Thursday, July 31, 2014

દેખો ‘મગર’, પ્યારસે

ચોમાસાની સીઝનમાં ન બનવા જેવું ઘણું બનતું હોય છે :

ગયા ચોમાસે ધોવાઇ ગયેલા ને લાખો રૂપિયાના ખર્ચે રીસરફેસ થયેલા રોડ ફરી એક વાર ધોવાઇ જાય છે, થોડા વરસાદમાં આપણાં ગૌરવવંતાં, વિકસિત શહેરો ‘જળબંબાકાર’ થઇ જાય છે, મોંઘાદાટ ફ્‌લેટ કે બંગલામાં રહેતા માલેતુજારોને બહાર પાર્ક કરેલી કાર સુધી પહોંચવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે,..

વરસાદ આવવાનો થાય ત્યારે જ શરૂ થયેલાં ખોદકામ વરસાદને કારણે અઘૂરાં રહી જાય છે અને સામાન્ય રાહદારીઓને-વાહનચાલકોને વિના મૂલ્યે એડવેન્ચર સ્પોર્ટ્‌સની તકો મળે છે, લોકશાહીના બાદશાહોએ બંધાવેલાં તળાવ ખાલી રહે છે ને આ જ બાદશાહો પ્રેરિત વિકાસને કારણે તળાવ ન હોય ત્યાં ઠેર ઠેર તળાવડાં ભરાઇ જાય છે,..

વિશ્વભરમાં દુર્લભ એવી ‘ટુ-ઇન-વન ટેકનોલોજી’થી ગુજરાતી ઇજનેરોએ બાંધેલા અન્ડરપાસ ચોમાસામાં છલોછલ ભરાઇને સ્વિમિંગ પુલનું કામ આપે છે, માણસોની છત્રીઓ જ નહીં, મ્યુનિસિપાલિટીના આખેઆખા મોનસુન પ્લાન કાગડો થઇ જાય છે, સરકારની સૂચિત ‘પંડિત દીનદયાળ ચતુષ્ચક્રી-જલોદ્ધાર અનૌપચારિક ચોમાસુ રોજગાર યોજના’ અંતર્ગત,પાણીમાં અટકેલી મોટરગાડીઓને રસ્તા પરથી બહાર કાઢવાની પ્રવૃત્તિ ફૂલેફાલે છે,..

અમદાવાદ જેવા મેગાસીટીમાં જોવાલાયક સ્થળો કરતાં રસ્તા પર પડેલા ભૂવા વધારે પ્રખ્યાત બને છે અને તેમને કહેવતોમાં સ્થાન આપી શકાય છે. જેમ કે, ‘રાણીકી વાવ ને યુનિવર્સિટીનો ભૂવો, ન જોયો એ જીવતો મૂઓ’...

ન બનવા જેવી પણ દર ચોમાસે બનતી ઘટનાઓની આ લાંબી યાદીમાં બાથરૂમમાં ઘૂસી ગયેલા મગરની વાતનો શો હિસાબ? એ સમાચાર ઓછામાં ઓછા નુકસાનકારક લાગી શકે છે. બાથરૂમમાં મગર ઘૂસી જાય તેમાં ‘સત્તાવાળા’નો દેખીતો કશો વાંક નથી, ‘મગરોમાં કુટુંબનિયોજનનો યોગ્ય પ્રસાર ન કરવાને કારણે તેમની વસ્તી વધી અને રહેણાક વિસ્તાર ઘટ્યા. પરિણામે તેમને છેક માણસોના બાથરૂમ સુધી નજર દોડાવવા પડી’ - એવી થિયરી આપી શકાતી નથી. મગરને રહેણાંક વિસ્તારના બાથરૂમમાં છોડવામાં આઇ.એસ.આઇ., જમાત-ઉદ્‌-દાવા કે પછી સી.આઇ.એ.ને રસ હોય એવું પણ હજુ સુધી જણાયું નથી. મતલબ કે, બાથરૂમમાંથી પકડાયેલો મગર પૂરા સાનાભાન સાથે, બિનકેફી અવસ્થામાં, ધાકધમકી વિના બાથરૂમમાં આવ્યો હશે એવું માનવું રહ્યું.

એક મગર બાથરૂમમાં ધૂસી ગયો, એવા સમાચારની સાથે બાથરૂમ-નશીન મગરની તસવીર પણ છપાઇ હતી. એ જોઇને પહેલો સવાલ એ થાય કે મગરે બાથરૂમમાં ઘૂસ કેમ મારી હશે? નવી સરકારના રાજમાં મોંઘવારીથી માંડીને અમિત શાહની પક્ષપ્રમુખપદે વરણી સુધીનું બઘું રાષ્ટ્રહિતમાં હોય, કોને ખબર? મગરે પણ કદાચ રાષ્ટ્રહિતમાં જ બાથરૂમનું શરણું લીઘું હોય. કહેવાય નહીં.

ગુજરાતમાં ઘણા લોકોને ‘દિવાનખાનામાં રહેલો હાથી’ ન જોવાની લાંબી પ્રેક્ટિસ છે. એ જ પ્રમાણે ‘બાથરૂમમાં રહેલા મગર’ને પણ એ લોકો અવગણશે એમ ધારીને મગર બાથરૂમમાં ધૂસી ગયો હોય એવું બને. અલબત્ત, આરોપી નેતાઓની જેમ બાથરૂમમાં ઝડપાઇ ગયેલા મગરના ચહેરા પર ક્ષોભ, સંકોચ, અફસોસ કે મૂંઝવણ જેવા કોઇ ભાવ જોવા મળ્યા ન હતા. તે હસતો હોવાનો ભાસ કેટલાક લોકોને થયો હતો. પછી સમજાયું કે એના દાંતની વિશિષ્ટ ગોઠવણને કારણે એવું લાગે છે.

સાપના કિસ્સામાં ‘મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. માટે એકદમ ગભરાઇ જવું નહીં’ એવું આશ્વાસન શક્ય છે, પરંતુ મગરના મામલે એ વ્યવસ્થા હોતી નથી- સિવાય કે મગર દાંત વગરનો હોય. પણ પ્રાણીશાસ્ત્રમાં દાંત વગરના- અને શરીરરચનામાં થોડા ફેરફાર સાથેના- મગરને અજગર કહેવામાં આવે છે.

દાંતવાળો મગર સીધી અવસ્થામાં હોય ત્યારે એલિસબ્રિજમાંથી ચૂંટણી લડતા ભાજપી ઉમેદવાર જેવો- અજેય- લાગે છે, પરંતુ તે ઉંધો થઇ જાય તો તેની દશા એલિસબ્રીજથી ચૂંટણી લડતા કોંગ્રેસી ઉમેદવાર જેવી થાય છે. કાળા માથાના માણસ માટે સૌથી મોટો સવાલ તેને ઉંધો કેમ કરવો, એ હોય છે. થોડી જાણકારી ધરાવતા લોકો કહે છે, ‘મગરના પેટનો ભાગ એટલો નરમ હોય છે કે તે ઉંધો પડી જાય પછી તો તેને ટાંકણીથી પણ મારી શકાય.’ આવા લોકો જોકે મગરને ઉંધો કેમ પાડવો, એ વાત આવતાં આઘાપાછા થઇ જાય છે.

મગર ઉભયજીવી પ્રાણી છે, પણ એ બાથરૂમજીવી છે કે નહીં એ હજુ નક્કી થયું નથી- અને એ પાલતુ તો નથી જ. એટલે બાથરૂમમાં મગરને જોઇને માણસને ફાળ પડે છે. નહાઇને બાથરૂમની બહાર આવતા ઘણા લોકોની દેહયષ્ટિ જોયા પછી, બાથરૂમમાં રીંછ જોવાની માણસોને નવાઇ હોતી નથી, પણ મગર? એની પર નજર પડતાં, જોનારને પોતાની સગી આંખ પર વિશ્વાસ નહીં પડ્યો હોય. ‘બાથરૂમમાં મગર ક્યાંથી આવ્યો?’ એવા સવાલથી પણ પહેલાં ‘મેં છેલ્લે ચશ્માના નંબર ક્યારે ચેક કરાવ્યા હતા?’ એવો વિચાર આવી શકે છે.

એમાં પણ, બાથરૂમમાં  મગરનું દૃશ્ય સવારના પહોરમાં જોવા મળ્યું હોય તો એવું જ લાગે કે હજુ સપનું ચાલે છે, બાથરૂમમાં મગર આવ્યો છે, એ મારો પગ મોઢામાં લે છે, હું આર્દ્ર  સ્વરે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરું છું, બાથરૂમની છત તોડીને ભગવાન આવે છે અને ગજેન્દ્રમોક્ષની જેમ મારો પણ મોક્ષ કરાવે છે, પછી હું બાથરૂમની તૂટેલી છત રીપેર કરાવવા માટે કડિયો શોધવા નીકળું છું...ને મને મગરના મોંમાં પગ હતો એ સ્થિતિ સારી લાગવા માંડે છે...

- પરંતુ આંખો ચોળ્યા પછી યાદ આવે છે કે આ સ્વપ્ન નહીં, હકીકત છે. એટલે કાલીય નાગની રાણીની જેમ માણસને વિચાર આવે છે કે નક્કી આ મગર મારગ ભૂલ્યો હશે અથવા તેના વેરીએ તેને અહીં મોકલ્યો હશે. એ મગર નર હોય તો એવું પણ ધારી શકાય કે કોઇ વેરીએ નહીં, તેની મગરીએ જ તેને મોકલ્યો હોય કે ‘એક વાર માણસ જાતની બાથરૂમ તો જોઇ આવ. એમાં સ્ત્રીઓ કેવાં જાતજાતનાં પ્રસાધનો વાપરે છે? અને તું કુદરતી-કુદરતીની માળા જપ્યા કરે છે.’ એટલે ચૂંટાયેલા સભ્યો જેમ ‘અભ્યાસ માટે’ વિદેશપ્રવાસો કરે છે, એમ નર મગર અભ્યાસાર્થે બાથરૂમમાં ધૂસ્યો હોય. ‘શરમ’ની જેમ ‘મગર’ને પણ કાનો-માત્ર હોતા નથી. એટલે એ કોઇની બાથરૂમમાં બેધડક ધૂસી ગયો- એવું નિદાન પણ કેટલાક જાણકારોએ કર્યું છે.

આ મગર વેળાસર ઘરે પાછો નહીં ફરે તો તેનાં કુટુંબીજનો જાહેરખબર આપશે? ‘તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તને કોઇ વઢશે નહીં, તારી મમ્મી બે દિવસથી હાલ્યા-ચાલ્યા વિના કાંઠે પડી રહી છે ને તારી પત્ની (ઑફ કોર્સ, મગરનાં) આંસુ સારે છે...’

દરમિયાન, ‘પોઝિટીવ થિંકિંગ’ના ક્લાસ ભરતા ને તેનાં થોથાં વાંચતા લોકો બાથરૂમમાં ધૂસેલો મગર જોઇને એ વાતે રાજી થઇ શકે છે કે એ દીપડો નહીં, મગર હતો. 

Tuesday, July 29, 2014

ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ (૨) : અંતિમવાદનાં માઠાં ફળ

ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાઇલે કરેલા હવાઇ અને જમીની આક્રમણમાં ગાઝાના ૮૪૦ લોકો માર્યા ગયા. ઇઝરાઇલના પક્ષે ખુવારી : ૩૫ સૈનિકો, બે ઇઝરાઇલી નાગરિકો અને થાઇલેન્ડનો એક કામદાર. કુલ ૩૮. (૨૫-૭-૧૪ સુધીનો આંકડો)

ગાઝામાં ‘હમાસ’ના લોકોની સાથોસાથ મોટી સંખ્યામાં નિર્દોષોનાં-બાળકોનાં મૃત્યુ બાબતે ઉહાપોહ થઇ રહ્યો છે, ત્યારે ‘વૉલસ્ટ્રીટ જર્નલ’માં એક લેખકે એવી દલીલ કરી કે ‘જે લોકો હમાસ જેવા ત્રાસવાદી સંગઠનને ચૂંટીને સત્તા સોંપે, રક્તરંજિત ત્રાસવાદીઓને ભેળા બેસાડીને જમાડે અને પોતાના ઘરમાં તેમના અડ્ડા સ્થાપવા દે એવા લોકો ‘સિવિલિયન’ (નિર્દોષ નાગરિક) ગણાવાનો અધિકાર ગુમાવી બેસે છે...આવું કરનારા પોતે જ પોતાની જાતને નિશાન બનાવે છે.’ ટૂંકમાં, ઇઝરાઇલી હુમલામાં એ લોકો મરે તો મરે. એમાં કકળાટ કેવો? આ લેખકે ન્યાયના આભાસ ખાતર એટલું કહ્યું કે ‘કેટલાક નિર્દોષો મરે છે ખરા- અને તેમનું શું કરવું એ ઇઝરાઇલ માટે ‘ડીપેસ્ટ મૉરલ ડાયલેમા’ -ગંભીરતમ નૈતિક અવઢવ છે.’ પણ મોટા ભાગના મૃતકો તેમને ‘હમાસ’ના મળતિયા અને એ કારણથી મોતને લાયક લાગ્યા.

શીરાની જેમ ગળે ઉતરી જાય એવી દલીલનો પાયો કાચો છે. ગાઝાના લોકોએ હિંસાવાદી સંગઠન ‘હમાસ’ને ૨૦૦૬માં ચૂંટ્યું એ ખરું. ગાઝામાં રહેતા ઘણા લોકો ‘હમાસ’ પ્રત્યે છૂપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવતા હશે એ પણ સાચું. પરંતુ આ બધા વચ્ચે માત્રાભેદ પાડ્યા વિના, તેમનાં મોતને લગભગ વાજબી ઠરાવવામાં ન્યાયબુદ્ધિ તો ઠીક, પ્રમાણભાનનો પણ અભાવ લાગે છે.

વધારે મહત્ત્વનો મુદ્દો : ૧૯૭૦ના દાયકાના અંતમાં ‘હમાસ’ની માતૃસંસ્થા ‘મજમા અલ-ઇસ્લામિયા’નો ઉદ્‌ભવ અને વિકાસ થયો. તેને ઇઝરાઇલનું સમર્થન હતું. એ વખતે યાસર અરાફતની આગેવાની હેઠળના ધર્મનિરપેક્ષ સંગઠન ‘ફતહ’ (‘હરકત અલ-તહરીર અલ-વતની અલ-ફિલિસ્તિની’ની અવળી ટૂંકાક્ષરી)નું વર્ચસ્વ હતું. તેની સામે ઇઝરાઇલે ‘મજમા અલ-ઇસ્લામિયા’ અને તેના વડા શેખ યાસીનને પ્રોત્સાહન આપ્યું. આગળ જતાં એ જ સંગઠનની ધાર્મિક કટ્ટરતામાંથી હિંસાખોર ‘હમાસ’નો જન્મ થયો. આજની તારીખમાં શેખ યાસીન ‘હમાસ’ માટે પ્રેરણામૂર્તિ છે. એટલું જ નહીં, ‘હમાસ’ના કેટલાંક દેશી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડનું નામ ‘યાસીન’ આપવામાં આવ્યું છે.

(અફઘાનિસ્તાનમાં ઘુસેલા રશિયન સૈન્ય સામે લડવા માટે અમેરિકા ઓસામા બિન લાદેનને પાંખમાં લે અને રશિયાની અફઘાનિસ્તાનમાંથી વિદાય પછી એ જ લાદેન વખત જતાં અમેરિકાનની સામે પડે, કંઇક એવો ઘાટ ઇઝરાઇલ અને શેખ યાસીનની બાબતમાં થયો.)

તો લેખકના તર્ક પ્રમાણે, હમાસની માતૃસંસ્થાને પોષણ-ઉત્તેજન આપવું, એ હમાસને ચૂંટવા કરતાં વધારે મોટો ગુનો ન ગણાય?  અને એ સંસ્થાનું ફરજંદ ‘હમાસ’ રોકેટો છોડીને નિર્દોષ ઇઝરાઇલીઓના જીવ જોખમમાં મૂકે તો, નિર્દોષ ઇઝરાઇલીઓ એ જ દાવના ન કહેવાય?

પણ આ તારણ વાજબી કે ન્યાયી નથી. તર્કને સગવડ પ્રમાણે મરોડવાથી કેવું પરિણામ આવે, એ દર્શાવવા પૂરતું જ તેને અહીં મૂક્યું છે. ખેદની વાત એ છે કે કુતર્ક લડાવવામાં અને હિંસાખોરી આચરવામાં ‘હમાસ’ અને ઇઝરાઇલી સરકાર એક સિક્કાની એક જ બાજુએ છે.

છેલ્લો મુદ્દો ઇઝરાઇલના કથિત ‘ડીપેસ્ટ મૉરલ ડાયલેમા’નો. પૅલેસ્ટાઇન મુદ્દે આરંભથી ઇઝરાઇલનું વલણ કોઇ પણ ભોગે પોતાનું ધાર્યું કરવાનું રહ્યું છે. હા, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા કેટલાક યહુદીઓ અલાયદા યહુદી રાષ્ટ્રની તરફેણમાં હોવા છતાં, ‘આરબોની બાદબાકીવાળા, સુવાંગ યહુદી રાજ્ય’ બાબતે ‘મૉરલ ડાયલેમા’ અનુભવતા હતા. ઇઝરાઇલતરફી હિંસાવાદીઓએ નિર્દોષ આરબો પર કરેલા હુમલા અને હત્યાકાંડથી તેમને દુઃખ થતું હતું. તેમનો ઝુકાવ આરબો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ તરફ હતો, જે તત્કાલીન ઇઝરાઇલ અને આરબો- બન્નેનેે નામંજૂર હતો.

સંકુચિત ઘ્યેયનિષ્ઠા

ગયા સપ્તાહે આપણે જોયું કે સદીઓથી જ્યાં આરબો વસતા હતા, એ ભૂમિમાં યહુદીઓએ ધીમે ધીમે અને આયોજનપૂર્વક વસવાનું શરૂ કર્યું. ધાર્મિક કારણથી તે પેલેસ્ટાઇનને હજારો વર્ષ પહેલાંની પોતાની ભૂમિ માનતા હતા અને તેને હસ્તગત કરવાનો પોતાનો અધિકાર સમજતા હતા. આરબો વગરનું ઇઝરાઇલ કેટલાક અંતિમવાદી યહુદીઓનું આખરી ઘ્યેય હતું. પોતાના સૈન્યબળ અને બ્રિટન-અમેરિકા જેવી વૈશ્વિક સત્તાઓના આશીર્વાદથી તેમણે એ ઘ્યેય ઘણી હદે પાર પાડ્યું અને ૧૯૪૮માં ઇઝરાઇલની સ્થાપના કરી. પૅલેસ્ટાઇનમાં સદીઓથી રહેતા લોકો એ જ ભૂમિમાં પરાયા બન્યા.

ઇઝરાઇલના સળંગ નકશામાં વચ્ચે આવતા બે વિસ્તાર- વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ- ત્યારે અનુક્રમે જોર્ડન અને ઇજિપ્તના તાબામાં હતા. બાકીના પૅલેસ્ટાઇન પર ઇઝરાઇલે બળથી કબજો જમાવી દીધો, એટલે આરબોનો મોટો સમુહ ગાઝા અને વેસ્ટ બેન્કમાં પહોંચ્યો અને ત્યાં વસ્યો. તેમાંના ઘણાખરાને ઇઝરાઇલી આક્રમણના પગલે પોતાનાં અસલનાં ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું અને ગાઝા સ્ટ્રીપ- વેસ્ટ બેન્કના પ્રમાણમાં નાના વિસ્તારમાં ખીચોખીચ ભરાવું પડ્યું હતું. તેમના મનમાં ઇઝરાઇલીઓ માટે કેવો ધીક્કાર હતો અને એ શા માટે હતો, તેનો અંદાજ ઇઝરાઇલના લશ્કરી વડા અને યુદ્ધનાયક મોશે દાયાનના શબ્દો પરથી જાણી શકાય છે.

