Monday, October 31, 2011

સક્રિય ધારાસભ્ય-સાંસદ, નિષ્પક્ષ-નમૂનેદાર અઘ્યક્ષ, જમીની નેતા: વિઠ્ઠલભાઇ પટેલ

(A rare color photo of Vitthalbhai Patel as a Speaker, appeared in 'Gujarat' magazine edited by Kanaiyalal Munshi in 1930s)

બારડોલી સત્યાગ્રહ અને તેનાથી ‘સરદાર’ તરીકે ઊભરેલા વલ્લભભાઇ ભારતના ઇતિહાસમાં અચળ સ્થાન ધરાવે છે, પરંતુ ૧૯૨૮માં દેશભરમાં ગાજેલો આ સત્યાગ્રહ પહેલી વાર ૧૯૨૧માં શરૂ થયો હતો અને તેના આગેવાન તરીકે ગાંધીજીની સાથે વલ્લભભાઇ નહીં, પણ તેમના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ હતા.

વલ્લભભાઇના પાસપોર્ટ પર ઇંગ્લેન્ડ જઇને બેરિસ્ટર થઇ આવેલા વિઠ્ઠલભાઇએ ધીકતી વકીલાત છોડીને જાહેર જીવનમાં ઝંપલાવ્યું, ત્યારે બે વર્ષ નાના વલ્લભભાઇ સાથે તેમનો કરાર હતો: હું જાહેર સેવા કરીશ અને તારે કમાઇને આપણાં કુટુંબ નિભાવવાનાં. ગાંધીજીએ ૧૯૨૧માં પૂરા જોશ સાથે અસહકારની ચળવળ ઉપાડી, ત્યારે સત્યાગ્રહનો આરંભ બારડોલીથી કરવાનું નક્કી થયું. ત્યાંના ખેડૂતો લડત માટે તૈયાર છે કે નહીં, તેનો અંદાજ કાઢવા માટે ગાંધીજી વતી વિઠ્ઠલભાઇ બારડોલી જઇને રહ્યા. ઝીણામાં ઝીણી વિગતો જાણી. ત્યાર પછી સત્યાગ્રહના ઠરાવ માટે બોલાવાયેલી બારડોલી તાલુકા પરિષદ અઘ્યક્ષ વિઠ્ઠલભાઇ હતા. તેમણે પાછળથી ‘સરદારશૈલી’ તરીકે જાણીતી બનેલી પટેલશાઇ વાણીમાં કહ્યું, ‘તમે જે કીર્તિ ખાટી ગયા છો- સત્યાગ્રહના આરંભસ્થાન તરીકેની- એ કીર્તિની કિમત તમારી પાસે હિદુસ્તાન માગી શકે છે. જો તમે એ કીર્તિની કિમત આપવા નાલાયક હો તો અત્યારથી તેવું કહી દેજો. એમ સ્પષ્ટ કહી દેશો તો આખા હિદુસ્તાન પર તમારો ઉપકાર થશે. એક વાર રણે ચડ્યા પછી કાયર થઇ પાછી પાની કરવી તે કરતાં પહેલેથી નાલાયકી કબૂલ કરવી એમાં શૂરવીરતા છે.’

વિઠ્ઠલભાઇની ખૂબી એ હતી કે તે મ્યુનિસિપલ કોર્પોરેશન-ધારાસભાના રાજકારણમાં રસ, સક્રિયતા અને વિશ્વાસ ધરાવતા હોવા છતાં, લોકઆંદોલન અને જમીની વાસ્તવિકતાઓ સાથે પણ સીધો નાતો રાખતા હતા. તે એકદંડીયા મહેલ/ આઇવરી ટાવરમાં રહેનારા ને પોતાની દુનિયામાં રાચનારા ન હતા. ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે વિઠ્ઠલભાઇ કેન્દ્રીય ધારાસભાના અઘ્યક્ષ હોવા છતાં, લડત માટે તેમણે દર મહિને રૂ.એક હજાર જેવી માતબર રકમ આપવાની જાહેરાત કરી હતી. તેમની આ ચેષ્ટાને કારણે, ધારાસભામાં તેમને પ્રમુખપદેથી દૂર કરવા જોઇએ એવો પણ ચણભણાટ થયો હતો. એ વખતે વિઠ્ઠલભાઇએ રાજકીય ક્ષેત્રે તેમનાથી જુદા વિચાર-જુદો માર્ગ ધરાવતા વલ્લભભાઇને લખ્યું હતું, ‘મારે શું કરવું? એસેમ્બલીમાં રહેવાનું મન નથી. મહાત્માજી સાથે તમે વાતચીત કરી નક્કી કરો એટલે તે પ્રમાણે કરવા તૈયાર છું. તમે કહો છો કે તમે પકડાવ તો પણ મારે આ જગ્યા (પ્રમુખપદ) છોડવું નહીં. એવું તો મારાથી કેમ બની શકે? તેનો તમે વિચાર કર્યો?’(૧૨-૭-૨૮, મુંબઇ)

મુંબઇ ધારાસભામાં ચૂંટાયેલા સભ્ય તરીકે વિઠ્ઠલભાઇએ ૧૯૧૨થી જાહેર જીવનનો આરંભ કર્યો. અંગ્રેજી રાજના રિવાજ પ્રમાણે, ધારાસભામાં ચૂંટાતાં પહેલાં તાલુકા બોર્ડ અને ત્યાર પછી જિલ્લા બોર્ડમાં ચૂંટાવું પડે. એ ચૂંટણી લડવા માટે ઉમેદવારના નામે મિલકત જોઇએ. સંપત્તિની બાબતમાં વિઠ્ઠલભાઇ નિસ્પૃહ હતા અને વકીલ તરીકે તેમની મજબૂત શાખ હતી. એટલે ઉમેદવારીની જરૂરિયાત પૂરી કરવા માટે એક મિત્રે બોરસદની પોતાની જમીન અને થોડાં ઘર વિઠ્ઠલભાઇના નામે કર્યાં. ત્યાર પછી મૃત્યુપર્યંત વિઠ્ઠલભાઇનું રાજકારણ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ ધારાસભા, કેન્દ્રિય ધારાસભા અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલું રહ્યું. સપ્ટેમ્બર ૨૭, ૧૮૭૩ના રોજ જન્મેલા વિઠ્ઠલભાઇ વયમાં ગાંધીજી કરતાં ચાર વર્ષે નાના હોવા છતાં, ભારતના જાહેર જીવનમાં તેમની ગણતરી ગાંધીજીની આગલી પેઢીના મોતીલાલ નેહરુ, ચિત્તરંજન દાસ જેવા નેતાઓની સાથે થતી હતી. ધારાસભા કે બીજાં સરકારી માળખાંમાં પ્રવેશીને સરકારને લડત આપવાના વલણને કારણે ગાંધીજી સાથે વિઠ્ઠલભાઇનો પાટો બહુ બેસતો નહીં. લડતના મામલે ગાંધીજીના પૂરેપૂરા અનુયાયી વલ્લભભાઇ પણ, મોટા ભાઇની આમન્યા રાખવા છતાં, પોતાનો રાજકીય વિરોધ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા હતા. વિઠ્ઠલભાઇના ધારાસભાપ્રવેશ અને ‘શત્રુના ગઢમાં દાખલ થઇને તેને સર કરવાની’ નીતિ અંગે ૧૯૨૨માં વલ્લભભાઇએ કહ્યું હતું,‘ધારાસભા પ્રવેશના હિમાયતી નામદાર પટેલસાહેબ જુબાની આપવા વિલાયત ગયા હતા. એટલે ધારાસભાનું બંધારણ ઘડનારા તેમને ઓળખે છે. પટેલસાહેબ જેવા ગૃહસ્થો ધારાસભામાં આવશે જ, તેનો ખ્યાલ રાખીને તેમને પહોંચી વળવાના રસ્તા તેમણે રાખેલા છે. દુશ્મનનો કિલ્લો ધારાસભામાં છે જ નહીં. કિલ્લો તો બહાર સર કરવાનો પડેલો છે. બહાર સર નહીં કરો તો સો વર્ષ પણ ધારાસભા વિના આ સરકારનું તંત્ર ચાલી શકે તેમ છે.’

આ પ્રકારના મતભેદ છતાં ૧૯૨૭માં ગુજરાતમાં ભારે પૂર આવ્યું ત્યારે વિઠ્ઠલભાઇએ પોતાના નામથી રાહતફંડ શરૂ કર્યું અને દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભાના પ્રમુખ જેવા મોભાદાર હોદ્દાનો રૂઆબ બાજુ પર મૂકીને રાહત કામગીરી માટે ગુજરાત આવી ગયા. એટલું જ નહીં, ગુજરાતની કોંગ્રેસ સમિતિના પ્રમુખ વલ્લભભાઇના હાથ નીચે પોતે સ્વયંસેવક તરીકે કામ કરશે એવી જાહેરાત પણ કરી. મહેમદાવાદ તાલુકાનું હંતાવા ગામ આખું તારાજ થઇ ગયું હતું. મગનલાલ ગાંધીએ તેને નવેસરથી આદર્શ ઢબે બાંધવાની યોજના કરી અને તેનું ખાતમૂહુર્ત વિઠ્ઠલભાઇના હાથે કરાવવામાં આવ્યું. ત્યારથી એ ગામનું નવું નામ પડ્યું વિઠ્ઠલપુર (કે વિઠ્ઠલપુરા).

જમીની કામગીરીમાં પાછા ન પડનાર વિઠ્ઠલભાઇએ બંધારણીય સંસ્થાઓમાં રહેલી શક્યતાઓનો મહત્તમ કસ કાઢ્‌યો. એ વખતે ચૂંટાયેલા સભ્યો પાસે વાસ્તવિક સત્તાઓ નહીંવત્‌ હતી. એ પ્રશ્ન પૂછી શકે, ઠરાવ-ખરડા રજૂ કરી શકે, સરકારી ખરડામાં સુધારા સૂચવી શકે, પરંતુ બાકીના સરકારપક્ષી સભ્યોની બહુમતીને કારણે ભાગ્યે જ કશું પસાર કરાવી શકે. છતાં, સરકારને જંપ ન વળવો જોઇએ, એવી નીતિમાં માનતા વિઠ્ઠલભાઇ ઝઝૂમવામાં કોઇ કસર છોડતા નહીં. મુંબઇ કોર્પોરેશનની શાળાસમિતિના અઘ્યક્ષ તરીકે તેમણે શાળાઓના નિયમિત ઇન્સ્પેક્શનની પ્રથા શરૂ કરાવી અને એક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓના પ્રમાણ પણ સ્થાપિત કર્યું. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેમણે સરકારની નારાજગીની પરવા કર્યા વિના, કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે ગાંધીજીને માનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો. સાથોસાથ, વાઇસરોય લોર્ડ રીડિગની મુંબઇ મુલાકાત વખતે તેમના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો. આ મુદ્દે સરકારી સભ્યોએ વિઠ્ઠલભાઇ વિરુદ્ધ ઠરાવ કરતાં, તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપી દીઘું અને સભ્ય તરીકે ચાલુ રહ્યા. પછીથી સભ્યોને પોતાની ભૂલ સમજાતાં તેમણે ફરી (૧૯૨૫માં) વિઠ્ઠલભાઇને પ્રમુખપદે ચૂંટી કાઢ્‌યા.

(આજની સંસદ જેવી) કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે ૧૯૧૮માં ચૂંટાયા ત્યારે ૧૯૧૯માં પૂછાયેલા કુલ ૩૧૪ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નો વિઠ્ઠલભાઇના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઇ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું. કેન્દ્રિય ધારાસભાના અઘ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર- ૧૯૨૫માં અને ૧૯૨૭માં- ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઇએ. સંસદના અઘ્યક્ષનું સ્થાન સર્વોપરિ છે એ વિઠ્ઠલભાઇએ પહેલા હિદી પ્રમુખ તરીકે સ્થાપિત કરી આપ્યું.

સત્રના આરંભે વાઇસરોય બન્ને ગૃહોના સભ્યોને સંબોધે ત્યારે ગૃહોના અઘ્યક્ષો બીજા સભ્યો સાથે બેસે એવો રિવાજ હતો. વિઠ્ઠલભાઇએ સરકાર સામે ઝઝૂમીને, અઘ્યક્ષપદની સર્વોપરિતા ટાંકીને ધરાર પોતાની ખુરશીની બાજુમાં વાઇસરોયની ખુરશી મુકાવી. સંસદનું સચિવાલય પહેલાં સરકારી- કાનૂન મંત્રાલયનો ભાગ હતું. સરકાર સંસદની કામગીરીમાં દખલ ન કરી શકે એ હેતુથી વિઠ્ઠલભાઇએ અઘ્યક્ષ તરીકે સંસદનું સેક્રેટરીએટ અલગ અને સ્વતંત્ર હોય એવું કરાવ્યું. એવી જ રીતે, સંસદના અઘ્યક્ષને જવાબદાર હોય એવા સુરક્ષાદળની રચના પણ તેમણે પોતાના અઘ્યક્ષપદ દરમિયાન કરાવી. આ બન્ને પરંપરાઓ હજુ ચાલે છે. એક વખત વિવાદાસ્પદ અને લોકોની સ્વતંત્રતા પર તરાપ મારનાર ખરડા પર સંસદમાં મતદાનનો પ્રસંગ આવ્યો ત્યારે બન્ને પક્ષે સરખા મત પડ્યા. અઘ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઇનો નિર્ણાયક (કાસ્ટિગ) મત કઇ તરફ પડે છે, તેની પર બધો આધાર હતો. એ વખતે તેમણે સરકારી ખરડાની વિરુદ્ધમાં મત આપ્યો અને એ મતલબની રજૂઆત કરી કે કાયદામાં અસાધારણ સુધારો કરવો હોય ત્યારે ગૃહમાંથી બહુમતી મેળવવી જરૂરી છે. એ ન મળે તો અઘ્યક્ષના મતની અપેક્ષા રાખી શકાય નહીં.
દાંડીકૂચ પછી ધારાસભાના અઘ્યક્ષપદેથી તેમણે રાજીનામું આપ્યું. ત્યાર પછી કોંગ્રેસની કારોબારીમાં તેમને સમાવવામાં આવ્યા અને થોડા મહિનામાં બીજા નેતાઓ સાથે તેમની ધરપકડ થઇ ત્યારે તેમણે એ મતલબનું કહ્યું હતું કે બ્રિટનમાં ગૃહનો અઘ્યક્ષ નિવૃત્ત થાય પછી તેને ઉમરાવપદ મળે છે અને ભારતમાં? જેલ!

બે વાર ધરપકડ, બિમારી, સારવાર માટે વિદેશપ્રવાસ, ત્યાં પણ ભારતની પરિસ્થિતિ વિશે સાચી માહિતી આપતાં વ્યાખ્યાનોની હારમાળા, આ બધાને અંતે તેમના છેલ્લા દિવસો જીનીવા નજીક આવેલા ગ્લેન્ડના એક ક્લિનીકમાં વીત્યા. એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી. ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો. તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.

Friday, October 28, 2011

‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લને અલવિદા

Shrilal Shukla (31-12-1925, 28-10-2011) at his Lucknow Residence

એકાદ મહિના પહેલાં શ્રીલાલ શુક્લ/Shreelal Shuklaને જ્ઞાનપીઠ સન્માનથી નવાજવાના સમાચાર આવ્યા, ત્યારે હરખ કરતી એક-એક પોસ્ટ મેં અને બીરેને અમારા બ્લોગ પર મૂકી હતી.

http://birenkothari.blogspot.com/2011/09/blog-post_22.html

તેમાં એમની સાથે 1997માં થયેલી મુલાકાતની કેટલીક વાતો પણ હતી. બાકીની વાતોનો બીજો ભાગ મૂકી શકીએ તે પહેલાં શ્રીલાલ શુ્ક્લના અવસાનના સમાચાર આવ્યા છે. તેમની બિમારી અને તેમને હોસ્પિટલમાં સન્માન અપાયું એવા સમાચાર મિત્ર રમેશ તન્નાએ આપ્યા હતા. તેમની ઉંમર (86વર્ષ) જોતાં તે પૂરી જિંદગી જીવ્યા અને ‘રાગ દરબારી’ જેવી કૃતિ આપીને તે અમર બન્યા.

