Wednesday, March 30, 2011

મનમોહન-લિક્સ

‘ગાંધીજીની હત્યા કોણે કરેલી?’ શિક્ષકે સવાલ પૂછ્‌યો.

ક્લાસનો મોનિટર ગભરાતો ગભરાતો ઊભો થયો અને કહે, ‘સાહેબ, મેં કરી ન હતી. મને તો ખબર પણ નથી કે ગાંધીજીની હત્યા થઇ. મને મોનિટર બનાવવામાં આવ્યો છે, એ જ મારી નિર્દોષતાનો પુરાવો છે. એટલે ગાંધીજીની હત્યાનો સવાલ હવે અપ્રસ્તુત બની જાય છે.’

મોટો થઇને આ મોનિટર બાળક ખૂબ ભણ્યો, મોટા હોદ્દે પહોંચ્યો અને અંતે ભારતનો વડાપ્રધાન પણ થયો. એ બાળક એટલે આપણા લોકલાડીલા નહીં, ‘જોક’લાડીલા વડાપ્રધાન મનમોહન સિંઘ
***
ઉપરનો ‘ઇતિહાસ’ કાલ્પનિક હોવા છતાં સચ્ચાઇની એકદમ નજીક નથી લાગતો?

સરકારોની બિનકાર્યક્ષમતા અંગે પ્રજા કાયમ બૂમો પાડતી હોય છે, પણ ડો.સિંઘની સરકારે વિશ્વવિક્રમો સ્થાપવા જેટલી કાર્યક્ષમતા બતાવી છે. એ વિક્રમો કૌભાંડના હોય એટલે તેની મહત્તા ઘટી જતી નથી. સરકાર તેના આગેવાન જેટલી જ નમ્ર છે. એટલે જ, તેણે ગિનેસ બુકમાં એન્ટ્રી માટે દાવો કર્યો નથી.

ડો.સિંઘ, આઘ્યાત્મિક મનોરંજનની ભાષામાં કહીએ તો, ‘કંઇક ભાળી ગયેલો’ જીવ છે. સાચા જ્ઞાનીની વ્યાખ્યા પ્રમાણે, સિંઘ પોતે શું નથી જાણતા એની તેમને- અને હવે તો બીજાને પણ- બરાબર ખબર છે. અસુખ થાય, અગવડ પડે એવી કોઇ પણ વિગતોની જાણકારી તે રાખતા નથી અને પોતે નથી જાણતા એ વાત બરાબર જાણે છે. કેમ નથી જાણતા, તેનાં કારણો સ્થિતપ્રજ્ઞતાથી ટીવી કેમેરા સામે આપી શકે છે. કશું ન જાણતા હોવા છતાં ‘હું જવાબદારી સ્વીકારું છું’ એમ કહીને તે જ્ઞાની ઉપરાંત ‘શહીદ’ દેખાઇ શકે છે અને જરૂર પડ્યે સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેવાની તૈયારી બતાવીને પોતાની નૈતિકતાના નીચે ઉતરી ગયેલા વાવટાને થોડો ઊંચો લાવી શકે છે- ભલે તે અડધી કાઠી સુધી જ પહોંચે.

ડાબો હાથ કરે તે જમણો હાથ ન જાણે, એ ભારતીય દાન પરંપરાનો ઉજ્જવળ આદર્શ છે. સિંઘ એ સિદ્ધાંત પ્રમાણે આખી સરકાર ચલાવી રહ્યા છેઃ ટેલીકોમ મંત્રી શું કરે છે એની તેમને ખબર નથી, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં સ્પેક્ટ્રમના કેવા વહીવટ થાય છે એ તે જાણતા નથી, તેમની સરકાર ટકાવી રાખવા માટે સાંસદોને ફોડવામાં આવે છે એ વિશે પણ વડાપ્રધાન અજાણ છે. કોઇનું જ્ઞાન પ્રભાવશાળી હોઇ શકે છે, પણ આપણા વડાપ્રધાનનું તેમના સાથીદારો વિશેનું અજ્ઞાન અહોભાવિત કરી દે એવું છે. અહોભાવ એ વાતે થાય કે આ જણ કેટલું બઘું જાણતો નથી. છતાં આટલા લાંબા સમયથી જગતની બે નંબરની- એટલે કે બીજા નંબરની- લોકશાહીનો વડો છે.

ડો.સિંઘના શાસનકાળને ભવિષ્યના ઇતિહાસકારો ‘જ્ઞાનયુગ’ કે ‘બોધયુગ’ તરીકે ઓળખે તો નવાઇ નહીં. કારણ કે આ ગાળામાં ભારતની પ્રજાને પોતાની યુગજૂની અનેક માન્યતાઓ બદલવાની ફરજ પડી. અગાઉ પ્રજા માનતી હતી કે ‘દેશની સમસ્યાઓનું એક મોટું કારણ અભણ નેતાઓ છે. ભણેલાગણેલા લોકો રાજકારણમાં આવે તો બઘું ઠીકઠાક થઇ રહે.’ ડો.સિંઘ આ ગેરસમજણના રહ્યાસહ્યા અંશ દૂર કરી દીધા. પ્રજા એવી પણ કલ્પના કરતી હતી કે ‘ભારત જેવા ગરીબ દેશના વડાપ્રધાન તરીકે કોઇ રાજકારણી નહીં, પણ જેને અર્થશાસ્ત્રમાં સમજણ પડતી હોય એવો કોઇ માણસ- કોઇ અર્થશાસ્ત્રી આવે, તો કેટલું સારું?’

પણ હવે પ્રજા સમજી ગઇ છે કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન બને તો તેમના રાજમાં એટલી મોટી રકમનાં કૌભાંડ થાય છે કે એ રકમ ખરેખર કેટલી થાય, તે કોઇ અર્થશાસ્ત્રી જ સમજી શકે. રૂ. બે લાખ કરોડ એટલે ખરેખર કેટલા રૂપિયા થાય, એ કેટલા ભારતીયોને ખબર પડવાની?

પ્રજાને લાગતું હતું કે નેતા ‘મિસ્ટર ક્લીન’ હોય એટલે ગંગા નાહ્યા. ડો.સિંઘના રાજમાં ખબર પડી કે પોતાના પ્રવાહમાં ઠલવાતી ગટરોને અટકાવવાની ગંગામાં ત્રેવડ ન હોય, તો ગંગાની પોતાની પવિત્રતા સરવાળે કશા કામની રહેતી નથી- અને એ પવિત્રતા પણ રહેતી નથી. ગંગામાં ગટર ભળવાથી ગટર ગંગા નથી બનતી, પણ ગંગા ગટર બની જાય છે.

આવું ઘણું જ્ઞાન જેમના થકી, બોધિવૃક્ષ નીચે બેઠા વિના, પ્રજાને મળ્યું એવા યુગપુરૂષ મનમોહન સિંઘ પોતાની ડાયરી લખતા હોત અને તે ‘વિકિલિક્સ’ જેવા કોઇની અડફેટે ચડી ગઇ હોત તો? કેટલાક નમૂના.
***
આજે એક ભોજન સમારંભ હતો. તેનું આમંત્રણ મળ્યા પછી ખબર પડી કે તેનો યજમાન પણ હું હતો. મને પૂછ્‌યા વિના મેનુ નક્કી કરી દેવામાં આવ્યું હતું. મહેમાનોની સાથે જમતી વખતે મને ખબર પડી કે જમવામાં શું બનાવ્યું છે. પછી મેં મેનુ નક્કી કરનારને ધમકાવ્યો. મારી એક તકલીફ છે. ગુસ્સે થતાં પહેલાં મારે લોકોને કહેવું પડે છે કે ‘હવે હું ગુસ્સે થવાનો છું.’ બાકી, હું ગુસ્સે થઇને કોઇને ખખડાવી નાખું, ત્યાર પછી પણ સામેવાળાને ખબર પડતી નથી કે મેં જે કર્યો તે ગુસ્સો હતો.

મેનુ નક્કી કરનાર પર હું બરાબર બગડ્યો એટલે એણે ફુગાવાના આંકડા જાહેર કરતો હોય એટલી ઠંડકથી કહ્યું, ‘મેં મેડમ સાથે વાત કરી લીધી હતી. રાહુલજીએ જ આ મેનુ સજેસ્ટ કર્યું હતું.’ આટલું બોલીને એણે મારી સામે વિજયી સ્મિત કર્યું. હું ફરી ગુસ્સે થયો, પણ આ વખતે હું પહેલેથી કહેવાનું ભૂલી ગયો. એટલે તેને ખબર ન પડી કે હું વધારે બગડ્યો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું.
***
ગઇ કાલના ભોજન સમારંભના ખર્ચાળ મેનુ વિશે આજે ટીકાનો વરસાદ થયો છે. (પત્રકારોને એ સમારંભમાં નિમંત્રણ ન હતું.) વિપક્ષી નેતાઓએ મારા રાજીનામાની માગણી કરી છે. (એ લોકોને પણ બોલાવાયા ન હતા.) મેનુ નક્કી કરવાની પ્રક્રિયાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) નક્કી કરવાની માગણી વિપક્ષો દ્વારા થઇ રહી છે. એ કદાચ સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કરશે, પણ સંસદની કેન્ટિન કે તેના પગાર-ભથ્થાંનો બહિષ્કાર નહીં કરે.

મેં ભોજન સમારંભના આયોજક તરીકે ભોજન સિવાય બીજું કશું જ ખાઘું નથી. એટલે મારા પેટની જેમ મારું મન પણ સાફ છે. મને કોઇનો, કશાનો ડર નથી. સિવાય કે સરકારમાં રહેલા મારા સાથી પક્ષો. મને ઘણી વાર થાય છે કે ભારત ‘ધર્મનિરપેક્ષ’ હોવાની સાથોસાથ ‘ગઠબંધન-નિરપેક્ષ’ થયું હોત તો કેટલું સારું?
***
સંસદમાં ધમાલ થઇ. મેં ઉભા થઇને ગૃહના રેકોર્ડ પર કહ્યું કે ‘જવાબદાર પ્રજાતંત્રના લોકશાહી આગેવાન તરીકે ભોજનકાંડમાં મારી નૈતિક જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને એ માટે જેની સમક્ષ જુબાની આપવાની હોય તે માટે હું તૈયાર છું.’ મારી આવી નૈતિક હિંમતથી મોટા ભાગના ટીકાકારોનાં મોં બંધ થઇ ગયાં. એવું હું માનતો હતો. પછી ખબર પડી કે ટીકાકારોનાં મોં રૂપિયાથી બંધ થયાં હતાં. તેમને મારો વિરોધ ન કરવા બદલ રૂપિયા આપવામાં આવ્યા હતા. બધાને બહુ નવાઇ લાગે છે કે મારા વતી લાંચ અપાઇ હોય અને મને ખબર પણ ન હોય એવું કેવી રીતે બને?

લોકો બહુ જલ્દી બઘું ભૂલી જાય છે. જે પક્ષ મને લગભગ મારી જાણબહાર વડાપ્રધાન બનાવી શકે, એ પક્ષ મારી જાણબહાર રૂપિયા કેમ ન વેરી શકે? આટલું સાદું દેશહિત વિપક્ષોને તો ઠીક, લોકોને પણ સમજાતું નથી, તેથી મને ગુસ્સો આવે છે, પણ હું પહેલેથી કહેવાનું ભૂલી જાઉં છું.

Tuesday, March 29, 2011

જાપાનની તારાજીના પગલે તાજી થયેલી ૨૫ વર્ષ જૂની ભૂતાવળ : ચેર્નોબિલની અણુમથક-દુર્ઘટના

જાપાનના ફુકુશિમા અણુવિદ્યુત મથકમાં ભૂકંપ અને ત્સુનામીના પગલે પ્રચંડ દુર્ઘટના સર્જાઇ. રેડિયોએક્ટિવ બળતણ ધરાવતા એક રિએક્ટરની કામગીરી ખોરવાઇ અને આજુબાજુના મોટા વિસ્તારમાં તેનાં વિકિરણો પ્રસરવાનો ગંભીર ખતરો ઉભો થયો (જે આ લેખ પ્રગટ થતાં સુધીમાં શક્યતા મટીને વાસ્તવિકતા પણ બને.)
જાપાનના અણુવિદ્યુત મથકમાં ભંગાણના સમાચાર આવ્યા, તે સાથે જ પ્રસાર માઘ્યમોનાં મથાળાંમાં અને જાણકારોના મનમાં ઝબકેલો એક ડરામણો શબ્દ હતોઃ ચેર્નોબિલ.

ખતરનાક અણુદુર્ઘટનાનો પર્યાય બનેલું ચેર્નોબિલ એટલે વિઘટન પહેલાં સોવિયેત રશિયાના યુક્રેન પ્રાંતમાં આવેલું, આશરે ૧૨,૫૦૦ માણસની વસ્તી ધરાવતું એક નગર. તેનાથી ૧૮ કિ.મી. દૂર રશિયાનાં સંખ્યાબંધ અણુવિદ્યુત મથકોમાંનું એક મથક કાર્યરત હતું. ૧૯૭૭થી ૧૯૮૩ સુધીમાં આ મથકમાં વારાફરતી એક-એક હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં ચાર રીએક્ટર સ્થાપવામાં આવ્યાં. આ ચારેય ‘ચેનલ ટાઇપ રીએક્ટર’ હતાં. તેમની કાર્યપદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણે હતીઃ પમ્પની મદદથી પાણી રીએક્ટરમાં ધકેલાય, રીએક્ટરમાં ન્યુટ્રોન કણોના મારા થકી યુરેનિયમના અણુઓનું વિખંડન થાય અને ગરમી સાથે વઘુ ન્યુટ્રોન છૂટા પડે.

છૂટા પડતા ન્યુટ્રોન યુરેનિયમ સાથે ટકરાયા વિના પૂરઝડપે નાસી છૂટે તો વિખંડનની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે? એટલે તેમની ઝડપ ઘટાડવા અને યુરેનિયમ સાથે તેમની ટક્કરની સંભાવના અનેક ગણી વધારવા માટે ‘મોડરેટર’ વાપરવામાં આવે છે. તેમનું મુખ્ય કામ ન્યુટ્રોનની ઝડપ ઘટાડવાનું હોય છે. ચેર્નોબિલના રીએક્ટરમાં ગ્રેફાઇટના બનેલા મોડરેટર વાપરવામાં આવ્યા હતા.

મોડરેટરથી ગતિ અંકુશમાં આવતાં, ગરમી સાથે છૂટા પડેલા ન્યૂટ્રોન યુરેનિયમના બીજા અણુઓનું વિખંડન કરે છે અને તેમાંથી વઘુ ન્યૂટ્રોન- વઘુ ગરમી છૂટાં પડે છે. આ પ્રક્રિયાચક્ર- ચેઇન રીએક્શનને કારણે પ્રચંડ ગરમી પેદા થાય છે. તેના થકી રીએક્ટરમાં દાખલ થતું પાણી વરાળમાં ફેરવાય. વરાળ અને પાણીનું મિશ્રણ સેપરેટર ડ્રમમાં જાય. ત્યાં પાણી અને વરાળ જુદાં પડે. વરાળ આગળ જઇને ટર્બાઇનનાં ચક્કર ફેરવે અને ટર્બાઇનની ગતિશક્તિમાંથી જનરેટર વિદ્યુતશક્તિ (વીજળી) પેદા કરે. ચેર્નોબિલનું અણુવિદ્યુત મથક સામાન્ય સંજોગોમાં આ રીતે કામ કરતું હતું.

પરંતુ ૨૫ એપ્રિલ, ૧૯૮૬ના સંજોગો અસામાન્ય હતા. ચેર્નોબિલમાં ત્રણ વર્ષ પહેલાં સ્થપાયેલા રીએક્ટર નં.૪ને રાબેતા મુજબ શટ ડાઉન કરતાં પહેલાં એક પ્રયોગ હાથ ધરવાનો હતો. પ્રયોગનો હેતુ કંઇક આ પ્રકારનો હતોઃ
સામાન્ય સ્થિતિમાં આખા પ્લાન્ટની કામગીરી વીજળીના જોરે ચાલતી હોય, પણ વીજળીનો પ્રવાહ કોઇ કારણસર, અકસ્માતે ખોરવાઇ જાય તો? ટર્બાઇન સાવ બંધ થતાં પહેલાં કેટલો સમય ચાલી શકે અને તેમની એ ગતિશક્તિમાંથી કટોકટીને પહોંચી વળવા જેટલી - પાણીના પમ્પ ચાલુ રહે એટલી - વીજળી પેદા કરી શકે? અગાઉ આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે વિદ્યુતપ્રવાહ ખોરવાયા પછી ટર્બાઇન ઝડપથી બંધ થઇ જતાં, પૂરતી વીજળી પેદા થઇ ન હતી. ૨૫ એપ્રિલ, ૧૯૮૬ના રોજ એ પ્રયોગ નવેસરથી આરંભાયો.

૨૫મીની વહેલી સવારે ૧:૦૬ મિનીટ. અણુવીજળીના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની રહેનારા પ્રયોગનો આરંભ થયો. શરૂઆત રીએક્ટરમાંથી પેદા થતી ઉર્જાનું સ્તર ઘટાડવાથી થઇ. રીએક્ટરમાં પેદા થતી ઉર્જા મેગાવોટ (થર્મલ)ના એકમમાં મપાય છે, જ્યારે જનરેટરમાંથી વિદ્યુતપ્રવાહ સ્વરૂપે નીપજતી ઉર્જા મેગાવોટ (ઇલેક્ટ્રિકલ) તરીકે માપવામાં આવે છે.

ચેર્નોબિલ પ્લાન્ટના રીએક્ટરમાંથી પેદા થતી થર્મલ ઉર્જાનું સ્તર ઘટાડીને ૧૬૦૦ મેગાવોટ (થર્મલ) સુધી લઇ જવામાં આવ્યું. તેને કારણે પેદા થતી વીજળીના પ્રમાણમાં પણ ઘટાડો થયો. બપોરે બે વાગ્યે પ્લાન્ટની ઇમરજન્સી કૂલંિગ સીસ્ટમના છેડા છૂટા કરી દેવામાં આવ્યા, જેથી પ્રયોગના ભાગરૂપે વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવે, તો તેને કટોકટી ગણીને ‘ઇમરજન્સી કૂલિગ સીસ્ટમ’ ચાલુ ન થઇ જાય.

પ્રયોગ આગળ વધારવા માટે વીજઉત્પાદન હજુ ઘટાડવાની જરૂર હતી, પણ નજીકની પાવરગ્રીડમાંથી આવેલી વીજળીની માગ પુરી કરવાનું જરૂરી હતું. એટલે રાત સુધી ૧૬૦૦ મેગાવોટ (થર્મલ) પર રીએક્ટર ચાલતું રહ્યું. રાત્રે ૧૧:૧૦ વાગ્યે રીએક્ટરને વઘુ ધીમું પાડવાની અને વીજ ઉત્પાદન ઘટાડવાની મોકળાશ ઉભી થઇ. રાત્રે બાર વાગ્યે પ્લાન્ટમાં ઓપરેટરોની શિફ્‌ટ બદલાયા પછી ૧૨:૦૫ વાગ્યે (એટલે કે ૨૬ એપ્રિલની સવારે ૦૦:૦૫ વાગ્યે) પ્લાન્ટના પાવરમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો.

સલામતીના નિયમો પ્રમાણે પ્લાન્ટને ૭૦૦ મેગાવોટ (થર્મલ) કરતાં ઓછા સ્તરે ચલાવી શકાય નહીં. પણ ચેર્નોબિલમાં એ નિયમને અવગણવામાં આવ્યો. પાવર સતત ઘટીને ૫૦૦ મેગાવોટ(થર્મલ) પર પહોંચ્યો, ત્યારે પ્લાન્ટનું સંચાલન ઓટોમેટિક પ્રણાલીને હવાલે કરવામાં આવ્યું. ત્યાર પછી પણ પાવરનું સ્તર ઘટતું રોકવામાં ઓટોમેટિક સિસ્ટમ નિષ્ફળ ગઇ કે ઓપરેટર એ સૂચના આપવાનું ચૂકી ગયા. કારણ જે હોય તે, પણ પાવરનું સ્તર ઘટતું ઘટતું ૩૦ મેગાવોટ (થર્મલ) જેવા તળીયે પહોંચી ગયું.

ક્યાં ૭૦૦ મેગાવોટ (થર્મલ)નું સલામત સ્તર અને ક્યાં ૩૦ મેગાવોટ (થર્મલ)! પાવર ઘટી જવાને કારણે ટર્બાઇન-જનરેટરને અટકાવી દેવાનું માંડવાળ રાખવામાં આવ્યું અને પાવરનું ઉત્પાદન વધારવા માટે ‘ઓટોમેટિક સેફ્‌ટી રોડ’ બહાર કાઢવામાં આવ્યા. (ન્યુટ્રોન શોષવાનો ગુણધર્મ ધરાવતા સેફ્‌ટી રોડ રીએક્ટરની પ્રક્રિયા બંધ કરવા માટે અથવા તેના પ્રમાણમાં વધઘટ માટે વાપરવામાં આવે છે.) સેફ્‌ટી રોડ બહાર કઢાતાં ૨૬ એપ્રિલની સવારે ૧:૦૦ વાગ્યે ફરી પાવરનું ઉત્પાદન વધીને ૨૦૦ મેગાવોટ (થર્મલ)ના સ્તરે પહોંચ્યું અને એ સપાટીએ સ્થિર બન્યું.

