Showing posts with label donald trump. Show all posts
Showing posts with label donald trump. Show all posts

Thursday, March 13, 2025

મોદી-ટ્રમ્પ સંવાદ

થોડા વખત પહેલાં વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને નવેસરથી અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પને મળી આવ્યા.આ વાક્યરચનાથી કોઈને ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો’—એવી કહેણી યાદ આવે, તો તેને કેવળ સંયોગ ગણવો. ટ્રમ્પ બેફામ અને આડેધડ બોલવા માટે તથા એ બંને વિશેષણોને લાયક એવાં જૂઠાણાં બોલવા માટે જાણીતા છે. એ તો ગિનેસ બુકવાળા ‘ડીપ સ્ટેટ’ના (દેશોની સરકારોને નુકસાન પહોંચાડે એવી ગુપ્ત કાર્યવાહી કરનાર ટોળકીના) માણસો છે. એટલે, રેકોર્ડ બુકના વિવિધ વિભાગોમાં જૂઠાણાંનો વિભાગ રાખ્યો નથી. તેમને થતું હશે કે રેકોર્ડ બુકમાં જૂઠાણાંનો પ્રકાર ઉમેરવામાં આવે તો સર્વોચ્ચ હોદ્દે રહીને સૌથી વધુ જૂઠું બોલવા બદલ આ મહાનુભાવો સહેલાઈથી જીતી જાય. અલબત્ત, બંને વચ્ચે હરીફાઈ થાય અને શક્ય છે કે ટ્રમ્પ 100 મીટર તેમ જ 200 મીટરનાં જૂઠાણાંના રેકોર્ડ તોડે, તો તેમના ભારતીય મિત્ર 10 કિલોમીટરના મેરેથોન જૂઠાણાંના રેકોર્ડમાં અતૂટ વિક્રમ સ્થાપી દે.


મોદી ટ્રમ્પના ખાસમખાસ મિત્ર છે એવી (વધુ એક ખોટી) છાપ મોદીપ્રચારકોએ અગાઉ ઉભી કરી હતી. મોદી ટ્રમ્પને મોદી સ્ટેડિયમમાં લઈ આવ્યા હતા અને અમેરિકામાં એક સભામાં તેમણે ‘અગલી બાર...’નો નારો આપ્યો હતો, જે ઓડિસન્યમાંથી ‘ટ્રમ્સ સરકાર’ના નાદ સાથે પૂરો થયો હતો. ટ્રમ્પ હજુ એટલા નમ્ર છે કે મોદીએ સરદાર સ્ટેડિયમને મોદી સ્ટેડિયમ નામ આપી દીધું એવી રીતે, ટ્રમ્પે અમેરિકામાં લિંકન મેમોરિયલને ટ્રમ્પ મેમોરિયલનું નામ આપ્યું નથી અને ત્યાં મોદીનો તમાશો કર્યો નથી. બંનેની દોસ્તી વિશે ટીવી ચેનલો અને સોશિયલ મિડીયા પર એવી છાપ ઊભી કરવામાં આવી હતી, જાણે મોદી ને ટ્રમ્પ વડનગરમાં જોડે ગિલ્લીદંડા રમ્યા હશે. પરંતુ મોદીની ગઈ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચેનું સમીકરણ જોતાં, ટ્રમ્પ અત્યારે મોદી સાથે ગીલ્લી-દંડા નહીં, ફક્ત દંડા દંડા રમ્યા હોય એવું લાગે છે.

મોદીનો ટ્રમ્પ માટેનો પ્રેમ કેવો હશે કે ભારતમાં દસ વર્ષના શાસનમાં જે તેમણે કદી નથી કર્યું એ બહાદુરીભર્યું, હિંમતભર્યું, વીરરસપ્રધાન કામ તેમણે અમેરિકાની ધરતી પર કર્યુઃ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના જવાબ આપ્યા. ભલે ટેલીપ્રોમ્પ્ટરની મદદ લીધી, ભલે જવાબ કંઈક ભળતો આપ્યો. પણ આપ્યો તો ખરો. પત્રકાર પરિષદમાં તેમ જ ટ્રમ્પ અને તેના ગોઠિયા મસ્ક સાથે વાત કરવામાં નરેન્દ્ર મોદીને ભાષાની તકલીફ નડે એ સમજાય એવું છે. દુભાષિયા એ દુભાષિયા. માતૃભાષામાં ગબડાવવાની જે મઝા આવે, તેનો અંગ્રેજી અનુવાદમાં શો સ્વાદ રહે? અને ટ્રમ્પ જોડે ધરાર હિંદી કે ગુજરાતીમાં બોલવા જતાં, તે અમેરિકામાં હિંદી કે ગુજરાતી બોલવા પર ટેરિફ નાખી દે તો?

સવાલ એ નથી કે મોદીને સડસડાટ અંગ્રેજી આવડતું હોત તો શું થાત. કલ્પનાનો વિષય એ છે કે ટ્રમ્પ અને મસ્કને ગુજરાતી આવડતું હોત, તો વડાપ્રધાન મોદી સાથેનો તેમનો સંવાદ કેવો ચાલ્યો હોત?
*
ટ્રમ્પઃ આવો, આવો, બાળનરેન્દ્ર.

મોદીઃ (સમજણ ન પડવાથી ગુંચવાય છે અને બીજું કંઈ ન સૂઝતાં હસે છે)

ટ્રમ્પઃ અરે, હું તો મજાક કરતો હતો. મને કોઈકે કહ્યું કે બાળનરેન્દ્ર તરીકે તમે બહુ પરાક્રમો કર્યાં હતાં. મગરનું બચ્ચું ઘરે લઈ આવ્યા હતા. એ વખતના મગરનું બચ્ચું ઘરે લઈ આવવા બદલ તમારા દેશમાં કેટલો ટેક્સ હતો?

મોદીઃ (શો જવાબ આપવો એ વિચારે છે અને ત્યાં સુધી ટાઇમપાસ કરવા કહે છે) અમારો દેશ તો વસુધૈવમ કુટમ્બકમ એ સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. માણસ હોય કે મગર, અમે કોઈનો પણ અમારા રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અમારે ત્યાં તો બાળકો મગરથી નથી બીતાં, પણ સરકારી રેઇડથી બીએ છે. એ વખતે મારું રાજ હોત તો મગરના બચ્ચા પર 18 ટકા જીએસટી નાખ્યો હોત.

ટ્રમ્પ (ગુંચવાઈને માથું ખંજવાળે છે): એટલે તમે એમ કહેવા માગો છો કે મગરને પણ તમે કુટુંબનો સભ્ય ગણીને ઘરે લઈ આવ્યા હતા?

મોદીઃ હા, એવું જ સમજોને. આવા સવાલોમાં તો જીભે ચડે તે જવાબ અને એક વાર અપાયેલા જવાબને પછી વળગી રહેવાનું, એવી સ્પષ્ટ સૂચના આપેલી જ છે.

