Monday, September 29, 2014

કરકસરિયા ‘ઇસરો’ની કમાલ : (સૌથી) સસ્તા ભાડામાં મંગળની પ્રદક્ષિણા

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ કરતા ચોથા-પાંચમા ભાગના ખર્ચે તૈયાર થયેલું ‘ઇસરો’નું મંગળયાન ભારતીય ઇજનેરોએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ છે

Click to Enlarge - Original figure : ISRO

પાંચમી નવેમ્બર, ૨૦૧૩ના રોજ ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચકરાવા માર્યા પછી પહેલી ડિસેમ્બર ૧, ૨૦૧૩ના મંગળ ભણી રવાના થયું હતું. પૃથ્વીથી આશરે ૨૨ કરોડ કિલોમીટરની દૂરી પર પહોંચેલું મંગળયાન છેવટે બુધવારે મંગળ સુધી પહોંચ્યું અને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં દાખલ થઇ ગયું, તેની સાથે જ આનંદ અને ગૌરવની લાગણી ફેલાઇ. ભારત એવો પહેલો દેશ છે, જેને પહેલા પ્રયાસે મંગળની ભ્રમણકક્ષા સુધી યાન મોકલવામાં સફળતા મળી છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ પહેલા પ્રયાસે સફળતાની સિદ્ધિ મેળવી શક્યા નથી. (રશિયા-ચીનને તો પછીના પ્રયાસોમાં પણ સફળતા મળી નથી.)

‘ઇસરો’નો પ્લાન યાનને મંગળ ગ્રહ પર ઉતારવાનો નહીં, પણ તેની ફરતે યાને પ્રદક્ષિણા કરતું રાખવાનો છે. એ અવસ્થામાં યાન મંગળ પર મિથેન વાયુની હાજરી પારખવાની કોશિશ કરશે. અગાઉ બીજા દેશો ચંદ્રની તપાસ કરી ચૂક્યા હોવા છતાં, ‘ઇસરો’ના ચંદ્રયાને પહેલી વાર ચંદ્ર પરથી બરફ (પાણી) હોવાની મોટી શોધ કરી હતી. એટલે મંગળની સપાટી પર અમેરિકાનું એક વાહન ઘૂમી રહ્યું હોવા છતાં, મંગળનું પરિભ્રમણ કરી રહેલા ‘ઇસરો’ના મંગળયાન પર સૌની નજર રહેશે.

‘ઇસરો’એ મંગળયાનનો આખો પ્રોજેક્ટ ફક્ત ૭.૩ કરોડ ડૉલરમાં (કેટલાક અંદાજ પ્રમાણે સંપન્ન કર્યો. આ આંકડાની આગળ ‘ફક્ત’નું વિશેષણ કેમ લગાડ્યું, એ સમજવા માટે આ રકમો જુઓ : ‘નાસા’ને તેનું મંગળયાન મુંબઇનો બહુ વખણાયેલો અને તેના ટ્રાફિકઘટાડા માટે ઉપયોગી સિદ્ધ થયેલો પુલ વાંદ્રા-વર્લી સી લિન્ક નવ વર્ષમાં ૩૪ કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયો. (આટલા તોતિંગ ખર્ચ પાછળ એક કારણ વિલંબનું પણ ખરું. ‘ફૉર્બ્સ’ મેગેઝીનના અહેવાલ પ્રમાણે, ૪.૭ કિલોમીટર લાંબા વાંદ્રા-વર્લી સી લિન્ક કરતાં ક્યાંય મોટો, ૩૬ કિલોમીટર લાંબો પુલ ફક્ત ચાર વર્ષમાં ઊભો કરી દીધો હતો.)

સી લિન્ક પર ‘વધારાના ખર્ચ’નો આરોપ થઇ શકે, નકામા ખર્ચનો નહીં. એવો આરોપ વાજબી રીતે જેની પર થઇ રહ્યો છે તે વડાપ્રધાનનો પ્રિય ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ છે. દુનિયામાં સૌથી ઊંચું પૂતળું બનાવવાની ઘેલછા પાછળ રૂ.૨૦૬૩ કરોડનો ખર્ચ થશે, એવું ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું છે. ૧ ડૉલરના રૂ.૬૧ના હિસાબે આ રકમ અંદાજે ૩૩ કરોડ ડૉલર જેટલી થાય. તેની સરખામણીમાં ‘ઇસરો’ મંગળ સુધી યાન પહોંચાડવા માટે ૭.૬ કરોડ ડૉલર ખર્ચતું હોય તો તેને ‘ફક્ત’ કહેવામાં શું ખોટું છે? પ્રચારપટુ વડાપ્રધાને મંગળયાન હોલિવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતાં પણ ઓછા ખર્ચમાં તૈયાર થઇ ગયું, એવી વાત કરી હતી અને એ સાચી હતી. પરંતુ હોલિવુડની ફિલ્મ કરતાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું ઉદાહરણ વધારે નજીક ન પડે?

પહેલી વાર ‘ઇસરો’એ મંગળયાનનું બજેટ જાહેર કર્યું ત્યારે  અવકાશક્ષેત્રના લોકોને પણ નવાઇ લાગી હતી. કેમ કે, અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’ હોય કે પછી ચીનનો અવકાશ કાર્યક્રમ, તેમની સરકારો કરોડો ડૉલરનાં બજેટ ફાળવે છે. બેફામ ખર્ચ કરવાના આરોપની ‘નાસા’ માટે નવાઇ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં તેને એ આરોપ ગંભીરતાથી કાને ધરીને, ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવાની ફરજ પડી છે. સ્ટાફ ઘટાડીને ઘણું કામ કોન્ટ્રાક્ટ પર આપવું એ નિર્ણય‘નાસા’ની ‘ડૉલર બચાવો ઝુંબેશ’નો હિસ્સો હતો. તેમ છતાં, ‘ઇસરો’ ‘નાસા’ કરતા લગભગ દસમા ભાગના ખર્ચમાં મંગળમિશન ઊભું કરી દે, તેનો ખુલાસો શી રીતે આપવો? કેટલાક વિદેશી નિષ્ણાતોએ ઝાઝી તસ્દી લીધા વિના પરબારો વેતનનો મુદ્દો ઊભો કર્યો અને કહ્યું કે અમેરિકાની સરખામણીમાં ભારતમાં ઇજનેરોને મળતું વેતન ઘણું ઓછું છે. તેના કારણે ભારતનો પ્રોજેક્ટ સસ્તામાં થયો છે. કેટલાકે ખુલાસો આપ્યો કે અમેરિકાનું મંગળ-મિશન વધારે અટપટું હોવાથી, તેમાં સાધનસામગ્રીનો ખર્ચ વધારે બેસે.

વેતનનો કે મિશનના હેતુનો તફાવત ચોક્કસ એક મુદ્દો છે, પણ તેને બચત માટે જવાબદાર એક માત્ર મુદ્દા તરીકે રજૂ કરવામાં ‘ઇસરો’ના ઇજેનેરોની પ્રતિભાની અને કરકસર માટેના તેમના આગ્રહની ધરાર અવગણના થાય છે. ડૉ.વિક્રમ સારાભાઇના જમાનાથી ભારત જેવા આર્થિક રીતે ગરીબ દેશના અવકાશ કાર્યક્રમ માટે કેટલું બજેટ ફાળવવું જોઇએ, એ ચર્ચાનો અને કંઇક અંશે વિવાદનો મુદ્દો રહ્યો છે. રોકેટનો આગળનો હિસ્સો સાયકલ પર લઇ જવાતો હોય કે અહીં તસવીરમાં દર્શાવ્યું છે તેમ, આખેઆખો ‘એપલ’ ઉપગ્રહ બળદગાડામાં લઇ જવાતો હોય, એની  ‘ઇસરો’ની પરંપરામાં નવાઇ નથી.


તેમ છતાં, પ્રતિકૂળતાઓ વચ્ચે ‘ઇસરો’એ આગેકૂચ જારી રાખીને ઉપગ્રહો તરતા મૂકવાના ક્ષેત્રે ઇર્ષ્યાજનક સિદ્ધિ હાંસલ કરી છે. સકરકસરનાં ઉદાહરણો આપતાં ‘ઇસરો’ના અઘ્યક્ષ રાધાકૃષ્ણને  ગયા વર્ષે ‘ફોર્બ્સ’ સામયિકને કહ્યું હતું કે ‘ઇસરો મૉડ્યુલર અપ્રોચથી કામ કરે છે. એટલે કે જુદા જુદા પૂરજામાં પારંગતતા મેળવીને અંતે એ  લૉન્ચ વેહીકલ જેવું પેચીદું સાધન તૈયાર કરી શકે છે. તેમણે સિત્તેરના દાયકામાં ફ્રેન્ચ ઇજેનેરોના સહયોગથી વિકસાવયેલાં ‘વિકાસ’ એન્જિનનો હવાલો આપીને કહ્યું હતું કે એ જાણકારી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મળી હતી. તેના આધારે ‘ઇસરો’એ કામ શરૂ કર્યું અને સંપૂર્ણપણે ભારતીય સામગ્રીથી, ૧૨૦ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એન્જિન તૈયાર કર્યાં. પછી ટેક્‌નોલોજી આગળ વધે અને એન્જિનમાં પ્રવાહી બળતણ ઉમેરવાનું આવે કે પછી ઉપગ્રહોનાં વજન કે તેમની સંખ્યામાં વધઘટ થાય ત્યારે, આગળનું સફળ ‘મૉડ્યુલ’ તો તૈયાર જ હોય, એટલે તેની પર વધારાના ‘માળ ચણવાના’ રહે. એ સહેલું નથી, પણ આ રીતે ક્રમિક ઢબે આગળ વધતાં વધતાં ‘ઇસરો’ મંગળ સુધી પહોંચ્યું છે.

‘ઇસરો’ અગાઉ વપરાયેલાં સાધનોમાં સતત ફેરફાર અને સુધારાવધારા કરીને તેને ફરી ઉપયોગમાં લે છે. એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, મંગળયાનને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટની ડિઝાઇન ‘ઇસરો’એ પહેલી વાર ૧૯૯૩માં તૈયાર કરેલા લૉન્ચ વેહીકલમાં થોડો ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી હતી.  મંગળયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મંગળની ભ્રમણકક્ષામાં ધકેલવા માટે પણ ‘ઇસરો’એ બળતણમાં જંગી બચત કરાવે એવી કેટલીક વ્યૂહરચનાઓ પ્રયોજી હોવાનું પણ રાધાકૃષ્ણને કહ્યું. ‘ઇસરો’ ફિલ્ડ ટેસ્ટિંગ એટલે કે  સાધનોનાં મૉડેલ બનાવીને તેમનું મોંઘુંદાટ વાસ્તવિક પરીક્ષણ કરવાને બદલે ટેસ્ટિંગ માટે સૉફ્‌ટવેર પર મોટા પાયે મદાર રાખે છે, એ પણ ઓછા ખર્ચનું એક કારણ મનાય છે.

ટેક્‌નલોજી ઉપરાંત કરકસરનો બીજો મહત્ત્વનો મોરચો એટલે સમયપાલન. ભારતના સરકારી તંત્રને સમયપાલન સાથે આડવેર છે, પરંતુ ‘ઇસરો’ એ નિયમમાં અપવાદ છે. તેને કારણે મંગળયાનનો પ્રોજેક્ટ ફક્ત ૭.૬ કરોડ ડૉલરમાં પડ્યો.

આ બધી હકીકતો નજરઅંદાજ કરીને મંગળયાનના ઓછા ખર્ચને ‘જુગાડ’ ગણાવી દેવાનું સદંતર અયોગ્ય છે. મેનેજમેન્ટવાળાઓ નવેસરથી ‘હાજર સો હથિયાર’ ઉર્ફે ‘જુગાડ’ને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને, તેને ગ્લેમરસ બનાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે ‘જુગાડ’ હંમેશાં હકારાત્મક કે આવકાર્ય ગણાતો નથી. એ સંજોગોમાં મંગળયાન જેવી ટેક્‌નોલોજીની મહા સિદ્ધિને કેવળ તેનો ખર્ચ ઓછો હોવાને કારણે ‘જુગાડ’માં ખપાવી દેવી, એ ભારતીય ઇજનેરોના કૌશલ્યનું અપમાન - અને ‘જુગાડ’ની દલીલ કરનારનું અજ્ઞાન- ગણાય. 

Friday, September 26, 2014

એકે ‘લાલ’ દરવાજે તંબુ તૉણીયા રે...‘લોલ’

જેમનું સાચું નામ ન બોલી શકવાથી દિલ્હી દૂરદર્શનના એક ઉદ્‌ઘોષકની નોકરી ગઇ અને જેમના નામમાં ‘જિન’ને બદલે ‘જિંગ’ લખવા છતાં ગુજરાત સરકારમાં કોઇને કંઇ ન થયું, એવા ચીની પ્રમુખ ગયા અઠવાડિયે અમદાવાદમાં હતા.

સાંભળ્યું છે કે રાજાશાહીના જમાનામાં અમદાવાદ ‘ગર્દાબાદ’ હતું ત્યારે જહાંગીર કાંકરિયાના તળાવે તંબુ તાણીને મોજમજા કરતો હતો. ત્યાર પછી સદીઓ વીતી. લોકશાહી આવી. અમદાવાદ ફ્‌લાયઑવરાબાદ અને રીવરફ્રન્ટાબાદ બન્યું. ત્યાર પછી લોકશાહી શાસક એવા ભારતના વડાપ્રધાને ફાઇવસ્ટાર હૉટેલને બદલે નદીકિનારે રાજાશાહી જલસો યોજ્યો. એ દિવસે તેમની વર્ષગાંઠ હતી એ તો દુષ્ટ સેક્યુલરોનું કાવતરું હતું. બાકી, વડાપ્રધાન પોતે એટલા સાદગીપ્રિય છે કે તેમણે બિચારાએ જાહેર અપીલ કરી હતી કે ‘મારી વર્ષગાંઠે ધામઘૂમ કરવાને બદલે એ રકમ કાશ્મીર રાહતફાળામાં મોકલી આપવી.’

અમદાવાદમાં જે ધામઘૂમ થઇ, નદી કાંઠે ફાઇવસ્ટાર તંબુ તણાયા ને સેંકડો લોકોનો જમણવાર થયો, એ બધું તો ચીની પ્રમુખના માનમાં હતું. આપણી સંસ્કૃતિનાં બે તત્ત્વો- ‘અતિથી દેવો ભવઃ’ અને ‘દેવું કરીને ઘી પીઓ’નો સુભગ સમન્વય સાધતાં વડાપ્રધાને ભારતીય પરંપરા મુજબ વ્યવસ્થા કરાવી હતી. આખો જલસો અમદાવાદમાં થયો એટલે વડાપ્રધાનને ‘મોસાળમાં જમણવાર ને મા પીરસે’ એ કહેણીનો સુખદ અહેસાસ પણ થઇ ગયો.

અહેવાલ છે કે ફક્ત અમદાવાદમાં અમુક વિસ્તારોના રસ્તાને નવા બનાવવામાં સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા. એ સાંભળીને પહેલો વિચાર એવો આવે કે આ રૂટના રસ્તા એવા તો કેવા હશે કે તેને સુધારવા સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચવા પડે? પ્રમુખનું વિમાન તો આશ્રમ રોડ પર નહીં, એરપોર્ટ પર જ ઉતરવાનું હતું. જોકે, આપણા વડાપ્રધાન તો સ્વપ્નદૃષ્ટા છે. એમને કોઇએ વેળાસર આઇડીયા આપ્યો હોત તો તેમણે પ્રમુખનું વિમાન સીઘું રીવરફ્રન્ટ ઉપર જ ઉતરે એવી વ્યવસ્થા કરાવી હોત. કેવો વટ પડી જાય?

એનાથી પણ વધારે છાકો પડે એવો આઇડીયા તો એ છે કે આશ્રમરોડ પર વચ્ચેની રેલિંગ કાઢી નખાવાની. એટલે આખો રોડ છ લૅનનો થઇ જાય. પછી વિમાન શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં ઉતારીને ત્યાંથી ચલાવતાં ચલાવતાં આશ્રમરોડ લઇ આવવાનું અને ત્યાંથી ટર્ન મારીને રીવરફ્રન્ટ પર લઇ જવાનું. આવી ગોઠવણ કરી હોય તો આપણા વડાપ્રધાનની શો મેન તરીકેની પ્રતિષ્ઠા કેટલી વધે. અને રાજ કપૂરને ટક્કર માને એવો શો મેન વડાપ્રધાન તરીકે મેળવવા બદલ દેશના નાગરિકોની છાતી કેવી ગજ ગજ ફુલે.

આ બઘું કરવામાં ખર્ચ થાય અને ખર્ચાયેલા રૂપિયા ભલે પ્રજાના હોય, પણ સ્વપ્ન તો સાહેબનું ખરું કે નહીં? આઘુનિક પરિભાષામાં એને ‘પીપીપી’ (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) કહેવાય.

વાંકદેખાઓને એવો પણ વિચાર આવે કે ગુજરાતના-અમદાવાદના રસ્તા બહુ વખણાતા હોય, તો ચીની પ્રમુખના કાફલા માટે રસ્તા સુધારવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કેમ ખર્ચવા પડ્યા? પણ આવા તાર્કિક સવાલો વડાપ્રધાનની વાત આવે ત્યારે અપ્રસ્તુત બની જાય છે. ‘ડીઝનીલેન્ડ સ્કૂલ ઑફ ગવર્નન્સ’ના માનદ્‌ ડીન બની શકે એવી ક્ષમતા ધરાવતા આપણા વડાપ્રધાને રીવરફ્રન્ટમાં સંખેડાના હિંચકા મૂકાવ્યા ને ગીરનો સેટ પણ તૈયાર કરાવ્યો હતો. ‘ઉદ્યોગોના વિકાસમાં પર્યાવરણનો ભોગ લેવાય છે’, એવી બૂમો પાડનારા વિઘ્નસંતોષીઓએ આ સેટમાંથી ધડો લેવો જોઇએ. સાચા પર્યાવરણનો નાશ થાય તો પણ જરૂર પડ્યે તેનો સેટ ક્યાં ઊભો કરાવી શકાતો નથી? એટલા માટે થઇને દેશનો વિકાસ થોડો અટકાવી દેવાય?

પરંતુ આ બધી તો આડવાત થઇ. આપણને મુખ્ય રસ ભારતના વડાપ્રધાન અને ચીનના પ્રમુખ વચ્ચે શું વાતો થઇ, એ જાણવામાં પડે. એની સત્તાવાર વિગતો ઉપલબ્ધ ન બને ત્યાં સુધી કાલ્પનિક વિગતોથી કામ ચલાવી લેવું રહ્યું. તો આ છે મોદી-પિંગ સંવાદની વાસ્તવિક લાગી શકે એવી કાલ્પનિક ઝલક.

***
(એરપોર્ટ પર, ભારતના વડાપ્રધાનને જોઇને)

જિનપિંગ : મિત્રોંઓંઓંઓં...

મોદી : (હસીને) નાઇસ સેન્સ ઑફ હ્યુમર...આ છેક તમારા સુધી પહોંચી ગયું? પણ કેમ ન પહોંચે. આફ્‌ટરઑલ, આઇ એમ અ સેલિબ્રિટી...

જિનપિંગ : યસ..યસ..રાઇટ...લેટ્‌સ ગો.

***

(હૉટેલ પર પહોંચ્યા પછી)

મોદી : કેવી રહી રાઇડ? રસ્તામાં ક્યાંય ઝુંપડાં કે ગરીબ માણસ જોયાં?  ક્યાંથી જુઓ? કારણ કે આ સ્ટેટમાં મારું રાજ હતું. ગરીબીને તો મેં આમ (ચપટી વગાડીને) ચપટીમાં...

જિનપિંગ : સમજું છું...બરાબર સમજું છું... અમે બેજિંગમાં ઑલિમ્પિક યોજી ત્યારે આવું જ કર્યું હતું... ગરીબો, ઝૂંપડાંવાળા, માનવ અધિકારવાળા- એ બધાને (ચપટી વગાડે છે)... વેરી ગુડ ગવર્નન્સ.

મોદી : (વિજયી સ્મિત સાથે) મિનિમમ ગવર્ન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ

જિનપિંગ : યસ..વેરી ચાઇનીઝ મૉડેલ. વેરી ઇફેક્ટિવ. મિનિમમ ગવર્ન્મેન્ટ મીન્સ વન મેન ગવર્ન્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. (બહુ અસરકારક મૉડેલ છે. મિનિમમ કહેતાં એક જ માણસમાં આખી સરકાર કેન્દ્રીત હોય અને એ જ મેક્સિમમ- મોટા ભાગનો- વહીવટ કરે)

મોદી : ના. અમે તો લોકશાહી છીએ.

જિનપિંગ : સારું થયું, યાદ કરાવ્યું. બાકી, તમે એટલી સરસ રીતે ચલાવો છો કે ખબર જ ન પડે.

***

(ગાંધી આશ્રમમાં)

જિનપિંગ : બહુ સાંભળ્યું છે ગાંધી વિશે

મોદી : મારી જેમ એ પણ ‘ટાઇમ’ના કવર પર હતા. બહુ સાદગીવાળા...મારી જેમ. હું કેવો ઓટલે બેસીને ફોટા પડાવું છું...એવી જ રીતે એ ભોંય પર બેસીને ચરખો કાંતતા હતા. બહુ મહાન માણસ...એમના નામે અમે આખું બિઝનેસ સેન્ટર બનાવ્યું છે.

જિનપિંગ : તો અહીં ખોટા આવ્યા. આપણે ત્યાં જ જવા જેવું હતું. ‘ટાઇમ’માં લખ્યું હતું, મોદી મીન્સ બિઝનેસ...

મોદી : થેન્ક યુ... હું બહુ ફેમસ છું એ વિશે મારા મનમાં રહેલો થોડોઘણો ડાઉટ પણ તમે દૂર કરી દીધો.

***

(રીવરફ્રન્ટ પર)

જિનપિંગ : વાઉ, નદીનું કમર્શિયલાઇઝેશન કરવાનો આવો આઇડીયા તો અમને પણ નથી આવ્યો...યુ આર
એ વિઝનરી.

મોદી : ઓહ, થેન્ક્સ. હવે આ સરહદનું શું કરીશું?

જિનપિંગ : ઇન્ટેલિજન્સ રીપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં જે જાતનું ચાઇનીઝ ખાવાનું મળે છે એ બાબતે અમારે ત્યાં બહુ રોષ છે અને એવી વાત પણ છે કે કમ સે કમ, આ જાતનું ચાઇનીઝ બંધ કરાવવા માટે પણ ગુજરાત પર હુમલો કરવો જોઇએ. પણ ડોન્ટ વરી. ગુજરાત સુધી આવવાનો અમારો કોઇ ઇરાદો નથી. તમે તમારા દેશવાસીઓને એ બાબતે નિશ્ચિંત કરી દેજો.

