Wednesday, December 21, 2011

રીટેલમાં વિદેશી રોકાણઃ બે બાજુનું દુઃખ

રીટેલ એટલે કે છૂટક વેપારમાં સીધા વિદેશી મૂડીરોકાણ/ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનાં વાદળાં વરસ્યાં તો નથી, પણ વિખરાતાં પહેલાં ગાજવીજ બહુ થઇ.

સરકારે મંત્રીમંડળની મંજૂરીથી એક બ્રાન્ડમાં ૧૦૦ ટકા અને અનેક બ્રાન્ડમાં (વોલમાર્ટ-ટેસ્કો-કારફૂર જેવા ચેઇનસ્ટોર માટે) ૫૧ ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાનું જાહેર કર્યું. મંત્રીમંડળે કેટલાક વિરોધ પછી આ દરખાસ્ત સ્વીકારી લીધી. તેને સંસદમાં પસાર કરવાની જરૂર ન હતી. છતાં, વિરોધ પક્ષોએ તેના વિરોધમાં હોબાળો મચાવતાં, સરકારે મલ્ટીબ્રાન્ડની બાબતમાં પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો અને માર્ચ, ૨૦૧૨ સુધીમાં વિપક્ષો સાથે સલાહમસલત કરીને તેને લાગુ પાડવામાં આવશે, એવું જાહેર કર્યું.

સરકારી પક્ષનું સોનેરી ચિત્ર

સરકારની રીટેલ-તરફેણ અને વિપક્ષોનો વિરોધ, આ બન્ને પાછળના મુદ્દા સામાન્ય નાગરિક તરીકે ગળે ઉતરે એવા ન હતા. બન્ને પક્ષોની દલીલબાજી ડબલ્યુડબલ્યુએફના પહેલવાનોની નકલી મેચ જેવી, બોદી ઉત્તેજનાથી ભરેલી લાગતી હતી. બન્ને પક્ષોની પીન હરીફરીને રોજગારી, ખેડૂતો પર અસર, કરિયાણાની દુકાનો-નાના વેપારીઓનો ખાત્મો અને માળખાકીય સુવિધા - એવા ચાર મુદ્દા પર ચોંટી ગઇ.

સરકારની દલીલ હતી કે વિદેશી કંપનીઓ માટે મલ્ટીબ્રાન્ડ રીટેલના દરવાજા ખોલતાં, મોટા આંતરરાષ્ટ્રિય ચેઇનસ્ટોર ભારતમાં આવશે. અત્યારે શાકભાજી કે અનાજ ઉગાડતા ખેડૂતો અને બજાર વચ્ચે ત્રણ-ચાર તબક્કે વચેટિયાનાં કમિશન ચડે છે. એટલે ધારો કે, ખેડૂત એક ચીજ દોઢ-બે રૂપિયે કિલોના ભાવે વેચી મારે, એ જ ચીજ બજારમાં દસ રૂપિયે કિલો વેચાય છે. તેને કારણે ગ્રાહકોને વસ્તુ મોંઘી પડે છે ને ખેડૂતોનું શોષણ થાય છે. વિદેશી ચેઇન સ્ટોર્સ આવશે તો વચેટીયા નાબૂદ થશે. સ્ટોરના માણસો સીધા ખેડૂત જોડે સોદો પાડશે. તેને લીધે ખેડૂતને લાભ થશે. સરકારનો બીજો પ્રચાર એ હતો કે મોટા વિદેશી ચેઇનસ્ટોર તેમની માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજી અને પ્રોફેશનલ મેનેજમેન્ટ લાવશે. ભારતમાં પેદા થતા ખેતઉત્પાદનનો મોટો હિસ્સો યોગ્ય વખારો- સ્ટોરેજના અભાવે ખરાબ થઇ જાય છે અથવા ખેડૂતને તે સસ્તા ભાવે કાઢી નાખવો પડે છે. વિદેશી કંપનીઓ આવી સુવિધા ઉભી કરશે, એટલે એ રીતે થતો બગાડ અટકશે.