આ તબક્કે રીએક્ટરને શટ ડાઉન કરી શકાયું હોત. કારણ કે પ્રયોગ આગળ વધારવા માટે ૭૦૦ થી ૧૦૦૦ મેગાવોટ (થર્મલ) પાવર જરૂરી હતો. પરંતુ ઓપરેટરોએ જોખમી સંજોગો અવગણીને પ્રયોગ આગળ ધપાવવાનો નિર્ણય લીધો. કૂલિગ પમ્પ અને વધારાના કૂલિગ પમ્પ ચાલુ કરવામાં આવ્યા. તેમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે રીએક્ટરના મુખ્ય હિસ્સા ‘કોર’નું તાપમાન ઘટવા લાગ્યું. તેની અસરથી ઉર્જાનું સ્તર ઘટી ન જાય, એટલા માટે વઘુ સેફ્‌ટી રોડને બહાર કાઢવામાં આવ્યા.

પાણીનો આવશ્યક કરતાં વઘુ જથ્થો ઠંડા પડી રહેલા રીએક્ટરના ઠંડા પડી રહેલા ‘કોર’ હિસ્સામાં જવાને કારણે વરાળનું પ્રમાણ ઘટ્યું. વરાળ-પાણી છૂટાં પાડતા સેપરેટર ડ્રમમાં પણ દબાણ ઘટ્યું, ડ્રમમાં પાણીનો જથ્થો અચાનક ઘટીને સાવ ઇમરજન્સી લેવલે પહોંચ્યો, એટલે પાણીનો જથ્થો ઓર વધારવામાં આવ્યો. તેનાથી ડ્રમમાં પાણીની સપાટી ઊંચી આવી. છતાં ઉર્જાનું સ્તર નીચે ઉતરી ગયું હતું. તેને ૨૦૦ મેગાવોટ (થર્મલ) પર ટકાવી રાખવા માટે ફરી સેફ્‌ટી રોડને વઘુ બહાર કાઢવામાં આવ્યા.

રીએક્ટરનું તંત્ર થાળે પડ્યું હોય એવું લાગતાં સવારે ૧:૨૩ વાગ્યે પ્રયોગ આગળ ધપાવવામાં આવ્યો. સેપરેટર ડ્રમમાંથી વરાળને ટર્બાઇન તરફ લઇ જતો વાલ્વ બંધ કરવામાં આવ્યો. વરાળના ધક્કાના અભાવે ટર્બાઇન (નં.૮) ની ગતિ ધીમી પડી. જોવાનું એ હતું કે ટર્બાઇન સદંતર બંધ થતાં પહેલાં કેટલી વીજળી પેદા કરી શકે છે?
ટર્બાઇન ધીમો પડતાં વીજળીનું પ્રમાણ ઘટ્યું એટલે તેની સાથે જોડાયેલા અને રીએક્ટરમાં પાણી ધકેલતા પમ્પ પણ ધીમા પડ્યા. (એ પમ્પને નીયત ઝડપે ચાલુ રાખનારી ઇમરજન્સી કૂલિગ સીસ્ટમ પહેલેથી હટાવી લેવામાં આવી હતી.) પાણીનો પુરવઠો ઘટતાં રીએક્ટરના ‘કોર’ હિસ્સાનું કૂલિગ ઘટ્યું અને તાપમાન વધવા લાગ્યું. એ સાથે જ રીએક્ટરમાં પેદા થતા થર્મલ પાવરનો આંકડો ઉંચકાવા લાગ્યો. રીએક્ટરમાં વધેલી ગરમીને કારણે પાણી ઝડપથી વરાળ બની જવા લાગ્યું અને પાવર સતત વધતો રહ્યો.

રીએક્ટરમાં બેકાબૂ બનવા તરફ જઇ રહેલા ઉર્જા-ઉત્પાદનને કાબૂમાં રાખવા માટે પાછા ખેંચી લેવાયેલા કન્ટ્રોલ રોડમાં થોડા ફરી રીએક્ટરમાં ઉતારવામાં આવ્યા. તેમ છતાં પરિસ્થિતિ થાળે ન પડતાં કટોકટીના ધોરણે તમામ રોડ અંદર ઉતારાયા. પરંતુ રોડના છેડે રહેલા ડિસ્પ્લેસરે રીએક્ટરની ચેનલોને નુકસાન કરતાં, તમામ રોડને બે-ત્રણ મીટરથી વધારે ઊંડા ઉતારી શકાયા નહીં. એટલે પાવરનો આંકડો અને વરાળનો જથ્થો ભયાનક હદે વઘ્યાં. તેના પરિણામે ‘રન-અવે રીએક્શન’ તરીકે ઓળખાતું વિષચક્ર શરૂ થયું. ‘રન-અવે’નો અર્થ એટલો જ કે એક પ્રક્રિયા કાબુબહાર જતાં ગરમી પેદા થાય અને એ ગરમીને કારણે પ્રક્રિયા વઘુ ને વઘુ કાબુબહાર જાય. તેનો આખરી અંજામ એટલે વિનાશ!

ચેર્નોબિલમાં ૨૬ એપ્રિલની સવારે ૧:૨૩:૪૩ વાગ્યે રન અવે રીએક્શનની શરૂઆત થઇ. થર્મલ પાવર સામાન્ય સ્તર કરતાં ૧૦૦ ગણો વધી ગયો. વરાળનું દબાણ અસહ્ય બન્યું. રીએક્ટરના ‘કોર’ હિસ્સામાંથી પાણી બહાર નીકળવા લાગ્યું અને એકાદ સેકન્ડમાં ફ્‌યુલ રોડમાં વિસ્ફોટ થયા. રીએક્ટરની ચેનલોને ભારે નુકસાન થયું અને રીએક્ટરના કોર હિસ્સાને ઢાંકતું ૧ હજાર ટનનું ઢાંકણ ‘કોર’માં મચેલા કમઠાણના ધક્કાથી ઉંચકાઇ ગયું.

રીએક્ટરની ચેનલોને થયેલું નુકસાન છેલ્લો ફટકો સાબીત થયું. તેના પરિણામે આખો ‘કોર’ હિસ્સામાં પ્રચંડ વિસ્ફોટ થયો. રીએક્ટર ધરાવતું આખું મકાન છાપરા સહિત ભાંગી પડ્યું. અણુ બળતણ ધરાવતા ફ્‌યુલ રોડ અને વિખંડનના પરિણામે પેદા થયેલી કિરણોત્સર્ગી સામગ્રી સીધી વાતાવરણના સંપર્કમાં આવી.

પરમાણુશક્તિ સાથે સંકળાયેલું સૌથી ભયંકર દુઃસ્વપ્ન વસમી હકીકતમાં ફેરવાયું, જેનાં પરિણામ દાયકાઓ સુધી ચાલુ રહેવાનાં હતાં.

(માહિતી સ્ત્રોતઃ વર્લ્ડ ન્યુક્લિઅર એસોસિએશન તથા ધ રશિયન ન્યૂઝ એન્ડ ઇન્ફર્મેશન એજન્સી.)

Monday, March 28, 2011

વિકાસના રસ્તે: પુલ ખિલે હૈં ગુલશન ગુલશન

વિકાસ પહેલાંના યુગમાં પ્રિયતમાઓ ગલી-મહોલ્લાઓમાં રહેતી હતી. તેમના આશિકોને ગલીનાં ચક્કર કાપવાં પડતાં હતાં. ગુજરાતીના અઘ્યાપકો જેમ હોદ્દાની રૂએ વિવેચક-લેખક અને કોલમિસ્ટો જેમ ચિંતક બની જાય છે, તેમ ગલીનાં ચક્કર કાપતા આશિકો હોદ્દાની રૂએ શાયર -અને મુફલિસ- બની જતા હતા. ગલીના નાકે આવેલા પાનના ગલ્લે તેમનું ખાતું ચાલુ થઇ જતું. વિકાસશીલ દેશોની જેમ આશિક-શાયરો ચૂકવણીની ચિંતા ખાતું ચલાવનાર પર છોડીને બિનધાસ્ત દેવું કરતા હતા. વર્તમાન સમયમાં દેવું કરીને ઘી પીવાનું પાચનતંત્રની રીતે સલાહભર્યું ન હોવાથી તે દેવું કરીને પાન-મસાલા ખાતા અને પ્રાચીન પરંપરા ટકાવી રાખતા.

આશિકનાં ચક્કરનો સિલસિલો લગ્નમાં પરિણમે તો સરવાળે તેમના પરિવારમાં વધારો અને ‘ક્રેડિટ રેટિગ’માં ઘટાડો થતો હતો. પાનના ગલ્લાવાળાને આશિકના બાકી ખાતામાં હોય એટલો રસ સંસારી જણને ઉધારી આપવામાં પડતો ન હતો. કારણ કે, આશિક કદીક ખુશ થાય તો બાકી રકમ ઉપરાંત (કે તેની અવેજીમાં) બક્ષિસ ધરી દે. પણ કોઇ ગૃહસ્થ ઉધારી ચાલતી હોય એ દુકાને બક્ષિસ આપવા જેટલો ખુશ ક્યારે થવાનો?

પછી ‘વિકાસ’ થયો. તેની સાથે પ્રેમનો ખ્યાલ પણ બદલાયો. પ્રેમની પંજાબી ગ્રેવીમાં ગુજલીશનો વઘાર કરીને ચિંતન -ફિલસૂફી-નિબંધ-કવિતાની કાચીપાકી, કાલીઘેલી સબ્જી પીરસતા ખુમચા ધમધમવા લાગ્યા. બીજું પરિવર્તન એ આવ્યું કે પ્રેમીજનોનાં સરનામાં અને ખાસ તો, તેમાં રહેલા સંદર્ભસ્થાન (ઘરની નજીક આવેલાં જાણીતાં સ્થળ) બદલાઇ ગયાં. વિકાસયુગનાં પ્રેમી-પ્રેમિકાઓ બીઆરટીએસના બસસ્ટેન્ડની સામેના ખાંચામાં, ફ્‌લાયઓવર પૂરો થાય ત્યાંથી એટીએમ બાજુના રસ્તે કે શોપિંગ મોલની પાછળ આવેલા ફ્‌લેટમાં રહેવા લાગ્યાં. આ જાતનું સરનામું લખાવતી વખતે નવાં સંદર્ભસ્થાનનો ઉલ્લેખ એટલા ગૌરવથી થવા લાગ્યો, જાણે સરનામું આપનારે પોતાના પ્રિય પાત્રને ઘર શોધવામાં તકલીફ ન પડે, એટલા માટે જ ઘર પાસે બીઆરટીએસનું બસસ્ટેન્ડ કે ફ્‌લાયઓવર ન બંધાવ્યા હોય!

વિકાસયુગના નવા ચહેરાની કલ્પના કરીએ, તો ફ્‌લાયઓવરને તેના ગાલ પર રહેલા તલ સાથે સરખાવી શકાયઃ તેની ઉપેક્ષા થઇ ન શકે અને તેનાથી પ્રભાવિત થયા વિના રહી ન શકાય. કોઇ પણ શહેરનો વિકાસ થયો છે કે નહીં, તેની અધરસ્તે થતી ચર્ચા ફ્‌લાયઓવર આવતાં સુધી જ ચાલુ રહે છે. એક વાર ફ્‌લાયઓવર દેખાય એટલે સૌ ચર્ચકો માની લે છે કે કહો ના કહો, પણ શહેર, રાજ્યનો અને સમગ્રતયા દેશનો વિકાસ થયો છે.
પુરાણકથામાં ત્રિશંકુની વાત આવતી હતી, જે જમીન પર નહીં ને આકાશમાં પણ નહીં, એમ અધવચ્ચે લટકતો હતો. ‘આપણાં પુરાણોમાં બઘું શોધાઇ ગયેલું હતું’ એવી ખાતરી ધરાવતા લોકો દાવાપૂર્વક કહી શકે કે ત્રિશંકુ ખરેખર જમીન અને આકાશની વચ્ચે, કોઇ ફ્‌લાયઓવર પર રહેતો હશે.

‘ફ્‌લાયઓવર’ શબ્દ પહેલી વાર સાંભળતી વખતે વિચાર આવે કે વાહનો તેની ઉપર જઇને સીધાં ટેક ઓફ કરી લેતાં હશે-ગગનગામી થઇ જતાં હશે? એવું ન હોત તો તેનું નામ ‘ફ્‌લાયઓવર’ને બદલે ‘ડ્રાઇવઓવર’ જેવું કંઇક ન હોત? મરાઠી પાટિયાંમાં તેને બાકાયદા ‘ઉડ્ડણપુલ’ તરીકે ઓળખવામાં આવે છે, તે કદાચ એ કારણે હશે કે ફ્‌લાયઓવર પર ઘણાં વાહનો ઊડું ઊડું થઇ જાય એટલી ઝડપે ચાલે છે.

કેટલાંક વાહનો થોડી સેકંડ માટે હવામાં ઉંચકાતાં પણ લાગે, તેમાં એરોડાયનેમિક્સની નહીં, ફ્‌લાયઓવર પર આવતા ખાડાટેકરાની કમાલ હોય છે. હા, ફ્‌લાયઓવર ભલે ગાલ પરના તલ જેવા લાગે, પણ તેની પરના રસ્તા ‘હેમામાલિનીની ગાલ જેવા’ (સૌજન્યઃ લાલુપ્રસાદ યાદવ) હોતા નથી.આઠ-દસ મોટા ટુકડામાં વહેંચાયેલા તેના રસ્તામાં બે ટુકડા વચ્ચે સાંધો આવે ત્યારે એટલા જોરથી આંચકો લાગે છે કે વિકાસની સુખતંદ્રામાં ખોવાઇ ગયેલો વાહનચાલક ઝબકીને જાગી જાય.

ફ્‌લાયઓવર બીજી રીતે પણ વિકાસના વાતાવરણને અનુરૂપ બની રહે છેઃ તેની પરથી પસાર થનારને અકારણ નીચેના જગતથી પર અને ઉપર હોવાનો ભાવ જાગે છે. નીચેનાં ગમે તેવાં અકળાવનારાં દૃશ્યો- ગીચ ટ્રાફિક, બેફામ ઝડપે ચાલતાં વાહનો, લડાઇઝઘડા- આ બઘું ઉપર ઉભા રહીને જોતાં જોવાલાયક અને રમણીય લાગવા માંડે છે. વિમાનમાંથી નીચેનું દૃશ્ય કેવું લાગતું હશે તેનો થોડોઘણો અહેસાસ, વિમાનની મુસાફરી ન પોસાતી હોય એવા નાગરિકો ફ્‌લાયઓવર પરથી મેળવી શકે છે. એ જોતાં, ફ્‌લાયઓવરનું ગુજરાતી ‘વિમાનમાર્ગ’ કરીને નાગરિકોના સુખાભાસમાં વધારો કરવાનું હજુ સુધી સરકારશ્રીને સૂઝ્‌યું નથી, એ નવાઇની વાત છે.

ફ્‌લાયઓવરની સંસ્કૃતિ નવી હોવાથી તેના વિશે સાહિત્યમાં ખેડાણ થવાનું બાકી છે. ફ્‌લાયઓવર પરથી પસાર થતા વાહનચાલકનું તેની સમાંતરે આવેલા ત્રીજા માળના ફ્‌લેટની બારીમાં ઉભેલી સુંદરી સાથે તારામૈત્રક રચાયું, એની કશ્મકશભરી કથાઓ કે કમનીય કવિતાઓ હજુ રચાવી બાકી છે. વિદ્રોહી કવિઓને ઠેરઠેર ઉભા થયેલા ફ્‌લાયઓવર જોઇને ‘રસ્તાએ ફેણ ચડાવી’ કે ‘રસ્તાએ માથું ઊંચક્યું’ એવી કોઇ ઉપમા સૂઝી શકે છે. ચિંતકો ‘જે ઉપર ચડે છે તેનું નીચે આવવાનું નક્કી છે’ એવું બ્રહ્મજ્ઞાન ફ્‌લાયઓવરના હવાલાથી આપી શકે છે. લલિત નિબંધકારો રસ્તા કરતાં થોડી વધુ ઊંચાઇ પર આવેલા ફ્‌લાયઓવર પરથી આકાશ અને ચંદ્ર કેટલો વધારે નજીક દેખાય છે, તેનું પ્રકૃતિવર્ણન કરી શકે છે.

ફ્‌લાયઓવર અને બ્રિજ વચ્ચે શો ફરક, એવો તાત્ત્વિક સવાલ કોઇને થઇ શકે. દેખાવમાં બન્ને સરખા લાગતા હોય, તો પણ તેમની વચ્ચે મહાત્મા ગાંધી અને ઇંદિરા ગાંધી જેટલો ફરક છે. સાદો પુલ વાહન ન હોય એવા લોકો માટે પણ કામનો છે. તે રાહદારીઓ માટે ‘ફરવાલાયક સ્થળ’ બની શકે છે. ઘણા ઠેકાણે પુલ પર હવાખોરીની આખી સંસ્કૃતિ ઉભી થઇ છે, જ્યાં સાંજ પડ્યે લોકોનાં ટોળાં બરફના ગોળા, સિંગચણા, મકાઇ કે કંઇ નહીં તો ઠંડી હવા સુદ્ધાં ખાઇ શકે છે. આઘુનિક શહેરી જીવનમાંથી મેળા રહ્યા નથી, પણ ગૌરીવ્રત જેવા ઘણા તહેવારોમાં પુલ પર મેળો ભરાયો હોય એવું વાતાવરણ સર્જાય છે.

તેમની સરખામણીમાં વિકાસયુગના પ્રતીક જેવા ફ્‌લાયઓવર ‘ફાલતુ લોકો’ના મનોરંજન જેવાં ફાલતુ કામ માટે વપરાતા નથી. તેને બનવામાં કેટલો બધો વિલંબ થાય છે, વિલંબને કારણે તેનું મૂળ બજેટ કેટલા ગણું વધી જાય છે, છાપાંમાં તેની કેટલી ટીકા થાય છે, વહીવટી તંત્ર પર કેટલી પસ્તાળ પડે છે, આખા પ્રોજેક્ટમાં કેટલો ‘વહીવટ’ થઇ જાય છે, એક વાર એ તૈયાર થઇ જાય ત્યાર પછી પણ તેને ચાલુ થવા માટે કોઇ કાતરબાજ ઉદ્‌ઘાટકની રાહ જોવી પડે છે...

આટઆટલું વેઠીને તૈયાર થયેલા ફ્‌લાયઓવર ગરીબ લોકો માટે મફત હવા ખાવાનું સ્થળ બને તો, ઘૂળ પડી એ ફ્‌લાયઓવરમાં ને ઘૂળ પડી એ વિકાસમાં.

Wednesday, March 23, 2011

ભાજીપાંઉના ભેદભરમ

સેલફોન આવતાં પહેલાં જીવન ચાલતું જ હતું, પણ હવે એના વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ભોજનમાં એવું સ્થાન ભાજીપાંઉ ઉર્ફે પાંઉભાજીનું છે.

આ વાનગીનું ખરું નામ શું? એ મુદ્દા સાથે વાનગીવિશ્વથી માંડીને સ્ત્રીજાગૃતિ જેવા ગંભીર મુદ્દા સંકળાયેલા છે. નારીગૌરવના આગ્રહીઓ માને છે કે તેનું નામ ભાજીપાંઉ છે અને એ ન હોય તો પણ એમ જ હોવું જોઇએ. સીધી વાત છે : નારી જાતિ તરીકે ભાજી પહેલાં અને પાંઉનો નંબર પાછળ આવે. પરંતુ જાગ્રતોનાં દરેક મંડળની જેમ આ મંડળમાં પણ બીજી છાવણી છે. તે એવું માને છે કે વાનગીનું નામ ‘ભાજીપાંઉ’ ધોળા ધરમે પણ ન ખપે. ‘આ તો એનું એ જ થયું : ફલાણાબેન ઢીકણાભાઇ! પાછળ હંમેશાં પુરૂષોનું જ નામ આવે એવું કોણે કહ્યું? સ્ત્રીઓનું નામ કેમ નહીં? અમે તો એને પાંઉભાજી જ કહીશું? તેમાંથી મસાલાની સાથોસાથ નારીજાગૃતિની પણ સોડમ આવે છે.’

ખાણીપીણીના પ્રેમીઓ પોતાનો તર્ક લડાવતાં કહે છે,‘પાંઉની બધી વાનગીઓનાં નામમાં પાંઉ બીજા નંબરે જ હોય. વડાપાંઉ, મિસળપાંઉ...એ જ રીતે, ભાજીપાંઉ. ક્યૂઇડી.’ સ્વદેશી વ્રતના આગ્રહીઓ દૃઢપણે માને છે કે પાંઉ ઉર્ફે ડબલરોટી વિદેશી વાનગી છે. તેનું નામ આગળ રાખીને એનો મહિમા વધારવાની શી જરૂર?

પરંતુ આ ચર્ચામાં પડવાને બદલે ‘મૂકો પંચાત ને લાવો એક પ્લેટ ભાજીપાંઉ - પાંઉભાજી’ એવું માનનારો-કહેનારો વર્ગ બહુમતિમાં છે. સામે પ્લેટમાં વરાળ નીકળતી ભાજી પડી હોય, બાજુમાં (ભાવ ૮૦ રૂપિયે કિલો ન હોય એ સંજોગોમાં) ઝીણા સમારેલા કાંદા, તેને પોતાના રસથી ભીંજવવા આતુર લીંબુની ચીરી અને ગરમાગરમ પાંઉ- ત્યારે, મેનકાને જોઇને તપોભંગ થયેલા વિશ્વામિત્રની જેમ, સાચું નામ શોધવાની તપશ્ચર્યા ફગાવીને ભાજીપાંઉમય થઇ જવું એ માનવસહજ પ્રતિક્રિયા હોય છે.

