Wednesday, March 30, 2016

આ લેખ ઇશાન ખૂણામાં બેસીને વાંચવો

એશિયાના દેશો અધ્યાત્મ અને ગરીબીમાં બહુ આગળ પડતા  ગણાય છે. (આ બન્ને બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવાનું ઘણા માને છે) ભારત-ચીન જેવા દેશોની વસતી એટલી પ્રચંડ છે કે તેમાં અનુયાયીઓની ક્યારેય ખોટ પડતી નથી. ફક્ત માથાંકહી શકાય એવા માણસોની ગીરદી ધર્મ અને ધાર્મિક બાબતોના ચલણ માટે બહુ આદર્શ સ્થિતિ કહેવાય. એટલે અધ્યાત્મ કે તાઓના નામે ગમે તેવી દુકાન ખોલીને બેસનારને પણ ક્યારેય માખીઓ મારવાનો વારો ન આવતો નથી. ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાતા ઘણા લોકોના લાભાર્થે વાસ્તુશાસ્ત્ર જેવાં કેટલાંક શાસ્ત્રની પણ વ્યવસ્થા હોય છે. ભારતીય વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં જેમનું સ્ટેટસ જોખમાતું હોય તેમના માટે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગ શુઇપણ છે.

વાસ્તુશાસ્ત્ર કે તેના ચીની પિતરાઇ ફેંગ શુઇમાં સ્થાપત્યકળા અને તેના સિદ્ધાંતો વિશે નહીં, પણ ઘરની આંતરિક રચના, રુમોની વ્યવસ્થા અને ચીજવસ્તુઓની ગોઠવણ વિશે લંબાણથી સૂચનો કરવામાં આવ્યા છે. નવું ઘર બનાવતી વખતે કે જૂના ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફારો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખશાંતિનું વાતાવરણ ફેલાય છે, એવો દાવો કરવામાં આવે છે.

બખોલ જેવડા ફ્લેટમાં રહેતા એક ભાઇના ઘરમાં સતત કંકાસ રહ્યા કરતો હતો. તેને દૂર કરવા માટે ભાઇએ (આત્મખોજ કરવા સિવાયના) બધા જ રસ્તા અપનાવી જોયા. પણ દરેક અખતરામાં રુપિયા પડી ગયા અને તેને કારણે કંકાસમાં વધારો થયો. છેવટે તેમને કોઇએ વાસ્તુશાસ્ત્રીના શરણે જવા કહ્યું. મિત્રનું ગુજરાતી પાકું અને સમાજવિદ્યા કાચું, એટલે વાસ્તુશાસ્ત્રીનો અર્થ તેમણે વાસ્તુ કરાવી આપનાર શાસ્ત્રી(ગોર મહારાજ)કર્યો હતો. વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી તેને દક્ષિણા આપી દઇશ- એવી મિત્રની ગણતરી હતી. તેમની આર્થિક તૈયારી પણ એવી જ હતી. પણ તેમની મુલાકાત વાસ્તુ કન્સલ્ટન્ટ સાથે થઇ. એટલે વાતચીતના અંતે દક્ષિણાને બદલે બિલ ચૂકવવાનો વારો આવ્યો. બિલનો આંકડો જોઇને મિત્રના ચહેરા પરનું કુદરતી રાચરચીલું અસ્તવ્યસ્ત થઇ ગયું. તેમની બન્ને આંખો એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોપચાંની દીવાસ તોડીને બહાર નીકળવા મથતી હોય એમ ચકળવકળ થવા લાગી, મોં ભરશિયાળે સુકાઇ ગયું અને ડોક ધરી પરની પૃથ્વીની માફક ત્રાંસી થઇ ગઇ.

વાસ્તુશાસ્ત્રી દયાળુ હતો. એણે મિત્રને ઉધાર ઉપરાંત સલાહો પણ આપી, ‘‘ઘરમાં ફ્રીઝની જગ્યાએ ઘરઘંટી, ટીવીની જગ્યાએ વોશિંગ મશીન, નૈઋત્ય દિશામાં સોફા, વાયવ્ય દિશામાં બેડરુમ, રસોડું પૂર્વાભિમુખ, ટોઇલેટ ઉત્તરાભિમુખ...અને મારું બાકી રહેલું બિલ તમને રોજ દેખાય એવી રીતે તમારા ટેબલ પર ગોઠવજો.’

સરેરાશ(એટલે કે સાંકડાં) ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ભાગ્યે જ કામ લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં જે આઠ દિશામાં ગોઠવણો કરવાનું સૂચવ્યું છે, એ દિશાઓ ઓળખી શકાય એટલી જગ્યા ઘરમાં હોવી જોઇએ કે નહીં? કેટલાક ઠેકાણે તો ખુદ હોકાયંત્ર નાનકડા રુમની દિશાઓ છૂટી પાડવામાં ગૂંચવાઇ જાય, એવી સ્થિતિ હોય છે. આ રુમોમાં રહેનારાને દુઃખી થવા માટે વાસ્તુશાસ્ત્રની જરુર પડતી નથી (એના માટે બીજા ઘણા મુદૃા હોય છે) અને સુખી થવા માટે વાસ્તુશાસ્ત્ર પોસાતું નથી.

આર્થિક રીતે સંપન્ન એવા એક સજ્જને વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા પછી વિશુદ્ધ જિજ્ઞાસાથી વાસ્તુશાસ્ત્રીને પૂછ્‌યું હતું,’ઘરમાં સુખશાંતિ લાવવા માટે બીજી બધી ઘરવખરીની જેમ તમે કોઇને પત્ની બદલવાની સલાહ આપો છો?’ વાસ્તુશાસ્ત્રીએ કહ્યું, ‘તેનો આધાર પત્નીની ગોઠવણપર છે. પત્ની તમારા માથા પર બેઠી હોય તો તેને ખભા સુધી લાવીને, પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખને બદલે તમારી બાબતોમાંથી માત્ર વિમુખ રાખવાથી ઘણો સુધારો થઇ શકે છે. આવું મહિલાઓને અમે પતિની બાબતમાં કહેતા હોઇએ છીએ.

