. એ પાર્ટીમાં દસ મિનીટનો ફેશન શો હોય છે. ટીમના માલેતુજાર માલિકો, એમનાં મહેમાનો, ચીયરલીડરો, ફેશન શો નિમિત્તે આવતી યુવતીઓ, મોંઘીદાટ ટિકીટ ખર્ચીને પાર્ટીમાં હાજર રહેવા ઇચ્છતા લોકો- આ બધો શંભુમેળો ઘણી વાર મેચ કરતાં પણ વધારે કલાક પાર્ટીમાં મહાલે છે. સવારે ખેલાડીઓ (મેચમાંથી નહીં, પાર્ટીમાંથી) થાક્યાપાક્યા સૂઇ જાય છે, બપોર પડતાં ઉઠે છે ને નાહીપરવારીને મેચ રમવા થાય છે. મેચ પૂરી થાય એટલે વઘુ એક પાર્ટી.

એક જાહેર કાર્યક્રમના ભાગરૂપે રોજ આ જાતની મહેફિલો થાય, લાખો રૂપિયાનો દારૂ વહેતો હોય, ગ્લેમરની છોળો ઉડતી હોય અને તેના સમાચાર-તસવીરોની સાથે અખબારમાં કોઇક ગેસ્ટહાઉસ પર દરોડા પાડીને છોકરીઓની ધરપકડ કર્યાના સચિત્ર સમાચાર વાંચવા મળે, ત્યારે કેવી વિચિત્ર લાગણી થાય?

આખી આઇપીએલ દરમિયાન લલિત મોદી વરરાજા બનીને મહાલે છે. આઇપીએલ કમિશનર જેવો હોદ્દો ધરાવતા લલિત મોદી માયાવતીની જેમ કોઇથી ડરતા કે દબાતા નથી. ઉદ્યોગપતિ પરિવારના અને અમેરિકા ભણી ચૂકેલા (અહેવાલો પ્રમાણે ત્યાં પોલીસના ચક્કરમાં ફસાઇ ચૂકેલા) મોદીની છટા આંતરરાષ્ટ્રિય છે. ‘આઇ ડોન્ટ કેર’ - એ તેમની બોડી લેંગ્વેજમાંથી ઝરતો સ્થાયી ભાવ છે.

માયાવતી હોય કે લલિત મોદી, તેમનો આ ભાવ પોસાય છે કેવી રીતે? અને આ લોકો પોતે સમસ્યારૂપ છે કે સમસ્યાનાં સૌથી દેખીતાં પ્રતીક છે?

કોલસા ને કાજળની હૂંસાતૂંસી

માયાવતી ઠેકઠેકાણે ડો.આંબેડકર અને કાંશીરામનાં સ્મારકો ને પૂતળાં પાછળ ઘૂમ રૂપિયા ખર્ચે છે. તેની આકરી - અને વાજબી- ટીકા થાય છે, પણ એ ટીકા કોણ કરે છે તે મહત્ત્વનું છે. માયાવતીને પોતાની આશા માનતા દલિતો કે દલિતોની સમાનતા ઝંખતા લોકો આ મુદ્દે માયાવતીની ટીકા કરે એ વાજબી છે. પરંતુ સરકારી રસ્તા, સરકારી મકાનો, સરકારી યોજનાઓ પર જ્યાં ને ત્યાં નેહરૂ-ગાંધી પરિવારનાં નામ લગાડી દેનાર કોંગ્રેસના મોઢેથી આ મુદ્દે માયાવતીની ટીકા શોભતી નથી.

માયાવતીને ‘દૌલતકી બેટી’ કહેવામાં અતિશયોક્તિ નથી. થોડાં વર્ષોમાં એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવી ગઇ છે. ગયા વર્ષે તેમણે રૂ.૨૧ કરોડ જેટલો ઇન્કમટેક્સ પણ ભર્યો હતો. સોગંદનામાં ગમે તે કહે, પણ સોનિયા ગાંધી પાસે માયાવતી કરતાં ઓછા રૂપિયા હોય એ વાત કોઇ પણ સાધારણ બુદ્ધિવાળો માણસ માનશે ? અને માયાવતીની જેમ ઉઘાડેછોગ નહીં તો ખાનગી રાહે, ભ્રષ્ટાચાર કરવામાં કયો રાજકીય પક્ષ પાછો પડે એમ છે?

કહેવાનો મતલબ એ નથી કે બીજા ભ્રષ્ટાચારી હોય, એટલે માયાવતીને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી જાય છે. મુદ્દો એ છે કે બધા ભ્રષ્ટાચાર કરતા હોય, ત્યારે માયાવતી સામે પગલાં કોણ લે? ને કયા મોઢે લે? બૂમબરાડા તો ધંધામાં રહેવા માટે કરવા પડે અને ધારો કે પગલાં લેવાય તો પણ તેનો આશય ભ્રષ્ટાચારનાબૂદીનો નહીં, રાજકીય હિસાબકિતાબનો જ હોય.

એવું જ લલિત મોદીની આઇપીએલ માટે કહી શકાય. ટીમની માલિકીના મુદ્દે થયેલી તકરારો પછી અચાનક બીસીસીઆઇ જાગ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે, પણ સવાલ એ થાય કે અત્યાર લગી આ લોકો શું કરતા હતા?

દારૂની કે સિગરેટની કંપનીઓ પોતાની સીધી જાહેરખબર કરી શકતી નથી, એટલે તેમને ‘સરોગેટ એડ’ કરવી પડે છે. તેમાં નામ દારૂની બ્રાન્ડનું હોય- અને એ બધા જાણતા હોય- પણ જાહેરખબર કપડાંની કે લાઇફસ્ટાઇલની હોય! આઇપીએલના મામલે સતત એવું લાગતું રહ્યું છે કે આખા આયોજનમાં ક્રિકેટ ફક્ત ‘સરોગેટ’ પ્રવૃત્તિ હોય અને તેની પાછળના દોરીસંચાર, આશયો અને હિસાબકિતાબ કંઇક અલગ જ હોય. છતાં, બીસીસીઆઇએ અત્યાર લગી અઢળક આવક સામે જોઇને, બાકીની બાબતો ભણી આંખ આડા કાન કર્યા. હવે વિવાદ અને સરકારી ધોંસ આવતાં લલિત મોદીને તગેડી મૂકવાની વાતો સંભળાય છે. એ યાદ રાખવા જેવું છે કે લલિત મોદીની વિદાય થાય તો પણ, તેમણે કંઇક ખોટું કર્યું એટલે નહીં, તેમને છાનામાના, સલુકાઇથી, લડાઇઝગડા વિના ખોટું કરતાં ન આવડ્યું એ બદલ થશે.

લલિત મોદી ને માયાવતી ભારતના રાજકારણની, ભારતના જાહેર જીવનની ભ્રષ્ટ નીતિરીતિનાં વકરેલાં પ્રતીક છે. પ્રતીકોને નિર્દોષ ગણવાની કે તેમને બક્ષવાની વાત નથી. પણ ફક્ત પ્રતીકોને દૂર કરવાથી સમસ્યા દૂર થતી નથી. સમસ્યાની ઉપસ્થિતિનો અકળાવનારો અહેસાસ ઘટે છે એટલું જ.

માયાવતી વિશેના આનંદ તેલતુંબડેના લેખનું મથાળું છેઃ ‘માયાવતીઝ મેગા સર્વિસ ટુ ધ નેશન’ (માયાવતીની મહાસેવા) આપણે પણ આ પ્રતીકોનો આભાર માની શકીએ - આપણી સીસ્ટમ કેટલી બોદી થઇ ચૂકી છે અને તેને કઇ હદે મરોડી શકાય છે તે બતાવી આપવા બદલ!

Monday, April 19, 2010

મહારાજશ્રીનું ‘મોબાઇલામૃત’

‘આજના કલીકાલમાં ધર્મપ્રિય સ્વજન-વૈષ્ણવો પોતાનાં દૈનિક કાર્યોમાં અતિ વ્યસ્તતાને કારણે ધાર્મિક વચનામૃતો શ્રવણ કરવામાં સમય નથી મેળવી શકતા. અંતરની ઇચ્છા, સંસ્કારોનો વારસો અને સેવાકીય ભાવનાનો જીવનમાં સુમેળ હોવા છતાં પૂ.આચાર્યશ્રીની અમૃતવાણીથી દૂર રહે છે...’

‘એક મિનિટ..આ બઘું શું ચાલી રહ્યું છે?’ એવું તમને થશે. ઉપરનું લખાણ ‘ભદ્રંભદ્ર’ જેવી નવલકથામાંથી હાસ્યની સામગ્રી તરીકે મૂક્યું નથી. એ લખાણ અહીં મૂકેલી પત્રિકામાંથી ટાંક્યું છે. આ પત્રિકાના મથાળે સરખા મહત્ત્વથી બે તસવીરો છાપવામાં આવી છેઃ એક ‘પૂ.આચાર્યશ્રી’ની અને બીજી ‘પૂ.મોબાઇલશ્રી’ની.

વઘુ વિગતો હું લખું એના કરતાં તમે જાતે જ વાંચીને આનંદ મેળવો એ ઠીક રહેશે.

ટાવરાધીશ મોબાઇલલાલજી મહારાજની જય!


Friday, April 16, 2010

સાચી ઊંચાઇ તો ઠીક, સાચી લંબાઇમાંથી પણ ગયા

ગાંધીજીના નામ/બ્રાન્ડના વ્યાવસાયિક દુરૂપયોગની લાંબી યાદીમાં વઘુ એકનો ઉમેરો થયો છે. ફાઇનાન્શ્યલ કંપની ઇન્ડિયા ઇન્ફોલાઇને તેનું બ્રાન્ડનેમ ટૂંકું કરીને આઇઆઇએફએલ કર્યું, તેની જાહેરખબરો આપી હતી. એવી એક જાહેરખબરમાં કંપનીના ટૂંકા નામને કેન્દ્રમાં રાખતી પંચલાઇન હતી ‘શોર્ટ ઇઝ ગ્રેટ’. સાથે ચાર ઉદાહરણ મૂકવામાં આવ્યાં હતાં. (જુઓઃ જાહેરખબર) તેમાં લખેલું માનીએ તો, ગાંધીજીની લંબાઇ તેંડુલકર કરતાં પણ ઓછી હતી. પરંતુ ગાંધીજીની આટઆટલી તસવીરોમાં ક્યાંય તેમની લંબાઇ સરેરાશ કરતાં ઓછી હોય એવું જણાયું નથી.

સાધારણ અંદાજ પ્રમાણે, ગાંધીજીની લંબાઇ પ’૮’’ હોવાનું મનાય છે. શક્ય છે કે કોપીરાઇટરે અંગ્રેજીમાં 8 ને બદલે 3 વાંચીને ગાંધીબાપાનું નામ જાહેરખબરમાં લગાડી દીઘું હોય.

ગાંધીજીની લંબાઇમાં રસ ન હોય એવા લોકો માટે ઉંચાઇનો મુદ્દો તો ઉભો રહે જ છેઃ ગાંધીજી જેવી ઊંચાઇ ધરાવતા માણસને એક નફાખોર કંપની પોતાની જાહેરાતમાં વાપરી શકે? ફક્ત લંબાઇ (અને એ પણ ખોટી લંબાઇ)ના સગપણે પોતાની હરોળમાં બેસાડી શકે?

દુભાવાની વાત નથી, પણ વિચારવાની વાત તો છે જ.