મોદી : પણ એટલું પૂરતું નથી. લદ્દાખ...

જિનપિંગ : ઓ.કે. લદ્દાખ અમારું છે એ અમે સ્વીકારી લઇએ છીએ, બસ? હવે તો રાજી?

મોદી : લદ્દાખ તમારું ક્યારથી થઇ ગયું?

જિનપિંગ : જ્યારથી તિબેટ અમારું થયું..

મોદી : અમે એ સ્વીકારતા નથી.

જિનપિંગ : તો આ મૈત્રીપૂર્ણ વાતાવરણ બગડી જશે. રીવરફ્રન્ટ, સુહાની શામ, સંખેડાના હિંચકા, ઠરેલો દૂધપાક ને ખમણ-ઢોકળાં...આ બધામાં લદ્દાખ ક્યાં આવ્યું? એના વિશે દિલ્હી જઇને વાત કરીશુ.
મોદી : ઠીક છે, પણ ભારતમાં રોકાણનું તો કહેતા જાવ. અમારે ત્યાં એવી સ્ટોરીઓ ચલાવાઇ હતી કે તમે ૧૦૦ અબજ ડૉલર રોકશો.

જિનપિંગ : (હસે છે) તમારી સેન્સ ઑફ હ્યુમર બહુ સારી છે...એરપોર્ટથી અહીં સુધી ક્યાંય એકેય ગરીબ માણસ નજરે નથી પડ્યો. ઝુંપડાં નજરે નથી પડ્યા. આલીશાન રીવરફ્રન્ટના વૈભવી તંબુમાં, સ્પેશ્યલ બોટમાં ને સંખેડાના હિંચકા પર તમે અમારું સ્વાગત કર્યું. એક દેશના વડાની પાંચ કલાકની સરભરામાં પચીસ-પચાસ લાખ ડોલર ખર્ચી શકનારા દેશમાં અમારા રોકાણની શી જરૂર? રોકાણ માગીને તમે અમારી મજાક કરો છો...

મોદી : ના, સાવ એવું ન હોય. તમારું રોકાણ આવશે એમ ધારીને તો આટલો ખર્ચ કર્યો હતો...

જિનપિંગ : એને બદલે આ રૂપિયા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોક્યા હોત તો? મેટ્રોનાં બે-પાંચ-દસ સ્ટેશન બની ગયાં હોત અને ચીન તરફથી કદાચ વધારે લોન મળત. હવે મને થાય છે કે અમારા ડૉલર તમે રીવરફ્રન્ટ પર તંબુઓ બાંધવામાં વાપરી નાખો તો?

મોદી : એ વિશે આપણે વધારે વાત દિલ્હી જઇને કરીશું. અત્યારે આપણે  સંખેડાના હિંચકા જોવા જઇએ...રૂપિયા ખર્ચ્યા જ છે તો પછી....

***
આ કાલ્પનિક સંવાદ હોવાથી તે અધૂરો કેમ છે કે આવો કેમ છે, એવી તકરાર કરવી નહીં અને સચ્ચાઇ કેટલીક વાર કલ્પના કરતાં પણ વધારે ખતરનાક હોય છે એ ભૂલવું નહીં. 

Thursday, September 25, 2014

સ્કૉટલેન્ડની ‘સ્વતંત્રતા’ : ઝંખના અને વાસ્તવિકતા

એને ‘કવિન્યાય’ નહીં, વિરોધાભાસ જ કહેવાય કે ભારત-પાકિસ્તાન, ઇઝરાઇલ-પેલેસ્ટાઇન જેવા લોહીયાળ ભાગલા પડાવનાર બ્રિટનના પોતાના ભાગલા પડતા સહેજ માટે ટળી ગયા. એમ થયું હોત તો પણ એમાં હિંસાની શક્યતા નહીંવત્‌ હતી.

બ્રિટન ઉર્ફે યુનાઇટેડ કિંગ્ડમ/ U.K.ના ચાર ભાગ. અડધા ઉપરાંતના વિસ્તારમાં પથરાયેલું ઇંગ્લેન્ડ, લગભગ ત્રીજા ભાગમાં આવેલું સ્કૉટલેન્ડ અને એ સિવાય બે નાના પ્રદેશ : વેલ્સ તથા ઉત્તર આયર્લેન્ડ. તેમાંથી સ્કૉટલેન્ડ/ Scottland સાંસ્કૃતિક અને રાજકીય રીતે બાકીના બ્રિટન કરતાં- એટલે કે બીજા ત્રણે ભાગ કરતાં- ઘણો જુદો. સ્કૉટિશ લોકોમાં બ્રિટનવિરોધી નહીં એવી અને બ્રિટિશ દેશભક્તિમાં સમાઇ રહે એવી, સ્કૉટિશ ‘અસ્મિતા’ની ભાવના પ્રબળ. પરંતુ તેમને બ્રિટનની સામે ખડા કરનારી બાબત એટલે રાજકીય મતભેદ.

૩૦૭ વર્ષથી બ્રિટનનો હિસ્સો રહેલા સ્કૉટલેન્ડમાં ઉદારમતવાદી રાજકારણની બોલબાલા, જ્યારે ઇંગ્લેન્ડ સહિતના સમૃદ્ધ પ્રદેશોમાં રૂઢિચુસ્તોનો ડંકો વાગે. કેવી રીતે રાજ ચલાવવું અને કેવી રીતે આર્થિક નીતિઓ નક્કી કરવી, એની  ચર્ચામાં એક બાજુ સ્કૉટલેન્ડ હોય અને બીજી બાજુ બાકીના ત્રણ પ્રદેશ.

બ્રિટનના તંત્રમાં સ્કૉટલેન્ડ, વેલ્શ અને ઉત્તર આયર્લેન્ડ પાસે પોતાની સ્થાનિક ધારાસભાઓ છે. (સ્કૉટલેન્ડની ધારાસભા તો ‘પાર્લામેન્ટ’ જ કહેવાય છે.) દેશની સંસદે આ ધારાસભાઓને સ્થાનિક બાબતોમાં નિર્ણયો લેવાની સત્તા આપેલી છે. એટલે ધારો કે સ્કૉટલેન્ડને લગતો કોઇ સ્થાનિક મુદ્દો હોય તો એ સ્કૉટલેન્ડની સંસદમાં જ મુકાય, ચર્ચાય અને નક્કી થાય. બીજા કોઇ તેમાં દખલ કરી શકે નહીં. સૌથી મોટો વિસ્તાર ધરાવતું ઇંગ્લેન્ડ પણ નહીં. સામા પક્ષે, ઇંગ્લેન્ડ પાસે સ્થાનિક નિર્ણયો માટે આવી ધારાસભા નથી. તેને પોતાની બધી બાબતોની ચર્ચા દેશની સંસદમાં જ કરવી પડે.  ત્યાં બાકીના ત્રણ પ્રદેશના પ્રતિનિધિઓ હોય. એટલું જ નહીં, ઇંગ્લેન્ડને લગતા વિષયોમાં એ લોકો દખલ પણ કરી શકે. આવી અસંતુલિત સ્થિતિ બ્રિટનના રાજકારણમાં ‘વેસ્ટ લોધિયન ક્વેશ્ચન’ તરીકે ઓળખાય છે. (કારણ કે એ વિસ્તારના મજૂર પક્ષના એક સભ્યે ૧૯૭૭માં પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.)

આ અસંતુલનની સામે એ પણ નોંધવું જોઇએ કે બ્રિટનની ‘લોકસભા’ (હાઉસ ઑફ કૉમન્સ)માં કુલ ૬૫૦ બેઠકમાંથી ઇંગ્લેન્ડની ૫૩૩, સ્કૉટલેન્ડની ૫૯, વેલ્સની ૪૦ અને ઉત્તર આયર્લેન્ડની ૧૮ બેઠકો છે. (૨૦૧૦ની ચૂંટણીના આંકડા) એટલે દેખીતું છે કે જે પક્ષનું ઇંગ્લેન્ડમાં વર્ચસ્વ હોય, એ સંસદમાં પણ સર્વોપરિતા ભોગવે અને સ્થાનિક બાબતો ઉપરાંત રાષ્ટ્રિય મહત્ત્વની બાબતોમાં પણ એ પક્ષની જ પીપૂડી વાગે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે થોડી મુશ્કેલી પડે. કારણ કે વિપક્ષો સાથે મળીને સ્કૉટલેન્ડના ૫૯ સભ્યો ઠીક ઠીક અડચણો પેદા કરી શકે.

બ્રિટનમાં મુખ્ય ત્રણ પક્ષો : લેબર (મજૂર પક્ષ), કન્ઝર્વેટીવ (રૂઢિચુસ્ત પક્ષ- ‘ટોરીઝ’) અને લીબરલ ડેમોક્રેટ. એ સિવાય નાના પક્ષોના કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્યો પણ ખરા. ઇંગ્લેડન્માં રૂઢિચુસ્ત પક્ષની પકડ, જ્યારે સ્કૉટલેન્ડ બીજો વિકલ્પ ન હતો ત્યારે લીબરલ ડેમોક્રેટિક પક્ષ તરફ ઢળેલું. ત્યાં રૂઢિચુસ્તોની એવી ખરાબ હાલત હોય કે ૫૯ બેઠકોમાંથી માંડ એકાદ બેઠક પર તેમનો ઉમેદવાર જીતે.

કપરી પસંદગી

ઇંગ્લેન્ડની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, જૂથ એવાં પડવાં જોઇએ કે એકતરફ સ્કૉટલેન્ડ-વેલ્શ-ઉત્તર આયર્લેન્ડ અને બીજી તરફ ઇંગ્લેન્ડ. એને બદલે થયું છે એવું કે એક તરફ સ્કોટલેન્ડ છે અને બીજી તરફ બાકીના ત્રણે પ્રદેશ. કારણ? રાજકારણ.

અંગ્રેજોની ભાગલાવાદી નીતિ અંગે ટીપ્પણી કરતાં સરદાર પટેલે એક વાર એ મતલબનું કહ્યું હતું કે મને થોડા દિવસ માટે બ્રિટનનું રાજ આપવામાં આવે તો હું ઇંગ્લેન્ડ- સ્કૉટલેન્ડ- વેલ્શ- આયર્લેન્ડને એવાં લડાવી મારું કે એ કદી ઊંચાં ન આવે. પરંતુ એવા કોઇ બાહરી પ્રયાસ વિના સ્કૉટલેન્ડ અને બ્રિટન વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. સ્કૉટલેન્ડના લોકોના મનમાં આગવી ઓળખના અને રૂઢિચુસ્ત બ્રિટનથી સ્વતંત્ર થઇને પોતાની રીતે પોતાના પ્રદેશનું રાજ ચલાવવાના ખ્યાલ જોર પકડી રહ્યા હતા.

ઘણીખરી બાબતોમાં સર્વોપરિતા ભોગવતી  બ્રિટનની સંસદે ૧૯૯૯માં સ્કૉલેન્ડની ધારાસભાને કેટલીક વઘુ બાબતોમાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની સત્તા આપી. બ્રિટનની ગણતરી એવી હતી કે આ રીતે સ્કૉટલેન્ડના લોકોેનો અસંતોષ હળવો બનશે અને અલગાવ પ્રેરનારી બેચેની ઘટશે. પરંતુ બન્યું એનાથી ઉલટું. જેમ સ્કોટલેન્ડની ધારાસભાને વઘુ છૂટછાટ મળતી ગઇ, તેમ બ્રિટનના રૂઢિચુસ્ત રાજકારણ પ્રત્યે સ્કૉટલેન્ડના ઉદાર મતવાદીઓનો અસંતોષ વધતો ગયો. બધા ઉદાર મતવાદીઓ બ્રિટનથી છેડો ફાડી નાખવાના મતના ન હતા. છતાં, રાષ્ટ્રિય સ્તરના ત્રણ પક્ષને બદલે સ્કૉટલેન્ડના અલગ અસ્તિત્ત્વની હિમાયત કરનાર સ્કૉટિશ નેશનલ પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું હતું. વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં લીબરલ ડેમોક્રેટિક પક્ષ અને મજૂર પક્ષને બદલે, અલગતાની વાત કરતી સ્કૉટિશ નેશનલ પાર્ટીએ ચૂંટણીમાં ફતેહ મેળવી. ત્યારથી અલગ સ્કૉટલેન્ડના મુદ્દે લોકમતની માગણી જોર પકડી રહી હતી.

ત્રણ વર્ષની મથામણો પછી ગયા સપ્તાહે લોકમત લેવાયો. ત્યાર પહેલાં થતા ઓપનિયન પોલમાં બન્ને પક્ષોનું પલ્લું સરભર દેખાતું હતું અને પાતળા તફાવતથી હારજીત થશે એવું લાગતું હતું. સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતાઓ અને શૉન કૉનરી (જેમ્સ બૉન્ડ પહેલો) જેવી પ્રખ્યાત સ્કૉટિશ હસ્તીઓએ અલગ સ્કૉટલેન્ડની તરફેણમાં પ્રચાર કર્યો, જ્યારે હેરી પૉટર સિરીઝનાં સ્કૉટિશ લેખિકા જે.કે.રોલિંગ અને પ્રખ્યાત ફૂટબોલ સ્ટાર ડેવિડ બૅકહમ સહિતના લોકોએ અખંડ બ્રિટનની હિમાયત કરી. બન્ને પક્ષો પાસે પોતપોતાની દલીલો હતી, પરંતુ સુખદ નવાઇ લાગે એવી વાત એ હતી કે બન્નેમાંથી કોઇ પક્ષે આ અતિસંવેદનશીલ મુદ્દાને ‘દેશપ્રેમ વિરુદ્ધ દેશદ્રોહ’નો મુદ્દો ન બનાવ્યો. બ્રિટનના ત્રણે મુખ્ય પક્ષોએ અને વડાપ્રધાને પણ સ્કૉટિશ લોકોને અપીલ કરી, વઘુ સ્વાયત્તતા માટેનાં વચન આપ્યાં, પણ એનાથી વધારે બીજું કંઇ નહીં. જોવાની વાત એ પણ સ્કૉટલેન્ડ છૂટું પડે તો તેની સીધી અસર બ્રિટન પર થાય એમ હતી. છતાં, આ મુદ્દે ‘હા’ કે ‘ના’નો મત ફક્ત સ્કૉટિશ લોકોએ જ આપવાનો હતો અને બાકીના બ્રિટને તે નતમસ્તકે સ્વીકારી લેવાનો હતો.

ઉગ્ર ભાષણબાજી જરૂર થઇ, પણ તેમાં હિંસકતા ન હતી. ઉશ્કેરણી ન હતી. સમજાવટ અને સંવેદનાને સંકોરવાના પ્રયાસ હતા.  સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા ઍલેક્સ સૅલમન્ડ કહેતા હતા કે બ્રિટનથી અલગ થયા પછી સ્કૉટલેન્ડ પાઉન્ડનું ચલણ ચાલુ રાખશે, યુરોપીઅન યુનિઅનનું સભ્યરાષ્ટ્ર બની જશે, બ્રિટન સાથે મુક્ત સરહદો રાખશે અને વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં વીસમા નંબરે આવી જશે.  ઉત્તરી સમુદ્રમાં રહેલા ઑઇલના ભંડાર આર્થિક બાબતોમાં સ્કૉટલેન્ડની મુસ્તાકીનું એક કારણ છે. પરંતુ એ બાબતે બે મુખ્ય દલીલો હતી : ૧) ઑઇલ સ્કૉટલેન્ડમાં ખરું, પણ તેને કાઢવાની કડાકૂટ અને ખર્ચ બ્રિટને કર્યો છે. ૨) ઑઇલનો પુરવઠો ઝડપભેર ઘટી રહ્યો છે.

જે.કે.રોલિંગ જેવાં સ્કોટિશ લેખિકાએ અખંડ બ્રિટનને ટેકો આપતો ખુલ્લો પત્ર લખ્યો. તેમના જેવા ઘણાની દલીલ એ હતી કે અખંડ બ્રિટનના ભાગ તરીકે રહેવામાં સ્કૉટલેન્ડની ભલાઇ છે. તેનાથી અલગ થયા પછી પોતાનું ફોડી લેવા જેટલી સ્કૉટલેન્ડની ક્ષમતા છે કે નહીં, એ વિશે તેમને શંકા હતી. બલ્કે ઘણી હદે ખાતરી હતી કે સ્કૉટલેન્ડને બહુ અઘરું પડશે. મુદ્દો પાઉન્ડનું ચલણ ચાલુ રાખવાનો હોય કે પછી યુરોપીઅન યુનિઅનમાં સમાવેશનો, આ બન્ને બાબતોનો નિર્ણય સ્કૉટલેન્ડના હાથમાં નહીં હોય. ઉલટું, બ્રિટનમાંથી ભૌગોલિક રીતે- જરા અતિશયોક્તિ કરીને કહીએ તો- બ્રિટનનું અંગછેદન કરીને, અલગ પડેલા સ્કૉટલેન્ડ માટે બ્રિટનના લોકોને સદ્‌ભાવ નહીં રહે. એટલે સદ્‌ભાવ ન ધરાવતા પાડોશીઓ વચ્ચે સ્કૉટલેન્ડને રહેવાનું આવશે.

પસંદગી અઘરી હતી : એક તરફ આઝાદ થવાની વર્ષોજૂની ઝંખના અને નેતાઓ દ્વારા બતાવાતી ગુલાબી સંભાવનાઓ, બીજી તરફ સ્વતંત્ર થયા પછીની કઠણાઇઓનું ચિત્ર. છેવટે, ઓપિનિયન પોલની ધારણાઓ ખોટી પાડીને અખંડ બ્રિટનના પક્ષનો વિજય થયો. સ્કૉટલેન્ડના ૫૪ ટકા લોકોએ બ્રિટનની સાથે રહેવાનું પસંદ કર્યું છે. જોકે, ૪૬ ટકા જેટલા મોટા પ્રમાણમાં સ્કૉટિશ લોકો અલગ સ્કૉટલેન્ડ ઇચ્છે છે, એ અહેસાસ અલગ સ્કૉટલેન્ડ માગનારા લોકો માટે આશ્વાસનકારી છે. લોકમતનાં પરિણામ સ્વીકાર્યા પછી સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા સૅલમન્ડે ભવિષ્યમાં લોકમતની માગણીનાં બારણાં ખુલ્લાં રાખ્યાં છે.

આખેઆખો એક પ્રદેશ દેશથી છૂટો પડે કે નહીં, એવા અત્યંત જ્વલનશીલ મુદ્દે બ્રિટિશ પ્રજાએ એકંદરે જે સભ્યતાથી કામ લીઘું છે તે ભારે સુખદ છે. સાથોસાથ એ પણ નક્કી છે કે સ્કૉટલેન્ડ માટે આ લોકમતમાં બન્ને હાથમાં લાડુ હતા : જીતે તો સારું. ન જીતે તો વધારે સારું. જીતે તો અલગ અસ્તિત્ત્વ - અને તેની સાથે આવતી માથાકૂટો- મળે. હારે તો બ્રિટન જેવા મોટા દેશના હિસ્સા તરીકેનો મોભો જતો કર્યા વિના, આંતરિક રીતે વઘુ ને વઘુ સ્વાયત્તતા મળે.

સ્કૉટલેન્ડ જીત્યું હોત તો બ્રિટન માટે કઠણ પરિસ્થિતિ સર્જાત. સ્કૉટલેન્ડના ઑઇલ ભંડાર અને કાંઠે રહેલી બ્રિટિશ અણુસબમરીનોથી માંડીને સ્કૉટલેન્ડમાં રહેલા અનેક બ્રિટિશ વ્યાપારગૃહોના પ્રશ્નો આવત. તેમણે કદાચ સ્કૉટલેન્ડ છોડ્યું હોત. બ્રિટને પણ સ્કૉટલેન્ડમાં આર્થિક મદદ કે રોકાણો બંધ કર્યાં હોત. દુનિયાના વઘુ એક ભાગમાં તનાવને સત્તાવાર સ્વરૂપ મળ્યું હોત અને વિશ્વવ્યાપી ઉચાટમાં નાના પાયે વધારો થયો હોત.

Monday, September 22, 2014

છ દાયકા પહેલાં રવિશંકર મહારાજની ચીન-યાત્રા

પેકિંગ (હાલના બેજિંગ)માં ૧૯૫૨માં યોજાયેલી શાંતિ પરિષદમાં ભાગ લેવા અને એ બહાને ચીનની સાંસ્કૃતિક મુલાકાત લેવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળ ચીન ગયું હતું. તેમાં ઉમાશંકર જોશી અને યશવંત શુક્લ જેવા ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત સાદગી-સેવાના અવતાર સમા રવિશંકર મહારાજ પણ જોડાયા હતા. કેવો હતો તેમનો સામ્યવાદી ચીનનો અનુભવ?

ravishankar maharaj / રવિશંકર મહારાજ

સૌથી પહેલાં એક સ્પષ્ટતા : અહીં જે રવિશંકર મહારાજની વાત છે તે ‘આર્ટ ઑફ લિવિંગ’વાળા (શ્રીશ્રી રવિશંકર) કે સિતારવાદક (પંડિત રવિશંકર) કે અમદાવાદમાં જેમના નામે આર્ટ ગેલેરી છે તે (કળાગુરુ રવિશંકર રાવળ) નહીં, પણ પ્રખર ગાંધીવાદી લોકસેવક. ગુજરાતમાં આવું લખતાં ખટકો તો લાગે, પણ વાસ્તવિકતા અને ગુજરાતીઓની વિસ્મરણશક્તિ ઘ્યાનમાં રાખતાં આટલી ચોખવટ જરૂરી હતી. થોડીઘણી સારી યાદદાસ્ત ધરાવતા ગુજરાતીઓ રવિશંકર મહારાજને ૧૯૬૦માં ગુજરાત રાજ્યના આરંભે આશીર્વાદ પ્રવચન કરનાર તરીકે ઓળખે છે.  ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઇના દીવા’માં ‘ગાંધીટોળીના બહારવટિયા’ રવિશંકર મહારાજનું એક મહત્ત્વનું જીવનકાર્ય (બહારવટિયાઓની સુધારણા) આલેખ્યું છે. દરેક ગુજરાતી માટે વાંચવું ફરજિયાત ગણાય એવું એ પુસ્તક છે. છતાં  એના નાયક રવિશંકર મહારાજ ગુજરાતમાં જ ભૂલાઇ જાય એ (ગુજરાત માટે નવી નહીં એવી) કરુણતા છે.