‘રાગ દરબારી’ વિશેના મારા-અમારા લગાવ અને તેનાં કારણો વિશે અગાઉની પોસ્ટમાં લખ્યું હતું. પરંતુ આજે ‘રાગ દરબારી’ના સર્જકને વિદાયસલામી તરીકે, 1997માં તેમના લખનૌના નિવાસસ્થાને તેમની સાથે થયેલી વાતચીતના થોડા અંશ અને ‘રાગ દરબારી’ના ફિલ્માંકન સાથે સંકળાયેલી થોડી અજાણી વિગતોઃ


શ્રીલાલ શુક્લ/Shrilal Shukla તેમના બંગલાના દીવાનખાનામાં અને
લાઇટ ગયા પછી બહાર લોનમાં ચાલુ રહેલો વાતચીતનો દૌર
  • દૂરદર્શનના સુવર્ણયુગમાં (1986ની આસપાસ) ‘રાગ દરબારી’ પરથી ટીવી સિરીયલ બની હતી. તેના વિશે શ્રીલાલ શુક્લે કહ્યું હતું, ‘સિરીયલના ડાયરેક્ટર કૃષ્ણ રાઘવ રાવ અગાઉ એક-બે સારી સિરીયલ બનાવી ચૂક્યા હતા. એ મને મળવા આવ્યા અને ‘રાગ દરબારી’ વિશે વાત કરી. મેં એમને ચેતવ્યા હતા કે આ હીરોઇન વગરની કથા છે. છતાં તેમણે સિરીયલ બનાવવાનો આગ્રહ રાખ્યો. એમણે ભૂલ એ કરી કે મુંબઇ સ્ટુડિયોમાં શૂટિંગ કરવાને બદલે લખનૌ આવીને, લખનૌની આસપાસ શૂટિંગ કરવાનો આગ્રહ રાખ્યો. લખનૌમાં કેટલીક ‘શાર્કસ’ (ફોલી ખાનારા લોકો) છે, જે આવા લોકો માટે ટાંપીને બેઠેલી હોય છે. એ લોકો એવું જ માને છે કે આવનારા બધા ‘બહુબેગમ’ (ફિલ્મ) જેવું બજેટ લઇને આવે છે એટલે બધાને એવા મોટા ખાડામાં ઉતારે. કૃષ્ણ રાઘવ રાવનું પણ એવું જ થયું. બાકી, કાસ્ટિંગ (પાત્રવરણી) બહુ સરસ હતું.’
  • સરસ એટલે કેવું? જતનપૂર્વક સાચવી રાખેલા 12-5-86ના ‘અભિયાન’ના એક કટિંગમાંથી એ જાણવા મળે છેઃ સૂત્રધાર જેવા શહેરી યુવાન રંગનાથના પાત્રમાં ઓમ પુરી, તેના દુષ્ટ-જમાનાના ખાધેલ મામા વૈદ્ય મહારાજ તરીકે મનોહર સિંઘ (‘દામુલ’ ખ્યાત), વૈદ્ય મહારાજના મોટા પુત્ર બદ્રી પહેલવાન તરીકે આલોકનાથ, નાના પુત્ર રુપ્પનબાબુ તરીકે દિનેશ શાકુલ, ગુસ્સે થાય ત્યારે અવધીમાં બોલવા માંડતા કોલેજના આચાર્ય તરીકે રાજેશ પુરી (‘હમલોગ’નો લલ્લુ), એકમાત્ર સ્ત્રીપાત્ર બેલા તરીકે ઝરીના વહાબ...આ લખાણમાં જણાવ્યા પ્રમાણે, શૂટિંગ લખનૌથી સુલતાનપુર જતાં હાઇવે પર આવેલા એક ગામમાં થયું હતું અને શૂટિંગ વખતે લેખક શ્રીલાલ શુક્લ પણ હાજર રહ્યા હતા.
('રાગ દરબારી'/Raag Darbari સિરીયલના શૂટિંગ વખતે
ડાબેથી ઓમ પુરી, દિનેશ શાકુલ અને કૃષ્ણ રાઘવ રાવ)
(શ્રીલાલ શુક્લનો અમારી પર આવેલો પહેલો પત્ર)
  • શ્રીલાલ શુક્લે અમારી મુલાકાત દરમિયાન કહ્યું, ‘રાગ દરબારી સિરીયલ બરાબર ન બનવાથી ડાયરેક્ટરને નુકસાન એ ગયું કે તેને ધર્મવીર ભારતીની કૃતિ ‘સૂરજકા સાતવાં ઘોડા’ માટે પરવાનગી ન મળી. થયું એવું કે મેં એમને ‘રાગ દરબારી’ના હકો આપ્યા પછી એ ધર્મવીર પાસે ગયા હતા. અમારે સારી મિત્રાચારી હતી. એટલે ‘શ્રીલાલે હક આપ્યા છે તો મને આપવામાં વાંધો નથી’ એમ કહીને ધર્મવીરે પ્રાથમિક અનુમતિ આપી દીધી. પરંતુ ત્યાર પછીની ફાઇનલ સ્ટેજની મુલાકાતો ધર્મવીર ટાળતા રહ્યા. છેવટે ‘રાગ દરબારી’ બની ગઇ એટલે તેનું આખરી પરિણામ જોઇને તેમણે ‘સૂરજકા સાતવાં ઘોડા’ માટે ના પાડી દીધી. પછી શ્યામ બેનેગલે તેની પરથી બઢિયા ફિલ્મ બનાવી.’
  • પતિ-પત્ની એમ.એસ.સથ્યુ (‘ગર્મ હવા’ ફેઇમ) અને શમા ઝૈદીએ પણ ‘રાગ દરબારી’ પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું શ્રીલાલ શુક્લે કહ્યું. ‘અમારી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો ન હતો, પણ બાકી ઘણું નક્કી થઇ ગયું હતું. ઝૈદીએ મને કહ્યું હતું કે આના રાઇટ્સ કોઇને આપતા નહીં. મેં એ લોકોને બહુ ડીસ્કરેજ કર્યા, કહ્યું કે આની પરથી ફીચર ફિલ્મ કેવી રીતે બનાવશો? આમાં સ્ત્રીપાત્ર જ નથી. બહુ તો બેલાના પાત્રને થોડું લંબાવી શકાય, પણ એ પૂરતું નથી. બીજું, ગામડાં માટે લોકોની છબી હજુ રોમેન્ટિક છે. હજુ શહેરી યુવાનો ગામડે જઇને ત્યાંની છોકરીઓ સાથે ઝાડની આસપાસ ગીતો ગાય એવું જ લોકોને ગમે છે. જ્યારે ‘રાગ દરબારી’માં તો ગામડાનું તદ્દન જુદું જ ચિત્રણ છે.’
  • ‘આમ છતાં એ લોકો બહુ આગ્રહી હતા. આ ફિલ્મ માટે નાણાં ‘કથા’ના પ્રોડ્યુસર સુરેશ જિંદાલ આપવાના હતા. એ વખતે ‘કથા’ ચાલતું હતું. એટલે આ પ્રોજેક્ટ સાઇ પર રહ્યો. વચ્ચે એકાદ વખત મારે રૂપિયાની જરૂર પડી ત્યારે મોટે ભાગે સથ્યુએ જિંદાલ પાસેથી થોડા રૂપિયા લાવી આપ્યા હતા. પણ એ વાત પછી આગળ વધી નહીં. પછીથી એક વાર સુરેશ જિંદાલ લખનૌ આવ્યા ત્યારે તેમણે મને ફોન કર્યો. અમે બન્ને મળ્યા. આડીઅવળી ઘણી વાતો થઇ. પણ ‘રાગ દરબારી’ની વાત ન આવી. છેવટે મેં વાત કાઢી. એટલે જિંદાલ કહે, મેં તો રૂપિયા તૈયાર રાખ્યા છે. સથ્યુ લઇ જાય એટલી જ વાર છે. એક-બે વાર તો થોડા લઇ પણ ગયા છે.’ મેં કહ્યું, ‘એ રૂપિયા તો વપરાઇ ગયા છે અને હું અત્યારે પાછા આપી શકું એમ નથી.’ જિંદાલ કહે, ‘એ મારે પાછા જોઇતા પણ નથી.’ શ્રીલાલ શુક્લના મતે, ‘જે વાત મેં તેમને પહેલાં સમજાવી હતી, તે એમને પાછળથી સમજાઇ હશે એટલે તેમણે પ્રોજેક્ટ માંડવાળ કર્યો હશે.’
  • મોટે ભાગે સુરેશ જિંદાલે કે બીજા કોઇએ શ્રીલાલ શુક્લને પ્રેમચંદની કથા પરથી બનતી સિરીયલની સ્કિપ્ટ લખવાનું કહ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, ‘સ્ક્રિપ્ટ લખવી હોત તો મુંબઇ જ ન ગયો હોત અને મનમોહન દેસાઇ-પ્રકાશ મહેરા માટે ન લખતો હોત!’
  • એક કૃતિની સફળતાથી બીજી કૃતિઓ ઢંકાઇ જવા વિશે તેમણે કહ્યું હતું, ‘ભગવતીચરણ વર્માની બીજી અનેક કૃતિઓ ભૂલાવીને લોકો એમને ‘ચિત્રલેખા’ના લેખક તરીકે જ ઓળખતા હતા. ભગવતીચરણ અહીં જ રહેતા હતા. અમારા બુઝુર્ગ હતા. ઘણી વાર બહાર હોટેલમાં સાથે જઇએ ત્યારે પણ એમને લોકો ‘ચિત્રલેખા’થી જ ઓળખતા હતા. શરૂઆતમાં તે બહુ ચીડાતા હતા, પણ પછી એમણે સ્વીકારી લીધું અને પોતાના બંગલાનું નામ પણ ‘ચિત્રલેખા’ રાખ્યું હતું. એ રીતે હું નસીબદાર છું કે મારી વન ઓફ ધ મેજર નોવેલ્સ આવી પ્રસિદ્ધિ પામી છે.’
  • લખનૌનાં સાહિત્યિક વર્તુળો વિશે તેમણે કહ્યું હતું, ‘અહીં સેમીલિટરરી અને સેમીપોલિટિકલ એમ બે પ્રકારના લેખક સંઘો છે. હું બન્નેમાંથી એકેમાં નથી. એ લોકો પણ મને ‘રીએક્શનરી નથી’ એમ માનીને સ્વીકારે છે. ઉન્હોંને હમકો ટોલરેટ કર લીયા હૈ.’ સ્થાનિક ભાષામાં લખતા પ્રતિભાશાળી લેખકોની સરખામણીમાં અંગ્રેજી લેખકોની કેવળ ભાષાને કારણે થતી બોલબાલા વિશે પણ તેમણે ઠીકઠીક વાતો કરી હતી. અંગ્રેજીમાં પણ નવા લેખકોના જયજયકારમાં ઓક્સફર્ડ સ્ટાઇલના આર.કે.નારાયણ કે મુલ્કરાજ આનંદ જેવા ખોવાઇ ગયા, એ વિશે તેમણે કહ્યું, ‘ગ્રેહામ ગ્રીન આર.કે.નારાયણની કેટલી તારીફ કરતા હતા! બેચારે ઉનકી તારીફ કરતે કરતે મર ગયે લેકિન આજ નારાયણકો કોઇ નહીં માનતા.’ શ્રીલાલ શુક્લ સરકારી એવોર્ડ સમિતિમાં પણ થોડો વખત હતા. ‘કમનસીબે હું જે પુસ્તકનું નામ સૂચવું તે લઘુમતીમાં જ આવી જતું અને કોઇ ઘટિયા ચોપડી એવોર્ડ લઇ જતી. પછી ખાનગી બેઠકમાં મારે ખુલાસો આપવો પડતો કે આ નામ મેં સૂચવ્યું નથી અને એને ઇનામ મળ્યું એમાં મારો કોઇ હાથ નથી. એટલે થોડાં વર્ષ પછી મેં એ છોડી દીધું.’

ઓગસ્ટ 3, 1997ના રોજ થયેલી દોઢેક કલાકની એ મુલાકાતમાં શ્રીલાલ શુક્લનું સૌજન્ય, આટલે દૂરથી આવેલા પ્રશંસકો પ્રત્યેનો તેમનો માયાળુ વ્યવહાર, મહેમાનગતિ, જતી વખતે છેક બંગલાના દરવાજા સુધી મૂકવા આવવું- આ બધાની બહુ સારી છાપ પડી, જે સુખદ સંસ્મરણ તરીકે લાંબા સમય સુધી મનમાં સુગંધ પ્રસરાવે છે. દિવાળી તથા લગ્ન જેવા પ્રસંગે લખાયેલાં પોસ્ટ કાર્ડના જવાબ આપવાની તેમની ચીવટનો પણ વર્ષો સુધીનો અનુભવ રહ્યો.


(A Letter from Shrilal Shukla/મારા લગ્ન નિમિત્તે આવેલો શ્રીલાલ શુક્લનો પ્રેમ-સૌજન્ય ભરેલો પત્ર)

‘રાગ દરબારી’ અને અંગત સંભારણાં સ્વરૂપે જિંદગીભરનું ભાથું આપી ગયેલા પ્રિય સર્જકને‘રાગ દરબારી’ના થોડા અંશો સાથે અંજલિ.

('રાગ દરબારી'ના અંશો માટે જુઓ બીરેનનો બ્લોગઃ)

Wednesday, October 26, 2011

મીઠાઇઓનો સેમિનાર : કાને દેખ્યો અહેવાલ

(સૌ મિત્રોને દિવાળી- નવા વર્ષની શુભેચ્છા)
મીઠાઇઓ નિર્જીવ છે. મોટા ભાગના સેમિનાર પણ નિર્જીવ હોય છે. મીઠાઇઓ ચર્ચા કરી શકતી નથી. એમ તો સેમિનારમાં ભાગ લેનારામાંથી ઘણા, મીઠાઇ ખાઇ શકે છે છતાં, ચર્ચા કરી શકતા નથી. મીઠાઇઓ મોંઘી હોય છે. સેમિનાર પણ મોંઘા પડે છે. બન્ને અમુક માપમાં મીઠાં લાગે, પણ તેમનો અતિરેક તબિયત બગાડે છે. બન્નેમાં ગુણવત્તા કરતાં નામનો મહિમા, બ્રાન્ડ નેમની બોલબાલા અને વરખનું માહત્મ્ય વધારે હોય છે. ઘણી વાર પ્રખ્યાત (એટલે કે મોંઘી) મીઠાઇઓ ચાખ્યા પછી અને પ્રખ્યાત વક્તાઓને સેમિનારમાં સાંભળ્યા પછી એવી લાગણી થાય કે આ લોકોમાં તેમની પ્રખ્યાતિને અનુરૂપ તો કશું નથી! બન્ને દ્વારા થતા દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર હોય છે. એટલે સમજુ લોકો દાવા પર ભરોસો કરવાને બદલે, યથાશક્તિ મીઠાઇનો નહીં તો પેકિંગનો અને સેમિનારનો નહીં તો નાસ્તાપાણીનો આનંદ માણે છે. કોઇની આપેલી (મફતિયા) મીઠાઇ અને કોઇના યોજેલા સેમિનારોમાં મહાલવાનું સારું લાગે છે, પણ બન્ને જાતે કરવામાં બહુ કડાકૂટ છે. તેમ છતાં, બન્ને ધંધામાં રોકડ કે અન્ય પ્રકારનો લાભ હોવાથી કંદોઇઓ અને આયોજકો તેનાથી કંટાળતા નથી.

આ બઘું તો બરાબર છે, પણ ધારો કે દિવાળી નિમિત્તે સજીધજીને શોકેસમાં બેઠેલી મીઠાઇઓ વચ્ચે એક સેમિનાર કે ચર્ચાસત્ર ફાટી નીકળે તો?
***
કાજુકતરીઃ હાય, એવરીબડી. ઊંઘો છો કે જાગો છો? મારી તો ઉંઘ ઉડી ગઇ છે.

મોહનથાળઃ કેમ? મીઠાઇઓની તપાસ માટે પણ લોકાયુક્ત નિમાવાનો ગવર્નરે હુકમ કાઢ્‌યો છે?

સોનપાપડીઃ ભાઇસાબ, આ મોહનભાઇ તો સારું કરે. ગમે તે વાતમાં પોલિટિક્સ લઇ આવે છે. પણ કાજુકતરી, તને શાની ચિંતા છે? તારા ઝીરો ફીગરની? તારું શરીર કતરીને બદલે રોલ જેવું ન થઇ જાય એની?

ઘારીઃ આપણું કામ ઊંઘવાનું નહીં, લોકોને ઘેનમાં ને મોજમાં રાખવાનું છે.

મોહનથાળઃ કેમ? તારી ભરતી માહિતી ખાતામાં થયેલી છે?

સોનપાપડીઃ પાછું પોલિટિક્સ?

મોહનથાળઃ પણ તું એમાં શાની આટલી અકળાય છે?

સોનપાપડીઃ ભાઇ, મને પોલિટિક્સનો બહુ ખરાબ અનુભવ છે. ચણાના લોટ ને ખાંડની ચાસણીના ગરમાગરમ પોલિટિક્સમાં જ મારી હાલત આવી તાર-તાર થઇ ગઇ છે. મારામાં ને પેલી બિચારી સુતરફેણીમાં ફક્ત આકારનો જ ફરક છે. હું લાગું ભલે નક્કર, પણ કોઇ સહેજ હાથમાં પકડે ત્યાં તો મારો ભાંગીને ભૂકો. હા, અમારામાંથી કેટલીક ‘અનુભવી’ (વાસી) થાય, પછી એ ઝડપથી ભાંગી પડતી નથી.