Wednesday, April 14, 2010

ફુલે-ગાંધી-આંબેડકર :સમાનતાના સંઘર્ષની ત્રિમૂર્તિ

ધારો કે ડો.આંબેડકર ભારતના બંધારણની ડ્રાફિ્ટંગ કમિટીના અઘ્યક્ષ -‘બંધારણના ઘડવૈયા’- ન હોત તો? સંભવ છે કે તેમની સ્થિતિ પણ જોતિરાવ ફુલે જેવી થઇ હોતઃ ગુજરાતના-ભારતના બહુમતી વિદ્યાર્થીઓએ તેમના વિશે વાંચ્યું-સાંભળ્યું ન હોત. પાઠ્યપુસ્તકોમાં રાજા રામમોહનરાય-રાનડે-દયાનંદ સરસ્વતી જેવા સુધારકો અને પ્રાર્થનાસમાજ-બ્રહ્મોસમાજ-આર્યસમાજ જેવી સમાજસુધારાની ચળવળોમાં તેમનો ઉલ્લેખ સરખો ન થતો હોત અને તે મહારાષ્ટ્રના થોડા લોકો પૂરતા સીમિત બનીને રહી ગયા હોત.

આવતી કાલે ડો.આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જોતિરાવ ફુલે (મરાઠી પરંપરા મુજબનું સંબોધનઃ જોતિબા) યાદ આવવાનાં ઘણાં કારણ છે. સૌથી સ્થૂળ કારણ એ કે જોતિબાની જન્મતારીખ ૧૧ એપ્રિલ (૧૮૨૭), તેના ત્રણ દિવસ પછી થનારી સત્તાવાર ઉજવણીઓની સરખામણીમાં કોઇ જાતની નોંધ કે ઉલ્લેખ વિના, પસાર થઇ ગઇ. ૧૪ એપ્રિલ (૧૮૯૧)ના રોજ જન્મેલા ભીમરાવ આંબેડકર માટે જોતિરાવ ફુલે પ્રેરણામૂર્તિ હતા. જ્ઞાતિના જ નહીં, તમામ પ્રકારના ભેદભાવ-અન્યાય-અત્યાચાર સામે લડનાર માટે જોતિબા ફુલે રોલમોડેલ બની રહે એવા છે. ભારતના સર્વકાલીન ‘હીરો’માં તેમનો સમાવેશ થતો નથી, એ પણ જ્ઞાતિવાદનો જ એક પ્રકાર છે.

ત્રણ નાયકો, એકબીજાના સંદર્ભે
ડો.આંબેડકર અને ગાંધીજીની જેમ જોતિબાનું સમગ્ર જીવન અવિરત સંઘર્ષ, છેવાડાના લોકોના હિતચિંતન અને લેખનમાં વીત્યું. ઐતિહાસિક દૃષ્ટિએ જોતિબાનું કામ ઘણું વધારે કપરૂં હતું. અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ બદલ ૧૯૩૪માં જે પૂના શહેરમાં ગાંધીજીની મોટર પર બોમ્બ ફેંકાયો હતો, એ પૂનામાં લગભગ સો વર્ષ પહેલાં અસ્પૃશ્યતા સામે સંઘર્ષ છેડવાનું જોતિબાને કેટલું કાઠું પડ્યું હશે! જોતિબા જ્ઞાતિએ માળી હતા, પણ તેમના સમયમાં બધા શુદ્રોને એક લાકડીએ હાંકવામાં આવતા હતા. પૂના જેવા રૂઢિચુસ્તતાના ગઢમાં તો ખાસ.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને કાળા માણસ તરીકનું અપમાન સહેવું પડ્યું, પણ જોતિબાને એ ‘લાભ’ ઘરઆંગણે મળી ગયો. એક બ્રાહ્મણ મિત્રના વરઘોડામાં બ્રાહ્મણોની સાથે ચાલવાની હિંમત કરવા તેમને ધમકાવવામાં આવ્યા. યુવાન જોતિરાવે ઘરે આવીને ફરિયાદ કરી, ત્યારે પિતાજીએ આશ્વાસન આપતાં કહ્યું, ‘એ લોકો દયાળુ કહેવાય. બાકી આવા કિસ્સામાં શુદ્રોને ઠપકો નહીં, માર જ પડે. તેમને હાથીના પગ નીચે કચડી નાખવાની સજા થઇ હોય એવા કિસ્સા પણ મેં જોયા છે. આપણે સમાજના રિવાજ પ્રમાણે ચાલવું ને બ્રાહ્મણો ગુસ્સે થાય એવું કોઇ પગલું ન ભરવું.’

શુદ્રોમાં ગુલામીની માનસિકતા વ્યાપક હતી, ત્યારે જોતિબાએ પૂરી આક્રમકતાથી શુદ્રતા ફગાવી દેવાની ઝુંબેશ આદરી. ‘મારૂં જીવન એ જ મારો સંદેશ’ એવં કહ્યા વિના, જોતિબાએ અંગત આચરણ દ્વારા નિર્ભયતા અને સમાનતાના પાઠ શીખવ્યા. કહેવાતા શુદ્રોના મનમાંથી બ્રાહ્મણવાદનો ખોફ દૂર કરવાનું વઘુ અઘરૂં હતું કે કે ગુલામ ભારતીયોના મનમાંથી અંગ્રેજી હકૂમતની બીક કાઢવી વધારે અઘરી? સરખામણીનું કોઇ માપ નથી, પણ આ બન્ને મોટા પડકારો અનુક્રમે જોતિબા અને ગાંધીજીએ ઉપાડ્યા. એટલું જ નહીં, ઘણી હદે પાર પાડી બતાવ્યા.
જોતિબા, ગાંધી અને આંબેડકર એ ત્રણેને સામાજિક ભેદભાવ અસહ્ય લાગતા હતા, પણ જોતિરાવને તીવ્રપણે લાગતું હતું કે ભારતની રાજકીય ગુલામી કરતાં શુદ્રોની માનસિક ગુલામી વધારે ખતરનાક છે. દાયકાઓ પછી ગાંધી-આંબેડકર વચ્ચેના મતભેદનો પણ તે એક મુખ્ય મુદ્દો રહ્યો. ગાંધીજી ઇચ્છતા હતા કે અંગ્રેજો ભારતને તેના હાલ પર છોડીને ચાલ્યા જાય. ‘અમે અમારૂં ફોડી લેશું’ એવું એમનું વલણ હતું, જ્યારે આંબેડકર રાજકીય આઝાદી પહેલાં સામાજીક આઝાદીનો આગ્રહ રાખતા હતા. ગાંધીજી અપેક્ષા રાખે છે એટલી ઝડપથી લોકોનું (બિનદલિતોનું) હૃદયપરિવર્તન થઇ જાય, એ આંબેડકરને શક્ય લાગતું ન હતું. અસ્પૃશ્યતાનિવારણના મુદ્દે કોંગ્રેસની દાનત ઉપર પણ તેમને અવિશ્વાસ હતો.

અંગ્રેજી રાજ માટે આંબેડકરના મનમાં ભક્તિ નહીં, પણ થોડીઘણી આશા જરૂર હતી અને તેનાં કારણો હતાં. અંગ્રેજોને લીધે ભારતના ભવિષ્ય અંગેની વાતચીતમાં દલિતોને અને તેમના નેતા તરીકે ડો.આંબેડકરને પ્રતિનિધિત્વ મળતું હતું. જે ‘સાયમન કમિશન’નો દેશભરમાં વિરોધ થયો, તેની ભલામણથી ભારતના ભાવિ બંધારણની ચર્ચા માટે જુદા જુદા પક્ષના નેતાઓને ગોળમેજી પરિષદમાં બોલાવવામાં આવ્યા હતા. તેમાં અસ્પૃશ્યોના નેતા તરીકે ડો.આંબેડકરને નિમંત્રણ મળ્યું હતું. અલબત્ત, અંગ્રેજી શાસનનો જે મહિમા જોતિબાએ અનુભવ્યો અને વર્ણવ્યો, તે આંબેડકરના યુગમાં ઓસરી ચૂક્યો હતો.

જોતિબાના જમાનામાં પેશ્વાઇની આડપેદાશ જેવા બ્રાહ્મણવાદની અસરો તાજી હતી, ત્યારે અંગ્રેજોનું આગમન શુદ્રો માટે નવી આશા લઇને આવ્યું. જોતિરાવનો જન્મ થયો એ અરસામાં અંગ્રેજી શાસન હેઠળ પશ્ચિમ ભારતમાં શિક્ષણ અને ખ્રિસ્તી ધર્મપ્રસાર-ધર્માંતરની કામગીરી શરૂ થઇ. પરંપરાગત રીતે ભણતર અને આર્થિક સમૃદ્ધિનો લાભ ધરાવતા બ્રાહ્મણો અંગ્રેજી કેળવણી મેળવીને સરકારી નોકરીઓમાં અથવા વકીલાત જેવા વ્યવસાયમાં ગોઠવાયા અને નવેસરથી બ્રાહ્મણવાદનો સકંજો મજબૂત બનાવવા લાગ્યા. બીજી તરફ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા (ધર્મપ્રસારના આશયથી થતી) જ્ઞાતિપ્રથાની આકરી ટીકા અને શુદ્રોને મળેલી શિક્ષણની તકોથી જ્ઞાતિવ્યવસ્થા સામે પડકાર ઉભા થયા. આ વિરોધ છતાં શિક્ષણની તકોને કારણે શુદ્રો અને અતિશુદ્રો તરીકે ઓળખાતો કચડાયેલો વર્ગ થોડો સળવળ્યો. થોડો જાગ્યો. અંગ્રેજી કેળવણીનો લાભ મળવાને કારણે જોતિબા વિશ્વના પ્રવાહોના - ખાસ કરીને અમેરિકાના કાળા લોકોની ચળવળના- સંપર્કમાં આવ્યા. પશ્ચિમી વિદ્વાનો અને વિચારકોના લખાણોમાંથી તેમણે સમાનતાની લડત માટેની પ્રેરણા મેળવી અને તેનો જશ અંગ્રેજી કેળવણી આપનાર અંગ્રેજી રાજને આપ્યો. ખ્રિસ્તી ધર્મના ભાઇચારા અને સેવાના સંસ્કારોની અસર જોતિબા અને ગાંધીજી પર ઘણી હદે પડી હતી.

જોતિબાના અનુગામી ડો.આંબેડકર જાહેર જીવનમાં પ્રવેશ્યા ત્યારે અંગ્રેજી રાજની મર્યાદાઓ પૂરેપૂરી સામે આવી ચૂકી હતી. પેશ્વાઇ જમાનો ભૂતકાળ બન્યો હતો. એટલે અંગ્રેજી કેળવણી થકી અંગ્રેજી રાજનું માહત્મ્ય અનુભવવા છતાં, ડો.આંબેડકરના મનમાં તેના માટે જોતિબા જેટલો આદરભાવ રહ્યો ન હતો. જ્ઞાતિપ્રથામાંથી પેદા થયેલાં અનિષ્ટો દૂર કરવામાં અંગ્રેજો સાવ મોળા પુરવાર થયા હતા. ગોળમેજી પરિષદમાં શ્રોતાઓને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરતા ભાષણમાં ડો.આંબેડકરે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર કૂવેથી પાણી ભરવાની કે મંદિરમાં પ્રવેશવાની કે પોલીસમાં ભરતીની તક અમને બ્રિટિશ રાજ પહેલાં પણ મળતી ન હતી ને બ્રિટિશ રાજમાં પણ મળતી નથી. જમીનદારો કિસાનોનું અને કારખાનેદારો કારીગરોનું પહેલાં પણ શોષણ કરતા હતા અને બ્રિટિશ રાજમાં પણ એ ચાલુ છે. ડો.આંબેડકરે કહ્યું,‘અમારે એવી સરકાર જોઇએ, જે નિષ્ઠાપૂર્વક દેશનું હિત કરે અને સામાજિક- આર્થિક પ્રશ્નો કોઇની પણ શેહશરમ રાખ્યા વિના હલ કરે.’
ગોળમેજી પરિષદમાં ડો.આંબેડકરના બહુ વખણાયેલા પ્રવચનની એક આડવાત: વિદ્યાર્થી ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ આપનાર વડોદરાના મહારાજા ગાયકવાડ પણ એ પરિષદમાં ઉપસ્થિત હતા. આંબેડકરના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યા પ્રમાણે, આંબેડકરનું ભાષણ સાંભળીને મહારાજા ગાયકવાડની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. તેમણે પોતાનાં રાણીને કહ્યું,‘(ભીમરાવ પાછળ ખર્ચેલા) આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા...’ તેમણે પોતાના મિત્રમંડળ સહિત ડો.આંબેડકરને લંડનમાં પાર્ટી આપી હતી. ડો.આંબેડકર પણ મહારાજની ઉદારતા યાદ રાખીને, દીવાન તરફથી કે રાજ્યના તંત્ર તરફથી થયેલો વહેવાર ભૂલીને પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા.

