Friday, December 30, 2011

ઉમાશંકર જોશીની કવિતા, નિરંજન ભગતના કંઠે

'શેક્સપીયરના ઘરમાં તેનાં નાટકોનું પઠન' કે 'માર્ક ટ્વેઇનના ઘરમાં તેની કૃતિઓનું પઠન' પ્રકારના સમાચાર ગુજરાતી-ભારતીય વાચકોને ઘણી વાર વાંચવા મળે છે. પરંતુ કોઇ ભારતીય સર્જક અને તેમાં પણ કવિના બંગલાના ચોગાનમાં તેની કવિતાઓનું પઠન થાય, એવું જલ્દી સાંભળવા મળતું નથી. તેનાં કારણ ઘણાં હોઇ શકેઃ કવિને બંગલો હોય? જો હોય તો તેમાં સો માણસ બેસી શકે એવું ચોગાન હોય? એ પણ જો હોય તો તેમાં કવિની કૃતિઓનો કાર્યક્રમ યોજી શકવાનાં વૃત્તિ-દૃષ્ટિ-તૈયારી-સમજણ હોય? અને એ બધું હોય તો પણ, નિરંજન ભગત જેવા કવિની કૃતિઓ વાંચવા આવે એવું એ કવિનું કદ હોય? આ બધા સુખદ સંયોગોના સરવાળા જેવો વીરલ પ્રસંગ 19 ડિસેમ્બર, 2011- સોમવારના રોજ અમદાવાદમાં બન્યો.

સી.જી.રોડ પાસે આવેલા ઉમાશંકર જોશીના 'સેતુ' બંગલામાં કવિની પુણ્યતિથી નિમિત્તે તેમનાં પુત્રી સ્વાતિબહેને ઉમાશંકરનાં કાવ્યોનું પઠન યોજ્યું હતું. કાવ્યપઠનની કળાના મરમી નિરંજન ભગત ઉમાશંકરનાં ચુનંદા કાવ્યો વાંચવાના હતા.સાંજે સાડા પાંચે બંગલાના મોટા ચોગાનના હરિયાળા વાતાવરણમાં, પ્રાકૃતિક લાગે એટલી ઉબડખાબડ પણ ખુરશી હાલકડોલક ન થાય એટલી સમથળ ભોંય પર પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવાઇ. કાર્યક્રમ પહેલાં એક ખૂણે ચા-બિસ્કિટની વ્યવસ્થા હતી. ભગતસાહેબ આવી ગયા હતા. બંગલાનો વરંડો એ સાંજ પૂરતો તેમનો ‘મંચ’ હતો. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એ નીચે આગળની હરોળમાં પ્રો.જયંત જોશી અને તેમનાં પત્ની (નીચેની તસવીર) સાથે વાતો કરતા હતા. વચ્ચે સ્વાતિબહેન પણ જોડાતાં હતાં.પ્રકાશભાઇ-નયનાબહેન, મિત્ર અશ્વિન ચૌહાણ, મનીષી જાની અને બીજા ઘણા ઓળખીતા- પરિચિત લાગતા ચહેરા આસપાસ દેખાતા હતા. ઓચિંતા નારાયણભાઇ દેસાઇ આવી પહોંચ્યા. પરદેશથી સવારે જ આવેલા નારાયણભાઇની અપેક્ષા ન હતી. એટલે સ્વાતિબહેને આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યાં, તે દૂરથી દેખાયું.ચા-પાણીનો દૌર પૂરો થયા પછી સ્વાતિબહેન ‘મંચ’ પર ગયાં, ટૂંકમાં ભૂમિકા બાંધી અને ભગતસાહેબને માઇક સોંપીને નીચે આવીને બેસી ગયાં.85 વર્ષના ભગતસાહેબ આ કાર્યક્રમ માટે પાકી તૈયારી કરીને આવ્યા હતા. સ્વાતિબહેન સાથે પછી થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે ભગતસાહેબ કોઇ પણ સમયે કશી તૈયારી વિના ઉમાશંકરની કવિતા વિશે સરસ બોલી શકે તેમ હોવા છતાં, તેમણે નવેસરથી કવિતાઓ વાંચી હતી, 18 કવિતાઓ પસંદ કરી અને તેને લગતા સંદર્ભો પણ તૈયાર કર્યા હતા. એ રીતે, કશી તૈયારી વગર આવીને, પોતાના વડીલપણાનો કે વિદ્વત્તાનો ગેરલાભ લઇને, ફેંકાફેંક કરી જવાની સાહિત્યિક પરંપરાનો ભગતસાહેબે ભંગ કર્યો. ભગતસાહેબ જે કવિતાઓ વાંચવાના હતા, તેના થોડા સેટ પણ શ્રોતાઓ માટે રાખવામાં આવ્યા હતા. તેમણે બુલંદ અને ભાવસભર કંઠે કવિતા વાંચવાનું શરૂ કરતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા બાંધી અને દરેક કવિતા વાંચતાં પહેલાં તેના વિશે થોડી વાત કરવાનો ઉપક્રમ રાખ્યો.

માંડણી કરતાં તેમણે કહ્યું, ‘ઉમાશંકરના સાઠ વર્ષના કવિજીવન (1928-88)માં તેમના દસ કાવ્યસંગ્રહો. એક હજુ તૈયાર થઇ રહ્યો છે...પહેલું કાવ્ય છે ‘મંગલ શબ્દ’. 1931ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત વિદ્યાપીઠમાં વીસ દિવસમાં તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું. તેનો આ પ્રથમ ખંડ છેઃ મંગલ શબ્દ. કવિ જો મહત્ત્વાકાંક્ષી- મોટા ગજાનો કવિ હોય તો તેની કવિતામાં માત્ર આત્મલક્ષી સ્વાનુભવનાં કાવ્યો ન હોય. જો પચીસ વર્ષની વય પછી તેને કવિતા લખતા રહેવું હોય તો તેનામાં પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યો હોવાં જોઇએ. ઉમાશંકરભાઇએ ‘વિશ્વશાંતિ’ લખ્યું ત્યારે તેમનું વય વીસ જ વર્ષનું હતું. પછી એ લગભગ 58 વર્ષ સુધી કાવ્યો રચવાના હતા. એટલે આ પ્રથમ કાવ્યમાં જ આપણે જોઇશું કે તેમનામાં ઇતિહાસદૃષ્ટિ છે. સેન્સ ઓફ હિસ્ટરી, જે મોટા ગજાના કવિમાં હોવી જ જોઇએ. નહીં તો એ કવિ મોટા ગજાનો કવિ થાય જ નહીં. થયો જ નથી જગતમાં ક્યાંય.’

નિરંજનીય શૈલીમાં ભગતસાહેબે કહ્યું કે ‘એ ઇતિહાસદૃષ્ટિ ગુજરાતમાં ગોવર્ધનરામમાં હતી, બળવંતરાયમાં હતી, નાનાલાલમાં હતી. ત્યાર પછી ઉમાશંકરમાં છે અને ત્રીસ પછીના જે કવિઓ છે એમાંથી એકેયમાં ઇતિહાસદૃષ્ટિ નથી.


‘તેમણે ‘વિશ્વશાંતિ’ રચ્યું, વિદ્યાપીઠમાં રચ્યું, ગાંધીજી વિશે રચ્યું એ તો બધું ઠીક છે. પણ એમાં ઇતિહાસદૃષ્ટિ છે.’ એ વાત પર ભગતસાહેબે સૌથી વધારે ભાર મૂક્યો. એનો બીજો અને પાંચમો ખંડ એમાં એમણે સ્મરણ કર્યું છે બુદ્ધનું, મહાવીરનું અને ઇસુનું. પછી એમની ઇતિહાસદૃષ્ટિ કાવ્યમાં સક્રિય છે. શસ્ત્ર, વિકાસ, હિંસા, યુદ્ધો અને લખ્યું 1931માં- ગાંધીજી આવ્યા 1915માં ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. પછી રશિયન ક્રાંતિ થવાની હતી. એના બસો વર્ષ પૂર્વે 1889માં ફ્રાન્સમાં ક્રાંતિ થઇ હતી. આ ત્રણે ઘટનાઓ જે તાજેતરમાં થઇ છે, હજાર-બે હજાર વર્ષ પહેલાં નહીં, બસો વર્ષ પહેલાં કે દસ-પંદર વર્ષ પહેલાં. આટલું પૂરતું નથી. એથી વિશેષ કંઇક જોઇએ. આ તો ભૂતકાળની વાત થઇ. પછી વર્તમાનનું શું? એનામાં સમકાલીન સમાજની સભાનતા હોવી જોઇએ. એનામાં જીવાતા જીવનની સંવેદના હોવી જોઇએ, જે અહીંયા કંકાલતાંડવ ખંડમાં છે.'

'દાંડીકૂચના લગભગ દોઢ વર્ષ પછી ઉમાશંકરે વિશ્વશાંતિ રચ્યું છે. દાંડીકૂચ જગતના ઇતિહાસમાં સર્વપ્રથમ એવી અહિંસક ક્રાંતિ છે (જે પહેલાં) ક્યારેય થઇ નથી મનુષ્યજાતિના ઇતિહાસમાં. તે વિશ્વશાંતિના કેન્દ્રમાં છે. એક વીસ વરસનો છોકરડો..(ને) હંહ...આ બધું? એની સંવિદમાં સંચિત થયું એ બધું પ્રગટ થયું છે. છંદો કાચા હશે, સુશ્લિષ્ટ એકતા નહીં હોય, વિદ્વાનો-વિવેચકોને જે વાંધાવચકા પાડવા હોય તે પાડે, પણ પહેલો જ કૂદકો મારીને માણસ એવરેસ્ટ પર જઇને ઉભો રહે એવું (આ કવિતામાં)થયું છે. વિષય પણ કેવો મોટો છે? વિષયની સાથે સ્પર્ધા કરે એવી કવિતા કદાચ નહીં હોય. વીસ વરસના છોકરા પાસેથી વધુ પડતી અપેક્ષા નહીં રાખવી આના કરતાં. અન્યાય થાય એને. આવું કેટલુંક મેં પણ બાફ્યું છે ભૂતકાળમાં. ઉમાશંકર સામે બેઠા હતા ને મેં કહ્યું છે કે આમાં મુગ્ધતા છે ને આમ છે ને તેમ છે. અરે ભાઇ, પણ વિષય તો જુઓ. આમાં એમની ઇતિહાસદૃષ્ટિ તો જુઓ, એમની સંવેદના- સભાનતા જુઓ. વીસ વર્ષની ઉંમરે તો હું માનું છું ગુજરાતી કવિતાના ઇતિહાસમાં કોઇ કવિ પાસે નહીં હોય, જે ઉમાશંકર પાસે હતું.’

સામાજિક ન્યાય અને સમાનતા- આ બે મુદ્દે માર્કસને યાદ કરતાં ભગતસાહેબે કહ્યું કે ‘આ માર્કસનો મનુષ્ય જાતિને અમર વારસો છે. ઉમાશંકરના હૃદયને ગાંધીજીની અપીલ હતી, પણ તેમની બુદ્ધિને માર્કસની અપીલ હતી. 1930માં એમણે યરવડા જેલમાં પહેલી વાર ‘દાસ કેપિટલ’ વાંચ્યું. પછી 1931માં વિદ્યાપીઠમાં હતા ત્યારે ધર્માનંદ કોસંબી તાજા રશિયાથી આવ્યા હતા. એ વાતો કરતા હતા માર્કસની. દિનકર મહેતા તેમના મિત્ર-સહાધ્યાયી હતા. ત્યાં જે ચર્ચાઓ ચાલી, જે ચર્ચા જામી તેનો પણ પ્રભાવ ઉમાશંકર પર હતો. પછી 1932માં વિસાપુર જેલમાં ‘દાસ કેપિટલનો સઘન અભ્યાસ કર્યો.’ માર્કસના વિચારોની પ્રેરણાથી 1932માં જ, વિસાપુર જેલમાં જ, આ અભ્યાસ થતો હતો ત્યારે જ, ‘જઠરાગ્નિ’ કાવ્ય રચ્યું.’

ભગતસાહેબ કહે,’ઉમાશંકર ગાંધીવાદી નહોતા. માર્કસવાદી નહોતા. એમ તો માર્કસ ક્યાં માર્કસવાદી હતા ને ગાંધીજી ક્યાં ગાંધીવાદી હતા? એ તો ગાંધી હતા. વાદી તો આપણે બધા મુઆ છીએ. ઉમાશંકરે એક મહેફિલમાં વાર્તાલાપ દરમિયાન કહ્યું હતું: મારામાં કંઇક એવું છે કે ગમે તેવો મોટો ચમરબંધી હોય તેની કંઠી ન બાંધું. તેને તાબે ન થઉં. આમ તો ‘જઠરાગ્નિ’ કાવ્યમાં ઉમાશંકરનો લય - જે પ્રબળ લય છે તે - ન હોત, તો કદાચ કાવ્ય પ્રચારકાવ્યમાં સરી પડ્યું હોત. પોએમને બદલે પ્રોપેગન્ડા. પણ એવું ન થયું.'

'આ કોઇ માર્કસવાદીનું કાવ્ય નથી, પણ એક જેને હાડોહાડ વ્યાપી ગઇ છે ન્યાયવૃત્તિ-સમાનતાવૃત્તિ, એવા કવિનું કાવ્ય છે. આ કોઇ પ્રચારકનું કાવ્ય નથી. (કાવ્યના પઠનની વિડીયો)

.

કાર્યક્રમમાં છેવટ સુધી હાજર રહેવાનું મારા માટે શક્ય ન હતું, પણ અડધો-પોણો કલાક સુધી એ લાભ લીધો એનું આ પરિણામ આ પોસ્ટ.

Wednesday, December 28, 2011

બાર્ગેઇનમેં બહાર હૈ

ગાંધીજીએ આઝાદીની માગણી કરી ત્યારે અંગ્રેજોએ ‘અરે લઇ જાવને! તમારા માટે એવું છે?’ એવો કોઇ ડાયલોગ ફટકારીને આઝાદી આપી દીધી હોત તો?

વિચારવાનું એ નથી કે દેશનું શું થાત. સવાલ એ છે કે સ્વાતંત્ર્યસંગ્રામના ભવ્ય ઇતિહાસનું શું થયું હોત? શું આઝાદ ભારતની ભાવિ પેઢી ઇતિહાસમાં એવું શીખત કે અંગ્રેજોએ ભારતને ‘ઓન ડીમાન્ડ’ આઝાદીની ‘હોમ ડિલીવરી’ આપી? એવું ધારત કે બેરિસ્ટર ગાંધી લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં હેટ ખરીદવા ગયા ત્યારે ભેગાભેગી આઝાદી ફ્રી લેતા આવ્યા હશે? આ શરમજનક કલ્પનાઓ સાચી ન પડી, તેનું ઘણું શ્રેય જો કોઇને આપવું હોય તો એ અંગ્રેજોને કે ભારતીય નેતાઓને નહીં, પણ તેમની વચ્ચે થયેલા બાર્ગેઇનિંગને આપવું જોઇએ.

બાર્ગેઇનિંગનો સાદો સિદ્ધાંત સની દેઓલ શૈલીમાં એક જ વાક્યમાં કહી શકાયઃ દૂધ જોઇતું હોય તો ખીર માગવી અથવા આપનારના દૃષ્ટિકોણથી કહી શકાયઃ ખીર માગે તો દૂધ આપવું. તેનો પેટાસિદ્ધાંતઃ આપનારે શરૂઆત સદંતર નકારથી કરવી અને માગનારે પહેલેથી બઘું જ માગી લેવું.

ભારતના નેતાઓ આઝાદી માગે એટલે અંગ્રેજો પહેલાં દંડા મારે ને ઘોડેસવાર પોલીસ દોડાવે. તેમ છતાં માગણી ચાલુ રહે, એટલે અંગ્રેજો વાટાઘાટો કરવા જેટલા નીચે ઉતરે અને પોતાની એંટ છોડ્યા વગર થોડું જતું કરવાની તૈયારી બતાવે કરે. ત્યાર પછી પણ ભારતના નેતાઓ ન માને એટલે અંગ્રેજ બચ્ચા ચૂંટણીઓ યોજવા ને પ્રધાનમંડળો રચવા રાજી થાય. છતાં ભારતીયોની માગણી ચાલુ રહે અને સાંજ પડી જાય- દુકાન (કે લારી) વધાવવાનો સમય આવી જાય, એટલે ‘તમારું પણ નહીં ને મારું પણ નહીં’ની જેમ, અંગ્રેજો ભારતને આઝાદી આપીને, પણ ત્યાર પહેલાં દેશના ભાગલા પાડીને વિદાય લે. છતાં, આદર્શ બાર્ગેઇનંિગની જેમ છેવટે બન્ને પક્ષોને લાગે કે ‘જોયું? આપણે કેવા ફાયદામાં રહ્યા.’

મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે તેમ ભાવતાલની રકઝક માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘બાર્ગેઇનિંગ’નું ગુજરાતી ભાગ્યે જ કોઇને સમજાવવું પડે. ‘સાર્થ જોડણી કોશ’માં એ શબ્દ હજુ સુધી ન હોય, તો તેને વેળાસર દાખલ કરવો જોઇએ અને જો હોય તો તેને અંગ્રેજી નહીં, પણ ગુજરાતી શબ્દ તરીકે સ્થાન-માન મળવું જોઇએ. ‘ગુજરાતપ્રેમ’ના ઉભરા તળે ક્યારેક એવું પણ માનવું ગમે કે ‘બાર્ગેઇનિંગ’ ગુજરાતી ભાષાનો શબ્દ નથી, એ નક્કી ગુજરાતવિરોધીઓનું કાવતરું હોવું જોઇએ.

ચિત્ર, સંગીત, ગણિત, બાર્ગેઇનિંગ- આ બધી આવડતોને કુદરતી બક્ષિસ ગણી શકાય. તેનાં પુસ્તકો ન હોય અને હોય તો પણ એ ફક્ત પુસ્તકો વાંચીને શીખી ન શકાય. એ દૃષ્ટિએ તેની સરખામણી તરવા સાથે પણ થઇ શકે. પાણીમાં પડ્યા વિના કેવળ ચોપડાં વાંચીને કે મહાન તરવૈયાઓની ગાથાઓ સાંભળીને જેમ તરતાં ન આવડે, તેમ બાર્ગેઇન-બહાદુરોના ગમે તેટલા કિસ્સા સાંભળ્યા પછી કે દુકાનદારોની માનસિકતાનો ઊંડો અભ્યાસ કર્યા પછી, સ્થળ પર બાર્ગેઇનિંગ કરવું એ સાવ જુદી વાત છે. અર્જુન જેવા બહાદુરનાં ગાત્રો કુરુક્ષેત્રમાં કિંકર્તવ્યમૂઢ ભાવથી શિથિલ થયાં હતાં, એવો જ અંજામ બીજી રીતે બહાદુર હોય એવા લોકોનો બાર્ગેઇનિંગના કુરુક્ષેત્રમાં થઇ શકે. કોઇને બે ધોલ મારીને મફત પડાવી લેવાની ‘હિંમત’ ધરાવતા લોકો બાર્ગેઇનિંગ કરવાનું આવે ત્યારે તે ગેંગેં ફેંફેં થઇ જાય તો નવાઇ નહીં. (આજકાલ ગુંડાગીરી અને ગુનાઇત માનસિકતાને ‘હિંમત’ તરીકે ઓળખવાની-બિરદાવવાની ફેશન છે)

બે હાથ વિના તાળી પડતી નથી, તેમ બે પક્ષ વિના બાર્ગેઇનિંગ થતું નથી. એટલે જ, બાર્ગેઇનિંગને બીજા કોઇએ નહીં તો ‘અમૂલ-ભૂમિ’ ગુજરાતે સહકારી પ્રવૃત્તિનો દરજ્જો આપીને, તેનો મહિમા કરવો જોઇએ. બાર્ગેઇનિંગ માટે ઉત્સુકતા, ધીરજ, સહિષ્ણુતા, સામેવાળા પાસેથી ધાર્યું કરાવવાની તત્પરતા અને એવું કરાવી શકાશે એવો વિશ્વાસ જેવા ગુણો બન્ને પક્ષે અનિવાર્ય છે. મનની શક્તિઓ વિકસાવવાના અને તેના કાર્યક્રમોના બહાને હજારો રૂપિયા ખંખેરવાના આ જમાનામાં બાર્ગેઇનિંગ એક એવી પ્રવૃત્તિ છે, જેનાથી એ કરનારના મનની શક્તિ ફી ભર્યા વિના, બલ્કે સામેવાળાના આર્થિક હિસાબે અને જોખમે સતત વિકસતી રહે છે. બાર્ગેઇનિંગ લગભગ ઘ્યાનની કક્ષાનો મનોયોગ છે. તેમાં એક જ લક્ષ્ય ચિત્તમાં ધરીને, તેની પરથી નજર અને ઘ્યાન હટાવ્યા વિના, તેની આસપાસનાં બીજાં પરિબળોથી વિક્ષિપ્ત થયા વિના, ટકી રહીને છેવટે લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચવાનું હોય છે.