૧૯૫૬માં યહુદીઓની એક સામુહિક વસાહત (કિબુત્ઝ) પર પેલેસ્ટાઇન-તરફીઓએ કરેલા હુમલામાં એક સલામતી રક્ષક મૃત્યુ પામ્યો. તેને અંજલિ આપતાં મોશે દાયાને કહ્યું હતું,‘દોષનો ટોપલો આપણે હત્યારાઓના શિરે ન ઢોળીએ...એ લોકોના (આરબોના) મનમાં આપણા માટે રહેલા ભડભડતા ધીક્કારને શા માટે વખોડવો? આઠ-આઠ વર્ષથી એ લોકો ગાઝાની શરણાર્થી વસાહતોમાં રહે છે. જે જમીન અને ગામમાં એ લોકો અને તેમના બાપદાદા વસતા હતા, એને તેમની નજર સામે આપણે આપણી જાગીરમાં તબદીલ કરી રહ્યા છીએ.’ અલબત્ત, મોશે દાયાનની વાતમાં અન્યાયનો આડકતરો સ્વીકાર હોવા છતાં, અફસોસનો અંશમાત્ર ન હતો. ‘આપણી પેઢીની આ નીયતી છે’ અને ‘સજ્જ-મજબૂત નહીં રહીએ તો રહેંસાઇ જઇશું’ એવું તે દૃઢપણે માનતા હતા અને એ જ પ્રમાણે વર્તતા રહ્યા.

ઇઝરાઇલ અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારથી જ એક સમીકરણ એવું બેસાડી દેવામાં આવ્યું કે ‘ઇઝરાઇલ માટે દરેક લડાઇ અસ્તિત્ત્વની લડાઇ છે. એ લડે નહીં તો ખતમ થઇ જાય. માટે, એની પર યુદ્ધખોરીનો આક્ષેપ ન મૂકી શકાય.’

આ દલીલમાં તથ્ય છે. છતાં, એ સંપૂર્ણપણે સાચી નથી. આ દલીલ થાય ત્યારે એ કદી ભૂલાવું ન જોઇએ કે ઇઝરાઇલે બીજાના અધિકારો પર તરાપ મારીને પોતાનું અસ્તિત્ત્વ ઊભું કર્યું છે. પહેલી નજરે નિર્દોષ લાગતો એવો સવાલ પૂછવામાં આવે છે કે ‘શું કોઇ દેશને પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો અધિકાર પણ નથી?’ પરંતુ તેની પહેલાં અચૂકપણે પૂછાવો જોઇતો- અને મોટે ભાગે ન પૂછાતો- સવાલ એ છે કે ‘શું કોઇ પ્રજાને સદીઓથી પોતે જ્યાં રહેતા આવ્યા છે એવી જગ્યા પર અગાઉની જેમ જ, પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો અધિકાર નથી?

રહી વાત ઇઝરાઇલની ‘મર્દાનગી’ અને તેના યુદ્ધકૌશલ્યની. તેને આ સંદર્ભો બાજુ પર રાખીને કેવળ યુદ્ધકથા તરીકે જોતાં, એ પ્રશંસનીય કે જોરદાર લાગી શકે. પરંતુ એ વાર્તારસની વાત થઇ. તેના આધારે ઐતિહાસિક ઘટનાક્રમનું કે ન્યાય-અન્યાયનું મૂલ્યાંકન કરી ન શકાય.

એક દલીલ એવી થાય છે કે આરબો પૅલેસ્ટાઇનમાં સદીઓથી રહેતા હતા, તો યહુદીઓ પણ પાંચેક પેઢીથી પૅલેસ્ટાઇનમાં રહેવા લાગ્યા હતા. એ દૃષ્ટિએ પૅલેસ્ટાઇન જેટલું આરબોનું, એટલું જ પાંચ પેઢીથી વસતા યહુદીઓનું પણ ન કહેવાય?  બેશક કહેવાય. પરંતુ યહુદીઓનો પૅલેસ્ટાઇન પરનો દાવો પાંચ પેઢીના વસવાટને આધારે નહીં, એ હજારો વર્ષ પહેલાં પોતાનું વતન હતું, એ કારણથી હતો.

પૅલેસ્ટાઇનમાં યહુદીઓના વસ્તીવધારાના આંકડા જોવાથી આ હકીકત સ્પષ્ટ થઇ જશે. ત્યાં યહુદીઓનો વસ્તીવધારો સ્વાભાવિક ક્રમમાં નહીં, પણ પૅલેસ્ટાઇનને પોતાનું હજારો વર્ષ પહેલાનું વતન ગણીને, ત્યાં ઠલવાતા યહુદીઓને આભારી હતો. ૧૯૨૨માં પૅલેસ્ટાઇનમાં આશરે ૮૦ હજાર યહુદીઓ હતા, પરંતુ ૧૯૩૯ સુધીમાં તેમાં બીજા ૩.૭૦ લાખ યહુદીઓ ઉમેરાઇ ચૂક્યા હતા. ૧૯૩૯થી ૧૯૪૮ સુધીના ગાળામાં વઘુ ૩.૦૮ લાખ યહુદીઓ પૅલેસ્ટાઇન આવ્યા. ૧૯૪૮થી ૧૯૫૧ સુધીમાં બીજા ૬.૪૫ લાખ યહુદીઓ ઇઝરાઇલ પહોંચ્યા. (તમામ આંકડા : જ્ઞાનગંગોત્રી શ્રેણી, ભાગ-૮, વિશ્વદર્શન- અદ્યતન ઇતિહાસ, પૃ. ૩૧૯-૨૦) તેમનું આખરી ઘ્યેય આરબો સાથેનું શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ નહીં, આરબરહિત યહુદી રાષ્ટ્રનું હતું, જે સ્વાભાવિક રીતે આરબોને નાકબૂલ હતું.

આરબોએ અપનાવેલા હિંસાખોરીના રસ્તાને લીધે કાતીલ વિષચક્ર સંપૂર્ણ બન્યું. હિંસાનો આશરો લઇને ઇઝરાઇલનું અસ્તિત્ત્વ ભૂંસી નાખવાના આરબોના અને ઇજિપ્ત, સિરીયા, જોર્ડન જેવા પાડોશી રાષ્ટ્રોના પ્રયાસો સદંતર નિષ્ફળ ગયા. ઇઝરાઇલ સામે યુદ્ધમાં તેમને કારમા પરાજય વેઠવા પડ્યા. એ નિષ્ફળતાથી આરબોને હિંસક કાર્યવાહીની વ્યર્થતા સમજાઇ હોત તો, લાંબા ગાળે વિષચક્ર અટકી શક્યું હોત. પરંતુ એવું બન્યું નહીં. માટે, વર્તમાન સંજોગોમાં કોઇ એક પક્ષ સદંતર નિર્દોષ અને કોઇ એક પક્ષ સદંતર દોષી, એવા સ્પષ્ટ ભાગ પાડી શકાય એમ નથી. 

Friday, July 25, 2014

એક અમેરિકન ગુજરાતીનો વડાપ્રધાનને પત્ર

વડાપ્રધાન મોદીનું અમેરિકા જવાનું નક્કી થયું ત્યારથી ‘ત્યાં’ના  ગુજરાતીઓ ભારે ઉત્સાહમાં છે. કેટલાકનો ઉત્સાહ તો એટલો બધો છે કે ઉત્સાહના માર્યા તે અંદરોઅંદર લડી પડે છે. તેમનું ચાલે તો સાત સમંદર પારથી તે હવામાં રેડ કાર્પેટ પથરાવે. (માાણસ હવામાંથી પૂર્વગ્રહો મેળવી શકતો હોય ને હવામાંથી અહોભાવ કેળવી શકતો હોય, તો હવામાં રેડ કાર્પેટ પથરાવવાના વિચારથી હસવું ન આવવું જોઇએ.)

શાળામાં મહેમાન આવવાના હોય ત્યારે બાળકો જેમ સ્વાગત ગીત રજૂ કરવા - અને તેમાં શક્ય હોય તો પોતાની કળા દેખાડવા- થનગનતાં હોય, કંઇક એવી મનોસ્થિતિ ઘણા અમેરિકન ગુજરાતીઓની લાગે છે. તેમના ઉભરાતા હરખને ઘ્યાનમાં રાખતાં, તેમના દ્વારા આયોજિત કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં ‘અમાલા વાલા વાલા વડાપ્લધાનના લીસેપ્શનમાં જલુલથી આવજો’ એવો ‘ટહુકો’ હોય તો નવાઇ ન લાગવી જોઇએ.

અમેરિકાના ગુજરાતીઓમાં વ્યાપેલી ઉમળકાની છોળો જોયા પછી ભારતના ઘણા મોદીપ્રેમીઓ ચિંતામાં પડ્યા છે. તેમને બીક છે કે અમેરિકાના ગુજરાતીઓ વડાપ્રધાનને પાછા જ ન આવવા દે તો? અથવા તેમના બદલામાં ઓબામાને ભારત મોકલી આપવાની એક્સચેન્જ ઑફર આપે તો? કેટલાક અમેરિકન ગુજરાતીઓ એવું પણ ઇચ્છતા હશે કે ન્યૂ યોર્કના બારામાં આવેલી સ્વાતંત્ર્ય દેવીની પ્રખ્યાત મૂર્તિને હટાવીને, ત્યાં વડાપ્રધાન મોદીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અથવા એ શક્ય ન બને તો ત્યાં તેમની થ્રી-ડી હોલોગ્રાફિક ઇમેજ ઊભી કરી દેવી જોઇએ. એમ કરવાથી અમેરિકાની આર્થિક સમસ્યાનો નીવેડો આવી જશે અને અમેરિકાનો ‘વિકાસ’ કરી શકાશે. આવું ખરેખર થાય કે નહીં, એ અગત્યનું નથી. અમેરિકાના ગુજરાતીઓ તેમાં શ્રદ્ધા ધરાવે છે કે નહીં, એ અસલી મુદ્દો છે.

અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતીઓ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજયથી એટલા રાજી થઇ ગયા કે...ના, તેમણે ભારત પાછા આવીને દેશ માટે કંઇક કરી છૂટવાનો નિર્ધાર નથી કર્યો. હાલ પૂરતો અમેરિકામાં ફટાકડા ફોડીને અને મીઠાઇઓ વહેંચીને સંતોષ માન્યો છે.

વડાપ્રધાન મોદીના અમેરિકા-ગમનના સમાચારથી થનગની ઉઠેલા ગુજરાતીઓમાંથી કોઇ ઉત્સાહી જણ તેમને ઉદ્દેશીને પત્ર લખે, તો ? એક હોંશભરી કલ્પના.
*** 
ભારતવર્ષઉદ્ધારક, અમેરિકાવિસાપ્રતિબંધનિવારક,  ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઑફ બીજેપી-નેત્રદીપક, અમિતમોક્ષઅદૃશ્યસંચાલક, માનવઅધિકારસંગઠન પ્રચારઉચ્છેદક, એનઆરજી-મુકુટમણિ પરમ પૂજનીય,પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇસાહેબ મોદીસાહેબ,

તમારો જય હો.

ખબર છે કે હવે ઇન્ડિયામાં રાજાશાહી નથી. પણ અમે તો વફાદાર પ્રજા. રહીએ ભલે અમેરિકામાં, પણ ભારતની અને એમાં પણ તમારી વાત નીકળે એટલે અમારામાં  પડેલી પ્રજાપણાની લાગણી ઉછાળા મારવા લાગે છે ને હૈયું હાથ રહેતું નથી.

વર્ષોથી અમે તમારા અમેરિકા-આગમનની ઝંખના કરીએ છીએ. ન કરે નારાયણ ને આ વખતે તમે ન જીત્યા હોત તો અમે નક્કી કર્યું હતું કે આ વખતે તમારા વિડીયો ભાષણથી નહીં ચલાવી લઇએ- થ્રીડી હોલોગ્રામ તો ઓછામાાં ઓછો જોઇશે. અમે તો એવું પણ વિચાર્યું હતું કે સ્વંયવરમાં સંયોગિતાએ જેમ પૃથ્વીરાજ ચૌહાણના પૂતળાને હાર પહેરાવ્યો હતો, એવી જ રીતે અમે ઠેર ઠેર તમારાં પૂતળાં ઊભાં કરીશું, તેના હારતોરા-પૂજાઅર્ચના કરીશું અને એ બધાં પૂતળાંની ઊંચાઇનો સરવાળો વિશ્વના સૌથી ઊંચા પૂતળાની ઊંચાઇને ટપી જશે. પણ હવે તમે થ્રી-ડી દેહને બદલે સદેહે જ આવો છો એટલે આ સવાલ રહેતો નથી. છતાં, તમારા આગમનની ઐતિહાસિક ઘટનાની યાદ તાજી રહે એ માટે અમે પૂતળાંવાળી સ્કીમ ચાલુ રાખવા વિચારીએ છીએ.

ઓહ, આ લખતાં લખતાં યાદ આવ્યું કે વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું તો હવે તમારું- એટલે કે તમારા આશીર્વાદ સાથે જ બનવાનું છે. તો અમે પ્લાનમાં થોડો ફેરફાર કરીશું અને તમારાં પૂતળાંની ઊંચાઇનો સરવાળો ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ને આંબી જાય, એટલાથી અમે સંતોષ માનીશું. અમે તો તમારી છાપ ધરાવતી ડૉલરની ચલણી નૉટો અને અમેરિકન પોસ્ટની ટપાલટિકિટો જારી કરાવવા પણ ઇચ્છીએ છીએ. તમારા ભવ્ય સ્વાગત કાર્યક્રમમાં અમે મેડોના પાસે ‘મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર’ એ ગીત ગવડાવવા માગીએ છીએ.  અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે બહારના કોઇ પણ મહેમાનના સ્વાગત કાર્યક્રમમાં આ જ ગીત ગવડાવવામાં આવતું હતું. એ ગાવાના મેડોના લઇ લઇને કેટલા ડૉલર લેશે? અને અમારે ડૉલરની ક્યાં ખોટ છે? પણ તમારું સ્વાગત એકદમ ભવ્ય થવું જોઇએ.

તમારા આગમનથી અમારી છાતી ગજગજ ફૂલી રહી છે. બાર વર્ષથી તમારી પરના સાવ ખોટ્ટા આરોપ સાંભળીને અમારા કાન પાકી ગયા હતા. અમને ખબર છે કે ગોધરાકાંડ પછી ગુજરાતમાં બીજું કશું જ બન્યું ન હતું. એનજીઓ, હ્યુમન રાઇટ્‌સ ને મિડીયાએ ગુજરાતને બદનામ કરવા રાઇનો પહાડ બનાવ્યો. બાકી, ૨૦૦૨ પછી ગુજરાતમાં એક પણ વાર રાયટ્‌સ થયા નથી. ફેમિલીમાં એક વાર આ વાત થતી હતી ત્યારે મારા અમેરિકન વેવાઇ બોલ્યા હતા, ‘ખરી વાત છે. ૧૯૪૫ પછી આટલાં વર્ષોમાં એક પણ વાર યહૂદીઓનો સંહાર થયો નથી.’ આવું કહીને એમણે ટીકા કરી કે ટેકો આપ્યો, એ સમજાયું નહીં. એટલે મેં વાત આગળ વધારી નહીં. પણ હું ઘણી વાર વાયબ્રન્ટ ઉત્સવોમાં આવ્યો છું. એટલે જાતમાહિતીથી કહી શકું છું કે ફેક એન્કાઉન્ટરોની આખી વાત ગુજરાતની આંતરરાષ્ટ્રિય બદનામી માટે હતી. એમાં મરનારા ક્યાં કોઇના રાજકીય હરીફ હતા?

ગુંડાઓને પોલીસે ત્રાસવાદી કહીને માર્યા તે માર્યા. ભારત કંઇ અમેરિકા થોડું છે કે ત્યાં સિવિલ રાઇટ્‌સની ને એવી બધી ડેવલપ્ડ કન્ટ્રીઝ જેવી વાતો કરવી પડે? ફેક એન્કાઉન્ટરથી થયેલી બદનામી દૂર કરવા માટે એક તબક્કે અમે અહીં રહ્યાં રહ્યાં એવું પણ વિચાર્યું હતું કે ‘આદરણીય અમિતભાઇ શાહ ફેક એન્કાઉન્ટરપીડિત પોલીસકલ્યાણનિધિ’ની સ્થાપના કરીએ. પણ પછી કેટલાક લોકોએ સમજાવ્યું કે એનાથી બદનામી વધશે. એટલે એ આઇડીયા માંડવાળ કર્યો. એમ તો, તમારા ટેકામાં દિલથી ફાળો મોકલનારા અમારા સર્કલના ઘણા લોકો ચર્ચા કરતા હતા કે ફોરેન ફંડિંગને લીધે ઇન્ડિયામાં બહુ અનિષ્ટ ઊભું થયું છે ને હ્યુમન રાઇટ્‌સવાળા ફાટ્યા છે. એ વખતે એક દોઢડાહ્યો કહે,‘આપણે અહીંથી મોકલીએ એ પણ ફોરેન ફંડિંગ જ કહેવાય’- અને પછી જે એના પર બધા તૂટી પડ્યા છે...

અમે ભલે વતનથી દૂર રહીએ, પણ આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર અમે છોડ્યા નથી. અમેરિકામાં પણ અમે જ્ઞાતિ આધારિત ને પ્રદેશ આધારિત મંડળો બનાવવાની અને અંદરોઅંદર ખેંચતાણ કરવાની ભારતીય પ્રણાલિ ગૌરવપૂર્વક જાળવી રાખી છે. ભારતના અમુક લોકોની ભારત પ્રત્યેની વફાદારી માટે ખાનગીમાં ભલે અમે શંકા સેવતા હોઇએ, પણ અમારી ભારત પ્રત્યની વફાદારી અંગે તમે ખાતરી રાખજો. પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી અહીં સિટિઝન તરીકે રહેવા છતાં, એમાં જરાય ઓટ આવી નથી.

હવે ઇ-મેઇલ, ફેસબુક, ટ્‌વીટર ને વોટ્‌સએપનો જમાનો આવી ગયો છે, પણ આપણા જમાનાના કાગળ જેવો ઓડકાર એમાં આવતો નથી. એટલે તમને કાગળમાં જ મારી લાગણી પાઠવી રહ્યો છું. થોડું હોય એને ઝાઝું બનાવવાનું તમને આમ પણ બહુ ફાવે છે. તો મારું થોડું લખાણ ઝાઝું કરીને વાંચજો.
- લિ. આપનો એનઆરજી ચાહક 

Tuesday, July 22, 2014

ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ : અન્યાય - હિંસાનું વિષચક્ર

ઇઝરાઇલની ‘લડાયકતા’ સરેરાશ ભારતીયો માટે મહદ્‌ અંશે અહોભાવ અને આદરનો વિષય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઇસ્લામના નામે ચાલતા ત્રાસવાદે દુનિયાના ઘણા દેશમાં ઉપાડો લીધો હોય અને ઇઝરાઇલ પણ પૅલેસ્ટાઇનની અંતિમવાદી સંસ્થા ‘હમાસ’ સામે લડી રહ્યું હોય, ત્યારે ઘણા લોકોને ઇઝરાઇલ પ્રત્યે સહાનુભૂતિ જાગે, એ પણ સમજાય એવું છે. એમાં જ્યારે એવું જાણવા મળે કે પૅલેસ્ટાઇનતરફી ‘હમાસ’ના અંતિમવાદીઓ ઇઝરાઇલનાં શહેરો પર છાશવારે રોકેટહુમલા કરે છે, ત્યારે તો ‘લોહી ઉકળી ઉઠે’. એવું જ થાય કે આ લોકોને (‘હમાસ’ના અંતિમવાદીઓને) બરાબર પાઠ ભણાવવો જોઇએ.

ભેળપુરી જેવી નવલકથાઓ દ્વારા મળેલી પ્રચંડ લોકપ્રિયતાને  ગમે તે વાતમાં અનધિકાર ચંચુપાત કરવાનું લાયસન્સ માની લેનાર ચેતન ભગતે ગયા સપ્તાહે ટ્‌વીટર પર લખ્યું, ‘ગાઝામાં જે થઇ રહ્યું છે તે અયોગ્ય છે, પણ કેટલીક વાર આ એક જ રીતે ત્રાસવાદી સંગઠનો અને તેમના ટેકેદારો સખણા રહેવાનું શીખે છે.’ આ વિધાનની આકરી ટીકા થઇ ત્યારે ઘણાને સમજાયું નહીં કે ચેતન ભગતે શું ખોટું કહ્યું? ઇઝરાઇલની પ્રિય દલીલ વાપરીને કહીએ તો, કોઇ સંગઠન રોજ ઉઠીને દિલ્હી-મુંબઇ પર ગમે તેવાં દેશી કે બિનઅસરકારક રોકેટ વરસાવતું હોય તો તમે શું કરશો? હાથ જોડીને બેસી રહેશો? કે રોકેટ છોડનારાને કચડી નાખશો?