સરકારે લટકાવેલું ત્રીજું ગાજર રોજગારીની તકોને લગતું હતું.વાણિજ્યમંત્રી આનંદ શર્માએ કરેલા દાવા પ્રમાણે, મલ્ટીબ્રાન્ડમાં વિદેશી કંપનીઓના આગમન પછી આગામી ત્રણ વર્ષમાં રોજગારીની ૧ કરોડ તકો સર્જાશે. ‘મોટા સ્ટોરને કારણે નાના વેપારીઓ- કરિયાણાની દુકાનો ખતમ થઇ જશે’ એવી વ્યાપક ટીકાને ઘ્યાનમાં રાખીને, સરકારે વિદેશી કંપનીઓ માટે એવી શરત રાખી હતી કે દસ લાખથી વઘુ વસ્તી ધરાવતાં શહેરોમાં જ તેમના સ્ટોર સ્થાપી શકાય. એ માટે, કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી હોવા છતાં, છેવટનો નિર્ણય રાજ્ય સરકાર લઇ શકે અને તે ઇચ્છે તો વિદેશી કંપનીઓને પોતાના રાજ્યમાં આવતી અટકાવી શકે, એવી પણ સરકારી જોગવાઇ હતી.

વિરોધ પક્ષોના વાંધા

ભાજપ જેવા વિરોધ પક્ષનો સૌથી મોટો વાંધો કદાચ એ હતો કે અમને ‘વિશ્વાસમાં - એટલે કે ગણતરીમાં- લીધા વિના’ કેમ આ નિર્ણય જાહેર કર્યો. બીજા બધા વાંધા તેની પડછાયામાં હોય એવા જણાતા હતા. તેમાં સૌથી મોટું બૂમરાણ કરિયાણાની દુકાનો-નાના વેપારીઓની સહાનુભૂતિમાં ચાલ્યું. આ સ્ટોર ફક્ત દસ લાખથી વઘુ વસ્તી ધરાવતાં શહેરોમાં સ્થપાવાના છે એ હકીકત પર ઘ્યાન આપ્યા વિના, ‘નાના દુકાનદારો ખતમ થઇ જશે’નો કકળાટ મચ્યો. એ દુકાનદારો કેટલા સારા- તેમની સેવાઓ કેટલી ઉમદા- તેમની સાથેના સંબંધ કેટલા હૂંફાળા, એવી બધી અંજલિઓ ઠલવાવા લાગી. ભાજપ અને તેના સાથી સંગઠનો માટે સગવડ પડે ત્યારે સ્વદેશીનો મુદ્દો તો હોય જ. ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ જેવી સરખામણીઓથી માંડીને ‘વિદેશી કંપનીઓ દ્વારા ભારતને ફરી ગુલામ બનાવવાનું કાવતરું’ રાજકીય-બિનરાજકીય એમ બન્ને મોરચે થયા.

વિદેશી કંપનીઓ દ્વારા માળખાકીય સુવિધાઓ ઉભી થવાના સરકારી ગાજર સામે એવી દલીલ થઇ કે ‘ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના વાંધા છે, ત્યાં વિદેશી કંપનીઓ પણ કેવી રીતે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરશે? શું એ કંપનીઓ પોતાના પાવર પ્લાન્ટ પણ સ્થાપવાની છે?’ મંત્રીએ રોજગારી સર્જાવાના અદ્ધરતાલ આંકડા આપ્યા, તેમ વિરોધ પક્ષોએ રોજગારી છીનવાઇ જવાના ડરામણા આંકડા આપ્યા. એ બન્ને સાથે સંમત થવું અઘરું હતું. કારણ કે બન્નેએ પોતપોતાને માફક આવે એવી કલ્પનાના દોરે અનુમાનના પતંગ ચગાવ્યા હતા. તેની પાછળ નાગરિકોનું હિત નહીં, પણ રાજકીય ફાયદો મેળવવાની ગણતરી મુખ્ય હતી.

નહીં ચર્ચાયેલો નાગરિક પક્ષ

સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચેની ખેંચતાણમાં સૌથી કમનસીબ બાબત એ થઇ કે કયા કયા મુદ્દા ચર્ચાવા જોઇએ, તેનો એજેન્ડા નેતાઓએ નક્કી કરી નાખ્યો. એટલે નાગરિકો પણ સમગ્ર ચિત્ર જોવાના બદલે, રીટેલમાં એફડીઆઇના મામલે ફક્ત કરિયાણા સ્ટોરની ચંિતા કરવામાં પડી ગયા. વિદેશોમાં મોટા સ્ટોરને કારણે નાના દુકાનદારો પર કેવી અસરો થઇ, તેના દાખલા યાદ કરાયા. કેટલી રોજગારી જશે અને કેટલી પેદા થશે, એના આંકડા મંડાયા ને ભૂંસાયા. વિદેશી ચેઇન સ્ટોર્સ ખરેખર ભારતમાંથી સંપત્તિ ઉશેટીને પરદેશ લઇ જશે કે નહીં, એની ગરમાગરમ ચર્ચાઓ થઇ. યુરોપ-અમેરિકામાં મંદીને કારણે વિદેશી કંપનીઓ ભારતનું બજાર સર કરવા તલપાપડ છે, એવાં નિદાન થયાં.