ટ્રમ્પઃ એક વાત તો છે. તમારે ત્યાં પ્રેસનું બહુ સુખ છે. મને ઘણી વાર એવું થાય છે કે કાશ હું ભારતનો વડાપ્રધાન હોત.

મોદીઃ લે કર વાત. મને ઘણા એવું કહે છે કે તમે તો અમેરિકાના પ્રમુખ થાવ એમ છો. કહે છે કે તમે ને ટ્રમ્પ વૈકલ્પિક સત્યો ઉચ્ચારવામાં એકબીજાની હંફાવો એમ છો.

ટ્રમ્પઃ તેમ છતાં, મારે ત્યાં પ્રેસ હજુ પૂરેપૂરું ગોદી મિડીયા બન્યું નથી.

મોદીઃ (વિજયી સ્મિત સાથે) એના માટે તમારે મસ્ક નહીં, અમારા અમિતભાઈ જોઈએ.

ટ્રમ્પઃ ઓહ યસ, મેં પણ સાંભળ્યું છે એમના વિશે. આપણે ટેરિફની વાત થઈ પછી મને પણ કોઈએ કહ્યું હતું કે હમણાં થોડા દિવસ મોર્નિંગ વોક માટે ન જતા...બોલો, કરવી છે અદલાબદલી? તમે મને અમિત આપો ને હું તમને મસ્ક આપું.

મોદીઃ (હસતાં હસતાં) ના ભાઈ ના. મસ્કનું મારે શું કામ છે? તેમની હારોહાર ઊભા રહી શકે એવા એક નહીં, બબ્બે મારી પાસે છે—અને એ તેમનાં છોકરાં ને છોકરાંની આયાઓને લઈને મારી ઓફિસમાં નથી આવી પડતા.

(એ સાંભળીને ટ્રમ્પ ઊભા થઈ જાય છે અને ચીનના પ્રમુખને ફોન જોડે છે, એટલે સંવાદનો અંત આવે છે.)

Sunday, November 10, 2024

ટ્રમ્પ 2.0 પછી થોડો વિચાર

 મિડીયા અને ખાસ તો સોશિયલ મિડીયાએ, આપણને શું સ્પર્શે અને શું નહીં, તેનો હવાલો ઘણી હદે લઈ લીધો છે. તેના કારણે નેરેટીવ બનાવવાનું--અને ખાસ તો, યાદ રાખવા જેવું ભૂલાવી દેવાનું કામ અભૂતપૂર્વ રીતે સહેલું બની ગયું છે.

ટીવી ચેનલો અને આઇટી સેલ ગોબેલ્સને પણ ચાર વસ્તુ શીખવાડી શકે એ સપાટીએ પહોંચી ગયાં છે. આ પ્લેગ રાજકીય હારજીતથી પર બની ગયો છે, તેનું ઉત્તમ ઉદાહરણ પહેલી મુદત પછી ટ્રમ્પની હાર થયા છતાં, આ પરિબળોનું જોર ઘટ્યું નહીં, બલ્કે વધ્યું, તે છે.
ટ્રમ્પ કે મોદી કે એવા પ્રકારના શાસકો જીતે તેમાં વિપક્ષોનો વાંક હોય જ છે. તેમના પક્ષે ગાફેલિયતથી માંડીને કુશાસન જેવા પ્રશ્નો હોય છે. ભારતમાં કોંગ્રેસ કે અમેરિકામાં ડેમોક્રેટો પોતાને ડીફોલ્ટ સેટિંગ ગણીને, મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને ચાલે તેમાં પણ થાપ ખાય છે (એવી માન્યતા કે 'લોકો મોદી/ટ્રમ્પથી કંટાળીને ક્યાં જશે? આપણે ગમે તેટલા લઘરા હોઈએ, તો પણ આપણને જ મત આપશે ને?')
પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના નેતાઓ જીતી જાય એટલે, બાકીનાં બધાં પરિબળોની સંપૂર્ણ અવગણના કરીને, તેમણે કેટલું ઝેર ફેલાવ્યું હતું, કેવા કેવા કાંડ કર્યા હતા, શાસનના નામે કેવા ભયંકર ધબડકા વાળ્યા હતા--એ બધું ભૂલાવી દેવામાં આવે છે અને 'લોકોએ તેમને ચૂંટ્યા એટલે તે નવેસરથી પુણ્યશાળી' એવો નેરેટીવ ઊભો કરવામાં આવે છે.
સામાન્ય સમજ પ્રમાણે એવું બનવું જોઈએ કે ટ્રમ્પ કે મોદીને મત આપનાર લોકો તેમની જીત પછી, એ નેતાઓને પણ અઘરા સવાલ પૂછે, અમુક અંશે માપમાં રાખે અને કહે કે તમને તમારા કાંડ માટે કે ઝેર માટે નથી ચૂંટ્યા, સામેવાળાના કુશાસનને કારણે ચૂંટ્યા છે. મતલબ, તમે પણ સખણા રહેજો...
પરંતુ એવું બનતું નથી. કારણ કે, આ પ્રકારના નેતાઓને મત આપનારા લોકોમાં, વિપક્ષી કુશાસનની કંટાળેલા લોકો ઓછા અને તેમના ઝેરના બંધાણીઓનો મોટો જથ્થો હોય છે. એ જથ્થો જળવાઈ રહે અને આઘોપાછો ન થાય એટલા માટે, તેમના લાભાર્થે સતત ઝેર-જૂઠાણાં-કોન્સ્પીરસી થિયરી ઠલવાતાં જ રહે છે. બીજા લોકોને તે ભલે ભયંકર કે હાસ્યાસ્પદ લાગે છે, પણ પેલા બંધાણીઓને તે બધું તેમના નેતા સાથે બાંધી રાખે છે.
સૂત્રો ભલે ગમે તે ચાલતાં હોય, હકીકત એ છે કે તેમણે તે નેતાને સુશાસન માટે- તેની અપેક્ષાએ મત નથી આપ્યા. (આગળ કહ્યું તેમ, કેટલાકે અગાઉના કુશાસનથી કંટાળીને મત આપ્યા છે, પણ બંધાણીઓને) તેમની કુંઠાઓ સંતોષાતી રહે અને કાલ્પનિક દુશ્મનોને કાલ્પનિક મહાત અપાતી રહે, એમાં જ તેમને ઘણીખરી કીક આવી જાય છે. એટલે, એવી રીતે ચૂંટાયેલા નેતાઓ હેડલાઇન મેનેજમેન્ટ અને આઇટી સેલના મેનેજમેન્ટમાં જ રાચે છે.
મોદીના કિસ્સામાં વેપનગ્રેડની આત્મમુગ્ધતા વધારાનું પરિબળ છે. એ આત્મમુગ્ધતા પોષવા માટે તે નોટબંધીથી માંડીને વંદે ભારત સુધીનું કંઈ પણ કરી શકે છે અને ચેનલો તથા આઇટી સેલા આવાં પગલાંના ગુણદોષની સ્વતંત્ર ચર્ચા શક્ય ન બને તેનું ધ્યાન રાખે છે.
એક સમય એવો હતો કે 'વ્યક્તિનું નામ લીધા વિના મુદ્દાની ટીકા કરો'--એવું કહેવાતું હતું, પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના શાસકો અને તેમણે અપનાવેલાં સોશિયલ મિડીયા ને ચેનલો જેવાં હથિયાર એ શક્ય બનવા દેતાં નથી. તમે મોદીનો મ પાડ્યા વગર પણ માત્ર ને માત્ર નોટબંધીની તાર્કિક ટીકા કરો, એટલે તમને મોદીના--અને દેશના--વિરોધી જાહેર કરી દેવામાં આવે.
આ વિષચક્રનો બહુ મોટો હિસ્સો સોશિયલ મિડીયાના દુરુપયોગનો છે. એટલે જ, આ વિષચક્ર કેવી રીતે તૂટશે એ કલ્પવું અઘરું પડે છે. કાલે આ નેતાઓ હારી જાય તો પણ, તેમણે જે વિરાટ વિષયંત્ર ચાલુ કર્યું છે, તે એકદમ અટકી જાય એવું લાગતું નથી.
આ વિચારીને નિરાશ થવાનું કારણ નથી. કારણ કે, આપણે તો આપણી સ્થિતિ, સમજ ને પહોંચ પ્રમાણે જેટલું થાય તેટલું કરવાનું છે-કરતા રહેવાનું છે. આજુબાજુ શું ચાલી રહ્યું છે, તે સમજવાની કોશિશ કરવી, એ પણ તેનો જ એક ભાગ છે.

