Wednesday, January 23, 2019

ટ્રમ્પની દીવાલઃ રમુજમાંથી હકીકત, હાસ્યમાંથી કરુણતા

ભૂતકાળમાં અમેરિકાને ઘણા અલેલટપ્પુ પ્રમુખો મળ્યા છે. સૌથી નજીકના ભૂતકાળનું ઉદાહરણ જ્યોર્જ ડબલ્યુ બુશ (જુનિયર)નું, જેમની પરથી અનેક રમુજો બની અને જેમણે અમેરિકાને અનેક જંગમાં સંડોવ્યું. છતાં, એ બધામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન અલગ છે. રૂઢિચુસ્ત રીપબ્લિકન પક્ષ તરફથી તે પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા, ત્યારે તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું. પણ બધાની, કદાચ તેમની પોતાની છાવણીની પણ, અપેક્ષાબહાર ટ્રમ્પ પ્રમુખ બની ગયા. રમુજો વાસ્તવિકતા બની જાય, એ કેટલી મોટી કરુણતા છે, તેનો અહેસાસ ત્યારે (ટ્રમ્પના સંદર્ભે) પહેલી વાર થયો.

ત્યાર પછી એ કદી અટક્યો જ નથી. ટ્વિટર પર સત્તાવાર નિર્ણયો જાહેર કરતા અને રશિયનો સાથે સંપર્ક-સંબંધ જેવા, દેશહિતને સંડોવતા ગંભીર આરોપો છતાં ટ્રમ્પ જરાય મોળા પડવાનું નામ લેતા નથી.  તે પૂર્વગ્રહોને અભિપ્રાય કે વિશ્લેષણ ગણે છે અને તરંગોને ઉકેલ. વર્ષ ૨૦૧૬માં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમનો એવો એક પૂર્વગ્રહ હતો કે મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ઘુસી આવતા લોકો ડ્રગ્સથી માંડીને બીજી ઘણી ગુનાખોરી આચરે છે. ઉપરાંત, મેક્સિકો સાથેના આર્થિક સંબંધોમાં અમેરિકાની વ્યાપારી ખાધ-ટ્રેડ ડૅફિસિટ ૫૮ અબજ ડૉલર છે. (મેક્સિકો અમેરિકામાંથી જેટલી ખરીદી કરે છે, તેનાં કરતાં અમેરિકાની મેક્સિકોમાંથી ખરીદી ૫૮ અબજ ડૉલર જેટલી વધારે છે. ) જો અમેરિકા-મૅક્સિકોની સરહદે એક ઊંચી દીવાલ બાંધી દેવામાં આવે, તો આ બધી સમસ્યાઓનો અંત આવી જશે.

ચૂંટણીપ્રચારના તબક્કે અહંકારી અને બેફામ માણસના તરંગ તરીકે હસી કઢાયેલી સરહદી દીવાલ હવે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા 'શટ ડાઉન'નું કારણ બની છે.  અમેરિકાની સંસદમાં સરકારી ખર્ચનું અંદાજપત્ર પસાર ન થાય, એટલે સરકાર તે પ્રમાણે રકમ ખર્ચી ન શકે. પરિણામે સરકારી સેવાઓ પર અસર થાય. ઘણી સેવાઓમાં કર્મચારીઓને કપાતા પગારે રજા પર ઉતારી દેવા પડે અથવા થોડો સમય પગાર વિના કામ કરવાનો વારો આવે. એ સ્થિતિ 'શટ ડાઉન' તરીકે ઓળખાય છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થાય અને નવું અંદાજપત્ર પસાર ન થઈ જાય, ત્યાં લગી શટ ડાઉન ચાલુ રહે.

