Tuesday, August 27, 2013

રૂપિયાનું અવમૂલ્યનઃ હોબાળો અને હકીકત

છેલ્લાં એકાદ-બે અઠવાડિયાંમાં સૌથી વધારે રમૂજો કદાચ રૂપિયાના અવમૂલ્યન વિશે થઇ છે. દા.ત. ‘ડીઝનીલેન્ડમાં છેક ઉપરથી છેક નીચે પડવાની નવી રાઇડ શરૂ થવાની છે, જેનું નામ છે : ‘ધ ઇન્ડિયન રૂપી’. ‘ભારતે શૂન્યની શોધ ન કરી હોત તો એક પાઉન્ડ બરાબર એક રૂપિયાનો ભાવ હોત.’

એક પાઉન્ડનો અને એક ડોલરનો વિનિમય દર અનુક્રમે રૂ.૧૦૦ અને રૂ.૬૫ની સપાટી આંબી ગયો. રાજકીય ગરમાગરમીના માહોલમાં રૂપિયાના સતત અવમૂલ્યનને સીઘું સરકારની નિષ્ફળતા અને તેના ગેરવહીવટ સાથે જોડી દેવામાં આવ્યું. ગનીમત છે કે હજુ સુધી વિપક્ષોએ રૂપિયાના અવમૂલ્યન બદલ મનમોહન સિંઘનું રાજીનામું માગ્યું નથી કે સંસદ ખોરવી નથી.

રૂપિયાના અવમૂલ્યનની વાસ્તવિકતા શી છે? એ જાણવાનો બિનરાજકીય (એટલે કે પ્રામાણિક) પ્રયાસ.

યે ક્યા હો રહા હૈ? 

રૂપિયાના અવમૂલ્યનનાં ભડકામણાં મથાળાં જોઇને આપણામાંથી ઘણાને આ સવાલ થતો હશે. અર્થશાસ્ત્રમાં ટપ્પી પડતી ન હોય, દેશના અર્થતંત્રની હાલત કથળી હોય અને દેશના વડાપ્રધાન એક અર્થશાસ્ત્રી હોય- આ ત્રણે હકીકતોને એકસાથે ઘ્યાનમાં લેતાં ગુંચવાડો ઘટવાને બદલે વધે.પરંતુ અર્થશાસ્ત્ર માટેનું નોબેલ મેમોરિયલ સન્માન મેળવી ચૂકેલા અઘ્યાપક પોલ ક્રગમેન/ Paul Krugmanને પણ રૂપિયાના અવમૂલ્યનની રડારોળથી આશ્ચર્ય થાય ત્યારે શું સમજવું?    

ક્રગમેને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૩ના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં ‘રૂપી પેનિક’ એવા મથાળા હેઠળ ટૂંકી નોંધ લખી છે. તેમના મુખ્ય બે મુદ્દા છે : ભારતીય રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થયું છે, પણ બ્રાઝિલના ચલણના અવમૂલ્યનની સરખામણીમાં એ ઘણું ઓછું છે. (બ્રાઝિલ સાથે ભારતની સરખામણીનું કારણ : ઝડપથી વિકસી રહેલાં અર્થતંત્રો ધરાવતા ચાર દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીનને આંતરરાષ્ટ્રિય અર્થકારણમાં ‘બ્રિક/BRIC કન્ટ્રીઝ’ના એક જૂથ તરીકે ઓળખવામાં આવે છે.)

ક્રગમેનનો બીજો મુદ્દો : (અમેરિકા જેવા) વિકસિત દેશોના અર્થતંત્રમાં લાંબા સમય સુધી મંદી ચાલી. ત્યાં વ્યાજદર ઓછા હતા, એટલે વઘુ વળતર મેળવવા રોકાણકારો નવાં ઉભરી રહેલાં (ભારત જેવાં) અર્થતંત્રો તરફ વળ્યા. પરિણામે એ અર્થતંત્રોનાં ચલણનું મૂલ્ય વઘ્યું. પરંતુ થોડા સમય પછી, એ (ભારત જેવાં) અર્થતંત્રોનાં બજાર વઘુ પડતાં ઉંચકાઇ ગયાનો અહેસાસ જાગ્યો. સાથોસાથ, વિકસિત દેશોમાં મંદી દૂર થવાની શક્યતા દેખાઇ. વ્યાજદરમાં વધારો થયો અથવા એવી શક્યતા ઊભી થઇ. એટલે રોકાણકારો નવાં ઉભરી રહેલાં અર્થતંત્રોમાંથી પાછા હઠવા લાગ્યા. તેના કારણે ફરી બજારો ગગડ્યાં અને ઉભરી રહેલા દેશોના ચલણનું અવમૂલ્યન થયું.

ક્રગમેનને લાગે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ‘પેનિક’ (હાંફળાફાંફળા) થઇ જવાની જરૂર નથી. ૧૯૯૭-૯૮માં એશિયાના દેશોની આર્થિક કટોકટી વખતે આવું જ બન્યું હતું. પરંતુ એ વખતે ઘણાખરા દેશોનાં દેવાં વિદેશી ચલણમાં હતાં. તેનું પરિણામ શું આવે? ધારો કે દેવું થયું હોય ત્યારે ૧ ડોલરનો ૨૫ રૂપિયા ભાવ ચાલતો હોય, પણ અવમૂલ્યન પછી એ રૂ.૩૫ થઇ જાય. એ ભાવે રૂપિયામાંથી ડોલર ખરીદીને દેવું ચૂકવવાનું થાય એટલે દેવું સીઘું ૪૦ ટકા વધી જાય. દેવું હદ બહાર વધી જવાને કારણે એશિયન દેશોને પોતાના ચલણનું અવમૂલ્યન બહુ વસમું પડી ગયું હતું.

અત્યારે ભારત સરકાર એવી સ્થિતિમાં નથી કે તેને મોંઘા ભાવના ડોલરમાં દેવાં ચૂકવવાના થાય અને અર્થતંત્રની કમર તૂટી જાય. (ડોલરમાં દેવું ધરાવતી કેટલીક ભારતીય કંપનીઓને આ ચિંતા થઇ શકે છે.) ક્રગમેને લખ્યું છે કે ‘સમાચારોનાં મથાળાં ગમે તે કહે, પણ પહેલી નજરે જોતાં રૂપિયાના અવમૂલ્યનમાં કંઇ બહુ મોટી વાત હોય એવું લાગતું નથી.’ અને છેલ્લે તેમણે ઉમેર્યું છે, ‘હું કયો મુદ્દો ચૂકી ગયો?’ (કે જેથી મને રૂપિયાનું અવમૂલ્યન ગંભીર લાગતું નથી.)

અમેરિકાનો ‘હાથ’

રૂપિયાનું અવમૂલ્યન આર્થિક કરતાં અનેક ગણી વધારે રાજકીય સમસ્યા છે, એવો મત પણ અભ્યાસીઓ પાસેથી મળે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર ભણેલા કટારલેખક મિહિર શર્માના મતે, ભારતની રીઝર્વ બેન્કે આ દેશમાંથી નાણાં બહાર લઇ જવાનું અઘરૂં બને એવાં પગલાં લીધાં. તેના કારણે રોકાણકારોમાં ગભરાટ પેદા થયો. તેમને થયું હશે કે રૂપિયા બહાર લઇ જવા પર રીઝર્વ બેન્કનો સંપૂર્ણ અંકુશ આવી જાય તે પહેલાં રોકાણ બીજે ખસેડી લેવું -એટલે કે થોડો બંધ થયેલો દરવાજો સાવ ભીડાઇ જાય તે પહેલાં બહાર નીકળી જવું. આવું ફક્ત વિદેશી જ નહીં, દેશી રોકાણકારોને પણ લાગ્યું હશે. તેના કારણે રોકાણની ધડાધડ રોકડી થવા લાગી. શેરબજારમાં વેચાણ વધે એટલે ભાવ ઘટે. એટલે સેન્સેક્સ અને રૂપિયાના ભાવ ઘટ્યા.

ડોલર-પાઉન્ડની સામે રૂપિયાનું મૂલ્ય વધવા માટે ઘણાં કારણ જવાબદાર છે- અને તેમાં સરકારી નીતિ કે સરકારી ગેરવહીવટનું કારણ બહુ પાછળના ક્રમે આવે છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇન્ડોનેશિયા જેવાં ઉભરતા બજારમાં સ્થાનિક ચલણનું મૂલ્ય ઘટ્યું, એ માટે અમેરિકાની રીઝર્વ બેન્ક (ફેડરલ રીઝર્વ)ને જવાબદાર ગણવામાં આવે છે. અત્યાર લગી ફેડરલ રીઝર્વે અમેરિકાના મંદ અર્થતંત્રને ખોટકાઇ જતું અટકાવવા માટે અબજો ડોલરના સરકારી બોન્ડ ખરીદવાની નીતિ અપનાવી હતી. ખુદ રીઝર્વ બેન્ક સરકારી રાહે નહીં, પણ ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડ જથ્થાબંધના હિસાબે ખરીદે, એટલે તેના ભાવ ઊંચકાય અને તેમાં રોકાણ કરવાથી મળતું વળતર ઘટે. એટલે રોકાણકારો ખાનગી બોન્ડ સહિત બીજે રોકાણ કરે અને મૂડીબજારમાં જરા હરકત આવે. મંદીના લાભાર્થે ચાલતો આ ખરીદીકાર્યક્રમ બંધ કરવાના સંકેત અમેરિકાના ફેડરલ રીઝર્વ તરફથી મળ્યા છે. તેની અસર વૈશ્વિક બજારો પર અને ઉભરતાં અર્થતંત્રો પર સવિશેષ થઇ છે. ત્યાંથી રોકાણ પાછાં ખેંચાવા લાગ્યાં છે.

રૂપિયાનો પ્રશ્ન અને ડૉ.આંબેડકર

બંધારણના ઘડવૈયા અને સમાનતાના લડવૈયા ડૉ.આંબેડકર  કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સની પ્રતિષ્ઠિત ડિગ્રી ધરાવતા અર્થશાસ્ત્રી હતા, એ જાણીતી છતાં વિસારે પડી જતી વાત છે. ૧૯૨૩માં પ્રગટ થયેલા તેમના પીએચ.ડી.થીસીસ ‘ધ પ્રોબ્લેમ ઑફ રૂપી : ઇટ્‌સ ઓરિજિન એન્ડ ઇટ્‌સ સોલ્યુશન’માં ડૉ.આંબેડકરે ચલણના મૂલ્ય અને અવમૂલ્યન વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રશ્ન એ હતો કે રૂપિયાના અવમૂલ્યનની કેવી અસર થાય? સરકારે (રીઝર્વ બેન્કે) ચલણનું અવમૂલ્યન અટકાવવા માટે પ્રયાસ કરવા? કે એ બાબતમાં માથું મારવાને બદલે, રૂપિયાને બજારનાં પરિબળોના હવાલે કરી દેવો? બ્રિટિશ રાજમાં શાસકો ભારતીય રૂપિયાનો વિનિમય દર ઊંચો રાખવા ઇચ્છતા હતા. કારણ કે એમ કરવાથી બ્રિટનમાંથી ભારતમાં માલની આયાત કરવામાં ફાયદો રહેતો હતો. ભારતીય ઉદ્યોગપતિઓ વતી કોંગ્રેસ રૂપિયાનું અવમૂલ્યન થાય એમ ઇચ્છતી હતી. કારણ કે એ સ્થિતિમાં માલની નિકાસ કરનારા ભારતીય ઉદ્યોગોને વિદેશી ચલણના પ્રમાણમાં ઓછા રૂપિયા ચૂકવવાના થાય.

એ વખતે તેમ જ અત્યારે લાગુ પડતી વાસ્તવિકતા એ છે કે રૂપિયો વધારે ‘મજબૂત’ હોય એટલે કે ૧ ડોલર બરાબર જેટલા ઓછા રૂપિયા હોય, એટલો નિકાસમાં-ઉદ્યોગધંધાવાળાને- ઓછો ફાયદો થાય, પણ રૂપિયાની ખરીદશક્તિ વધારે હોય, રૂપિયાનું મૂલ્ય ‘ગબડે’, એટલે  ઉદ્યોગપતિઓને-નિકાસકારોને ફાયદો થાય. અલબત્ત, સામાન્ય લોકોને મુશ્કેલી પડે. કારણ કે રૂપિયાની ખરીદશક્તિ ઘટે, કિંમતો વધે, ફુગાવો થાય અને એ પ્રમાણે લોકોની આવકમાં વધારો ન થયો હોય. ડૉ.આંબેડકર માનતા હતા કે રૂપિયાનું ‘લિમિટેડ ડીવેલ્યુએશન’- માપસરનું અવમૂલ્યન થવું જોઇએ, જેથી કોઇ એક વર્ગને ફાયદો અને બીજાને નુકસાન થવાને બદલે સૌને ફાયદો (અથવા ઓછું નુકસાન થાય). ડૉ.આંબેડકરે એવી દલીલ મુકી હતી કે રૂપિયાના અવમૂલ્યનને કારણે જે વર્ગને ફાયદો થાય છે તે બિનશરતી નથી. તેમને થતો ફાયદો બીજા (સામાન્ય) વર્ગના ભોગે થાય છે.

રૂપિયાનું સડસડાટ અવમૂલ્યન થાય એટલે સૌથી પહેલો બોજ આયાતી ચીજોના ભાવ પર પડે. આયાતી ક્રુડ ઓઇલ અને બીજી પેટ્રોલિયમ પેદાશો મોંઘી બને. ભારતનું આયાતનું બિલ વધે. એટલે  વધેલું બિલ ચૂકવવા માટેનાં બજેટમાં નાણાંની જોગવાઇ કરવાની થાય. એ માટે બીજે ક્યાંક કાપ મૂકવો પડે. ફુગાવો, મોંઘવારી અને રૂપિયાનું અવમૂલ્યન સ્વતંત્ર પરિબળો હોવા છતાં અને સંપૂર્ણપણે એકબીજા પર આધારિત નહીં હોવા છતાં, તે પરસ્પર અસર કરે છે. રૂપિયાનું અવમૂલ્યન થતાં વિદેશમાં અભ્યાસથી માંડીને વિદેશપ્રવાસો મોંઘા બને છે, તો વિદેશમાંથી ભારત આવતા પ્રવાસીઓ કે મેડિકલ ટુરિઝમ માટે આવતા લોકોનું પ્રમાણ વધી શકે છે. નિકાસમાં વધારાની ઉજળી તકો રહે છે. પરંતુ આ હદે રૂપિયાનું અવમૂલ્યન થાય ત્યારે ફાયદા કરતાં ખોટ થાય એવા મોરચા વધી જાય છે.

તો સરકારે શું કરવું જોઇએ? રીઝર્વ બેન્કે કોઇ પણ રીતે રૂપિયાનું અવમૂલ્યન અટકાવવું જોઇએ? આ સવાલનો બહુમતી અભ્યાસીઓ પાસેથી મળતો જવાબ છે ઃ ના. રૂપિયાનું અવમૂલ્યન સરકારી પ્રયાસોથી અટકાવવામાં આવે તો એ અર્થતંત્ર માટે નુકસાનકારક નીવડે. કારણ કે એ ‘મજબૂતી’ કૃત્રિમ હોય. એને બદલે રૂપિયો આંતરરાષ્ટ્રિય પરિબળોના પ્રવાહમાં તણાતો-અથડાતો-કૂટાતો પોતાનું સાચું સ્થાન પ્રાપ્ત કરે, એ વધારે ઇચ્છનીય અને તંદુરસ્ત વિકલ્પ છે.

બાકી, અર્થશાસ્ત્ર સિવાય આડેધડ આક્ષેપબાજીની અને ખુલ્લા આકાશમાં પતંગો ઉડાડવાની જ વાત કરવી હોય તો, એક ‘થીયરી’ એવી છે કે રૂપિયાનું નવું પ્રતીક વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય અને ખોટા દિવસથી અમલમાં આવ્યું, એટલે રૂપિયાની દશા બેઠી છે. બીજી અને અર્થશાસ્ત્રના આલેખો સાથે રજૂ થયેલી ખુફિયા બાતમી એવી કે ચૂંટણી નજીક આવે ત્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય છે, જેથી નેતાઓ તેમનાં વિદેશમાં ખડકાયેલાં નાણાં ભારતમાં વાપરવા માટે લાવે તો તેમને પ્રતિ ડોલર વઘુ રૂપિયા મળી શકે.

નાગરિક તરીકે આપણે ગાંઠે બાંધી રાખવા જેવી હકીકત એ છે કે અર્થશાસ્ત્રીય નીતિની બાબતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ પંગતમાં બેઠેલાં છે અને રૂપિયાનું અવમૂલ્યન એ રાષ્ટ્રિય ગૌરવનો મુદ્દો નથી- ન હોવો જોઇએ. 

Monday, August 26, 2013

અમીર ખુસરો : સાડા સાત સદી પહેલાંના સવાયા હિંદુસ્તાની કવિ-સંગીતકાર

Amir Khusro/ Indian Stamp
અમીર ખુસરો/Amir Khusroનું નામ ભારત-પાકિસ્તાનના ઘર્ષણ સંદર્ભે લેવાય, એ વક્રતા ઉપરાંત વાસ્તવિકતા પણ છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્તમાન ઘર્ષણને ઘ્યાનમાં રાખીને પાકિસ્તાને તેના યાત્રાળુઓની ૨૨થી ૨૯ ઑગસ્ટ દરમિયાન યોજાનારી દિલ્હીયાત્રા રદ કરી છે. રાજકીય સંબંધોની વાત આવે ત્યારે ‘હઝરત નિઝામુદ્દીન’ અમીર ખુસરોના ગુરૂ- સૂફીસંત મટીને દિલ્હીના એક રેલવે સ્ટેશનનું નામ બની જાય છે અને તેમના પ્રતાપી શિષ્ય અમીર ખુસરોનો ઉત્સવ ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી તનાવની અભિવ્યક્તિ.