Wednesday, February 26, 2020

જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા

A hoarding of Namaste Trump event

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે ‘બે મહાન લોકશાહીના મિલન’થી માંડીને ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વના મિલન’ જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ (બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે. 
(નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.) 

પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને તેના માળખામાં રહીને કેટલી હદે તોડીફોડી શકાય તેનો નમૂનો જેમ ટ્રમ્પે પૂરો પાડ્યો છે, એવી જ રીતે સંસદીય લોકશાહીના માળખામાં રહીને લોકશાહીના અર્ક અને મિજાજને કઈ હદે રફેદફે કરી શકાય છે તેનો દાખલો બીજી મુદતમાં નરેન્દ્ર મોદીએ પૂરો પાડ્યો છે. એ દૃષ્ટિએ બન્ને ‘પ્રતિભાશાળી વ્યક્તિત્વ’ ગણાય એની ના નહીં. તેમની વચ્ચેની દોસ્તીને હોર્ડિંગમાં ઘણું પ્રાધાન્ય અપવામાં આવ્યું અને ટ્રમ્પ પણ તેમના ‘ગ્રેટ ફ્રેન્ડ મોદી’નાં વખાણ કરતા રહ્યા. તે એટલી હદે કે ગાંધીજીના આશ્રમની વિઝિટર્સ બુકમાં પણ ટ્રમ્પે ગાંધીજી વિશે કશું લખવાને બદલે ‘ફ્રેન્ડ’ને જ અંજલિ આપી.
Trump's note in Gandhi Ashram's visitor book
આશ્રમમાં ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રમુખને ગાંધીજીના પ્રિય એવા ત્રણ વાંદરાના રમકડાની પ્રતિકૃતિ ભેટ આપી. ત્યારે બંનેએ આંખોઆંખોંમેં એકબીજા સાથે શી વાત કરી હશે? કલ્પના તો એવી જ આવે કે ‘લિન્ચિંગ વખતે બોલવાનું નહીં, નક્કર ટીકાઓ સાંભળવાની નહીં અને શાહીનબાગ જેવાં વિરોધ પ્રદર્શનો જોવાનાં નહીં.’ ટ્રમ્પની મુલાકાત પછી આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખેલી ગાંધીજીના ઉલ્લેખ વગરની બે લીટી તથા તેમની સહી ચર્ચામાં રહ્યાં, તો મુલાકાત પહેલાં ગરીબ ઝુંપડાવાસીઓને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલનો મુદ્દો, બંને પ્રતિભાઓને પ્રિય એવા સોશ્યલ મિડીયા પર ગરમાગરમ ચર્ચામાં રહ્યો અને ઘણાં કાર્ટૂનોમાં સ્થાન પામ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી ચોખવટ કરવામાં આવી કે આ દીવાલ અમસ્તી પણ બાંધવાની જ હતી. પરંતુ એ ખુલાસા ખાતરનો ખુલાસો હતો, જેને લોકો પોતાના હિસાબે ને જોખમે જ માની શકે. એવું જ સ્ટેડિયમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડવાળ કરવાના અને નાગરિક અભિવાદન સમિતિ રચવાના નિર્ણય તથા તેના ખુલાસા વિશે પણ કહી શકાય.

ટ્રમ્પની મુલાકાત નિમિત્તે થયેલી ભપકાબાજીને વાજબી ઠરાવવા માટે આખા તમાશાને રાબેતા મુજબ ‘માસ્ટર સ્ટ્રોક’ ગણાવવામાં આવ્યો. ટ્રમ્પના ભાષણમાં ઓડિયન્સ તરીકે એકથી સવા લાખ માણસને એકઠાં કરવામાં આવ્યાં (જેમાંથી ઠીક ઠીક સંખ્યામાં લોકોએ ટ્રમ્પના પ્રવચનમાં અધવચ્ચેથી ચાલતી પકડી હોવાના અહેવાલ છે). તેનાથી ટ્રમ્પ-મોદી દોસ્તી જ નહીં, ભારત-અમેરિકા દોસ્તીમાં નવો અધ્યાય ઉમેરાયો હોવાનાં વિશ્લેષણ થયાં. જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનનું સમીકરણ સારું હોય, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતને ચોક્કસ ફાયદો થાય. પણ આવા સંબંધોને મૈત્રી તરીકે દર્શાવવા અને ભેટાભેટી કરીને એવી મૈત્રીની જાહેર પહોંચો દેખાડવી—એમાં નક્કરતા ઓછી ને જોણું વધારે હોય છે. કેમ કે, બે નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સમીકરણો મહત્ત્વનાં હોવા છતાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં છેવટે આવી કથિત દોસ્તી નહીં, પણ વ્યક્તિગત કે દેશનું કે બંનેનું હિત જ સૌથી મહત્ત્વનાં હોય છે. ગાલાવેલા થઈને ઉભરાઈ જઈને, બધી વખતે કથિત દોસ્તીનું કે સંબંધોની નિકટતાનું પ્રદર્શન કરવાથી નક્કર ઉપલબ્ધિ થાય એ જરુરી નથી અને નક્કર ઉપલબ્ધિ માટે આવું કરવું પડે એ પણ જરૂરી નથી.