ટ્રમ્પે મેક્સિકોની સરહદે દીવાલનું કામ આગળ વધારવા માટે સંસદ પાસે પાંચ અબજ ડૉલરનું ભંડોળ માગ્યું. સાંસદોએ એટલી મોટી રકમ દીવાલ માટે આપવાની ના પાડી. વચલા રસ્તે તરીકે બંને પક્ષના સભ્યોએ ૧.૬ અબજ ડૉલરની રકમ આપવાનું (બાળવાનું) કબૂલ્યું, પણ ટ્રમ્પને આવા 'ટુકડા'માં રસ ન હતો. તેમને પાંચ અબજ ડૉલર અંકે પૂરા ન મળે તો તે શટ ડાઉન માટે તૈયાર હતા. એટલું જ નહીં, એ શટ ડાઉન ગમે તેટલું લંબાય તો પણ તેમને પરવા નથી, એવું તેમણે કહ્યું. એ રીતે, ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮થી શટ ડાઉનની શરૂઆત થઈ.

શરૂઆતમાં ઘણાને લાગતું હતું કે ટ્રમ્પ વચલો રસ્તો સ્વીકારીને ઝડપથી શટ ડાઉનનો અંત લાવશે. પરંતુ આ લખાય છે ત્યારે (૧૬ જાન્યુઆરી) શટ ડાઉન ચાલુ છે, તે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટ ડાઉન (૨૧ દિવસ)નો રૅકોર્ડ ક્યારનો વટાવી ચૂક્યું છે અને કદાચ કદી ન તૂટે એવો રૅકોર્ડ સ્થાપે એવું લાગે છે.  એક અંદાજ પ્રમાણે, અત્યાર સુધીમાં આઠેક લાખ સરકારી કર્મચારીઓને તેની માઠી અસર તરીકે વગર પગારે કામ કરવાનું કે કપાતા પગારે રજાઓ લેવાનું આવ્યું છે.

આ બધું એક એવી દીવાલ માટે, જેની ઠેકડી ઉડાડવામાં ટીવીના કૉમેડી શોવાળાથી માંડીને બીજા અનેક લોકોએ કશું બાકી રાખ્યું ન હતું. લોકપ્રિય રજૂઆતકર્તા John Oliver/ જૉન ઑલિવરે ૨૦૧૬માં તેમનો એક શો ટ્રમ્પની સૂચિત દીવાલ વિશે કર્યો હતો. ત્યારે ટ્રમ્પ પ્રમુખપદના ઉમેદવાર હતા. જૉન ઑલિવરે ટ્રમ્પનાં જુદાં જુદાં ભાષણોના ટુકડા ભેગા કરીને દર્શાવ્યું હતું કે ટ્રમ્પના મનમાં દીવાલનો કેટલો ખર્ચ થશે, તેનો કોઈ ખ્યાલ જ નથી. ટ્રમ્પે ચાર અબજ ડૉલરથી શરૂઆત કરી હતી અને છેલ્લે દસ-બાર અબજ ડૉલરના અંદાજે પહોંચ્યા હતા. એ વિશે માર્મિક ટીપ્પણી કરતાં જૉને કહ્યું હતું કે ટ્રમ્પના અંદાજનો ગાળો (આઠ અબજ ડૉલર) એકાદ નાનકડા દેશના વાર્ષિક જીડીપી જેટલો છે.

ગમ્મતની સાથોસાથ ગંભીર આંકડા માંડીને જૉને દર્શાવ્યું હતું કે ઓછામાં ઓછી ઊંચાઈ (૩૫ ફીટ) પકડીને ચાલીએ અને ટ્રમ્પે કહ્યું હતું તેમ, એ દીવાલ કૉન્ક્રીટ પૅનલ તથા સ્ટીલ કોલમની બનવાની હોય, તો હજાર માઇલની આખી દીવાલ પાછળ નાખી દેતાં ૨૫ અબજ ડૉલરનો ખર્ચ થાય. ત્યાર પછી આવતો તેની જાળવણીનો અધધ ખર્ચ તો અલગ. ધારો કે આટલા ડૉલર બાળ્યા ને દીવાલ કરી, તો પણ ટ્રમ્પ જે સમસ્યાઓની વાત કરે છે તે ઉકલવાની નથી, એ પણ જૉન ઑલિવરે હસતાંહસાવતાં ગંભીર હકીકતો સાથે બતાવી આપ્યું હતું. સરવાળે દીવાલને તેમણે 'બિગ ડમ્બ થિંગ' (મોંમાથા વગરનું તરકટી તોસ્તાન) અને 'ઇમ્પૉસિબલ, ઇમ્પ્રેક્ટિકલ સિમ્બૉલ ઑફ ફીઅર' (ભયના અસંભવિત, અવ્યવહારુ પ્રતીક) જેવી ગણાવી હતી. અને હવે એ જ દીવાલ માટે ટ્રમ્પ ચાર અઠવાડિયાંથી અમેરિકાને શટ ડાઉન કરીને બેસી ગયા છે.

ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પ કહેતા હતા કે દીવાલનો અઢળક ખર્ચ મૅક્સિકોની સરકાર આપશે. પણ મૅક્સિકોના વર્તમાન તથા ભૂતપૂર્વ વડાઓએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આવી વસ્તુ માટે અમે શા માટે નાણાં આપીએ? બે વર્ષ પહેલાં ટ્રમ્પે દીવાલ બાંધવાની વાત કરી ત્યારે કૅલિફૉર્નિયાના એક સાંસદે મશ્કરીમાં કહ્યું હતું કે 'રશિયા તેના માટે નાણાં આપતું હોય તો હું દીવાલની કામગીરીને ટેકો આપું.’ ૨૦૧૮ના ફુટબૉલ વર્લ્ડકપમાં જર્મની વિરુદ્ધ મૅક્સિકોની મૅચના દિવસે જર્મનીના એક અખબારે પહેલા પાને ગોલ પોસ્ટની જગ્યાએ દીવાલ બતાવીને તેની આગળ જર્મન ગોલકીપર ઊભો હોય એવો ફોટો મુક્યો અને રમુજ કરતાં લખ્યું, ‘સૉરી મૅક્સિકો, આજે અમે દીવાલ બાંધીશું.’ એટલે કે તમારો ગોલ થવા નહીં દઈએ. (જોકે, એ મેચમાં જર્મની ૦-૧થી હારી ગયું.)

ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે દીવાલનો વાયદો કરતા હતા, ત્યારે સૌને ઊંડે ઊંડે એવું આશ્વાસન હતું કે બે ઘડી ફિરકી ઉતારવા માટે ઠીક છે, બાકી આવા તરંગી વિચારનો અમલ ક્યાં થવાનો છે? પણ ટ્રમ્પે તેના અમલ માટે ગંભીરતા દાખવી અને અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું શટ ડાઉન ચલાવીને દર્શાવી આપ્યું છે કે ગમે તેવા તુક્કાને હસી કાઢવાનો જમાનો નથી રહ્યો. કોને ખબર? એ તીર બનીને કોને કોને ક્યાં ક્યાં ઘાયલ કરી નાખે. 

Saturday, January 19, 2019

આવજો, જાડીકાકી

ઇન્દુ-તારક મહેતા (ફોટોઃ બિનીત મોદી)
'ઇન્દુ તારક મહેતા'નું સત્તાવાર નામ ધરાવતાં, અમારા મિત્રોનાં 'જાડીકાકી'એ આજે વિદાય લીધી. તારકભાઈ સાથે સંપર્કમાં આવનાર દરેકેદરેક જણને તેમનો પરિચય થાય. જે એકનિષ્ઠાથી તેમણે પોતાનું જીવન ઉત્તરાવસ્થાના તારકભાઈની જરૂરિયાતો-મુશ્કેલીઓ-આનંદોની આસપાસ ગોઠવ્યું, તે જોવાલાયક હતું. છેલ્લા બે-એક દાયકામાં તારકભાઈની વિશેષ નજીક આવવાનું થયું, ખાસ કરીને મિત્ર બિનીત મોદીને કારણે વધારે સહજતાથી, તેમાં જાડીકાકીની ઉષ્માનો પણ ફાળો નોંધપાત્ર હતો. (તારકભાઈ તેમને પ્રેમથી જાડી કહીને બોલાવતા, એટલે અમે મિત્રોએ તેમને 'જાડીકાકી' કહેતા.)

