Wednesday, January 28, 2015

એક લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટનો ઇન્ટરવ્યુ

ભારતવર્ષમાં લાગણીદુભાવની ઉજ્જળ અને મજબૂત પરંપરા છે.  મૃત્યુની જેમ લાગણીદુભાવ પણ ક્યાં, ક્યારે, કેમ, કોને પોતાના સકંજામાં લેશે એ જાણવું અઘરું છે. લાગણીદુભાવથી નિર્દોષ લોકોનાં મોત થઇ શકે છે, પણ નિર્દોષ લોકોનાં મોતથી લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની લાગણી ભાગ્યે જ દુભાતી હોય છે. જેમ કે, પેગંબર અને ઇસ્લામનાં પ્રતીક તથા ધાર્મિક નામો રાખીને ત્રાસવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે. પરંતુ એ ત્રાસવાદીઓએ ‘પેગંબરનું (કે ઇસ્લામનું) અપમાન કર્યું’ એવો વાંધો પાડીને, તેમની સામે ભાગ્યે જ મોરચા નીકળે છે કે દેખાવ થાય છે. હિંદુ ધર્મના નામે ગોરખધંધા કે ગુંડાગીરી ચલાવનારા સામે સંઘ પરિવાર સહિતના હિંદુત્વના ઠેકેદારોને ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. પરંતુ ફિલ્મ, પુસ્તક, ચિત્ર, વિધાન અને ક્યારેક તો મૌન સુદ્ધાંથી - ટૂંકમાં, વાસ્તવિક કરુણતાઓ અને વાસ્તવિક સમસ્યાઓ સિવાય દરેક અથવા કોઇ પણ બાબતથી - લોકોની લાગણી દુભાઇ શકે છે.

- પણ લાગણી એટલે શું? એ કેવી રીતે દુભાય? અને એ દુભાય ત્યારે એક્ઝેક્ટલી શું થાય? આ સવાલોની થિયરીમાં પડવાને બદલે, પ્રેક્ટિકલ જવાબ જાણવા માટે એક લાગણીદુભાવાના સ્પેશિયાલિસ્ટની કાલ્પનિક મુલાકાત. આ સંવાદ પૂરતા તેમને ટૂંકમાં સ્પેશ્યલિસ્ટ- સ્પે.- તરીકે ઓળખીશું.

સ : હલો, કેમ છો?

સ્પે : પહેલાં તો તમે મારી રાષ્ટ્રવાદી લાગણીનો અને માતૃભાષા પ્રત્યેની મમતાનો આદર કરતાં શીખો અને ‘હાય-હેલો’ની અંગ્રેજગીરી છોડો. નમસ્તે બોલતાં નથી આવડતું?

સ : (સહેજ બચાવની મુદ્રામાં) આવડે તો છે, પણ...‘હલો’ કહ્યું એમાં કયો દેશદ્રોહ કે માતૃભાષાદ્રોહ થઇ ગયો?

સ્પે : એ તમારા જેવા લાગણીબુટ્ઠા એટલે કે બૌદ્ધિકોને કદી નહીં સમજાય- ‘નમસ્તે’માં આર્યાવર્તની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય વારસો સમાયેલો છે.

સઃ ફક્ત ‘નમસ્તે’માં જ?

સ્પે : (ડોળા કકડાવે છે) એક વાત સમજી લો. મારી લાગણી દુભાય ત્યારે સવાલ નહીં કરવાના. નહીંતર જોવા જેવી થશે.

સ : પણ સવાલ કરવા એ અસલી ભારતીય પરંપરા છે. ભગવદ્‌ગીતા સહિતના હિંદુઓના ઘણા ધર્મગ્રંથો સવાલ અને જવાબ તરીકે છે.

સ્પે : એટલે? અમારા એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે હિંદુ ધર્મમાં શું છે એ તમારી પાસેથી શીખવું પડે?

સ : ના, પણ અમારા એવા ખરાબ દિવસ આવી ગયા છે કે ધર્મ શું છે ને તેનું માન શું છે, એ તમારા જેવાઓ પાસેથી સાંભળવું પડે.

સ્પે : (વધારે ડોળા કકડાવે છે. બાંયો ચડાવે છે.)

સ : બહુ ડોળા ન કાઢતા. ભવિષ્યમાં વડાપ્રધાન થઇ જશો...તમે એટલું તો કહો કે મારી વાત સાચી છે કે ખોટી?

સ્પે : તમારી વાત સાચી છે કે ખોટી, એ મુદ્દો જ નથી. તમે બૌદ્ધિકો ઊર્ફે સેક્યુલરો ઊર્ફે હિંદુવિરોધીઓ ઊર્ફે દેશદ્રોહીઓ બહુ બોલ્યા. હવે અમે બોલીશું ને તમે સાંભળશો...

સ : આવો તો અમિતાભનો એક ડાયલોગ હતો...

સ્પે : હવે અમારો છે.

સ : ડાયલોગ કે અમિતાભ?

સ્પે : બન્ને. કરમુક્તિઓ ને જાહેરખબરો એમ ને એમ થોડી મળે છે?

સ : એ તમે ને અમિતાભ જાણો, હું તો મારા સવાલની વાત કરતો હતો.

સ્પે : અને મેં તમને એમ કહ્યું કે તમારે બૌદ્ધિકોએ સવાલ નહીં કરવાના. બસ. તમે સવાલ કરશો તો અમારી લાગણી દુભાશે. પછી જે કંઇ થાય એની નૈતિક જવાબદારી અમારી નહીં.

સ : (હાસ્ય સાથે) ઓહો...

સ્પે : કેમ? એમાં હસવા જેવું શું છે? અમારી વાત પર અમથા અમથા હસશો તો પણ અમારી લાગણી દુભાશે...ને પછી કંઇ થાય તો પણ નૈતિક જવાબદારી...

સ : હું એટલે જ હસ્યો- કે તમે ‘નૈતિક જવાબદારી’- ટૂંકમાં ‘નૈતિકતા’- જેવા શબ્દો પણ સાંભળ્યા છે ને તેની વાત કરી શકો છો.

સ્પે : આમ કહીને તમે મારું જ નહીં, અમારા આખા સંપ્રદાયનું અપમાન કર્યું છે. (પાસે પડેલી લાકડી ઉપાડે છે)

સ : શાંતિ રાખો, શાંતિ...મેં કયા સંપ્રદાયનું અપમાન કરી નાખ્યું? ને વાતે વાતે ઉશ્કેરાવાનું- લાકડીઓ લેવાનું કયા સંપ્રદાયમાં લખ્યું છે? હિંદુ-ઇસ્લામ-ખ્રિસ્તી-શીખ-જૈન આ બધા વિશે ઠીક ઠીક ખબર છે ને એમાં તો ક્યાંય આવું આવતું નથી.

સ્પે : અમારો ધર્મ આમાંથી એકેય નથી અથવા બધા જ છે, પણ અમારો સંપ્રદાય આખો જુદો છે.

સ : એટલે?

સ્પે : અમારા નવા સંપ્રદાયનું નામ છે ‘લાગણીદુભાવ પંથ’. તમે બૌદ્ધિકો સર્વધર્મસમભાવના ઉપદેશ ઝૂડીને અમારી ટીકા કરો છો, પણ અમારો પંથ તમારા બધા કરતાં વધારે- (જરા ખચકાઇને) સેક્યુલર- છે. કોઇ પણ ધર્મના દુભાયેલી લાગણીવાળા માણસને અમારા સંપ્રદાયમાં સ્થાન મળી શકે છે.

સ : તમારી ઑફિસ- આઇ મીન, ધર્મસ્થાન ક્યાં છે?

સ્પે : કહ્યું તો ખરું. અમે સેક્યુલર છીએ. અમે કશું ઊભું કરવામાં રસ નથી. અમે ફક્ત ધાકધમકી અને તોડફોડમાં જ માનીએ છીએ.

સ : તમારા સંપ્રદાયનું કોઇ સૂત્ર? કોઇ ઘ્યેયમંત્ર?

સ્પે : આઇ એમ બીકોઝ આઇ એમ ઑફેન્ડેડ- હું દુભાયેલો છું એટલે જ હું છું. મારું વજૂદ જ મારા દુભાયેલા રહેવામાં છે.

સ : તમારા સંપ્રદાયના લોકો કેવી બાબતમાં દુભાઇ શકે?

સ્પે : એ યાદી તો બહુ લાંબી છે. હમણાં તો અમારે ઓવરટાઇમ કરવો પડે છે. તો પણ પહોંચી શકતા નથી.

સ : (મુગ્ધતાનો દેખાવ કરીને) તમને દુભાવાની પ્રેરણા શી રીતે મળે?

સ્પે : (પોરસાઇને) ગુડ ક્વેશ્ચન. અમારી પ્રેરણાના ઘણા સ્રોત છે : પોલિટિશ્યનો, ધર્મગુરુઓ, પોલિટિશ્યનોના કહ્યાગરા પોલીસ, પોતાની ફિલ્મ હિટ કરવા ઇચ્છતા ફિલ્મનિર્માતાઓ કે ચોપડી બેસ્ટસેલર બનાવવા માગતા લેખકો-પ્રકાશકો, રાતોરાત પ્રસિદ્ધિ મેળવીને સેલિબ્રિટી બનવા માગતા લોકો- અમારો સંપ્રદાય ધર્મના કે વ્યવસાયના ભેદભાવમાં માનતો નથી.

સ : તમારા વિશે સમાજમાં અનેક ગેરસમજો ફેલાયેલી છે. લોકો તમારા સંપ્રદાયને અનિષ્ટ ગણે છે...

સ્પે : એ લોકો સમજતા નથી કે એમનામાં રહેલી અનિષ્ટ લાગણીઓ અને એમની તરફથી મળતા મૂક ટેકાના જોરે જ અમારો સંપ્રદાય ચાલે છે. (ખભા ઊલાળીને) સો, વી ડોન્ટ માઇન્ડ, વી ડોન્ટ કેર.

સ : અરે, તમે અંગ્રેજીમાં બોલ્યા? પણ રાષ્ટ્રવાદી લાગણી અને માતૃભાષાની મમતા...?

(સ્પેશ્યલિસ્ટ ડોળા કાઢે છે અને ઇન્ટરવ્યુ સમાપ્ત થાય છે.)

Monday, January 26, 2015

‘ભારતરત્ન’થી વંચિત એવા અસલી ભારતરત્ન : આર.કે.લક્ષ્મણ

(ગઇ કાલે રવિવાર ૨૫-૧૫, ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં પ્રગટ થયેલો આ લેખ હજુ બ્લોગ પર મૂકું એ પહેલાં તેમના અવસાનના સમાચાર આવ્યા છે. તેમને અંજલિના પહેલા ભાગ તરીકે આ લેખ.)
(L to R) અબુ અબ્રાહમ, મારિઓ મિરાન્ડા અને સુધીર દારે દોરેલાં લક્ષ્મણનાં
કેરિકેચર/ caricature of R.K Laxman by Abu, Mario and Sudhir Dar

૯૪ વર્ષના કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણને ગયા સપ્તાહે પૂનાની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા, ત્યારે સમાચાર જાણીને એક અણદેખીતું સામ્ય તાજું થયું : લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ/ R K Laxman.

આઝાદ ભારતનાં સૌથી પ્રસિદ્ધ, સૌથી જાણીતાં, પ્રચંડ પ્રતિભાશાળી એવાં દસ બિનરાજકીય નામની યાદી બનાવવાની થાય તો તેમાં આ બન્ને નામ મૂકવાં પડે. ‘ભારતરત્ન’ની યાદીમાં લતા મંગેશકરનું નામ (યોગ્ય રીતે જ) છે, પણ આર.કે.લક્ષ્મણનું નામ નથી એ લક્ષ્મણ માટે નહીં, સન્માન માટે શરમજનક બાબત છે. રીઢા રાજકારણીઓને ફટ દઇને મળી જતું આ સન્માન આઝાદ ભારતના જાહેર જીવનમાં સૌથી નોંધપાત્ર પ્રદાન કરનાર હસ્તીઓમાંના એક લક્ષ્મણને ન મળ્યું હોય, તો ભોગ એ સન્માનના.

લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ- એ બન્નેની કારકિર્દી આઝાદી પહેલાં શરૂ થઇ ચૂકી હતી. બન્નેમાં પ્રતિભાનો વિસ્ફોટ બાળવયે દેખાઇ ગયો હતો, જે સંજોગો અને યોગ્ય પ્રોત્સાહનના બળે દાયકાઓ સુધી આખા ક્ષેત્રને ઝળાંહળાં કરતો રહ્યો. આ બન્નેના પ્રદાન માટે ‘યુગસર્જક’થી ઓછું બીજું એકેય વિશેષણ વાપરી ન શકાય. અલબત્ત, એ પણ ખરું કે પોતપોતાનાં ક્ષેત્રોનાં ‘નંબર વન’ એવાં આ બન્ને કલાકારો માટે તેમના ક્ષેત્રના બીજા કળાકારોનો અભિપ્રાય મિશ્ર છે. તેમની કળાને સલામ કર્યા પછી, તેમની સફળતામાં કળા ઉપરાંતના પરિબળો (અસલામતી, હરીફાઇને ડામી દેવી, પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોતાનો સિક્કો જમાવેલો રાખવો) વિશે પણ ચર્ચા થતી રહી છે. એ બાબતમાં ટીકાનો લાભ લતા મંગેશકરને વધારે મળ્યો છે. કેમ કે, કાર્ટૂનકળાનો વ્યાપ અને તેના વિશેની ચર્ચા-ગોસિપ ગીત-સંગીતના પ્રમાણમાં ઓછાં જ હોય.

વ્યાવસાયિક કાર્ટૂનિસ્ટ તરીકે મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં થોડો સમય કામ કર્યા પછી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ લક્ષ્મણનું આજીવન ઠેકાણું બની રહ્યું. તેમની પ્રચંડ ખ્યાતિ અને પ્રતિષ્ઠા માટે તેમના કામની ગુણવત્તા ઉપરાંત દેશના નંબર વન અંગ્રેજી અખબાર સાથે દાયકાઓનો નાતો અને સતત લોકનજરમાં રહેતું તેમનું કામ પણ મહત્ત્વનાં ગણવાં પડે. લક્ષ્મણ પહેલાં અને પછી બીજા ઘણા પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટો થયા હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એવી વ્યાપક છાપ ઊભી થઇ, એ પણ મહદ્‌ અંશે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથેના તેમના લાંબા જોડાણને કારણે. લોકપ્રિયતાને કારણે તેમના કાર્ટૂનના ઘણા સંગ્રહ પ્રકાશિત થયા અને છૂટથી ઉપલબ્ધ બન્યા (જે બીજા કાર્ટૂનિસ્ટોના કિસ્સામાં શક્ય ન બન્યું).

ભારતમાં આધુનિક કાર્ટૂનકળાના આદિપુરુષ ગણાતા, (‘શંકર્સ વિકલી’ખ્યાત) કે.શંકર પિલ્લઇ હોય કે તેમની સાથે કામ કરી ચૂકેલા અબુ અબ્રાહમ- કાર્ટૂનક્ષેત્રે તેમનું નામ અને પ્રદાન મોટું હતું. અબુ તો બ્રિટનનિવાસ દરમિયાન લાંબા સમય સુધી ‘ગાર્ડિયન’ અખબારમાં રાજકીય કાર્ટૂન આપતા. એ રીતે તેમણે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. ભારતમાં આવ્યા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેમણે તીખાં રાજકીય કાર્ટૂન કર્યાં. વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં અબુએ કહ્યું હતું કે લક્ષ્મણ મુખ્યત્વે સામાજિક કાર્ટૂનિસ્ટ છે. માત્ર લક્ષ્મણનાં જ કાર્ટૂનથી પરિચિત લોકોને આ વિધાન જરા વિચિત્ર લાગે, પરંતુ શંકર, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી જેવાનાં રાજકીય કાર્ટૂન જોનારને અબુની વાતમાં રહેલા તથ્યના અંશ સમજાશે.