ઇતિહાસને ભૂલી જવાની ભારતીય પરંપરામાં સાડા સાત સદી પછી પણ અમીર ખુસરો (ઇ.સ.૧૨૫૩-ઇ.સ.૧૩૨૫)ની યાદ તાજી રહે, તેમાં મોટી કમાલ અમીર ખુસરોના પ્રદાનની છે. એ બીજા અનેક દરબારીઓની જેમ કેવળ દરબારી પંડિત હોત તો ઇતિહાસનાં બીજાં ઘણાં નામની જેમ અમીર ખુસરોનું નામ હસ્તપ્રતો અને કાગળીયાંમાં દટાઇ ગયું હોત. પરંતુ ભલભલા બાદશાહ-સુલતાનોનાં નામ લોકસ્મૃતિમાંથી ભૂંસાઇ ગયાં છે, ત્યારે અમીર ખુસરો ૭૫૦થી પણ વઘુ વર્ષોથી પોતાની રચનાઓ દ્વારા જીવે છે અને રસિકજનોના પ્રેમાદરનું પાત્ર બની રહ્યા છે. આ સિદ્ધિ તેમને, એક દરબારી કવિને, ભારતના મહાન ભક્તકવિઓની હરોળમાં મુકે છે. તેનું એક કારણ એ છે કે ખુસરોએ સાત-સાત બાદશાહોની ખિદમત કરી હોવા છતાં, ભારતના જનસામાન્ય અને તેમની બોલી સાથે ખુસરોનો નિકટનો નાતો રહ્યો છે.
Amir Khusro/ Pakistan Postal Stamp
તેમની રચનાઓથી પરિચિત હોવા માટે કવિતાના કે કવ્વાલીના જાણકાર હોવું અનિવાર્ય નથી. ‘છાપતિલક સબ છીની રે મોસે નૈના મિલાયકે’, ‘આજ રંગ હૈ’, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટકી, લાજ રાખો મોરે ઘુંઘટપટ કી’, ‘કાહે કો બ્યાહી બિદેસ’ જેવી તેમની રચનાઓ અનેક સ્વરૂપે અને એ જ પરંપરાગત તર્જ સાથે આજે પણ સ્વરબદ્ધ થાય છે, ગવાય છે અને સાંભળનાર તેની પર ઝૂમી ઉઠે છે.

કવિ તરીકે ખુસરોની કક્ષા વર્ણવવા માટે ગાલિબનો આ શેર પૂરતો છે : ‘ગાલિબ મેરે કલામમેં ક્યું કર મઝા ન હો/ પીતા હું ધોકે ખુસરવે શીરીં સુખન કે પાંવ.’ (મારી રચનાઓ કેમ સરસ ન હોય? હું ખુસરોની મીઠી શાયરીના પગ ધોઇને પીઉં છું.) સંગીતમાં તેમના પ્રદાનનો એક નમૂનો : હિંદુ ભજનોની શૈલી પરથી પ્રેરણા લઇને તેમણે તૈયાર કરેલો સુફી ભક્તિસંગીતનો નવો પ્રકાર - કવ્વાલી- સાતસો વર્ષ પછી પણ સંગીતપ્રેમીઓમાં એટલો જ લોકપ્રિય છે. હા, કવ્વાલી અને સૂફીસંગીત અમીર ખુસરોની દેન છે.

દરબારી કવિ હોવાના કારણે ખુસરોને સુલતાનોની તારીફ કરતી શાયરી રચ્યા વિના છૂટકો ન હતો. ઘણા સુલતાનો પોતાની બહાદુરીનાં કારનામાં લખાવવા માટે ખુસરોને પોતાની સાથે લશ્કરી ચડાઇમાં પણ લઇ જતા હતા. પોતાની ફોજની સાથે યુદ્ધમાં પણ લઇ જતા હતા. અલાઉદૃીન ખીલજીએ ચિત્તોડ પર ચઢાઇ કરી અને સૌંદર્યમૂર્તિ રાણી પદ્મિનીએ ખીલજીના શરણે જવાને બદલે જૌહર (અગ્નિસ્નાન) કર્યું, એ વખતે ખુસરો ખીલજીની ફોજ સાથે હતા. લોહિયાળ જંગ ખેલતા ક્રૂર સુલતાનોના સિતમની બિરદાવલીઓ રચવી, એ તેમની મજબૂરી હતી. બાકી, તેમનો જીવ શાયરી અને સંગીતનો હતો.

ફારસી, અરબી, તુર્કી ઉપરાંત ગ્વાલિયરથી મથુરા સુધીના પ્રદેશમાં ચલણી વ્રજભાષા, દિલ્હીની આસપાસ બોલાતી ખડી બોલી, પંજાબી જેવી ભારતીય ભાષાઓ પર ખુસરો કવિતા કરી શકાય એટલું પ્રભુત્વ ધરાવતા હતા. જુદા જુદા સરદારોની સાથે જોડાયેલા ખુસરોને ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરવાનું થયું, ત્યારે તેમણે દરબાર સિવાયના સમયમાં સ્થાનિક પ્રજા અને તેમની બોલી સાથે એકરસ થવાનો પ્રયાસ કર્યો. સામાન્ય પ્રજાનાં દુઃખદર્દ અને તેમની રોજબરોજની જિંદગીમાં રહેલા આનંદને ખુસરો પામી શક્યા. અનુભવની આ મૂડીના જોરે ફારસીમાં સુલતાનોની પ્રશંસા કરનારા ખુસરોએ, હિંદુસ્તાનના ગ્રામ્ય લોકો માટે તેમની ભાષામાં ગીતો-ઉખાણાં અને મનોરંજક ચીજો  લખી. દિલ્હીની આસપાસના વિસ્તારની બોલીને ‘હિંદવી’ નામ પણ ખુસરોએ આપ્યું હોવાનું કહેવાય છે (જે આગળ જતાં ‘હિંદી’ બની).

હિંદ અને હિંદવી માટેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતા એક શેરમાં ખુસરોએ કહ્યું હતું, ‘ચુ મન તુતી-એ-હિંદમ અર રાસ્તા પુર્તી/ જિ મન હિંદવી પુર્સ તા નગ્જ ગોયમ’ (હું હિંદની તુતી છું- તેનાં ગુણગાન ગાતો પોપટ છું- મને હિંદવી વિશે પૂછો, જેથી હું હિંદવીમાં મારી કાવ્યકળા પ્રદર્શીત કરી શકું.) હિંદવી માટેનો અનુરાગની સાથે ખુસરોની પ્રયોગશીલતાનો પરિચય તેમની એક વિશિષ્ટ ગઝલમાંથી મળે છે. સાત સદી પહેલાં લખાયેલી આ ‘ફ્‌યુઝન’ ગઝલના દરેક શેરનો પહેલો મિસરો ફારસી અને બીજો વ્રજભાષાનો હતો. એટલું જ નહીં, પહેલા શેરમાં તો બન્ને મિસરા અડધા ફારસી, અડધા વ્રજભાષામાં છે. એ ગઝલના નમૂનારૂપ શેર :

જે હાલ મિસકીં મકુન તગાફુલ દુરાય નૈના બનાયે બતિયાં
કિ તાબે હિજ્રાં ન દારમ એ જાં ન લેહુ કાહે લગાયે છતિયાં

(આ ગરીબની દશાની ઉપેક્ષા કરશો નહીં. હવે હું વિરહ સહી શકતી નથી. મને તમારા આલિંગનમાં સમાવી લો.)


શબાન હિજ્રાં ન દારજ ચૂં જુલ્ફ વ રોજેમસલત ચૂ ઉમ્ર કોતાહ
સખી પિયા કો જો મૈં ન દેખું, તો કૈસે કાટું અંધેરી રતિયાં

( વિરહની રાતો તારાં જુલ્ફાંની જેમ લાંબી અને મિલનની ઘડીઓ જિંદગી જેવી ટૂંકી છે. પ્રિયતમનાં દર્શન વિના વિરહની અંધારી રાત શી રીતે વીતશે?)


ચુ શમા સોજાં ચુ જર્રા હૈરાં હમેશા ગીરીયાં બઇશ્ક આં મેહ
ન નીંદ નૈના, ન અંગ ચૈના, ન આપ આવે ન ભેજે પતિયાં

(પ્રેમમાં દીપકની જેમ બળું છું અને સૂર્યનાં કિરણોમાં વેરવિખેર દેખાતાં રજકણોની જેમ ગભરાઉં છું. આંખોમાં નિંદર નથી, શરીરને ચેન નથી. નથી તમે આવતા, નથી તમારો કાગળ આવતો)

સાબરી બ્રધર્સ જેવા ગાયકોના કંઠે આ પંકિતઓ સાંભળતાં એ તેરમી સદીની નહીં, એકવીસમી સદીની લાગે છે.

લેખનની જેમ સંગીતમાં પણ અમીર ખુસરોનું પ્રદાન પ્રચંડ છે. ‘મન કુંતો મૌલા’ જેવા પેગંબરવચનની ખુસરોએ બાંધેલી તરજ અને તેની સાથે ગાયકી માટે ઉમેરેલા ‘દરદિલ’ (તુમ જાનો), ‘દાની’ (દિલમેં હૈ), તનાના જેવા શબ્દો ભક્તિનો અનોખો માહોલ પેદા કરે છે.  ‘હમ તુમ તાનાનાના, યાલાલી યાલાલી યાલા રે’ જેવા મહદ્‌ અંશે તાલ અને ઘ્વનિસૂચક શબ્દોને કારણે એક લીટીની આ કવ્વાલીને નુસરત ફતેહઅલીખાન, સાબરી બ્રધર્સ કે આબીદા પરવીન જેવા કલાકારો અડધા કલાક સુધી બહેલાવીને રસિક શ્રોતાઓને સમાધિની અનુભૂતિ કરાવી શકે છે.

મન કુંતો મૌલા (સાબરી બ્રધર્સ)

મન કુંતો મૌલા (નુસરત ફતેહઅલીખાન)

મન કુંતો મૌલા (આબીદા પરવીન)

મન કુંતો મૌલા (ઝફરહુસૈનખાન બદાયુંની)


કૌલ, કવ્વાલી, તરાના, ખયાલ, સાઝગીરી અને ખયાલ ગાયકી જેવા અનેક પ્રકાર શરૂ કરવાનું શ્રેય ખુસરોને આપવામાં આવે છે. સિતાર અને તબલાં જેવાં વાદ્યોની શોધ ખુસરોએ કરી હોવાની પણ દંતકથા છે. ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી/ કૈસે મેં ભર લાઉં મધવા સે મટકી/પનિયા ભરન કો મૈં જો ગઇ થી/ દૌડ ઝપટ મોરી મટકી પટકી/ ખુસરો નિઝામ કે બલ બલ જાઇએ/ લાજ રાખે મેરે ઘુંઘટ પટ કી’ જેવું પદ લખનાર અમીર ખુસરોની અનેક રચનાઓ ધર્મના વાડા અને ધાર્મિક ઝનૂન સામે સદીઓથી અડીખમ રહી છે. જુદી જુદી ભાષાની તેમની શાયરીના ૯૨ સંગ્રહો છે. તેમાં ફિલસૂફી અને પ્રેમથી ઉખાણાં અને જોડકણાં સુધીના પ્રકારો સામેલ છે.

હિંદની ભૂમિ અને તેના રીતરિવાજ સાથે એકરૂપ થઇ ગયેલા ખુસરોની બીજી ભાષાની રચનાઓ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન સહિત મઘ્ય એશિયાના ઘણા દેશોમાં ગવાય છે. ભારત-પાકિસ્તાનમાં ખુસરોની રચનાઓ સફળતાની ખાતરી જેવી ગણાય છે. કવ્વાલી અને ફિલ્મી ગીતોથી માંડીને ‘કોક સ્ટુડિયો’ સુધીનાં સ્વરૂપોમાં તેમની રચનાઓ છવાતી રહી છે. આવનારા દિવસો-વર્ષો-સદીઓમાં પણ તેમની રચનાઓ કાળને મજબૂત ટક્કર આપે એટલી નાજુક તાકાત ધરાવે છે. 
દિલ્હીમાં આવેલી અમીર ખુસરોની દરગાહ (તસવીર- ઇન્ટરનેટ પરથી)

Thursday, August 22, 2013

સાવનકા મહિના, ‘બાવન’ કરે જોર

જન્માષ્ટમી નિમિત્તે જુગારની એટલી બોલબાલા છે કે  ‘કૃષ્ણજન્મની ઉજવણીનો તહેવાર છે’ એવું યાદ કરાવવું પડે. ઇંગ્લીશ મીડિયમમાં ભણતાં બાળકોનાં માતાપિતા તેમના સંતાન સમક્ષ પોતાના  જ્ઞાનનું પ્રદર્શન કરતાં કહી શકે, ‘આ દિવસે લોર્ડ ક્રિશ્નાનો હેપ્પી બર્થ ડે છે.’ ભારતીય-ગુજરાતી સંસ્કૃતિની મીઠાશ આવી અંગ્રેજી સમજૂતીમાં ક્યાંથી આવે? એટલે જ તેમાં જન્માષ્ટમી અને જુગારના અભિન્ન સંબંધનો કશો ઉલ્લેખ આવતો નથી.

મનુષ્યજીવન કેટલું ફાની છે, એ વિશે અનેક ફિલસૂફો અને જ્ઞાનીજનો ઘણું કહી ગયા છે. તેમાંથી કોઇકે વાતને ચબરાક વળાંક આપતાં કહ્યું હશે,‘જિંદગી એક જુગાર છે.’ આ પારંપારિક ફિલસૂફી જન્માષ્ટમી નજીક આવતાં ઊલટાવા લાગે છે. ઘણા શોખીન ‘ખેલીઓ’ માટે જિંદગી જુગાર નહીં, જુગાર જ જિંદગી બની જાય છે. ‘ફેસબુક’ કે અવનવી કમ્પ્યુટર ગેમ્સ પહેલાંના સમયમાં ઘણા લોકોને નવાઇ લાગતી હતી કે કોઇ રમતનો આટલો ચસ્કો કેવી રીતે હોઇ શકે? પરંતુ કમ્પ્યુટરયુગના બંધાણીઓને જોયા પછી, કમ સે કમ આ બાબતે ખુલાસો કરવાની જરૂર રહી નથી.

કેટલાક સિદ્ધ લોકો જુગાર રમવા માટે જન્માષ્ટમીના મોહતાજ હોતા નથી. એ ભીંત ફાડીને ઉગી નીકળતા પીપળા જેવા હોય છેઃ ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તે મોસમમાં પોતાનો રસ્તો શોધી લે. પરંતુ ઘણા લોકો આ બાબતમાં વરસાદ પછી ઉગી નીકળતા કામચલાઉ ઘાસ જેવા હોય છે. વરસાદ આવે ત્યારે થોડા દિવસ ઘાસ ઉગે, તેમ જન્માષ્ટમી આવે એટલા પૂરતું, થોડા કલાક કે થોડા દિવસ તે જુગાર રમે. બસ.

એવા લોકોને જુગારી કહી શકાય? ‘જુગારી’ શબ્દમાં રહેલી નકારાત્મક અર્થચ્છાયા ઘ્યાનમાં રાખતાં આ વિચારવા જેવો પ્રશ્ન છે. ખરેખર તો, જેમ ઇતિહાસના દરેક અઘ્યાપક ઇતિહાસકાર નથી હોતા, વિજ્ઞાનના દરેક અઘ્યાપક વિજ્ઞાની નથી હોતા અને સમાજશાસ્ત્રના દરેક અઘ્યાપક ‘સમાજશાસ્ત્રી’ નથી હોતા, એવી જ રીતે દારૂ પીનારા બધા ‘દારૂડિયા’ નથી હોતા અને  જુગાર રમનાર દરેક ‘જુગારી’ નથી હોતા.

વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો વિચારી જુઓ : યુધિષ્ઠિરને કોઇ જુગારી કહે છે? અથવા કેટલા લોકો તેમને ‘જુગારી’ કહે છે? ને કેટલા ધર્મરાજ? જુગાર ઉર્ફે જુગટું ભારતની પરંપરા સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે હજુ સુધી તેને ‘હેરિટેજ’નો દરજ્જો આપવાની હિલચાલ કેમ થઇ નથી, એ નવાઇની વાત છે. ભારતીયોને પોતાના સાંસ્કૃતિક વારસાની કદર હોત તો લાસ વેગાસ અમેરિકામાં નહીં, ભારતમાં હોત. વિદેશીઓ આપણી નકલ કરીને માલામાલ થઇ ગયા, તેનું સૌથી ઓછું જાણીતું છતાં સૌથી જ્વલંત ઉદાહરણ જુગારનગરી લાસ વેગાસ ગણાવું જોઇએ.

ભારતીયો સજાગ ન રહ્યા, એટલે તેમને આલીશાન કેસિનોને બદલે પોળ-મહોલ્લાના ઓટલે કે ખુલ્લી જગ્યાઓમાં બેસીને પોતાના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવાનો વારો આવ્યો. અંગ્રેજ કાયદાએ વળી આ પ્રવૃત્તિને ગેરકાયદે ઠેરવી. છતાં મોડે મોડેથી વારસા બાબતે જાગેલા ભારતીયો કાયદાથી દબાયા-કચડાયા નથી અને ઉત્સાહભેર આ મુદ્દે સવિનય કાનૂનભંગની લડત ચાલુ રાખી છે. મુઠ્ઠીભર સમૃદ્ધ લોકો ક્લબમાં બેસીને જુગાર રમે છે, પરંતુ સમૃદ્ધિના દોરદમામમાં સંસ્કૃતિની ખુશબુ ખોવાઇ જાય છે. તેનો સાચો પરચો પોળોમાં ખુલ્લામાં રમાતા જુગારમાં મળતો હતો.