અનુભવી ખરીદારો અને દુકાનદારો જાણે છે કે બાર્ગેઇનિંગના મુખ્ય બે પ્રકાર છેઃ ખરીદવા માટે અને ‘બસ, યું હી’, રીયાઝ ખાતર. બીજા પ્રકારના લોકો હવામાં ગોળીબાર કરીને બંદૂક બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરી જોનારા લોકો જેવા હોય છે. તેમનો ‘ગોળીબાર’ એટલો નિર્દોષ નથી હોતો એટલું જ. એવા લોકો રસ્તા પર ટહેલતા નીકળ્યા હોય ને લારીમાં કે દુકાનમાં ગોઠવેલી કોઇ ચીજ પર નજર પડે એટલે, ખરીદવાનો કુવિચાર મનમાં આણ્યા વિના, તે જઇ પહોંચે છે અને વસ્તુ તરફ આંગળી ચીંધીને પૂછે છે,‘આનું શું છે?’ અથવા વજનથી ખરીદવાની ચીજ હોય તો ‘કેમ આપી?’

એક વાર સામેથી ભાવ પડે એટલે બસ. તેમને એટલું જ જોઇતું હોય. બોલાયેલા ભાવની રસ્સી પકડીને એ સરસરાટ નીચે ઉતરવા માંડે છે. દુકાનદાર બાર્ગેઇનપ્રેમી ન હોય, તો તે ક્રૂર વિલનની જેમ અધવચ્ચેથી જ દોરડા પર કાતર ચલાવતાં કહે છે,‘લેવું હોય તો લો, નહીંતર ચાલતી પકડો.’ પરંતુ સતયુગ હજુ છેક આથમી ગયો નથી. બાર્ગેઇનિંગને ભાવ આપતા, તેને ગ્રાહકનો અધિકાર સમજતા અને તેમના બાર્ગેઇનિંગને વશ ન થવામાં પોતાની સફળતા ગણતા દુકાનદારો હજુ મોજૂદ છે. એવા દુકાનદારો સાથે બાર્ગેઇનિંગમાં ઘણું આગળ વઘ્યા પછી, એક તબક્કે દુકાનદાર એટલી વ્યૂહાત્મક ઉદારતા દેખાડે છે કે ભાવ કરનાર ગભરાય છે, ‘હવે વધારે બોલીશું તો વસ્તુ ખરીદીને જવું પડશે.’ એમ વિચારીને તે બાર્ગેઇનિંગ પડતું મૂકીને ચાલતી પકડે છે. તેની પીઠ પાછળ ક્યારેક દુકાનદારના મશ્કરીપૂર્ણ શબ્દો અફળાય છે,‘મને તો એનું મોં જોઇને જ ખબર પડી ગઇ હતી કે એને કશું ખરીદવું નથી. અમથો ટાઇમ પાસ કરવા આવ્યો છે. બેટમજીને કેવો ભગાડ્યો!’ મોલ-યુગમાં દુકાનદારોની સહિષ્ણુતા તેમની પ્રામાણિકતા કરતાં પણ વધારે ઝડપથી ઘટી રહી છે, ત્યારે બાર્ગેઇનને પ્રોત્સાહન આપનારા અને ‘શૂરા સંગ્રામ છોડીને ભાગે નહીં’ એવા ગૌરવથી બાર્ગેઇન-બહાદુરોનો મુકાબલો કરનારા દુકાનદાર ઘટતા જાય છે.

ખાલીપીલી ભાવ કરાવનારા માટે સવાલ નિઃસ્વાર્થ મનોરંજનનો હોય છે. બન્નેમાંથી એકેય પક્ષે આર્થિક વ્યવહાર સંકળાયેલો નથી. તેમની સરખામણીમાં, ખરેખર ખરીદી કરનારા ઘણા વઘુ ખતરનાક હોય છે. તેમના મનમાં વસ્તુ ખરીદવાની તાલાવેલી હોવાથી, તે દુકાનદારને કે ફેરિયાને ભીંસમાં લેવાની અનેક યુક્તિઓ અજમાવે છે. બાર્ગેઇન માટે એકસરખો ઉત્સાહ ધરાવતા દુકાનદાર-ગ્રાહક મળે ત્યારે ‘બેઉ બળીયા બાથે વળીયા’ જેવું દૃશ્ય સર્જાય છે. જોનારના શ્વાસ થંભી જાય છે. દુકાનદાર કે ફેરિયો કોઇ વસ્તુનો ભાવ પાંચસો રૂપિયા પાડે, એટલે બાર્ગેઇન કરનાર એ સાંભળ્યું-ન સાંભળ્યું કરીને કહેશે, ‘પચાસ રૂપિયા.’ બન્ને પક્ષો એકબીજાના ભાવ સાંભળીને મોં મચકોડવાને બદલે, ‘અબ આયેગા અસલી મજા’ના અંદાજમાં સજ્જ થાય છે. ત્યાર પછી ટેનિસની રસાકસીભરી મેચની જેમ સામસામા અંક-ફટકા શરૂ.‘૫૦૦’ -‘૫૦’,‘૨૭૦’-‘૫૫’. ‘૧૫૦’-‘૬૦’. સાંભળનારના જીવ અદ્ધર થઇ જાય, પણ બોલનારના પેટનું પાણી હાલતું નથી. છેવટે બન્ને જણ ૮૦ રૂપિયામાં ‘ફાઇનલ’ સોદો પાડે, ત્યારે સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થવાની જ બાકી રહે છે.

બાર્ગેઇનિંગની પ્રક્રિયાના શરમજનક ગણતા લોકો પણ હોય છે. ‘ભાવ અનુકૂળ હોય તો લેવું, ન ફાવે તો નહીં, પણ લમણાંઝીંક કરવાની શી જરૂર?’ એવી અકળામણ તેમને થાય છે. સામેવાળા પ્રત્યે દ્વેષ રાખ્યા વિના તેની સામે લડીને, તેની માનસિકતામાં રોકડું પરિવર્તન આણવાનો બાર્ગેઇન-સત્યાગ્રહ તેમના પલ્લે પડતો નથી.

અન્ના હજારેની મંડળીમાં બાર્ગેઇનની કુદરતી બક્ષિસ ધરાવતો એકાદ ગુજરાતી હોત તો કદાચ લોકપાલનો ડખો ક્યારનો ઉકેલાઇ ગયો હોત, એવું નથી લાગતું?

Sunday, December 25, 2011

મારિઓ મિરાન્ડાની સ્મૃતિમાં વાઇન-સભા

બુધવારે (21-12-11) સવારે મુંબઇ પહોંચવાનું નક્કી જ હતું ને મંગળવારે કાર્ટૂનિસ્ટ-મિત્ર હેમંત મોરપરિઆની ફેસબુક વોલ પરથી જાણવા મળ્યું કે બુધવારે સાંજે મારિઓ મિરાન્ડાની સ્મૃતિસભા છે. સરનામું હતું ઇન્ડિગો રેસ્ટોરાં, કોલાબા.

તેમાં બોલનારા લોકોની યાદી મજબૂત હતીઃ ‘આઉટલૂક’ના તંત્રી વિનોદ મહેતા, ભૂતપૂર્વ પોલીસવડા જુલિયો રીબેરો, જેને અત્યાર લગી અમે ‘ગર્સન’ તરીકે ઓળખતા હતા, તે જર્સન ડીકુન્હા, ‘બિઝી બી’ બેહરામ કોન્ટ્રાક્ટરનાં પત્ની ફરઝાના કોન્ટ્રાક્ટર, હેમંત મોરપરિઆ અને આયોજક તરીકે ‘ડેબોનેર’- ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં સામયિકોના પૂર્વતંત્રી અનિલ ધારકર તથા ‘ઇન્ડિગો’નાં માલિકણ માલિની અકેરકર. કાર્યક્રમ ‘ઓપન ફોર ઓલ’ હતો. સાથે ‘વાઇન એન્ડ સ્નેક્સ’ની વ્યવસ્થા પણ ખરી. ‘તમે આવજો અને મિત્રમંડળને પણ સાથે લાવજો’ પ્રકારનું આમંત્રણમાં જણાવાયું હતું.

એ સૂચનનો પાકો અમલ કરીને અમે છ જણ સાંજે છ વાગ્યે, 26-11થી જાણીતા બનેલા લીઓપોલ્ડ કાફે અને દીવાલો પર મારિઓનાં ચિત્રો ધરાવતા રેસ્ટોરાં ‘મોન્ડેગાર’/ Cafe Mondegar(નીચેની તસવીર) ને વટાવીને, ‘ઇન્ડિગો’ પર પહોંચી ગયા.
અમે ચાર-બીરેન (કોઠારી), બિનીત (મોદી), અભિષેક (શાહ) અને હું- અમદાવાદ-મહેમદાવાદ-વડોદરાથી ગયેલા અને દીપક (સોલિયા)-હેતલ (દેસાઇ) મુંબઇનાં. સાતમો મિત્ર, મુંબઇનો અજિંક્ય સંપટ મોડેથી જોડાવાનો હતો. કોઇ જૂના બંગલામાં ફેરબદલ કરીને બનાવાયું હોય એવું ‘ઇન્ડિગો’ મુંબઇનાં અત્યંત જાણીતાં અને એ ગ્રેડનાં રેસ્ટોરાંમાં સ્થાન ધરાવે છે, એવું મુંબઇનાં મિત્રો પાસેથી જાણવા મળ્યું. મુંબઇ જતાં પહેલાં અને ત્યાં પહોંચીને બે-ત્રણ પરિચિતોને ‘ઇન્ડિગો’ નો પાકો પતો પૂછતાં, તેમના ચહેરા પર ‘ઓહો, ઇન્ડિગો. શું વાત છે?’ પ્રકારના ભાવ આવ્યા હતા. રેસ્ટોરાં પર પહોંચ્યા પછી લાગ્યું કે એ અકારણ ન હતા. અમારું- એટલે કે અમે જેમાં ગયા હતા એ ફંક્શન રેસ્ટોરાંની અગાસીમાં હતું. રેસ્ટોરાંમાં નીચેથી દાખલ થયા પછી, છૂટીછવાયી બેઠકો વટાવીને દાદર ચડીને અગાસીમાં પહોંચ્યા, ત્યારે મંચ પર અને સામે ખુરશીઓ ગોઠવાઇ ચૂકી હતી. મંચ પર જમણા ખૂણે મારિઓનું કેરિકેચર મૂકવામાં આવ્યું હતું, જે પવનથી વારે ઘડીએ પડી જતું હોવાથી થોડા વખત પછી તેની પાછળ સરખો ટેકો મૂકવામાં આવ્યો.
અગાસીમાં ડાબી-જમણી દીવાલો પર મારિઓની કાર્ટૂનપટ્ટીઓ અને બીજાં કાર્ટૂન ફ્રેમમાં મૂક્યાં હતાં. એક ફ્રેમમાં મારિઓએ દોરેલું ‘બિઝી બી’નું આસપાસના સંપૂર્ણ માહોલ સહિતનું કેરિકેચર હતું.

દસ-બાર લોકો આવ્યા હતા. હેમંત મોરપરિઆ આવી ગયા હતા. તેમને મળ્યા એટલે ‘આપણે મુંબઇમાં અથડાઇ જ જઇએ છીએ’ એવો આનંદ તેમણે વ્યક્ત કર્યો. મોરપરિઆ સાથે આજકાલ કરતાં વીસ વર્ષનો પરિચય. ત્યાર પછી ક્યારેક કાલા ઘોડા ફેસ્ટિવલમાં તો ક્યારેક નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં યોજાયેલા પિકાસોના પ્રદર્શન નિમિત્તે તો ક્યારેક એનસીપીએ ઓડિટોરિયમમાં સાયગલ વિશેની ફિલ્મના શોમાં- અમારે આકસ્મિક મળવાનું થતું હતું. એ સિવાય ચહીને થતી મુલાકાતો-બેઠકો પણ ખરી. વ્યવસાયે રેડિઓલોજિસ્ટ એવા મોરપરિઆ ઉત્તમ કાર્ટૂનિસ્ટ તો ખરા જ. હવે ઘણા વખતથી તે શિલ્પો બનાવે છે. તેમણે બનાવેલું રજનીકાંતનું શિલ્પ.
હેમંતભાઇ સાથે સટરપટર ચાલતી હતી ને જુલિયો રીબેરો સજોડે આવ્યા. કશી હો હા કે ‘આવ્યા, આવ્યા’ વાળી વાત નહીં. કોઇ બંદૂકધારીઓ નહીં. ધીમે ધીમે રીબેરો બધાને મળ્યા. અનિલ ધારકરને, મોરપરિયાને. દરમિયાન, વાઇન અને તેની સાથે પધરાવી શકાય એવો સ્નેક્સ પીરસાતાં હતાં. રીબેરો વાઇનનો ગ્લાસ લઇને મોરપરિઆ સાથે વાતે વળગ્યા.

તેમનાં પત્ની પહેલી હરોળમાં મોટા ચાંલ્લાથી જુદાં તરી આવતાં, ‘પેજ-3’ના પાત્ર જેવાં લાગતાં અને ખરેખર ‘પેજ-3’ ફિલ્મમાં પાર્ટીના સીનમાં રોલ કરનાર, મુંબઇ દૂરદર્શનનાં એક સમયનાં સ્ટાર ડોલી ઠાકોર સાથે બેઠાં હતાં.

સામેની ખુલ્લી બાજુએ બહુમાળી મકાનોથી ઘેરાયેલી અગાસી પર ધીમે ધીમે મુંબઇની સાંજ ઢળી રહી હતી. વાતાવરણમાં ઠંડકનું નામોનિશાન ન હતું. મોટા ભાગની ખુરશીઓ હજુ ખાલી હતી. છાપામાં બે દિવસથી કાર્યક્રમની માહિતી આવતી હતી, પણ ચાલુ દિવસ હતો એટલે મોડેથી લોકો આવે અને ભીડ થાય એવી પૂરી સંભાવના હતી. થોડી વાર પછી, લાડમાં અમે જેમને કાકા વિનોદ કહીએ છીએ તે વિનોદ મહેતા આવ્યા. પેન્ટ-શર્ટ પહેરેલાં. એકદમ અનૌપચારિક બોડી લેન્ગ્વેજ. ભાવ માગવા કે ખાવાની કોઇ મુદ્રા નહીં. રીબેરોની જેમ એ પણ આવ્યા ને હળુ હળુ પરિચિતો સાથે વાતે વળગ્યા. એક બહેન તેમની આત્મકથા ‘લખનૌ બોય’ પર ઓટોગ્રાફ લેવા આવ્યાં. વિનોદ મહેતા એ વખતે વાઇન લેતાં પહેલાં કાઉન્ટર પર ઉભા રહીને કશી ઉતાવળ વિના દવાઓ-ગોળીઓ લઇ રહ્યા હતા.

(નીચેની તસવીરમાં મિત્રમંડળીઃડાબેથીઃ બીરેન, દીપક, હેતલ, અભિષેક અને પાછળ ગોળીઓનો વહીવટ કરતા વિનોદ મહેતા)

બીરેન, બિનીત અને હું થોડાઘણા ફોટા પાડવામાં અને બાકી વાતાવરણ જોવામાં હતા. સાડા છની ઉપર થોડી મિનીટ થયા પછી વક્તાઓ સ્ટેજ પર ગોઠવાયા. ત્યાર પહેલાં અલેક પદમશી અને ગોવિંદ નિહલાની આવીને શ્રોતાઓમાં ગોઠવાઇ ગયા.

સ્ટેજ પર પૂરતું લાઇટિંગ ન હતું. આજુબાજુ ફૂલછોડમાં થોડી નાની બત્તીઓ હતી એ જ. અનિલ ધારકરે આરંભ કર્યો અને ઓછી લાઇટની ફરિયાદ કરી. પણ જાણવા મળ્યું કે લાઇટ આટલું જ રહેવાનું છે. પાછળથી કોઇકે, મોટે ભાગે પદમશીએ, અનિલને આગળ ફૂલછોડ પાસે આવીને બોલવા કહ્યું. તેમણે એક-બે કિસ્સા દ્વારા મારિઓની સરળતા અને સજ્જનતાની વાત કરીને જુલિયો રીબેરોને માઇક આપ્યું. વક્તાસમુહમાં રીબેરો જુદા પડી આવતા હતા. એમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે ફક્ત અમને જ નહીં, એમને પણ એવું લાગતું હતું. તેમણે કહ્યું કે એ મારિઓની કળા વિશે બહુ બોલી શકે એમ નથી. એ મારિઓના મિત્ર પણ ન હતા. ‘તો પછી અહીં કેમ?’ એનો જવાબ એમના વક્તવ્યમાંથી મળ્યો. ટૂંકી મુદતમાં ગોઠવાઇ ગયેલા કાર્યક્રમમાં ઘણું કરીને, એક જાણીતા ગોવાનીઝ હોવાને કારણે જુલિયોને બોલાવાયા હશે. તેમણે ગોવાના ખ્રિસ્તીઓની, તેમના હિંદુ પૂર્વજોની, ગોવાનીઝ ખ્રિસ્તીઓનાં અવનવાં નામ-અટકની, ઇટાલિયન નામોના મોહની અને ખ્રિસ્તી બન્યા પછી પણ તેમનામાં ચાલુ રહેતી જ્ઞાતિપ્રથા- સામાજિક વર્તુળની વાત કરી. જુદી રીતે એ વાતોમાં રસ પડી શકે, પણ મારિઓના સંબંધે તેમાં ભાગ્યે જ કંઇ જાણવા જેવું હતું. ગોવાનીઝ તરીકે મારિઓ વિશે તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી.

જુલિયો થોડું બોલ્યા ત્યાં માઇક વંકાયું. એટલે સ્ટેજ પરથી કોઇકે ગમ્મત કરી, ‘આર.કે.લક્ષ્મણનું કાવતરું.’ લક્ષ્મણ અને મારિઓ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ગ્રુપમાં સાથે હતા, પણ પ્રચલિત છાપ પ્રમાણે, મારિઓ ‘ટાઇમ્સ’ અખબારમાં ન આવી જાય અને તેનાં સામયિકો પૂરતા જ સીમિત રહે, એનું લક્ષ્મણે પૂરતું ધ્યાન રાખ્યું હતું. આ મતલબનું સૂચવતી અંજલિ બચી કરકરિયાએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પણ આપી હતી. (હેમંત મોરપરિઆએ પોતાના વક્તવ્યમાં બચીની ‘લક્ષ્મણ અને લતા મંગેશકર’ની સરખામણી ફરી યાદ કરી.)