રાજકીયને બદલે મહદ્‌ અંશે નિર્દોષ રમુજી કહેવાય એવાં કાર્ટૂન માટે જાણીતા સુધીર દારે એક સામયિકને આપેલી મુલાકાતમાં, લક્ષ્મણનાં કાર્ટૂનમાં થતાં પ્રતીકોના પુનરાવર્તનની વાત કરી હતી. અલબત્ત, તેમણે એ માટે લક્ષ્મણના કામના જથ્થાને જવાબદાર ગણ્યો હતો. રોજ ‘યુ સેઇડ ઇટ’નું પોકેટ કાર્ટૂન અને એ સિવાય અઠવાડિયામાં ત્રણ-ચાર મોટાં રાજકીય કાર્ટૂન - આટલા જથ્થામાં ગુણવત્તા ટકાવવાનું કેટલું કપરું બને, એ સમજાય એવું છે.

કાર્ટૂન ઉપરાંત ઠઠ્ઠાચિત્રો (કૅરિકેચર) અને હળવા કે ગંભીર સ્કેચ પણ લક્ષ્મણે અઢળક બનાવ્યા. ‘માલગુડી ડેઝ’ અને ‘ગાઇડ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા મોટા ભાઇ આર.કે.નારાયણની કથાઓ માટે લક્ષ્મણે ચિત્રો બનાવ્યાં હતાં, તો ‘એશિયન પેઇન્ટ્‌સ’ના પ્રતીક જેવો, હાથમાં પીંછી અને રંગનું ડબલું પકડેલો બાબલો (‘ગટ્ટુ) પણ લક્ષ્મણની પીંછીની કમાલ હતો. દાયકાઓ પહેલાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં પ્રકાશન ‘ફિલ્મફેર’માં દર મહિને તે ‘ધ સ્ટાર્સ આઇ મેટ’ નામે કોઇ એક કલાકારનું રંગીન ઠઠ્ઠાચિત્ર કરતા હતા, તો ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’માં તેમનાં કાર્ટૂન ઉપરાંત એક વાર તેમણે કરેલા સૌરાષ્ટ્રના લોકજીવનના સ્કેચ છપાયા હતા. ચંચળ અને ચતુર પક્ષી ગણાતા કાગડાનાં તેમણે કરેલાં ચિત્રોનાં તો અલગ પ્રદર્શનો પણ થઇ ચૂક્યાં છે.

અમિતાભ બચ્ચન કે ભીમસેન જોશી જેવા ઘેધુર કંઠના સ્વામીઓ ઑલ ઇન્ડિયા રેડિયોની અવાજની કસોટીમાંથી નાપાસ થયા હતા, એવી જ રીતે આર.કે.લક્ષ્મણને મુંબઇની વિખ્યાત જે.જે.સ્કૂલ ઑફ આર્ટ્‌સમાં પ્રવેશ મળ્યો ન હતો. એ માટે સ્કૂલે આપેલું કારણ હતું : ‘અમારી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે જે જાતની પ્રતિભા જોઇએ, એ તમારામાં લાગતી નથી’. વર્ષો પછી એ જ જે.જે.સ્કૂલમાં ઇનામ વિતરણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે લક્ષ્મણને જવાનું થયું ત્યારે તેમણે પ્રવચનમાં પોતાને ઍડમિશન ન આપવા બદલ સ્કૂલનો આભાર માનતાં કહ્યું હતું કે, ‘જો પ્રવેશ મળ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટ બનવાને બદલે કોઇક એડ એજન્સીમાં મચ્છર અગરબત્તીનાં કે કોસ્મેટિક્સનાં કે વિટામીનની જાહેરખબરો માટે રૂપકડાં બાળકોનાં ચિત્રો દોરતો પડ્યો હોત.’

લક્ષ્મણ જેમ કાર્ટૂનનો પર્યાય બન્યા, તેમ તેમનો સર્જેલો કૉમનમેન ખુદ લક્ષ્મણનો પર્યાય બની ગયો. કૉમનમેનની ક્રમિક ‘ઉત્ક્રાંતિ’ કેવી રીતે થઇ તેનાં ચિત્રો આ લેખ સાથે મુક્યાં છે. પરંતુ આઝાદ ભારતનાં સૌથી જાણીતાં અને દીર્ઘજીવી પ્રતિકોમાં આમઆદમી ઊર્ફે કૉમન મેનનું સ્થાન છે. પૂના-મુંબઇમાં કૉમન મેનનાં પૂતળાં પણ ઊભાં કરવામાં આવ્યાં છે. ભારતમાં કોઇ કાર્ટૂનિસ્ટે સર્જેલા પાત્રનું આવું સન્માન થાય, તે અસાધારણ ઘટના છે.

ભારત જેવા પ્રચંડ વૈવિઘ્ય ધરાવતા દેશમાં ‘કૉમન મેન’ વ્યાખ્યાયિત કરવાનું અઘરું છે. પણ લક્ષ્મણનો કૉમન મેન ભારતના સામાન્ય નાગરિકનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે. તે કશું બોલતો નથી. ફક્ત જુએ છે. આઝાદી પછી દાયકાઓ વીત્યા, પણ તારક મહેતાના ટપુડાની જેમ કૉમન મેનનો દેખાવ બદલાયો નથી. એ જ ટોપી, ચશ્માં, ચોકડીવાળો કોટ, ધોતી, મૂછો, બહાર નીકળતા કાન, માથે ટાલ અને ટોપીમાંથી બહાર નીકળતા થોડા વાળ...આ સ્વરૂપ ૧૯૫૪માં ફાઇનલ થયા પછી જરા પણ ન બદલાવા થતાં જૂનું કે વાસી થયું નથી, એ તેનો મહીમા છે. કૉમન મેનનાં કાર્ટૂન પરથી બનેલી ટીવી શ્રેણી ‘વાગલેકી દુનિયા’ અત્યંત લોકપ્રિય બની હતી, તો થોડાં વર્ષો પહેલાં એક અહેવાલમાં વાંચ્યા પ્રમાણે, કૉમન મેનના કોટમાં ચોકડીની સંખ્યા એકી હશે કે બેકી, તેની ઉપર પણ સૌરાષ્ટ્રમાં સટ્ટો રમાતો હતો.
Evolution of R K Laxman's common man / લક્ષ્મણના કોમન મેનની ઉત્ક્રાંતિ

કૉમન મેન જેવા સદાબહાર પાત્રના સર્જક લક્ષ્મણને આધુનિક ટેકનોલોજી સાથે બહુ ગોઠ્યું નહીં. ૧૯૯૮માં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘આપણે આગળ વધવાનું બંધ કરી દેવા જેવું હતું. જુઓ તો ખરા, હવે કેવી કેવી ચીજો આવે છે. સેલફોન. મને આ બધી ચીજો દીઠી ગમતી નથી. એ બિલકુલ બિનજરૂરી છે. અને આ ગાડીઓ (કાર) જુઓ. પહેલાંના જમાનાની ફોર્ડ અને શેવરોલે કેવી સુડોળ અને જાજરમાન હતી. હવે તે તોતિંગ ને કદરૂપી હોય છે. અને પેન- અમે અમારી પેનના આકાર અને તેના અહેસાસને પ્રેમ કરતા હતા. આ બોલપોઇન્ટ પેન મને ગમતી નથી.’

આ વાક્યો જનરેશન ગેપનો અહેસાસ કરાવનારાં ભલે લાગે, પણ એ વાક્યો બોલનારે દોરેલાં ઘણાં કાર્ટૂન કાળને અતિક્રમી ગયેલાં- અને હજુ એટલાં જ પ્રસ્તુત, એટલાં જ ચોટદાર લાગે છે, જાણે અસલી ભારતનું ડીએનએ.
(લક્ષ્મણનાં ચિત્રોનું સૌજન્ય : ‘આર.કે.લક્ષ્મણ -ધ અનકૉમન મેન, સંકલન : ડૉ.ધર્મેન્દ્ર ભંડારી, પ્રકાશકઃ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા/ R K Laxman - The Uncommon Man, Dr.Dharmendra Bhandari, State Bank of India)

Friday, January 23, 2015

પ્રમુખ ઓબામાને અંગત પત્ર

પ્રિય બરાકભાઇ,

ગુજરાતી રિવાજ પ્રમાણે તો તમને લખવું પડે, ‘મુ.ઓબામાકાકા, મિશેલકાકી અને ચિ.દીકરીઓ.’ પરંતુ આપણી વચ્ચે હજુ એવો વ્યવહાર નથી- અને તમારા પ્રમુખપદાની મુદત પૂરી થવામાં છે. એટલે તમે અમેરિકાથી ‘ખાસ યાદ રાખીને’ આફ્‌ટરશેવની બોટલ કે રેઝર લેતા આવો, એવી આત્મીયતા આપણી વચ્ચે હવે કદાચ થશે પણ નહીં. એ વાતનો તમને ને મને રહે કે ન રહે, વન ડૉલર સ્ટોરવાળા ભાઇને જરૂર અફસોસ રહેશે.

આ પત્ર અંગત છે એટલે, ઓછા પરિચય છતાં તમારી સાથે પેટછૂટી વાત કરવામાં વાંધો નથી. સૌથી પહેલાં એ જાહેર કરી દઉં કે આ પત્ર દ્વારા મારે અમેરિકાથી કશું મંગાવવું નથી- કશું જ નહીં. હવે અમેરિકાનું બઘું અહીં મળે જ છે. નાનકડો પ્રોબ્લેમ એ છે કે અહીં વસ્તુઓ રૂપિયા ખર્ચીને ખરીદવી પડે છે, જ્યારે ‘ત્યાંથી’ એ ગિફ્‌ટમાં આવે છે. ખરું જોતાં અમેરિકાથી ચીજવસ્તુઓ મંગાવવા માટે તમારા જેવા વીવીઆઇપી સૌથી યોગ્ય કહેવાય. તમારે ન લગેજના વજનની ચિંતા, ન ભારતીય કસ્ટમવાળા તમને ‘કંઇક સમજવા’ કહે કે ન તમારી પાસેથી એકાદ બોટલની માગણી કરે.

આ વાંચીને તમે આશ્ચર્ય ન પામતા. તમારા દેશમાં વસતા ભારતીયોના સુખ-દુઃખની ભાળ મેળવવી હોય તો એક વાર તેમની સાથે ભારત આવી જોજો. અરે, ભારત ન આવો તો કંઇ નહીં, આવતાં પહેલાંના બે-ચાર દિવસ એમને મદદ કરાવવા પહોંચી જજો. પેક કરેલો લગેજ તમે કદી હાથકાંટાથી ઊંચકી જોયો છે? ને એમાં વજન વધતું દેખાય તો, ડૂબતા જહાજમાંથી સામાન વામી દેવો પડે એમ, બેગમાંથી સામાન કાઢીને બાજુ પર મૂકવાની કરુણ સ્થિતિ કેવી હોય એનો તમને અંદાજ છે? તમારા જેવી વજનમુક્ત, કસ્ટમમુક્ત સ્થિતિ બીજા ભારતીયોને મળે તો, એ બીજું આખું વિમાન ફક્ત ચીજવસ્તુઓ લાવવા માટે કરે.

તમને થશે કે હું હજુ મુદ્દા પર આવતો નથી. પણ મારો કશો સ્વાર્થ નથી એટલે મારો કશો મુદ્દો પણ નથી. અમારા દેશમાં અંગત સ્વાર્થ ન ધરાવતા કે એવો દાવો કરતા લોકોને મુદ્દા વગરની વાતો જથ્થાબંધ રીતે અને અધિકારથી કરવાનો પરવાનો મળી જાય છે. અમારી સંસ્કૃતિનું આ લક્ષણ ગાંઠે બાંધી રાખશો, તો અહીં લોકો જોડે વાત કરવામાં ને તેમને સહન કરવામાં મુશ્કેલી નહીં પડે.

મારા નહીં, પણ તમારા સ્વાર્થ ખાતર એટલું પૂછી લઉં કે અમારા સાહેબે તમારે ત્યાં મેડિસન સ્ક્વેર જેવો ખેલ પાડ્યો હતો, એવું આપણે અહીં કશું કરવાનું છે? કબૂલ કે અહીં તમને એટલી સંખ્યામાં અને એટલા હરખપદુડા અમેરિકનો નહીં મળે, પણ ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ તમારા જેવા સ્નેહીને કામ ન આવે તો એને શું ધોઇ પીવાનું?

તમારી જરાસરખી પણ ઇચ્છા હોય તો ફક્ત ઇશારો કરી દેજો. કમ સે કમ, આ બાબતમાં અમારા લોકો અત્યંત સમજદાર છે. સાહેબોની બોડી લેન્ગ્વેજ વાંચીને તેના આધારે કરોડોના પ્રોજેક્ટ મૂકવાની, તે સાહેબના હિતમાં છે એવું સિદ્ધ કરી આપવાની અને સરવાળે એ પ્રોજેક્ટ સરકારમાં મંજૂર કરાવી આપવાની બાબતમાં અમારી પ્રતિભાઓનો જોટો નથી. તમે ફક્ત હા પાડો અથવા એટલું પણ ન કરો- બસ, આ પ્રસ્તાવનો વિરોધ ન કરો, તો તમારા માટે કાંકરિયા-અમદાવાદના ફુટબોલ ગ્રાઉન્ડથી માંડીને દિલ્હીના રામલીલા મેદાન હકડેઠઠ ભરાઇ જાય એટલી ભીડની વ્યવસ્થા થઇ જશે. મેડિસન સ્ક્વેરમાં મોદીભૂસું વહેંચાયું હતું, તો અહીં તમારા કાર્યક્રમમાં આવનારા માટે ઓબામા-વડાની કે મિશેલ-પરાઠાની વ્યવસ્થા થઇ શકે છે.

આ કશું કરવું ફરજિયાત નથી. કારણ કે તમારો વટ અમસ્તો પડેલો છે. અમારે ત્યાં નેતાઓ પ્રજાની જેટલી કનડગત કરે, એટલો તેમનો વટ પડે. ચીનના પ્રમુખ અમદાવાદ આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટીની આગળ પડદા નાખી દીધા હતા ને જેમના ફ્‌લેટની બારીઓ નદીકિનારા તરફ પડતી હતી, તેમને બારી નહીં ખોલવાની સૂચના આપી હતી. તમારી સલામતી માટે ક્યાં ક્યાં પડદા નાખવા પડશે ને શું શું ઢાંકવું પડશે, એનો અંદાજ આવતો નથી.

તમારા આવવાનું મુખ્ય નિમિત્ત પ્રજાસત્તાક દિવસની પરેડ છે. એ વિશે પણ બે વાત કહી દઉં. તમે સશક્ત માણસ છો, બાકી ભૂતકાળમાં અમારા કેટલાક વડાઓ થાકીને ઢળી પડવા જેવા થઇ ગયા હોય કે ઢળી પડ્યા હોય એવા પણ કિસ્સા છે. ઘણા વિદેશી મહેમાનોને બોલાવીને ઠુસ્સ કરવા માટે પણ આવું નિમંત્રણ આપવામાં આવે છે.  પરેડમાં એક કેમેરા સતત મહેમાન તરફ તકાયેલો હોવાથી, મહેમાન વચ્ચે શક્તિદાયક પીણાં પણ લઇ શકતા નથી.  એ દિવસે પરેડમાં અમારાં શસ્ત્રોનું પ્રદર્શન પણ થશે. એ જોઇને તમે સમજી શકશો કે હજુ અમારે ત્યાં કયાં શસ્ત્રો ખૂટે છે અને તમારા સોદાગરો કયા શસ્ત્રો અમને ફટકારવાનો પ્રયાસ કરી શકે એમ છે.

એક વાત તમને આગળથી કહી દઉં : તમે ગમે તેટલું કરશો ને તમારા માટે ગમે તેટલું કરવામાં આવશે, પણ ભારતમાં તમને એનઆરઆઇ જેટલી મઝા નહીં આવે એ હકીકત છે. કારણ કે ભારતમાં આવીને તમારે નાણાં ખર્ચવાના નથી. એનઆરઆઇને ખરો આનંદ રૂપિયા ખર્ચવા કરતાં પણ વધારે, ડોલરને રૂપિયામાં ગુણવાથી થતા સમૃદ્ધિના અહેસાસને કારણે થાય છે. આ ફીલ જોઇતો હોય તો થોડા ગુજરાતીઓ-ભારતીયો સાથે રાખજો અને તેમની સાથે એકાદ વાર શોપિંગ પર જજો.