સીધી વાત છે : આપણા દેશ સામે આંખ ઉઠાવીને જોનાર- તેના નાગરિકોની સલામતીને જોખમમાં મુકનારને ખતમ કરવા રહ્યા. સતો સવાલ એ થાય કે શું ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન વચ્ચેની લડાઇમાં, ગાઝા પર ઇઝરાઇલના હુમલાનો વિરોધ કરનારા બધા મુસ્લિમતરફી, સ્યુડો-સેક્યુલરિસ્ટ કે લડાઇમાં નબળાનો પક્ષ લેવાની વૃત્તિ ધરાવનારા લોકો છે? અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇનનો સંઘર્ષ સમજવા માટે ચેતન ભગતબ્રાન્ડ ઉપરછલ્લી ‘સમજણ’ પૂરતી છે?

ના. સહેજ ઊંડા ઉતરવાથી નજરે પડતું ચિત્ર ઘણું જુદું અને ઇઝરાઇલ-પ્રેમ સામે વાજબી પ્રશ્નો ઊભા કરનારું નીવડી શકે છે.

મનસ્વી હકદાવો

ગમે તેવાં રૂપકો ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન પ્રકારના સંઘર્ષનું પેચીદાપણું અને આંટીધૂંટી સમજવા માટે અપૂરતાં નીવડે. છતાં, તેમની વચ્ચેની તકરારની પ્રાથમિક અને પાયાની સમજણ માટે, ધારો કે દસ માળનું એક મકાન છે. તેમાં સદીઓથી એક પરિવારના લોકો રહેતા હતા. એક વાર મોટું શસ્ત્રબળ અને ખોરી દાનત ધરાવતો પરદેશી પરિવાર એ મકાનમાં ધૂસી ગયો, એક રૂમમાં પોતાની ઓફિસ સ્થાપી અને લશ્કરી તાકાતના જોરે આખા મકાન પર પોતાનો કબજો જમાવી દીધો.  મકાનના અસલ માલિકો પરદેશીઓના શસ્ત્રબળ આગળ લાચાર હતા. તેમને ‘પ્રજા’ બની રહ્યા સિવાય છૂટકો ન હતો.

પરદેશી પરિવારને ફક્ત મકાન પર કબજાથી સંતોષ ન થયો. એ પોતાની પસંદગીના એક જૂથને પણ આ મકાનમાં વસાવવા માગતા હતા. એ જૂથની માન્યતા પ્રમાણે, અસલમાં, દોઢ-બે હજાર વર્ષ પહેલાં આ મકાન તેમના વડવાઓનું હતું. એ જૂથ, પરદેશી સત્તાની છત્રછાયા હેઠળ, કોઇ પણ રીતે- ભાડું આપીને કે કિંમત ચૂકવીને- મકાનના એક પછી એક ફ્‌લેટ હસ્તગત કરવા લાગ્યું. ત્યારથી જ તેમનું ઘ્યેય સ્પષ્ટ હતું : આ મકાનને કોઇ પણ રીતે આખેઆખું હાંસલ કરવું. એ સુવાંગ આપણી માલિકીનું હોવું જોઇએ અને એમાં બીજું કોઇ ન જોઇએ.

આ જૂથની દાનત વિશે શંકા જતાં મકાનના મૂળ માલિકો અને જૂથના સભ્યો વચ્ચે ખટરાગ શરૂ થયો. જૂથના સભ્યો હજુ તો મકાનનો સાવ થોડો હિસ્સો હસ્તગત કરી શક્યા હતા, પણ એક વખત એવો આવ્યો, જ્યારે બળીયા પરદેશી પરિવારને મકાનમાં રસ ન રહ્યો.  તેમણે મકાન છોડવાનું નક્કી કર્યું, ત્યારે મકાન જાણે તેમની બાપીકી જાગીર હોય એમ, અસલ માલિકો અને પોતાની  પસંદગીના જૂથ વચ્ચે મકાનના ભાગ પાડી આપ્યા. સવહેંચણીમાં મૂળ માલિકોને અન્યાય લાગ્યો. એટલે રોષે ભરાઇને તેમણે લડાઇ કરી. પરદેશીઓનો ટેકો ધરાવતું જૂથ સૈન્યબળ-શસ્ત્રબળમાં ચડિયાતું હતું. તેણે મૂળ માલિકોને લડાઇમાં હરાવી પાડ્યા અને આખા મકાન પર પોતાની માલિકી જાહેર કરી દીધી. ત્યારથી કાયમી તકરારનાં મૂળ નંખાયાં. અમેરિકા સહિતના દેશોએ જૂના માલિકોના હકની કે હવે તે ક્યાં રહેશે તેની ચિંતા કર્યા વિના, મકાનના નવા માલિકોને માન્યતા આપી દીધી અને તેમને અપનાવી લીધા. કારણ કે નવા માલિકો સાથે તેમનાં સ્થાપિત હિત સંકળાયેલાં હતાં.

આ કથામાં જૂનું મકાન એટલે પેલેસ્ટાઇન, તેના જૂના માલિકો એટલે આરબો, પરદેશી શાસકો એટલે અંગ્રેજો અને તેમની પસંદગીનું  જૂથ એટલે યહુદીઓ.

સંઘર્ષ વિશે ગાંધીજી

એક માન્યતા એવી પ્રવર્તે છે કે ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે કરાવેલા યહુદીઓના ભીષણ સંહાર પછી તેમને પોતાના માટે એક અલાયદા-સલામત દેશની જરૂર લાગી. એટલે ઇઝરાઇલ અસ્તિત્ત્વમાં આવ્યું.’ પરંતુ એ સાચું નથી. હકીકતમાં પહેલેથી પૅલેસ્ટાઇન કબજે કરવા ઇચ્છતા યહુદીઓએ અભૂતપૂર્વ યહુદીસંહારને કારણે ઊભી થયેલી સહાનુભૂતિનો ઉપયોગ, પૅલેસ્ટાઇન પરનો પોતાનો અન્યાયી દાવો વાજબી ઠરાવવામાં કર્યો. બીજા વિશ્વયુદ્ધથી પણ પહેલાં યહુદીઓએ પૅલેસ્ટાઇન પર કેવી ધોંસ જમાવવાનું શરૂ કર્યું હતું, તેનો આબાદ ચિતાર ગાંધીજીના ૧૯૩૮ના એક લેખમાંથી મળે છે.  

કેટલાક પત્રલેખકો અને યહૂદી મિત્રોના આગ્રહથી નવેમ્બર ૨૦, ૧૯૩૮ના ‘હરિજન’ના અંકમાં ગાંધીજીએ પૅલેસ્ટાઇન અને યહુદીઓના પ્રશ્ન વિશે (અંગ્રેજીમાં) એક લાંબો લેખ લખ્યો. આરંભે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘  
...આ ઘણા મુશ્કેલ પ્રશ્ન વિશે મારા વિચારો જાહેર કરતાં હું સહેજે જ અચકાઉં છું. છતાં તે પ્રગટ કરવાનું સાહસ કરું છું.’સ સૌ પ્રથમ તેમણે યહુદીઓ સાથે ખ્રિસ્તીઓએ કરેલા અસ્પૃશ્ય જેવા વ્યવહારની વાત કરી અને તેને હિંદુઓ દ્વારા અસ્પૃશ્યો સાથે થતા વ્યવહાર સાથે સરખાવીને લખ્યું, ‘બેઉના ઉપર ગુજારવામાં આવતા અમાનુષપણાના ટેકામાં ખ્રિસ્તી હિંદુ બેઉ સમાજે ધર્મનો ટેકો લીધો છે. તેથી યહૂદીઓ પ્રત્યે મારી સહાનુભૂતિને સારુ યહૂદી મિત્રો જોડેની મૈત્રી ઉપરાંત વઘુ સામાન્ય તેમ જ વ્યાપક કારણ મારી પાસે મોજૂદ છે.’

ગાંધીજીના પરમ મિત્ર કેલનબેક યહુદી હોવા છતાં અને યહુદીઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખવા છતાં, પૅલેસ્ટાઇનના મુદ્દે ગાંધીજીએ લખ્યું,

‘પણ મારી સહાનુભૂતિ મારી ન્યાયદૃષ્ટિને આંધળી કરે એમ નથી. યહૂદીઓને સારુ રાષ્ટ્રીય વતનની માગણી મારા અંતરને વિશેષ હલાવી નથી શકતી. આ માગણીના ટેકામાં બાઇબલનો આધાર ટાંકવામાં આવે છે અને યહૂદીઓ જે ચીવટથી પેલેસ્ટાઇનમાં આવીને વસવાટ કરવાના અભળખા સેવી રહ્યા છે તેનો ઉપયોગ તેનું વાજબીપણું પુરવાર કરવા તરફ કરવામાં આવે છે. પણ દુનિયાની બીજી કોમોની પેઠે યહૂદીઓ પણ તેઓ જ્યાં જન્મ્યા હોય અને રળી ખાતા હોય તે તે દેશને પોતાનું વતન કાં ન માને?..
જે અર્થમાં ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અને ફ્રાન્સ ફ્રેન્ચોનું છે તે જ અર્થમાં પેલેસ્ટાઇન આજે આરબોનું છે. એ આરબોના માથા ઉપર આજે યહૂદીઓને નાંખવા એ ગેરવાજબી છે. અત્યારે પેલેસ્ટાઇનમાં જે ચાલી રહ્યું છે તેનું કોઇ પણ નીતિને ધોરણે સમર્થન થઇ શકે તેમ નથી... યહૂદીઓને તેમના રાષ્ટ્રીય વતનમાં પાછા આવીને ઓછેવત્તે અંશે વસવા મળે એટલા સારુ સ્વાભિમાની આરબોને રંજાડવા એ માનવજાતિ સામે ગુનો કર્યા બરાબર છે.’

‘માનવ અધિકાર’ જેવો શબ્દ એ વખતે પ્રયોગમાં ન હતો, એટલે ગાંધીજીએ ‘માનવજાતિ સામે ગુનો’ જેવા શબ્દો વાપર્યા. પૅલેસ્ટાઇન પર હકદાવો કરતા યહુદીઓની દલીલનો વકીલશાઇ જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું, ‘જો યહૂદીને પેલેસ્ટાઇ સિવાય બીજું વતન નથી, તો પછી તેઓ દુનિયા આખીમાં જ્યાં જ્યાં બધે વસ્યા છે તે તે દેશોમાંથી તેમને ત્યાંવાળા કાઢે તો તે તેમને રુચશે? કે તેમને બેવડા વતનના હકો જોઇએ છે કે જેથી જ્યારે મરજીમાં આવે ત્યારે બેમાંથી ગમે ત્યાં જઇને વસી શકાય? રાષ્ટ્રીય વતનને સારુ ઉઠાવવામાં આવતો આ પોકાર ઉલટું જર્મનીના હાથમાં યહૂદીઓને પોતાને ત્યાંથી હાંકી મૂકવાને સારુ દેખીતું બહાનું પૂરું પાડે છે.’

જર્મનીમાં ભયંકર યાતનાઓ વેઠી રહેલા યહુદીઓ પ્રત્યે ગાંધીજીને એટલી લાગણી હતી કે પોતે યુદ્ધના વિરોધી હોવા - અને એવી સ્પષ્ટતા કરીને તેમણે લખ્યું હતું, ‘માનવજાતિને નામે અને તેના હિતમાં જો કદી ક્યાંય ધર્મયુદ્ધ જેવી વસ્તુ વાજબી ઠરતી હોય, તો એક આખી કોમ પર હાલ ગુજરી રહેલા આ કારમા સિતમોને અટકાવવાને સારુ તે પૂર્ણવાજબી લેખાય એમ મને લાગે છે.’

પરંતુ પેલેસ્ટાઇનના યહૂદીઓ વિશે‘એમણે ઊંધો રસ્તો પકડ્યો છે એ વિશે મને સંદેહ નથી’ એમ કહીને ગાંધીજીએ લખ્યું,‘બાઇબલમાં વર્ણવેલું પેલેસ્ટાઇન ભૌગોલિક નથી, અંતરસૃષ્ટિનું છે. પણ જો તેમને ભૌગોલિક પેલેસ્ટાઇમમાં પોતાનું રાષ્ટ્રીય વતન જોઇતું હોય તો પણ અંગ્રેજી તોપોના રક્ષણ હેઠળ તેની સરહદમાં પેસવું એ અનુચિત છે. સંગીન અને બોમ્બની મદદથી કશુંયે ધર્માચરણ કરી શકાય નહીં. આરબોની જોેડે ભાઇચારો સ્થાપીને જ તેઓ પેલેસ્ટાઇનમાં વસી શકશે.. હું આરબોના જુલમાટનો બચાવ નથી કરી રહ્યો. હું તો ઇચ્છું છું કે જેને તેમણે પોતાના દેશ ઉપર નાહકનું આક્રમણ માન્યું છે તેનો સામનો તેઓ પણ અહિંસક માર્ગે કરે. પણ ન્યાય અન્યાયનાં સામાન્ય ધોરણોએ તો આરબોને જો અતિ વિકટ સ્થિતિનો સામનો ફાવે તેમ કર્યો હોય તો તેને સારુ તેમનો બહુ વાંક કાઢી શકાય નહીં.’

(આવતા સપ્તાહે : પૅલેસ્ટાઇનમાં ૧૯૪૮ પછીનો ઘટનાક્રમ)

Monday, July 21, 2014

૧૯૬૨ના યુદ્ધ-ધબડકા વિશેના હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : રાજકીય વિવાદ વગરની વરવી વાસ્તવિકતા

ચીન સામેના ૧૯૬૨ના યુદ્ધમાં ભારતની રાજકીય અને લશ્કરી નેતાગીરીએ ક્યાં અને કેવું કાચું કાપ્યું? બાવન વર્ષ પછી પણ ‘ટૉપ સીક્રેટ’ ગણાતા રીપોર્ટના ચુનંદા અને આંચકાજનક અંશ 


પ્રચારને કારણે ઊભી થયેલી સામાન્ય છાપ એવી છે કે ૧૯૬૨માં પંડિત નેહરુ ઉંઘતા ઝડપાયા. તે વિશ્વશાંતિના મોહમાં ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’નું રટણ કરતા રહ્યા અને ચીની સૈનિકો ભારતની હદમાં ધૂસણખોરી કરી ગયા એનો તેમને ખ્યાલ જ ન રહ્યો. પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી વધારે પેચીદી છે.

ચીન સામે ભારતના પરાજયની લશ્કરી રાહે તપાસનું કામ ડિસેમ્બર, ૧૯૬૨માં લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Lt.General Henderson Brooksને સોંપાયું હતું. બ્રિગેડીઅર પી.એસ.ભગતને તેમના સહાયક તરીકે નીમવામાં આવ્યા. હેન્ડરસન બ્રુક્સે ફક્ત ચાર મહિનામાં સોંપી દીધેલો વિસ્તૃત તપાસ અહેવાલ પાંચ દાયકા પછી પણ ‘ટૉપ સીક્રેટ’ રાખવામાં આવ્યો છે. ‘અહેવાલમાં પંડિત નેહરુ દોષી ઠરતા હોવાથી કોંગ્રેસી સરકારો એ રીપોર્ટ જાહેર કરતી નથી’ એવો આરોપ અત્યાર સુધી થતો હતો. પરંતુ વાજપેયીની એનડીએ સરકારે પણ તેને જાહેર ન કર્યો.

ભારત-ચીન યુદ્ધ વિશે સંશોધનાત્મક પુસ્તક લખનાર ૮૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન પત્રકાર Neville Maxwell/ નેવિલ મેક્સવેલે થોડા મહિના પહેલાં આ અહેવાલનો મોટો હિસ્સો પોતાની વેબસાઇટ થકી મફત ડાઉનલોડ માટે ખુલ્લો મૂકી દીધો. ત્યારે વિપક્ષી નેતા તરીકે અરુણ જેટલીએ આખો અહેવાલ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો અને આટલાં વર્ષે સચ્ચાઇ જાણવાના લોકોના જાણવાના અધિકારની વકીલાત કરી હતી. હવે પોતે સંરક્ષણ મંત્રી બન્યા પછી તે પણ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ જાહેર કરવા માગતા નથી. તેમની મનાઇનું સાચું કારણ અટકળનો વિષય હોવાથી એમાં પડવાને બદલે, નક્કર હકીકતોની વાત કરવા જેવી છે.

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં તારણ એવું સૂચવે છે કે ૧૯૬૨ના ધબડકા માટે પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત તેમનો વઘુ પડતો ઉત્સાહ અને પૂરતી લશ્કરી સજ્જતા વિનાની ‘ફોરવર્ડ પૉલિસી’ કારણભૂત હતાં. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ,  જે ચીનની લશ્કરી જમાવટના અને કાશ્મીર સરહદે ઘૂસણખોરીના પ્રતિભાવ તરીકે અપનાવવામાં આવી હતી.

પત્રકાર નેવિલ મેક્સવેલે આ અહેવાલમાંથી ઘણી હકીકતોનો પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’ (૧૯૭૦)માં ઉપયોગ કર્યો હતો. છતાં મોટા ભાગના લોકો માટે એ સામગ્રી એટલી પરિચિત નથી. આ વર્ષે મેક્સવેલે ડાઉનલોડ કરવા માટે ખુલ્લા મૂકી દીધેલા હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટના પહેલા ભાગનાં કુલ ૧૯૦ પાનાંમાંથી ૬૪ પાનાં ગાયબ છે. છતાં, જેટલું જાહેર થયું છે તે પણ પૂરતું આંચકાજનક છે.

