Sunday, January 11, 2015

‘તાલિબાન ભૂમિ’માં, ઇસ્લામને અનુસરીને, અહિંસાના આશ્ચર્યજનક પ્રયોગો

અત્યારે પાકિસ્તાની તાલિબાનોના અડ્ડા જેવા સરહદી પ્રાંત અને કબીલાઇ વિસ્તારોમાં આઠ દાયકા પહેલાં બાદશાહખાને ખૂંખાર પઠાણોને અહિંસાના રસ્તે વાળ્યા હતા. ભારતે ભૂલાવી દીધેલા અને પાકિસ્તાન માટે અળખામણા આ ‘ચમત્કાર’નું પવિત્ર સ્મરણ

પ્રમાણમાં સુંવાળા- લોહિયાળ હિંસાથી દૂર રહેનારા ખેડા-બોરસદ-બારડોલી-ગુજરાતના લોકોને અહિંસા શીખવવી અને નજીવી વાતમાં એકબીજાના જીવ લેવા તત્પર, પેઢીઓ સુધી વેરની વસૂલાતની પરંપરા ધરાવતા ગરમ લોહીના પઠાણોને અહિંસાના માર્ગે વાળવા- એ બન્ને વચ્ચે પાયાનો તફાવત છે. ગાંધીજીની લડતમાં (તેમની અનિચ્છા છતાં) અહિંસા મહદ્‌ અંશે રાજકીય વ્યૂહરચનાનો ભાગ બની. ગાંધીજીને પણ પાછળથી લાગતું હતું કે ઘણા લોકો કેવળ લડવાની હિંમતના અભાવે ‘અહિંસાવાદી’ થયા હતા. તેની સરખામણીએ આઠ દાયકા પહેલાં (વર્તમાન પાકિસ્તાનના) સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્‌ફારખાન ઉર્ફે બાદશાહખાને (કે બાચાખાને) સામાજિક કારણોસર અહિંસા અપનાવી. પોતે તો અહિંસાવાદી થયા. સાથોસાથ, ‘જંગલી અને ખૂંખાર’નું લેબલ ધરાવતા પોતાના સમાજને પણ તેમણે સામાજિક ઉત્થાન માટે અહિંસાના માર્ગે વાળ્યો અને દોર્યો.

Badshsh Khan / બાદશાહખાન

બાદશાહખાને સ્થાપેલા સંગઠન ‘ખુદાઇ ખિદમતગાર’ના કાર્યકરોએ જેટલા શારીરિક અત્યાચાર વેઠ્યા, એટલાં ભારતમાં ભાગ્યે જ કોઇ કોંગ્રેસી કાર્યકરને વેઠવાના થયા હશે. છતાં, ‘ખુદાઇ ખિદમતગાર’ તરીકે અહિંસા માટે પ્રતિજ્ઞાબદ્ધ પઠાણો ચૂપચાપ અંગ્રેજ અને દેશી પોલીસ તથા નેતાઓનો જુલમ વેઠતા રહ્યા. ગયા સપ્તાહે નોંઘ્યું હતું તે અહીં યાદ કરી લેવું જોઇએ : આ એ પ્રજા હતી, જેણે સદીઓથી વિદેશી આક્રમણખોરોને હંફાવ્યા હતા, સશસ્ત્ર સંગ્રામમાં ઔરંગઝેબના સૈન્યથી માંડીને અંગ્રેજોની તેમણે નામોશીભરી અવદશા કરી હતી. પરંતુ બાદશાહખાને શીખવેલા સાચા ઇસ્લામના પાઠ તેમાંથી ઘણાએ એવા આત્મસાત્‌ કર્યા કે ઘણા સમય સુધી મુસ્લિમ લીગનો કોમવાદી, સત્તાપરસ્ત અને સગવડીયો ઇસ્લામ તેમને ચળાવી શક્યો નહીં.