ખોવાયેલો વારસો
ફુલે-આંબેડકર અને ગાંધીના રસ્તા જુદા લાગે, પણ તેમનું લક્ષ ઘણી હદે સરખું હતું. ત્રણે મહાનુભાવો ફક્ત વાતોનાં વડાં કરીને કે જાતનો જયજયકાર થાય એવી નેતાગીરી કરીને બેસી રહેવાને બદલે જાહેર જીવનમાં રગદોળાયા, બેસુમાર ટીકાઓ અને આક્ષેપો વેઠ્યા. ફુલે અને ગાંધીજીની હત્યાના પ્રયાસો થયા. પણ તેમણે પોતાનું કામ છોડ્યું નહીં.

જોતિબાએ ૨૧ વર્ષની ઊંમરે શુદ્ર અને અતિશુદ્ર કન્યાઓને ભણાવવાની શરૂઆત કરી. સમાનતાની વ્યાખ્યામાં સ્ત્રીઓને સામેલ કરવામાં પણ જોતિબા ગાંધીજીના પૂર્વસૂરિ હતા. તેમનાં પત્ની સાવિત્રી ફૂલે કેવળ ‘બા’ ન બન્યાં. તે પતિની તાલીમ મેળવીને, તેમની હારોહાર સામાજિક સંઘર્ષમાં ઉભાં રહ્યાં. (‘કોમરેડ’ જેવો શબ્દ એ વખતે જોતિરાવ-સાવિત્રીબાઇ સુધી પહોંચ્યો ન હતો.) અસ્પૃશ્યોને ભણાવવા અથવા ઘર છોડવું- એવા બે વિકલ્પ સામે આવીને ઉભા રહ્યા, ત્યારે જોતિરાવ-સાવિત્રીબાઇએ ઘર છોડી દેવાનું પસંદ કર્યું. જે જમાનામાં વિધવાવિવાહની પ્રવૃત્તિ ઉજળીયાત સમાજમાં બહુ મોટી સામાજિક ક્રાંતિ ગણાતો હતો- અને ભલભલા સુધારકો પોતાના કુટુંબમાં તેનો અમલ કરવાનો આવે ત્યારે પાણીમાં બેસી જતા હતા- એ વખતે જોતિબાએ સગર્ભા બ્રાહ્મણ વિધવા મહિલાઓ માટેનું આશ્રયસ્થાન શરૂ કર્યું. યુવાન વયે વિધવા થયા પછી ભયાનક જીવન ગાળતી અને કુદરતી લાગણીઓ-સમાજના દબાણ વચ્ચે ભીંસાતી સ્ત્રીઓની હાલત કફોડી હતી. પરિસ્થિતિવશ સગર્ભા બન્યા પછી આત્મહત્યાના માર્ગે જતી વિધવાઓને ઉદ્દેશીને જોતિબાએ લખ્યું હતું,‘હે વિધવાઓ! અહીં આવીને સલામત છતાં ખાનગી રીતે તમારી પ્રસૂતિ પાર પાડો. ત્યાર પછી તમારી ઇચ્છા પ્રમાણે બાળકને સાથે લઇ જાવ અથવા અહીં મૂકી દો. અમારો અનાથાશ્રમ તેમની સંભાળ રાખશે.

જોતિબાની ‘રચનાત્મક પ્રવૃત્તિઓ’માં કન્યાશાળા અને અનાથાશ્રમથી માંડીને અસ્પૃશ્યો માટેનાં પુસ્તકાલય અને ‘સત્યશોધક સમાજ’ જેવી સંસ્થાઓનો સમાવેશ થતો હતો. લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં પાખંડી કર્મકાંડીઓની ભૂમિકાનો છેદ ઉડાડીને ‘સત્યશોધક સમાજ’ના સભ્યો માટે નવી, કર્મકાંડવિહીન વિધી તૈયાર કરી. ભણતરનું મૂલ્ય બરાબર સમજતા જોતિબાએ ૧૮૭૯ની આસપાસ પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવાની ઝુંબેશ ઉપાડી હતી, જેના અમલ માટે હજુ સરકારે વચનો આપવાં પડે છે.

ગાંધીજી ‘નેકેડ ફકીર’ તરીકે દરબારી ઔચિત્યનો ભંગ થાય એવાં કપડાં પહેરીને બ્રિટનના મહારાજાને મળવા ગયા, તેના ચારેક દાયકા પહેલાં, ૧૮૮૮માં પૂના આવેલાં ડ્યુક અને ડચેસ ઓફ કોનોટ સમક્ષ જોતિબા ગ્રામ્ય ભારતીય પોષાકમાં હાજર થયા હતા અને ખુશામતની છોળો વચ્ચે તેમને ભારતની વાસ્તવિકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

જોતિબા-ગાંધીજી-ડો.આંબેડકર આ ત્રણેએ સંસ્થાઓ સ્થાપી ને તેમના અનુયાયીઓ પણ થયા. છતાં અન્યાય અને અસમાનતા સામે સંઘર્ષનો તેમનો સૌથી મહત્ત્વનો વારસો વિસરાઇ ગયો છે. હવે બાકી રહ્યા છે ફુલહાર, નોટોના હાર, નમાલા હોદ્દા ને ઠાલાં સૂત્રો.

Tuesday, April 13, 2010

‘હરિશ્ચંદ્ર’ જોડીના બીજા જોડીદાર હરવિલાસબહેનની પણ વિદાય




‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાના ચાહકોમાં અને સર્વોદયી વર્તુળોમાં ‘હરિશ્ચંદ્ર બહેનો’ તરીકે જાણીતાં કાન્તાબહેન-હરવિલાસબહેનની જોડીમાંથી હરવિલાસબહેનનું ૨ એપ્રિલ, ૨૦૧૦ના રોજ અવસાન થયું. અમદાવાદમાં મૃત્યુ પામેલાં હરવિલાસબહેનના દેહાંતના સમાચાર કાંતિભાઇ શાહના મિત્રોને મોકલેલા એક વિશિષ્ટ પત્રથી મળ્યા. ગઇ કાલે ઘરે આવેલા ૪ પાનાંના એ પત્રમાંથી કેટલુંક લખાણ અને હરવિલાસબહેનની તસવીર આ સાથે મૂકી છે.

કોલેજકાળથી તેમનાં જોડીદાર અને વિનોબા સંગે ભૂદાન પ્રવૃત્તિ અને સર્વોદય પ્રવૃત્તિમાં તેમનાં આજીવન સાથી બની રહેલાં કાંતાબહેને પહેલાં વિદાય લીધી હતી. આ અનોખી જોડી વિશે કાન્તિભાઇ શાહે ‘એકત્વની આરાધના’ (યજ્ઞ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ: જૂન, ૧૯૯૩) પુસ્તક લખ્યું હતું. અઢીસો પાનાંના એ પુસ્તકમાં બન્નેની જીવનયાત્રાના વિવિધ પડાવનું સરળ છતાં સ્પર્શી જાય એવું આલેખન કરવામાં આવ્યું છે.

બન્ને બહેનોનું સંયુક્ત નામ ‘હરિશ્ચંદ્ર’ વિનોબાએ પાડ્યું હતું. તેમણે એક પત્રમાં લખ્યું હતું,‘તમે બન્ને મળીને એક માણસ, એમ સમજી આ નામ બનાવ્યું. બન્નેના નામોનો પૂર્વ ભાગ આમાં આવી જાય છે...તમારૂં બન્નેનું અદ્વૈત ઇચ્છું છું. અદ્વૈત માનીને જ તો ‘હરિશ્ચંદ્ર’ નામ દીઘું...તમારી બન્ને વચ્ચે જે હાર્દિક એકતા છે, તેને હું એક આદર્શ ઉદાહરણ રૂપે બહેનો સામે મૂકું છું.’ કાંતિભાઇએ બન્ને બહેનો વચ્ચેના સંબંધ માટે ‘અશેષ આત્મીયતા’ જેવો શબ્દપ્રયોગ વાપર્યો છે.

હરિશ્ચંદ્ર બહેનોએ ભૂમિપુત્રના છેલ્લા પાને, શબ્દોની મર્યાદામાં રહીને છતાં ભાવને ટૂંપ્યા વિના વર્ષોથી વાચકોને વાર્તાઓ દ્વારા માનવીય મૂલ્યો પીરસ્યાં. ‘વીણેલાં ફૂલ’ નામે થયેલા એ વાર્તાઓના અનેક સંચયોને મનુભાઇ પંચોળી જેવાની પ્રસ્તાવના પ્રાપ્ત થઇ હતી.

ઉત્તર ગાંધીયુગમાં અનેક રીતે વીરલ કહેવાય એવી આ જોડી હવે તેમનાં અસ્થિ પર ઉગેલા વૃક્ષ સ્વરૂપે અને તેમણે લખેલાં પુસ્તકો સ્વરૂપે આપણો સાથ નિભાવશે.

(આ પોસ્ટ માટે અઘ્યાપક મિત્ર સંજય ભાવેએ રાબેતા મુજબના ઉમળકાથી કેટલાંક પુસ્તકો પૂરાં પાડ્યાં છે.)

Monday, April 12, 2010

હ્યુમન જેનોમ મેપિંગનાં દસ વર્ષ પછી : ‘સર્જનહાર’ બનવામાં હજુ કેટલી વાર?

દસ વર્ષ પહેલાં માનવશરીરનું સંચાલન કરતા છ અબજ મૂળભૂત ઘટકો ઓળખવાનું મહાભારત કાર્ય પૂરૂં થયું, ત્યારે જીવવિજ્ઞાનના ચમત્કાર હાથવેંતમાં લાગતા હતા. રોગોને આગોતરા અટકાવવાથી માંડીને જીવાદોરી લંબાવવાનું માત્ર થોડાં ડગલાં દૂર જણાતું હતું. દસ વર્ષે વાસ્તવિકતા શું સૂચવે છે?

માનવશરીરની કામગીરી સેંકડો સસ્પેન્સ નવલકથાઓનો મસાલો ભેગો કરીને બની હોય એવી છે. તેનું દરેક રહસ્ય અગત્યનું લાગે છે. ‘બસ, આ એક રહસ્ય ઉકલી જાય તો આખા પ્લોટનો તાળો મળી જાય’ એવું દરેક વખતે લાગે છે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. એક રહસ્ય ઉકલે, તેની સાથે બીજાં અનેક રહસ્યો સર્જાતાં રહે છે. સંશોધકો તેને ઇશ્વરની લીલા ગણીને, હાથ જોડીને બેસી રહેતા નથી. તેમના એકલ અને સંયુક્ત, અવિરત પ્રયાસોમાંથી સર્જાય છે ‘હ્યુમન જેનોમ પ્રોજેક્ટ’ જેવી વિજ્ઞાનજગતની મહાગાથાઓ.