તારકભાઈ એકદમ ઓલિયા જીવ. ખટપટોથી પર. તેમની દુનિયાદારીનો મોરચો કાકીએ પૂરી ચોંપચીવટથી અને જરૂર પડ્યે કડકાઈથી સાચવી જાણ્યો. નાટ્યક્ષેત્રે તારકભાઈના સિનિયર જયંતિ પટેલ 'રંગલો'એ કાકીનું નામ 'ચીનની દીવાલ' પાડ્યું હતું. (આ માહિતી કાકીએ જ આપી હતી.) પટેલના કહેવાનો અર્થ એ હતો કે તારકભાઈ સુધી પહોંચવું હોય, તો 'ચીનની દીવાલ' ઓળંગવી પડે. પરંતુ આટલાં વર્ષોના તેમની સાથેના સંપર્કમાં અમને તેમના દીવાલપણાનો અનુભવ કદી ન થયો. અમને તો એ હંમેશાં ખુલ્લા દરવાજાસ્વરૂપ જ મળ્યાં. તેમણે અમને છોકરાઓને-બિનીતને, મને, પ્રણવને--હંમેશાં પ્રેમથી આવકાર્યા અને ઇચ્છ્યો એવો સહકાર આપ્યો. પ્રેમ આપ્યો.
તારકભાઈની એંસીમી વર્ષગાંઠની પાર્ટીમાં ઇન્દુ તારક મહેતા
મહેમાનગતિ તો જાડીકાકીની જ. પોતે ખાણીપીણીનાં જબરાં શોખીન. શરીર સાથ આપતું ન હતું ત્યારે પણ અમુક વાનગી અમુક પ્રકારની જ જોઈએ, અમુક નાસ્તો અમુક ઠેકાણાનો જ જોઈએ, એવા આગ્રહો રાખતાં અને પાળતાં. અવાજના મોડ્યુલેશન (આરોહઅવરોહ) પર તેમનો જબરો કાબુ હતો. આપણા નામ સાથે ચા-નાસ્તાની સૂચના આપતી વખતે, નામવાળો ભાગ નરમાશથી ને સૂચનાવાળો ભાગ હળવા સત્તાવાહી અવાજે એ સહેલાઈથી બોલી શકતાં. તેમને ત્યાં અજબગજબનો નાસ્તો મળે. થોડા વખત પહેલાં તેમને અતુલભાઈની હોસ્પિટલમાં રાખેલાં ત્યારે તેમને મળવા ગયો. એમ સ્વસ્થ હતાં. થોડી વાર બેઠો એટલે તેમણે ડબ્બા ખોલાવવાની તૈયારી કરી. સ્વાભાવિક રીતે જ મેં આનાકાની કરી અને હસતાં હસતાં કહ્યું, 'દવાખાનામાં પણ?' દવાખાનું ઘરનું હતું, એટલે નાસ્તાનો સરંજામ પણ ઘર જેવો જ હતો. બીજો નાસ્તો ન કર્યો, તો શક્કરટેટી પરાણે આપી જ આપી.