બાદશાહખાનને પાકો ભરોસો હતો કે પઠાણોની ઉન્નતિ સાધવી હોય તો તેમનાં અજ્ઞાન અને નિરક્ષરતા દૂર કરવાં રહ્યાં. એ માટે તેમણે સરહદ પ્રાંતમાં શાળાઓ શરૂ કરી. પઠાણોમાં સામાજિક જાગૃતિ ફેલાવવાના તેમના પ્રયાસોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાવતરા તરીકે જોવામાં આવ્યા. સરહદ પ્રાંતમાં ત્યારે ‘ફ્રન્ટિયર ક્રાઇમ્સ રેગ્યુલેશન એક્ટ’ અમલી હતો. કોઇ પણ સરમુખત્યારીને ટપી જાય એવા આ કાયદા હેઠળ પોલીસ મન થાય તેની ધરપકડ કરતી અને અંગ્રેજોના ખાંધિયાઓનું બનેલું પંચ આરોપીને દોષી ઠરાવીને ચૌદ વર્ષની સજા ફટકારી દેતું હતું. એ સજા પણ ભારતના સરેરાશ રાજકીય કેદીઓએ ભોગવી છે એવી નહીં. એકદમ આકરી. (તેના આકરાપણાનું એક ઉદાહરણ : જેલવાસના પહેલા બે મહિનામાં બાદશાહખાનનું વીસ કિલો વજન ઘટી ગયું હતું)

પાકિસ્તાની તાલિબાનો અને ધર્મઝનૂનીઓ ઇસ્લામના નામે આતંક મચાવે છે- લોહી વહાવે છે, પરંતુ એ જ ઇસ્લામને આગળ ધરીને બાદશાહખાને હકની લડાઇની સાથોસાથ અહિંસા અને ક્ષમાનો પેગામ આપ્યો. એક વાર હજયાત્રા પછી બાદશાહખાન નજીકના વિસ્તારમાં ફરતા હતા ત્યારે એક માણસે તેમને કહ્યું, ‘અહીં રસુલિલ્લાહની દાઢીનો એક વાળ છે. પાસે એક પથ્થર છે. તેના પર તેમનાં પગલાં છે.’ ત્યારે બાદશાહખાને તેમને કહ્યું હતું, ‘હું અહીં એ જોવા નથી આવ્યો, પણ રસુલ-એ-પાકનું ધૈર્ય, સહિષ્ણુતા અને સાહસ જોવા આવ્યો છું. આ રણપ્રદેશના લોકોના ભલા વાસ્તે પયગંબરસાહેબ મક્કાથી અહીં આવ્યા. ત્યારે અહીંના લોકોએ તેમને પથ્થર માર્યા, તેેમની પાછળ કૂતરાં દોડાવ્યાં, તેમને માર માર્યો. એવા અત્યાચાર  છતાં તે નિરાશ ન થયા. ઉલટાના પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે ખુદા, મારા આ ભાઇઓ નેકીના માર્ગે ચાલે એવી સન્મતિ આપ.’

આ હતી બાદશાહખાનની ઇસ્લામ વિશેની સમજ. ધર્મ જેટલી જ તેમને પોતાની માતૃભાષા પશ્તો વહાલી હતી. એ માનતા હતા કે ‘હિંદુઓ અને મુસ્લિમો કરતાં શીખોમાં વઘુ ધર્મભાવ છે. કારણ કે તેમનો ધર્મગ્રંથ માતૃભાષામાં છે. તેેને લીધે એ લોકો શબ્દોનો યથાર્થ સમજી શકે છે...જ્યારે આપણે- હિંદુ અને મુસલમાન- જે ભાષામાં ઇશ્વરભક્તિ કરીએ છીએ એ ભાષા પૂરી સમજતા નથી.’

