Tuesday, July 31, 2012

શ્રદ્ધાંજલિનાં ઘોડાપૂરમાં વહી ગયેલું પ્રમાણભાન : રાજેશ ખન્ના પહેલા ‘સુપર’સ્ટાર હતા?


‘જો દિલીપ(કુમાર)ને લટ ન હોત તો?’- આ મથાળું છે ફિલ્મી અખબાર ‘ચિત્રલોક’ દ્વારા ૧૯૫૯માં યોજાયેલી એક લેખન હરીફાઇનું. ૧૨ માર્ચ, ૧૯૫૯ના રોજ જાહેર થયેલા તેના પરિણામમાં જણાવાયા પ્રમાણે ‘કલ્પનાતીત સંખ્યામાં વાચકોએ હરીફાઇમાં ભાગ લીધો હતો.’

પ્રસાર માઘ્યમો રાજેશ ખન્નાને ‘હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા સુપરસ્ટાર’ તરીકે ઓળખાવવા મચી પડ્યાં હોય, ત્યારે દિલીપકુમારની લટ વિશેની લેખનસ્પર્ધા - અને એમાંથી છલકતો દિલીપકુમારનો સુપરસ્ટાર તરીકેનો દરજ્જો- યાદ કરવાનું જરૂરી બની જાય છે.

મીડિયાપ્રેરિત મરણોત્સવ

રાજેશ ખન્નાનું અવસાન ગ્લેમરભૂખ્યાં અને સમાચારભૂખ્યાં પ્રસાર માઘ્યમો માટે મોટો અવસર બની રહ્યું. પહેલી વાર રાજેશ ખન્નાને દાખલ કર્યા ત્યારથી તેમની ‘જીવનઝરમર’ બતાવવાનું શરૂ કરી દેનાર માઘ્યમોને ખન્નાના અવસાનથી જાણે ગોળનું ગાડું મળી ગયું.

પ્રસાર માઘ્યમોને (મુખ્યત્વે ટીવી ચેનલોને) ‘સ્ટોરી’ જોઇએ. સ્ટોરીમાં લાગણીનું તત્ત્વ જેટલું વધારે, એટલી તે વધારે હિટ. એ ન્યાયે બોરકૂવામાં પડી ગયેલા બાળકના જોર ચાર દહાડા ખેંચી શકતી ટીવી ચેનલો રાજેશ ખન્ના જેવાના મૃત્યુનો કસ કાઢવામાં કચાશ રાખે? ચેનલો પર અને પ્રસાર માઘ્યમોમાં ચાલેલી ‘ખન્નાયણ’માં સૌથી મોટો ભોગ લેવાયો હોય તો એ પ્રમાણભાનનો. ચાર દાયકા પહેલાં ચાર-પાંચ વર્ષ માટે સુપરસ્ટારપદ ભોગવનારા રાજેશ ખન્નાને ભવ્ય અંજલિ મળે, તેમના વિશે સાથી કલાકારો વાતો કરે, તેમનાં ગીતો-ફિલ્મો યાદ કરવામાં આવે, એ બઘું બરાબર, પણ તેમનાં ગુણગાન ગાતી વખતે ઇતિહાસ, વાસ્તવિકતા અને પ્રમાણભાનને સદંતર અભરાઇ પર ચડાવી દેવાયાં. થોડાં વર્ષ પહેલાં એક ગુજરાતી પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આપેલા પ્રવચનમાં કાપકૂપ કરીને તેને ‘રાજેશ ખન્નાના છેલ્લા સંદેશા’ તરીકે ખપાવી દેવામાં આવ્યું. વર્તમાન વિશે આવું બનતું હોય, તો થોડા દૂરના ભૂતકાળની વાત જ ક્યાં રહી?

રાજેશ ખન્નાનું સુપરસ્ટારપદું નિર્વિવાદ છે. તેમની પાછળ છોકરીઓ કેવી ગાંડી હતી ને છોકરીઓ તેમની તસવીરો સાથે લગ્ન કરતી હતી ને લોહીથી કાગળ લખતી હતી- એ બઘું હવે બધા જાણી ચૂક્યા છે- કદાચ તેના અતિરેકથી કંટાળી પણ ચૂક્યા હશે. પરંતુ રાજેશ ખન્નાને ‘હિંદી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર’ કહેવામાં ઘણા પ્રશ્નો થાય.

