Wednesday, December 14, 2011

ક્રિકેટઃ રમત, વિક્રમ અને પ્રમાણભાન

પ્રસાર માઘ્યમોમાં સમાચારના મુદ્દે ચૂકાતા પ્રમાણભાન વિશે જસ્ટિસ કાત્જુને જ નહીં, કોઇને પણ ‘બે શબ્દો’ કહેવા હોય તો વિષયોની ખોટ નથી. વીરેન્દ્ર સેહવાગની વિક્રમસર્જક બેવડી સદી એ યાદીમાં થયેલો તાજો ઉમેરો છે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઊંચા સ્કોર - ૧૪૯ બોલમાં ૨૧૯ રન- નો વિક્રમ સર્જનાર સેહવાગે અખબારોનાં પહેલાં પાને સ્થાન મેળવ્યું, એટલું જ નહીં, ઘણા ઠેકાણે આખેઆખું પહેલું પાનું સેહવાગમય થઇ ગયું. (તેની સામે નિરમા પ્લાન્ટ સામેની લડતમાં ગુજરાતના ખેડૂતોની થયેલી જીતના સમાચારનું મહત્ત્વ સરખાવતાં, પ્રમાણભાનનો મુદ્દો સ્પષ્ટ થશે.) આપણાં પ્રસાર માઘ્યમો વિવેકભાન ભૂલીને સ્તુતિગાનમાં સરી પડ્યાં- બીજા શબ્દોમાં કહીએ તો, ‘ફેસબુક’ જેવાં થઇ ગયાં. સેહવાગ માટે સર્વોચ્ચતાદર્શક વિશેષણોનો વરસાદ વરસ્યો. કોઇએ તેમને ક્રિકેટના ભગવાન કે ભગવાનથી પણ આગળ ગણાવ્યા, તો ઘણાના મતે એ ‘સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન’ બની ગયા.

સેહવાગની ૨૧૯ રનવાળી ઇનિંગ યાદગાર હતી. વિક્રમસર્જક તો ખરી જ. ૨૫ ચોગ્ગા અને ૭ છગ્ગા. ઉપરથી ભારતની ભવ્ય જીત. ક્રિકેટ અંગે ઉન્માદને બદલે ટાઢકથી-અભ્યાસપૂર્વક વિચારતા જયદીપ વર્મા-જતીન ઠાકરે તેમની વેબસાઇટ ‘ઇમ્પેક્ટ ઇન્ડેક્સ ક્રિકેટ’ પર લખ્યું તેમ, ‘આ મેચ જાણે ત્રણ ટીમ વચ્ચે હોય એવું લાગતું હતું: ભારત, વેસ્ટ ઇન્ડિઝ અને સેહવાગ.’ સેહવાગના બેટિંગ કૌશલ્ય અને તેમની વિક્રમસર્જક ઇનિંગ માટે (એક કેચ છૂટ્યો હતો તે કાજળના ટપકા સહિત) માત્ર ને માત્ર પ્રશંસા જ હોય. દસેક વર્ષથી ક્રિકેટ રમતા સેહવાગના અત્યાર લગીના આંકડા અને તેમની રમત પણ ઓછાં પ્રભાવશાળી નથી. છતાં, ૨૧૯ રનના સ્કોર પછી સેહવાગની ભારતીય ક્રિકેટવિશ્વના દેવાધિદેવ તરીકે પ્રાણપ્રતિષ્ઠા થઇ.

રમતના નહીં, સફળતાના ચાહકો
તેત્રીસ કરોડ દેવોની પરંપરા ધરાવતા ભારત અને ભારતીયો ક્રિકેટની બાબતમાં એટલા ઉદાર અને સર્વસમાવેશક નથી. તેમાં દેવાધિદેવનો દરજ્જો કોઇ એક જ ક્રિકેટરને મળે તેવી ચાહકોની માનસિકતા રહી છે. સેહવાગને વિક્રમસર્જક ઇનિંગના પ્રતાપે એ સ્થાન મળ્યું, તેની સાથે જ વર્ષોથી એ સ્થાન ભોગવતા સચિન તેંડુલકર સામે આંગળીચીંધામણું શરૂ થઇ ગયું. સેહવાગે સચિનનો (૨૦૦ રનનો) વિક્રમ તોડ્યો હતો.‘મારો રેકોર્ડ સેહવાગ તોડશે’ એવી સચિનની ભવિષ્યવાણી તેમણે સાચી પાડી હતી. તેમ છતાં, વાતાવરણ એવું ઊભું થયું, જાણે મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે નહીં, સચિન અને સેહવાગ વચ્ચે રમાઇ હોય અને તેમાં સેહવાગની જીત થઇ હોય. સહેવાગની વિક્રમજનક બેવડી સદીને સચિનની હાર તરીકે અથવા સચિનનું મહત્ત્વ ઘટાડી નાખતી ઘટના તરીકે રજૂ કરવાનું વલણ પણ જોવા મળ્યું.