પરંતુ ચેઇન સ્ટોર્સ આવ્યા પહેલાં દેશની વર્તમાન સ્થિતિ શી છે? તેમાં સરકારની જવાબદારી કેટલી? અને વિદેશી કંપનીઓ આવે કે ન આવે, તો પણ સરકાર વર્તમાન સ્થિતિ સુધારવા શું કરી શકે? સરકારે એ માટે શું કરવું જોઇએ? એને લગતી ચર્ચાઓ ભાગ્યે જ થઇ.

‘અત્યારે કૃષિઉત્પાદનોની સ્થિતિ ખરેખર બહુ ખરાબ છે, પણ વિદેશી કંપનીઓ ૫૧ ટકા મૂડીરોકાણ સાથે આવશે એટલે બઘું સમુંસૂતરું થઇ જશે’ એવો સરકારી દલીલનો સૂર કેટલો હાસ્યાસ્પદ કહેવાય, એની ટીકા ન થઇ. ‘(જવાબદારીના) ભાર વગરનું ભણતર’ મેળવી રહેલા રાહુલ ગાંધીએ નિર્ણય પાછો ઠેલાયા પછી, વિદેશી કંપનીઓના આગમનની ખુલ્લી તરફેણ કરીને કહ્યું કે તેનાથી ‘ખેડૂતોને તેમના ઉત્પાદનની ઊંચી કંિમત મળશે. આ પગલાનો વિરોધ કરનારા ખેડૂતોને છેહ દઇ રહ્યા છે.’

રાહુલના આ નિવેદનથી ખુશ થનારા અને ‘જોયું? અમારા બાબાશેઠ કેવા ખોંખારીને બોલ્યા’ એવું માનીને પોરસનારાને પૂછવાનું થાય કે ‘કેન્દ્રમાં યુપીએની સરકાર છે, ખેડૂતોની સ્થિતિ અત્યારે ખરેખર ખરાબ છે અને વિદેશી કંપનીઓ આવે ત્યારે જ તેમની સ્થિતિ સુધરવાની હોય, તો સરકાર શું કરે છે? અને સરકારને શું કરવાની? પોતાના ખેડૂતોના ઉદ્ધાર માટે વિદેશી કંપનીઓની રાહ જોવી અને એવા નિષ્ક્રિય નમાલાપણાથી શરમાવાને બદલે પોરસાવું, એ બુદ્ધિના દેવાળાની હદ નથી? અને આ બાબતે સરકારની ટીકા ન કરનારા વિરોધ પક્ષો દેવાળાની હદની હદો વટાવી ચૂક્યા છે. એ કયા મોઢે બોલે? કારણ કે ભૂતકાળમાં એમની સરકાર હતી ને ભવિષ્યમાં પણ આવશે, ત્યારે તેમની નીતિ ખાસ જુદી હોવાની નથી.

ગયા સપ્તાહે સમાચાર આવ્યા કે પંજાબમાં ખેડૂતોએ બટાટાના પાકના મામૂલી ભાવના વિરોધમાં સેંકડો કિલો બટાટા રસ્તા પર ફેંકી દીધા. તેમની માગણી હતી કે તેમને સરકાર તરફથી બટાટા માટે પ્રતિ કિલો પાંચ રૂપિયા જેટલો ભાવ મળવો જોઇએ અથવા પ્રતિ કિલો બે રૂપિયા વાહનવ્યવહાર ખર્ચ પેટે સબસીડી મળવી જોઇએ. મતલબ કે, બટાટાનો આ ભાવ ન મળે ત્યાં સુધી તેમને બટાટા ફેંકી દેવા પોસાય છે, પણ બજારમાં લઇ જઇને વેચવા પોસાતા નથી.