પોળમાં સ્ટ્રીટ લાઇટ નીચે છાપાંનો સૌથી ઉત્તમ ઉપયોગ કરીને- એટલે કે તેમને જમીન પર પાથરીને- રમતનો તખ્તો ગોઠવાયો હોય, એક-બે ખેલીઓ હાથમાં પત્તાંની ગડી સાથે કેન્દ્રસ્થાને હોય, તેમની આસપાસ સમરસીયાઓનું ઝુંડ, વીઆઇપીઓની ફરતે વીંટળાયેલા સલામતી રક્ષકોની જેમ વીંટળાયેલું હોય. દરેક જણનાં શરીર અલગ અલગ હોવા છતાં, તેમનું આઘ્યાત્મિક અસ્તિત્ત્વ એકાકાર અને એકરૂપ બની ચૂક્યું હોય, સૌનું ઘ્યાન કેવળ પત્તાં પર કેન્દ્રીત થયેલું હોય, વાતાવરણમાં પત્તાંની ચીપ અને ફરકડીના અવાજ યુદ્ધભૂમિમાં થતા શંખ-દુદુંભિના નાદની જેમ ગાજતા હોય- આ દૃશ્ય એવું દિવ્ય રહેતું  કે જતાંઆવતાં પોલીસ પણ રેડ પાડવાનું ભૂલીને - કે પછી રેડમાંથી મળેલા પૈસામાંથી- ત્યાં દાવ લગાડવા ઉભા રહી જતા હતા. ભારતીય પ્રજાના હૃદયમાં પોલીસ પ્રત્યે આટલી હદે મિત્રાચારીનો ભાવ ક્યારે જાગતો હશે? જુગારમય બનેલા જીવો પોલીસ અને ચોર વચ્ચેનો, સજ્જન અને દુર્જન વચ્ચેનો ભેદ ભૂલીને સૌને એક જ દૃષ્ટિએ જોતા હતાઃ તમારી પાસે કઇ ગેમ આવી છે?

લખચોરાશીના ફેરામાં અટવાતા સંસારી જીવોની માફક અઠંગ જુગારપ્રેમીઓ બાવન પત્તાના ચક્કરમાં અટવાય છે. ટમેટાં જોઇને તેમને લાલનો એક્કો અને રીંગણ જોઇને કાળીનો એક્કો યાદ આવે છે. પોતાની ‘રાણી’ કરતાં અનેક ગણી વધારે ચિંતા એ પત્તાંની રાણીની કરે છે. પોતાના પક્ષમાં હોય તો ઉપયોગી અને સામેના પક્ષમાં હોય તો જોખમી એવા નેતાઓની વાત કરતાં તેમને ‘જોકર’ યાદ આવે છે. ભગવદ્‌ ગીતાની વાત કરતાં એ લોકોનો ચહેરો ચમકી ઉઠે છે. ‘તમને ખબર છે, ભગવાન કૃષ્ણે કહ્યું હતું, હે પાર્થ, શંખોમાં હું પાંચજન્ય છું અને તીન પત્તીમાં હું ટ્રાયો છું.’

ભારતના મોટા ભાગના તહેવારો સાથે ઘોંઘાટનું દૂષણ જોડાયેલું છે. એ બાબતમાં જન્માષ્ટમી એક સુખદ અપવાદ છે. ગણેશ ઉત્સવમાં દસ માણસો ભેગા થઇ કરે, તેનાથી દસમા ભાગનો અવાજ પણ એક રૂમના જુદાં જુદાં ‘ટેબલ’ પર બેઠેલા સો માણસો વચ્ચેથી આવતો નથી. ‘ટેબલ’ જુગારની જૂની પરિભાષાનો એક હિસ્સો છે. જુગારીઓ જ્યાં ભેગા મળીને બાવન પત્તાં દ્વારા આઠમ ઉજવતા હોય એ જગ્યાએ ‘ટેબલ બેઠું છે’ એવો શબ્દપ્રયોગ થાય છે. ‘ટેબલ’ને બદલે ‘બોર્ડ’ શબ્દ પણ વપરાય છે. (એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડનાં જુગારછાપ પરિણામોને કારણે જુગાર રમાય અને હારજીત થાય એ જગ્યા માટે ‘બોર્ડ’ શબ્દ પ્રચલિત બન્યો હશે?)

કળિયુગની આઠમે કૃષ્ણ જન્મે કે ન જન્મે, પણ આ તહેવાર નિમિત્તે અનેક નવા જુગારીઓ જન્મે છે. ઘણા સજ્જનો એવા હોય છે, જે આઠમ સિવાય પત્તાંની સામે પણ જોતા નથી, પણ ‘આઠમના દિવસે હું પત્તા સામે નહીં જોઉં તો ભગવાન મારી સામે નહીં જુએ’ એવી કોઇ ભાવનાથી પ્રેરાઇને ખંતથી ‘ટેબલ’ પર બેસી જાય છે. અલબત્ત, તેમની મુદ્રા સતત રક્ષણાત્મક રહે છે. તેમને કોઇ પૂછે કે ‘શું? આઠમ કેવી રહી?’ એટલે તે દરેક સ્ટેશને થોભતી લોકલ ગાડીની જેમ કહેશે,‘હું તો અમસ્તો...ખાલી આઠમ પૂરતો...મિત્રો સાથે જ...અને આપણો કન્ટ્રોલ એટલે? નક્કી કર્યું ત્યારે ઉભો...હારજીત માટે નહીં...બે ઘડી મઝા (સ્કેલમાપ : એક ઘડી = બાર કલાક)...રાતે બાર વાગે એટલે દર્શન કરીને સીધો ઘેર...આવતી સાલ તમે પણ આવોને? આપણે સરખેસરખા હોઇએ તો શું છે કે મઝા આવે...’.

આઠમ નિમિત્તે જુગાર રમનારા ‘ભક્તો’ ઘણી વાર પોલીસના સપાટે ચડી જાય ત્યારે પોલીસ એમને ‘કૃષ્ણજન્મસ્થળ’ ભેગા કરે છે. એ રીતે જોતાં, કૃષ્ણને ભજવાની બાબતમાં જુગાર રમનારા ભજન કરનારા કરતાં પણ વધારે નિષ્ઠાવાન ન કહેવાય?

Wednesday, August 21, 2013

અણુવીજળી અને લોકસંઘર્ષઃ અધિકાર કે અડચણ?

લગભગ અઢી દાયકાના ઉતારચઢાવ પછી, જુલાઇ ૧૩, ૨૦૧૩ની રાત્રે ૧૧:૦૫ વાગ્યે તામિલનાડુના કૂદનકૂલમ / Kudankulamમાં અણુવીજળીમથકનું પહેલું રીએક્ટર ધમધમતું (‘ક્રિટિકલ’) બન્યું. ટૂંક સમયમાં ત્યાં વીજળીનું ઉત્પાદન શરૂ થશે.

પરંતુ ચળવળકારોનો એક સમુહ આ સમાચાર માનવા તૈયાર નથી. તેમને લાગે છે કે અણુવીજમથકનો વિરોધ કરતા લોકોને ઉશ્કેરવા- હતોત્સાહ કરવા માટે સરકારે આવા સમાચાર વહેતા કર્યા છે. કૂદનકુલમનાં કુલ છ રીએક્ટરમાંથી ૧ હજાર મેગાવૉટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પહેલું રીએક્ટર શરૂ કરાયું, એ વિશે સરકારે પત્રકારોને પ્રાથમિક વિગતો પૂરી પાડી છે. તેના અને સંબંધિત અધિકારીઓએ વ્યક્ત કરેલાં ઉત્સાહ-રાહતના આધારે માનવું રહ્યું કે રીએક્ટર ખરેખર શરૂ થઇ ચૂક્યું છે. થોડાં અઠવાડિયામાં વીજળીનું ઉત્પાદન શરૂ થશે, એટલે બીજા કોઇ પુરાવાની જરૂર નહીં રહે.

રીએક્ટર કામ કરતું થયું કે નહીં, એવી સાદીસીધી વાત માટે પરસ્પર આ હદનો અવિશ્વાસ હોય, તો અણુવીજળીના ફાયદા-નુકસાન બાબતે શી રીતે એકમત સધાય? તેની તરફેણમાં અને વિરોધમાં વાજબી લાગે એવા ઘણા મુદ્દા છે.

અણુવીજળી : વૈશ્વિક ચિત્ર

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાં પેદા થતી કુલ વીજળીમાંથી આશરે ૪૦ ટકા કોલસાથી, ૨૨ ટકા નેચરલ ગેસથી, ૧૬ ટકા જળવિદ્યુત મથકોથી અને આશરે ૧૩ ટકા અણુશક્તિથી પેદા થાય છે. અણુશક્તિ દ્વારા પેદા થતી વીજળીને આકર્ષક બનાવનારાં ઘણાં કારણ છે. તેમાં સૌથી પહેલું કારણ : વીજળીની સતત વધતી જરૂરિયાત. ભારત અને ચીન સહિતના ‘વિકાસશીલ’ દેશો પણ હવે અમેરિકા જેવા વિકસીત દેશોની જેમ અઢળક વીજળી વાપરે છે. કોઇ એક સ્રોતથી વીજળીની માગને પહોંચી વળવું અઘરૂં છે. કોલસાથી ચાલતાં વીજમથકો ભારે પ્રદૂષણ કરે છે, નેચરલ ગેસના જથ્થાનો પ્રશ્ન હોય છે અને જળવિદ્યુત મથકો માટે પાણીનો વિશાળ જથ્થો આવશ્યક હોવાથી, તેમની  સંખ્યાની  મર્યાદા રહે છે. સૂર્યની અને પવનની શક્તિને વીજળીમાં ફેરવવાનું શક્ય છે, પણ એ રીતે પેદા થતી વીજળીનો જથ્થો ‘અન્ય પ્રકારો’માં ગણવો પડે એટલો ઓછો છે. કારણ કે અત્યારે એ વિકલ્પો ખર્ચાળ અને ઓછી કાર્યક્ષમતા ધરાવતા ગણાય છે.

સરખામણીમાં અણુશક્તિનો વિકલ્પ ભારત સહિતના ઘણા દેશોને આકર્ષક લાગે છે. ૧૯૫૦ના દાયકામાં અમેરિકાએ અણુશક્તિના શાંતિમય ઉપયોગ દ્વારા વીજળી પેદા કરી ત્યારથી આ ટેકનોલોજી સિદ્ધ અને સ્વીકૃત ગણાય છે. અણુવીજળી મથકો સામાન્ય સંજોગોમાં બિલકુલ પ્રદૂષણ પેદા કરતાં નથી. અલબત્ત,‘સામાન્ય સંજોગોમાં’ - એ શબ્દો ચાવીરૂપ છે. કારણ કે અસામાન્ય સંજોગોમાં તે અસામાન્ય પ્રદૂષણ અને જોખમો પેદા કરે છે. રશિયાની ચેર્નોબિલ (૧૯૮૬) અને જાપાનની ફુકુશિમા દુર્ઘટના (૨૦૧૧) તેનાં ઉદાહરણ છે. નિયમિત રીતે ચાલતા અણુવીજમથકમાં અણુકચરાનો નિકાલ મુદ્દો મહત્ત્વનો હોય છે. તેની ચોક્કસ સલામત પદ્ધતિ છે. અત્યાર સુધી એ વિશે મોટી બૂમ ઉઠી નથી, પણ તેનાં દૂરગામી પરિણામ વિશે ભવિષ્યમાં જ જાણવા મળી શકે.

વીજળી પેદા કરવાની ગરજ અને ગંભીર અકસ્માતોની સાવ ઓછી સંખ્યાને કારણે ઘણા દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં અણુવીજળી તરફ વળી રહ્યા છે. ન્યૂક્લીઅર એનર્જી ઇન્સ્ટિટ્યુટના જુલાઇ, ૨૦૧૩ના આંકડા પ્રમાણે, ભારત સહિત વિશ્વના ૩૦ દેશોમાં ૪૩૦ રીએક્ટર અણુવીજળીના ઉત્પાદનમાં સક્રિય છે અને ૧૪ દેશોમાં બીજાં ૭૧ અણુવીજળી મથક ઊભાં થઇ રહ્યાં છે. અણુવીજળી માટેની દોડમાં મોખરે રહેનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

જાપાનમાં થયેલા ફુકુશિમા અકસ્માત અને તેના પગલે થયેલી ઢાંકપિછોડાની કોશિશો પછી, વિશ્વભરનાં અણુશક્તિવિરોધી સંગઠનોમાં નવી ચેતના આવી છે. ફક્ત સ્વૈચ્છિક સંસ્થાઓ કે ચળવળકારો જ નહીં, કેટલીક સરકારો પણ વીજળી માટે અણુઉર્જા સિવાયના વિકલ્પ વિચારી રહી છે. તેમાં સૌથી નોંધપાત્ર ઉદાહરણ જર્મનીનું છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં જર્મની બધાં અણુવીજમથકો બંધ કરી દેવા માગે છે. સૌરઊર્જા જેવા વૈકલ્પિક સ્રોતોને ત્યાં મોટા પાયે સરકારી મદદ- સબસીડી આપવામાં આવે છે. (તેની તરફેણમાં એવી દલીલ થાય છે કે પરંપરાગત સ્રોતોથી પેદા થતી વીજળીમાં પણ સરકાર અઢળક સબસીડી આપે જ છે, તો વધારે ફાયદાકારક એવા વૈકલ્પિકમાં શા માટે નહીં?) ઇટાલીએ  જાપાનની દુર્ઘટના પછી અણુવીજળી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં સરકાર અણુવીજળીના માર્ગે આગળ વધવા મક્કમ છે, પણ સ્થાનિક વિરોધ સતત વધી રહ્યો છે. તામિલનાડુના કૂદનકુલમ ઉપરાંત મીઠી વીરડી (ગુજરાત), જૈતાપુર (મહારાષ્ટ્ર), કોવાડા (આંધ્ર પ્રદેશ), ગોરખપુર (હરિયાણા), ચુટકા (મઘ્ય પ્રદેશ), હરિપુરા (પશ્ચિમ બંગાળ) જેવાં અણુવીજળીનાં ભાવિ સરનામાં વર્તમાનમાં સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષનાં કેન્દ્ર બન્યાં છે.

સામસામી દલીલો

અણુવીજમથક માટે ‘ફુટવાની રાહ જોતો અણુબોમ્બ’ જેવો શબ્દપ્રયોગ ભયાનક ચિત્ર વ્યક્ત કરવા માટે બહુ અકસીર છે, પરંતુ તેનાથી આંટીધૂંટીવાળું વાસ્તવિકતા જાણી શકાતી નથી. ખરૂં જોતાં, અકસ્માતની સંભાવના અણુવીજળીને એક જ ઝાટકે નાપાસ કરે છે. ગમે તેટલી કાળજી લીધા પછી પણ અકસ્માત નહીં થાય એવી ખાતરી કોઇ માનવસર્જિત ચીજ માટે આપી ન શકાય. હા, અકસ્માત કયા સંજોગોમાં થઇ શકે તેની આગોતરી ધારણા (ત્રાસવાદી કે વિદેશી હુમલો, ત્સુનામી, ધરતીકંપ, પ્લાન્ટના સંચાલનમાં માનવીય ભૂલ, ખામીયુક્ત પૂરજો) વિચારીને, એ સ્થિતિને પહોંચી વળવા માટે યોજાયેલા ટેકનોલોજીના ઉપાય લોકોને સમજાવી શકાય.

ભારતમાં અણુવીજમથકો સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકો વચ્ચેના તીવ્ર ખેંચતાણનો વિષય બન્યાં છે. એ માટે અકસ્માતનો ભય મુખ્ય મુદ્દો હોવા છતાં, બીજા ઘણા મુદ્દા તેમાં ઉમેરાય જાય છે. તેમાં લોકોનો સરકાર પરનો (વાજબી) અવિશ્વાસ પણ અગત્યનો ભાગ ભજવે છે. કૂદનકુલમની વાત કરીએ તો, દરિયાકિનારે સ્થપાયેલા આ અણુવીજળી મથકને કારણે આસપાસનાં ગામના લોકોના મનમાં અનેક શંકાઓ છે. જેમ કે, રીએક્ટરમાંથી બહાર નીકળતા ગરમ પાણીને કારણે દરિયાનાં માછલાં નષ્ટ થઇ જશે અને માછીમારી આધારિત વસ્તીને ભારે ફટકો પડશે. ઘણા સ્થાનિક લોકો માને છે કે સરકાર વઘુ જમીન સંપાદિત કરીને થોડાં વઘુ ગામડાં ખાલી કરાવશે. અણુકચરાના નિકાલ અને તેના પ્રદૂષણથી માંડીને અકસ્માતનો ડર પણ ખરો.

કૂદનકુલન પ્લાન્ટના વિરોધ માટે સ્થપાયેલી સંસ્થા ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ અને તેના સંયોજક ઉદયકુમાર સામેની આકરી સરકારી કાર્યવાહી લોકોના મનની શંકાઓને દૃઢ કરે છે. અણુવીજળી મથકનો વિરોધ કરનારા સામે સરકારે રાજદ્રોહના કેસથી માંડીને વિદેશી ભંડોળના જોરે અને તેમના ઇશારે પ્લાન્ટનો વિરોધ થતો હોવાના ગંભીર આરોપ મૂક્યા છે. અનેક વાર તેમની પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે.

