Saturday, October 10, 2026

10 ઓક્ટોબરઃ કૌભાંડી સરકારની આત્યંતિક કિલ્લેબંધી અને લોકોનો જુસ્સાદાર ધસારો

પોતાના દેશની અને અહિંસક વિરોધ પ્રદર્શન માટે આવનારી યુવા પેઢી માટે પાટનગર દિલ્હીમાં હજારોની સંખ્યામાં પોલીસ, અર્ધલશ્કરી દળો, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને એ ઉપરાંત કેસરિયા ગુંડા ખડકી દઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજનો દિવસ ઉગતાં પહેલાં જ હાર દર્શાવી ચૂક્યા હતા.

સર્વોચ્ચ અદાલતે પણ તેની અત્યાર સુધીની નીતિ પ્રમાણે આંખ આંડા કાન કર્યાં કે ફીફાં ખાંડ્યાં અને સરકારનાં આત્યંતિક પગલાંનો આડકતરો સાથ દીધો.
કોઈ સરહદી વિસ્તારમાં ન હોય એવાં ને એટલાં સલામતી દળો દિલ્હીમાં ખડકી દીધા પછી અને સીજેપીના નેતાઓને તો પહેલાં જ ડીટેઇન કરી લીધા પછી પણ, સેંકડો લોકો દિલ્હી પહોંચ્યા અને જ્યાં તક મળી ત્યાં વિરોધ પ્રદર્શન કર્યાં. દિવસભર તેમની બહાદુરીની અને સરકારી કાયરતાની તથા ક્યારેક પોલીસની હાજરીમાં સરકારી આશીર્વાદથી થતી કેસરિયા ગુંડાગીરીની વિડીયો આવતી રહી અને કટોકટીની યાદ અપાવે એવાં આત્યંતિક સરકારી પગલાંની નિષ્ફળતાનાં કથા કહેતી રહી.
'ગાંધી' ફિલ્મમાં ધરાસણાના સત્યાગ્રહમાં પોલીસનું દમન બહાદુરીપૂર્વક સહન કરતા સત્યાગ્રહીઓને જોઈને વ્યથિત-વિચલિત થઈ ઉઠેલો અમેરિકન પત્રકાર વેબ મિલર સાંજે ફોન પર ટેલીગ્રામ દ્વારા સંદેશો મોકલવાનું લખાણ લખાવે છે. એ દૃશ્ય જેટલી વાર જોયું એટલી વાર આંખ ભીની થઈ છે--હજુ થાય છે. હવે અંગ્રેજોને બદલે તેમને ટપી જાય એવા કાળા અંગ્રેજોની સરકાર છે, ભલે પોલીસે એવો લાઠીમાર નથી કર્યો, પણ આખું પાટનગર બંધ કરી દેવાની સરકારી ગુંડાગીરી સામે જે જુસ્સાથી લોકો આવ્યા, તે જોઈને મને ફરી મિલરનો રીપોર્ટ યાદ આવ્યો. આજે પણ એવો જ અહેવાલ લખાવી શકાયો હોત, જેનો છેવટનો સાર એ હોત કે દેશના ઘણા સામાન્ય લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહના ડરમાંથી સ્વતંત્ર થઈ ગયા છે.

આજ પહેલાં આંદોલન જ્ઞાનેશ કુમાર સામે હતું (ભલે તેનો છેડો તો પછી અસલી લાભાર્થી મોદી સુધી પહોંચવાનો હોય. ) પણ આજે નરેન્દ્ર મોદીએ લોકોના આંદોલનને અને લોકોના રોષને પોતાની ઉપર લઈ લીધો છે. તે માટે તેનો જૂનો અને જાણીતો અહંકાર તથા જ્ઞાનેશકુમાર પાસે કરાવેલા અભૂતપૂર્વ શરમજનક ગોટાળા પણ કારણભૂત છે.
વોટચોરીના અનેક પુરાવા બહાર આવી ચૂક્યા છે, (પુરાવા માગતા ભક્તો જાતે પણ થોડી બુદ્ધિ ચલાવવાનું રાખે તો તેમણે તે સહેલાઈથી મળી રહેશે.) ચૂંટણીપંચે ગોટાળા કરવા માટે લીધેલાં અગાઉનાં પગલાં ઉલટાવીને ધડાધડ નિયમો બદલવવાનું (સુધારવાનું) શરૂ કરી દીધું છે, જે વોટચોરીના આરોપોનો જ પુરાવો છે. પણ ત્યાર પહેલાં થઈ ચૂકેલા કાંડ અને તેના જોરે સત્તા પર ચડી બેઠેલા લાભાર્થીઓનું શું?
મોદીની ચમચાગીરી અને જેન ઝીની તરફેણ કરીને બેવડી રમત રમનારી પ્રજાતિ માટે આવનારા દિવસો કઠણ રહેવાના છે. તેમાંથી મોટા ભાગના માટે મોદીની ચમચાગીરી એ વિચારધારાનો નહીં, ધંધાનો મામલો છે. એટલે, મોદીનો સિક્કો બોદો ને ખોટો હોવા છતાં, તે જ્યાં સુધી ચાલતો રહે ત્યાં સુધી એવા તેમની મોદીભક્તિ છૂટવાની નથી. પણ ભક્તિ કરતાં કરતાં તટસ્થ દેખાવા માટે તે પ્રજાતિ શબ્દકસરતના જેવા ખેલ કરે છે, તે જોઈને સરકસના ખેલ કરનારો પણ અચંબિત થઈ જાય.
સારઃ વોટચોરીનું કૌભાંડ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનાં કરતૂત અને તેના કરનારાને છાવરનારા માટે દેશને રાજકીય અને નાગરિકી (સિવિલ) અરાજકતામાં ધકેલી દેતાં જરાય ખચકાટ થયો નથી. તેમને માટે સત્તા જ સર્વસ્વ છે અને તે કોઈ પણ ભોગે, કોઈના પણ ભોગે પોતાની સત્તા ટકાવીને જ જંપશે, એવું આજના તેમના વલણ પરથી સૂચવી દીધું છે. સત્તા પર રહીને દુનિયાભરનું જૂઠાણું ને કાંડ આચરનારને એટલી તો ખબર હોય ને કે સત્તા ગયા પછી તેનું સ્થાન ક્યાં હશે.
બીજી તરફ વિરોધ પ્રદર્શન કરનાર યુવાનોએ પણ સરકારનાં આટલા સખત અને આત્યંતિક પગલાંની ઐસીતૈસી કરીને સંદેશો આપી દીધો છે કે થોડો લોકોને ડીટેન કરી નાખવાથી કે સલામતી દળો ખડકી દેવાથી પાછી પડી જાય એવી આ પેઢી નથી.
યુટ્યુબ સહિતનાં માધ્યમોથી સ્વતંત્ર પત્રકારત્વ કરનારાએ પણ દર્શાવી દીધું છે કે ડરાવી-ધમકાવીને તેમને ચૂપ નહીં કરી શકાય કે રીપોર્ટિંગ કરતા નહીં અટકાવી શકાય. ગોદી મિડીયા ભલે સરકારની ભક્તિ કરતું રહે, પણ દિવસો બદલાઈ ચૂક્યા છે. હવે તેમનો એકેય નેરેટિવ ચોંટતો નથી. એટલે તેમણે પણ દેશનું-દેશના લોકોનું મોટા પાયે અહિત કરવાનાં ન્યાયી પરિણામ કેવાં હશે તે વિશે વિચારવાનું રહે છે.