જુલિયો રીબેરો પછી બોલનાર જર્સન ડીકુન્હા મારિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. ગોવામાં મારિઓનું મ્યુઝીયમ, તેમની વેબસાઇટ અને મારિઓનાં કામનું બૃહદ પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’ તૈયાર કરવામાં તેમનો મોટો ફાળો છે. પણ વક્તવ્યમાં તેમણે બિલકુલ નિરાશ કર્યા. મારિઓ સીધાસાદા માણસ હતા, ‘તેમણે જીવનમાં કદી જોક નહીં કહ્યો હોય’ એમ કહીને મારિઓએ કહેલો સંભવતઃ એક માત્ર જોક જર્સને યાદ કર્યો. (ઇટાલિયન ગાયક) કરુઝો ફરતા ફરતા એક અજાણી જગ્યાએ ખેડૂતના ઘરે પહોચ્યા. ત્યાં જઇને પોતાની ઓળખાણ આપી, એટલે ખેડૂતે રાજી થઇને તેની પત્નીને બૂમ પાડી, ‘અરે, નીચે આવ. તને ખબર છે, આપણા ઘરે કોણ આવ્યું છે? મહાન મુસાફર રોબિન્સન કરુઝો.’ ત્યાર પછી જર્સન તેમના દળદાર પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’માંથી ચુનંદી સામગ્રી વાંચવાના હતા, પણ એ ચુનંદી સામગ્રી કમનસીબે મારિઓનાં કાર્ટૂનની- તેમાં પણ બોસ અને સેક્રેટરીનાં કાર્ટૂનની- લાઇનો નીકળી. ચોપડીમાં ફ્લેપ મુકેલા હોવા છતાં એ શોધવા માટે જર્સનને ફાંફા મારવાં પડ્યાં. એકનું એક ફ્લેપ વારે ઘડીએ પાછું આવતું હતું. એ પ્રક્રિયા ભારે વિચિત્ર અને ત્રાસદાયક લાગતી હતી. છેવટે તેમણે એવી રીતે જ વક્તવ્ય સમેટી લીધું.

આખા કાર્યક્રમમાં સૌથી સારું- ખરેખર તો એક માત્ર સારું-વક્તવ્ય વિનોદ મહેતાનું હતું. તે લખે છે એવી જ હલ્કીફૂલ્કી, જીવંત અને નખરાળી શૈલીમાં બોલ્યા. ‘આપણે મારિઓના મૃત્યુનો શોક કરવા નહીં, પણ એમની સ્મૃતિનો ઓચ્છવ કરવા ભેગા મળ્યા છીએ.’ એમ કહીને તેમણે મારિઓના સ્વભાવની ઘણી વિશિષ્ટતાઓ યાદ કરી.

(ફરઝાના કોન્ટ્રાક્ટર, વિનોદ મહેતા, જુલિયો રીબેરો)

‘હું અને મારીઓ તદ્દન જુદા. હું એકદમ લાઉડમાઉથ, પીઅક્કડ, પપ્પીઝપ્પી ટાઇપ પંજાબી અને એ એકદમ ઓછાબોલા. હું ‘ડેબોનેર’નો તંત્રી બન્યો ત્યારે મારા મેગેઝીનમાં કોઇ લખવા તૈયાર ન હતું. એ વખતે બિઝી બીએ તેમાં લખવાનું અને મારિઓએ તેમાં દોરવાનું સ્વીકાર્યું. એ દિવસોમાં હું મારિઓ અને હબીબાનું નામ બેશરમીથી વટાવીને જર્સન અને જુલિયો જેવા લોકોની ઓળખાણ કરતો હતો. કારણ કે મુંબઇમાં મને કોઇ ઓળખતું ન હતું. મારિઓ અસલમાં ઉત્તમ ચિત્રકાર હતા. એ મને ઘડી વાર કહેતા હતા કે કાર્ટૂનો તો એ પેટિયું રળવા કરે છે. મોટા ભાગના મનમોજી માણસોની જેમ મારિઓને પણ કાયમ રૂપિયાની જરૂર રહેતી. એટલે મારિઓને કાર્ટૂનિસ્ટ તરીકે યાદ કરવા એ તો એમનું અપમાન કર્યા જેવું છે.’

સિત્તેરના દાયકામાં મારિઓ અને વિનોદ મહેતા દસેક દિવસ માટે ઓસ્ટ્રેલિયા સાથે ગયા હતા. મહેતાએ કહ્યું કે ‘હરામ છે જો મારિઓ દસ દિવસમાં દસ શબ્દો પણ બોલ્યા હોય. એ અને એમની સ્કેચબૂક. આખો દિવસ એ સ્કેચ જ કરતા હોય. એ વખતે મોટે ભાગે કટોકટી ચાલતી હતી. લોકો એમને ભારતની સ્થિતિ વિશે કંઇક પૂછે એટલે એ તરત મારી સામે આંગળી ચીંધીને કહે, એને પૂછો. એને પોલિટિક્સની બધી ખબર છે.’ મારિઓની સહિષ્ણુતા વિશે વિનોદ મહેતાએ કહ્યું કે અમેરિકના એમ્બેસીના બીજા-ત્રીજા દરજ્જાના ‘કમ્પ્લીટ ઇડિયટ’ એવા અફસરો સાથે મારિઓ વાતો કરતા હોય. હું એમને કહું કે કમોન મારિઓ, આ લોકો એકદમ ઇડિયટ છે. એમની જોડે શું ખપાવવાની? પણ એ કહે, ના,ના, એમણે આપણને જમવા માટે નોતર્યા છે. વગેરે. પછી પંદર-વીસ મિનીટ રહીને મારિઓ મારી પાસે આવે અને કહે, ‘યુ આર રાઇટ. આ લોકો તો એકદમ ઇડિયટ છે.’

‘તમે કોઇ માણસને વ્હીસ્કીના બે પેગ લઇને ત્રણ-ચાર કલાક કાઢી નાખતો જોયો છે? મારિઓનું એવું હતું. એ ગ્લાસ લે અને તેની ફરતે ટીસ્યુ પેપર વીંટાળી દે. પછી હું પૂછું કે ‘વ્હેર ઇઝ યોર ડ્રીન્ક?’, એટલે એ તરત ગ્લાસ બતાવે. અને ‘ધેટ સન ઓફ અ બીચ’ને તમે ગોવામાં જુઓ તો બેહિસાબ દારૂ પીએ. એક દિવસ હું ગોઆ હતો ત્યારે સવાર સવારમાં જ મારિઓએ બોટલ ખોલી હતી. મુંબઇનો મારિઓ અને ગોવાનો મારિઓ જુદા માણસ હતા. મુંબઇનો મારિઓ એકદમ સીધોસાદો, સભ્ય, કાળાં શર્ટ-પેન્ટ પહેરે. બીજી કોઇ ખટપટ નહીં. અને ગોવામાં એ સાવ અલગ બની જતો હતો.’

આત્મકથામાં લખેલા શોભા ડેના ‘સ્કેન્ડલ’ને ‘હવે ચોપડીમાં લખ્યું છે એટલે કહેવામાં વાંધો નથી’ એમ કહીને વિનોદ મહેતાએ કહ્યું કે એક વાર મારિઓની પાર્ટી ચાલતી હતી અને શોભા ડે વણબોલાવ્યાં આવી પહોંચ્યા ત્યારે મારિઓએ તેમને અંદર આવવા દીધાં ન હતાં. ગિન્નાયેલાં શોભા ડેએ ‘ઇવ્ઝ વીકલી’માં મારિઓ વિશે હળાહળ ઝેર ઓકતો એક લેખ લખ્યો. તેણે લખ્યું કે મારિઓની વાઇફે પોતાના હાથની નસો કાપી નાખવી જોઇએ વગેરે..મારિઓ એ લેખથી દુઃખી હતો, પણ એટલા માટે નહીં કે શોભાએ એના વિરુદ્ધ લખ્યું. તેને એ દુઃખ થયું કે તેની પત્ની વિશે આવું લખાયું. અમે મારિઓને કહેતા કે પેલીએ (ધેટ ગર્લ) તારા વિશે આવું લખ્યું છે. એને બરાબર જવાબ આપવો જોઇએ. પણ મારિઓને એવો કશો રસ ન હતો. આ બધું તેને પોતાની ગરીમાથી વિરુદ્ધ લાગતું હતું. આ લેખ વિશે ‘ઇવ્ઝ વિકલી’ને પત્ર લખવામાં પણ તેમણે કશો રસ ન લીધો અને અમે લખેલો પત્ર જોવાની પણ દરકાર કરી ન હતી.’

મોટી ઉંમરે, પોતાનાથી ઘણી મોટી વયના બેહરામ કોન્ટ્રાક્ટર ‘બિઝી બી’ સાથે લગ્ન કરનાર ફરઝાનાએ મારિઓ અને બિઝી બી સાથેનાં થોડાં સંભારણાં તાજાં કર્યાં. ‘આજે સવારે હબીબા સાથે વાત થઇ. એમનાથી આવી શકાય એમ ન હતું. એમણે સમારંભ વિશે બહુ આનંદ વ્યક્ત કર્યો. મારિઓની છેલ્લી અવસ્થા વિશે હબીબાએ કહ્યું કે તે છેલ્લા દિવસોમાં બીમાર રહેતા હતા એ વાત ખોટી છે. એ ઉંઘમાં જ સુખેથી સીધાવ્યા. તેમની ઇચ્છા પ્રમાણે તેમને અગ્નિદાહ અપાયો. ઇલેક્ટ્રિક સ્મશાનની વ્યવસ્થા ન હતી અને મારિઓની ઇચ્છા પણ લાકડાંના અગ્નિથી બળવાની હતી.’ ફરઝાનાએ બે લેખ વાંચ્યા. મારિઓએ લખ્યું હોત તો એ સરસ લેખક બન્યા હોત, એમ કહીને ફરઝાનાએ પોતાના કૂતરાને અંજલિરૂપે મારિઓનો લખેલો આખો લેખ વાંચ્યો. ફરઝાનાના સામયિક ‘ડોગ્ઝ એન્ડ મોર’માં એ લેખ છપાયો હતો. સામયિકની નકલો રસ ધરાવતા લોકો માટે મૂકવામાં આવી હતી. ફરઝાનાએ કહ્યું કે મારિઓ ડેડલાઇન પ્રમાણે કાર્ટૂન મોકલવામાં કાયમ મોડું કરે. હું પૂછું કે કાર્ટૂન ક્યાં છે? તો એ જવાબ આપે, ‘સ્પીડી ડીસોઝા લઇને નીકળી ગયો છે.’ મારિઓનો એક માણસ હતો શિવરાજ. એ તેમના ધક્કાફેરા ને કામકાજ કરતો. એટલો બધો ધીમો કે ‘આફ્ટરનૂન’ની ઓફિસમાં આવ્યા પછી અમારી કેબિન સુધી પહોંચતાં એને દસ મિનીટ લાગે. એટલે મારિઓએ તેનું નામ સ્પીડી ડીસોઝા પાડ્યું હતું. (એ વિનોદ કાંબલીના નજીકના સગપણમાં હતા.)

(ડાબેથી) અનિલ ધારકર,જર્સન ડીકુન્હા, વિનોદ મહેતા, જુલિયો રીબેરો, ફરઝાના કોન્ટ્રાક્ટર, હેમંત મોરપરિઆ)

હેમંત મોરપરિઆએ લખેલા મુદ્દા પરથી, જાહેર વક્તવ્યની નહીં પણ અંગત વાતચીતની શૈલીમાં આવતાં ખાંચાખૂંચી સાથે વાત કરી. તેમણે કહ્યું,’મારે મારિઓને સાત-આઠ-દસ વાર જ મળવાનું થયું. એ મને હંમેશાં પ્રોત્સાહન આપતા હતા. આ વાત થોડા વખત પહેલાં જ જે કાર્ટૂનિસ્ટની (લક્ષ્મણની) વાત થઇ એ સંદર્ભમાં કરું છું. મારિઓનાં કાર્ટૂન વિશે વાત કરતાં કહ્યું કે એ જેટલાં ઓછાબોલા હતા, એટલાં જ તેમનાં કાર્ટૂન બોલકાં હતાં. સ્ક્વેર ઇંચ દીઠ સૌથી વધારે ચિત્રકામ તેમનાં કાર્ટૂનમાં જોવા મળે. કાર્ટૂનિસ્ટો બે પ્રકારના હોયઃ એક જેમને ચિત્ર દોરવાનું ગમતું હોય. મારિઓ એ પ્રકારનાં હતાં અને બીજા મારા જેવા, જેમને મન ચિત્ર ફક્ત વિચારનું વાહન હોય. (અલબત્ત, એનો અર્થ એવો નહીં કે ચિત્ર અને કેરિકેચર ઠેકાણાં વગરનાં અને ઓળખી ન શકાય એવાં હોય.)

મારિઓનાં ચિત્રો દ્વિપરિમાણીય રહેતાં. તેમાં ઊંડાણનો ભાવ ન મળે. એ રીતે તેમને ગ્રાફિક આર્ટિસ્ટ કહી શકાય. તેમનાં સર્જેલાં પાત્રો તો સાવ એક પરિમાણીય. સ્ટીરીયોટાઇપ. તેમનાં કાર્ટૂનોમાં આવતાં મહિલાઓના ઉપસેલા આકાર અને જુગુપ્સાપ્રેરક શારીરિક ક્રિયાઓ કરતાં પાત્રો વિશે પણ મોરપરિઆએ વાત કરી અને તેમને ‘એડોલેસન્ટ સ્કૂલ ઓફ હ્યુમર’માં ગણાવ્યા. ‘તેમનાં ઘણાં કાર્ટૂન પોલિટિકલી કરેક્ટ ન હતાં. અત્યારે કદાચ તેમાંથી કેટલાંક સેન્સર થયાં હોત. ‘આ પ્રકારનાં કાર્ટૂન અત્યારના તંત્રીઓ- ખાસ કરીને મહિલા તંત્રીઓ છાપે કે કેમ એ સવાલ.’ આ વાત પર હળવો ગણગણાટ થયો. મહિલાઓઓ કહ્યું કે શું કરવા ન છાપીએ? વિનોદ મહેતાએ વચ્ચે દરમિયાનગીરી કરીને કહ્યું કે ‘હું જરૂર છાપું અને કહું કે ઉત્સર્જિત પદાર્થોનો જથ્થો અપૂરતો છે. એ જરા વધારો.’

મારિઓનાં કાર્ટૂનમાં રોષ કે ગુસ્સાનો સદંતર અભાવ હતો. બંડલદાસ જેવું તેમનું રાજકીય પાત્ર પણ વહાલા લાગે એવા મૂરખનાં લક્ષણ ધરાવતું હતું. કાર્ટૂનમાં કોઇ રાજકારણી ગમે એવું ભાગ્યે જ બને. મારિઓ કાર્ટૂનમાં રીવેટમેન્ટ રહેતું. એકેએક રીવેટ દેખાય એટલી ઝીણવટ. એ પાંદડું જ નહીં, તેની દરેક નસો દોરે. પણ વીતતાં વર્ષો સાથે તેમને કાર્ટૂન દોરવામાં આવતી મઝા ઘટતી હોય એવું લાગતું હતું. ઘણી વાર આપણને થાય કે મઝા ન આવતી હોય તો પણ એ શા માટે દોરતા હશે? પણ કદાચ મિત્રોનો આગ્રહ એ નકારી નહીં શકતા હોય.’

(ડાબેથીઃજર્સન ડીકુન્હા/Gerson DeCunha, જુલિયો રીબેરો/Julio Ribero, ફરઝાના કોન્ટ્રાક્ટર/Farzana Contractor, ચિત્રદેહે મારિઓ મિરાન્ડા, અનિલ ધારકર/Anil Dharkar, વિનોદ મહેતા/Vinod Mehta અને હેમંત મોરપરિઆ/Hemant Morparia)

આખો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ, આશાવાદી અપેક્ષા મુજબ ભીડ થઇ ન હતી. આટલાં મોટાં નામ અને મારિઓ વિશેનો કાર્યક્રમ છતાં માંડ પચાસેક લોકો આવ્યા. આયોજકોએ ફોટોગ્રાફરની વ્યવસ્થા પણ રાખી ન હતી. એટલે બિનીત સમારંભનો સત્તાવાર ફોટોગ્રાફર થઇ ગયો. અનિલ ધારકર અને ફરઝાના કોન્ટ્રાક્ટર જેવાંએ પોતાના ઇ-મેઇલ આપીને ફોટા મોકલવા વિનંતી કરી.

કાર્યક્રમમાં વાઇનની વ્યવસ્થા હોય ને ફોટોગ્રાફરની વ્યવસ્થા ન હોય, એવું બને? એવું હવે કોઇ પૂછે તો જવાબ ‘હા’માં આપવાનો થાય.
(Pics: Binit Modi, Biren Kothari, Urvish Kothari)

Friday, December 23, 2011

ઓઢણું ઓઢું ને સરી સરી જાય

શિયાળો અનેક લોકોને જુદાં જુદાં કારણથી વહાલો લાગે છે. કોઇને શાકભાજી ને ખાણીપીણીના સુખને લીધે તો કોઇને ગરમીનો ત્રાસ વેઠવો ન પડે એટલે. એક વર્ગ એવો પણ છે, જેને કોઇ જાતના ખુલાસા આપ્યા વિના ઓઢવાની તક મળે, એ કારણથી શિયાળો ગમે છે.

આપણી સંસ્કૃતિમાં શિયાળા વિશે ઘણું કહેવાયું છે, પણ એક મિનીટ! સંસ્કૃતિ-કે સંસ્કૃત-ના નામે લોકોને ગલગલિયાં કરાવવાનું, સામાન્ય હોય તો પણ, જરૂરી નથી. એવી જ રીતે, સંસ્કૃત સાહિત્યના અને ગુજરાતી અખબારોના વાચકોનો ભેદ પાડ્યા વિના, સંસ્કૃતિના બહાને સોફ્‌ટ પોર્નોગ્રાફી પીરસવાની માન‘સિક’તા હાસ્યનો નહીં, સારવારનો વિષય છે. એટલે એ સિવાયની વાત કરીએ.આપણી પરંપરામાં શિયાળામાં ફૂટપાથ પર સૂતેલા ગરીબોને ધાબળા અને કોઇ પણ મોસમમાં મંચ પર ઉભેલા મહાનુભાવોને શાલ ‘ઓઢાડવાનો’ રિવાજ છે. બન્નેમાં ઓઢનારની જરૂરિયાત કરતાં ઓઢાડનારનો સંતોષ વધારે મહત્ત્વનો ગણાય છે. તેને કારણે ઓઢનાર, ઓઢવાની પ્રક્રિયા અને તેના આનંદ વિશે કદી ચર્ચા થતી નથી.

પથારીની વ્યાખ્યામાં ચાદર, ગાદલું અને ઓશિકાની સાથે ઓઢવાનો સમાવેશ કરવો કે નહીં, એ ‘લોકપાલના દાયરામાં વડાપ્રધાનનો સમાવેશ કરવો કે નહીં?’ એ પ્રકારનો વિવાદાસ્પદ સવાલ છે. કેટલાક લોકો ઓઢવાના પ્રેમી હોય છે. કાળઝાળ ગરમી હોય કે ગુલાબી ઠંડી, તેમને કંઇક ઓઢવાનું જોઇએ. એવા લોકો ‘આવી ગરમીમાં ઓઢવાનું શી રીતે ગમે? તારું મગજ તો ઠેકાણે છે ને!’ એવાં સામાજિક મહેણાંટોણાં અને લોકલાજની પરવા કરતા નથી. ઉનાળામાં છાતી સુધી નહીં તો કમર સુધી, કમર સુધી નહીં તો ઢીંચણ સુધી ને ત્યાં સુધી નહીં તો છેવટે પગની પાની ઢંકાય એટલું પણ ઓઢવું પડે. તો જ (દાળભાતથી જમવાનો સંતોષ થાય તેમ) ઉંઘવાનો સંતોષ મળે. ‘ઓઢવાના વિના મને ઉંઘ ન આવે’ એવો સંવાદ બોલતી વખતે એ લોકો પારોની વાત કરતા દેવદાસ જેવા ભાવુક થઇ શકે છે અને ‘જે પથારીમાં ઓઢવાનું ન હોય, તેને હું પથારી ગણવા તૈયાર નથી’ એવું વિધાન તે આંદોલનકારી જુસ્સાથી ઉચ્ચારી શકે છે.