ભાજીપાંઉ ભોજન કહેવાય કે નાસ્તો, એ બીજો ગરમાગરમ સવાલ છે. કાયદાના અમલની જેમ આ સવાલનો જવાબ પણ માણસે માણસે બદલાતો રહે છે. ‘દાળભાત વિના જમ્યાનો સંતોષ ન થાય’ એવું માનનારો વર્ગ ભાજીપાંઉને ભોજનનો દરજ્જો આપવા કબૂલ થતો નથી. ‘ભાજીપાઉં જેવી પરચૂરણ ચીજને આવડું મોટું માન કેવી રીતે આપી દેવાય?’ એવી તેમની લાગણી હોય છે. પરંતુ, કેટલાક આસ્તિક ન હોય એવા લોકા પ્રેમવશ-સ્વાદવશ બોલી ઉઠે છે,‘આપણને ભાજીપાંઉ મળ્યા એટલે ભગવાન મળ્યા.’ (આવા લોકોને ભગવાન મળે ત્યારે ભાજીપાંઉ મળ્યા જેવું લાગતું હશે?) ભગવાનની જેમ ભાજીપાંઉનાં પણ તેના ભક્તો માટે અનેક સ્વરૂપ હોઇ શકે છે, પણ સ્વરૂપ બદલાવાથી ભક્તિની તીવ્રતામાં ફરક પડતો નથી. ભાજીપાંઉ આગલી સાંજનાં વધેલાં હોય તો પણ વાંધો નહીં. પાંઉ (બન) ખલાસ થઇ જતાં બ્રેડ કે બ્રેડ ન હોય તો ભાખરી સાથે પણ ભાજી ખાઇને ભાજીપાંઉની અનુભૂતિ કરી શકાય. કેટલીક વાર ભાજી ખલાસ થઇ જાય અને ફક્ત પાંઉ વધે તો બીજા દિવસે ‘ભાજી જેવું’ શાક બનાવીને પણ ભાજીપાંઉ ખાધાનો આનંદયુક્ત સંતોષ પણ માણનારા માણે છે.

બધાની ભાજીપાંઉભક્તિ જોકે આટલી ઊંચાઇએ પહોંચી શકતી નથી. કેટલાક લોકો ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ની જેમ, બીજું કશું કરી શકતા નથી, પણ ભાજીપાંઉમાંથી ખામીઓ શોઘ્યે રાખે છે. જમતાં જમતાં ખામીઓ વર્ણવવાનું કે ભૂલો કાઢતાં કાઢતાં ઝાપટવાનું ચાલુ રાખે છે. ‘ભાજીપાંઉ? ઠીક છે હવે. લાવો, બનાવ્યાં છે તો ખાઇ કાઢીએ’ એ ભૂમિકાથી તેમની વાતનો આરંભ થાય છે. ત્યાર પછી ભાજીમાં વિવિધ શાકભાજીનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, તેમને સદંતર કચડીને ‘સમરસ’ કરી નાખવાં જોઇએ કે થોડા ટુકડા આખા આવે એ રીતે રહેવા દેવાં જોઇએ, તેમાં લસણની પેસ્ટનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, લાલ અને લીલા મરચાનો ગુણોત્તર શો હોવો જોઇએ- તેના આદર્શો વર્ણવીને, પોતાને મળેલાં ભાજીપાંઉ આ એક પણ કસોટીમાંથી પાર ઉતરતાં નથી, એવો તેમનો છૂપો સંદેશ હોય છે. સાથોસાથ, પોતે ભાજીપાંઉના દુશ્મન નથી, પણ આ કેવળ ગુણાત્મક ટીકા છે એવું સિદ્ધ કરવા માટે તે ‘મુંબઇની એક ગલી’ કે ‘અમદાવાદની એક લારી’ પર મળતાં અદ્‌ભૂત ભાજીપાંઉને યાદ કરે છે અને ભાજીની છેલ્લી ચમચી કે પાંઉના છેલ્લા બટકા સાથે ‘એક વાર હું તમને લઇ જઇશ’ એવું વચન આપીને હાથ ધોઇ નાખે છે.

પાણીપુરીની જેમ ભાજીપાંઉ પણ એવી વાનગી છે કે એ ન ભાવવા માટે આઇસીપીસીમાં હજુ સુધી કોઇ કલમની જોગવાઇ કેમ થઇ નથી? એવો વિચાર આવી શકે. કેટલાકનો ભાજીપાંઉપ્રેમ જોઇને એવું લાગે કે એમનું ચાલે તો ભાજીપાંઉનું નામ સાંભળીને મોં બગાડનારા કે ‘મને એ ભાવતાં નથી’ એવું કહેનારા સામે તે રાજદ્રોહનો ગુનો લગાડે.

શરણાઇ અને સારંગી જેવાં નીચી નજરે જોવાતાં વાદ્યોને જેમ કેટલાક મહાન શાસ્ત્રીય વાદકોએ પોતાની કળા દ્વારા મોભો અને દરજ્જો આપ્યાં, એ જ રીતે ‘લારીની આઇટેમ’ ગણાતાં ભાજીપાંઉને કેટલાક રેસ્ટરાંવાળાએ સ્વાદથી તો મોટા ભાગનાએ તેની ઊંચી કિમત રાખીને, તેમાં ‘જૈન’ જેવા પેટાપ્રકાર ઉમેરીને, મોભો-દરજ્જો આપ્યાં. અમુકતમુક જગ્યાનાં ભાજીપાંઉ ખાવા માટે લોકો ભીડ કરવા લાગ્યા અને ત્યાં ભાજીપાંઉ ખાવામાં, જગજિતસિઘ-ગુલામઅલીના પ્રોગ્રામમાં હાજરી આપ્યા જેવી પ્રતિષ્ઠા અનુભવવા લાગ્યા. ત્યારથી ભાજીપાંઉમાં ઉપરછલ્લી ટાપટીપની બોલબાલા થઇ છે.

રેસ્ટોરાંમાં જઇને ભાજીપાંઉનો ઓર્ડર આપનારા સમક્ષ તરત બે વિકલ્પ મૂકવામાં આવે છેઃ તેલમાં કે બટરમાં? આ સવાલના જવાબ પર અનેક પરિબળો અસર કરી શકે છે. ધારો કે ઓર્ડર આપનાર પુરુષની સાથે સ્ત્રીમિત્ર હોય તો તે ‘બટરમાં’ કહે છે અને સાથે પત્ની હોય તો ‘એમાં શું પૂછવાનું? તેલમાં જ હોય ને’ એવા હાવભાવ સાથે કહે છે, ‘તેલમાં.’ આરોગ્ય પ્રત્યે સભાન અને શ્વાસમાં જતી હવાની પણ કેલરી માપે એવા લોકો તેલનો વિકલ્પ પસંદ કરે છે અને ‘તેલ પણ એકદમ ઓછું.’ એવું કહે છે. ત્યારે ઓર્ડર લેનારથી વિવેક તજીને એવું કહી શકાતું નથી કે ‘આરોગ્યની આટલી ચિતા હોય તો ઘરે બેસીને બાફેલાં શાક ખાતાં શું થાય છે? અને કેલરી બાળવી હોય તો રેસ્ટોરાંવાળાનું લોહી શું કરવા પીઓ છો?’

રેસ્ટોરાંવાળા પણ આ પ્રકારના અનુભવોથી રીઢા થઇ ચૂક્યા હોવાથી, ગ્રાહકોની મરજી પૂછીને પોતાનું ધાર્યું કરતી કંપનીઓની જેમ, તે ભાજી તો જેવી બનતી હોય તેવી જ બનાવે છે. ભારે વિચાર કરીને, સરહદકરાર કરવાના હોય એવી ઝીણી ઝીણી વિગતો નાખીને ઓર્ડર આપનાર ગ્રાહક ભાજીમાં તરતું તેલ જોઇને કકળાટ કરવાનો પ્રયાસ કરે અને ‘મેં ઓછું તેલ નહોતું કહ્યું?’ એવું યાદ અપાવે, ત્યારે વેઇટર કરુણામય સ્મિત સાથે કહે છે,‘આ ઓછું જ તેલ છે સાહેબ. બાકી, અમારે ત્યાં ભાજીમાં તેલ નહીં, તેલમાં ભાજી હોય છે.’

ભાજીપાંઉની ભાજીમાં કાજુના ટુકડા નાખવા, ઉપર બટરના લચકા મુકવા - આ બધી ચેષ્ટાઓ ભાજીપાંઉ વિશે અને તેના ખાનાર વિશે બનાવનારનો અભિપ્રાય સૂચવે છે. અભિપ્રાય કંઇક આવો હોય છેઃ ‘એકલી ભાજીની વેલ્યુ કેટલી? એ તો શાક જેવી લાગે. તેને પાંઉભાજીની ભાજી બનાવવા માટે કાજુ અને બટર જેવી સમૃદ્ધિસૂચક ચીજો નાખવી પડે.’ અથવા ‘ભાજીપાંઉ ખાનારાને સીધીસાદી ભાજી આપીશું તો એ ભાવ જોઇને ઉછળશે, પણ કાજુ, બટર જેવી ચીજો જોઇને તેને બિલ ચૂકવતાં ખચકાટ નહીં થાય. હવે સ્વાદ જોઇને બિલ ચૂકવે એવા માણસો ક્યાં રહ્યા છે?’

‘રેસ્ટોરાં જેવું બનાવતાં તો મને પણ આવડે’ એવું માનતી અને બીજાને મનાવવા ઉત્સુક રહેતી ગૃહિણીઓ માટે પાંઉભાજી સનાતન પડકાર બની રહે છે. પત્નીની પાકકળા વિશે નાપાક વિચારો ધરાવતા પતિદેવો કહે છે,‘પાંઉભાજીમાં શું બનાવવાનું? પચાસ ટકા (એટલે કે પાંઉ શેકતાં) તો મને પણ આવડે છે. બાકી રહ્યા પચાસ ટકા. એમાં બઘું શાક ભેગું કરીને, કચડીને મસાલો કરી દીધો એટલે થયું. પણ ફલાણી રેસ્ટોરાં જેવી ભાજી આપણે ઘેર કેમ બનતી નથી?’

ચબરાક પત્ની ક્યારેક રેસ્ટોરાંમાંથી ખાનગી રાહે ભાજી મંગાવીને, ઘરના તાંસળામાં ગરમ કરીને પતિને પીરસે ત્યારે પશ્ચાદ્‌વર્તી અસરથી સ્પષ્ટ થઇ જાય છે કે પતિનો અભિપ્રાય ભાજી વિશેનો હતો કે પત્નીની રસોઇકળા વિશેનો.

Tuesday, March 22, 2011

જાપાની અણુકટોકટીની આંટીધૂંટી

જાપાનમાં ધરતીકંપ અને ત્સુનામી પછી કુદરતી તબાહીને વિસારે પાડી દે એવો ખતરો તેના ફુકુશિમા અણુવિદ્યુતમથક તરફથી પેદા થયો છે. મથકનાં છમાંથી ચાર રીએક્ટરમાં અકસ્માતોની હારમાળા દરમિયાન નક્કર વિગતો ઓછી અને ભયજનક ચેતવણીઓ વધારે પ્રમાણમાં સાંભળવા મળી. ગયા અઠવાડિયે બી.બી.સી.ના નામે એક સમાચાર એવા પણ ચાલ્યા કે ‘કિરણોત્સર્ગની અસર ફિલિપાઇન્સ સુધી પહોંચી છે અને એશિયાના બધા દેશોએ સાચવવાનું છે.’ આ સમાચારને ઘણાએ ‘ફોરવર્ડ’ જનજાગૃતિના ભાગરૂપે ફોરવર્ડ પણ કર્યા. પાછળથી ખુલાસો થયો કે એ ગપગોળો હતો.

અણુશક્તિનું નામ આવે એટલે જાપાન પર પડેલા અણુબોમ્બ અને ચેર્નોબિલ (રશિયા)ના અણુમથકમાં થયેલી ભયાનક દુર્ઘટના- આ બન્ને લોકોના મનમાં સૌથી ઉપર તરી આવે છે. તેને કારણે પૂરી વિગત જાણ્યા વિના ગભરાટનું વાતાવરણ ફેલાય છે. જાપાનના અણુમથકમાં સર્જાયેલા સંજોગો ભારે ચિંતાજનક હોવાનું ખુદ જાપાન સરકાર અને તેના શહેનશાહ સુદ્ધાં જાહેર કરી ચૂક્યા છે. આ લખાણ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સુધરી કે વઘુ બગડી શકે છે. ઉચાટ અને ઉત્તેજનાના વાતાવરણમાં મૂળભૂત હકીકતો અને માહિતી સમજવાનું જરૂરી બની જાય છે. ભારતમાં પણ કુલ ૨૦ અણુવિદ્યુતમથકો કાર્યરત છે (તેમાંથી બે જ ફુકુશિમામાં હતાં એ પ્રકારનાં છે) ત્યારે જાપાનમાં જે થયું તે કેમ થયું અને ખરેખર ત્યાં શું થયું હશે, એની મુદ્દાસર માહિતી.

ધરતીકંપનું જોખમ હોવા છતાં જાપાન અણુશક્તિમાંથી વીજળી પેદા કરવાનાં મથકો શા માટે સ્થાપે છે?

વિકસિત ગણાતા જાપાનને ઉર્જાની જરૂરિયાતો માટે આયાતી માલ પર આધાર રાખવો પડે છે. કોલસો કે પેટ્રોલિયમ જેવો વીજઉત્પાદન માટેનો કાચો માલ જાપાન પાસે નથી. એટલે જાપાની સરકારે ૧૯૭૩થી અણુશક્તિને પ્રાથમિકતા આપી છે. વર્લ્ડ ન્યુક્લીયર એસોસિએશનના આંકડા પ્રમાણે, જાપાનમાં ૫૪ રીએક્ટરો કાર્યરત છે, જે દેશની કુલ વીજળીમાંથી ૩૦ ટકા હિસ્સો પેદા કરે છે. ૨૦૧૭ સુધીમાં આ હિસ્સો વધારીને ૪૧ ટકા સુધી લઇ જવાનું પણ આયોજન જાહેર થયેલું છે. અણુશક્તિથી વીજઉત્પાદનમાં અમેરિકા અને ફ્રાન્સ પછી જાપાનનો ત્રીજો નંબર આવે છે.

ભૌગોલિક પરિસ્થિતિને કારણે સતત માથે તોળાતા ધરતીકંપના જોખમને ઘ્યાનમાં રાખીને અણુવીજમથકોમાં વધારાની સલામતીનાં શક્ય એટલાં પગલાં લેવામાં આવ્યાં છે. ખરું પૂછો તો, ફુકુશિમા મથકનાં રિએક્ટરો ૮.૯ રિક્ટર ધરતીકંપનો આંચકો તો ખમી ગયાં હતાં. ત્યાર પછી આવેલાં ત્સુનામીનાં તોતંિગ મોજાંએ અણુમથકની લોખંડી સલામતી વ્યવસ્થામાં ભંગાણ પાડ્યું.


ત્સુનામી પછી અણુવીજમથકમાં શું બન્યું?

ધરતીકંપને પગલે રીએક્ટરની કામગીરી આપમેળે બંધ થઇ અને તેમાં રહેલા બળતણનું તાપમાન કાબૂમાં રાખવાનું - કૂલિંગનું- કામ પમ્પ વડે બરાબર થતું હતું. ધરતીકંપ પછી વીજપુરવઠાની સામાન્ય વ્યવસ્થા ખોરવાઇ. છતાં, પ્લાન્ટમાં બેક અપ તરીકે રહેલાં જનરેટરથી કૂલિંગ પમ્પ ચાલુ રહ્યા. ત્સુનામી આવ્યું ત્યારે તેનાં મોજાં પ્લાન્ટમાં ધસી ગયાં અને તેમણે પમ્પ ચલાવી રહેલાં જનરેટરને ખોરવી નાખ્યાં. ત્યાર પછી છેલ્લા ઉપાય તરીકે ઇમરજન્સી બેટરી પાવરથી કૂલિંગ પમ્પ ચાલ્યા. આઠ કલાકે બેટરીનો પણ છેડો આવ્યો. એ સાથે જ બેહદ જરૂરી ગણાય એવી કૂલિંગની પ્રક્રિયા ખોટકાઇ અને ખતરાનાં મંડાણ થયાં.
કૂલિંગની પ્રક્રિયાનું મહત્ત્વ જાણતાં પહેલાં આખા વીજમથક રચના ટૂંકમાં જાણવી રહી.


અણુવીજમથકમાં કેવી રીતે વીજળી પેદા થાય છે?

ફુકુશિમા ખાતે ભંગાણનો ભોગ બનેલાં અણુરીએક્ટર ‘બોઇલિંગ વોટર રીએક્ટર’ પ્રકારનાં છે. આ રીએક્ટરના ‘કોર’ તરીકે ઓળખાતા કેન્દ્રીય હિસ્સામાં અણુવિખંડન/ફિશનની પ્રક્રિયા ચાલે છે. ‘કોર’ વિભાગમાં ઝિર્કોનિયમ ધાતુના સેંકડો સિલબંધ નળાકાર હોય છે. તે મૂળભૂત બળતણ જેવી યુરેનિયમની ટીકડીઓ ધરાવે છે. (કામ પ્રમાણે નામ ધરાવતા ઝિર્કોનિયમના આ નળાકાર ‘ફ્‌યુલ રોડ’ કહેવાય છે.)

યુરેનિયમના અણુ પર ન્યૂટ્રોનનો મારો થતાં તે ભાંગીને હળવા અણુઓમાં ફેરવાય છે. તેની સાથે કેટલાક વઘુ ન્યૂટ્રોન અને ગરમી પેદા થાય છે. નવા પેદા થયેલા ન્યૂટ્રોન યુરેનિયમના બીજા અણુ સાથે ટકરાઇને તેમને ભાંગે છે. એટલે વઘુ ઉર્જા, વઘુ હળવા અણુઓ. આમ, પેદા થતા ન્યૂટ્રોન યુરેનિયમના અણુને ભાંગે અને એ વિખંડનમાંથી બીજા ન્યુટ્રોન પેદા થાય, એવું ‘ચેઇન રીએક્શન’ ગોઠવાઇ જાય છે. તેની સાથે ગરમી પેદા થાય છે. ન્યુટ્રોનની ‘વસ્તી’ એક હદથી વધી ન જાય એ માટે રીએક્ટરમાં ‘ફ્‌યુલ રોડ’ની સાથોસાથ ‘કન્ટ્રોલ રોડ’ પણ રાખવામાં આવે છે. બોરોનના બનેલા આ નળાકાર ન્યુટ્રોનને શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે.

અણુવિખંડનને લીધે ગરમાગરમ બનેલા ‘કોર’ હિસ્સામાંથી શુદ્ધ પાણી પસાર કરતાં તે વરાળમાં ફેરવાય છે. વરાળ અને પાણીના મિશ્રણમાંથી પાણીને અલગ પાડીને, વરાળને ટર્બાઇન ભણી રવાના કરવામાં આવે છે. વરાળના જોરથી ટર્બાઇન ફરે છે. તેને કારણે જનરેટરમાંથી વીજળી પેદા થાય છે. ટર્બાઇન વિભાગમાં વધેલી વરાળને કન્ડેન્સરમાં ઠારતાં શુદ્ધ પાણી બને છે, જેને ફરી રીએક્ટરમાં મોકલવામાં આવે છે.


જોખમી રીએક્ટરમાં સલામતી માટે કેવી વ્યવસ્થા હોય છે?

રીએક્ટરમાં યુરેનિયમના વિખંડનથી બનતા હળવા અણુઓ વિકિરણોના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. જોખમી વિકિરણોનો ઉત્સર્ગ કરતા આ કિરણોત્સર્ગી અણુઓને લીધે રીએક્ટર અત્યંત જોખમી અને સંવેદનશીલ બને છે.
ધારો કે બળતણ ધરાવતા ‘કોર’ હિસ્સામાં ગરબડ કે અકસ્માત થાય તો? કિરણોત્સર્ગી પદાર્થોમાંથી વિકિરણો તેમની ઘાતક અસરો સાથે બહાર પ્રસરે. આ શક્યતા નિવારવા માટે પહેલું મજબૂત આવરણ રીએક્ટરના ‘કોર’ હિસ્સાની ફરતે ઉભું કરવામાં આવે છે. બેવડી સલામતી માટે આખેઆખા પહેલા આવરણને અને તેની આજુબાજુ રહેલી પમ્પ, પાઇપ જેવી સામગ્રીને આવરી લેતું બીજું આવરણ બનાવવામાં આવે છે.

આમ, યુરેનિયમની ટીકડીઓના મુખ્ય બળતણની ફરતે ત્રણ આવરણ થાય છેઃ પહેલું ઝિર્કોનિયમનું, બીજું ફ્‌યુલ રોડની બનેલી ‘કોર’ની ફરતે અને ત્રીજું સમગ્ર રચનાને સમાવી લેતું. આટઆટલી સાવચેતી છતાં, ફુકુશિમા જેવો અકસ્માત બને છે અને આવરણોની ‘ફુલપ્રૂફ’ મનાતી સલામતી સામે પ્રશ્રાર્થ ઉભા કરે છે. ફુકુશિમાની મુસીબતોનું મૂળ કારણ હતું: ખોટકાયેલું કૂલિંગ.

આખી વાતમાં ‘કૂલિંગ’ જેવી સીધીસાદી લાગતી પ્રક્રિયાનું શું મહત્ત્વ છે?

રીએક્ટરના હૃદય જેવા ‘કોર’ હિસ્સામાં અણુવિખંડન ચાલુ હોય ત્યારે પુષ્કળ ગરમી પેદા થાય છે. સાથોસાથ, વિખંડનને કારણે ઉદ્‌ભવતા કિરણોત્સર્ગી પદાર્થોમાંથી વિકિરણ નીકળતાં હોવાથી, ગરમી પેદા થાય છે. આ ગરમી વિખંડનની પ્રક્રિયા અટક્યા પછી પણ એકદમ ઓસરી જતી નથી. જ્યાં સુધી કિરણોત્સર્ગી પદાર્થમાંથી વિકિરણો નીકળવાનાં ચાલુ રહે ત્યાં સુધી ‘રેસિડ્યુઅલ હીટ’ તરીકે ઓળખાતી એ ગરમી ઓસરતી નથી. વિખંડન બંધ થયા પછી ‘રેસિડ્યુઅલ હીટ’ને કારણે વધેલું તાપમાન ફ્‌યુલ રોડને નુકસાન ન કરે, એ માટે ફ્‌યુલ રોડની ફરતે કૂલિંગ પમ્પથી સતત પાણી ફેરવવામાં આવે છે અને તેમને પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. અણુબળતણ ધરાવતા ફ્‌યુલ રોડને અકબંધ અને સહીસલામત રાખવા માટે એ બેહદ જરૂરી છે. વિખંડન બંધ થયા પછી તાપમાન અને દબાણ કાબૂમાં રહે તો જ ફ્‌યુલ રોડ સલામત અને ફ્‌યુલ રોડ અકબંધ, તો જ વિકિરણોનો ખતરો ઉભો ન થાય.