ટ્રમ્પે પાકિસ્તાન વિશે નકારાત્મક ટીપ્પણી કરી, તે સ્ટેડિયમમાં બેઠેલે સરકારી ઓડિયન્સે વધાવી લીધી ને પાકિસ્તાન વિશેની તેમની સકારાત્મક વાત પાકિસ્તાની મિડીયાએ માથે મૂકીને નાચવાનું શરૂ કર્યું. આ બંને પ્રતિક્રિયા આપનારાં જૂથો એક વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે ટ્રમ્પ માટે ભારત કે પાકિસ્તાન કરતાં ઘરઆંગણે પોતાની સત્તા ને પોતાનો સ્વાર્થ વધારે મહત્ત્વનાં છે. એવી જ રીતે, ભારતના વડાપ્રધાનને ‘હાઉડી’ (કેમ છો?) કહેવા માટે હ્યુસ્ટન નજીક લાગે છે અને શાહીનબાગ દૂર. આ બંને નેતાઓ ભારતની લોકશાહીના પાયામાં રહેલી, તેની તાકાત જેવી સર્વસમાવેશકતા અને વૈવિધ્યને ભાષણોમાં અંજલિઓ આપે છે, પણ શાસક તરીકે તેમનો વ્યવહાર સાવ સામા છેડાનો રહ્યો છે. બંને પોતપોતાના દેશમાં ધીક્કાર, ઝેર અને જૂઠાણાં ફેલાવતાં પ્રચારયંત્રોના પ્રેરક કે પ્રેરણાસ્રોત ગણાય છે. સોશિયલ મિડીયાનો અવિરત ઉપયોગ બંનેની ખાસિયત છે. લોકશાહીના હાર્દના પાયામાં ઘા કરતા નિર્ણયો લેવાની હરીફાઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે થાય તો તેમાં ટ્રમ્પ જીતી જાય, પણ મોદી તેમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અને હા, ટ્રમ્પ પાસે અમિત શાહ નથી.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની બિનસત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાને દિલ્હી ચૂંટણીની પ્રચારરેલીમાં કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનનું નામ વિજય રુપાણી છે--કદાચ નામ યાદ ન હોય તો. કારણ શું કે ટ્રમ્પ-મોદી હોર્ડિંગબાજીમાં યજમાન રાજ્યના મુખ્ય મંત્રીનું ક્યાંય નામોનિશાન ન હતું. (અગાઉ ચીનના વડા શી જિનપિંગ આવ્યા ત્યારે નહેરુ બ્રિજના છેડે લાગેલાં તોતિંગ હોર્ડિંગોથી માંડીને ઠેકઠેકાણે જિનપિંગ અને મોદી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્થાન મળ્યું હતું.) 
Modi, Xi Jinping, Anandiben Patel in a hoarding. Courtesy : rediff.com
અમદાવાદમાં વિદેશી વડાઓ આવે તેનાથી ઘણા ગુજરાતીઓને ગૌરવ થાય છે, તો ઘણા બિનગુજરાતીઓને લાગે છે કે ભૂવો ધૂણીને નારિયેળ ઘર ભણી ફેંકે છે. આ બંને લાગણીઓ અસ્થાને છે. સરકારી તંત્રમાં કામ કરતા માણસોથી માંડીને એરપોર્ટ પર સલવાઈ ગયેલા મુસાફરો સુધીના લોકોને પૂછી જોજો. સરકારી તંત્રમાં કલેક્ટર કે મામલતદાર નહીં, તેથી પણ નીચલા સ્તરે ટ્રમ્પના સ્વાગત માટે કેટલા લોકો લાવવાની ને તેમના આખા દિવસ માટે સાચવવાની કેટલી તૈયારી કરાઈ હતી અને તેના માટેનાં નાણાંનો વહીવટ દરેક નીચલા હોદ્દેદારે કેવી રીતે પોતાની જાતે કરી લેવાનો હતો, તેની પણ કથાઓ સાંભળવા મળશે.

આખા તમાશાને બંને દેશો વચ્ચેના સંબંધની મજબૂતીની દૃષ્ટિએ વાજબી ઠરાવવા ઉત્સુક લોકોને જણાવવાનું કે બે દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાના બીજા સન્માનજનક રસ્તા પણ હોય જ છે. તેના માટે લોકોને અપાર અગવડ પડે અને જેમાં જાહેર નાણાંનો અઢળક ધુમાડો થાય એવા અન્યોન્યઆત્મરતિમાં ડૂબેલા ચીતરીચઢાઉ તમાશા યોજવાનું ફરજિયાત નથી હોતું. આ વાત સમજવી હોય તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં પણ દેશનો ઈતિહાસ હતો એટલું સ્વીકારવું પડે અને તેનો ઉપરછલ્લો પણ અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડે.

Monday, February 24, 2020

ગાંધીજી અને અમેરિકા : Detox Time


ગાંધીજીના સાબરમતીના આશ્રમે જનારા  ટ્રમ્પ અમેરિકાના પહેલા ચાલુ પ્રમુખ બન્યા. જોકે, તેમના માટે એ કોઈ પવિત્ર સ્થળની મુલાકાત  કરતાં વધુ, 'મિત્ર મોદી'એ કરાવેલી ટૂંકી પિકનિક હોય એવું તેમણે વિઝિટર્સ બુકમાં લખેલી નોંધ પરથી વધારે લાગે છે.

ઝેર અને જૂઠાણાંનાં જથ્થાબંધ વેપારીઓની વાત બાજુ પર રાખીને, ગાંધીજી નિમિત્તે એક એવા અમેરિકન નેતાની વાત કરીએ, જેમણે અમેરિકામાં રંગભેદની અહિંસક લડતમાં ગાંધીજીની પદ્ધતિને આદર્શ ગણી હતી. એ નેતા એટલે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર / Martin Luther King Jr.. તેમણે સજોડે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી, ત્યારે તે ચહીને સાબરમતીના આશ્રમે આવ્યા હતા, મુંબઈના મણિભવનમાં ગયા હતા અને રાજઘાટ પર અંજલિ તો આપી જ. આ મુલાકાતો પછી તેમણે ગાંધીજી વિશે જે વાત કરી, તે તેમના જ અવાજમાં વિડીયોમાં સાંભળી શકાય છે. તે જે બોલ્યા તેનું મૂળ લખાણ અને તેનો મેં કરેલો ગુજરાતી અનુવાદ અહીં આપું છું. (મૂળ લખાણ અને ઓડિયોનું સૌજન્યઃ



ભારતમાં આવ્યો ત્યારથી, અગાઉ કરતાં પણ વધારે પ્રતીતિપૂર્વક મને લાગે છે કે ન્યાય અને માનવગરીમા કાજેની લડતમાં અહિંસક પ્રતિકારની પદ્ધતિ, કચડાયેલા લોકો પાસે રહેલું સૌથી અસરકારક હથિયાર છે. મહાત્મા ગાંધીએ વિશ્વના નૈતિક માળખામાં નિહિત એવા અમુક વૈશ્વિક સિદ્ધાંતો તેમના જીવનમાં ચરિતાર્થ કર્યા હતા અને તે સિદ્ધાંતો ગુરુત્વાકર્ષણના નિયમ જેટલા જ અફર છે...