સાંભળ્યું છે કે તમે ગાંધીના પ્રેમી છો ને ઘરમાં તેમનો ફોટો રાખો છો. તમે રાજઘાટ તો જવાના જ હશો, પણ અજાણતાં અવિવેક ન થઇ જાય એટલા ખાતર કાનમાં ફૂંક મારી રાખું છું : રસ અને જિજ્ઞાસા બતાવવા ખાતર અમારા સાહેબને એ ન પૂછતા કે ગાંધીનગરના મહાત્મામંદિરને મહાત્મા ગાંધી સાથે શી લેવાદેવા છે - અને ગાંધીજીની હત્યા કોણે કરેલી એવું તો ભૂલેચૂકે ન પૂછતા. હા, તેમને સરદાર પટેલ વિશે પૂછજો, એટલે તેમને સારું લાગશે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતાં ઊંચું પૂતળું બનાવવાની યોજના કરીને અમેરિકાને કમ સે કમ એક બાબતમાં પાછું પાડી દીધાનો સંતોષ તમારી હાજરીમાં લેવાથી તેમને સારું લાગશે.

અમારા સાહેબે ત્યાં આવીને અમેરિકાના કાળા લોકો સાથે રખાતા ભેદભાવ વિશે કશી પૂછપરછ કરી ન હતી ને કોઇ નિવેદન આપ્યું ન હતું. તમે પણ ભારતના દલિતોની પંચાતથી દૂર જ રહેજો. એમાં જ યજમાન અને મહેમાનની આમન્યા જળવાશે. તમારા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ને અમારા આંબેડકર, એમનાં પૂતળાં બનાવવામાં જ મઝા છે. એથી વઘું કંઇ કરવા જતાં કંસારનું થૂલું થઇ જશે.

બાકી, અહીંથી જતી વખતે લઇ જવા માટે પાપડ-મઠીયાં-ચોળાફળી-અથાણાં તો પેક કરાવી રાખ્યાં છે. એ સિવાય બીજું કંઇ પણ જોઇતું હોય તો વિના સંકોચે લખી દેજો.

તમારો ગુજરાતી-ભારતીય શુભેચ્છક

Monday, January 19, 2015

ગાંધી-સરદાર ‘વાયબ્રન્ટ’ સંવાદ

વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર જવું કે નહીં, એ મુદ્દે ગાંધીજી અને સરદાર વચ્ચે ઘણી ચર્ચા થઇ. સરદાર પટેલે બહુ વાર્યા, અગાઉના અનુભવ યાદ કરાવ્યા, પણ ગાંધીજી માનતા ન હતા.
ગાંધીજી : આ વખતે તો મારે જવું જ પડે. વાયબ્રન્ટ ગુજરાતની પહેલાં મારા સ્વદેશાગમનની શતાબ્દિ પણ ગાંધીનગરમાં ભાવથી ઉજવાય છે.

સરદાર : ભાવથી? અરે બાપુ, મહામોંઘા ભાવથી. કરોડોના ખર્ચે...પણ આ વખતે વાયબ્રન્ટમાં એમઓયુ થવાના નથી.

ગાંધીજી : એમઓયુ એટલે?

સરદાર : પ્રજાના ખર્ચે આંકડાની આતશબાજી કરીને પ્રજાને આંજવાનો ખેલ

ગાંધીજી : તો પછી મારે ને એમઓયુને શી લેવાદેવા?

સરદાર : વાયબ્રન્ટ પૂરું થઇ ગયા પછી તમારે તો શું, કોઇને એમઓયુ સાથે લેવાદેવા હોતી નથી. વાયબ્રન્ટમાં પણ તમે એનઆરઆઇ નથી કે સરકારી સાહેબો તેમની સાહેબી ભૂલીને તમારી સરભરા કરે... મારું કહ્યું માનો. અત્યારે ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટરો અને તેમના પ્રિય અફસરો (કે પછી અફસરો અને તેમના પ્રિય કોન્ટ્રાક્ટરો) સિવાય કોઇએ કશું કાંતી લેવાનું નથી.

ગાંધીજી : કાંતવાનું તમે ઠીક યાદ કરાવ્યું...એવું હોય તો આપણે કોઇને ચરખા-તકલીના પ્રચારપ્રસાર માટે કહી જોઇએ. કોઇ કોન્ટ્રાક્ટરને, કોઇ અફસરને...

સરદાર : ખાલી કહી દેવાથી ન ચાલે બાપુ. તમારી છાપ જોઇએ.

ગાંધીજી : તો શું વાંધો છે? એ કહેશે ત્યાં હું મારી છાપ આપી દઇશ. પછી? બીજા બધા મારું નામ વટાવી ખાતા હોય તો મને એ વાપરવામાં શો વાંધો?

સરદાર : બાપુ, બાપુ, તમે સમજતા નથી. તમારી છાપ એટલે તમારા અંગુઠાની છાપ કે સહી નહીં...(આંગળી અને અંગુઠાથી રૂપિયાની નિશાની કરીને) ગાંધીછાપ... નોટો.

ગાંધીજી : પણ સરકાર પાસે ધનની ક્યાં કમી છે?

સરદાર : (બનાવટી રોષ સાથે) ધનની કમી ન હોય એટલે શું એ તમારા તરંગતુક્કા માટે ઉડાડી મારવાનું?... (સહેજ ધીમા અવાજે) એ તો એમના પોતાના તરંગતુક્કા પર ઉડાડવા માટે છે.

ગાંધીજી : (હાસ્ય સાથે) તમારી ટીખળ કરવાની ટેવ ન ગઇ, સરદાર.

(મહાદેવ દેસાઇ દાખલ થાય છે.)

સરદાર : (મહાદેવ દેસાઇ તરફ જોઇને) ડોસા ગાંધીનગર જવાની વાત કરે છે. તું એમને જરા સમજાવ, મહાદેવ. ત્યાં કોઇ એમને પગ નહીં મૂકવા દે.

ગાંધીજી : તમે વઘુ પડતા આકરા થાવ છો. આખું નગર મારા નામનું છે. એમાં મને પગ શા માટે ન મૂકવા દે?

સરદાર : એટલા માટે કે એ નગરમાં તમારું નામ કેવળ નામનું જ છે.  ત્યાં તમારા પૂતળાને આવકાર મળી શકે, પણ જીવતા ગાંધીને નહીં. તમે તો ‘લૉ એન્ડ ઑર્ડર પ્રોબ્લેમ’ ગણાવ.

ગાંધીજી : પણ મેં નક્કી કર્યું છે. હું સત્યાગ્રહ કે બીજી કોઇ ચળવળ નહીં કરું. સાક્ષીભાવે બઘું જોઇશ.

સરદાર : હું તમને ચેતવું છે, એટલે એમ ન માનતા કે ગાંધીનગરવાળા તમારાથી બીએ છે. એ તો કોઇનાથી બીતા નથી... ભગવાનથી પણ નહીં.

ગાંધીજી : કઇ બાબતમાં?

સરદાર : એ બધા ચોપડા અત્યારે ક્યાં ખોલાવો છો?

ગાંધીજી : સારું ત્યારે, બીતા નથી તો આજુબાજુ બંદૂકવાળાની ફોજ કેમ રાખે છે?

સરદાર : લોકોનાં ટોળાં એમની પર પ્રેમ વરસાવીને એમને ક્યાંક ગુંગળાવી ન નાખે એટલે...(મહાદેવ દેસાઇ તરફ જોઇને) : જોયું? અત્યારથી લક્ષણો ઝળકાવવા લાગ્યા ને?

ગાંધીજી (ખડખડાટ હસીને) : પણ એ તો કહો કે મને આવકાર કેમ નહીં મળે? મારા માટે બિચારા આટલો બધો ખર્ચો કરે છે ને...

સરદાર : તમારા માટે નહીં, તમારા નામે...ગુજરાતની સમૃદ્ધિના વાવટા ખોડવા તેમણે આટલો ધુમાડો કર્યો હોય ને તમારા જેવા સરેઆમ પોતડી પહેરીને આવી પડે, તો એમની આબરૂ શું રહે?

ગાંધીજી : મારી પોતડી એ તો દરિદ્રનારાયણનું, ભારતના સામાન્ય માણસનું પ્રતીક છે.

સરદાર : એ હું ભૂલ્યો નથી ને એમની યાદ રાખવાની દાનત નથી. તમે ભલે પોતડીથી ન શરમાવ, પણ એમને શરમ જેવું કંઇ હોય કે નહીં? આરોપીઓ અને ગુનેગારોને મંત્રીમંડળમાં રાખતાં શરમ ન આવે, હળહળતું જૂઠું બોલતાં શરમ ન આવે, દેશના નામે પોતાનો જયજયકાર કરતાં શરમ ન આવે, એનો અર્થ એવો થોડો કે શરમ સાવ આવતી જ બંધ થઇ જાય?

(ગાંધીજી વિચારમુદ્રામાં માથું ખંજવાળીને મહાદેવભાઇ સામે જુએ છે)

સરદાર : પોતડી જોઇને બહારથી આવેલા લોકો શું વિચારે? કે હજુ ગુજરાતમાં ગરીબી હશે? લોકોને પહેરવાનાં કપડાં નહીં મળતાં હોય? વડાપ્રધાન હોર્ડિંગે હોર્ડિંગે જુદાં કપડાંમાં દેખાતા હોય ને તમે પોતડી પહેરો, એ તો વડાપ્રધાનને નીચાજોણું કરાવવાનો કારસો કહેવાય. આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતને બદનામ કરવાની સાઝિશ...આવી કેટલીક સાઝિશો સામે તો આ વખતે સરકારે અસરકારક રીતે કામ લીઘું છે.

ગાંધીજી : જેમ કે?

સરદાર : તમારા મહાત્મામંદિરની આજુબાજુનાં ઝૂંપડાં મહેમાનોને દેખાય નહીં એવી રીતે ઢાંકી દીધાં છે. આવતી વખતે તો મને લાગે છે કે તમારાં પોતડીધારી પૂતળાં પણ ચારે બાજુથી કમર સુધી ઢાંકી દેવાય તો નવાઇ નહીં. જે દેશના વડાપ્રધાન આટલા વરણાગી હોય તેનો રાષ્ટ્રપિતા પોતડીધારી હોય તે શોભે? હોય એનો વાંધો નહીં, પણ એવો દેખાય એ તો ધોળા ધરમે પણ ન ચલાવી લેવાય.

ગાંધીજી : તમે તો મને ગુંચવ્યો. હું કોઇને નીચા પાડવા નહીં, વાસ્તવિકતા જાણવા માટે જ જવાનું વિચારતો હતો.

સરદાર : તમારે ધરાર જવું જ હોય તો તમારા માટે એક સરસ જગ્યા મારા ઘ્યાનમાં છે. ગાંધીનગરમાં નથી, પણ છે ભારતમાં જ- એકદમ તમારા માટેની. ત્યાં તમારે પૂતળાની જેમ ઊભા પણ નહીં રહેવું પડે.

ગાંધીજી : કહો. જલદી કહો. મારે જવું જ છે.

સરદાર : સાંભળ્યું છે કે ભારતમાં ગોડસેનાં મંદિર બનવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં ગોડસેની પ્રતિમા કે ફોટો તો હશે જ. ખોટ હશે તમારી. તમે ત્યાં જઇને ગોડસેની પ્રતિમાની સામે જમીન પર સુઇ જાવ. શક્ય હોય તો છાતી પર ઓઢેલા ઉપરણા પર ટમેટાંનો થોડો રસો લગાડી દો, તો કામ થઇ જાય...તમારે વાસ્તવિકતા સાથે કશી બાંધછોડ ન કરવી પડે. એ રીતે તમારો સત્યનો આગ્રહ જળવાઇ રહે ને સ્મારકની શોભામાં અભિવૃદ્ધિ થાય.

ગાંધીજી : બસ, બસ, વધારે કંઇ કહેવાની જરૂર નથી. મારો કાંતવાનો સમય થઇ ગયો...
(14-1-15)

Sunday, January 18, 2015

આમન્યાની ઐસીતૈસી કરતી ફ્રાન્સની હાસ્ય-કટાક્ષ પરંપરા

રાજવીઓ ને ધર્મઘુરંધરો સહિત કોઇની સાડા બારી ન રાખવાની ફ્રાન્સની ‘કાર્ટૂનકુલરીતિ’ સુરુચિનાં વસ્ત્રો ઉતારીને, તેના થકી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો વાવટો ફરકાવતાં ખચકાતી નથી- તેનાં પરિણામ ક્યારેક ‘શાર્લી એબ્દુ’ પર થયેલા ખૂની હુમલા જેવાં લોહિયાળ હોય તો પણ.

‘હારા કીરી’ - આ શબ્દ આત્મહત્યાના જાપાની પર્યાય તરીકે જાણીતો છે, પરંતુ એ નામ ધરાવતા એક ફ્રેન્ચ સામયિકે ખરેખર ‘હારા કીરી’ કરી : ૧૯૭૦માં ફ્રાન્સના પ્રમુખ ચાર્લ દ ગોલનું અવસાન થયું. તેના થોડા દિવસ પહેલાં એક નાઇટક્લબમાં લાગેલી આગમાં ૧૪૨ ટીન એજર્સ મૃત્યુ પામ્યાં હતાં. એ ઘટનાને ઘ્યાનમાં રાખીને, દ ગોલના મૃત્યુ નિમિત્તે ‘હારા કીરી’એ મુખપૃષ્ઠ પર મથાળું આપ્યું  : ‘ટ્રેજિક ડાન્સ એટ કોલોમ્બે - વન ડેડ’ (કોલોમ્બે  પ્રમુખ દ ગોલનું નિવાસસ્થાન હતું)

પ્રમુખના મોતને મજાકનો વિષય બનાવવા બદલ ‘હારા કીરી’ પર એવી પસ્તાળ પડી કે છેવટે સામયિક બંધ કરવાનો વારો આવ્યો. ‘હારા કીરી’નો નવો અવતાર એટલે ‘શાર્લી એબ્દુ’/Charlie Hebdo, જેની પેરિસની ઑફિસ પર બે અઠવાડિયાં પહેલાં ખૂની હુમલો થયો. હરીફ સાપ્તાહિકની સરખામણીમાં ‘માંડ’ કહેવાય એવું પચાસ હજારનું સર્ક્યુલેશન ધરાવતા ‘શાર્લી એબ્દુ’માં વખતોવખત પેગંબરસાહેબ અને ઇસ્લામને લગતાં કાર્ટૂન છપાતાં હતાં. તેમાંથી કેટલાંક તો કાર્ટૂન તરીકે સાવ ભદ્દાં. એવો ‘લાભ’ અલબત્ત, બીજા ધર્મોને પણ મળતો હતો. રોમન કેથલિક સંપ્રદાયના સર્વોચ્ચ વડા પોપનાં પણ બેફામ કાર્ટૂન તેમાં આવતાં.

નાસ્તિક, ડાબેરી, આત્યંતિક અને તોફાની - આવું મિશ્રણ ધરાવતા ‘શાર્લી એબ્દુ’ સાપ્તાહિકને સૌથી વઘુ મઝા આવતી હોય તો ધાર્મિકોની લાગણી દુભાવવાની. અગાઉ ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પેગંબરસાહેબનાં કાર્ટૂન બનાવ્યાં ને તેના કારણે થયેલાં તોફાનોમાં જુદી જુદી જગ્યાએ સંખ્યાબંધ લોકો માર્યા ગયા, ત્યારે ‘શાર્લી એબ્દુ’એ ધરાર એ કાર્ટૂન પુનઃમુદ્રિત કર્યાં હતાં. પેગંબરસાહેબનું ચિત્ર બનાવવું મુસ્લિમો માટે અધર્મ્ય હોય, ત્યાં આ તો તેમને હાસ્યાસ્પદ- કઢંગી રીતે રજૂ કરતું કાર્ટૂન. પરંતુ ‘શાર્લી એબ્દુ’ની ‘સમજ’ હતી : આ ફ્રાન્સ છે. અહીં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી મહત્ત્વનું છે- અને તે અમે કોઇના પણ ભોગે મેળવતા રહીશું. એ કાર્ટૂનો છાપવા બદલ ‘શાર્લી એબ્દુ’ સામે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ કેસ કર્યો, પણ અદાલતે ‘શાર્લી એબ્દુ’ની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદા હેઠળ કાર્ટૂનો રક્ષણને પાત્ર છે અને તેમનો આશય ઇસ્લામની નહીં, અંતિમવાદીઓની ટીકા કરવાનો હતો.

