Tuesday, December 04, 2018

હિંદુસ્તાનના ઠગને ગુજરાતીમાં આણનાર ર. વ. દેસાઈ

ગુજરાતીમાં ઠગોની વાત નીકળે એટલે હરકિસન મહેતાની 'અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ'યાદ આવે. તેની સરખામણીમાં છેક ૧૯૩૮માં પ્રગટ થયેલી ર. વ. દેસાઈની પહેલી નવલકથા 'ઠગ'અજાણી રહી છે. બીજી ઠગકથાઓની સરખામણીમાં આ નવલકથાની ખાસિયત એ હતી કે તેનો નાયક સમરસિંહ ઉર્ફે સુમરો ઠગ આદર્શ રાષ્ટ્રવાદી ગુણ ધરાવતો હતો. તે પરાક્રમી, નિર્ભિક, શક્તિશાળી છતાં અહિંસક હતો. તેની માન્યતા હતી કે ઠગો તેમના આદર્શ ભૂલ્યા એટલે તેમનો ખાત્મો થવા બેઠો છે.


આખી કથા ઠગવિરોધી કાર્યવાહી માટે જાણીતા અંગ્રેજ અફસર સ્લીમનના મોઢેથી કહેવાઈ હતી. નવલકથાના સ્લીમનનું માત્ર નામ જ ઐતિહાસિક રીતે સાચું ખરું, પણ બાકીની આખી કથા કાલ્પનિક હતી. કથામાં સમરસિંહ સ્લીમન સાથે અત્યંત ઉદારતાથી વર્તે છે અને અંગ્રેજોનાં કરતૂત વિશે તેને સંભળાવવા જેવું સંભળાવી પણ દે છે, એવું લેખકે દર્શાવ્યું હતું. સમરસિંહ સ્લીમનને પોતાની સાથે ઠગોની સૃષ્ટિ અને તેમની પહોંચ બતાવવા લઈ જાય છે. (કંઈક આવું જ કથાવસ્તુ વર્ષો પછી બનેલી અંગ્રેજી ફિલ્મ 'ધ ડિસીવર'માં પણ હતું.)

રાષ્ટ્રભાવનાથી રંગાયેલા લેખક ર. વ. દેસાઈએ એવી કલ્પના કરી હતી કે ઠગો અંગ્રેજી રાજના અન્યાય સામે ઝુંબેશ ચલાવતા હતા અને એ બાબતે બીજા દેશો સાથે પણ તેમનો સંપર્ક હતો અને તે છુપાવવા માટે ફાંસિયાનો ધંધો કરતા હતા. એક કાલ્પનિક પત્રમાં તો લેખકે લગભગ ગાંધીજીની ભાષા ને સમજ મૂકી હતી. તેમાં લખ્યું હતું, ‘રૂસ લોકોને સહાય કરીએ તેથી શું? એક ટોપી મટી બીજી ટોપી આવશે. હું તો ટોપીને બિલકુલ માગતો જ નથી. ટોપીવાળા વગર જો આપણે ચલાવી શકીએ તો જ ખરું; પણ તે તો આપણે કરી શકતા નથી. કશુંક થયું કે અંગ્રેજોની પાસે દોડવું એ હમણાં આપણો ધર્મ બની ગયો છે...’ અન્ય એક પ્રકરણમાં નાયક સમરસિંહ ઠગ અને સ્લીમન વચ્ચે સંવાદ થાય છે. ત્યારે સમરસિંહ કહે છે, ‘તમારા (અંગ્રેજોના) ગુણનો હું પૂજક છું. તમે જે દિવસે હિંદને છોડી જશો તે દિવસે અમે તમારા ઉપકારનો એક કીર્તિસ્તંભ રચીશું.’

સમરસિંહ ઠગ તેને ચાહતી બંને સ્ત્રીઓ સાથે સંબંધમાં આગળ વધવાને બદલે બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત રાખે છે અને ભવિષ્યનું દર્શન રજૂ કરતાં કહે છે, ‘ગોરાઓ આપણને જીતી રહ્યા છે. એ ગોરાઓ હિંદી બની રહે તો આપણે તેમને ભેટીશું. એ ગોરાઓ માલિકીની તુમાખીમાં આપણને ગુલામ બનાવે તો આપણે આપણી બિરાદરી પાછી જાગ્રત કરીશું. તેમની ઠગાઈ પકડવા-તેમની ઠગાઈનો તોડ કાઢવા આપણી બિરાદરીને બહુ જુદી તૈયારી જોઈશે. કદાચ છૂપી ઠગવિદ્યા આપણે છોડી પણ દઈએ.’ આ વાક્યોમાં લેખકે આવનારા સ્વાતંત્ર્ય સંગ્રામનાં એંધાણ પાછલી અસરથી આપ્યાં હતા. તેના અભિગમમાં પણ ગાંધીજીની અસરવાળી લડતની છાંટ વર્તાતી હતી. હિંદુ અને મુસ્લિમ ઠગો વચ્ચે ધર્મનો કશો ભેદ ન હતો અને મુસ્લિમ ઠગો પણ કાલીમાતાને માનતા, એ વાતનો પણ લેખકે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. કારણ કે તેમના સમયમાં હિંદુ-મુસ્લિમ વિખવાદો એક મુખ્ય પ્રશ્ન બની રહ્યા હતા.