***

 • નવેમ્બર ૨, ૧૯૬૧ના રોજ વડાપ્રધાનની કચેરીમાં એક મિટિંગ થઇ. તેમાં બીજા લોકો ઉપરાંત સંરક્ષણ મંત્રી, વિદેશ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ડાયરેક્ટર હાજર હતા. આઇબીના ડાયરેક્ટરનો મત એવો હતો કે ‘(સરહદ પર) આપણે નવી ચોકીઓ ઊભી કરીશું તો પણ ચીન કશી પ્રતિક્રિયા નહીં આપે અને એ લોકો બળપ્રયોગ કરવાની સ્થિતિમાં હશે તો પણ એવું કરે એવી શક્યતા નથી.’ સપરંતુ આર્મી હેડ ક્વાર્ટર્સના એન્યુઅલ ઇન્ટેલીજન્સ રીવ્યુ (૧૯૫૯-૬૦)માં સાફ જણાવાયું હતું કે તેમના તાબા હેઠળના વિસ્તારોમાંથી કોઇ પણ ભાગ પાછો મેળવવાનો પ્રયાસ થશે તો ચીન બળપ્રયોગ દ્વારા પ્રતિકાર કરશે. (પૃ. ૮)
 • વડાપ્રધાનની કચેરીમાં મળેલી મિટિંગમાં ‘ફોરવર્ડ પૉલિસી’ના સંદર્ભે મુખ્ય ત્રણ નિર્ણય લેવામાં આવ્યા.  ૧) લદ્દાખમાં આપણી હાલની ચોકીઓથી આંતરરાષ્ટ્રિય સરહદ તરફ શક્ય એટલા આગળ સુધી પેટ્રોલિંગ કરવું...જેથી ચીની સૈનિકો આગળ વધતા અટકે અને જ્યાં આપણી હદમાં તે ધૂસી ગયા હોય ત્યાં તેમનું પ્રભુત્વ રોકી શકાય. સ્વરક્ષણ  સિવાય બીજા કોઇ સંજોગોમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં.   ૨) ઉત્તર પ્રદેશ અને ઉત્તરી વિસ્તારોમાં (ચીની ધૂસણખોરીની) લદ્દાખ જેવી તકલીફ નથી. ત્યાં આપણે શક્ય હોય એટલા આગળ વધવું અને આખી સરહદ પર અસરકારક કબજો જમાવવો. એ સરહદે જ્યાં ગાબડાં લાગે તે ચોકીઓ કે પેટ્રોલિંગથી ભરી દેવાં. ૩) વહીવટી અને કામગીરીને લગતી (ઑપરેશનલ) અનેક મર્યાદાઓને ઘ્યાનમાં રાખીને આપણાં દળોને સરહદ પર એવી જગ્યાઓએ તહેનાત કરવાં કે જે જગ્યાઓ ફોરવર્ડ પોસ્ટ (છેક સરહદ પર રહેલી મોખરાની જગ્યાઓ)ની પાછળ હોય, જ્યાં આસાનીથી તેમને પુરવઠો પહોંચાડી શકાય અને જ્યાંથી તે જરૂર પડ્યે ઝડપભેર ફોરવર્ડ પોસ્ટ પર પહોંચી શકે...  આમ, મિટિંગમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવો હોય તો, પૂરતી સંખ્યામાં સૈન્યબળ ઊભું થયા પછી જ કરી શકાય. વેસ્ટર્ન કમાન્ડે  અગાઉથી જણાવ્યું હતું કે લદ્દાખ સરહદે અસરકારક સંરક્ષણ માટે સૈન્યની ઓછામાં ઓછી એક ડિવિઝનની જરૂર પડશે. (પૃ.૮-૯)
 • આર્મી હેડક્વાર્ટરે મિટિંગનાં ત્રણ સૂચનોમાંથી ત્રીજું- પૂરતા સૈન્યબળને લગતું- સૂચન કોરાણે મૂકીને બાકીનાં બે સૂચન પોતાના વિવિધ કમાન્ડ્‌ઝને મોકલી આપ્યાં...સરકાર પર ગુમાવેલા પ્રદેશ મેળવવા માટે રાજકીય દૃષ્ટિએ આતુર હતી છતાં તેણે સાવચેતીપૂર્વકની નીતિ સૂચવી હતી, જ્યારે આર્મી હેડક્વાર્ટર્સે તેના કમાન્ડ્‌સને પાઠવેલો નીતિવિષયક આદેશ લશ્કરી દૃષ્ટિએ નબળો (અનસાઉન્ડ) હતો....આર્મી હેડક્વાર્ટર્સે સરકારી સૂચન પ્રમાણે પૂરતું પીઠબળ ઊભું કરવાને બદલે, બારોબર ‘ફોરવર્ડ પૉલિસી’નો અમલ શરૂ કર્યો. (પૃ.૯-૧૦) 
 • ‘ફોરવર્ડ પૉલિસી’ બાબતે ચીન તરફથી પહેલો પ્રતિકાર ૨૨ એપ્રિલ, ૧૯૬૨ના રોજ થયો. (પૃ.૧૧) 
 •  વેસ્ટર્ન કમાન્ડે ૧૫ મે, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સને જાણ કરી કે ચીની હુમલાની સંભાવના ઘ્યાનમાં રાખીને ગલવાન નદી પાસે કોઇ ચોકી ઊભી કરવામાં ન આવે. પરંતુ હેડક્વાર્ટ્‌ર્સે આ સૂચન ફગાવીને ૫ જુલાઇ, ૧૯૬૨ના રોજ ત્યાં ચોકી ઊભી કરી. ચોકી સ્થપાઇ ગયા પછી વેસ્ટર્ન કમાન્ડે કહ્યું કે ત્યાં સૈનિકોને જમીન રસ્તે નહીં, પણ હવાઇ માર્ગે મોકલવા જોઇએ, જેથી ચીની સૈનિકો સાથે સંઘર્ષ ટાળી શકાય. પણ આર્મી હેડક્વાર્ટર્સે જમીન રસ્તે જ સૈનિકો મોકલ્યા. ચીની સૈનિકોએ તેમને આંતર્યા અને ચોકી સુધી પહોંચવા દીધા નહીં. (પૃ.૧૨)
 •  જુલાઇ, ૧૯૬૨ સુધીમાં ‘ફોરવર્ડ પૉલિસી’ અંતર્ગત લેહ વિસ્તારમાં નવી ૩૬ ચોકી ઊભી કરવામાં આવી. (ચોકીઓની કુલ સંખ્યાઃ ૬૦)તેના લીધે ભારતનું પાંખું સૈન્યબળ ઓર વેરવિખેર અને વિભાજીત થઇ ગયું. નવી ચોકીઓને મજબૂત ટેકો પૂરો પાડવાને બદલે, આ ચોકીઓને લીધે ભારતીય સૈન્યની હાલત નબળી પડી. (પૃ.૧૩, ૧૫) 
 • નવી ચોકીઓ પછી ભારત અને ચીન વચ્ચે સાવ આમનેસામને આવી ગયાં. ચીન તરફથી પ્રતિકાર શરૂ થતાં, ૨૨ જુલાઇ, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સ તરફથી સૂચના મળી કે ચોકીઓ પર ખતરો હોય ત્યારે ચીની સૈનિકો પર કરવો. (જૂની નીતિ ફક્ત સ્વબચાવમાં ગોળીબાર કરવાની હતી) આમ, જુલાઇ, ૧૯૬૨ના અંત સુધીમાં બન્ને પક્ષો વચ્ચે તણખામાંથી ભડકો થાય એટલો તનાવ સર્જાયો. (પૃ.૧૪)
 •  ભારતના અપૂરતા સૈન્યબળથી ચિંતિત વેસ્ટર્ન કમાન્ડે ૧૫ ઑગસ્ટ, ૧૯૬૨ના રોજ લેહની વાસ્તવિક સ્થિતિ અંગેનું પુનઃમુલ્યાંકન હેડક્વાર્ટર્સને મોકલ્યું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે આપણા સંદેશાવ્યવહાર કે શસ્ત્રસરંજામ- કશાંનાં ઠેકાણાં નથી. આ સ્થિતિમાં જો યુદ્ધ થશે તો આપણે  પાકા પાયે પછડાટ ખાઇશું. (પૃ.૧૫) તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ‘રાજકીય નિર્દેશો લશ્કરી સંસાધનો પર આધારિત હોય એ જરૂરી છે. એ બન્ને વચ્ચે સંબંધ ન હોય તો આપણે નૈતિક અને ભૌતિક એમ બન્ને રીતે, આપણે જેટલું ગુમાવ્યું છે એનાથી પણ વધારે ખોવાનો વારો આવે, એવી સ્થિતિ સર્જાઇ શકે છે. આપણા વિસ્તારો પર ચીનના ગેરકાયદે દાવાનો પ્રતિકાર કરવા માટે અપનાવેલી નીતિનો અસરકારક અમલ કરી શકાય એ માટે લશ્કરને સજ્જ કરવું રહ્યું અને તેનો કોઇ શોર્ટ કટ નથી.’ (પૃ.૧૬) 
 • આટઆટલી ચેતવણી છતાં આર્મી હેડક્વાર્ટર્સની આંખ ઉઘડતી ન હતી. તેમને એવું લાગતું હતું કે લદ્દાખમાં ચીન મોટા પાયે લશ્કરી કાર્યવાહી નહીં કરે. એટલું જ નહીં, અત્યાર લગી ચીને કશું નોંધપાત્ર કર્યું નથી તેને એમણે ‘ફોરવર્ડ પૉલિસી’ની સફળતા માની લીધી...ડેપ્યુટી ચીફ ઑફ ધ જનરલ સ્ટાફે લેફ્‌ટનન્ટ જનરલ એલ.પી.સેનને છેક સપ્ટેમ્બર, ૧૯૬૨માં એવું કહ્યું હતું, ‘લદ્દાખના અનુભવ પરથી લાગે છે કે થોડાં રાઉન્ડ ગોળીબાર કરીશું તો ચીનાઓ ભાગી છૂટશે.’ (પૃ.૧૭)
(લદ્દાખના મોરચે મૂર્ખામીભર્યા આત્મવિશ્વાસમાં રાચતા આર્મી હેડક્વાર્ટર્સ અને કેટલાક અફસરો-બાબુઓ-નેતાઓનું અરુણાચલ પ્રદેશના મોરચે કેવું વલણ હતું? તેની વાત આવતા સપ્તાહે)

Friday, July 18, 2014

(બુ)લેટ ટ્રેન : અસુવિધા કે લિયે ખેદ હૈ

ભારતમાં લેટ ટ્રેેનની જેમ બુલેટ ટ્રેનની- એટલે કે તેના વાયદાની- પણ નવાઇ રહી નથી. જે રીતે વર્ષોથી બુલેટ ટ્રેનના નામે લોકોને ગોળીઓ ગળાવવામાં આવે છે, એ જોતાં તેનું નામ ‘કેપ્સુલ ટ્રેન’ રાખવામાં આવે તો પણ ખોટું નથી.

બુલેટ ટ્રેન જોઇ ન હોય એવા ઘણા લોકો  પોતપોતાની રીતે તેનો અર્થ સમજવા કે બેસાડવા પ્રયાસ કરે છે. સત્તાધારી પક્ષના કેટલાક વીઆઇપીઓ આ પ્રોજેક્ટને ‘સાહેબનો’ ગણીને જાહેરમાં તેનાં ગુણગાન ગાતા હશે, પણ અંદરખાને તેમને ચિંતાભર્યો સવાલ થાય છે : ‘બુલેટપ્રૂફ બખ્તર પહેરીને બુલેટ ટ્રેનમાં બેસી શકાય? અને જો બેસીએ તો બુલેટપ્રૂફ બખ્તર કામ આપવાનું ચાલુ રાખે ખરું?’ કેટલાક પોલીસ અફસરોને લાગે છે કે નકલી એન્કાઉન્ટરો વખતે છોડેલી બુલેટોનો હિસાબ આપવા માટે અમદાવાદથી મુંબઇની અદાલતોમાં ધક્કા ખાવાનું સહેલું પડે, એટલા માટે સરકાર ઝડપથી આ વ્યવસ્થા ઊભી કરવા માગે છે અને એટલે જ તેને ‘બુલેટ ટ્રેન’ જેવું સૂચક નામ આપ્યું છે. શક્ય છે કે તેને અમદાવાદથી નહીં, પણ સાબરમતી સ્ટેશનેથી ઉપાડવામાં આવે.

રેલવે ક્રોસિંગ બંધ થઇ ગયા પછી, તેની નીચેથી ઝૂકીને પોતાનાં વાહનો સાથે પાટા ક્રોસ કરનારા સાહસિકો અત્યારથી બુલેટ ટ્રેનના સ્વાગત માટે થનગની રહ્યા છે. કલ્પના કરો : ક્રોસિંગ બંધ થાય, બુલેટ ટ્રેન ધસમસતી આવી રહી હોય અને મોતને મુઠ્ઠીમાં લઇને ફરતા અમદાવાદના જાંબાઝ વાહનચાલકોમાંનો કોઇ, રૂ.૬૦ હજાર કરોડના ખર્ચે બનેલી બુલેટટ્રેનની આબરૂની ઐસીકી તૈસી કરીને, તેની સામેથી બિનધાસ્ત સાયકલ કે સ્કૂટર દોરીને પાટા ઓળંગી જાય...

‘બુલેટ ટ્રેનના રસ્તામાં ક્રોસિંગ ન હોય’ - એવી ટેક્‌નિકલ દલીલ અહીં અસ્થાને છે. (એટલે તો કલ્પના કરવાનું કહ્યું છે.) પણ આવું થાય તો જોનારાને કેવો એક્શન-પેક્‌ડ રોમાંચ મફતમાં અનુભવવા મળે? અને પાટા ઓળંગનારને (જો એ જીવીત હોય તો) એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, ઘરઆંગણે એડ્‌વેન્ચર સ્પોર્ટ્‌સનો કેવો લહાવો પ્રાપ્ત થાય? આટલી હિંમત ન ધરાવતા સાધારણ મનુષ્યોને બુલેટ ટ્રેન પસાર થતી જોઇને જ હરખઘેલા થઇ જશે. આમ પણ, પોતાને સીધો કશો ફાયદો  ન હોય એવા ઝળહળાટથી રાજી થવાની અમદાવાદના-ગુજરાતના લોકોને હવે ખાસ્સી પ્રેક્ટિસ પડી ગઇ છે - પછી તે સાબરમતી નદીમાં ઠલવાયેલું નર્મદાનું પાણી હોય કે કાંકરિયામાં  મુકાયેલું હિલીયમ બલુન. તેની સરખામણીમાં બુલેટ ટ્રેન તો રૂ.૬૦ હજાર કરોડનો મામલો છે.

ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે સરકાર રૂ.૬૦ હજાર કરોડ જેટલી તોતિંગ રકમ લાવશે ક્યાંથી? મોટા ભાગના લોકો માટે લાખ રૂપિયાથી ઉપરની રકમો સાક્ષાત્કાર કે અનુભૂતિનો નહીં, શ્રદ્ધાનો વિષય હોય છે. એટલે રૂ.૬ હજાર કરોડ, રૂ.૬૦ હજાર કરોડ અને રૂ.૬૦ લાખ કરોડમાં તેમને ખાસ ફરક લાગતો નથી. ‘હજાર કરોડ’ એ બે શબ્દો સાથે બોલતાં જ મોઢું એટલું ભરાઇ જાય છે કે બાકીની વિગતો ગૌણ બની જાય.  છતાં સંશયાત્માઓની જાણ માટે : ગયા વર્ષનું આખા દેશનું આરોગ્ય માટેનું બજેટ રૂ.૩૭ હજાર કરોડ ને શિક્ષણનું બજેટ લગભગ રૂ.૬૫ હજાર કરોડ હતું.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો અત્યારનો અંદાજ રૂ.૬૦ હજાર કરોડનો છે, પણ જો એ ખરેખર બનશે તો, ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે તેની પાછળ થયેલું ખર્ચ ઘણું વધી ચૂક્યું હશે. એ સમયના ભારતીયો ગૌરવથી કહી શકશે કે દેશના એક વર્ષના શિક્ષણ બજેટ જેટલા રૂપિયા તો અમે ફક્ત અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનમાં નાખ્યા છે. વઘુ પડતા સંવેદનશીલ માણસોને આ વાત બંદૂકની ગોળીની જેમ લમણે વાગશે- અને તેમને ‘બુલેટ ટ્રેન’નું નામ સાર્થક લાગશે. ખર્ચના હિસાબે કેટલાક તેને ‘તાજમહાલ ઑન વ્હીલ્સ’ કહેવા પણ લલચાશે.

બુલેટ ટ્રેનને અમદાવાદથી મુંબઇ પહોંચતા બે-ત્રણ કલાક લાગશે એવું કહેવાય છે. તેની પર ‘શરતો લાગુ’ની ફુદડી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. મુખ્ય શરત એ હોઇ શકે છે કે ‘બે-ત્રણ કલાકનો સમય અમદાવાદથી મુંબઇ પહોંચવાનો ‘નેટ’ સમય છે. ટ્રેન લેટ થાય એ સંજોગોમાં અમારી કોઇ જવાબદારી રહેશે નહીં અને એ સંજોગોમાં ગ્રાહકે ડ્રાયવર કે ટીટી સાથે તકરાર કરવી નહીં.’ કૌંસમાં એવું પણ સૂચવવામાં આવશે કે તમને મફત ખાવાપીવાનું તો આપીએ છીએ. પછી ‘ટાઇમ, ટાઇમ’ શું કરો છે? હિંદુસ્તાની છો કે અંગ્રેજ?

આટલા ઓછા સમયમાં મુસાફરી પૂરી થઇ જતી હોવાથી, બુલેટ ટ્રેનના મુસાફરો માટે એક આખું હિંદી પિક્ચર જોવા જેટલો ટાઇમ પણ નહીં રહે. પિક્ચરનો એન્ડ બાકી હશે ને મુંબઇ આવી જશે, એટલે ગ્રાહક તરીકેના હક માટે સદાજાગ્રત એવા કેટલાક મુસાફરો ટિકિટના કેટલાક હિસ્સાનું વળતર મેળવવા કકળાટ મચાવશે. તેમાંથી લાંબા ગાળે બુલેટ ટ્રેનની મુસાફરી જેટલી જ લંબાઇની ફિલ્મો બનાવવાનો નવો દૌર શરૂ થશે.

બુલેટ ટ્રેનને કારણે મુંબઇ નોકરી કરતા લોકો અમદાવાદમાં રહેવા આવી શકશે. અમદાવાદમાં પણ ‘ન્યૂ મણિનગર’ની જેમ ‘નવી મુંબઇ’ જેવા વિસ્તારો અસ્તિત્ત્વમાં આવશે. મુંબઇનું ભૌગોલિક અંતર ઘટી જતાં  અમદાવાદમાંથી દારૂબંધી દૂર કરવાની માગ ઊભી થશે. એ ન સ્વીકારાય ત્યાં સુધી બુલેટ ટ્રેનના ટાઇમે પ્લેટફોર્મ પર કડક પોલીસ ચેકિંગ રહેેશે. દારૂની બોટલમાં પાણી ભરતા અમદાવાદના મુસાફરો તથા પાણીની બોટમાં દારૂ ભરતા મુંબઇના મુસાફરોના ‘માલ’ની ચાખ્યા વિના ચકાસણી શી રીતે કરવી? એવી મૂંઝવણ અનુભવીને પોલીસ એ સૌ પાસેથી ‘મૂંઝવણવેરો’ વસૂલ કરશે.

બુલેટ ટ્રેનમાં બારી ખુલ્લી રાખવી કે બંધ, એવી વિશ્વશાંતિ માટે ખતરારૂપ સમસ્યાઓ (બંધ રહેતી બારીઓને લીધે) ટળી જશે, પણ બુલેટ ટ્રેનમાં અપ-ડાઉન કરનારા રોજિંદા નોકરિયાતો અમદાવાદથી ઉપડેલી ટ્રેનમાં ખાલી જગ્યાઓ રાખી મૂકશે? અને એ જગ્યા તરફ અપેક્ષાભરી નજરે જોનારને ‘આવે છે?’ કહીને ખાળી શકશે? અને ‘હવે તો ટ્રેન સીધી મુંબઇ જ ઊભી રહેવાની છે. પછી કોણ આવવાનું છે?’ એવી તાર્કિક દલીલોને ડોળા કાઢીને ફગાવી શકશે? બુલેટ ટ્રેનમાં ચાલુ ગાડીએ ચઢવા કે ઉતરવાનું શક્ય નહીં બને, એ તેની એક મોટી મર્યાદા બનશે. તેના કારણે હીરો કે હીરોઇનમાંથી એક જણ ટ્રેનમાં ચડી ગયું હોય ને બીજું પ્લેટફોર્મ પર હાથ લાંબો કરીને દોડતું હોય એવી ફિલ્મ રોમેન્ટિક સિચ્યુએશનો શક્ય નહીં બને.

શતાબ્દિ પ્રકારની ટ્રેનોમાં બેઠકો હોય એટલી જ ટિકિટ આપવામાં આવે છે. પરંતુ બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ બે-ત્રણ કલાકમાં પહોંચી શકાતું હોય તો, મુંબઇગરાઓને એ થાણા-મુંબઇ જેવું લાગશે. એ સંજોગોમાં તે બુલેટ ટ્રેનમાં ઊભાં ઊભાં મુસાફરી કરી શકાય- અને શક્ય હોય તો દરવાજે ઊભા રહેવાય- એ માટે રજૂઆતો કરશે. એ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક હશે તો આ માગણીઓ કદાચ સ્વીકારાઇ પણ જશે.

પવનવેગી મુસાફરીમાં સ્વાદ અને ગંધ ઉમેરવા માટે ચણાની દાળ, કાકડી, શિંગોડાં, સફરજન, ખારી સિંગ જેવી ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને બુલેટ ટ્રેનમાં પરવાનગી આપી શકાય. એમ કરવાથી બુલેટ ટ્રેનનો સમાજના છેવાડાના વર્ગ સાથે નાતો સ્થાપ્યાનો સંતોષ લઇ શકાશે  અને તેમાં પ્રવાસ કરનારા હાઇ-ફાઇ મુસાફરોને મફતમાં વાસ્તવિક ભારતદર્શન કરાવી શકાશે. 

Thursday, July 17, 2014

૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતના ધબડકાનો હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : બાવન વર્ષે બાવો બોલ્યો...

વાત નવી નથી. ફક્ત તેમાં આવેલો વળાંક વિચિત્ર છે.