ઓઢવું એ જરૂરિયાત છે, શોખ છે કે વૈભવ? એ બીજો તકરારી સવાલ છે. અમુક માણસો જેમ ખાય છે, પીએ છે, શ્વસે છે તેમ ઓઢે છે. આ બધી ક્રિયાઓનું માહત્મ્ય તેમને મન સરખું છે. પોતાની લાગણી વાજબી ઠરાવતાં એ કહે છે, ‘ઓઢવું એ સભ્ય હોવાની નિશાની છે. પહેરવું-ઓઢવું એવો શબ્દપ્રયોગ તેની પરથી જ બન્યો છે. જેમ પહેર્યા વિના માણસ ફરી ન શકે, તેમ ઓઢ્‌યા વિના માણસ સૂઇ ન શકે.’ જીવવિજ્ઞાન કે ઇશ્વરની લીલા પ્રત્યે લગાવ ધરાવતા કેટલાક ‘ઓઢુ’ઓ કહે છે,‘ઓઢવાની જરૂર જ ન હોત, તો ભગવાને આપણા શરીરનાં સ્પેરપાર્ટ્‌સ પર શું કરવા ચામડીની ચાદર ઓઢાડી હોત?’ એવા લોકો માટે પથારીમાં પડ્યા પછી ઓઢવાનું, જૂની કાંચળી ઉતાર્યા વિના નવી કાંચળી ધારણ કરવા જેવું સ્વાભાવિક અને કુદરતી છે.

એનો અર્થ એવો નથી કે ઓઢવાના પ્રેમીઓનો સઘળો સમુહ એકજૂથ છે. તેમાં ઘણા પેટાપ્રકારો છે. ઘણી વાર તો લાગે કે ઓઢનારા અને નહીં ઓઢનારા કરતાં, જુદા જુદા પ્રકારના ઓઢનારા વચ્ચેના મતભેદ વધારે તીવ્ર છે. તેમાં એક વર્ગ એવો છે, જેને ઓઢવામાં ચાદર, ચોરસો, રજાઇ, ગોદડું, શાલ...કંઇ પણ ચાલે. બીજી રીતે કહીએ તો, તે કોઇ પણ ચીજનું ઓઢવાનું બનાવી શકે અને તેને ઓઢી શકે. કંઇ ન મળે તો ગાદલા પર પાથરેલી ચાદર ઓઢતાં અને ઠંડી વધારે હોય તો ચાદર પાથરીને ગાદલું ઓઢતાં પણ દુનિયાની કોઇ તાકાત તેમને રોકી શકતી નથી. એવા લોકોની જીવન ફિલસૂફી માટે (નિરંજન ભગતની ક્ષમા સાથે) કહેવું પડે, ‘હું તો બસ ઓઢવા આવ્યો છું/ ક્યાં ચોરસા-ચાદર-રજાઇની પંચાત કરવા આવ્યો છું?/ હું તો બસ ઓઢવા આવ્યો છું.’ ઓઢવું એ તેમને મન શયનયોગની આવશ્યક વિધિ છે. ઓઢ્‌યા વિના શયનયજ્ઞ શી રીતે પૂર્ણ ગણાય? અને તેનું મનોવાંચ્છિત ફળ (એટલે કે ઘસઘસાટ ઉંઘ) શી રીતે મળે? આ યજ્ઞમાં ઓઢવાનું તેમને મન સાધન હોય છે, જેનું કશું મહત્ત્વ નથી. ખરો મહિમા સાઘ્યનો એટલે કે મસ્ત ઉંઘ આવી જાય તેનો છે.

ઓઢનારના બીજા પ્રકારમાં સરહદી વિવાદ મુખ્ય હોય છેઃ ઓઢવું એ શયનસિદ્ધ હક ખરો, પણ કેટલે સુધી ઓઢવું જોઇએ? સજ્જનો ક્યાં સુધી ઓઢે? પગ ઢંકાય એ રીતે? કમર સુધી? ખભા સુધી? માખી-મચ્છરથી બચવા ફક્ત માથાના ભાગમાં? કે હઠયોગની માફક છેક પગથી શરૂ કરીને મોઢું-માથું ઢંકાઇ જાય એ રીતે?

પગ સુધી ઓઢનારને જોઇને એવું લાગે, જાણે તેમની ઓઢવાની કોઇ ઇચ્છા કે માનસિકતા નથી, પણ પ્રિયજનને આપેલું વચન પૂરું કરવા કે કોઇ શાપનું નિવારણ કરવા માટે, કેવળ ઔપચારિકતા ખાતર તેમણે ઓઢ્‌યું છે. કમર સુધી ઓઢનારને જોતાં વિચાર આવે કે તેમના મનમાં ‘ઓઢું કે કાઢું?’નું હેમ્લેટ-દ્વંદ્વ ચાલતું હશે. એટલે ન તે છેવટ સુધી ઓઢી શકે છે કે ન તો ઓઢવાનું ફગાવી શકે છે. પ્રહ્લાદની કથા જાણતા લોકોને ‘નહીં દિવસ ને નહીં રાત, નહીં ઘરમાં ને નહીં બહાર, નહી નર ને નહીં પશુ’ની જેમ ‘નહીં આખું ઓઢેલું ને નહીં આખું કાઢેલું’ જેવા કોઇ દેવતાઇ સંયોગના દર્શન પણ અડધું ઓઢેલા જણમાં થઇ શકે છે. ઠંડી ન હોય, પણ માખી કે મચ્છર સિવિલ સોસાયટીની આદર્શ ભૂમિકાની જેમ ગણગણાટી કરતાં હોય ને ઉંઘવા ન દેતાં હોય, ત્યારે ઉંઘનાર જણ, કમિટી રચી કાઢતી સરકારની જેમ, ગુંગળામણ ન થાય છતાં ગણગણાટી છેક કાનમાં ન સંભળાય એ રીતે, માથાનો ભાગ ઢાંકી દે છે. પણ મચ્છરો અન્નામંડળીની જેમ હઠીલાં હોય ને માણસની ઉંઘ યુપીએ સરકારની દાનત જેવી કાચી હોય, તો આ ઉપાય કારગત નીવડતો નથી.

મોઢે-માથે ઓઢવું એ, તાવપ્રેરિત ઠંડી જેવી મજબૂરી ન હોય ત્યારે, ઓઢવાને લગતી સર્વોચ્ચ સિદ્ધિ છે. આ રીતે ઓઢનાર વિશે અરેરાટીથી માંડીને અહોભાવ જેવા ઉદ્‌ગારો સાંભળવા મળે છે. ‘આવું તો કેવી રીતે ફાવે? હું તો પાંચ જ મિનીટમાં ગુંગળાઇ મરું.’ એવાં વચનોથી માંડીને, ‘મને ફાવતું નથી. બાકી આમ જ સુવાય. એક વાર ચોરસો માથા ઉપર ખેંચી લીધો પછી જખ મારે છે દુનિયા. આપણે દેખવું નહીં ને દાઝવું નહીં.’ એવા પ્રતિભાવ મળે છે. માથે-મોઢે ઓઢનાર જણ એક શબ્દ પણ બોલ્યા વિના, પોતાની આજુબાજુ બનતી ઘટનાઓ વિશેની પોતાની ઉદાસીનતા અથવા તેમના વિશેનો પોતાનો તુચ્છકાર જાહેર કરી શકે છે. નિશ્ચિતતાની, વિરક્તિની, નફિકરાઇની, નિરાંતની આ પરાકાષ્ઠા છે.

ઓઢવાની ક્રિયા ફિલ્મઉદ્યોગમાં સફળતા મેળવવા જેવી છે. એક વાર ઓઢી લેવાથી વાત પૂરી થઇ જતી નથી. સફળતાની જેમ ઓઢવાનું મેળવવા કરતાં ટકાવી રાખવું વધારે અઘરું છે. સૂતી વખતે ચોરસા-રજાઇના કેટેલોગમાં ફોટો છાપી શકાય એવી છટાથી, વ્યવસ્થિત રીતે ઓઢીને સૂઇ જનારા સવારે ઉઠે ત્યારે તેમનું ઓઢવાનું ગાદલાની ચાદર સાથે એવું એકાકાર થઇ ગયું હોય છે કે દૂરથી જોનારને પગના ભાગમાં ચાદર કઇ ને ઓઢવાનું કયું, તે નક્કી કરવામાં મૂંઝવણ થાય.

આ બધાથી જુદો એક વર્ગ એવો છે, જે ઓઢવામાં નાનમ અને ન ઓઢવામાં બહાદુરી સમજે છે. ઓઢવું એ કોઇની ‘હોબી’ હોઇ શકે એવું તે સમજી-સ્વીકારી શકતા નથી. કોઇ એવો પ્રયાસ કરે ત્યારે પહેલાં તો ઓઢવાની ક્રિયાને નબળાઇ સાથે સાંકળીને તેમની ઝાટકણી કાઢવામાં આવે છે. પરંતુ ‘ઓઢવું એ જરૂરિયાત નહીં, શોખ છે’ એવો બચાવ થતાં એ કહે છે,‘આ દેશમાં લોકોને પૂરું પહેરવાનું મળતું નથી, ત્યારે ઓઢવાના શોખ રાખવા પોસાય? મારું ચાલે તો...’

સદ્‌ભાગ્યે, ઘણા ખરા લોકોનું તેમના ઘરમાં એમ ઘરની બહાર પણ ચાલતું નથી. એટલે ઓઢનારા નિશ્ચિત થઇને, કહો કે નિરાંતે ગોદડું ઓઢીને, સુઇ શકે છે.

Wednesday, December 21, 2011

રીટેલમાં વિદેશી રોકાણઃ બે બાજુનું દુઃખ

રીટેલ એટલે કે છૂટક વેપારમાં સીધા વિદેશી મૂડીરોકાણ/ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનાં વાદળાં વરસ્યાં તો નથી, પણ વિખરાતાં પહેલાં ગાજવીજ બહુ થઇ.

સરકારે મંત્રીમંડળની મંજૂરીથી એક બ્રાન્ડમાં ૧૦૦ ટકા અને અનેક બ્રાન્ડમાં (વોલમાર્ટ-ટેસ્કો-કારફૂર જેવા ચેઇનસ્ટોર માટે) ૫૧ ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનું જાહેર કર્યું. મંત્રીમંડળે કેટલાક વિરોધ પછી આ દરખાસ્ત સ્વીકારી લીધી. તેને સંસદમાં પસાર કરવાની જરૂર ન હતી. છતાં, વિરોધ પક્ષોએ તેના વિરોધમાં હોબાળો મચાવતાં, સરકારે મલ્ટીબ્રાન્ડની બાબતમાં પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો અને માર્ચ, ૨૦૧૨ સુધીમાં વિપક્ષો સાથે સલાહમસલત કરીને તેને લાગુ પાડવામાં આવશે, એવું જાહેર કર્યું.

સરકારી પક્ષનું સોનેરી ચિત્ર

સરકારની રીટેલ-તરફેણ અને વિપક્ષોનો વિરોધ, આ બન્ને પાછળના મુદ્દા સામાન્ય નાગરિક તરીકે ગળે ઉતરે એવા ન હતા. બન્ને પક્ષોની દલીલબાજી ડબલ્યુડબલ્યુએફના પહેલવાનોની નકલી મેચ જેવી, બોદી ઉત્તેજનાથી ભરેલી લાગતી હતી. બન્ને પક્ષોની પીન હરીફરીને રોજગારી, ખેડૂતો પર અસર, કરિયાણાની દુકાનો-નાના વેપારીઓનો ખાત્મો અને માળખાકીય સુવિધા - એવા ચાર મુદ્દા પર ચોંટી ગઇ.

સરકારની દલીલ હતી કે વિદેશી કંપનીઓ માટે મલ્ટીબ્રાન્ડ રીટેલના દરવાજા ખોલતાં, મોટા આંતરરાષ્ટ્રિય ચેઇનસ્ટોર ભારતમાં આવશે. અત્યારે શાકભાજી કે અનાજ ઉગાડતા ખેડૂતો અને બજાર વચ્ચે ત્રણ-ચાર તબક્કે વચેટિયાનાં કમિશન ચડે છે. એટલે ધારો કે, ખેડૂત એક ચીજ દોઢ-બે રૂપિયે કિલોના ભાવે વેચી મારે, એ જ ચીજ બજારમાં દસ રૂપિયે કિલો વેચાય છે. તેને કારણે ગ્રાહકોને વસ્તુ મોંઘી પડે છે ને ખેડૂતોનું શોષણ થાય છે. વિદેશી ચેઇન સ્ટોર્સ આવશે તો વચેટીયા નાબૂદ થશે. સ્ટોરના માણસો સીધા ખેડૂત જોડે સોદો પાડશે. તેને લીધે ખેડૂતને લાભ થશે. સરકારનો બીજો પ્રચાર એ હતો કે મોટા વિદેશી ચેઇનસ્ટોર તેમની માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજી અને પ્રોફેશનલ મેનેજમેન્ટ લાવશે. ભારતમાં પેદા થતા ખેતઉત્પાદનનો મોટો હિસ્સો યોગ્ય વખારો- સ્ટોરેજના અભાવે ખરાબ થઇ જાય છે અથવા ખેડૂતને તે સસ્તા ભાવે કાઢી નાખવો પડે છે. વિદેશી કંપનીઓ આવી સુવિધા ઉભી કરશે, એટલે એ રીતે થતો બગાડ અટકશે.

સરકારે લટકાવેલું ત્રીજું ગાજર રોજગારીની તકોને લગતું હતું.વાણિજ્યમંત્રી આનંદ શર્માએ કરેલા દાવા પ્રમાણે, મલ્ટીબ્રાન્ડમાં વિદેશી કંપનીઓના આગમન પછી આગામી ત્રણ વર્ષમાં રોજગારીની ૧ કરોડ તકો સર્જાશે. ‘મોટા સ્ટોરને કારણે નાના વેપારીઓ- કરિયાણાની દુકાનો ખતમ થઇ જશે’ એવી વ્યાપક ટીકાને ઘ્યાનમાં રાખીને, સરકારે વિદેશી કંપનીઓ માટે એવી શરત રાખી હતી કે દસ લાખથી વઘુ વસ્તી ધરાવતાં શહેરોમાં જ તેમના સ્ટોર સ્થાપી શકાય. એ માટે, કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી હોવા છતાં, છેવટનો નિર્ણય રાજ્ય સરકાર લઇ શકે અને તે ઇચ્છે તો વિદેશી કંપનીઓને પોતાના રાજ્યમાં આવતી અટકાવી શકે, એવી પણ સરકારી જોગવાઇ હતી.

વિરોધ પક્ષોના વાંધા

ભાજપ જેવા વિરોધ પક્ષનો સૌથી મોટો વાંધો કદાચ એ હતો કે અમને ‘વિશ્વાસમાં - એટલે કે ગણતરીમાં- લીધા વિના’ કેમ આ નિર્ણય જાહેર કર્યો. બીજા બધા વાંધા તેની પડછાયામાં હોય એવા જણાતા હતા. તેમાં સૌથી મોટું બૂમરાણ કરિયાણાની દુકાનો-નાના વેપારીઓની સહાનુભૂતિમાં ચાલ્યું. આ સ્ટોર ફક્ત દસ લાખથી વઘુ વસ્તી ધરાવતાં શહેરોમાં સ્થપાવાના છે એ હકીકત પર ઘ્યાન આપ્યા વિના, ‘નાના દુકાનદારો ખતમ થઇ જશે’નો કકળાટ મચ્યો. એ દુકાનદારો કેટલા સારા- તેમની સેવાઓ કેટલી ઉમદા- તેમની સાથેના સંબંધ કેટલા હૂંફાળા, એવી બધી અંજલિઓ ઠલવાવા લાગી. ભાજપ અને તેના સાથી સંગઠનો માટે સગવડ પડે ત્યારે સ્વદેશીનો મુદ્દો તો હોય જ. ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ જેવી સરખામણીઓથી માંડીને ‘વિદેશી કંપનીઓ દ્વારા ભારતને ફરી ગુલામ બનાવવાનું કાવતરું’ રાજકીય-બિનરાજકીય એમ બન્ને મોરચે થયા.

વિદેશી કંપનીઓ દ્વારા માળખાકીય સુવિધાઓ ઉભી થવાના સરકારી ગાજર સામે એવી દલીલ થઇ કે ‘ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના વાંધા છે, ત્યાં વિદેશી કંપનીઓ પણ કેવી રીતે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરશે? શું એ કંપનીઓ પોતાના પાવર પ્લાન્ટ પણ સ્થાપવાની છે?’ મંત્રીએ રોજગારી સર્જાવાના અદ્ધરતાલ આંકડા આપ્યા, તેમ વિરોધ પક્ષોએ રોજગારી છીનવાઇ જવાના ડરામણા આંકડા આપ્યા. એ બન્ને સાથે સંમત થવું અઘરું હતું. કારણ કે બન્નેએ પોતપોતાને માફક આવે એવી કલ્પનાના દોરે અનુમાનના પતંગ ચગાવ્યા હતા. તેની પાછળ નાગરિકોનું હિત નહીં, પણ રાજકીય ફાયદો મેળવવાની ગણતરી મુખ્ય હતી.

નહીં ચર્ચાયેલો નાગરિક પક્ષ

સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચેની ખેંચતાણમાં સૌથી કમનસીબ બાબત એ થઇ કે કયા કયા મુદ્દા ચર્ચાવા જોઇએ, તેનો એજેન્ડા નેતાઓએ નક્કી કરી નાખ્યો. એટલે નાગરિકો પણ સમગ્ર ચિત્ર જોવાના બદલે, રીટેલમાં એફડીઆઇના મામલે ફક્ત કરિયાણા સ્ટોરની ચંિતા કરવામાં પડી ગયા. વિદેશોમાં મોટા સ્ટોરને કારણે નાના દુકાનદારો પર કેવી અસરો થઇ, તેના દાખલા યાદ કરાયા. કેટલી રોજગારી જશે અને કેટલી પેદા થશે, એના આંકડા મંડાયા ને ભૂંસાયા. વિદેશી ચેઇન સ્ટોર્સ ખરેખર ભારતમાંથી સંપત્તિ ઉશેટીને પરદેશ લઇ જશે કે નહીં, એની ગરમાગરમ ચર્ચાઓ થઇ. યુરોપ-અમેરિકામાં મંદીને કારણે વિદેશી કંપનીઓ ભારતનું બજાર સર કરવા તલપાપડ છે, એવાં નિદાન થયાં.

પરંતુ ચેઇન સ્ટોર્સ આવ્યા પહેલાં દેશની વર્તમાન સ્થિતિ શી છે? તેમાં સરકારની જવાબદારી કેટલી? અને વિદેશી કંપનીઓ આવે કે ન આવે, તો પણ સરકાર વર્તમાન સ્થિતિ સુધારવા શું કરી શકે? સરકારે એ માટે શું કરવું જોઇએ? એને લગતી ચર્ચાઓ ભાગ્યે જ થઇ.

‘અત્યારે કૃષિઉત્પાદનોની સ્થિતિ ખરેખર બહુ ખરાબ છે, પણ વિદેશી કંપનીઓ ૫૧ ટકા મૂડીરોકાણ સાથે આવશે એટલે બઘું સમુંસૂતરું થઇ જશે’ એવો સરકારી દલીલનો સૂર કેટલો હાસ્યાસ્પદ કહેવાય, એની ટીકા ન થઇ. ‘(જવાબદારીના) ભાર વગરનું ભણતર’ મેળવી રહેલા રાહુલ ગાંધીએ નિર્ણય પાછો ઠેલાયા પછી, વિદેશી કંપનીઓના આગમનની ખુલ્લી તરફેણ કરીને કહ્યું કે તેનાથી ‘ખેડૂતોને તેમના ઉત્પાદનની ઊંચી કંિમત મળશે. આ પગલાનો વિરોધ કરનારા ખેડૂતોને છેહ દઇ રહ્યા છે.’