ગાયકવાડી રાજના ઉચ્ચ અધિકારી રમણલાલ વસંતલાલ દેસાઈ ગાંધીયુગના ગુજરાતના ટોચના નવલકથાકાર હતા.  રાષ્ટ્રભાવના તથા આદર્શવાદથી રંગાયેલા ર. વ. દેસાઈની 'ગ્રામલક્ષ્મી' (ચાર ભાગ) અને 'ભારેલો અગ્નિ'જેવી નવલકથાઓ અત્યંત જાણીતી બની. 'ઠગ'તેમની પહેલી નવલકથા હતી. એ તેમણે 'નવગુજરાત'સાપ્તાહિકમાં હપ્તાવાર લખી અને ૧૯૩૮માં તે પ્રગટ થઈ.

હપ્તાવાર લખતી વખતે તેમણે સમરસિંહ સહિતના ઠગોના પાત્રમાં સ્વદેશાભિમાનના ગુણ મુક્યા હતા. તેમનામાં અમુક ઉચ્ચ ગુણો અને ઉદ્દેશ પણ કલ્પ્યા હતા. એ બરાબર હતા? કે પોતાનો દેશપ્રેમ તેમાં કામ કરી ગયો હતો? એવો સવાલ ર. વ. દેસાઈને હપ્તાવાર નવલકથાનું પુસ્તક બનાવતી વખતે થયો. એટલે તેમણે ઠગોનો વધુ અભ્યાસ કર્યો. અને તેમને ખાતરી થઈ કે 'ઠગની સંસ્થામાં અને ઠગનાં આગેવાન સ્ત્રીપુરુષોમાં મેં કલ્પેલા અગર ઝાંખા જોયેલા ઉચ્ચ કક્ષાના ગુણો એ માત્ર તરંગ કે મિથ્યા સ્વદેશાભિમાન ન હતું...આખી વાર્તા કલ્પિત હોવા છતાં તેમાં ઐતિહાસિક દૃષ્ટિ બની એટલી સાચવી છે.’

નવલકથા હોવાને કારણે તેમાં ઠગટોળકીના ઉદારચરિત નાયક સમરસિંહ (સુમરો), આઝાદ અને નાયિકા આયેશાનો ત્રિકોણ પણ હતો. એટલું ઓછું હોય તેમ ઠગોએ અપહરણ કરેલી અને પછી સમરસિંહના પ્રેમમાં પડેલી મટિલ્ડા નામે અંગ્રેજ કન્યા પણ હતી. ઠગો વિશેની તમામ કથાઓમાં ઠંડા કલેજે નિર્દોષોનાં ખૂન કરવાની તેમની ખાસિયત મુખ્ય ગણાઈ છે, પણ ર. વ. દેસાઈની નવલકથાનો ઠગસરદાર સમરસિંહ અહિંસક હતો. તેણે એવો નિયમ બનાવ્યો છે કે જરૂર વગર કોઈનું ખૂન કરવું નહીં. કોઈ ખૂન કરે તો તેણે પુરવાર કરવું કે એ જરૂરી હતું. વાર્તામાં એક ઠગ સમરસિંહને ટાંકીને કહે છે, 'ઠગ એ કંઈ માત્ર ચોર નથી, માત્ર ડાકુ નથી, માત્ર ખૂની નથી. ઠગ તો ઈશ્વરનો-મહાકાળીનો સેવક છે. મહાકાળી પાપીઓનો, કંજુસોનો, અપરાધીઓનો, મહાદુષ્ટોનો, રાક્ષસોનો ભોગ લે છે. ગમે તેને મારવું એ માતાનો કોપ વહોરવા બરોબર છે. માતાજીની મરજી વિરુદ્ધ હવે ખૂનો થવા માંડ્યાં એટલે જ અમારી પડતી થવા લાગી છે...એટલે અમે સહુએ હવે કસમ લીધા છે કે નિરર્થક જીવહાનિ ન કરવી.’

ઠગોની સભામાં નાયક સમરસિંહ બિરાદરી વિખેરી નાખવાનું સૂચવીને જે કહે છે, તેમાં ઠગોની વાસ્તવિકતા કરતાં લેખકની રાજકીય સમજનો પડઘો વધુ સંભળાય છે, ‘આપણો હવે ઉપયોગ શો? છૂપી રીતે--કાયદાની ઓથે--ધન લૂંટતા તવંગરનું ધન આપણે ઓછું કરતા નથી. આપણે તો ગરીબ અને ધનિક બધાયને લૂંટીએ છીએ...આપણાં રાજ્યોને આપણે સહાય આપી શકતા નથી. પેશ્વાઈ ગઈ, છત્રપતિ ગયા, મોગલાઈ મરવા પડી અને આપણે ગોરાઓથી ડરતા આપણા ભાઈઓને જ મારીએ છીએ... એક પણ ગોરાને ગળે રૂમાલ બાંધવાની આપણામાં હિંમત નથી. દેશના દુશ્મનોને દૂર કરવાની આપણી બીજી પ્રતિજ્ઞા...આખા દેશમાં ફેલાયેલી આપણી દેશી સત્તાને તેમના હાથમાં જવા દઈએ છીએ. હવે આપણો ખપ શો?’

નવલકથાનું અંતિમ દૃશ્ય ૧૮૫૭ના સંગ્રામનું છે, જ્યારે સ્લીમન ઘેરાઈ જાય છે. એ વખતે સમરસિંહ ઠગ હિંદી સિપાહીઓથી સ્લીમનને બચાવે છે. આખરી તારણ તરીકે નવલકથામાં આવતું સ્લીમનનું પાત્ર કહે છે, ‘ઠગસંઘમાં માનવતા હતી.’ અલબત્ત, ઠગો વિશેનાં બીજા લખાણ વાંચતાં ર. વ. દેસાઈએ ઠગોમાં મુકેલી આદર્શોની ભાવના અને રાષ્ટ્રભાવના ભવ્ય કલ્પનાથી વધારે લાગતી નથી.