ખુદ સચિને આ અંગે ભલે રાજીપો વ્યક્ત કર્યો હોય અને સેહવાગના મનમાં ભલે પોતે સચિન કરતાં ચડિયાતા હોવાની હવા ન ભરાઇ હોય, પણ ભારતના સેંકડો ક્રિકેટચાહકોની ક્રિકેટ માટેની ‘ધાર્મિક લાગણી’ ટકાવતાં, ઉશ્કેરતાં અને વકરાવતાં પ્રસાર માઘ્યમોનું કવરેજ જોઇને એવું લાગે, જાણે સચિનના દિવસો ભરાઇ ગયા અને ભારતીય ક્રિકેટમાં સેહવાગયુગ શરૂ થયો. બીજા દિવસે સેહવાગને કેટલા કરોડની જાહેરખબરોની ઓફર આવી તેના સમાચાર આવતાંની સાથે જ, ક્રિકેટર તરીકે સેહવાગની મહાનતામાં રહેલી છેલ્લી કસર પણ પૂરી થઇ જાય. (હા, બહુમતી ભારતીય ક્રિકેટચાહકો ક્રિકેટરના મેદાન બહારના દેખાવ- જાહેરખબરોની કમાણીના આંકડાથી પણ એટલા જ અંજાય છે) અગિયાર જણની ટીમમાં એક સાથે એકથી વઘુ ખેલાડીઓ ઉત્તમ હોઇ શકે અને તેમની ઉત્તમતા કોઇ એક મેચમાં તેમના દેખાવ કે સફળતા-નિષ્ફળતા સાથે સંકળાયેલી ન હોઇ શકે, એટલી સાદી વાત સ્વીકારવાનું મોટા ભાગના ક્રિકેટચાહકોને ગમતું નથી.

સરેરાશ ભારતીય ક્રિકેટચાહકો મેચ જોવા બેસે ત્યારે તેમના મનમાં હિંદી ફિલ્મ જોતી વખતે હોય એવી માનસિકતા પેદા થતી હશે? આવો સવાલ થવાનું કારણઃ મોટા ભાગના લોકો મેચમાં સતત હીરો ને વિલનના જ ભાગ પાડ્યા કરે છે. પોતાના દેશની ટીમ જીતે એવી સ્વાભાવિક ઇચ્છા એક વાત છે અને તેની લ્હાયમાં રમત તથા ખેલાડીની સમગ્ર કારકિર્દીનો દેખાવ ગૌણ બની જાય એ બીજી વાત છે. કોઇ પણ ખેલાડીને તેના એકંદર દેખાવ અને રમતના આધારે મૂલવવાનું ક્રિકેટચાહકોને ફાવતું નથી. તેમની પદ્ધતિ બહુ સાદી છેઃ ખેલાડી વિશે ખબર બધી હોય, પણ મેચ જોતી વખતે એમાંનું કશું યાદ નહીં રાખવાનું. આ મેચમાં તે કેવું રમ્યો? સારું રમ્યો તો તેની મહાનતા યાદ કરવાની અને ખરાબ રમે તો? ખલાસ. તેના માટે ચુનંદાં વિશેષણો વાપરવાનાં, ખેલાડીને જ નહીં, તેને ટીમમાં લેનારની સાત પેઢીને ગાળો દેવાની અને ‘આ ડફોળોને આટલી ખબર નથી પડતી?’ એવા પ્રકારના ઉદ્‌ગાર કાઢવાના. બીજી મેચમાં એ જ ખેલાડી સારું રમે કે મેચ જીતાડવામાં મદદરૂપ થાય, ત્યારે તેનાં વખાણ કરતી વખતે પોતાના અગાઉના અભિપ્રાય વિના ખચકાટે ભૂલી જવાના.