નિર્ભાર સાદગી અને સેવાની ગાંધીપરંપરાનાં જૂજ નામોમાં સ્થાન ધરાવતા રવિશંકર મહારાજ ચીન જઇને શું કરવાના? એવો પ્રશ્ન  એ વખતે -૧૯૫૨માં પણ- ઘણા લોકોને થયો હતો. ‘સમૂળી ક્રાંતિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળાએ મહારાજને એક પત્રમાં લખ્યું હતું, ‘...આપના ચીન જવાની બાબત છાપામાં વાંચી હતી ખરી. પણ સાચે જ મેં એને વજન નહોતું આપ્યું. પણ એ તો સાચી નીકળી...બાપડા ચીનાઓ તમારે માટે વિવિધ જીવજંતુઓના અને પ્રાણીઓનાં સરસ શાકભાજી, ચટણી, મુરબ્બા તૈયાર કરશે, ખેતરમાંથી ચાના લીલા પાંદડા તોડીને ચાનું પાણી ઉકાળી આપે, અને તમે મહેમાનો ઊલટી કરવા મંડશો ત્યારે તમને શું ખવડાવવું તેના જ વિચારમાં મૂંઝાઇ જશે. ચીનમાં દરિદ્રતાનું પૂરું દર્શન થઇ શકે એવા ભાગોમાં ખરું પૂછતાં પહોંચવાની જરૂર છે. પણ ત્યાં પહોંચી શકશો કે કેમ એ શંકા છે. ..ભાઇ માવળંકરે જેક બેલ્ડનનું ચીન વિષેનું પુસ્તક (ચાઇના શેક્સ ધ વર્લ્ડ) વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો એ વાંચી જાય અને ત્યાંની દરિદ્રતાથી અને સમાજસ્થિતિનાં એમાં જે વર્ણનો છે તેથી થોડા પહેલેથી આપને પરિચિત કરી દે તો સારું થશે. એ વર્ણનોમાં અતિશયોક્તિ કેટલી અને સચ્ચાઇ કેટલી છે તે જાણવાની જરૂર છે.’ (૫-૯-૧૯૫૨)

‘જન્મભૂમિ’ દૈનિકના પ્રતિનિધિએ મુંબઇમાં મહારાજની મુલાકાત લીધી ત્યારે મહારાજે તેમને કહ્યું હતું, ‘હું ત્યાં જઇ શું મેળવી શકીશ, શું કરીશ તે કંઇ જાણતો નથી. અંદરથી ધક્કો લાગ્યો છે તેથી જાઉં છું. જો મને શીખવાનું-જાણવાનું મળતું હોય તો સામ્યવાદીઓ શું, ગમે તેની વચ્ચે જવા તૈયાર છું. મારી આંખે જે જોઇશ ને સમજશક્તિથી જે સમજીશ તે લઇ આવીશ. ચીન સામ્યવાદી છે એટલા જ ખાતર ન જવું એ યોગ્ય નથી...મારે ખાસ કરીને ગામડાં જોવાં છે. જ્યાં નહેરો થઇ છે તે વિસ્તારમાં સ્વતંત્ર રીતે ફરવું છે. અત્યંત પછાત ગણાતા પ્રદેશમાં જવું છે અને એક સામાન્ય વિભાગ પસંદ કરવો છે. મારે જોવું છે કે ચીન ખરેખર સમૃદ્ધ છે કે નહિ. જો છે તો તે સમૃદ્ધિ એમણે કેવી રીતે પેદા કરી તે જાણવું છે. લાખો માણસો સ્વેચ્છાએ અંતરની ઊર્મિથી જ કામ કરે છે, પરિશ્રમ કરવાનો તેમનો સ્વભાવ છે કે નવું જોમ પેદા થયું છે, બદલારૂપે એમને શું મળે છે વગેરે જાણવું છે...’

‘ભાષાનું શું કરશો એવી પૃચ્છાના જવાબમાં મહારાજે કહ્યું હતું, ‘ભાઇ ઉમાશંકર (જોશી) અને યશવંત (શુક્લ) મારી સાથે છે. બઘું ગોઠવી આપશે.’ (મુલાકાત તા. ૧૭-૯-૧૯૫૨)

જીવનના પહેલા વિદેશપ્રવાસમાં મહારાજે સામાન શો લીધો હતો? રેંટિયો, પૂણીઓ, એક ગરમ ધાબળો, બે અંગરખા, એક ટુવાલ, જે નાહીને શરીર લૂછવામાં અને રાત્રે પાથરવામાં પણ કામ લાગે, બે થેલી, એક લોટો અને એ બીસ્તર ઝોળી દોરીથી બાંધવાની. આ ઝોળીમાં બધો સામાન આવી જાય. ચીનની ઠંડીમાં તેમણે ગરમ બંડી અને કામળીથી જ ચલાવ્યું. દેશમાં પણ ઉઘાડા પગે ફરવાની રીત ચીનમાં પણ તેમણે ચાલુ રાખી. ક્યાંક જરૂર પડે ત્યારે લાકડાની પાવડી પહેરતા.  નિયમિત રેંટિયો કાંતતા, જે તેમણે પેકિંગની પરિષદ પછી શાંતિના પ્રતીક તરીકે ભેટમાં આપ્યો. ચીનમાં તેમણે કશી ખરીદી કરી નહીં. રોકડ ભેટો જે મળી, તે ત્યાં જ આપી દીધી.

Ravishankar Maharaj in Peking Peace Conference, 1952
 / રવિશંકર મહારાજ પેકિંગની શાંતિપરિષદમાં

એશિયા-પેસિફિકના દેશોની શાંતિ પરિષદમાં મહારાજે તેમના પ્રવચનમાં ગાંધીજીને યાદ કરીને કહ્યું, ‘ગાંધીજીના વિચાર અને આચારના કેન્દ્રમાં શાંતિ જ હતી. ખોટા દેશાભિમાન કે સંકુચિત રાષ્ટ્રવાદથી એમણે ક્યારે પણ પોતાના ઘ્યેયને દૂષિત થવા દીઘું નથી. એ કહેતા કે દુનિયાની બધીયે વસ્તુઓ સમાજની સહિયારી છે, અને માણસજાતે એની ન્યાયી વહેંચણી કરીને એ ભોગવવાની છે. મૂઠીભર માણસોનો કે એકાદ રાષ્ટ્રનો એના પર ઇજારો ન હોવો જોઇએ.’ તેમની સાથે રહેલા ઉમાશંકર જોશીએ પોતાના પુસ્તક ‘ચીનમાં ૫૪ દિવસ’માં નોંઘ્યું છે કે ‘(મહારાજનું) ભાષણ બહુ માનપૂર્વક સંભળાયું હતું અને એ દિવસોમાં ભાષણ પૂરું થતાં ઊભા ન થવાની સૂચના હતી. છતાં આખું સભાગૃહ ઊભું થઇ ગયું હતું.’ (સ્ટેન્ડિંગ ઓવેશન)

Ravishankar Maharaj in a school in Shanghai /
શાંઘાઇના બાલમંદિરમાં રવિશંકર મહારાજ અને પ્રતિનિધિઓ

ચીનથી પાછા ફર્યા પછી ‘મારો ચીનનો પ્રવાસ’  પુસ્તકમાં મહારાજે ચીનનાં અઢળક વખાણ કર્યાં. ‘યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અને પ્રોફેસરોને મળ્યો. ત્યાં તેમની સાદાઇ અને દેશની ભાષા પ્રત્યેના પ્રેમનો મને અનુભવ થયો...ત્યાં મેં કોર્ટો જોઇ, પણ ધંધાદારી વકીલ ન જોયા. અને કેસનો નિકાલ વગર ખર્ચે તથા ઝડપથી થતો જોયો...ત્યાંની સભાઓ જોઇ અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યદિનનું છ લાખ માણસોનું સરઘસ પણ જોયું. એની શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જોઇને મને ખૂબ આનંદ થયો...હું ચીનનાં ગામડાંઓમાં ફર્યો, ખેડૂતોનાં ઘરોમાં રહ્યો, ત્યાંનાં ખેતરોમાં ધૂમ્યો...  મેં ન જોયાં કોઇ કામધંધા વગરના નવરા માણસો, નાગાં-ભૂખ્યાં માણસો કે ભિખારીઓ. મેં ગરીબાઇ જોઇ, પણ ભૂખમરો ન દીઠો. સૌ ખાધેપીધે સુખી માલૂમ પડ્યાં. ત્યાં ઘણી વસ્તુઓની તંગી જોઇ, પણ નિરાશા ન ભાળી...જેને ભાગે જે કામ આવ્યું તે સૌ કોઇ ઉત્સાહ અને આનંદથી કરતાં હતાં. કોઇના ઉપર કામ કે મજૂરી લદાઇ છે એમ ન જણાયું... છ મણ (કાચા) વજન કાવડમાં ઊંચકીને સહેલાઇથી ચાલતા ખેડૂતો અને મજૂરોનાં કાંડા-બાવડાની તાકાત જોઇ. મોટાં તોતિંગ યંત્રો સિવાય, જાતમહેનતથી, ૧૨૫ માઇલની નહેર એક વર્ષમાં દસ લાખ માણસોએ તૈયાર કરેલી મેં જોઇ. મેં ૫૦ હજાર માણસોને એકી સાથે નહેર પર કામ કરતાં જોયાં અને સંઘશક્તિ અને સંઘવ્યવસ્થાનાં મને દર્શન થયાં...ત્યાં મેં રેલગાડીમાં મુસાફરી કરી, પણ ન જોયાં ગીરદી કે ચઢતાં-ઊતરતાં થતો ધસારો કે ધક્કામુક્કી. ન જોયાં મેં વિના ટિકિટે મુસાફરી કરી ભીડ કરતાં માણસો.’

આ પ્રકારનું વર્ણન દેખીતી રીતે જ અહોભાવથી તરબોળ અને અવાસ્તવિક લાગે. પરંતુ ચીન વિશેની પોતાની દૃષ્ટિ સ્પષ્ટ કરતાં મહારાજે લખ્યું હતું,‘હું ચીનમાં ઉઘાડી આંખ અને ખુલ્લા કાન રાખીને ફર્યો. ત્યાં ઘણું ઘણું જોયું, પણ મેં નિર્ણય કર્યો હતો કે દોષ જોવા માટે ડોકિયું કરીને ન જોવું. તેથી મારા દેશને લાભ પણ શો? મારે તો જાણવું હતું કે કઇ રીતે તેઓએ તેમના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નોનો નિકાલ કર્યો હતો અને નિરાશાના વાતાવરણમાંથી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આથી વિના સંકોચે હું રોજિંદા જીવનના અનેક પ્રશ્નો પૂછતો- રાજકીય, સામાજિક અને આર્થિક. છતાં આટલા મોટા દેશમાં બે માસમાં જોવાય પણ કેટલું? વળી મેં જે જોયું અને મને જે સારું લાગ્યું તે બધાને કસોટીએ ચડાવી ખાતરી કરી નથી.’

ચીનયાત્રાનો તેમણે કાઢેલો અને તેમના ખપનો સાર આટલો હતો : ‘આ બઘું શી રીતે થયું? ત્યાં સરકાર, તંત્ર, પ્રજા અને આગેવાનો, બધા વચ્ચે સુમેળ છે અને બધા ભેગા મળીને પોતાના દેશને બેઠો કરવા પ્રયત્ન કરે છે...દેશની દૃષ્ટિએ જીવવાની ભાવના જોઇ. મને બહુ આનંદ થયો. એ આનંદ અને ઉત્સાહ સાથે મારા દેશમાં આવી ભાવના કેમ જાગે એના વિચારો કરતો હું ત્યાંથી પાછો ફર્યો.’

ચીની પ્રમુખની પાંચ કલાકની અમદાવાદ-મુલાકાત નિમિત્તે થયેલા કરોડોના છેતરામણા ભપકા વાતાવરણમાં છવાયેલા હોય, ત્યારે મહારાજ સરખા સાચકલા ગાંધીજનનું સ્મરણ કદાચ થોડાં પવિત્ર સ્પંદન જગાડે.

Wednesday, September 17, 2014

ઉપલી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંકમાં તટસ્થતા-પારદર્શકતા : ફક્ત હોવી નહીં, દેખાવી પણ જોઇએ

ભારતનો રાજકીય વર્ગ પોતાનાં પગાર-પેન્શન સિવાયના કોઇ મુદ્દે એકમતીથી નિર્ણય લે ત્યારે નવાઇ લાગે.

સામાન્ય સંજોગોમાં તો રાજકીય એકમતી આદર્શ ગણાય. કેમ કે, ‘ભારે મતભેદ ધરાવતા રાજકીય પક્ષો દેશહિતના અગત્યના મુદ્દે એક થઇ ગયા’ એવું માનવું ગમે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધા પક્ષે ભાગ્યે જ એકમત થાય છે. એ હિસાબે, નવી એનડીએ સરકારે રજૂ કરેલા બે ખરડા બન્ને ગૃહોમાં જે રીતે સડસડાટ પસાર થઇ ગયા, એ કંઇક ચિંતા સાથે ઘ્યાન ખેંચે એવી બાબત હતી.

એક ખરડો હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક માટેની ‘કોલેજિયમ પ્રથા’નો અંત આણીને, તેના સ્થાને ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ નીમવા અંગેનો, જ્યારે બીજો ખરડો બંધારણમાં તદ્‌નુરૂપ ફેરફાર કરવાનો હતો.

અમર્યાદ સત્તા

સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશોની એક બેન્ચના ચુકાદાથી ૧૯૯૩માં અમલમાં આવેલી ‘કોલેજિયમ સીસ્ટમ’નો ટૂંક સાર એટલો છે કે તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા વરિષ્ઠ ન્યાયાધીશો જ હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને તેમની બદલીઓ કરી શકે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કે વડાપ્રધાન સુદ્ધાંનું કશું ચાલે નહીં અને કશું ઉપજે પણ નહીં. ટૂંકમાં, લોકતંત્રના ત્રણ પાયામાંથી એક પાયો - ન્યાયતંત્ર- બાકીના બે (એક્ઝિક્યુટીવ-વહીવટી તંત્ર અને લેજિસ્લેચર- ગૃહો)થી સંપૂર્ણપણે સ્વતંત્ર થઇ જાય.

કોલેજિયમ પ્રથા દાખલ કરવા પાછળનો આશય તો સારો હતો : ન્યાયતંત્રમાં નેતાઓની કશી દખલગીરી ન રહે. પરંતુ તેના કેટલાક ગંભીર પ્રશ્નો પણ હતા. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન બંધારણીય જોગવાઇનો હતો. બંધારણમાં લોકશાહીના ત્રણે પાયાને એકબીજાથી સ્વતંત્ર છતાં કોઇ એકની સત્તા અમર્યાદ ન થઇ જાય એ રીતે મૂકવામાં આવ્યા છે. તેની જોગવાઇ પ્રમાણે (કટોકટીના અપવાદને બાદ કરતાં) ૧૯૯૩ સુધી સરકાર અને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને જાણ કરીને ન્યાયાધીશોની નિમણૂંક કરતાં હતાં. અલબત્ત, તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા મર્યાદિત હતી. અસામાન્ય સંજોગો સિવાય તે નિમણૂંકમાં માથું ન મારી શકે- પોતાનું ધાર્યું કરાવવાનો તો સવાલ જ નહીં.

આ પદ્ધતિ લાંબા સમય સુધી અને એકંદરે અસરકારક રીતે ચાલી. દેશને કેટલાક ઉત્તમ ન્યાયાધીશો આ પદ્ધતિથી મળ્યા. જોકે, તેમાં આ પદ્ધતિ કરતાં પણ વધારે જશ તે સમયના રાજકર્તાઓને અને ઊંચી નિષ્ઠા ધરાવતા ન્યાયાધીશોને આપવો રહ્યો. કોલેજિયમ પ્રથાના ચુકાદા પછી બંધારણીય જોગવાઇનું શીર્ષાસન થઇ ગયું. ૧૯૯૩માં આવેલા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકો-બદલીઓની સત્તા આપવામાં આવી. તેમની સાથે સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશ ખરા. છતાં,  મુખ્ય ન્યાયાધીશનો ચુકાદો આખરી. ૧૯૯૮માં ‘પ્રેસિડેન્શ્યલ રેફરન્સ’- (કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતને કરેલી સત્તાવાર પૃચ્છા) પછી, મુખ્ય ન્યાયાધીશ પાસેની એકહથ્થુ સત્તા લઇને, તે કોલેજિયમને આપવામાં આવી. કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના બીજા ચાર સૌથી સિનિયર ન્યાયાધીશ હોય.

કોલેજિયમ પ્રથા બંધારણના હાર્દ કરતાં વિપરીત હતી, પણ રાષ્ટ્રપતિએ તેને સ્વીકારી લીધી અને સરકારોએ આ બાબતે અદાલતો સાથે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું. પરંતુ થોડાં વર્ષોમાં કોલેજિયમ પ્રથાની મર્યાદાઓ દેખાવા લાગી. સૌથી મોટો સવાલ ન્યાયાધીશોની નિમણૂંકમાં પારદર્શકતાના અભાવનો અને એ બાબતમાં ન્યાયતંત્રને મળેલી અમર્યાદ સત્તાનો હતો. ભારતીય બંધારણના હાર્દ પ્રમાણે, લોકશાહીના ત્રણમાંથી એક પાયાને સત્તા મળે તો એ બેફામ ન થઇ જાય, એટલે તેની છેવટની લગામ બીજા પાયા પાસે હોય. પરંતુ ન્યાયતંત્રની નિમણૂંકોની બાબતમાં કોલેજિયમનું કામકાજ રજવાડા જેવું હોવાના આરોપ થયા.ગયું. તેને કોઇ કહેનાર નહીં અને કહે તો એ સાંભળવા બંધાયેલું નહીં. કયા ન્યાયાધીશની નિમણૂંક થઇ અને કોની કેમ ન થઇ, એવા સવાલના જવાબ કદી મળે નહીં. પારદર્શકતાનું નામ નહીં. બસ, કોલેજિયમે ફેંસલો લીધો એટલે ફાઇનલ.

સુપ્રીમ કોર્ટ ઉપરાંત દેશભરની હાઇ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને બદલીઓની સત્તા તો મળી, પણ તેની સાથે સંકળાયેલું વહીવટી કામ કેટલું વધી જાય? એ સંભાળવા જેટલી વહીવટી ક્ષમતા કોલેજિયમ પાસે હતી નહીં. અમસ્તી પણ ભારતના ન્યાયતંત્રમાં ખાલી રહેતી જગ્યાઓનો પ્રશ્ન ગંભીર છે. તેમાં એ કામમાંથી સરકાર સાવ નીકળી જાય અને પાંખી વહીવટી ક્ષમતા ધરાવતું કોલેજિયમ સર્વેસર્વા બને, એટલે ઘણા પ્રશ્નો ઊભા થાય.

એ બઘું જ થયું. કેટલાક વિવાદાસ્પદ ન્યાયાધીશોને બઢતી મળી અને તેના પરિણામે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને વેઠવું પડ્યું. ૧૯૯૩ના ચુકાદાના એક ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.વર્માએ આગળ જતાં કોલેજિયમ પદ્ધતિની મર્યાદાઓ સ્વીકારી. તેમણે કહ્યું, ‘મારા ૧૯૯૩ના ચુકાદા વિશે ઘણી ગેરસમજણો થઇ અને તેનો દુરુપયોગ પણ થયો...મારા ચુકાદામાં (તો) કહેવાયું છે કે ન્યાયાધીશોની નિમણૂંક પ્રક્રિયા એ એક્ઝિક્યુટીવ અને જ્યુડિશ્યરી એ બન્નેની સહિયારી સામેલગીરી ધરાવતી કવાયત છે.’ બીજા ઘણા ન્યાયાધીશો  અને સંસ્થાઓ વખતોવખત કોલેજિયમ પદ્ધતિની બંધારણ સાથેની અસંગતતા ચીંધતા રહ્યા છે.

દાનતનો સવાલ

યુપીએ સરકાર કોલેજિયમ પદ્ધતિ દૂર કરવા ઇચ્છતી હતી અને એ માટે સંસદમાં ખરડો લાવવા ઇચ્છતી હતી. વર્ષ ૨૦૧૦માં કોલેજિયમ પ્રથા સામે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી થઇ ત્યારે સર્વોચ્ચ અદાલતના એમિકસ ક્યુરી (મિત્રવત્‌ સલાહકાર)ની ભૂમિકામાં રહેલા જસ્ટિસ એ.કે.ગાંગુલીએ પણ ૧૯૯૩ના ચુકાદા અંગે ફેરવિચારનું સૂચન કર્યું હતું. તત્કાલીન એટર્ની જનરલ જી.ઇ.વહાણવટીએ ગાંગુલીના મતને સરકારી રાહે સમર્થન આપ્યું હતું. તત્કાલીન કાયદામંત્રી કપિલ સિબ્બલે કોલેજિયમ પ્રથાને ફગાવી દેતો ખરડો લાવવાની વાત કરી હતી, પરંતુ સંભવતઃ સભ્યસંખ્યા અને મક્કમતાના અભાવે એ શક્ય બન્યું નહીં.

નવી રચાયેલી એનડીએ સરકાર એ ખરડો લાવી અને પસાર પણ કરી દીધો, ત્યારે કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો. અલબત્ત, તેમનો વિરોધ કોલેજિયમની નાબૂદી સામે નહીં, પણ નવા રચાયેલા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ની કેટલીક જોગવાઇઓ સામે છે.  સોલી સોરાબજી જેવા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પણ નવા રચાનારા કમિશનની કામગીરીની કેટલીક શરતો સામે વાંધો પાડ્યો છે. તેમને લાગે છે કે નવા કમિશનના માળખામાં રખાયેલી કેટલીક જોગવાઇઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારનારી છે.

ન્યાયાધીશોની નિમણૂંક માટે ન્યાયતંત્ર, સરકાર અને બહારના  માણસોનું બનેલું કમિશન હોય, એ પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે. બલ્કે, કેટલાક દેશોમાં (ભારતમાં અગાઉ હતું તેમ) ન્યાયતંત્રની નિમણૂંકો સરકાર દ્વારા જ થાય છે. એટલે નવા રચાનારા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ સામે તત્ત્વતઃ વાંધો પડવાનું કોઇ કારણ ન હોય.