રાહુલના આ નિવેદનથી ખુશ થનારા અને ‘જોયું? અમારા બાબાશેઠ કેવા ખોંખારીને બોલ્યા’ એવું માનીને પોરસનારાને પૂછવાનું થાય કે ‘કેન્દ્રમાં યુપીએની સરકાર છે, ખેડૂતોની સ્થિતિ અત્યારે ખરેખર ખરાબ છે અને વિદેશી કંપનીઓ આવે ત્યારે જ તેમની સ્થિતિ સુધરવાની હોય, તો સરકાર શું કરે છે? અને સરકારને શું કરવાની? પોતાના ખેડૂતોના ઉદ્ધાર માટે વિદેશી કંપનીઓની રાહ જોવી અને એવા નિષ્ક્રિય નમાલાપણાથી શરમાવાને બદલે પોરસાવું, એ બુદ્ધિના દેવાળાની હદ નથી? અને આ બાબતે સરકારની ટીકા ન કરનારા વિરોધ પક્ષો દેવાળાની હદની હદો વટાવી ચૂક્યા છે. એ કયા મોઢે બોલે? કારણ કે ભૂતકાળમાં એમની સરકાર હતી ને ભવિષ્યમાં પણ આવશે, ત્યારે તેમની નીતિ ખાસ જુદી હોવાની નથી.

ગયા સપ્તાહે સમાચાર આવ્યા કે પંજાબમાં ખેડૂતોએ બટાટાના પાકના મામૂલી ભાવના વિરોધમાં સેંકડો કિલો બટાટા રસ્તા પર ફેંકી દીધા. તેમની માગણી હતી કે તેમને સરકાર તરફથી બટાટા માટે પ્રતિ કિલો પાંચ રૂપિયા જેટલો ભાવ મળવો જોઇએ અથવા પ્રતિ કિલો બે રૂપિયા વાહનવ્યવહાર ખર્ચ પેટે સબસીડી મળવી જોઇએ. મતલબ કે, બટાટાનો આ ભાવ ન મળે ત્યાં સુધી તેમને બટાટા ફેંકી દેવા પોસાય છે, પણ બજારમાં લઇ જઇને વેચવા પોસાતા નથી.

ગુજરાતમાં કેટલીક વેફર કંપનીઓ ખેડૂતો સાથે બટાટા ખરીદવાના આગોતરા કરાર કરે છે. બટાટાના ભાવ પણ એ વખતે નક્કી થઇ જાય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી જાણતી કંપનીઓ દર વર્ષે દેશમાં કેટલા હેક્ટરમાં બટાટાની ખેતી થઇ છે એની વિગતોથી માંડીને હવામાન, પાકને નુકસાન અને દેશની જરૂરિયાત જેવાં પરિબળો ઘ્યાનમાં લઇને ભાવ નક્કી કરે છે. આ વર્ષે કેટલીક કંપનીઓએ બટાટાની છતના સંજોગો જોઇને, ખેડૂતો સાથે આગોતરા કરાર કર્યા નથી. કારણ કે બટાટાનો પાક જરૂર કરતાં વધારે થવાનો છે, એવો કંપનીઓને અંદાજ હતો. એ સંજોગોમાં પહેલેથી કરાર કરીને વધારે ભાવ આપી દેવા કરતાં, બજારમાં રેઢે પીટાતા બટાટા સસ્તા ભાવે ખરીદવાથી તે ફાયદામાં રહે.

વિદેશી કંપનીઓ વધારે નહીં ને દેશી કંપનીઓ જેટલી ગણતરીબાજ હોય એવું ધારીએ તો પણ, તેમના આવવાથી ખેડૂતને શી રીતે ફાયદો થશે એ સમજવું અઘરું છે. ધારો કે ખેડૂત અત્યારે દોઢ-બે રૂપિયે કિલોમાં માલ વચેટિયાઓને વેચતો હોય અને બજારમાં તે દસ રૂપિયે વેચાતો હોય, તો વિદેશી કંપનીઓ વચેટિયાઓ નાબૂદ કરીને એ જ માલ, ખેડૂત પાસેથી દોઢ-બે રૂપિયે કિલોના ભાવે જ નહીં ખરીદે? વચેટિયા નીકળી જવાને કારણે કંપનીઓ ખેડૂત પાસેથી ત્રણ-ચાર-પાંચ રૂપિયે કિલોના હિસાબે માલ ખરીદી લેશે, એવું માની લેવામાં ભોળપણ છે. જથ્થાબંધ ખરીદશક્તિ ધરાવતા સુપરસ્ટોર સસ્તા ભાવે ખરીદીને, ગ્રાહકોને માલ સસ્તો આપશે એવું સમીકરણ પણ અત્યાર સુધીના અનુભવે સાચું પડ્યું નથી.(દોઢ-બે રૂપિયે કિલોનો માલ બજારમાં દસ રૂપિયે વેચાતો હોય તો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા બહુ તો સાડા નવ કે નવ રૂપિયે કિલો વેચી શકે.)

સરકારી પ્રવક્તાઓ અને તરફદારો હોંશે હોંશે કહે છે કે ‘વિદેશી કંપનીઓ આવીને માળખાકીય સુવિધાઓ ઉભી કરશે. તેનાથી ઉત્પાદનમાં થતો બગાડ અટકશે.’ એ સાંભળીને થાય કે કોલ્ડ સ્ટોરેજ કે એગ્રો પ્રોસેસંિગ માટેની સુવિધાઓ ઉભી કરતાં સરકારને કે દેશી કંપનીઓને નથી આવડતું? અને આવડે છે, તો તેમને એ કેમ કરવું નથી? સરકારનું કૃષિ મંત્રાલય નાના ખેડૂતોના લાભાર્થે અને મોટા ખેડૂતો તેની પર કબજો જમાવી ન દે એ રીતે, આ સુવિધાઓ કેમ ઊભી કરી ન શકે?

રીટેલમાં વિદેશી મૂડીરોકાણ નિમિત્તે, ઝનૂની તરફેણ કે વિરોધને બદલે, દેશની વર્તમાન પરિસ્થિતિ શી છે, તેમાં શું ખૂટે છે અને શું થવું જોઇએ, તેની મુદ્દાસર ચર્ચા કરવાનો ઉત્તમ મોકો ઉભો થયો હતો. કૃષિમંત્રી શરદ પવાર શું ઉકાળી રહ્યા છે, કૃષિ મંત્રાલય નાના ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઇ શકે- એ ઉપરાંત સરકારની અત્યાર સુધીની નીતિઓની સફળતા-નિષ્ફળતા અને તેમાં જરૂરી પરિવર્તન- કોર્સ કરેક્શન-ની પણ આ તક હતી અને છે. એ દિશામાં સાર્થક ચર્ચા થાય અને પગલાં લેવાય, તો વિદેશી કંપનીઓ આવે કે ન આવે, દેશના ખેડૂતોનું હિત અવશ્ય સધાય. પરંતુ ખેડૂતોની વર્તમાન સ્થિતિમાં સરકારની ભૂમિકા વિશે ચૂપ રહીને, ખેડૂતોના ભવિષ્યને માત્ર ને માત્ર વિદેશી કંપનીઓના આગમનના સંદર્ભે ઉજ્જવળ કે અંધકારમય બતાવવું એ અર્થકારણ નથી, માત્ર ને માત્ર રાજકારણ છે.
- અને યાદ રહે, શાકભાજી-અનાજ રીટેલનો એક નાનો હિસ્સો છે. બાકીની ચીજવસ્તુઓનું શું?
(વઘુ આવતા સપ્તાહે)

Sunday, December 18, 2011

નખશીખ નખરાળી પાત્રસૃષ્ટિના સર્જક- કાર્ટૂનિસ્ટઃ મારિઓ મિરાન્ડા


કાર્ટૂનિસ્ટની ઓળખ કાર્ટૂન સિવાય બીજી શી રીતે આપી શકાય? આ સવાલનો જવાબ ડિસેમ્બર ૧૧, ૨૦૧૧ના રોજ ૮૫ વર્ષની વયે અવસાન પામેલા મારિઓ મિરાન્ડાની બાબતમાં અઘરો નથી. પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવાં સન્માનો ઉપરાંત, ‘દૂરદર્શન’યુગમાં રાષ્ટ્રિય એકતા સૂચવવા માટે બનેલી ફિલ્મ‘મિલે સૂર મેરા તુમ્હારા’માં ગોવાની વાત આવે ત્યારે ઉછળતા દરિયાની સાથે દરિયાકાંઠે મારિઓ મિરાન્ડાને ચિત્ર દોરતા બતાવાયા હતા.‘રેમન્ડ્‌સ’ની જાહેરખબરોના કેમ્પેઇનમાં, બે પાનાં ભરીને મારિઓનાં કાર્ટૂન અને જમણા ખૂણે નીચે સૂટ-ટાઇમાં સજ્જ મારિઓ મોડેલ તરીકે આવતા હતા. એ કેમ્પેઇનની લાઇન હતીઃ ‘યુ ડોન્ટ હેવ ટુ બી ઇન્ડિયાઝ વિટિએસ્ટ આર્ટિસ્ટ ટુ બી એ રેમન્ડ્‌ઝ મેન.’

રેમન્ડ્ઝ/Raymond'sની ડબલસ્પ્રેડ જાહેરાતઃ જમણી બાજુ નીચે સૂટધારી મારિઓ/
 Mario Mirandaનો  (ઉપર અલગથી મૂક્લો) ફોટો આવતો હતો.

ગોવામાં આવેલું મારિઓનું પ્રાચીન નિવાસસ્થાન પોતે એક મ્યુઝિયમ જેવું હતું. શ્યામ બેનેગલે તેમની ફિલ્મ ‘ત્રિકાલ’નું શૂટિંગ એ ઘરમાં કર્યું હતું.

કાર્ટૂનિસ્ટોએ સર્જેલા અમર પાત્રોમાં આર.કે.લક્ષ્મણનો ‘કોમનમેન’ કે એ જ પ્રકારના બીજાં, મૂક પ્રેક્ષક જેવાં ચરિત્રો ખાસ્સાં જાણીતાં છે. પણ મારિઓનાં એકલદોકલ નહીં, ચાર-પાંચ જુદાં જુદાં પાત્રો નામજોગ ફક્ત કાર્ટૂન થકી જાણીતાં બન્યાં હતાં: જમાનાના ખાધેલ નેતા ‘બંડલદાસ’ (નેતાનું તે વળી બીજું શું સામાન્ય નામ હોઇ શકે?), તેમનો વફાદાર સેક્રેટરી ‘મૂનસ્વામી’, નખરાળી અને બોલ્ડ ફિલ્મ અભિનેત્રી ‘મિસ રજની નિમ્બુપાની’(જેનાં કાર્ટૂન જોઇને ‘ડર્ટી પિક્ચર’ની વિદ્યા બાલનની યાદ તાજી થાય), ફિલ્મી પત્રકાર ‘જોન્ડિસ ડીમેલો’ (પીળું જોવા કુખ્યાત પત્રકારોનું પણ વળી બીજું કયું સામાન્ય નામ હોઇ શકે?), અભિનેતા બલરાજ બલરામ, કોર્પોરેટ ઓફિસના ટાલિયા, સૂટધારી, આધેડ વયના, મોમાં ચિરુટ ખોસેલા બોસ અને પોલ્કા ડોટવાળું મિનિસ્કર્ટ પહેરતી તેમની ચુલબુલી સેક્રેટરી મિસ ફોન્સેકા, ઓફિસનો કર્મચારી ગોડબોલે- આ સિવાય તેમનાં કાર્ટૂનમાં બેકગ્રાઉન્ડ તરીકે ફ્રેમમાં દેખાતા મુછ્‌છડ પૂર્વજો, ગાંધીજી જેવા નેતાઓ અને ખૂણેખાંચરે રહીને પણ સમગ્ર કાર્ટૂનની આબોહવામાં સમૃદ્ધિ ઉમેરતાં કાગડા, ચકલી,કૂતરા,બિલાડી, ગીધ જેવાં પશુ-પંખી...

મારિઓની પીંછીએ તેમની પાત્રસૃષ્ટિઃ (ડાબેથી) ઓફિસ સેક્રેટરી મિસ ફોન્સેકા/Miss Fonseca, નેતાનો સેક્રેટરી મૂનસ્વામી, નેતાજી બંડલદાસ/Bundaldass, અભિનેત્રી મિસ નિમ્બુપાની/Miss Nimbupani, ઓફિસના બોસ, તેમનો કર્મચારી ગોડબોલે અને મારિઓ/Mario પોતે- પશુપંખીઓની સૃષ્ટિ સહિત. (ઇલસ્ટ્રેટેડ વિકલી)
આ દરેક પર મારિઓ-શૈલીની એવી મુદ્રા અંકિત હોય કે નીચે મારિઓની સહી ન હોય તો પણ એ તરત ઓળખાઇ જાયઃ માણસ હોય કે પશુપંખી, પણ બે ગોળમટોળ આંખો, વચ્ચેથી નીકળતું લાંબું નાક એ મારિઓનાં કાર્ટૂનની પહેલી ઓળખ. કાર્ટૂનમાં ઝીણી વિગતોનો પાર નહીં. હાથ પરની રુંવાટીથી માંડીને પગનાં આંગળાં પરના નખ અથવા બૂટ હોય તો તેની આખી ડીઝાઇન દેખાતી હોય અને એ ઝીણવટ પણ એવી કે તેનો ભાર ન લાગે. બલ્કે, જેમ ઝીણવટમાં ઉતરીએ- તેમનાં કાર્ટૂન કે ડ્રોઇંગને ‘વાંચતા’ જઇએ, તેમ એની મસ્તી ચડતી જાય. મારિઓનું કાર્ટૂન કદી એક નજરે જોઇને બાજુ પર મૂકી ન શકાય.

મારિઓનાં કાર્ટૂન એટલે કેટલીક બાબતોમાં ભારતનું પ્રતિબિંબ. ભારતમાં છે અને હોઇ શકે, એટલી જ ભીડભાડથી તેમનાં કાર્ટૂન ઉભરાતાં હોય- અને છતાં ભારતના લોકોની જેમ મઝા કરતાં-કરાવતાં હોય. એક આખા પાનાના કાર્ટૂનમાં તે સો-સવા સો જુદા જુદા ચહેરા અને તેમની આગવી ખાસિયતો સહેજે બતાવી નાખે. એવું કાર્ટૂન પહેલી વાર જોતાં એ મુંબઇની લોકલ ટ્રેનના ડબ્બા જેવું લાગે, પણ તેમાં (કાર્ટૂનમાં) દાખલ થયા પછી ભારતીય મેળામાં ફરવા નીકળ્યા હોઇએ એવો જલસો પડે. મારિઓનાં કાર્ટૂન એટલે મુંબઇનું પચરંગીપણું, ગોવા સાથે સંકળાયેલી મસ્તી-બોલ્ડનેસ અને ભારતના વૈવિઘ્યનો સમન્વય.
Mario's Mumbai- યે હે બમ્બઇ મેરી જાન
તેમનાં ઘણાં કાર્ટૂનમાં બે-ત્રણ વાક્યો જેટલું (કાર્ટૂનના હિસાબે લાંબું ગણાય એવું) લખાણ હોય. છ-આઠ ટુકડા ધરાવતી કાર્ટૂનપટ્ટીના દરેક ટુકડામાં આટલું લખાણ હોય તો ‘બહુ વાંચવાનું છે’ એવું લાગી શકે, પણ વાંચ્યા પછી ભાગ્યે જ નિરાશ થવાય. મારિઓએ રાજકીય કાર્ટૂન પણ કર્યાં છે. છતાં તેમની વધારે પ્રતિષ્ઠા ધારદાર વ્યંગકાર તરીકેની નહીં, પણ હળવી મસ્તી રેલાવનાર તરીકેની. રાજકીય કાર્ટૂનમાં પણ સાથેનું કેરિકેચર-ઠઠ્ઠાચિત્ર પણ એવું અહિંસક હોય કે જોનારને ડંખ લાગવાને બદલે મઝા આવે. તેમનાં કાર્ટૂનમાં સ્ત્રીપાત્રોના વળાંકો અપ્રમાણસર ઉપસેલા હોય, પણ આખા કાર્ટૂનની આબોહવામાં તે અસભ્ય કે દોરનારની અતૃપ્તિ સૂચવતા નહીં, ફક્ત તોફાની જ લાગે.

પીંછીથી તોફાન કરવાનો સિલસિલો મારિઓએ સ્કૂલકાળથી જ શરૂ કરી દીધો હતો. પોર્ટુગીઝ તાબાના દમણમાં ૧૯૨૬માં જન્મેલા મારિઓ શાળાના અભ્યાસ દરમિયાન બેંગ્લોર, ગોવા અને મુંબઇમાં સ્કૂલના શિક્ષકોથી માંડીને પોતાની આસપાસનાં પાત્રો અને વાતાવરણના સ્કેચ નોટબુકમાં બનાવતા હતા. મુંબઇમાં કોલેજનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં તેમણે ફ્રી લાન્સ કાર્ટૂનિસ્ટ તરીકે કામ શરૂ કરી દીઘું. ૧૯૫૯માં યુરોપ ગયા. લંડનમાં થોડાં વર્ષ ગાળ્યાં અને ભારત પાછા ફરીને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જૂથમાં જોડાયા. તેનાં દૈનિક અખબાર ઉપરાંત ‘ફિલ્મફેર’, ‘ફેમિના’ અને ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ જેવાં પ્રકાશનોને કારણે મારિઓની કાર્ટૂનસૃષ્ટિમાં ફિલ્મીદુનિયાથી રાજકારણ લગીના તમામ પ્રવાહો સામેલ થયા. સાઠ-સિત્તેરના દાયકામાં એ પ્રકાશનોમાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે મારિઓનાં કાર્ટૂન ઉપરાંત રેખાંકન પણ છપાતાં હતાં. કાર્ટૂનની સરખામણીએ તેના વિષય ગંભીર હોવા છતાં, તેના લસરકા, વળાંક અને ઝીણવટને કારણે ‘આ તો મારિઓનું’ એવી તરત જ બત્તી થઇ જાય.

મારિઓની સૌથી વ્યાપક ખ્યાતિ મુંબઇ-ગોવાના રંગબેરંગી મિજાજના આલેખનકાર તરીકેની થઇ. મુંબઇ-ગોવાના લોકજીવનનું મારિઓએ કરેલું વિગતવાર, વિપુલ જથ્થામાં અને ઊંચી ગુણવત્તાવાળું કામ અજોડ છે. પરંતુ મારિઓ કોઇ એક વિષયમાં બંધાઇ રહે એવા ન હતા. વિદેશપ્રવાસો દરમિયાન તેમણે ન્યૂયોર્ક અને પેરિસ જેવાં શહેરોમાં ત્યાંના જીવનને પણ એટલી જ રંગીનીથી ઝીલ્યું.‘મેડ’ અને ‘પંચ’ જેવાં ખ્યાતનામ હાસ્યસામયિકોમાં તેમનાં ચિત્રો છપાયાં. વિદેશોમાં તેમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શન થયાં. દેશમાં તેમણે પ્રકાશનોમાં કાર્ટૂન અને ચિત્રો કર્યાં.


 એ સિવાય કંપનીઓના એન્યુઅલ રીપોર્ટનાં મુખપૃષ્ઠથી રેસ્ટોરાંની દીવાલ સુધીની ‘જડ’ ચીજો મારિઓનાં આલેખનોથી શોભીતી અને જીવતી બની. ઔદ્યોગિક કંપનીઓ માટેનાં સેફ્‌ટી કેલેન્ડર હોય કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે બનાવેલાં કેલેન્ડર, ગમે તેટલા શુષ્ક વિષયોને રસ પડે એવાં બનાવી દેવાનું કામ મારિઓનાં ચિત્રોનું. દસ્તાવેજીકરણનાં ઘણાં પુસ્તકોમાં લખાણની સાથે મારિઓનાં ડ્રોઇંગ મૂકાયાં. મારિઓથી બે પેઢી નાના કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિઆએ નોંઘ્યા પ્રમાણે, મુંબઇમાં તેમનાં પાઠયપુસ્તકોનાં ચિત્રો પણ મારિઓ પાસે કરાવવામાં આવ્યાં હતાં. બ્રિજકુલ દીપક નામના એક કળાકારે મારિઓનાં બંડલદાસ જેવાં પાત્રો પરથી આબેહૂબ કપડાના ઢીંગલા (ક્લોથ સ્કલ્પ્ચર) બનાવીને તેનું પ્રદર્શન યોજ્યું હતું. જૂજ કાર્ટૂનિસ્ટના કામનો વ્યાપ આટલો બહોળો હશે.