ચીન સાથેના યુદ્ધમાં ભારતને ભૂંડી રીતે ખુવારી અને હાર વેઠવાં પડ્યાં, એ ૧૯૬૨નો બનાવ. તેના પરિણામે વડાપ્રધાન નેહરુની છબીને લાગેલો ધબ્બો હજુ દૂર થઇ શક્યો નથી. ઉલટું, નક્કર હકીકતો સાથે બીજા પ્રચારની ભેળસેળથી એ વધારે ઘેરો બન્યો છે.

ભારત તરફથી યુદ્ધમાં ક્યાં કાચું કપાયું, તેની લશ્કરી રાહે તપાસ માટે ૧૪ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Henderson Brooks (અને તેમની મદદ માટે બ્રિગેડીઅર પી.એસ.ભગત)ની તપાસ સમિતિ નીમવામાં આવી હતી. તેનાં પાંચ તપાસક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં : તાલીમ, શસ્ત્રસરંજામ, કમાન્ડ સીસ્ટમ, સૈનિકોની શારીરિક સજ્જતા અને દરેક સ્તરે પોતાના સૈનિકો પર પ્રભાવ પાડવાની કમાન્ડરોની ક્ષમતા. તપાસ મુખ્યત્વે નેફા/NEFA (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેશન- હાલના અરુણાચલ પ્રદેશ)માં ભારતને વેઠવા પડેલા પરાજય પર કેન્દ્રિત રહેવાની હતી. આ તપાસ રાજકીય નહીં, પણ લશ્કરી હતી. તેના તપાસક્ષેત્રમાં રાજકીય દખલીગીરીનો સમાવેશ થતો ન હતો. તપાસ બિનરાજકીય હોવાને કારણે સમિતિએ ચાર મહિનામાં વિગતવાર અહેવાલ તૈયાર કરી દીધો. એ સંરક્ષણ મંત્રી યશવંતરાવ ચવાણને પણ આપવામાં આવ્યો. તેમણે વડાપ્રધાન નેહરુ સુધી તે પહોંચાડ્યો અને ભારતીય લશ્કરમાં અસંતોષ ન જાગે એ રીતે, સંસદમાં સલુકાઇથી (અને ખોટેખોટો) વડાપ્રધાનનો બચાવ પણ કર્યો.

‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ’/ Henderson Brooks Report તરીકે ઓળખાતો આ ‘ટૉપ સીક્રેટ’ અહેવાલ ત્યારથી કુતૂહલ, વિવાદ અને આક્ષેપોનું કેન્દ્ર રહ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસી સરકારોએ, રાષ્ટ્રિય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીનું કારણ આગળ ધરીને અહેવાલને ગુપ્ત રાખ્યો. એ વખતે થતી વાજબી શંકા એવી હતી કે અહેવાલમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ગાફેલિયત કે તેમણે લીધેલા ખોટા નિર્ણયોની વિગત હશે. એટલે કોંગ્રેસ અહેવાલ છુપાવી રહી છે.

અહેવાલને લગતો પહેલો ધડાકો ૧૯૭૦માં થયો, જ્યારે ઓસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલ/ Neville Mexwell નું પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’/ India's China War પ્રકાશિત થયું. મેક્સવેલનો દાવો હતો કે તેમણે ‘ટૉપ સીક્રેટ’ ગણાતા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટની નકલ હસ્તગત કરી હતી. પોતાના દાવાના ટેકામાં તેમણે રીપોર્ટમાંથી ઘણાં ટાંચણ આપ્યાં હતાં.

પરંતુ આ વર્ષે, ૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ૮૭ વર્ષના નેવિલ મેક્સવેલે વઘુ મોટો ધડાકો કર્યો. ‘માય હેન્ડરસન બ્રુક્સ આલ્બાટ્રૉસ’ (હેન્ડરસન બૂ્રક્સ અહેવાલનો અભિશાપ) એ મથાળા હેઠળ મેક્સવેલે અહેવાલ સંબંધિત પોતાના અનુભવોનું ટૂંકું વિવરણ આપ્યું, પોતના પ્રસ્તાવ છતાં છેક વર્ષ ૨૦૧૨માં કેટલાંક અગ્રણી ભારતીય પ્રકાશનો આ અહેવાલ છાપવા તૈયાર ન થયા તેનું આશ્ચર્ય જાહેર કર્યું, ભારત સરકારે હજુ સુધી તેને ડીક્લાસિફાય કર્યો નથી- ખુલ્લો મૂક્યો નથી, એ બાબતનો ખેદ વ્યક્ત કર્યો અને લખ્યું, ‘ક્યાં સુધી હું આ અહેવાલનો બોજ વેંઢાર્યા કરીશ? મારી ભાવિ પેઢીના માથે એ બોજ મૂકીને જવાને બદલે, હું પોતે જ ઇન્ટરનેટના માઘ્યમથી એ (ખાનગી) અહેવાલ જાહેરમાં મૂકું છું.’

મેક્સવેલે એવી ચોખવટ પણ કરી કે ‘મેં અહીં (બ્લોગ પર) ખુલ્લા મૂકેલા ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટમાં બે ઠેકાણે ગાબડાં છે, જે ઇરાદાપૂર્વકનાં નહીં, પણ કોપી કાઢવામાં થયેલી ભૂલને કારણે છે.’ એ વાત સાચી હોય કે ન પણ હોય, છતાં દરેક પાનાના લખાણની ઉપર નીચે ‘ટૉપ સિક્રેટ’ લખેલા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં ૧૨૬ પાનાં મૂળ સ્વરૂપે પહેલી વાર વાંચવા મળ્યાં.

‘ધર્મ’ : વિપક્ષી અને સરકારી

રીપોર્ટ જાહેર થયો ત્યારે યુપીએ સરકારનું રાજ હતું. એટલે રાજ્યસભામાં વિપક્ષી નેતા અરુણ જેટલીએ વિવાદમાં ઝંપલાવ્યું. તેમણે એ વિશે લખેલો એક બ્લોગ વાંચીને એવું લાગે કે જેટલીએ રીપોર્ટ જોયા વિના, ફક્ત છાપાંના ઉપરછલ્લા અહેવાલ વાંચીને જ પથરા ફેંક્યા છે. તેમણે લખ્યું, ‘શું અહેવાલનો પહેલો ભાગ (જ) જાહેર કરાયો છે? પ્રસાર માઘ્યમોના અહેવાલ પ્રમાણે રીપોર્ટનાં ૧૧૨થી ૧૬૭ સુધીનાં પાનાં જાહેર કરવામાં આવ્યાં નથી. એ શું એટલા માટે ખાનગી રખાયાં છે કે તેમાં ત્યારના સત્તાધીશોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનારી વિગતો છે? પહેલાં ૧૧૧ પાનાં જાહેર કરી દેવાયાં છે ત્યારે એ જરૂરી છે કે બાકીનાં પાનાં પણ જાહેર કરવામાં આવે, જેથી તેના વિશે અનધિકૃત સ્રોતોમાંથી આવતી વિગતોથી લોકમત દોરવાય નહીં.’

સર્વોચ્ચ અદાલતના નામી વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા જેટલીની દલીલનું હાર્દ સાચું હોવા છતાં, પ્રાથમિક વિગતો ખોટી હતી. ઇન્ટરનેટ પર મૂકાયેલો અહેવાલ કુલ ૧૧૧ નહીં, પણ ૧૨૬ (ટાઇપ કરેલાં) પાનાંનો છે. તેમાંથી મથાળાનું પહેલું પાનું બાદ કરીને બીજા પાનાથી નંબર શરૂ થાય છે. મથાળાના પાને સ્પષ્ટ રીતે ‘પાર્ટ ૧’ એવું લખવામાં આવ્યું છે. એટલે એ શંકા કે સવાલનો વિષય નથી.

જેટલીના લખાણ પરથી એવી છાપ પડે કે ૧૬૭ પાનાંના રીપોર્ટમાં ૧ થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં છે અને ત્યાર પછીનાં દાબી રખાયાં છે. હકીકતમાં અહેવાલ પર સામાન્ય નજર ફેરવવાથી દેખાય એમ છે કે તેનાં કુલ પાનાં ૧૯૦ છે. તેમાં ૧૧૧મા પાના પર  લગાડેલી ચબરખીમાં નોંધ છે કે ‘પાના નં.૧૧૨-૧૫૭ મિસિંગ છે.’ તેના આધારે કેટલાક અહેવાલોએ અને તેની પરથી જેટલીએ એવું તારણ કાઢી લીઘું લાગે છે કે અહેવાલનાં ૧થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં. બાકી, સહેજ ઝીણવટથી જોતાં જણાય છે કે ૧૯૦ પાનાંના અહેવાલમાં વચ્ચે આટલાં પાનાં ગાયબ છે : ૨૦ થી ૨૯, ૩૫, ૧૦૪ થી ૧૧૦ અને ૧૮૭. (ગાબડાંની સંખ્યા ખુદ મેક્સવેલે જણાવ્યા કરતાં વધારે છે.)

જેટલીની વિગતોમાં રહેલી કચાશની વાત કર્યા પછી, બીજો અને મુખ્ય મુદ્દો તેમની કેન્દ્રીય દલીલનો લઇએ. તેમણે લખ્યું હતું,‘છેલ્લાં બાવન વર્ષથી તમામ સરકારોને આ રીપોર્ટ જાહેર કરવાપણું લાગ્યું નથી. એ નિમિત્તે જુના દસ્તાવેજોને ડીક્લાસિફાય કરવા અંગે કેટલાક વાજબી સવાલ ઊભા થાય છે. શું આ પ્રકારના દસ્તાવેજો કાયમ માટે લોકોની નજરથી ઓઝલ રાખવા? આંતરિક સુરક્ષાને લગતા દસ્તાવેજ હોય તો થોડા સમય માટે તેમને ગુપ્ત રાખવાથી જાહેર હિત સાધી શકાય. પણ તેમને કાયમ માટે ‘ટૉપ સીક્રેટ’ રાખવાનું વ્યાપક જાહેર હિતમાં ન પણ હોય. સુરક્ષાને લગતા દસ્તાવેજો લાંબા ગાળે પ્રાસંગિકતા ગુમાવી બેસે છે...ભૂતકાળની ભૂલો વિશે જાણવાનો અને તેને સુધારવાના પગલાં લેવાનો કોઇ પણ સમાજને અધિકાર છે...આ અહેવાલ ઘણા દાયકા પહેલાં જાહેર કરાવો જોઇતો હતો... શું ૧૯૬૨ની ‘હિમાલય જેવડી ભૂલ’ (હિમાલયન બ્લન્ડર) ખરેખર ‘નેહરુની ભૂલ’(નેહરુવિઅન બ્લન્ડર) હતી?’ (૧૯ માર્ચ, ૨૦૧૪)

પછીના ચાર મહિનામાં ભારતની સરકાર બદલાઇ. અરુણ જેટલી સંરક્ષણ અને નાણાં જેવાં બબ્બે જવાબદાર ખાતાંના મંત્રી બન્યા.  ત્યાર પછી રાજ્યસભામાં હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ વિશેના સવાલનો લેખિત જવાબ આપતાં ગયા સપ્તાહે જેટલીએ કહ્યું, ‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ ટૉપ સીક્રેટ દસ્તાવેજ છે અને હજુ સુધી તેને ડીક્લાસિફાય કરવામાં આવ્યો નથી. આ રીપોર્ટને આખેઆખો કે અંશતઃ જાહેર કરવાનું કે તેને લગતી કોઇ વિગતો આપવાનું રાષ્ટ્રહિતમાં નથી.’ (૮ જુલાઇ, ૨૦૧૪)

બીજી સરકારોના રાજમાં ડીઝલના ભાવ વધે તે મોંઘવારી અને અમે ભાવ વધારીએ તે રાષ્ટ્રહિતમાં કડવી દવા, બીજી સરકારો રીપોર્ટ સંતાડી રાખે તે દિલચોરી ને અમે એ જાહેર ન કરીએ તો રાષ્ટ્રહિત- આવો બિનધાસ્ત, આક્રમક દંભ ભાજપને બરાબર ફાવે છે.

ભાજપનાં મોટા ભાગનાં પહેલાં કરી ચૂકેલી કોંગ્રેસ માનતી હશે કે આ રીપોર્ટ જાહેર કરવાથી પોતાની સામે રાજકીય ખતરો ઉભો થાય તો? કોંગ્રેસને સમજાવું જોઇએ કે એ તો વગર રીપોર્ટે પણ થઇ શકે છે. બીજી તરફ, જવાહરલાલ નેહરુ અને વર્તમાન કોંગ્રેસને એક ગણીને, તેમને ગાળો દેવાથી જેમને રાષ્ટ્રપ્રેમનો ઓડકાર આવી જાય છે, એવું ભક્તમંડળ આંખો ન ખોલવા માટે કૃતનિશ્ચયી છે. ‘રાજકારણમાં તો આવું જ હોય’ એવી દલીલ કરનારાએ સમજવું જોઇએ કે એ બચાવ નેતાઓનો છે. નેતાઓ કે પક્ષની ભક્તિમાં આપણો કશો સ્વાર્થ ન હોય તો નાગરિક તરીકે આપણે એવી નાકકટ્ટી દલીલ શા માટે કરવી જોઇએ?

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ અંગે ચાર જ મહિનામાં જેટલીએ સઢ ફેરવી નાખ્યા, તેની આકરી ટીકા થતાં સરકારે પુનઃવિચારની મુદ્રા ધારણ કરવી પડી અને અહેવાલ જાહેર કરવો કે નહીં, એ નક્કી કરવાનું કામ ‘કેબિનેટ કમિટી ઓફ ડીફેન્સ’ને સોંપવાની હિલચાલ દર્શાવી છે. ‘ધ હિંદુ’માં અનામી સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે,‘આમાં જેટલી શું માને છે એ અગત્યનું નથી. આ અહેવાલ જાહેર થાય તેની સામે લશ્કરનો અને મંત્રાલયનો વિરોધ છે. કેબિનેટે એકથી વધારે વાર આ અહેવાલને ડીક્લાસિફાય ન કરવાના નિર્ણય લીધા છે. એ સંજોગોમાં સંરક્ષણમંત્રી કેવળ પોતાની મરજીથી અહેવાલ જાહેર કરી શકે નહીં.’

આ પ્રકારના અનુભવોમાંથી રાજકીય પક્ષો બોધપાઠ મેળવે અને વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે યાદ રાખે એ જરૂરી હોવા છતાં બનતું નથી. અગાઉ ભાજપના અને અત્યારે કોંગ્રેસના કિસ્સામાં સ્પષ્ટ છે તેમ, એમની ભૂમિકા માત્ર ને માત્ર ખંડનાત્મક - નકારાત્મક બની જાય છે- અને એ પણ મોટે ભાગે વ્યાપક લોકહિતની નહીં, સંકુચિત પક્ષીય હિતની બાબતોમાં. તેમની આવી ખુલ્લી બેશરમીમાંથી કશો બોધપાઠ ન લેનારા લોકો ‘ટૉપ સીક્રેટ’ અહેવાલમાંથી બોધપાઠો મેળવી લેશે એવી આશા રાખવી વઘુ પડતી લાગે. છતાં, આશા અમર છે. 

Sunday, July 13, 2014

પરાક્રમ અને પ્રચારે સર્જ્યો વિશ્વયુદ્ધનો મહાનાયક : લૉરેન્સ ઑફ અરેબિયા

~ પ્રથમ વિશ્વયુદ્ધની પહેલી સદી ~

‘ચોરોને આબરૂ હોય, પણ રાજકારણીઓને એવું કંઇ હોતું નથી.’ આ સંવાદ ભલે ફિલ્મી છે, પરંતુ એ બોલનારના રોષ અને તેની હતાશાને આબાદ વ્યક્ત કરે છે. એ પાત્ર છે અંગ્રેજ ફૌજી ટી.ઇ. લૉરેન્સ, જે યુદ્ધના અને ફિલ્મના ઇતિહાસમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ના નામે પ્રખ્યાત છે.

પહેલા વિશ્વયુદ્ધમાં એક તરફ જર્મની, ઓસ્ટ્રો-હંગેરી અને તુર્કીનાં સામ્રાજ્યો હતાં, તો સામા પક્ષે બ્રિટન, ફ્રાન્સ અને રશિયા તથા તેમનાં સંસ્થાનો. મુખ્ય સમરાંગણ યુરોપ હતું. ત્યાંથી આવતા ભીષણ જાનહાનિ અને મક્કમ મનોબળના, જીવલેણ અગવડો અને અભૂતપૂર્વ સંહારના સમાચારો પ્રસાર માઘ્યમોમાં છવાયેલા રહેતા હતા. તેમની સરખામણીમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યના હિસ્સા જેવા આરબ પ્રદેશનું - અને ત્યાં મોકલવામાં આવેલા ટી.ઇ.લૉરેન્સનું શું વજૂદ? આરબ ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસી લૉરેન્સને જરૂર પડ્યે આરબોની બાબતમાં સલાહસૂચન માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ તેના કોઇ એક પાત્રનું નામ ગાજતું હોય તો એ છે : ટી.ઇ.લૉરેન્સ / T.E.Laerence ઉર્ફે લૉરેન્સ ઑફ અરેબિયા/Lawrence of Arabia.
(T.E.) Lawrence of Arabia/ અસલી લોરેન્સ ઓફ અરેબિયા
લૉરેન્સે મોટાં લશ્કરની આગેવાની લીધી ન હતી કે વિશાળ શત્રુસેના સામે એકેય મોટી લડાઇમાં તે ઉતર્યો ન હતો. છતાં, પ્રથમ વિશ્વયુદ્ધનો તે સૌથી પ્રખ્યાત ‘હીરો’ ગણાયો. વર્ષ ૨૦૦૧માં લૉરેન્સનાં પોતાનાં અને તેેના વિશેનાં લખાણોની ફક્ત સૂચિ આપતું ૯૦૮ પાનાંનું એક પુસ્તક (‘ટી.ઇ.લૉરેન્સઃ અ બિબ્લિઓગ્રાફી / T.E.Lawrence : A Bibliography) પ્રગટ થયું હતું. વર્ષ ૨૦૦૮માં પ્રગટ થયેલી તેની પૂરવણી (‘સપ્લીમેન્ટ ટુ ટી.ઇ.લૉરેન્સઃ આ બિબ્લિઓગ્રાફી/ Supplement to T.E.Lawrence : A Bibliography)માં આશરે ૨,૫૦૦ નવી એન્ટ્રી હતી.

આટલી અધધ સામગ્રીના પ્રેરક લૉરેન્સે આખરે એવું તે શું કર્યું હતું? તેનો શક્ય એટલો મુદ્દાસર જવાબ :

તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યની પ્રજા આરબ હતી. તુર્કી સામે લડતા બ્રિટનને એવો રસ હતો કે આરબો ઓટ્ટોમન સામ્રાજ્યની સામે બળવો કરે. આરબોને પણ સામ્રાજ્યની ઘૂંસરી ફગાવી દેવામાં રસ હતો. પણ તેમના જુદા જુદા કબીલા વચ્ચે લોહીયાળ હુંસાતુંસીનો પાર ન હતો. લશ્કરના નીચલી પાયરીના અધિકારી તરીકે લૉરેન્સનું કામ આરબ પ્રિન્સ ફૈસલને મળીને તે શું વિચારે છે- શું કરવા ધારે છે, એ જાણવાનું હતું. પરંતુ પોતાના અભ્યાસ ખાતર રણવિસ્તારમાં અઢળક રખડી ચૂકેલા લૉરેન્સને એવો રસ હતો કે તુર્કીના સામ્રાજ્ય સામે લડનારા આરબોને યુદ્ધના અંતે પોતાનો સ્વતંત્ર દેશ મળવો જોઇએ. તેમના માથેથી તુર્કી જાય ને બ્રિટન ચડી બેેસે, એવું ન થવું જોઇએ.