ફુકુશિમા ખાતે શું બન્યું?

ધરતીકંપ પછી તરત ફુકુશિમા રીએક્ટરના ‘કોર’ હિસ્સામાં કન્ટ્રોલ રોડ ગોઠવીને વિખંડનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી. પરંતુ રેસિડ્યુઅલ હીટ તરીકે ઓળખાતી ગરમીને કેવી રીતે ટાઢી પાડવી? આગળ જોયું તેમ, કૂલિંગ પમ્પ બંધ થઇ ગયા. બહારથી બીજાં જનરેટર લાવીને ઉપલબ્ધ કૂલિંગ સીસ્ટમમાંથી જેટલી કામ કરતી હોય તેના દ્વારા પાણી ફેરવીને, ગરમી ઘટાડવાનો પ્રયાસ થયો. પણ એ અપૂરતો નીવડ્યો. કૂલિંગની અપૂરતી માત્રાને કારણે દાખલ કરવામાં આવતું પાણી વરાળ બની જતું હતું અને વરાળને કારણે આંતરિક દબાણ વધતું હતું. રીએક્ટરના ‘કોર’ હિસ્સામાં વરાળનું અને બીજા વાયુઓનું દબાણ સતત વધતું રહે તો ઓર મુસીબત. એટલે વરાળ અને બીજા વાયુઓમાં ઓછેવત્તે અંશે વિકિરણોની માત્રા હોવા છતાં, તેમને બહાર છોડવાનું શરૂ કરવું પડ્યું.

ગરમી ઘટાડવાના તમામ પ્રયાસ છતાં કોર હિસ્સામાં તાપમાન હદ વટાવી ગયું - અને એક અનુમાન પ્રમાણે, પાણીનું સ્તર એટલું ઘટી ગયું કે ફ્‌યુલ રોડ પાણીમાં ડૂબેલા ન રહ્યા. એ વખતે ફ્‌યુલ રોડની ઝીર્કોનિયમ ધાતુની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં વિસ્ફોટક એવો હાઇડ્રોજન વાયુ પેદા થયો. વરાળને બહાર કાઢવાની પ્રક્રિયા/વેન્ટિંગ વખતે એક તબક્કે હાઇડ્રોજન વાયુ પણ બહાર નીકળ્યો અને વિસ્ફોટ થયો. યાદ રહે કે એ વિસ્ફોટ રીએક્ટરના કોર હિસ્સામાં નહીં, પણ તેનાં સુરક્ષા આવરણોની બહારના ભાગમાં થયો હતો.

બીજી તરફ, ‘કોર’માં તાપમાન કાબૂમાં ન આવતાં, ઝિર્કોનિયમના ફ્‌યુલ રોડ ખોરવાવા લાગ્યા અને વિખંડનના પરિણામે અસ્તિત્ત્વમાં આવેલા કિરણોત્સર્ગી સીસીયમ અને આયોડિન બહાર છોડવામાં આવતી વરાળમાં ભળવા લાગ્યા.


ભયાનક સંભાવના

વીજમથકની આજુબાજુમાંથી વિકિરણોનું ઊંચું પ્રમાણ નોંધાયું ત્યાર પહેલાં તેની આસપાસના ૨૦ કિલોમીટરના વિસ્તારમાંથી વસ્તીનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પરંતુ આ લખાય છે ત્યારે તોળાતો સૌથી મોટો ખતરો ‘મેલ્ટ ડાઉન’ની શક્યતાનો છે. ‘કોર’ હિસ્સાની ગરમી ન ઘટે તો એ ગરમીને કારણે ફ્‌યૂલ રોડ ઓગળવા લાગે. સરવાળે અણુબળતણ અને વિખંડનથી પેદા થેયલા કિરણોત્સર્ગી પદાર્થો સહિતનો ઓગળેલો રગડો તમામ રક્ષણાત્મક આવરણો તોડીને બહાર ખુલ્લામાં આવે. એ સાથે જ વિકિરણો હવામાં ભળે અને તેનો આતંક બહુ મોટા વિસ્તારમાં ફેલાય.

આ સંભાવના નિવારવાના પ્રયાસરૂપે હેલિકોપ્ટર દ્વારા બે રીએક્ટર બિલ્ડિંગ પર પાણીનો મારો કરવા સુધીના ઉપાયો અજમાવાયા છે. કારણ કે કિરણોત્સર્ગની બીકે માણસો એક હદથી વધારે નજીક જઇ શકે એમ નથી. હેલિકોપ્ટરને પણ ૧ હજાર ફીટ ઊંચે રાખવું પડે છે. દર ફેરે હેલિકોપ્ટર સાડા સાત ટન પાણીનો મારો કરે છે. બીજાં બે રીએક્ટરોમાં બોરોનયુક્ત દરિયાનું પાણી દાખલ કરીને તેના કોર હિસ્સાને ટાઢો પાડવાની અને ન્યૂટ્રોનને શોષવાની કોશિશ જારી છે.

સફળતાની આશા અને નિષ્ફળતાની ભીતિ સાથે થઇ રહેલા આ પ્રયાસો અણુશક્તિની સુરક્ષા વિશે ઘણા નવા બોધપાઠો શીખવાડી રહ્યા છે, એમાં બેમત નથી.

Sunday, March 20, 2011

ત્સુનામી ઉર્ફે સમુદ્રકંપ : પેટાળની ઉથલપાથલનું પ્રલયકારી પરિણામ


ત્સુનામી અને જાપાન વચ્ચે કેવો નાળસંબંધ છે તેનું સૌથી દેખીતું ઉદાહરણઃ દરિયાના પેટાળમાં ધરતીકંપ થાય, ત્યારે ઉછળતાં વિનાશક મોજાં માટે ‘ઇન્ટરનેશનલ’ ગણાતી અંગ્રેજી ભાષામાં કોઇ શબ્દ નથી. એટલે, બે જાપાની શબ્દો ‘ત્સુ’ (બંદર) અને ‘નામી’ (મોજું)ના સંયોજનથી બનેલા શબ્દ ‘ત્સુનામી’ને આંતરરાષ્ટ્રિય સ્તરે તેના મૂળ જાપાની સ્વરૂપે સ્વીકારાયો છે. એ રીતે જાપાનને ‘ત્સુનામી’નું પિયર કહી શકાય.

ત્સુનામીથી તબાહ થયેલું જાપાન દુનિયાની ભૂગોળમાં અત્યંત નાજુક કહેવાય એવી જગ્યાએ આવેલું છે. એક અંદાજ પ્રમાણે, દુનિયાભરમાં ૬ રિક્ટર સ્કેલથી વઘુ તીવ્રતા ધરાવતા જેટલા ભૂકંપ થાય છે, તેમાંથી પાંચમા ભાગના (૨૦ ટકા) ફક્ત ટચૂકડા જાપાનમાં થાય છે. આવી ‘નાઇન્સાફી’ કેમ? તેનો જવાબ ‘પ્લેટ ટેક્ટોનિક્સ’ કહેવાતા શાસ્ત્રના આધારે, સરળ શબ્દોમાં આપી શકાય છે.

પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો ‘પ્લેટ’ તરીકે ઓળખાતા કેટલાક મહાકાય અને થોડા નાના ટુકડાનો બનેલો છે. આ બધા ટુકડા (પ્લેટ) પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધપ્રવાહી રગડા ઉપર તરે છે. એ ટુકડા જ્યાં ભેગા થાય એ વિસ્તાર સ્વાભાવિક રીતે જ ‘ન સાંધો, ન રેણ’ની જેમ જોડાયેલો ન હોય. પેટાળમાં ચાલતી ખદબદ વકરે તો તેનાં માઠાં પરિણામ સૌથી વધારે આ સાંધાવાળા ભાગમાં અનુભવાય. પ્લેટના સાંધા માટે વપરાતો પ્રચલિત શબ્દ છેઃ ફોલ્ટલાઇન. ત્યાં સતત અસ્થિરતા ન હોય, પણ પેટાળમાં સહેજ ઉથલપાથલ થાય તોય ફોલ્ટલાઇનનો વિસ્તાર તરત ધરતીકંપથી હચમચી ઉઠે. મોટા ભાગના જ્વાળામુખી પણ ફોલ્ટલાઇન પર આવેલા હોય, જે ભીતરની ચહલપહલથી સક્રિય બને. જાપાન આવી એકથી વધારે ફોલ્ટલાઇનના સંગમસ્થાન ઉપર આવેલું છે.

વર્ણનમાં વાત ભલે ધરતીકંપની થઇ હોય, પણ તેને ત્સુનામી સાથે સીધો સંબંધ છે. કારણ કે ત્સુનામી દરિયામાં થતા ધરતીકંપનું સીઘું પરિણામ છે. (તેનું કામચલાઉ ગુજરાતી ‘સમુદ્રકંપ’ કરી શકાય.) પેટાળમાં ઉથલપાથલ થવાનું એક કારણ બે પ્લેટ વચ્ચેનો ટકરાવ છે. પ્રવાહી પર સરતી પ્લેટો એકબીજા સાથે ટકરાય ત્યારે કેટલીક વાર એવું બને છે કે એક પ્લેટનો મોટો હિસ્સો બટકાઇને નીચેના ગરમ અર્ધપ્રવાહી રગડામાં ઓરાઇ જાય. એ ટુકડો એકાદ હજાર કિલોમીટર જેટલો વિશાળ પણ હોઇ શકે.

ધારો કે બટકી જતી પ્લેટ જમીની સપાટીને બદલે દરિયાની સપાટી નીચે આવેલી હોય તો શું થાય? સીધી વાત છેઃ દરિયાના પેટાળમાં મોટું ગાબડું પડે. એ ગાબડું પુરવા માટે તેની આજુબાજુનું પાણી સડસડાટ ભંગાણવાળા ભાગમાં ધસી જાય. એટલે, પાંચ વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં ત્સુનામી આવતાં પહેલાં, દરિયાકિનારે ઉભેલા ઘણા લોકોએ સમુદ્રને અચાનક ૧૦૦ મીટર જેટલો ઓસરી જતો જોયો હતો. સગી આંખે જોયા પછી પણ માન્યામાં ન આવે એવું એ દૃશ્ય હતું. સમુદ્રનાં પાણી પીછેહઠ કરી જતાં, તેમાં રહેલાં દરિયાઇ જીવો, માછલી, છીપલાં, કરચલા બઘું અચાનક ખુલ્લું પડી ગયું. તે સમયે પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, ઘણા લોકો આ કૌતુક જોઇને મનોરંજન પામ્યા અને દરિયાની ખુલ્લી પડી ગયેલી ‘માલમતા’ વીણવા બેસી ગયા. પણ એ કૌતુક શમે તે પહેલાં જ દૂરથી પાણીની મસમોટી અને ઊંચી દીવાલ જેવું મોજું, પીછેહઠનો બદલો લેવા આવતું હોય તેમ, ધસી આવ્યું. કારણ કે ભૂકંપને કારણે દરિયામાં પડેલું ભગદાળું પુરવા માટે અંદર ઉતરી જતું પાણી અનેક ગણા જોશથી બહાર ફેંકાય, ત્યારે તેનું સ્વરૂપ નિર્દોષ મોજાં જેવું રહેતું નથી. તે ‘ત્સુનામી’નો આસુરી અવતાર ધારણ કરે છે અને પાણીની અમુક મીટર ઊંચી દીવાલ જેવું બની જાય છે. પરિણામ? જોતજોતાંમાં જળપ્રલય.

દરિયાના પેટાળમાં આવતા દરેક ભૂકંપ વખતે ત્સુનામી તરીકે ઓળખાતાં હિંસક મોજાં પેદા થતાં નથી, પણ ભૂકંપની તીવ્રતા જેટલી વધારે એટલી ત્સુનામી પેદા થવાની શક્યતા પણ વધારે. જાપાનમાં આવેલો ભૂકંપ ૮.૯ રિક્ટર સ્કેલનો હતો, જે અસાધારણ રીતે વધારે કહેવાય. પાંચ વર્ષ પહેલાં ઇન્ડોનેશિયા અને દક્ષિણ ભારતમાં તારાજી મચાવનાર ત્સુનામી વખતે ૯ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે દરિયામાં આશરે ૧૦ કિલોમીટર ઊંડે એક પ્લેટમાંથી ૯૬૦ કિલોમીટર જેટલો હિસ્સો બટકાઇ ગયો હતો.

ત્સુનામીની ઘાતક શક્તિનો આધાર દરિયાના ઊંડાણ અને મોજાંની તરંગલંબાઇ ઉપર પણ હોય છે. સામાન્ય સંજોગોમાં દરિયાકિનારે જોવા મળતાં મોજાંની તરંગલંબાઇ માંડ ૧૦૦-૨૦૦ મીટર હોય. (તરંગલંબાઇ એટલે લાગલગાટ બે મોજાંના ટોચબિંદુ કે તળબિંદુ વચ્ચેનું અંતર) પરંતુ ત્સુનામી કહેવાતાં કાળમુખાં મોજાંની તરંગલંબાઇ ૧૫૦થી ૨૦૦ કિલોમીટર જેટલી હોઇ શકે છે. નિયમ એવો છે કે મોજાંની તરંગલંબાઇ વધારે તેમ પ્રવાસ દરમિયાન તેની ઘાતકતામાં થતો ઘટાડો ઓછો. એટલે કે, ત્સુનામી ભલે કાંઠાથી બહુ દૂર, ક્યાંક મધદરિયે પેદા થયાં હોય, પણ તેની તરંગલંબાઇ વધારે હોય તો, સેંકડો કિલોમીટરનું અંતર કાપવા છતાં તેમની તીવ્રતામાં ખાસ ઘટાડો ન થાય અને કાંઠાના પ્રદેશને ભાગે ધમરોળાવાનું જ આવે.

ત્સુનામી પેદા થાય ત્યારે શરૂઆતમાં તેની ઊંચાઇ ‘પાણીની દીવાલ’ જેવી હોતી નથી. એ વખતે તેની ભયાનકતાનો અંદાજ આપતું પરિબળ છેઃ મોજાંની આગળ વધવાની ઝડપ. તેનો સીધો સંબંધ દરિયાની ઉંડાઇ પર છે. ઉદાહણ તરીકે, પ્રશાંત (પેસિફિક) મહાસાગરની વાત કરીએ તો, તેની સરેરાશ ઊંડાઇ ૧૪ હજાર ફીટ છે. ત્યાં ધરતીકંપ થાય તો તેમાંથી પેદા થતાં ત્સુનામીની ઝડપ ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ખતરનાક હોઇ શકે છે.

મધદરિયે ઓછી ઊંચાઇ અને ફેલાયેલા વિસ્તારમાં આગળ વધતાં ત્સુનામીને એકનજરે જોઇને ઓળખી પાડવાનું અઘરું છે. પણ એક વાર કિનારાની છીછરી સપાટી નજીક આવે એટલે તેમના રંગઢંગ બદલાઇ જાય છેઃ જેટ વિમાનની ઝડપે આવેલાં મોજાં અચાનક સ્કૂટરની (૪૦-૫૦ કિ.મી.પ્રતિ કલાક) ઝડપ ધારણ કરે છે.
મધદરિયે પહોળાં પથરાઇને ઓછી ઊંચાઇ સાથે પ્રસરતાં મોજાંની લાંબી તરંગલંબાઇમાં પણ ઘટાડો થાય છે. ઝડપ અને તરંગલંબાઇમાં ઓચિંતો ઘટાડો થતાં મોજાંનું સઘળું જોર ઉપરની દિશામાં વળે છે. એટલે મધદરિયે માંડ એકાદ મીટર ઉંચાઇ ધરાવતાં મોજાં કિનારા નજીક આવીને ૩૦-૪૦ મીટર જેટલી પ્રચંડ ઉંચાઇ ધારણ કરી શકે છે. તેમાં વળી દરિયો ભરતીમાં હોય તો થઇ રહ્યું.

એક મોજું પાંચ-દસ મિનીટથી માંડીને અડધો-પોણો કલાક સુધી આતંક મચાવી શકે છે, પણ વાત એટલેથી પૂરી થતી નથી. મધદરિયે પડેલા ગાબડામાંથી એક પછી એક મોજાં રવાના થતાં રહે છે અને કાંઠે પહોંચીને તારાજીનું તાંડવ મચાવતાં રહે છે.

ફક્ત જાપાન જ નહીં, પ્રશાંત મહાસાગરમાં આવેલા અને ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાતા ફોલ્ટલાઇન-ગ્રસ્ત વિસ્તાર તરફ કિનારા ધરાવતા ઘણા દેશોના માથે ત્સુનામીનો મહત્તમ ખતરો રહે છે. એટલે જ એ દેશોએ ‘પેસિફિક ત્સુનામી વોર્નિંગ સીસ્ટમ’ વિકસાવી છે. જાપાન સહિત ઘણા દેશો આ વોર્વોનિંગ સીસ્ટમના સભ્ય છે. એ સીસ્ટમ અંતર્ગત, સમુદ્રના પેટાળમાં ગોઠવાયેલાં ‘ડીપ ઓશન એસેસમેન્ટ એન્ડ રીપોર્ટિંગ ઓફ ત્સુનામીઝ’ (ટૂંકમાં ‘ડાર્ટ’) તરીકે ઓળખાતાં યંત્રો દરિયાની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારની નોંધ રાખે છે, તેનાથી ત્સુનામીના આગમનની છડી પોકારવા માટે થોડો સમય મળી રહે છે, પણ તેનાથી થતી તબાહીને ટાળી શકાતી નથી. જાપાનમાં મચેલો વિનાશ તેનું ઘાતક ઉદાહરણ છે.

Friday, March 18, 2011

અજિત મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ

આજે સવારે ૬ ૧૦ વાગ્યે શિવાજી પાર્ક (મુંબઇ)ની એક હોસ્પિટલમાં ૮૮ વર્ષના સંગીતકાર અજિત મર્ચંટનું અવસાન થયું.થોડા સમયથી બિમાર અને જીવનમાં પહેલી વાર પથારીવશ-હોસ્પિટલવાસી હતા. છેલ્લે છેલ્લે મુંબઇ હોસ્પિટલમાં તેમને મળી શકાયું, બિનીત પણ તેમને મળી આવ્યો, મુંબઇસ્થિત પત્રકારમિત્ર તેજસ વૈદ્ય તેમને મળીને સમાચાર આપતો હતો. એ બધું જોયા પછી, અજિતકાકાને શારીરિક-માનસિક પીડામાંથી મુક્તિ મળી એમ જ લાગે. એવી મુક્તિ જેને અમારા-આપણા જેવા એમના ચાહકોએ હૃદયના ઊંડાણથી અને ભીની આંખે અનુભવવાની હોય. (તેમનાં પત્ની અને ખરા અર્થમાં સાથી એવાં નીલમકાકી હજુ તેમની સાથે કંઇક વાત થઇ શકે એટલાં સ્વસ્થ થયાં નથી.)

અજિત મર્ચંટ (૧૫-૮-૧૯૨૨, ૧૮-૩-૨૦૧૧)ની કારકિર્દી અને તેમના પ્રદાન વિશે માહિતીસભર અંજલિ આપવાનું અત્યારે મન નથી. આજે બસ એમની યાદ! અને એમની યાદમાં બે મિનીટનું મૌન નહીં, થોડી મિનિટોનું સંગીત- ખુદ તેમણે હાર્મોનિયમ પર ગાયેલાં પોતાનાં ગીત, દુર્લભ તસવીરો, પત્રો અને થોડી અંગત છતાં હવે જાહેર યાદ.