સુતરફેણીઃ પણ તારી નબળાઇની વાતમાં મારો દાખલો શું કામ આપે છે? હું સાવ તારા જેવી કાચીપોચી નથી. મને કોઇ સીધીસાદી ગણીને હાથમાં પકડવા જાય તો મારાં ગૂંચળામાં ક્યાંથી છેડો કાપવો, એની જ મોટા ભાગના લોકોને ખબર પડતી નથી. એટલે મને સહેલાઇથી ખાઇ જશે, એવું માનતા મોટા ભાગના લોકો મને ખાતી વખતે, તેમના મોંમાંથી બહાર નીકળતા અને તેમના હોઠે, મૂછોએ ચોંટતા મારા તાંતણાને લીધે હાસ્યાસ્પદ બની જાય છે. તેમને જોઇને કોઇને એવું જ લાગે કે આમને ખાતાં નહીં આવડતું હોય.

મોહનથાળઃ ટૂંકમાં, તું કોઇને સુખેથી ખાવા દેવામાં માનતી નથી. તો પછી હજુ સુધી ટીમ અન્નામાં કેમ જોડાઇ નથી? કરું કેજરીવાલને ફોન?

સુતરફેણીઃ ના. મને ‘બાઇટ’ આપતાં આવડતું નથી. એ કામ કાજુકતરીનું. દરેક પોતપોતાની ક્ષમતા-ઇચ્છા-ભૂખ-લોભ પ્રમાણે કાજુકતરી પાસેથી બાઇટ મેળવી શકે છે. એનું ગોઠવી દો.

કાજુ-અંજીર રોલઃ બાઇટ આપતાં તો મને પણ આવડે. મારો તો આકાર જ ટચુકડા માઇક્રોફોન જેવો છે.

મોહનથાળઃ પણ ભાઇ, ખાવા નહીં દેવાની લડાઇમાં તારા જેવો ગોળમટોળ જણ ન ચાલે. જરા સમજ. તારો ઉપયોગ બીજે ક્યાંક કરીશું.

કાજુ-અંજીર રોલઃ હું તમારા જેટલો રાજકીય નથી, પણ આ વાક્યનો અર્થ ન સમજું એટલો ડફોળ પણ નથી. ‘તમારો ઉપયોગ સંગઠનમાં કરીશું’ એવું પ્લાસ્ટિકની ચમચીનું આશ્વાસન ઇનામ મને નથી ખપતું.

મોહનથાળઃ ઓકે. તું દુઃખી ન થઇશ. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે. ત્યાં તને મોકલી આપીશું, બસ? ત્યાં તો ખાવાની એવી બોલબાલા છે કે હાથીના હાથી તેમનાં પૂંછડાં સહિત આખેઆખા નીકળી જાય છે.

બુંદી લાડુઃ મોહનભાઇ. તમે રાજકારણમાં માહેર ખરા, પણ આ બાબતમાં હું તમારી સાથે સંમત નથી. બહેનજીના રાજમાં કાજુઅંજીર રોલ બહુ નાનો પડે. ત્યાં તો હું જ ચાલું. તમને તો યાદ હશે. એક જમાનામાં ઉત્તર પ્રદેશ ભારતનું હૃદય ગણાતો હતો અને હું મીઠાઇઓની મહારાણી.

મોહનથાળઃ હા, પણ ત્યાર પછી ભારતે બાયપાસ કરાવી લીધી.

બુંદી લાડુઃ ગમે તે હોય, પણ હું કદી અપ્રસ્તુત બનવાની નથી. છિન્ન વિચ્છિન્ન ભારત માટે મારા જેવું એકતા અને અખંડિતતાનું પ્રતીક જડવું મુશ્કેલ છે. જુઓ, મારો દરેક દાણો પોતાની ઓળખ ગુમાવ્યા વિના કેવો અલગ દેખાય છે? છતાં, તેણે પોતાની ઓળખ છોડી, એટલે તેને બુંદી લાડુનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ડ્રાયફ્રુટ હલવોઃ બહેન, આ બધી વાતો ચિંતનની કોલમોમાં ચાલી જાય. વાસ્તવિક દુનિયામાં એનું કશું મહત્ત્વ નથી. તમારો યુગ હવે આથમી ગયો. જીડીપી ને ગ્રોથ રેટમાં મહાલતા ભારતીયોને બુંદી લાડુમાં નહીં, મુદ્દામાલથી છલકાતી ચીજોમાં જ રસ પડે છે. તમે એકતાનું પ્રતીક હશો, તો હું એકતા કપૂરનું પ્રતીક છું. અન્ડરસ્ટેન્ડ?

કાજુકતરીઃ આમ અંદરોઅંદર દલીલબાજી કરવાને બદલે આપણે સૌની સામેની ખતરા તરફ ઘ્યાન આપવું જોઇએ. આપણી સામેનો સૌથી મોટો આરોપ એ છે કે આપણે બધાં ભ્રષ્ટ છીએ.

બધી મીઠાઇઓ (સમુહમાં): એવું કોણ કહે છે? કોની મજાલ છે એવું કહેવાની? આપણામાંથી ઘણાને તિહાર જેલમાં જવાનું થયું હશે, પણ એ તો તહેવારના દિવસે. કોમનવેલ્થ ગેમ્સમાં આપણી સામેલગીરી હતી, પણ આપણી સામે હજુ સુધી આંગળી સરખી ચીંધાઇ નથી.

કાજુકતરીઃ આવું હું નથી કહેતી. મોટા ભાગના શાણા લોકો માને છે કે મોટા ભાગના નેતાઓની જેમ મોટા ભાગની મીઠાઇઓ પણ ભ્રષ્ટ- ભેળસેળવાળી હોય છે. કોઇ ઓછી ભેળસેળવાળી તો કોઇ વઘુ, પણ કોઇએ પોતાના મોભાનું ગુમાન રાખવા જેવું નથી. મારી પોતાની વાત કરું. મને એવું હતું કે હું એટલે નકરી કાજુની બનેલી. ભારતીયો જેનાથી અંજાઇ જાય એવી, એકદમ ઉજળી. મારા પર ચાંદીના વરખ, મારી લોકપ્રિયતાની તોલે કોઇ ન આવે...

મોહનથાળઃ પછી?

કાજુકતરીઃ એક માથાફરેલ ઓફિસરે લેબોરેટરીમાં મારો રીપોર્ટ કઢાવ્યો.

સોનપાપડીઃ હાય હાય! એમાં શું આવ્યું?

કાજુકતરીઃ એમાંથી ખબર પડી કે સફેદ એટલા કાજુ નહીં ને ચમકે એટલી ચાંદી નહીં. ત્યારથી મારી ઉંઘ ઉડી ગઇ છે. ‘આપણે શું? ભોગ ખાનારના!’ એવું આપણને વેચનારા માની શકે, પણ આપણે તો ઇમાન જેવું કંઇ હોય કે નહીં?

મોહનથાળઃ લાગે છે કે આપણે પણ અન્ના હજારેની સેવાઓ લેવી પડશે.

(અન્નાનું નામ સાંભળતાં જ મીઠાઇઓ માણસોની જેમ ભોળા ભાવે આનંદમાં આવીને કૂદાકૂદ કરી મૂકે છે અને સૌ સારાં વાનાં થશે એવી ખાતરી સાથે ફરી પોતપોતાની જગ્યાએ ચૂપચાપ ગોઠવાઇ જાય છે.)

Tuesday, October 25, 2011

દુનિયાને દઝાડે એવી યુરોપીની આર્થિક ‘હોળી’: કટોકટીનાં અસલી કારણ જુદાં છે?

પેચદાર ફેમિલી ડ્રામાના ક્લાઇમેક્સ જેવો માહોલ છે. એક તરફ સહિયારું ચલણ ધરાવતા યુરોપના ૧૭ દેશો-યુરો ઝોન-માંથી ગ્રીસની આર્થિક હાલત પતલી છે. તેને ડીફોલ્ટ-વાયદા મુજબનાં ચૂકવણાં કરી ન શકવાની સ્થિતિ- થી બચાવવા માટે અત્યાર સુધીમાં અબજો ડોલરની સહાય આપવામાં આવી છે. છતાં, તેનું દેવું એટલું મોટું (કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપીના ૧૬૦ ટકા) છે કે બે છેડા ભેગા થાય એમ નથી. યુરોઝોનના જર્મની જેવા સદ્ધર દેશ કે યુરોઝોનનું સહિયારું કટોકટી ભંડોળ ગ્રીસને મદદ કરે, તો તેની સામે ગ્રીસની સરકારને આકરી કરકસર સહિતની શરતો સ્વીકારવી પડે છે.

ગ્રીસની સરકાર કરકસરનાં કડક પગલાં અપનાવે, પગાર-પેન્શનમાં કાપ મૂકે, કરવેરા વધારી મૂકે, તેથી ગ્રીસની પ્રજા રોષે ભરાય છે. તે સડક પર ઉતરી આવે છે અને હવે તો હિંસક વિરોધ પ્રદર્શનો કરે છે. તેમને લાગે છે કે તેમના કોઇ વાંકગુના વિના, કરકસરના નામે તેમની પર જુલમ થઇ રહ્યો છે, તેમનું જીવનધોરણ તળીયે આવી રહ્યું છે, હાલાકી વધી પડી છે, આર્થિક સલામતી ખતમ થઇ ગઇ છે.

જર્મની જેવા ખમતીધર દેશની પ્રજાને અને કેટલાક નેતાઓને લાગે છે કે ગ્રીસ આ જ દાવનું છે. અર્થકારણ સાથે સંકળાયેલા ઘણા લોકો પણ એવું માને છે કે ગ્રીસે પોતાની સાચી આર્થિક સ્થિતિ છુપાવીને યુરોપિઅન યુનિયનમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાર પછી યુનિયનમાં હોવાના (ઓછા વ્યાજે મળતી લોન જેવા) ફાયદા મેળવીને ગજા બહારનો ખર્ચ કર્યો. આમ પોતાનાં કરતૂતોથી જ તે ડીફોલ્ટની ધારે આવીને ઊભું છે. ગ્રીસની સરકાર આડેધડ ખર્ચા કરતી હોય તેની કંિમત જર્મનીના લોકોએ શા માટે ચૂકવવી જોઇએ?

યુરોઝોનની બહારના દેશોને ચંિતા છે કે ગ્રીસ ડીફોલ્ટ કરશે તો તેની સીધી અસર ગ્રીસમાં રોકાણ કરનાર યુરોપની બેન્કો પર પડશે. એ બેન્કો નાણાંભીડમાં આવી પડશે. કદાચ તેમાંથી કેટલીકના અસ્તિત્ત્વ સામે પ્રશ્નાર્થ આવી જાય. નાણાંકીય રીતે કાચા દેશોમાં ગ્રીસ પછી (પોતપોતાનાં કારણોસર) પોર્ટુગલ, સ્પેન, ઇટાલી, આયર્લેન્ડ જેવા દેશો નંબર આવે છે. યુરોઝોનના દેશોની બેન્કો અને સમૃદ્ધ દેશોની પોતાની તિજોરીઓ નબળી પડે અથવા નબળા દેશોને ઉગારવામાં ઝડપથી ખાલી થવા લાગે, તો તેની અસર અમેરિકા સહિતના વિશ્વને પણ વરતાયા વિના ન રહે. સરવાળે માંડ ટળેલી વૈશ્વિક મંદીનાં વાદળાં ફરી પાછાં ઘેરાય.

આ પરિસ્થિતિમાંથી ઉકેલ કાઢવા માટે આર્થિક રીતે સક્ષમ એવા જી-૨૦ દેશોએ યુરોઝોનના સમૃદ્ધ દેશોને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. ફ્રાન્સ અને જર્મની જેવા સદ્ધર દેશો સહિત યુરોઝોનના દેશો વચ્ચે ગયા ગુરૂવારે થયેલી બેઠકમાં કટોકટીનો અંત કેવી રીતે આણવો તેનો આખરી નીવેડો આવી શક્યો નથી. એટલે હવે તે આ અઠવાડિયે ફરીથી મળીને, ગ્રીસ સહિત યુરોઝોનને ઊંડા કૂવામાંથી બહાર કાઢવાની વ્યૂહરચના ઘડી કાઢે એવી આશા છે.

ગ્રીસના માથે ગાળિયો?
ગ્રીસની અને તેના કારણે યુરોઝોનની આર્થિક અવદશા અંગે ઘણાખરા લોકો ગ્રીસની સરકારને પૂરેપૂરી દોષી માને છે, પરંતુ અભ્યાસીઓનો એક વર્ગ આ નિદાન સાથે સંમત નથી. તેમને લાગે છે કે ગ્રીસની સરકારે ગજા બહારના ખર્ચા કર્યા છે અને તેનાથી સ્થિતિ વણસવામાં મદદ મળી એ ખરૂં, પણ ગ્રીસની આર્થિક સમસ્યાનું મૂળ કારણ ઉડાઉગીરી નથી. અર્થશાસ્ત્રના ક્ષેત્રે પ્રદાન બદલ નોબેલ સન્માન મેળવનાર અમેરિકાના પોલ ક્રગમેને ભારપૂર્વક કહ્યું છે કે આ મામલો ખરેખર ગ્રીસની સરકારી બેજવાબદારીનો નહીં, પણ ‘કેપિટલ ઇનફ્‌લો’- દેશમાં ઠલવાતાં નાણાંના પ્રવાહની વધ-ઘટનો છે. ‘અત્યારના સંજોગોમાં આ કારણ સ્વીકારવાનું અઘરૂં લાગે, છતાં એ હકીકત છે’ એ મતલબની સ્પષ્ટતા પણ તેમણે કરી છે. પોતાના નિદાનના સમર્થનમાં તેમણે અર્થશાસ્ત્રી મેન્સોરીનાં બે લખાણ અને તેમાં રજૂ થયેલા આંકડા ટાંક્યા છે.

મેન્સોરીએ પોતાના બ્લોગ ‘ધ સ્ટ્રીટ લાઇટ’ પર બે હપ્તામાં યુરોઝોનની કટોકટીનાં અસલી કારણો પર, જરા જુદી રીતે પ્રકાશ પાડ્યો છે. તેમની પાયાની દલીલ એવી છે કે વર્તમાન કટોકટી જે કારણોથી અને જે નિર્ણયોના પરિણામે ઉદ્‌ભવી, તેની પર ગ્રીસ કે સ્પેન કે આર્યલેન્ડ જેવા ‘નબળા’ દેશોની સરકારોનો કોઇ કાબૂ ન હતો. ક્રગમેનની જેમ તેમણે પણ ‘કેપિટલ ઇનફ્‌લો’- બહારથી રોકાણ માટે આવતા નાણાપ્રવાહને મુખ્ય ‘વિલન’ ગણાવ્યો છે અને તેના આધારૂપ આંકડા આપ્યા છે.

તેમની દલીલ પ્રમાણે, ગ્રીસનો યુરોઝોનમાં સમાવેશ થયા પછી- એટલે કે પોતાનું નબળું ચલણ છોડીને ‘યુરો’નું સબળું ચલણ અપનાવ્યા પછી- ગ્રીસમાં રીઅલ એસ્ટેટથી માંડીને બીજાં ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વધારે ફાયદેમંદ બની જાય. એ કારણથી રોકાણકારોનાં નાણાંનો પ્રવાહ ગ્રીસ તરફ વળે. તેમાં ગ્રીસને લાભ છે. મેન્સોરીના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનો લાભ યુરોઝોનની તરફેણમાં ગણાવાતા મુખ્ય ફાયદામાંનો એક હતો.

પરંતુ આ જાતના નાણાંપ્રવાહની મુશ્કેલી એક જ છે અને તે નાની નથીઃ દેશનું અર્થતંત્ર અગાઉની જેમ જ ચાલતું હોય, તેમાં મોટી પડતી આવી ન હોય તો પણ, બહારથી ઠલવાતાં નાણાંનો પ્રવાહ, સંબંધિત દેશના કોઇ વાંકગુના વિના, રોકાણકારોનું વલણ બદલાવાને કારણે અચાનક બંધ પણ થઇ શકે. એવું થાય તો આવકમાં નોંધપાત્ર ઘટાડાને કારણે દેશમાં આર્થિક કટોકટી સર્જાવાની પૂરી શક્યતા રહે.