સંશોધક જોડી વોટસન અને ક્રિકે ૧૯૫૩માં સજીવના કોષકેન્દ્રમાં ફીંડલા સ્વરૂપે રહેતા ડી.એન.એ.નું બંધારણ શોધી કાઢ્યું. તેની એકાદ સદી પહેલાં પાદરી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને આનુવંશિકતા- વારસાઇ-ના ગુણધર્મ અંગે ઘ્યાન દોર્યું હતું. વોટસન-ક્રીકની સફળતા પછી જીવવિજ્ઞાન ક્ષેત્રે ડી.એન.એ. હીરોની ભૂમિકામાં ગોઠવાતું ગયું. શરીરની તમામ કામગીરી અને સજીવના આખા આયુષ્યનો નકશો ડીએનએમાં અંકાયેલો છે, એવું સિદ્ધ થતાં ડી.એન.એ. ફરતેનું સસ્પેન્સ વઘ્યું અને તેને ઉકેલવાની તાલાવેલી પણ વધી.

વચ્ચે પગથીયાં ધરાવતી, વળ ચડાવેલી દોરડાની નિસરણી જેવો ડી.એન.એ.નો આકાર. તેમાં એ,ટી, સી અને જીના ટૂંકા નામે ઓળખાતા ચાર મુખ્ય ઘટક. એ સાથે ટી જોડાય ને સી સાથે જી જોડાય. એમ કરીને નિસરણીનાં પગથિયાં બને. આ ઘટકો ન્યુક્લીઓટાઇડ તરીકે ઓળખાતા શર્કરા અને ફોસ્ફેટનાં ‘દોરડા’ પર હારબંધ ગોઠવાયેલા હોય. ચોક્કસ ગોઠવણી ધરાવતા ઘટકો શરીરમાં નિશ્ચિત કામગીરી બજાવતા હોય, તો એવા ઘટકોના સમુહને ‘જનીન’ (અંગ્રેજીમાં ‘જિન’) તરીકે ઓળખાય- અને એવા જનીનોનું શાસ્ત્ર એટલે જનીનશાસ્ત્ર-જિનેટિક્સ.

જિનેટિક્સનો સંબંધ શરૂઆતમાં ફક્ત વારસાઇ પૂરતો જ કલ્પવામાં આવ્યો હતો, પણ અભ્યાસ અને વૈજ્ઞાનિક સાધનસામગ્રીના વિકાસ સાથે તેનો ખરો પ્રતાપ સમજાવા લાગ્યો. જીવવિજ્ઞાનના અભ્યાસીઓને લાગ્યું કે માણસની તમામ શારીરિક સમસ્યાઓની ચાવી ત્રણ અબજ ઘટકોની જોડીના બનેલા ડીએનએમાં છુપાયેલી છે. એક વાર આ તમામ ઘટકોની ગોઠવણી મળી જાય, તો સમજો બધી સમસ્યાઓનો ઉકેલ હાથવેંતમાં!

માણસજાતની મર્યાદાઓ આંબી જવાના ઉત્સાહ સાથે, ૧૯૯૦માં અમેરિકાની સરકારે હ્યુમન જેનોમ મેપિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો. ૩ અબજ ડોલરનું ભંડોળ ધરાવતા આ પ્રોજેક્ટમાં બીજા દેશો ઉપરાંત ભારતના જનીનશાસ્ત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. છ અબજ ઘટકતત્ત્વોની પૂરેપૂરી ઓળખમાં ૧૫ વર્ષ જશે એવો અંદાજ હતો. પરંતુ ખાનગી કંપની ‘સેલેરા જેનોમિક્સ’ના વડા ક્રેગ વેન્ટરે જનીનોના અક્ષર ઉકેલવામાં હડી કાઢી. સરકારી અને ખાનગી પ્રોજેક્ટની હરીફાઇમાંથી કોણ મેદાન મારી જશે, એની અટકળો ઉપરાંત એક વાર પ્રોજેક્ટ પૂરો થયા પછી કેવા ચમત્કારો શક્ય બનશે એની કલ્પનાઓ પણ થતી રહી. તેમાં સામાન્ય માણસને સ્પર્શે એવી બે મુખ્ય કલ્પનાઓ હતીઃ

૧) મોટા ભાગના રોગ માટે જનીન જવાબદાર હોય છે. એક વાર રોગ માટે કારણભૂત જનીન ઓળખી કઢાય, તો તેના બંધારણમાં ફેરફાર કરીને રોગનો ઇલાજ કરી શકાય. એટલું જ નહીં, ચોક્કસ પ્રકારની ગોઠવણ રોગ સૂચવે છે, એવી જાણકારી એક વાર હાથ લાગી જાય, તો તેના આધારે, રોગને ઉગતાં પહેલાં જ ડામી શકાય. જનીનગત ખામીઓને લીધે ખોડખાંપણ સાથે જન્મતાં બાળકોની આગોતરી સારવાર આપી શકાય.

૨) માણસના જનીનોની ‘લિપિ’ પૂરેપૂરી ઉકલી જાય, તો માણસને મૃત્યુ પામતો જ નહીં, વૃદ્ધ બનતો પણ અટકાવી શકાય. ‘અભી તો મૈં જવાન હું’ એ ગીત ફક્ત માનસિક રીતે જ નહીં, શારીરિક રીતે પણ એંસી-નેવું વર્ષે ગાઇ શકાય, એ કલ્પના રોમાંચકારી નથી? હ્યુમન જેનોમ મેપિંગ પછી એ કલ્પના વાસ્તવિકતા બનવાની ધારણા હતી.

આખરે, જૂન, ૨૦૦૦માં હ્યુમન જેનોમ મેપિંગ પ્રોજેક્ટ (અપેક્ષા કરતાં પાંચ વર્ષ વહેલો) પૂરો થયો. ખાનગી અને સરકારી બન્ને કંપનીઓએ સંયુક્ત રીતે, અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રમુખ ટોની બ્લેરની હાજરીમાં હ્યુમન જેનોમ પ્રોજેક્ટની સફળ સમાપ્તિની જાહેરાત કરી. ત્રણ વર્ષ પછી છ અબજ ઘટકોની વિગતવાર માહિતી ઉપલબ્ધ બની. એ વાતને બીજાં સાત વર્ષ વીતી ગયાં છે, પરંતુ આગળ જણાવેલી બન્ને કલ્પનાઓ હજુ વાસ્તવિકતા બની શકી નથી. તેના માટે સંશોધનની ખામી નહીં, પણ જનીનશાસ્ત્ર વિશે ઉપલબ્ધ બનેલી માહિતી જવાબદાર છે.

માણસના ડી.એન.એ.નું સંપૂર્ણ મેપિંગ થઇ ગયા પછી કેન્સર જેવા અનેક ગંભીર રોગો માટે જવાબદાર જનીનોની શોધખોળ ચાલુ છે. જનીનોની કામગીરી વિશે ઘણું જાણી શકાયું છે. છતાં રોગો સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત કરવાની બાબતમાં ધારી સફળતા મળી નથી. સંશોધકોને સમજાયું છે કે કેન્સર જેવા રોગ માટે બધા માણસોમાં એક જ પ્રકારની જનીનગોઠવણી જવાબદાર હોય એવું જરૂરી નથી. ઉપરાંત, એક જનીન (મૂળ તત્ત્વોનો આખો ‘સેટ’) કોઇ એક રોગ પર કામ કરતો હોય, તો પણ તેની કામગીરી ફક્ત એ રોગ પૂરતી મર્યાદિત હશે, એવું માની શકાય નહીં. એ જનીનને છેડતાં, ઓડનું ચોડ થાય એવી પણ પૂરી શક્યતા રહે છે. છ અબજ ઘટકતત્ત્વોમાંથી આશરે ૯૮ ટકા ‘જન્ક’ (નકામાં- કોઇ કામગીરી સાથે ન સંકળાયેલાં) મનાતાં હતાં, પણ વઘુ સંશોધન પરથી જણાયું છે કે કામગરા જનીનોને યોગ્ય સમયે કામ ચાલુ કે બંધ કરવાની પ્રેરણા પેલા નકામા વિભાગમાંથી મળતી હોય એવી સંભાવના છે. ‘જન્ક ડીએનએ’માં માણસની ઉત્ક્રાંતિનાં ઘણાં રહસ્યો ધરબાયેલાં હોવાનો પણ અંદાજ છે.

હ્યુમન જેનોમ મેપિંગનું તાળું નહોતું ખૂલ્યું ત્યાં લગી એવું લાગતું હતું કે એક વાર એ દરવાજો ખુલે એટલે અંદર શરીરનાં સઘળાં રહસ્યો ઉકલવાની રાહ જોઇને પડ્યાં હશે. પરંતુ તાળું ખૂલ્યા પછી સંશોધકો સામે ઉકેલ નહીં, પણ નવી ભૂલભૂલામણીઓ આવી ઉભી છે. એટલે જ, જેનોમ મેપિંગની કિંમતમાં મોટા પાયે ઘટાડો થયો હોવા છતાં, તેનાં અપેક્ષિત ચમત્કારિક પરિણામ જોવા મળતાં નથી. અનુક્રમે સરકારી અને ખાનગી રાહે જેનોમ મેપિંગ સાથે સંકળાયેલા સંશોધકો ફ્રાન્સિસ કોલિન્સ તથા ક્રેગ વેન્ટરે સાયન્સ જર્નલ ‘નેચર’ને નિખાલસતાથી જણાવ્યું છે કે હ્યુમન જેનોમ મેપિંગથી હજુ સુધી માણસના આરોગ્યની બાબતમાં ઝાઝો ફરક પડ્યો નથી.

છતાં સંશોધકો માટે નિરાશ કે નાસીપાસ થવાનું કારણ નથી. કેમ કે, તેમના સંશોધનની દિશા સાચી છે. હ્યુમન જેનોમ મેપિંગના પગલે ‘ઇન્ટરનેશનલ હેપમેપ પ્રોજેક્ટ’ શરૂ થયો છે. તેનો આશય માણસોના છ અબજ ઘટકતત્ત્વોની ગોઠવણી મુખ્યત્વે ક્યાં ક્યાં એકબીજાથી જુદી પડે છે, તેનો તાગ મેળવવાનો છે. એ જ રીતે, ડી.એન.એ.ના એકેએક મૂળાક્ષરની ‘કુંડળી’ કાઢવા માટેનો ‘એન્કોડ’- એન્સાયક્લોપિડીયા ઓફ ડી.એન.એ. એલીમેન્ટ્સ- પ્રોજેક્ટ પણ આરંભાયો છે. અમેરિકા જેવા દેશોમાં અત્યાર સુધી ઉપલબ્ધ જ્ઞાનના આધારે નવજાત બાળકની ચાળીસેક પ્રકારની જનીનગત ખામીઓ માટે તપાસ કરવામાં આવે છે. (જોકે બધા કિસ્સામાં તેમના આખા ડીએનએનું મેપિંગ થતું નથી.) દરમિયાન રોગ અને જનીન વચ્ચેનો સંબંધ સમજવાની અને ડી.એન.એ.ના મેપિંગથી મળેલી અઢળક માહિતીનો માણસના લાભાર્થે ઉપયોગ કરવાની મથામણ અવિરત ચાલુ છે.

માણસના કોષકેન્દ્રમાં રહેલા ડી.એન.એ.ની સરખામણી ઘણી વાર છઠ્ઠીના લેખની કલ્પના સાથે કરવામાં આવે છે. પરંતુ હ્યુમન જેનોમ મેપિંગના ‘લેખ’ની સૌથી મોટી ખૂબી એ છે કે તેમને નીયતી માનીને સ્વીકારી લેવાની જરૂર નથી. તેમાં ફેરફાર કરી શકાય છે- અને એ મહત્ત્વનો તફાવત હ્યુમન જેનોમ મેપિંગના સંશોધનોને આગામી દાયકામાં પણ બળતણ પૂરૂં પાડતો રહેશે.