સામા પક્ષે, ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ (PMANE) સહિતનાં સંગઠનોએ સરકાર પાસે મુકેલી માગણીઓમાં વૈજ્ઞાનિક માહિતીના અભાવની સાથોસાથ સરકાર પરનો અવિશ્વાસ સ્પષ્ટ રીતે છતો થાય છે. સરકારે ઓક્ટોબર, ૨૦૧૧માં પંદર સભ્યોની બનેલી એક સમિતિ નીમી હતી. તેના અહેવાલમાં ઘણી સ્પષ્ટતાઓ કરવાનો પ્રયાસ થયો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે રીએક્ટરમાંથી દરિયામાં છોડવામાં આવતા ગરમ પાણીનું તાપમાન દરિયાના પાણીના તાપમાન કરતાં પાંચ અંશ સે. જેટલું વધારે હશે. તેનાથી માછલીઓના અસ્તિત્ત્વ સામે કોઇ પ્રકારનો ખતરો ઊભો થવાનો નથી. આ દાવાના ટેકામાં અણુશક્તિ વિભાગે સાત યુનિવર્સિટીઓ પાસે કરાવેલું સર્વેક્ષણ ટાંકવામાં આવ્યું. તેમાં કહેવાયું છે કે હાલમાં દરિયાકાંઠે કાર્યરત એવા કલ્પક્કમ અને તારાપુર જેવાં અણુવીજળી મથકોને કારણે માછલીની આવકમાં જરાય ઘટાડો નોંધાયો નથી કે તેમના અસ્તિત્ત્વ સામે કોઇ ખતરો ઊભો થયો નથી. દરિયાના પાણીની સાથોસાથ માછલીઓ કૂલિંગ પ્લાન્ટમાં ન આવી જાય એની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.

કૂદનકુલમ પ્લાન્ટ નિમિત્તે સરકાર હવે વઘુ જમીન સંપાદિત કરવાની નથી કે ગામડાં ખાલી કરાવવાની નથી, એ પણ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રીએક્ટરમાં અકસ્માત થાય તો તેનો રેડિયોએક્ટિવ મલીદો ખુલ્લામાં કે પાણીમાં ન પ્રસરે એ માટે ડીઝાઇનમાં અનેક તકેદારી લેવાઇ છે. દરિયાકાંઠે આવેલા આ મથકને ત્સુનામીનાં મોજાંની પહોંચથી ખાસ્સું ઊંચું (દરિયાની સપાટીથી ૭.૫ મીટર ઊંચું) રાખવામાં આવ્યું છે. અગાઉ ત્રાટકેલા ત્સુનામીનાં મોજાં ૫ મીટર સુધી પહોંચ્યાં હતાં, જ્યારે કૂદનકુલમ અણુમથકના ટર્બાઇન દરિયાની સપાટીથી ૮.૧ મીટર ઊંચે, રીએક્ટરનું બાંધકામ ૮.૭ મીટર ઊંચાઇ પર અને અનિવાર્ય સંજોગોમાં વીજળી પુરવઠો ચાલુ રાખીને પ્લાન્ટને બચાવતા ડીઝલ પમ્પના સેટ ૯.૩ મીટર ઊંચાઇ પર રાખવામાં આવ્યા છે.

સરકારને લાગે છે કે દેશની આગેકૂચ માટે અણુવીજળી વિના ઉદ્ધાર નથી અને સલામતીનાં બધાં પગલાં લીધા પછી પણ જો તેનો વિરોધ થતો હોય તો, વિરોધ કરનારા દેશહિતના વિરોધી છે. તેમની સામે સખ્તાઇથી કામ લેવાવું જોઇએ.

વિરોધ કરનારાને સરકારના દાવા પર ભરોસો નથી અને ‘નીવડ્યે વખાણ’ જેવી નીતિ અણુ રીએક્ટર માટે રાખી શકાતી નથી. કારણ કે કંઇક ઊંઘું વેતરાય ત્યારે બહુ મોડું થઇ જતું હોય છે. આ સ્થિતિમાં પોતાના નાગરિકો સામે દેશદ્રોહના આરોપો મૂકીને કે લાઠીચાર્જ-ગોળીબાર કરીને તેમને લાઇનમાં આણવાને બદલે, તેમને સાથે રાખીને સમજાવવા એ સરકારની ફરજ અને નાગરિકોનો હક બને છે.

ભોપાલ દુર્ઘટનાના લગભગ ત્રણ દાયકા પછી પણ કાનૂની કાર્યવાહી અને કચરાના નિકાલ બાબતે સરકારોની અક્ષમ્ય ઢીલાશ ઘ્યાનમાં રાખતાં, નાગરિકોની ગમે તેટલી ચિંતા વઘુ પડતી લાગતી નથી અને તેમને વિશ્વાસમાં લેવાના - સમજાવવાના સરકારના પ્રયાસો ઘણા અપૂરતા લાગે છે. સરકાર અણુવીજળી મથકો બનાવવા માટે કૃતનિશ્ચયી હોય અને ચર્ચામાં ઉતરવા ન માગતી હોય, તો પણ  નાગરિકોના સીધા હિત અને તેમના અસ્તિત્ત્વને લગતાં જોખમો વિશે તો તેણે સંતોષકારક ખુલાસા અને વ્યવસ્થા કરવાં રહ્યાં. 

Thursday, August 15, 2013

નન્નો ભણવાની કળા : એક મોડર્ન આર્ટ

કળાનાં પુસ્તકો કેટલાં વેચાતાં હશે એ સવાલ છે, પણ કળા સિવાયની ‘કળાઓ’નાં પુસ્તકો ઘૂમ વેચાય છે. તેમાં મિત્રો ને સખીઓ બનાવવાની કળાથી માંડીને લોકોને પ્રભાવિત કરવાની કળાથી માંડીને રૂપિયા કમાવવાની, સુખી થવાની, તંદુરસ્ત રહેવાની- એવી અનેક કળાઓનો સમાવેશ થાય છે. અમૃત ઘાયલે ‘મૂર્ખ મન’ને કહ્યું હતું કે પીતાં આવડે તો એવી કઇ ચીજ છે જે શરાબ નથી? અત્યારે સ્થિતિ એવી છે કે વેચતાં આવડે તો એવો કયો વિષય છે જે કળા નથી?

પહેલાંના વખતમાં ‘તૈયાર’ માણસ માટે ‘ચોસઠ કળાનો જાણકાર’ એવો શબ્દપ્રયોગ વપરાતો હતો. એ ચોસઠ કળામાં સ્ત્રીનું હૃદય જીતવાથી માંડીને ચોરી કરવા જેવી ને જુગાર રમવા જેવી કળાઓને પણ સ્થાન મળ્યું હતું. નવા જમાનાની ચોસઠ કળાની યાદી બનાવવી થાય તો તેમાં ના પાડવાની કળાને અવશ્ય અને મોખરાનું સ્થાન મળે.

‘તમે ના પાડવા ઇચ્છતા હો ત્યારે કેવી રીતે ના પાડવી’ એ પ્રકારનાં પુસ્તકો બજારમાં મળે છે. હકીકત એ છે કે ના પાડવાનું શીખવા માટે જેમને પુસ્તકો ખરીદવાં પડતાં હોય, એવા લોકો ભાગ્યે જ ના પાડી શકે છે. (એમાં કોઇ ના પાડી શકે એમ નથી.) પરંતુ ચોખ્ખેચોખ્ખી, મોઢામોઢ, ઘસીને ના પાડી દેવી એ બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય અને ઉડતાં પંખી દોરવા જેવી કે વઘુમાં વઘુ, રાજા રવિવર્માનાં ચિત્રો જેવી કળા છે. પરંતુ પિકાસો-ડાલી-મોને-સેઝાંની કૃતિઓ જેવી કળા તો એ છે કે મોઢેથી ‘ના’ બોલ્યા વિના ના પાડવી.  એ કેવળ કળા જ નથી, આઘુનિક કળા (મોડર્ન આર્ટ) છે. એના ડિગ્રી કોર્સ ચાલતા નથી. કારણ કે એ ભણાવી શકાતી નથી. એ જાતે શીખવી પડે છે. ભારતમાં આ કળાના ઘુરંધર વિદ્વાનો મોજૂદ છે અને તેમની કદી ખોટ વરતાતી નથી. એ લોકો કોઇ પણ અઘરા સવાલનો ‘ના’માં જવાબ આપવાને બદલે, એવો જવાબ આપે છે કે સાંભળનાર જવાબને બદલે જવાબમાં રહેલી કળાના સૌંદર્યમાં ખોવાઇ જાય.

મોડર્ન આર્ટની જેમ જ આ કળા વિશે પણ થિયરીની પિંજણમાં વધારે પડવાને બદલે ઉદાહરણથી વાત કરીએ તો, સમજૂતી વધારે સ્પષ્ટ બનશે. એક સીધોસાદો-નિર્દોષ સવાલ વિચારો. દા.ત.‘આજે કયો વાર થયો?’ તેના જવાબમાં કળાકાર ન હોય એવું જણ કહેશે, ‘બુધવાર’ અથવા ‘ખબર નથી.’ આડા જવાબની કલ્પના કરીએ તો પણ કળા વગરની કલ્પનાની દોડ કેટલી? આડો માણસ કહેશે, ‘જે વાર થયો હોય તે, તારે શી પંચાત?’ પરંતુ આ જ સવાલ કોઇ ના પાડવાના કળાકારને પૂછવામાં આવે અને કહેવામાં આવે કે તેના જવાબમાં ‘મને ખબર નથી’ એવું કહેવાને બદલે, તમારી કળાનો સ્વાદ ચખાડો. તો કેવા જવાબ મળી શકે?

જવાબ ૧

વર્ષો પહેલાં મને એક જણે આ જ સવાલ પૂછ્‌યો હતો. એ વખતે મેં તેમને જે જવાબ આપ્યો હતો, એ મને મારા ગુરુએ શીખવ્યો હતો. મારા ગુરુ કોઇ હિમાલયવાસી કે ગિરનારી ન હતા. માથે લાંબી ચોટલી, પ્લાસ્ટિકની કાળી ફ્રેમનાં ચશ્માં, પગમાં પ્લાસ્ટિકના બૂટ, અંગરખું, ધોતી અને ખેસ- આ તેમનો વેશ, પણ એક વાત એમણે મને શીખવાડી હતી...

પ્ર : એ બઘું ઠીક છે, પણ આજે કયો વાર થયો?

જ : એની પર જ આવું છું. હું એ જ કહેતો હતો કે એમણે મને એક વાત શીખવાડી હતી. બેટા, જીવનમાં ખોટું ન બોલીશ. એવું હોય તો બોલીશ જ નહીં, પણ ના પાડવી હોય ત્યારે ના પાડતાં શીખી જજે. એટલે જ એ પોતે કુંવારા હતા.  તેમને પાણીનો વિવેક કરવો હોય તો લોકો પૂછતા હતા,‘તમે પાણી નહીં પીઓને?’ જવાબમાં ગુરુ ‘ના’ પાડે એટલે તેમના માટે પાણીનો પ્યાલો આવતો. એ ગુરુના ઘરનું પાણી મેં પીધેલું છે.

પ્ર : પણ એને વાર સાથે શી લેવાદેવા?

જ : એ જ કે એમણે કહ્યું હતું, ‘જ્ઞાની માણસો માટે સૌ વાર સરખા.’ હું હમણાં કહી દઉં કે આજે સોમવાર થયો. પછી મને વિચાર આવે કે આજે તો મંગળવાર છે. કદાચ બુધ પણ હોઇ શકે અને વારનું શું ઠેકાણું? ગુરુ કે શુક્ર પણ કેમ ન હોય? આટલા બધા હોય તો પછી શનિ અને રવિનો પણ શું ગુનો? ગુરુજી કહેતા હતા કે આપણે સૌ પ્રત્યે સમભાવ રાખવો. વારનો મામલો ન હોય તો જુદી વાત છે. તિથી વિશે, હિજરી સંવત વિશે, શક સંવત વિશે, ચંદ્રની કળા વિશે, પૃથ્વીની ગતિ વિશે...કેટલા બધા વિષયો ઉપર આપણે વાત કરી શકીએ એમ છીએ. પછી શા માટે તમે વારનું પૂંછડું પકડી રાખો છો? હું તો તમને મૈત્રીભાવે સલાહ આપું છું કે વાર-બાર છોડીને તિથી પર આવો. અસલી ચીજ તો એ છે, પણ એ તો તમને અનુભવે સમજાશે.’

જવાબ ૨

આજે કયો વાર થયો એ કહેવામાં મને જરાય વાંધો નથી. મને શું વાંધો હોય? આપણી વચ્ચે કોઇ તકરાર નથી. ઉલટાનું મને તમારા માટે, તમારા પ્રેમ માટે, તમારી જિજ્ઞાસા માટે, તમારા શર્ટ માટે, તમારા ચશ્મા માટે, તમારાં ફેસબુક અપડેટ્‌સ-બ્લોગ-ટ્‌વીટ માટે અને તમારા આ સવાલ માટે પણ માન છે.

એટલે જ કહું છું કે કયો વાર થયો છે એ કહેવામાં મને શું વાંધો હોઇ શકે? અઠવાડિયા પહેલાં જ ત્રણ જણે મને આવો સવાલ પૂછ્‌યો ત્યારે એ ત્રણે જોડે મેં એક કલાક ચર્ચા કરી હતી અને એ દિવસે કયો વાર છે એ કહ્યું હતું. એટલું જ નહીં, એ તિથીએ ઇસવી સન ૧૯૦૦માં, ઇસવી સન ૧૦૦૦માં અને ઇસવી સન પૂર્વે ૨૫૦૦માં કયો વાર હતો એ પણ મેં એમને કહ્યુ ંહતું, કારણ કે મારે એમને કહેવું હતું. એનો અર્થ એવો નથી કે આજે મારે તમને કહેવું નથી, પણ મારી કેટલીક મર્યાદાઓ છે. તમે સમજુ છો. સમજી શકો છો. તે દિવસે મેં પેલા લોકોને આટલા બધા વાર કહ્યા હોય અને તમને આજનો વાર કહેવામાં મને શું વાંધો, હેં?

એક કામ કરો. આપણે છ-બાર મહિના પછી તમે કહો ત્યાં મળીએ. એ વખતે હું તમને કહીશ કે આજે કયો વાર હતો. મને ખબર છે કે તમને એવું લાગશે કે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા માગતો નથી, પણ એવું નથી. મને તમારા સવાલનો જવાબ આપવામાં કોઇ વાંધો નથી. એટલા માટે તો હું તમારી સાથે આટલી વાત કરું છું. નહીંતર ક્યારની વાત પૂરી ન થઇ ગઇ હોત? પણ મારે એવું નહોતું કરવું. મર્યાદા બધી સાચી, પણ આપણાથી માણસાઇ થોડી ચૂકાય? શું કહો છો?

જવાબ ૩ 

તમારો સવાલ સરસ છે. બહુ મહત્ત્વનો પણ છે. હું તમારી જગ્યાએ હોત તો મેં આવો જ સવાલ પૂછ્‌યો હોત. એટલે તમારી પરિસ્થિતિ હું સમજી શકુું છું. અમને તાલીમ જ એવી અપાઇ છે કે અમે સામેવાળાની પરિસ્થિતિ સમજી શકીએ. એમ તો અમને જવાબ આપવાની તાલીમ પણ અપાઇ છે. એના આધારે તમારા આ સવાલનો તો શું, બીજા એક સો સવાલોનો જવાબ આપી શકું એમ છું, પણ હું તેના માટે અધિકારી નથી. અમને શીખવવામાં આવ્યું છે કે આવડતું હોય એ બધું કરવાનું ન હોય. વિચારવાનું કે જવાબો આપવાનું કંઇ અમારા જેવાનું કામ? સવાલ ભલે ને ગમે એટલો સામાન્ય હોય, પણ અમારાથી સાહેબને પૂછ્‌યા વિના જવાબ ન અપાય.

પ્ર : તો સાહેબને પૂછી જુઓ.

જ : મારાથી કેવી રીતે પૂછાય? સવાલ તમારો, જવાબ તમારે જોઇએ અને હું વચ્ચે કેવી રીતે આવી શકું?

પ્ર : તો પછી મારો સવાલ તમે પહોંચાડી શકો?

જ : ચોક્કસ પહોંચાડી શકું, પણ  હમણાં તમને ઉપરથી શો જવાબ મળશે એ મને ખબર છે.

પ્ર : તો મારે શું કરવું જોઇએ?

જ : વાર અંગેનો સવાલ જ ન પૂછવો જોઇએ. દુનિયામાં બીજા કેટકેટલા  મુદ્દા છે. ખબર નહીં, તમારી ગાડી કેમ વાર પર અટકી પડી છે. તમારે નહીં જાણવું હોય તો પણ, વખત આવ્યે એની મેળે  ખબર પડશે કે આજે કયો વાર હતો. હું તો તમને કહું છું કે છ-બાર મહિના વાર વિશે વિચારવાનું જ છોડી દો. ત્યાર પછી આજે કયો વાર હતો એનો સાચો જવાબ તમને આપોઆપ મળી જશે. મારા આ જવાબને તમારે અંગત રીતે લેવાની જરૂર નથી. મને તમારા માટે બહુ ભાવ છે. એક કામ કરો. આવતા મહિને મારી દીકરીનું લગ્ન છે. હું તમને કાર્ડ આપવા આવીશ. તમે સપરિવાર આવી જજો.

પ્ર : પણ મારા વાર વિશેના સવાલનું શું?