ગ્રીસના કિસ્સામાં એવું બન્યું હોવાનું મેન્સોરીને લાગે છે. એ માટે તેમણે યુરોઝોનના દેશોના બે પ્રકારના આંકડા આપ્યા છેઃ ૧) સરકારના ચોપડે બોલતું ફિસ્કલ બેલેન્સ (રાજકોષીય પરિસ્થિતિ), જેનો સીધો સંબંધ સરકારી વહીવટ સાથે છે અને તેની વધઘટનો સીધો દોષ સરકારે લેવો રહ્યો. ૨) કરન્ટ એકાઉન્ટ બેલેન્સ, જેમાં બહારના દેશોથી સ્વદેશમાં આવતાં-જમા થતાં નાણાંનો સમાવેશ થાય છે. એ રીતે તેનો સીધો સંબંધ આગળ જણાવેલા ‘કેશ ઇનફ્‌લો’ના પરિબળ સાથે છે અને તેની વધઘટ માટે સ્થાનિક સરકાર સીધી રીતે જવાબદાર હોતી નથી.

ગ્રીસને વર્ષ ૨૦૦૦માં યુરોઝોનમાં પ્રવેશ માટે લીલી ઝંડી મળી અને ૧ જાન્યુઆરી, ૨૦૦૧થી તે જોડાયું. મેન્સોરીએ ગ્રીસ સહિત બાકીના દેશોના પણ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૭ (વૈશ્વિક કડાકાભડાકા પહેલાં) સુધીના આંકડા ‘ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’- ટૂંકમાં ‘ઓઇસીડી’ના હવાલાથી આપ્યા છે. તેમાંથી જણાય છે કે ગ્રીસ, પોર્ટુગલ, ઇટાલી જેવા દેશોના અર્થતંત્રમાં જમા કરતાં ઉધારનું પલ્લું નમેલું જ હતું. ગ્રીસની વાત કરીએ તો સાત વર્ષના સમયગાળામાં તેનું સરેરાશ ‘ફિસ્કલ બેલેન્સ’ તેના કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપીની સરખામણીમાં માઇનસમાં ચાલતું હતું. (માઇનસ ૫.૪ ટકા) એવી જ રીતે પોર્ટુગલનું માઇનસ ૩.૭ ટકા અને સ્પેન-આયર્લેન્ડ તો માઇનસમાં નહીં, પણ મામૂલી પ્લસમાં (અનુક્રમે ૦.૩ ટકા અને ૧.૫ ટકા) હતાં.

ફિસ્કલ બેલેન્સની સરખામણીમાં કરન્ટ એકાઉન્ટ બેલેન્સની વાત કરીએ તો, ‘પિગ્સ’ તરીકે ઓળખાતા પાંચેય દેશોનાં ૨૦૦૦-૨૦૦૭ દરમિયાન સરેરાશ બેલેન્સ માઇનસમાં હતાં. પોર્ટુગલનું કરન્ટ એકાઉન્ટ બેલેન્સ તેના જીડીપીના માઇનસ ૯.૪ ટકા, ગ્રીસનું માઇનસ ૮.૪ ટકા, સ્પેનનું માઇનસ ૫.૮ ટકા...

આ બન્ને પરિબળોમાંથી આર્થિક બેહાલી સાથે કોનો સંબંધ ગાઢ? તેનો જવાબ પણ આંકડામાંથી મળી શકે છે. યુરોઝોનમાં સૌથી સદ્ધર હોય તો જર્મની. તેના આંકડા શું કહે છે? ફિસ્કલ બેલેન્સઃ માઇનસ ૨.૨. કરન્ટ એકાઉન્ટ બેલેન્સઃ ૩.૨ ટકા. (એટલે કે પ્લસમાં) હવે સૌથી ‘અદ્ધર’ દેશ ગ્રીસનો ચોપડો. ફિસ્કલ બેલેન્સઃ માઇનસ ૫.૪ ટકા. કરન્ટ એકાઉન્ટ બેલેન્સઃ માઇનસ ૮.૪ ટકા.

આગળના આંકડા આઠ વર્ષની સરેરાશના હતા, પણ મેન્સોરીએ દેશવાર અને વર્ષવાર થયેલી વધઘટ પણ રજૂ કરી છે. તેમની દલીલ છે કે ગ્રીસ સહિતના પિગ્સ દેશોએ યુરો અપનાવ્યા પછી શરૂઆતમાં તેમના કરન્ટ એકાઉન્ટ બેલેન્સનો ગ્રાફ ઓછેવત્તે અંશે ઊંચો ચડ્યો હતો, પણ પછી એકદમ પટકાયો છે, જેને કારણે તેમનાં અર્થતંત્રોને પણ આકરો માર પડ્યો છે.

જુદા જુદા દેશો દ્વારા થતા ખર્ચના આંકડા પણ તેમણે આપ્યા છે. ખર્ચ મુખ્ય બે પ્રકારનોઃ ૧) ઉપજાઉ, રોકાણ જેવા, લાંબા ગાળાની સુવિધાઓ ઉભા કરવામાં વપરાતી રકમ. ૨) કશી ઉપલબ્ધિ વગરનો ખર્ચ. મેન્સોરીએ સૂચવ્યું છે કે ગ્રીસ જેવા દેશો દેખીતી રીતે ઉડાઉગીરીના આરોપી ખરા. છતાં યુરો અપનાવ્યા પછી તેના દ્વારા થયેલા બન્ને પ્રકારના ખર્ચના આંકડા ઘ્યાનમાં લેતાં, તેની પરનો આરોપ ચર્ચા જેટલો ગંભીર લાગતો નથી.

સારરૂપે તેમણે ‘કેપિટલ ઇનફ્‌લો’ને મુખ્ય કારણ ગણાવીને કહ્યું છે કે આર્થિક કટોકટીમાં ગ્રીસ જેવા દેશોની સરકારી નીતિનો ફાળો હોવા છતાં, મુખ્યત્વે યુરોઝોનનું સર્જન થયું એ જ ઘડીથી આર્થિક કટોકટી માટેનાં પરિબળો પણ સર્જાઇ ગયાં હતાં. એટલું જ નહીં, એ કટોકટી સ્થાનિક સરકારોની સારી કે નરસી નીતિ હોવા છતાં, લગભગ અનિવાર્ય બની હતી. આ સ્થિતિ સાથે પનારો પાડવા માટે દેશનો પોતાના ચલણ પર કાબૂ હોવો જરૂરી છે, જે યુરોઝોનના સહિયારું ચલણ ધરાવતા દેશો માટે શક્ય નથી.

હવે શું થશે?
એક વાત નક્કી છેઃ ગ્રીસને ડીફોલ્ટમાં કરતું અટકાવવું એ યુરોઝોનના સમૃદ્ધ દેશો માટે ફક્ત પરોપકાર કે પરગજુપણાનો નહીં, પોતાના સ્વાર્થનો પણ મુદ્દો છે. (કારણ કે સમૃદ્ધ દેશોની સમૃદ્ધિ પણ ખાસ્સી હદે બીજા દેશો સાથેના વ્યાપારધંધા સાથે જોડાયેલી હોય છે.) એ માટે દેશો પોતપોતાના નાગરિકોને કેટલી હદે સમજાવી શકે છે અથવા તેમની સમક્ષ કેટલી હદે અળખામણા થઇને નિર્ણય લઇ શકે છે, તેની પર યુરોઝોનની આર્થિક કટોકટીના ઉકેલનો આધાર છે. સમૃદ્ધ દેશો ગ્રીસને લાંબા ગાળા માટે આર્થિક સહાય આપે, ગ્રીસે તેમને ચૂકવવાની થતી રકમમાંથી અમુક હિસ્સો માંડવાળ કરે, ગ્રીસ તથા યુરોઝોનમાં નબળી પડેલી બેન્કોની તિજોરીઓ નવેસરથી તર કરે- આ પ્રકારનાં પગલાંથી ગ્રીસની અને યુરોઝોનની કટોકટીનો અંત આવી શકે છે.

કેવળ અર્થશાસ્ત્ર કે ફક્ત રાજકીય ઇચ્છાશક્તિથી આ પરિસ્થિતિનો નીવેડો ન આવે તે બનવાજોગ છે, પણ બન્નેના યોગ્ય માત્રામાં પ્રયોગથી આર્થિક કટોકટીના અંતની દિશામાં નક્કર પગલાં ભરી શકાય છે.

Sunday, October 23, 2011

નાના ભાઇ (સરદાર પટેલ)ની સરખામણીમાં વિસરાઇ ગયેલા ભારતીય રાજકારણના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલ

Vitthalbhai Patel/ વિઠ્ઠલભાઇ પટેલઃ બેરિસ્ટરના અને બેરિસ્ટરી છોડ્યા પછીના લિબાસમાં

ખેડા-આણંદ જિલ્લાના કે તેના સંપર્કમાં ન હોય એવા ઘણા લોકોને વિઠ્ઠલભાઇ પટેલનું નામ અજાણ્યું લાગી શકે છે. એનો અર્થ એવો નથી કે ખેડા-આણંદના બધા લોકો તેમના વિશે જાણતા હોય. ત્યાંના ઘણાખરા લોકો માટે લાંબી દાઢીવાળા વિઠ્ઠલભાઇ પટેલનું બાવલું, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય કે વિઠ્ઠલ ઉદ્યોગનગર જાણીતાં હોવા છતાં, વિઠ્ઠલભાઇનો પરિચય કે પ્રતાપ અજાણ્યાં હોઇ શકે છે. ચરોતરમાં ‘પટેલ’ તરીકે વિઠ્ઠલભાઇ વિશે ગૌરવ લેવાનો ઉત્સાહ જોવા મળી જાય, તો પણ તેમના જીવનકાર્ય વિશેની યથાયોગ્ય માહિતીના અભાવને કારણે એવી શંકા જાય કે આ કોઇ સ્થાનિક મહત્ત્વ ધરાવતા ‘પટેલરત્ન’ હશે.

બે વર્ષ નાના ભાઇ વલ્લભભાઇના પાસપોર્ટ પર તે વિદેશ જઇને બેરિસ્ટર થઇ આવ્યા, એ વિઠ્ઠલભાઇ વિશેની સૌથી જાણીતી વાત છે. વઘુ જાણકારી-રસ ધરાવતા લોકો તેમને સરદારના મોટા ભાઇ ઉપરાંત આઝાદી પહેલાંની ઇમ્પીરિયલ લેજિસ્લેટીવ કાઉન્સિલ- કેન્દ્રિય ધારાસભા (આઝાદી પછીની સંસદ)ના પહેલા ભારતીય અઘ્યક્ષ તરીકે ઓળખે છે. ભગતસિંઘે અંગ્રેજ સરકારના ‘બહેરા કાન સુધી ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા’ કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ ફેંક્યો, ત્યારે એ ધારાસભાના અઘ્યક્ષની ખુરશી પર વિઠ્ઠલભાઇ પટેલ બિરાજમાન હતા. અંગ્રેજ શાસન સામેની તેમની લડતનો રસ્તો અને પદ્ધતિ ગાંધીજી કરતાં જુદાં હોવા છતાં, એકથી વઘુ વાર તે ગાંધીજી સાથે જોડાયા ને જેલમાં પણ ગયા હતા. પોતાની કાર્યપદ્ધતિ અંગે તેમણે કહ્યું હતું, ‘મને પ્રેમથી જીતતાં આવડતું નથી કે હું મહાત્મા પણ નથી. હું તો સામાને ગુંચવી, ઘેરી અને પછીથી હેરાન કરવાવાળો માણસ છું...સરકારને સુખેથી સુવા દેવી નહીં એ ધર્મમાં હું માનનારો છું.’

‘સરકારને સુખેથી સુવા નહીં દેવાના’ સંસદીય રાજકારણમાં તેમની સક્રિયતા અને તેમનું પ્રદાન તેમને મહાન સાંસદોની હરોળમાં મૂકે એવું છે. લાંબી બિમારી પછી ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું જીનીવા નજીકની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું, ત્યારે સુભાષચંદ્ર બોઝ તેમની પડખે હતા. મૃત્યુ પહેલાંનાં થોડાં અંતિમ વાક્યો તેમણે ભારતને વહેલું સ્વરાજ મળે, એવી મનોકામના વ્યક્ત કરી હતી.

સામાન્ય રીતે એવું બને કે કોઇ વ્યક્તિના પ્રદાન વિશે યોગ્ય નોંધ ન થઇ હોય, બે પૂંઠાં વચ્ચે તે સચવાયું ન હોય, એટલે ભાવિ પેઢી માટે તેમને યાદ કરવાનો કોઇ આધાર ન રહે. વિઠ્ઠલભાઇના કિસ્સામાં એવું પણ નથી. સરદાર પટેલની હયાતીમાં નરહરિ પરીખે લખેલા તેમના ચરિત્ર (જેનો બીજો ભાગ સરદારના મૃત્યુ પછી પ્રકાશિત થયો) પછી સરદારનું પૂર્ણ કદનું ચરિત્ર દાયકાઓ પછી રાજમોહન ગાંધીએ લખ્યું. તેની સરખામણીમાં વિઠ્ઠલભાઇ પટેલના સ્નેહી-સ્વજન ગોરધનભાઇ (જી.આઇ.) પટેલે છેક ૧૯૫૦માં (અંગ્રેજીમાં) બે ભાગમાં વિઠ્ઠલભાઇનું દળદાર ચરિત્ર આપ્યું હતું. વિઠ્ઠલભાઇના લગભગ ભક્ત કહી શકાય એવા એ ચરિત્રકારનાં કેટલાંક નિરીક્ષણ કે અવલોકનની તટસ્થતા ચર્ચાસ્પદ હોવા છતાં, ભારતીય નેતાઓનાં સૌથી દળદાર (આશરે ૧૩૦૦ પાનાં) અને સૌથી વિગતે લખાયેલાં ચરિત્રોમાં વિઠ્ઠલના ચરિત્રનો સમાવેશ કરવો પડે. ત્યાર પછી એચ.એમ.પટેલ જેવા અભ્યાસી અમલદાર-જાહેર જીવનના અગ્રણીએ ભારત સરકારના પ્રકાશન વિભાગ માટે વિઠ્ઠલભાઇની કામગીરી-કારકિર્દી આવરી લેતું પુસ્તક લખ્યું હતું.

વિઠ્ઠલભાઇની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી. પરંતુ રૂઢિચુસ્તતાના એ સમયમાં વિઠ્ઠલભાઇનું સામાજિક વલણ અને વિશાળ દૃષ્ટિ નોંધપાત્ર હતાં. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો. (જોકે એ પસાર થઇ શક્યો નહીં.)

‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો (અમુક સામાજિક અપવાદને બાદ કરતાં) એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઇએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી. એ માટેનો તેમણે કેન્દ્રિય ધારાસભામાં ખરડો રજૂ કર્યો. સરકારી પક્ષને આ સુધારા સામે વાંધો ન હતો, પણ વિઠ્ઠલભાઇના બીજા ઘણા દેશી સાથીદારોને આ ફેરફાર મંજૂર ન હતો. લોકોનો મત જાણવા માટે આ ખરડો જાહેર કરવામાં આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર સહિત બીજા ઘણા અગ્રણીઓએ તેને વધાવ્યો અને ટેકો આપ્યો. પરંતુ થોડા સમય પછી કોંગ્રેસ સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઇએ તેના આદેશથી રાજીનામું આપતાં એ ખરડા પરની કાર્યવાહી અટકી પડી.

વિઠ્ઠલભાઇની લડતનો માર્ગ બંધારણીય હતો, તેનો અર્થ એ નહીં કે તેમને વાતોનાં વડાં કરવામાં કે ઠરાવો-અરજીઓમાં જ રસ પડતો હતો. મિજાજે તે લડવૈયા હતા. ગોધરામાં પહેલી રાજકીય પરિષદ ભરાઇ, ત્યારે છેલ્લા દિવસે ઠક્કરબાપા-મામાસાહેબ ફડકેના પ્રયાસોથી દલિત મહોલ્લામાં સભા યોજાઇ હતી. તેનું શરમજનક-કરુણ વર્ણન કરતાં ઇંદુલાલ યાજ્ઞિકે લખ્યું છે કે પોતાના મહોલ્લામાં આવનારા મોટા બિનદલિત નેતાઓ અભડાઇ ન જાય એટલા માટે દલિતો પત્ની બાળકો સાથે છાપરે ચડી ગયા હતા. ઠક્કરબાપાની સમજાવટ પછી એ માંડ નીચે ઉતરીને સભામાં આવ્યા. ત્યાર પછીની પરિષદ નડિયાદમાં (૧૯૧૮માં) ભરાઇ ત્યારે ગાંધીજી બિમાર હતા. તેના પ્રમુખપદેથી વિઠ્ઠલભાઇએ ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકો રાખવાની સરકારને ભલામણ કરી હતી. ગોધરાની પરંપરા ચાલુ રાખીને નડિયાદમાં તેમણે દલિતોને સભામાં સામેલ કરવાનું નક્કી કર્યું. ગોધરામાં દલિત મહોલ્લામાં સભા ભરવામાં આવી હતી, પણ વિઠ્ઠલભાઇ એક ડગલું આગળ વઘ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકની નોંધ પ્રમાણે, નડિયાદમાં વિઠ્ઠલભાઇએ સભાના મુખ્ય મંડપમાં જ દલિતોની સભા કરી. ‘આ લોકોને ક્યાં ઘાલ્યા? મંડપ અભડાવી માર્યો’ એવી ટીકાઓથી ડગ્યા વિના તેમણે સફળતાથી સભા પાર પાડી. એ પરિષદમાં ઉઘરાવેલા ફાળામાંથી નડિયાદમાં દલિતો માટેની પહેલી શાળા મરીડા ભાગોળે શરૂ થઇ.