આ કમિશનમાં છ સભ્યો છે : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, કાયદામંત્રી અને બે અન્ય મહાનુભાવો. આ બે મહાનુભાવોની નિમણૂંક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષી નેતા (કે સૌથી વઘુ બેઠકો ધરાવતા વિપક્ષના નેતા) અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. આમ છ સભ્યોની નિમણૂંકમાં પણ સરકારનો હાથ ઉપર હોય એવું પહેલી નજરે ક્યાંય જણાતું નથી. પરંતુ ગરબડવાળી એક જોગવાઇ એવી છે કે સમિતિના છમાંથી કોઇ પણ બે સભ્યો જો કોઇ પણ સૂચિત નામ સામે વાંધો પાડે, તો એ ન્યાયાધીશની નિમણૂંક થઇ શકે નહીં. એટલે કે, કોઇ પણ નામ સામે સમિતિના બે સભ્યો ભેગા થઇને ‘વીટો’ વાપરી શકે.

ગોપાલ સુબ્રમણ્યમ્‌ની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંકને મામલે વર્તમાન સરકારે જેવું નકારાત્મક વલણ અપનાવ્યું, એ જોતાં પોતાનાં રાજકીય હિતોને ભૂતકાળમાં ક્યારેક નડ્યા હોય એવા કોઇ પણ તટસ્થ ન્યાયાધીશનું નામ ‘વીટો’થી ઉડી જઇ શકે. આ આશંકા સૌથી ગંભીર અને ન્યાયતંત્રની તટસ્થતા સામે જોખમ ઊભું કરનારી હોઇ શકે છે. ભવિષ્યમાં બઢતી ઇચ્છનાર ન્યાયાધીશ રાજકારણીઓ સામે કડકાઇભર્યા ન્યાયી ચુકાદા આપતાં અચકાય, એવી આબોહવાનું નિર્માણ ‘વીટો’ની જોગવાઇથી થઇ શકે.

વળતી દલીલ કરનારા કહે છે કે જેમ સરકારી પ્રતિનિધિ ‘વીટો’ વાપરી શકે, તેમ ન્યાયતંત્રના પ્રતિનિધિઓ પણ સરકારે સૂચવેલાં નામ માટે ‘વીટો’ વાપરી શકે છે. આ દલીલ સાચી છે, પણ સરકારી ‘વીટો’ને કારણે થયેલા અન્યાયનું તેનાથી નિવારણ થતું નથી. ઇચ્છનીય એ છે કે ‘વીટો’ વાપરનારાને એ માટેનું કારણ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે. એટલે કે કમિશનના સભ્યોને કોઇ ન્યાયાધીશના નામ સામે વાંધો હોય તો એ વાંધાનાં વિગતવાર કારણ માત્ર કમિશન સમક્ષ જ નહીં, નાગરિકો સમક્ષ પણ રજૂ કરવામાં આવે.

આ જોગવાઇ ઉમેરાય તો પણ, છેવટનો આધાર તો અમલકર્તાઓની દાનત પર રહે છે. ખોટું કરવાની પ્રાથમિક શરમ જ જતી રહી હોય અને ખોટું થતું જોવાની- તેનો વિરોધ કરવાની નાગરિકોની મૂળભૂત શક્તિ જ હણાઇ ગઇ હોય, તો પછી કોલેજિયમ હોય કે જ્યુડિશ્યલ કમિશન, કશો ફરક પડવાનો નથી. 

Sunday, September 14, 2014

ગણેશજી સાથે સંવાદ-વિખવાદ


બિચારા ગણેશજી. તેમની ખબર કાઢવા માટે ક્યાં જવું, એ વિચાર ચાલતો હતો, ત્યાં જ ખુદ ગણેશજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં. લખનારાને દર્શનથી સંતોષ ન થાય. ઇન્ટરવ્યુ જોઇએ. ગણેશજીએ કહ્યું, ‘તથાસ્તુ’. એટલે આ ઇન્ટરવ્યુ.

સવાલ : નમસ્કાર, પ્રભુ.

ગણેશજી : શું કહ્યું?

સ : તમે કાનમાંથી આ ભૂંગળાં કાઢો તો કંઇક કહું ને.

(ગણેશજી કાનમાંથી ઇઅરપ્લગ દૂર કરે છે.)

ગણેશજી : હાશ...હવે બોલ.

સ : તમને આવા બધા ભૂંગળાંના શોખ ક્યાં જાગ્યા? માણસની સોબતમાં રહીને?

ગણેશજી : તું આને શોખ કહે છે? આ તો મજબૂરી છે, મજબૂરી.

સ : મજબૂરી શાની? ભવ્ય મજબૂરી કહો. તમારા નામનો જયજયકાર તો હજુ કાનમાં ગુંજે છે.

ગણેશજી : આ બધા મસકા રહેવા દે. એ ફક્ત મારા નામનો જયજયકાર જ હતો? અને એ ફક્ત ગુંજે જ છે?

સ : હું સમજ્યો નહીં.

ગણેશજી : હું એમ પૂછું છું કે તે ફક્ત મારા નામનો જયજયકાર જ સાંભળ્યો? એ સિવાય રોજ રાતે સ્પીકરો પર વાગતાં ફિલ્મી ગણેશગીતો, સ્યુડો-ભક્તિગીતો, ગરબા અને તમામ પ્રકારનાં ફિલ્મી ગીતો- આ બઘું મારા મંડપમાં વાગતું કચરપચર તને સાંભળવા ન મળ્યું? એ બઘું તે ન સાંભળ્યું હોય તો તું નક્કી ગુજરાતબહાર હોવો જોઇએ...

સ : ના, એટલે કે હા, એટલે કે એ બઘું તો સાંભળ્યું પણ...

ગણેશજી : એ બઘું સાંભળ્યું હોય તો એ ફક્ત તારા કાનમાં ગુંજે છે? અરે, અહીં મારા કાનના પડદા ધ્રુજી ગયા.  મારા નહીં, મારા મંડપની આજુબાજુ રહેનારા અને ત્યાંથી પસાર થનારા, એ બધાના કાનમાં ગુંજ નહીં, ધાક પડી ગઇ હશે...ઇઅરપ્લગ મેં કંઇ શોખના કે ફેશનના નથી લગાડ્યા, પડી સમજ?

સ : પણ એમાં આમ બૂમો શા માટે પાડો છો, પ્રભુ? હવે તો એ ઘોંઘાટ બંધ થયો છે.

ગણેશજી : પણ એના કારણે મને ઊંચા સાદે બોલવાની ટેવ પડી ગઇ એનું શું? બહેરો કરી નાખ્યો મને...અને પાછા કહે છે કે ‘તમારી ભક્તિ કરીએ છીએ.’ મન તો એવું થાય છે કે એ બધાને...

સ : શાંત, પ્રભુ, શાંત. ભક્ત છાકટો થાય, પણ ભગવાનથી આમ મગજ ન ગુમાવાય.

ગણેશજી : એ તો તું આવીને એક વાર મંડપમાં મારી જગ્યાએ બેસે તો ખબર પડે. તારી બધી ‘યુનો’ગીરી અવળી નીકળી જાય.

સ : પ્રભુ, તમે ખરેખર અપસેટ લાગો છો.

ગણેશજી : તો અત્યાર સુધી તને એમ લાગતું હતું કે હું એક્ટિંગ કરું છું?   તું પણ મને સિરીઅસલી લેતો નથી અને મારા ભક્તો તો મને જરાય સિરીઅસલી લેતા નથી.

સ : એવું ન કહો, પ્રભુ. બીજા કયા ભગવાનને એ લોકો આ રીતે ધામઘૂમથી ઘરમાં લાવીને બેસાડે છે?

ગણેશજી : અને બીજા કયા ભગવાનનું આટલા ટાઢા કલેજે દરિયામાં વિસર્જન કરી નાખે છે?

સ : પ્રભુ, તમે તો બૌદ્ધિકો જેવી દલીલો કરો છો...સેક્યુલર છો?

ગણેશજી : હું ગુજરાતી નથી. એટલે ‘બૌદ્ધિક’ કે ‘સેક્યુલર’ શબ્દો સાંભળીને ભડકી નહીં જઉં. હું ચિંતાજનક ચિંતક પણ નથી, એટલે ‘સેક્યુલર’ શબ્દ સાંભળીને એલફેલ લવારી પર નહીં ઉતરી પડું. પણ તું  મારી મુદ્દાની વાતના જવાબ આપ.

સ : પ્રભુ, ભાવ અગત્યનો છે. તમારું વિસર્જન કરતી વખતે કોઇ એવું નથી કહેતું કે ‘હાશ, બલા ટળી.’ લોકો કેટલા ભાવથી કહે છે કે આવતા વર્ષે જલ્દી પાછા આવજો.

ગણેશજી : કેમ? હું તો કંઇ તમારો ધારાસભ્ય છું કે વર્ષે વર્ષે જ આવું? એવું હોય તો મારું પણ દર પાંચ વર્ષે જ કરી નાખો...

સ : એટલે પ્રભુ, તમે વાંધો પાડવાનું નક્કી જ કરી લીઘું છે?

ગણેશજી : વાંધો શાનો? પણ આ તો તું શાણો થાય છે એટલે કહું છું...મારા ભક્તો ખરેખર મારી ભક્તિ કરતા હોત તો એ મારા નામે આવું બઘું કરતા  હોત?

સ : કેવું બઘું? તમારા વરઘોડામાં દારૂ ન પીવાય એ તમારી વાત સાચી. થમ્સ અપની બોટલમાં ભરીને પણ ન પીવાય, એ પણ સાચું. ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે તો ખાસ ન પીવાય, એ હું કબૂલું છું. પણ મોટા ભાગના લોકો દારૂના નહીં, તમારી ભક્તિના નશામાં...

ગણેશજી : ‘...છાકટાવેડા કરે છે’, એમ જ તારું કહેવું છે ને? પણ ભક્તિ માટે છાકટા થવું જરૂરી છે?

સ : એ તમને નહીં સમજાય. કારણ કે તમે ભગવાન છો. તમારે સ્થાનિક મંડળો ચલાવવાનાં નથી, ફાળા ઉઘરાવવાના બહાને અને ઉત્સવો કરવાના બહાને તમારી ન્યૂસન્સ વેલ્યુ અને એમાંથી તમારી નેતાગીરી ઊભી કરવાની નથી અને હા, દિવસ આખો કામ કર્યા પછી વૈભવી ક્લબોમાં જવાની ત્રેવડ ન હોવાથી, સસ્તું મનોરંજન પણ શોધવાની પણ તમારી મજબૂરી નથી...એ તો જેને વીતે એ જાણે.

ગણેશજી : સેન્ટીમેન્ટલ ક્રેપ...આ બઘું હવે જૂનું થયું. રાત પડે મારા નામે ધાંધલ મચાવનારા થોડા લોકો જ આખો દહાડો કામ કરે છે? અને ફક્ત એટલાને જ મનોરંજનની જરૂર હોય છે? બાકીના બધા શું દિવસભર અમનચમન કરે છે? એ લોકો પણ દિવસભર મહેનત કરીને રાત્રે થાક્યાપાક્યા ઘરે આવે છે. એમને રાત્રે શાંતિ જોઇએ છે. નિરાંત અને હાશ જોઇએ છે. પણ એમની તો તમને કશી પરવા જ નથી. શું એ લોકો તમારી માફક રસ્તા પર આવીને ઘોંઘાટ ન મચાવે- છાકટા ન થાય એટલે એ મારા ભક્તો મટી ગયા? અને તમારે એમનો આરામ હરામ કરી નાખવાનો?

સ : પ્રભુ, આ તો મોદીસાહેબનું સૂત્ર છે : આરામ હરામ હૈ.

ગણેશજી : ખરી વાત છે. જવાહરલાલ નેહરુએ તો મોદીની કૉપી મારેલી. પણ જવા દે. અત્યારે મારી સમસ્યાઓ ઓછી નથી કે હું રાજકારણની પંચાત કરું.

સ : પ્રભુ...પ્રભુ...પ્રસાદમાં કંઇક આવી ગયું હતું કે શું?

ગણેશજી : આ બધા ડાયલોગ રહેવા દે. કદી મારા વરઘોડામાં ગયો છું?  એમાં કાન ફાડી નાખે અને મકાનની ભીંતો ધ્રુજાવી દે એવાં સ્પીકર ટ્રકોમાં લઇને નીકળી પડનારા, રસ્તાના રસ્તા રોકી પાડનારાતા- આવા રાક્ષસી વૃત્તિ ધરાવનારા મારા ભક્તો કેવી રીતે હોઇ શકે? હું વિઘ્નહર્તા છું ને એ લોકો વિઘ્નકર્તા છે. આવાં આસુરી તત્ત્વોને કારણે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઇ પડનારા કે ડીજેના રાક્ષસી ઘોંઘાટથી આતંકિત થનારા મારા ભક્તોનું શું? હું વિઘ્નહર્તા ને મારા નામે દુનિયાભરનું વિઘ્ન ઊભું કરતા વરઘોડા કાઢો છો? ‘ગણપતિ બાપ્પા મોરયા’નો પ્રેમાળ નારો તમે યુદ્ધનાદ જેવો બનાવી દીધો છે. પૂંઠે તીર ધૂસી ગયું હોય એવી ચીચીયારીઓ પાડીને શું કરવા મારું નામ લો છો? ‘ગણપતિ બાપ્પા મોરયા’ને તમે જાહેર રસ્તા પર - પોલીસની નિગેહબાની હેઠળ લોકોને હેરાન કરવાનું સાધન બનાવી દીધો છે. તમે બધા નસીબદાર છો કે મારી મૂર્તિઓમાં જીવ આવતો નથી. બાકી...

(સમસ્ત ગુજરાતના ન્યૂસન્સ-પ્રિય ‘ગણેશભક્તો’ના લાભાર્થે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરી નાખવામાં આવ્યો, જેથી પ્રભુની વઘુ બળતરા સાંભળવી ન પડે. સાંભળવું પણ નહીં ને દાઝવું પણ નહીં.)

Saturday, September 13, 2014

ગુજરાતીપણાનો જાદુ

( ગુજરાત સમાચાર, તંત્રીલેખ-શુક્રવાર-૧૨-૯-૧૪)

ગુજરાતી ફિલ્મો ફરી એક વાર ચર્ચામાં છે. દોઢ-બે દાયકા પહેલાં ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’થી ગુજરાતી ફિલ્મોના નવા યુગની વાતો સંભળાય છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી એ પ્રવાહની પાતળી પણ મજબૂત ઉપસ્થિતિનો પાકો અહેસાસ થઇ રહ્યો છે. ‘અર્બન’ કહેતાં શહેરી અને શહેરી બનવા ઉત્સુક- એમ બન્ને પ્રકારના પ્રેક્ષક સમુદાયને પોતીકી લાગે એવી ગુજરાતી ફિલ્મ હવે કલ્પનાનો નહીં, વાસ્તવિકતાનો વિષય છે. આ કલ્પનાને સાકાર કરવામાં આશિષ કક્કડ અને અભિષેક જૈન જેવા ફિલ્મકારોનો ફાળો વિશેષ અને વિશિષ્ટ છે. આશિષ કક્કડની ‘બેટરહાફ’ આઘુનિક-સંવેદનશીલ કથાવસ્તુની સચોટ રજૂઆત માટે તથા અભિષેક જૈનની ‘કેવી રીતે જઇશ?’ અને ‘બે યાર’ ઉત્તમ નિર્માણ ઉપરાંત ગુજરાતી લાક્ષણિકતાઓના હળવાશભર્યા છતાં વાસ્તવિક-સન્નિષ્ઠ ચિત્રણથી ગુજરાતી ફિલ્મપ્રેમીઓને આકર્ષી શકી છે.

ગુજરાતી ફિલ્મનાં વખાણ કરવા માટે લોકો ‘આ તો એકદમ હિંદી ફિલ્મ જેવી જ લાગે છે’ એવું કહે, એ વક્રતા છે. અલબત્ત, વાંક આવું કહેનારાનો નથી. વર્ષો સુધી ઝાકઝમાળભર્યું નિર્માણ ધરાવતી હિંદી ફિલ્મોને આવી જ રીતે હોલિવુડની ફિલ્મોની બરાબરીમાં મૂકવામાં આવતી હતી. હવે હિંદી ફિલ્મોનાં ટેક્‌નિકલ પાસાં ઉત્કૃષ્ટ બનતાં આ બાબતમાં હિંદી-અંગ્રેજી વચ્ચે આભ-જમીનનો નહીં, ખાડા-ટેકરા જેટલો જ તફાવત રહ્યો છે. તેથી હિંદી ફિલ્મોને ‘અંગ્રેજી જેવી’ હોવાનાં કોમ્પ્લીમેન્ટ મળવાં લગભગ બંધ થયાં છે.

‘બે યાર’ જેવી ફિલ્મની મઝા જ એ હોય છે કે એને સરસ હોવા માટે ‘હિંદી જેવી’ બનવાની જરૂર પડી નથી. એ નીતાંત ગુજરાતી હોવા છતાં સરસ છે. બલ્કે, એ નખશીખ ગુજરાતી હોવાથી જ એ બિલકુલ પોતીકી લાગે છે. અમદાવાદનાં વિવિધ લોકેશન, ગુજરાતીપણું, ‘શ’ને બદલે ‘સ’ બોલતાં અને વાસ્તવિક લાગતાં ગુજરાતી પાત્રો, એકદમ આત્મીય લાગતી ગુજરાતી ભાષા - આ બઘું ‘બે યાર’ને દર્શકોને આકર્ષે છે. ફિલ્મમાં વપરાયેલી ગુજરાતી ભાષા એટલી વાસ્તવિક છે કે આ જ ફિલ્મને જો હિંદીમાં ડબ કરવામાં આવે તો ફિલ્મના ‘ચાર્મ’માં રહેલો ભાષાની મઝાનો મોટો હિસ્સો ઉડી જાય.

‘યુવા પેઢીની પસંદ’ના નામે પોતાનું છીછરાપણું પીરસવાનો ઉદ્યોગ દાયકાઓથી ચાલે છે. પરંતુ ‘બે યાર’ ફિલ્મ જેવી અનેક ઘટનાઓ વખતોવખત સાબીત કરી આપે છે કે યુવા પેઢીને ફક્ત ગલગલિયાં જ ગમે એવું નથી. ‘બે યાર’ જેવી સરસ ફિલ્મ અને તેની (પરાણે ધુસાડાયેલા અંગ્રેજી શબ્દો-વાક્યો વગરની) ભાષા સાથે પણ યુવા પેઢીને તરત પોતીકાપણું અનુભવાય છે. મતલબ, યુવા પેઢીમાં લોકપ્રિય બનવા માટે સહજ, સ્વાભાવિક ભાષા પૂરતી છે. તેને મારીમચેડીને વર્ણસંકર બનાવવાનું જરૂરી નથી.

‘યુવા પેઢીમાં લોકપ્રિય બનવું હોય તો વર્ણસંકર, છીછરી ભાષા લખવી જ પડે’ અને ‘ગુજરાતી ફિલ્મ ચલાવવી હોય તો ચમત્કારો અને ગરબા મૂકવા જ પડે’ આ બન્ને માન્યતાઓ એકસરખી છે. લોકોની રૂચિનો પટ બહુ વિશાળ હોય છે. તેમને સારું પણ ગમે ને હલકું પણ ગમે. શું આપવું એનો આધાર આપનારની ત્રેવડ પર હોય છે. જે પ્રકારની ગુજરાતી ફિલ્મો ચાલે છે એની ટીકા તો શી કરવાની? એનું પણ ઑડિયન્સ છે અને એ ફિલ્મો પણ સલમાનખાનની હિંદી ફિલ્મોની જેમ, ગુણવત્તાની પંચાતમાં પડ્યા વિના, ટિકીટબારી પર સફળ જાય છે. નબળું સફળ થાય તેનો અર્થ એ નથી હોતો કે સફળ થવા માટે નબળું આપવું અનિવાર્ય છે. ‘બે યાર’ જેવી સબળી ફિલ્મોને મળી રહેલી સફળતા એ હકીકત વઘુ એક વાર સિદ્ધ કરી આપે છે.

ઊંચી અભિનયક્ષમતા ધરાવતા કલાકારોની ગુજરાતી તખ્તા પર ખોટ નથી, પરંતુ શહેરી દર્શકોને આકર્ષે એવી ગુજરાતી ફિલ્મોનું બજાર ઘણા વખત સુધી ન ખુલતાં, એ અભિનેતાઓને હિંદી ફિલ્મોમાં નાના-મોટા રોલથી કે ટીવી સિરીયલથી સંતોષ માનવો પડતો હતો. ‘બે યાર’ જેવી ફિલ્મો વઘુ પ્રમાણમાં બને તો તેને સશક્ત ગુજરાતી અભિનેતાઓનો પણ લાભ મળે અને ગુજરાતી દર્શકોને પોતાની જ ભાષામાં આ કલાકારોની ઉત્તમ ભૂમિકાઓ સિનેમાના પડદે જોવા મળે. આવી ઘણી ઉજળી શક્યતાઓ ‘બે યાર’ જેવી ફિલ્મોની સફળતાની પછવાડે રહેલી છે. 

Friday, September 12, 2014

પ્રકાશ ન. શાહ : પંચોતેરમે

’આવતી કાલે પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેસશે’ એવું બિનીત મોદીએ ગઇ કાલે કહ્યું, ત્યારે મેં ફક્ત ’હા, હં’ કહીને નોંધ લીધી ને ફોન મૂકી દીધો. પછી આજે સવારે વિચાર આવ્યો કે ઝડપથી અને શોર્ટ નોટિસમાં મળી શકે એવા પ્રકાશભાઇના પ્રેમી મિત્રો એમના ઘરે ભેગા થઇએ. ’મઝા આવશે’ એ તો પ્રકાશભાઇને મળવાનું હોય એટલે નક્કી જ હોય.

એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ’પીયુસીએલ, રીપબ્લિક ઓફ ચાઇના.’ (પીયુસીએલ -પીપલ્સ યુનિઅન ઓફ સિવિલ લીબર્ટીઝ- સાથે પ્રકાશભાઇના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઇના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.

’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઇએ મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’ એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસાપાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઇના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઇ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઇ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઇનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.

તો આ તસવીરો.. અને પછી લેખ..

પ્રકાશભાઇના જાહેર જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા- કટોકટી અને જેલવાસના
વર્ષ ૧૯૭૫ અને ૭૫મા વર્ષનો મેળ બેસાડતું બિનીત મોદીનું લખાણઃ
બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું.