ઘણાં વર્ષો પહેલાં અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરવામાં આવી, અને યોગાનુયોગે ગાંધીજીને જે કારણસર ગોળી મારવામાં આવી હતી એ જ કારણસર—વિભાજિત દેશના ઘા રુઝાવવાનો ગુનો કરવા બદલ-- ત્યારે સેક્રેટરી સ્ટેન્ટને મહાન નેતાના મૃતદેહ પાસે ઊભા રહીને આ શબ્દો ઉચ્ચાર્યા હતાઃ 'હવે તે (વર્તમાનના મટીને) યુગોના થઈ ગયા.’ ગાંધીજી વિશે ખરા અર્થમાં આપણે એવું કહી શકીએ અને તે પણ વધારે ભારપૂર્વક કે તે યુગોના થઈ ગયા. વર્તમાન યુગે ટકવું હશે તો ગાંધીજીએ તેમના જીવન થકી ચીંધેલા પ્રેમ અને અહિંસાના રસ્તે જ અનુસરવું પડશે. અને મહાત્મા ગાંધી આ પેઢી માટે તો દૈવી સંદેશ જેવા બની શકે છે. કેમ કે, સ્પુતનિક (રશિયાએ સફળતાપૂર્વક છોડેલો દુનિયાનો પહેલો ઉપગ્રહ) અને અવકાશયાનો બાહ્યાવકાશમાં ધસી રહ્યાં છે અને ગાઇડેડ બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વીના વાતાવરણમાં મોતની કેડીઓ આંકી રહ્યાં છે, ત્યારે કોઈ દેશ યુદ્ધ જીતી શકે તેમ નથી. આજે આપણી સમક્ષ રહેલી પસંદગી અહિંસા કે હિંસાની વચ્ચેની નથી. એ પસંદગી અહિંસા અને અસ્તિત્વ વચ્ચેની છે.

Since being in India, I am more convinced than ever before that the method of nonviolent resistance is the most potent weapon available to oppressed people in their struggle for justice and human dignity. In a world since Mahatma Gandhi embodied in his life certain universal principles that are inherent in the moral structure of the universe, and these principles are as inescapable as the law of gravitation.

Many years ago, when Abraham Lincoln was shot - and incidentally, he was shot for the same reason that Mahatma Gandhi, was shot for, namely, for committing the crime of wanting to heal the wounds of a divided nation - and when he was shot, Secretary Stanton stood by the dead body of the great leader and said these words: Now he belongs to the ages. And in a real sense, we can say the same thing about Mahatma Gandhi, and even in stronger terms: Now he belongs to the ages. And if this age is to survive, it must follow the way of love and nonviolence that he so nobly illustrated in his life. And Mahatma Gandhi may well be God's appeal to this generation, for in a day when sputniks and explorers dash through outer space and guided ballistic missiles are carving highways of death through the stratosphere, no nation can win a war. Today, we no longer have a choice between violence and nonviolence; it is either nonviolence or nonexistence.

Wednesday, April 12, 2017

નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?

'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ'—આ નામ હતું 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગુગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતિક જેવી બની.  ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકેનીએ 'વર્લ્ડ ઇઝ ફ્લેટ' એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)

એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે--પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમુહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું 'ફ્લેટ' વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.

કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારી/ Prof.Harari નો પણ સમાવેશ થાય છે.  'સેપિઅન્સ'/ Sapiens નામના પુસ્તકમાં માનવજાતનો ૭૦ હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના 'હોમો ડેઅસ'/ Homo Deus પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઇએ.

ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે-- અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્ય મંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ગરજે કોને શું કહેવું પડે, તેની કહેવતો બદલવાનો સમય ભારતમાં આવી ગયો છે. ભારતના વડાપ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઉંચકી રહી છે-શીંગડાં ઉલાળી રરહી છે.

ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃતિનાં ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે.  આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન.

પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે.  આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે. ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે.

પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.

એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃતિના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃતિની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધર્મ-કયા સમયની સંસ્કૃતિ તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં બ્રાહ્મણો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરૂપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃતિ કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃતિની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?

ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબીયાં કરવા-કરાવવાની જુદી મઝા છે.  દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે.  મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય  

Tuesday, January 31, 2017

લોકો દ્વારા, લોકો સામે, લોકોના લમણે

અમેરિકા ફર્સ્ટ’ અને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નાં સૂત્રો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઘણી બાબતોમાં આત્યંતિક નિવેદન કર્યાં હતાં. પણ એ તેમની ખામીને બદલે ખાસિયત અને ‘ઇચ્છાશક્તિ’ ગણાઇ. તેમની જીત પછી એવો આશાવાદ હતો કે પ્રચાર વખતે ટ્રમ્પ ભલે ગમે તેવું બોલ્યા હોય, પણ હવે તે ઠરેલ જણની જેમ વર્તશે. આખરે, હવે તે ઉછાંછળા અબજોપતિ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પરંતુ ટ્રમ્પે પોતાના શાસનના પહેલા જ અઠવાડિયામાં તમામ નિરાશ્રિતો માટે ચાર મહિના સુધીની અને સાત મુસ્લિમ દેશોના લોકો માટે ત્રણ મહિનાની કામચલાઉ પ્રવેશબંધી ફરમાવી. સિરીયાના નિરાશ્રિતો માટેની પ્રવેશબંધી તો અચોક્કસ મુદત માટેની છે. એટલું જ નહીં, સાત મુસ્લિમ દેશોના અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા લોકોને પણ આકરી વ્યક્તિગત તાવણી પછી જ પ્રવેશ અપાશે.