બાદશાહખાન અને તેમના સાથીઓએ ૧૯૨૯માં ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠન સ્થાપ્યું ત્યારે તેના સભ્ય માટે રખાયેલા કેટલાક સંકલ્પ : ‘હું ખુદાઇ ખિદમતગાર છું. ખુદાને ખિદમતની જરૂર નથી. તેથી ખુદાની સૃષ્ટિ (મખલૂક)ની સેવા એ જ ખુદાની સેવા છે. હું માનવમાત્રની સેવા કશા સ્વાર્થ કે હેતુ વિના, ખુદાની ખાતર કરીશ...હું હિંસા નહીં કરું અને કોઇ રીતે વેરનો બદલો નહીં લઉં. કોઇ મારા પર ગમે તેટલો અત્યાચાર અને જુલમ ગુજારશે તો પણ હું એને ક્ષમા આપીશ...’

બાદશાહખાનના જોશ અને સાદગીભર્યા છતાં પ્રભાવશાળી નેતૃત્વથી તેમના સંગઠનનો ઝડપભેર પ્રસાર થવા લાગ્યો. અંગ્રેજો સામેની લડતમાં મદદ મેળવવા માટે ખુદાઇ ખિદમતગારોએ મુસ્લિમ લીગનો સંપર્ક કર્યો, પણ લીગ અંગ્રેજોના દોરીસંચાર પર ચાલતી સંસ્થા હતી. તેને ખુદાઇ ખિદમતગારોના રાજકારણ કે ધર્મકારણ, કશામાં રસ પડે એમ ન હતો. લીગની ઉદાસીનતા પછી ખિદમતગારો કોંગ્રેસ સાથે જોડાયા  એટલે અંગ્રેજોના પેટમાં તેલ રેડાયું. પહેલાં તેમણે ખિદમતગારોને લાલચો આપી. તેથી કામ ન સર્યું એટલે અંગ્રેજોએ સરહદ પ્રાંતમાં ગામડે ગામડે ફરીને અંગુઠા ઉઘરાવવાના શરૂ કર્યા. એ લોકોને કહેતા કે ‘અમે ખુદાઇ ખિદમતગાર નથી’ એવા નિવેદન પર અંગુઠો પાડી આપો. તેનો પણ પઠાણોએ બહિષ્કાર કર્યો.

હાલના પાકિસ્તાનમાં ‘ફાટા’ (ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરીઆ) કહેવાતા, સરહદ પ્રાંતની પડોશમાં આવેલા કબાઇલી વિસ્તારમાં પણ ખુદાઇ ખિદમતગારોની ઘણી લોકપ્રિયતા હતી. ગાંધીજી અને બાદશાહખાનના જેલવાસ વખતે કબાઇલી પ્રતિનિધિઓ અંગ્રેજોને તાકીદ કરતા હતા કે ‘ખાન અબ્દુલ ગફ્‌ફારખાં અને મલંગબાબા (મહાત્મા ગાંધી)ને મુક્ત કરો. લાલ ખમીસવાળા (ખુદાઇ ખિદમતગારો)ને જેલમાંથી છોડો અને પઠાણો પર જુલમ ગુજારવાનું બંધ કરો.’ ખેદની વાત એ છે કે પહેલાં અંગ્રેજોએ અને પછી પાકિસ્તાની સરકારે કબાઇલીઓ તથા પઠાણોને એકબીજાથી વેગળા રાખવા ભરપૂર પ્રયાસ કર્યા. સરહદ પ્રાંતના ચીફ કમિશનર ગ્રિફ્‌થને બાદશાહખાને કહ્યું હતું, ‘કબાઇલોને કાબૂમાં રાખવા તેમની કતલ અને બરબાદી પાછળ તમે જેટલું ખર્ચ કરો છો, તેના કરતાં અરધા ખર્ચામાં તેમના માટે ગૃહઉદ્યોગો શરૂ કરીને, તેમના માટે સન્માનજનક આજીવીકાની વ્યવસ્થા કરી શકાય...તેમને માટે શિક્ષણ અને ચિકિત્સાની વ્યવસ્થા થઇ શકે તો તેમના સંતાન નવા જીવનની લાયકાત અને ક્ષમતા મેળવી શકે. એ રીતે તે સ્વાભાવિમાની પઠાણ જાતિના સમર્થ અને કાર્યકુશળ તથા સમાજ માટે લાભદાયક નાગરિકો બની શકશે.’ (‘ખુદાઇ ખિદમતગાર’, યજ્ઞ પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, ૨૦૧૪)