Ajit Merchant

પ્રદીપજી સાથે અજિત મર્ચંટઃ ‘ચંડીપૂજા’
કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા ભેદ મિટે ના રે ભાઇ
પત્ની નીલમ મર્ચંટના નામે ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દીવાદાંડી’ની જાહેરખબર. ‘તારી આંખનો અફીણી’ એ ગીતથી પ્રખ્યાત થનાર આ ફિલ્મના સંગીતકાર ઉપરાંત પ્રોડ્યુસર પણ અજિત મર્ચંટ હતા. આ ફિલ્મની પ્રિન્ટો લેબોરેટરીની આગમાં બળી ગઇ હોવાથી, ‘તારી આંખનો અફીણી’ પડદા પર કદી જોવા મળ્યું નથી. અજિતકાકા કહેતા હતા કે આફ્રિકામાં કોઇની પાસે ફિલ્મની એકાદ પ્રિન્ટ હોવાનું સાંભળ્યું છે.
(ડાબેથી) નીલમકાકી, મન્ના ડે/Manna Dey, અજિતકાકા/ Ajit Merchant અને રજનીકુમાર પંડ્યા, થોડાં વર્ષ પહેલાં મુંબઇમાં મન્ના ડેના એક કાર્યક્રમમાં
૧૫-૧૧-૨૦૦૦ની ટપાલની છાપ ધરાવતો આ પત્ર અજિતકાકા સાથેની અમારી પહેલી મુલાકાત પછીનો છે. તેમને મળવા જતાં પહેલાં મને હિતેચ્છુભાવે ચેતવવામાં આવ્યો હતો કે ‘અજિતભાઇ બહુ આકરા માણસ છે. બહુ ભાવ નહીં આપે.’ એટલે હું અને સોનલ મુંબઇ ગયા ત્યારે એક સવારે સાડા દસની આસપાસ તેમને ઘેર પહોંચ્યાં- એમ ધારીને કે ‘સવારે જમવાના સમય પહેલાં (બાર વાગ્યા પહેલાં) તો કાકાના ઘરે પાછાં જતાં રહીશું. આકરા માણસ સાથે કેટલી વાતો થાય?’ પણ વાતો શરૂ થયા પછી સાંજના છ ક્યાં વાગી ગયા, તેની સરત ન રહી. વચ્ચે સોનલે અને નીલમકાકીએ જમવાનું બનાવ્યું. ત્યાં જ જમ્યા. બસ એ દિવસથી ગમે તેટલા ઓછા સમય માટે મુંબઇ જવાનું હોય, તો પણ અજિતકાકા-નીલમકાકીને મળવા, તેમની સાથે ઓછામાં ઓછા ચાર-પાંચ કલાક ગાળવા એ ક્રમ બની ગયો. પહેલી મુલાકાત પછી અજિતકાકાએ લખેલા પત્રનો આગળનો હિસ્સો
(ડાબેથી) આસ્થા, નીલમકાકી, સોનલ અને વેણીભાઇ પુરોહિતના કાવ્યસંગ્રહમાંથી કોઇ ગીત શોધતા અજિતકાકા
મહેમદાવાદના જૂના ઘરે યાદગાર મિલનઃ (પાછળ ડાબેથી) અજિતકાકાનાં પુત્રી, અજિતકાકા, નીલમકાકી, મમ્મી (આગળ બેઠેલા) કનુકાકા, ઉર્વીશ, સોનલ, પપ્પા
યુવાન વયનો સ્કેચ/ Ajit Merchant

અજિતકાકા-નીલમકાકી/Neelam-Ajit merchant
સુરતના સંશોધક મિત્ર હરીશ રધુવંશી સંપાદિત ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું વિમોચન કરતા અજિતકાકા, ડાબે હરીશભાઇના પિતા, હરીશભાઇ, જમણે કેકેસાહેબ (અભિનેતા કૃષ્ણકાંત) અને ભગવતીકુમાર શર્માની ઝલક
અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના સ્થાપક પ્રમુખ (હવે સ્વ.) અરવિદ દેસાઇ અને રંજન દેસાઇ સાથે અજિતકાકા-નીલમકાકીને પારિવારિક સંબંધ થયો. અરવિદભાઇની વિદાય પછી રંજનકાકીએ પણ તેમની લાક્ષણિક ગરીમા અને હૂંફથી સંબંધ ટકાવી રાખ્યો. ગ્રામોફોન ક્લબના બીજા સભ્ય ચંદ્રશેખર વેદ્ય પણ અજિતકાકા સાથે ગીતસંગીતની આપલે દ્વારા સંપર્કમાં રહેતા હતા. અજિતકાકા-દિલીપકાકાના જોડીદાર બદ્રીકાકા (બદ્રીનાથ વ્યાસ) ચંદ્રશેખરભાઇને ખબર આપે એવું પણ ક્યારેક બને. અજિતકાકા રંજનકાકીને ત્યાં ઉતર્યા ત્યારે હું અને બિનીત તેમને માણેકચોક લઇ ગયા હતા. ત્યાં ‘જનતા’નાં દાળવડાં અને આઇસક્રીમ ખાતી વખતે અજિતકાકાએ ખાસ આ ફોટો પડાવ્યો અને તેનું શીર્ષક શું રાખવું એ પણ ત્યારે જ કહી દીઘું :
‘મરચું અને મરચન્ટ’
ગયા વર્ષના અંતે ભારતીય વિદ્યાભવનના પ્રતિષ્ઠિત મુનશી સન્માન સમારંભમાં મુખ્ય અતિથિ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલહલીમજાફરખાન સાથે અજિતકાકા. આ સમારંભમાં અજિતકાકાના આજીવના સાથીદાર ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા. દિલીપકાકા બિમારીને કારણે હાજર ન રહી શક્યા અને એ બિમારીમાં જ અવસાન પામ્યા. એ વાતને હજુ ત્રણ મહિના પણ નથી થયા ત્યાં અજિતકાકા પણ...
મુનશી સમારંભના બીજા દિવસે અમારો અજિતકાકા-નીલમકાકી સાથે બહાર જમવા જવાનો કાર્યક્રમ નક્કી હતો. પણ સમારંભ વખતે કાકાની તબિયત અને તેમને આવેલા સોજા પછી અમે બહાર જવાનો કાર્યક્રમ માંડવાળ કર્યો. એને બદલે, મુંબઇમાં કાકા-કાકીનું ઉલટભેર- પ્રેમથી ઘ્યાન રાખનાર, અનેકવિધ પ્રતિભાઓ ધરાવતો મિત્ર અજિક્ય સંપટ ઘરે જ નાસ્તાપાણીનો સરંજામ લઇ આવ્યો. ફોટોમાં નીલમકાકી, અજિતકાકા અને તેમની દીકરી સાથે અજિક્ય, બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) દેખાય છે. અજિતકાકા ચટાકેદાર ખાણીપીણીના શોખીન હતા. દરેક વખતે તેમની સાથે બેસીએ ત્યારે મારો આઇસક્રીમ-પ્રેમ જાણતાં કાકી અજિક્ય પાસે આઇસક્રીમ મંગાવી રાખે અને અમે બધાં ઠાંસી ઠાંસીને આઇસક્રીમ ખાઇએ. છેલ્લા દિવસોમાં કાકા ઘરમાંથી પડી ગયા ત્યારે ઓપરેશન તો સફળ થયું, પણ ખોરાક ફરી પૂર્વવત્‌ શરૂ થઇ શક્યો નહીં અને તેમની હાલત કથળતી ચાલી.
(ડાબેથી) ઉર્વીશ, અજિક્ય, બીરેન, બિનીત કાકા-કાકી સાથે
‘તારી આંખનો અફીણી’ વિશે
‘અભિયાન’ના દિવાળી અંકમાં આ ગીતની સર્જનકથા વિશે મેં પાંચેક પાનાંનો લેખ લખ્યો ત્યારે રાજી થઇને અજિતકાકાનો પત્ર આવ્યો હતો. તેનો આ પાછળનો ભાગ છે, જેમાં તેમણે એ ગીતની ઓરકેસ્ટ્રામાં કોણે શું વગાડ્યું હતું તેની વિગત લખી છે.


‘આંખનો અફીણી’નાં પચાસ વર્ષ થયા એ નિમિત્તે અજિતકાકાએ દિલીપકાકાને લાગણીનીતરતો એક પત્ર લખ્યો હતો. ત્રણ પાનાંના એ પત્રનું પહેલું પાનું.
‘તારી આંખનો અફીણી’ ખુદ અજિત મર્ચંટના કંઠે, બાજુમાં નીલમકાકી


‘સપેરા’નું મન્ના ડેએ ગાયેલું ગીત ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું’ અજિત મર્ચંટના કંઠે
કહ દો અગર તુમ, મરકે ભી જી લું...

તો આ કહ્યું!

Wednesday, March 16, 2011

ડો.કલસરિયાની યાદગાર રેલીઃ જાન દેંગે, જમીન નહીં

આ ધબ્બા ‘દૂધસી સફેદી’ લાવનારા ‘નિરમા’થી પણ નહીં જાય

છેલ્લાં બે-એક વર્ષથી મહુવા તાલુકામાં નિરમાના સૂચિત સિમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક ગ્રામજનોનું આંદોલન ચાલે છે. ત્યાં દરિયાકાંઠે બનેલા (વિશાળ તળાવ) જેવા બંધારાને કારણે ખેડૂતોની જમીન ઉપજાઉ બની હતી. એ જમીન સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કે તેમનું હિત વિચાર્યા વિના ‘નિરમા’ને ફાળવી દીધી. તેના વિરોધમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને સેવાભાવી ડોક્ટર તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કનુભાઇ કલસરિયાએ અવાજ ઉઠાવ્યો. ડો.કલસરિયાની આગેવાની હેઠળના આંદોલનનો મુખ્ય સૂર એક જ છે કે સરકાર અને કંપનીએ જમીન આંચકી લેવા માટે છળકપટ કર્યું છે અને ખેડૂતોના અહિતનો વિચાર કર્યો નથી. અત્યાર લગી અનેક સ્તરે ચાલતા અહંિસક આંદોલનના એક યાદગાર તબક્કારૂપે ડો.કલસરિયાએ ૩ માર્ચ, ૨૦૧૧ના રોજ ડોળિયા ગામેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે કૂચ આરંભી હતી, જે આવતી કાલે બપોરે ગાંધીનગર સચિવાલય પહોંચવાની છે.

કૂચના ૧૪મા દિવસે આજે ડો. કલસરિયા, વ્હીલચેરમાં બેઠેલા વરિષ્ઠ નેતા સનત મહેતા અને ચારથી પાંચ હજાર હજાર લોકો અમદાવાદના આશ્રમરોડ પર ઉમટી પડ્યા હતા. બહુ વખતે ભાડૂતી કે રૂપિયાની લાલચે આવ્યા હોય એવામાણસો વગરની રેલી જોવા મળી. સરકારના અવિચારી અને આપખુદ વલણ સામે આટલા મોટા પાયે બહુ વર્ષો પછી વિરોધપ્રદર્શન જોવા મળ્યું. એ રીતે, ટાઉનહોલથી સાબરમતી આશ્રમ સુધી પગપાળી યાત્રામાં સાથે જોડાવું યાદગાર અનુભવ રહ્યો.

ઘણે દૂરથી આ યાત્રામાં માણસો ઉપરાંત એક કૂતરો પણ જોડાયો છે. તેનું નામ ‘મોતી’ પાડવામાં આવ્યું છે. એ વિશે સ્પષ્ટતા કરતાં ડો.કલસરિયાએ ગાંધી આશ્રમમાં કહ્યું,‘કોઇને થશે કે મોદી પરથી તેનું નામ મોતી પાડવામાં આવ્યું છે. પણ આપણી લડાઇ કોઇ વ્યક્તિ સામેની નથી. નરેન્દ્રભાઇ મોદી કદાચ સારું શાસન કરતા પણ હશે, પણ આપણો વિરોધ તેમની ઉદ્યોગતરફી નીતિ સામે છે.’

દરમિયાન, પર્યાવરણ મંત્રાલયે નિરમાને પ્લાન્ટનું કામ તત્કાળ રોકવાની અને તેને કાયમ માટે બંધ શા માટે ન કરવું એનો ખુલાસો કરવાની નોટિસ આપી છે. તેની સામે ‘આ મેટર સબજ્યુડિસ હોવાથી મંત્રાલય તેમાં આદેશ આપી શકે નહીં’ એવી કંપનીએ કરેલી રજૂઆત ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હોવાનું કનુભાઇએ ગાંધી આશ્રમમાં કરેલા સંબોધનમાં જાહેર કર્યું હતું.

રેલીમાં સાંભળવા મળેલાં કેટલાંક સૂત્રો
જાન દેંગે, જમીન નહીં
જય ભવાની, નિરમા જવાની
કનુભાઇની ટુકડી, ગાંધીનગર ઉપડી(આ રીતે બોલાતું હતું : કન્નુભાઇની ટુક્કડી, ગાંધીનગર ઉપ્પડી)
વાતો કરે છે મોટી, છીનવી લે છે રોટી
ધરતી અપને આપકી, નહીં કીસીકે બાપકી
જમીન માતાકી જય


At Gandhi Ashram : real 'public interest'

Dr.Kanubhai Kalsaria : leading from the front

Sanat Maheta: Braving heat & immobility

women's day (out)

Dr.Kanubhai Kalsaria after garlanding Mahatma Gandhi's statue at Income tax cross roads

Mrs.Anasuya Kalsaria with Dr. Kanubhai
At Gandhi Ashram: Sanatbhai, Chunikaka (Vaidya) & Dr.Kalsaria:
Accepting a fruit from the village soil

We, The Peopleભારતમાં ક્રાંતિ કેમ નહીં?

ક્રાંતિ, જનઆંદોલન, મુક્તિસંગ્રામ- આ શબ્દો ચેપી આકર્ષણ ધરાવે છે. ટ્યુનિસિયાની પ્રજા સરમુખત્યારી સામે વિરોધ કરે અને શાસકને પોબારા ગણી જવા પડે, ત્યારે હમણાં સુધી અજાણ્યો રહેલો એ દેશ દુનિયાભરનાં સમાચાર માઘ્યમોમાં ચમકી જાય છે. તેની સફળતાથી બીજા અનેક દેશોની પીડાતી પ્રજાનાં સુતેલાં સ્વપ્નાં સળવળી ઉઠે છે. ત્રણ-ત્રણ દાયકાથી સરમુખત્યારશાહી ધરાવતા ઇજિપ્તની આખી યુવા પેઢીએ લોકશાહીની મોકળાશ જોઇ ન હતી. તેની અંદર ઘૂંધવાતો અસંતોષ મળ્યાં તે સાધનો થકી બહાર ઉછળી આવે છે અને ઇજિપ્તના શાસકને પણ ભારે અનિચ્છાએ સત્તા છોડવી પડે છે.

‘ક્રાંતિ’નું ઉપર કરેલું વર્ણન સીઘુંસાદું અને અઘૂરું હોવા છતાં, મહદ્‌ અંશે એ જ સ્વરૂપે તે જાણીતું અને લોકપ્રિય છે. તેનો ઉલ્લેખ કરીને ભારતમાં ઘણા લોકો કહે છે,‘ઇજિપ્ત ને ટ્યુનિસિયામાં ક્રાંતિ થતી હોય, તો ભારતમાં ક્રાંતિ કેમ નહીં?’

સાનુકૂળ સંજોગો
ક્રાંતિ માટે જરૂરી ‘કાચો માલ’ આપણા દેશમાં ઓછો છે?
કૌભાંડોનો પાર નથી. બધા રાજકીય પક્ષ તળીયાથી નળીયા સુધી ખરડાયેલા છે. પ્રજાની હાડમારી શાહુકારી વ્યાજની ઝડપે વધી છે. ડુંગળી અને સફરજનના ભાવ સરખા થઇ જાય છે. પેટ્રોલના ભાવ વગર દિવાસળીએ ભડકે બળે છે. જમીનની કંિમતો આસમાને છે. ઘર હવે રહેવાની નહીં, રોકાણની ચીજ બની ચૂક્યું છે- જેની જોડે વધારાના રૂપિયા હોય તે નાખે ને ઘરના ઘર માટે વલખાં મારનારા ફાટી આંખે જોતા રહી જાય. શિક્ષણ હજારોની ફી ખર્ચનારાને જ પોસાય એ દિશામાં છે. ભણ્યા પછી પણ લાયકાત હાંસલ કરવાના અને તેને અનુરૂપ કામ મેળવવાના વાંધા છે. બીમાર પડીને ડોક્ટર-હોસ્પિટલનાં ચક્કરમાં ફસાવાનો ડર મોત કરતાં મોટો છે. વાતો કરોડોની કે હજારો-લાખો કરોડોની થાય છે, જ્યારે મોટા ભાગના લોકોની આવકમાં મામૂલી વધારો થયો છે. બહારની ચમકદમક અને ઘરની ઝાંખપ વચ્ચે બહુમતિ વર્ગ પીસાઇ-ભીંસાઇ રહ્યો છે.

ક્રાંતિની ચિનગારી પેદા થવા માટે આનાથી વધારે અનુકૂળ સંજોગો કયા હોઇ શકે?

તેમ છતાં, ભવિષ્યદર્શનના કોઇ દાવા વિના, સામાન્ય સમજણના આધારે કહી શકાય કે ભારતમાં ઇજિપ્ત, ટ્યુનિસિયા જેવી શાસનવિરોધી ‘ક્રાંતિ’ થાય એવી સંભાવના નહીંવત્‌ છે. આ રહ્યાં કેટલાંક કારણો.

પ્રેશરકૂકર અને સીટી
ક્રાંતિના વિસ્ફોટ માટે જે હદની ગુંગળામણ જોઇએ તે સરમુખત્યારો કે આપખુદ પ્રમુખોના રાજમાં બરાબર પેદા થાય છે. બારીબારણાં વગરના બંધ ઓરડામાં દબાણ વધતું જાય ત્યારે એક તબક્કે દિવાલોની દબાણ ખમવાની શક્તિની હદ આવે છે. ત્યાર પછી દીવાલોને તૂટ્યે જ પાર.

લોકશાહી શાસનવ્યવસ્થા સીટીવાળા પ્રેશરકૂકર અથવા બારીબારણાં ધરાવતા ઓરડા જેવી હોય છે. તેમાં બહુ ઉકળાટ કે દબાણ હોઇ શકે, તેની માત્રામાં વધારો થઇ શકે, પણ મૂળભૂત રીતે એમાંથી હવા બહાર જઇ શકે એવી જગ્યાઓ હોય છે. નાગરિકો પાનના ગલ્લે, ટ્રેન-બસમાં કે દીવાનખાનામાં બળાપો કાઢીને હળવા થઇ શકે છે. જાગ્રત નાગરિકો સલામત જગ્યાએ (કે હવે ઓનલાઇન) દેખાવો-પ્રદર્શનો કરીને કર્તવ્યભાવના સંતોષી શકે છે. પ્રસાર માઘ્યમો ન્યાયતંત્ર સિવાય લગભગ બધાં તંત્રોની આકરી ટીકા ઝાઝી ચિંતા રાખ્યા વિના કરી શકે છે. ભારત જેવા લોકશાહી દેશમાં શાસકો ચબરાક હોય છે. બારી-બારણાં સખત રીતે ભીડીને વિસ્ફોટક પરિસ્થિતિ પેદા કરવાની ભૂલ એ કરતા નથી. તેમની આ સમજણને કેટલાક મુગ્ધો/ભક્તો શાસકોના લોકશાહી અભિગમ તરીકે અથવા તેમની સહિષ્ણુતા તરીકે બિરદાવે, ત્યારે હસવું કે દયા ખાવી એ સમજાતું નથી.

તેનો અર્થ એવો નથી કે શાસકો હંમેશાં વિરોધને કે ટીકાને ખમી ખાય છે. લાગ આવ્યે તે રાજદ્રોહ, એન્કાઉન્ટર કે ત્રાસવાદવિરોધી ધારા જેવાં આત્યંતિક હથિયારો ઉગામવાનું ચૂકતા નથી. (માઓવાદની અત્યારે કાબૂબહાર જતી રહેલી સમસ્યાના પાયામાં વર્ષો પહેલાંની સરકારોની ગુનાઇત બેદરકારી અને લોખંડી દમન મુખ્ય કારણ ગણાય છે.) સરકારી ‘ત્રાસવાદ’માં ચોક્કસ વ્યક્તિ, સમુહ કે સંસ્થાને નિશાન બનાવવામાં આવે છે. પ્રજાનો મોટો વર્ગ તેને ‘લોકશાહી પર તરાપ’ તરીકે જોઇ શકે એટલો જાગ્રત કે નાગરિકભાવનાથી સજ્જ હોતો નથી. તેથી શાસકોની તમામ આડોડાઇ પછી પણ, દેખીતા ઉપરછલ્લા ચિત્રના આધારે શાસકની સહિષ્ણુતાની બિરદાવલીઓ ગવાતી રહે છે.

સ્તુતિ કરનારાં ભક્તહૃદયો એટલું વિચારી શકતાં નથી કે પ્રજાકીય પીડાનો અને તેને રજૂ કરનારાં નાગરિક સંગઠનોનો અવાજ કાને ન ધરવો, તેની ગંભીરતાપૂર્વક નોંધ ન લેવી એ પણ જુદા પ્રકારની સેન્સરશીપ છે. વર્તમાન યુગમાં પ્રસાર માઘ્યમો અને માનવ અધિકારોની થોડી સાચી, થોડી ખોટી પણ આકરી ધોંસ હોય, ત્યારે બોલનારના મોઢે ડૂચો મારવાનો વિકલ્પ બીજા નંબરે આવે છે. પહેલો અને મોટે ભાગે અકસીર વિકલ્પ બોલનારની ઉપેક્ષા કરીને, તેને બોલી બોલીને થાકવા દેવાનો ગણાય છે. મોટા ભાગના નેતાઓ શક્ય હોય ત્યાં સુધી એ રસ્તો અપનાવે છે. પરિણામે, દબાણ નીકળતું રહે છે, સીટી વાગતી રહે છે, પણ અસંતોષનું કૂકર ફાટતું નથી.

ખૂટેલું દૈવત
ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજી ફિલ્મો પરથી આલેખેલી કથાઓના સંગ્રહ ‘પલકારા’માં એક કથા છેઃ ધરતીનો સાદ (મૂળ ફિલ્મઃ વિવા વિલા). કથામાં જાલીમ શાસકના માણસો માતાજીના વડલે જાસો લગાવી જાય છે કે બધી જમીન રાજની છે. ‘રાખ્યાં રહીએ, કાઢ્‌યાં જઇએ’ એ શરતે જેમને રહેવું હોય તે રહે. ત્યારે ભેળાં થયેલાં લોકોમાં ઉઠતા ગણગણાટનું મેઘાણીએ દાયકાઓ પહેલાં કરેલું ચિત્રણ, ભારતમાં કેમ ક્રાંતિ નહીં થાય તેનું બીજું કારણ ચીંધે છે. કેટલાક સંવાદઃ

‘આંહી માતાને વડલે ખીલી દેવાય જ કેમ?’
‘ખોડનારનું નખોદ નીકળી જશે, નખોદ.’
‘હવે ભાઇ, ખોડનારા તો એ...હાલ્યા જાય લહેર કરતા ને નખોદ તો આપણું નીકળી ગયું.’
‘દેવસ્થાનોમાંથી સત ગયાં ઇ તો હવે, બાપા.’
‘એ ના, ના. માણસમાંથી દૈવત ગયાં એટલે પછી દેવસ્થાનોમાં સત રે’ ક્યાંથી? સાચું સત તો લોકનું દૈવત ગણાય.’