પિતા ઝવેરભાઇ પટેલનું અવસાન થયું ત્યારે તેમની પાછળ શ્રાદ્ધ વગેરે વિધિ માટે બીજા ભાઇ નરસિંહભાઇએ વિઠ્ઠલભાઇને પત્ર લખ્યો. મરણોત્તર ક્રિયાઓ અને શ્રાદ્ધ વગેરે વિધિઓને નકામી અને ખર્ચાળ ગણતા વિઠ્ઠલભાઇએ નરસિંહભાઇને પત્રમાં લખ્યું, ‘મારા કહેવા પ્રમાણે કરવાના હો તો જ હું આવીશ. વલ્લભભાઇ કદાચ તમારી વાત માનશે. તો પછી તમે તેમના કહેવા મુજબ કરજો...મને બોલાવવાની તમારી મરજી હોય તો તમે મારું કહ્યું ઍમાનવાના છો કે નહીં તે લખજો.’

‘પટેલ’ તરીકે વિઠ્ઠલભાઇ વિશે ગૌરવ લેવા આતુર લોકો માટે એક યાદગાર પ્રસંગ એચ.એમ.પટેલે નોંઘ્યો છે. તે લંડનમાં આઇ.સી.એસ.નો અભ્યાસ કરતા હતા ત્યારે (૧૯૨૭માં) વિઠ્ઠલભાઇ લંડન ગયા. તેમના માનમાં લંડનના ‘પટેલ વિદ્યાર્થીમંડળ’ તરફથી હોટેલ સેસિલમાં રીસેપ્શન- સ્વાગત મેળાવડો રાખવામાં આવ્યો હતો. તેનાથી હરખાવાને બદલે વિઠ્ઠલભાઇએ પોતાના પ્રવચનમાં ‘પટેલ વિદ્યાર્થીમંડળ’ને કહ્યું, ‘માદરેવતનથી છ હજાર માઇલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’

(આવતા સપ્તાહેઃ વિઠ્ઠલભાઇની રાજકીય નેતાગીરી-સાંસદ તરીકેની કારકિર્દી)

Friday, October 21, 2011

‘ઓરિજિનલી ફેક ન્યૂઝ’ : એકાદ મહિના પછી...

‘ફેક ન્યૂઝ ધેટ મેક સેન્સ’ (અતિશયોક્તિ દ્વારા અસલિયત ઉજાગર કરતા બનાવટી સમાચાર)- એવા ખ્યાલ સાથે શરૂ કરેલા અંગ્રેજી બ્લોગ http://faketake.blogspot.com વિશે અહીં જાણ કરી હતી. એક-સવા મહિના પછી એ બ્લોગ નિમિત્તે મળેલા અનુભવો-પ્રતિભાવો વિશે થોડી વાત કરવી છે.

faketake કે Originally Fake News જેવી ઓળખ આ બ્લોગનો વિચાર, સાચા સમાચારોની વિચિત્રતા-વિષમતા અને તેની સામે પેદા થતી ખીજમાંથી આવ્યો હતો. મારો જીવ મૂળે સમાચારનો નહીં. એમાં ઘણાખરા સમાચારો અથવા તેમાં રહેલો અર્ક ગંભીર ટીપ્પણીને બદલે ઠઠ્ઠાને લાયક વધારે લાગે. આ સમાચારો મોટે ભાગે રાષ્ટ્રિય હોય. એટલે ‘અંગ્રેજીમાં તેમની ફિલમ ઉતારીએ તો કેવું?’ એવો તુક્કો મનમાં આવ્યો. ઘણા વખત સુધી તેને મનમાંથી બહાર નીકળવાનો સમય આપ્યા છતાં, તે ગયો નહીં. એટલે ગયા મહિને છેવટે અંગ્રેજીમાં Originally Fake News નામથી બ્લોગ શરૂ કરી દીધો. (આ સ્વરૂપ પહેલી વાર દસ-બાર વર્ષ પહેલાં http://www.theonion.com/ જોઇ ત્યારથી મનમાં રહી ગયું હતું.)

પ્રશ્નો અનેક હતા. સૌથી મોટો પ્રશ્ન, દિલીપકુમારનો પ્રયોગ વાપરીને કહું તો, લખાણમાં ‘દાલભાતકી બૂ’ ન આવે એવા અંગ્રેજીનો હતો. અંગ્રેજી લખવાનો મહાવરો ઓછો. અંગ્રેજીમાં મસ્તી કરવાનો તો લગભગ નહીં. એટલે શરૂઆતની ત્રણ-ચાર પોસ્ટ લખ્યા પછી અંગ્રેજીના ‘કીડા’ (કે ‘કીડી’) કહેવાય એવાં થોડાં મિત્રોને એ લખાણ મોકલ્યું. આકાર પટેલ, દીપક સોલિયા, હેતલ દેસાઇ, (ડો.) હેમંત મોરપરિયા જેવા અંગ્રેજી વાચન-લેખનમાં રચ્યાપચ્યા મિત્રોએ લખાણ વાંચીને લીલી ઝંડી આપી (અને અમુક અંશે સુખદ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું-) એટલે આગળ લખવાની હિંમત થઇ. એક મહિનામાં 28 પોસ્ટ (ત્રણેક દિવસની ‘સિક લિવ’ને બાદ કરતાં લગભગ રોજની એક)નો સ્કોર એ સિવાય ન થઇ શક્યો હોત. હવે પછી મહિને 28 નહીં તો પણ 10-12-15 પોસ્ટની સરેરાશ જાળવી રાખવી એવો ખ્યાલ અત્યારે મનમાં છે. સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ સમયની તીવ્ર અછત.

થોડી પોસ્ટ લખ્યા પછી મિત્ર વિસ્પી (વિસ્તસ્પ) હોડીવાલાનો પ્રતિભાવ આવ્યો. ‘ફેસબુક’ પર આવવું જે થોડા મિત્રોને લીધે વસૂલ બલકે સાર્થક લાગે, એવા મિત્રોમાં વિસ્પીનો સમાવેશ થાય છે. તેમણે faketake વિશે અને તેની ભાષા વિશે રાજીપો વ્યક્ત કર્યો અને ક્યાંક ઇધરઉધર મામૂલી ભૂલ રહી જાય છે એવું ધ્યાન દોર્યું. એટલું જ નહીં, મારી વિનંતીને માન આપીને ઉલટભેર પરામર્શન-ભૂલસુધાર કરી આપવાનું સ્વીકાર્યું અને પાળી બતાવ્યું. ક્યારેક પોસ્ટ અપલોડ કર્યા પછી તો ક્યારેક એ પહેલાં જ, પણ વિસ્પીએ જે નિયમિતતાથી, ભાર વિના faketake માટે સમય આપ્યો છે તેમનાં નિષ્ઠા, પ્રેમ અને દોસ્તીને સલામ.

આશિષ કક્કડે સાવ શરૂઆતમાં કેટલાંક ઉપયોગી સૂચન અને પ્રતિભાવ આપ્યા હતા. તેમની સ્ટાઇલમાં હું ‘થેન્ક્યુ, થેન્ક્યુ’ તો કહી દઉં, પણ તેમનો જેવો રણકો ક્યાંથી લાવવો? ઓછું બોલવા માટે વધુ જાણીતા દિલ્હીનિવાસી પત્રકાર-મિત્ર આશિષ મહેતાએ પણ આ બ્લોગ નિમિત્તે બે વાર મેઇલ કરીને ઉત્સાહ વધાર્યો. faketake માટે લગભગ પ્રમાણપત્ર ગણી શકાય એવો પત્ર સલીલભાઇનો હતો. એ અંગ્રેજી પત્રમાં સલીલભાઇએ faketake જેવી જ હળવી શૈલીમાં લંબાણપૂર્વક પ્રતિભાવ આપ્યો અને દેરથી પણ દુરસ્ત આવવું એટલે શું, તે બતાવી આપ્યું.

આ મિત્રો સિવાય http://faketake.blogspot.com/ માં રસ લેનાર-પ્રતિભાવ આપનાર સૌનો આભાર તો ખરો, પણ આ વિદાયનોંધ નથી. ‘ફેકટેક’ હજુ આગળ અને વધારે ચલાવવાનો છું. એટલે આ પ્રકારની હ્યુમરમાં રસ ધરાવતા સૌ મિત્રો તેને બુકમાર્ક કરી રાખે અને અંગ્રેજી પોલિટિકલ સેટાયરમાં રસ ધરાવતા તેમના બીજા મિત્રોને પણ ‘ફેકટેક’થી પરિચિત કરાવે એવું ઇચ્છું છું. ‘ફેસબુક’ પર “Urvish Kothari FakeNews” નામે તેનું અલગ એકાઉન્ટ છે.

વ્યવહાર ખાતર નહીં, પણ faketake પ્રકારની હ્યુમરમાં રસ હોય એવા સૌ મિત્રો અને તેમના મિત્રોને એ એકાઉન્ટ પર ફ્રેન્ડ બનવા માટે આમંત્રણ છે.

Thursday, October 20, 2011

GISFના કર્મચારીઓનું સરકારી રાહે શોષણઃ નવ દિવસના ઉપવાસ આંદોલનની ઝલક

સામી દિવાળીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના 3000થી પણ વધારે કર્મચારીઓ માટે હોળી કે અગ્નિપરીક્ષા ચાલે છે. 11 ઓક્ટોબર, 2011થી GISFના હજાર-બારસો કર્મચારીઓ ગાંધીનગરના પથિકાશ્રમ (એસટી બસસ્ટેન્ડ) પાસે સામુહિક રીતે ઉપવાસ પર બેઠા છે અને બાકીના મોટા ભાગના કર્મચારીઓ પણ પોતપોતાના પોઇન્ટ છોડીને ઉપવાસ નહીં તો હડતાળ સ્વરૂપે આંદોલનમાં જોડાયા છે. આજે એવા સમાચાર પણ છે કે સરકારે હડતાળ પર પ્રતિબંધ જાહેર કરીને, આખો મામલો ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં મોકલ્યો છે.

       
‘વિકાસ’પ્રેમી નાગરિકોને ઉપવાસ-હડતાળ-આંદોલનની લગભગ એલર્જી હોય છે. (અન્ના હજારેના આંદોલનની વાત જુદી છે.) તેની પાછળ તથ્યનો અંશ હોય તો એટલો કે તેમની જાણકારી મોટે ભાગે ‘યુનિયનબાજી’ કે સંખ્યાબળના જોરે ગેરવાજબી માગણીઓ કબૂલાવવા માટે થતી હડતાળો પૂરતી મર્યાદિત છે. એમાં પણ GISF જેવું નામ આવે ત્યારે શંકા દૃઢ થાય કે અઢળક પગાર મેળવતા સરકારી કર્મચારીઓએ હજુ વધુ લાભો મેળવવા માટે હડતાળ-ઉપવાસનું હથિયાર ઉગામ્યું હશે.
        પરંતુ GISFના જવાનોના ઉપવાસની વાસ્તવિકતા સાવ જુદી અને કરુણ છે. સરદાર સરોવર ડેમ, ગુજરાતનાં બંદરો, ઔદ્યોગિક એકમો, સચિવાલય, સરકારી હોસ્પિટલો અને બીજાં અનેક મહત્ત્વનાં સરકારી સ્થળોની સુરક્ષા GISFના જવાનોની જવાબદારી છે. પરંતુ ‘રાજ્યની આંતરિક સુરક્ષા’ જેવા મહત્ત્વના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓ જે શરતોએ કામ કરે છે, તે જોતાં એવું લાગે જાણે સરકાર બેરહમ જમીનદાર છે ને GISFના કર્મચારીઓ તેના વેઠિયા મજૂર.
1)      GISFના કર્મચારીને 365 દિવસ ફરજ બજાવવી પડે છે. આખા વર્ષમાં એક પણ રજા નહીં. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની પણ નહીં. રજા પાડે એ દિવસનો પગાર કપાય. સ્ટાફમાં 25-30 બહેનો છે, તેમને પણ રજાની આ જ જોગવાઇઓ લાગુ પડે છે.
2)      પગાર પણ કેટલો? એક ઉપવાસી કર્મચારી કહે છે તેમ, મહિને રૂ.8 હજારના વાઉચર પર સહી કરવાની અને રૂ.5600 પગાર. પણ એટલી રકમ પૂરેપૂરી હાથમાં ન આવે. બધી કાપકૂપો થઇને તેમના હાથમાં મહિને માંડ રૂ.4600 જેટલી રકમ જ આવે.
3)   પગારમાંથી દર મહિને થતી કાપકૂપના નમૂનાઃ દર મહિને રૂ.300 વરદી (યુનિફોર્મ) માટે, રૂ.292 બોનસ વાર્ષિક બોનસ પેટે, રૂ.460 પ્રોવિડન્ટ ફંડના, રૂ.70 ઇએસઆઇના અને રૂ.30 ટેક્સ.  આ બધી કપાતો છતાં, છેલ્લાં ત્રણ વર્ષમાં કર્મચારીઓને બે વાર યુનિફોર્મ મળ્યાં છે (એટલે કે રૂ.10,800માં બે જોડ યુનિફોર્મ.) એટલે યુનિફોર્મ પેટે કપાતી રકમમાથી યુનિફોર્મ તૈયાર કરાવવામાં ખર્ચાયેલી રકમ સિવાયના રૂપિયા ક્યાં જાય છે, તે સંશોધન કે ધારણાનો વિષય છે. રૂપિયા કપાયા છતાં યુનિફોર્મ ન મળ્યો હોય અને પોતાના ખર્ચે યુનિફોર્મ સિવડાવીને ફરજ પર હાજર રહેવું પડ્યું હોય એવા પણ કિસ્સા છે.
4)      દર મહિને પગારમાંથી કપાઇને વર્ષે સામટું મળે તેને ‘બોનસ’ કહેવાય કે કેમ એ જુદો સવાલ છે, પણ બાર મહિનાની કપાતનો સરવાળો પણ તેમને ઘણી વાર પૂરેપૂરો મળતો નથી. એવી જ રીતે, પીએફ અને ઇએસઆઇ નિયમિત કપાય છે, પણ નિયમિત જમા થતાં નથી.

ખાનગી સિક્યોરિટી એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ માટે વર્ષ 2006માં રૂ.153.40નું દૈનિક લઘુતમ વેતન ઠરાવાયું હતું. તેમાં હજુ સુધારો થયો નથી. સરકારની દલીલ છે કે GISF માટે રચાયેલી ‘ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સોસાયટી’ સરકારી સંસ્થા નથી, માટે તેના કર્મચારીઓને સરકારી પગારધોરણ લાગુ પડે નહીં- અને ખાનગી સિક્યોરિટી એજન્સીના લઘુતમ વેતન દર પ્રમાણે તો GISFના કર્મચારીઓને વેતન મળી રહ્યું છે. સરકારની આ દલીલ અનેક કારણોસર ટકી શકે એમ નથી.
·       ગુજરાત સરકારના ગૃહસચિવ હોદ્દાની રૂએ GISF સોસાયટીના ચેરમેન બને છે. તેના સીઇઓ અજિત ગુપ્તા સહિત તેના ગવર્નિંગ બોડીના સાતે સભ્યોની નિમણૂંક ગુજરાત સરકાર દ્વારા થાય છે.
·         વર્ષ 2003માં ગુજરાત સરકારે આદેશ બહાર પાડ્યો હતો કે સરકારની તમામ કચેરીઓ GISF સિવાય બીજી કોઇ સલામતી સંસ્થાની સેવાઓ લઇ શકશે નહીં. એટલે કે તેમણે ફરજિયાતપણે GISFની જ સેવાઓ લેવાની રહેશે. સરકાર દ્વારા ચૂકવાતી ગ્રાન્ટમાંથી GISFના પગારની ચૂકવણી કરવાની રહેશે. સરકારની પૂર્વ પરવાનગી વિના GISFનું ગવર્નિંગ બોડી કોઇ નિર્ણય લઇ શકશે નહીં, એવું પણ ઠરાવાયું છે.

·         વર્ષ 2005માં મુખ્ય મંત્રીએ GISFનો લોકરક્ષક દળમાં સમાવેશ કરવાની વિનંતીના જવાબમાં ‘આ દળ સાથે સરકારને કશી લેવાદેવા નથી’ એવું કહ્યું ન હતું, પણ યોગ્ય કરવા અંગે સૂચના આપ્યાનું લેખિતમાં જણાવ્યું હતું.