વાસ્તુશાસ્ત્ર મોટા ફ્‌લેટ અને બંગલાવાળા માટે જ પ્રસ્તુત અને ઉપયોગી છે- એ હકીકત  સૂચવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપયોગનો વિચાર આટલો બરકતવાળો હોય તો તેનો અમલ કેટલો ફાયદાકારક હશે? રાજકારણમાં વાસ્તુશાસ્ત્ર ઘણું લોકપ્રિય છે. અસલામતી સામે ઝઝૂમતા પ્રધાનો- મુખ્ય પ્રધાનો તેમના વાસ્તુશાસ્ત્રીઓના તરંગ પ્રમાણે ખર્ચા કરીને ઓફિસમાં અને ઘરમાં ફેરફારો કરાવે છે. વાસ્તુશાસ્ત્રીઓની ખૂફિયા બાતમી પ્રમાણે, પ્રધાનોએ તેમની ઓફિસોમાં હવે પ્રજાને મળવાનો રુમ રાખવાની પ્રથા જ કાઢી નાખી છે.

અન્ય શાસ્ત્રોની માફક વાસ્તુશાસ્ત્રનો પણ સૌથી વધારે ફાયદો (વાસ્તુ)શાસ્ત્રીઓને જ થયો છે. દુઃખની ફરિયાદ કરનારા મોટા ભાગના લોકો પોતે સુધરવા માગતા નથી, એ વાત સમજી ચૂકેલા વાસ્તુશાસ્ત્રીઓ તેમને  વાસ્તુશાસ્ત્રના નામે જાતજાતના ટુચકા દેખાડે છે. એક જમાનામાં ક્રિકેટપ્રેમ અને દેશપ્રેમ સમાનાર્થી શબ્દો લાગતા હતા, ત્યારે ટીવીની સામે ચોંટીને ભારતની આખી વન ડે મેચ જોવામાં ગૌરવ લાગતું હતું. (ઘણા લોકો માટે હજુ એ જમાનો ચાલુ વર્તમાનકાળ છે.) એવી મેચોમાં વિરોધી ટીમના બેટ્‌સમેનોની કોઇ જોડી કેમેય કરીને આઉટ ન થતી હોય કે આપણા બેટ્‌સમેનો તુ જા, હું આવું છુંની રીતે બેટિંગ કરતા હોય ત્યારે એક મિત્ર કહેતા,‘હું પંદર મિનીટ માટે સુઇ જઉં છું. પાછો ઉઠીશ ત્યાં સુધીમાં ચોક્કસ આ પેર તૂટશે.વિરોધી ટીમની પેરને તોડવા માટે દર્શકો કંઇક અખતરા કરતા હતા. કોઇક ચોક્કસ ઘૂંટડા પાણી પીતા તો કેટલાક અંદરોઅંદર જગ્યા બદલતા હતા. આમ કરવાથી તેમને માનસિક આશ્વાસન મળતું હતું કે આપણે તો બહુ પ્રયત્ન કર્યો, પણ તકદીરે સાથ ન આપ્યો’. બીજાના ઘર કે ઓફિસમાં સુખસમૃદ્ધિ લાવવાના વાસ્તુશાસ્ત્રીઓના પ્રયત્નો વિશે જાણીને ક્રિકેટમેચના એ દર્શકો યાદ આવી જાય છે. ફેર એટલો જ છે કે દર્શકો દેશદાઝ (અને મૂર્ખામી)થી પ્રેરાઇને પોતાના પર ટુચકાબાજી કરતા હતા, જ્યારે વાસ્તુશાસ્ત્રીઓ આવા અખતરા બીજા લોકો પર કરે છે અને પોતે રુપિયા કમાય છે.


વાસ્તુશાસ્ત્રના પ્રતાપ વિશે લખાયેલો આ લેખ તમને ગમે તો નસીબ તમારું, પણ જો ન ગમે તો તમારું રસોડું તોડાવીને તેની દિશા બદલાવી નાખજો, ડ્રોઇંગ રુમ હોય ત્યાં બેડરુમ કરાવી દેજો, સેવાની જગ્યા બદલી નાખજો અને એમાંનું કશું પરવડે એમ ન હોય તો છાપું કે લેપટોપ લઇને ઘરના ઇશાન ખૂણામાં પહોંચી જજો...વાસ્તુશાસ્ત્ર બહુ અકસીર હોય છે. 

Tuesday, March 29, 2016

વિદ્યાર્થીવિરોધનું વિલનીકરણ

અંગ્રેજીમાં આ લેખનું મથાળું હોત, ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ કનૈયાકુમાર્સ’. જેએનયુ વિવાદ લગભગ થાળે પડી ગયા પછી પણ, જે રીતે સરકારી છાવણીમાંથી કનૈયાકુમારને પોકળ નેતા સાબીત કરવાની અનુપમ કોશિશો ચાલુ છે, જેટલી જેવા સરકારના સિનિયર નેતાઓ વિદ્યાર્થીઓના વિરોધને તળિયાઝાટક રીતે ડાબેરી અંતિમવાદ ગણાવી રહ્યા છે, ‘ખરો દેશભક્ત કોને કહેવાય?’ ‘અસલી હીરો કોને કહેવાય?’, ‘જામીન પર છૂટેલાને હીરો ન બનાવાય’ (ફક્ત પક્ષપ્રમુખ જ બનાવાય) એની સમજૂતીઓ કનૈયાકુમારને નકલીસાબીત કરવા માટે અપાઈ રહી છે, એ જોતાં એક વાત નક્કી છે : આપણને લાગે કે ન લાગે, સરકારી છાવણીને અથવા ભક્તોને લાગે છે કે આવનારી વિધાનસભા ચૂંટણીઓના માહોલમાં કનૈયાકુમાર-ઇફૅક્ટ એટલે કે વિદ્યાર્થીવિરોધ મજબૂત પરિબળ તરીકે ઉભરી શકે એમ છે—અથવા આ પરિબળને તે પોતાની તરફેણમાં ધ્રુવીકરણ માટે ઉપસાવવા માગે છે.

કનૈયાકુમારને અને તેની ઓથે વ્યાપક વિદ્યાર્થીવિરોધને અનિષ્ટ ઠેરવવાની ઉચાટગ્રસ્ત તાલાવેલીમાં એ હકીકત ચૂકાઇ જાય છે કે ભાજપી રાજકારણના બધા વિરોધીઓ કનૈયાકુમારને હીરોગણતા નથી. અત્યાર સુધી કૉંગ્રેસના કે બીજા વિરોધપક્ષોના નેતાઓ જે વાત જે રીતે કહી ન શક્યા, એ વિદ્યાર્થી રાજકારણનો એક છોકરો કહી ગયો--એટલા પૂરતા જમણેરી રાજકારણના વિરોધીઓ રાજી છે. આ વાત આ જ રીતે કહેવાવી જોઇતી હતી, તેનો આનંદ પણ છે. એટલા પૂરતો કનૈયાકુમાર અભિનંદનનો અધિકારી ખરો. પણ હીરો’? એ મોટું અને હજુ દૂરનું વિશેષણ છે.