મોટા ભાગના ચાહકો ક્રિકેટની રમતને ઘોડાની રેસની જેમ જુએ છે, જેમાં બધા ઘોડા સારા હોય તો પણ જે ઘોડો રેસ જીતે તેનાં જ વખાણ કરવાનાં હોય અને બાકીના ઘોડાની ક્રૂર ઉપેક્ષા. સરખામણી વાજબી લાગે, તો યાદ કરી લેવું કે ક્રિકેટ એ ઘોડાની રેસ નથી. તે ટીમવર્કની રમત છે. તેમાં વ્યક્તિગત વિક્રમોનું મહત્ત્વ છે, પરંતુ રમત એ વ્યક્તિગત વિક્રમોને સાંકળી લેતી, પણ તેનાથી ઘણી વધારે મોટી બાબત છે. રમતનું સૌંદર્ય અને તેનો આનંદ વ્યક્તિપૂજા પૂરતો સીમિત રાખનારા લોકો ક્રિકેટરોને કોર્પોરેટ કંપનીઓ જેવા બનાવી દે છે. તેમના વિશેનો ચાહકોનો અભિપ્રાય સેન્સેક્સની જેમ સતત ચડઉતર થયા કરે છેઃ એક મેચમાં સારો દેખાવ કર્યો? તો મહાન. બીજી મેચમાં નિષ્ફળ ગયા? તો નકામા. તેમનાં હરખ અને શોક બન્ને આત્યંતિક અને અપ્રમાણસરનાં હોય છે. થોડી મેચમાં સારો દેખાવ કરનાર ખેલાડી પર ફીદા થયેલા ચાહકો તેની ભક્તિમાં સરી પડે છે અને એ જ ખેલાડીને નિષ્ફળતાનો સામનો કરવાનો આવે ત્યારે તેના ફોટા બાળવાથી માંડીને તેના ઘર પર પથ્થરમારો કરવા સુધીનું ઝનૂન દાખવતાં ક્રિકેટચાહકો ખચકાતાં નથી.

વર્લ્ડ કપ ૨૦૦૭માં બાંગ્લાદેશ સામે પોર્ટ ઓફ સ્પેન, ટ્રિનિદાદમાં ભારતની ટીમ પાંચ વિકેટથી હારી ગઇ અને આક્રમક બેટિંગથી ક્રિકેટપ્રેમીઓને ઘેલા કરનાર મહેન્દ્રસિંઘ ધોની એક પણ રન કર્યા વિના આઉટ થયા, ત્યારે તેમની ‘હાય હાય’ બોલાવીને કે તેમની નનામી બાળીને લોકોને સંતોષ ન થયો. તેમણે ધોનીના નવા બંધાઇ રહેલા ઘરની દીવાલો અને પિલર તોડી પાડ્યા હતા. ઝારખંડ સરકારે (લોકલાગણીની ગંગામાં હાથ ધોવા માટે) ધોનીને બક્ષિશમાં આપેલો પચાસ લાખ રૂપિયાનો પ્લોટ પાછો લઇ લેવો જોઇએ, એવી માગણીઓ પણ પ્રદર્શનકારીઓએ કરી. ધોની રમત કરતાં મોડેલિંગમાં વધારે ઘ્યાન આપે છે, એવું પણ રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કહ્યું. એ વખતે વીરેન્દ્ર સેહવાગની વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર થયા હતા. કારણ કે સેહવાગ એ મેચમાં બે રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ક્રિકેટવિશ્વના શ્રેષ્ઠ બેટ્‌સમેનમાં અધિકારપૂર્વક સ્થાન ધરાવતા રાહુલ દ્રવિડ એ વખતે ભારતના કેપ્ટન હતા. તેમની નનામી પણ ચાહકોએ બાળી હતી. પી.ટી.આઇ.ના અહેવાલ પ્રમાણે, અમદાવાદમાં રોષે ભરાયેલા ક્રિકેટચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમને લાગતું હતું કે ક્રિકેટટીમે દેશને છેહ દીધો છે. (બે રનમાં આઉટ થઇ જનાર) સેહવાગ જેવા બેટ્‌સમેનને ટીમમાં લેવા જ ન જોઇએ, એવું પણ તેમણે કહ્યું. (૧૯ માર્ચ, ૨૦૦૭)

વિક્રમ કરતાં રમત મહાન
કપિલદેવે ૧૯૯૦માં લોર્ડ્‌સના મેદાન પર ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમેચમાં સ્પિનર એડી હેમિંગ્સની બોલિંગમાં લાગલગાટ ચાર છગ્ગા મારીને ભારતને ફોલો ઓનની સ્થિતિમાંથી ઉગાર્યું, ત્યારે કોઇ વિક્રમ સર્જાયો હતો? ખબર નથી. ઉલટું, ભારતની ટીમ એ મેચ હારી ગઇ હતી. એવું પણ કહેવાયું કે ભારત ફોલોઓન થયું હોત, તો કદાચ મેચ ડ્રો જાત. પરંતુ ઘણા ક્રિકેટપ્રેમીઓને હજુ એ ચાર છગ્ગા યાદ હશે અને રહેશે. એ જ રીતે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે કપિલદેવની ૧૭૫ નોટ આઉટની ઇનિંગ પછી, એ વ્યક્તિગત સ્કોરને ઘણા બેટ્‌સમેન વળોટી ગયા, પણ એ સ્કોરનું મહત્ત્વ ચાહકોના મનમાં હજુ અડીખમ છે.