દૂરનાં અને સાવ નજીકના ભૂતકાળનાં અપલક્ષણોને લીધે, અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન થયાં હતાં. હોલિવુડથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસાર માધ્યમોએ ટ્રમ્પ સામે ચેતવણીના સૂર કાઢ્‌યા. એ વખતે ઘણાને આ વિરોધ પૂર્વગ્રહયુક્ત અને વધુ પડતો લાગ્યો હતો. પરંતુ પહેલા જ અઠવાડિયે ટ્રમ્પે પ્રવેશબંધીનો ફતવો કાઢીને તેમના વિશેની આશંકા સેવનારાને સાચા ઠરાવ્યા છે. પ્રવેશબંધીના હુકમ પછી અમેરિકાની ઓળખ જેવી આઇ.ટી. કંપનીઓ મેદાને પડી. ગુગલ-ફેસબુકથી માંડીને માઇક્રોસોફ્‌ટ જેવા જૂની કંપનીઓએ અમેરિકાની સરહદોનું રક્ષણ કરવાના પ્રમુખના ઇરાદાને આવકારીને, ઇમીગ્રન્ટ્‌સ--બીજા દેશોમાંથી આવતા લોકો-- પ્રત્યેના તેમના અવિશ્વાસની ખુલ્લેઆમ ટીકા કરી. માઇક્રોસોફ્‌ટના વડા સત્ય નાદેલા અને ગુગલના સુંદર પિચાઇ ભારતીય છે, એપલના સ્ટીવ જોબ્સના પિતા સિરીયાથી આવેલા શરણાર્થી હતા, ફેસબુકના માર્ક ઝકરબર્ગની પત્ની અને તેનો પિયરપક્ષ ‘બહારના’ છે...અને આ બધાએ કરેલી પ્રવેશબંધીની ટીકાનું કારણ અંગત નથી. 

‘આઇડીયા ઑફ ઇન્ડિયા’--ભારતનું હાર્દ ‘વિવિધતામાં એકતા’ છે, તો ‘આઇડીયા ઑફ અમેરિકા’ એટલે ‘મોકળાં મન, મોકળું મેદાન’ એવું કહી શકાય. ત્યાં માણસના ધર્મ, દેશ કે જાતિ નહીં, તેની આવડત અગત્યની છે અને તેના આધારે તેને પ્રગતિની તક મળે છે. આઇ.ટી. કંપનીઓને લાગે છે કે ટ્રમ્પના વટહુકમ થકી અમલી બનેલી સંકુચિતતા અમેરિકાના અર્થતંત્ર માટે અને સરવાળે ‘આઇડીયા ઑફ અમેરિકા’ માટે હાનિકારક બનશે. 

ટ્રમ્પે તત્કાળ અસરથી જારી કરેલા હુકમના પગલે અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંંધી વ્યાપી. સાત દેશોમાંથી સત્તાવાર રીતે આવેલા લોકોને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા ને તેમને વિમાનમાં પાછા ચઢાવી દેવાની તજવીજો થઈ. એરપોર્ટ પર અટવાયેલા લોકોમાં આઇ.ટી. કંપનીઓના કર્મચારીઓ પણ હતા. અટવાયેલા લોકોની મદદે કેટલાક વકીલો પહોંચ્યા, લોકોનાં ટોળાં ભેગાં થયાં અને મામલો અદાલતમાં ગયો. પ્રમુખનો એક્ઝીક્યુટીવ ઑર્ડર ગેરબંધારણીય ઠરાવીને તેને તત્કાળ રદબાતલ કરવાની સત્તા અદાલત પાસે ન હોય, પણ સ્થાનિક અદાલતોએ એટલી રાહત કરી આપી કે એરપોર્ટ પર અટકાવાયેલા લોકોને પાછા મોકલવામાં ન આવે.

ટ્રમ્પે બધા મુસ્લિમો માટે પ્રવેશબંધી ફરમાવી નથી એ સાચું છે. પરંતુ જે દેશોના લોકો માટે કામચલાઉ દરવાજા બંધ કરી દેવાયા છે, એે તમામ દેશ મુસ્લિમ બહુમતી ધરાવનારા છે. માટે, વૈશ્વિક સ્તરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા થઈ છે. એક આરોપ એવો પણ થયો છે કે પોતાનાં વ્યાપારી હિતો ધરાવતા મુસ્લિમ દેશોને ટ્રમ્પે આ યાદીમાંથી બાકાત રાખ્યા છે. અલબત્ત, વ્હાઇટ હાઉસના સત્તાવાર પ્રવક્તાએ (સાચું જ) કહ્યું છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પ સતત આ પ્રકારનાં પગલાંની હિમાયત કરતા રહ્યા છે. માટે હવે તે પ્રમુખ તરીકે આ પગલું લે તો તેની નવાઇ ન લાગવી જોઇએ. 

પ્રવક્તાની વાતમાં વજૂદ છે. ટ્રમ્પ ચૂંટણીપ્રચારના અંદાજમાં નહીં, પણ ઠરેલ રીતે વર્તશે-- એવી આશા સેવનારા ખોટા પડેે, તેમાં ટ્રમ્પ શું કરે? પ્રવેશબંધી મુદ્દે કાનૂની જંગ ચાલશે. પણ કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય છે કે પ્રમુખની વિશાળ સત્તાઓ ધ્યાનમાં રાખતાં, ચુકાદો તેમની તરફેણમાં આવે એવી પૂરી સંભાવના છે. તેનો સીધો અર્થ એ થયો કે હવે ટ્રમ્પની લડાઇ તાત્ત્વિક અર્થમાં લોકશાહી મૂલ્યો સાથે રહેવાની છે. પુરાણકથાઓમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન માગીને, તેના જોરે દેવલોકનો કબજો જમાવી દેતા અસુરોની વાત આવતી હતી. અહીં ટ્રમ્પને કે બીજા કોઇને અસુર ગણવાની વાત નથી. પણ જે લોકશાહી વ્યવસ્થા થકી તે ચૂંટાયા, તે જ વ્યવસ્થાનાં મૂળભૂત મૂલ્યો પર હવે તેમના કારણે તલવાર લટકી રહી છે. અમેરિકામાં પ્રમુખે સેનેટ (સંસદ)ને જવાબ આપવા પડે ને તેમની મંજૂરીઓ મેળવવી પડે. છતાં, પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ હોય છેે. લોકશાહી ઢબે ચૂંટાયા પછી ટ્રમ્પ આપખુદ નિર્ણયો લેવા માંડશે, તો ટ્રમ્પ કરતાં વધારે સવાલો તેમને આવી સત્તા આપનાર લોકશાહી માળખા વિશે ઊભા થશે. 

ભારતમાં અત્યાર લગી અમેરિકાની પ્રમુખશાહી વ્યવસ્થાને ઉત્તમ અને અપનાવવા જેવી ગણવામાં આવતી હતી. અનેક પક્ષોની ખિચડીથી ત્રાસેલા ભારતના ઘણા લોકોને ફક્ત બે જ પક્ષ હોય એવી લોકશાહી બહુ આકર્ષતી હતી. પરંતુ આ ચૂંટણી વખતે અમેરિકાની લોકશાહીની મર્યાદાઓ બરાબર ઉઘાડી પડી ગઇ છે. તેની સરખામણીમાં ભારતના વડાપ્રધાન સપાટાબંધ બહુમતીથી જીત્યા પછી પણ, આવો ઉઘાડેછોગ ભેદભાવપૂર્ણ નિર્ણય લઇ શકે એવું શક્ય બન્યું નથી. નોટબંધીનો નિર્ણય આકરો લાગે અને તેનો વિરોધ હોઇ જ શકે. પણ તે પ્રવેશબંધી જેવો ભેદભાવપૂર્ણ ન ગણાય. 