થોડા વખત પહેલાં જ્યોતીન્દ્ર દવેના એંસી વટાવી ચૂકેલા પુત્ર પ્રદીપભાઈ અને તેમનાં પત્ની રાગિણીબહેન અમદાવાદ આવ્યાં હતાં. જ્યોતીન્દ્ર દવેના મારા કામ નિમિત્તે તેમની સાથે ગાઢ પરિચય. તેમને મળ્યો ને પૂછ્યું, ત્યારે તેમણે ઇન્દુબહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કારણ કે જ્યોતીન્દ્ર દવેને તારકભાઈ ગુરુ ગણે અને મુંબઈમાં નવયુગનગર- ફૉર્જેટ હિલના ફ્લેટમાં એ લોકો ઉપર-નીચે રહે. એટલે એ બંનેને લઈને ઇન્દુકાકીને ત્યાં પહોંચ્યા. શાંતિથી એકાદ કલાક બેઠાં. ગપ્પાંગોષ્ઠિ કરી.
પ્રદીપ જ્યોતીન્દ્ર દવે, ઇન્દુ તારક મહેતા, રાગિણી પ્રદીપ દવે, ઑક્ટોબર ૨૦૧૮
તારકભાઈ હતા ત્યારે અને ત્યાર પછી પણ કાકીને મળીએ ત્યારે વાતચીતના ઘણા વિષયોમાં એક રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) વિશેની તેમની લાગણી અને બીજો પ્રદીપભાઈ-રાગિણીબહેનના કંઈ સમાચાર હોય-હું મળ્યો હોઉં તો એ વિશે વાત થાય. બીરેન પરિવારના, મારા પરિવારના અને બીજા મિત્રોના પણ ખબરઅંતર પૂછે.

તબિયત તો તેમની ઘણા વખતથી ગયેલી હતી. પણ તારકભાઈ હતા ત્યાં સુધી તેમની સારસંભાળમાં એવાં પરોવાયેલાં કે ટકી ગયાં. પ્રશ્નો તો વધતા હતા. પણ એ ટકેલાં. તારકભાઈના ગયા પછી મળીએ ત્યારે થતી ઘણી વાતોમાં તેમની ધાર્મિક શ્રદ્ધાની અને ધાર્મિક યાત્રાઓની વાતો પણ હોય. હું પરંપરાગત ધર્મ કે મંદિર ઇત્યાદિમાં રસ ધરાવતો નથી,  તેની એમને ખબર. એવો ઇશારો પણ એ એકાદ લીટીમાં આપે. (ત'મે તો જો કે આમાં નહીં માનતા હો') છતાં, મને તેમને સમજવા માટે થઈને પણ એ વાતો સાંભળવામાં રસ પડે. શીલા ભટ્ટ આવ્યાં હોય ને બંને જણ ક્યાંક સાથે ફરવા નીકળી ગયાં હોય, તો એની વાત કરે. તારકભાઈએ તેમની હયાતિમાં ઘણાં પુસ્તક આપ્યાં, તેમ તારકભાઈના ગયા પછી પણ કાકીએ બે-ત્રણ વાર ખાસ પુસ્તકો માટે બોલાવીને, જે જોઈએ તે લઈ જવા કહ્યું. બીજા વાચનપ્રેમી મિત્રો, ખાસ કરીને ઇશાન ભાવસાર-વિશાલ પટેલને પણ તે કહેતાં. અને બિનીત તો ખરો જ. અમારું ત્યાં જોઈન્ટ અકાઉન્ટ જેવું હતું. પણ બિનીત-શિલ્પાએ અમદાવાદમાં અને પ્રમાણમાં ઘરની નજીક હોવાને કારણે તેમની ઘણી સેવા કરી. ઘણી વાર વેળાકવેળા જોયા વિના.
(ઇન્દુબહેન, બિનીત મોદી, તારક મહેતા, વિનોદ ભટ્ટ, નલિની ભટ્ટ, ૨૦૦૯)
છેલ્લે તારકભાઈનાં પુત્રી ઇશાનીબહેને અને તેમનાં મિત્ર ગિની માલવીયાએ તારકભાઈ વિશેના લેખોનું સંપાદન કર્યું, તેના આમંત્રણ માટે જાડીકાકી સાથે વાત થઈ હતી. હું એ દિવસોમાં બહારગામ હતો. એટલે મળાયું નહીં. અને પછી મળાય તે પહેલાં કાકી ઉપડી ગયાં. પ્રિય વ્યક્તિઓ-વડીલો જાય એનું દુઃખ તો હોય જ, અમદાવાદમાં એક ઘર બંધ થયું તેનો પણ રંજ હોય. પણ તેમને પીડાવું ન પડે અને મુક્તિ મળે તેનો આનંદ પેલા દુઃખ કરતાં વધારે હોય.