જ : એનો જવાબ તમને મળી જશે. પ્રસંગમાં હજારેક માણસ આવવાનાં છે. એ બધા અમારા સગાંસ્નેહી જ હશે. એમાંથી તમારે જેને પૂછવું હોય એને પૂછી લેજો કે આજે કયો વાર છે.

Tuesday, August 13, 2013

સેન વિરુદ્ધ ભગવતી : અર્થ(શાસ્ત્રીઓ)નો અનર્થ

કહેણી એવી છે કે ‘જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાનકી બાત’. પરંતુ હંમેશાં એમ બનતું નથી. પ્રો.અમર્ત્ય સેન અને પ્રો.જગદીશ ભગવતી વચ્ચે થયેલા -અને પ્રસાર માઘ્યમોએ હદ બહાર ચગાવેલા- કડવા વિવાદે વઘુ એક વાર એ સાબીત કર્યું છે.

પ્રો.અમર્ત્ય સેન અર્થશાસ્ત્રમાં તેમના પ્રદાન બદલ નોબેલ મેમોરિયલ પ્રાઇઝ મેળવી ચૂક્યા છે, જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ માટે અપાતાં નોબેલ પારિતોષિક કરતાં અલગ હોવા છતાં, એટલું જ પ્રતિષ્ઠિત ગણાય છે. પ્રો.સેનના કટ્ટર હરીફ પ્રો.ભગવતી અર્થશાસ્ત્રમાં એ જ સન્માનના મજબૂત હકદાર મનાય છે. પ્રો.સેન હાર્વર્ડ યુનિવર્સિટી સાથે અને પ્રો.ભગવતી કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાથી, નોબેલ સન્માનને બાદ કરતાં બન્નેનો મોભો સમકક્ષ છે.

પ્રો.ભગવતી કરતાં માંડ નવ મહિને મોટા પ્રો.સેન આ નવેમ્બરમાં એંસી વર્ષ પૂરાં કરશે. તેમણે અર્થશાસ્ત્રી ઝ્‌યોં ડ્રેઝ સાથે લખેલું પુસ્તક ‘એન અનસર્ટન ગ્લોરીઃ ઇન્ડિયા એન્ડ ઇટ્‌સ કોન્ટ્રાડિક્શન્સ’ આ વર્ષે પ્રગટ થયું. તેમની સાથે જૂની હરીફાઇ ધરાવતા પ્રો.ભગવતીએ પ્રો.અરવિંદ પાનાગરિયા સાથે મળીને એક પુસ્તક લખ્યું : ‘વ્હાય ગ્રોથ મેટર્સ : હાઉ ઇકોનોમિક ગ્રોથ ઇન ઇન્ડિયા રીડ્યુસ્ડ પોવર્ટી એન્ડ ધ લેસન્સ ફો અધર ડેવલપિંગ કન્ટ્રીઝ’. પ્રો.પાનાગરિયા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રો.ભગવતીના નામની ‘ચેર’ (દાનથી ઉભા કરાયેલા સ્થાન પર અઘ્યાપકપદું) શોભાવે છે.

સેન-ભગવતી વચ્ચેની સ્પર્ધા જાણકારોના મતે પાંચેક દાયકા જૂની છે. પ્રો.સેનને નોબેલ પારિતોષિક મળ્યા પછી તેમાં કડવાશનો નવો ડોઝ ઉમેરાય એ સમજી શકાય એવું છે. પરંતુ હાલની તકરારની શરૂઆત સેન-ડ્રેઝના પુસ્તકની સમીક્ષાથી થઇ. બ્રિટિશ સામયિક ‘ઇકોનોમિસ્ટ’માં એ સમીક્ષા છપાઇ, એટલે ભગવતી-પાનાગરિયાએ તંત્રીને પત્ર લખ્યો. તેમાં સેન-ડ્રેઝના પુસ્તકની અડફેટે લીઘું. તેમનો મુખ્ય આરોપ છે કે પ્રો.સેન આર્થિક વૃદ્ધિ (ગ્રોથ)ની તરફેણમાં હોવાનો કેવળ ડોળ (‘લીપ સર્વિસ’) કરે છે. તેના જવાબમાં, પ્રો.સેને પોતાના વલણનો આક્રમક બચાવ કર્યો.

તણાયેલી શબ્દ-તલવારો

આગ બરાબર લાગી ચૂકી હતી. દરમિયાન, નવા પુસ્તક નિમિત્તે સમાચારમાં રહેલા પ્રો.સેને એક મુલાકાતમાં કહ્યું કે તે ગુજરાતના મુખ્ય મંત્રીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. ગુજરાતના બહુ વખણાયેલા વિકાસ મોડેલમાં કેટલીક બાબતોની તેમણે પ્રશંસા કરી અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રહેલાં ગાબડાંની ટીકા પણ કરી. પ્રો.સેનનાં આ વિધાનોથી બળતામાં પેટ્રોલ હોમાયું. અર્થશાસ્ત્રની બે છાવણીઓ કોંગ્રેસ-ભાજપના રાજકીય જૂથમાં વહેંચાઇ ગઇ. ભાજપના ઉત્સાહી સાંસદ-પત્રકાર ચંદન મિત્રાએ પ્રો.સેનને અપાયેલો ‘ભારતરત્ન’ પાછો લેવા સુધીનો ઉશ્કેરાટ બતાવ્યો અને પછી માફી પણ માગી.

બન્ને વચ્ચેની તકરારનો મૂળભૂત મુદ્દો ‘ગ્રોથ’ (આર્થિક વૃદ્ધિ) અને ‘ડિસ્ટ્રિબ્યુશન’ (વહેંચણી)ને લઇને છે, પરંતુ એ ખેંચતાણ ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ની યાદ અપાવે એવી બની ગઇ છે. પ્રો.સેન માને છે કે સરકાર દ્વારા નાણાંની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવે, તો ગરીબ લોકો શિક્ષણ-આરોગ્ય જેવા મૂળભૂત સંઘર્ષોમાંથી ઉગરે અને જરા ઊંચા આવે. એટલે કે, સરકાર ગરીબોની મૂળભૂત જરૂરિયાતો માટે ઉદાર હાથે સબસીડી આપે, તો દેશની સર્વાંગી વૃદ્ધિ થાય. ગરીબોને પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળે. ગરીબી દૂર કરવા અંગેના અર્થશાસ્ત્રીય ચિંતનને કારણે પ્રો.સેન ‘અર્થશાસ્ત્રનાં મધર ટેરેસા’ તરીકે પણ ઓળખાય છે. પરંતુ એ વિશેષણમાં પ્રશંસાની સાથોસાથ ટીકાનો ભાવ પણ છે. કારણ કે મધર ટેરેસા ઉપર પણ ગરીબોની ગરીબી જળવાઇ રહે એ રીતે તેમની સેવા કરવાનો આરોપ મુકાતો હતો.

પ્રો.સેનની ગરીબતરફી છાપથી પ્રો.ભગવતી ઘુંવાપુંવા થાય છે. એમની દલીલ છે કે ગરીબોની ચિંતા ફક્ત સેનને જ છે, એવું કોણે કહ્યું? અમે પણ સેનની જેમ જ ગરીબી દૂર કરવા ઇચ્છીએ છીએ. અમારી પદ્ધતિ જુદી છે. પ્રો.ભગવતીએ લખ્યું છે કે ‘હું સાઠના દાયકાથી આયોજન પંચમાં ગરીબીનિવારણનું કામ કરું છું. સેન તો ત્યારે ક્યાંય ન હતા.’ પ્રો.ભગવતી માને છે કે ગરીબોમાં રૂપિયા વહેંચવા માટે પહેલાં રૂપિયા જોઇએ કે નહીં? તેમની સુધારા પદ્ધતિમાં પહેલો તબક્કો (ટ્રેક ૧ રીફોર્મ) છે : દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ થાય એ માટેનાં પગલાં લેવાં. ત્યાર પછી બીજા તબક્કાના (ટ્રેક ૨) સુધારા અમલમાં આવે. તેમાં આર્થિક વૃદ્ધિના પરિણામે મળેલાં નાણાં યોજનાઓ થકી નહીં, પણ સીધાં ગરીબોને મળે એ રીતે પહોંચવાં. ગરીબો એ નાણાં પોતાની પસંદગી અને પ્રાથમિકતા મુજબ વાપરી શકે અને પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.

સામાન્ય છાપ એવી છે કે પ્રો.સેન ગરીબતરફી છે અને પ્રો.ભગવતી બજારતરફી. પરંતુ ગરમાગરમીની સહેજ અંદર જતાં જણાશે કે પ્રો.ભગવતી પણ હાડોહાડ બજારવાદી નથી એટલે કે ‘બજાર બઘું સંભાળી લેશે’ અને ‘સરકારે બિલકુલ વચ્ચે પડવું જોઇએ નહીં’ એવું એ માનતા નથી. સરકારે ગરીબોને મદદ કરવી જોઇએ, એવો વેલ્ફેર સ્ટેટનો સિદ્ધાંત તે સ્વીકારે છે. આવી મૂળભૂત બાબતમાં સેન-ભગવતી એકમત છે.

ફરક પ્રાથમિકતાનો છે અને એ મોટો છે. દા.ત. અમર્ત્ય સેને સરકારના વિવાદાસ્પદ ફુડ સિક્યોરિટી બિલને ટેકો આપ્યો હતો. કારણ કે એ માને છે કે પહેલાં ગરીબો પાછળ ખર્ચ કરીને તેમને ગરીબીરેખાથી ઉપર લાવશો તો દેશના ‘વર્કફોર્સ’માં- કામ કરવાની ક્ષમતા ધરાવનારા લોકોમાં- વધારો થશે. પરિણામે આર્થિક વૃદ્ધિ મળશે. પ્રો.ભગવતી માને છે કે ફુડ સિક્યોરિટી બિલ-ગ્રામીણ રોજગાર યોજના જેવી અબજો રૂપિયાનું આંધણ કરનારી યોજનાથી દેશના અર્થતંત્રને ફટકો પડશે અને આર્થિક વૃદ્ધિ રૂંધાશે. આર્થિક વૃદ્ધિ જ નહીં થાય, તો ગરીબોને મદદ કરવાનાં નાણાં ક્યાંથી આવશે?

ફુડ સિક્યોરિટી બિલ અને ગ્રામીણ રોજગાર યોજના માટેની અઢળક સરકારી સબસીડીનો વિરોધ થાય ત્યારે પ્રો.સેનની દલીલ છે : ‘ગરીબોને સીધી મદદ કરતી હોય એવી સબસીડી જ તમને કેમ ખટકે છે? વીજળી, બળતણ, ખાતર, રાંધણગેસ- આ બધામાં સરકાર સબસીડી આપે છે, પણ એ મારા-તમારા જેવા લોકોના લાભાર્થે હોય છે. એટલે આપણે એનો વિરોધ કરતા નથી.’ રોજગાર યોજના કે ફુડ સિક્યોરિટીના અમલમાં ઘણાં ગાબડાં રહી જાય છે. પ્રો.સેન એ સ્વીકારે છે. ફુડ સિક્યોરિટી વિશેનો કાયદો સંસદમાં ચર્ચા કરીને આણવાને બદલે વટહુકમ તરીકે લાવવો પડે એ તેમને નાપસંદ છે. કારણ કે સંસદમાં ચર્ચાથી આ જોગવાઇમાં રહેલાં કેટલાંક ગાબડાં પુરી શકાયાં હોત. છતાં, ગરીબીનિવારણ માટેની સબસીડીની બાબતમાં પ્રો.સેન ‘આટલું પણ કોણ કરે છે?’ એવી વિચારસરણી ધરાવે છે. આ બાબતમાં બીજી સબસીડીઓનો વિરોધ ન થતો હોવાનો પ્રો.સેનનો મુદ્દો સાચો હોવા છતાં, ફક્ત એટલા કારણથી ફુડ સિક્યોરિટી માટેની અઢળક સબસિડી વાજબી ગણી શકાય?

ભાવનાનો પ્રશ્ન

કેવળ અર્થશાસ્ત્રની વાત હોય તો ઘણા મુદ્દે પ્રો.સેનના વિચાર વઘુ ભાવનાત્મક અને પ્રો.ભગવતીના વિચાર વઘુ તાર્કિક લાગે છે. (લખાણોમાં પ્રો.ભગવતી વઘુ અંગત અને કટુ જણાય છે) પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીની વાત આવે ત્યારે પ્રો.ભગવતી અને તેમના સહયોગી પ્રો.પાનાગરિયા ભાવનાશીલ બની જતા લાગે છે. ગુજરાતની આર્થિક વૃદ્ધિની કેટલીક બાબતો પ્રો.સેને નમૂનેદાર ગણાવી છે અને કેટલીકની ટીકા કરી છે, પરંતુ પ્રો.ભગવતી-પ્રો.પાનાગરિયા ‘નરેન્દ્ર મોદી ઇકોનોમિક મોડેલ’નાં વખાણ કરીને એવું સૂચવે છે, જાણે મુખ્ય મંત્રી મોદી પાસે અર્થશાસ્ત્રનું કોઇ મૌલિક મોડેલ હોય- અને મોદી વડાપ્રધાન બને તો તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડી શકાવાનું હોય.

સબસિડીના પ્રખર વિરોધી અને ગરીબોને કેશ વાઉચર્સ દ્વારા સીધી આર્થિક મદદ મળવી જોઇએ, એવું માનનાર પ્રો.ભગવતી મુખ્ય મંત્રીના લોકરંજક આર્થિક નિર્ણયોને કેવી રીતે નજરઅંદાજ કરી શકે? (ખરું જોતાં આર્થિક નીતિની બાબતમાં યુપીએ-ભાજપ વચ્ચે પણ નહીંવત્‌ તફાવત છે.) મુખ્ય મંત્રી મોદીએ ડીઝલ સબસીડી દૂર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણના તે વિરોધી છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાથી દેખીતો આર્થિક ફાયદો છે. છતાં ગુજરાતના મુખ્ય મંત્રી એ માટે રાજી નથી. સબસીડીનો વિરોધ તો બાજુ પર રહ્યો, મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે. પ્રો.ભગવતી જેના કડક ટીકાકાર છે એ ગ્રામીણ રોજગાર યોજનાને ગુજરાતના મુખ્ય મંત્રીએ મજૂરીના દરમાં વધારા સાથે અમલી બનાવી છે. (મિહિર શર્મા, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’) પરંતુ પ્રો.ભગવતીનું જૂથ આ હકીકતો અવગણે છે. એ કદાચ એવી આશા સેવતા હશે કે એક વાર મોદી વડાપ્રધાન બની જાય તો પછી તેમને સંપૂર્ણપણે પોતાના (ભગવતીના) માર્ગે વાળી શકાશે. વાસ્તવમાં, યુપીએ સરકારની આધાર કાર્ડ અને કેશ ટ્રાન્સ્ફરની યોજનાઓ પ્રો.ભગવતીના મોડેલમાં બરાબર બેસે એવી છે.

ભારતમાં ગરીબ અને અત્યંત ગરીબ એવા બે વર્ગ પાડવામા આવે તો, અત્યંત ગરીબોનું પ્રમાણ નિર્ણાયક રીતે ઘટ્યું છે અને એ વિવાદ નહીં, પણ આનંદની બાબત હોવી જોઇએ એવી દલીલ સ્વામિનાથન અંકલેસરિયા ઐયરે કરી હતી. આ સારા સમાચાર માટે પ્રો.સેનના મોડેલ પ્રમાણેની સરકારી યોજનાઓ જવાબદાર છે કે પ્રો.ભગવતીના મોડેલ સાથે મેળ ખાતી આર્થિક વૃદ્ધિ કારણભૂત છે, એ પણ ઉગ્ર વિવાદનો મુદ્દો છે.

સાર એટલો જ કે પ્રો.સેન અને પ્રો.ભગવતી વચ્ચેની કડવાશભરી ચર્ચામાં અર્થશાસ્ત્રીય વિચારભેદ જેટલી જ માત્રામાં વ્યક્તિગત ભાવનાશીલતા-આશાવાદ અને ગમા-અણગમા ભળેલા છે. એટલે કોઇ એક પક્ષ સાથે સંપૂર્ણ સંમતિ અઘરી બની જાય છે.  

Thursday, August 08, 2013

રસ્તા પરના ભૂવા : સાંસ્કૃતિક-આઘ્યાત્મિક દૃષ્ટિકોણ

અમદાવાદની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરા આગળ ધપાવતાં,  આ ચોમાસે પણ મેગાસીટીના મેગારસ્તા પર ઠેકઠેકાણે ભૂવા તરીકે ઓળખાતા મેગાખાડા- મેગાગાબડાં પડ્યાં. ગુજરાતનો વિકાસ સાંખી ન શકતા કેટલાક ટીકાખોરો આ બાબતનું મેગા-ગૌરવ લેવાને બદલે, ટીકા કરવા બેસી ગયા.

સરદાર પટેલનું સૌથી ઊંચું પૂતળું બને ત્યારે ખરું. ત્યાં સુધી સડક પરના સૌથી મોટા ભૂવાનો કે મેગાસીટીના રોડ પર કિલોમીટર દીઠ સૌથી વધારે ભૂવાનો વિક્રમ થાય, તેમાં ખોટું શું છે? સરદારનું પૂતળું બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાવાના છે, જ્યારે સડક પરના ભૂવા એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સર્જાય છે અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વાંકદેખા કહેશે કે દર વર્ષે અઢળક રૂપિયા રોડ બનાવવાના કામમાં નહીં, પણ રોડ બનાવવાના નામે વપરાઇ જાય છે. તેના કારણે ભૂવા પડે છે. એટલે કે ભૂવા પેદાશ નહીં, પણ આડપેદાશ છે. જરા વિચારોઃ જે પ્રક્રિયામાંથી આટલી ગૌરવપ્રદ આડપેદાશ નીપજતી હોય, તેની મુખ્ય પેદાશ નબળી હોય તો પણ એ નુકસાનનો સોદો ગણાય?