કનૈયાકુમારમાં પોતાની વાત નાટ્યાત્મક ઢબે મૂકવાની, જકડી રાખે એવું ભાષણ અસ્ખલિતપણે કરવાની, પોતાની ગરીબીનો યથાસ્થાને ઉલ્લેખ-ઉપયોગ કરવાની, કિસાનો-જવાનો-વિદ્યાર્થીઓ-મજદૂરોના હિતની વાત કરવાની -- ટૂંકમાં, વર્તમાન સમયના રાજનેતા બનવાની ઘણી આવડતો મોજૂદ છે. તેની સામેની ઝુંબેશ હજુ ચાલી રાખીને સરકારના કે વડાપ્રધાનના પ્રેમીઓ પોતાની અસલામતીનો પરિચય આપી રહ્યા છે. બાકી, હજુ સુધી એકેય મોટા પક્ષ સાથે ન સંકળાયેલા કનૈયાકુમારની સક્રિય રાજકારણમાં શી વિસાત?

પરંતુ એવું વિચારવાને બદલે લોકશિક્ષણના અંદાજમાં લોકોને સતત યાદ કરાવવામાં આવે છે કે જોજો, કનૈયાકુમારને હીરો ન માની લેતા.કારણ? તેમને લાગે છે કે કનૈયાકુમારની ભાષણબાજીમાં (ભાજપી નેતાઓ જેવી) લોકરંજક અપીલ અને જમણેરી રાજકારણનો આકરો વિરોધ તો છે જ. સાથે એવું પણ કશું છે, જે ભાજપી નેતાઓને બહુ ફાવતું નથી : વંચિત ભારતીયોની અને ઇન્કિલાબવાળા રાષ્ટ્રપ્રેમની વાત.

રાષ્ટ્રવાદની સંઘી પરિભાષાને બદલે ઇન્કિલાબ ઝિંદાબાદનો સંબંધ ભાજપ-સંઘે પચાવેલી નહીં, પચાવી પાડેલી શહીદસ્મૃતિ સાથે છે. રાષ્ટ્રવાદને પોતાનો ઇજારો ગણતા સંઘ પરિવારે ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુ જેવા શહીદોની યાદ પર એવો કબજો જમાવી લીધો, જાણે એ ત્રણે સંઘ પરિવાર પ્રકારના જમણેરી (કોમવાદી, વિભાજક) રાષ્ટ્રવાદખાતર શહીદ થયા હોય. ભગતસિંઘ જેવા ક્રાંતિકારીઓ સમાજવાદી વિચારસરણી ધરાવતા અને કોમવાદ-ધાર્મિક આત્યંતિકતાના વિરોધી હોવા છતાં, ‘શહીદો એટલે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ એટલે સંઘ પરિવાર, માટે શહીદો એટલે સંઘ પરિવાર’--એવું સમીકરણ ઊભું કરી દેવામાં આવ્યું.

તેનો અસરકારક વિરોધ કરવા જેટલાં કૌવત, ખાંખત કે દાનત કૉંગ્રેસમાં નથી. એક દાયકાથી દૂધપાક ખેલાડી તરીકે ઉતરેલા રાહુલ ગાંધીને એકમેવ ઉદ્ધારક માનતી કૉંગ્રેસની હાલત ઘણા અંશે શીંકા સામે ટાંપીને બેસી રહેલી બિલાડી જેવી છે, જે પોતે શીંકું ભાંગવા માટે ખાસ કંઇ કરનાર નથી, પણ ક્યારેક તો શીંકું ભાંગશે, એવો આશાવાદસેવે છે.

બીજા સ્થાનિક પક્ષો ભાજપને નાનામોટા પાયે માથાનો દુઃખાવો આપે છે. પરંતુ રાષ્ટ્રવાદના ફડાકા મારતી ભાજપી નેતાગીરીને તેમની જ પીચ પર જવાબ આપે એવા ખેલાડી અત્યાર સુધી ગેરહાજર હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ચબરાકીપૂર્વક, પદ્ધતિસરના છબીપ્રક્ષેપણ-ઇમેજ બિલ્ડિંગ દ્વારા રાષ્ટ્રવાદને બદલે ભ્રષ્ટાચારનો સૂર પકડ્યો અને ચાવાળાની સામે સીધાસાદા, મઘ્યમ વર્ગીય મફલરવાળાનું કથાનક ઊભું કર્યું. તેમણે પહેલી વાર દર્શાવી આપ્યું કે નરેન્દ્ર મોદીની કહેવાતી અજેયતા ભ્રમ છે. બલ્કે, વધારે તો એ કૉંગ્રેસની નબળાઇનું કે દાનતના અભાવનું કે બન્નેના સરવાળાનું પરિણામ છે. કેજરીવાલે પુરવાર કર્યું કે ચોક્કસ પ્રકારની ચબરાકી - સ્ટ્રીટસ્માર્ટનેસ, મીડિયા મેનેજમૅન્ટ, લોકોને દેખાડવા માટેનાં સપનાં અને ચોટડુક આયોજન હોય તો (જે બધાને સુશાસન સાથે કશો સંબંધ હોવો જરુરી નથી), તો લોકસભામાં ઝંડા ફરકાવી દેનાર મોદીની ભાજપને વિધાનસભામાં ૬૭-૩ની હદે  પછાડી શકાય છે. એના માટે કૉંગ્રેસની જેમ, શીંકું એની મેળે પડે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

બિહાર વિધાનસભામાં નીતિશકુમાર-લાલુપ્રસાદની યુતિને કારણે ભાજપની સરકાર ન બની. ત્યાં કેજરીવાલ પ્રકારની ચબરાકી કે મોદીને તેમની જ (પ્રચારશૌર્યની) પીચ પર પછાડવાની વાત ન હતી. પણ બિહારનાં જ્ઞાતિ સહિતનાં અનેક સમીકરણો-સરવાળાબાદબાકી સાથે પનારો પાડીને નીતિશ-લાલુ જીતી શક્યા. અલબત્ત, તેનાથી પણ નરેન્દ્ર મોદીને ચૂંટણીજંગમાં પરાસ્ત કરી શકાય છે અને અમિત શાહ પાસે કોઇ જાદુઇ છડી નથી, એ વાસ્તવિકતા ઘુંટાઇ. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતને કોઇ દૈવી ઉદ્ધારક મળી ગયો હોય, એવો પ્રચારફુગ્ગો લોકસભાચૂંટણીનાં પરિણામ વખતે  બહુ ફૂલ્યો. પણ પછી તેમાંથી હવા નીકળવાની શરૂઆત થઇ. ઍવોર્ડવાપસી-દાદરી-રોહિત વેમુલા-જેએનયુ-હૈદરાબાદનો જાણે સળંગ સિલસિલો ચાલ્યો અને એ જ દેશની ચર્ચાનો કેન્દ્રવર્તી સૂર બની ગયો. તેમના પટ્ટીબંધા ન હોય એવા સમર્થકોમાં પણ ગણગણાટ શરૂ થયો.