Sunday, April 11, 2010

નાસ મણકા, મણકો આવ્યો




નાનપણમાં દાદીમાના મોઢે, માળા કરીને ભક્તિ બતાવતા ભક્તજનો માટે આવી 'પંચલાઇન' સાંભળી હતી. થોડા દિવસ પહેલાં ટ્રેનમાં ફેન્સી કવરની અંદર ગૌમુખી (માળા) ફેરવતા બે ભક્તોને જોઇને એ યાદ આવી. ઇસ્કોનના એ ભક્તો તેમની ચોટલી અને તંદુરસ્તી પરથી 'પવિત્ર પુરૂષ' જણાતા હતા. આજુબાજુ બેઠેલી કેટલીક ઉંમરલાયક મહિલાઓના લાભાર્થે વચ્ચે તે ધર્મવાર્તા પણ પ્રસારિત કરતા હતા, જેમાં જાર્ગન સિવાય કશી ભલી વાર ન હતી. બેમાંથી એક યુવાન હતો. એ હજુ જાર્ગન શીખી રહ્યો હતો. તેનું શીખાઉપણું પણ જણાઇ આવતું હતું.

આ બધું તો ઠીક છે, પણ ગૌમુખીનું ફેન્સી કવર, તેની ઉપર અંગ્રેજીમાં હરે રામા હરે કૃષ્ણા ને એવું બધું લખેલું, ચિત્ર ભરેલું. તેની ઉપરની કસો બાંધીને, પહેલી આંગળી બહાર રહે એવી રીતે માળા ફેરવવાની છટા જોઇને એ ફોટો અહીં મૂકવાનું મન થયું.

Friday, April 09, 2010

આંબેડકર જયંતિની આગોતરી ઉજવણી

‘દિલના દરવાજે દસ્તક’ - આ નામ છે ડો.આંબેડકરનાં આત્મકથનાત્મક સંભારણાંના ગુજરાતી અનુવાદનું. અત્યાર લગી ગુજરાતીમાં ભાગ્યે જ અથવા છૂટાંછવાયાં વાંચવા મળતા લખાણો પહેલી વાર બે પૂંઠા વચ્ચે આવી રહ્યાં છે. એ લખાણોમાં ડો.આંબેડકરના ઘડતરકાળની ઘણી ઓછી જાણીતી વાતો તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. જેમ કે, તેમની અટક કેવી રીતે પડી, તેમના ઘડતરમાં પિતાનો કેવો અને કેટલો ફાળો છે, શિક્ષકોના અવનવા અનુભવો, આભડછેટના અનુભવો...

અંગત રીતે પણ આ પુસ્તકનું ખાસ મહત્ત્વ છેઃ આ પુસ્તક (૮૦ પાનાંની, પરિચય પુસ્તિકાથી નાના કદની પુસ્તિકા) પરમ મિત્ર ચંદુ મહેરિયાના ‘દલિત અધિકાર પ્રકાશન’નું પહેલું પુસ્તક છે. તેના માટે ડો.આંબેડકરનાં અંગ્રેજી-હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઇએ અને મેં કર્યો છે.

રવિવાર, તા.૧૧-૪-૧૦, સાંજે સાડા ૫:૩૦ વાગ્યે, સાહિત્ય પરિષદમાં આ પુસ્તકનો વિમોચન સમારંભ છે. તેમાં સૌને પ્રેમભર્યું નિમંત્રણ.

પુસ્તકનું વિમોચન સંવેદનશીલ દલિત લેખક પ્રવીણ ગઢવી કરશે. સફાઇ કર્મચારી આયોગનાં સભ્ય કમળાબહેન ગુર્જર સમારંભનાં અઘ્યક્ષ છે.

વક્તાઓ: પ્રકાશ ન. શાહ (તંત્રી, નિરીક્ષક), ઇન્દુકુમાર જાની (તંત્રીઃ નયા માર્ગ), રજની દવે (તંત્રીઃ ભૂમિપુત્ર), રાજેન્દ્ર પટેલ ( સચિવ, સાહિત્ય પરિષદ)

Wednesday, April 07, 2010

પશુપંખીઓનું બ્લોગજગતઃ ચૂં...ચૂં...મ્યાઊં...મ્યાઊં

આઝાદી પહેલાં એક જમાનો હતો જ્યારે બધા જેલમાં જતા હતા. પછી એવો જમાનો આવ્યો જ્યારે બધા ડાયરી (રોજનીશી) લખવા માંડ્યા. હવે ટેકનોલોજીની બોલબાલા છે. એટલે બધા બ્લોગ લખવા માંડ્યા છે. નેતા-અભિનેતા-પત્રકાર-લેખક-આમજનતા-ખાસજનતા સૌ પોતપોતાની સચ્ચાઇ અને ખાસ તો પોતપોતાનાં જૂઠાણાં બ્લોગ દ્વારા બેરોકટોક દુનિયા સમક્ષ મૂકી રહ્યા છે. ‘ફલાણાએ પોતાના બ્લોગ પર આમ લખ્યું’ એવાં મથાળાં સમાચારમાં અવારનવાર વાંચવા મળે છે.

માણસનો આ બ્લોગચાળો પશુ-પંખીઓમાં ફેલાય તો? પશુપંખીઓમાંથી માણસમાં સ્વાઇનફ્લુ ને બર્ડ ફ્લુ આવી શકતા હોય, તો માણસનો બ્લોગફ્લુ પશુપંખીઓને ન લાગી શકે? અને લાગે તો શું થાય? બંધબેસતી પાઘડી પહેરવા-પહેરાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા સાથે કેટલાક પશુપંખીઓના સંભવિત બ્લોગઃ

ન્યાયપ્રિય બિલાડાનો બ્લોગ
સો ઊંદર મારીને હજ કરવા જતી બિલાડીની કહેણી જાણીતી છે, પણ આ લખાણ સેંકડો ઊંદરોના મોત માટે જવાબદાર બિલાડાના બ્લોગ પરથી લીઘું છે.
‘હું હિંસાનો વિરોધી છું. (બીજા દ્વારા થતી) ઊંદરોની હિંસાનો તો ખાસ. મને ઊંદર (મારવા) બહુ ગમે છે. મારી સામે બીજું કોઇ ઊંદર મારે એ હું જોઇ શકતો નથી. મારા વિરોધીઓએ એવી અફવા ફેલાવી છે કે હું ઊંદરનો વિરોધી છું. આવી અફવા ફેલાવનારા ઊંદરોનું તુષ્ટિકરણ કરે છે. મારા રાજમાં બધા ઊંદરો સુખી છે. કારણ કે તે ચૂં ચૂં કરતા નથી. મારૂં નામ અશોક નથી એટલું જ. બાકી, હું ન્યાયી અને શાંતિપ્રિય છું. મને ચૂં ચૂં કરતા ઊંદરો જ નહીં, ઘોડા-ગધેડા કે વાઘ-સિંહ પણ ગમતા નથી. મારૂં ચાલે તો હું બધા ચૂં ચૂં કરનારાને માફ (સાફ) કરી દઊં. હમણાં જ (મારા ગળે ઘંટ કોણ બાંધે એ નક્કી કરવા ભરાયેલી) ઊંદરોની સભામાં મને અતિથીવિશેષ તરીકે બોલાવ્યો હતો. એક ચિંતક ઊંદરે આ ઘટનાથી પ્રેરાઇને તેમનો મહાગ્રંથ ‘મૂષકની મહાયાત્રા’ મને અર્પણ કરી દીધો. આ બઘું લખવાનું મુખ્ય કારણ એટલું જ કે કેટલાક પત્રકાર ઊંદરો મારા વિશે જૂઠાણાં ફેલાવી રહ્યાં છે. મારા વિશે બીજું કોઇ જૂઠાણાં ફેલાવે તે હું સહન કરી શકતો નથી (અને જાતે જ મારા વિશે મનગમતાં જૂઠાણાં ફેલાવવાનું શરૂ કરી દઊં છું.)
***
આ લખાણ મૂક્યા પછી મારૂં ઘ્યાન પડ્યું કે કોઇ તોફાની ઊંદરે મારા લખાણની વચ્ચે વચ્ચે કૌંસમાં વધારાનું લખાણ મૂકીને કેટલીક ખાનગી વાતો જાહેર કરી દીધી છે. આ કોણે કર્યું એ શોધવાની જરૂર નથી. હવે પછીના બોંતેર કલાકમાં તમામ ઊંદરોએ કૌંસનાં લખાણનો દંડ ચૂકવવો પડશે.

બ્રાન્ડ એમ્બેસેડર મોરનો બ્લોગ
મારૂં કામ (રૂપિયાનો) વરસાદ થાય ત્યારે થન થન નાચવાનું છે. અંગ્રેજીમાં એને ‘બ્રાન્ડ એમ્બેસેડર’ કહેવાય. મારી પોતાની બ્રાન્ડ મજબૂત છે. એટલે લોકો મને એમની બ્રાન્ડ મજબૂત કરવા બોલાવે છે. હું પ્રોફેશનલ છું. બિલાડો રૂપિયાનો વરસાદ કરે તો બિલાડાનો બ્રાન્ડ એમ્બેસેડર ને ઊંદરો બોલાવે તો એમનો બ્રાન્ડ એમ્બેસેડર. હું મારા ને વરસાદ સિવાય બીજા કોઇનો નહીં. મને વરસાદ જેટલો આનંદ બીજા કશાથી થતો નથી. એક વાર દેવાળું કાઢ્યા પછી મને ખબર પડી ગઇ છે કે રૂપાળાં પીછાં, કલગી ને રંગ - બઘું વરસાદ લાવે તો કામનું. બાકી, ફક્ત રૂપાળા દેખાઇ ખાવાનો કશો અર્થ નથી.

પ્રોબ્લેમ ત્યારે થાય છે, જ્યારે બિલાડા ને ઊંદર એમની લડાઇમાં મને લોહીલુહાણ કરે. ઊંદરડા કરડી જાય કે બિલાડો મારી પીઠ થપથપાવીને બરડો ખોખરો કરી નાખે, મને એકસરખી ફાળ પડે છે.

જંગલના રાજા સિંહનો બ્લોગ
હા, હું જંગલનો રાજા છું, પણ એ જણાવવા માટે બ્લોગ શરૂ નથી કર્યો. એ દેખાડાથી કંટાળીને, સાચી વાત કહેવા માટે જ બ્લોગ લખવાનો વિચાર આવ્યો. હું સત્તાવાર રીતે જંગલનો રાજા ખરો. લોકો મને માન આપે છે. બીજા જંગલોમાં મારો આદરસત્કાર થાય છે, મારી કાર્યક્ષમતાનાં વખાણ થાય છે, પણ હું પેલા સવા સો વર્ષના વયોવૃદ્ધ કાચબાથી કંટાળી ગયો છું.

કોઇ અજાણ વાચકને એવો પણ સવાલ થશે કે જંગલના રાજાને વળી કાચબા સાથે શી લેવાદેવા? પણ ખરી વાત તો એ છે કે જંગલનો ખરો રાજા એ કાચબો છે. એને તમે મારી ગાદીની આજુબાજુ કદી જોયો નહીં હોય. સમારંભોમાં એ કેવો ઠાવકો થઇને મને હાથ જોડે છે? પણ ખાનગીમાં કાચબો મને બોલાવે ત્યારે મારા ટાંટિયા ઢીલા થઇ જાય છે. જંગલનો રાજા હોવા છતાં, કાચબાને પૂછ્યા વિના- ઠાવકી ભાષામાં કહું તો- એની સલાહ લીધા વિના, હું ડગલું પણ ભરી શકતો નથી. મને ઘણી વાર ડરામણાં સ્વપ્નાં આવે છે કે હું સિંહ હોવા છતાં, કાચબાની જેમ પેટે ઢસડાઇને ચાલતો હોઊં. મારા ટીકાકારો માને છે કે એ સ્વપ્ન નહીં, વાસ્તવિકતા છે.