ખરેખર તો, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો અપાવવાની ઝુંબેશ આગળ ધપાવવી હોય તો, ભૂવા જેવી સાંસ્કૃતિક ધરોહરનું ગૌરવ લેતાં અને રૂપિયા ખર્ચીને તેમની જાળવણી કરતાં શીખવું પડે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ દિશામાં અસરકારક રીતે સક્રિય છે.  દર ચોમાસે અમદાવાદ મહાનગરના વાસીઓ ભૂવાવંચિત ન રહી જાય, તેનું એ બરાબર ઘ્યાન રાખે છે. પરિણામે, દર વર્ષે રોડ પાછળ લાખો રૂપિયા ખર્ચાવા છતાં, દર ચોમાસે નિયમલેખે, સાયકલથી માંડીને સ્કૂલબસ અંદર ઉતરી શકે એટલું કદવૈવિઘ્ય ધરાવતા ભૂવા પડે છે અને મેગાસીટી અમદાવાદને શોભંતું બનાવે છે.

અમદાવાદના અને બીજાં જે ગામ-શહેરમાં ભૂવા પડતા હોય ત્યાંના કવિઓ જરા વાસ્તવદર્શી બને, તો ભૂવાનો સાંસ્કૃતિક મહિમા વધારવામાં તે મહત્ત્વનું પ્રદાન આપી શકે છે. એ બિચારા કોમી હિંસા વશે ભલે કવિતા ન લખી શકે, અમદાવાદ શહેર વિશેની કવિતાઓનાં સપાદનમાં ભલે ‘ફક્ત પોઝિટિવ પ્રકારની જ કવિતાઓ મોકલવી’ એવા ફતવા કાઢે, પણ અમદાવાદના ભૂવાની પ્રશસ્તિ લખવામાં તેમને શો વાંધો હોય? ગઝલના ગુજરાતી પિતા ‘વલી’ની મઝાર કોમી હિંસા વખતે તોડી પડાઇ હતી. એને માનભેર પુનઃસ્થાપિત કર્યા વિના, ‘વલી’ના નામનું ગઝલકેન્દ્ર ચલાવવામાં તેમને શરમ ન આવતી હોય, તો ભૂવા-પ્રશસ્તિની ગઝલો ઝીંકવામાં શાની શરમ? આ બાબતમાં ‘સરકાર માઇબાપ ગુસ્સે થઇ જાય તો? અને એવોર્ડથી વંચિત રાખે તો’ એવી બીક રાખવાની જરૂર નથી. કારણ કે ‘સરકાર’ને એન્કાઉન્ટરોની મુદતોથી માંડીને પરદેશમાં પીઆર સુધીનાં ઘણાં નક્કર- એટલે કે કવિતા સિવાયનાં- કામ કરવાનાં હોય છે.

આટલું લખ્યા પછી પણ જેમને હજુ ‘પ્રેરણા ન જાગતી હોય’ એવા ગઝલવાળાને ઉશ્કેરવા માટે (‘આનાથી સારું તો હું લખી બતાવું’) એક નમૂનો :

સદ્‌ગત ગઝલકાર આદિલ મન્સૂરીએ લખ્યું હતું, ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’. તેમની ક્ષમા સાથે. અમદાવાદના ભૂવા વિશે કહી શકાય, ‘સડકની વચ્ચોવચ મોટા ભૂવા મળે ન મળે/ વગર પાણીના આ છીછરા કૂવા, મળે ન મળે’. આદિલે ભલે વતનની ઘૂળથી માથું ભરી લેવાની વાત કરી હોય, મેગાસીટી અમદાવાદનો કવિ, ‘ભૂવાના પ્રેમથી માથું ભરી દઉં કાતિલ’  એવા મક્તા દ્વારા ગઝલનું ભાવસભર સમાપન કરી શકે. વાતને નગરકેન્દ્રીને બદલે ભાવનાકેન્દ્રી  અને વૈશ્વિક બનાવવી હોય તો માધવ રામાનુજની ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં’ પરથી પ્રેરણા લઇને કહી શકાય ઃ ‘એક એવો પથ મળે આ   શહેરમાંં/ જ્યાં ભૂવાના ભય વિના હું જઇ શકું.’

આટલું વાંચીને ઘણાને પાયાનો સવાલ થઇ શકે ઃ ભૂવા જેવી  ચીજનાં વખાણ કેવી રીતે થઇ શકે? આવો સવાલ અમુક પ્રકારની ‘આર્ટી’ ફિલ્મો કે મોડર્ન આર્ટનાં કેટલાંક ચિત્રો જોઇને પણ ઘણા લોકોને નથી થતો? પરંતુ કળાની બાબતમાં આવું પૂછવાથી અજ્ઞાનીમાં ખપી જવાય, એ બીકે તે મૌન સેવે છે. વિશાળ કળાદૃષ્ટિથી જોવામાં આવે તો ભૂવો કોઇ કળાકૃતિથી કમ નથી. કોઇ ચિત્રકારની બિલાડીએ કેનવાસ પર શાહી ભરેલો ખડિયો ઢોળી નાખ્યો, તેને લીધે પડેલા ડાઘાને ઘણાએ ઉત્તમ ચિત્ર તરીકે વખાણ્યા હોવાની દંતકથા છે. તો કોર્પોરેશનના રસ્તા પર પડતાં ગાબડાં વિશે આપણે એવી દૃષ્ટિ શા માટે ન કેળવી શકીએ? ભૂવા અંગે કોર્પોરેશનની ટાઢક જોતાં, સુખી થવા ઇચ્છતા નાગરિકો વહેલી તકે ભૂવાને કળાસ્વરૂપ ગણતા થઇ જાય, એમાં જ તેમનું હિત સમાયેલું છે.

એકધારાપણું મહાન કળાનું લક્ષણ નથી. સળંગ બેઠેલાં એકસરખાં પક્ષીઓમાંથી એકાદ જુદું તરી આવતું હોય, તો એવું ચિત્ર કે એવી તસવીર વધારે કળાત્મક લાગે છે. કંઇક એવી જ રીતે, એક પણ ખાડા વિનાનો સળંગ રસ્તો ‘હેમામાલિનીના ગાલ જેવો’ (સૌજન્યઃ લાલુપ્રસાદ યાદવ) લાગી શકે, પણ મોહમુક્ત થઇને વિચારતાં એ નીરસ, એકધારો, કંટાળાપ્રેરક લાગે છે. (રસ્તાની વાત થાય છે)

ગુલઝાર જેવા કવિએ આવી સપાટ, ખાડા વગરની સડક માટે ‘ઉમ્રસે લંબી’ જેવું વિશેષણ વાપર્યું હતું. પરંતુ એ જ રસ્તા પર વચ્ચે વચ્ચે નાનામોટા ખાડા આવતા હોય, બે-ત્રણ ઠેકાણે રસ્તો બેસી જતાં ભૂવા સર્જાયા હોય, તેની બહાર ‘વર્ક ઇન પ્રોગ્રેસ’નાં પાટિયાં લાગ્યાં હોય, ચોમાસામાં ખાડા પાણીથી ભરાઇ જતાં, રસ્તાની વચ્ચોવચ અનેક જળાશયો રચાયાં હોય..આ વર્ણન કેવું રમ્ય અને કુદરતી લાગે છે.

હકીકત એ છે કે આજનો માનવ  સુખસાહ્યબીની અને સ્વકેન્દ્રીપણાની લ્હાયમાં પ્રકૃતિથી વઘુ ને વઘુ દૂર બની રહ્યો છે. તેને સળંગ, સપાટ, ભાવશૂન્ય, કૃત્રિમ એવા સીમન્ટ કે ડામરના રસ્તા વધારે ગમે છે, પણ એ જ રસ્તા પર ઠેકઠેકાણે ખાડા કે ભૂવા સ્વરૂપે માટીનો- કુદરતનો પ્રાદુર્ભાવ થાય, ત્યારે એ મોં બગાડે છે. એ સમજી શકતો નથી કે રસ્તા પરના ખાડા અને ભૂવા કુદરતે તેને પોતાની નજીક આવવા માટે પૂરી પાડેલી વઘુ એક તક છે. કોઇ પણ મહાપુરૂષ તેમની માનવીય મર્યાદાઓ અને ક્ષતિઓને લીધે વધારે સ્વાભાવિક-વાસ્તવિક લાગે છે. રસ્તાનું પણ એવું જ છે. શહેરના રસ્તા સીધેસીધા પથરાયેલા હોય તો કોઇને એવું લાગે કે ‘આવા તે કંઇ રસ્તા હોતા હશે?  આ તો વાહનો માટેના ટેસ્ટિંગ ટ્રેક લાગે છે.’ પરંતુ રસ્તા પર વચ્ચે વચ્ચે પડેલા ખાડા-ભૂવાને લીધે જ એ રસ્તો ‘આદર્શ’ નહીં, પણ આપણા જેવો- મર્યાદાથી ભરપૂર લાગે છે અને તેની સાથે ‘પોતીકાપણું’ અનુભવી શકાય છે.

ભૂવા વિશે આવો અઘ્યાત્મરંગી અને સુખનો માર્ગ દેખાડતો  દૃષ્ટિકોણ કેળવવા માટે ‘આર્ટ ઑફ લિવિંગ’ની તરાહ પર ‘આર્ટ ઑફ ડિગિંગ’ના ક્લાસ ચાલુ કરી શકાય. સંતકવિઓએ કણકણમાં ઇશ્વર જોવાની વાત કરી હોય, તો ખાડેખાડામાં ઇશનો વાસ છે એવું શા માટે ન કહી શકાય? અઘ્યાત્મ ખાડામાં (પડેલું) હોય કે ન હોય, પણ (રસ્તા પરના) ખાડામાં અઘ્યાત્મનાં દર્શન થાય ત્યારે સમજવું કે ભારતની પ્રાચીન આઘ્યાત્મિક પરંપરા સુરક્ષિત છે અને આપણે તેના ગૌરવવંતા સંવાહક બન્યા છીએ. 

Wednesday, August 07, 2013

નવાં રાજ્યો : સમસ્યા કે ઉકેલ?

અલગ તેલંગણા/Telanganaની ચર્ચામાં જતાં પહેલાં થોડું, જરૂરી ફ્‌લેશબેકઃ  આઝાદી પછી ભાષાના આધારે રચાનારો પહેલો પ્રાંત આંધ્ર હતો. એ વખતના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુભાષી લોકોએ જુદા રાજ્યની માગણી કરી. કેટલાક ગાંધીવાદીઓ અલગ આંધ્ર માટે ઉપવાસ પર ઉતર્યા. તેમાંથી એક પોટ્ટી સીરામુલુ આમરણ ઉપવાસના ૫૬ દિવસ પછી મૃત્યુ પામતાં મદ્રાસ રાજ્યમાં તોફાન ફાટી નીકળ્યાં. દબાણમાં આવેલી નેહરુ સરકારે ડિસેમ્બર, ૧૯૫૨માં અલગ આંધ્ર આપવાનું કબૂલ્યું. તેમાં જૂના હૈદરાબાદ રાજ્યનો ‘તેલંગણા’ વિસ્તાર (તેલુગુઓના પ્રદેશ) ભેળવીને ૧૯૫૬માં આંધ્ર પ્રદેશનું રાજ્ય બનાવવામાં આવ્યું.

એ ઘટનાક્રમના લગભગ સાત દાયકા પછી, આંધ્ર પ્રદેશમાંથી  અલગ તેલંગણા રાજ્યની માગણી મંજૂર રખાતાં, ઇતિહાસનું આખું ચક્ર પૂરું થયું છે. તેલુગુ ભાષાનો દોર આંધ્ર અને તેલંગણાના પ્રદેશોને એક રાજ્ય તરીકે બાંધી રાખશે, એવી ૧૯૫૬માં સેવાયેલી આશા ઠગારી નીવડી છે. (જેમ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન માટે કેવળ ઇસ્લામના તાંતણે જોડાઇ રહેવાનું શક્ય બન્યું નહીં અને બંગાળીભાષીઓની બહુમતી ધરાવતું પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧માં અલગ રાષ્ટ્ર બન્યું.)

તેલંગણાના સ્વીકારની સરકારી જાહેરાત પછી એક તરફ અખંડ આંધ્ર માટે આંદોલન છેડાયું છે, તો બીજી તરફ ગુરખાલેન્ડ, બોડોલેન્ડ અને વિદર્ભ સહિતનાં બીજાં નાનાં રાજ્યોની માગણીઓ નવેસરથી શરૂ થઇ છે. તેની સામે સરકાર અડીખમ રહે અને અલગ તેલંગણાનો નિર્ણય માંડી ન વાળે, તો ચાર-છ મહિનામાં તેલંગણા ભારતનું ૨૯મું રાજ્ય બનશે.

અલગ તેલંગણા રચાય, તે સારું કહેવાય કે ખરાબ? ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમ પર આ મુદ્દે ચાલતી ધડબડાટી જોઇને ક્યારેક એવું લાગે, જાણે તેલંગણા આંધ્ર પ્રદેશમાંથી અલગ થઇને પાકિસ્તાનમાં જોડાઇ જવાનું હોય. વાસ્તવમાં, તેલંગણાના સર્જનને સદંતર વખાણી કે વખોડી શકાય એમ નથી. કારણ કે બન્ને પ્રકારની દલીલો સાથે ‘જો’ અને ‘તો’ સંકળાયેલાં છે.

રાજકીય ગણતરી

યુપીએ સરકારે જે સંજોગોમાં આ નિર્ણય લીધો, તેમાં સરકારની નિર્ણાયકતા નહીં, પણ તેનો રાજકીય તકવાદ ગંધાય છે. છેલ્લાં તેર વર્ષથી અલગ તેલંગણાની ચળવળમાં નવું બળતણ પૂરનાર કે.ચંદ્રશેખર રાવે તેલંગણા રાષ્ટ્રિય કોંગ્રેસ બનાવી અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ પાડ્યું. વર્ષ ૨૦૦૯માં રાવ તેલંગણાની માગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતર્યા ત્યારે કંઇક એવી જ સ્થિતિ સર્જાઇ, જે ૧૯૫૨માં સીરામુલુના મૃત્યુ પછી ઉભી થઇ હતી. આંધ્ર પ્રદેશમાં વ્યાપક તોફાન થયાં. ધંધાવેપાર અને રોજિંદું જીવન ખોરવાઇ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું. યુપીએ સરકારના તત્કાલીન ગૃહમંત્રી ચિદમ્બરમે તેલંગણાની માગણી સ્વીકારી ત્યારે સ્થિતિ થાળે પડી. એ નિર્ણય પછી ચારેક વર્ષ સુધી લંબી તાણીને સુઇ ગયેલી યુપીએ સરકાર અચાનક જાગી અને ગયા મહિને તેલંગણાની રચના માટેની વિધિ શરૂ કરી.

સરકારનું આ પગલું જૂની સમસ્યાના ઉકેલ માટે નહીં, પણ થોડા મહિનામાં આવનારી લોકસભાની ચૂંટણીના લાભાર્થે હોય એવું જણાય છે. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસી મુખ્ય મંત્રી રેડ્ડીના અકસ્માતે થયેલા અવસાન પછી, તેમના પુત્ર જગન  (પિતાની ગાદી નહીં મળવાને કારણે) કોંગ્રેસની સામે થયા. લોકસભાની ચૂંટણી વખતે આંધ્ર અખંડ હોય તો કોંગ્રેસને એક બાજુથી જગન અને રેડ્ડી પરિવારનો માર પડે, તો બીજી તરફ તેલંગણા રાષ્ટ્રિય કોંગ્રેસ પણ ઘસારો પહોંચાડે. પરંતુ અલગ તેલંગણા બની જાય તો ગણિત બદલાય. આંધ્ર પ્રદેશ લોકસભાની કુલ ૪૨ બેઠકોમાંથી ૧૭ બેઠકો તેલંગણાના અત્યારે જાહેર થયેલા વિસ્તારમાં પડે છે. એ બેઠકો પર કોંગ્રેસને રાહત મળે. ઉપરથી, ચંદ્રશેખર રાવ તેમના પક્ષ સહિત કોંગ્રેસમાં ભળી જાય, એવી પાકી શક્યતા. રાજ્યના વિભાજન જેવા મહત્ત્વના મુદ્દે રાજકીય લાભની ગણતરી કેન્દ્રસ્થાને હોય, એ નવું ન હોય તો પણ ખેદજનક છે. સાથે, એ પણ જાણી લઇએ કે રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો મુખ્ય વિરોધપક્ષ ભાજપ અલગ તેલંગણાની રચનાની તરફેણમાં છે.

મુખ્ય ચિંતાઓ

અલગ તેલંગણાની તરફેણનાં કારણો ઝાઝાં નથી. તેલંગણા અને હવે સીમાંધ્ર તરીકે ઓળખાનારા આંધ્ર પ્રદેશના બાકીના વિસ્તારો ભાષા-સંસ્કૃતિ-રીતરિવાજની દૃષ્ટિએ એકરૂપ છે. છતાં, આંધ્ર પ્રદેશ દ્વારા તેલંગણાને અન્યાય થઇ રહ્યો છે અને વિકાસમાં તેની ઉપેક્ષા થઇ રહી છે, એવું માનનારા અલગ તેલંગણાથી રાજી થઇ શકે છે. તેમણે એવું ધારી લીઘું હશે કે ‘એક વાર તેલંગણા આંધ્રમાંથી છૂટું પડે અને આંધ્રની મોહતાજી જતી રહે પછી જોજો, અમે તેલંગણાના લોકો કેવો અમારા પ્રદેશનો વિકાસ કરીએ છીએ.’