એ ખરું કે ‘સુપરસ્ટાર’ જેવો શબ્દ પહેલી વાર રાજેશ ખન્ના માટે વપરાયો અને પછી ચાલી નીકળ્યો, પરંતુ આ જાતના શબ્દપ્રયોગો મોટે ભાગે પ્રચારબહાદુરોના ફળદ્રુપ દિમાગની નીપજ હોય છે. એક વાર એવો પ્રયોગ થાય અને તે પકડાઇ જાય, એટલે બીજા લોકો તેને હવામાંથી ઝડપી લે છે. એ રીતે, રાજેશ ખન્ના માટે ‘પહેલા સુપરસ્ટાર’ જેવા વિશેષણનો ઉપયોગ તેમના સમયમાં પ્રચારસામગ્રી પૂરતો ઠીક હતો, પણ એ પ્રયોગ ઇતિહાસની દૃષ્ટિએ પ્રમાણભૂત ગણી શકાય નહીં. એ સુપરસ્ટાર ખરા, પણ પહેલા જરાય નહીં.

રાજેશ ખન્નાને ‘પહેલો સુપરસ્ટાર’ ગણાવનારા લોકો મુખ્યત્વે આટલાં પરિબળો ગણાવે છેઃ

૧. રૂઢિચુસ્તતાના એ સમયમાં પણ છોકરીઓનું રાજેશ ખન્ના પાછળનું પાગલપણું
૨. રોમેન્ટિક ઇમેજ-અદા અને કરિશ્મા.
૩. એ સમયના યુવકો દ્વારા કરાતું ખન્નાની વિવિધ સ્ટાઇલનું અનુકરણ
૪. ફિલ્મોમાં (ભલે પાંચ-છ વર્ષ પૂરતી) પ્રચંડ સફળતા.
૫. તેમની પર પિક્ચરાઇઝ થયેલાં ઉત્તમ ગીત (તેનો ઘણોખરો જશ જોકે  ગાયક-સંગીતકાર-ગીતકારનો ગણાય)

 શું આ પાચે ગુણનું સંયોજન, પહેલી વાર ફક્ત રાજેશ ખન્નામાં જ થયું હતું?

દાદામુનિની દાદાગીરી

‘સુપરસ્ટાર’ શબ્દ છોડીને, એનો અર્થ પકડીએ તો એ વિશેષણ વાપરવાની શરૂઆત ક્યાંથી કરવી એની મૂંઝવણ થાય. મહાન ગાયક અને અભિનેતા કે.એલ.સહગલની લોકપ્રિયતા-સફળતા અપરંપાર હતી, તેમાં મુખ્ય ફાળો સહગલના અવાજનો હતો.  સ્ટુડિયોના એ યુગમાં સહગલ કોલકાતાના ન્યૂ થિએટર્સ સ્ટુડિયોમાં પગારદાર હતા. મુંબઇમાં ૧૯૪૨-૪૩માં ત્રણ ફિલ્મો માટે ‘રણજીત મુવિટોન’ના ચંદુલાલ શાહે સહગલને રૂ.એક લાખ આપ્યા હતા.

એવી જ રીતે, પહેલા દાયકાના નાયકોમાં મોતીલાલનું નામ પણ યાદ આવે. હિંદી ફિલ્મોમાં સાહજિક અભિનયની શરૂઆત કરનાર મોતીલાલ હેન્ડસમ, રોમેન્ટિક અને સફળ હતા, પરંતુ તેમના વ્યાપક આકર્ષણ અને યુવાવર્ગ પર તેમની અસરો વિશે બહુ જાણવા મળતું નથી. સુપરસ્ટારના પદ માટેની કાચી સામગ્રી જેવાં (રાજેશ ખન્ના માટે ગણાવાયેલાં) તમામ પરિબળો પહેલી વાર અશોકકુમારની બાબતમાં નોંધાયેલાં જોવા મળે છે.