વારે ઘડીએ હદ ઓળંગતા જણાતા ન્યાયતંત્ર સાથે ભારત સરકારનો સંઘર્ષ ચાલુ છે. તેમને સામસામી છાવણી તરીકે ચીતરવાનું યોગ્ય નથી. પણ ચોક્કસ મુદ્દા પૂરતા તે વિરોધી છાવણીમાં હોય છે. ભારતની લોકશાહીનું માળખું એટલું મજબૂત છે કે તેમાં વડાપ્રધાને ટ્રમ્પગીરી કરતાં પહેલાં બીજાં અનેક બંધારણીય માળખાંને ખોખલાં કરવાં પડે અથવા કહ્યાગરાં બનાવવાં પડે. રીઝર્વ બૅન્કના ગવર્નર કે પ્રસાર ભારતીના અઘ્યક્ષ શેહમાં આવીને સરકારની ભાષા બોલતા થઇ જાય, તો એ તેમની નિષ્ફળતા છે. બાકી, ભારતના બંધારણે તેમને સત્તાઓ આપી છે. અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડાપ્રધાન બંધારણીય રાહે એકહથ્થુ બની શકતા નથી. 

ભારતની લોકશાહીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે ચૂંટણીશાહી બની ગઈ છે. વિવિધ પક્ષો વચ્ચે ફક્ત નામનો તફાવત રહી ગયો છે. ચૂંટણીઓને રીઆલીટી શો જેવી બનાવી દેવાઇ છે, જે જીતવા માટે કંઈ પણ થાય તે વાજબી ગણાય છે. આવી ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો લોકોને નહીં, પણ તેમના વડાને વફાદાર રહે છે. એટલે લોકશાહી લોકોની, લોકો વડે, લોકો દ્વારા નહીં, પણ લોકો દ્વારા, લોકો સામે, લોકોના માથે પડેલી બની રહે છે.

Tuesday, January 24, 2017

પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ટ્રમ્પે એક પત્રકાર પરિષદ ભરી. તેમાં CNNના વ્હાઇટ હાઉસના એક પત્રકારે ટ્રમ્પને સવાલ પૂછ્‌યો, પણ ટ્રમ્પે એ સવાલ સાંભળવાની ના પાડી દીધી અને કહ્યું,‘યૉર ઑર્ગેનાઇઝેશન ઇઝ ટેરીબલ’ (તમારી સંસ્થા ભયંકર છે.) પત્રકારે પત્રકારધર્મ પ્રમાણે, વિવેકથી અને મક્કમતાથી સવાલ પૂછવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, ત્યારે ટ્રમ્પે પત્રકારને કહ્યું,‘ડોન્ટ બી રુડ’ (ઉદ્ધત ન થાવ) અને કહ્યું,‘હું તમારો સવાલ નહીં સાંભળું. યુ આર ફેક ન્યૂઝ’ (તમે તો જૂઠા સમાચારવાળા છો). આખા ખંડમાં બીજા અનેક પત્રકારો મોજૂદ હતા. તેમાંથી કોઇને ટ્રમ્પની આવી ઉદ્ધતાઈ સામે વાંધો પડ્યો નહીં.

અગાઉ ઑગસ્ટ, ૨૦૧૫માં ટ્રમ્પે ‘યુનિવિઝન’ના એક ઍન્કરને પ્રેસ કૉન્ફરન્સમાંથી બહાર કઢાવ્યા હતા. કારણ કે મૅક્સિકનોને બળાત્કારી ગણાવતા ટ્રમ્પના વિધાન વિશે તે સવાલ કરી રહ્યા હતા. એ વખતે બીજા બે પત્રકારોની દરમિયાનગીરીથી એ પત્રકારને પાછા બેસાડવામાં આવ્યા.  CNNના પત્રકારવાળો કિસ્સો બન્યા પછી ‘ફૉક્સ ન્યૂઝ’ પર એક ઍન્કરે ટ્રમ્પની આ વર્તણૂંક સામે વાંધો નોંધાવ્યો. ‘ફૉક્સ’નું રાજકીય વલણ ટ્રમ્પને અનુકૂળ હોવા છતાં, તેના ઍન્કરે કહ્યું કે ‘આ રીતે પત્રકારોને નીચે પાડવાની અને તેમના હકને નકારી કાઢવાની રીત બરાબર  નથી.’

ઘણા શાસકોનાં લક્ષણ રહી રહીને પ્રગટ થાય છે, તો કેટલાકનાં લક્ષણ ‘પારણામાં’ જ પરખાઈ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછીની પત્રકાર પરિષદોમાં નરેન્દ્ર મોદી સવાલો પૂછતા પત્રકારો સાથે ઉદ્ધતાઇથી વર્તતા હતા. પોતાની જાતને રાજ્યના CM--‘ચીફ મિનિસ્ટર’ નહીં, પણ ‘કૉમનમેન’-- ગણાવતા નરેન્દ્ર મોદી અણીયાળા સવાલ પૂછનાર પત્રકારને કહેતા હતા,‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું? આટલા સરક્યુલેશનમાં એક જ સવાલ હોય.’ અને પછી તો એટલો જવાબ મળતો પણ બંધ થઇ ગયો.

પત્રકારો સાથેની વર્તણૂંક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઉત્તરદાયિત્વ વિશેના ‘ગુજરાત મૉડેલ’ની આ શરૂઆત હતી. એ વખતે મુખ્ય મંત્રીને અણીયાળા સવાલ પૂછીને પત્રકારધર્મ અદા કરતા કેટલાક પત્રકારોની પડખે તેમના મોટા ભાગના સાથીઓ ઉભા ન રહ્યા. ટ્રમ્પની પત્રકારપરિષદમાં બન્યું તેમ, ઘણા પત્રકારો ચૂપ રહ્યા કે ચાપલૂસીમાં સરી પડ્યા. મુખ્ય મંત્રીને તેમનું ઉત્તરદાયિત્વ યાદ કરાવવાને બદલે તે સવાલ પૂછનાર પત્રકારને ‘સમજાવવા’ લાગ્યા. પછીનાં વર્ષોમાં મુખ્ય મંત્રીની મીઠી નજર માટે અને તેમની સાથે પોતાના ફોટા પડાવવાની એવી મીઠી લ્હાય લાગી કે અણીવાળા સવાલ પૂછવાનું યાદ જ ન આવે. ત્યારથી જવાબો ન આપવાની નરેન્દ્ર મોદીની ટેવ પોષાઈ. પછી એ તેમની સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ ને મૉડેલ ગણો તો મૉડેલ બની ગઈ. હવે વડાપ્રધાન તરીકે તે જવાબ આપતા નથી, બસ ‘મનકી બાત’ના પ્રજાજોગ પ્રેરક સંદેશા વહેતા મૂકે છે. તેમના રાજમાં મંત્રીઓ-અધિકારીઓ સાથે પત્રકારોની મેળમુલાકાતો પર પાબંદી મૂકી દેવામાં આવી. અંદરની માહિતી બહાર આવવાના રસ્તા પર શક્ય એટલી આડશો મૂકી દેવામાં આવી. પહેલાં ગુજરાતમાં ને પછી દિલ્હીમાં.