દાયકાઓ દરમિયાન મારિઓનાં અઢળક ચિત્રોમાંથી થોડાં પુસ્તક થયાં હતાં, પણ તેમના કળાજીવનના અર્ક સમાન ગણી શકાય એવું ૨૮૪ પાનાંનું પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’ ખુદ મારિઓ સહિત બીજા બે જણે સંપાદિત કર્યું. તેમાં મારિઓનાં સેંકડો ચિત્રો સમાવી લેવાયાં છે. આ ઉપરાંત તેમની સત્તાવાર વેબસાઇટ mariodemiranda.com પર પણ તેમનાં કાર્ટૂન અને ચિત્રોની પ્રિન્ટ્‌સ મળે છે. ગેરાર્ડ દાકુન્હા જેવા મિત્રના પ્રયાસોને કારણે પંજીમથી સાત કિલોમીટર દૂર આવેલી ‘મારિઓ ગેલેરી’ પણ ઉભી થઇ છે, જ્યાં તેમનાં ચિત્રો પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. જીવતેજીવ અઢળક લોકચાહના અને આદરમાન મેળવનાર મારિઓનું નવું કામ છેલ્લા ઘણા વખતથી જોવા મળતું ન હતું. તેમનાં પત્ની-ભૂતપૂર્વ એર હોસ્ટેસ હબીબાના નિવેદન પ્રમાણે, થોડા વખતથી મારિઓની તબિયત નરમગરમ રહેતી હતી. પરંતુ મારિઓએ તેમનાં સક્રિય વર્ષોમાં જેટલું અને જે પ્રકારનું કામ કર્યું છે, તે વર્તમાન અને આવનારી પેઢીઓને મુગ્ધ કરવા માટે પૂરતું છે.

Friday, December 16, 2011

ઇન્ટરનેટ સેન્સરશીપ: કોંગ્રેસી નેતાઓની સમુહચર્ચા

માહિતી-પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલે ગયા અઠવાડિયે ઇન્ટરનેટ પર મુકાતી સામગ્રીમાં દેખરેખ અને કાપકૂપની વાત કરી છે. અંગ્રેજીમાં એને સેન્સરશીપ કહેવાય. આ નિર્ણય લેતાં પહેલાં યુપીએના નેતાઓની એક બેઠક મળી હોત, તો તેમાં કેવી ચર્ચાઓ થઇ હોત?
***
કપિલ સિબ્બલ (કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી માગતી નજરે સોનિયા ગાંધી સામે જોઇને): આજે આપણે એક અગત્યના નિર્ણય માટે ભેગા મળ્યા છીએ.

ચિદમ્બરમ્‌: જો એ નિર્ણય પ્રણવ મુખર્જીએ લીધેલો હોય તો હું અત્યારથી તેની સામે મારો વાંધો નોંધાવું છું.

મમતા બેનરજીઃ અમારી પાર્ટી ધમકી આપવાને બદલે યુપીએ સરકારમાંથી ખરેખર ખસી જાય તો શું કરવું, એની ચિંતા કરતા હો તો છોડી દેજો. અમે ૨૦૧૪ સુધી તમને છોડીને ક્યાંય જવાનાં નથી.

રાહુલ ગાંધીઃ માયાવતી સામે સીબીઆઇની તપાસ ક્યારથી ચાલુ કરાવવી એનો નિર્ણય લેવાનો છે?

દિગ્વિજયસિંઘઃ અન્નાના ઉપવાસનો વિચાર કરીને મગજ બગાડવાની જરૂર નથી. એમના માટે મેં નવાં વિશેષણ તૈયાર રાખ્યાં છે. એક નમૂનો આપું? ‘આઇ.એસ.આઇ.ના એજન્ટ’ - કારણ કે પાકિસ્તાનમાં પણ એમને બોલાવનારા છે. કેવું લાગ્યું?

(સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે કડક નજરે જુએ છે. મનમોહનસિંઘઘ દયામણી નજરે સિબ્બલ સામે જુએ છે. એટલે સિબ્બલ વાત આગળ વધારે છે.)

સિબ્બલઃ ના, હું જે કહેવાનો છું તેના પ્રત્યાઘાત વધારે ઘેરા પડે એમ છે.

પ્રણવ મુખર્જીઃ વર્ષો પહેલાં ઇન્દિરાજીએ આવી જ રીતે એક બેઠક બોલાવી હતી. એ બેઠકમાંથી અમે ઘેર ગયા અને બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે દેશમાં કટોકટી જાહેર થઇ છે. ત્યારથી આવું બઘું સાંભળીને મારા પેટમાં ફાળ પડે છે.

રાહુલ ગાંધીઃ પણ મને તો એવો ખ્યાલ છે કે કટોકટીને આપણા પક્ષે બંધારણીય દરજ્જો આપેલો...

(સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ગાંધી દિગ્વિજયસિંઘ સામે જોઇને પછી સોનિયા ગાંધી સામે પ્રશ્નસૂચક નજરે જુએ છે. જાણે કહેતા હોય,‘દિગ્વિજયસિંઘે મને આવું જ શીખવ્યું છે. એમાં કંઇ ગરબડ છે?’)

ઓમર અબ્દુલ્લા (સમવયસ્કની મજાક કરવાના અંદાજમાં): તમે ક્યાં સુધી યુવાન રહેશો રાહુલ? આપણાં લગ્ન ન થાય, ત્યાં સુધી લોકો આપણને યુવાન જ ગણ્યા કરશે, એવી ગેરસમજણમાં ન રહેતા ને એ આશાએ અપરણીત પણ ન રહેતા. પરણીએ કે ન પરણીએ, ક્યારેક તો મોટા થવું પડે.

સિબ્બલઃ રાહુલબાબાનું લગ્ન ચોક્કસપણે રાષ્ટ્રહિતનો ગંભીર મુદ્દો છે, પણ આજે આપણી મિટિંગનો વિષય જુદો છે. તમે બધા ફેસબુક-ટ્‌વીટર-ગુગલ-યાહુ એ બધા વિશે જાણતા હશો..તમારામાંથી કેટલા લોકોનાં ફેસબુક કે ટ્‌વીટર પર એકાઉન્ટ છે?

(શાંતિ છવાઇ જાય છે. રાહુલ ગાંધી ચૂપકીદી તોડે છે.)

રાહુલઃ ટિ્‌વટર-ફેસબુક સ્વિત્ઝર્લેન્ડની બેન્કોનાં નામ નથી કે તેમાં ખાતું હોય એમણે ગભરાવું પડે. બોલો..કહી દો.. (સિબ્બલ સામે જોઇને) ટિ્‌વટરના એકાઉન્ટને કારણે શશિ થરૂરની જે દશા થઇ, એ જોયા પછી આપણા નેતાઓ એ વિશે વાત કરતાં ગભરાય છે.

પ્રણવ મુખર્જીઃ અમે ફેસબુક-ટિ્‌વટર કરીએ તો પછી છાશવારે નીકળતા કૌભાંડો અને ભ્રષ્ટાચારના આરોપોમાં બચાવ કોણ તૈયાર કરે? (ચિદમ્બરમ્‌ સામે જોઇને) કરનારા તો કૌભાંડો કરીને ખાતું બદલી નાખે છે ને પછી જવાબો અમારે આપવાના થાય છે.

સિબ્બલઃ મેં તો અમસ્તું વાતની ભૂમિકા બાંધવા પૂછ્‌યું. આ જમાનામાં ટિ્‌વટર-ફેસબુક-ગુગલ વિશે બધા જાણતા જ હોય...

રાહુલ ગાંધીઃ પણ એનું અત્યારે શું છે? યુવા કોંગ્રેસના નવા સભ્યોની નોંધણી ફેસબુક પર કરવાની છે? મને નથી લાગતું કે એ આઇડીયા બહુ ચાલે. હું આ દેશમાં ફર્યો છું, મેં જાતે ગામડાં જોયાં છે, દલિતોની ઝૂંપડીમાં જઇને ભોજન કર્યું છે. આપણા દેશના લાખો ગરીબો-દલિતો પાસે દિવસમાં એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય, ત્યારે ફેસબુક આધારીત સભ્યપદને આટલું મહત્ત્વ શી રીતે આપી શકાય?

દિગ્વિજયસિંઘ (‘જોયું? આને કહેવાય તાલીમ’ના અંદાજમાં): વાહ, તમારા મનમાં આમઆદમીની કેટલી ચિંતા છે. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી કોંગ્રેસનું ભવિષ્ય સુરક્ષિત છે.

સિબ્બલઃ ખરી વાત છે, પણ આપણે આજે વર્તમાનની વાત કરવાની છે. મને જાણવા મળ્યું છે કે ફેસબુક પર લોકો આપણને બધાને બહુ ભાંડે છે, આપણા ગમે તેવા ફોટા મૂકે છે, આપણે ઝૂડવાની એકેય તક જતી કરતા નથી, આપણાં ગમે તેવાં મોઢાં ચિતરે છે, ગમે તેનાં મોઢાં આપણા ધડ ઉપર બેસાડી દે છે... આ બધી અત્યાર સુધી ખબર હતી, પણ હમણાં મેં જે જોયું, તે જોઇને મને થયું કે મારી આંખો કેમ ન ફૂટી ગઇ?

મમતા બેનરજીઃ હા, એ વાત ખરી. માહિતી-પ્રસારણ મંત્રીની આંખો સાજીસમી હોય, તો પછી પોતાની સરકાર હોવાનો શો અર્થ?

સિબ્બલઃ ના, વાત એવી છે કે લોકો હવે ડોક્ટરસાહેબના (વડાપ્રધાનના) અને મેડમના (સોનિયા ગાંધીના) ફોટા સાથે પણ ચેડાં કરવા લાગ્યા છે. એ જોઇને મારું લોહી ઉકળી ઉઠ્યું. ગુસ્સાની અને નિઃસહાયતાની લાગણી મને ઘેરી વળી. થયું કે લેપટોપ માર્ગ આપે તો સમાઇ જાઉં. હું આટલું અટકાવી શકતો ન હોઉં તો માહિતી-પ્રસારણ મંત્રી તરીકે મારી નિષ્ફળતા કહેવાય.

મમતા બેનરજીઃ ખરી વાત છે. અમારા પક્ષના એક જણને હજુ કેબિનેટમાં લેવાના બાકી જ છે. તમે કહેતા હો તો તમારી જગ્યાએ...

સિબ્બલઃ તમારી લાગણીની હું કદર કરું છું, પણ હું બીજું કંઇક કહેવા માગું છું. મને લાગે છે કે આપણે ફેસબુક-ટ્‌વીટર જેવા કકળાટ પર પ્રતિબંધ ફટકારી દઇએ તો કેવું રહે? (બોલીને સોનિયા ગાંધી તરફ જુએ છે- જાણે પૂછતા હોય, ‘બરાબર બોલાયું ને?’)

દિગ્વિજયસિંઘઃ અદ્‌ભૂત વિચાર છે. તમારો નથી લાગતો.

ચિદમ્બરમ્‌: સારો વિચાર છે, પણ આ જાહેરાત માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા થશે તો તેનો અવળો અર્થ નીકળશે. લોકો ‘કટોકટી’ અને ‘સેન્સરશીપ’ જેવા શબ્દો લઇને વિરોધ કરવા મચી પડશે. હકીકતે, આ જાહેરાત ગરીબીનાબૂદીકાર્યક્રમના ભાગ રૂપે થવી જોઇએ.

રાહુલ ગાંધીઃ હું સમજી ગયો. લાખો લોકોને એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય ત્યારે ફેસબુક-ટ્‌વીટરની સેવાઓ પર પ્રતિબંધ મૂકી દઇએ તો પછી બધા સરખાઃ જેની પાસે કમ્પ્યુટર-મોબાઇલ હોય તે પણ ફેસબુક-વંચિત અને એ સુવિધા ન હોય તે પણ ફેસબુક-વંચિત. આને કહેવાય અસલી સમાનતા અને સમાજવાદ. દાદીમાને આ સમાજવાદનાં પ્રણેતા તરીકે નોબેલ શાંતિ પારિતોષિક અથવા અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક કેમ ન મળ્યું, એની મને નવાઇ લાગે છે.

દિગ્વિજયસિંઘઃ એમાં જીવ બાળવો નહીં. એમણે ગાંધીજીને પણ નોબેલ પારિતોષિકથી વંચિત રાખ્યા હતા. એમાં ખરાબ કોનું દેખાયું? આપણું કે એમનું?

મમતા બેનરજીઃ એક મિનીટ, આ બધી શાની વાતો ચાલી રહી છે? ફેસબુક-ટ્‌વીટર બંગાળમાં કારખાનું ખોલવાનાં હોય તો એની પરના પ્રતિબંધને મારો ટેકો છે, પણ એવું ન હોય તો અમારે વિચારવું પડે.

(સોનિયા ગાંધી પ્રણવ મુખર્જી સામે જુએ છે.)

પ્રણવ મુખર્જી (પરાણે હસતાં) : કેમ નહીં! વિચારવું એ તમારો અધિકાર છે ને ગણકારવું નહીં એ અમારો વિશેષાધિકાર. જુઓ વાતવાતમાં યાદ આવ્યું. આ મિટિંગ પૂરી થાય પછી આપણે બેસીને બંગાળ માટેના પેકેજની ચર્ચા કરવાની છે.

શરદ પવારઃ હું આ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરું છું. પેલો હરવિન્દર ગમે ત્યારે તો હોસ્પિટલમાંથી બહાર આવશે. પછી હું શું કરું?

ચિદમ્બરમ્‌: તમે ચિંતા ન કરતા. તમને ટ્રીપલ ઝેડ સુરક્ષા આપીશું ને તમારી ઓફિસના પંખા પણ બદલી નાખીશું જેથી તમે બેઠા હો ત્યાં પંખા પડે નહીં. પણ તમારે યુપીએની એકતા દર્શાવવા ખાતર આ દરખાસ્ત માનવી પડશે.

શરદ પવારઃ સારું, પણ તમે સાવ પ્રતિબંધ મૂકી દેવાની વાત ન કરશો.

મમતા બેનરજીઃ હું પણ એ જ વિચારતી હતી. અત્યારે ફક્ત વાંધાજનક સામગ્રી પર અંકુશ મૂકવાનો ઇરાદો જાહેર કરો.

રાહુલ ગાંધીઃ ખરી વાત છે. એવું નહીં કરીએ તો, માયાવતી આખા ઉત્તર પ્રદેશના દરેક આંબેડકર પાર્ક ને દરેક કાંશીરામ સ્મારકમાં ફેસબુક-ટિ્‌વટરનાં મફત કેન્દ્રો ખોલશે ને આપણા પ્રતિબંધની સાથે આપણા પક્ષના પણ ભૂંડા હાલ થશે.

દિગ્વિજયસિંઘ: તમારી રાજકીય પુખ્તતા જોઇને મને લાગે છે કે આ વખતે ઉત્તર પ્રદેશ આપણા હાથમાં આવ્યું સમજો.

(સોનિયા ગાંધીના ચહેરા પર આછા સ્મિતનો આભાસ થાય છે. એ સાથે જ મિટિંગ બરખાસ્ત, કલ્પનાની હદ પૂરી અને વાસ્તવિકતાનો પ્રદેશ શરૂ થઇ જાય છે. કપિલ સિબ્બલ કહે છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર મુકાતી વાંધાજનક, સરકારવિરોધી સામગ્રી વિશે કંપનીઓ પોતે ઘ્યાન નહીં રાખે તો પછી સરકારે ઘ્યાન રાખવું પડશે.)

Thursday, December 15, 2011

‘લાઇફ’ની સામગ્રીઃ હરીફોને આઘાતના અને વાચકોને આશ્ચર્યના આંચકા

‘જે કોઇ ન કરે, તે ‘લાઇફ’ કરી શકે’- એવી ખ્યાતિ ધરાવતું તસવીરપ્રધાન સાપ્તાહિક ‘લાઇફ’ પત્રકારત્વ કરતાં પણ વધારે ફોટોગ્રાફીના મામલે અવ્વલ ગણાતું હતું. છતાં, અમેરિકાના પ્રમુખ જોન કેનેડીની હત્યા વખતે ફક્ત બે જ દિવસમાં, દૈનિક અખબારો જે ન કરી શક્યાં, તે એક અઠવાડિક તરીકે તેણે કરી બતાવ્યું.

નવા અંક આડે ફક્ત બે જ દિવસનો સમય હતો. કેનેડીની હત્યાના સમાચાર આવ્યા ત્યારે અઠવાડિયે ૭૦ લાખ નકલો છાપતા-વેચતા આ સામયિકની બે લાખ નકલો પ્રેસમાં છપાઇ ચૂકી હતી. તેને રદબાતલ કરીને નવેસરથી અંક તૈયાર કરવાનું નક્કી થયું. તેના પત્રકારોની એક ટુકડી હત્યાના સ્થળે દલાસ પહોંચી અને આશ્ચર્યજનક રીતે કેનેડીની હત્યાની ક્ષણોની ૭ સેકન્ડની ફિલ્મનો પતો તેમને મળ્યો. બીજા પત્રકારો હાથ ઘસતા રહી ગયા અને ‘લાઇફ’ના પત્રકારો એ ફિલ્મ ૫૦ હજાર ડોલરની કિમંતે ખરીદીની નીકળી ગયા.

અણધાર્યો જેકપોટઃ
હત્યારાની પત્ની અને માતા
પત્રકારોની બીજી ટીમ કેનેડીના હત્યારા લી ઓસ્વાલ્ડ હાર્વેના સગડ સુંઘતી એ ઠેકાણે પહોંચી, જ્યાં આશા હતી ઓસ્વાલ્ડના કોઇ મિત્ર મળે એવી, પણ મળી ગયું તેનું આખું પરિવારઃ માતા, રશિયન પત્ની અને તેમનાં બે બાળકો. ઓસ્વાલ્ડની માતાએ વાતચીત કરવાના બે-અઢી હજાર ડોલર માગ્યા. ‘લાઇફ’ની હેડઓફિસે પ્રમુખના હત્યારાના કુટુંબને કોઇ પણ રીતે આર્થિક મદદ આપવાનો સાફ ઇન્કાર કર્યો. નૈતિકતા ઉપરાંત ખાસ્સો ડર, એ હકીકત જાહેર થાય તો કેવી બદનામી થાય એ પણ ખરો.

મૂંઝાયેલા ‘લાઇફ’ના પત્રકારોએ થોમસન અને ગ્રાન્ટને ખરી ચિંતા બીજા કોઇ પત્રકારો હત્યારાના પરિવાર સુધી પહોંચી જાય અને પોતાની ‘એક્સક્લુઝિવ સ્ટોરી’ બીજા કોઇને મળી એની બીક હતી. તેમણે રસ્તો કાઢ્‌યો. ઓસ્વાલ્ડની માતાને અંધારામાં રાખીને કહ્યું કે ‘રકમ માટે હજુ બીજી વાર હેડઓફિસ સાથે વાત કરવી પડશે. પણ તમારો દીકરો ઓસ્વાલ્ડ દલાસની જેલમાં છે. તમે અમારી સાથે દલાસ આવો. હોટેલ પર રહો. ત્યાંથી અમે તમને ઓસ્વાલ્ડને મળવા લઇ જઇએ.’

આ દરખાસ્તથી તત્કાળ નાણાં આપવાની વાત ટળી ગઇ. ઓસ્વાલ્ડની માતા તૈયાર થઇ ગઇ, પણ તેની પત્ની રાત્રે ને રાત્રે બાળકો સાથે નીકળવા તૈયાર ન હતી. કચવાતા મને અને ઉચ્ચક જીવે બન્ને પત્રકારોએ ઘરથી થોડે દૂર પાર્ક કરેલી કારમાં રાત વીતાવી. એ અનુભવ વિશે થોમસને પછીથી લખ્યું હતું, ‘ઠંડીની આખી રાત અમે ગાડીમાં વાસી પીનટ કેન્ડી ખાઇને અને પાડોશીની ચકલીમાંથી પાણી પીને વીતાવી. એ વખતે કોઇ પણ માણસ હાથમાં પેડ કે કેમેરા લઇને ત્યાં દેખાયો હોત તો ઓસ્વાલ્ડ પરિવાર સુધી પહોંચવા દેવાને બદલે મેં એને ત્યાં જ બાંધી દીધો હોત.