ફ્રાન્સમાં સ્થાનિક બહુમતી અને બહારથી આવેલા મુસ્લિમોની લધુમતીનું અલગ રાજકારણ અને તેના જુદા તાણાવાણા છે. પરંતુ એ આ લેખનો મુદ્દો નથી. અહીં વાત છે ફ્રાન્સનાં અવળચંડાં, ધારદાર, ભદ્દાં, કોઇની લાગણી દુભાવાની પરવા કર્યા વિના નિરંકુશ અને બેફામ રીતે બનાવાતાં કાર્ટૂનની. એ સિલસિલો ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’નો નારો આપનાર ફ્રેન્ચ ક્રાંતિ (ઇ.સ.૧૭૮૭) થી પણ જૂનો છે. તેની સાથે ફ્રાન્સની બીજી પણ એક પરંપરા ભળેલી છે, જેના માટે વપરાતો પ્રયોગ છે : મિલિટન્ટ સેક્યુલરિઝમ- ધર્મનિરપેક્ષતાનું ઉગ્ર સ્વરૂપ, જેમાં ધર્મસત્તા અને ધર્મનાં પ્રતીકોને રતિભાર માન આપ્યા વિના, તેમની ઠેકડી ઉડાડવામાં આવે. ફ્રાન્સમાં ક્રાંતિ પહેલાં રાજ્યસત્તા અને ધર્મસત્તાના સહિયારા ત્રાસને કારણે લોકો ત્રાસ્યા હતા. તેથી લુઇ સોળમાની રાણી મેરી એન્તોનેતની જેમ એ સમયના ખ્રિસ્તી ધર્મગુરુઓનાં પણ બેફામ અને ઘણી વાર અશ્લીલ ઠઠ્ઠાચિત્રો/કૅરિકેચર બનાવાયાં હતાં.

મર્યાદા વગરના, બેશરમ અને કંઇક ઉદ્ધત હાસ્ય માટે ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ છે : ગ્વાજ/ gouaille. તેના કેટલાક નમૂના બહોળા વાચકવર્ગ માટેના અખબારમાં છાપી શકાય એવા નથી. પરંતુ અહીં આપેલું એક ઉદાહરણ પ્રમાણમાં ‘નિર્દોષ’ છે. ઇ.સ.૧૭૯૧ના આ ઠઠ્ઠાચિત્રમાં રાજા લુઇ સોળમા અને તેની રાણી મેરીને એક જ ધડ ધરાવતાં બે માથાં તરીકે દર્શાવાયાં છે. કાર્ટૂનના ફ્રેન્ચ શીર્ષકનો અંગ્રેજી અનુવાદ છે : ‘ધ ટુ આર બટ વન’. (આમ જુદાં, પણ આમ એકનાં એક) તેમાં રાણી મેરીનું ચિત્રણ ગ્રીક પુરાણકથાની રાક્ષસી મેડુસા તરીકે કરવામાં આવ્યું છે. વાળને બદલે જીવતા ઝેરી સાપ ધરાવતી આ રાક્ષસીની આંખમાં જે જુએ તે પથ્થર બની જાય એવી કથા હતી. એ પ્રમાણે રાણી મેરીના વાળની જગ્યાએ પણ જીવતા સાપ દોરવામાં આવ્યા છે. રાજા લુઇના માથે દોરાયેલાં શીંગડાંનાં અનેક અર્થઘટન થયાં છે. તે જૂઠાડાવૃત્તિથી માંડીને પત્નીની બેવફાઇ જેવી બાબતોનાં સૂચક હોઇ શકે છે.

"Two are but one", 1791

એવા બીજા કાર્ટૂનમાં રાજાને ગરીબોનું બધું હજમ કરી જનાર અને તેમાંથી વિષ્ટાસ્વરૂપે અમીરો માટે લાભ આપનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ઇ.સ.૧૮૩૧માં આ કાર્ટૂન પ્રકાશિત થયા પછી તેના સર્જક દોમિયે/ Daumier ને છ મહિનાની જેલની સજા થઇ હતી. આ કાર્ટૂન જેમાં છપાયું હતું તે ‘લ કૅરિકેચર’/ La Caricature સામયિકનો કર્તાહર્તા ચાર્લ્સ ફિલિપોં તેના રાજકીય કટાક્ષચિત્રો માટે વિખ્યાત હતો. ઇ.સ.૧૮૩૦માં ફ્રાન્સના રાજા લુઇ ફિલિપોંએ અખબારો અને કટાક્ષકારો પર આકરા પ્રતિબંધ મૂક્યા. રાજા, તેમના ગાદીવારસ કે રાજસભાના બીજા સભ્યોનું અપમાન કરનાર તંત્રી,  પ્રકાશક કે ચિત્રકાર માટે પાંચ વર્ષની સજા અને છ હજાર ફ્રાન્કના દંડની જોગવાઇ કરવામાં આવી. આટલેથી સંતોષ ન થતાં, રાજાએ છાપનારા પાસેથી આગોતરી જામીનગીરી તરીકે ઊંચી રકમો વસૂલ કરવાનો હુકમ કાઢ્‌યો, જેથી એ ન ભરી શકનારાને કામકાજ સંકેલી લેવું પડે. ફિલિપોંએ હિંમત અને ચતુરાઇથી રાજાનાં ઠઠ્ઠાચિત્રો બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેમનું સૌથી જાણીતું અને કૅરિકેચરના ઇતિહાસમાં અમરત્વ પામેલું ચિત્ર હતું : La Poire ઊર્ફે પેરુ ઊર્ફે જામફળ. આ કાર્ટૂનમાં ફિલિપોંએ ચાર ચિત્રોમાં રાજા ફિલિપના ચહેરાને જામફળમાં રૂપાંતરિત કરી દીધો હતો.

La Poire By Philipon

પોતાના બચાવમાં ફિલિપોંએ રાજાના ચહેરો દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્રની તમે ટીકા કરો છો?’ ત્યાર પછી બીજું ચિત્ર દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્ર અને પહેલા ચિત્ર વચ્ચે સામ્ય છે કે નહીં? અને સામ્ય હોય તો તમે આ ચિત્રની કેમ ટીકા કરો છો?’ એમ કરતાં કરતાં તેણે છેલ્લા જામફળનું ચિત્ર લાવીને મૂકી દીઘું અને સાબીત કરી આપ્યું કે ‘બન્નેમાં સામ્ય હોય- એટલે કે રાજાનો ચહેરો જમરૂખ જેવો હોય- તેમાં હું શું કરું?’ આ ગુસ્તાખી બદલ ફિલિપોંને છ મહિનાની જેલ અને બે હજાર ફ્રાન્કનો દંડ કરવામાં આવ્યાં. આ કાર્ટૂનની ત્યાર પછી સેંકડો પ્રિન્ટ નીકળી.

Explanation of La Poire in court by Philipon

એક વિગત પ્રમાણે, રાજા લુઇ ફિલિપના રાજમાં ઇ.સ.૧૮૩૦થી ૧૮૩૩નાં ત્રણ જ વર્ષમાં ફ્રાન્સનાં અખબારો-સામયિકો સામે આશરે ૩૦૦ કેસ થયા. તેમાંથી ત્રીજા ભાગના કેસમાં સજાઓ પણ પડી અને વસૂલ કરાયેલા દંડની રકમ ત્રણ લાખ ફ્રાન્ક સુધી પહોંચી. પરંતુ ઠઠ્ઠામશ્કરી અટકી નહીં. એ વખતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તાલાવેલી હતી.

હવે સમય બદલાઇ ગયો છે. પહેલાં જેવા રાજાઓને ધર્મસત્તા રહ્યાં નથી. છતાં ‘શાર્લી એબ્દુ’એ કેટલીક હદો બેફામપણે ઓળંગવાનું ચાલુ રાખ્યું છે. તેમાં અઢારમી સદીના વ્યંગકારો જેવો રાજાશાહી સામેનો આતશ નથી, પણ સંસ્થાગત ધર્મના માળખામાં ઘા કરવાનું ઝનૂન છે. દુભાતા ધાર્મિકોને વઘુ દુભવીને પોતાનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરવાની જિદ છે. તે ઘણી વાર પ્રમાણભાન ભૂલાવે છે. છતાં, ‘શાર્લી એબ્દુ’ના હત્યાકાંડમાં ટેકામાં પેરિસમાં ઉમટી પડેલા સેંકડો લોકોએ દર્શાવી આપ્યું છે કે કાર્ટૂનની ગુણવત્તા જુદી ચર્ચાનો વિષય હોઇ શકે, પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સર્વોચ્ચ છે. તેનું સૌથી હૃદયસ્પર્શી ઉદાહરણ તો એ છે કે સંભવતઃ ‘ઇસ્લામના અપમાન’ બદલ ‘શાર્લી એબ્દુ’ પર ત્રણ ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલો એક પોલીસ અફસર ફ્રેન્ચ મુસ્લિમ હતો. એ ઘટનાએ મુસ્લિમો ઉપરાંત ‘શાર્લી એબ્દુ’ અને ફ્રાન્સના લોકોને પણ યાદ કરાવી આપ્યું છે કે તેમની લડાઇ મુસ્લિમો સામે નહીં, અંતિમવાદ સામે હોવી જોઇએ.

Wednesday, January 14, 2015

અભિવ્યક્તિ : સ્વાતંત્ર્ય, સીમા અને સજા

વાત આમ સાદી અને કરુણ લાગતી હતી : ફ્રાન્સના સાપ્તાહિક Charlie Hebdo(નજીકનો ઉચ્ચાર : શાર્લી એબ્દુ) પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. તેમાં કેટલાક કાર્ટૂનિસ્ટો સહિત ૧૨ જણને ઢાળી દેવામાં આવ્યા. ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેનાં બેફામ કાર્ટૂન દોરવાની એ સજા હતી. તેની વ્યાપક ટીકા થઇ. આ હુમલાને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની હિંસક તરાપ ગણવામાં આવ્યો. પણ પછી એવો સમાંતર સૂર શરૂ થયો કે ‘આ છાપું પણ ઓછું નથી. એનાં કાર્ટૂન સાવ નકામાં હતાં. એ ચહીને મુસ્લિમોની લાગણી દુભાવવા માટે બનાવાતાં હતાં. ઇસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મગુરુઓ વિશે પણ આ સાપ્તાહિકે સુરુચિનો ભંગ કરે એવાં કાર્ટૂન છાપ્યાં હતાં.’

આટલું કહ્યા પછીની દલીલ તરીકે ઘણાના મનમાં ઉગેલું વાક્ય હતું, ‘કોઇને મારી ન નાખવા જોઇએ ને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય હોવું જોઇએ,  એ બઘું ખરું, પણ પેપરવાળા સખણા રહેતા ન હતા. અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું? તેમાં બીજા લોકોની ધાર્મિક લાગણીનો કે સુરુચિનો કશો ખ્યાલ જ નહીં કરવાનો? સ્વતંત્રતા એવી નિરંકુશ ન હોઇ શકે. કાર્ટૂનિસ્ટો ધરાર મુસ્લિમોને નારાજ કરવા માટે જ બનાવતા હોય એવાં કાર્ટૂન પર કાર્ટૂન આપે તો?’

આ પ્રકારના ‘સમાંતર’ વિચારપ્રવાહમાં ધોરણસરના, ઉદારમતવાદી એવા ઘણા લોકો ભીંજાયા-તણાયા. ‘આવું તો કેવી રીતે ચાલે?’ એવો સવાલ તેમને હુમલાની સાથોસાથ પેપરનાં કાર્ટૂન વિશે પણ થવા લાગ્યો. પરિણામે તેમના મનમાં બન્નેનો વાંક લગભગ સરખો-અથવા કાર્ટૂનિસ્ટોનો વાંક સહેજ જ ઓછો - સ્થાપિત થયો.

આ ખતરનાક ઇલાકો છે. તેમાં મુદ્દાની સ્ફોટક ભેળસેળને બદલે જુદા જુદા વાંધાને અલગ તારવવાનું- તેમની તીવ્રતા વિશે અલગથી વિચારવાનું જરૂરી બની જાય છે.

સૌથી પહેલાં એક બાબત સ્પષ્ટ થઇ જવી જોઇએ : કાર્ટૂન ગમે તેટલાં ખરાબ કે ગંદાં હોય, તેનાથી કાર્ટૂનિસ્ટો પર હુમલો કે તેમની હત્યાના કૃત્યને સરભર કરી શકાતું નથી. આ બન્ને બાબતોની ગંભીરતા વચ્ચે મિલિગ્રામ અને કિલોગ્રામ જેવો ફરક છે. તેમને સામસામાં ત્રાજવામાં મૂકી શકાય નહીં- અને આવું કહેનાર કાર્ટૂનની ગુણવત્તાનો બચાવ કરતા નથી, કાર્ટૂનને ટીકાથી પર ગણતા નથી, એ પણ સ્પષ્ટ થવું જોઇએ.

હુમલાનો ભોગ બનેલા ‘શાર્લી એબ્દુ’માં છપાયેલાં કેટલાંક કાર્ટૂન ખરેખર નકામાં હતાં. એ પ્રકારના ‘મૂર્તિભંજક’ અને આત્યંતિક હાસ્યની ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં ઠીક ઠીક પરંપરા છે. સામાન્ય વ્યવહારમાં જેમને આમન્યા, મલાજો કે ગરીમા ગણાય તેને ધરાર ન જાળવવાં- એવો કેટલાંક પ્રકાશનનો ઘ્યેયમંત્ર હોય છે. ફ્રાન્સનું ‘શાર્લી એબ્દુ’ તો હુમલા પછી જાણીતું બન્યું, પરંતુ અમેરિકાનું માસિક ‘મૅડ’ દાયકાઓથી તેનાં વિલક્ષણ,મૌલિક, બૌદ્ધિક અને હદો ઓળંગનારા કાર્ટૂન માટે જાણીતું છે. ગુજરાતી હાસ્યવિવેચનમાં જેની બહુ બોલબાલા રહી એવા ‘નિર્દંશ અને નિર્દોષ’ પ્રકારનો સાવ સામો છેડો એટલે ‘મૅડ’. તેમાં વ્યક્તિગત પ્રહારોથી માંડીને ‘પવિત્ર ગાય’ ગણાતી તમામ બાબતોની, મૃત્યુ અને મૃત વ્યક્તિની સુદ્ધાં, ખિલ્લી ઉડાડવામાં આવે છે. આ સામયિક ‘સુરુચિ’ માટે જાણીતું નથી. છતાં તેનો મોભો જબરો છે. તેના ચાહકોમાં અનેક દેશી-વિદેશી મહાનુભાવોનો સમાવેશ થાય છે.

બને કે ‘શાર્લી એબ્દુ’ કેટલીક હદો પાર કરવામાં ‘મૅડ’ને પણ વટી ગયું હોય. ફ્રાન્સના પ્રમુખ ચાર્લ્સ દ’ગોલના મૃત્યુ પ્રસંગે આ સામયિકના અગાઉના અવતારે કરેલી રમૂજને કારણે તેને પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલાં પણ તેની વાંધાજનક સામગ્રી સામે ઊહાપોહ થઇ ચૂક્યો છે. એવાં કાર્ટૂન કે લખાણ માટે સામયિકનો બહિષ્કાર પોકારી શકાય, તેને અદાલતમાં પડકારી શકાય, તેની સામગ્રી કેમ વાંધાજનક છે એ ચર્ચા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી શકાય...