·      આંદોલનકારીઓના જણાવ્યા પ્રમાણે, 15 ફેબ્રુઆરી, 2010ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રીએ વડાપ્રધાનને લખેલા એક પત્રમાં GISFને ગુજરાતની આંતરિક સુરક્ષાનું મહત્ત્વનું અગ ગણાવ્યું હતું.
1997માં શંકરસિંહ વાઘેલા સરકારે બેકારીનિવારણ કાર્યક્રમ તરીકે અને રાજ્યનાં એકમોની સુરક્ષા માટે ખાસ દળ રચવાના હેતુથી GISFની સ્થાપના કરી. સરકારી રાહે તેમાં સુરક્ષા કર્મચારીઓની ભરતી કરવામાં આવી. પરંતુ સરકારી પગારધોરણનો વાયદો પાળવામાં આવ્યો નહીં. હવે વિપક્ષી નેતા તરીકે શંકરસિંહે ઉપવાસી જવાનોની મુલાકાત લઇને, પોતાના પક્ષની સત્તા આવે તો યથાયોગ્ય કરવાનું વચન આપ્યું છે. પરંતુ હવે વર્તમાન સરકારે GISFના જવાનો સામે જડ વલણ અપનાવ્યું છે.
        યોગ્ય રજૂઆતો અને પૂર્વસૂચનાઓ પછી પણ કશી અસર ન થતાં 11 ઓક્ટોબરની સાંજથી GISF સોસાયટીના કર્મચારી યુનિયને ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ GFTU સાથે મળીને ઉપવાસ-આંદોલનનો પ્રારંભ કર્યો છે. (સચિવાલય જેવી કેટલીક જગ્યાએ GISFના કર્મચારીઓ હજુ હડતાળમાં જોડાયા નથી.) GFTU તરફથી સેક્રેટરી અમરીશ પટેલ અને જિજ્ઞેશ મેવાણી સવારથી રાત સુધી ઉપવાસના સ્થળે તહેનાત છે. અસાધારણ ગરમ વાતાવરણમાં નવ દિવસના ઉપવાસ દરમિયાન સોથી પણ વધુ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ઉપવાસનું સ્થળ લગભગ સતત 108ની સાયરનોથી ગુંજતું રહે છે. કોઇ જવાન બેહોશ થાય અને તેમને હોસ્પિટલે લઇ જવા માટે 108 આવે એટલે નવેસરની જુસ્સાદાર નારાબાજી ગાજી ઉઠે છે. ત્યાં બેઠેલા હજાર-દોઢ હજાર લોકોમાંથી મોટા ભાગના 25 થી 45ની વચ્ચેના લાગે. અત્યાર સુધી ઘરથી દૂરના સ્થળે બદલીથી માંડીને, પોતાની જ સંસ્થામાં નોકરી ચાલુ રાખવા માટે આપવી પડતી નાની-મોટી લાંચ, હપ્તા જેવી મુશ્કેલીઓ-અન્યાયો વેઠનારા જવાનો હવે આંદોલને ચડ્યા છે. આંદોલન શરૂ થતાં પહેલાં ગૃહ સચિવ સાથેની મુલાકાત દરમિયાન, તેમને એવું આશ્વાસન મળ્યું કે ‘આવનારા 60 દિવસોમાં કંઇક પોઝિટિવ કરવા તૈયાર છીએ.’ પરંતુ ‘કંઇક પોઝિટિવ’નું નામ પાડવા સરકાર તૈયાર ન હતી. એટલે આંદોલનનો આરંભ થયો.
       




ઉપવાસ આંદોલન સંકેલવા માટેની તેમની માગણીઓ સાવ પાયાની છે. જેમ કે, યથાયોગ્ય રજાઓ- મહિલા કર્મચારીઓ માટે પ્રસુતિની રજાઓ, દર મહિને પગારમાંથી યુનિફોર્મ અને બોનસની રકમ ન કપાય,  કર્મચારીઓને પૂરેપૂરું બોનસ ચૂકવવામાં આવે અને તેમને ફરજ પર અસલ જગ્યાએ પાછા લેવામાં આવે. GISFના જવાનોના આંદોલનના નિવૃત્ત લશ્કરી જવાનો તરફથી પણ ટેકો મળ્યો છે. તેમના આંદોલનથી રેઢી પડેલી સરદાર સરોવર ડેમ જેવી મહત્ત્વની જગ્યાએ સરકારે અત્યારે એસઆરપીને લગાડી દીધા છે. ગઇ કાલે સરકારે હડતાળને ગેરકાયદે ઠેરવી હતી અને સોસાયટીના વહીવટી અધિકારીએ અખબારી યાદીમાં જાહેર કર્યું હતું કે ‘(જવાનોના) પ્રશ્નો બાબતે ચોક્કસ સમય મર્યાદામાં કાર્યવાહી કરાશે તેમ નક્કી કરાયા છતાં GISFના જવાનો મનસ્વી રીતે ફરજ પરથી ચાલી જવાની પ્રવૃત્તિ અને અન્ય સોસાયટીના સભ્યોને ફરજ છોડવા માટે અને ફરજ પરથી દૂર રાખવા માટે પ્રયત્નોના અનુસંધાને નિયમોનુસાર વિવાદને ઔદ્યોગિક ન્યાય પંચને ન્યાય માટે મોકલતાં પંચે હડતાળ પર પ્રતિબંધ મૂકેલ છે.’
        નેતાઓની સુરક્ષા પાછળ લાખો રૂપિયાના ધુમાડા કરતી સરકાર રાજ્યની સુરક્ષા કરનારા કર્મચારીઓ અંગે કેવું બેદરકાર, બાબુશાહી અને અમાનવીય વલણ લઇ શકે છે અને સીધી રીતે ધ્યાન દોર્યા પછી પણ શોષણ બંધ કરતી નથી, તેનું આ વરવું ઉદાહરણ છે. જે માગણીઓ સરકાર- GISF સોસાયટી સીધેસીધી સ્વીકારી શકે એમ હતાં, તે માગણીઓ માટે હવે કર્મચારીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં લડવાનું રહેશે, એવું અર્થઘટન સરકારી જાહેરાતનું થઇ શકે.
        દરમિયાન, હજુ સુધી આંદોલનકારીઓ પાસે સરકારની નોટિસ પહોંચી નથી. એટલે તેમનું આંદોલન ચાલુ છે અને તેમાં આગળ શું કરવું તેનો સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે.

Wednesday, October 19, 2011

હમ ભી ખડે હૈં રાહોંમેં

સૂતેલાનું નસીબ સૂતું રહે ને બેઠેલાંનું બેઠું, એવું વર્ષો પહેલાં સુભાષિતમાં આવતું હતું. પરંતુ તેમાં ઊભેલા લોકો વિશે ચોખવટ કરવામાં આવી ન હતી. ભારતવર્ષમાં સૂતેલા અને બેઠેલા લોકોની સરખામણીમાં ઊભેલા (મુસાફરી દરમિયાન ઊભા રહેનારા) લોકોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલે જ કદાચ તેમને લોકશાહીની ઉજ્જવળ પરંપરા પ્રમાણે નજરઅંદાજ કરાયા હશે.

ટ્રેનમાં કે બસમાં મુસાફરી દરમિયાન ઊભા રહેવું એ કેવી સ્થિતિ છે? આ સવાલના જવાબનો આધાર જવાબ આપનારામાં રહેલી આઘ્યાત્મિકતા, દાર્શનિકતા, ચિતનપ્રિયતા કે વિચારજડતા પર નિર્ભર છે. એક પ્રચલિત ખ્યાલ પ્રમાણે, ઊભા રહેવું એ મજબૂરી સૂચવે છે અને ઊભા રહેનારને દયાને પાત્ર ગણવામાં આવે છે. તેના માટે અપાતું કારણ એવું છે કે ‘માણસને બેસવાની જગ્યા ન મળી, ત્યારે એને ઊભા રહેવાનો વારો આવ્યો ને!’

પરંતુ રોજ અવરજવર કરનારા ઘણા લોકોને આ માન્યતા પાછળ રહેલી વૈચારિક ગરીબી પર, ઊભાં ઊભાં, દયા છૂટે છે. સમાજનો નોંધપાત્ર વર્ગ ઊભા રહેવાનું માહત્મ્ય સમજી શક્યો નથી, એ બદલ તેમને પારાવાર અફસોસ થાય છે અને ક્યારેક તો ‘આ સમાજ કેવી રીતે આગળ આવશે?’ એવાં વચનો પણ તપમગ્ન અવસ્થામાં- એટલે કે ઊભાં ઊભાં- તેમના મુખેથી નીકળી જાય છે.

કારણ? તેમના માટે ઊભા રહેવું એ તપ છે, સિદ્ધિ છે, હક છે. શોખ, શક્તિ અને શાન છે. ગૌરવ ને ગરીમા છે. ઓળખ ને અસ્મિતા છે. ઊભા રહેવું એ તેમના માટે અધિકાર છે ને કર્તવ્ય પણ. આવા લોકોને કોઇ માણસ બેસવાની જગ્યા આપવાની વાત કરે તો, લાંચની દરખાસ્તથી છેડાઇ જતા પ્રામાણિક અફસરની જેમ, તે ખળભળી ઊઠે છે. પોતાના ઊભા રહેવાના હક પર તરાપ વાગી હોય અથવા પોતાની ઊભા રહેવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોય, એવો અપમાનબોધ તેમને થાય છે.

પોતાના રોષ પર માંડ કાબૂ રાખતાં એ જગ્યા આપનારને કહે છે, ‘ના રે. આપણા ક્યાં ભાંગી પડ્યા છે? એવું તે કેવું પોપલાપણું કે અડધો કલાક-કલાક ઊભા ન રહેવાય? આમ ને આમ જ લોકોનાં હાડકાં હરામ થઇ જાય છે ને દેશ આગળ આવતો નથી.’ આમ કહીને પોતાના ગહન રાષ્ટ્રચિતનની યોગ્ય નોંધ લેવાઇ કે નહીં, એ જોવા માટે તે આજુબાજુ નજર ફેરવે છે. પરંતુ બેસવા જેવી હીન ક્રિયામાં રત લોકો આવાં સોનેરી વચન ઝીલવાની પાત્રતા ક્યાંથી લાવે? તેમનો સમય મુખ્યત્વે ઊંઘવામાં, પત્તાં રમવામાં, બારીની બહાર જોવામાં, અળાસાવામાં કે ડાફોળિયાં મારવા જેવી વ્યર્થ ક્રિયાઓમાં વેડફાતો હોય છે. આવી ક્ષુલ્લક ક્રિયાઓ કરવા માટે બેઠક હાંસલ કરવા તેમણે કેટલાં વાનાં કર્યાં હશે, એ વિચારે ઊભા રહેલા જ્ઞાનીજનોના અંતરમાં કરુણા ઉભરાય છે.

ઊભા રહેવાના આગ્રહી લોકોને મન બેસવું એ શબ્દાર્થમાં જ નહીં, ઘ્વન્યાર્થમાં પણ અધઃપતન છે. બીજા અનેક દેશબાંધવો-ભગિનીઓ ઊભાં હોય ત્યારે પોતે એકલા બેઠા રહેવું એ તેમને લગભગ દેશદ્રોહ સમકક્ષ અને લોકવિરોધી કૃત્ય લાગે છે. ‘જગ્યા મળી નથી કે ધબાક દઇને પોદળાની માફક પડ્યા નથી! એવી તે કેવી વૃત્તિ? આટલા બધા ઊભા છે, તો તમને પણ ઊભા રહેતાં શું થાય છે?’ એવો પુણ્યપ્રકોપ તેમના મનમાં ફુંફાડા મારે છે. પરંતુ તેની પાછળ લહેરાતાં, બેઠેલાઓ પ્રત્યેની અનુકંપાનાં મોજાં ઝટ કળી શકાતાં નથી.

‘ઊભા રહેવું એ મારો મુસાફરીસિદ્ધ અધિકાર છે’ એવું માનનારા કેટલાક લોકો ત્રણની બેઠક પર ચોથા કે પાંચમા જણ તરીકે બેસવા માટેની ઝુંબેશ આદરે, ત્યારે બેઠેલાને તેમાં દુરાગ્રહ કે દુષ્ટતા કે દાદાગીરીનાં દર્શન થાય છે. તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? બાકી, અગવડપૂર્વક બેસવા માટે તકરાર કરતો માણસ હકીકતે આરામથી - ‘પહોળા થઇને’- બેઠેલા લોકોના પાપમાં ભાગીદાર થવા ઇચ્છે છે. કમનસીબે, બેઠેલા લોકોનાં અંતરદ્વાર બંધ હોવાથી, તેમને આવો વિચાર આવતો નથી અને આખી ઘટનાને તે ‘અપડાઉનિયાઓની લુખ્ખાગીરી’ જેવું દુન્યવી નામ આપે છે.

આનાથી ઊલટું પણ ક્યારેક બને છે. મહાભારતના ધર્મ-અધર્મવાળા પેલા વિખ્યાત શ્વ્લોકની જેમ, કેટલાક મુસાફરો બેઠેલા હોય છે, પણ આમ કરીને પોતે અધઃપતન વહોર્યું છે એ તે જાણે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા અને બીજા થોડા લોકોને પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એ પોતાની જગ્યા પર થોડા સંકોચાય છે અને ઇઝરાઇલના નકશામાંથી ગાઝા પટ્ટી જેટલી જગ્યા કાઢીને ઊભેલા કોઇ જણને ઇશારાથી નિમંત્રે છે. ઊભો રહેલો માણસ પોતાના તપથી અજાણ હોય તો તે આ તક ઝડપી લે છે અને પાંચ-દસ મિનીટ પછી ‘આના કરતાં તો ઊભાં ઊભાં સારું હતું, પણ સામેથી બોલાવીને જગ્યા આપી, એટલે હવે ઊભા પણ શી રીતે થઇ જવાય? ખરાબ ન લાગે?’ એવું વિચારીને કોચવાયા કરે છે. તેમની સરખામણીમાં, ઊભા રહેવાના મામલે યોગી અવસ્થાએ પહોંચી ચૂકેલા લોકો આવાં પ્રલોભનોથી ચળતા નથી. આછું હસીને અને ગાઝાપટ્ટીના ભવિષ્યની આગોતરી કલ્પના કરીને તે સાંકડમાંકડ બેસવાનો પ્રસ્તાવ, એકાદ સારું બહાનું કાઢીને, ઠુકરાવે છે.

મુસાફરીમાં ઊભા રહેવાનો આટલો મહિમા જાણીને ઘણાને નવાઇ લાગી શકે છે. ઊચ્ચ ભૂમિકા ધરાવતી ઘણીખરી વાતો વ્યવહારુ દુનિયાનાં લોકોને પચાવવી અઘરી પડે છે. મોટા ભાગના લોકોએ જગ્યા માટે ઝઘડાઝઘડી થતી જોઇ હોય, એટલે ઊભા રહેવાના મહત્ત્વથી તે અજાણ રહી ગયાં હોય એવું પણ બને. ઊભા રહેવું અને ત્યાર પછી પણ આનંદમાં રહેવું તે એક કળા અને સિદ્ધિ છે. ગીતાની પરિભાષા જ માફક આવતી હોય એવા લોકો તેને ‘યોગ’ પણ ગણી શકે. એ દૃષ્ટિએ, બેસવાની જગ્યા મળવા છતાં, ‘આપણને ઊભા ઊભા વધારે ફાવશે’ અથવા ‘કલ્લાક માટે કોણ બેસે?’ એવાં વચનો ઉચ્ચારનારને ‘હઠયોગી’નો દરજ્જો આપી શકાય.

ઊભા રહેવાના સમર્થકો અઘ્યાત્મની રાહે વિવેકાનંદ-વચન ટાંકીને કહી શકે છે, ‘સ્વામીજીએ શું કહ્યું હતું? જરા યાદ કરો. તે ઊભા રહેવાને બદલે બેસવાની તરફેણમાં હોત તો એમણે કહ્યું હોત કે ‘જાગો, બેસો અને ઘ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મચી પડો. પણ એમણે તો ઊઠવાની એટલે કે ઊભા થવાની વાત કરી.’ નવા જમાનામાં ઘરે કે જિમમાં કસરત પાછળ હજારો રૂપિયા ખર્ચનારા લોકો પણ મુસાફરીમાં ઊભા રહેવા જેવી સીધીસાદી છતાં અસરકારક કસરતને બદલે ‘બેઠાડુ જીવનશૈલી’ પસંદ કરે છે. સરકાર લોકોની સુખાકારી અને તંદુરસ્તી ઇચ્છતી હોય તો તેણે, રેલવેની સાવ શરૂઆતના ગાળાની જેમ, બધા ડબ્બામાંથી બેઠકો કાઢી નાખવી જોઇએ અને કેવળ ઊભા રહેતી વખતે પકડવાના ટેકા જ રાખવા જોઇએ. ફક્ત ટ્રેનોમાં કે બસોમાં જ શા માટે, વિમાનોમાં પણ આ પ્રથાની શરૂઆત તરીકે ઊભ્ભડ મુસાફરોને જગ્યા પ્રમાણે લેવા જોઇએ. વિમાનમાં બેસનારા એ વાતે સંમત થશે કે એ મુસાફરીમાં અમુક સમય પછી, બેસી રહેવા કરતાં ઊભા રહેવાનું વધારે આરામદાયક લાગી શકે છે અને બીજું કંઇ ન થાય તો પણ, ઊભા રહેવાના ‘તપ’નું પુણ્ય તો ખાતામાં ટીપે ટીપે જમા થતું રહે છે.