પ્રકાશભાઇને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠુ કરાવતો બિનીત, વચ્ચે અજય
ઉમટ અને પાછળ દિવ્યેશ વ્યાસ 

કેક કાપવા વિશે પ્રકાશભાઇ એકાદ સારો શબ્દ આપે એની
રાહ જોઇએ (પ્રકાશભાઇ- નયનાબહેન)

પ્રકાશભાઇ-નયનાબહેન / Prakash N.Shah-Nayna Shah

ડાબેથીઃ બિનીત મોદી/Binit Modi, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, અજય ઉમટ/
Ajay Umat, પ્રકાશ ન.શાહ/Prakash N.Shah, આશિષ કક્કડ/Ashish Kakkad,
ઉર્વીશ કોઠારી/Urvish Kothari

મંડળી મળવાથી થતા ફાયદાઃ નયનાબહેન/Nayna Shah, પ્રકાશભાઇ/Prakash N.Shah,
 આશિષ કક્કડ/Ashish Kakkad, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, કેતન રૂપેરા/
Ketan Rupera,  સંજય ભાવે/Sanjay Bhave, બિનીત મોદી/Binit Modi

નયનાબહેન, પ્રકાશભાઇ, આશિષ કક્કડ, સંજય ભાવે, ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા,
દિવ્યેશ વ્યાસ 


પ્રકાશ ન. શાહ : અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય

ગુજરાતના જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ- મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા- આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? આશ્ચર્યજનક ચમત્કાર? સુખદ અકસ્માત? વીરલ યોગાનુયોગ?

એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું  પૂરતું છે.

સરળતા ખાતર પ્રકાશભાઇની ટૂંકી ઓળખાણ ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક તરીકે આપી શકાય. ૨૦૦૨ પછીના ગુજરાતમાં તેમની એક પ્રમુખ ઓળખ મુખ્ય મંત્રીના મુખ્ય ટીકાકાર તરીકેની પણ રહી છે. કાયદો-વ્યવસ્થા અને ન્યાયના શાસનની વાત કરનારાને ‘સ્યુડો-સેક્યુલર’ તરીકે ઓળખવાની ગુજરાતી ફેશન પ્રમાણે, પ્રકાશભાઇ ‘સેક્યુલર ટોળકીના પોપ’ જેવું બિરૂદ પણ પામ્યા છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઇને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.

પ્રકાશભાઇમાં એક સાથે (અસલી) અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન ધબકે છે. આજે જેમનાં નામ સાંભળીને અહોભાવયુક્ત આદર થઇ આવે એવાં અનેક ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. એ યાદીમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણથી માંડીને ગાંધીબિરાદરી-જાહેર જીવન-સાહિત્ય-પત્રકારત્વનાં ઘણાં નામ આવી જાય. રામનાથ ગોએન્કાના ‘એક્સપ્રેસ જૂથ’માં તેમણે ‘જનસત્તા’ દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.

લેખન- પત્રકારત્વ સાથે પ્રકાશભાઇનો સંબંધ લગભગ પાંચેક દાયકાથી છે. ભોગીલાલ ગાંધીના ‘વિશ્વમાનવ’ અને પ્રબોધ ચોક્સીના તંત્રીપદ હેઠળના ‘નિરીક્ષક’માં લખનારા પ્રકાશભાઇ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે નિરાંતે જિંદગી વીતાવી શક્યા હોત, પણ અધ્યાપકપદું તેમની કારકિર્દીમાં કેવળ અલ્પવિરામ બની રહ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થઇ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’માં ભોગીલાલ ગાંધી સાથે કામ કરવાની દરખાસ્ત આવતાં, તેમણે અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી. પત્રકારત્વમાં ‘એક્સપ્રેસ જૂથ’ના ‘નૂતન ગુજરાત’ અને પછી ‘જનસત્તા’ના તંત્રી તરીકે તેમની કામગીરી યાદગાર રહી.

મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારો માટે અસ્પૃશ્ય રહેલા ઘણા વિષયો તેમણે ‘જનસત્તા’માં સામેલ કર્યા. એ વિષય પર વાચકોના પ્રતિભાવો અને તેના દ્વારા ચર્ચાનો માહોલ ઊભો કર્યો. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ એક્સપ્રેસ જૂથના ‘સમકાલીન’માં પ્રકાશભાઇએ નિયમિત લખ્યું. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઇ ત્યારે તેની ધુરા સંભાળવા માટે, ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર બન્ને પાસેથી ‘ટાઇમ્સ’ને પ્રકાશભાઇનું જ નામ મળ્યું. જોકે, ‘ટાઇમ્સ’ના વ્યાવસાયિક માહોલમાં તેમને લાંબો સમય ગોઠ્યું નહીં.
‘દિવ્ય ભાસ્કર’  શરૂ થયું ત્યારે શરૂઆતનાં વર્ષોમાં તેના તંત્રીપાનાની જવાબદારી પ્રકાશભાઇ સંભાળતા હતા. ગુજરાતનાં મુખ્ય ધારાનાં અને માતબર ફેલાવો ધરાવતા અખબારોમાં પહેલી વાર તે આવ્યા અને જણાયા પણ ખરા. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખો ઘણુંખરું ઔપચારિકતા પૂરી કરવા ખાતર લખાતા અને છપાતા હોય છે, પણ પ્રકાશભાઇના તંત્રીલેખો અસંખ્ય મુદ્દા પર વાચકોને નરવું વિચારભાથું પૂરું પાડનારા બની રહ્યા. રાજકારણ ને સમાજના ગંભીર વિષયો જેટલી જ સાહજિકતાથી સચિન તેંડુલકર- અનિલ કુંબલેની ક્રિકેટકલા વિશેના તંત્રીલેખોમાં પ્રકાશભાઇ ખીલી ઉઠતા હતા.

તંત્રીલેખ અને બીજા લેખોમાં પ્રકાશભાઇની ભાષા કાયમી ચર્ચાનો વિષય રહી છે. ‘પ્રકાશભાઇનું ગુજરાતી વાંચવું હોય તો તેનો અનુવાદ કરાવવો પડે’ એવી રમૂજ વર્ષોથી થાય છે. તેમની લેખિત ભાષા સરળ કે સીધીસટ નથી, પરંતુ ધ્યાન અને મન દઇને વાંચનારને તેમાંથી ફક્ત સચોટ-સર્વાંગી વિશ્લેષણનો જ નહીં, ભાષાની તાજગી અને નવા શબ્દપ્રયોગોનો પણ આનંદ મળે છે. ગુજરાતી કટારલેખકોમાં બહુ ઓછા એવા છે, જેમને ખરેખર કંઇ કહેવાનું હોય. પ્રકાશભાઇ એમાંના એક છે, તેનો દૃઢ અહેસાસ થઇ ગયા પછી તેમના લેખો વાંચવાનું અઘરું પડતું નથી. બલ્કે, સમજાય છે કે મામલો મુખ્યત્વે મગજને તસ્દી આપવાનો જ છે.

નવા અને શબ્દકોશમાં ન હોય (છતાં તેમાં સ્થાન પામી શકે) એવા ગુજરાતી શબ્દો નીપજાવવામાં પ્રકાશભાઇ માહેર છે. જાદુગર હવામાંથી અજબગજબની ચીજો પેદા કરે, તેમ પ્રકાશભાઇ હસતાંરમતાં નવા શબ્દો બનાવે અને વાપરે છે. મોટી ઇમારતો બનાવવાની ઘેલછા માટે ‘દૈત્યકાય ઇમારતવાદ’, મીડિયાના આક્રમણ માટે ‘મીડિયામારી’, ક્રિકેટની ચીઅર ગર્લ્સ માટે ‘ચિયરાંગના’, તો અન્ડરવેઇટ બાળકો માટે ‘ઋણવજનિયાં’ જેવા પ્રયોગો તેમને મન સહજ અભિવ્યક્તિનો એક ભાગ છે. ભદ્રંભદ્ર બન્યા વગર તે ‘ગોલ્ડન જ્યુબિલી’ માટે ‘સુવર્ણજયંતિ’ને બદલે ‘પચાસવર્ષી’, ‘રોલમોડેલ’ને બદલે ‘વેશનમૂનો’, ‘નોનસ્ટાર્ટર’ માટે ‘અનારંભી’ અને ‘વન અપમેનશિપ’ માટે ‘અમે-તમારાથી-ચડિયાતા-શાઇ’ જેવા સોંસરવા ગુજરાતી પ્રયોગો આબાદ પ્રયોજી જાણે છે. ‘કિંકર્તવ્યમૂઢ’ જેટલી જ સહેલાઇથી તે ‘કિંદર્શિતવ્યંમૂઢ’ (ટીવી પર શું જોવું તેની ખબર ન પડે એ અર્થમાં) લગાડી શકે છે.

છીછરી લોકપ્રિયતામાં છબછબીયાં કરનારા અકારણ અને કૃતક ‘ગુજલિશ’ દ્વારા ગુજરાતીનું ચિરહરણ કરી રહ્યા છે, ત્યારે પ્રકાશભાઇના લખાણની ભાષામાં ગુજરાતી ભાષાનો જુદો-મૌલિક-પ્રકાશીય રંગ જોવા મળે છે. પણ ઘણી વાર પ્રકાશભાઇના રાજકીય વિચારોના વિરોધ માટે તેમની ભાષાની ‘દુર્બોધતા’નો મુદ્દો વીંઝાતો જોવા મળે છે.

પ્રકાશભાઇના ભલભલા વિચારવિરોધીઓ તેમની રમૂજવૃત્તિની પ્રશંસામાં એકમત છે. સહજ સંવાદમાં રમૂજની છોળો ઉડાડતા પ્રકાશભાઇની હાજરી દૂરથી જ પરખાઇ જાય. પ્રેમાળ અટ્ટહાસ્ય પ્રકાશભાઇનું ઓળખપત્ર છે. રમૂજ કરવાની અને માણવાની તેમની ક્ષમતાને કારણે જ કદાચ, તે ‘નિરીક્ષક’ જેવું સામયિક ચલાવવા છતાં અને ચાર-ચાર દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં, નિરાશાવાદી કે કડવા થયા નથી. હસતા મોંએ તે ટીકા સહન કરી શકે છે અને કટુ થયા વિના ટીકા કરી પણ શકે છે. તેમાં કશો દંભ નથી. નકરી સ્વાભાવિકતા હોય છે.

પ્રકાશભાઇને લખતાં વાર લાગતી નથી, પણ તેમને લખવા બેસાડવાનું કામ ભગીરથ હોય છે. લખવા બેઠા પછી તે એક બેઠકે અને એકસરખા સુવાચ્ય અક્ષરોમાં વસંત-રજબ વિશેની આખી પરિચય પુસ્તિકા લખી કાઢે છે. પણ તે લખવા બેસે એવો યોગ આણવાનું બહુ કપરું છે. (ચાર દાયકાના લેખન પછી પણ તેમના નામે એકેય પુસ્તક નથી.) તેની સરખામણીમાં પ્રકાશભાઇ પાસેથી બોલાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. વક્તવ્ય માટે તે મોટે ભાગે ‘ના’ પાડતા નથી અને કદી ઉપરછલ્લું, લોકરંજક કે આત્મરતિભર્યું વક્તવ્ય આપતા નથી. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કળા, ધર્મ, ફિલસૂફી, ગાંધી જેવા અનેક વિષયોમાં તેમની ઊંડી સમજણ, ‘હું’પણાની બાદબાકી સાથે, તેમનાં વક્તવ્યોમાં ઘોળાઇને આવે છે. ‘લોકપ્રિય’ તરીકે જાણીતા લોકરંજક વક્તાઓની જેમ, તેમના પ્રવચનમાં શ્રોતાઓને આંજી નાખવાનો કશો વ્યાયામ હોતો નથી, પણ નિરાંતે આખું વક્તવ્ય સાંભળનાર શ્રોતા છેવટે કશુંક નક્કર પામીને ઊભો થાય છે. (તેમનું વક્તવ્ય ફક્ત ‘ઓડિયો’ નહીં, પણ ‘ઓડિયો-વિઝ્યુઅલ’ અનુભવ હોય છે.) તેમાં અનાયાસ અને આબાદ રીતે આવી જતા અઢળક સંદર્ભો શ્રોતાઓના મનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થાય છે.

ગાંધી-કૃપાલાણી-જયપ્રકાશ-ઉમાશંકરયુગ સાથેની અનન્ય વિચારકડી તરીકે પ્રકાશભાઇ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓનો હજુ સૂઝ્યું નથી. 

Thursday, September 11, 2014

સચ્ચા ઇસ્લામ ખતરેમેં

ઇસ્લામી રાજ્ય, ખિલાફત જેવા શબ્દો હમણાંથી ઘણા જોવા મળે છે. ‘ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરીયા’- ISIS- તરીકે ઓળખાતું સંગઠન ઇરાક અને સિરીયાના ઘણા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી ચૂક્યું છે. ‘ઇસ્લામિક સ્ટેટ’નો દાવો ઇસ્લામના નિયમો પ્રમાણે શાસન ચલાવવાનો છે, પરંતુ તેમનાં લક્ષણ એવાં લાગતાં નથી. તેનો નેતા અબુ બક્ર અલ-બગદાદી પોતે ખલીફા બની બેઠો છે.

‘ઇસ્લામી સ્ટેટ’ની આગેકૂચ અને વૈશ્વિક સ્તરે તેનું નામ થઇ જતાં, ‘અલ કાઇદા’ના નેતા અલ-જવાહિરીના પેટમાં તેલ રેડાયું છે. તેને અલ-કાઇદાની વૈશ્વિક ન્યૂસન્સ વેલ્યુ જોખમમાં લાગી છે. એટલે લાદેનના મોત પછીનું ‘અલ કાઇદા’ પતી ગયેલું સંગઠન નથી, એવું સિદ્ધ કરવા માટે લગભગ બે વર્ષના અંતરાલ પછી જવાહિરીએ એક વિડીયો જારી કરી છે. બેન્કનો વડો પોતાની બેન્કની નવી શાખા ખોલવાની જાહેરાત કરે, એવા અંદાજમાં જવાહિરીએ ભારતમાં ‘અલ કાઇદા’ની શાખા ખોલવાનું જાહેર કર્યું છે. અને ભારત સહિત કેટલાક દેશોના મુસ્લિમોને ‘અન્યાય અને શોષણમાંથી ઉગારવા’ માટે ‘અલ કાઇદા’ આ વિસ્તારોમાં સક્રિય થશે એવો ધમકીભર્યો દાવો કર્યો છે.

આ ઘટનાક્રમની ચિંતા સુરક્ષાની દૃષ્ટિએ થાય, એટલી જ ઇસ્લામની દૃષ્ટિએ પણ થાય એવી છે. કારણ કે આ બન્ને ઇસ્લામના નામે, ઇસ્લામ પર લાગેલા મોટા ધબ્બા છે. આ બન્ને સંસ્થાઓની કામગીરીને ઇસ્લામના નામે વાજબી ઠરાવનાર ઇસ્લામનું સૌથી મોટું અપમાન કરી રહ્યા છે.

ખલીફાથી ‘ખલીફા’ સુધી

ઇરાકમાં શિયા મુસ્લિમો અને કુર્દો ઉપરાંત બીજા ધર્મના લોકોની હત્યા કરવામાં કશો ખચકાટ ન અનુભવતા સુન્ની અંતિમવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’નો વડો અલ બગદાદી પોતાની જાતને ખલીફા ગણાવે છે. પેગંબરસાહેબના કાર્ટૂનથી ખફા થઇ ગયેલા વિશ્વભરના મુસ્લિમ સમુદાયને બગદાદીની ખલીફાગીરી સામે એટલો જ કે વધારે વાંધો પડવો જોઇએ- સિવાય કે મુસ્લિમો એવું માનતા હોય કે ‘અમારા ધર્મનું અપમાન પરધર્મીઓથી ન થાય. બાકી, મુસ્લિમ તો મનમરજી પ્રમાણે ઇસ્લામનું નામ બોળી શકે.’ (જેમ હિંદુ ધર્મના અપમાનનું કે ધાર્મિક લાગણી દુભાયાનું બૂમરાણ મચાવનારા લોકોનું લોહી હિંદુ ધર્મના નામે ચાલતાં અનેક ધતિંગો અને અનિષ્ટો સામે કદી ઉકળી ઉઠતું નથી.)

ખલીફાની છાપ કેવી હોય? બાળપણમાં હજરત ઉમર અને હજરત અબુ બક્ર જેવા ખલીફાઓની ઉદાર, દયાળુ અને નીતિવાન વર્તણૂંક વિશે પાઠ્યપુસ્તકોમાં આવતું હતું. એ વાંચીને તેમના માટે અને તેમના ધર્મ માટે- ધર્મપાલન માટે માન જાગે. એવું લાગે કે ધર્મ આવો હોય. નમૂના લેખે હજરત ઉમરનો એક પ્રસંગ :

એક વાર હજરત ઉમર તેમના ગુલામ અસલમ સાથે મદીનામાં નગરચર્યાએ નીકળ્યા. ગામથી દૂર તેમણે એક દીવો બળતો જોયો.  નજીક જઇને જોયું તો એક ગરીબ સ્ત્રી બેઠી હતી અને તેનાં બાળકો ભૂખથી ટળવળતાં-રડતાં હતાં. સ્ત્રીએ આગ પેટાવીને તેની પર પાણી ભરેલું  વાસણ મૂકી રાખ્યું હતું.

હજરતે પૂછ્‌યું, એટલે સ્ત્રીએ કહ્યું, ‘બાળકો ભૂખ્યાં છે, પણ મારી પાસે અન્નનો દાણો સરખો નથી. પાણીવાળું વાસણ આગ પર એટલે મૂક્યું છે કે જેથી બાળકોને રસોઇ બનતી હોય એવું લાગે અને એ આશામાં રાહ જોતાં ઉંઘી જાય.’ પછી એ સ્ત્રીએ નિઃસાસો નાખીને કહ્યું, ‘મારાં દુઃખદર્દનું ઘ્યાન ન રાખનારા ઉમરનો કયામતના દિવસે અલ્લા ઇન્સાફ કરશે.’

એ જાણતી ન હતી કે હજરત ઉમર પોતે જ સામે બેઠા છે.  હજરતે સ્ત્રીને પૂછ્‌યું, ‘તમારાં દુઃખદર્દની ઉમરને શી રીતે ખબર પડે?’

સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એ અમારા અમીર (આગેવાન) છે. અમારું ઘ્યાન રાખવાની એમની ફરજ છે.’

એ સાંભળીને હજરત તરત શહેરમાં ગયા. સીઘુંસામાન, ખજૂર વગરે લીધાં અને એ કોથળો પોતાના ખભે નાખ્યો. ગુલામ અસલમે કોથળો ઉંચકી લેવા માટે આગ્રહ કર્યો ત્યારે હજરત ઉમરે કહ્યું, ‘કયામતના દિવસે મારાં પાપનું પોટલું તું ઉંચકીશ? એ તો મારે જ ઉંચકવું પડશે. એટલે આ કોથળો પણ હું જ ઉંચકીશ.’

ક્યાં આ ખલીફા- આ ઇસ્લામ? અને ક્યાં નિર્દોષોની હત્યા, ખૂનામરકી અને લૂંટફાટમાં રાચતા, ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના જાતે બની બેઠેલા ખલીફા અલ-બગદાદી? આ નવા અને નકલી ખલીફા સામે સૌથી વધારે વાંધો કોને પડવો જોઇએ? દેખીતું છે : મુસ્લિમોને. કારણ કે બગદાદી જેવો માણસ ‘ખલીફા’ બનીને હજરત ઉમર જેવા ખલીફાઓની અને ઇસ્લામની બદનામી કરે છે.

પરંતુ ધર્મ જ્યારે ધર્મસત્તા બને ત્યારે ધર્મના મૂળ સિદ્ધાંતો અને તેના પાયામાં રહેલાં મૂલ્યો ઘણુંખરું બાજુ પર રહી જાય છે. ‘ઇસ્લામિક સ્ટેટ’ની આખી લડાઇમાં મુખ્ય વિરોધ પક્ષ અમેરિકા નથી, પણ શિયા મુસ્લિમો છે. એટલે તેમનો ખોફ પરધર્મીઓને તો ઠીક, શિયા મુસ્લિમોને એટલો લાગે છે કે‘ઇસ્લામિક સ્ટેટ’ના ખલીફાના રાજમાં પોતાનાં ધર્મસ્થાનોની સલામતીની પણ શિયાઓને ખાતરી નથી. ‘ઇરાકીન્યૂઝ’ વેબસાઇટ ઉપર જૂન ૨૭, ૨૦૧૪ના રોજ પ્રગટ થયેલા એક અહેવાલ પ્રમાણે, ભારતમાં શિયા મુસ્લિમોના સૌથી મોટા સંગઠને ઇરાકમાં રહેલાં શિયા ધર્મસ્થાનોની રક્ષા માટે શિયા મુસ્લિમોની ભરતી શરૂ કરી હતી અને તેમાં ૩૦ હજાર જેટલા ભારતીય શિયા મુસ્લિમોએ નામ નોંધાવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. (જોકે, ઇરાક જવા માટેના વિઝા તેમને મળ્યા હોય એવું લાગતું નથી.)

ઇસ્લામના નામે આક્રમણખોરોએ મંદિરો તોડી પાડ્યાનો ઇતિહાસ જાણીતો છે, પણ એ જ ઇસ્લામના નામે સુન્ની મુસ્લિમોનું બનેલું ‘ઇસ્લામિક સ્ટેટ’ કરબલા અને નજફમાં શિયાઓનાં ધર્મસ્થાન માટે ખતરારૂપ બને, એ કેવું કહેવાય? સીધી વાત છે : મંદિરો તોડનારા કે શિયાઓના ધર્મસ્થાન માટે ખતરારૂપ બનેલા ઇસ્લામનું હાર્દ સમજવા માગતા નથી. ઇસ્લામમાં નહીં, ઇસ્લામના નામે પોતાની સત્તાલાલસા અને ધનલાલસા સંતોષવામાં રસ હોય તે જ આવું વર્તન કરી શકે.

‘ઇસ્લામિક સ્ટેટ’ની જેમ ‘અલ કાઇદા’એ કદી ભૂમિ કબજે કરીને ત્યાં પોતાની (ગેર)સમજણ પ્રમાણેનું ઇસ્લામી રાજ્ય સ્થાપવા પ્રયાસ કર્યો નથી. પરંતુ અલ કાઇદાની રક્તપીપાસા અને આતંકપીપાસા પ્રબળ છે. આતંક ફેલાવવા માટે તેને (મુસ્લિમો સહિતના) નિર્દોષોની હત્યા કરવામાં કશો સંકોચ નડતો નથી. એવા હત્યારાઓ ઇસ્લામને ટાંકે અથવા પોતાનાં આવાં કાળાં કામને ઇસ્લામ થકી વાજબી ઠરાવે, ત્યારે ઇસ્લામનું સાચું હાર્દ જોખમમાં આવી પડે છે. ખલીફા હજરત અબુ બક્રને બદલે ‘ખલીફા’ અબુ બક્ર અલ-બગદાદી ઇસ્લામના પ્રતિનિધિ બની બેેસે એ ઇસ્લામનું સાચું હાર્દ સમજતા મુસ્લિમોને અપમાનજનક લાગતું હશે.