લોકશાહીમાં ‘લોકનું દૈવત’ એટલે? રાજકીય પક્ષો સિવાયનાં બીજાં નાગરિક સંગઠનો- જૂથો. આખો સમાજ દરેક મુદ્દાને ફક્ત રાજકીય વિરોધ કે તરફેણના ત્રાજવે તોળતો થઇ જાય, ત્યારે લોકશાહીનો પ્રાણ મરી પરવારે છે ને કેવળ ખોખું રહી જાય છે.

જાહેર હિતની મોટા ભાગની બાબતોમાં જોવા મળે છે કે અંતે રાજકીય પક્ષો સંપી જાય છે ને નાગરિકો હાથ ઘસતા રહી જાય છે. નાગરિકના હિત અને હકની બાબતમાં કોઇ રાજકીય પક્ષ બીજા કરતાં ચડિયાતો નથી, એ સચ્ચાઇ સમજાય તો રાજકારણથી દૂર હટીને, નાગરિકોનું બળ ઉભું થઇ શકે. તેમાંથી પ્રગટેલું દૈવત રાજકારણના ખેલાડીઓને દઝાડીને નાગરિકો પ્રત્યેની ફરજ અને ફરજચૂકની યાદ અપાવી શકે. તેમ છતાં તેમની આંખ ન ઉઘડે તો સત્તાપલટા માટે મેદાને પડી શકે અને નવા સત્તાધીશને પોતાની અપેક્ષાઓ પહોંચાડી શકે.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના થોડા મહિના પહેલાં (માર્ચ, ૧૯૭૫માં) ઉમાશંકર જોષીએ લખ્યું હતું ‘લોકશાહીમાં જો સૌથી વઘુ કશાની જરૂર હોય તો લોકશક્તિની. પ્રતિનિધિઓને (નેતાઓને) સમજાવવાનું છે કે તમે તો પ્રજાના કિંકર છો. કિંકર એટલે જે હંમેશાં પૂછ્‌યા કરે કે ‘કિં કરોમિ?’ હું હવે શું કરું?...તમે પ્રજાના નોકર છો. તમારી માલિક એવી પ્રજાની આગળ આવીને તમારા કામનો હિસાબ આપો.’

કટોકટી ઉઠ્યા પછી થયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની હાર થઇ અને જનતા મોરચો જીત્યો, ત્યારે પ્રજા તેનો જયજયકાર કરવા લાગી. એ વખતે આચાર્ય કૃપાલાનીએ જાહેર સભામાં એ મતલબનું કહ્યું હતું કે અમે ફક્ત નેતાઓ છીએ. અમારો જયજયકાર કરશો નહીં. આઝાદી પછી ત્રણ-ત્રણ દાયકા સુધી અમારો જયજયકાર કરીને તમને શું મળ્યું? કટોકટી?

તાત્પર્ય એ કે નેતાઓની ભક્તિ કરવાને બદલે કે તેમના ચગડોળમાં બેસી જવાને બદલે, તેમની પાસેથી કામ લઇ શકે અને હિસાબ માગી શકે એવી લોકશક્તિ જાગે, તો ક્રાંતિ માટે સત્તાપલટાની પણ જરૂર ન રહે. એવું ન થાય ત્યાં લગી કેવળ સત્તાપલટો પણ ક્રાંતિને બદલે ક્રાંતિની ભ્રાંતિ જ બની રહેવાનો, જેનો તીવ્ર અહેસાસ ચૂંટણી-દર-ચૂંટણી થઇ રહ્યો છે.

ક્રાંતિની હવા કે શૂન્યાવકાશ?
ભારતમાં જોવા મળતાં બીજાં કેટલાંક પરિબળોમાંથી ‘ક્રાંતિ કેમ નહીં થાય?’ એ સવાલની સાથોસાથ ‘ભારત સદીઓ સુધી ગુલામ શા માટે રહ્યું?’ તેના કેટલાક જવાબ પણ મળી જાય છે. એવી ઘણી બાબતોમાંની એક છેઃ જ્ઞાતિપ્રથા. બહુમતિ ભારતીયો જ્ઞાતિના અસંખ્ય વાડામાં વહેંચાયેલા છે, જે ‘એક પ્રજા’ તરીકેની ઓળખ આડેનું મોટું નડતર બની રહે છે. બદલાતા સમયમાં જ્ઞાતિનાં બાહ્ય બંધનો ઢીલાં પડ્યાં છે, છતાં માનસિક સ્તરે જ્ઞાતિની ઓળખ અને તેમાંથી પેદા થતી અલગતાની લાગણી ખાસ મોળી પડી હોય એવું જણાતું નથી. શહેરી વિસ્તારોમાં એક હદ સુધીના વ્યવહારમાં જ્ઞાતિ ગૌણ બની હોવા છતાં, એ હદ વટાવ્યા પછી જ્ઞાતિ ફરક પાડી શકે છે.

કેટલાક સંપ્રદાયો જ્ઞાતિ-પેટાજ્ઞાતિનાં બંધનોથી ઉપર ઉઠવાના દાવા કરે છે, પરંતુ તેમના કારણે પેદા થતી સમસ્યા વધારે મોટી છે. એ લોકો નાગરિકોના અસંતોષને સમજવા-સંકોરવાને બદલે તેને ‘પોઝિટિવ થિંકિંગ’, ‘આર્ટ ઓફ લિવિંગ’, વ્યક્તિપૂજા-સંપ્રદાયવફાદારી જેવી નીકોમાં વાળી દે છે. સવાલો પૂછનારા નાગરિકો જેમ રાજકારણીઓને ખપતા નથી, તેમ સંપ્રદાયસંસ્થાઓ કે ફિરકાઓને પણ તેમનો ખપ નથી. મોટો સમુહ સંપ્રદાયબાજી કે બાવાબાજીમાં શાંતિ શોધતો હોય કે શાતા પામતો હોય ત્યાં ક્રાંતિની અપેક્ષા શી રીતે રહે?

ભારતમાં છેલ્લી મોટી સરકારવિરોધી ઝુંબેશનાં મંડાણ ગુજરાતના નવનિર્માણ આંદોલનથી થયાં હતાં. તેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. કોલેજો અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રની રાજકારણથી ખદબદતી સ્થિતિ જોતાં, કોલેજોમાંથી વિદ્યાર્થીનેતોઓના નામે બહુમાં બહુ તો ભાવિ રાજકીય નેતાઓની અપેક્ષા રાખી શકાય, પરંતુ વિદ્યાર્થીનેતાઓનાં રોલમોડેલ તો એ લોકો છે, જેમની સામે ક્રાંતિ કરવાની વાત છે. વિદ્યાર્થીઓના ગુરુઓ તેમના સાહેબોની અને તેમના સાહેબો નેતાઓની ચાપલૂસી કરીને સત્તા ટકાવી રાખવામાં વ્યસ્ત હોય, ત્યાં કયા મોઢે ક્રાંતિની અપેક્ષા રાખવી?

Monday, March 14, 2011

'આલમઆરા'ના આઠ દાયકાઃ મૂકમ ભવતિ વાચાલમ્સૌથી પહેલાં તો ગૂગલ ઇન્ડિયાનો આભાર કે તેમણે આજના દિવસ પૂરતો 'આલમઆરા'નો લોગો બનાવીને યાદ અપાવ્યું કે બરાબર આ જ દિવસે, 14 માર્ચ,. 1931ના રોજ ભારતીય ફિલ્મઉદ્યોગ મૂકમાંથી બોલતા યુગમાં પ્રવેશ્યો.

દિવસ દરમિયાન લોગો જોઇને પોસ્ટ મૂકવાની ઇચ્છા થઇ હતી. પણ તેની સાથે મૂકવાની લાલચ રહે એવી કેટલીક દુર્લભ સામગ્રી ઘરે હતી. તેમાંથી બે નમૂના ઉપર મૂક્યા છે. એ બન્ને 'આલમઆરા'ની ગુજરાતી બુકલેટનાં પાનાં છે. રંગીન પાનું બુકલેટનું મુખપૃષ્ઠ છે અને ટાઇટલ ક્રેડિટવાળું પાનું ત્રીજા નંબરનું છે. ફિલ્મ કંપની ઇમ્પિરિયલ મુવિટોનના માલિક અરદેશર ઇરાની પારસી હતા અને ફિ્લ્મઉદ્યોગમાં ગુજરાતીઓની જબરી બોલબાલા હતી, એટલે હિંદી ફિલ્મોની બુકલેટની સામગ્રી અંગ્રેજીની સાથે ગુજરાતીમા પણ છપાય એવો એ વખતે સ્થાપિત રિવાજ હતો. ક્યારેક ઉર્દુ સામગ્રી પણ તેમાં ઉમેરાતી.

કાનપુરના ફિલ્મસંશોધક અને ગીતકોશ ખંડ 1 થી 5 (1930 થી 1980)ના સંપાદક હમરાઝના 'ગીતકોશ-1'માંથી મળતી વિગત પ્રમાણે, આલમઆરા 14 માર્ચ, 1931ના રોજ મુબંઇના મેજેસ્ટિક સિનેમામાં રિલીઝ થઇ.

સેન્સર સર્ટિફિકેટ નં- 10043, ફિલ્મની લંબાઇ - 10500 ફીટ (આશરે)

આ ફિલ્મમાં 'મુગલ-એ-આઝમ' પૃથ્વીરાજ કપુરની પણ એક ભૂમિકા હતી.

ઇસરોઃ અવકાશી સોદો, આસમાની વિવાદ

સેલફોન માટે વપરાતા સ્પેક્ટ્રમની સસ્તા ભાવે થયેલી લહાણી અને તેમાં સરકારને ગયેલી ખોટનો વિવાદ શમે તે પહેલાં સ્પેક્ટ્રમ વિવાદનો ભાગ બીજો ફૂટી નીકળ્યો. તેની સાથે સંકળાયેલી સંભવિત નુકસાનની રકમ પણ અમુક હજાર કે લાખ કરોડ રૂપિયામાં હતી. છતાં વધારે ગંભીર બાબત એ હતી કે એ સોદામાં ભારતની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ સંકળાયેલી -કે સંડોવાયેલી- હતી.

‘ઇસરો’ - ISRO-ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ કોર્પોરેશન’ અને ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં એક સોદો થયો. એ સોદા મુજબ ‘ઇસરો’ તેના ગ્રાહક ‘દેવાસ’ માટે બે ઉપગ્રહો અવકાશમાં ચઢાવે. તેના દ્વારા પ્રસારિત થનારા-ઝીલાનારા એસ-બેન્ડનાં રેડિયોતરંગોમાંથી ૭૦ મેગાહર્ટ્‌ઝનો પટ્ટો (સ્પેક્ટ્રમ) અંતરિક્ષ કોર્પોરેશને ‘દેવાસ’ ને ફાળવ્યો. ઉપગ્રહના ખર્ચ અને સ્પેક્ટ્રમની લીઝ- બઘું મળીને ૧૨ વર્ષમાં દેવાસે ૩૦ કરોડ ડોલર ચૂકવવાના થતા હતા.

સામાન્ય માણસને તોતિગ લાગે એવી ૩૦ કરોડ ડોલર( તે સમયે આશરે એકાદ હજાર કરોડ રૂ.)ની રકમ એસ-બેન્ડના ૭૦ મેગાહર્ટ્‌ઝ જેટલા સ્પેક્ટ્રમ માટે બજારભાવ કરતાં ઓછી કહેવાય કે કેમ, એ સમજવા માટે રેડિયોતરંગોના એસ-બેન્ડનો મહિમા સમજવો પડે.

બત્રીસ લક્ષણો એસ- બેન્ડ
રેડિયોતરંગોના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છેઃ ટેરેસ્ટ્રિઅલ (જમીની) અને સેટેલાઇટ (ઉપગ્રહી/અવકાશી). સેલફોન સેવાઓ માટે ખપમાં સેવાતા જમીની/ટેરેસ્ટ્રિઅલ સ્પેક્ટ્રમ અને તેના ફાળવણી-કૌભાંડ વિશે ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં વિગતે વાત કરવામાં આવી હતી. સેટેલાઇટ સ્પેક્ટ્રમની લેવાદેવા નામ પરથી જણાય છે તેમ, અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહો સાથે છે.

સંદેશાવ્યવહારને લગતા ઉપગ્રહો ટ્રાન્સ્પોન્ડરથી સજ્જ હોય છે. ‘ટ્રાન્સ્પોન્ડર’ શબ્દ ‘ટ્રાન્સમીટર-રીસ્પોન્ડર’નું ટૂંકુ રૂપ છે. તેનો અર્થ છેઃ પ્રસારણ કરવાની અને પાછું ફેંકવાની-પ્રતિભાવ આપવાની ટુ-ઇન-વન ક્ષમતા ધરાવનાર સાધન. તે રેડિયોતરંગોનું પ્રસારણ કરી શકે અને તેને મળતાં રેડિયોતરંગો ઝીલીને તેમને પાછાં પણ મોકલી શકે.

ઉપગ્રહ દ્વારા પ્રસારિત થતા રેડિયોતરંગો તેમની તરંગલંબાઇ પ્રમાણે સી-બેન્ડ, એક્સ-બેન્ડ, કેયુ- બેન્ડ, કેએ-બેન્ડ જેવા જુદા જુદા બેન્ડ/પટ્ટમાં વહેંચાયેલા હોય છે. એ યાદીમાં ૨ ગીગાહર્ટ્‌ઝથી ૪ ગીગાહર્ટ્‌ઝ (૨૦૦૦ મેગાહર્ટ્‌ઝથી ૪૦૦૦ મેગાહર્ટ્‌ઝ) સુધીનો પટ્ટ એસ-બેન્ડ તરીકે ઓળખાય છે, જે ‘ઇસરો’ને લગતા વિવાદના કેન્દ્રમાં છે.

આખા એસ-બેન્ડમાં પણ ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝ સુધીના બેન્ડનું ભારે માહત્મ્ય છે. કારણ કે ૧૧ વર્ષ પહેલાં રેડિયો સંદેશાવ્યવહારની આંતરરાષ્ટ્રિય બિરાદરીએ આ બેન્ડને વૈશ્વિક સંદેશાવ્યવહાર માટેના સર્વસામાન્ય બેન્ડ તરીકે ઘોષિત કર્યો. મતલબ, રેડિયતરંગોની આ રેન્જમાં આપી શકાતી સેવાઓનો વ્યાપ જમીની સ્પેક્ટ્રમની જેમ પ્રદેશ કે દેશ પૂરતો મર્યાદિત નહીં, પણ વૈશ્વિક બની રહે. આ રેન્જનો સ્પેક્ટ્રમ તેના મેગાહર્ટ્‌ઝના આંકડા પરથી ઘણી વાર ૨.૫ ગીગાહર્ટ્‌ઝ કે ૨.૬ ગીગાહર્ટ્‌ઝના સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખાય છે.

જમીની સ્પેક્ટ્રમની ફાળવણી સરકારના ટેલીકોમ વિભાગને હસ્તક છે, જ્યારે ‘અવકાશી’ સ્પેક્ટ્રમ ઉપગ્રહોમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર થકી ઉપલબ્ધ બને છે. ઉપગ્રહોને લગતી સઘળી કામગીરી સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસની હોય છે, જે ઉપગ્રહમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર દૂરદર્શન જેવી સરકારી એજન્સીઓને કે ખાનગી કંપનીઓને પ્રસારણ માટે આપે છે. જોકે, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને રેડિયોતરંગોના જુદી જુદી તરંગલંબાઇના બેન્ડની ફાળવણી ટેલીકોમ વિભાગ કરે છે. તેમાં આંતરરાષ્ટ્રિય ટેલીકમ્યુનિકેશન યુનિઅન (આઇટીયુ)ના ધારાધોરણો અનુસરવામાં આવે છે.

ભારતમાં ‘ઇનસેટ’ ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડર થકી એસ-બેન્ડના રેડિયોતરંગો ઉપલબ્ધ બન્યા, ત્યારે દૂરદર્શને તેનો ઉપયોગ કરીને દેશના ખૂણેખૂણે ટીવી પ્રસારણ પહોંચાડ્યું. આગળ જતાં સેટેલાઇટ ફોન માટે પણ એસ-બેન્ડના રેડિયોતરંગોનો ઉપયોગ થયો. વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ રેડિયોકમ્યુનિકેશન કોન્ફરન્સે ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડને મોબાઇલ સંદેશાવ્યવહાર સેવાઓ માટે અલગ તારવ્યો. ૧૯૦ મેગાહર્ટ્‌ઝના આ બેન્ડની ખૂબી એ હતી કે મોબાઇલ સેવાઓ માટે એસ-બેન્ડમાં બીજો આટલો મોટો ટુકડો ઉપલબ્ધ ન હતો અને કોઇ દેશમાં તે હોય તો પણ (૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના પટ્ટની જેમ) તે આંતરરાષ્ટ્રિય વપરાશ માટે કામ લાગે તેમ ન હતો.

મોબાઇલ ઉપકરણો પર વિડીયો સહિતના ભારેખમ ડેટાની ચીલઝડપે અને દુનિયાભરના દેશોમાં લેવડદેવડ કરી શકાય, એ નવા જમાનાનો તકાદો હતો. આ માગ સંતોષતી વાયરલેસ સેવા - આઘુનિક પરિભાષામાં કહીએ તો, ૪-જી સર્વિસ - પૂરી પાડવાના કામમાં ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝનો બેન્ડ ‘બત્રીસ લક્ષણો’ ગણાયો.

વિવાદનાં મૂળીયાં
ઇસરો-દેવાસ વચ્ચે સોદો થયો ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં પણ ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડની શક્યતાનો મહત્તમ કસ કાઢવાનું શરૂ થયું ન હતું. એટલે સ્વાભાવિક રીતે જ, તેમનો સોદો જાહેરમાં ખાસ ચર્ચાયા વિના, શાંતિથી પાર પડ્યો.

‘દેવાસ’ સીઇઓ રામચંદ્રન્‌ વિશ્વનાથન ઇન્ટરનેટ અને સેટેલાઇટ સંદેશાવ્યવહાર ક્ષેત્રે વીસ વર્ષની તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એક અહેવાલ પ્રમાણે, તેમણે છેક ૨૦૦૩માં અમેરિકાની મુલાકાતે ગયેલી ‘ઇસરો’ની ટુકડી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું. તેનો વિષય હતોઃ ‘ઇસરો’ જેવી સંસ્થા વિશ્વવ્યાપી સેટેલાઇટ નેટવર્ક દ્વારા કેવી રીતે મલ્ટીમિડીયા સર્વિસ આપી શકે.

વિશ્વનાથન એ વખતે ‘ફોર્જ એડવાઇઝર્સ’ કંપનીના મેનેજિગ ડિરેક્ટર હતા. તેમની રજૂઆતથી ‘ઇસરો’ના અધિકારીઓ ભારે પ્રભાવિત થયા, પણ વિશ્વનાથન ‘ઇસરો’ના ‘અંતરિક્ષ કોર્પોરેશન’ સાથે ભાગીદારીમાં ધંધો કરવા ઇચ્છતા હતા, જ્યારે ‘ઇસરો’ ઉપગ્રહોમાંથી સ્પેક્ટ્રમનો ચોક્કસ બેન્ડ લીઝ પર આપીને અટકી જવા ઇચ્છતું હતું. તેનાથી આગળ વધીને, મોબાઇલ મલ્ટિમીડિયા સર્વિસ પૂરી પાડવામાં તેને રસ ન હતો. એ સ્થિતિમાં ‘દેવાસ મલ્ટિમીડિયા’ અસ્તિત્ત્વમાં આવી. એમ.જી.ચંદ્રશેખર, ડી.વેણુગોપાલ, કિરણ કર્ણિક જેવા ‘ઇસરો’માં ઊંચા હોદ્દે રહી ચૂકેલા-એક યા બીજી રીતે સંકળાઇ ચૂકેલા અફસરો ‘દેવાસ’ના મુખ્ય સૂત્રધાર હતા. કંપનીનું આરંભિક ભંડોળ પણ પરદેશમાંથી આવ્યું હતું.

જી.માધવન નાયર ‘ઇસરો’ના વડા હતા, ત્યારે ‘દેવાસ’ સાથેનો સોદો થઇ ગયો, પણ ‘ઇસરો’ના સેટેલાઇટ લોન્ચ વેહીકલ (જીએસએલવી)ની નિષ્ફળતાને કારણે ઉપગ્રહ તરતા મૂકવાનું અને સોદો અમલી બનાવવાનું પાછું ઠેલાતું ગયું. ‘દેવાસ’ના સીઇઓ વિશ્વનાથને એમ પણ કહ્યું હતું કે ઉપગ્રહ ચડાવવામાં થયેલા વિલંબને કારણે છેલ્લા થોડા મહિનાથી અમે થર્ડ પાર્ટી લોન્ચ- ઇસરો સિવાયની કોઇ સંસ્થા દ્વારા ઉપગ્રહ તરતો મૂકવા વિશે વિચારી રહ્યા હતા.’

આરોપ અને અસલિયત
ઉપગ્રહ ચડાવવામાં થયેલો વિલંબ ‘દેવાસ’ માટે નુકસાનકારક, પણ દેશ માટે ફાયદાકારક નીવડ્યો. કારણ કે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મોબાઇલ ફોન ક્ષેત્રે અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રગતિ થઇ. એ સાથે જ મોબાઇલ સર્વિસના પાયામાં રહેલા સ્પેક્ટ્રમના ભાવ આસમાને પહોંચ્યા. ૩-જી અને ૪-જી ટેકનોલોજીને કારણે સ્પેક્ટ્રમ કેટલો મૂલ્યવાન બની રહેવાનો છે, તે સત્ય વધારે ને વધારે સ્પષ્ટ રીતે ઉઘડવા લાગ્યું.