શરૂઆતમાં આરબોને એવી શંકા હતી કે લૉરેન્સ અંગ્રેજોનો જ સ્વાર્થ સાધશે, પણ પોશાકથી માંડીને ખાણીપીણી-રહેણીકરણીની બાબતોમાં પૂરા આરબ બની ગયેલા લૉરેન્સ પર તેમને ભરોસો પડ્યો. ઝઘડતા આરબ કબીલાઓને પોતાની અલાયદી ઓળખને બદલે આરબ તરીકેની નવી ઓળખ અપનાવવા લૉરેન્સે સમજાવ્યા અને યુદ્ધ પૂરું થયે તેમને આરબ રાષ્ટ્રનું વચન આપ્યું. આ વચન આપવા માટે કે કેટલીક લશ્કરી કાર્યવાહીઓ માટે લૉરેન્સે પોતાના ઉપરીઓને પૂછ્‌યું ન હતું.

લશ્કર યુદ્ધ લડતું હતું, ત્યારે અંગ્રેજ અને ફ્રેન્ચ રાજકારણીઓએ સમજૂતી કરીને, ઓટ્ટોમન સામ્રાજ્યના કસદાર હિસ્સાના અંદરોઅંદર ભાગ પાડી લીધા. તેનાથી લૉરેન્સને છેતરાયાની તીવ્ર લાગણી થઇ. અફાટ રણમાં ઊંટ પર બેસીને સેંકડો કિલોમીટરનું અંતર કાપી નાખનાર અને રેલવે લાઇનો તથા કેટલાક વિસ્તારો પર અણધાર્યા હુમલા કરીને સવાયો આરબ બની રહેનાર લૉરેન્સ જાણે પોતાની નજરમાંથી ઉતરી ગયો. લેખની શરૂઆતમાં મૂકેલા રાજકારણીઓ માટેના ઉદ્‌ગાર  એ જ સંદર્ભે હતા.

યુદ્ધ પૂરું થયા પછીના અરસામાં બ્રિટનના કોલોનિઅલ સેક્રેટરી વિન્સ્ટન્ટ ચર્ચિલની પહેલથી ૧૯૨૧માં ઇજિપ્તના કેરો શહેરમાં એક કોન્ફરન્સ યોજાઇ. તેમાં લૉરેન્સ પણ હાજર હતો. તેણે પ્રિન્સ ફૈસલને આપેલા વચનનો અંશતઃ અમલ કરીને બ્રિટને નવા રચાયેલાં ઇરાક (મેસોપોટેમિયા) અને જોર્ડન પર અનુક્રમે પ્રિન્સ ફૈસલ અને તેમના ભાઇ અબ્દુલ્લાને રાજ સોંપ્યું. લૉરેન્સનું અસલ વચન એવા અરેબિયાનું હતું, જેમાં ઇરાક-જોર્ડન સહિતના બધા પ્રદેશ આવી જતા હોય. પરંતુ એ શક્ય બન્યું નહીં.

દરમિયાન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ‘લૉરેન્સ ઑફ અરેબિયા’નું નામ ગાજતું થઇ ગયું હતું. તેમની છાપ એવી હતી કે પ્રસિદ્ધિની દિશામાં તે બે ડગલાં આગળ અને ચાર ડગલાં પાછળ ચાલે છે. એટલે કે પ્રસિદ્ધિના પ્રયાસમાં અમુક હદ સુધી સહકાર આપે, પણ પછી અચાનક મોં ફેરવી લે છે. ૧૯૧૯-૨૦માં તેમણે ‘સેવન પિલર્સ ઑફ વિઝડમ’ / Seven Pillars of Wisdomપુસ્તકમાં પોતાની યુદ્ધકામગીરીનું આલેખન કર્યું, જેનાં બર્નાડ શૉ/Bernard Shaw જેવા ભાગ્યે જ પ્રસન્ન થતા લેખકે મોકળા મને વખાણ કર્યાં. (લૉરેન્સે પુસ્તકની ભૂમિકામાં મૂલ્યવાન સૂચનો માટે અને લખાણમાં મુકાયેલાં તમામ અર્ધવિરામચિહ્નો માટે શૉ દંપતિનો આભાર માન્યો હતો.)

બ્રિટનમાં સેલિબ્રિટી તરીકેના દરજ્જાથી બચીને સામાન્ય જીવન ગુજારવા માટે તેમણે બે વાર નામ બદલ્યાં અને બ્રિટિશ સૈન્યમાં સામાન્ય, ટેક્‌નિકલ હોદ્દે નોકરી કરી. વર્ષ ૧૯૩૫માં પૂરપાટ ઝડપે મોટરસાયકલ ચલાવતી વખતે નડેલા અકસ્માતમાં છ દિવસ બેભાન રહ્યા પછી ૪૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમનું નામ હતું : ટી.ઇ. શૉ./ T.E.Shaw

પરંતુ પહેલા વિશ્વયુદ્ધનાં સો વર્ષ પછી પણ, લૉરેન્સ ઑફ અરેબિયાનું નામ ઇતિહાસનાં અંધારિયાં ભોંયરામાં ખોવાઇ ગયું નથી.  તેમને આ હદે અમર બનાવવામાં બે જણનો ફાળો મોટો હતો : અમેરિકન પત્રકાર લૉવેલ થૉમસ  અને બ્રિટિશ ફિલ્મકાર (‘બ્રિજ ઑન ધ રીવર ક્વાઇ’ ખ્યાત) ડેવિડ લીન./David Lean

યુદ્ધ ચાલુ હતું ત્યારે સામાન્ય જનતાને લૉરેન્સ વિશે જાણકારી ન હતી. તુર્કીના ઑટ્ટોમન સામ્રાજ્યે લૉરેન્સના માથા સાટે ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ તેમના કોઇ અફસરે કદી લૉરેન્સનો ચહેરો જોયો ન હતો. એટલે દમાસ્કસમાં લૉરેન્સ તુર્કી સૈનિકોના હાથે પકડાઇ ગયો ત્યારે તેને કોઇ સામાન્ય ભાગેડુ સમજીને, થોડી મારઝૂડ કરીને જવા દેવાયો હતો. પરંતુ યુદ્ધ પછી તરતના અરસામાં પત્રકાર લૉવેલ થોમસે લૉરેન્સનાં પરાક્રમ વિશેનો એક શો તૈયાર કર્યો.

વર્તમાન પરિભાષામાં ‘મલ્ટીમિડીયા શો’ કહેવાય એવા થૉમસના કાર્યક્રમમાં ‘લાઇવ નૃત્ય’, થોમસની લાઇવ કોમેન્ટ્રી, આરબ પોશાકમાં સજ્જ લૉરેન્સની સ્ટુડિયોમાં પડાવેલી તસવીરો અને મોટા પડદે તેનાં કેટલાંક લાઇવ દૃશ્યોનું સંકલન રજૂ કરવામાં આવતું હતું. સાથે પાશ્ચાત્ય જનતા માટે અજાણી આરબભૂમિનાં રણ, રોમાંચ અને રહસ્યને પણ સાંકળી લેવામાં આવતાં. ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ જેવું નામકરણ પણ ઘણું કરીને થૉમસની જ દેન હતી.

Lawrence (left) with Lowell Thomas
અમેરિકા ઉપરાંત બ્રિટન જેવા દેશોમાં લૉવેલ થૉમસનો શો જોયા પછી લોકોને જાણ થઇ કે ટી.ઇ.લૉરેન્સ નામનો કોઇ અંગ્રેજ બચ્ચો છે, જે અરબસ્તાન જેવા અજાણ્યા મુલકમાં, આરબ પોશાક પહેરીને, આરબો સાથે હળીભળીને, તેમનો વિશ્વાસ જીતીને અસંભવ લાગતાં પરાક્રમ કરી ચૂક્યો છે. લાખો લોકોનો ભોગ લેનાર યુદ્ધની કરુણ વાસ્તવિકતાને ભૂલવા માટે વીરકથાઓમાં શરણું શોધતા લોકો માટે ટી.ઇ.લૉરેન્સની રોમાંચક ગાથા હાથવગી બની રહી.

વિખ્યાત અંગ્રેજ દિગ્દર્શક ડેવિડ લીને ૧૯૬૨માં ભવ્યતાના પર્યાય જેવી ફિલ્મ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ બનાવીને લૉરેન્સના પાત્રનો આઘુનિક યુગમાં પ્રવેશ કરાવ્યો. તેમાં લૉવેલ થોમસ પર આધારિત અમેરિકન પત્રકારનું જેક્સન બેન્ટલીનું પાત્ર ઊભું કરવામાં આવ્યું. ફિલ્મમાં બેન્ટલીને લૉરેન્સની સાથે કેટલાક હુમલામાં સામેલ થતો બતાવાયો છે. વાસ્તવિક જીવનમાં લૉવેલ થૉમસે લૉરેન્સનાં ‘લાઇવ એક્શન’ દૃશ્યો કદી લીધાં ન હતાં. લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન લંબાઇ અને નિરાંતવી ગતિ ધરાવતી આ ફિલ્મમાં રણનાં, યુદ્ધનાં, ભવ્યતાનાં અને ટોળાંનાં દૃશ્યો મંત્રમુગ્ધ કરે એવાં છે.

David Lean directing Peter O'Toole / Lawrence of Arabia
ફિલ્મમાં એક મહત્ત્વનું - અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર એવોર્ડ મેળવનારનું- પાત્ર શરીફઅલીનું છે, જેના માટે ડેવિડ લીને દિલીપકુમારનો સંપર્ક કર્યો હતો. (દિલીપકુમારે તેનો કેમ અસ્વીકાર કર્યો એ તેમની થોડા સમય પહેલાં પ્રગટ થયેલી આત્મકથામાં પણ જાણવા મળતું નથી.) તેમણે ના પાડ્યા પછી ઇજિપ્તના કલાકાર ઓમર શરીફે એ ભૂમિકા ભજવી.

Omar Sharif as Sherif Ali with 'Lawrence' Peter O'Toole
ફિલ્મમાં એક નાનો (છતાં ‘શોલે’ના સાંભા કરતાં ઘણો મોટો) રોલ હિંદી (હાસ્ય) અભિનેતા આઇ.એસ.જોહરનો હતો. લૉરેન્સ લાંબું રણ ખેડીને અકાબા શહેર પર અણધાર્યો હુમલો કરવા માટે ચુનંદા ઊંટસવારો સાથે નીકળે છે, તેમાંના એક સવાર કાસિમ- એટલે આઇ.એસ.જૌહર.

I.S.Johar a Qasim in 'Lawrence of Arabia'
નવા અભિનેતા પીટર ઓ’ટૂલ/Peter O'tooleની મુખ્ય ભૂમિકા ધરાવતી ડેવિડ લીનની ફિલ્મમાં ઉત્તરાર્ધમાં લૉરેન્સની હતાશાનું અને છેતરાયાની લાગણીનું પણ આબાદ નિરૂપણ કરવામાં આવ્યું હતું. આખી ફિલ્મ જોયા પછી ઉપસતું લૉરેન્સનું પાત્ર સફળ નાયકને બદલે, બ્રિટિશ અને આરબ વફાદારી વચ્ચે ભીંસાતા નિષ્ફળ આગેવાન તરીકેનું, વીરરસને બદલે કરૂણરસનું, વધારે લાગી શકે.

છતાં, ફિલ્મમાં લશ્કરી વડા એડમન્ડ એલન્બી/ Edmund Allenbyના મોઢેથી લૉરેન્સ માટે મુકાયેલો સંવાદ સાચો પુરવાર થયો છે. એલન્બી લૉરેન્સને કહે છે,‘યુદ્ધ પૂરું થયા પછી મને વૉર મ્યુઝીયમમાં શોધવો પડશે, જ્યારે તને બધા ઓળખતા હશે.’


Thursday, July 10, 2014

એક સદી પછી પણ સળગતી પહેલા વિશ્વયુદ્ધની પેદાશ : ઇરાક-સમસ્યા

વિજ્ઞાનની મદદથી ‘આઘુનિક’ બનેલા માણસની અવળી મતિ અને ગતિ સૂચવતી પહેલી વૈશ્વિક ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. તેમાં મુખ્ય પક્ષકાર તરીકે બન્ને બાજુ ત્રણ-ત્રણ સામ્રાજ્ય હતાં : એક તરફ સેન્ટ્રલ પાવર્સ- એટલે કે જર્મન અને ઓસ્ટ્રો-હંગેરિયન તથા (તુર્કીનું) ઓટ્ટોમન સામ્રાજ્ય. સામે પક્ષે હતી ‘ટ્રીપલ આન્તાંત’ / Triple Entente તરીકે ઓળખાતી બ્રિટન, ફ્રાન્સ અને રશિયાનાં સામ્રાજ્યોની યુતિ. ઉપરાંત, જેના કોઇને કોઇ હિસ્સામાં હંમેશાં દિવસ રહેતો હતો- અને સૂર્ય કદી આથમતો ન હતો- એવા બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારત જેવા ઘણા દેશોને વિશ્વયુદ્ધમાં સંડોવાવું પડ્યું. (દિલ્હીમાં રાજપથ પર બનેલો ‘ઇન્ડિયા ગેટ’ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોના પ્રદાનને અંજલિ તરીકે અંગ્રેજ સરકારે ૧૯૩૧માં ખુલ્લો મુક્યો હતો.)

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આશરે એક કરોડ લોકો માર્યા ગયા અને બીજા બે કરોડ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાક આજીવન પંગુ બન્યા. ખુવારીનો આ આંકડો માનવ ઇતિહાસમાં અજાણ્યો અને અભૂતપૂર્વ હતો. પ્રચંડ જાનહાનિ ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધનાં બીજાં માઠાં પરિણામની લાંબી યાદી બને એમ છે. તેમાં સૌથી પહેલા ક્રમે કદાચ બીજા વિશ્વયુદ્ધને મૂકવું પડે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધનું સૌથી દીર્ઘજીવી અનુસંધાન છે અસ્થિર ઇરાક.

જૂન ૨૮,૨૦૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ માટે નિમિત્ત બનનાર ઘટનાને સો વર્ષ પૂરાં થયાં. એ બનાવ એટલે ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના સંભવિત વારસદાર આર્કડ્યુક ફર્ડિનાન્ડની હત્યા. તેની સોમી વરસીની લગભગ સમાંતરે અંતિમવાદી સંગઠન ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના નેતાઓએ તેમના તાબામાં રહેલા ઇરાક અને સિરિયાના પ્રદેશોમાં ‘ખિલાફત’ની- એટલે કે ઇસ્લામી શાસનની- ઘોષણા કરી.

ઇતિહાસની વક્રતા એ છે કે આ બન્ને દેશો પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટ્ટોમન સામ્રાજ્યમાંથી નવી સરહદો આંકીને કોરી કઢાયા હતા. તેમના સર્જન પાછળ વિજેતા બ્રિટનની બોલીને ફરી જવાની કાયમી દગલબાજી અને કોઇના પણ ભોગે પોતાનો સ્વાર્થ સાધી લેવાની પદ્ધતિ જવાબદાર હતાં. ભારતમાં બ્રિટને જે રીતે પહેલાં લાલચ અને પછી સૈન્યબળથી એક પછી એક પ્રદેશો હડપ કર્યા, કંઇક એવી જ ‘નીતિ’ વિશ્વયુદ્ધ વખતે તેણે ઓટ્ટોમન સામ્રાજ્યના વિસ્તારો માટે અપનાવી.

ઇસ્લામી શાસન ધરાવતા ઓટ્ટોમન સામ્રાજ્યમાં બ્રિટનનું આક્રમણ ‘ખ્રિસ્તી વિરુદ્ધ મુસ્લિમ’ની ‘ક્રુસેડ’ (ધર્મયુદ્ધ) નથી, એવું દેખાડવું બ્રિટનને જરૂરી લાગતું હતું. ઉપરાંત ઓટ્ટામન સામ્રાજ્યને અંદરથી નબળું પાડવા માટે, આરબોને શાસન વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા. અંગ્રેજોની ‘પ્રેરણા’થી સો વર્ષ પહેલાં ‘આરબ સ્પ્રિંગ’ (વિદ્રોહની વસંત)નાં મંડાણ થયાં. આરબ વિદ્રોહનો વાવટો ફરકતો રાખવા માટે અંગ્રેજોએ અરબ પ્રદેશોના અભ્યાસી અને ઇતિહાસની ડિગ્રી-પુરાતત્ત્વમાં રસ ધરાવનાર ટી.ઇ.લૉરેન્સ/ T.E.Lawrenceની સેવાઓ લીધી. તેનું કામ આરબોને વિશ્વાસમાં લઇને તેમને ઓટ્ટોમન સામ્રાજ્ય સામે લડાવવાનું હતું. બદલામાં આરબોને વિશ્વયુદ્ધ પછી અલગ અરબસ્તાન- આરબોનો અલગ દેશ- આપવાનો ગોળ તેમની કોણીએ લગાડવામાં આવ્યો હતો.
Lawrence Of Arabia/ (અસલી) લોરેન્સ ઓફ અરેબિયા
આરબોને સમજાવવા-પટાવામાં અને તેમની ટુકડીઓનું નેતૃત્વ લઇને ઓટ્ટોમન સામ્રાજ્યના સૈન્ય પર- તેની ધોરી નસ જેવી લાંબી રેલવે લાઇન પર વીજળીક હુમલા કરવામાં લૉરેન્સ એવો પાવરધો પુરવાર થયો કે બ્રિટન સહિત વિશ્વભરમાં તે ‘લૉરેન્સ ઑફ અરેબિયા’ તરીકે વિખ્યાત બન્યો. અરબી પોશાકમાં સજ્જ લૉરેન્સની તસવીર આરબો માટે આદરનું અને અંગ્રેજ પરાક્રમ-કુશળતા-ક્ષમતાનું પ્રતીક બની રહી. પરંતુ અંગ્રેજોનો ઇરાદો સાફ ન હતો. ખુદ લૉરેન્સને પણ એ વાતનો અંદાજ હતો. તેણે પોતાના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑફ વિઝડમ’માં નોંઘ્યું હતું કે ‘અમે યુદ્ધ જીતી જઇશું તો આરબોને આપેલાં વચનોનું મહત્ત્વ કાગળીયાંના ટુકડાથી વિશેષ રહેવાનું નથી...પૂર્વના મોરચે યુદ્ધ જીતવામાં આરબોની મદદ અમારા માટે સૌથી મોટું ઓજાર બની હતી...છતાં, અમે સાથે મળીને જે કંઇ કર્યું એનું ગૌરવ લેવાને બદલે, હું સતત અને ભયંકર કટુતાપૂર્વક શરમ અનુભવતો હતો.’ (લૉરેન્સ ઑફ અરેબિયાની વિગતે વાત ફરી ક્યારેક)

અંગ્રેજોને મન તેમનું આર્થિક અને રાજકીય હિત સર્વોપરી હતું. એટલે એક બાજુ તે આરબોને અલગ આરબ રાજ્યના વાયદા આપતા હતા અને બીજી તરફ આરબોના કટ્ટર દુશ્મન એવા યહુદીઓને પેલેસ્ટાઇનમાં યહુદી રાજ્ય ઊભું કરી આપવાનું કહેતા હતા. યુદ્ધનો અંત હાથવેંતમાં દેખાતો ન હતો, એ વખતે ‘સાઇક્સ-પિકો એગ્રીમેન્ટ’/ Sykes-Picot Agreement તરીકે જાણીતા કરાર અંતર્ગત બ્રિટન અને ફ્રાન્સની સરકારોએ ઓટ્ટોમન સામ્રાજ્યના અંદરોઅંદર ભાગ પણ પાડી દીધા. ક્યાં બ્રિટનની સીધી સત્તા રહેશે અને કયા વિસ્તારોમાં તેનો સીધો પ્રભાવ, એવું જ ફ્રાન્સની બાબતમાં પણ નકશા આંકીને નક્કી કરી નાખવામાં આવ્યું. તેમાં ફ્રાન્સના ભાગે હાલનાં સિરીયા અને લેબનોન આવતાં હતાં અને બ્રિટનને હાલનાં ઇરાક, જોર્ડન તથા પેલેસ્ટાઇન મળતાં હતાં. આ વહેંચણ પછી આરબોના ભાગે તેમણે માગેલું નહીં, પણ બ્રિટન-ફ્રાન્સે ઓળવી લીધા પછીનું વઘ્યુંઘટ્યું અરબસ્તાન જ આવતું હતું. (વિગત જોવા માટે નીચેના નકશા પર ક્લિક કરો)

અંગ્રેજોના વાયદા પ્રમાણેનું અરબસ્તાન (ડાબા નકશામાં મોટો વિસ્તાર) અને
વાસ્તવમાં આપેલું વધ્યુઘટ્યું અરબસ્તાન (જમણા નકશામાં નીચેનો વિ્સ્તાર)
યુદ્ધ પૂરું થયા પછી વિજેતા દેશોએ (હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વસૂરિ જેવી) ‘લીગ ઑફ નેશન્સ’ની સ્થાપના કરી. તેનો હેતુ તો દુનિયામાં શાંતિ સ્થપાય અને ફરી યુદ્ધ ન થાય એવો ઠાવકો હતો, પણ તેનો વહીવટ વિજેતા દેશોના હાથમાં હતો. એટલે ‘લીગ ઑફ નેશન્સ’ દ્વારા એવું ઠરાવવામાં આવ્યું કે ઓટ્ટોમન સામ્રાજ્યના વિઘટન પછી બાકી રહેલાં અને નવાં અસ્તિત્ત્વમાં આવેલાં ઇરાક, સિરીયા, જોર્ડન, પેલેસ્ટાઇન જેવા દેશોને સ્વતંત્રતા ન આપવી. પણ તેમને ‘દૂધપાક’ જાહેર કરીને, બીજા દેશોને તેમની ‘જવાબદારી’ સોંપવી. (એ માટે વપરાયલો ટેક્‌નિકલ શબ્દ હતોઃ મેન્ડેટ. આ દેશોને બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોનાં ‘મેન્ડેટ’ જાહેર કરાયાં હતાં.) દલીલ એવી કરવામાં આવી કે આ દેશો હજુ સ્વતંત્રતા માટે લાયક નથી. યુરોપીઅન દેશોના માર્ગદર્શનમાં થોડાં વર્ષ રહ્યા પછી તે એ માટે લાયક બનશે. (આવી જ દલીલ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અંગ્રેજો દ્વારા થતી હતી.)