અશોકકુમારને મુખ્યત્વે ચરિત્ર અભિનેતા તરીકે જોવા-ઓળખવા ટેવાયેલી પેઢીને કદાચ નવાઇ લાગે, પણ ૧૯૩૬ની ‘અછૂત કન્યા’થી જાણીતા બનેલા અશોકકુમાર ચાળીસીના આખા દાયકામાં મહાનાયક હતા. સાયગલ ગાતા હોવાને કારણે મહાનાયક હોય, તો અશોકકુમાર ગાતા હોવા છતાં, મહાનાયક હતા. ૧૯૩૫માં પ્લેબેક-પાર્શ્વગાયનની શરૂઆત થઇ ગયા પછી ચાળીસીની શરૂઆતની થોડી ફિલ્મોને બાદ કરતાં અશોકકુમારે વઘુ ગીતો ન ગાયાં, પણ મહાનાયક તરીકે તેમનું આકર્ષણ નવી ઊંચાઇએ પહોંચ્યું હતું.

બોમ્બે ટોકીઝની કંગન, બંધન, ઝુલા જેવી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય-ગીતો પછી, ‘કિસ્મત’ (૧૯૪૩) ફક્ત અશોકકુમારની જ નહીં, હિંદી ફિલ્મઉદ્યોગની સફળતમ ફિલ્મોમાંની એક બની રહી. આ ફિલ્મમાં મોટા ભાગનાં ગીતો હીરોઇન (મુમતાઝ શાંતિ) પર પિક્ચરાઇઝ થયેલાં હતાં. છતાં ફિલ્મમાં અશોકકુમાર છવાયેલા હતા. તેમની સિગરેટ  પીવાની સ્ટાઇલ આવનારાં વર્ષો બલ્કે દાયકાઓ સુધી તેમના કરિશ્માનો હિસ્સો બની રહી. ચોકલેટી હીરો તરીકે કારકિર્દી શરૂ કરનાર અશોકકુમાર ચાળીસીના દાયકામાં દમદાર નાયક બની ચૂક્યા હતા. ૧૯૪૬-૪૭ની આસપાસ અશોકકુમાર એક ફિલ્મના એક લાખ રૂપિયા લેતા હતા, એવું વિખ્યાત ઉર્દુ લેખક અને અશોકકુમારના મિત્ર સઆદત હસન મંટોએ નોંઘ્યું છે.

ફિલ્મી હસ્તીઓ વિશેના ચરિત્રલેખોની શ્રેણીમાં અશોકકુમારની લોકપ્રિયતા વિશે મંટોએ લખ્યું છે, ‘(અશોકકુમાર) બહુ ઓછો બહાર નીકળતો હતો. એટલે એની ઝલક પણ જોવા મળે તો હંગામો મચી જતો. ટ્રાફિક અટકી પડતો. ચાહકોનાં ટોળાં જામતાં અને ઘણી વાર પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેરવું પડતું.’
 રાજેશ ખન્નાયુગ જો રૂઢિચુસ્ત ગણાતો હોય, તો તેનાથી ત્રીસ વર્ષ પહેલાંના સમય માટે કયો શબ્દ વાપરવો? પણ એ સમયની યુવતીઓ અશોકકુમાર પર ફીદા હતી. એ સમયની સેંકડો યુવતીઓ અશોકકુમારને પ્રેમથી તરબોળ પત્રો લખતી હતી અને તેમની સાથે પ્રેમસંબંધ માટે આતુર રહેતી હતી. એક વાર અશોકકુમાર અને મંટો કોલ્હાપુર ગયા ત્યારનો પ્રસંગ મંટોએ નોંઘ્યો છે,‘ સામેથી ત્રણ મરાઠી યુવતીઓ આવતી હતી. એકદમ સાફસુથરી, ગોરી, માથે કુમકુમ, માથામાં વેણી, પગમાં ચપ્પલ. એમાંથી એકના હાથમાં મોસંબી હતી. એણે રસ્તામાં અશોકકુમારને જોયો એટલે એ (રોમાંચથી) ઘુ્રજી ઉઠી. કાંપતા અવાજમાં એણે બહેનપણીઓને કહ્યું, ‘અશોક!’ અને એના હાથમાં રહેલી બધી મોસંબી રસ્તા પર પડી ગઇ...’