એક તરફ દેવાસે બે ઉપગ્રહોની રીઝર્વેશન ફી પેટે રૂ. ૫૮.૩૭ કરોડનું ચૂકવણું કરી દીઘું, તો બીજી તરફ તેણે પોતાનો ૧૭ ટકા હિસ્સો ૨૦૦૮માં રૂ.૩૧૮ કરોડમાં વેચ્યો. (યાદ રહે કે સોદા પ્રમાણે કંપનીને બધા ખર્ચ સાથે ૧૨ વર્ષ માટે આશરે રૂ.૧ હજાર કરોડના ભાવે ૭૦ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ મળવાનો હતો.)

પરંતુ ઓક્ટોબર, ૨૦૦૯માં સ્પેસ કમિશને બે ઉપગ્રહોની દરખાસ્ત મૂકી, ત્યારે તેના ઉપયોગોમાં અંતરિક્ષ-દેવાસ સોદાનો ઉલ્લેખ ન હતો. તેના પગલે થયેલી ફરિયાદને કારણે ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી ડિસેમ્બર ૨૦૦૯માં એક સમિતિની રચના કરવામાં આવી, જેના અઘ્યક્ષપદે સ્પેશ કમિશનના ભૂતપૂર્વ સભ્ય ડો.બી.એન.સુરેશ હતા. આ સમિતિને અંતરિક્ષ-દેવાસ સોદાનાં તમામ પાસાંની તપાસનું કામ સોંપાયું.

ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશન બન્નેએ અલગ અલગ રીતે ઇસરો-દેવાસ સોદો રદ કરવાનું સૂચવ્યું. તેનાં કારણોમાં એક કારણ એવું હતું કે એ સોદા વિશે એક હદથી આગળ, ટોચના સ્તર સુધી જાણ કરવામાં આવી ન હતી. ૨૦૧૦માં સંજોગો પણ બદલાયા હતા અને સ્પેક્ટ્રમની કંિમત પણ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસે ‘રાષ્ટ્રની વ્યૂહાત્મક જરૂરિયાતોની પ્રાથમિકતા’ ઘ્યાનમાં રાખીને સ્પેક્ટ્રમનો વઘુ અસરકારક ઉપયોગ કરવા માટે સોદો રદ કરવાની તરફેણમાં મત આપ્યો. સાથોસાથ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા પણ આ સોદાની પ્રાથમિક તપાસ શરૂ થઇ. સ્પેક્ટ્રમ કૌભાંડ બરાબર ચગેલું હતું અને ‘દેવાસ’ના સોદા વિશેના વિવાદની વિગતો જાહેર થઇ, એટલે તેનો ‘સ્પેક્ટ્‌મ કૌભાંડ-૨’ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો.

આ સોદો થયો ત્યારે ‘ઇસરો’ના વડા તરીકે કાર્યરત જી.માધવન નાયરે થોડા સમય પહેલાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘સોદામાં કશું ખોટું થયું નથી. સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમની કંિમતો વચ્ચે આભજમીનનો તફાવત હોય છે. સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમત ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમ કરતાં હજાર ગણી ઓછી હોય છે.’ ટૂંકમાં તેમના કહેવાનું તાત્પર્ય હતું કે ૩-જી સ્પેક્ટ્રમની હરાજીથી થયેલી આવકની સાથે સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમતની સરખામણી ન થઇ શકે અને તેના આધારે દેશને થનાર સંભવિત નુકસાનનો અંદાજ ન કાઢી શકાય (જે કેટલાકના મતે રૂ.બે લાખ કરોડ જેટલો હતો) આખા વિવાદ પાછળ તેમણે ‘ઇસરોને બદનામ કરવાનું કાવતરું’ જેવી શંકા પણ વ્યક્ત કરી.

આખરે સરકારે ઇસરો-દેવાસ સોદો રદ કર્યો. ‘દેવાસ’ના વિશ્વનાથને કરારભંગ બદલ અંતરિક્ષ કોર્પોરેશને કિમત ચૂકવવી પડશે એવો ઘુ્રજારો કર્યો હતો. પણ કરારની શરતો (કલમ ૭-સી)માં ખુદ અંતરિક્ષ કોર્પોરેશન ઉપગ્રહ માટે જરૂરી ભ્રમણકક્ષા કે જરૂરી સ્પેક્ટ્રમ ન મેળવી શકે એવી સંભાવના વ્યક્ત થયેલી હતી. એવું થાય તો દેવાસે આગળથી ચૂકવેલી રકમ અને તેની પરનો સર્વિસ ટેક્સ પરત આપવા સિવાય અંતરિક્ષ કોર્પોરેશને દેવાસને બીજું કંઇ ચૂકવવાનું રહેતું ન હતું.

સોદો રદ થતાં દેશને થનાર સંભવિત નુકસાન ટળી ગયું છે, પણ આખા વિવાદમાં ‘ઇસરો’ની ભૂમિકા વિશે બે મુખ્ય સવાલ રહેઃ તેણે નક્કી કરેલી સ્પેક્ટ્રમની રકમ ઓછી હતી કે નહીં? અને ઓછી હોય તો ઇરાદાપૂર્વક ઓછી હતી?

સ્વાભિવક છે કે સ્પેક્ટ્રમની કિમત ૨૦૦૫માં હતી એટલી ૨૦૧૦માં ન જ હોય. કારણ કે એ તેની ઉપયોગીતા પ્રમાણે અકલ્પનીય હદે વધતી રહે છે. પરંતુ એ જ કારણથી, ૧૨ વર્ષ જેવા લાંબા ગાળા માટે, બાંધી કિમતે બત્રીસ લક્ષણો ૨.૫ ગીગા હર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ આપી દેવાનો નિર્ણય કેટલો વેપારીબુદ્ધિવાળો કહેવાય એ વિચારવું રહ્યું.

Sunday, March 13, 2011

Wheeling-dealing

હર લારીકે દિન આતે હૈં

ટિન ટિન નહીં, ટ્રિન ટ્રિન
દોરી ખેંચીને વગાડવાની ઘંટડી જેમાં ન હોય એ બસ કેવી? એસટી હોય કે એએમટીએસ, કંડક્ટરના પંચનું 'કિર્ર કિર્ર' અને બસની ઘંટડીનો ટિન ટિન અવાજ કાને પડે તો જ બસનો માહોલ જીવંત બને. એસટીની બસમાં હવે પંચનું સ્થાન મશીનોએ લીધું છે અને થોડા દિવસ પહેલાં રાજસ્થાન (કે મધ્યપ્રદેશ)ની આ એસટી બસ જોઇ, તેમાં ઘંટડીને બદલે કંડક્ટર સીધીસાદી ઇલેક્ટ્રિક બેલ વગાડતા હતા.

ફોક્સવેગનના મૂળ અર્થ સાથે છૂટછાટ લઇને આને ડોગ્સવેગન કહી શકાય?

ઘણા રાહદારીઓ ને વાહનચાલકો કહે છેઃ નો રિક્ષા, નો ટેન્શન

Wednesday, March 09, 2011

વિચારભુવન વિશે વિચાર


પહેલી તસવીરમાં રેલવેની ટિકીટની સાઇડપેનલ પર સરકારી જાહેરખબર છે. એ વાંચીને એવું લાગે કે ગામડાંના લોકો પોતાના ઘરનાં શૌચાલયોમાં તાળાં મારીને, ધરાર જાહેરમાં શૌચક્રિયા માટે જાય છે અને તેમને પોતાના માનસન્માનની કોઇ પરવા જ નથી.
બીજી જાહેરખબરમાં માનમર્યાદાની આણ આપવાને બદલે સીધી ધમકી જ છેઃ તમે શૌચાલય માટે બહાર જાવ અને ગુંડા તમને ઉપાડી જાય તો એ તમારો પ્રોબ્લેમ છે. તમે ઘરમાં શૌચાલય ન બનાવો તેમાં સરકાર શું કરે?

સરકારી માનસિકતાના આબાદ પ્રતીક જેવી આ જાહેરખબરો જોઇને વધુ એક વાર 'રાગ દરબારી' યાદ આવે છે, જેમાં 'વધુ અન્ન ઉગાડો'ની સરકારી જાહેરાતની ફિલમ ઉતારતાં શ્રીલાલ શુક્લે એ મતલબનું લખ્યું હતું કે ખેડૂતો ખરેખર બદમાશ હોય છે. તે વધારે અન્ન ઉગાડવા નથી માગતા. એટલે સરકારે તેમને કેટલી બધી જાહેરાતો કરીને, લાલચ આપીને, ફોસલાવી-પટાવીને સમજાવવા પડે છે...

જેમને રહેવાનું ઠેકાણું ન પડતું હોય અથવા માંડ પડ્યું હોય તેના માટે શૌચાલય કેટલી મોટી ચીજ છે, એની કલ્પના કરવાનું એટેચ્ડ ટોઇલેટવાળાં ઘરોમાં રહેતા આપણા જેવા ઘણા લોકો માટે અઘરું હોય છે, પણ છેલ્લા આઠેક વર્ષથી 'દલિતશક્તિ' સામયિક સાથે સંકળાયા પછી મને થોડું થોડું એ સમજાયું છે. એ સંદર્ભમાં મિત્ર ચંદુ મહેરિયાનો અદભૂત આત્મકથાત્મક લેખ 'મેયર્સ બંગલો' યાદ આવે છે.

રસ્તે રખડતા વરઘોડા

સાડીના શોરૂમવાળા જેને ‘લગ્નસરા’, સામાજિક લોકો ‘લગ્નગાળો’ અને ધંધાદારી પંડિતો જેને ‘સારું છે’ તરીકે ઓળખાવે છે, એ લગ્નની સીઝનમાં અમીરગરીબ સૌ યથાશક્તિ વરઘોડા કાઢતાં અને વરઘોડામાં મહાલતાં જોવા મળે છે. ‘ગધેડે ચડવું/ચડાવવું’ એ શબ્દપ્રયોગ જાણીતો છે, ઘણાને લાગે છે કે ‘ઘોડે ચડવા’ સાથે તેને નજીકનો સંબંધ છે. વાસ્તવમાં, લગ્ન કરવું એ ગધેડે ચડ્યા બરાબર નથી. પણ જે લોકો શબ્દાર્થમાં ઘોડે ચડીને વરઘોડા કાઢે છે, તે અને તેમનાં વરઘોડીયાં ઘણી વાર ગધેડે ચડ્યા હોય એવાં લાગે છે. શણગારેલા ઘોડાને બદલે ફૂલોના હરતાફરતા શોરૂમ જેવી ગાડી સાથે નીકળેલા સમુહને કોઇ ‘વરગાડી’ નથી કહેતું અને ગધેડે ચડવાની બાબતમાં એ ‘વરઘોડા’ કરતાં બિલકુલ જુદો નથી હોતો.

વર અને ઘોડા વચ્ચે ભલે પગની સંખ્યા સહિત કોઇ બાબતે સામ્ય ન હોય, પણ ઘોડા અને વરઘોડા વચ્ચે કેટલીક બાબતો સરખી હોય છે. ઘોડાની આંખે ડાબલા બાંધ્યા પછી તેને પોતાની સામેના રસ્તા સિવાય આજુબાજુનું કંઇ દેખાતું નથી. એવી જ દશા વરઘોડાની હોય છે. ઉમંગ અને ઉત્સાહના ડાબલા બાંધ્યા પછી વરઘોડિયાંને ગીચ રસ્તો, તેની પર અટવાતો ટ્રાફિક, બેન્ડવાજાં કે ડીજે પાર્ટીથી થતો ઘોંઘાટ, ‘રસ્તા પર વરઘોડો કાઢવો નહીં કે ફટાકડા ફોડવા નહીં’ એવી સૂચનાઓ- આ કશું જ દેખાતું-સંભળાતું નથી. ઘોડાની હણહણાટી અને વરઘોડામાંથી ઉઠતી ચિચિયારીઓ ઘણી વાર એકસરખી લાગે છે. (ઘોડા છાપાં નથી વાંચતા એટલું સારું છે. નહીંતર આ વાંચીને તેમની લાગણી દુભાઇ શકે.) બન્ને અવાજ વચ્ચે ફરક હોય તો એટલો કે ઘોડો ત્રાસ પામે ત્યારે હણહણાટી કરે છે, જ્યારે વરઘોડિયાંની ચિચિયારીઓથી બીજા લોકોને એવો ત્રાસ પડે છે કે ઘોડાની જેમ હણહણી ઉઠવાનું મન થાય. વરઘોડો અતિશય ઘોંઘાટ પેદા કરે છે. ઘોંઘાટ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ છે. એટલે વરઘોડાની ટીકા આપોઆપ ભારતીય સંસ્કૃતિની ટીકા ગણાઇ શકે છે. સાવધાન.

બેન્ડવાજાં વિનાનો વરઘોડો વરદી વગરના પોલીસ જેવો, કમાન્ડો વગરના નેતા જેવો, મલાઇ વગરના દૂધ જેવો, કટકી વગરના સોદા જેવો, જાહેરખબરો વગરના અખબાર જેવો, ડોનેશન વગરના એડમિશન જેવો કસ વગરનો અને નિસ્તેજ લાગે છે. નવા જમાનામાં બેન્ડવાજાંનું સ્થાન ડીજે સીસ્ટમે લીધું છે, પણ બન્ને વચ્ચે માણસ અને મશીન જેટલો મોટો તફાવત પડી જાય છે. બેન્ડવાજાંમાં બેસૂરું વગાડવાનું કામ જીવતાજાગતા માણસ કરે છે અને તેના બેસૂરાપણાનો રાઝ નજર સામે જોઇ-સમજી શકાય છે, જ્યારે ડીજેમાં ખરેખર કોણ બેસુરું છે- મૂળ ગાયક, મૂળ સંગીતકાર, ગીતોના સંગીતમાં ચેડાં કરનાર ડીજે, તેની મ્યુઝિક સીસ્ટમ કે એ બધાં- તે નક્કી કરવું અઘરું પડે છે. બેન્ડવાજાં સાથે આવતા અને સ્ત્રી-પુરૂષ બન્ને અવાજમાં ગીત લલકારતા ગાયકો બેસૂરા હોય છે, પણ ડીજે મ્યુઝિક સાંભળતી વખતે એ ગાયકો અને તેમના વાદકોના (ડીજેની સરખામણીમાં) સહ્ય બેસૂરાપણાની કિંમત સમજાય છે. ડીજે મ્યુઝિક કાન ફાડી નાખે એવું અને પ્રેમમાં પડ્યા વિના હૃદયની ‘ધક ધક’ વધારી મૂકે એવું હોય છે. થોડી વાર ડીજેનાં રાક્ષસી સ્પીકરની રેન્જમાં રહ્યા પછી જોરથી વાગતા હથોડા કાનમાં વાગે છે કે છાતીમાં કે પેટમાં કે મનમાં એ સમજાતું નથી.

બેન્ડનું સંગીત પૂરબહારમાં ચાલતું હોય ત્યારે ‘બેન્ડ બજ ગયા’ એટલે શું, તેની તમામ અર્થચ્છાયાઓ મનમાં સ્પષ્ટ થઇ જાય છે. તીણી પીપુડી, ઘોઘરું વાજું, કાન ફાડી નાખે એવા પ્લાસ્ટીકીયા ઢોલ, કર્કશ અવાજે તાલ બેતાલમાં વાગતું કી-બોર્ડ- આ બધાનો સહિયારો અવાજ સાંભળીને કાચાપોચા માણસનું ‘બેન્ડ વાગી જાય.’ પણ બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાતના શિયાળાની ઠંડી જેમ ઠંડી લાગતી નથી (‘અમારે ત્યાં તો આવી ઠંડી ઉનાળામાં હોય, યુ નો!’), તેમ વરઘોડિયાંને ઉપર વર્ણવેલો ઘોંઘાટ જરાય સ્પર્શતો નથી. ઘોંઘાટના ડેસિબલ વધે તેમ એમનો ઉમંગ ઉછાળા મારે છે. બાજુમાં ઉભેલા જણ સાથે ઘાંટા પાડીને વાત કરવી પડે ત્યારે જ વરઘોડામાં મહાલવાની ‘કીક’ આવે છે. આ એવી ક્ષણો હોય છે, જ્યારે શાંતિપ્રેમી સંગીતપ્રેમીઓને તાનસેન કરતાં ઔરંગઝેબ વધારે ગમવા માંડે.

વરઘોડામાં બેન્ડવાજાં લેટેસ્ટ હિટ ગીતો ઉપરાંત કેટલાંક સ્ટાન્ડર્ડ જૂનાં ગીતો અચૂક વગાડે છે. એ ગીતો વરઘોડાથી ત્રાસેલા કોઇ જણે સિફતપૂર્વક, સામે પડવાને બદલે અંદર ભળી જઇને, ઘુસાડી દીધાં હશે એવું તેના શબ્દો પરથી લાગે. લગ્ન જેવા પ્રસંગે ‘ઇસ દેશકા યારોં ક્યા કહેના’ કે ‘ભોલી સૂરત દિલકે ખોટે’ જેવાં ગીતોની તરજ વગાડવા પાછળ ‘આ પ્રજા કદી નહીં સુધરે-નહીં સમજે’ એવા આડકતરા સંદેશ સિવાય બીજું કયું કારણ હોઇ શકે?

વરઘોડાની ફિલસૂફી થોમસ કાર્લાઇલના એક ચવાઇ ગયેલા અવતરણમાં થોડા ફેરફાર સાથે આ રીતે રજૂ કરી શકાયઃ ‘આ રસ્તા પરથી જો મારે એક જ વાર પસાર થવાનું હોય તો હું થઇ શકે તેટલો ઘોંઘાટ શા માટે ન કરી લઉં?’ તેને અનુસરતા કેટલાક ઉત્સાહીઓ સંગીતના ઘોંઘાટમાં ફટાકડાની તડાફડી-ધડાધડીનો ઉમેરો કરે છે. તેમના બોમ્બધડાકા ત્રાસવાદીઓના બોમ્બધડાકા જેવા જીવલેણ નથી હોતા, પણ રસ્તા પર ફોડવામાં આવતા ટેટા કે બોમ્બથી રાહદારીઓ, વાહનચાલકો અને આજુબાજુના લોકોમાં ફેલાતો ત્રાસ ફટાકડા ફોડનારને ‘ત્રાસવાદી’ કહેવા માટે પૂરતો હોય છે. ત્રાસવાદીઓ સાફા, સૂટ કે સુરવાલ ન પહેરે ને ખભે ખેસની જેમ દુપટ્ટા ન નાખે એવું કોણે કહ્યું?

કરોડોની કટકી કરનાર નેતા પોતાના કૌભાંડ માટે તપાસસમિતિ નીમે અને તેમાં સૌને સહકાર આપવાની વિનંતી કરે, એવો દંભ ફક્ત રાજકારણીઓ જ કરે છે? ના, આપણામાંથી પણ ઘણા તેમાં પાછળ નથી, તેનો પરચો વરઘોડામાં મળે છે. આખા રસ્તાનો ટ્રાફિક ધરાર ખોરવી નાખ્યા પછી વરઘોડામાંથી બે-ચાર ઉત્સાહીઓ માનદ્ રીતે ટ્રાફિક પોલીસની ભૂમિકામાં આવી જાય છે- અને તે ટ્રાફિકની કઢી કરતા વરઘોડિયાંને નહીં, પણ તેનાથી પીડાતા રાહદારીઓને હાથ બતાવીને, સાઇડ બતાવીને, ‘આ બાજુથી જવા દો, આમ નીકળી જાવ, આવવા દો, ધીમે ધીમે..’ એવી બધી સૂચનાઓ ઇશારાથી આપે છે. પોતાની સ્વૈચ્છિક સમાજસેવાનું ગૌરવ અને ટ્રાફિક કન્ટ્રોલ જેવું મહત્ત્વપૂર્ણ કામ કરવાની ઉત્તેજના તેમના ચહેરા પર છલકાય છે. ‘હું ટ્રાફિક કન્ટ્રોલ નહીં કરું તો રસ્તો જામ થઇ જશે’ એવો કર્તાભાવ ધારણ કરીને તે સરહદ પરના જવાન જેવી ચુસ્તી-સ્ફુર્તિ દાખવવાનો પ્રયાસ કરે છે.

પીડનારને બદલે પીડિતને ઉપદેશ આપવાની તેમની આ ચેષ્ટા બિલકુલ ધર્મ્ય- ધર્મને અનુરૂપ છે. મોટા ભાગના ધર્મગુરુઓથી માંડીને સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓ દાદાઓને નહીં, પણ દાદાગીરીનો ભોગ બનેલા અને તેની સામે માથું ઉંચકનારને જ શીખામણો આપતાં હોય છે. એ દૃષ્ટિએ વરઘોડાના માનદ્ ટ્રાફિક કન્ટ્રોલર માટે વધુ ઉજ્જવળ કારકિર્દી રાહ જુએ છે એમ કહી શકાય.

Monday, March 07, 2011

લોકશાહીની સમસ્યાઓ અને સ્વામી આનંદનું નિદાન

swami anand

‘...આમપ્રજા રિદ્ધિસિદ્ધિની છાકમછોળથી જેટલી ને તેટલી છેટી રહી છે. બલ્કે તેની હાલાકી બેસુમાર વધી પડી છે. લાંચરુશ્વત..વગર આજે ડગલું દઇ શકાતું નથી. લાખ કરોડ અબજોની જ ભાષામાં બોલવા લખવા ટેવાઇ ગએલા રાજદ્વારીઓએ અમલદાર વર્ગને, ઉદ્યોગપતિઓને, કંત્રાટી વેપારી તમામને, લાખ કરોડની ભાષામાં જ બોલતા કરી મૂક્યા. હજાર પાંચસે પંદરસે ટકા નફાના મારજીન વગર ઉદ્યોગવાળા આજે વાત કરતા નથી...નીતિ ધર્મ, સંયમ, નિયમ વફાદારીનાં તળિયાં જ ટૂટી પડ્યાં અને તેના તરફદાર બાઘા વેવલા ગણાવા લાગ્યા. દગાફટકાની લાજશરમ કોઇને જ રહી નહિ...આ આયોજનોમાં ખેતી અન્ન ઉત્પાદનની કે પ્રજાનાં ઉછરતાં બાળકોને નવટાંક દૂધ મળે એવી યોજનાઓને પ્રાયોરીટી આપવી કે લોખંડ, સીમેન્ટ, રેડિયો, પ્લાસ્ટિક, પીપરમીન્ટને એટલું પણ તારતમ્ય નથી...’