એમ કરતાં ભળભાંખળું થયું - ન થયું ત્યાં બન્ને પત્રકારો ઓસ્વાલ્ડ પરિવારને લઇને ઉપડ્યા દલાસમાં પોતાની હોટેલ પર. રસ્તામાં ઓસ્વાલ્ડનાં બાળકો માટે ઢગલાબંધ ડાઇપર પણ નાખી લીધાં. એ લોકો હોટેલે પહોંચ્યાં ત્યાં સુધી ‘લાઇફ’ની દલાસની પ્રતિનિધિએ રશિયન જાણતા એક માણસની વ્યવસ્થા ગોઠવી દીધી હતી, જેથી ઓસ્વાલ્ડની રશિયન પત્ની સાથે વિગતે વાત થઇ શકે. હોટેલમાં કોઇની નજર ન પડે એટલા માટે ‘મહેમાનો’ને માલસામાનની લિફ્‌ટમાં ઉપર લઇ જવામાં આવ્યા. રૂમમાં પહોંચ્યા પછી સાસુ-વહુના સતત ચાલતા ઝઘડા અને છોકરાંનાં નિત્યક્રમો વચ્ચે ‘લાઇફ’ના બન્ને પત્રકારોએ શક્ય એટલા સવાલો પૂછ્‌યા ને માહિતી મેળવી. તેમનું ચાલે તો એ કલાકો સુધી વાતો કર્યે રાખે, પણ એટલામાં તેમની રૂમના દરવાજે ટકોરા પડ્યા.

‘કોણ?’ થોમસને પૂછ્‌યું.

‘એફ.બી.આઇ.’ સત્તાવાર અવાજમાં જવાબ મળ્યો. ‘અંદર કોણ છે તેની અમને ખબર છે. દરવાજો ખોલો.’

થોમસન ઘડીભર ખચકાયો. તેમણે મહામહેનતે મેળવેલો ‘સ્કૂપ’ હવે જાહેર થઇ જશે? પણ દરવાજા પર ઠક ઠક ચાલુ રહી.

થોમસને છેલ્લા પ્રયાસ તરીકે કહ્યું,‘તમારી કંઇ ભૂલ થતી લાગે છે.’

એ સાંભળીને એફબીઆઇના એજન્ટે દરવાજાની ફાટમાંથી પોતાનું ઓળખપત્ર અંદર સરકાવ્યું. હવે ખોલ્યા વિના છૂટકો ન હતો. નિઃસાસો નાખીને થોમસને દરવાજો ખોલ્યો. ફટાફટ એફ.બી.આઇ.ના એજન્ટ આવીને ઓસ્વાલ્ડ પરિવારને પોતાની સાથે લઇ ગયા. થોમસન અને ગ્રાન્ટનો જીવ બળી ગયો, પણ એજન્ટોના ગયા પછી તેમને વિચાર આવ્યોઃ ‘જે થયું તે સારું જ થયું. ઓસ્વાલ્ડનો પરિવાર હવે સરકારના કબજામાં છે. એટલે બીજો કોઇ પત્રકાર તેમને મળી નહીં શકે. આપણો રીપોર્ટ હવે એક્સક્લુઝિવ રહે- બીજા કોઇને ન મળે, તેનું ઘ્યાન સરકાર રાખશે.’ એ આશ્વાસન સાથે તે મળેલી માહિતીના આધારે ફટાફટ અહેવાલ લખવા બેસી ગયા.

એક સાથે અનેક મોરચે કામ કરીને બે દિવસથી પણ ઓછા સમયમાં ‘લાઇફ’ના નવા અંકમાં બે-પાંચ નહીં, પણ પૂરાં સાડત્રીસ નવાં પાનાં તૈયાર કરવામાં આવ્યાં. તેમાં કેનેડીની હત્યાની તસવીરો અને ઓસ્વાલ્ડ પરિવારની મુલાકાતો જેવી સામગ્રી વિશે દુનિયાને પહેલી વાર ‘લાઇફ’ થકી જાણ થવાની હતી.

પરંતુ રોમાંચગાથા હજુ પૂરી થઇ ન હતી. અંક પ્રેસ પર જાય તે પહેલાં ‘લાઇફ’ના શિકાગો બ્યુરોના વડાએ સમાચાર આપ્યા કે હત્યારા ઓસ્વાલ્ડની હત્યા થઇ છે અને તેના હત્યારાની તસવીર બજારમાં ફરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝના રેકોર્ડ પર રેકોર્ડ બ્રેક થઇ રહ્યા હતા. બીજી તરફ, લાખો નકલો છાપવાનો તકાદો. છતાં ‘લાઇફ’ની ટીમે છેલ્લી ઘડી સુધી, શક્ય એટલા ફેરફાર સમાવવાનું નક્કી કર્યું હતું. એટલે ઓસ્વાલ્ડના લેખના ગોઠવાઇ ગયેલા લે-આઉટમાંથી તેની સાદી તસવીરની જગ્યાએ, તેની પર ગોળીબાર થયો એ વખતની તસવીર મૂકવામાં આવી. ઓસ્વાલ્ડ વિશે થોમસનના લેખનું મથાળું હતું, ‘અસેસીનઃ ધ મેન હેલ્ડ ફોર મર્ડર’. એમાં થોડો ફેરફાર કરીને ‘ધ મેન હેલ્ડ- એન્ડ કિલ્ડ- ફોર મર્ડર’ લખવામાં આવ્યું. લેખની શરૂઆતના ફકરામાં ઓસ્વાલ્ડની હત્યાના સમાચાર મૂકી દેવાયા. લગભગ ૯૫ ટકા નકલો એ ફેરફાર સાથે છપાઇ.

ટીવી યુગની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં, ‘લાઇફ’ પોતાની વિશિષ્ટતાના જોરે બાકીનાં પ્રસાર માઘ્યમો અને હરીફોને હંફાવી રહ્યું હતું. અલબત્ત, એ આથમણા સૂરજનો અજવાસ હતો.

કેનેડીની હત્યાના ત્રીજા દિવસે બજારમાં આવેલા ‘લાઇફ’ના અંક માટે સ્ટોલ પર લાઇનો લાગી. ઘણા ગ્રાહકોએ પોતાની નકલો બારોબાર ચોરાઇ ગયાની ફરિયાદો કરી. અંક તેની છાપેલી કિંમત કરતાં ચાર ગણી કિંમતે વેચાયાના અહેવાલ પણ આવ્યા. આ અંક પછીના અંકને પણ એવો જ પ્રતિસાદ મળ્યો. આ બન્ને અંકની સામગ્રી ભેગી કરીને તરત ને તરત ૮૪ પાનાંનો ખાસ અંક તૈયાર કરવામાં આવ્યો. એ વખતે વધારાની મૂંઝવણ ઊભી થઇ. અગાઉ બ્લેક એન્ડ વ્હાઇટમાં છપાયેલી કેનેડીની હત્યાની ફિલ્મની કેટલીક તસવીરો આ અંકમાં રંગીન અને મોટા કદમાં છપાવાની હતી. તેમાંની એક તસવીરમાં ગોળી વાગતાં કેનેડીના માથામાંથી ઉડતો લોહીનો નાનો ફુવારો સ્પષ્ટ જોઇ શકાતો હતો. કેનેડીની હત્યાના અહેવાલો મેળવવાની કામગીરી સાથે સંકળાયેલા મોટા ભાગના પત્રકારો માનતા હતા કે આ તસવીર વાપરવી જોઇએ, પરંતુ આર્ટ ડાયરેક્ટર અને તેમના સહાયકે તીવ્ર વિરોધ કર્યો. આખરે, સુરુચિનો ભંગ કરી શકે એવી આ તસવીર સિવાય અંક છપાયો. આ અંકનું ગાંભીર્ય જાળવવા માટે તેમાં એક પણ જાહેરખબર લેવામાં આવી નહીં. પચાસ સેન્ટની કિંમતના અંકની પહેલી વાર છાપેલી ૧૫ લાખ નકલો જોતજોતાંમાં ખપી ગઇ. ત્યાર પછી ત્રણ વાર તેનું પુનઃમુદ્રણ કરવું પડ્યું. એ અંકની કુલ ત્રીસેક લાખ નકલોના વેચાણમાંથી થયેલી એકાદ લાખ ડોલરની આવક કેનેડી મેમોરિયલ લાયબ્રેરીમાં આપવામાં આવી.

મહત્ત્વના પ્રસંગોએ ખાસ અહેવાલો ‘લાઇફ’ની ખાસિયત બની ગયા હતા. એ મેળવવા માટે સામયિક ખર્ચની પરવા કરતું નહીં. ‘લાઇફ’નો દબદબો પણ એવો હતો કે ભલભલા મહાનુભાવો તેના માટે લખવાનું પસંદ કરતા. વિન્સ્ટન્ટ ચર્ચિલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, પોતાનાં યુદ્ધકાળનાં સંભારણમાં પાંચ વર્ષ સુધી ‘લાઇફ’નાં પાનાં પર હપ્તાવાર આલેખ્યાં હતાં. આ લખાણો બદલ ચર્ચિલને ૧૦ લાખ ડોલર ચૂકવાયા હતા. અર્નેસ્ટ હેમિંગ્વેની વિશ્વવિખ્યાત થનારી કૃતિ ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ પહેલી વાર ‘લાઇફ’ના સપ્ટેમ્બર ૧, ૧૯૫૨ના અંકમાં, મોટાં કદનાં ૩૭ પાનાંમાં પ્રકાશિત થઇ .


બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, ‘લાઇફ’ના તંત્રીને રશિયાના સરમુખત્યાર સ્તાલિન વિશે એક લેખ જોઇતો હતો. સ્તાલિનના ભૂતપૂર્વ સાથી અને પછીથી કટ્ટર વિરોધી બનેલા નેતા ટ્રોટ્‌સ્કી પાસે એ લેખ લખાવવાનું નક્કી થયું. ટ્રોટ્‌સ્કીએ ફોન પર સીધો જ સવાલ પૂછ્‌યો, ‘હાઉ મચ?’ (કેટલા મળશે?) જવાબ મળ્યો, ‘૧૫૦૦ ડોલર.’ (૧૯૩૯માં). ટ્રોટ્‌સ્કીએ લેખ લખી દીધો. ૧૯૫૯માં અમેરિકાએ સમાનવ અવકાશયાત્રાની તૈયારી તરીકે સાત પાયલટને સંભવિત અવકાશયાત્રી તરીકે પસંદ કર્યા, ત્યારે ખાસ્સી ખેંચતાણ પછી પાંચ લાખ ડોલરમાં ‘લાઇફ’ આ સ્ટોરીના હકો મેળવવામાં સફળ રહ્યું. આગામી દસ વર્ષ સુધી અવકાશયાત્રીઓની પસંદગીપ્રક્રિયાથી માંડીને તેમના પરિવારજનોની વિગતો ‘લાઇફ’માં પ્રગટ થતી રહી અને હરીફોની ઇર્ષ્યાનું કારણ બનતી રહી.

તેમ છતાં, ખાસ અહેવાલોમાં મેદાન મારી જનાર ‘લાઇફ’ની અસલી ખૂબી હતી તેના એકબીજાથી આંટી જાય એવા તસવીરકારો. વિશ્વના શ્રેષ્ઠ કહી શકાય એવા આ ફોટો-મેગેઝીનમાં તસવીરકારો કેવાં પરાક્રમ કરતા હતા? અને કેવી રીતે કામ કરતા હતા? (આવતા સપ્તાહે)

Wednesday, December 14, 2011

ક્રિકેટઃ રમત, વિક્રમ અને પ્રમાણભાન

પ્રસાર માઘ્યમોમાં સમાચારના મુદ્દે ચૂકાતા પ્રમાણભાન વિશે જસ્ટિસ કાત્જુને જ નહીં, કોઇને પણ ‘બે શબ્દો’ કહેવા હોય તો વિષયોની ખોટ નથી. વીરેન્દ્ર સેહવાગની વિક્રમસર્જક બેવડી સદી એ યાદીમાં થયેલો તાજો ઉમેરો છે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઊંચા સ્કોર - ૧૪૯ બોલમાં ૨૧૯ રન- નો વિક્રમ સર્જનાર સેહવાગે અખબારોનાં પહેલાં પાને સ્થાન મેળવ્યું, એટલું જ નહીં, ઘણા ઠેકાણે આખેઆખું પહેલું પાનું સેહવાગમય થઇ ગયું. (તેની સામે નિરમા પ્લાન્ટ સામેની લડતમાં ગુજરાતના ખેડૂતોની થયેલી જીતના સમાચારનું મહત્ત્વ સરખાવતાં, પ્રમાણભાનનો મુદ્દો સ્પષ્ટ થશે.) આપણાં પ્રસાર માઘ્યમો વિવેકભાન ભૂલીને સ્તુતિગાનમાં સરી પડ્યાં- બીજા શબ્દોમાં કહીએ તો, ‘ફેસબુક’ જેવાં થઇ ગયાં. સેહવાગ માટે સર્વોચ્ચતાદર્શક વિશેષણોનો વરસાદ વરસ્યો. કોઇએ તેમને ક્રિકેટના ભગવાન કે ભગવાનથી પણ આગળ ગણાવ્યા, તો ઘણાના મતે એ ‘સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન’ બની ગયા.

સેહવાગની ૨૧૯ રનવાળી ઇનિંગ યાદગાર હતી. વિક્રમસર્જક તો ખરી જ. ૨૫ ચોગ્ગા અને ૭ છગ્ગા. ઉપરથી ભારતની ભવ્ય જીત. ક્રિકેટ અંગે ઉન્માદને બદલે ટાઢકથી-અભ્યાસપૂર્વક વિચારતા જયદીપ વર્મા-જતીન ઠાકરે તેમની વેબસાઇટ ‘ઇમ્પેક્ટ ઇન્ડેક્સ ક્રિકેટ’ પર લખ્યું તેમ, ‘આ મેચ જાણે ત્રણ ટીમ વચ્ચે હોય એવું લાગતું હતું: ભારત, વેસ્ટ ઇન્ડિઝ અને સેહવાગ.’ સેહવાગના બેટિંગ કૌશલ્ય અને તેમની વિક્રમસર્જક ઇનિંગ માટે (એક કેચ છૂટ્યો હતો તે કાજળના ટપકા સહિત) માત્ર ને માત્ર પ્રશંસા જ હોય. દસેક વર્ષથી ક્રિકેટ રમતા સેહવાગના અત્યાર લગીના આંકડા અને તેમની રમત પણ ઓછાં પ્રભાવશાળી નથી. છતાં, ૨૧૯ રનના સ્કોર પછી સેહવાગની ભારતીય ક્રિકેટવિશ્વના દેવાધિદેવ તરીકે પ્રાણપ્રતિષ્ઠા થઇ.

રમતના નહીં, સફળતાના ચાહકો
તેત્રીસ કરોડ દેવોની પરંપરા ધરાવતા ભારત અને ભારતીયો ક્રિકેટની બાબતમાં એટલા ઉદાર અને સર્વસમાવેશક નથી. તેમાં દેવાધિદેવનો દરજ્જો કોઇ એક જ ક્રિકેટરને મળે તેવી ચાહકોની માનસિકતા રહી છે. સેહવાગને વિક્રમસર્જક ઇનિંગના પ્રતાપે એ સ્થાન મળ્યું, તેની સાથે જ વર્ષોથી એ સ્થાન ભોગવતા સચિન તેંડુલકર સામે આંગળીચીંધામણું શરૂ થઇ ગયું. સેહવાગે સચિનનો (૨૦૦ રનનો) વિક્રમ તોડ્યો હતો.‘મારો રેકોર્ડ સેહવાગ તોડશે’ એવી સચિનની ભવિષ્યવાણી તેમણે સાચી પાડી હતી. તેમ છતાં, વાતાવરણ એવું ઊભું થયું, જાણે મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે નહીં, સચિન અને સેહવાગ વચ્ચે રમાઇ હોય અને તેમાં સેહવાગની જીત થઇ હોય. સહેવાગની વિક્રમજનક બેવડી સદીને સચિનની હાર તરીકે અથવા સચિનનું મહત્ત્વ ઘટાડી નાખતી ઘટના તરીકે રજૂ કરવાનું વલણ પણ જોવા મળ્યું.

ખુદ સચિને આ અંગે ભલે રાજીપો વ્યક્ત કર્યો હોય અને સેહવાગના મનમાં ભલે પોતે સચિન કરતાં ચડિયાતા હોવાની હવા ન ભરાઇ હોય, પણ ભારતના સેંકડો ક્રિકેટચાહકોની ક્રિકેટ માટેની ‘ધાર્મિક લાગણી’ ટકાવતાં, ઉશ્કેરતાં અને વકરાવતાં પ્રસાર માઘ્યમોનું કવરેજ જોઇને એવું લાગે, જાણે સચિનના દિવસો ભરાઇ ગયા અને ભારતીય ક્રિકેટમાં સેહવાગયુગ શરૂ થયો. બીજા દિવસે સેહવાગને કેટલા કરોડની જાહેરખબરોની ઓફર આવી તેના સમાચાર આવતાંની સાથે જ, ક્રિકેટર તરીકે સેહવાગની મહાનતામાં રહેલી છેલ્લી કસર પણ પૂરી થઇ જાય. (હા, બહુમતી ભારતીય ક્રિકેટચાહકો ક્રિકેટરના મેદાન બહારના દેખાવ- જાહેરખબરોની કમાણીના આંકડાથી પણ એટલા જ અંજાય છે) અગિયાર જણની ટીમમાં એક સાથે એકથી વઘુ ખેલાડીઓ ઉત્તમ હોઇ શકે અને તેમની ઉત્તમતા કોઇ એક મેચમાં તેમના દેખાવ કે સફળતા-નિષ્ફળતા સાથે સંકળાયેલી ન હોઇ શકે, એટલી સાદી વાત સ્વીકારવાનું મોટા ભાગના ક્રિકેટચાહકોને ગમતું નથી.

સરેરાશ ભારતીય ક્રિકેટચાહકો મેચ જોવા બેસે ત્યારે તેમના મનમાં હિંદી ફિલ્મ જોતી વખતે હોય એવી માનસિકતા પેદા થતી હશે? આવો સવાલ થવાનું કારણઃ મોટા ભાગના લોકો મેચમાં સતત હીરો ને વિલનના જ ભાગ પાડ્યા કરે છે. પોતાના દેશની ટીમ જીતે એવી સ્વાભાવિક ઇચ્છા એક વાત છે અને તેની લ્હાયમાં રમત તથા ખેલાડીની સમગ્ર કારકિર્દીનો દેખાવ ગૌણ બની જાય એ બીજી વાત છે. કોઇ પણ ખેલાડીને તેના એકંદર દેખાવ અને રમતના આધારે મૂલવવાનું ક્રિકેટચાહકોને ફાવતું નથી. તેમની પદ્ધતિ બહુ સાદી છેઃ ખેલાડી વિશે ખબર બધી હોય, પણ મેચ જોતી વખતે એમાંનું કશું યાદ નહીં રાખવાનું. આ મેચમાં તે કેવું રમ્યો? સારું રમ્યો તો તેની મહાનતા યાદ કરવાની અને ખરાબ રમે તો? ખલાસ. તેના માટે ચુનંદાં વિશેષણો વાપરવાનાં, ખેલાડીને જ નહીં, તેને ટીમમાં લેનારની સાત પેઢીને ગાળો દેવાની અને ‘આ ડફોળોને આટલી ખબર નથી પડતી?’ એવા પ્રકારના ઉદ્‌ગાર કાઢવાના. બીજી મેચમાં એ જ ખેલાડી સારું રમે કે મેચ જીતાડવામાં મદદરૂપ થાય, ત્યારે તેનાં વખાણ કરતી વખતે પોતાના અગાઉના અભિપ્રાય વિના ખચકાટે ભૂલી જવાના.