ગુજરાતમાં કેટલીક વેફર કંપનીઓ ખેડૂતો સાથે બટાટા ખરીદવાના આગોતરા કરાર કરે છે. બટાટાના ભાવ પણ એ વખતે નક્કી થઇ જાય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી જાણતી કંપનીઓ દર વર્ષે દેશમાં કેટલા હેક્ટરમાં બટાટાની ખેતી થઇ છે એની વિગતોથી માંડીને હવામાન, પાકને નુકસાન અને દેશની જરૂરિયાત જેવાં પરિબળો ઘ્યાનમાં લઇને ભાવ નક્કી કરે છે. આ વર્ષે કેટલીક કંપનીઓએ બટાટાની છતના સંજોગો જોઇને, ખેડૂતો સાથે આગોતરા કરાર કર્યા નથી. કારણ કે બટાટાનો પાક જરૂર કરતાં વધારે થવાનો છે, એવો કંપનીઓને અંદાજ હતો. એ સંજોગોમાં પહેલેથી કરાર કરીને વધારે ભાવ આપી દેવા કરતાં, બજારમાં રેઢે પીટાતા બટાટા સસ્તા ભાવે ખરીદવાથી તે ફાયદામાં રહે.

વિદેશી કંપનીઓ વધારે નહીં ને દેશી કંપનીઓ જેટલી ગણતરીબાજ હોય એવું ધારીએ તો પણ, તેમના આવવાથી ખેડૂતને શી રીતે ફાયદો થશે એ સમજવું અઘરું છે. ધારો કે ખેડૂત અત્યારે દોઢ-બે રૂપિયે કિલોમાં માલ વચેટિયાઓને વેચતો હોય અને બજારમાં તે દસ રૂપિયે વેચાતો હોય, તો વિદેશી કંપનીઓ વચેટિયાઓ નાબૂદ કરીને એ જ માલ, ખેડૂત પાસેથી દોઢ-બે રૂપિયે કિલોના ભાવે જ નહીં ખરીદે? વચેટિયા નીકળી જવાને કારણે કંપનીઓ ખેડૂત પાસેથી ત્રણ-ચાર-પાંચ રૂપિયે કિલોના હિસાબે માલ ખરીદી લેશે, એવું માની લેવામાં ભોળપણ છે. જથ્થાબંધ ખરીદશક્તિ ધરાવતા સુપરસ્ટોર સસ્તા ભાવે ખરીદીને, ગ્રાહકોને માલ સસ્તો આપશે એવું સમીકરણ પણ અત્યાર સુધીના અનુભવે સાચું પડ્યું નથી.(દોઢ-બે રૂપિયે કિલોનો માલ બજારમાં દસ રૂપિયે વેચાતો હોય તો કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા બહુ તો સાડા નવ કે નવ રૂપિયે કિલો વેચી શકે.)

સરકારી પ્રવક્તાઓ અને તરફદારો હોંશે હોંશે કહે છે કે ‘વિદેશી કંપનીઓ આવીને માળખાકીય સુવિધાઓ ઉભી કરશે. તેનાથી ઉત્પાદનમાં થતો બગાડ અટકશે.’ એ સાંભળીને થાય કે કોલ્ડ સ્ટોરેજ કે એગ્રો પ્રોસેસંિગ માટેની સુવિધાઓ ઉભી કરતાં સરકારને કે દેશી કંપનીઓને નથી આવડતું? અને આવડે છે, તો તેમને એ કેમ કરવું નથી? સરકારનું કૃષિ મંત્રાલય નાના ખેડૂતોના લાભાર્થે અને મોટા ખેડૂતો તેની પર કબજો જમાવી ન દે એ રીતે, આ સુવિધાઓ કેમ ઊભી કરી ન શકે?

રીટેલમાં વિદેશી મૂડીરોકાણ નિમિત્તે, ઝનૂની તરફેણ કે વિરોધને બદલે, દેશની વર્તમાન પરિસ્થિતિ શી છે, તેમાં શું ખૂટે છે અને શું થવું જોઇએ, તેની મુદ્દાસર ચર્ચા કરવાનો ઉત્તમ મોકો ઉભો થયો હતો. કૃષિમંત્રી શરદ પવાર શું ઉકાળી રહ્યા છે, કૃષિ મંત્રાલય નાના ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઇ શકે- એ ઉપરાંત સરકારની અત્યાર સુધીની નીતિઓની સફળતા-નિષ્ફળતા અને તેમાં જરૂરી પરિવર્તન- કોર્સ કરેક્શન-ની પણ આ તક હતી અને છે. એ દિશામાં સાર્થક ચર્ચા થાય અને પગલાં લેવાય, તો વિદેશી કંપનીઓ આવે કે ન આવે, દેશના ખેડૂતોનું હિત અવશ્ય સધાય. પરંતુ ખેડૂતોની વર્તમાન સ્થિતિમાં સરકારની ભૂમિકા વિશે ચૂપ રહીને, ખેડૂતોના ભવિષ્યને માત્ર ને માત્ર વિદેશી કંપનીઓના આગમનના સંદર્ભે ઉજ્જવળ કે અંધકારમય બતાવવું એ અર્થકારણ નથી, માત્ર ને માત્ર રાજકારણ છે.
- અને યાદ રહે, શાકભાજી-અનાજ રીટેલનો એક નાનો હિસ્સો છે. બાકીની ચીજવસ્તુઓનું શું?
(વઘુ આવતા સપ્તાહે)