ઉપરનું લખાણ થોડા સુધારા, બલ્કે બગાડા સાથે, ૨૦૧૧માં પણ યથાતથ લાગુ પડી જાય, તે કરુણ વાસ્તવિકતા છે. પરંતુ અસલમાં એ સ્વામી આનંદના ૧૯૬૫ના ઉદ્‌ગાર છે. પહેલાં લોકમાન્ય ટિળક અને પછી ગાંધીજીના નિકટના સહયોગી બનેલા સ્વામીએ લોકસેવા ખાતર ભગવાં વસ્ત્રો છોડ્યાં હતાં(કારણ કે ભારતમાં ભગવાં વસ્ત્રો પહેરનાર કે ટીલાંટપકાં કરનાર ‘યુનિફોર્મ’ની રૂએ સેવા આપનાર નહીં, પણ સેવા લેનાર બની જાય છે.)

ગાંધીજીના સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા સાથી સ્વામી આનંદ- મૂળ નામ હિંમતલાલ દવે- તેમના સ્પષ્ટ વિચારો અને જાનદાર ગુજરાતી ભાષાને લીધે ગાંધીયુગનો તેજસ્વી સિતારો બની રહ્યા. કાકાસાહેબ કાલેલકર તેમના અભિન્ન મિત્ર. બન્નેએ સાથે હિમાલયનો પ્રવાસ કર્યો હતો. ત્યાર પછી મરાઠી માતૃભાષાવાળા કાકાએ ગુજરાતીમાં ‘હિમાલયનો પ્રવાસ’ લખ્યું અને ગુજરાતીએ સ્વામીએ મરાઠીમાં એ જ વિષય પર લખ્યું. તેમના લેખોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ ગુજરાતી ભાષાનાં સર્વકાલીન શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવો છે.

આઝાદી મળ્યા પછીનાં વર્ષોમાં ભારતની પ્રજાકીય અને રાજકીય પડતીથી વ્યથિત સ્વામી હિમાલયમાં રહેતા અને શિયાળામાં નીચે ઉતરીને કેટલીક જગ્યાએ મુકામ કરતા. એ સિલસિલામાં ઘૂળિયા (મહારાષ્ટ્ર)માં શિવાજીરાવ ભાવે સાથે થયેલી તેમની ચર્ચાઓ યજ્ઞ પ્રકાશન દ્વારા ‘સર્વોદય વિચારણા’ નામે ગ્રંથસ્થ થઇ. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલા એ પુસ્તકના આરંભે સ્વામીએ લખ્યું હતું, ‘આપણા દેશની હાલત અંગે અનેક સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ દેશના તમામ સમજુ માણસોને આજે મૂંઝવી રહી છે. તેના નિદાન અને ઇલાજની બાબતમાં અમો બંને પૂરેપૂરા એકમત છીએ એમ જોયા પછી જ એ વિષય ઉપર એક પુસ્તક લખવા મેં પૂ.શિવાજીરાવ ભાવેને વિનંતી કરી...આ પુસ્તકની રૂપરેખા એમની ઘડેલી અને રજૂઆત મારી છે.’

દેશના સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ ૧૯૬૫માં હતાં, તેનાથી ૨૦૧૧માં વઘ્યાં અને વકર્યાંર્ છે. કારણ કે ઘણી સમસ્યાઓનાં મૂળીયાં પ્રજાકીય માન્યતાઓ અને પ્રજાકીય વર્તણૂંકમાં પડેલાં છે. આ બન્નેનો બોદી-નમાલી નમ્રતા વિનાનો કે ‘કોઇને ખરાબ લાગશે તો?’ એવી ‘વ્યવહારુ’ ગણતરી સિવાયનો સ્પષ્ટ ચિતાર સ્વામી આનંદના ધસમસતા ગદ્યમાં મળી આવે છે. પોતાની અભિવ્યક્તિની ધાર ઉપર વિચારશીલતાનું પૂરેપૂરું વજન મૂકીને સ્વામીએ લખ્યું છે,‘જે વર્ગ કે વર્ગોની અહીં ટીકા છે, તે જ વર્ગની હું પોતેય પેદાશ છું. મારા નિકટતમ મિત્રો, સાથીઓ, પૂજનીય ગુરુજનો, જેમની પાસેથી જીવનભર મેં અનંત ઉપકાર મેળવ્યો, તે લગભગ બધા એ જ વર્ગના છે. મતલબ કે, આવી રજૂઆત એમને અન્યાય કરનારી કે વઘુ પડતી ગણતો હોઉં તો ક્ષણિક આવેશ અભિનિવેશનો માર્યો હું તે કદાપિ ન કરું,’

સ્વામી જેમને ‘પોતાનાં’ ગણે છે તેમાં ગાંધી-નેહરુની કોંગ્રેસના નેતાઓ, ગાંધીવાદીઓ, સર્વોદયીઓ અને સાઘુસન્યાસીઓ પણ આવી જાય. છતાં, એ લોકોની નિષ્ફળતાઓ અને મર્યાદાઓ પર ઢાંકપિછોડો કરીને આગળ નહીં વધી શકાય, એવી દૃઢ પ્રતીતિ ૨૦૦ પાનાંના આ પુસ્તકમાં ઠેકઠેકાણે જોવા મળે છે.

સવાલજવાબ રૂપે લખાયેલા અને ઉપસંહાર સહિત કુલ ૧૭ પ્રકરણમાં વહેંચાયેલા પુસ્તકમાં એક પ્રશ્ન છેઃ ‘કોંગ્રેસના મોવડીઓથી દેશના શ્રેષ્ઠ નિષ્ઠાવંત માણસો હતા અને એમને હાથે કંઇ ગણતરીની ભૂલો થઇ હોય તો પણ તે પ્રામાણિક ભૂલો હતી. આઝાદી એટલે ભૂલો કરવાનો હક, અમારે એ જોઇએ, એમ અમે લડતકાળેે રોજ અંગ્રેજોને સંભળાવતા. એ બઘું શું ઉપલકિયા હતું?’

આ શબ્દજાળને ચીરતો સ્વામીનો જવાબ હતો ‘ભૂલ કરવાનો હક એ આઝાદીનું એક લક્ષણ છે, સનદ નથી. ભૂલો કરવાનું ફરજિયાત ન હોઇ શકે. વળી માણસ પોતે નકરો પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય એટલું બસ નથી. રાજકારણના ક્ષેત્રમાં પ્રજાની સેવા કરનારામાં દૂરંદેશી, કુનેહ, કાર્યક્ષમતા, ત્વરિત નિર્ણયશક્તિ વગેરે ગુણો જોઇએ. સૌથી ઉપર સરદાર પટેલના જેવું છાતીબળ અથવા તો લોકમાન્યની ભાષામાં કહીએ તો ‘લોઢાના ચણા ચાવે’ એવા દાંત જોઇએ...લાખો કરોડો માણસોના ભાગ્યનું સુકાન જેના હાથમાં આવ્યું છે એવા માણસ જ્યારે, ભલે પ્રમાણિક અને ગણતરીની પણ, ભૂલ કરે ત્યારે તેનાં પરિણામ આખી પ્રજાને કદાચ કાળકાળાંતર સુધી ભોગવવાં પડે છે. તેથી ખાનગી જીવનની ભૂલ કરતાં જાહેર જીવનની ભૂલ, ખાસ કરીને પ્રજાના સુકાનીઓના હાથે થતી ભૂલ, હજારગણી વઘુ અક્ષમ્ય છે.’

આઝાદી પછીની બે-ત્રણ ચૂંટણીમાં સ્પષ્ટ થઇ ગયું કે ભારતમાં લોકશાહીના નામે ચૂંટણીશાહી મૂળીયાં જમાવી રહી છે. એટલે ‘ગમે તે હોય, પણ આખરે લોકશાહી રાજતંત્રનો શ્રેષ્ઠ પ્રકાર છે’ એવું આશ્વાસન સ્વામીને મંજૂર ન હતું.

તેમણે લખ્યું ‘અલબત્ત છે. પણ સાચી છાપની ને નકલી છાપ લોકશાહી ઓળખવી જોઇએ. નકરું નામ પાડવાથી કે વાંદરનકલ કર્યાથી સાચી લોકશાહી ખીલતી નથી. પ્રજાની સંગઠિત પુરુષાર્થ શક્તિને જગાડીને તે મારફત દેશની સુવ્યવસ્થા કરવાનું કામ રાજસત્તાનું છે. આજની લોકશાહીના આપણા રાજકર્તાઓને એ સૂઝતું નથી. કોંગ્રેસની રાજવટમાં ઢગલાબંધ ભૂલો થઇ. સત્તાની, વિદેશી હુંડિયામણની અને નોકરશાહીની ઓશિયાળી આપણી આ સરકારને હાથે કોટિકોટિ જનતાનો વિકાસ ન થઇ શકે એ હવે સાબિત થયું. કોંગ્રેસની જગાએ બીજી કોઇ પક્ષપાર્ટીની સરકાર હોત તો પણ એનો આવો જ કરુણ ફેજ થાત એમ લાગે છે.’

‘સાચી સફળતાને સારુ પક્ષવિનાની, સમન્વયદૃષ્ટિ તથા હથોટીવાળી જનશક્તિ જ જગાડવી જોઇએ. જનતાના એવા સંગઠિત સમન્વયભર્યા પુરુષાર્થને જ સાચી લોકશાહી કહી શકાય. ચૂંટણીઓ મારફત સત્તાનાં કેન્દ્રોમાં મોકલવામાં આવતા પ્રતિનિધિઓની બનેલી લોકશાહી એ સાચી લોકશાહી નથી. એ તો પશ્ચિમની પ્રજાઓમાં સેંકડો વરસથી ચાલતી આવેલી ઘરેડની એક કાચી ફિક્કી રોગલી નકલ માત્ર છે.’

લોકશાહી વ્યવસ્થામાં પ્રજાની ભૂમિકા સ્પષ્ટ કરતાં સ્વામીએ ઇંગ્લેંડની લોકશાહીને ‘હજાર વરસથી ચાલતી આવેલી’, ‘રાતદિવસ આંખમાં તેલ આંજીને પ્રજાના હિત તેમ જ અધિકારોની ચોકી કરનારી પ્રજાની તાલીમના અને શિસ્તના તાપમાં તપીતપીને શેકાઇને રીઢી બનેલી’ ગણાવી અને કહ્યું કે તેને સરખામણીમાં ‘ગઇકાલ સુધી ગોરાકાળા જાલીમોની એડી હેઠળ ગુલામી વેઠીને છૂટેલા બીનઅનુભવી’ લોકોની લોકશાહી ‘રામલીલાના રાવણ કુંભકરણ જેવી બેહૂદી, કદરૂપી અને દસેરાના દિવસે બાળવા લાયક જ ગણાય.’

હજુ કંઇક રહી જતું હોય એમ તેમણે ઉમેર્યું, ‘એ સાચી નકલ પણ ન ગણાય...સાચી લોકશાહીમાં સમન્વયવાળી જનશક્તિના પુરુષાર્થ આગળ, ચૂંટણીઓની ધાંધલ અને ધોખાબાજીમાંથી નીપજેલી લોકશાહીનો ક્રમેક્રમે લોપ થવો જોઇએ.’
***
ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને તેનો વારસો, કંઇ પણ કર્યા વિના ગૌરવ લેવા માગતા દેશવાસીઓ માટે, એકદમ હાથવગો ગણાય છે. પરંતુ પ્રાચીન ગૌરવમાંથી ઘઉં અને કાંકરા છૂટા પાડવા જેટલું દૈવત, એટલો અધિકાર અને વૈચારિક પ્રામાણિકતા બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. સ્વામી આનંદ એ જૂજ લોકોમાંના એક હતા. સ્વામીના નમૂનેદાર ગદ્યમાં ભારતના ભૂત-વર્તમાન-ભવિષ્યને લગતી ઉપયોગી અને દિશાદર્શક ચર્ચાઓ જોવા મળે છે. એ ચર્ચાઓમાંથી ઘણીખરી હજુ પ્રસ્તુત છે.

ભારતની પ્રાચીનતાના ગૌરવ અને દુનિયામાં તેના વિશિષ્ટ સ્થાન વિશે સ્વામી આનંદ લખે છે,‘દરેક પ્રજામાં આવું મિથ્યાભિમાન હોય જ છે...આપણે બહુ પ્રાચીન પ્રજા છીએ, આપણી પાસે કીમતી પ્રજાકીય અનુભવોનો સંગ્રહ છે, એ વાત કદાચ વજૂદ વિનાની નથી, પણ આપણે તો લગભગ આખા ઇતિહાસકાળ દરમ્યાન મોટે ભાગે બીજી પ્રજાઓના હાથનો કે એકબીજાના ઘરઆંગણેના ભાઇપડોશીના હાથનો માર જ હંમેશાં ખાતા આવ્યા છીએ, એ બીના પણ એટલી જ સાચી છે.’

પ્રાચીનતમ ગણાતા વેદોની ભૂમિકા વિશે પ્રકાશ પાડતાં તેમણે લખ્યું,‘જગતના સાહિત્યોમાં (વેદો જેટલું) પ્રાચીન સાહિત્ય બીજું નથી. પણ એના અસલી અર્થો મોટા ઘુરંધર વિદ્વાનો પણ ભાગ્યે જ સમજી શકતા હોય છે...સ્વામી દયાનંદ જેવા જ્યોતિર્ધરને આર્યસમાજ જેવું બળવાન સંગઠન ઊભું કરવામાં પણ વેદોનો ભારે આધાર મળ્યો. વેદોને પણ ચલણી લોકપ્રિયતા મળી. આ બઘું છતાં એકંદરે વેદસાહિત્ય અતિ અઘરૂં અને દુર્બોધ હોવાથી તેને બહુ જૂજ લોકો સમજ્યા, અગર કહો કે નિશંક નિર્વિવાદપણે ભાગ્યે જ કોઇ સમજ્યા....વેદો વિષે નકરા કર્મકાંડી (મીમાંસક) લોકોએ જે વલણ લીધી તેણે પણ પ્રજાની જડતામાં ફાળો પૂર્યો. ..મીમાંસકોનો કર્મકાંડ જ્ઞાનદૃષ્ટિએ તદ્દન નકામો હતો. તે સામે જ્ઞાનનો સિદ્ધાંત પ્રચારીને શંકરાચાર્યે સમાજમાં અવનવું ચૈતન્ય અને સ્ફૂર્તિ આણ્યાં એ સાચું...છતાં એમણેય ભલે ચિત્તશુદ્ધિ પૂરતો પણ કર્મકાંડને માન્ય રાખ્યો તેથી સમાજની જડતા ટળી નહીં..વિદ્વાનો અને તેમનાં દર્શનોથી સામાન્ય પ્રજાને કશો લાભ ન થયો. ઉલટું પોતે અભણ બાવળાં, હીણા કરમનાં એવી લધુગ્રંથિ પ્રજામાં ઊભી થઇ.

ધર્મના ધંધામાં વ્યાપેલા મોક્ષ અને વૈરાગ્યના લોકપ્રિય ખ્યાલનો છેદ ઉડાડતાં સ્વામી આનંદે નોંઘ્યું છે, ‘જંિદગી ચાર દહાડાનું ચાંદરણું છે, એનો લલોપતો શો? આવા અર્થવાળાં ભજનસાહિત્યની રેલછેલ આપણી બધી ભાષાઓમાં તમે જોશો. આવી આવી ભાવના વિચારણાઓને પરિણામે આપણા જીવનમાંથી દુન્યવી સ્તરની કુલઝપટ જિજ્ઞાસા, પ્રયોગવૃત્તિ, શ્રમનિષ્ઠા, પડોશીધર્મ, બંઘુભાવ, મિલનસારી વગેરે તમામ ગુણો આથમી ગયા. દુન્યવી જીવનમાં ઘણુંખરું અસાર છે એની ના નથી, પણ તે વ્યક્તિને નાતે. પ્રજાકીય જીવન, સૃષ્ટિ-સમષ્ટિનું જીવન તો વહેતી નદી છે...પ્રજાઓના હિતકલ્યાણને ખાતર માણસે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કે સુખને કોરે મૂકીને હંમેશાં ઘસાવું, પોતાની જાતનો યજ્ઞ કરવો, એ જ સાચો વૈરાગ, સાચો પરમાર્થ અને મોક્ષપુરુષાર્થ છે. એ વિચારણાનું મહત્ત્વ આપણે ન સમજ્યા...માનવીની ક્ષણભંગુર અસાર હશે, પણ જીવનનાં મૂલ્યો અસાર ક્ષણભંગુર નથી, શાશ્વત સદાકાળનાં છે. માટે એને આપણા જાતપુરુષાર્થથી ઓપીઅજવાળી સવાયાં કરીને આપણી પછી આવનારી પ્રજાને તેની વાટ અજવાળવા સારુ આપતા જવું, એ જ યોગ્ય આદર્શ છે. ’

પૂર્વજન્મના ખ્યાલમાં માનનારા હોવા છતાં સ્વામી આનંદે લખ્યું છે, ‘એ ખ્યાલોએ પણ આપણું પારાવાર નુકસાન જ કર્યું છે...પૂર્વજન્મનાં કર્મનો સિદ્ધાંત એ તાત્ત્વિક સિદ્ધાંત છે. તે ક્યાં લાગૂ પડી શકે ને ક્યાં ન પડે એનો વિવેક આપણે મુદ્દલ કરતા નથી. માણસ માણસ જન્મ્યો, ઘોડો ન જન્મ્યો, એમાં પાછલા જન્મ કે જન્મોનો ભલે કદાચ કંઇ ફાળો હોય, પણ માણસ કામકાજ હાલચાલ કરે છે તે દરેક તેના..પૂર્વજન્મના સંચિત કર્મને આધીન છે, એમાં બીજા કોઇ જાતના નવા તાજા કર્મને માટે અવકાશ જ નથી, એમ જ જો હોય તો તે માણસ માણસ મટીને પૂર્વકર્મના હાથની કઠપૂતળી જ થયો. આ ખ્યાલ જ વાહિયાત છે.’

ઊંચનીચના અને સ્ત્રી પ્રત્યેના ભેદભાવ માટે તેમણે ‘પ્રજાની સાંકડી મનોદશા’ને જવાબદાર ઠેરવી. ‘આપણે તો કુટુંબમાં પણ પુરુષનો દરજ્જો ઊંચો અને સ્ત્રીનો નીચો ઠરાવીને ભેદ ઊભા કર્યા. એ આપણા લોહીમાંસમાં વણાઇ ગયા..સ્મૃતિકારોએ પણ સ્ત્રીને ધરતી અને પુરુષને બીજ તરીકે ઓળખાવીને સ્ત્રીનો દરજ્જો હમેશને માટે હલકો ઠરાવ્યો...સ્ત્રીનો દરજ્જો હલકો લેખાનારી વિચારણાઓ...આપણે ત્યાં એવી તો જામી પડી કે સ્ત્રીનો દરજ્જો બધે કાળે ને બધી અવસ્થામાં પુરુષ કરતાં નીચો ઠર્યો. અહીંથી જ આપણી સર્વય્વાપી અલગતાની આભડછેટિયા મનોદશાનો, જેને વિવેકાનંદ ‘ડોન્ટ ટચીઝમ’ કહેતા, તેનો આરંભ થયો...એક પ્રજા તરીકે આપણી આસપાસ અલગતાનું કોટલું ઊભું કરીને આપણે આપમેળે તેમાં પૂરાયા...એક પ્રજા તરીકે દુનિયાથી અને દુનિયાના જ્ઞાનભાનથી આપણે કપાઇ ગયા!’

નાગરિકધર્મના અભાવનાં મૂળ સ્વામી આનંદે આપણી પરંપરામાં જોયાં: ‘પ્રજાનું રક્ષણ, પોષણ સર્વ કામ સરકારે કરવાનાં, સરકાર એટલે ‘સર્વકાર’, એવી જ ભાવના અત્યારે બધે વર્તી રહી છે. અંગ્રેજી રાજવટે પ્રજાજીવનના અંગેઅંગમાં પ્રવેશ કરીને તેને પોતાને કબજે રાખ્યાં હતાં. તેથી પ્રજાકીય જીવનનાં બધાં ક્ષેત્રો સરકાર જ સંભાળે કે ઘડે ભાંગે, પ્રજાએ તો તેને તે માગે તેટલો સહકાર જ માત્ર પોતાના તરફથી આપવાનો, એવી કલ્પના જ આખી પ્રજામાં ઘર કરી બેઠી છે.’

ધર્મથી માંડીને રાજધર્મ અને પ્રજાધર્મ સુધીના વિષયો પર, દેશહિતને કેન્દ્રમાં રાખીને અળખામણાં સત્ય કહી શકે, એવા ચિંતકો-વિચારકોનો યુગ હવે સાવ આથમણે છે. અઘ્યાત્મનું બજાર કોર્પોરેટ ક્ષેત્રને ટક્કર મારે એવું થઇ ગયું છે. નાગરિકધર્મ જાણે સ્વૈચ્છિક સંસ્થાઓ-એનજીઓ-નો ઇજારો હોય, એવી વૃત્તિ નાગરિકોમાં પ્રવર્તે છે, ત્યારે ફરી જાગૃતિનું પરોઢ ન આવે ત્યો સુધી સ્વામી આનંદ જેવા સમાજચિંતકોના વૈચારિક અજવાસમાં આગળનો રસ્તો શોધવાની કોશિશ કરવા જેવી ખરી.