એક સંભાવના એવી પણ છે કે નક્કર કામગીરીની અપેક્ષા સંતોષવામાં ઊણી ઉતરેલી સરકાર રાષ્ટ્રવાદના મુદ્દે ધ્રુવીકરણ દ્વારા ખેલ પાડવા ઇચ્છે છે. પરંતુ રોહિત વેમુલા-જેએનયુ અને ફરી વેમુલાની હૈદરાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર દમન...આ ઘટનાઓથી એવું લાગે છે, જાણે કેન્દ્ર સરકાર તેનાથી વિરોધી રાજકીય વિચાર ધરાવતા વિદ્યાર્થીઓને દુશ્મન ગણે છે. સરકાર તરફથી કશી રોકટોકના અભાવે  અથવા સરકારી આશીર્વાદની છાપ આપતાં વહીવટી તંત્રો વિદ્યાર્થીઓ પ્રત્યે કિન્નાખોરીભર્યું વર્તન કરે છે. તેમની સાથે પોતાના વિદ્યાર્થીઓ જેવો વર્તાવ કરવાને બદલે રાજકીય પ્રતિસ્પર્ધીઓની જેમ તેમની સામે પેંતરાબાજી કરે છે. આમ કરીને અંતે તો તે વિદ્યાર્થી અસંતોષમાં પાણીને બદલે ઘી હોમી રહ્યાં છે. યુનિવર્સિટી સ્તરે ઉકેલવાના વિવાદને રાષ્ટ્રિય બનાવવામાં  સરકારપક્ષને રાષ્ટ્રવાદી ધ્રુવીકરણનો લાડુ દેખાતો હશે, પણ આ રીતે પ્રકાશમાં આવેલા કનૈયાકુમાર જેવા વિદ્યાર્થીનેતાઓ રાજકીય નુકસાન કરી શકે એટલા મોટા થાય, તો તેની મોટા ભાગની જવાબદારી અસલામતીગ્રસ્ત અને ભાષણકલાથી સંમોહિત રહેતા અનુયાયીવર્ગની જ ગણાશે.  

Monday, March 28, 2016

પ્રાચીન ભારતમાં ખરેખર શું શું શોધાયું હતું?

ગૌરવભર્યા, સમૃદ્ધ વારસાનું ગૌરવ લેવાની એક રીત છે : એ વારસાની યથાયોગ્ય જાળવણી કરવી અને તેમાં ઉમેરો કરવો--પછી એ વારસો કુટુંબનો હોય કે દેશનો. બીજી અને વધારે પ્રચલિત રીત છે : ભૂતકાળની સાચી વાતોમાં બનાવટી, અર્ધસત્ય કે શંકાસ્પદ સચ્ચાઇ ધરાવતી વાતોની ભેળસેળ કરવી. તેમાં વાર્તા અને ઇતિહાસ  (વાસ્તવિકતા) વચ્ચેનો, ગૌરવ અને બડાશ વચ્ચેનો, જ્ઞાન અને મિથ્યાભિમાન વચ્ચેનો ફરક ભૂલી જવામાં આવે છે. થોડા સમય પહેલાં સંઘ પરિવારની શિક્ષણપાંખે તૈયાર કરેલાં અને આપણા ભારતમાં બધું પહેલાં શોધાઇ ગયું હતુંએ પ્રકારનો દાવો કરતાં પુસ્તકનો વિવાદ થયો હતો. વડાપ્રધાને માણસના શરીર પર હાથીનું માથું બેસાડવાની કથાને ભારતીય ચિકિત્સાજગતની સિદ્ધિ તરીકે ઓળખાવી હતી--ભલે ને આ રમણીય કથાનું વિજ્ઞાનદૃષ્ટિએ કશું ધડમાથું બેસતું ન હોય. (જરા વિચાર તો કરો, ક્યાં હાથીનું માણસ કરતાં અનેક ગણું ઉતરતું મગજ- માથાની જુદી રચના અને ક્યાં માણસનું માથું.) એવી જ રીતે, વિજ્ઞાન કૉંગ્રેસમાં ઉડ્ડયનને લગતી સંદેહાસ્પદ વાર્તાઓને વિજ્ઞાન તરીકે રજૂ કરવાની ચેષ્ટા થઇ.

આમ થવાનું સાદું કારણ એટલું કે  રાષ્ટ્રવાદનું રાજકારણ રમનારાને વૈજ્ઞાનિક ખરાઇ સાથે કશી લેવાદેવા નથી. એમને તો કોઇ પણ રીતે પ્રજાને સંકુચિત-જ્ઞાનવિમુખ રાષ્ટ્રવાદનું અફીણ પીવડાવવામાં રસ હોય છે. પરિણામ એ આવે છે કે તેમના અધકચરા- બિનઆધારભૂત અને મોંમાથા વગરના દાવાના પાપે ભારતના પ્રદાનનો વાસ્તવિક, નક્કર વારસો પણ બદનામ થાય છે. ભારતના અસલી, વિજ્ઞાનસિદ્ધ અને ગૌરવવંતા વારસાને ઉજાગર કરવાનો અને શંકાસ્પદ દાવાને બાજુ પર રાખવાનો એક પ્રયાસ એટલે સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયામથાળું ધરાવતી પુસ્તિકા.