‘ખલીફા’ અલ-બગદાદીની લડાઇનું મૂળ તત્ત્વ ‘સુન્ની વિરુદ્ધ શિયા’ હોવાથી એવું પણ જોવા મળ્યું છે કે સુન્નીઓની બહુમતી ધરાવતા ભારતમાંથી પણ કેટલાક હોંશીલા ‘ઇસ્લામિક સ્ટેટ’માં ભરતી થવા કે અહીં રહીને ‘ઇસ્લામિક સ્ટેટ’નાં ટી-શર્ટ પહેરવા ઉત્સુક છે. કેવળ મુસ્લિમ હોવાથી સંતુષ્ટ ન થતાં, શિયા કે સુન્ની તરીકેની કટ્ટર ઓળખ ઇચ્છતા આ મુસ્લિમો પોતાના સંકુચિત સ્વાર્થ ખાતર કુરાન કે હદીસને ટાંકતા હશે, ત્યારે સાચા ધર્મનું શું થતું હશે?  

કલ્પના અને હકીકત

અત્યાર લગી અલ બગદાદી અને અલ જવાહિરી ભારત માટે કેવળ દૂરનાં નામ હતાં. કારણ કે તેમના કાર્યક્ષેત્ર અને કરતૂતો સાથે ભારતને કશો સંબંધ ન હતો. પરંતુ અલ જવાહિરીએ  ભારતમાં ‘શાખા’ ખોલવાની જાહેરાત કર્યા પછી, હવે ભારતમાં પણ સાચા ઇસ્લામ પર તોળાતા ખતરામાં એકનો ઉમેરો થયો છે.

અત્યાર લગી લશ્કરે તૈયબ, જૈશે મહંમદ જેવાં ધાર્મિક (ઇસ્લામી) નામ ધરાવતાં આતંકવાદી સંગઠનો ઇસ્લામનું નામ બોળી રહ્યાં હતાં. ગમે તેટલો અન્યાયબોધ ધરાવતા કે અસલામતી અનુભવતા મુસ્લિમો પણ એટલું તો સમજે કે આ સંગઠનોનું શરણું લેવાથી નથી સલામતી મળવાની, નથી ન્યાય મળવાનો કે નથી ઇસ્લામનું પાલન થવાનું. કારણ કે ઇસ્લામ ક્યારેય ત્રાસવાદને અને નિર્દોષોની હત્યાને સમર્થન આપતો નથી અને ગમે તેવા અન્યાયકારી રાજ્ય સામ ન્યાય જોઇતો હશે તો ત્રાસવાદી ધોરણે નહીં, નાગરિક ધોરણે જ મળવાની શક્યતા સૌથી વધારે રહેશે. એ માટે સમાજના સ્વાર્થી અને રાજકીય પક્ષોના પોઠીયા જેવા નેતાઓને ફગાવીને, ઇસ્લામની સગવડીયા નહીં, સાચી સમજ ધરાવતા નેતાઓને અપનાવવા તથા આગળ કરવા પડશે.

શરિયા આધારિત ઇસ્લામી રાજ્યની કલ્પના ઘણા મુસ્લિમોને બહુ આકર્ષક લાગે છે. પરંતુ અત્યાર લગીમાં તેમને સમજાઇ જવું જોઇએ કે સત્તા મળ્યા પછી શાસકો માટે ધર્મનો ખપ કેવળ સગવડીયો અને પોતાની સત્તાને ધર્મનો આધાર અપાવવા પૂરતો રહી જાય  છે. એવા શાસનમાં ધર્મના નામે કટ્ટરતા અને બાહ્ય પ્રતીકોની બોલબાલા વધે છે, માણસને વઘુ નેક, વઘુ ખુદાપરસ્ત બનાવવાનું કે તેને ન્યાય અપાવવાનું કામ નિર્દોષોની હત્યા કરનારા બોમ્બધડાકાથી કરી શકાતું નથી.

એટલે જ અલ કાઇદાના જવાહિરી ભારત સહિત આસપાસના દેશોમાં અલ કાઇદાની શાખા ખોલવાની વાત કરે ત્યારે સૌથી વધારે ચિંતા ભારતીય મુસ્લિમોની અને ભારતમાં ઇસ્લામની આબરૂની થાય છે. રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર હિંદુ-મુસ્લિમ વચ્ચેનો તનાવ પૂરતા પ્રમાણમાં વધારી મૂક્યો હોય, ત્યાં ‘અલ કાઇદા’  જેવા ત્રાસવાદીઓ ઇસ્લામના નામે અને મુસ્લિમોના નામે આવી પડે એટલે પરિસ્થતિ સુધરવાની નહીં, પણ બગડવાની ભીતિ રહે છે. 

Tuesday, September 09, 2014

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : જ્યારે ગાંધીજીએ સશસ્ત્ર સંગ્રામ માટે ખેડા જિલ્લામાં ભરતીઝુંબેશ ઉપાડી

દક્ષિણ આફ્રિકાથી જાન્યુઆરી, ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું. રસ્તામાં થોડા મહિના લંડન રહેલા ગાંધીજી ‘બ્રિટિશ પ્રજાજન’ તરીકે યુદ્ધમાં પ્રાથમિક સારવારની સેવા આપવાની તૈયારી બતાવી ચૂક્યા હતા. એ માટેની બાકાયદા તાલીમ પણ તેમણે અને એ વખતે લંડનમાં વસતા બીજા કેટલાક હિંદીઓએ લીધી. પરંતુ ભારત આવ્યા પછી તે ભારતને સમજવામાં ગુંથાયા. બે જ વર્ષમાં  સરકાર સામે ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો.

ખેડામાં દુષ્કાળની સ્થિતિમાં મહેસૂલમાફી માટે લડત ચાલતી હતો, ત્યારે દિલ્હીમાં વાઇસરોયે યુદ્ધ પરિષદ ભરી. તેમાં ભારતીય આગેવાનોને નિમંત્રીને યુદ્ધમાં તેમનો સહકાર માગ્યો. એ સભા પછી  ગાંધીજીએ ‘રંગરૂટ’ની ભરતીનું કામ હાથમાં લીઘું. (અંગ્રેજી ‘રિક્રુટ’ને ગુજરાતી અપભ્રંશ થયું ‘રંગરૂટ’.) આ ‘રીક્રુટ’ એટલે કે રંગરૂટે યુદ્ધમોરચે જઇને સેવાશુશ્રુષા કરવાની ન હતી. તેમણે શસ્ત્રો ધારણ કરવાનાં હતાં અને બ્રિટન વતી ખપી જવાનું હતું.

અહિંસાને વરેલા ગાંધીજીએ સશસ્ત્ર સૈન્યભરતીનું કામ કયા હેતુથી હાથમાં લીઘું? અભ્યાસી લેખક (સગપણમાં ગાંધીજીના પૌત્ર) રાજમોહન ગાંધીએ લખ્યું છે કે દિલ્હીની પરિષદમાં ગાંધીજીએ ખેડાનો સત્યાગ્રહ ચાલુ રાખવાની અને યુદ્ધમાં સરકારને સહયોગ આપવાની વાત કરી. વાઇસરોય એ વિશે વિચારવા તૈયાર હતા, પણ ગૃહમંત્રી સર વિલિયમ વિન્સેન્ટે ગાંધીજીને કહ્યું,‘તમે તો સ્થાનિક અમલદારોને ઘણો ત્રાસ આપી રહ્યા છો... યુદ્ધપ્રયાસમાં તમે શી મદદ કરી છે? એક પણ સૈનિકની ભરતી કરાવી છે?’ ટોણા જેવા આ સવાલના જવાબમાં  ગાંધીજીએ સૈન્યભરતીનું કામ હાથ ધર્યું.

ખેડા સત્યાગ્રહ ત્યારે ચાલુ હતો. સ્થાનિક લોકો સાથે ઠીકઠીક પરિચય હોવાને કારણે ગાંધીજીએ રંગરૂટની ભરતીની શરૂઆત ખેડા જિલ્લાથી કરી. આ કાર્યક્રમ કોંગ્રેસે નહીં, પણ ગુજરાત સભાએ ઉપાડ્યો હતો. (શરૂઆતનાં વર્ષોમાં ગુજરાતમાં ગાંધીજી એ સંસ્થા મારફતે સક્રિય હતા.) વલ્લભભાઇ જેવા સાથીને રંગરૂટની ભરતી અંગે ગાંધીજીનું વલણ પૂરેપૂરું ન સમજાયું. વ્યવહારુ મુશ્કેલી એ પણ હતી કે સત્યાગ્રહ વખતે  અંગ્રેજી સરકારના કડવા અનુભવો ખેડા જિલ્લાના લોકોના મનમાં તાજા હતા. હવે એ જ લોકોને, એ જ સરકાર માટે ખપી જવા માટે પ્રેરવાના હતા. પણ વલ્લભભાઇ ગાંધીજી સાથે જોડાઇ ગયા. તેમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા તો ખરી જ. ઉપરાંત, રાજમોહન ગાંધીના મતે,‘ગુજરાતીઓ હથિયાર વાપરતા શીખે એ ખ્યાલ પણ તેમને ગમતો હતો.’

પહેલા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીના મનમાં બ્રિટિશ સામ્રાજ્યના ‘વફાદાર નાગરિક’ તરીકેનો ખ્યાલ દૃઢ હતો. યુદ્ધ ચાલુ હતું ત્યારે ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી રાજકીય પરિષદમાં તેમણે કહ્યું હતું, ‘સર વિલિયમ વિલસન હંટર લખી ગયા છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ધાર્યું મેળવવાનો સીધામાં સીધો રસ્તો રણસંગ્રામમાં મેળવેલો વિજય છે. જો (ભારતનો) શિક્ષિત વર્ગ મૂંગે મોંહે આ વેળા લડાઇમાં જોડાઇ શકત તો મારી ખાત્રી છે કે આપણને માગ્યું હમણાં જ મળત, એટલું જ નહિ પણ એ મળ્યાની ખુબી ઓર જ હત. આપણે ઘણી વેળા કહીએ છીએ કે હિંદુસ્તાનના ઘણા સિપાહી ફ્રાન્સનાં મેદાનમાં અને મેસોપોટેમિયાનાં મેદાનમાં કપાઇ મૂઆ છે. આનો જશ આપણે શિક્ષિતવર્ગ નથી લઇ શકતા. એ સિપાહીઓને તૈયાર આપણે નથી કર્યા. એ સિપાહીઓ દેશાભિમાનથી નથી ગયા. તેઓને સ્વરાજની ખબર નથી. લડાઇને અંતે તેઓ સ્વરાજ માગવાના નથી...’

ગાંધીજીના મતે, શિક્ષિતો માટે આશ્વાસન ફક્ત એેટલું જ હતું કે એ વર્ગને લડાઇથી અને શસ્ત્રોથી દૂર રાખવા માટે અંગ્રેજ સરકાર જવાબદાર હતી. યુદ્ધ પરિષદ સ્વરૂપે અંગ્રેજ સરકારે એ તક પૂરી પાડી. ગાંધીજીને લાગ્યું કે શિક્ષિત ભારતીયોએ આ તક ઝડપી લેવી જોઇએ.

યુદ્ધમાં જોડાવા માટે તેમણે જૂન ૨૨,૧૯૧૮ના રોજ પહેલી પત્રિકા કાઢી ત્યારે ખેડા સત્યાગ્રહ ચાલુ હતો. એ પત્રિકામાં તેમણે લખ્યું હતું, ‘સરકારને પાંચ લાખ માણસ લશ્કરને સારૂ આ સમયે જોઇએ છે. આ માણસોને ગમે તેમ કરી સરકાર મેળવશે. આપણે જો આટલાં માણસો આપીએ તો આપણે જશ મેળવીએ...ભરતીનું બઘું કાર્ય આપણે હાથ આવે એ કાંઇ જેવીતેવી સત્તા નથી...જો તેની દાનત શુદ્ધ ન હોય તો સરકાર આપણી મારફતે ભરતી ન કરાવે.’

‘ઇંગ્રેજી પ્રજાના ગુણો ઉપર મારો વિશ્વાસ છે, તેથી જ હું ઉપર પ્રમાણે સલાહ આપી શકું છું એ મારે કબૂલ કરવું જોઇએ...હું માનું છું કે એ પ્રજાએ હિન્દુસ્તાનનું ઘણું નુકસાન કર્યું છે છતાં તે પ્રજાની સાથે રહેવામાં આપણને લાભ છે. તે પ્રજાના ગુણદોષનું માપ કરતાં મને તો ગુણનું માપ ચઢીઆતું જણાય છે.’

‘જે આશા હું ખેડા જિલ્લાની અને ગુજરાતની રાખું છું તે પાંચસો-સાતસો માણસની ભરતી કરવાની નહિ, પણ હજારોની. ગુજરાત ‘નમાલા’ના કલંકમાંથી નીકળવા માગે તો તેણે હજારો સિપાહીઓ આપવા જોઇએ...જેને ઉમરલાયક દીકરા છે તેઓ દીકરાને મોકલતાં જરાએ નહિ અચકાય એવી મારી ઉમેદ છે. લડાઇમાં દીકરાનો ભોગ આપવો એ દુઃખકર નહિ પણ વીર પુરૂષને સુખકર હોવું જોઇએ. આ વેળાએ દીકરાનો ભોગ તે સ્વરાજ્યને ખાતર અપાયો હશે....’

આમ, એ સમયે ગાંધીજીના મનમાં વિશ્વયુદ્ધમાં ભાગ લેવો અને સ્વરાજ્યની લડતમાં ભાગ લેવો તે બરાબર હતું. રંગરૂટની ભરતીઝુંબેશમાં ગાંધીજી સાથે વલ્લભભાઇ ઉપરાંત મહાદેવ દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞિક, માવળંકર, મોહનલાલ પંડ્યા ‘ડુંગળીચોર’, રાવજીભાઇ પટેલ જેવા કાર્યકરો જોડાયા હતા. પણ આ કામ સત્યાગ્રહ કરતાં ઘણું વધારે કઠણ હતું. લડત માટે ટોળાંમાં ઉમટતા લોકો ભરતીની સભાઓથી દૂર રહેતા હતા. સરખો આવકાર પણ મળતો ન હતો.

ભરતીના પ્રયાસોને ધારી સફળતા ન પડતાં જુલાઇ ૨૨,૧૯૧૮ના રોજ ગાંધીજીએ નડિયાદથી બીજી પત્રિકા પ્રગટ કરી. તેમાં લખ્યું હતું, ‘...હજુ ઘણા માણસોએ ભરતીમાં આવવા પોતાનાં નામ નથી લખાવ્યાં. ભાગ્યે સો માણસ થયાં હશે...સમજુ વર્ગમાં એવા મેં જોયા કે જેઓને આ કાર્યને વિષે શ્રદ્ધા નથી. તેઓને સારૂ આ પત્રિકા લખી છે...જે સરકારે આપણી ઉપર જુલમો ગુજાર્યા છે, જેણે આપણને શસ્ત્રરહિત કર્યા છે, જેણે આપણે બ્હીવડાવીને રાજકારભાર ચલાવ્યો છે, જેણે આપણો પૈસો હરી લીધો છે તેને મદદ કરવા કેમ જઇએ? અમને ઉમળકો જ નથી આવતો. આ દલીલ ભારેમાં ભારે છે. તેનો જવાબ સહેલાઇથી નથી આપી શકાતો એ હું કબુલ કરી લઉં છું. પણ આ સવાલ આ સમયે ઉઠાવવો એ ટૂંકી નજર છે. પાછલા દોષો યાદ કરી અત્યારે થતો લાભ જતો કરવો એ વિચારવંતનું કામ નથી...’

‘યુદ્ધમાં દાખલ થવાથી આપણે આપણી ફરજ બજાવીએ છીએ એટલું જ નથી. યુદ્ધમાં દાખલ થવાથી આપણે સ્વરાજ્ય મેળવવાનો હક્ક પ્રાપ્ત કરીએ છીએ. દરેક સ્વરાજ્યવાદી બીજું કંઇ નહિ કરતાં માત્ર યુદ્ધમાં જોડાઇ જાય અને બીજાને પ્રેરે તો સ્વરાજ્ય આજે જ મળે એ હું આગલી પત્રિકામાં જ બતાવી ગયો છું...’

આટલેથી ન અટકતાં, ગાંધીજી લડતમાં જોડાવાનો આર્થિક લાભ દર્શાવવા સુધી ગયા. ‘અમે જઇએ તો અમારાં બૈરાં છોકરાંનું શું થાય? આ સવાલ તો સૌ પુછે. લડાઇમાં જનારને દર માસે કપડાં, ખાવાપીવા ઉપરાંત પગાર મળે છે. ઓછામાં ઓછો ૧૮ રૂપીઆ મળે અને લાયકાત મુજબ તેનો દરજ્જો વધે અને પગાર પણ વધે. જો તેનું મરણ થાય તો તેનાં બૈરાં-છોકરાંનું ભરણપોષણ સરકાર કરે છે. લડાઇમાંથી પાછા ફરે તેને ઇનામ અકરામ મળે છે...જે આર્થિક લાભ સિપાહીગીરીમાં છે તે બીજા ધંધામાં નથી જ મળતો...’

અઢી મહિના સુધી તડકામાં રખડ્યા પછી ગાંધીજીએ કમિશનર પ્રાટને સો રંગરૂટોનાં નામ આપ્યાં. તેમાં પહેલું નામ ગાંધીજીનું અને બીજું વલ્લભભાઇનું હતું. થોડાં નામ આશ્રમવાસીઓનાં હતાં. આ ફોજને તાલીમ આપવા માટે ગુજરાતમાં લશ્કરી કેન્દ્ર ન હતું. કમિશનર પ્રાટે આ લોકોને બહાર મોકલવા સૂચવ્યું, પણ ગાંધીજી ખેડામાં જ લશ્કરી તાલીમ કેન્દ્ર શરૂ થાય એમ ઇચ્છતા હતા. કવાયતનો અનુભવ, કૂચકદમ અને બંદૂકબાજીથી બીજા લોકો લશ્કરમાં જોડાવા આવશે એવી તેમની ગણતરી હતી. એ બહાને પ્રજા નિર્ભય બનશે અને ભવિષ્યમાં એ નિર્ભયતાનો સત્યાગ્રહમાં ખપ લાગશે, એવો પણ તેમનો ખ્યાલ હતો.

નોંધાયેલાં સો નામની સામે ગાંધીજી અને સાથીદારોની રઝળપાટનો પાર ન હતો. રોજ વીસ-વીસ માઇલ ચાલવાનું થાય. તાપમાં રખડવાનું. ખાવા-પીવાનાં ઠેકાણાં નહીં. ક્યારેક રાંધવાનું ઠેકાણું પડે, તો ક્યારેક ગાંધીજી ભૂંજેલી સીંગ અને ગોળ પર ખેંચી કાઢે. રહેવાનું સરખું ન મળતાં વાસદના રેલવે સ્ટેશને બાંકડા પર રાત ગુજારી હોય એવું પણ મહાદેવભાઇએ નોંઘ્યું છે.

આકરા શ્રમ, અયોગ્ય ખોરાક અને નિરાશાની સહિયારી અસરથી ગાંધીજીની તબિયત બગડી. તેમને મરડો લાગુ પડ્યો. ભરતીનું કામ છોડીને તેમને અમદાવાદ જવું પડ્યું. તેમના જ શબ્દોમાં, ‘જે શરીરને હું આજ લગી પથ્થર જેવું માનતો તે શરીર ગારા જેવું થઇ ગયું.’ શરીર વળે એ માટે દૂધ, ઇંડાં કે માંસ તો એ લે નહીં. છેવટે એક ડોક્ટરે દૂધ લેવાનો આગ્રહ કર્યો. ગાય-ભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી ગાંધીજીએ દૂધ બંધ કર્યું હતું, પણ કસ્તૂરબાએ બકરીનું દૂધ લેવા સૂચવ્યું. ગાંધીજીએ લખ્યું છે કે ‘સત્યાગ્રહની લડાઇના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો...’ ‘આત્મકથા’માં તેમણે લખ્યું,‘બકરીનું દૂધ પીતાં રોજ દુઃખ અનુભવું છું, પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી.’

પહેલા વિશ્વયુદ્ધ પછીના અરસામાં ‘રૉલેટ એક્ટ’ દ્વારા અંગ્રેજ સરકારની અસલ દાનત પ્રગટ થઇ. સરકારને અબાધિત સત્તા આ કાયદા પછી ગાંધીજી બ્રિટિશ સરકારના વફાદાર પ્રજાજન મટીને ‘બળવાખોર’ અસહકારી બન્યા.  

Sunday, September 07, 2014

‘બે યાર’ : ગુજરાતીપણાનો જલસો

ફિલ્મો વિશે લખવાનું બને ત્યાં સુધી ટાળું છું. કારણ કે ફિલ્મો મોટે ભાગે અંગત પસંદગીનો વિષય હોય છે. ગમે તો ગમે. ન ગમે તો ન ગમે. ઘણા વધારે મહત્ત્વના મુદ્દા બાજુ પર મૂકીને, ફિલમ વિશે ‘ચર્ચા’ કરવી- ખાસ કરીને અઘૂરા ઘડાઓ સાથે- એ પાણી વલોવવા જેવું લાગે છે : થાક લાગે ને માખણ નીકળવાનું ન હોય. દર દસમાંથી અગિયાર લોકો ફિલ્મો વિશે લખતા હોય અથવા લખવા ઉત્સુક હોય ત્યાં સુધી ઠીક છે, પણ તેમાંથી ઘણા પોતાની જાતને ફિલ્મના જાણકાર ગણતા હોય, ત્યારે ફિલ્મ વિશે લખવાની રહીસહી ઇચ્છા પણ નાબૂદ થઇ જાય.

છતાં, ‘બે યાર’/ Bey Yaar એવી ફિલ્મ છે, જેના વિશે લખવાનો દિલથી ઉમળકો થયો. અભિષેક જૈને બનાવેલી પહેલી ફિલ્મ ‘કેવી રીતે જઇશ?’ પણ એ જ પ્રકારમાં આવતી હતી. ‘બે યાર’ સાવ જુદી રીતે, છતાં ‘કેવી રીતે જઇશ’ જેટલો જ - કદાચ એનાથી પણ વધારે- જલસો કરાવે છે.