તેલંગણાના વિરોધ માટેનાં કારણ જુદાં જુદાં છે. આંધ્ર પ્રદેશનું પાટનગર હૈદરાબાદ ભૌગોલિક રીતે તેલંગણામાં જાય છે. વર્ષોથી આઇ.ટી.ના મથક તરીકેની વૈશ્વિક ખ્યાતિ ધરાવતું હૈદરાબાદ ગુમાવવાનું આંધ્ર પ્રદેશના લોકોને વસમું લાગે, એ સમજાય એવું છે. તેલંગણા અલગ પડ્યા પછી દસ વર્ષ સુધી હૈદરાબાદ આંધ્ર અને તેલંગણાનું સંયુક્ત પાટનગર રહે એવું ઠરાવાયું છે. પરંતુ સીમાંધ્રના લોકોને એ અપૂરતું લાગે છે.

વિરોધનો બીજો, બોલકો મુદ્દો રાષ્ટ્રિય એકતા-અખંડિતતાને લગતો છે. આ મુદ્દામાં સૈદ્ધાંતિક તથ્ય છે, પણ અલગ તેલંગણાની રચનાથી રાષ્ટ્રની અખંડિતતા નહીં જોખમાય, એવું ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડનો અનુભવ ટાંકીને કહી શકાય. આઝાદી પછી તરતના અરસામાં આ ચિંતા બેશક મોટી હતી. સાથોસાથ, કોંગ્રેસે છેક ૧૯૨૦થી ભાષાવાર પ્રાંતની નીતિ સ્વીકારી હતી. તેમની વચ્ચેનો મેળ બેસાડવા ૧૯૪૮માં જવાહરલાલ નેહરુ, વલ્લભભાઇ પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાના બનેલા જેવીપી કમિશને કહ્યું હતું કે ભાષાકીય પ્રાંતો રચવા જતાં વહીવટી ગરબડો કે આંતરિક ઘર્ષણ ન થાય એ જોવું પડે. કારણ કે એવું થાય તો (નવા આઝાદ થયેલા દેશની) રાજકીય અને આર્થિક સલામતી જોખમાય. આ કારણથી તેમણે એ કામને થોડાં વર્ષ પાછું ઠેલ્યું હતું, જેથી રાષ્ટ્રને સ્થિર થવાનો સમય મળે.  

પરંતુ અલગ આંધ્રની માગણી ઝડપથી આવી અને સરકારને તે સ્વીકારવી પડી. એ સંદર્ભે જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે ભાષાવાદ સામે સાવચેતી રાખ્યા છતાં, ભાષાવાર પ્રાંતોથી ભડકવાનું યોગ્ય નથી. તેમણે લખ્યું હતું, ‘ભાષાવાર રાજ્યોની માગણીમાં એવું કશું નથી, જેને રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રની એકતાને હાનિ પહોંચાડનારું ગણી શકાય. લાંબી ચળવળ પછી આંધ્રની (અલગ ભાષાવાર પ્રાંતની) માગણી મંજૂર રખાઇ, ત્યાર પછી આંધ્રની ભારત પ્રત્યેની વફાદારી અડીખમ રહી છે. (આંધ્ર નિમિત્તે) જે કંઇ તોફાનો થયાં ને કડવાશ ઊભી થઇ એ માટે (હકીકતમાં) આ માગણી સ્વીકારવામાં થયેલો વિલંબ કારણભૂત છે.’

નાના રાજ્યની તરફેણમાં થતી આશાવાદી અને પહેલી નજરે સાચી લાગે એવી દલીલ એ છે કે તેનાથી અમુક વિસ્તારોની ઉપેક્ષિત હોવાની લાગણી દૂર થાય છે અને વહીવટી અસરકારકતા વધે છે. પરંતુ વર્ષ ૨૦૦૦માં અસ્તિત્ત્વમાં આવેલાં નવાં રાજ્યો- ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડના કિસ્સામાં એવું બન્યું નથી. નક્સલવાદીઓનો ગઢ ગણાતો બસ્તર જિલ્લો અખંડ મઘ્યપ્રદેશમાં ઉપેક્ષિત હતો અને મઘ્ય પ્રદેશથી છૂટા પડેલા છત્તીસગઢમાં પણ તે ઉપેક્ષિત જ રહ્યો છે. વહીવટી અસરકારકતાનો ઘણો આધાર રાજકીય ઇચ્છાશક્તિ પર હોય છે અને આ બાબતમાં એકેય રાજકીય પક્ષનો રેકોર્ડ વખાણવા જેવો નથી. અલગ થયેલું રાજ્ય આર્થિક રીતે સ્વનિર્ભર બને એ જરૂરનું છે. એવું ન થાય તો, મોટા રાજ્યના હિસ્સા તરીકે હતી, એવી જ ગરીબ સ્થિતિ તેની નવા અવતારમાં થાય છે અને તેણે કેન્દ્ર સરકાર પાસે ‘વિશેષ દરજ્જા’ માટે રોદણાં રડવાં પડે છે કે ત્રાગાં કરવાં પડે છે.

કોઇ પણ રાજ્યનો વિસ્તાર બહુ મોટો હોય તો ત્યાંના ઘણા લોકોને ‘સ્વ-રાજ્ય’નો અનુભવ થતો નથી, એવી એક દલીલ નાનાં રાજ્યોની તરફેણમાં થાય છે. સૈદ્ધાંતિક રીતે એ સાચી હોવા છતાં, વર્તમાન રાજકારણમાં એ અપ્રસ્તુત બની ગઇ છે. જયપ્રકાશ નારાયણે નાનાં રાજ્યોની તરફેણમાં લખ્યું હતું કે ‘ફક્ત અધિકારીઓ જ નહીં, મંત્રીઓ પણ આખા રાજ્યના લોકો સાથે સીધો સંપર્ક રાખી શકે અને લોકો માટે પણ તે ઉપલબ્ધ બની શકે, એટલો રાજ્યનો વિસ્તાર હોવો જોઇએ.’ પરંતુ આ બાબતને રાજ્યના વિસ્તાર કરતાં નેતાઓની દાનત સાથે વઘુ સંબંધ છે. રાજ્યો અલગ થાય ત્યારે લોકો વચ્ચે પરસ્પર શત્રુવટ કે સંસાધનો માટેની ઉગ્ર ખેંચતાણ ન થાય, એ પણ મહત્ત્વનું છે.

ભારતનાં ૨૮ રાજ્યોની સરખામણીમાં અમેરિકામાં ૫૦ રાજ્યો છે. પરંતુ એ દરેક રાજ્યોનું રાષ્ટ્રિય સંસદમાં એકસરખું વજન છે. ભારતમાં રાજ્યોની વસ્તીના આધારે લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ નક્કી થાય છે. તેની રાષ્ટ્રિય રાજકારણ પર સીધી અસર પડી શકે છે. સ્થાનિક આકાંક્ષાઓ કે જ્ઞાતિગણિતોના આધારે બહુમતી મેળવીને સત્તામાં આવેલા સ્થાનિક પક્ષો રાષ્ટ્રિય પક્ષોને નચાવી શકે છે અને રાષ્ટ્રિય રાજકારણમાંથી રાષ્ટ્રિયતાનું તત્ત્વ ધીમે ધીમે ઓછું થતું જાય છે.

અલગ તેલંગણાના પગલે આસામમાંથી બોડોલેન્ડ, બંગાળમાંથી ગુરખાલેન્ડ, મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, ઉત્તર પ્રદેશના ચાર ભાગની હિલચાલો ફરી તેજ બની છે. શિવસેનાએ અલગ જમ્મુ રાજ્યની માગણી કરી છે. આ તમામને કોઇ સર્વસામાન્ય નિયમ કે રાજકીય સ્વાર્થની એક લાકડીથી હંકાર્યા વિના, પ્રત્યેક માગણીના ફાયદા-નુકસાનનો વિચાર કરીને નિર્ણય લેવો પડે. સરહદી રાજ્યોમાં વિશેષ સાવધાની રાખવાની થાય.

દેશની અખંડિતતાનો અને નાગરિકોના હિતનો આધાર રાજ્યના અખંડ કે વિભાજિત સ્વરૂપ પર નહીં, તેમનો વહીવટ કેવી રીતે થાય છે એની પર હોય છે. રાજકીય નેતાગીરી અત્યારે છે એવી હોય તો, રાજ્ય મોટું રહે કે ટુકડામાં વહેંચાય, આંતરિક સલામતીથી માંડીને આર્થિક પ્રગતિની બાબતમાં સામાન્ય નાગરિકોનો કશો શક્કરવાર વળવાનો નથી. તેની પર રાજકારણના રોટલા શેકાશે, એટલું જ. 

Sunday, August 04, 2013

ગ્લોબલ વૉર્મિંગની ‘અગ્નિપરીક્ષા’માં ઉત્તરોત્તર પીગળતો ઉત્તર ધ્રુવનો બરફ : નફા-નુકસાનનો હિસાબકિતાબ


ગ્લોબલ વૉર્મિંગ એટલે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાની ઘટના વિજ્ઞાનજગતમાં ચિંતાજનક અથવા ચર્ચાસ્પદ બાબત તરીકે જાણીતી છે. ઘણાખરા અભ્યાસીઓ ગ્લોબલ વૉર્મિંગને અફર સચ્ચાઇ માને છે અને તે માટે ઔદ્યોગિક ક્રાંતિ પછી માણસજાતે પેદા કરેલા પ્રદૂષણને દોષી ગણે છે. કેટલાક અભ્યાસીઓ આ દાવાનો વિરોધ કરીને, ગ્લોબલ વૉર્મિંગના નામે ચાલતી પ્રલયકારી ભવિષ્યવાણીઓને હળાહળ જૂઠી કે ભારે અતિશયોક્તિભરી ગણાવે છે.

વિજ્ઞાનજગતમાં સ્થાપિત હિતો કામ કરે છે, એવું સ્વીકાર્યા પછી પણ ગ્લોબલ વૉર્મિંગની સચ્ચાઇને સ્વીકારવી પડે એમ છે. તેનાં કારણો-પરિણામોનાં ઝડપ કે ગંભીરતા વિશે વિવાદ હોઇ શકે, પણ વધી રહેલા તાપમાનની અસરો વઘુ ને વઘુ સ્પષ્ટ બની રહી છે. ગયા મહિને પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક ‘નેચર’  / Nature (૨૫ જુલાઇ, ૨૦૧૩)માં ત્રણ અભ્યાસીઓએ ગ્લોબલ વૉર્મિંગના આર્થિક પાસા વિશે  અનુમાન આપ્યાં હતાં. તેમના મતે, આર્કટિક મહાસાગરનો- ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર તૂટશે-ઓગળશે, તો તેમાં કેદ થયેલો મિથેન વાયુનો જથ્થો વાતાવરણમાં ભળશે. મિથેન ગ્લોબલ વૉર્મિંગ માટેના ગંભીર ગુનેગાર વાયુઓમાંનો એક છે. તેનો એકસામટો ઉમેરો થવાને કારણે, ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેનાં વસમાં આર્થિક પરિણામ ભોગવવાનાં આવશે.

‘નેચર’ના અભ્યાસલેખમાં જણાવ્યા પ્રમાણે, આખા ઉત્તર ધ્રુવનાનહીં, તેના એક હિસ્સા જેવા પૂર્વ સાઇબીરીયાના સમુદ્રી પ્રદેશમાં જામેલા બરફના થર ઓગળવાથી, તેમાં પુરાયેલો ૫૦ ગીગાટન જેટલો મિથેન વાયુ વાતાવરણમાં ભળશે. તે સમગ્ર ઉત્તર ધ્રુવના બરફને ઘનમાંથી પ્રવાહી બનાવવાની ઘાતક પ્રક્રિયાને ઝડપી બનાવશે. પૂર્વ સાઇબીરીયાના બર્ફીલા દરિયાઇ થરમાંથી છૂટા પડેલા મિથેનને વાતાવરણમાં ભળતો અટકાવવાનાં કોઇ પગલાં નહીં લેવાય, તો વર્ષ ૨૦૩૫ સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાશે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના પૃથ્વીના સરેરાશ તાપમાનની સરખામણીમાં આ વધારો બે અંશ સેલ્સિયસ કે તેથી પણ વધારે હોઇ શકે છે. અઢળક પ્રદૂષણ કરતા દેશો પોતપોતાની ધુમાડિયા પ્રવૃત્તિઓ થોડી કાબૂમાં રાખે, તો આ સ્થિતિ પાંચેક વર્ષ મોડી (૨૦૪૦ની આસપાસ) આવે.

બે અંશ સેલ્સિયસના તાપમાનવધારાથી ફક્ત પર્યાવરણની સમતુલા ખોરવાશે એવું માની લેવાની જરૂર નથી. અભ્યાસીઓના મતે, વધેલા તાપમાનને કારણે વૈશ્વિક સ્તરે ૬૦ ટ્રિલિયન ડોલરનું જંગી આર્થિક નુકસાન થવાનો સંભવ છે - અને યાદ રહે, આ આંકડો ફક્ત પૂર્વ સાઇબીરીયાનો બરફમાંથી છૂટા પડતા મિથેનની અસરનો છે. આખા ઉત્તર ધ્રુવના બર્ફીલા પોપડામાં કેદ મિથેન પૃથ્વીના વાતાવરણમાં ભળે તો ક્યાંય વધારે નુકસાન થાય.

કેટલાક સંશોધકો માને છે કે ‘નેચર’માં આપવામાં આવેલો ૫૦ ગીગાટન મિથેનનો જથ્થો વઘુ પડતો છે અને ‘જરા વાજબી રાખવું જોઇએ’. મિથેનના જથ્થાની ગણતરીમાં ભૂલ કે અતિશયોક્તિ હોય તો પણ એક વાત ભૂલવા જેવી નથીઃ ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર ઓગળી રહ્યો છે, એ નિર્વિવાદ હકીકત છે. ઉપગ્રહોના જમાનામાં ઉત્તરોત્તર ઘટતો બરફના થરનો વિસ્તાર ચોક્સાઇપૂર્વક જાણી શકાય છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે, ૧૯૭૯માં ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર ૨૭.૮ લાખ ચોરસ માઇલ વિસ્તારમાં પથરાયેલો હતો. વર્ષ ૨૦૦૦ સુધીમાં તે ઘટીને ૨૪.૩ લાખ ચોરસમાઇલ થયો અને ગયા વર્ષના ઉનાળામાં તેનો વિસ્તાર ૧૩.૨ લાખ ચોરસ માઇલ જેટલો રહ્યો છે. આ વિસ્તાર મોટો લાગે તો તેમાં થયેલો ઘટાડો અને એ ઘટાડાની ઝડપ ઘ્યાનમાં રાખવા જેવાં છે.

થીજેલા આર્કટિક સમુદ્રમાં બરફનો જથ્થો પીગળે અને પાણીમાં ફેરવાય, તેના કેટલાક ફાયદા પણ છે. ટૂંકા ગાળાની અને વ્યાપારી દૃષ્ટિથી એ ફાયદા આકર્ષક છે. સૌથી મોટો ફાયદો દરિયાઇ માર્ગનો છે. (જુઓ નીચે આપેલો નકશો) હાલમાં રશિયા કે જાપાનથી દરિયાઇ રસ્તે યુરોપ માલ મોકલવો હોય તો, નકશામાં બતાવ્યા પ્રમાણે, જાપાનના યોકોહામા બંદરેથી હિંદ મહાસાગરમાં થઇને સુએઝ કેનાલ વટાવીને યુરોપ પહોંચવું પડે. આ રસ્તે જાપાનના યોકોહામાથી નેધરલેન્ડના રોટ્રડેમનો રસ્તો ૧૨,૮૯૪ માઇલનો થાય છે. એ પાર કરતાં જહાજને ૩૩ દિવસ લાગે છે. પરંતુ દક્ષિણે હિંદ મહાસાગર તરફ આવવાને બદલે માલવાહક જહાજો ઉત્તરે આર્કટિક મહાસાગરનો માર્ગ લે તો? એ રસ્તો ૮,૪૫૨ માઇલનો છે અને ફક્ત ૨૦ દિવસમાં જાપાનથી નેધરલેન્ડ પહોંચી શકાય છે. એવી જ રીતે, ચીનના શાંઘાઇથી રોટ્રડેમનું અંતર ઉત્તજી જળમાર્ગે ૧૨,૧૦૭ માઇલથી ઘટીને ૯,૨૯૭ માઇલ થાય છે અને કેનેડાના વાનકુવરથી રોટ્રડેમનો દરિયાઇ માર્ગ ૧૦,૨૬૨ માઇલને બદલે ૮,૦૩૮ માઇલનો થઇ જાય છે.