કૉલકાતાની બ્રેકથ્રુ સાયન્સ સોસાયટી દ્વારા આ વર્ષના આરંભે પ્રકાશિત થયેલી માંડ ૭૨ પાનાંની આ પુસ્તિકામાં ગણિતથી માંડીને તબીબીવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, ખગોળ, ભાષા જેવા વિવિધ વિષયોમાં ભારતમાં કેવી મહાન શોધો થઇ તેની યોગ્ય વિગતો સાથે કરવામાં આવી છે. દસ્તાવેજી પુરાવા અને સંશોધનોના આધારે સામાન્ય રીતે ભારતના ઇતિહાસને પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે. સિંધુ સંસ્કૃતિ  (ઇસવી સન પૂર્વે ૩૫૦૦થી ઇસવી સન પૂર્વે ૧૮૦૦), વૈદિક યુગ (ઇ.સ.પૂ. ૧૫૦૦થી ઇ.સ.પૂ. ૬૦૦), ઉત્તર વૈદિક યુગ (ઇ.સ.પૂ.૬૦૦થી ઇસવી સન ૧૧૦૦), મધ્ય યુગ (ઇ.સ.૧૧૦૦થી ઇ.સ.૧૮૫૦), આધુનિક યુગ (ઇ.સ.૧૮૫૦થી)

શૂન્યની શોધ વીસ હજાર વર્ષ પહેલાં થઇ હતી--એ પ્રકારના હજારો વર્ષોના સાંસ્કૃતિક વારસાના દાવા કરનારાને આ વિભાજન સામે જ વાંધો પડી શકે. પરંતુ યોગ્ય આધારપુરાવા વિના દાવાને શી રીતે માની શકાય? પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે, વૈદિક યુગમાં ઇ.સ.પૂ.૧૦૦૦ની આસપાસ લિપિનો વિકાસ થયો અને લેખનની શરૂઆત થઇ. પરંતુ છેક અશોકના સમય સુધી--એટલે કે આશરે ઇ.સ.પૂર્વે ૨૦૦ સુધી શૂન્યની અને દશાંશ પદ્ધતિની શોધ થઇ ન હતી. બ્રાહ્મી લિપિમાં લખાયેલા અશોકના શિલાલેખોમાં પણ શૂન્ય જોવા મળતું નથી. એટલે ૧૦,૨૦, ૩૦ જેવા આંકડા માટે એકબીજા સાથે સામ્ય ન ધરાવતાં, અલગ અલગ પ્રકારનાં ચિહ્નો વપરાતાં હતાં. શૂન્યની શોધ થઇ ચૂકી હોય, તો ભારતભરમાં ફેલાયેલા અશોકના સામ્રાજ્યનાં લખાણોમાં શૂન્ય ગેરહાજર શા માટે હોય?

અલબત્ત, આ ઉલ્લેખની સાથે પુસ્તિકામાં એ વાત પણ ભારપૂર્વક નોંધવામાં આવી છે કે શૂન્યની ગેરહાજરી છતાં એ સમયના ઘણા ગ્રંથોમાં તોતિંગ રકમના આંકડાની કલ્પના જોવા મળે છે. સાદા સરવાળા-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર એ વખતે શરૂ થઇ ચૂક્યા હતા. ઘનમૂળ કાઢવાની કે ભૂમિતિના પ્રાથમિક ખ્યાલોની શરૂઆત પણ શૂન્યની ગેરહાજરીમાં થઇ ચૂકી હતી. શૂન્યની શોધ વૈદિક યુગ પછીના બૌદ્ધ સમયમાં થઇ, પરંતુ દશાંશ પદ્ધતિ ઘણી મોડી આવી. પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે, અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવાની રીત છેક ઇસવી સન સત્તરમી સદી સુધી જાણીતી ન હતી. આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત જેવા અનુક્રમે પાંચમી, છઠ્ઠી અને સાતમી સદીમાં થયેલા મહાન ગણિતશાસ્ત્રીઓના કામમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળતી નથી.

થોડા સમયથી વૈદિક ગણિતના નામે એક તૂત ચલાવવામાં આવે છે. તેમાં શીખવાતા શૉર્ટ કટ સામે કશો વાંધો ન હોઇ શકે. પણ તેને વૈદિકતરીકે ઓળખાવવાનું ખોટું છે. વૈદિકશબ્દ વિશે પણ પ્રાથમિક સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે ઘણા લોકો સંસ્કૃતમાં લખાયેલી દરેક વાતને વેદસંબંધિત ગણી લે છે. વૈદિક યુગમાં ભણેલા લોકો વચ્ચે આદાનપ્રદાનની ભાષા સંસ્કૃત હતી. માટે, એ સમયનાં વેદ સિવાયનાં લખાણ પણ સંસ્કૃતમાં જ હોવાનાં. તેમને સમયગાળાની રીતે વૈદિકગણવાં હોય તો ગણી શકાય, પણ વૈદિક એટલે વેદમાં લખેલુંએવું ન કહી શકાય.

ઉત્તર વૈદિક સમયગાળાને એટલે ઇ.સ.પૂર્વે ૬૦૦થી ઇ.સ. ૧૦૦૦ સુધીના આશરે ૧,૬૦૦ વર્ષના ગાળાને ભારતીય જ્ઞાનવિજ્ઞાનના સુવર્ણયુગ તરીકે ગણાવવામાં આવ્યો છે. આ યુગમાં ક્રિયાકાંડનાં બંધન ઢીલા પડતાં, નવા વિચારો તરફ લોકો વળ્યા. બૌદ્ધ અને જૈન ધર્મોનો ઉદય થયો. ચાર્વાક (લોકાયત) જેવી ભૌતિકતાવાદી વિચારસરણીઓ નવેસરથી પ્રચલિત બની. ચરક ઉપરાંત છઠ્ઠી સદીમાં થયેલા સુશ્રુત, જીવક જેવા તબીબોએ ભારતીય તબીબીવિજ્ઞાનને સિદ્ધિના શીખરે પહોંચાડ્યું. વાઢકાપ (ઑપરેશન)ની તેમણે શોધેલી પદ્ધતિઓ અને એ માટે વપરાતાં સાધનોની બાબતમાં દુનિયાભરમાં તેમની જોડ ન હતી. યુરોપમાં એ જ્ઞાન સદીઓ પછી આવ્યું. સુશ્રુતના વિખ્યાત ગ્રંથ સુશ્રુતસંહિતામાં (છઠ્ઠી સદીમાં) ઑપરેશન માટે જરૂરી ૧૨૧ સાધનોનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે.  (તેમાંથી કેટલાંક પુસ્તિકામાં પણ જોવા મળે છે) જુદાં જુદાં અંગો પર વાઢકાપનાં સાધન કેવી રીતે ચલાવવાં, હાડકું ભાંગે ત્યારે શું કરવું, ચોક્કસ પ્રકારની વનસ્પતિના રેસામાંથી ટાંકા કેવી રીતે લેવા - એ બધી વિગતો સુશ્રુતસંહિતામાં આલેખવામાં આવી છે.