મુત્સદ્દીગીરીના નામે ચાલતી ઘૂર્તતાનો સાદો અને વ્યવહારુ અર્થ એટલો થયો કે આરબોના સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન અઘૂરું રહ્યું અને તેમના માથે ઓટ્ટોમન સામ્રાજ્યની જગ્યાએ બ્રિટિશ (કે ફ્રેન્ચ) સામ્રાજ્ય આવ્યું. બ્રિટનને નવા રચાયેલા ઇરાકમાં ત્રણેક જગ્યાએથી મળેલા ક્રુડ ઑઇલના ખજાનામાં રસ પડ્યો હતો. હકીકતે ઇરાકની રચના જ બ્રિટને એવી રીતે આંકી હતી કે જેથી તેમાં ત્રણે તેલક્ષેત્રો આવી જાય. ક્રુડ ઑઇલની લ્હાયમાં શિયા, સુન્ની અને કુર્દ પ્રજાનું સ્ફોટક મિશ્રણ ધરાવતો પ્રદેશ એક રાષ્ટ્ર (ઇરાક) તરીકે અસ્તિત્ત્વમાં આવી ગયો અને કાયમી અશાંતિનાં મૂળીયાં નંખાઇ ગયાં, તે સ્વાર્થઅંધ અંગ્રેજોને દેખાતું ન હતું કે તેમને એ જોવામાં રસ ન હતો.

યુરોપીઓનોની દેખીતી અંચઇ અને લુચ્ચાઇથી આરબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો. લૉરેન્સ ઑફ અરેબિયાએ પણ એક અખબારના તંત્રીને સપ્ટેમ્બર, ૧૯૧૯માં પત્ર લખીને જણાવ્યું કે ‘આપણે (અંગ્રેજો) સુધરીશું નહીં તો આવતા વર્ષના માર્ચમાં આરબોના વિદ્રોહની તૈયારી રાખવી પડશે.’સમાર્ચ નહીં ને જૂન, ૧૯૨૦માં આરબોનો બળવો ફાટી નીકળ્યો, જેમાં સ્થાનિક અંગ્રેજ તંત્ર ઉંઘતું ઝડપાયું. ખુવારી અને જાનહાનિ વેઠ્યા પછી મોટા પાયે સૈન્યબળ વાપરીને બ્રિટને બળવો કચડી નાખ્યો. કેટલાક અહેવાલ પ્રમાણે એ વખતે આદિવાસી કબીલાઓ સામે બ્રિટને ઝેરી ગેસનો ઉપયોગ પણ કર્યો. છેવટે ૧૯૨૧માં વિન્સ્ટન્ટ ચર્ચિલને બ્રિટિશ સરકારે કોલોનિયલ સેક્રેટરી તરીકે નીમ્યા. તેમણે આરબોને વિશ્વાસમાં લેવા માટે લૉરેન્સ ઑફ અરેબિયાની મદદ લીધી. લોહિયાળ બોધપાઠ પછી આરબોના નેતા અમીર હુસૈનના એક પુત્રને ઇરાકની અને બીજા પુત્રને જોર્ડનની ગાદી પર બેસાડવામાં આવ્યો.

ત્યારથી ઇરાકમાં પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા સુન્નીઓનું શાસન શરૂ થયું. છેવટે ૧૯૫૮માં બ્રિટન વતી રાજ કરતા કઠપૂતળી શાસકો સામે વિદ્રોહ થતાં ઇરાકમાંથી બ્રિટનના વર્ચસ્વનો અંત આવ્યો. ત્યાર પછીનાં વર્ષોમાં લશ્કરી સત્તાપલટા પછી ૧૯૭૦ના દાયકામાં સદ્દામ હુસૈન અને તેમની ‘બાથ’ પાર્ટી સત્તામાં આવી. તેમણે માનવ અધિકારોને કચડી નાખ્યા અને લોખંડી રીતે શાસન ચલાવ્યું. એટલે શિયા-સુન્નીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ટાળી શકાયા. અલબત્ત, કુર્દો સામે ઝેરી ગેસનો ઉપયોગ કરીને તે  જગબત્રીસીએ ચડ્યા. અમેરિકાએ ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’- સામુહિક સંહારનાં શસ્ત્રો રાખવાના બહાને ૨૦૦૩માં ઇરાક પર હુમલો  કર્યો. ઇરાકના લોકોને સદ્દામના શાસનમાંથી તેમણે મુક્તિ તો અપાવી, પણ ત્યાર પછી તેમને વધારે અંધાઘૂંધીમાં તેમને ધકેલી દીધા અને સરવાળે પોતાનું સૈન્ય પાછું ખેંચી લીઘું. ત્યાં સુધીમાં ધણીધોરી વગરના ઇરાકમાં સ્થાનિક શિયાઓ, કુર્દો અને સિરીયા સહિતના દેશોમાં શસ્ત્રસજ્જ ફરતા લોકો જોરાવર બની રહ્યા હતા. ‘ધ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ જેવા સંગઠનને ફૂલવાફાલવા માટે આનાથી વધારે ફળદ્રુપ સંજોગો કયા હોઇ શકે?

એ સંગઠને ઇરાક અને સિરીયાના પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં ઇસ્લામી શાસન જાહેર કરીને બ્રિટને આંકેલી તથા પાછલાં વર્ષોમાં અમેરિકાએ દૃઢ બનાવેલી ઇરાકની સીમારેખાઓને પડકારી છે.  પહેલા વિશ્વયુદ્ધની શતાબ્દિની ઉજવણી વખતે મઘ્ય-પૂર્વનો હજુ દૂઝતો ઘા ભૂલવા જેવો નથી ને અવગણી શકાય એવો પણ નથી.  

Tuesday, July 08, 2014

શ્રદ્ધા : ભક્ત અને ભગવાન વચ્ચેનો મામલો

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સાંઇબાબા ઇશ્વર નથી, તેમની મૂર્તિ બીજા ભગવાનોની સાથે મૂકવી ન જોઇએ અને હિંદુઓએ તેમની પૂજા ન કરવી જોઇએ, એવાં વિધાનો કરીને વિવાદ છેડ્યો છે. કોર્ટકચેરીએ પહોંચેલા એ મામલા વિશે ટીવી ચર્ચાઓના અંદાજમાં પાણી વલોવવાને બદલે કેટલીક મૂળભૂત બાબતો વિશે વાત થાય તો, આ પ્રકારના વિવાદોથી બચી શકાય. સાથોસાથ, કેટલીક પાયાની સ્પષ્ટતાઓ સુધી પણ કદાચ પહોંચી શકાય.

ઇશ્વર એટલે...

સાહિર લુધિયાનવી રચિત ઉત્તમ કવ્વાલી ‘યે ઇશ્ક ઇશ્ક હૈ’ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેમાં એક પંક્તિ આવે છે : ‘ખાક કો બુત ઔર બુત કો દેવતા કરતા હૈ ઇશ્ક.’ તેમાં મહિમા ભલે પ્રેમનો થયો હોય, સાથોસાથ ઇશ્વરની સાદામાં સાદી ‘રેસિપી’ બતાવી દેવામાં આવી છે :  માણસ જેને પ્રેમથી-શ્રદ્ધાથી ભજે, મનથી માને તે ઇશ્વર.

માણસ ઇશ્વર થકી છે કે નહીં (ઇશ્વરે માણસનું સર્જન કર્યું કે નહીં) એ ચર્ચા, વિવાદ અને વૈજ્ઞાનિક સંશોધનનો વિષય હોઇ શકે છે, પણ ઇશ્વર માણસ થકી છે એ હકીકત છે. માણસ ન હોત તો ઇશ્વરને ઇશ્વર તરીકેની ઓળખ કે એવો દરજ્જો કોણ આપત? માણસની અનુપસ્થિતિમાં, આસ્તિકોની માન્યતા પ્રમાણેના સર્જક-પાલક-સંહારક ઇશ્વરની દશા ‘જંગલમેં મોર નાચા’ જેવી ન થાત?

સૃષ્ટિનું સર્જન થયાનાં કરોડો વર્ષ પછી આવનાર મનુષ્ય નામના પ્રાણીએ પહેલી વાર ઇશ્વરનું સ્થાપિત-સંસ્થાકીય-દાર્શનિક-આઘ્યાત્મિક સ્વરૂપ કલ્પ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, ઇશ્વર કરોડો વર્ષોથી આ સૃષ્ટિનો સર્જક-પાલક-સંહારક હોય તો પણ,  આજે જે સ્વરૂપે કલ્પવામાં કે માનવામાં આવે છે એવા ઇશ્વરનો ‘જન્મ’ મનુષ્યના આગમન પછી થયો.

આદિમ પ્રજા પ્રાકૃતિક તત્ત્વો અને પશુપક્ષીઓને ભગવાન માનતી હતી. ત્યારથી માણસે પાછું વાળીને જોયું નથી. ઇશ્વર બનાવવાની માણસની જરૂરિયાત અથવા મજબૂરી અથવા બન્ને ધીમે ધીમે કરતાં વ્યવસાય અને ‘હૉબી’ બનવાની હદે પહોંચ્યાં છે. ઘણાં દેવી-દેવતાનું ‘અવતરણ’ તો સાવ નજીકના ભૂતકાળમાં થયું છે. તેનો સૌથી જાણીતો અને સ્વીકૃત દાખલો છે : સંતોષીમા.

વર્ષ ૧૯૭૫માં ‘શોલે’ની સમાંતરે ‘જય સંતોષીમા’ ફિલ્મ આવી અને એકાદ-બે વર્ષ સુધી ‘શોલે’ને ટક્કર આપે એટલી પ્રચંડ સફળતા પામી. ત્યારથી સંતોષીમાનો સંપ્રદાય ધમધમવા લાગ્યો. બાકી, એની વાર્તામાંં હતું શું? ‘જય સંતોષીમા’નાં ગીતો લખનાર પ્રદીપજીએ કહ્યું હતું કે આવાં કોઇ દેવીનું નામ ‘દેવીભાગવત’માં નથી. છતાં, પરચા-રસથી ભરેલી વ્રતકથાની પાતળી ચોપડીમાં કલ્પનાઓ ઉમેરીને સંતોષીમાની પૂરા કદની ફિલ્મી કથા તૈયાર કરવામાં આવી. તેની એવી સફળતા મળી કે થિએટરનાં પ્રાંગણમાં સંતોષીમાનાં મંદિર ખડાં થઇ ગયાં, શ્રદ્ધાળુઓ ત્યાં યથાશક્તિ ભેટ મૂકીને ગોળ-ચણાનો પ્રસાદ મેળવવા લાગ્યા, શુક્રવાર ‘સંતોષીમાનો વાર’ બની ગયો.

ત્યાર પછી પણ અવનવા નામ ધરાવતાં ઘણાં દેવીદેવતા અસ્તિત્ત્વમાં આવ્યા છે અથવા તેમને ખોળી કાઢવામાં આવ્યાં છે. કેટલાંક નામ તો હસવું આવે એવાં હોય છે. છતાં, એ શ્રદ્ધાપૂર્વક લખાયેલાં જોવા મળે છે. એનો અર્થ જ એ થયો કે કંઇ નહીં તો થોડા લોકો માટે એ ‘ભગવાન’નું સ્થાન ધરાવે છે. જ્યાં લગી એ લોકોને તેમનામાં શ્રદ્ધા છે, ત્યાં સુધી ભગવાન તરીકે એમનું સ્થાન પાકું છે. થોડાં વર્ષ પછી દસ-પચીસ-પચાસ પૈસાના સિક્કાની જેમ તેમની ‘ઉપયોગીતા’ ખતમ થઇ જાય અથવા તેમનું સ્થાન બીજા કોઇ ‘ભગવાન’ લે, તો શક્ય છે કે સિક્કાની જેમ જ અમુક દેવીદેવતાઓ પણ ચલણમાંથી નીકળી જાય.

દક્ષિણના લોકો એમ.જી.રામચંદ્રન્‌, એન.ટી.રામારાવ જેવા અભિનેતામાંથી મુખ્ય મંત્રી બનેલા લોકોથી માંડીને જીવીત અભિનેત્રીઓનાં મંદિર બનાવવા માટે જાણીતા છે. ગાંધીજીથી અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવી લોકપ્રિય હસ્તીઓનાં છૂટાંછવાયાં મંદિર પણ બને છે. જીવંત વ્યક્તિને ભગવાન માનવાની વાત નીકળે એટલે ગુજરાતના જેલસ્થ એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ વણઝારા પણ યાદ આવે. તેમણે પત્રમાં લખ્યું હતું, ‘ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો...પણ શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં.’

ફિલ્મી, રમતજગતની કે અન્ય હસ્તીઓને ભગવાન માનવા- તેમનાં મંદિર સ્થાપવાની ચેષ્ટાઓ પાછળ ઘેલછાની હદે પહોંચેલી લાગણી, પ્રસિદ્ધિની લાલસા, આર્થિક ફાયદો કે એવાં એક યા વઘુ પરિબળ જવાબદાર હોઇ શકે છે. છતાં, તેની સામે શંકરાચાર્ય જેવા કોઇ ધર્મગુરુ જાહેર કકળાટ કરતા નથી. ‘શાસ્ત્રોમાં આવા કોઇ ભગવાનનો ઉલ્લેખ નથી’ એવી ‘શાસ્ત્રીય’ દલીલો થતી નથી. તેનું એક કારણ કદાચ એ છે કે આ મંદિરો મોટો ભક્ત સમુદાય - અને તેની સીધી પેદાશ જેવી અઢળક કમાણી- ખેંચી લાવતાં નથી અને સ્થાપિત ધર્મસંસ્થાઓ માટે તે ખતરો ઉભો કરતાં નથી. આવાં મંદિરોને લોકો નિયમને બદલે અપવાદ તરીકે વધારે જુએ છે.

પાયાનો તફાવત

ભગવાનની વાત નીકળી છે તો થોડી ચર્ચા શ્રદ્ધા-અંધશ્રદ્ધા વિશે પણ કરવી રહી. તેમના માટેના અંગ્રેજી શબ્દો કોઇ ગુંચવાડા વગરના છે : શ્રદ્ધા એટલે ‘ફેઇથ’ અને અંધશ્રદ્ધા એટલે ‘સુપરસ્ટીશન’. રેશનાલિસ્ટો માને છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક જ છે. બન્નેમાં આંખ મીંચીને, તર્કશક્તિને બાજુએ રાખીને વિશ્વાસ મૂકવાની વાત છે. માટે, તેમના મતે દરેક શ્રદ્ધા ‘અંધશ્રદ્ધા’ જ હોય છે.

તાર્કિક રીતે આ દલીલ સાચી હોય તો પણ શ્રદ્ધાળુઓને તે સ્વીકાર્ય બનતી નથી. કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તત્ત્વતઃ એક હોય તો પણ ભાવતઃ - વ્યવહારુ અર્થમાં-  તેમને જુદાં ગણવામાં આવે છે. બન્ને વચ્ચેની ભેદરેખા એકદમ સ્પષ્ટ નથી એ ખરું, પણ તે આંકી શકાય એવી તો છે. પ્રાથમિક રીતે જ શ્રદ્ધામાં હકારાત્મક અને અંધશ્રદ્ધામાં નકારાત્મક ભાવ છે. શ્રદ્ધા વ્યક્તિની આંતરિક બાબત છે. તે વ્યક્તિને આંતરિક તાકાત આપી શકે છે. તેમાં ગણતરી કે શરત હોતાં નથી. ‘હે ભગવાન, તમે મારું આટલું કામ કરી દેશો તો હું તમને અમુક ભેટ ચડાવીશ કે અમુક વ્રત કરીશ કે અમુક વાર કરીશ’ એવી ઑફરમાં શ્રદ્ધા કરતાં વેપારીબુદ્ધિનું પ્રમાણ ઘણું વધી જાય છે- અને તે શ્રદ્ધાની સરહદ ઓળંગીને અંધશ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશી જાય છે. અંધશ્રદ્ધા કે દેખાડાબાજી વગરની આંતરિક શ્રદ્ધાને પાંગરવા માટે ટોળાંશાહીની, ભવ્ય ધર્મસ્થાનોની, વૈભવી બાવા-બાવીઓની કે ભપકાદાર ઉત્સવોની કે રાજ્યાશ્રયની જરૂર પડતી નથી.

શ્રદ્ધાળુ વ્યક્તિ સૃષ્ટિનો કોઇ સર્જક-ચાલક છે એવી માન્યતા ધરાવે છે. વૈજ્ઞાનિક રીતે એ માન્યતા ધારો કે ખોટી હોય તો પણ, શ્રદ્ધાળુ માટે એ માન્યતા માનસિક તાકાત પૂરી પાડનારી બની શકે છે. અગવડ વેઠીને નીતિમત્તાના-પ્રામાણિકતાના રસ્તે ચાલતા રહેવાના સંઘર્ષમાં કોઇને ઇશ્વરના ખ્યાલથી તાકાત મળતી હોય, તો એવો ખ્યાલ ગમે તેટલો અવૈજ્ઞાનિક હોવા છતાં, તેને નકારાત્મક ગણી શકાય નહીં- અંધશ્રદ્ધામાં ખપાવી શકાય નહીં. તેને માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવો અને પ્રમાણવો પડે. ઇશ્વર કે દૈવી તત્ત્વ પરની શ્રદ્ધાના જોરે વ્યક્તિ ટકી જાય અને કપરો સમયગાળો પસાર કરી નાખે, તો એવી શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ તરીકે ઉતારી પાડવાનું કેટલું યોગ્ય, કેટલું માનવીય ગણાય?

બન્ને વચ્ચેનો એક મૂળભૂત તફાવત એ છે કે શ્રદ્ધા માણસને  મજબૂત બનાવે છે અને અંધશ્રદ્ધા તેને પાંગળો બનાવે છે. શ્રદ્ધામાં બાહ્યાચાર અને કર્મકાંડને ભાગ્યે જ સ્થાન હોય છે, જ્યારે અંધશ્રદ્ધામાં પરમતત્ત્વ કે ઇશ્વર બાજુ પર રહી જાય છે અને તેમના નાના-મોટા એજન્ટો દોર સંભાળી લે છે. કોઇની નક્કર શ્રદ્ધાનો ગેરલાભ લઇ શકાતો નથી. કારણ કે સાચો શ્રદ્ધાળુ ચમત્કારોની કે દુન્યવી ફાયદાની આશા રાખ્યા વિના, કેવળ ઇશ્વરને નજર સામે રાખે છે અને પોતાનો પુરુષાર્થ ઓછો કર્યા વિના, જે થાય તેમાં ઇશ્વરેચ્છા જુએ છે.