વરિષ્ઠ કાચબાનો બ્લોગ
હું જંગલનાં તમામ પ્રાણીઓમાં સૌથી અનુભવી છું. ઘણા લોકો માને છે કે સિંહની જગ્યાએ જંગલના રાજા તરીકે હું વધારે યોગ્ય ગણાઊં. પણ મારો જીવ એવો ટૂંકો નથી. મને ખબર છે કે રાજા કરતાં રાજાના ગોડફાધર કે ગોડમધર બનવામાં વધારે મઝા છે. હું એને ખાનગીમાં ‘રાષ્ટ્રિય પ્રભાવ સુરક્ષા યોજના’ કહું છું- અને આ બ્લોગ આવી ખાનગી વાતો ક્યારેક ‘શેર’ થઇ શકે એ માટે જ શરૂ કર્યો છે.

‘રાષ્ટ્રિય પ્રભાવ સુરક્ષા યોજના’ હેઠળ રાજા બન્યા વિના પણ મારો પ્રભાવ સુરક્ષિત છે. સિંહ મને જોઇને ઘરઘરાટી કરતો બંધ તઇ જાય છે, બિલાડો મને જોઇને દાઝે બળે છે, મને જોઇને મોરનાં પીંછાંમાં સળવળાટ થવા લાગે છે. જંગલના વહીવટની ટીકા કરવાની આવે ત્યારે લોકો સિંહની ખાલ ઉખેડી નાખે છે, પણ જંગલની વાહવાહી થાય ત્યારે લોકો મને અભિનંદન આપવા આવે છે. ‘જંગલમાં મંગલ’ છાપું હોય કે ‘જંગલમાં દંગલ’ ચેનલ- બધે સિંહની સાથે મારા, ના- મારી સાથે સિંહના- ફોટા પણ છપાય છે.

બઘું હોવા છતાં, હું પણ આખરે પ્રાણી છું- અને મેં નક્કી કર્યું છે કે બ્લોગમાં જૂઠું ન બોલવું. (એ કામ માટે આખું જાહેર ક્ષેત્ર ખુલ્લું પડ્યું છે!) - તો બઘું હોવા છતાં, મને ક્યારેક અસલામતી ને અસંતોષ થાય છે. મને ચિંતા પણ થાય છે. એ વખતે સિંહ આવીને મને આશ્વાસન આપી જાય છે કે ‘ચિંતા ન કરશો. તમે કહેશો ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં હું ગાદી પરથી ઉતરી જઇશ ને ગાદી તમારા વારસદારોને સોંપી દઇશ.’ તેમનું આ આશ્વાસન સાંભળીને ‘ભારતની લોકશાહી અને સેક્યુલારિઝમ હવે સલામત છે’ એ વિચારે મને ઉંડી રાહત થાય છે.

વફાદાર કૂતરાનો બ્લોગ
હું કૂતરો છું. આજુબાજુમાં ધર્મેન્દ્ર ઉભો ન હોય ત્યારે આવું કહેવામાં જોખમ નથી. બિલાડો કે કાચબો કે સિંહ- કોઇ મને સીધી ભાષામાં કૂતરો કહેતા નથી. કારણ કે એ લોકોનું આખું તંત્ર મારા જેવા અનેક વફાદાર કૂતરા ચલાવે છે. અમારામાંથી એક કૂતરો હમણાં પોલિટિકલ સાયન્સ ભણવા ગયો છે. પરમ દિવસે જ એનો ઇ-મેઇલ હતો. એ કહેતો હતો કે આપણા ગુણ ધરાવતા માણસો માટે માણસોના રાજકારણમાં ‘કાર્યકર્તા’ જેવો શબ્દ વપરાય છે. ખરેખર, માણસ જોડેથી અમારે હજું ઘણું શીખવાનું બાકી છે.

Tuesday, April 06, 2010

કાયદાનું રાજ, બંધારણના ભોગે?

સમાચારોમાં ચોતરફ અમિતાભ બચ્ચનના નામનો ગોકીરો ચાલતો હતો, ત્યારે ગુજરાત વિધાનસભામાં કાયદાનો એક ફેરફાર પસાર થઇ ગયો. તેનો સંબંધ અમિતાભ બચ્ચનો કે સાનિયા મિર્ઝાઓ સાથે નહીં, પણ ગુજરાતના નાગરિકો સાથે હતો. એટલે જ કદાચ, વાદવિવાદ કે ચર્ચા તો ઠીક, એ વિશે સરખી રીતે વાત પણ ન થઇ. કાયદામાં થયેલા એ સુધારા- ખરેખર તો બગાડા- અંતર્ગત સરકારે ગુજરાતભરમાં જાહેર સ્થળોએ પ્રવેશફી ઝીંકવાની આપખુદીને કાયદાનું સ્વરૂપ આપી દીઘું.

સરકારને વિધાનસભાના છેલ્લા દિવસે કાયદામાં સુધારા અંગેનો ખરડો પસાર કરી નાખવાની ફરજ કેમ પડી? અને આવા સુધારાથી અમલમાં આવેલો કાયદો ‘પથ્થરકી લકીર’ બની ગયો ગણાય? તેના જવાબ મેળવતાં પહેલાં થોડું ફ્લેશબેક.

વિકાસના બે ચહેરા
વિવાદની શરૂઆત અમદાવાદના કાંકરિયા તળાવથી થઇ. સદીઓ જૂના કાંકરિયા તળાવનો આઘુનિક સમયમાં બે વાર ‘જીર્ણોદ્ધાર’ થયો છે. પહેલી વાર એ કામ આઝાદી પહેલાંના દાયકામાં થયું હતું. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારથી દૂર રહેલા અને અવાવરૂ ગણાતા કાંકરિયા તળાવને ખરા અર્થમાં રળિયામણું બનાવનાર હતા ભાઇકાકા. વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા ભાઇકાકા (ભાઇલાલભાઇ પટેલ) અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચીફ એન્જિનિયર તરીકે જોડાયા, ત્યારે તેમણે કાંકરિયાની ફરતે પાળી અને રસ્તા બનાવ્યા. તેની નજીકમાં એક ટેકરી પર સરસ બગીચો બનાવ્યો અને કાંકરિયાને સપરિવાર હરવાફરવાનું સ્થળ બનાવી દીઘું.

ભાઇકાકાએ કરેલો વિકાસ પ્રજાલક્ષી હતો. તેના પરિણામે વખત જતાં કાંકરિયાની ફરતે ખાણીપીણીનું બજાર અને અસંખ્ય નાના રોજગાર ઉભા થયા. આજુબાજુ રહેતા સેંકડો લોકો માટે તે રોજીરોટી આપતું અને રૂપિયા ખર્ચ્યા વિના આનંદ લઇ શકાય એવું સ્થળ બન્યું. કાંકરિયાની પાળી પર કે બાંકડા પર અમીર-ગરીબના ભેદ ન હતા. તળાવની ઠંડક અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે ત્યાં બેસવું પણ જરૂરી નહીં. એ રસ્તેથી પસાર થવું પૂરતું હતું.

દાયકાઓ પછી અચાનક એક દિવસ સત્તાધીશોને વિચાર આવ્યો. તેમને થયું કે કાંકરિયા તળાવને ‘વિકસાવવું’ જોઇએ. નવા સત્તાધીશોમાં કોઇ ભાઇકાકા ન હતા. એમણે તો કુદરતી સૌંદર્ય ધરાવતા તળાવની ફરતે કોટ જેવી દિવાલો ને ઉંચા-ઉંચા જાળીદાર દરવાજા જડી દીધા. અંદર મનોરંજનના નામે એક ટ્રેન લાવી મૂકી. કુદરતી સૌંદર્યનું સ્થાન ભદ્દી, કૃત્રિમ ચમકદમકે લીઘું. કાંકરિયા તળાવની ફરતે આવેલાં અને લોકો માટે બંધાયેલાં તમામ મનોરંજનનાં સ્થળો ‘વિકાસ’ પછી દરવાજાની અંદર આવી ગયાં. તળાવ પર આટલો જુલમ ઓછો હોય તેમ, કાંકરિયાના સદીઓના ઇતિહાસમાં પહેલી વાર પ્રવેશ ફી દાખલ કરવામાં આવી. કેટલાક જાગ્રત નાગરિકોએ પ્રવેશ ફીનો વિરોધ કર્યો, ત્યારે સત્તાધીશોએ કારણ આપ્યું: ‘વિકસીત’ તળાવની જાળવણી પેટે!

સરકારી જમનો ભય

ખરેખર તો તળાવ પર બળાત્કાર કરવા માટે વહીવટી તંત્ર સામે દાવો માંડવાનું મન થાય એવી સ્થિતિ હતી. તેને બદલે, તંત્રએ સામેથી લોકો પાસે પ્રવેશફી પેટે રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું. માથાદીઠ દસ રૂપિયા. નાનાં બાળકો માટે પાંચ રૂપિયા.

સવાલ ફક્ત સૌંદર્યદૃષ્ટિનો ન હતો. નાગરિક તરીકેના અધિકારનો પણ પ્રશ્ન હતો. ‘સારી પબ્લિક’નો મોહ ધરાવતા લોકોએ ફીનો વિરોધ કરવાને બદલે તેને આવકાર આપ્યો અને વહીવટી તંત્રની લાગણીનો પડઘો પાડતાં કહ્યું,‘હવે ગમે તેવા (કાંકરિયાના સંદર્ભમાં: મુસ્લિમ અને ગરીબ) લોકોનું ન્યૂસન્સ દૂર થશે.’ કેટલાક લોકોએ ‘તળાવનો વિકાસ કર્યો છે, તો ફી આપવામાં કંઇ ખોટું નથી. પણ આટલી બધી ફી ન હોય.’ એવી દલીલ મૂકી અને થોડા એવા પણ નીકળ્યા જેમણે કહ્યું, ‘ફી કેવી ને વાત કેવી? તળાવ પ્રજાની માલિકીનું છે.’

કાંકરિયા મુક્તિ અભિયાન જેવા આંદોલનનો નાના પાયે આરંભ થયો. હાઇકોર્ટમાં કેસ પણ દાખલ થયો. દરમિયાન, પુરાતત્ત્વીય સ્થળોની આસપાસ અમુક વિસ્તારમાં બાંધકામ ન કરી શકાય એવા અદાલતી ચુકાદા પણ આવતા રહ્યા અને કાંકરિયા ફરતે કરેલા બાંધકામ તથા પ્રવેશ ફીના મુદ્દે વહીવટી તંત્રની સ્થિતિ નબળી બનાવતા રહ્યા. ડિસેમ્બર, ૨૦૦૯માં ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો કે કાંકરિયા પ્રવેશ ફીમાંથી મળતી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાપરવી નહીં. તેનું અલગ ખાતું ખોલાવીને રકમ અલગ રાખવી અને અદાલતની પૂર્વમંજૂરી વિના એ રકમ વાપરવી નહીં.