8 comments:

 1. ખરેખર અતિ સ્પષ્ઠ બાબતો નું ધ્યાન દોર્યું છે. અતિ સમૃદ્ધ અને વિશાલ દેશ ને આવા અધુભુત, વિકાસ ના માર્ગ માં Anti-thesis (અન્તીથેસીસ) અને Anti-Cycle પરિબળો થી છુટકારો કઈ પદ્ધતિ થી મળશે? વિચારકો અને અપના બીજા લેખમાં ચર્ચા કરવા નમ્ર સુચન.

  Jabir

  ReplyDelete
 2. ઉર્વીશભાઈ,
  તમારો લેખ વાંચ્યો. સવાલ તો એ છે કે ખેડૂતો આપઘાત કરતા રહ્યા ત્યારે જે સરકારનું પેટનું પાણી પણ ન હાલ્યું તે ખેડૂતોના ભલા માટે વિદેશી કંપનીઓ માટે દરવાજા ખોલે એ કઈંક ન સમજાય એવું છે. હાલમાં The HInduમાં પી. સાઈનાથનો લેખ પ્રકાશિત થયો છે તેની લિંક અહીં આપું છું. તમારા વાચકોને એમાં રસ પડે.:http://www.thehindu.com/opinion/lead/article2706988.ece.
  ખરેખર તો WTOની રચના દુનિયામાં વિકાસશીલ દેશોમાં મલ્ટીનૅશનલ કંપનીઓના પ્રવેશ માટે સગવડ કરી આપવા થઈ છે. રિટેલ વેપારમાં ઘુસવા માટે વિદેશી કંપનીઓ ઘણા વખતથી પ્રયાસ કરતી રહી છે. હવે એમને સફળતા મળી છે. એમના પ્રવેશને વાજબી ઠરાવવાની જવાબદારી જે તે દેશોની સરકારોની રહે છે અને આપણી સરકાર આ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે. યુરોપ-અમેરિકામાં બજારોમાં મંદી છે. ધંધો-રોજગાર પડી ભાંગ્યાં છે અને લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે એટલે નવાં બજારોમાં ઘુસવાનું મલ્ટીનૅશનલ કંપનીઓ માટે બહુ જરૂરી થઈ ગયું છે. દેશના ખેડૂતો કે નાગરિકોને આમાંથી શો લાભ થશે તે તો કહી ન શકાય પણ MNCsને અવશ્ય લાભ થશે. બીજા હપ્તાની રાહ જોઈએ છીએ.

  ReplyDelete
 3. ભરત કુમાર1:48:00 PM

  ઉર્વિશભાઈ,રિટેલની તરફેણમાં ને વિરોધમાં જે જે દલીલબાજીઓ થઇ રહી છે,તેમાં ખરેખર કેટલું તથ્ય છે ને કેટલા અનુમાનો-તે તમે આ લેખમાં બહું જ સુંદર રીતે અલગ કરી બતાવ્યું.અભિનંદન સાચી (ને એટલે જ છૂપી) બાજુઓ પર પ્રકાશ ફેંકવા બદલ.

  ReplyDelete
 4. nice article after long time. kudos

  ReplyDelete
 5. @Envy : ha..ha..ha.. actually something suited to & did not 'disturb' your "objectivity" after long time:-)). Thanks anyway.

  ReplyDelete
 6. Urvish, I was absolutely sure and thnx, you proved it :). You cannot take true commendations also, in right spirit. Thnx for reply comment (which i didnt expect actually, after your statement 'I do not read you'!!)

  ReplyDelete
 7. @Envy: I don't need to read you as I know you very well after all our exchanges in the past and you know very well what I think of you:-))

  ReplyDelete
 8. It is also pertinent to note here that it can be safely contended that with the possible advent of unrestrained FDI flows in retail market, the interests of the retailers constituting the unorganized retail sector will not be gravely undermined, since nobody can force a consumer to visit a mega shopping complex or a small retailer/sabji mandi. Consumers will shop in accordance with their utmost convenience, where ever they get the lowest price, max variety, and a good consumer experience.

  ReplyDelete