‘ધ નોર્થઇસ્ટ પેસેજ’ તરીકે ઓળખાતો, ઉત્તર ધ્રુવના આર્કટિક મહાસાગરમાંથી પસાર થતો રસ્તો નવો કે પહેલી વારનો નથી. ૨૦૦૯માં  એક જર્મન જહાજી કંપનીનાં બે જહાજે આ રસ્તો હેમખેમ પસાર કર્યો ત્યારે તેને મહાન સિદ્ધિ ગણાવવામાં આવી હતી. આ સમાચારમાં દેખીતી રીતે પીઆરનો વઘાર થયેલો હતો. પરંતુ એ હકીકત છે કે ૨૦૦૯ પછી વઘુ ને વઘુ પ્રમાણમાં વ્યાપારી જહાજો આર્કટિક મહાસાગરનો જળમાર્ગ  પસંદ કરી રહ્યાં છે. અલબત્ત, ધ્રુવપ્રદેશનો બર્ફીલો પોપડો સદંતર ઓગળી જાય તો પણ વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ઠારબિંદુથી નીચું તાપમાન રહેતું હોવાને કારણે, એ જળમાર્ગ લગભગ બંધ રહે. ગ્લોબલ વૉર્મિંગને કારણે બર્ફીલો પોપડો ઘટ્યા પછી ઉનાળામાં આ માર્ગ વપરાશ માટે સુલભ અને પ્રમાણમાં ઘણી ઓછી અડચણવાળો બને છે. તેની પર જહાજોની અવરજવર પણ વધી રહી છે.  રશિયાની સરકારી સમાચાર સંસ્થાના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૨માં  આર્કટિક સમુદ્રના જળમાર્ગેથી ૫૦ લાખ ટન માલની હેરફેર થઇ, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૬.૪ કરોડ ટન સુધી પહોંચવાની ધારણા છે.


દરિયાઇ વાહનવ્યવહાર વધે એટલે અત્યાર લગી કુદરતી શાંતિ ભોગવતા આર્કટિક સમુદ્રની જીવસૃષ્ટિ પર તેની માઠી અસર પડે એવી પૂરી સંભાવના રહે છે. એમાં પણ ઓઇલ લઇ જતા એકાદ જહાજને અકસ્માત થાય અને એ મહાસાગરમાં ઓઇલ ઢળે તો થઇ રહ્યું. આવી અમંગળ કલ્પના કરવી ગમતી નથી, પણ જહાજી વ્યવહાર શરૂ થયા પછી શક્યતાના સ્તરે એ વિચારવું પડે. ‘નેચર’ના લેખમાં નોંઘ્યું છે તેમ, પૃથ્વી પર બોટાયા વગરના કુદરતી વાયુનો ૩૦ ટકા જથ્થો અને એવા ક્રુડ ઓઇલનો ૧૩ ટકા જથ્થો ઉત્તર ધ્રુવમાં ધરબાયેલો હોવાનો અંદાજ છે.

બર્ફીલી ચાદર અદૃશ્ય થયા પછી ઉત્તર ધ્રુવ જેમ વધારે ને વધારે ખુલ્લો થતો જશે, તેમ પર્યાવરણના ભોગે વ્યાપારી ફાયદા માટે થનારી પ્રવૃત્તિઓનું જોખમ ત્યાં વધતું જશે. બ્રિટનની વિખ્યાત વીમા કંપની લોઇડ્‌ઝના અંદાજ પ્રમાણે, આવતાં દસ વર્ષોમાં ઉત્તર ધ્રુવમાં થનારા રોકાણનો આંકડો ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

ઉત્તર ધ્રુવ સાથે ભૌગોલિક સરહદ ધરાવતા અમેરિકા, રશિયા, કેનેડા, ડેન્માર્ક અને નોર્વે જેવા દેશોએ હવે તેના કેટલાક હિસ્સા પર પોતાનો દાવો પણ નોંધાવ્યો છે. એન્ટાર્કટિક (દક્ષિણ ધ્રુવ)ની જેમ આર્કટિક  માટે કોઇ ચોક્કસ આંતરરાષ્ટ્રિય નીતિ નક્કી કરવામાં આવી નથી. હાલમાં ઉત્તર ધ્રુવના પાડોશી દેશોની બનેલી આર્કટિક કાઉન્સિલ તેનો વહીવટ કરે છે, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં પાડોશી ન હોય એવા બીજા દેશોને કાઉન્સિલના સભ્ય તો નહીં, પણ ‘નિરીક્ષક’ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષે (૧૫ મે, ૨૦૧૩ના રોજ) ભારત ઉપરાંત ચીન, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરને ‘નિરીક્ષક’પદું આપવામાં આવ્યું. તેમને સલાહસૂચનથી વિશેષ સત્તા નથી. છતાં, આ કાઉન્સિલમાં સામેલગીરી થાય તે આવકાર્ય છે. કારણ કે ભારત ઉત્તર ઘુ્રવમાં બે સંશોધનકેન્દ્રો (‘મૈત્રી’ અને ‘ભારતી’) ચલાવે છે.

ઉત્તર ધ્રુવનો બરફ ઓગળવાથી થનારા ભૌગોલિક પરિવર્તનો વ્યાપારી તકોની સાથે પર્યાવરણીય પડકારો અને આંતરરાષ્ટ્રિય ખેંચતાણ પણ ઊભી કરી શકે એમ છે. પીગળેલા બરફને કારણે થનારા ફાયદાની ગણતરી માંડતી વખતે હંમેશાં એ યાદ રાખવું જોઇએ કે બરફ ન પીગળે એ સૌથી આદર્શ સ્થિતિ હતી. એટલે કે જે ફાયદો છે તે ચોખ્ખો નથી. આ ગણતરી નુકસાનમાં નફાની રહેવાની છે. 

Thursday, August 01, 2013

મહાભારત : ચર્ચાપત્રીઓની નજરે

‘ફેસબુક’-‘ટ્‌વીટર’ પહેલાંના જમાનામાં લોકોને ખાલીપીલી લડવાનું, ચોવટ કરવાનું કે લંગરિયાં નાખવાનું મન થાય, ત્યારે એ શું કરતા હશે? આવો સવાલ અત્યારે ઘણા વાચકોને થઇ શકે છે. પરંતુ આગળ જણાવેલી પ્રવૃત્તિ માણસજાતના હાડમાં છે. એટલે ફેસબુક-ટ્‌વીટર હોય કે ન હોય, માણસ પોતાનો રસ્તો કાઢી લે છે. આઇટી ક્રાંતિ પહેલાં કેટલાંક અખબારો-સામયિકોમાં ચર્ચાપત્રો (વાચકોના પત્રો)ની જગ્યા ફેસબુક-ટ્‌વીટરની ગરજ સારતી હતી. ત્યાં જુદા જુદા મુદ્દે સામસામી રમઝટ અને આક્રમક તડાફડી ચાલતાં હતાં. ‘ફેસબુક’ પરની મોટા ભાગની ગરમાગરમીઓની જેમ, ચર્ચાપત્રોમાં પણ મૂળ મુદ્દો ક્યાંય ભૂલાઇ જતો અને ‘આવી જા, તને બતાવી દઉં’ની મુદ્રા ઉભરી આવતી હતી.

આવી સ્થિતિમાં ચર્ચાપત્રોને મોકળું મેદાન આપનાર કોઇ અખબાર-સામયિકમાં વેદવ્યાસ લિખિત ‘મહાભારત’ હપ્તાવાર નવલકથા તરીકે છપાતું હોત તો? કેટલાક ચર્ચાપત્રીઓ કેવા પ્રતિભાવ આપતા હોત? વાસ્તવિકતાનો રંગ ધરાવતી કલ્પના.

***

રવિવારની પૂર્તિમાં આવતી વેદ વ્યાસની નવલકથા ‘મહાભારત’ જામે છે. તેનું કથાવસ્તુ જોકે ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે. છતાં ભાઇ વ્યાસની લખાવટ સારી છે. મેં પણ આવી એક કથા લખી હતી. અમારા જમાનામાં સારા માણસો લખવાના ધંધામાં પડતા નહીં. એટલે એ કથા હજુ અપ્રગટ જ રહી છે. વ્યાસને રસ હોય તો હું તેમને એ કથા આપી શકું છું. એ સિવાય ‘મહાભારત’માં કોઇ બાબતે વ્યાસને મૂંઝવણ હોય તો હું એમને ખુશીથી માર્ગદર્શન આપીશ. આપણને છાપામાં નામ છપાવવાનો કોઇ મોહ નથી. એટલે વ્યાસ મારો આભાર નહીં માને તો પણ ચાલશે.
- વડીલશંકર સલાહકાર
***

‘મહાભારત’ સારી જાય છે. નવલકથાનું નામ પસંદ કરવામાં થોડી વધારે મહેનત કરી હોત તો સારું થાત. લેખકની પકડ સારી છે. સાથે ચિત્રો આપો તો સારું. દ્રૌપદી કેવી લાગતી હશે, એ જોવાનું મન થાય છે.
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

‘મહાભારત’ની કથામાં કૃષ્ણે કૌરવો પાસે જમીન માગી હોવાનું શ્રી વ્યાસે લખ્યું છે, પણ મજકૂર જમીન ખેતીની હતી કે બિનખેતીની, તેની ચોખવટ કરવામાં આવી નથી. હું નિવૃત્ત તલાટી છું. મને ખબર છે કે જમીનના મામલે મહાભારત થતાં જ હોય છે. ખોટ એ બઘું લખવા નવરા લોકોની જ હોય છે. ચીરહરણનો ઉલ્લેખ કરતી વખતે એક ઠેકાણે વ્યાસે દ્રૌપદીની સાડીની લંબાઇ ૪૦ ફીટ લખી છે અને તેના ચાર ફકરા પછી એ લંબાઇ ૪૦ મીટર છે. કઇ લંબાઇ સાચી માનવી? શ્રી વ્યાસ ખુલાસો કરશે?
- ખુશાલ ખટપટિયા
***

‘મહાભારત’માં એકલવ્યનો પ્રસંગ શ્રી વ્યાસે તેમના ડફોળ દીકરાને એડમિશનમાં થયેલા ખરાબ અનુભવ પરથી લખ્યો હોય એવું લાગે છે. મારી પોતાની દસ સ્કૂલ અને છ કોલેજ ચાલે છે. અમારે ત્યાં આવા કોઇ ભેદભાવો નથી. વ્યાસ જેવા વિધ્નસંતોષી લોકો ગમે તેવું બેજવાબદાર અને પીળું પત્રકારત્વ કરીને ગુરૂશિષ્ય પરંપરાનું અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરે છે. હવે ફરી આવું કંઇ છપાશે તો અમારે ન છૂટકે પગલાં લેવાની ફરજ પડશે તેની નોંધ લેશો. ભારતમાતાકી જય. વંદે માતરમ્‌.
- કમલભાઇ કેસરિયા
***
‘મહાભારત’ અંગે ગુલાબભાઇનો રસ- એટલે કે પત્ર- વાંચીને દુઃખ થયું. વાચક તરીકે તેમણે દ્રૌપદીના શબ્દચિત્રથી જ રાજી થવું જોઇએ. દ્રૌપદીનું ચિત્ર જોવાની એવી તે શી ઘેલછા? અને બહુ મન થયું હોય તો તેમના ઘરમાં મા-બહેન નહીં હોય? એમને દ્રૌપદી તરીકે કલ્પી લે. પુરૂષજાત ક્યારેય સુધરશે ખરી?
- લક્ષ્મી લશ્કરી
***

લક્ષ્મીબહેન લશ્કરીના બળાપા સાથે હું સંમત છું. મહાભારત કરતાં ચાર ચાસણી ચડે એવી મારી કથાને મેં ચિત્ર વગર પ્રગટ કરવાનો જ આગ્રહ સેવ્યો હતો. (હજુ સુધી તે પ્રગટ થઇ નથી એ જુદી વાત છે.) સફળતા ભાઇ વ્યાસના માથે ચડી ગઇ હોય એવું લાગે છે. તેમનાં અઢળક વખાણ કરતાં બે-ચાર ચર્ચાપત્રો લખ્યા પછી પણ તેમણે મને પત્ર લખવાનું જરૂરી માન્યું નથી. તેમની નવલકથા ‘મહાભારત’ સારી હોવા છતાં મારે એટલું કહેવું જોઇએ કે તેમાં ફુલાઇને ફાળકો થવા જેવું કોઇ તત્ત્વ નથી. ખરું સાહિત્ય તો એ જ કહેવાય જે સદીઓ સુધી વંચાય. ‘મહાભારત’ અત્યારે ઠીક છે, પણ પુસ્તક તરીકે તેને કયો પ્રકાશક હાથમાં ઝાલે છે એ જોઇશું.
- વડીલશંકર સલાહકાર
***

વડીલશંકરભાઇ જેવા જૂની પેઢીના લોકોએ જાણવું જોઇએ કે મહિલાઓ ચર્ચામાં ઉતરે એટલે તેમનું ઉપરાણું લેવા વચ્ચે કૂદી પડવું એ હવે જૂની સ્ટાઇલ થઇ. લક્ષ્મીબહેન લશ્કરીને જણાવવાનું કે મારા ઘરમાં મા પણ નથી અને બહેન પણ નથી. હવે?
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

વડીલશંકરભાઇની વાત સાથે હું સંમત છું. વ્યાસની વાર્તા...શું નામ છે? જડભરત? ના...ના.. મહાભારત- હા, એ મહાભારતમાં કશો દમ નથી. અને કોઇ મહિલા વિશે આવા શબ્દોમાં લખવાનું ગુલાબભાઇ માટે તથા આ પ્રકાશન માટે શોભાસ્પદ નથી.  મારા પોતાના ચર્ચાપત્રોના આઠ સંગ્રહો બહાર પડી ચૂકેલા છે. તેમાંના એક પણ સંગ્રહના એક પણ પત્રમાં મહિલાઓ વિશેની અભદ્ર વાત મેં કદી લખી નથી. ‘પ્લેબોય’ને લખેલા અને (મારા ચર્ચાપત્રસંગ્રહ ‘પ્લેબોયથી પરમાર્થ સુધી’માં સામેલ કરાયેલા) પત્રોમાં પણ મેં હંમેશાં મહિલાગૌરવના જ મુદ્દા છેડ્યા છે. આ મુદ્દે હું  કુ.લક્ષ્મીની સાથે છું. વડીલ છગનભાઇ પણ અમને યુવાનોને આશીર્વાદ આપશે એમ માનું છું.
- જુવાન જુસ્સાવાલા
***

ભાઇ જુવાનનો પત્ર સદંતર વાહિયાત અને તેમની હલકી મનોવૃત્તિનો સૂચક છે. મને ‘વડીલ’ અને લક્ષ્મીબહેનને ‘કુમારી’ કહીને તેમણે પોતાના મલિન ઇરાદા છતા કર્યા છે. ચર્ચાપત્રોના સંગ્રહો બહાર પાડવામાં કશી ધાડ મારવાની નથી. એમ તો ‘ચર્ચાપત્રીની ચકોર નજરે : ભાગ ૧-૧૨’ શીર્ષક હેઠળ મારાં ચર્ચાપત્રોના બાર ભાગ પ્રસિદ્ધ થયા છે. તેમાંના એકની ગણતરી બુકર પ્રાઇઝની સ્પર્ધામાં થતી હતી, પણ છેલ્લી ઘડીએ સ્ત્રીદાક્ષિણ્યને કારણે અરુંધતિ રોય માટે મેં માર્ગ મોકળો કરી આપ્યો હતો.
- વડીલશંકર સલાહકાર
***

વડીલશંકરભાઇના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે જુવાનીને ઉંમરની સાથે કશી લેવાદેવા નથી. આજે નિવૃત્તિનાં દસ વર્ષ પછી પણ હું જુવાન છું. રોજનાં ઓછામાં ઓછાં સાત ચર્ચાપત્રો લખું છું, જાતે ચાલીને પોસ્ટ ઓફિસે જઉં છું અને દેશવિદેશમાં પોસ્ટ કરું છું. સાથોસાથ, ગુજરાતમાં પત્રકારત્વની યુનિવર્સિટીઓના કોર્સમાં ચર્ચાપત્રોનો વિષય તરીકે સમાવેશ થાય એ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવથી માંડીને  અમેરિકાના પ્રમુખ સુધીના અનેક લોકોને લખતો રહું છું. ચર્ચાપત્ર માટેનું પુલિત્ઝર પ્રાઇઝ ચાલુ કરાવવા માટે અત્યાર સુધી મેં લખેલા પત્રોનું વજન આશરે સત્તર કિલો થવા જાય છે, એવું મારો એક ચાહક અને જોગાનુજોગે પસ્તીનો ધંધો કરતો છોકરો કહેતો હતો. ગમે તે થાય, પણ આ ગુલાબભાઇ હાર માને એવો નથી. મારા આ સ્પિરિટની કુમારી લક્ષ્મી લશ્કરી ઉપરાંત અન્ય ચર્ચાપત્રી મિત્રો નોંધ લેશે, તેમ માનું છું.
- ગુલાબભાઇ ગલગોટાવાળા
***

વડીલશંકરભાઇને હું જવાબ આપું તે પહેલાં જ ગુલાબભાઇએ ચર્ચામાં ઝંપલાવી દીઘું છે. વૃદ્ધોની આ જ તકલીફ છે. એમની પાસે ટાઇમ જ ટાઇમ હોય છે, જ્યારે અહીં સૌથી મોટી રામાયણ ટાઇમની છે. ઘણી વાર જગત આખું સૂતું હોય ત્યારે હું ચર્ચાપત્રો લખવા બેસું છું. જાગ્રત ચર્ચાપત્રી હોવાનો મારો દાવો ખાલી કહેવા પૂરતો નથી. વડીલશંકરના પડકારના જવાબમાં એટલું જ કહેવાનું કે મારી ઉંમર તેમના કરતાં ઘણી ઓછી છે. કુમારી લક્ષ્મીની બાબતમાં વૃદ્ધ ચર્ચાપત્રીઓ આટલા વ્યાકુળ કેમ થાય છે, એ સમજાતું નથી.
- જુવાન જુસ્સાવાલા
***

ચર્ચાપત્રીઓને માલૂમ થાય કે મારું નામ લક્ષ્મીચંદ લશ્કરી છે અને હું કરિયાણાનો વેપારી છું. વ્યાસની નવલકથા ‘મહાભારત’ સારી જાય છે.
- લક્ષ્મી લશ્કરી