કાંકરિયા પર જે રીતે વહીવટી તંત્રએ કબજો જમાવી દીધો, એ જોઇને અરૂંધતિ રોયનું તીખું નિરીક્ષણ યાદ આવે છે. છત્તીસગઢના આદિવાસીઓ વિશે વાત કરતાં તેમણે લખ્યું હતું, ‘ભારત આઝાદ થયું એટલે લોકોની સંપત્તિ બારોબાર સરકારની માલિકીની થઇ ગઇ.’ તેમાં દાંતેવાડાનું જંગલ પણ આવી જાય ને અમદાવાદનું કાંકરિયા તળાવ પણ બાકી નહીં. અલબત્ત, જંગલની જેમ તળાવ જીવનમરણનો સવાલ ન હતું. પણ સવાલ સરકારી જમ ઘર ભાળી જાય તેનો હતો.

વિરોધનો વહીવટ
કાંકરિયાની પ્રવેશ ફી સામે સૌથી પહેલો વિરોધ તળાવ ફરતે નિયમિત મોર્નંિગ વોક કરનારા લોકોનો હતો. સમૃદ્ધ અને બોલકા વર્ગના આ મોર્નંિગ વોકરોને સવારે મફત પ્રવેશ આપીને મનાવી લેવામાં આવ્યા. ત્યાર પછી બાકી રહેલા વિરોધ કરનારાનું વહીવટી તંત્ર કે સમાજને મન કશું વજૂદ ન હતું. કેમ કે, તેમનો અવાજ તો ઠીક, તેમનું અસ્તિત્ત્વ ગણકારવાની પણ કોઇને પરવા ન હતી.

બાકી રહ્યો કાયદો. મ્યુનિસિપાલિટીની સત્તા અંગેના કાયદામાં (ધ બોમ્બે પ્રોવિનિશ્યલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ) મ્યુનિસિપાલિટી પ્રવેશફી ઉઘરાવી શકે એવી કોઇ જોગવાઇ ન હતી. બીજી તરફ, કાંકરિયા પ્રવેશ ફીની સામે અદાલતમાં કેસ ઉભો હતો. એટલે, કાયદાના મોરચે નિશ્ચિંત થવા માટે સરકારે વિરોધના મૂળમાં પ્રહાર કરવાનું નક્કી કર્યું. અદાલતો ચુકાદો શાના આધારે આપે?
કાયદાના આધારે.
કાયદો કોણ બનાવે? તેમાં ફેરફાર કોણ કરી શકે?
ચૂંટાયેલા વિધાનસભ્યોની સરકાર.
તો બીજી લમણાંઝીંક મૂકીને કાયદો મરોડી નાખવાનું સહેલું ન પડે?

એ જ પ્રમાણે થયું. વિધાનસભામાં બહુમતિ ધરાવતી સરકારે, ‘ધ બોમ્બે પ્રોવિનિશ્યલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ’માં ‘ગુજરાત એમેન્ડમેન્ટ’ તરીકે ઓળખાતો સુધારો ૩૦ માર્ચ, ૨૦૧૦ના રોજ પસાર કરી દીધો. ૧ જાન્યુઆરી, ૨૦૦૯થી પ્રવેશ ફીની શરૂઆત થઇ હતી, એટલે કાયદાનો સુધારો પણ ૧ જાન્યુઆરી, ૨૦૦૯ની પશ્ચાદવર્તી અસરથી લાગુ પાડવામાં આવ્યો. સુધારો પસાર થઇ ગયા પછી એક ભાજપી મહિલા વિધાનસભ્યએ ગૃહમાં કહ્યું પણ ખરૂં કે ‘અસામાજિક તત્ત્વો કાંકરિયાની પાળે અડ્ડો જમાવીને બેસી રહેતા હતા...(પ્રવેશ ફી લાગુ કર્યા પછી) ‘અમે પાંચ, અમારા પચીસ’ની (મુસ્લિમોની) કાંકરિયા પાસે ભીડ રહેતી નથી.’ વિધાનસભામાં આ ભાષા વપરાય ત્યારે ગૃહની ગરીમાની ચિંતા સેવનારા શું કરતા હશે, એવો સવાલ સહજપણે થાય.

પ્રવેશ ફીના ટેકામાં વહીવટી તંત્ર તરફથી થયેલી રજૂઆતમાં જણાવાયું કે કાંકરિયાને વિકસાવવા માટે રૂ.૨૮.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૫૭ લાખ લોકોએ તેમાં પ્રવેશ લીધો છે અને ટ્રેનની ફી સહિત રૂ. ૬.૮૬ કરોડની આવક થઇ છે. એટલે પ્રવેશ ફી લોકોને પરવડતી નથી એમ કહેવું ઉચિત નથી.’ આ દલીલ આગળ વધારીને એવું પણ કહી શકાય કે ‘મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી કારની કિંમત પચીસ લાખથી પાંચ કરોડ સુધીની હોવા છતાં, ૨૦૦૯ના વર્ષમાં ૩,૬૧૯ બીએમડબલ્યુ અને ૩,૨૪૭ મર્સિડીઝ કાર વેચાઇ હતી. એટલે મર્સિડીઝ-બીએમડબલ્યુ લોકોને પરવડતી નથી એમ કહેવું ઉચિત નથી!’ મુદ્દો એ છે કે ‘લોકો’ની વાત થાય ત્યારે વાત કરનારના મનમાં કયા લોકો હોય છે? કાંકરિયાની ફી પોસાય એવા લોકોની વાત કરતી વખતે, ફી પોસાતી ન હોય એવા લોકોનું અસ્તિત્ત્વ ભૂલી જવું, એ ‘લોક’શાહીની નવી સ્ટાઇલ છે.

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલો સુધારો હવે ફક્ત કાંકરિયાને કે અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. તેના જોરે ગુજરાતભરનાં સ્થાનિક વહીવટી તંત્રોને જાહેર સ્થળો પર પ્રવેશ ફી ઉઘરાવવાનો કાયદેસર હક મળી ગયો છે. કોઇ પણ પ્રવૃત્તિને પડકારવા માટે તેનું ગેરકાયદે હોવું જરૂરી છે, પણ ખુદ કાયદો જ ‘ગેરકાયદે’ હોય ત્યારે શું થાય?

કાયદો ઊંચો, બંધારણ સર્વોચ્ચ
ટેકનિકલ રીતે કાયદો કદી ‘ગેરકાયદેસર’ હોઇ શકે નહીં. સામાન્ય માન્યતા એવી છે કે કાયદો એટલે સર્વોપરી. કાયદો એટલે છેલ્લો શબ્દ. એની ઉપર કશું હોઇ શકે નહીં. પણ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ ફીના મુદ્દે જે બન્યું, તે બીજાં રાજ્યોમાં કે દેશની સંસદમાં પણ ન બની શકે? બહુમતિ સાંસદો પોતાની સંખ્યાના જોરે સાવ પ્રજાવિરોધી નિર્ણયોને કાયદાનું સ્વરૂપ આપીને લોકો પર લાદે તો? પ્રજાએ હાથ જોડીને ‘આ તો કાયદો છે. કાયદા આગળ આપણે લાચાર!’ એમ વિચારીને બેસી રહેવાનું?

ના. કાયદો સર્વોપરી ખરો, પણ તે ભારતના બંધારણ કરતાં ચડિયાતો કે તેનાથી ઉપર નથી. કાયદો બંધારણને આધીન કામ કરે છે. બંધારણના મૂળભૂત હાર્દનો ભંગ થાય એવું કંઇ પણ બે તૃતિયાંશ બહુમતિથી પસાર કરી દેવામાં આવે, એટલે તે અફર કાયદો બની જતું નથી. એ સંજોગોમાં અદાલતો ફક્ત કાયદાના અર્થઘટનનું જ નહીં, બંધારણના અર્થઘટનનું પણ કામ કરે છે અને કાયદો બંધારણના હાર્દનો ભંગ કરે છે કે નહીં, એનો પણ ફેંસલો કરે છે.

ત્રણ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વાય.કે.સબરવાલ સહિત નવ ન્યાયાધીશોની બનેલી બેન્ચે સર્વસંમતિથી ચુકાદો આપતાં કહ્યું હતું કે સરકારે પસાર કરેલા છતાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કાયદાની સમીક્ષ કરવાની અદાલતને સત્તા છે. બેન્ચે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ‘બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત ન હોય એવો કોઇ પણ કાયદો અદાલત રદબાતલ ઠેરવી શકે છે..’
કાંકરિયા પ્રવેશ ફી જેવા અદાલતમાં ચાલતા કેસનો ફેંસલો આવે તે પહેલાં જ સરકાર કાયદો બદલી નાખે, એ પણ બંધારણ સાથે કેટલું સુસંગત કહેવાય?

જવાબ મેળવવા માટે સવાલ તો પૂછવો પડે કે નહીં?

Monday, April 05, 2010

એક વિધવા, એક નેતા અને ન્યાયની ઝીણી જ્યોત

અહેસાન જાફરીનાં પત્નીની ફરિયાદના પ્રતાપે, ગુજરાતના મુખ્ય મંત્રીને સર્વોચ્ચ અદાલતની તપાસટુકડી સમક્ષ હાજર થવું પડ્યું. મુખ્ય મંત્રીના હોદ્દેથી જેમને રમખાણોની પૂછપરછ માટે હાજર થવું પડ્યું હોય એવા તે પહેલા મુખ્ય મંત્રી બન્યા. પતિની હત્યાનો ન્યાય મેળવવા માટેની સ્ત્રીની લડત વિપરીત સંજોગો અને ન્યાયપ્રણાલિની મર્યાદાઓ છતાં (ભલે થોડા સમય માટે) ભલભલાને ભેખડે ભરાવી શકે છે, તેની વઘુ એક વાર પ્રતીતિ થઇ.

અગાઉ ૧૯૮૪નાં રમખાણો સંદર્ભે કોંગ્રેસી નેતા એચ.કે.એલ ભગતને આ જ રીતે કાનૂન સમક્ષ હાજર થવું પડ્યું હતું. એટલું જ નહીં, તેમને જેલની હવા ખાવાના સંજોગો પણ ઉભા થયા હતા.

ઈંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલી ક્રૂરતમ એકતરફી (શીખવિરોધી) હિંસામાં ઘણા કોંગ્રેસી નેતાઓએ જલ્લાદની ભૂમિકા અદા કરી હતી. દેશના પાટનગર દિલ્હીમાં આ હદની હિંસા થાય, નેતાઓ ટોળાંની આગેવાની લે અને વહીવટી તંત્ર ચૂપચાપ જોયા કરે, તે અન્યાયની પરાકાષ્ઠા હતી. આટલો અત્યાચાર ઓછો હોય તેમ ન્યાયની પ્રક્રિયા આડે પણ યથાશક્તિ વિઘ્નો નાખવામાં આવ્યાં. ભયથી કે લાલચથી સાક્ષીઓ પર દબાણ કરવાની બાબતમાં બધી સરકારો સરખી હોય છે. આ સત્યનો અનુભવ ૧૯૮૪ અને ૨૦૦૨માં અનુક્રમે દિલ્હી અને ગુજરાતના ન્યાય ઝંખતા લોકોને ફરી ફરીને થયો. રાજકીય પક્ષો પોતાનાં પાપ સામસામા પલ્લામાં મૂકીને, ત્રાજવું સરભર કરીને આગળ વધી ગયા, પરંતુ પીડિતો અને ન્યાય ઝંખતા લોકો માટે ૧૯૮૪નું દિલ્હી અને ૨૦૦૨નું ગુજરાત દૂઝતા જખમ બની રહ્યા.