આ બધા કરતાં સૌથી અકસીર ઉપાય તેની અવગણના કરવાનો છે. પોતાના પર હસી શકવાની કે આકરી રમૂજો ખમવાની ક્ષમતા સમુદાયની કે સમાજની સ્વસ્થતાનો અને આત્મવિશ્વાસનો એક માપદંડ છે. થોડા વખત પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક કાર્ટૂનમાં અવકાશક્ષેત્રે વીરલ સિદ્ધિ મેળવનાર ભારતના પછાતપણાની હળવી મસ્તી કરવામાં આવી, ત્યારે ઘણા ભારતીયો દુભાઇ ગયા હતા અને તેમણે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પાસેથી માફીની માગણી કરી હતી. આ પ્રકારનું દબાણ આણવામાં કેટલાકને ગૌરવનો અહેસાસ થાય છે અને ‘જોયું? હવે આપણે લોકોના કેવા હાથ મચેડી શકીએ છીએ’ એ વિચારે ‘સુપરપાવર’નો અનુભવ થાય છે. પરંતુ તેમનો આ ખ્યાલ ભૂલભરેલો છે. આવી બાબતમાં દુભાઇને કકળાટ મચાવવાથી તાકાતનું નહીં, આંતરિક નબળાઇ અને લધુતાગ્રંથિનું જ પ્રદર્શન થાય છે. ઉપરાંત, જે બાબત સામે વાંધો પડ્યો હોય, તેને મહત્તમ પ્રસિદ્ધિ મળે છે.

અઠવાડિયાં પહેલાં સુધી ફ્રાન્સની બહાર કેટલા લોકો ‘શાર્લી એબ્દુ’ વિશે જાણતા હતા? (તેની ભાષા પણ ફ્રેન્ચ છે) લોહીયાળ હુમલા પછી આ સામયિક અને તેમાં છપાયેલાં કાર્ટૂન એટલી મોટી સંખ્યામાં અને એવા લોકો સુધી પહોંચ્યા, જેમના સુધી પોતાના બળે પહોંચવું ‘શાર્લી એબ્દુ’ માટે અશક્ય હતું. બીજી રીતે કહી શકાય કે, ‘શાર્લી એબ્દુ’ના મોઢે ડૂચો મારવા નીકળેલા લોકોએ, મોઢામાં ડૂચાને બદલે માઇક્રોફોન ખોસી દીઘું. એ રીતે ત્રાસવાદી હુમલો વિરોધાભાસી અને પોતાના જ હેતુને પરાસ્ત કરનારો નીવડ્યો.

બિનશરતી સ્વતંત્રતા

આગળ ‘સુરુચિના ભંગ’ની વાત આવી. એવો બીજો શબ્દ છે : ‘ધાર્મિક લાગણી’. કાયદાની છે તેવી આ બન્ને શબ્દોની બાંધી વ્યાખ્યા નથી. ભારત જેવા દેશમાં જો કે કાયદાની વ્યાખ્યા પણ એટલી રબરીયા હોય છે કે જોર કરે એની બાજુ ખેંચાય. ધાર્મિક લાગણી દુભાવવાનો કે ધાર્મિક-કોમી વૈમનસ્ય વધારે એવાં કામ અને નિવેદનબાજીને ગુનો ઠેરવતો કાયદો ભારતમાં છે, પરંતુ કેટલાક નેતાઓની આખેઆખી કારકિર્દી બેફામ નિવેદનબાજી દ્વારા બની અને ચાલી છે.

ભારતના બંધારણમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મૂળભત અધિકાર છે, પણ તેની સાથે ‘શરતો લાગુ’ની ફુદડી જોડાયેલી છે. પણ ફ્રાન્સમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હદો ઘણી વિસ્તરેલી છે. ફ્રેન્ચ ક્રાંતિની ત્રિસૂત્રીમાં પણ પહેલા ક્રમે ‘લિબર્ટી’ આવે છે, જેમાં તમામ પ્રકારની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. સલમાન રશદી જેવા ઘણાને લાગે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કોઇની લાગણી દુભાય, એની ચિંતા કર્યે પાર ન આવે. એવી આગોતરી ચીવટ રાખવાથી ભાગ્યે જ કશો અર્થ સરે છે.

આ તર્કમાં દમ છે. પ્રશ્ન એ છે કે ‘ધાર્મિક લાગણી’ એટલે શું? કોઇ લેખ લખવાથી, કાર્ટૂન દોરવાથી કે કોઇ કામ કરવાથી કાયદાનો ભંગ થયો હશે કે નહીં, એ કદાચ કહી શકાય. પરંતુ સુરુચિ કે ધાર્મિક લાગણીની ચોક્કસ વ્યાખ્યા હોતી નથી. સુરુચિનો ભંગ કે ધાર્મિક લાગણી દુભાવાની બૂમ ઉઠે ત્યારે, શક્ય છે કે એ કોઇ વ્યક્તિની કે પછી ચોક્કસ સમુહની ‘લાગણી’ હોય. તેનું કેટલું મહત્ત્વ- કેટલું વજન હોવું જોઇએ? કોઇ માણસ લાગણીદુભાવનો ધંધો લઇને બેઠો હોય ત્યારે, તેને ગમે તેટલું સાચવ્યા પછી પણ તેને સંતોષી શકાવાનો નથી.

પેરિસમાં ‘શાર્લી એબ્દુ’ પર હુમલાની ચર્ચા કરતી વખતે ભારતમાં ધીકતા લાગણીદુભાવના ધંધાની પટ્ટી પણ મનમાં ચાલી શકે છે. અગાઉની કોંગ્રેસી સરકારોએ અને વર્તમાન એનડીએ સરકારે પોતપોતાની રીતે આ ધંધાને ઉત્તેજન આપ્યું છે. કેન્દ્ર સરકાર પોતે લાગણીદુભાઉઓ પ્રત્યે કૂણી લાગણી સેવતી હોય અથવા તેમની પાસેથી કામ કઢાવવા ઇચ્છતી હોય ત્યારે અભિવ્યક્તિસ્વાતંત્ર્યને મોં છુપાવવાનો વખત આવે છે.

લાગણીદુભાવના મુદ્દામાં ધર્મ જેટલા જ કે એથી પણ વધારે રાજકારણ અને ઓળખના પ્રશ્ન સંડોવાયેલા હોય છે. ફ્રાન્સમાં એક તરફ જમણેરી અંતિમવાદી પક્ષનું જોર ઊભું થયું છે. તેની સાથે સંમત લોકો માને છે કે બહારથી આવેલા લોકોએ (મુખ્યત્વે મુસ્લિમો) ફ્રાન્સની વર્તમાન અવદશા માટે જવાબદાર છે. એવી સ્થિતિમાં‘શાર્લી એબ્દુ’ પ્રકારનાં પ્રકાશનો મુસ્લિમ ધર્મનો પ્રતિબંધ અવગણીને મહંમદસાહેબનાં ચિત્રો ને કાર્ટૂન દોરે, રમૂજો કરે તેની અસર કેવળ હાસ્યકટાક્ષ પૂરતી મર્યાદિત રહેતી નથી. સ્થાનિક રાજકારણ અને સામાજિક પ્રવાહો પર તે અસર કરે છે. ફ્રાન્સમાં વર્ષ ૨૦૨૨માં એક મુસ્લિમ દેશનો પ્રમુખ બનશે, એવું વિષયવસ્તુ ધરાવતી નવલકથા હોય કે પછી ‘શાર્લી એબ્દુ’નાં કાર્ટૂન, તેને કેવળ સાહિત્ય કે ગમ્મત કે ઠઠ્ઠા તરીકે લેવાની માનસિકતા વાસ્તવિક તનાવની સ્થિતિમાં ઓછી ને ઓછી થતી જાય છે.

સમુદાયો વચ્ચેની તંગદિલી ઠઠ્ઠામશ્કરીથી હળવી થતી નથી, પણ વણસે છે. બન્ને પક્ષોની સમજથી તનાવ ટાળી શકાય - કમ સે કમ, તેમાં બિનજરૂરી વધારો ન થાય - એ ઉત્તમ સ્થિતિ છે, પરંતુ એક દલીલ એવી છે કે ‘ફ્રાન્સમાં રહેવું હોય તો ફ્રાન્સની રીતે રહો. તમારામાં પેગંબરસાહેબનાં ચિત્ર નહીં દોરાતાં હોય, પણ અમારે ત્યાં તો અમે ગમે તેની મશ્કરી કરીએ છીએ- અને એમાં કશો ફરક નહીં પડે. ફ્રાન્સના કાયદા પ્રમાણે તમારાથી થાય તે કરી લો.’

આ દલીલ ગેરવાજબી નથી. એ સંજોગોમાં ફ્રાન્સના મુસ્લિમો કાર્ટૂન સામે વાંધો પાડવાનું ચાલુ રાખે, એ વ્યક્ત કરવાના મૌલિક રસ્તા શોધી કાઢે અને ઇસ્લામના નામે થતા હત્યાકાંડોનો ખોંખારીને વિરોધ કરે, એ સૌથી ઇચ્છનીય સ્થિતિ છે. 

Sunday, January 11, 2015

‘તાલિબાન ભૂમિ’માં, ઇસ્લામને અનુસરીને, અહિંસાના આશ્ચર્યજનક પ્રયોગો

અત્યારે પાકિસ્તાની તાલિબાનોના અડ્ડા જેવા સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તારોમાં આઠ દાયકા પહેલાં બાદશાહખાને ખૂંખાર પઠાણોને અહિંસાના રસ્તે વાળ્યા હતા. ભારતે ભૂલાવી દીધેલા અને પાકિસ્તાન માટે અળખામણા આ ‘ચમત્કાર’નું પવિત્ર સ્મરણ

પ્રમાણમાં સુંવાળા- લોહિયાળ હિંસાથી દૂર રહેનારા ખેડા-બોરસદ-બારડોલી-ગુજરાતના લોકોને અહિંસા શીખવવી અને નજીવી વાતમાં એકબીજાના જીવ લેવા તત્પર, પેઢીઓ સુધી વેરની વસૂલાતની પરંપરા ધરાવતા ગરમ લોહીના પઠાણોને અહિંસાના માર્ગે વાળવા- એ બન્ને વચ્ચે પાયાનો તફાવત છે. ગાંધીજીની લડતમાં (તેમની અનિચ્છા છતાં) અહિંસા મહદ્‌ અંશે રાજકીય વ્યૂહરચનાનો ભાગ બની. ગાંધીજીને પણ પાછળથી લાગતું હતું કે ઘણા લોકો કેવળ લડવાની હિંમતના અભાવે ‘અહિંસાવાદી’ થયા હતા. તેની સરખામણીએ આઠ દાયકા પહેલાં (વર્તમાન પાકિસ્તાનના) સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાને (કે બાચાખાને) સામાજિક કારણોસર અહિંસા અપનાવી. પોતે તો અહિંસાવાદી થયા. સાથોસાથ, ‘જંગલી અને ખૂંખાર’નું લેબલ ધરાવતા પોતાના સમાજને પણ તેમણે સામાજિક ઉત્થાન માટે અહિંસાના માર્ગે વાળ્યો અને દોર્યો.

Badshsh Khan / બાદશાહખાન

બાદશાહખાને સ્થાપેલા સંગઠન ‘ખુદાઇ ખિદમતગાર’ના કાર્યકરોએ જેટલા શારીરિક અત્યાચાર વેઠ્યા, એટલાં ભારતમાં ભાગ્યે જ કોઇ કોંગ્રેસી કાર્યકરને વેઠવાના થયા હશે. છતાં, ‘ખુદાઇ ખિદમતગાર’ તરીકે અહિંસા માટે પ્રતિજ્ઞાબદ્ધ પઠાણો ચૂપચાપ અંગ્રેજ અને દેશી પોલીસ તથા નેતાઓનો જુલમ વેઠતા રહ્યા. ગયા સપ્તાહે નોંઘ્યું હતું તે અહીં યાદ કરી લેવું જોઇએ : આ એ પ્રજા હતી, જેણે સદીઓથી વિદેશી આક્રમણખોરોને હંફાવ્યા હતા, સશસ્ત્ર સંગ્રામમાં ઔરંગઝેબના સૈન્યથી માંડીને અંગ્રેજોની તેમણે નામોશીભરી અવદશા કરી હતી. પરંતુ બાદશાહખાને શીખવેલા સાચા ઇસ્લામના પાઠ તેમાંથી ઘણાએ એવા આત્મસાત્‌ કર્યા કે ઘણા સમય સુધી મુસ્લિમ લીગનો કોમવાદી, સત્તાપરસ્ત અને સગવડીયો ઇસ્લામ તેમને ચળાવી શક્યો નહીં.

બાદશાહખાનને પાકો ભરોસો હતો કે પઠાણોની ઉન્નતિ સાધવી હોય તો તેમનાં અજ્ઞાન અને નિરક્ષરતા દૂર કરવાં રહ્યાં. એ માટે તેમણે સરહદ પ્રાંતમાં શાળાઓ શરૂ કરી. પઠાણોમાં સામાજિક જાગૃતિ ફેલાવવાના તેમના પ્રયાસોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાવતરા તરીકે જોવામાં આવ્યા. સરહદ પ્રાંતમાં ત્યારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ અમલી હતો. કોઇ પણ સરમુખત્યારીને ટપી જાય એવા આ કાયદા હેઠળ પોલીસ મન થાય તેની ધરપકડ કરતી અને અંગ્રેજોના ખાંધિયાઓનું બનેલું પંચ આરોપીને દોષી ઠરાવીને ચૌદ વર્ષની સજા ફટકારી દેતું હતું. એ સજા પણ ભારતના સરેરાશ રાજકીય કેદીઓએ ભોગવી છે એવી નહીં. એકદમ આકરી. (તેના આકરાપણાનું એક ઉદાહરણ : જેલવાસના પહેલા બે મહિનામાં બાદશાહખાનનું વીસ કિલો વજન ઘટી ગયું હતું)

પાકિસ્તાની તાલિબાનો અને ધર્મઝનૂનીઓ ઇસ્લામના નામે આતંક મચાવે છે- લોહી વહાવે છે, પરંતુ એ જ ઇસ્લામને આગળ ધરીને બાદશાહખાને હકની લડાઇની સાથોસાથ અહિંસા અને ક્ષમાનો પેગામ આપ્યો. એક વાર હજયાત્રા પછી બાદશાહખાન નજીકના વિસ્તારમાં ફરતા હતા ત્યારે એક માણસે તેમને કહ્યું, ‘અહીં રસુલિલ્લાહની દાઢીનો એક વાળ છે. પાસે એક પથ્થર છે. તેના પર તેમનાં પગલાં છે.’ ત્યારે બાદશાહખાને તેમને કહ્યું હતું, ‘હું અહીં એ જોવા નથી આવ્યો, પણ રસુલ-એ-પાકનું ધૈર્ય, સહિષ્ણુતા અને સાહસ જોવા આવ્યો છું. આ રણપ્રદેશના લોકોના ભલા વાસ્તે પયગંબરસાહેબ મક્કાથી અહીં આવ્યા. ત્યારે અહીંના લોકોએ તેમને પથ્થર માર્યા, તેેમની પાછળ કૂતરાં દોડાવ્યાં, તેમને માર માર્યો. એવા અત્યાચાર  છતાં તે નિરાશ ન થયા. ઉલટાના પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે ખુદા, મારા આ ભાઇઓ નેકીના માર્ગે ચાલે એવી સન્મતિ આપ.’

આ હતી બાદશાહખાનની ઇસ્લામ વિશેની સમજ. ધર્મ જેટલી જ તેમને પોતાની માતૃભાષા પશ્તો વહાલી હતી. એ માનતા હતા કે ‘હિંદુઓ અને મુસ્લિમો કરતાં શીખોમાં વઘુ ધર્મભાવ છે. કારણ કે તેમનો ધર્મગ્રંથ માતૃભાષામાં છે. તેેને લીધે એ લોકો શબ્દોનો યથાર્થ સમજી શકે છે...જ્યારે આપણે- હિંદુ અને મુસલમાન- જે ભાષામાં ઇશ્વરભક્તિ કરીએ છીએ એ ભાષા પૂરી સમજતા નથી.’