Bey Yaar - A Gujarati Movie with a (positive) difference
આ ફિલ્મમાં (અને ‘કેવી રીતે જઇશ?’માં પણ) આરંભથી અંત સુધી ચાલતો સ્વાભાવિકતા અને હળવાશનો પ્રવાહ બહુ આકર્ષક છે. ફિલ્મમાં કશી જાડી કે સસ્તી રમૂજ વિના, કેવળ અન્ડરકરન્ટ તરીકે હ્યુમરનો પ્રવાહ વહાવવાનું અઘરું છે, પરંતુ અભિષેક જૈનને એ ‘ફાવે છે.’ (‘ફાવે છે’ એ પરમ મિત્ર, અર્બન ગુજરાતી ફિલ્મોમાં ‘બેટરહાફ’ જેવું મજબૂત પ્રદાન કરનાર અને ‘બે યાર’માં મહેમાન કલાકાર તરીકે દેખા દેતા આશિષ કક્કડનો પ્રિય શબ્દપ્રયોગ છે) આટલી સ્વચ્છ અને સ્વાભાવિક હ્યુમરમાંથી ઘણી તો રોજિંદા, બોલચાલના શબ્દોને પડદા પર બોલાતા સાંભળીને થતી હોય. પણ એની સાથે તરત જ અને સીધું જોડાણ અનુભવાય છે.

પોતીકાપણું એ ‘કેવી રીતે જઇશ?’ની જેમ ‘બે યાર’નો પણ જબરદસ્ત સ્ટ્રોંગ પોઇન્ટ છે. ગુજરાતીપણું, અમદાવાદ, ગુજરાતીઓની લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ, રમુજી ટેવો, હાસ્યપ્રેરક ને હાસ્યાસ્પદ વૃત્તિઓ- આ બઘું અભિષેક જૈને ફક્ત અરીસામાં ઝીલીને સામે બતાવવા જેવા સ્થિર ભાવે કર્યું છે. એમાં કટાક્ષનો નહીં, પણ ‘આપણે ગુજરાતીઓ કેવા છીએ, નહીં?’ એવો ભાવ છે. ગુજરાતી દર્શક તરીકે આપણે આપણી મર્યાદાઓ ઉપર પણ ખડખડાટ હસી શકીએ છીએ- અને એ અભિષેકની મોટી સિદ્ધિ છે.

ગુજરાતીઓનું કેરિકેચરિંગ- અતિચિત્રણ સિરીયલોમાં અને ફિલ્મોમાં બહુ ભદ્દી રીતે થતું હોય છે. અભિષેકની ફિલ્મો જોઇને ખબર પડે છે કે રમુજ પેદા કરવા માટે અતિચિત્રણ કરવાની કશી જરૂર નથી. સેન્સીબલ-સમભાવી એવું વાસ્તવિક ચિત્રણ જ પૂરતું છે. સાહજિકતા માટે અભિષેકે સભાન પ્રયાસ જો કર્યો હોય તો પણ એ જણાતો નથી, એ એ તેમની ખૂબી કહેવાય.

ફિલ્મનું સંગીત એકદમ આઘુનિક હોવા છતાં, એકદમ ગુજરાતી છે. નામી સંગીતકારોને ‘ગુજરાતી’ ચીજ બનાવવાની થાય ત્યારે તે જેવો દાટ વાળે, એવું અહીં બિલકુલ નથી. બલ્કે, ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુખ્ય કથાપ્રવાહનો એક ભાગ બનીને આવે છે.

કેટલાક પરિચિત અને સાચા કથાતંતુ પરથી અમુક પ્લોટ વિકસાવાયા હોય એની પણ એક મજા છે. જેમ કે, અશોક જાડેજાનું એકના ડબલ કરવાનું ઠગાઇકૌભાંડ અથવા એમ.એફ.હુસૈનના અડ્ડા જેવી ચાની દુકાન ‘લકી’ની દીવાલ પર રહેલું, હુસૈને ‘લકી’ના માલિકને ભેટ આપેલું બહુમૂલ્ય ચિત્ર. આ તંતુઓનો કથામાં સરસ રીતે ઉપયોગ થયેલો હોવાથી, જેને એ ન ખબર હોય એની મઝા ઓછી થતી નથી, પણ જેમને ખબર હોય એમની મઝા વધે છે.

ખાસ્સી અઢી કલાક લાંબી (અને પકડવા ધારેલી ટ્રેન જવા દીધાનો ખેદ ન થાય એવી) આ ફિલ્મમાં ‘ઇન્ટરવલ પછી ફિલ્મ નબળી પડે છે’ એવો રીવ્યુકારોનો સ્ટાન્ડર્ડ  અભિપ્રાય લાગુ પાડી શકાય એમ નથી. હ્યુમરનો પ્રવાહ મંદ પડે અને ગંભીર ટ્રેક થોડા પ્રભાવી બને ત્યારે એવું થાય કે આ લાંબું ચાલશે તો.... પણ એવું થતું નથી. તરત મૂળ હળવો પ્રવાહ આવી જાય છે.

સામાન્ય બોલચાલમાં છૂટથી બોલાતા શબ્દકોશની અંદરના - અને કેટલાક બહારના- શબ્દો પણ એટલી સાહજિકતાથી આવે છે કે તેને ખરા અર્થમાં પાત્રાલેખનની જરૂરિયાત કહી શકાય.

***

ફિલ્મોની જાહેરખબરોમાં લખાતું હોય છે તેમ, આ ફિલ્મ ‘સપરિવાર’ જોઇ- પત્ની અને સાતમા ધોરણમાં ભણતી દીકરી સાથે. અમને ત્રણેને બહુ મઝા આવી. (છેલ્લે ફિલ્મના નિર્માતા અને કેટલાક કલાકાર સરપ્રાઇઝ તરીકે પ્રગટ રહ્યા અનેે બધાનો આભાર માનીને આ ફિલ્મ વિશે શક્ય એટલી વાત ફેલાવવા દર્શકોને વિનંતી કરી.)

થેન્ક્‌સ અભિષેક જૈન, આવી સરસ ફિલ્મ બનાવવા બદલ. અભિષેક જૈન ઉપરાંત આ ફિલ્મમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે સંકળાયેલા મિત્ર અભિષેક શાહ સહિત આખી ટીમને ખૂબ અભિનંદન.

તમારે હજુ આ ફિલ્મ જોવાની બાકી છે? બે યાર...આવું ચાલતું હશે? જોઇ પાડો, વહેલી તકે.


તાજાકલમ નહીં, પણ ‘આડકલમ’ : ‘બે યાર’ વાંચું, સાંભળું કે બોલું એટલી વાર MMCJની મારી ક્લાસમેટ માનસી શાહ યાદ આવે છે. છેલ્લાં બે વર્ષમાં અનેક વાર મસ્ત અમદાવાદી વજન અને લઢણમાં એના મોઢેથી સાંભળ્યું છે : બ્બે ય્યાર..

Friday, September 05, 2014

થોડું શિક્ષણચિંતન : વિઝન ૨૦૨૫

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ એવું વિધાન ચાણક્યના નામે જાણીતું બલ્કે ચવાયેલું છે. ચંદ્રગુપ્તના રાજમાં ‘વિદ્યાસહાયકો’ ન હતા, એટલે ચાણક્ય બેધડક આવું કહી શક્યા. બીજું એ પણ ખરું કે ચાણક્ય પોતાની જાતને મૂળભૂત રીતે શિક્ષક ગણતા હતા (જેમ છઠ્ઠા પગારપંચ પહેલાંના યુગમાં સમાજના ઘણા લોકો અઘ્યાપકોને ‘મૂળભૂત રીતે માસ્તર’ ગણતા હતા.) એટલે શિક્ષકો પ્રત્યે તેમનો પક્ષપાત સમજી શકાય.

પરંતુ ચાણક્ય વિશે અને તેમના સમયના બીજા શિક્ષકો વિશે કેટલીક અગત્યની માહિતી સંતોષકારક રીતે જાણવા મળતી નથી. જેમ કે, ચાણક્ય ત્રણ પાળીમાં ટ્યુશનક્લાસ ચલાવતા હતા? જેટલી વાર ચંદ્રગુપ્તની - અને ધીમે ધીમે કરતાં મગધના કોઇ પણ માણસની- વાત નીકળે એટલી વાર, ‘એંહ, એ તો મારો વિદ્યાર્થી’ એવું કહેતા હતા? મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતાના માણસને ગોઠવવા માટે ચાણક્યે કંઇ કર્યું હતું? ચંદ્રગુપ્તની નજરે (આંખે નહીં, નજરે) ચડીને,મગધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગોઠવાઇ શકાય એ માટે ચાણક્યને પ્રસન્ન કરવા માટે એ સમયના બીજા આચાર્યોએ કશું કર્યું હતું?

ચાણક્યના જમાનામાં પેપરો ફૂટતાં હતાં? પેપરો ફૂટતાં અટકાવવા માટે ચાણક્યે તેમના ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’માં કોઇ સૂચનાઓ આપી છે? તક્ષશીલા-નાલંદાના કુલપતિઓ ‘બાઉન્સર’ રાખતા હતા? તેમને પોતાની સુરક્ષાની અને રાજાઓને વહાલા થવાની ચિંતા હરપળ સતાવતી હતી? એ સમયના શિક્ષણમંત્રીઓ ચાણક્યની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકાય અને તેમને પણ આદેશો આપી શકાય એ માટે પરદેશી યુનિવર્સિટીઓમાંથી એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સ કરી લાવતા હતા?

ચાણક્યના જમાનામાં નામી સરકારી મહાવિદ્યાલયોની સાથોસાથ મોંમાગી સુવર્ણમુદ્રાઓ લઇને ઇચ્છિત ડિગ્રી આપતાં સેલ્ફ ફાયનાન્સ્ડ મહાવિદ્યાલયો હતાં? ‘ગ્રીસની યુનિવર્સિટી સાથે અમારું જોડાણ છે. અમારે ત્યાંથી કોર્સ કરનારને ગ્રીસ જવાની શાહી પરવાનગી સત્વરે મળી જશે’ એમ કહીને દેશી વિદ્યાર્થીઓને આકર્ષવાનો ત્યારે રિવાજ હતો? ચંદ્રગુપ્તના રાજમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવો થતા હતા? શિક્ષણક્ષેત્રે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં કેટલાં નાણાં ખર્ચવાં જોઇએ, એ વિશે કૌટિલ્યે કશું ચિંતન કર્યું હતું? (કે એ બાબતમાં ગુજરાત સરકાર તેમના કરતાં બે ડગલા આગળ નીકળી ગઇ કહેવાય?)

ચાણક્યના જમાનામાં ચંદ્રગુપ્ત આખા મગધના શિક્ષણની માઠી દશા કર્યા પછી, શિક્ષકોનું દેશના ઘડતરમાં કેટલું મહત્ત્વ છે તેનાં ભાષણ ઝૂડી શકતો હતો? અને ચંદ્રગુપ્તનું ભાષણ એકસાથે મગધનાં તમામ શિક્ષણકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ત્યારે ગોઠવાયેલી હતી? શિક્ષણના ચાણક્યયુગમાં મોટા ભાગની ખાનગી સ્કૂલો ચંદ્રગુપ્તના દરબારીઓની કે તેમનાં સગાંવહાલાંની હતી? અને નફાખોરીની બાબતમાં ‘સો દુકાનો બરાબર એક સ્કૂલ’નું સમીકરણ ત્યારે પ્રચલિત હતું?

ચંદ્રગુપ્તના રાજમાં દરેક વર્ષે ઉઘડતી સ્કૂલે પાઠ્યપુસ્તકો પહોંચવામાં કકળાટ થતો હતો? પાઠ્યપુસ્તકોની સાથે ચંદ્રગુપ્તના મળતીયાઓનાં પુસ્તકો પૂરક વાચન તરીકે ધૂસાડવામાં આવતાં હતાં? એ જમાનામાં ‘વિદ્યાવાચસ્પતિ’ની જેમ ‘વિદ્યાવાણિજ્યપતિ’ની કોઇ ઉપાધિ મળતી હતી? આખા મગધની વિદ્યાપીઠોમાં કોણે નક્કી કરેલો અભ્યાસક્રમ ચાલે, એ બાબતે ચંદ્રગુપ્ત-ચાણક્ય વચ્ચે કદી ખટરાગ થતો? અને ચાણક્ય મગધ છોડીને ગયા એ માટે આવો કોઇ ખટરાગ જવાબદાર હતો?

આવા અનેક સવાલ ઊંડું સંશોધન માગી લે છે. ચાણક્ય મગધ છોડીને કેમ પોતાની વિદ્યાપ્રવૃત્તિમાં પાછા જોડાઇ ગયા, એવો સવાલ અત્યારના કોઇ ‘વિદ્યાવાણિજ્યપતિ’ (શિક્ષણના વેપારી)ને પૂછવામાં આવે તો એ રીઢા બિઝનેસમેન જેવા (‘હું કેવો સ્માર્ટ, તમે કેવા ડફોળ’ પ્રકારના) સ્મિત સાથે કહી દેશે, ‘રાજ કરીને શું લેવાનું? એ લોહીઉકાળામાં કોણ પડે? એના કરતાં આપણી જેટલી સ્કૂલો-કોલેજો છે એ ચલાવીને બેસી રહીએ તો બખ્ખા જ બખ્ખા છે.’

આધુનિક ભારતમાં શિક્ષકનો ભાવ નથી, એવું તો કેમ કહેવાય? ક્લાસીસના આયોજકો ટ્યુશન ચલાવે છે કે ટંકશાળ, એ નક્કી કરવું અઘરું છે. બારમા ધોરણ માટેનાં એડમિશન બે વર્ષ પહેલાં અને એડ્‌વાન્સ રૂપિયા આપીને લઇ લેવાં પડે એવી સ્થિતિ છે. શિક્ષક બનવા માટે પણ છ આંકડાની રકમ આપવી પડે છે. શિક્ષકનો ભાવ ન હોય તો આ શી રીતે શક્ય બને?

-અને શિક્ષણની કિંમત નથી, એવું કહેવાની હિંમત જ શી રીતે ચાલે? ભણવા માટે લોન લેવી પડે એવી ફી હોય છે અને એ રીતે ભણ્યા પછી મોટા ભાગના લોકોને મળતી નોકરી એવી હોય છે કે લોન પાછી ભરવાનાં ફાંફાં પડે. પહેલાંના જમાનામાં સંસારી, બચરવાળ માણસો માંદગી માટે રૂપિયા બચાવી રાખતા હતા અને ક્યારેક તેમાં દેવાદાર પણ થઇ જતા હતા. આઘુનિક યુગમાં શિક્ષણની એટલી બધી ‘કિંમત’ છે કે બાળકોને ભણાવવા માટે લોકો રૂપિયા બચાવી રાખે છે અને દેવું કરે છે. ‘દેવું કરીને પણ ઘી પીઓ’ એવું ચરક-વાક્ય હવે બદલાઇ ગયું છે : ‘દેવું કરીને પણ ડિગ્રી લઇ આવો.’ શિક્ષણનો ધંધો એવો છે કે મોટાં કોર્પોરેટ હાઉસને પણ તેમાં એકાદ આંગળી રાખવાનું મન થાય.

પહેલાં લોકો સાતમું ધોરણ પાસ થયા પછી નોકરી માટે લાયક ગણાતા હતા. હવે બી.ઇ. થયા પછી પણ નોકરી માટેની લાયકાત શંકાસ્પદ રહે છે. દેશદ્રોહીઓ એનાથી દુઃખી થાય છે. ખરેખર તો તેમણે રાજી થવું જોઇએ કે આપણા દેશમાં શિક્ષણનું સ્તર કેટલું ઊંચું ગયું. ‘વિઝન ૨૦૨૫’ તો એ હોવું જોઇએ કે દરેક સરકારી ઓફિસનો ચોથા વર્ગનો કર્મચારી ઓછામાં ઓછો પીએચ.ડી. હશે અને ભલું હશે તો એકાદ ફોરેન યુનિવર્સિટીની ડિગ્રી પણ તેની પાસે હશે.

દેશમાં ડિજિટલ ક્રાંતિ થયા પછી ડિગ્રીઓ ‘ઑન ડીમાન્ડ’ મળતી હશે. ઇ-કોમર્સની સાઇટો પરથી તેને ‘કેશ ઑન ડિલીવરી’ તથા ‘ફ્રી હોમ ડિલીવરી’ના ઑપ્શન સાથે ખરીદી શકાશે. દરેક ડિગ્રી સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીર છપાઇને આવે અને એવી તસવીર ન હોય એ ડિગ્રી નકલી ગણાશે, એવો કાયદો થાય તો પણ નવાઇ નહીં. ભારતમાં ડિગ્રીનું માર્કેટ ખુલી ગયા પછી વિદેશી હુંડિયામણની આવકમાં ભારે ઉછાળો આવશે. પહેલાં ભારતના ઠોઠ માલેતુજારો પરદેશ જઇને ભળતીસળતી ડિગ્રીઓનું શોપિંગ કરી લાવતા હતા. ભવિષ્યમાં ભારતીય ડિગ્રીઓનું બજાર એવું ગરમ થશે કે પરદેશી ટુરિસ્ટ શિયાળામાં ભારત ફરવા આવશે ત્યારે પાછા જતી વખતે પોતાના માટે કે પોતાના સંતાનો-યારો-દોસ્તો માટે બે-ચાર ડિગ્રી સર્ટિફિકેટ ખરીદતાં જશે.

ભારતના શિક્ષણનો એ સુવર્ણયુગ હશે. તેની કલ્પના કરતાં શરીરમાંથી રોમાંચનું લખલખું પસાર થઇ જાય છે. કેટલાકને તે ભયની ધ્રુજારી લાગે તો એ તેમની દૃષ્ટિનો દોષ ગણાય. 

Wednesday, September 03, 2014

આઇસ બકેટ ચેલેન્જ : પ્રચાર, પ્રસિદ્ધિ અને ‘પુણ્ય’ની રમત

તાવગ્રસ્ત દર્દીને તપાસ્યા પછી ડોક્ટર કહે કે ‘વાઇરલ છે’, એટલે તેનું ગુજરાતી ઘણા દર્દીઓ એવું કરે છે કે ‘સાહેબને ખબર પડી લાગતી નથી.’ આ રમૂજ યાદ આવવાનું સાવ ભળતું કારણ એ છે કે ઇન્ટરનેટ ઉપર પણ કોઇ ચીજ ‘વાઇરલ’ થાય ત્યારે એનું કારણ લોકોને સમજાતું નથી. ‘વાઇરલ’ એટલે કે વિષાણુના ચેપની ઝડપે કોઇ વિડીયો કે તસવીર કે પોસ્ટ ફેસબુક-ટિ્‌વટર પર ફેલાઇ જાય - ‘નેટીઝન’ તરીકે ઓળખાતા ઇન્ટરનેટપ્રેમીઓની આલમમાં તે એવી પ્રસરી જાય કે તેના વિશે ન જાણનારા ગુફાવાસી ઠરે.

થોડાં વર્ષ પહેલાં ‘કોલાવરી’ ગીતે ઇન્ટરનેટ પર એવો તહલકો મચાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં કોલાવરી ને તેનાં અનેક વર્ઝન. છેલ્લા એકાદ મહિનાથી ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’/ ALS IceBucketChallenge તરીકે ઓળખાતી મસ્તી ‘વાઇરલ’ બની છે. અમેરિકાની નામી હસ્તીઓ બાથરૂમમાં નહીં પણ જાહેરમાં, (મોટે ભાગે) પૂરાં વસ્ત્રો પહેરીને, ઠંડું પાણી ભરેલી ડોલ આખેઆખી ઊંધી પાડીને જાતે માથાબોળ સ્નાન કરે છે અથવા કોઇને પાસે આખી ડોલ રેડાવે છે. જાહેર સ્નાનની વિડીયોે ફેસબુક-ટિ્‌વટર પર મૂકીને, બીજા મિત્રો-સ્નેહીઓને આવી મસ્તી કરવા પ્રેરે છે.

આ થયો ‘આઇસ બકેટ’નો ભાગ. તેની પહેલાં આવતા ટૂંકાક્ષરો એ.એલ.એસ. એક ગંભીર બિમારી સૂચવે છે, જેનું આખું મેડિકલ નામ છે : એમાયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ /Amyotrophic Lateral Sclerosis કારકિર્દીના મઘ્યાહ્ને આ રોગનો શિકાર બનેલા અમેરિકાના વિખ્યાત બેઝબોલ ખેલાડી લુ ગેરીગ/ Lou Gehrig પરથી આ રોગ ‘લુ ગેરીગ્ઝ ડિસીઝ’/ Lou Gehrig's disease તરીકે પણ ઓળખાય છે.

ક્યાં મગજ-કરોડરજ્જુના કોષોને ક્રમશઃ ખતમ કરીને વ્યક્તિને સદંતર પંગુ અવસ્થામાં ધકેલતો-મોટે ભાગે જીવલેણ પુરવાર થતો આ ખતરનાક રોગ? અને ક્યાં પાણીદાર ઘુળેટીની યાદ અપાવે એવી, પોતાનાી ઉપર ટાઢુંબોળ પાણી રેડવાની મસ્તી? આ બન્ને વચ્ચે શો સંબંધ? પરંતુ કોઇને તુક્કો સૂઝ્‌યો કે મસ્તીભર્યા બકેટ-સ્નાનને મહાગંભીર એવા એએલએસ સાથે સાંકળી દેવામાં આવે અને એ બહાને લોકોને વિશે જણાવીને, તેમની પાસે દાન માગી શકાય તો?

Ice Bucket Challenge version of famous painting 'The
Scream' (courtesy : mustansir, salil tripathi)

એક આઇડીયા એવો હતો કે પોતાની બકેટ-સ્નાન વિડીયો ફેસબુક કે ટિ્‌વટર પર મૂકીને, તેમાં બીજા મિત્રોને નામજોગ ‘ચેલેન્જ’ કરવામાં આવે : ‘મારી માફક જાહેરમાં ટાઢા પાણીની ડોલ શરીર ઊંધી પાડો અને એ ન થાય તો એએલએસ માટે દાન કરો.’ પરંતુ જોતજોતાંમાં એ ‘ચેલેન્જ’ને બદલે ‘રમત’ બની ગઇ. પોતાના માથે ટાઢું પાણી રેડવાનું ને  દાન પણ આપવાનું. એમાં ઓપ્રા વિન્ફ્રે, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્‌સ, ડેવિડ બેકહમ સહિત વિવિધ ક્ષેત્રોનાં મોટાં માથાં પણ સામેલ થયાં.

‘સારા કામ માટે આટલું કરવામાં વાંધો શો છે?’ એવી સદ્‌વૃત્તિથી માંડીને ‘આવા મોટા લોકો કરે છે, તો આપણે પણ કરીએ.’ અને ‘બાકાત રહીને આપણે ક્યાંક આઉટ ઑફ ફેશન ગણાઇ ન જઇએ’ એવી દેખાદેખીને કારણે અત્યાર લગી હજારો લોકોએ તેમાં ભાગ લીધો છે. બિલ ગેટ્‌સે તો વળી હેન્ડલ ખેંચવાથી માથા પર રહેલું ઠંડા પાણીનું બકેટ ઊંઘું થાય એવું ખાસ પ્રકારનું એક માળખું બનાવ્યું અને કાગળ પર તેની ડીઝાઇન તૈયાર કરવાનો તબક્કો પણ વિડીયોમાં મૂક્યો છે. ટૂંકમાં, ગેટ્‌સ જેવા લોકો માટે એ ‘મઝાની મઝા ને સેવાની સેવા’નો મામલો છે.