અમેરિકાના ઘણા પત્રકારોને ટ્રમ્પ-રાજ વિશે આવી જ આશંકા છે--અને અત્યાર લગીની ટ્રમ્પની પત્રકારો સાથેની ઉદ્ધત વર્તણૂંક ઘ્યાનમાં રાખતાં, તે બિનપાયેદાર નથી. તેના અનુસંધાને ગયા સપ્તાહે ‘કૉલંબિયા જર્નલિઝમ રીવ્યુ’ના ઍડિટર-ઇન-ચીફે  અમેરિકાના પત્રકારો વતી ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો. ‘આપણા સંબંધ તંગ છે’ એમ  કહીને તેમણે ટ્રમ્પને પત્રકારવિરોધી વલણની કેટલીક વાતો યાદ અપાવી છે અને વિવેકી છતાં કડક ભાષામાં કેટલાક પાયાના નિયમ (ગ્રાઉન્ડ રુલ્સ)ની યાદ અપાવી છે.‘આગામી ચાર વર્ષમાં તમારે અમારી પાસેથી શી અપેક્ષા રાખવાની છે, એ સમજી લેજો’ એમ કહીને તેમણે આપેલાં ‘ગ્રાઉન્ડ રુલ્સ’નાં કેટલાંક ઉદાહરણ :

‘તમે અમારા માટે માહિતીના દરવાજા બંધ કરી દેશો તો અમને બીજી રીતે માહિતી મેળવતાં આવડે છે. તમારી પાબંદી વ્હાઇટ હાઉસમાં ચાલશે, પણ તમારી નીતિઓ આખા અમેરિકામાં લાગુ પડવાની છે... તમારા વતી જૂઠાણાં ચલાવનારાને કેટલો સમય આપવો એ અમે નક્કી કરીશું...‘ઑબ્જેક્ટિવ ટ્રુથ’ (નિરપેક્ષ સત્ય) જેવું કંઇક હોય છે અને અમે તમને એ બતાવતા રહીશું. એટલે કે, તમે અથવા તમારા માણસો ખોટા સાબીત કરી શકાય એવા દાવા ચલાવશે ત્યારે અમે તેને ચોક્કસ પડકારીશું અને સાચી હકીકત આપીશું.’ 

લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કોઇ પણ તરફદારને આ પત્ર બહુ ગમે એવો છે. અલબત્ત, એ પત્રમાં અને પત્ર નિમિત્તે પત્રકારત્વ વિશે પણ કેટલાક મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. તેમાં સૌથી મોટો મુદ્દો પત્રકારત્વની ખોવાયેલી વિશ્વનસનિયતાનો છે. તેનાં ઘણાં પાસાં છે. જમીની સચ્ચાઇથી દૂર થયેલા પત્રકારોથી માંડીને  ચાપલૂસીમાં કોઇ પણ હદે જઇ શકતા પત્રકારોની મોટી ફોજ લોકોની નજરમાં પત્રકારોની કિંમત ઘટાડે છે. ગુજરાતીમાં પત્રકારો કહેતાં રીપૉર્ટર સિવાય કટારલેખકોનો મોટો સમુદાય છે, જે  દેખીતી ચાપલૂસીથી માંડીને ‘આપણે-તો-વીર-સાચું-કહેવાવાળા’ જેવો દેખાવ રાખીને પહેલી તકે સત્તાધીશોનાં ગુણગાન ગાવા બેસી જાય, એટલી રેન્જ ધરાવે છે.

ગુજરાત-ભારત અને અમેરિકાની સ્થિતિ જુદી છે. માટે, બન્ને ઠેકાણે પત્રકારત્વની વિશ્વસનિયતા અને સ્વતંત્રતા જોખમમાં હોવા છતાં,  તેનો મુકાબલો કરવાની બાબતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સફળતાથી કચડાઇ ગયા વિના, પોતાના પગ તળેની ભોંય જાળવી રાખીને, ચોથી જાગીરની નિષ્ફળતા વિશે અને તેમાંથી બહાર આવવાની તજવીજ વિશે ઝાઝો વિચાર થયો નથી. નેતાએ લોકશાહી રસ્તે મેળવેલી જીતનો સ્વીકાર કરવો એક વાત છે અને તેને ‘નવી વાસ્તવિકતા’ ગણીને તેનાં ઉજવણામાં-તેને વાજબી ઠરાવવામાં જોડાઇ જવું, એ સાવ બીજી વાત છે. ભારતમાં બીજો વિકલ્પ અપનાવારા મોટી સંખ્યામાં છે.

વડાપ્રધાનના વિરોધના નક્કર મુદ્દા લઇને અડીખમ ઉભેલા લોકો સામે  ‘નેતાઓના સો ગુના માફ, પણ પત્રકારની મર્યાદા કેમ ચલાવી લેવાય?’--આવી પેઇડ અથવા મુગ્ધ માન્યતા ધરાવતાં ટોળાં સોશ્યલ નેટવર્કિંગ માથે લે છે. પ્રસાર માધ્યમોની-પત્રકારોની નીતિરીતિની તપાસ રખાય અને લોકશાહીના-પત્રકારત્વનાં મૂલ્યોના હિતમાં જરૂર પડ્યે તેની કડક ટીકા થાય તે જરૂરી છે. પણ અત્યારે આવી ટીકા કરનારા ઘણાખરા પોતાના પ્રિય નેતા કે વિચારધારાના ઝનૂની બચાવ માટે એ પ્રવૃત્તિ કરે છે.


અમેરિકામાં ટ્રમ્પવિજયને પત્રકારત્વમાં વ્યાપેલી ઊંડી બિમારીની કડવી દવા તરીકે જોવાનો પણ એક મત બન્યો છે. તે મુજબ, હવે પત્રકારો અને સમાચારસંગઠનો વધારે સાવધ, વધારે જાગ્રત અને વધારે સજ્જ બનશે. ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટ સહિતનાં ઘણાં પ્રતિષ્ઠિત માધ્યમોએ વ્હાઇટ હાઉસ માટેના પોતાના પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તથ્યોની ચકાસણી માટે નવી ટુકડીઓ બનાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદીયુગ પત્રકારત્વ માટે એવું કામ કરશે? અઢી વર્ષમાં તો એવું ખાસ લાગ્યું નથી.