કંઇ પણ કર્યા વિના કેવળ ઊભા રહેવાથી પુણ્ય મળતું હોય, છતાં લોકો મોહાંધ થઇને બેસવા માટે પડાપડી કરે એનું નામ તો હળાહળ કળિયુગ.

Tuesday, October 18, 2011

દિવાળીટાણે યુરોપના દેશોમાં ‘હોળી’ : સહિયારા ચલણની સજા?

છેલ્લાં બે-એક વર્ષથી ગ્રીસની સરકાર ‘આજે ડીફોલ્ટ કરશે કે કાલે?’ એવી ચિંતાભરી અટકળો થઇ રહી છે. આર્થિક પરિભાષામાં ‘ડીફોલ્ટ’ એટલે કરાર કે વાયદા મુજબનું ચૂકવણું કરવામાં થતી ચૂક. સરકારી તંત્રની પરિભાષામાં ‘કસૂર’.
સવાલ એ થાય કે ગ્રીસ ‘ડીફોલ્ટ’ કરે એમાં આપણે કેટલા ટકા?

જવાબમાં ચોક્કસ ટકાવારી આપવી તો મુશ્કેલ છે, પણ વૈશ્વિકીકરણ પછીની દુનિયામાં એકબીજા દેશનાં હિતો, અને ખાસ કરીને અહિતો, અગાઉ કરતાં ઘણાં વધારે સંકળાયેલાં બન્યાં છે. ગ્રીસ ‘ડીફોલ્ટ’ કરે એટલે ‘યુરો’નું સહિયારું ચલણ ધરાવતા બીજા ૧૬ દેશો પર, તેમની બેન્કો પર ખરાબ અસર પડે. એક ભાંગેલા દેશમાં જેટલી બેન્કોનું રોકાણ કે ધીરાણ હોય, તેમને પણ રાતા પાણીએ રોવાનો વારો આવે અથવા લાંબા સમય માટે તેમનાં નાણાં સલવાઇ જાય. રોકાણકારોના વિશ્વાસ ડગમગી જાય. એમાં પણ નબળી સ્થિતિ ધરાવતા અને તૂટું તૂટું થઇ રહેલા બીજા ત્રણ-ચાર દેશો આ બોજ ખમી શકે કે કેમ એ સવાલ.

‘યુરો’નું સહિયારું ચલણ ધરાવતા દેશોનાં અર્થતંત્રો ફટકો ખાય, તો આર્થિક કટોકટીમાંથી બહાર આવવા ફાંફાં મારતા અમેરિકા પર તેની અસર પડે, જે સરવાળે વૈશ્વિક મંદીમાં રૂપાંતર પામે. આવી ‘ડોમિનો ઇફેક્ટ’ અથવા નવજોત સિદ્ધુના શબ્દોમાં કહીએ તો ‘બાઇસિકલ સ્ટેન્ડ ઇફેક્ટ’- લાઇનબંધ ગોઠવાયેલી સાયકલોમાંથી એક પડે એટલે બાકીની બધી ધડડઘૂમ થાય- ચિંતાનો મુખ્ય વિષય છે.

ગ્રીસ સહિત યુરોપના કેટલાક દેશોની આર્થિક કટોકટી સંબંધે અનેક મત-મતાંતરો પ્રવર્તે છે. રોગની ગંભીરતા એવી છે કે તેના માટે કોઇ એક નિદાન, કોઇ એક ચિકિત્સા કે કોઇ એક જ ‘તબીબ’નો અભિપ્રાય આખરી ગણી શકાય નહીં. રોગનાં વિવિધ લક્ષણો અને તેનાં કારણો-નિવારણો વિશે જુદા જુદા અભ્યાસીઓના અભિપ્રાય જાણવાથી, પરિસ્થિતિનો થોડોઘણો ખ્યાલ આવી શકે છે.

યુરો, યુરોઝોન અને યુરોપીઅન યુનિયન
સામાન્ય ઉલ્લેખોમાં યુરો, યુરો ઝોન અને યુરોપીઅન યુનિયન જેવા પ્રયોગો એકબીજાની અવેજીમાં વપરાતા જોવા મળે છે. (જેમ કે, ‘યુરો-કટોકટી’) પ્રાથમિક સ્પષ્ટતા એટલી કે ગ્રીસના ડીફોલ્ટ અને સ્પેન-પોર્ટુગલ જેવા દેશોની ખરાબ આર્થિક હાલતને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને, તેમના સહિયારા ચલણ ‘યુરો’ની મજબૂતી સાથે ઝાઝી લેવાદેવા નથી.

યુરોપીઅન યુનિયન એટલે યુરોપના હાલમાં ૨૭ દેશોનો સમુહ, જે ૧૯૯૩માં ૧૫ દેશોના સમુહ તરીકે અસ્તિત્ત્વમાં આવ્યો હતો. તેમાંથી ૧૧ દેશોએ ૧ જાન્યુઆરી, ૧૯૯૯થી ‘યુરો’ તરીકે ઓળખાતું સહિયારું ચલણ અપનાવવાની શરૂઆત કરી અને ત્રણ વર્ષમાં તેમણે પોતપોતાના જૂના ચલણને સંપૂર્ણપણે વિદાય આપી. હાલમાં ‘યુરો’નું ચલણ ધરાવતા ૧૭ દેશ છે, જેમનો સમુહ દેશો ‘યુરો ઝોન’ તરીકે ઓળખાય છે. બ્રિટને ‘યુરો’સ્વીકારવાને બદલે પાઉન્ડનું ચલણ ચાલુ રાખ્યું હોવાથી, તેનો સમાવેશ ‘યુરો ઝોન’માં થતો નથી.

સમસ્ત યુરોઝોનમાં સૌથી સમૃદ્ધ દેશ જર્મની છે અને સૌથી દેવાળિયો ગ્રીસ. ‘સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ’ના ક્રેડિટ રેટિંગપ્રમાણે જર્મનીનું રેટિંગસર્વોચ્ચ - ‘ટ્રીપલ એ’- છે (જે હવે અમેરિકાનું પણ નથી). સામે પક્ષે ગ્રીસનું ક્રેડિટ રેટિંગ ‘ટ્રીપલ સી માઇનસ’ છે. ક્રેડિટની દૃષ્ટિએ ભરોસાપાત્રતાના ક્રમમાં કુલ ૧૨૬ દેશોની યાદીમાં ગ્રીસનો નંબર છેલ્લો છે.

પોતપોતાનાં અલગ ચલણ અને તેની સાથે સંકળાયેલી સ્વતંત્રતાઓ ધરાવતા દેશોએ સહિયારું ચલણ શા માટે, કઇ ગણતરીએ અપનાવ્યું? તેના માટે અપાતાં કેટલાંક મુખ્ય કારણોઃ યુરોઝોનના દેશોનું બજાર એક થઇ જાય (આર્થિક એકત્વ), જુદા જુદા દેશોનાં વિવિધ ચલણને કારણે ઊભી થતી વિનિમય દરની ખટપટો ટળી જાય, આખા યુરોઝોનમાં ચીજવસ્તુઓના ભાવમાં પારદર્શકતા આવે, બધા દેશોનું ચલણ સહિયારું થતાં, પ્રમાણમાં નબળા દેશોને ‘યુરો’ની મજબૂતીનો લાભ મળે, ઓછા દરે -એટલે કે જર્મની જેવા સમૃદ્ધ દેશોને મળતું હોય એટલા દરે-બજારમાંથી ધીરાણ મળે...

આ બધી ઊજળી શક્યતાઓ સામે જોખમો પણ ઓછાં ન હતાં. યુરોઝોનના દરેક દેશની આર્થિક સ્થિતિ અને સદ્ધરતાં જુદાં જુદાં હોય. એવા દેશોનાં અર્થતંત્રને સાંકળવાથી, એક જ ગાડે ઘોડો, ગધેડો, બકરી ને ઊંટ જોડવા જેવી સ્થિતિ ન થાય? આ સંભાવના નિવારવા માટે યુરોઝોનમાં સભ્યપદ માટેના કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા. જેમ કે, યુરોઝોનમાં જોડાવા ઇચ્છનાર દેશની વાર્ષિક ખાધ તેના કુલ ઘરેલુ ઉત્પાદન/જીડીપીના ૩ ટકા કરતાં વધારે ન હોવી જોઇએ. તે દેશનું દેવું તેના જીડીપીના ૬૦ ટકાથી વઘુ ન હોવું જોઇએ. સાદી ભાષામાં કહીએ તો, દેશનું દેવું અને તેના વાર્ષિક સરવૈયામાં જાવકની સામે પડતી આવકની ઘટ માપમાં-અંકુશમાં હોવી જોઇએ. તો જ એ દેશને યુરોઝોનમાં પ્રવેશ અને ‘યુરો’ના સહિયારા ચલણથી થનારા લાભ મળે.

યુરોઝોનમાં પ્રવેશ માટે કડક નિયમો એટલા માટે આવશ્યક હતા કે એક વાર કોઇ દેશ યુરોઝોનનો ભાગ બને એટલે તેના અર્થતંત્રની જવાબદારી યુરોઝોનની સહિયારી થવાની હતી. ખાડે ગયેલો કોઇ દેશ યુરોઝોનમાં હોય, તો પછી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે જરૂરી નાણાં યુરોપીઅન સેન્ટ્રલ બેન્કે અને આડકતરી રીતે, યુરોઝોનના બીજા સમૃદ્ધ દેશોએ કાઢવાં પડે.

તેમ છતાં, થવાકાળ થઇને જ રહ્યું. નવાઇ લાગે એવી વાત એ છે કે નિયમોના ભંગની શરૂઆત ખરાબ સ્થિતિ ધરાવતા દેશોએ નહીં, પણ યુરોઝોનના ખમતીધર ગણાતા જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ કરી. તેનું કારણ આર્થિક ગણતરી નહીં, પણ જુદા પ્રકારનું આર્થિક આયોજન હતું. કોઇ પણ દેશની સમૃદ્ધિ કે સદ્ધરતાનો અંદાજ કેવળ તેના દેવાની ટકાવારી કે ખાધની ટકાવારી પરથી કાઢી શકાય નહીં. એટલે જર્મની-ફ્રાન્સે નિયમો તોડ્યા છતાં તેમની હાલત મજબૂત હતી. ખરો વાંધો નિયમ તૂટવાનો દાખલો પડ્યો એનો હતો. એક વાર એ સિલસિલો શરૂ થયો એટલે બીજા દેશોએ પણ હિંમત કરી. આંકડાકીય જૂઠાણું ચલાવવામાં સૌથી ખરાબ ઉદાહરણ ગ્રીસનું હતું, જેણે યુરોઝોનમાં પ્રવેશ મેળવવા માટે ખોટા આંકડા બતાવ્યા અને ચોપડે મોટા પાયે ઘાલમેલ (‘બૂક-કૂકિંગ’) કરી.

ગ્રીસના ગોટાળા, જર્મનીની ફસામણી

‘પિગ્સ’ ના ટૂંકા નામે ઓળખાતા પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ, ગ્રીસ અને સ્પેન એમ પાંચ નબળા યુરો-દેશોના સમુહમાં ગ્રીસનો કિસ્સો અત્યારે સૌથી વધારે ચગેલો છે.એકથી વઘુ વાર ‘ડીફોલ્ટ’ની સાવ ધારે આવીને, છેલ્લી ઘડીની મદદને લીધે બચતું રહ્યું છે, પરંતુ તે ક્યાં સુધી ડીફોલ્ટ ટાળી શકશે, એ સવાલ હજુ મોં ફાડીને ઊભો છે.

ગ્રીસ અને એકંદરે યુરો-ઝોનની સામે ઊભેલી આર્થિક કટોકટીના કારણોની ચર્ચા થાય, ત્યારે એ વિશેના અભિપ્રાયોમાં મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. એક વ્યાપક અને લોકપ્રિય મત પ્રમાણે, ગ્રીસ સહિતના દેશોએ યુરોઝોનમાં પ્રવેશ્યા પછી મળેલા આર્થિક ફાયદાને કારણે ખર્ચા કરવામાં પાછું વાળીને જોયું નથી. ઘરઆંગણે આવક-જાવકના સરવૈયાની પરવા રાખ્યા વિના તેમણે છૂટા હાથે નાણાં ઉડાડ્યાં છે. આ ઉડાઉગીરીના કારણે તેમનું દેવું એટલું ચડી ગયું છે કે કરોડો યુરોની મદદ પછી પણ તેમના અર્થતંત્રનું ઠેકાણું પડે એમ નથી.

જો આવું જ હોય તો, ગ્રીસ જેવા દેશની ઉડાઉગીરીને ‘બેઇલ આઉટ પેકેજ’- તોતિંગ રકમોનાં ભંડોળ- આપીને શા માટે પોસવી જોઇએ? ગ્રીસ જેવા દેશોની સરકાર આડેધડ યુરોના ઘુમાડા કરીને દેવાના ડુંગર ખડકે ને એને ભરપાઇ કરવા માટે જર્મની જેવા સમૃદ્ધ દેશે- સરવાળે દેશના નાગરિકોએ- શા માટે આર્થિક બોજો ભોગવવો જોઇએ? આવો એક મત છે.

યુરોઝોનના સૌથી સમૃદ્ધ અને આ કટોકટીમાંથી યુરોઝોનને બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા દેશ જર્મનીમાં આ મત એટલી હદે પ્રચલિત છે કે દેશનાં વડા એન્જેલા માર્કેલ ગ્રીસને વઘુ ને વઘુ મદદ કરવાનું સ્વીકારે તો તેમને ફરી ચૂંટાવાનાં ફાંફાં પડી જાય. બીજી તરફ, ગ્રીસ ડીફોલ્ટ કરે તો તેની ગંભીર અસરો બીજા ‘પિગ્સ’ દેશો પર અને બીજા દેશોની બેન્કો ઉપર પણ પડે. એક સંભાવના એવી પણ વ્યક્ત થઇ રહી છે કે ગ્રીસને એના પાપે ‘ડીફોલ્ટર’થવા દેતાં ક્યાંક આખેઆખા ‘યુરોઝોન’નું જ ‘અચ્યુતમ્‌ કેશવમ્‌’ન થઇ જાય. ટૂંકમાં, ગ્રીસના ડીફોલ્ટને કારણે જે સ્થિતિ સર્જાય તેના માટે પણ દોષનો ટોપલો સરવાળે જર્મનીના માથે આવે. આ પ્રમાણે માનનારા લોકોના મતે, જર્મનીની હાલત ‘લેવાદેવા વિના ફસાઇ ગયેલા અને સમૃદ્ધ હોવાનો વાંક ધરાવતા દેશ’ જેવી છે અને તેના નાગરિકોનો, ઉડાઉ દેશોને મદદ આપવા સામેનો રોષ વાજબી છે.

અગાઉ યુરોઝોનમાં દાખલ થવા માટે આચરેલા ગોટાળાથી ગ્રીસની સરકારની આબરૂનું ધોવાણ થયેલું છે. તેમાં ગ્રીસના ખર્ચાના આંકડા ભણી નજર નાખતાં, તેની સામે ફેલાયેલો રોષ અને ‘ગ્રીસ એને જ લાયક છે’ એવી લાગણીમાં તથ્ય લાગે.

