Sunday, September 14, 2014

ગણેશજી સાથે સંવાદ-વિખવાદ


બિચારા ગણેશજી. તેમની ખબર કાઢવા માટે ક્યાં જવું, એ વિચાર ચાલતો હતો, ત્યાં જ ખુદ ગણેશજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં. લખનારાને દર્શનથી સંતોષ ન થાય. ઇન્ટરવ્યુ જોઇએ. ગણેશજીએ કહ્યું, ‘તથાસ્તુ’. એટલે આ ઇન્ટરવ્યુ.

સવાલ : નમસ્કાર, પ્રભુ.

ગણેશજી : શું કહ્યું?

સ : તમે કાનમાંથી આ ભૂંગળાં કાઢો તો કંઇક કહું ને.

(ગણેશજી કાનમાંથી ઇઅરપ્લગ દૂર કરે છે.)

ગણેશજી : હાશ...હવે બોલ.

સ : તમને આવા બધા ભૂંગળાંના શોખ ક્યાં જાગ્યા? માણસની સોબતમાં રહીને?

ગણેશજી : તું આને શોખ કહે છે? આ તો મજબૂરી છે, મજબૂરી.

સ : મજબૂરી શાની? ભવ્ય મજબૂરી કહો. તમારા નામનો જયજયકાર તો હજુ કાનમાં ગુંજે છે.

ગણેશજી : આ બધા મસકા રહેવા દે. એ ફક્ત મારા નામનો જયજયકાર જ હતો? અને એ ફક્ત ગુંજે જ છે?

સ : હું સમજ્યો નહીં.

ગણેશજી : હું એમ પૂછું છું કે તે ફક્ત મારા નામનો જયજયકાર જ સાંભળ્યો? એ સિવાય રોજ રાતે સ્પીકરો પર વાગતાં ફિલ્મી ગણેશગીતો, સ્યુડો-ભક્તિગીતો, ગરબા અને તમામ પ્રકારનાં ફિલ્મી ગીતો- આ બઘું મારા મંડપમાં વાગતું કચરપચર તને સાંભળવા ન મળ્યું? એ બઘું તે ન સાંભળ્યું હોય તો તું નક્કી ગુજરાતબહાર હોવો જોઇએ...

સ : ના, એટલે કે હા, એટલે કે એ બઘું તો સાંભળ્યું પણ...

ગણેશજી : એ બઘું સાંભળ્યું હોય તો એ ફક્ત તારા કાનમાં ગુંજે છે? અરે, અહીં મારા કાનના પડદા ધ્રુજી ગયા.  મારા નહીં, મારા મંડપની આજુબાજુ રહેનારા અને ત્યાંથી પસાર થનારા, એ બધાના કાનમાં ગુંજ નહીં, ધાક પડી ગઇ હશે...ઇઅરપ્લગ મેં કંઇ શોખના કે ફેશનના નથી લગાડ્યા, પડી સમજ?

સ : પણ એમાં આમ બૂમો શા માટે પાડો છો, પ્રભુ? હવે તો એ ઘોંઘાટ બંધ થયો છે.

ગણેશજી : પણ એના કારણે મને ઊંચા સાદે બોલવાની ટેવ પડી ગઇ એનું શું? બહેરો કરી નાખ્યો મને...અને પાછા કહે છે કે ‘તમારી ભક્તિ કરીએ છીએ.’ મન તો એવું થાય છે કે એ બધાને...

સ : શાંત, પ્રભુ, શાંત. ભક્ત છાકટો થાય, પણ ભગવાનથી આમ મગજ ન ગુમાવાય.

ગણેશજી : એ તો તું આવીને એક વાર મંડપમાં મારી જગ્યાએ બેસે તો ખબર પડે. તારી બધી ‘યુનો’ગીરી અવળી નીકળી જાય.

સ : પ્રભુ, તમે ખરેખર અપસેટ લાગો છો.

ગણેશજી : તો અત્યાર સુધી તને એમ લાગતું હતું કે હું એક્ટિંગ કરું છું?   તું પણ મને સિરીઅસલી લેતો નથી અને મારા ભક્તો તો મને જરાય સિરીઅસલી લેતા નથી.

સ : એવું ન કહો, પ્રભુ. બીજા કયા ભગવાનને એ લોકો આ રીતે ધામઘૂમથી ઘરમાં લાવીને બેસાડે છે?

ગણેશજી : અને બીજા કયા ભગવાનનું આટલા ટાઢા કલેજે દરિયામાં વિસર્જન કરી નાખે છે?

સ : પ્રભુ, તમે તો બૌદ્ધિકો જેવી દલીલો કરો છો...સેક્યુલર છો?

ગણેશજી : હું ગુજરાતી નથી. એટલે ‘બૌદ્ધિક’ કે ‘સેક્યુલર’ શબ્દો સાંભળીને ભડકી નહીં જઉં. હું ચિંતાજનક ચિંતક પણ નથી, એટલે ‘સેક્યુલર’ શબ્દ સાંભળીને એલફેલ લવારી પર નહીં ઉતરી પડું. પણ તું  મારી મુદ્દાની વાતના જવાબ આપ.

સ : પ્રભુ, ભાવ અગત્યનો છે. તમારું વિસર્જન કરતી વખતે કોઇ એવું નથી કહેતું કે ‘હાશ, બલા ટળી.’ લોકો કેટલા ભાવથી કહે છે કે આવતા વર્ષે જલ્દી પાછા આવજો.

ગણેશજી : કેમ? હું તો કંઇ તમારો ધારાસભ્ય છું કે વર્ષે વર્ષે જ આવું? એવું હોય તો મારું પણ દર પાંચ વર્ષે જ કરી નાખો...