Gandhi, Badshah Khan, Nehru / ગાંધી, બાદશાહખાન, નેહરુ

સરહદ પ્રાંતના હિંસક પઠાણો અને એવા જ હિંસક કબાઇલીઓ પર બાદશાહખાન જેવા અહિંસક નેતાનો પ્રભાવ હોવા છતાં, આઝાદી પહેલાં અંગ્રેજોને અને આઝાદી પછી મુસ્લિમ લીગની પાકિસ્તાની સરકારને બાદશાહખાનની નેતાગીરી ખપતી ન હતી. અંગ્રેજો કહેતા હતા કે ‘હિંસક પઠાણ કરતાં અહિંસક પઠાણ વધારે ખતરનાક છે.’ પરંતુ કહેવાતા મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનને અહિંસક પઠાણોની શક્તિમાં રસ ન હતો. ભારતના વિભાજન પહેલાંની ચૂંટણીમાં સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગની સામે ખુદાઇ ખિદમતગારોનો ભવ્ય વિજય થયો હતો. તેમની ઇચ્છા પાકિસ્તાન સાથે જોડાવાની ન હતી. પરંતુ કોંગ્રેસે સરહદ પ્રાંતમાં લોકમતને સમર્થન આપ્યું ત્યારે બાદશાહખાનની દલીલ હતી કે માંડ એક વર્ષ પહેલાં લીગ સામે ખિદમતગારોની જીત થઇ હોય, પછી લોકમત શાનો લેવાનો? અને ‘સરહદ પ્રાંતે કોની સાથે જોડાવું?’ એ મુદ્દે લોકમત લેવો જ હોય તો ‘ભારત કે પાકિસ્તાન?’ ને બદલે ‘પાકિસ્તાન કે પખ્તુનિસ્તાન?’ એવો વિકલ્પ રાખો.

આવો વિકલ્પ ન મળતાં ખિદમતગારોએ લોકમતનો બહિષ્કાર કર્યો. ત્યાર પછી મુસ્લિમ લીગની માંડ જીત થઇ અને સરહદ પ્રાંત પાકિસ્તાનમાં જોડાયો. ત્યારથી અત્યાર લગી સરહદ પ્રાંત અને કબાઇલી ઇલાકો પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. બાદશાહખાન અને તેમના પુત્રોને પાકિસ્તાને અંગ્રેજ સરકાર કરતાં પણ વધારે ત્રાસ આપ્યો. તેમની અહિંસક ચળવળને ખતમ કરી નાખી.

સરહદ પ્રાંત (અત્યારનો ખૈબર-પખ્તુનવા પ્રાંત) તથા કબાઇલી વિસ્તારમાં સમાંતર સરકાર ચલાવતા પાકિસ્તાની તાલિબાનોની વાત થાય ત્યારે રશિયા-અમેરિકા વચ્ચેના ઠંડા વિગ્રહને યોગ્ય રીતે જ યાદ કરવામાં આવે છે, પરંતુ ખુદાઇ ખિદમતગાર ચળવળને ખતમ કરીને પાકિસ્તાને પોતાના પગ પર જે કુહાડો માર્યો, તેની ભાગ્યે જ ચર્ચા થાય છે. ભારતમાં જેમ રસ્તાઓ, ચોકો અને સ્મારકોમાં ગાંધીજી જડાઇ ગયા છે, તેમ પાકિસ્તાનમાં બાદશાહખાનની સ્મૃતિ પેશાવર એરપોર્ટના ‘બાચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ’ જેવા સત્તાવાર નામકરણ  પૂરતી સીમિત રહી ગઇ છે. 

1 comment:

  1. Anonymous10:23:00 PM

    Timely, definitely relevant.

    Thank you

    Jabir

    ReplyDelete