એવો જ એક કિસ્સો (આગળ જતાં ગીતકાર તરીકે જાણીતા બનેલા) રાજા મહેંદીઅલીખાનને સાંકળતો છે. રાજાને દવાખાનામાં દાખલ કર્યા પછી એક સાંજે મંટો અને અશોકકુમાર તેમની ખબર કાઢવા ગયા. બસ, થઇ રહ્યું. બીજા દિવસે મંટો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જુએ છે તો રાજાનું જાણે રજવાડું થઇ ગયું હતું. પલંગ પર ચોખ્ખીચણાક ચાદર અને ઓશીકું, સિગરેટનો ડબ્બો, પાન, બારી પાસે ફુલદાની અને આ માહોલમાં પગ પર પગ ચડાવીને રાજા છાપું વાંચી રહ્યા હતા. મંટોને કહે,‘તમારા ગયા પછી બધા મને આવીને અશોકકુમાર વિશે અનેક સવાલો પૂછી ગયા...અહીં થોડું વધારે રહ્યો તો બાજુના રૂમમાં મારો હરમ (રાણીવાસ) હશે.’

મંટોને સાબિતી માટે બહુ રાહ જોવી ન પડી. ‘હું ઊભો થતો હતો એવામાં મેડિકલમાં ભણતી કન્યાઓનું એક ઝુંડ આવ્યું. એ તરફ જોઇને રાજા મને કહે, 'શું લાગે છે, હરમ તરીકે બાજુનો કમરો કદાચ નાનો પડશે.’ આ વાત આઝાદી પહેલાંની છે. તેની પરથી અશોકકુમારના કરિશ્મા અને સ્ટારવેલ્યુનો અંદાજ આવી શકશે.

ત્રિપુટીનો તરખાટ

પચાસનો દાયકો શરૂ થયો ત્યારે દિલીપકુમાર, રાજ કપુર અને દેવ આનંદની ત્રિપુટીનો સૂરજ મઘ્યાહ્ને પહોંચ્યો. સ્ટાઇલ, સફળતા, કરિશ્મા, હીરોઇનો સાથે જોડી, સુરીલાં-મઘુર ગીત, યુવતીઓની ઘેલછા, યુવાનો દ્વારા થતું તેમનું અનુકરણ- આ બધી રીતે દેવ-દિલીપ-રાજ પૂરા કદના મહાનાયક સાબીત થયા. તેમના ઉદાહરણથી એ પણ સ્પષ્ટ થયું કે ત્રણ સાવ જુદી પ્રતિભા ધરાવનારા એક સાથે અને સમાંતરે પણ મહાનાયક હોઇ શકે.  (અહીં વાત તેમની અભિનયક્ષમતાની નહીં, પણ સુપરસ્ટાર-મહાનાયક તરીકેના દરજ્જાની છે.)

રાજેશ ખન્નાથી વીસ વર્ષ પહેલાં દેવ-દિલીપ-રાજ પોતાની પ્રચંડ લોકપ્રિયતા- સુપરસ્ટાર પદ ઊભાં કરી શક્યા અને દોઢ-બે દાયકા સુધી ટકાવી શક્યા એ તેમની મોટી સિદ્ધિ હતી. તેમના સમકાલીન કે પછી આવેલા અભિનેતાઓ સફળ થયા- રાજેન્દ્રકુમાર ‘જ્યુબિલીકુમાર’ બન્યા, સુનીલ દત્ત અમિતાભ પહેલાંના એન્ગ્રી યંગ મેન થયા, શમ્મી કપુર-શશિ કપુર-રાજકુમાર-ધર્મેન્દ્ર અને બીજા ઘણા, પણ તેમાંથી કોઇ સુપરસ્ટાર ન બની શક્યા. એ મુકામે રાજેશ ખન્ના પહોંચી શક્યા, તે એમની ભારે સિદ્ધિ હતી, પરંતુ એવરેસ્ટ ચડનારને હોય એટલી ઝડપથી તે- મુખ્યત્વે પોતાના વર્તન અને હરકતોને લીધે- નીચે પણ ઉતરી ગયા.  નીયતીએ અમિતાભ બચ્ચનને કહ્યું: ‘આપકા સમય શુરુ હોતા હૈ અબ’ અને શોલે-દીવાર (૧૯૭૫)થી પ્રતિભાશાળી-શિસ્તબદ્ધ- નખરાં વગરના   અમિતાભ બચ્ચનનો યુગ બેસી ગયો.