રમતનો ધબકાર અને તેનો પ્રાણ કેવળ ખેલાડીના વ્યક્તિગત વિક્રમો નહીં, પણ ખેલાડીના અને તેની રમતના મિજાજ પર બહુ મોટો આધાર રાખે છે. રમત ક્યાં પૂરી થાય ને મનોરંજન ક્યાંથી શરૂ થાય એવા ભેદ ભૂંસી નાખનાર ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી જેવા સ્પર્ધાઓના ચલણ પછી આ વાત ભલે ભૂલાઇ ગઇ હોય, પણ સાચા ક્રિકેટચાહકો માટે રમતનો માહોલ અને મેદાન પર ખેલાડીની હાજરીથી પડતો ફરક સફળતા કરતાં વધારે મહત્ત્વનો છે.

ભારતની સ્પિન-ચોકડી બેદી, ચંદ્રશેખર, વેંકટરાઘવન અને પ્રસન્ના પાકિસ્તાન સામેની સિરીઝમાં ધોવાઇને ભૂંડે હાલ વિદાય લે, તેનાથી એમની બોલિંગની સિદ્ધિઓ ભૂંસાઇ જતી નથી. ખરા ક્રિકેટપ્રેમીઓની એક આખી પેઢી સુનિલ ગાવસ્કરના વિક્રમોની સાથોસાથ અથવા એનાથી પણ વધારે ગુંડપ્પા વિશ્વનાથની છટાદાર બેટિંગથી વધારે પ્રભાવિત હતી. મેચફિક્સિંગ કૌભાંડના કડવા સ્વાદ છતાં, બેટિંગની અને ચપળ ફિલ્ડિંગની વાત નીકળે ત્યારે મહંમદ અઝહરુદ્દીનની યાદ આવ્યા વિના રહેતી નથી. દક્ષિણ આફ્રિકાના જોન્ટી રોડ્‌સ તો ફિલ્ડિંગના ‘સુપરમેન’ ગણાતા હતા. રક્ષણાત્મક ટેકનિકલ બેટિંગ કરતા ભારતીય બેટ્‌સમેનો વચ્ચે હુક શોટ્‌સ ફટકારવાનું શરૂ કરનાર મોહિંદર અમરનાથ અને કપિલદેવ કેવી રીતે ભૂલાય? રાહુલ દ્રવિડની અને સચિન તેંડુલકરની અનેક યાદગાર ઇનિંગ કે શેન વોર્ન- અબ્દુલ કાદિરની લેગસ્પિન બોલિંગ જોયા પછી તેને ભૂલી શકનાર ક્રિકેટપ્રેમી કેવી રીતે કહેવાય?
આંકડા અને વિક્રમો એ મહાનતાનો પર્યાય નહીં, મહાનતાની આડપેદાશ છે. ક્રિકેટની રમતમાં આંકડાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું નોંધપાત્ર કામ ‘ઇમ્પેક્ટ ઇન્ડેક્સ ક્રિકેટ’ જેવી વેબસાઇટ કરે છે. તે બેટ્‌સમેનના સ્કોરનું મહત્ત્વ નક્કી કરતી વખતે, સામેની ટીમની શક્તિથી માંડીને પીચની સ્થિતિ જેવાં અનેક પરિબળો ઘ્યાનમાં લે છે. એ વેબસાઇટ પર સેહવાગના વિક્રમસર્જક ૨૧૯ રનને પ્રભાવની દૃષ્ટિએ સેહવાગની શ્રેષ્ઠ પાંચ ઇનિંગમાં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રસાર માઘ્યમો ઝડપથી દુભાઇ જતા ને હદ બહાર હરખાઇ જતા ક્રિકેટચાહકોને આંધળું પ્રોત્સાહન આપવાને બદલે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિગતો આપે તો ફક્ત ચાહકોની જ નહીં, રમતની પણ મોટી સેવા થાય.

3 comments:

  1. Lovely piece as always Urvish. "આંકડા અને વિક્રમો એ મહાનતાનો પર્યાય નહીં, મહાનતાની આડપેદાશ છે." Superb stuff and yes, the reference to impact index is timely. For people who really want to make sense of these complex cricketing numbers, this the website to go to.

    On another note, am wondering if there is a topic you cannot write on with your customary good sense and authority? I would really like to know... :-)

    ReplyDelete
  2. ભરત કુમાર1:16:00 PM

    લેખ હંમેશની જેમ જ મજેદાર છે.પ્રમાણભાનની બાબતમાં ચોક્સાઈ એ આપણા હરખપદૂડા લોકોની કાયમની નબળાઈ છે,ને મિડિયાના હાથોમાં એ રગ બરાબર પકડાઇ છે.એનો એ પછી મનફાવે તેમ ઉપયોગ કરે જ છે.આજે ક્રિકેટ છે,કાલે અન્ના...

    ReplyDelete
  3. Agreed sir. Let the media learn the technique of presentation.Kabhi bhagwan kabhi Hewan ! Let us review our thinking

    ReplyDelete