બાદશાહખાન અને તેમના સાથીઓએ ૧૯૨૯માં ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠન સ્થાપ્યું ત્યારે તેના સભ્ય માટે રખાયેલા કેટલાક સંકલ્પ : ‘હું ખુદાઇ ખિદમતગાર છું. ખુદાને ખિદમતની જરૂર નથી. તેથી ખુદાની સૃષ્ટિ (મખલૂક)ની સેવા એ જ ખુદાની સેવા છે. હું માનવમાત્રની સેવા કશા સ્વાર્થ કે હેતુ વિના, ખુદાની ખાતર કરીશ...હું હિંસા નહીં કરું અને કોઇ રીતે વેરનો બદલો નહીં લઉં. કોઇ મારા પર ગમે તેટલો અત્યાચાર અને જુલમ ગુજારશે તો પણ હું એને ક્ષમા આપીશ...’

બાદશાહખાનના જોશ અને સાદગીભર્યા છતાં પ્રભાવશાળી નેતૃત્વથી તેમના સંગઠનનો ઝડપભેર પ્રસાર થવા લાગ્યો. અંગ્રેજો સામેની લડતમાં મદદ મેળવવા માટે ખુદાઇ ખિદમતગારોએ મુસ્લિમ લીગનો સંપર્ક કર્યો, પણ લીગ અંગ્રેજોના દોરીસંચાર પર ચાલતી સંસ્થા હતી. તેને ખુદાઇ ખિદમતગારોના રાજકારણ કે ધર્મકારણ, કશામાં રસ પડે એમ ન હતો. લીગની ઉદાસીનતા પછી ખિદમતગારો કોંગ્રેસ સાથે જોડાયા  એટલે અંગ્રેજોના પેટમાં તેલ રેડાયું. પહેલાં તેમણે ખિદમતગારોને લાલચો આપી. તેથી કામ ન સર્યું એટલે અંગ્રેજોએ સરહદ પ્રાંતમાં ગામડે ગામડે ફરીને અંગુઠા ઉઘરાવવાના શરૂ કર્યા. એ લોકોને કહેતા કે ‘અમે ખુદાઇ ખિદમતગાર નથી’ એવા નિવેદન પર અંગુઠો પાડી આપો. તેનો પણ પઠાણોએ બહિષ્કાર કર્યો.

હાલના પાકિસ્તાનમાં ‘ફાટા’ (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ) કહેવાતા, સરહદ પ્રાંતની પડોશમાં આવેલા કબાઇલી વિસ્તારમાં પણ ખુદાઇ ખિદમતગારોની ઘણી લોકપ્રિયતા હતી. ગાંધીજી અને બાદશાહખાનના જેલવાસ વખતે કબાઇલી પ્રતિનિધિઓ અંગ્રેજોને તાકીદ કરતા હતા કે ‘ખાન અબ્દુલ ગફ્‌ફારખાં અને મલંગબાબા (મહાત્મા ગાંધી)ને મુક્ત કરો. લાલ ખમીસવાળા (ખુદાઇ ખિદમતગારો)ને જેલમાંથી છોડો અને પઠાણો પર જુલમ ગુજારવાનું બંધ કરો.’ ખેદની વાત એ છે કે પહેલાં અંગ્રેજોએ અને પછી પાકિસ્તાની સરકારે કબાઇલીઓ તથા પઠાણોને એકબીજાથી વેગળા રાખવા ભરપૂર પ્રયાસ કર્યા. સરહદ પ્રાંતના ચીફ કમિશનર ગ્રિફ્‌થને બાદશાહખાને કહ્યું હતું, ‘કબાઇલોને કાબૂમાં રાખવા તેમની કતલ અને બરબાદી પાછળ તમે જેટલું ખર્ચ કરો છો, તેના કરતાં અરધા ખર્ચામાં તેમના માટે ગૃહઉદ્યોગો શરૂ કરીને, તેમના માટે સન્માનજનક આજીવીકાની વ્યવસ્થા કરી શકાય...તેમને માટે શિક્ષણ અને ચિકિત્સાની વ્યવસ્થા થઇ શકે તો તેમના સંતાન નવા જીવનની લાયકાત અને ક્ષમતા મેળવી શકે. એ રીતે તે સ્વાભાવિમાની પઠાણ જાતિના સમર્થ અને કાર્યકુશળ તથા સમાજ માટે લાભદાયક નાગરિકો બની શકશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

Gandhi, Badshah Khan, Nehru / ગાંધી, બાદશાહખાન, નેહરુ

સરહદ પ્રાંતના હિંસક પઠાણો અને એવા જ હિંસક કબાઇલીઓ પર બાદશાહખાન જેવા અહિંસક નેતાનો પ્રભાવ હોવા છતાં, આઝાદી પહેલાં અંગ્રેજોને અને આઝાદી પછી મુસ્લિમ લીગની પાકિસ્તાની સરકારને બાદશાહખાનની નેતાગીરી ખપતી ન હતી. અંગ્રેજો કહેતા હતા કે ‘હિંસક પઠાણ કરતાં અહિંસક પઠાણ વધારે ખતરનાક છે.’ પરંતુ કહેવાતા મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનને અહિંસક પઠાણોની શક્તિમાં રસ ન હતો. ભારતના વિભાજન પહેલાંની ચૂંટણીમાં સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગની સામે ખુદાઇ ખિદમતગારોનો ભવ્ય વિજય થયો હતો. તેમની ઇચ્છા પાકિસ્તાન સાથે જોડાવાની ન હતી. પરંતુ કોંગ્રેસે સરહદ પ્રાંતમાં લોકમતને સમર્થન આપ્યું ત્યારે બાદશાહખાનની દલીલ હતી કે માંડ એક વર્ષ પહેલાં લીગ સામે ખિદમતગારોની જીત થઇ હોય, પછી લોકમત શાનો લેવાનો? અને ‘સરહદ પ્રાંતે કોની સાથે જોડાવું?’ એ મુદ્દે લોકમત લેવો જ હોય તો ‘ભારત કે પાકિસ્તાન?’ ને બદલે ‘પાકિસ્તાન કે પખ્તુનિસ્તાન?’ એવો વિકલ્પ રાખો.

આવો વિકલ્પ ન મળતાં ખિદમતગારોએ લોકમતનો બહિષ્કાર કર્યો. ત્યાર પછી મુસ્લિમ લીગની માંડ જીત થઇ અને સરહદ પ્રાંત પાકિસ્તાનમાં જોડાયો. ત્યારથી અત્યાર લગી સરહદ પ્રાંત અને કબાઇલી ઇલાકો પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. બાદશાહખાન અને તેમના પુત્રોને પાકિસ્તાને અંગ્રેજ સરકાર કરતાં પણ વધારે ત્રાસ આપ્યો. તેમની અહિંસક ચળવળને ખતમ કરી નાખી.

સરહદ પ્રાંત (અત્યારનો ખૈબર-પખ્તુનવા પ્રાંત) તથા કબાઇલી વિસ્તારમાં સમાંતર સરકાર ચલાવતા પાકિસ્તાની તાલિબાનોની વાત થાય ત્યારે રશિયા-અમેરિકા વચ્ચેના ઠંડા વિગ્રહને યોગ્ય રીતે જ યાદ કરવામાં આવે છે, પરંતુ ખુદાઇ ખિદમતગાર ચળવળને ખતમ કરીને પાકિસ્તાને પોતાના પગ પર જે કુહાડો માર્યો, તેની ભાગ્યે જ ચર્ચા થાય છે. ભારતમાં જેમ રસ્તાઓ, ચોકો અને સ્મારકોમાં ગાંધીજી જડાઇ ગયા છે, તેમ પાકિસ્તાનમાં બાદશાહખાનની સ્મૃતિ પેશાવર એરપોર્ટના ‘બાચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ’ જેવા સત્તાવાર નામકરણ  પૂરતી સીમિત રહી ગઇ છે. 

Wednesday, January 07, 2015

હૂપાહૂપવાદ : એક મુલાકાત

દુનિયામાં સામ્યવાદ અને મૂડીવાદથી માંડીને અમદાવાદ-મહેમદાવાદ જેવા ઘણા વાદ છે. તેમાં સૌથી તાજો ઉમેરો છે, ‘વૉટઅબાઉટિઝમ’/ Whataboutism. તેનું ગુજરાતી કરી શકાય : ‘-પણ-પેલાનું-શું- વાદ’. આ અનુવાદ જરા ભદ્રંભદ્રીય લાગતો હોય તો, આ વાદના મૂળભૂત લક્ષણ જેવી સવાલોની ઠેકાઠેકીને કારણે તેને ‘હૂપાહૂપવાદ’ તરીકે ઓળખવામાં પણ વાંધો નથી. સ્પષ્ટતા એટલી કે આ વાદના આરાધકોએ ‘હૂપાહૂપ’ જેવો શબ્દ વાંચીને ‘અમને વાનર કહ્યા’ એવી તકરાર કરવી નહીં. તેનાં બે કારણ : આ શબ્દ વ્યક્તિ માટે નહીં, પણ ચોક્કસ વૃત્તિ માટે છે અને બીજું, વાનરોને નાહક બદનામ કરવાનું કોઇ કારણ નથી.

આ વાદની શાસ્ત્રીય ચર્ચામાં ઉતરવાને બદલે એક હૂપાહૂપવાદીની કાલ્પનિક મુલાકાતના આલેખનથી એ વાદ અને તેના ‘વાદી’ઓની મહાનતા તરત સમજાઇ જશે.
***
પ્ર : નમસ્કાર.

હૂપાહૂપવાદી : હં, પણ આજે સવારે હું પથારીમાંથી ઉઠ્યો- અરે, મેં એકલાં એકલાં ચા પીધી ને ઘરેથી ઓફિસે આવ્યો, ત્યારે તમારા વિવેકને શું થયું હતું? અત્યારે ‘નમસ્કાર, નમસ્કાર’નું ડહાપણ ડહોળો છો, તે એ વખતે તમે ક્યાં ગયા હતા? પછી અમે વીર સાચું કહેવાવાળા સાચું કહીએ છીએ ત્યારે તમને મરચાં લાગે છે. બોલો, છે મારા એકેય સવાલનો જવાબ તમારી પાસે? (વિજયી સ્મિત)

પ્ર : પણ કયો સવાલ? શાના જવાબ? તમે તમારા ઘરે પથારીમાંથી ઉઠ્યા હો ત્યારે હું તમને ‘નમસ્કાર’ કહેવા શી રીતે હાજર હોઇ શકું?

હૂ : જોયું? ખબર જ હતી કે તમને કાંઠલેથી પકડીશું એટલે તમારાં ગલ્લાંતલ્લાં ચાલુ થઇ જવાનાં- કેમ જાણે તમને કશી ખબર જ નથી પડતી. કયો સવાલ, તે મેં તમને પૂછ્‌યો એ સવાલ. આપો જવાબ. છે તાકાત જવાબ આપવાની?

પ્ર : એક મિનીટ. તમારી કંઇક ગેરસમજ થતી લાગે છે. મેં તમને કહ્યું કે ‘નમસ્તે.’

હૂ : જોયું? વળતા સવાલ પૂછવાના શરૂ કર્યા, એટલે આટલી જ વારમાં બોલીને ફરી ગયા ને? તમારા જેવાઓને સીધાદોર કરતાં મને બરાબર આવડે છે.

પ્ર : ક્યાં બોલ્યા ને શું ફર્યા? નમસ્કાર-નમસ્તે-પ્રણામ, એમાં બોલીને
ફરવાનું ક્યાં આવ્યું?

હૂ : હા, હા, હું બહેરો નથી. તમે શું કહ્યું તે મને બરાબર સંભળાય છે. એટલે ખોટા બનશો નહીં. આટલું બઘું વધારાનું બોલવાને બદલે મારા સવાલનો જવાબ તો પહેલાં આપો? નહીંતર શરણાગતિ સ્વીકારો લો અને કહો કે મારા સવાલનો તમારી પાસે જવાબ જ નથી.

પ્ર : (આશ્ચર્ય અને આંચકા સાથે) અરે? તમે એ પણ જાણો છો કે મેં તમને ‘નમસ્તે’ કહ્યું, તો પછી આમ ઉગ્ર થઇ જવાની ક્યાં જરૂર છે? એમાં મેં તમને શું ખોટું કહ્યું? મેં તો ઉલટાનું એક સજ્જનને છાજે એમ તમારું અભિવાદન કર્યું.

હૂ : તમારા જેવા દંભી, બિનસાંપ્રદાયિકોના દહાડા હવે પૂરા થયા. તમારાં બેવડાં ધોરણો બહુ સહન કર્યાં. તમે મારી આગળ સજ્જનતાની સુફિયાણી વાતો કરો છો, પણ ૧૯૮૪માં દિલ્હીમાં શીખોનો હત્યાકાંડ થયો ત્યારે તમારી સજ્જનતા ક્યાં ગઇ હતી? કાશ્મીરમાંથી હિંદુ પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તમારી સજ્જનતાને શું થયું હતું? બોલો? તમારી બોલતી કેમ બંધ થઇ ગઇ? હમણાં તો કૂદી કૂદીને ‘નમસ્કાર, નમસ્કાર’ કરતા હતા.

પ્ર : જુઓ, પહેલી વાત તો એ કે મેં તમને કૂદી કૂદીને કશું કહ્યું નથી. તમે કૂદી કૂદીને કંઇક કહી રહ્યા છો. બીજું, મેં તમને ‘નમસ્તે’ કહ્યું છે. ત્રીજું, ૧૯૮૪નો શીખ હત્યાકાંડ થયો ને કાશ્મીરમાંથી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે પણ મારી સજ્જનતા જ્યાં હોવી જોઇએ ત્યાં જ હતી. તમે તો એવી વાત કરો છો, જાણે એ બઘું મેં કર્યું કે કરાવ્યું હોય. અને તમે અત્યારે મારો કાંઠલો પકડીને પૂછો છો, ત્યારે તમને વાંધો ન હોય તો કહેશો કે આ બઘું થયું ત્યારે તમે ક્યાં હતા?

હૂ : મને વાંધો છે. સાડી સત્તર વાર વાંધો છે. કારણ કે પહેલાં તમે પંજાબનો ને કાશ્મીરનો જવાબ આપો. હું તમને બદ્ધાને ઓળખું છું. તમે નહીં, ને તમારી કોંગ્રેસે એ બઘું કરાવ્યું હતું. બઘું એકનું એક જ ને.

પ્ર : એક મિનિટ, આખી વાતમાં હું શી રીતે કોંગ્રેસી થઇ ગયો? અને તમે શી રીતે નક્કી કરી લીઘું કે હું કોંગ્રેસી છું? મેં આખી વાતમાં ક્યાંય, ક્યારેય કોંગ્રેસનાં વખાણ કર્યાં?

હૂ : સીધી વાત છે. ક્યારના તમે મારી જોડે લમણાં લો છો ને હું કોંગ્રેસવિરોધી એટલે કે પ્રખર રાષ્ટ્રવાદી છું. એટલે તમે કોંગ્રેસી થયા કે નહીં? કોંગ્રેસી નહીં તો કોંગ્રેસતરફી, બસ? આનાથી વધારે ઉદારતાની અપેક્ષા મારી પાસેથી ન રાખતા.

પ્ર : ઉદારતનું નોબેલ પ્રાઇઝ તો તમને જ મળવું જોઇએ. તમે મને અત્યાર લગીમાં ગોળીએ દીધો નથી, એટલી તમારી ઉદારતા ઓછી છે? તમારાં લોકશાહી મૂલ્યોનો તો હું ચાહક છું- અને જે આ સંવાદ વાંચશે એ બધા તમારા લોકશાહીપ્રેમ, રાષ્ટ્રવાદ, બહાદુરી, સ્પષ્ટવક્તાપણું, ઉદારતા ને આવાં અનેક લક્ષણોના ચાહક થઇ જશે.

હૂ : એક મિનીટ. તમે ક્યાંક મારી રીલ તો નથી ઉતારતા ને?

પ્ર : હું કશું નથી કરતો. હું તમને એટલું પૂછું છું કે તમે કોંગ્રેસવિરોધી છો  અને મને તમે તમારો વિરોધી ધારી લીધો. એટલે હું કોંગ્રેસી કેવી રીતે થઇ ગયો? આવું તર્કશાસ્ત્ર તમે ક્યાંથી શીખી લાવ્યા? તક્ષશીલામાંથી કે નાલંદામાંથી?