હૉકિંગ્ઝ ડિસીઝ

એએલએસનો દર્દી લુ ગેરિગ દાયકાઓ પહેલાં અમેરિકામાં જાણીતો બેઝબોલ ખેલાડી હતો, પણ છેલ્લા થોડા દાયકામાં આ રોગના સૌથી સેલિબ્રિટી દર્દી ખગોળશાસ્ત્રી સ્ટીવન હૉકિંગ છે. (ભવિષ્યમાં આ રોગ ‘હૉકિંગ્ઝ ડિસીઝ’ તરીકે ઓળખાતો થઇ જાય તો નવાઇ નહીં.) ૨૧ વર્ષની વયે તેમને આ રોગ લાગુ પડ્યો હતો. ત્યારથી હૉકિંગનું શરીર ધીમે ધીમે એવું લકવાગ્રસ્ત થતું ગયું કે તેમનું હલનચલન તો ઠીક, તેમની વાચા પણ જતી રહી.

હૉકિંગે રોગ સામે હાર માન્યા વિના ઝઝૂમવાનું અને કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલી વિશેષ સુવિધાઓ અને ટેકનોલોજીની મદદથી હૉકિંગ શારીરિક રીતે નિષ્ક્રીય થઇ ગયા હોવા છતાં, બેસ્ટસેલર પુસ્તકો લખે છે અને વખતોવખત સમાચારમાં પણ રહી જાણે છે. આઇસ બકેટ ચેલેન્જ જેવા ચેપી ટ્રેન્ડથી તે કેવી રીતે અળગા રહી શકે? હૉકિંગના નામે ‘આઇસ બકેટ ચેલેન્જ’ની વિડીયો જોવા મળે છે. હૉકિંગને પોતાને જોકે ઠંડા પાણીથી નહાવાનું (આરોગ્યની રીતે) જોખમી લાગતાં, તેમની હાજરીમાં પરિવારજનોએ બકેટવિધી સંપન્ન કર્યો છે.

હૉકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિક એએલએસના દર્દી અને તેની સામેની લડાઇના વિશ્વવિખ્યાત બ્રાન્ડ એમ્બ્સેડર હોવા છતાં, આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે- દાન ઉઘરાવવા માટે આઇસ બકેટ ચેલેન્જ જેવી પ્રવૃત્તિ હાથ ધરવી પડે એ અસલી વક્રતા છે- અને થોડા સમય પૂરતી એ હૉકિંગ કરતાં પણ વધારે પ્રસિદ્ધ થઇ જાય, એ ઇન્ટરનેટની ‘વાઇરલ’ પ્રકૃતિની લાક્ષણિકતા છે.

એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં એટલે કે એકાદ મહિનામાં આઇસ બકેટ ચેલેન્જના પ્રતાપે ચાર કરોડ ડોલરથી પણ વઘુ રકમ દાનમાં મળી ચૂકી છે. ઘેલછાગ્રસ્ત જાગૃતિનું આ મોજું શમીને વાઇરલ પ્રસારની તવારીખમાં ક્યારે સમાઇ જાય એ જોવાનું છે, પણ કોલાવરી હોય કે આઇસ બકેટ ચેલેન્જ, એક વાર તે ‘પકડાઇ’ જાય એટલે તેની સફળતાનાં કારણ શોધી કાઢવાનું સહેલું પડે છે. મૂળ ચીજમાં ન હોય એવી ખૂબીઓ  વિશ્લેષકો તેમાંથી શોધી કાઢે છે અને  લગે હાથ પોતાની વિદ્વત્તાનો છાકો પણ પાડતા જાય છે.

અંબા માતાના પરચાનું પહેલું પોસ્ટ કાર્ડ કોણે લખ્યું એ શોધવું જેટલું મુશ્કેલ હોય છે, એટલું જ અઘરું ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’નાં મૂળ શોધવાનું છે. પરંતુ એકાદ મહિનાના ટૂંકા ગાળામાં તેને મળેલી સફળતા પછી તેની સફળતા હવે થિયરીબાજીનો અને વાદવિવાદનો વિષય પણ બની છે.

ટીકાના છાંટા

આઇસ બકેટ ચેલન્જની સૌથી પ્રાથમિક ટીકા એ છે કે એએલએસ એકદમ ઓછો પ્રસાર ધરાવતો રોગ છે. અમેરિકામાં એએલએસના દર્દીઓની સંખ્યા લાખોમાં નહીં, માંડ થોડા હજારમાં છે. જાણીતા કાર્ટૂનિસ્ટ અને વ્યવસાયે રેડિયોલોજિસ્ટ ડૉ.હેમંત મોરપરિયાએ  લખ્યું હતું કે એએલએસના દર્દીઓ કરતાં અનેક ગણા વધારે લોકો ટીબી, મેલેરિયા જેવા રોગોનો ભોગ બને છે. અમેરિકામાં અલ્ઝાઇમર્સ અને ડાયાબિટી સહિતના રોગોનો ઘણો ઉપાડો છે. એ રોગો સામે લડવા માટે પણ નાણાંની એટલી જ જરૂર હોય છે અને તેનો ફાયદો વધારે લોકો સુધી પહોંચી શકે છે.

‘એએલએસ જ કેમ? કારણ કે આ વાઇરલ ગતકડું છે.’ એવો ઘ્વનિ ધરાવતી આ ટીકામાં વજૂદ છે. ‘ટાઇમ’ સાપ્તાહિકમાં એક લેખકે  એએલએસમાં પોતાના પિતા ગુમાવ્યા હોવા છતાં- અને બકેટ ચેલેન્જના તે આકરા ટીકાકાર ન હોવા છતાં- તેમણે એટલું તો કહ્યું જ છે કે ઘણા લોકો દેખાદેખીમાં બકેટ ઠાલવવા મચી પડ્યા છે અને તેમને એએલએસ કે તેને લગતી જાગૃતિ સાથે કશી લેવાદેવા નથી.

બકેટ ચેલેન્જ સામે તેમણે ઊભો કરેલો વાંધો એકદમ વાજબી લાગે એવો છે. તેમનું કહેવું છે કે માથે ટાઢા પાણીની ડોલ રેડતાં કે રેડાવતાં પહેલાં માણસ એએલએસ વિશે કંઇક કહે, દાન આપવાની વાત કરે અને પછી ડોલ ઊંધી પાડે તો સરખો પ્રચાર પણ થાય. એએલએસ ફાઉન્ડેશને શરૂઆતમાં એવી શરત રાખી હતી કે જે લોકો દાન ન આપવાના હોય એ જ બકેટ-સ્નાન કરે. પછીથી બકેટ ચેલેન્જના ઉત્સાહમાં આ શરત ગૌણ બની ગઇ. એટલું જ નહીં, ઘણા લોકો પૂરું સમજ્યા-વિચાર્યા વિના, કેવળ એક સોશ્યલ ટ્રેન્ડ તરીકે બકેટ ચેલેન્જની ચાલુ ગાડીમાં ચડી ગયા. તેના લીધે બકેટ ચેલેન્જ સફળ તો થઇ, પણ સોશ્યલ મિડીયા બકેટની જેટલી રેડારેડ થઇ, એના પ્રમાણમાં જાગૃતિ ન આવી.

આઇસ બકેટ ચેલેન્જની વઘુ કડક શબ્દોમાં પણ ટીકા થઇ છે. એક લેખકે તેને સોશ્યલ મિડીયાની ખાસિયત જેવી આત્મરતિ અને સેલિબ્રિટી-ભક્તિનાં કનિષ્ટતમ તત્ત્વોનું સંયોજન ગણાવ્યો છે. સાથોસાથ તેની પર ‘આર્મચેર ફીલગુડ ક્લિક્ટિવિઝમ’નો - એટલે કે ઢેકા નમાવ્યા વિના કે નાણાંકોથળી ઢીલી કર્યા વિના, કમ્પ્યુટર પર ક્લિક કરીને કંઇક કર્યાનો ઠાલો સંતોષ લેવાનો- આરોપ પણ મૂકવામાં આવ્યો છે. બકેટ ચેલેન્જને‘સ્લેક્ટિવિઝિમ’ એટલે કે આળસુ અને છીછરા એક્ટિવિઝમ તરીકે ખતવી નાખવામાં આવી છે. આ જાતની ટીકાઓમાંથી કટુતાની બાદબાકી કરીએ તો પણ તેમાં તથ્યના ઘણા અંશ છે. કેટલાક પત્રકારોએ અમેરિકા સહિતના ઘણા દેશમાં પાણીની અછતનો મુદ્દો આગળ ધરીને, આ રીતે પાણીનો બગાડ થાય એ સામે વાંધો વ્યક્ત કર્યો છે.

શક્ય છે કે બકેટ-ચેલેન્જના સમર્થકોને આ બધો દૂધમાંથી પોરા કાઢવાનો ઉદ્યમ લાગે. પરંતુ એ ટીકા મુખ્યત્વે ઘેટાશાઇ માનસિકતા અને કશું નક્કર કર્યા વિના, શોર્ટકટથી સ્વામી ફીલગુડાનંદ બની જવા સામેની છે, એ તેમણે યાદ રાખવા જેવું છે. એએલએસ માટે નાણાં આપવાં એ સારી વાત છે. સારા કામ માટે લોકોમાં દેખાદેખી જેવું નકારાત્મક છાંટ ધરાવતું લક્ષણ જગાડવાની પણ નવાઇ નથી. પરંતુ બકેટ ચેલેન્જમાં જોડાઇને જાગ્રત કે નિસબત ધરાવનારા તરીકે ગણાવા આતુર સૌએ વિચારવું જોઇએ કે અસલી જાગૃતિનું કામ કયું છે : અમેરિકામાં શરૂ થયેલી અને સોશ્યલ મિડીયાના પ્રતાપે ફેશનેબલ બનેલી બકેટ ચેલેન્જમાં ભાગ લેવાનું- તેમાં દાન આપવાનું કે પછી આપણા ગામ, પ્રદેશ કે દેશમાં આ જાતની કોઇ પ્રવૃત્તિમાં મદદરૂપ થવાનું?

જવાબ સીધી રીતે ન સૂઝે તો માથે ઠંડું પાણી ભરેલી ડોલ રેડ્યા પછી વિચારવાની છૂટ છે. 

Monday, September 01, 2014

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : અહિંસાના પૂજારીની યુદ્ધમાં સામેલગીરી

પહેલા વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૭)નાં સો વર્ષ નિમિત્તે તેની સાથે સંકળાયેલી ઘણી કથાઓ તાજી થઇ રહી છે. ગુલામ ભારત માટે આ વિશ્વયુદ્ધ વિશિષ્ટ હતું. તેમાં હજારો ભારતીય સૈનિકો ફ્રાન્સ,   મેસોપોટેમિયા (ઇરાક) જેવા મોરચે લડ્યા, પણ પોતાના દેશ માટે નહીં- પોતાના રાજકર્તા અંગ્રેજો માટે. તેમના માટે ગૌરવ લેવું કે નહીં, એ આઝાદ ભારતની સરકારો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે.

પરંતુ ઘણા ભારતીયો માટે પહેલા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો સૌથી મૂંઝવનારો સવાલ ગાંધીજીના અભિગમ અંગેનો છે. પ્રખર અહિંસાવાદી તરીકે જાણીતા બનેલા ગાંધીજી પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને? બ્રિટન માટે સૈન્યભરતી કરવાની હદે જાય? અને એ પણ અંગ્રેજ સરકાર સામે ચંપારણ-ખેડા જેવા સત્યાગ્રહોમાં ઉતરી ચૂક્યા પછી?  

આ સવાલો ફક્ત ગાંધીટીકાકારોને નહીં, ગાંધીજીના પરમ ચાહકો અને ગાઢ મિત્રોને થયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીનું આ પગલું રૂચ્યું ન હતું એવું તેમના અંતેવાસી  ‘દિનબંઘુ’ એન્ડ્રુઝે નોંઘ્યું છે. દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીના સાથી- મિત્ર રહેલા પાદરી સી.એફ. એન્ડ્રુઝ/ C.F.Andrews ને પોતાને યુદ્ધપ્રયાસોમાં ગાંધીજીની સામેલગીરી કદી સમજાઇ નહીં. આ મુદ્દે તેમની અને ગાંધીજીની વચ્ચે ‘પેઇનફુલ ડીસઅગ્રીમેન્ટ’ (પીડાકારક અસંમતિ) રહ્યું. બાકી, સત્યાગ્રહી ગાંધીજી માટે એન્ડ્રુઝને એવો ઊંડો ભાવ હતો કે તે ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેવાના છે એવી અફવા એક સમયે ઉડી હતી.

C.F.Andrewz/ ’દિનબંધુ’ ચાર્લી એન્ડ્રુઝ
ખ્રિસ્તી ધર્મસંસ્થાએ એન્ડ્રુઝ પાસે ખુલાસો માગ્યો, જે આપવાનો તેમણે ઇન્કાર કર્યો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તે મિશન કોલેજ છોડીને શાંતિનિકેતનમાં જોડાઇ ગયા અને પાદરીપદું પણ તજી દીઘું. છતાં, વિશ્વયુદ્ધમાં (બ્રિટનના પક્ષે) લડવા માટે સૈનિકોની ભરતી કરવાનો ગાંધીજીનો નિર્ણય તેમને કદી યોગ્ય લાગ્યો નહીં.

દરેક બાબતોમાં ગાંધીજીની સમજ આગવી અને મૌલિક હતી. એ બદલાતી અને વિકસતી પણ રહી. ગાંધીજી સવાયા ધાર્મિક હતા, પણ કોઇ પુસ્તક કે કંઠીથી બંધાયેલા ન હતા. સત્ય અને અહિંસા અનાદિકાળથી હોવા છતાં, એ બન્નેમાં ગાંધીજીએ સાધેલો વ્યવહાર અને આદર્શનો સમન્વય મૌલિક, વિશિષ્ટ અને ઘણી વાર ગૂંચવાડા પ્રેરનારો હતો. પરંતુ બીજાને ગૂંચવાડો લાગે તે ગાંધીજીને દીવા જેવું સ્પષ્ટ ભાસતું. એટલે જ, એન્ડ્રુઝ જેવા મિત્રોના પ્રખર વિરોધ છતાં પોતે યુદ્ધપ્રયાસમાં સહયોગ આપવો જોઇએ, એ વિશે ગાંધીજીને કશી અવઢવ થઇ ન હતી.

વિશ્વયુદ્ધના મોરચે લડવા માટે સૈનિકભરતીનું કામ ગાંધીજીએ ભારત આવ્યા પછી ૧૯૧૮માં ખેડા જિલ્લાથી શરૂ કર્યું, પરંતુ આ દિશામાં તેમની ગતિ ૧૯૧૪થી આરંભાઇ હતી. બન્યું એવું કે ગાંધીજી કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા નીકળ્યા ત્યારે વચ્ચે ચારેક મહિના લંડન રોકાયા. ઓગસ્ટ ૪, ૧૯૧૪ના રોજ તે લંડન ઉતર્યા એ જ દિવસે બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.

જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ તરીકે યુદ્ધમાં પોતાનો શો ધર્મ છે? એ વિશે વિચારતાં ગાંધીજીને લાગ્યું કે બ્રિટન સામેની લડાઇ ઊભી રાખીને આફતના સમયે બ્રિટિશ પ્રજાજન તરીકે ભારતીયોએ યુદ્ધમાં બનતો ભાગ ભજવવો જોઇએ. એટલે ગાંધીજીએ કસ્તુરબા ઉપરાંત સરોજિની નાયડુ અને ત્યારે લંડન ભણવા આવેલા (અલગ ગુજરાતના પ્રથમ ભાવિ મુખ્ય મંત્રી) જીવરાજ મહેતા સહિત કુલ ૫૩ લોકોની સહી ધરાવતો એક પત્ર  અંગ્રેજ સરકારને લખ્યો. તેમાં લડાઇ અંગે યથાશક્તિ કામ કરવાની ઇચ્છા દર્શાવી.

ગાંધીજી માટે યુદ્ધભૂમિની નવાઇ ન હતી. આફ્રિકાનિવાસ દરમિયાન બે વાર તે યુદ્ધમાં ‘એમ્બ્યુલન્સ કોર્પ્સ’ માં ઘાયલોને મેદાનથી છાવણી સુધી લઇ જવાની સેવા આપી ચૂક્યા હતા. એ માટે તેમને સરકારી મેડલ પણ મળ્યો હતો. બ્રિટનમાં ગાંધીજીની રજૂઆત પછી તેમની આશરે એંસી જણની ટુકડીને છ અઠવાડિયાં સુધી પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી. પછી બાકાયદા પરીક્ષા લેવાઇ. તેમાં એક સિવાયના સૌ પાસ થયા. એ લોકોને લશ્કરી ટુકડીનો ભાગ બનાવવા માટે અને ફૌજીની જેમ કવાયતો કરાવવા માટે એક ગોરા અફસરના હાથ નીચે મૂકવામાં આવ્યા.

દક્ષિણ આફ્રિકામાં અહિંસક સત્યાગ્રહ સફળતાથી અજમાવી ચૂકેલા ગાંધીજી વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને, એથી તેમના ઘણા સાથીઓને નવાઇ લાગી. આફ્રિકાના સાથીમિત્ર પોલાકે તાર કરીને પૂછાવ્યું, ‘તમારું આ કામ અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’ એ સવાલ અપેક્ષિત હતો અને ગાંધીજી પાસે તેનો જવાબ પણ હતો, જે મિત્રોને  સમજાવવા તેમણે કોશિશ કરી. જેમ કે, લંડનથી નવેમ્બર ૧૫, ૧૯૧૪ના રોજ પ્રાગજી દેસાઇને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું હતું, ‘સત્યાગ્રહીથી લડાઇને સીઘું કે આડકતરી રીતે ઉત્તેજન ન અપાય એ નિર્વિવાદિત વાત છે. તેવો શુદ્ધ સત્યાગ્રહી હું નથી. તેવો થવા પ્રયત્ન કરું છું. દરમિયાન જેટલે દરજ્જે પહોંચાય, તેટલે પહોંચવું જોઇએ. હું વિલાયતમાં આવ્યો ને લડાઇ શરૂ થઇ. મારી ફરજ વિચારવામાં કેટલાક દિવસ ગાળ્યા. હું વિલાયતમાં મૂંગે મોઢે પડ્યો રહું તો પણ લડાઇમાં ભાગ લેવા જેવું જણાયું.’

આમ વિચારવા પાછળ ગાંધીજીનો તર્ક એ હતો કે બ્રિટનનું સૈન્ય દેશનું રક્ષણ કરતું હતું અને પોતે પણ સૈન્યના રક્ષણ નીચે હતા. એટલે કાં તેમણે અંગ્રેજ સૈન્યનું રક્ષણ ન હોય એવી કોઇ જગ્યાએ, પહાડી પર જતા રહેવું જોઇએ. સરકારી વ્યવસ્થાને કારણે નહીં, પણ પહાડ પર જે ઉગે તે ખાવું જોઇએ. ત્યાંથી જર્મનો તેમને પકડી જાય તો ભલે- અને જો પોતે આવું ન કરી શકે તો પછી યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપવો જોઇએ. સપહેલો વિકલ્પ અપનાવવાની ‘મારી હિંમત ન ચાલી’ એમ કહીને ગાંધીજીએ પત્રમાં લખ્યું, ‘હજારો તો કપાઇ પણ ગયા. છતાં હું બેઠો બેઠો મોજ કર્યા કરું ને અનાજ ખાઉં? ગીતાજી શીખવે છે કે યજ્ઞ વિના અન્ન ખાનાર ચોર કહેવાય. અહીં યજ્ઞ આ સમયે આપભોગનો હતો ને છે. ત્યારે મેં જોયું કે મારે પણ યજ્ઞ કરવો જોઇએ. હું પોતે ગોળી તો ન જ ચલાવી શકું, પણ જખમીની સારવાર કરી શકું. તેમાં તો મને જર્મનો પણ સારવારમાં મળે. હું એ કામ નિષ્પક્ષપાતે કરી શકું. તેમાં દયાભાવનો ભંગ ન થાય. તેથી મેં મારી નોકરી આપવા નિશ્ચય કર્યો...’

ગાંધીજી અને સાથીદારોએ સરકારને પત્રમાં એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ‘જે કામને સારુ અમે યોગ્ય હોઇએ તે કામ વગર શરતે અમે કરશું.’ તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ પ્રાગજીભાઇ પરના પત્રમાં લખ્યું,‘હું લડાઇને સારુ યોગ્ય નથી એમ બધા જાણે છે. એટલે મારે સારુ લડાઇનું કામ હોય જ નહીં.’

અહિંસાનો પોતાનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયાસ કરતાં તેમણે લખ્યું, ‘મારાથી સર્પ મરાય નહીં એવી એ વાત છે, પણ જ્યાં સુધી સર્પની મને બાયલાપણે ધાસ્તી રહી છે ત્યાં સુધી (એને) મારું નહીં તો પકડીને છેટે મૂકી આવું ખરો. એ પણ હિંસા છે ને છેટે મૂકવા જતાં જો તે જોર કરે તો સાણસામાં એટલો દબાવું કે તેને લોહી પણ નીકળે ને વખતે કચરાઇ મરણ પણ પામે. તો પણ સર્પને મારાથી ન મરાય એ વાક્ય તો રહ્યું જ છે ને રહેવું જોઇએ. જ્યાં સુધી મારામાં નિર્ભયતાનો ગુણ સર્વાંશે નથી આવ્યો ત્યાં સુધી મારાથી પૂરા સત્યાગ્રહી ન થવાય.’

ટૂંકમાં, અહિંસા ભયમાંથી નહીં, ભય પરની જીતમાંથી પેદા થવી જોઇએ. એ તો બરાબર. છતાં, ગાંધીજીએ આત્મકથામાં લખ્યું હતું,‘હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારઓ સમક્ષ બની શકે તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે.’

(ભારત આવ્યા પછી ગાંધીજીએ બે ડગલાં આગળ વધીને સૈન્યભરતીનું શા માટે શરૂ કર્યું? અને બકરીના દૂધને પહેલા વિશ્વયુદ્ધ સાથે શો સંબંધ? તેની વાત આવતા સપ્તાહે)