મોટા ભાગના ચાહકો ક્રિકેટની રમતને ઘોડાની રેસની જેમ જુએ છે, જેમાં બધા ઘોડા સારા હોય તો પણ જે ઘોડો રેસ જીતે તેનાં જ વખાણ કરવાનાં હોય અને બાકીના ઘોડાની ક્રૂર ઉપેક્ષા. સરખામણી વાજબી લાગે, તો યાદ કરી લેવું કે ક્રિકેટ એ ઘોડાની રેસ નથી. તે ટીમવર્કની રમત છે. તેમાં વ્યક્તિગત વિક્રમોનું મહત્ત્વ છે, પરંતુ રમત એ વ્યક્તિગત વિક્રમોને સાંકળી લેતી, પણ તેનાથી ઘણી વધારે મોટી બાબત છે. રમતનું સૌંદર્ય અને તેનો આનંદ વ્યક્તિપૂજા પૂરતો સીમિત રાખનારા લોકો ક્રિકેટરોને કોર્પોરેટ કંપનીઓ જેવા બનાવી દે છે. તેમના વિશેનો ચાહકોનો અભિપ્રાય સેન્સેક્સની જેમ સતત ચડઉતર થયા કરે છેઃ એક મેચમાં સારો દેખાવ કર્યો? તો મહાન. બીજી મેચમાં નિષ્ફળ ગયા? તો નકામા. તેમનાં હરખ અને શોક બન્ને આત્યંતિક અને અપ્રમાણસરનાં હોય છે. થોડી મેચમાં સારો દેખાવ કરનાર ખેલાડી પર ફીદા થયેલા ચાહકો તેની ભક્તિમાં સરી પડે છે અને એ જ ખેલાડીને નિષ્ફળતાનો સામનો કરવાનો આવે ત્યારે તેના ફોટા બાળવાથી માંડીને તેના ઘર પર પથ્થરમારો કરવા સુધીનું ઝનૂન દાખવતાં ક્રિકેટચાહકો ખચકાતાં નથી.

વર્લ્ડ કપ ૨૦૦૭માં બાંગ્લાદેશ સામે પોર્ટ ઓફ સ્પેન, ટ્રિનિદાદમાં ભારતની ટીમ પાંચ વિકેટથી હારી ગઇ અને આક્રમક બેટિંગથી ક્રિકેટપ્રેમીઓને ઘેલા કરનાર મહેન્દ્રસિંઘ ધોની એક પણ રન કર્યા વિના આઉટ થયા, ત્યારે તેમની ‘હાય હાય’ બોલાવીને કે તેમની નનામી બાળીને લોકોને સંતોષ ન થયો. તેમણે ધોનીના નવા બંધાઇ રહેલા ઘરની દીવાલો અને પિલર તોડી પાડ્યા હતા. ઝારખંડ સરકારે (લોકલાગણીની ગંગામાં હાથ ધોવા માટે) ધોનીને બક્ષિશમાં આપેલો પચાસ લાખ રૂપિયાનો પ્લોટ પાછો લઇ લેવો જોઇએ, એવી માગણીઓ પણ પ્રદર્શનકારીઓએ કરી. ધોની રમત કરતાં મોડેલિંગમાં વધારે ઘ્યાન આપે છે, એવું પણ રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કહ્યું. એ વખતે વીરેન્દ્ર સેહવાગની વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર થયા હતા. કારણ કે સેહવાગ એ મેચમાં બે રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ક્રિકેટવિશ્વના શ્રેષ્ઠ બેટ્‌સમેનમાં અધિકારપૂર્વક સ્થાન ધરાવતા રાહુલ દ્રવિડ એ વખતે ભારતના કેપ્ટન હતા. તેમની નનામી પણ ચાહકોએ બાળી હતી. પી.ટી.આઇ.ના અહેવાલ પ્રમાણે, અમદાવાદમાં રોષે ભરાયેલા ક્રિકેટચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમને લાગતું હતું કે ક્રિકેટટીમે દેશને છેહ દીધો છે. (બે રનમાં આઉટ થઇ જનાર) સેહવાગ જેવા બેટ્‌સમેનને ટીમમાં લેવા જ ન જોઇએ, એવું પણ તેમણે કહ્યું. (૧૯ માર્ચ, ૨૦૦૭)

વિક્રમ કરતાં રમત મહાન
કપિલદેવે ૧૯૯૦માં લોર્ડ્‌સના મેદાન પર ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમેચમાં સ્પિનર એડી હેમિંગ્સની બોલિંગમાં લાગલગાટ ચાર છગ્ગા મારીને ભારતને ફોલો ઓનની સ્થિતિમાંથી ઉગાર્યું, ત્યારે કોઇ વિક્રમ સર્જાયો હતો? ખબર નથી. ઉલટું, ભારતની ટીમ એ મેચ હારી ગઇ હતી. એવું પણ કહેવાયું કે ભારત ફોલોઓન થયું હોત, તો કદાચ મેચ ડ્રો જાત. પરંતુ ઘણા ક્રિકેટપ્રેમીઓને હજુ એ ચાર છગ્ગા યાદ હશે અને રહેશે. એ જ રીતે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે કપિલદેવની ૧૭૫ નોટ આઉટની ઇનિંગ પછી, એ વ્યક્તિગત સ્કોરને ઘણા બેટ્‌સમેન વળોટી ગયા, પણ એ સ્કોરનું મહત્ત્વ ચાહકોના મનમાં હજુ અડીખમ છે.

રમતનો ધબકાર અને તેનો પ્રાણ કેવળ ખેલાડીના વ્યક્તિગત વિક્રમો નહીં, પણ ખેલાડીના અને તેની રમતના મિજાજ પર બહુ મોટો આધાર રાખે છે. રમત ક્યાં પૂરી થાય ને મનોરંજન ક્યાંથી શરૂ થાય એવા ભેદ ભૂંસી નાખનાર ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી જેવા સ્પર્ધાઓના ચલણ પછી આ વાત ભલે ભૂલાઇ ગઇ હોય, પણ સાચા ક્રિકેટચાહકો માટે રમતનો માહોલ અને મેદાન પર ખેલાડીની હાજરીથી પડતો ફરક સફળતા કરતાં વધારે મહત્ત્વનો છે.

ભારતની સ્પિન-ચોકડી બેદી, ચંદ્રશેખર, વેંકટરાઘવન અને પ્રસન્ના પાકિસ્તાન સામેની સિરીઝમાં ધોવાઇને ભૂંડે હાલ વિદાય લે, તેનાથી એમની બોલિંગની સિદ્ધિઓ ભૂંસાઇ જતી નથી. ખરા ક્રિકેટપ્રેમીઓની એક આખી પેઢી સુનિલ ગાવસ્કરના વિક્રમોની સાથોસાથ અથવા એનાથી પણ વધારે ગુંડપ્પા વિશ્વનાથની છટાદાર બેટિંગથી વધારે પ્રભાવિત હતી. મેચફિક્સિંગ કૌભાંડના કડવા સ્વાદ છતાં, બેટિંગની અને ચપળ ફિલ્ડિંગની વાત નીકળે ત્યારે મહંમદ અઝહરુદ્દીનની યાદ આવ્યા વિના રહેતી નથી. દક્ષિણ આફ્રિકાના જોન્ટી રોડ્‌સ તો ફિલ્ડિંગના ‘સુપરમેન’ ગણાતા હતા. રક્ષણાત્મક ટેકનિકલ બેટિંગ કરતા ભારતીય બેટ્‌સમેનો વચ્ચે હુક શોટ્‌સ ફટકારવાનું શરૂ કરનાર મોહિંદર અમરનાથ અને કપિલદેવ કેવી રીતે ભૂલાય? રાહુલ દ્રવિડની અને સચિન તેંડુલકરની અનેક યાદગાર ઇનિંગ કે શેન વોર્ન- અબ્દુલ કાદિરની લેગસ્પિન બોલિંગ જોયા પછી તેને ભૂલી શકનાર ક્રિકેટપ્રેમી કેવી રીતે કહેવાય?
આંકડા અને વિક્રમો એ મહાનતાનો પર્યાય નહીં, મહાનતાની આડપેદાશ છે. ક્રિકેટની રમતમાં આંકડાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું નોંધપાત્ર કામ ‘ઇમ્પેક્ટ ઇન્ડેક્સ ક્રિકેટ’ જેવી વેબસાઇટ કરે છે. તે બેટ્‌સમેનના સ્કોરનું મહત્ત્વ નક્કી કરતી વખતે, સામેની ટીમની શક્તિથી માંડીને પીચની સ્થિતિ જેવાં અનેક પરિબળો ઘ્યાનમાં લે છે. એ વેબસાઇટ પર સેહવાગના વિક્રમસર્જક ૨૧૯ રનને પ્રભાવની દૃષ્ટિએ સેહવાગની શ્રેષ્ઠ પાંચ ઇનિંગમાં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રસાર માઘ્યમો ઝડપથી દુભાઇ જતા ને હદ બહાર હરખાઇ જતા ક્રિકેટચાહકોને આંધળું પ્રોત્સાહન આપવાને બદલે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિગતો આપે તો ફક્ત ચાહકોની જ નહીં, રમતની પણ મોટી સેવા થાય.

Monday, December 12, 2011

કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ

ગઇ કાલે, 11 ડિસેમ્બર, 2011ના રવિવારે 85 વર્ષની વયે મારિઓ મિરાન્ડા/ Mario Mirandaનું અવસાન થયું. (થોડા વખત પહેલાં કાર્ટૂનિસ્ટ કુટ્ટીના સમાચાર અને તેમનાં થોડાં કાર્ટૂન અહીં -તથા બીરેનના બ્લોગ પર- મૂક્યાં હતાં.) મારિઓ પ્રત્યેના પ્રેમભાવની શરૂઆત બે દાયકાથી પણ પહેલાં થઇ હશે. એ વખતે મોટો ભાઇ બીરેને ઓછી આવકમાંથી પણ 'ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા'/The illustrated Weekly Of Indiaનું લવાજમ ભર્યું હતું. તેના થકી જે નવી દુનિયા જોવા-જાણવા મળી, તેમાં હેમંત મોરપરિઆની સાથોસાથ મારિઓનાં કાર્ટૂનનો પણ સમાવેશ થાય.

મારિઓ વિશે ઘણું લખી શકાય. લખ્યું પણ છે. (આ રવિવારની કોલમ 'નવાજૂની' માટે), પરંતુ અહીં મારિઓની અને તેમના વિશેની કેટલીક વિશિષ્ટ સામગ્રી અમારા (બીરેનના અને મારા) સંગ્રહના ખજાનામાંથી મૂકી છે. કાર્ટૂન, કળા અને હાસ્યના રસિકોને ખાસ આગ્રહ કે મારિઓનાં કાર્ટૂન- ડ્રોઇંગ-ઇલસ્ટ્રેશનની ખરી મઝા માણવા માટે તેને એન્લાર્જ કરીને જોવાં. તેમનાં ચિત્રો પણ 'વાંચવાલાયક' હોય છે.

(નોંધઃ આ તમામ સામગ્રી જૂનાં 'વિકલી', 'સ્પાન', 'સોસાયટી' જેવાં જુદાં જુદાં સામયિકોનાં કટિંગ અને એ સિવાયના અમારા કાર્ટૂનવિષયક સંગ્રહમાંથી છે.)


પચાસેક વર્ષના મારિઓ મિરાન્ડા/Mario બીજા કાર્ટૂનિસ્ટોની પીંછીએઃ સૌથી મોટું કેરિકેચર આર.કે. લક્ષ્મણે /R.K.Laxmanબનાવ્યું છે. છેક નીચેનું સૌથી સાદું અબુ અબ્રાહમ/Abu Abrahamનું અને વચ્ચેનું સુધીર દરનું/Sudhir Dar બનાવેલું છે.ગોવામાં પ્રવેશ વખતે આવતા કિંગફિશરના હોર્ડિંગમાં ગોવાની મસ્તીમઝા તાદૃશ કરતાં મારિઓનાં પાત્રોઃ ફોટોઃ બીરેન કોઠારી

'દૂરદર્શન'યુગની દંતકથા જેવી વિડીયો 'મિલે સૂર મેરા તુમ્હારા'માં ગોવાનું પ્રતિનિધિત્વ કરતા મારિઓ મિરાન્ડા પોતાની શૈલીમાં 'કુદરતી દૃશ્ય' બનાવી રહ્યા છે

'ઇલસ્ટ્રેટેડ વિકલી'માં આવતી મારિઓની નિયમિત સ્ટ્રીપ 'લાફિંગ ગેસ'. આ સ્ટ્રીપની નીચે અડધા પાનામાં હેમંત મોરપરિઆની સ્ટ્રીપ 'જેસ્ટ એ મિનિટ' આવતી હતી. આ સ્ટ્રીપમાં મંડલ તોફાનો વખતે મારિઓના પત્રકાર-પાત્ર જોન્ડીસ ડીમેલો/ Jaundice Demellowએ લીધેલો અભિનેત્રી મિસ રજની નિમ્બુપાની/ Ms. Nimbupaniનો ઇન્ટરવ્યુ મોટો કરીને વાંચવા જેવો છે.


આ રહ્યા મારિઓ મિરાન્ડાના વાચકપ્રિય નેતા બંડલદાસ/ Bundaldass

...અને આ રહ્યાં 'ડર્ટી પિક્ચર'ની વિદ્યા બાલનના પૂર્વાવતાર જેવાં મારિઓ-સર્જિત અભિનેત્રી મિસ રજની નિમ્બુપાની/ Ms. Nimbupani


'વિકલી'માં પછીથી ક્યારેક કાર્ટૂનસ્ટ્રીપવાળું પાનું રંગીન આવતું હતું. એવા એક પાના પર છને બદલે ત્રણ ફ્રેમમાં મારિઓએ ઉતારેલી નેતાઓના કટ-આઉટની ફિરકી. ('એન્લાર્જ કરીને વાંચવા જેવું છે' - એવું કેટલી વાર લખવું? દરેકમાં એ લખેલું જ સમજી લેવું)


મારિઓના બંડલદાસ અને બીજાં પાત્રો પરથી બ્રિજકુલ દીપકે/ Brij Kul Dipak બનાવેલાં ક્લોથ સ્કલ્પચર (ઢીંગલા): 1992માં મુંબઇ હતો ત્યારે મેક્સમુલર ગેલેરીમાં આ પ્રદર્શન જોવાની તક મળી હતી


ભીડભાડભરેલાં છતાં એકેએક ચહેરાના હાવભાવ વાંચી શકાય એવાં મારિઓ-સ્પેશ્યલ કાર્ટૂનનો નમૂનોઃ મારિઓનું ભારત


1964ના વિકલીમાં એક વાર્તા માટે મારિઓએ કરેલું ઇલસ્ટ્રેશનઃ તેમાં રમૂજ નથી, પણ મારિઓની શૈલી બરકરાર છે.

' ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના 1968ના વાર્ષિક અંકમાં મારિઓએ કરેલું કૂકડાની લડાઇ અને એ જોતા ફિરંગી સાહેબોનું લાઇન ડ્રોઇંગ


હવે પછીનાં બે ચિત્રો પેરિસ વિશેના મારિઓના ચિત્ર-પુસ્તક 'ઇમ્પ્રેશન્સ ઓફ પેરિસ'/ Impressions of Parisમાંથીઃ આ પુસ્તકમાં કયા ચિત્રો લેવાં તેની ભારે મૂંઝવણ પછી ત્રણ જુદી શૈલીનાં ચિત્રો લીધાં છે. આ ચિત્રમાં મારિઓની ખાસિયત જેવું વૃક્ષનાં પાંદડાંનું ડીટેઇલિંગ અને આખા બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રમાં ઉભેલી લાલ કાર


પેરિસ/ Parisની સડકો પર નીકળેલી ફેશનેબલ બાનુઓનું, મારિઓની પરંપરાગત કરતાં સાવ જુદી સ્ટાઇલમાં કરેલું વોટરકલર


મુંબઇમાં બીપીએલ મોબાઇલ/ BPL Mobileની સર્વિસ લોન્ચ થઇ ત્યારે આ રીતે ટેબ્લોઇડનાં બે પાનાં ભરીને જુદા જુદા ત્રણ-ચાર કાર્ટૂનિસ્ટો પાસે મુંબઇ વિષયક કાર્ટૂન કરાવવામાં આવ્યાં હતાં. એ વખતે મારિઓએ કરેલું પાનું. (સપ્ટેમ્બર, 1995)


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા/ Mahindra & Mahindra ના એન્યુઅલ રીપોર્ટના આગળના અને પાછળના કવર તથા અંદરના ફોલ્ડ-ઇન પર મારિઓનાં મુંબઇ વિષયક બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો છપાતાં હતાં. તેનો એક નમૂનો. (1992-93ના એન્યુઅલ રીપોર્ટનો હિસ્સો)


મારિઓએ વિવિધ ઉદ્યોગો અને કંપનીઓ માટે ઘણાં કેલેન્ડર બનાવ્યાં હતાં. એવાં ત્રણ કેલેન્ડરમાંથી એક-એક નમૂનો. આ કેલેન્ડર ઇન્ડસ્ટ્રીયલ સે્ફટીને લગતું હતું, જેમાં હરખપદુડો કર્મચારી સુરક્ષાની દરકાર કર્યા વિના ગેસ લીક રીપેર કરવા જાય છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી જેવા શુષ્ક વિષયને પોતાનાં આલેખનો વડે જીવંત બનાવવાની મારિઓની કમાલ હતી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે મારિઓએ કરેલા કેલેન્ડરનો નમૂનો. (મારિઓનાં કાર્ટૂનમાં લખાણ ન હોય તો કાર્ટૂન પણ 'વાંચવાલાયક' હોય છે એ યાદ છે ને?)


સેફ્ટીનો ભંગ સૂચવતું વધુ એક દૃશ્યઃ આ વખતે ઉત્તરાયણકેરિકેચરમાં 'દાદાગીરી' સૂચવતું મારિઓએ બનાવેલું ઇમરાનખાન/ Imran Khan નું ચિત્ર ('ક્રિકેટિંગ મેમરીઝ' પુસ્તકમાંથી)


'વિકલી''માં મારિઓના એક ડબલસ્પ્રેડની પ્રસાદી. તેમાં મારિઓએ જાણીતાં ક્લાસિક ચિત્રોની રાજકારણના સંદર્ભમાં 'નવી આવૃત્તિ'- જૂની શૈલી જાળવી રાખીને- બનાવી હતી. આ ચિત્રમાં માઇકલેન્જેલોના વિખ્યાત ચિત્રમાં પાત્રો તરીકે રાજીવ ગાંધી/ Rajiv Gandhi અને તેમનો ટેકો ઇચ્છતા ચંદ્રશેખર/Chandrashekhar

ઉપરની જ સિરીઝમાં બીજાં બે ચિત્રોમાં ડાબી બાજુ મોનાલિસા તરીકે મેનકા ગાંધી અને જમણી બાજુ વાન ગોગ/ Van Goghના વિખ્યાત સેલ્ફ પોટ્રેઇટમાં ચંદ્રશેખર/ Chandrashekhar
બોસ અને સેક્રેટરી સિરીઝનો નમૂનો

ગોવાના મેળા વિશેના એક લેખમાં મારીઓનું ચિત્ર


તાતા ઉદ્યોગ સામ્રાજ્ય વિશેના પુસ્તક 'ધ ક્રીએશન ઓફ વેલ્થ' (લેખકઃ આર.એમ.લાલા)માં મારિઓએ દોરેલાં અઢળક ડ્રોઇંગમાંના બે નમૂના. આ ચિત્ર મીઠાપુરની તાતા નમક/ Tata Salt ફેક્ટરીનું

...અને આ મુંબઇના નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ/NCPAના સ્ટેજનું

મારિઓ મિરાન્ડા પત્ની હબીબા સાથે, પાછલી અવસ્થામાં

છેલ્લું દર્શનઃ ઉંઘમાં જ ચિરશાંતિ પામેલા મારિઓને તેમની ઇચ્છા પ્રમાણે દફન કરવાને બદલે અગ્નિદાહ આપવામાં આવ્યો.