હૂ : ખાલી નામો લેવાથી કશું સાબીત ન થાય. ભારતીય સંસ્કૃતિમાં રસ લેતા જાવ, તો ખબર પડે. ભગવાન કૌટિલ્ય ઊર્ફે ચાણક્યે કહ્યું હતું કે શત્રુકા શત્રુ મિત્ર હોતા હૈ.

પ્ર : એમ? હિંદીમાં કહ્યું હતું? અને તમને કાનમાં કહ્યું હતું?

હૂ : બસ, પગ તળે રેલો આવે એટલે વાતને હસીમજાકમાં કાઢી નાખવાની જરૂર નથી. અત્યારે મારી સાથે આટલી મગજમારી કરો છો, પણ ચાણક્યે આ કહ્યું ત્યારે તમે ક્યાં હતા?

પ્ર : એ વખતે હું ક્યાં હતો, એ તો કેમ કહેવાય? કારણ કે એ તો સદીઓ જૂની વાત છે.

હૂ : તમારી દંભી બિનસાંપ્રદાયિકોની આ જ તકલીફ છે. દરેક વાતમાં ઇતિહાસ ને સચ્ચાઇ ને હકીકતોની પિંજણ કરવા બેસી જાવ છો. તમારી આવી બધી અંગ્રેજગીરી ૧૮૫૭ના સંગ્રામ વખતે ક્યાં ગઇ હતી? એ વખતે અંગ્રેજોએ કેટલાય ભારતીયોને ફાંસી આપી દીધી ને કમોતે માર્યા.

પ્ર : ઓહ, તો હવે તમે કાશ્મીર-પંજાબથી પાછળ વધીને, છેક ૧૮૫૭ સુધી પહોંચી ગયા?

હૂ : તમારાં દંભી સેક્યુલર જૂઠાણાં અને સેક્યુલર બદમાશીઓ ઉઘાડી પાડવા માટે તો અમે સાતમી સદીમાં મહંમદ બિન કાસિમે સિંધ પર કરેલી ચડાઇ સુધી જઇ શકીએ એમ છીએ. પણ હજુ તમારી દયા ખાઇએ છીએ.

પ્ર : તમે તો દયાના સાગર છો. તમારી દયાનો પાર નથી. રજા લઉં ત્યારે? નમસ્તે. 

Tuesday, January 06, 2015

ગાંધીજીનું આવવું એટલે...

જાન્યુઆરી ૯. ૧૯૧૫. એક એવો દિવસ, જે પશ્ચાદવર્તી અસરથી ભારતની તવારીખમાં ઐતિહાસિક બની ગયો. એ દિવસે ગાંધીજી અને કસ્તુરબા લંડનથી ‘અરેબિયા’ સ્ટીમરમાં લગભગ ત્રણ અઠવાડિયાંની દરિયાઇ મુસાફરી ખેડીને સવારે સાડા સાત વાગ્યે મુંબઇના દરિયાકાંઠે ઉતર્યાં. ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં તેમનાં સત્યાગ્રહ-પરાક્રમોથી ભારતના જાહેર જીવન અને રાજકીય વર્તુળોમાં તેમનું નામ આદર સહિત લેવાતું થઇ ગયું હતું.

ભારતીય અને ખાસ તો ગુજરાતી પરંપરા પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ધંધો જમાવીને સંતુષ્ટ થઇ જવાને બદલે બેરિસ્ટર ગાંધીએ  અજેય ગણાતી અંગ્રેજ સરકાર સામે અનોખો અહિંસક જંગ છેડ્યો હતો. સત્યના અને સત્યાગ્રહના પ્રયોગોમાં તે ખૂંપી ચૂક્યા હતા. ટૉલસ્ટૉય, થૉરો, રસ્કિન જેવા વિચારકોના ચિંતનને પોતાના મનોરસાયણમાં ભેળવીને તે કંઇક નવું, નીતાંત ભારતીય નીપજાવી રહ્યા હતા. આશ્રમજીવન, સાદગી, સ્વાશ્રય, પારદર્શકતા, અભય જેવા અનેક ગુણક્ષેત્રોમાં મેળવેલી નોંધપાત્ર ઊંચાઇનું ભાથું તેમની પાસે હતું. છતાં, જેટલું સિદ્ધ થયું તેના કરતાં અનેક ગણા મોટા પડકાર ભારતમાં ગાંધીજીની સામે હતા. એ ઝીલવા માટેની સજ્જતા અને એ સજ્જતા કેળવવા માટે નમ્રતાની ગાંધીજીમાં કમી ન હતી.

મુદ્દે, સરકારો ગમે તે કહે અને ગાંધીજીના આગમનની શતાબ્દિને ‘પ્રવાસી ભારતીય દિવસ’ સાથે સાંકળે, પણ સો વર્ષ પહેલાં મુંબઇના દરિયાકિનારે ઉતરેલા ગાંધી રીઢા કે મુગ્ધ ‘પ્રવાસી ભારતીય’ બિલકુલ ન હતા.

ગાંધી લાક્ષણિક ‘પ્રવાસી ભારતીય’ હોત, તો દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટરું ઝીંકીને પાઉન્ડ છાપવાનું ચાલુ રાખ્યું હોત. વચ્ચે વચ્ચે તે ‘પ્રવાસી ભારતીય’ તરીકે દેશમાં આવીને, તેની અવદશા વિશે ડચકારા બોલાવી જતા હોત અને પોતાની આર્થિક સમૃદ્ધિના થોડા ટુકડા અહીં ઇધરઉધર  વેરીને, પોતાની સમૃદ્ધિનો છાકો પાડીને તે પાછા ડરબનભેગા થઇ ગયા હોત. ડરબનમાં પણ તે મોઢ સમાજ, સૌરાષ્ટ્ર મોઢ સમાજ, અખિલ ગુજરાત વણિક સમાજ પ્રકારનાં સંગઠનોના પ્રમુખ, મંત્રી, ખજાનચી ને કંઇ નહીં તો ડેલીગેટ બનીને જાહેર જીવનમાં ભાગીદારીનો સંતોષ અનુભવતા હોત. ખાખરા-થેપલાં ખાઇને તે ગુજરાતી હોવાનું અને ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરફરતો રાખવાનું ગૌરવ પણ લેતા હોત. પરંતુ ગાંધી એવા ‘પ્રવાસી ભારતીય’ ન હતા, જે  પરદેશમાં રળવામાં અને પછી વતનપ્રેમના નામનું રડવામાં સાર્થકતા અનુભવે.

મુંબઇ ઉતરેલા ૪૬ વર્ષના ગાંધી છ વર્ષ પહેલાં ‘હિંદ સ્વરાજ’ જેવી કૃતિ આપી ચૂક્યા હતા. તે એમના જીવનની સૌથી મૌલિક, સૌથી જોશભરી અને સૌથી જલદ કૃતિ હતી. ઓછી વસ્તીવાળા યુરોપ-અમેરિકાએ ભલે મોટા ઉદ્યોગો ને યંત્રો અપનાવ્યાં, ઝાઝી વસ્તી ધરાવતા હિંદનો ઉદ્ધાર કહેવાતી આઘુનિકતાના છંદે ચડવામાં નથી, એવી તેમની દૃઢ માન્યતા હતી. સરેરાશ ‘પ્રવાસી ભારતીયો’ની જેમ તેમનો રાષ્ટ્રવાદનો અને દેશપ્રેમનો ખ્યાલ જ્ઞાતિનાં સજ્જડ ચોકઠાં, બાહ્યાચાર-કર્મકાંડ ને મુસ્લિમવિરોધી લાગણીમાં ઝબકોળાયેલો ન હતો.

મુંબઇ ઉતર્યા ત્યારે ગાંધીએ અંગરખું, ધોતિયું, ખેસ અને ફેંટો- એવો કાઠિયાવાડી પોશાક પહેર્યો હતો. જાન્યુઆરી ૯ થી જાન્યુઆરી ૧૫ સુધીના એક અઠવાડિયામાં મુંબઇમાં તેમના માનમાં અનેક મેળાવડા અને પાર્ટી યોજાયાં. ચંદુલાલ દલાલ સંપાદિત અનન્ય ગ્રંથ ‘ગાંધીજીની દિનવારી’માંથી જાણવા મળે છે કે મુંબઇમાં ફક્ત એક જ અઠવાડિયામાં તે ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, દાદાભાઇ નવરોજી, કનૈયાલાલ મુનશી, સર ફિરોજશા મહેતા, ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર), લૉર્ડ વિલિંગ્ડન, મહંમદઅલી ઝીણા, સ્વામી આનંદ સહિત ઘણા લોકોને મળ્યા. હાલ ‘મણિભવન’ તરીકે ઓળખાતા મકાનના તત્કાલિન માલિક રેવાશંકર ઝવેરી ગાંધીજીના યજમાન હતા. રેવાશંકર અને તેમના ભાઇ ડૉ.પ્રાણજીવન મહેતા ગાંધીજીના જૂના સાથી હતા.

‘દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ સરકારને હંફાવનાર વીર નર’ તરીકે ‘મિસ્ટર ગાંધી’ને ઓળખતા ઘણા લોકો કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીને જોઇને નિરાશ થયા. પરંતુ ગાંધીજી લોકોને દેખાવ કે છટાથી પ્રભાવિત કરનાર નેતા ન હતા. તેમની પાસે સૌથી મોટું બળ પોતાના આચરણનું હતું. વર્ષમાં એક વાર ભરાતા કોંગ્રેસના અધિવેશનમાં લચ્છાદાર અંગ્રેજીમાં બોલીને અને શબ્દાળુ ઠરાવો પસાર કરીને દેશની સેવા ન થઇ શકે, એટલું તે અહીં આવતાં પહેલાં સમજી ચૂકયા હતા. બાકી રહેલી કસર ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી તેમણે કરેલા ભારતભ્રમણ થકી પૂરી થઇ.

જરા નવાઇ લાગે એવી વાત છે, પણ દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં કિશોર અને યુવાન વયે ગાંધીજીને અસલ ભારતનો એટલે કે ગામડાંનો પરિચય નહીંવત્‌ હતો. તેમણે પોરબંદર, રાજકોટ, (મેટ્રિકની પરીક્ષા માટે) અમદાવાદ અને (કૉલેજ માટે) ભાવનગર સિવાય ભાગ્યે જ બીજું કંઇ જોયું હશે. પણ દક્ષિણ આફ્રિકામાં રહીને તેમણે મેળવેલો સાચા ભારતનો ચિતાર ભાગ્યે જ કોઇ ‘પ્રવાસી ભારતીય’ પાસે હોય છે- ભલે આજનો યુગ ‘માહિતીના વિસ્ફોટ’નો સમય કહેવાતો હોય.

ભારત આવેલા ગાંધીજી માટે રાજકીય આઝાદી એક દેખીતો આશય હતો, (જે હેતુ આજના ‘પ્રવાસી ભારતીયો’ માટે રહ્યો નથી). પણ દેશને રાજકીય આઝાદીને લાયક બનાવવા માટે બહુ લાંબો રસ્તો કાપવાનો છે, એવું તે જાણતા હતા. ‘દેશ એટલે તેના સત્તાધીશો નહીં, પણ દેશ એટલે દેશનો સામાન્યમાં સામાન્ય માણસ’ એવી ગાંધીની સમજ મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા જોઇને અંજાઇ જતા ઘણા ‘પ્રવાસી ભારતીયો’ ગાંધીના આગમનનાં સો વર્ષ પછી પણ કેળવી શક્યા નથી. ‘પ્રવાસી ભારતીયો’ને છેતરવા માટે અને દેશમાંથી (કે રાજ્યમાંથી) ગરીબી દૂર થઇ ગઇ છે એવું બતાવવા માટે, ગાંધીનગરમાંથી ઝૂંપડાવાસીઓને હાંકી કાઢવામાં આવે છે અથવા તેમને એવી રીતે ઢાંકી દેવામાં આવે છે કે જેથી તે વિકાસ-પ્રગતિનાં લગ્નમાં મહાલવા આવેલાં ‘પ્રવાસી ભારતીયો’નો મૂડ બગાડે નહીં.

સરકાર પ્રવાસી ભારતીયોને એટલા ‘ભોળા’ માને છે કે નજર સામેથી હાથી ગાયબ કરી દેતા જાદુગરની જેમ, નજર સામેથી ગરીબી અદૃશ્ય કરી દેતી સરકારની હાથચાલાકીથી અંજાઇને એ લોકો તાળીઓ પાડવા માંડશે. ગાંધીજીના નામે બનેલા મહાત્મા મંદિરે જતાં કારમાં બેઠેલા કોઇ પણ ‘પ્રવાસી ભારતીય’ને ગરીબો નજરે ન ચડે, તેનું પૂરતું ઘ્યાન ગુજરાત સરકારે રાખ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસે ગાંધીજીના નામે ચરી ખાઘું હોય, તો ભાજપ પણ શા માટે બાકી રહી જાય?

ગાંધીજીને એન.આર.આઇ. ગણવાનો અને તેમના ભારત-આગમનને ‘(ૠતુ)પ્રવાસી ભારતીયો’ની મુલાકાત સાથ સાંકળવાનો આખો વિચાર ગાંધીજીનું માહત્મ્ય સમજતી લોકશાહી સરકારના નહીં, પણ નબળો માલ ખપાવવા માટે સબળો આઇડીયા શોધતી ઍડ એજન્સીના બરનો છે. જોકે, ઘણા સમયથી ગુજરાતની - અને હવે તો ભારતની પણ- સરકાર ઍડ એજન્સીના અંદાજમાં વિચારે છે, એવી જ સૂત્રાત્મક, ચબરાકીભરી, કૅચલાઇનની ભાષામાં વાત કરે છે, ઇવેન્ટ મૅનેજમેન્ટ એજન્સીની જેમ ઉત્સવો યોજે છે- વડફેસ્ટ જાય ને કાર્નિવલ આવે, એ જાય ને પતંગોત્સવ આવે. દાયકાઓથી જે ઉત્સવો લોકો પોતાની મેળે ઉજવી રહ્યા છે, તે સરકારે શા માટે ઉજવવા જોઇએ? લોકો સરકારને ઉત્સવોની ઉજવણીના આયોજન માટે ચૂંટે છે કે પછી આરોગ્ય-શિક્ષણ-શૌચાલયો જેવી પ્રાથમિક જરૂરિયાતો માટેનું તંત્ર ગોઠવવા માટે?  આવો સાદો સવાલ ગાંધીના કે ગમે તેના બહાને ઉત્સવબાજી કરી રહેલી સરકારને કે તેના સમર્થકોને સૂઝતો નથી.

તેનું કારણ સમજવું અઘરું નથી. ઉત્સવો પાછળ કરોડોનો ધુમાડો કરવાથી, ખેડૂતોની અવદશા અને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે ભયંકર સ્થિતિ પર ઉજવણાંનો રેશમી પડદો ઢાંકી શકાતો હોય અને ખુદ નાગરિકો એ રેશમી પડદાના મોહમાં ગુલતાન થઇ જાય, ત્યારે ‘પ્રવાસી ભારતીય દિવસ’ પર ખરેખર ગાંધી આવે તો શું કરે? અને ‘પ્રવાસી ભારતીયો’ શું કરે છે? એ તેમણે અને આપણે વિચારવા જેવું છે. એક સંસ્થાના સંચાલકોએ ગાંધીજીને સંસ્થા બતાવ્યા પછી નોંધપોથીમાં કંઇક લખવા કહ્યું, ત્યારે ગાંધીજીએ એ મતલબનું લખ્યું હતું કે ‘મને જેટલું બતાવવામાં આવ્યું તે સરસ હતું.’ આ ગાંધીજીને ‘પ્રવાસી ભારતીય દિવસ’ નિમિત્તે એન.આર.આઇ.ઓને આંજવા માટે થતાં સરકારી ઉજવણાં વિશે શું કહેવાનું હોત, એ ધારી શકાય એવું છે.