યુરોઝોનમાં આવી ગયા પછી, સસ્તા દરે ઉધાર મળતું થઇ જવાને કારણે, નાગરિકો તો નાગરિકો, સરકાર પણ છૂટથી દેવું કરતી થઇ. કર્મચારીઓને પગાર આપવા જેવી બાબતોમાં ગ્રીસની સરકારે અસાધારણ ‘ઉદારતા’ દાખવી. એક ઉદાહરણ પ્રમાણે, જર્મનીમાં જે કામ માટે વર્ષે ૫૫ હજાર યુરો ચૂકવાતા હોય, એ જ પ્રકારના કામના ગ્રીસમાં ૭૦ હજાર યુરો ચૂકવાતા હતા. કિસ ખુશીમેં? બસ, યુરોની ક્યાં ખોટ છે? જોઇએ એટલા, પોસાય એવા દરે મળે જ છે ને! સરકારી કર્મચારીઓ અને પ્રજા ખુશ રહે એટલે વોટબેન્ક સલામત અને નેતાઓને નિરાંત. એક અહેવાલ પ્રમાણે, ગ્રીસની સરકાર તેના કર્મચારીઓને અમુકથી વધારે નાણાં ચૂકવી ન શકે એવો જાપ્તો આવ્યા પછી, સરકાર કર્મચારીઓનો માસિક પગાર વર્ષમાં ૧૨ ને બદલે ૧૩-૧૪ વાર કરતી હતી. સરવાળે ગ્રીસના માથે કુલ ૩૪૦ અબજ યુરો જેવું અધધ દેવું ચડી ગયું છે. જીડીપીના હિસાબે ગણતાં, ‘યુરો ઝોન’ની ૬૦ ટકાની મર્યાદા સામે, ગ્રીસનું દેવું તેના જીડીપીના ૧૬૦ ટકા જેટલું થયું છે. બબ્બે વાર ૧૦૦ અબજ યુરોથી વઘુનાં બેઇલ આઉટ પેકેજ મળ્યા પછી પણ હજુ તેનું અર્થતંત્ર ઠેકાણે પડતું નથી. ટીકાકારો કહે છે કે ગ્રીસ હજુ પૂરતા પ્રમાણમાં કરકસરનાં પગલાં લેતું નથી.

પરતું હકીકત શી છે? સમગ્ર પરિસ્થિતિનો આળીયોગાળીયો ગ્રીસ જેવા દેશોની ‘ઉડાઉગીરી’ પર ઢોળી દેવાનું વાજબી છે? એવું ન હોય તો, યુરોઝોનને આ દશામાં ધકેલનારાં બીજાં પરિબળ કયાં? અને હવે શું થઇ શકે? તેના જવાબો આવતા સપ્તાહે.

Sunday, October 16, 2011

આઇન્સ્ટાઇનના સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રના પાયામાં પ્રહારનો ‘સર્ન’સનાટીભર્યો દાવો (જે સાચો હોવાની સંભાવના નહીંવત્‌ છે)

પ્રકાશ કરતાં વઘુ ઝડપ શક્ય છે?

(નોંધઃ આ લેખના પહેલા ફકરામાં થયેલી એક ગફલત અંગે જૂનાગઢના મૌલિક ભટ્ટે ધ્યાન દોર્યા પછી, તેમાં સુધારો કરેલો છે. અગાઉ એવું લખાયું હતું કે પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય, તો ભવિષ્યમાં જવાનું શક્ય બને. ખરેખર, પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય તો ભૂતકાળમાં જવાનું શક્ય બને.) આ ગફલતથી લેખનો પહેલો ફકરો અપ્રસ્તુત બની ગયો છે. છતાં ભૂલ ન થાય એના પૂરા પ્રયાસ સાથે, ભૂલ થાય તો તેની કબૂલાત પણ જાહેર હોવી જોઇએ, એ ધોરણે એ ભૂલવાળો ફકરો અહીં યથાવત રાખ્યો છે.)

કેટલીક ફિલ્મોમાં ને કથાઓમાં એવું બતાવાય છે. રસ્તાની બાજુ પર ઉભેલો એક માણસ તેની સામેથી પસાર થતી મોટરને જોઇને ચીસ પાડી ઉઠે અને એ મોટર આગળ જઇને ભટકાય. ‘મેટ્રિક્સ’ ફિલ્મમાં બને છે તેમ, દૈવી શક્તિ ધરાવતું એક પાત્ર હીરોને કહે ‘જરા પેલી ફૂલદાની સંભાળજે.’ હીરો ‘કઇ ફૂલદાની?’ એવું પૂછવા જાય એ જ વખતે ટેબલ પરથી ફૂલદાની નીચે પડે. ટૂંકમાં ભવિષ્યની ઘટના બનતાં પહેલાં તેના વિશે ખબર પડી જાય.

આ પ્રકારની ‘શક્તિ’ કે ‘વિદ્યા’ને જ્યોતિષથી માંડીને વિવિધ આઘ્યાત્મિક નામ આપવામાં આવે છે અને તેની સિદ્ધિના દાવા કરવામાં આવે છે. એવી કોઇ શક્તિની ખરાઇની ચર્ચામાં ન પડતાં વિજ્ઞાનની રીતે વિચારીએઃ ભવિષ્યમાં જવાનું શક્ય બને તો તેના વિશે ખાતરીપૂર્વક જાણી શકાય, પરંતુ ભવિષ્યમાં જવું શી રીતે? તેનો એક જવાબ છેઃ જો પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય, તો ભવિષ્યમાં જવાનું શક્ય બને-
- અને તો આ લેખ લખાય, એ પહેલાં જ વાચકોએ (અને લેખકે પણ) એને વાંચી કાઢ્‌યો હોય એવું બની શકે. કમ સે કમ થિયરીની રીતે એવું કલ્પી શકાય.

પણ આ મીઠી કલ્પનાની આડે આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત મોટો અવરોધ બનીને ઊભો છે. સાપેક્ષવાદ- સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટીના સિદ્ધાંતમાં તેમણે ફરમાવ્યું છે કે બ્રહ્માંડના સુપર હાઇવે માટેની આખરી અને મહત્તમ ગતિમર્યાદા છેઃ પ્રકાશની ઝડપ એટલે કે ૨,૯૯,૭૯૨.૪૫૮ કિલોમીટર પ્રતિ સેકંડ. (શાળામાં ભણાવાય છે તેમ, ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ) તેનાથી વધારે ઝડપ મેળવવાનું કોઇના માટે શક્ય નથી.

અત્યાર લગી આ વાત ‘પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે’ એ પ્રકારના અફર વૈજ્ઞાનિક સત્ય જેવી ગણાતી હતી. હજુ આ લખાય છે ત્યાં સુધી એનો દરજ્જો અડીખમ ઇમારત જેવો જ રહ્યો છે, પણ ગયા મહિને થયેલી, હળવા ભૂકંપ જેવી એક જાહેરાત પછી તેના પાયામાં સહેજ થરકાટ થયો છે. અલબત્ત, એ કંપન માટે વૈજ્ઞાનિક સંભાવના કરતાં વધારે પ્રસાર માઘ્યમો દ્વારા સર્જિત વિસ્ફોટ જવાબદાર છે.

એકાદ સદીથી સ્વીકારાયેલી, ઘણી અગ્નિપરીક્ષાઓ હેમખેમ પસાર કરી ચૂકેલી આઇન્સ્ટાઇનની થિયરીમાં, મહત્તમ ગતિમર્યાદા જેવા પાયાના મુદ્દે શંકા થાય અને કોઇ કણ માટે પ્રકાશની ગતિને આંબી જવાનું શક્ય બને, એવો દાવો આમ તો પહેલી અપીલમાં જ નીકળી જાય. પરંતુ દાવો કરનાર સંસ્થા ‘સર્ન’ (યુરોપીઅન ઓર્ગેનાઇઝશન ફોર ન્યુક્લીઅર રીસર્ચ) જેવી નામી-પ્રતિષ્ઠિત હોય અને તેના સંશોધકોએ પૂરતી ચકાસણી પછી આ શંકા વ્યક્ત કરવાની હિંમત કરી હોય, ત્યારે તેના વિશે કમ સે કમ વાત કરવાનું કારણ ઊભું થાય છે.

‘સર્ન’ દ્વારા ૨૦૦૮માં જમીનથી ૧૦૦ મીટર નીચે ૨૭ કિલોમીટરના પરીઘમાં પથરાયેલી ટનલમાં એક મહાપ્રયોગનો આરંભ થયો. ‘લાર્જ હેડ્રન કોલાઇડર’ તરીકે ઓળખાતી એ ટનલના પ્રયોગનો મુખ્ય હેતુ બ્રહ્માંડના આરંભિક સંજોગોનો તાગ મેળવવાનો હતો. એક પ્રચલિત થિયરી મુજબ, બ્રહ્માંડની ઉત્પત્તિ પછી તરતના ગાળામાં ‘ગૉડ પાર્ટિકલ’ (વૈજ્ઞાનિક પરિભાષામાં ‘હિગ્સ બોસોન’) તરીકે ઓળખાતા કણ ઉદ્‌ભવ્યા, જેમનો વિસ્તાર થતાં અત્યારે અફાટ જણાતું બ્રહ્માંડ બન્યું.

ખરેખર ‘ગૉડ પાર્ટિકલ’ અસ્તિત્ત્વ ધરાવે છે? કે તે વિજ્ઞાનક્ષેત્રે પુરવાર ન થયેલી વઘુ એક કલ્પના બની રહેવાનો છે? આ સવાલનો જવાબ ‘સર્ન’ના પ્રયોગોમાંથી મળવાની આશા હતી. તેના માટે લાંબી ટનલોમાં નિયંત્રીત વાતાવરણ વચ્ચે પ્રકાશની ઝડપે ગતિ કરતા કણો વચ્ચેની ટક્કરનું આયોજન કરાયું છે.

પ્રકાશની ઝડપે અથડામણના સંજોગો સર્જવા તૈયાર કરાયેલા ‘લાર્જ હેડ્રન કોલાઇડર’માં નાની-મોટી યાંત્રિક ખામીઓને લીધે તેની કામગીરી થોડો સમય ખોરવાઇ. પ્રકાશની ઝડપે થનારી કણોની અથડામણ અને ‘ગૉડ પાર્ટિકલ’ની તલાશ પણ એટલા પૂરતી પાછી ઠેલાઇ. પણ ૨૦૦૯થી ફરી શરૂ થયેલા આ પ્રયોગમાં ‘જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન’ જેવી એક અજાયબી નોંધાઇ. ગયા મહિને ‘સર્ન’ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)ના લાર્જ હેડ્રન કોલાઇડરમાંથી ૪૫૪ માઇલ દૂર આવેલી ઇટાલીની પ્રયોગશાળામાં મોકલવામાં આવેલા ન્યૂટ્રિનો કણો પ્રકાશની ઝડપ કરતાં પણ વધારે ઝડપે પહોંચી ગયા. ચોક્કસ માપ કહેવું હોય તો, પ્રકાશની ઝડપ કરતાં, સેકન્ડના ૬૦ અબજમા ભાગ જેટલા વહેલા!

‘સર્ન’ દ્વારા આ જાહેરાત જોકે બહુ મોટા વૈજ્ઞાનિક પરિણામ તરીકે નહીં, પણ એક વિસંગતી તરીકે કરવામાં આવી હતી અને દુનિયાના બીજા વૈજ્ઞાનિકો આ વિસંગતી લક્ષ્યમાં લઇને વઘુ તપાસ કરે (અને તેને ખોટી જાહેર કરે) એવો જાહેર અનુરોધ પણ કરવામાં આવ્યો. પરંતુ એક સદીથી અડીખમ ઊભેલા આઇન્સ્ટાઇનને ખોટો પુરવાર કરવા ઇચ્છતા અને પુરવાર નહીં કરી શકેલા વૈકલ્પિક સમજૂતીઓવાળા સંશોધકોથી માંડીને પ્રસાર માઘ્યમોને ‘સર્ન’ની જાહેરાતમાંથી ભાવતો મસાલો મળી ગયો. બહારના વૈજ્ઞાનિકો દ્વારા જેની હજુ તલસ્પર્શી તપાસ થશે એવી એક વિસંગતીના આધારે કલ્પનાના ઘોડાની રેસ ચાલુ થઇ ગઇ (જેની એક ઝલક આ લેખના આરંભે નમૂનાલેખે આપી છે.)

વિજ્ઞાનમાં આઇન્સ્ટાઇન કે બીજું કોઇ પણ ‘પવિત્ર ગાય’ નથી અને ‘આઇન્સ્ટાઇન ખોટા હોઇ જ ન શકે’ એવા ઝનૂનનો પણ સવાલ નથી. જેનો સિદ્ધાંત ટકે તે સાચો, એ સીધો ને અઘરો નિયમ છે. આઇન્સ્ટાઇનના સિદ્ધાંતનું જમા પાસું એ છે કે અત્યાર સુધીની અનેક કસોટીઓમાં તે સો ટચનો સાબીત થતો રહ્યો છે. બીજી તરફ, ‘સર્ન’ની ‘સર્ન’સનાટી સર્જનારી જાહેરાતમાં ઓગણીસ-વીસ થવાની ઘણી શક્યતાઓ છે.

સૌથી પહેલો શંકાસ્પદ આસામી ન્યૂટ્રિનો કણ પોતે છે. તેને જોઇ શકાતો નથી, એટલે તેની હાજરી સાંયોગિક પુરાવાથી નક્કી કરવાની રહે છે. ગતિ કરતા કણની ઝડપ સેકન્ડના ૬૦ અબજમા ભાગ સુધી માપવાની યંત્રસામગ્રી હોવા છતાં તે ન્યુટ્રિનો જેવા ‘મિસ્ટર ઇન્ડિયા’ છાપ કણમાં કેટલી હદે ભરોસાપાત્ર ગણાય તે સવાલ રહે છે. આ પ્રયોગમાં બન્ને પ્રયોગશાળા વચ્ચેના અંતરની ચોક્સાઇપૂર્વક માપણી પણ એક મહત્ત્વનું પરિબળ છે. બન્ને પ્રયોગશાળાનાં ઘડિયાળ સેકન્ડના ૬૦ અબજમા ભાગ સુધીનો તફાવત દર્શાવી શકે એટલી હદે ‘મેળવાયેલાં’ હોવાં જોઇએ, તે પણ મહત્ત્વનો તકાદો છે. આવાં અનેક પરિબળોને એક તરફ ઘ્યાનમાં લઇએ, તો બીજી તરફ અત્યાર સુધી થયેલા ન્યુટ્રિનોની ઝડપ વિશેના અભ્યાસ પણ ‘સર્ન’ના પરિણામની તરફેણ કરતાં નથી. ખ્યાતનામ સંશોધક લોરેન્સ ક્રોસે વીસ વર્ષ પહેલાં એક સાથીદાર સાથે કરેલા પ્રયોગોનો હવાલો આપીને લખ્યું છે કે દૂરસુદૂર વિસ્ફોટ પામતા એક તારામાંથી દોઢ લાખ પ્રકાશવર્ષનું અંતર કાપીને આવેલા પ્રકાશ અને ન્યુટ્રિનોના કણો- એ બન્નેની ઝડપ તેમણે માપી હતી. ‘સર્ન’ની જાહેરાત પ્રમાણે, ૪૫૪ માઇલની દૂરીમાં પ્રકાશ કરતાં ન્યુટ્રિનો કણો સેકન્ડના ૬૦ અબજમા ભાગ જેટલા વહેલા પહોંચતા હોય, તો દોઢ લાખ પ્રકાશવર્ષ છેટેથી આવતા પ્રકાશ અને ન્યુટ્રિનોને પૃથ્વી પર પહોંચવામાં સમયનો મોટો તફાવત પડવો જોઇએ. પરંતુ લોરેન્સ ક્રોસે નોંઘ્યું કે એવો કોઇ નોંધપાત્ર ફરક તેમને જોવા મળ્યો ન હતો.

ન્યુટ્રિનોનું અસ્તિત્ત્વ નરી આંખે નહીં, પણ સાંયોગિક રીતે તપાસવું પડતું હોય છે. એ રીતે ભૂગર્ભમાં રહેલાં ન્યુટ્રિનો ડિટેક્ટરમાં ક્રોસ અને તેમના સાથીએ ૧૯ વાર ન્યુટ્રિનોની હાજરી પરખાઇ હતી, પણ એ બધી પ્રકાશનાં કિરણોની લગભગ સમાંતરે જ હતી. એટલે લોરેન્સ ક્રોસે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે ‘સર્ન’ જેવી સંસ્થા દ્વારા જાહેર થયેલી વિસંગતીને આ હદે ચગાવવાનું યોગ્ય નથી. બલ્કે, આગળ જતાં એ ખોટી સાબીત થશે (જેની શક્યતા પૂરેપૂરી છે) તો પણ ‘સર્ન’નું નામ બીજી વધારે મહત્ત્વની શોધોને બદલે, આ ખોટી પડેલી આગાહી સાથે સંકળાઇ જશે.

કણોની ઝડપ અંગે આઇન્સ્ટાઇને બાંધેલી ગતિમર્યાદા ખોટી પડે કે ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ક્વોન્ટમ મિકેનિક્સ સહિત ઘણી શાખાઓના નિયમોનો એકડો નવેસરથી માંડવાનો થાય, એ પણ હકીકત છે. એટલે, ‘આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત ખોટો પડ્યો’ એવું અત્યારે વાંચવા કે સાંભળવા મળે ત્યારે, એક ગ્લાસ પાણી પીને,‘ ‘સર્નની શંકા ખોટી પુરવાર થઇ’ એવા ભવિષ્યકાળના સમાચાર પોતાના માનસપટ પર વાંચવાનો પ્રયાસ કરજો. એમાં સફળતા મળવાની સંભાવના પૂરેપૂરી છે.