સ : એટલે પ્રભુ, તમે વાંધો પાડવાનું નક્કી જ કરી લીઘું છે?

ગણેશજી : વાંધો શાનો? પણ આ તો તું શાણો થાય છે એટલે કહું છું...મારા ભક્તો ખરેખર મારી ભક્તિ કરતા હોત તો એ મારા નામે આવું બઘું કરતા  હોત?

સ : કેવું બઘું? તમારા વરઘોડામાં દારૂ ન પીવાય એ તમારી વાત સાચી. થમ્સ અપની બોટલમાં ભરીને પણ ન પીવાય, એ પણ સાચું. ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે તો ખાસ ન પીવાય, એ હું કબૂલું છું. પણ મોટા ભાગના લોકો દારૂના નહીં, તમારી ભક્તિના નશામાં...

ગણેશજી : ‘...છાકટાવેડા કરે છે’, એમ જ તારું કહેવું છે ને? પણ ભક્તિ માટે છાકટા થવું જરૂરી છે?

સ : એ તમને નહીં સમજાય. કારણ કે તમે ભગવાન છો. તમારે સ્થાનિક મંડળો ચલાવવાનાં નથી, ફાળા ઉઘરાવવાના બહાને અને ઉત્સવો કરવાના બહાને તમારી ન્યૂસન્સ વેલ્યુ અને એમાંથી તમારી નેતાગીરી ઊભી કરવાની નથી અને હા, દિવસ આખો કામ કર્યા પછી વૈભવી ક્લબોમાં જવાની ત્રેવડ ન હોવાથી, સસ્તું મનોરંજન પણ શોધવાની પણ તમારી મજબૂરી નથી...એ તો જેને વીતે એ જાણે.

ગણેશજી : સેન્ટીમેન્ટલ ક્રેપ...આ બઘું હવે જૂનું થયું. રાત પડે મારા નામે ધાંધલ મચાવનારા થોડા લોકો જ આખો દહાડો કામ કરે છે? અને ફક્ત એટલાને જ મનોરંજનની જરૂર હોય છે? બાકીના બધા શું દિવસભર અમનચમન કરે છે? એ લોકો પણ દિવસભર મહેનત કરીને રાત્રે થાક્યાપાક્યા ઘરે આવે છે. એમને રાત્રે શાંતિ જોઇએ છે. નિરાંત અને હાશ જોઇએ છે. પણ એમની તો તમને કશી પરવા જ નથી. શું એ લોકો તમારી માફક રસ્તા પર આવીને ઘોંઘાટ ન મચાવે- છાકટા ન થાય એટલે એ મારા ભક્તો મટી ગયા? અને તમારે એમનો આરામ હરામ કરી નાખવાનો?

સ : પ્રભુ, આ તો મોદીસાહેબનું સૂત્ર છે : આરામ હરામ હૈ.

ગણેશજી : ખરી વાત છે. જવાહરલાલ નેહરુએ તો મોદીની કૉપી મારેલી. પણ જવા દે. અત્યારે મારી સમસ્યાઓ ઓછી નથી કે હું રાજકારણની પંચાત કરું.

સ : પ્રભુ...પ્રભુ...પ્રસાદમાં કંઇક આવી ગયું હતું કે શું?

ગણેશજી : આ બધા ડાયલોગ રહેવા દે. કદી મારા વરઘોડામાં ગયો છું?  એમાં કાન ફાડી નાખે અને મકાનની ભીંતો ધ્રુજાવી દે એવાં સ્પીકર ટ્રકોમાં લઇને નીકળી પડનારા, રસ્તાના રસ્તા રોકી પાડનારાતા- આવા રાક્ષસી વૃત્તિ ધરાવનારા મારા ભક્તો કેવી રીતે હોઇ શકે? હું વિઘ્નહર્તા છું ને એ લોકો વિઘ્નકર્તા છે. આવાં આસુરી તત્ત્વોને કારણે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઇ પડનારા કે ડીજેના રાક્ષસી ઘોંઘાટથી આતંકિત થનારા મારા ભક્તોનું શું? હું વિઘ્નહર્તા ને મારા નામે દુનિયાભરનું વિઘ્ન ઊભું કરતા વરઘોડા કાઢો છો? ‘ગણપતિ બાપ્પા મોરયા’નો પ્રેમાળ નારો તમે યુદ્ધનાદ જેવો બનાવી દીધો છે. પૂંઠે તીર ધૂસી ગયું હોય એવી ચીચીયારીઓ પાડીને શું કરવા મારું નામ લો છો? ‘ગણપતિ બાપ્પા મોરયા’ને તમે જાહેર રસ્તા પર - પોલીસની નિગેહબાની હેઠળ લોકોને હેરાન કરવાનું સાધન બનાવી દીધો છે. તમે બધા નસીબદાર છો કે મારી મૂર્તિઓમાં જીવ આવતો નથી. બાકી...

(સમસ્ત ગુજરાતના ન્યૂસન્સ-પ્રિય ‘ગણેશભક્તો’ના લાભાર્થે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરી નાખવામાં આવ્યો, જેથી પ્રભુની વઘુ બળતરા સાંભળવી ન પડે. સાંભળવું પણ નહીં ને દાઝવું પણ નહીં.)

1 comment:

  1. Anonymous10:57:00 PM

    લેખ વાંચીને તો પછી હસવું આવે, પણ કાર્ટુન એટલું જબરદસ્ત છે કે સૌથી પહેલા નજર ત્યાં જ કેદ થઈ જાય છે અને તે જોતા જ કેટલીય વાર સુધી મન મલકાયા કરે છે.

    - આનંદ આશરા

    ReplyDelete