સજ્જનકુમાર, હરકિશનલાલ (એચ.કે.એલ.) ભગત, જગદીશ ટાઇટલર જેવા નેતાઓ સામે હિંસાના ગંભીર આક્ષેપ હોવા છતાં, કોંગ્રેસને આ નેતાઓ માટે કદી શરમ આવી નહીં. વર્ષો પછી કોંગ્રેસે માગેલી માફી પણ ઠાલી હતી. શીખ સમુદાય જેમને વ્યાપક રીતે વિલન તરીકે જુએ છે, એવા સજ્જનકુમાર-જગદીશ ટાઇટલરને કોંગ્રેસે ટિકીટ આપવાનું અને હોદ્દા પર નીમવાનું ચાલુ રાખ્યું. આંકડાપ્રધાન લોકશાહીને કારણે આ નેતાઓ ચૂંટાતા પણ રહ્યા. કારણ કે તેમનાં મતક્ષેત્રોમાં શીખોનું પ્રમાણ નહીંવત્ રહેતું અને બાકીના લોકોને શીખવિરોધી હિંસામાં તેમની ભૂમિકા સાથે કશી લેવાદેવા ન હતી.

એંસીના દાયકામાં દિલ્હીના બેતાજ બાદશાહ ગણાતા એચ.કે.એલ. ભગત જોકે ટાઇટલર-સજ્જનકુમાર જેટલા ‘નસીબદાર’ ન નીવડ્યા. ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના વફાદાર- કેન્દ્ર સરકારના માહિતી-પ્રસારણ મંત્રી રહી ચૂકેલા ભગત રમખાણોના એકાદ દાયકા સુધી બેરોકટોક લીડરી કરતા રહ્યા, પણ ૧૯૯૬માં તેમની પર અણધાર્યો કાયદાનો ગાળીયો આવી પડ્યો. તેમને થોડા સમય પૂરતા સપડાવવામાં એક શીખ વિધવાની રજૂઆત કારણભૂત બની. એમનું નામ સતનામીબાઇ.

શીખવિરોધી હિંસા વખતે સતનામીબાઇના રિક્ષાચાલક પતિને ફક્ત શીખ હોવાના ગુનાસર ઘરમાંથી બહાર ખેંચી કાઢીને જીવતો જલાવી દેવાયો હતો. એ ટોળાંની આગેવાની એચ.કે.એલ. ભગતે લીધી હતી અને તેમણે શીખોને ખતમ કરી નાખવા માટે ટોળાને ઉશ્કેર્યું હતું. રમખાણો પછી તરતના અરસામાં સતનામીબાઇએ ભગત વિરૂદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ બીજી ઘણી ફરિયાદોની જેમ સતનામીબાઇની ફરિયાદ પણ નોંધાઇ નહીં. રમખાણોની તપાસ કરવા માટે નીમાયેલી અનેક તપાસસમિતિઓમાંથી પણ કોઇ સતનામીબાઇ સુધી પહોંચ્યું નહીં.
બાર-બાર વર્ષ સુધી રાહ જોયા પછી સતનામીબાઇએ દિલ્હીની સેશન્સ કોર્ટમાં ભગતના નામજોગ ફરિયાદ કરી અને કહ્યું કે ‘તેમના આદેશથી મારા પતિની હત્યા કરવામાં આવી હતી.’ ભગત માટે આરોપ નવો ન હતો. અગાઉ ૧૯૯૩માં જૈન-બેનરજી કમિટીએ અને ૧૯૯૪માં નરૂલા કમિટીએ ભગત સામે કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી. પણ ભગત સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી.

સતનામીબાઇની ફરિયાદ પછી દિલ્હી સેશન્સ કોર્ટના જજ શિવનારાયણ ધીંગરાએ અભૂતપૂર્વ અને આકરૂં વલણ લીઘું. બ્લેકકેટ કમાન્ડોથી ઘેરાયેલા વીઆઇપી આરોપી તરીકે ભગતે અદાલતમાં હાજર થઇને ન્યાયાધીશને નમસ્કાર કર્યા. ન્યાયાધીશે એ તરફ ઘ્યાન ન આપતાં બેશરમ થઇને ભગતે કહ્યું,‘સરકાર, નમસ્તે તો સુન લો.’ એ વખતે જસ્ટિસ ધિંગરાએ કડકાઇપૂર્વક ભગતને આરોપીની મર્યાદામાં રહીને વર્તવા જણાવી દીઘું.
એ જ દિવસે સાંજે સાડા છ વાગ્યે જસ્ટિસ ધિંગરાએ ભગતને ૧૪ દિવસ સુધી કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો. રીઢા રાજકારણી ભગત છાતીમાં દુઃખાવાનું બહાનું કાઢીને હોસ્પિટલમાં દાખલ થઇ ગયા. પણ ન્યાયાધીશે રીમાન્ડના હુકમમાં લખ્યું હતું,‘આરોપી (ભગત) પુરાવાને આઘાપાછા કરવા માટે અને સાક્ષીઓ-ફરિયાદીઓને તોડવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે. આ હકીકત આરોપીનાં અગાઉનાં અખબારી નિવેદનોમાં છૂપાયેલી ધમકીઓ પરથી સ્પષ્ટપણે જોઇ શકાય છે. આથી આરોપીને નાદુરસ્ત તબિયત કે ઊંમરના બહાને જામીન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.’ ભગતના વકીલે રાજકીય કાવતરાની દલીલ કરતાં, જસ્ટિસ ધિંગરાએ કડક શબ્દોમાં કહ્યું હતું,‘રાજકીય નેતાઓ તો પોતાના પર ચાલતા ગુનાખોરીના કેસમાંથી પણ રાજકીય ફાયદો મેળવવાની ગણતરી રાખતા હોય છે.’ ‘સિટ’ સમક્ષ ઉપસ્થિત રહેલા મુખ્ય મંત્રીના વલણના સંદર્ભમાં આનાથી વધારે સચોટ ટિપ્પણી બીજી કઇ હોઇ શકે?

સામ્ય ફક્ત આટલેથી અટકતું નથી. ભગત અદાલતમાં હાજર થયા ત્યારે તેમના વકીલે એવો દાવો કર્યો હતો કે તે સ્વેચ્છાએ કોર્ટમાં હાજર થયા છે! પરંતુ જસ્ટિસ ધિંગરાએ વકીલની વાત ગણકાર્યા વિના, ભગતને હાજર કરના પોલીસવડાને પૂછ્યું હતું,‘તમે ભગતના નામનું વોરન્ટ કાઢ્યું હતું?’ ‘હા.’ ‘એટલે કે તમે ભગતની ધરપકડ કરી.’ ‘હા.’ વાત પૂરી! કોઇ આરોપીને કાયદાને સહકાર આપવાનો જશ કેવી રીતે આપી શકાય? આટલી સીધી વાતને એવી ગૂંચવવામાં આવે છે કે હાજર થનાર આરોપી ન્યાયપ્રક્રિયાને માન આપનાર ‘હીરો’ બની જાય!

ભગત વિશે જસ્ટિસ ધિંગરાની તમામ આશંકાઓ- ખરેખર તો ભૂતકાળની જાણકારી- સાચી પડી. ભગતના ગુંડાઓએ ધાકધમકીથી સતનામીબાઇને તેમનું નિવેદન ફેરવી નાખવાની ફરજ પાડી. આવું કરનારાં સતનામીબાઇ એકલાં ન હતાં. ભગત પાસે નાણાં, વગ અને ગુંડાગીરીની ત્રેવડી તાકાત હતી. કોંગ્રેસમાં તેમનો સિતારો આથમ્યા પછી નાણાવટી પંચે વૃદ્ધ અને બિમાર ભગતને ‘માનવતાના ધોરણે’ જવા દીધા, ત્યારે પણ હિંસામાં પોતાનાં પરિવારજનો ગુમાવનારા પીડિતો કહેતા હતા કે ભગતને આકરામાં આકરી સજા થવી જોઇએ.

૧૯૮૪ અને ૨૦૦૨ વચ્ચેનું છેલ્લું સામ્ય એ પણ છે કે ‘તહલકા’એ બન્ને હિંસાચારમાં રાજકારણીઓની ભૂમિકા વિશે સ્ટિંગ ઓપરેશન કરીને શરમજનક વિગતો જાહેર કરી. ‘તહલકા’ના સ્ટિંગ ઓપરેશનમાં સતનામીબાઇએ છૂપા કેમેરા સમક્ષ કહ્યું કે ભગત અને તેમનાં પત્નીએ ટોળાંની આગેવાની લીધી હતી અને શીખોની હત્યાના આદેશ આપ્યા હતા. સાથે તેમણે એ પણ કબૂલ્યું કે ભગતની ધમકીને કારણે જ તેમણે અદાલતમાં ફેરવી તોળ્યું હતું.

સ્ટિંગ ઓપરેશન, જુબાનીઓ, સોગંદનામાં....ન્યાય ઝંખનારા લોકોની કામગીરીની યાદી કેટલી લાંબી છે? હિંસાનાં વર્ષો વીતી ગયા પછી અને પીડિતોની પેઢીઓ બદલાઇ ગયા પછી, ન્યાયનું યુદ્ધ ચાલુ રાખવાનું કામ ભારે નિરાશા પ્રેરે એવું હોય છે. એ વખતે તપાસટુકડીની પૂછપરછ કે રીમાન્ડના હુકમથી આખરી જંગ જીતાય કે ન જીતાય, પણ લડનારને આશાનું બળતણ મળે છે.

Sunday, April 04, 2010

'સેક્યુલર' સુડો



લીલી કેરી અને કેસરી કેરીને એકસરખા ખટાકાથી કાપતા આ સુડાને બીજું શું કહીશું?

સુડો એટલે નિબંધની ભાષામાં કહીએ તો કેરીની સીઝનનો છડીદાર. ઘરમાં બે પેઢી જૂના સૂડા પર જીન બાઝેલી કેરીના એકસરખા ટુકડા કરવામાં મોટા થયાનો અહેસાસ થતો હતો. આંગળી કાપી નાખે હિંસક અસ્ત્ર વડે ફક્ત કેરી કાપવાની કળામાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવું ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન કરતાં વધારે અઘરું ને વધારે વાસ્તવિક હતું. ગળ્યા અને ખાટા મેથિયા માટે છાલ-ગોટલા સહિતની રાજાપુરી કેરી કાપતી વખતે વચમાં 'કટકી' મળે એ ઇન્સેન્ટીવ મુખ્ય રહેતો હતો.

એક રૂમમાં કે અગાસી પર કેરીઓના ગિલોટીન શો દીસતો (!) સૂડો, તેની બહાર પથરાયેલી એકાદ જૂની સાડી, તેની પર ફેલાયેલી ચીરીયાંની હારમાળા, એની સાથે જ મનમાં ઉગતી કેરી પર ચડેલા મીઠાના પાણીની ખટાશયુક્ત સુગંધ... આ બધું કેવળ ભૂતકાળ કે નોસ્ટાલ્જિયા નથી એનો આનંદ છે.

Thursday, April 01, 2010

એનઆરઆઇને ગમ્યું તે ખરૂં?

આજના ‘સંદેશ’માં પ્રગટ થયેલી ઉપરની જાહેરખબર અંગે મિત્ર વિશાલ પાટડિયાએ ઘ્યાન દોર્યું, ત્યારે પહેલો વિચાર એ આવ્યો કે ‘જાહેરખબરોમાં પણ એપ્રિલફૂલનો રિવાજ શરૂ થઇ ગયો કે શું?’

જાહેરખબરના લખાણમાં રહેલી ગંભીરતા કોઇ પણ હાસ્યલેખકની હરીફાઇ કરે એવી છે. જવાબદારીના ફોન્ટ મોટા કરીને નીચે અન્ડરલાઇન કરવાથી માંડીને ‘રસ ધરાવતા શિક્ષિત અને સારા પરિવારના લોકો’ની અપેક્ષા વાંચ્યા પછી એક જ ઉદગાર નીકળી શકે. વાઉ...વાઉ...વાઉ