એવી જ રીતે ચરકસંહિતામાં જુદા જુદા ૧૫૦ પ્રકારના રોગના અને તેમના પેટાપ્રકારોના ઉલ્લેખ છે. ઉપરાંત, ઔષધિ તરીકે વાપરી શકાય એવી ૩૪૧ વનસ્પતિ, પ્રાણીઓમાંથી મળતા ઔષધિય ગુણ ધરાવતા ૧૭૭ પદાર્થ અને જેમાંથી ઔષધિ તરીકે ખપમાં લઇ શકાય એવી ૬૪ ધાતુઓની પણ ચરકે નોંધ કરી છે. આવી અનેક અસાધારણ અને આશ્ચર્યચકિત કરે એવી વિગતો ઉપરાંત, સુશ્રુત અને ચરકનાં લખાણોમાં કપાયેલાં નાક-કાન જોડવાની પણ રીત આપેલી છે. (કેમ કે, એ વખતે અપરાધીનાં નાક-કાન કાપી નાખવાની સજા અપાતી હતી.) એ રીતની સફળતા વિશે જાણવા મળતું નથી અને આધુનિક સમયમાં તેનો અખતરો થયો નથી. પરંતુ આ વિદ્વાનોની મહત્તાનો ઇન્કાર કોઇથી થઇ શકે એમ નથી. કારણ કે તેમાં વાર્તા અને હકીકતની ભેળસેળ કરવામાં આવી નથી. એ વિશુદ્ધ વિજ્ઞાન છે. તેમાં ક્યાંય ક્રિયાકાંડની કે ચમત્કારની વાતો નથી.

(કેટલીક વઘુ સિદ્ધિઓ અને સવાલો આવતા સપ્તાહે) 

Friday, March 25, 2016

કેટલીક મીણ(ના પૂતળા વિશેની) બત્તીઓ

ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીનું માપ નીકળી ગયું. ના, આ વખતે દુષ્ટ સેક્યુલરિસ્ટો, દેશદ્રોહી ડાબેરીઓ, ઘાતકી માનવ અધિકારવાળા કે સર્વોચ્ચ અદાલતની ખાસ તપાસટુકડી (સિટ)ના નહીં, મૅડમ તુસૉડ મ્યુઝીયમના કેટલાક લોકો આ કામ માટે આવ્યા હતા. ચૅમ્બર ઑફ હોરર્સ સહિત અનેક વિભાગ ધરાવતા આ મ્યુઝીયમમાં બીજી આંતરરાષ્ટ્રિય હસ્તીઓની સાથે ભારતના વડાપ્રધાનનું પણ મીણનું પૂતળું મુકાવાનું છે.

મામલો મ્યુઝીયમનો. મ્યુઝીયમમાં ટિકિટ હોય. એટલે લોકો ગુણવત્તાની અપેક્ષા રાખે. મંત્રીમંડળ જેવું ન ચાલે. જરાય આધુંપાછું હોય તો મ્યુઝીયમવાળાને જવાબ આપવા પડે. સાહેબના વાળ સહેજ વાંકાચૂકા હોય, તો તેમના પ્રેમીઓ પરદેશની કૉર્ટમાં મ્યુઝીયમ પર દાવો માંડે કે આટઆટલો વિરોધ અને આટઆટલા આક્ષેપો સાહેબનો વાળ વાંકો કરી શક્યા નથી, તો તમે અમારા સાહેબનો વાળ વાંકો કરી જ કેવી રીતે શકો?’

કોઇ ચાહક વળી મેઝરટૅપ લઇને મ્યુઝીયમમાં ગયો હોય અને સાહેબની છાતીમાં ૫૬ ઈંચ કરતાં એકાદ દોરો ઓછો થયો તો? મ્યુઝીયમવાળાનું આવી જ બને. એ તો ધંધો લઇને બેઠા છે. એમને ખબર હોય કે જેમના માટે આ પૂતળાં બનાવીએ છીએ, એ લોકો જ નારાજ થાય, તો પછી પૂતળું બનાવ્યાનો અર્થ શો? એટલે તેમણે સાહેબનું ખાસ માપ લીધું. જૂની પેઢીના જાણીતા લેખક કિશનસિંહ ચાવડાએ વાઇસરૉયનું માપવિશે લખ્યું હતું. જૂના વખતમાં અંગ્રેજ વાઇસરોય શિકારે નીકળે અને તેમની (કે મોટે ભાગે બીજા કોઇની) ગોળીથી વાઘ-સિંહ ઠાર થાય, એટલે તેના મૃતદેહનું માપ લેવામાં આવે. વાઇસરૉયની શાનને ઘ્યાનમાં રાખીને એ માપપટ્ટીની શરૂઆત શૂન્યથી નહીં, પણ થોડે આગળથી (ધારો કે ત્રણ મીટરથી) થતી હોય. એટલે વાઇસરૉયે મારેલા વાઘ-સિંહની લંબાઇ અધધ હોય--પાછી આંખ સામે, માપપટ્ટીથી માપેલી. એકદમ આધારભૂત. જરાય કહાસુની નહીં. બસ, માપપટ્ટીના આંકડા ક્યાંથી શરૂ થાય છે, એની પિંજણમાં નહીં પડવાનું.

તુસૉડ મ્યુઝીયમવાળા વડાપ્રધાનનું માપરાખે છે કે નહીં, એ જાણવા મળ્યું નથી. પણ એ ધંધાદારી છે. એટલે બધું શક્ય એટલું આબેહૂબ રાખવા પ્રયાસ કરે છે. હા, પ્રયાસ જ કરે છે. કારણ કે અગાઉ ગાંધીજી અને ઇંદિરા ગાંધીનાં તેમણે બનાવેલાં પૂતળાં નબળાં કહી શકાય એવાં હતાં. ગાંધીજીએ માપ ન અપાવ્યું હોય, એમાં બિચારા મ્યુઝીયમવાળા શું કરે? બાકી, શાહરુખ-સલમાન જેવા સ્ટારનાં મીણનાં પૂતળાં સારાં છે. ભારતની અમુક ટકા જનતાની લાગણીને માન આપીને તુસૉડ મ્યુઝીમયના સંચાલકોએ વડાપ્રધાન મોદીનું પૂતળું ગાંધી કે ઇન્દિરા ગાંધીની હરોળમાં નહીં, શાહરૂખ-સલમાનની હરોળમાં મૂકવું જોઇએ. વડાપ્રધાનને ન્યાય ખાતર કહેવું જોઇએ કે અભિનયક્ષમતાના મામલે  તે પેલા બન્ને હીરાઓ કરતાં તે વધારે સક્ષમ છે.