બીજાને કોઇ પણ રીતે નડ્યા વિના વ્યક્તિગત ધોરણે ઇશ્વરમાં શ્રદ્ધા રાખનારા કે ઘેલાં કાઢ્‌યા વિના (પરંપરાગત સંસ્કારોની અસરથી)  મૂર્તિપૂજા, પાઠ કે માળા કરતા લોકોને ‘અંધશ્રદ્ધાળુ’ કહી દેવાનું બહુ સહેલું છે. પણ  એમ કરતી વખતે યાદ રાખવું જોઇએ કે આસ્તિકતા કે નાસ્તિકતા સ્વતંત્ર સદ્‌ગુણો (કે દુર્ગુણો) નથી. કોઇ માણસ ફક્ત આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારો કે ખરાબ થઇ જતો નથી. કોઇ રેશનાલિસ્ટ નાસ્તિકતાને સ્વતંત્ર સદ્‌ગુણ માનીને ફક્ત એ ફૂટપટ્ટીએ આખા જગતનું માપ કાઢે અને કોઇ આસ્તિક ભક્તિની સાથે દુનિયાભરની ખલનાયકી કરે, તો આ બન્ને પ્રકારોમાં તેના કર્તાનું કે બાકીની દુનિયાનું કશું ભલું થતું નથી. તે ‘શું ન કરવું જોઇએ’ એના જ નમૂના બની રહે છે.

શ્રદ્ધા-અંધશ્રદ્ધાના તફાવતને, કેવળ સમજૂતી ખાતર અને એ પણ થોડી અતિશયોક્તિ સાથે, વિટામીનની ગોળી જોડે સરખાવી શકાય. આદર્શ સ્થિતિ એ છે કે માણસને આવી ગોળી લેવી ન પડે.  પરંતુ સૌની સ્વસ્થતા એકસરખી હોતી નથી. ધારો કે કોઇને વિટામીનની ગોળી લેવાથી સારું લાગતું હોય - અને એ લેવાનું પરવડતું હોય- તો ઠીક છે. વ્યક્તિ પોતાને ઠીક પડે એવા ડોક્ટર પાસેથી, અનુકળ આવે એવી ગોળી લે અને પોતાની સ્વસ્થતા ટકાવી રાખે. પરંતુ વિટામીનની ગોળીઓના બુકડા ન મરાય. એવી જ રીતે, છ-છ મહિને વિટામીનની ગોળીઓ કે ડોક્ટર પણ ન બદલાય અને બાજુવાળાને બીજી ગોળી લેતા જોઇને ‘હું પણ એ ગોળી શરૂ કરી દઉં’ એવી વૃત્તિ ન જાગવી જોઇએ.

અસ્થિરતા કે અસલામતી પેદા કરે તેને અંધશ્રદ્ધાથી માંડીને સ્થાપિત હિત સુધીનું કંઇ પણ કહી શકાય- શ્રદ્ધા ન કહેવાય.

Sunday, July 06, 2014

રજનીકુમાર પંડ્યાઃ ૭૭મે વર્ષે ઝબકાર? ના, ઝળાંહળાં

(નોંધ- આજે જુલાઇના રોજ રજનીકુમારને ૭૬ વર્ષ પૂરાં થયાં. લેખનું મથાળું રજનીકુમારની શૈલીને અંજલિ તરીકે આપ્યું છે.)

Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
તમે રજનીકુમારને ગુરુ માનો છો? કોઇ પણ માણસને ગુરુ બનાવતાં પહેલાં વિચાર કરવો જોઇએ.એક આદરણીય લેખકે દોઢ- પોણા બે દાયકા પહેલાં પૂરા શુભેચ્છાભાવથી મને કહ્યું હતું

તું રજનીકુમારને ગુરુ માને છે? સાચવજે.બીજા એક સ્નેહી વડીલ લેખકે લગભગ અરસામાં મને કહ્યું હતું.

વખતે હું મુંબઇમાં અભિયાનથકી પત્રકારત્વમાં પ્રવેશ્યાના એકાદ વર્ષમાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનું લેખન-પત્રકારત્વજગત સાવ અજાણ્યું. વિનોદ ભટ્ટ જેવા પ્રિય લેખક સાથે પત્રકાર બન્યા પહેલાં વાચક તરીકેનો પરિચય અને થોડો સંબંધ ખરો સિવાય પહેલેથી એકડો ધૂંટવાનો હતો. પત્રકારત્વના ક્ષેત્રમાં સમવયસ્ક કે એક પેઢી પછીના મિત્રો પાસેથી રજનીભાઇ વિશે ભાગ્યે સારું સાંભળવા મળે. કોઇને એમના પબ્લિક રિલેશનના અને રૂપિયા લઇને લખી આપવાની કે પ્રચારપ્રસારની કામગીરી વિશે વાંધો હોય, તો કોઇને તેમના સ્ત્રીમિત્રોવાળા પાસાનો ઉલ્લેખ કરીને તેમનો એકડો કાઢી નાખે.

મને શરૂઆતમાં બહુ ખટકતું. સમજાતું નહીં કે  બન્ને આરોપસાચા હોય તો પણ કોઇ વ્યક્તિને ફક્ત એટલાથી મૂલવવાની ભૂલ આવા સમજુ લાગતા માણસો કેમ કરતા હશે? તેમને રજનીભાઇનાં પ્રચંડ સર્જકતા ધરાવતાં લખાણ વિશે કશું કહેવાનું નથી? બીજાને નિઃસ્વાર્થભાવે અને હોંશે હોંશે મદદરૂપ થવાની તેમની ખાસિયત લોકો નહીં જાણતા હોય? કે જાણવા નહીં માગતા હોય?

પણ સામી દલીલમાં હું ઉતરતો નહીં. આદરણીય વડીલો સામે વખતે- અને બને ત્યાં સુધી અત્યારે પણ- દલીલમાં ઉતરવું પડે તો સારું, એવી ભાવના હોય. બીજું, દલીલમાં હંમેેશાં આપણી વાત સામેવાળાને સમજાવી શકાય જરૂરી નથી. મને લખીને વધારે ફાવે. પરંતુ તેની જરૂર લાગતી નહીં. હું એમને એટલું કહેતો કે મારી ચિંતા કરશો. ક્યાંથી શું લેવું હું જાણું છું.

હકીકત હતી કે ખુદ રજનીભાઇ પણ વિશે સભાન હતા. તેમણે કરેલાં બધાં વ્યાવસાયિક કામને તે સાહિત્યિક ગણાવતા હતા. એવી રીતે પ્રચારકામગીરી સન્માનજનક નથી ગણાતી પણ તે સમજતા હતા. ક્યારેક કહેતા, ‘મારું કામ બૂટપોલીશફિલ્મના જોનચાચા-ડેવિડ- જેવું છે, જે પોતે દારૂ વેચતો હોવા છતાં સાથે રહેતાં બાળકોને ધંધાથી દૂર રાખે.

ખરેખર, તેમનું મૂલ્યાંકન પણ તેમની જાત પ્રત્યે વધારે પડતું આકરું અને તેમને ભારે અન્યાય કરનારું છે. તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિ કે સંબંધોની સૃષ્ટિને દારૂના ધંધા’  જેવી- અનિષ્ટકે પછી બીજા માટે નુકસાનકારકશી રીતે ગણી શકાય? તેમના રવાડે ચડીનેકોઇની જિંદગી બગડી હોય એવો એેકેય દાખલો છેલ્લાં ૨૬ વર્ષના અમારા પરિચયમાં મને જોવા મળ્યો નથી, અને તેમના કારણે જેમનાં અશક્ય લાગતાં કામ થયાં હોય, આસમાની મદદ મળી હોય, અણધાર્યા મેળાપ થયા હોય, સામાજિક સંસ્થાઓ ફૂલીફાલી ને આબાદ થઇ હોય...ટૂંકમાં, જેમની જિંદગી સુધરી કે બની ગઇ હોય એવા અસંખ્ય કિસ્સા જોયા છે અને હજુ જોઉં છું. તેમનું જીવનજોશ જોઇને, અનેક મોરચાનો સંઘર્ષ હોવા છતાં જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ જોઇને સુખદ, અહોભાવમિશ્રિત આશ્ચર્ય અનુભવું છું.

(નોંધ : કોઇ તેમની સામે કોર્ટકેસ કરે અથવા તેમને કેસ કરવો પડે એવી સ્થિતિમાં મૂકે અને પછી કોર્ટમાં હારી જાય, તો એનો દોષ રજનીભાઇના માથે શી રીતે નાખી શકાય? એવી રીતે, વર્ષો સુધી તેમની સાથે મહાલનારા અને તેમના લાભાર્થીરહેલા જણ સાવ ધૂળ જેવા કારણસર પોતાની જાતને સામેની છાવણીમાં મૂકી દે અને પોતે આવું કેમ કર્યું તેનો કશો પ્રતીતિકર ખુલાસો રજનીભાઇને આપી શકે નહીં, તો પીડા માટે પણ રજનીભાઇને જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે તેમાં પીડા બન્ને પક્ષે - કદાચ રજનીભાઇના પક્ષે વધારે- હોય છે.)

૧૯૮૮થી તેમની સાથે શરૂ થયેલો અમારો પત્રસંપર્ક આત્મીયતાની તાર્કિક અને દુન્યવી સીમાઓને ક્યારનો વટાવી ગયો છે. એટલે , તેમની મર્યાદાઓ પણ બીજા કરતાં વધારે નજીકથી જોઇ છે. તેમની ખૂબીઓ અને મર્યાદાઓનો સરવાળો માંડનારા આપણે કોણ?’ એવા ડહાપણભર્યા વિચારોની વચ્ચે વચ્ચે, માનવસહજ રીતે અનેક વાર આવું સરવૈયું માંડ્યું છે અને દરેક વખતે ખૂબીઓનું પલ્લું અસાધારણ રીતે- બીજા કોઇના કિસ્સામાં ભાગ્યે જોવા મળે એટલી હદે- નમતું લાગ્યું છે.
Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
આટલું તો અત્યંત અંગત અને નિકટના પરિચયની રૂએ. બાકી તેમના જાહેર વ્યક્તિત્વની- જે કોઇ પણને દેખાવી જોઇએ, છતાં મોટા ભાગના લોકોને નજરઅંદાજ કરવી ગમે છે એવી બાબતોની- યાદી બહુ લાંબી છે.
 • ૭૬ વર્ષ પૂરાં કર્યા પછી પણ લેખનમાં તાજગી તે જાળવી શક્યા છે. દિવ્ય ભાસ્કરમાં તેમની કૉલમ શરૂ થઇ ત્યારે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમણે સાવ નવું પાત્ર અને નવો પ્રકાર નીપજાવ્યાં. એવી રીતે નવગુજરાત ટાઇમ્સમાં પણ તેમની કૉલમમાં થાક કે ઘસારો નહીં, પહેલાંના જેવી તાજગી વર્તાય છે.
 • સાહિત્યના સત્તાધીશો દ્વારા તેમનું થવું જોઇએ એવું મૂલ્યાંકન થયું નથી. છતાં લાભશંકર ઠાકર, વિનોદ ભટ્ટ જેવા સમકાલીનો કે  કિરીટ દૂધાત, સુમંત રાવળ જેવા વાર્તાકાર સ્નેહીઓ રજનીભાઇની વાર્તાકળાને મોકળા મને બિરદાવતા રહ્યા છે. બીજા કેટલાક એવા પણ છે, જે અંગત વાતચીતમાં વખાણ કરે, પણ લખવાનું આવે ત્યારે રજનીભાઇનું નામ ભૂલી જાય' થોડા વખત પહેલાં એક મિત્રના લખાણની ચર્ચા નિમિત્તે વાર્તાની વાત નીકળી. એટલે રજનીભાઇએ કહ્યું હતું, ‘શૂળ વાર્તા નથી. વાર્તા શૂળની અણી પર હોય છે. અણી માટે શૂળ ઉગાડવાની હોય. આખું ઝાડ ઉગાડવાનું હોય.’ 
 • પોતાના લખાણ વિશે સંતુષ્ટ નહીં થઇ જવાનો અને કડક સ્વમૂલ્યાંકનનો તેમનો ટચસ્ટોનહજુ ઘસાયો નથી. તેમની પાસેથી શીખવા જેવી સૌથી અગત્યની બાબતોમાંની એક લાગી છે. ( બાબતમાં બીજા આદર્શો : અશ્વિની ભટ્ટ, નગેન્દ્ર વિજય
 • શબ્દો વિશેની તેમની ચીવટ, શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થચ્છાયાઓમાં તેમનો રસ તથા નવા-અર્થપૂર્ણ શબ્દો નીપજાવવાની તેમની સર્જક-ધાર જરાય બુઠ્ઠાં થયાં નથી
 • છેલ્લાં થોડાં વર્ષથી જે રીતે કમ્પ્યુટર વાપરતા અને પોતાના રોજિંદા કામમાં તેનો કસ કાઢતા થયા છે, એવું તેમના બહુ ઓછા સમવયસ્કો કરી શક્યા છે
 • વાર્તા-નવલકથાઓ તેમનાથી લખાવી જોઇએ એના કરતાં ઘણી ઓછી લખાઇ છે. તેનાં ઘણાં - અને મોટે ભાગે વ્યક્તિગત-કુટુંબગત-સંસારગત- કારણ છે. છતાં, કાચુંપાકું લખીને આપી દેવાનું તેમને હજુ મંજૂર રહેતું નથી. આખા લખાણમાં એક શબ્દ ખોટી રીતે કે ખોટી જગ્યાએ વપરાયો હોય તો તેમને ખટક્યા વિના રહે. તેમના તરફથી બાબતનો હળવો ઠપકો મેળવવો હંમેશાં મને પ્રિવિલેજ- વિશેષાધિકાર લાગ્યો છે. (જોકે, જે અંદાજમાં કહે છે તેના માટે હળવો ઠપકો પણ ભારે શબ્દ છે.) 
 • લેખક એટલે ઝોળાવાળો નહીં, પણ બીજા વ્યાવસાયિકો જેવો વ્યાવસાયિક, તેને પણ પેટ હોય અને ઘર હોય, તેને પણ સ્વમાનથી રહેવા માટે રૂપિયા જોઇએઆવી સમજણમાં અકોણાઇ ઉમેર્યા વિના, તેનો આગ્રહ રાખવાનું કામ રજનીભાઇએ કર્યું. તેનો ફાયદો મારી પેઢીના મારા સહિતના ઘણા લોકોને મળે છે. પ્રવચન આપવા માટે અમે સન્માનજનક રકમ માગી શકીએ છીએ અને આયોજકોને કહી શકીએ છીએ કે ફક્ત વાહન લઇ-મૂકી જાય પૂરતું નથી. અમારા સમયની કિંમત હોય છે. દોઢેક દાયકા પહેલાં એક ઉત્સાહી કટારલેખક પોતાના ખર્ચે બસમાં પ્રવચન આપવા પહોંચી જતા હતા. આયોજકો પાસેથી રૂપિયા લેવા જોઇએ અને આપણો અધિકાર છે, એવું તેમને રજનીભાઇએ શીખવાડ્યું. ભાઇએ રજનીભાઇ સાથે ફોન પરની વાતચીતમાં બાબત સહજતાથી સ્વીકારી હતી. (હવે જાહેરમાં તેનો સ્વીકાર કરે કે કેમ જુદી વાત છે.) 
 • અમારા જોડાણને મજબૂત અને ટકાઉ બનાવવામાં જૂનાં હિંદી ગીતોનો મોટો ફાળો છે. તેમને હજારોની સંખ્યામાં- હા, ખરેખર હજારોની સંખ્યામાં- ગીતોના પાઠ મોઢે છે અને તે ધૂન સાથે ગાઇ શકે છે. (તે બહુ સૂરમાં ગાય છે અને કહે છે કે એમને ખરેખર ગાયક બનવું હતું, પણ બની શક્યા. બદલ તે પોતાની જાતને નિષ્ફળ પણ માને છે.) 
 • મોરારીબાપુથી માંડીને હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિશે અમારી સમજણ ઘણી જુદી છે. અમારી વચ્ચે ખાસ્સો મતભેદ છે. પરંતુ તેમની મોટી ખૂબી છે કે હું મહેમદાવાદમાં રહેતો સામાન્ય સંગીતપ્રેમી છોકરો હતો ત્યારથી લઇને હું મહેમદાવાદમાં રહેતો અને લેખન કરતો માણસ બન્યો છું ત્યાં સુધી, તેમણે પોતાના વિચાર મારી પર થોપવા કદી પ્રયાસ કર્યો નથી. અમે તેમને ગુરુ ગણીએ છીએ, તો વળતા વ્યવહારે તેમણે ગુરુદક્ષિણામાં કદી અમારી સ્વતંત્ર વિચારશક્તિ માગી લીધી નથી. ક્ષેત્રમાં બહુ ઓછા માણસો- જાણીતા લેખકો- એવા હોય છે, જે તેમના ચાહકોની બૌદ્ધિક પ્રગતિ જોઇને અસલામતી અનુભવે અને રાજી થાય. રજનીભાઇ એવા એક જણ છે. તેમના વર્તુળની બહારનું અમારું વર્તુળ ઊભું થાય અને તેમની હરોળના કહેવાય એવા બીજા લોકોના નિકટ પરિચયમાં અમે આવીએ, તેમને પણ ગુરુ ગણીએ, એથી રજનીભાઇ કદી કચવાયા હોય એવું લાગ્યું નથી. બલ્કે, વાતનો તે હંમેશાં રાજીપો વ્યક્ત કરે છે. ચાહકો-પ્રેમીઓ હંમેશાં પોતાની આસપાસ ઉપગ્રહની જેમ ફરતા રહેવા જોઇએ અને તેમની ભ્રમણકક્ષામાં જરા પણ ફરક પડવો જોઇએ, એવી અપેક્ષા રાખનારા ઘણા લેખકો કરતાં રજનીભાઇ રીતે જુદા અને ઘણા ચડિયાતા છે
 • મોટી ઉંમરના ગુરુજનોમાં નારાજ થશે તો?’ એવી ચિંતા કર્યા વિના જેમની સાથે અસંમત થઇ શકાય, તેમનો વિરોધ કરી શકાય એવા  ગુરુ તરીકે રજનીભાઇનું સ્થાન બહુ વિશિષ્ટ છે
 • બીરેન, બિનીત અને હું ગૌરવપૂર્વક અમારી જાતને રજનીભાઇના શિષ્ય તરીકે ઓળખાવીએ ત્યારે ઘણા મિત્રોને દુઃખદ આશ્ચર્ય કે સીધી નારાજગી થાય છે. તેમના પ્રતિભાવથી પહેલાં દુઃખ થતું હતું. હવે તેમની સમસ્યા લાગે છે, જેમાં ઇચ્છે તો અમે મદદ કરી શકીએ. બાકી,  જરૂર લાગતી નથી.
રજનીભાઇ જેટલું ઘટનાપ્રચૂર અને નાટકીય જીવન જીવ્યા છે, તેના બધા પ્રસંગ આલેખે તો આત્મકથા માટે દસ ભાગ પણ ઓછા પડે. તેમને સળંગસૂત્ર આત્મકથાભલે નહીં, પણ તેમાંથી પ્રસંગો લખવાનો આગ્રહ અમે ઘણા વખતથી કરીએ છીએ. જીવનની સંકુલતા અને માનવમનનાં અતળ ઊંડાણો આલેખતાં તેમનાં લખાણ આવે તો ઘણીખરી નવલકથાઓ ફિક્કી લાગે. પરંતુ તેમની પાસે કોઇએ લખાવવું પડે અને લખાવતાં પહેલાં એમના વિશે હવામાંથી કે આછી પાતળી રેખાઓને આધારે બાંધી લીધેલા અભિપ્રાયોથી આગળ વધવાની તૈયારી રાખવી પડે.

રજનીભાઇ આત્મકથા કે તેના અંશ નહીં લખે તેમાં એમનું કશું નુકસાન નથી, પણ લખશે તો આપણને- ગુજરાતી વાચકોને- બહુ મોટો ફાયદો છે. પછી તો જેવાં ગુજરાતી ભાષા અને વાચકોનાં નસીબ.