સરકારનું કામ એ જોવાનું છે કે પ્રવાસી ભારતીયોને - એટલે કે બિનનિવાસી ભારતીયોને- ખોટી અડચણ ન પડે, એરપોર્ટ પર તેમની પાસેથી લગેજ ક્લીઅર કરવા માટે લાંચ માગવામાં ન આવે, તેમને બહારના જાણીને તેમની પાસેથી આડેધડ ભાવ વસૂલ કરવામાં ન આવે, તેમને જડ સરકારી ઔપચારિકતાઓમાંથી મુક્ત રાખવામાં આવે, તેમને પરદેશી ગણીને શંકાની નજરે જોવામાં ન આવે... સરકાર એનાથી વધારે કંઇ પણ કરે, તે ‘પ્રવાસી ભારતીયો’ને લાંચ આપવા જેવી ચેષ્ટા છે, જેથી તે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને, ‘ઑલ ઇઝ વૅલ’ના ‘ફીલગુડ’ અહેસાસ સાથે પાછા જાય.

‘પ્રવાસી ભારતીય દિન’ ઉજવવાની બીજી રીત ગાંધીની છે, જેમાં એન.આર.આઇ. ફક્ત એક દિવસ માટે, સરકારી પ્રચારજાળથી દૂર થઇને, પોતાના મનપસંદ રૂટ પર બે-ત્રણ ગામડાંની મુલાકાત લે અને ‘રસ્તા બહુ સરસ છે’ના બાળબોધી મોહમાંથી બહાર આવીને, જ્ઞાતિવાદથી માંડીને શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ જેવી બીજી બાબતોની તપાસ કરે. સરકાર તો પ્રવાસી ભારતીયોને ચશ્મા પહેરાવવા ઉત્સુક છે. એ પહેરવા કે નહીં, તે મોંઘેરા મહેમાનોએ નક્કી કરવાનું છે. 

Monday, January 05, 2015

અહિંસક ‘ખુદાઇ ખિદમતગાર’ના મુલકમાં હિંસાખોર ‘પાકિસ્તાની તાલિબાન’નાં મૂળીયાં કેવી રીતે નખાયાં?

પેશાવરની સ્કૂલમાં ૧૩૨ બાળકોની ઠંડા કલેજે હત્યા કરનારા પાકિસ્તાની તાલિબાનોએ ફરી એક વાર ‘સરહદના ગાંધી’, નખશીખ અહિંસક પઠાણ બાદશાહખાનની યાદ કરુણ રીતે તાજી કરી આપી છે. આઝાદી પહેલાં ‘ખુદાઇ ખિદમતગારો’નું વર્ચસ્વ ધરાવતી ભૂમિ હિંસાખોર તાલિબાની પ્રભાવક્ષેત્ર શી રીતે બની, તેના જાણીતા ઇતિહાસથી થોડે આગળ જવાનો પ્રયાસ    


ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ની કલ્પનાઓનું મહત્ત્વ દિલ બહલાવવાના ખ્યાલથી વિશેષ નથી. છતાં, કેટલીક ઘટનાઓ એવી બને છે, જ્યારે ‘જો’ અને ‘તો’ની પાંખે ઉડ્યા વિના રહી શકાતું નથી. પહેલા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડનાર અને ઘાયલ થનાર હિટલરને  વીંધી નાખવાની શત્રુદળના સૈનિક પાસે પૂરી તક હતી, પણ એણે દયા ખાઇને હિટલરને જીવતો જવા દીધો. હિટલર એ વખતે વીંધાઇ ગયો હોત તો જગતનો ઇતિહાસ કેવો હોત? મહંમદઅલી ઝીણા (ત્યારે અસાઘ્ય ગણાતા) ટી.બી.ના દર્દી હતા. આઝાદી પછી માંડ એક વર્ષમાં તે અવસાન પામ્યા. તેમનું મૃત્યુ બે-પાંચ વર્ષ વહેલું થયું હોત તો ભારતીય ઉપખંડની ભૂગોળ કેવી હોત? ગાંધીજી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ હિંદુત્વના ઝનૂનમાં પાગલ ગોડસેની ગોળીથી વીંધાઇ જવાને બદલે જીવીત રહ્યા હોત અને તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન જઇ શક્યા હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચેની શત્રુવટમાં કેવો ફરક પડ્યો હોત?

આવો એક સવાલ છે : ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ‘સરહદના ગાંધી’ની અધૂરી ઓળખથી જાણીતા બાદશાહખાન અલગ પખ્તુનિસ્તાન મેળવવામાં સફળ રહ્યા હોત અથવા પાકિસ્તાનના સંવેદનશીલ સરહદ પ્રાંતમાં તેમની નેતાગીરીને મોકળું મેદાન મળ્યું હોત તો? સરહદ પ્રાંત અને કેન્દ્રશાસિત કબીલાઇ વિસ્તાર ખૂંખાર તાલિબાનોથી ખદબદતા અડ્ડા બની શક્યા હોત?

તાલિબાની ચળવળનો જન્મ ભલે અફઘાનિસ્તાનમાં થયો, પરંતુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સેંકડો છીંડાં ધરાવતી સરહદને કારણે પાકિસ્તાનનો સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તાર તાલિબાનો માટે અભયારણ્ય પુરવાર થયા. અફઘાન તાલિબાની નેતા મુલ્લા ઓમર અને અલ કાઇદાના સૂત્રધાર ઓસામા લાદેનનાં સંગઠન અલગ હોવા છતાં, આતંકવાદ અને રૂઢિચુસ્તતાના મુદ્દે બન્ને એક માળાના મણકા હતા. અલ કાઇદા કેવળ ત્રાસવાદી સંગઠન હતું, જ્યારે તાલિબાનો પાસે અફઘાનિસ્તાનની રાજ્યસત્તા હતી.

વર્ષ ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલા પછી, અમેરિકાએ તાલિબાનો અને અલ કાઇદા બન્ને સામ યુદ્ધ છેડ્યું. અમેરિકન દળો અફઘાનિસ્તાનમાં  ધૂસ્યાં. સાથોસાથ, તેના સાખપાડોશી પાકિસ્તાની ભૂમિ પર પણ સક્રિય બન્યાં અને પાકિસ્તાનને ‘ત્રાસવાદવિરોધી લડાઇ’માં ઢસડ્યું. ભારતમાં ઘોંચપરોણા કરવા માટે પાકિસ્તાનને ત્રાસવાદીઓની ગરજ હતી ને અમેરિકાને નારાજ ન કરવા માટે ત્રાસવાદીઓ સામે લડવાની ફરજ. આ બન્નેમાંથી પાકિસ્તાન માટે ગરજનું પલ્લું ભારે રહ્યું. ત્રાસવાદવિરોધી લડાઇમાં અમેરિકાના સાથી એવા પાકિસ્તાને લાદેનને સલામતીપૂર્વક સંતાડી રાખ્યો અને ત્રાસવાદીઓને છાવરવાનું તેણે ચાલુ રાખ્યું.

પેશાવરની સ્કૂલ પર થયેલા તાલિબાની હુમલા વખતે હિલેરી ક્લિન્ટને એ મતલબનું કહ્યું હતું કે ‘ઘરના વાડામાં ઉછેરેલો સાપ ફક્ત પાડોશીને જ કરડે એવું ન હોય.’ આ સત્યનું ભાન અમેરિકાને ૨૦૦૧માં ‘મુજાહિદો’ થકી થઇ ગયું હતું. વર્ષ ૧૯૭૯માં અફઘાનિસ્તાનના સામ્યવાદી ઝોક ધરાવતા શાસક સામે ધાર્મિક-કટ્ટરપંથીઓએ વિદ્રોહ કર્યો. તેને ડામવા રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં આવ્યું. ત્યારે ઇસ્લામના નામે હિંસા આચરીને પોતાની જાતને ‘મુજાહિદ’ (ધર્મયોદ્ધા) તરીકે ઓળખાવતા લોકોને અમેરિકાએ છૂટથી હથિયાર આપ્યાં હતાં.  અમેરિકાને રસ રશિયાને હંફાવવામાં હતો. તેનાં શસ્ત્રો મેળવનારા ‘મુજાહિદો’માં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનના સરહદ પ્રાંતના (બાદશાહખાનના સમુદાયના) પુશ્તુનો ઉર્ફે પખ્તુનો ઉર્ફે પઠાણો ઉર્ફે અફઘાનો મુખ્ય હતા. એ જ ‘મુજાહિદો’ વર્ષ ૨૦૦૧માં અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે અને અમેરિકાની સામે થયા. અમેરિકાનાં જ આપેલાં હથિયારો તેની સામે વપરાવા લાગ્યાં.

વર્ષ ૨૦૦૭માં જુદાં જુદાં અંતિમવાદી-કટ્ટરવાદી હિંસક સંગઠનોએ ભેગા મળીને ‘તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ નામનું સર્વસમાવેશક ત્રાસવાદી જૂથ બનાવ્યું. તેના મોટા ભાગના સભ્યો પખ્તુન હતા. તેમનાં મુખ્ય બે ઠેકાણાં હતાં : બાદશાહખાનથી જાણીતો સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, જેને વર્ષ ૨૦૧૦માં નવું નામ મળ્યું : ખૈબર પખ્તુનવા) અને કેન્દ્રશાસિત કબાઇલી વિસ્તાર (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ, જેમાં ‘ટ્રાઇબલ’નો અર્થ ‘આદિવાસી’ નહીં, પણ કબીલાને લગતો થાય છે.)

અંગ્રેજી રાજ સમયનો પખ્તુન/Pakhtun યોદ્ધો
પખ્તુનો સદીઓથી તેમની લડાયકતા માટે જાણીતા હતા. ખૈબરઘાટ ઓળંગીને ભારત પર ચડી આવતાં હુમલાખોર સૈન્યો સામે તેમણે ઝીંક ઝીલી. પોતાની સૈન્યશક્તિ અને શિસ્તબદ્ધતાથી અજેય બનેલા અંગ્રેજો પણ પખ્તુનો સામે હાંફી ગયા હતા.  એ વખતે સરહદ પ્રાંત પંજાબનો જ હિસ્સો ગણાતો હતો. ઇ.સ.૧૮૪૨માં કાબુલ પરનો કબજો ગુમાવ્યા પછી પીછેહઠ કરતા આશરે ૧૬ હજારથી પણ વઘુ અંગ્રેજ અને ભારતીય સૈનિકોને પખ્તુનોએ પહાડી ઇલાકામાં બેહરમીથી રહેંસી નાખ્યા હતા. આખા સૈન્યમાંથી ફક્ત એક જ અંગ્રેજને ચીંથરેહાલ અવસ્થામાં જીવતો જવા દેવામાં આવ્યો. અંગ્રેજી રાજનો સૂર્ય મઘ્યાહ્ને તપતો હતો ત્યારે થયેલી તેની આ અવદશા અભૂતપૂર્વ હતી અને તે પખ્તુનોના લડાયક મિજાજની સૂચક હતી.

અખંડ ભારતમાં સરહદ પ્રાંત- નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ/NWFPનું સ્થાન

૧૯૦૯ના જાતિવાર નકશામાં પઠાણોનું વર્ચસ્વ ધરાવતા સરહદ પ્રાંત-
કબીલાઇ વિસ્તારો 

ત્યાર પહેલાં (ઇ.સ.૧૬૭૨માં) ઔરંગઝેબના સૈન્યનો પણ ખૈબરઘાટમાં સફાયો થઇ ગયો હતો. છેક ૧૯૨૦માં વઝીરીસ્તાનના કબીલાઇ પ્રદેશમાં ૪૩ અંગ્રેજ અફસરો સહિત ૩૬૬ સૈનિકો ભયાનક ઝનૂની એવા સરહદી લોકોના હાથે માર્યા ગયા હતા અને ૧,૬૮૩ ઘાયલ થયા હતા. (અકબર એસ.અહમદ, ‘એન આસ્પેક્ટ ઑફ ધ કૉલોનિયલ એન્કાઉન્ટર ઇન ધ ફ્રન્ટિયર’, ૨૯-૦૮-૨૦૦૯)

વર્ષ ૧૯૦૧માં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાનનો જન્મ થયો. એ જ વર્ષે અંગ્રેજી સરકારે પખ્તુનોની આણ ધરાવતા વિસ્તારને પંજાબ પ્રાંતથી અલગ કર્યો અને તેને નામ આપ્યું : નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (વાયવ્ય પ્રાંત). સરળતા ખાતર તે ‘સરહદ પ્રાંત’ તરીકે પણ ઓળખાયો.

સરહદ પ્રાંત અને કબીલાઇ વિસ્તારના પખ્તુનોને કાબૂમાં રાખવા માટે અંગ્રેજ સરકારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ દાખલ કર્યો. પખ્તુનોએ તેને કાળો કાયદો ગણાવ્યો. કેમ કે, તેમાં કશા આરોપ વગર કોઇની પણ ધરપકડ કરીને તેને જેલની સજા કરવાની જોગવાઇ હતી. આક્રમક રીતે સામે થનાર પખ્તુનોને આ કાયદા અંતર્ગત ફાંસીએ લટકાવી દેવાતા હતા. પખ્તુનોમાં લડાયક વૃત્તિ બહુ, પણ શિક્ષણનો સદંતર અભાવ હતો. નેતાગીરીના પણ પ્રશ્નો હતા. અંદરોઅંદર પેઢીઓ સુધી અદાવતો ચાલતી ને વાતવાતમાં તલવારો ખેંચાતી.

બાદશાહખાને તેમની આત્મકથામાં નોંઘ્યું છે કે આખા ભારતમાં અંગ્રેજોએ નિશાળો શરૂ કરી, પણ ‘અમારી જ એક એવી ભાગ્યહીન કોમ હતી, જેના માટે શિક્ષણની વ્યવસ્થા ન હતી. જ્યાં આછીપાતળી વ્યવસ્થા હતી ત્યાં પણ પરાઇ ભાષામાં શિક્ષણ અપાતું હતું...(અંગ્રેજોએ) એવા નામમાત્રના મુલ્લા-મૌલવી નીમ્યા હતા, જે એવા ફતવા કાઢતા કે શાળાઓમાં ભણવું એ કાફરપણું છે...જે મદરેસામાં ભણવા જાય છે તેમને જન્નતમાં જગ્યા નહીં મળે. તે દોજખમાં ધક્કા ખાશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

શિક્ષણનો અભાવ અને આક્રમકતા- એવું કાતીલ મિશ્રણ ધરાવતા પખ્તુનો આગળ જતાં તાલિબાન બને એમાં કશી નવાઇ ન હતી. પરંતુ વચ્ચેના ગાળામાં ત્રણેક દાયકા માટે બાદશાહખાને આ પખ્તુનોને શિક્ષણ અને અહિંસાના માર્ગે વાળીને ચમત્કાર સર્જ્યો. એવી નક્કર આશા ઊભી થઇ કે પખ્તુનો હિંસક ભૂતકાળ છોડીને, શાંતિના રસ્તે આગળ વધી શકશે.
(બાદશાહખાનના ‘ચમત્કાર’ની વાત આવતા સપ્તાહે) 

Sunday, January 04, 2015

ઉપેન્દ્ર ત્રિવેદીની યાદગાર મુલાકાતઃ જેમ કલાકારો અભિનય કરતા હોય છે, એમ પ્રેક્ષકો પણ અભિનય કરતા હોય છે.

ઉપેન્દ્ર ત્રિવેદીને અંજલિ તરીકે તેમનો એક દીર્ઘ ઇન્ટરવ્યુ અહીં મૂક્યો છે, જે ’દિવ્ય ભાસ્કર’ની રવિવાર પૂર્તિ માટે મેં લીધો હતો. ઇન્ટરવ્યુ ચીલાચાલુ નહીં એવા સવાલોના તેમણે જે ઠંડકથી અને જે ઇનસાઇટ સાથે જવાબો આપ્યા હતા, તેનાથી મને બહુ જલસો પડ્યો હતો. આ ઇન્ટરવ્યુ સાથે તેમને અલવિદા.

(ફોટો પર ક્લિક કરવાથી ઇન્ટરવ્યુ મોટા અક્ષરમાં વાંચી શકાશે.)