લોકનિંદાની સંભાવના વિચારીને મ્યુઝીયમવાળા વડાપ્રધાન મોદીનું પૂતળું વિશ્વનેતાઓના વિભાગમાં મૂકવાના છે, એવા સમાચાર છે. પૂતળા માટે ફક્ત શારીરિક કદમાપ જ નહીં, ઝીણી ઝીણી વિગતોનું પણ ધ્યાન રખાય છે. જેમ કે, આંખોની કીકીઓનો રંગ. અલબત્ત, એ આંખોમાં ભડભડતી મહત્ત્વાકાંક્ષા દેખાડવી કે એ સિદ્ધ થઇ ગયા પછીનો  બાકી બઘું જખ મારે છેપ્રકારનો આનંદ દર્શાવવો, ભૂતકાળમાં અઘરા સવાલોના જવાબ ટાળતી વખતે આંખોમાં ધૂંટાયેલું ખુન્નસ દેખાડવું કે જાહેર સભાઓમાં બેફામ બોલતી વખતે આંખોમાં છલકતો ઉન્માદ બતાવવો, એ હજુ કલાકારો નક્કી કરી શક્યા હોય એવું જણાતું નથી. 

એક તસવીરમાં એવું જોવા મળ્યું કે મ્યુઝીયમના માણસો આંખના ડોળાની પ્રતિકૃતિ વડાપ્રધાનની આંખથી સાવ નજીક પકડીને ઊભા હોય. એ સમયે વડાપ્રધાનના ચહેરાના હાવભાવ કોઇએ તેમને ગુજરાતની કોમી હિંસા વિશે કે બનાવટી ઍન્કાઉન્ટરો વિશે પૂછી નાખ્યું હોય એવા હતા. એક નજરે એ તસવીર જોઇને એવું લાગે, જાણે કલાકારો તેમને પૂછતા હોય, ‘સાહેબ, અત્યારની દૃષ્ટિથી તમને વાસ્તવિકતા જોવામાં તકલીફ પડતી હોય, તો આ ડોળા અજમાવી જોવા છે?’ અઘરા પ્રશ્નો પૂછનારા સામે ડોળા તતડાવવાની વડાપ્રધાન મોદીની જૂની શૈલી ધ્યાનમાં રાખતાં, એવી કલ્પના પણ આવે કે કોઇ તેમને તતડાવવા માટેના ઍકસ્ટ્રા ડોળા ઑફર કરી રહ્યું છે. જોકે, હમણાંથી વડાપ્રધાનની એ મુદ્રા ખાસ જોવા મળતી નથી. કારણ એ કે વડાપ્રધાન આજકાલ કોઇને પ્રશ્નો પૂછવાની તક જ આપતા નથી. એ મનકી બાતમાં હૈયાનાં અરમાનો અને ઉભરા ઠાલવીને હળવા થઇ જાય છે અને સવાલો પૂછનારને દુઃખી થવાની પરિસ્થિતિથી દૂર રાખે છે. તેમની આ ઉદારતા સમજી ન શકનારા રાષ્ટ્રદ્રોહી ટીકાકારો કહે છે કે વડાપ્રધાન ઉત્તરદાયી નથી.

પણ એમ તો મૅડમ તુસૉડ મ્યુઝીયમનું પૂતળું પણ ક્યાં ઉત્તરદાયી હોવાનું છે? ત્યાં ઊભેલા પૂતળાને કોઇ ગમે તેટલું પૂછે કે કચ્છની યુવતીની સરકારી રાહે કરાવેલી જાસુસીનું શું થયું, તો પૂતળું થોડું જવાબ આપવાનું છે? એ તો મસ્ત મજાની મુદ્રામાં ઊભું જ હશે. એની સાથે ફોટા પડાવી શકાય, સેલ્ફી લઇ શકાય, પાછું હોલોગ્રામ જેવું ટુ-ડાયમેન્શનલ પણ નહીં. જીવતાજાગતા માણસ જેવું થ્રી-ડી હોય. એટલે સુરક્ષાના કોઇ પણ પ્રશ્ન વિના કે ઝૅડ સિક્યોરિટીના હડદોલા ખાધા વિના તેમને મળી શકાય.ખરેખર તો વડાપ્રધાને એવી જ સ્કીમ બહાર પાડવી જોઇએ કે તેમને મળવા માટે મૅડમ તુસૉડ મ્યુઝીયમ જવા ઇચ્છનારાને ખાસ રાજદ્વારી વિસા મળી જાય. એવું ન થાય તો પણ, તેમને મ્યુઝીયમની ટિકિટમાં તો કન્સેશન મળવું જોઇએ. કારણ કે આ પગલાં પર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આધાર છે.

દેશમાં તો વડાપ્રધાન ભાગ્યે જ કોઇને મળે છે. સવાલોના જવાબ આપતા નથી. કોઇનું સાંભળતા નથી (અથવા સાંભળતા હોય એવું લાગતું નથી). મંત્રીઓ પણ બિચારા મનોમન કચવાય છે, પણ કરે શું? બોલે તો નોકરી જાય, ન બોલે તો જીવ મૂંઝાય. એકંદરે પ્રશંસક રહેલા લોકોને ધીમેધીમે તુવેરની દાળના અને શાકભાજીના ભાવ ખબર પડે, તેમ એ લોકો પણ આડાઅવળા સવાલ પૂછતા થયા છે. આ બધા લોકો મૅડમ તુસૉડના મ્યુઝીયમમાં જઇને વડાપ્રધાનના પૂતળા સામે જે બખાળા કાઢવા હોય તે કાઢે. એનાથી બે ફાયદા થશે : તેમના મનકી બાતબહાર નીકળવાથી તેમનો ભાર હળવો થશે. એટલે વડાપ્રધાન માટે તેમના મનમાં ધીમે ધીમે એકઠો થઇ રહેલો કચવાટ નીકળી જશે અને તેમને એવો સંતોષ પણ મળશે કે વડાપ્રધાનને રૂબરૂ મળીને કહેવા જેવું બધું કહેવાઇ ગયું.


એક વાત ખાતરીપૂર્વક કહી શકાય : પૂતળા પાસેથી જૂઠો જવાબ નહીં. ખરેખર તો, કશો જવાબ નહીં મળે, પણ એની લોકોને ટેવ પડી ગઇ છે. માણસ જેવો માણસ જવાબ ન આપતો હોય, તો એનું પૂતળું ક્યાંથી જવાબ આપવાનું? આટલું તો સમજે છે આપણા લોકો. એ પૂતળાની ખૂબીઓ વડાપ્રધાનમાં જોશે અને વડાપ્રધાન વિશેનો કકળાટ પૂતળા આગળ ઠાલવીને હળવા થઇ જશે. એમાં જ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું હિત નથી?

Thursday, March 24, 2016

પ્રહ્લાદનો હોલિકા-સ્પેશ્યલ ઇન્ટરવ્યુ

* uncut
હોળીને લગતી પુરાણકથાના નાયક અને હોલિકાની જ્વાળામાંથી આબાદ બચી ગયેલા, હિરણ્યકશ્યપુના પુત્ર પ્રહ્લાદને શું કહેવાનું હશે? એવું વિચારતાં જ પ્રહ્લાદ પોતે પ્રગટ થઇ ગયા.

: નમસ્તે પ્રહ્લાદજી. કેમ છો?
: હું દેશપ્રેમી છું.
: અરે? એમ નહીં, મેં તો આદરપૂર્વક તમારાં ખબરઅંતર માટે પૂછ્‌યું હતું...
: પણ મને કહેવામાં આવ્યું કે આજકાલ ભારતમાં કોઇ પણ સવાલ પૂછાય, જવાબમાં પહેલાં એટલું કહી દેવું કે હું દેશપ્રેમી છું.
: રિવાજ તો એવો છે કે દેશપ્રેમી દેખાવા માટે તમારે મને દેશદ્રોહી કહી દેવો પડે..પણ એ બધું છોડો. આપણે મુખ્ય ઘટનાની વાત કરીએ. તમારા ફાધર સાથે તમારે કેવા સંબંધ હતા?
: એવા જ, જેવા તમારે તમારા દેશના ફાધર--રાષ્ટ્રપિતા સાથે છે.
: એટલે?
: એટલે શું? જીવલેણ. તમે લોકોએ તમારા દેશના ફાધરનો જીવ લીધો ને મારા ફાધર મારો જીવ લેવા ઇચ્છતા હતા.
: તમારા પિતાશ્રી અસુર હતા એ સાચી વાત છે?
: અહીં તારી સામે સવાલનો જવાબ છે : હા. પણે જો એમના રાજ્યમાં કોઇ આવું કહે તો તેની સામે રાજદ્રોહનો કેસ થઇ જાય. કોઇ શાસક પોતાના વિશે સાચું સાંભળવા તૈયાર હોતો નથી.
: પણ સાંભળ્યું છે કે તમે તો તમારા પિતાની સામે પડેલા...અનામત-બનામતનો કોઇ ડખો...? જોકે, તમે તો રાજાના કુંવર હતા એટલે...
: રાજાના કુંવરોને અનામત ન જોઇતી હોય એવું કોણે કહ્યું? રાજાના કુંવર હોવાનાં દુઃખ તો કુંવર હોય તે જ જાણે...
: ખરી વાત છે. થાળીમાં વાનગી એટલી હોય કે જમતી વખતે મૂંઝાઇ જવાય, રૂપિયા એટલા હોય કે માણસોને ગણવામાં ભૂલો પડે, સોનું એટલું હોય કે દરેક વખતે તેનો હિસાબ જુદો આવે ને તાળો જ ન મળે, એટલી બધી મમ્મીઓ હોય કે તેમના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન રહે...
: (જોઇ રહે છે) તું ટોણા મારું છું કે સહાનુભૂતિ દેખાડું છું?
: હું તો જસ્ટ વાત કરું છું...પણ તમને અનામત કેવી રીતે મદદ કરી શકે?
: એ તો તું માગી જો અથવા જેણે માગી હોય એને પૂછી જો. પછી સમજાશે...માનસિક રીતે સારું લાગે, એ બહાને આપણી નોંધ લેવાય. ભવિષ્યમાં યુવરાજ તરીકે આપણું સ્થાન પાકું થાય.
: ઓહો, અચ્છા...પણ આખી વાતમાં તમારાં ફોઇ હોલિકા કેવી રીતે દાખલ થયાં?
: બાપાને એવું હતું કે ફોઇ મને ઠેકાણે પાડી દેશે. એને બદલે ફોઇનું જ ઠેકાણું પડી ગયું.... આ વિધાન બિલકુલ રાજકીય નથી અને કોઇ પણ પ્રકારના આંદોલન સાથે તેને કશો સંબંધ નથી, એ તું ખાસ લખજે. 
: તમે કહો તેમ...પણ બળબળતી આગમાં ફોઇના ખોળામાં બેસતાં તમને ખચકાટ ન થયો? ફોઇનો આત્મવિશ્વાસ જોઇને પણ એવો વિચાર ન આવ્યો કે આ તમારી હત્યાનું કાવતરું હોઇ શકે છે?
: (અટ્ટહાસ્ય) તમે લોકો હજુ આવું જ માનો છો?
: (મૂંઝાઇને) એટલે?
: (બોલ્યા વિના ફક્ત મલકવાનું ચાલુ રાખે છે.)
: તમે આમ લટકાવો નહીં. જે હોય તે સાફ સાફ કહી દો. મારી ઉત્તેજના હવે કાબૂમાં રહેતી નથી.
: આમ જુઓ તો કંઇ નથી. તમને બધાને સ્ટોરી ખબર જ છે : મને સળગાવવા જતાં ફોઇ સળગી ગયાં ને  હું ભક્ત હોવાથી હેમખેમ રહ્યો.
: બરાબર. એવું જ વાંચ્યું છે.
: તારી જોડે આટલી વાત થઇ છે. એટલે ભરોસો મૂકીને તને કહું છું. તું કોઇને કહેતો નહીં. (અવાજ સાવ ધીમો કરીને) હકીકતમાં બાપાને ફોઇ જોડે બગડ્યું હતું અને ફોઇ કેમેય કરીને સમજતાં ન હતાં. એવામાં મારી કનડગત વધી. એટલે બાપાએ આફતને અવસરમાં પલટી નાખવાનું વિચાર્યું.
: એટલે?
: તેમણે ફોઇને કહ્યું કે આપણે પ્રહ્લાદનો કાંટો કાઢી નાખવાનો છે,પણ ગોઠવણ એવી કરી કે મને કશું ન થાય ને ફોઇનો જ...
(પ્રહ્લાદનો જવાબ સાંભળીને લાગેલો આંચકો શમે ત્યાં સુધીમાં તો એ અદૃશ્ય થઇ ગયા હતા--કે પછી એ ફક્ત સ્વપ્નમાં જ આવ્યા હશે?)