અમિતાભ માટે પ્રચારબાજોએ ‘મેગાસ્ટાર’ અને ‘મિલેનિયમ સ્ટાર’ જેવાં લટકણીયાં ઉપજાવી કાઢ્‌યાં છે, પણ એટલું ભૂલવું ન જોઇએ કે સૌ મહાન-લોકપ્રિય કલાકારો પોતાની જગ્યાએ અનન્ય હોય છે.  તેમાંથી કોઇ એકની મહાનતા સિદ્ધ કરવા માટે બાકીના કલાકારોની લીટી ટૂંકી કરવાનું યોગ્ય નથી અને ઇતિહાસની દૃષ્ટિએ સાચું પણ નથી હોતું.

Monday, July 30, 2012

આઝાદ હિંદ ફોજનાં કેપ્ટન લક્ષ્મી સહગલને આખરી સલામ

બ્લોગમાં કેપ્ટન લક્ષ્મી સહગલને તસવીરી અંજલિ
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html

પછી, હવે તેમના જીવનકાર્યની આછી ઝલક વિશનો પહેલો ભાગ


Captain Lakshmi Sehgal / કેપ્ટન લક્ષ્મી સહગલ


રાજેશ ખન્નાના મૃત્યુનાં મથાળાં બનાવનાર અને દિવસો સુધી તેમની ઝીણી ઝીણી વિગતો હોંશથી આપનાર પ્રસાર માઘ્યમોમાં એક સમાચારનું ઝંખવાઇ જવું સ્વાભાવિક હતું : આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં લેફ્‌ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ/ Lakshmi Sehgal નું મૃત્યુ.

આ સમાચાર સાવ ખોવાઇ ગયા તો ન કહેવાય. અખબારોએ પહેલા પાને લીધા. ટીવી ચેનલોએ તેમની નોંધ લીધી. પણ ચાર-પાંચ વર્ષ માટે સુપરસ્ટાર તરીકે અને ત્યાર પછીનો સમય ભૂતકાળના નશામાં જીવી જનારા રાજેશ ખન્નાને જે મહત્ત્વ મળ્યું, તેની સરખામણીમાં વાસ્તવિક જીવનનાં નાયિકા લક્ષ્મી સહગલના મરણની નોંધ કેવળ ઔપચારિકતા અને શરમાશરમી ખાતર,  સમાચાર ચૂકી ન જવાય એટલા પૂરતી લેવાઇ હોય એવું લાગે.  કેપ્ટન લક્ષ્મી સહગલ અને મૃણાલિની સારાભાઇ સગાં બહેન થાય, એટલી સાદી પ્રાથમિક માહિતી પણ ઘણાં પ્રસાર માઘ્યમો આપી ન શક્યાં.

કેપ્ટન લક્ષ્મી સહગલ અત્યારની વ્યાખ્યા પ્રમાણેનાં ‘ફક્ત જાણીતાં હોવા બદલ જાણીતાં’ સેલિબ્રિટી ન હતાં. સુભાષચંદ્ર બોઝ સાથે એક ફ્રેમમાં ફોટો હોવો એ કેવળ તેમનું માહત્મ્ય ન હતું. ૧૯૪૬માં આઝાદ હિંદ ફોજનો અંત આવી ગયા પછી, ૨૦૧૨ સુધી તે પોતાની ભૂતકાળની મહત્તામાં ડૂબેલાં ન રહ્યાં. જીવનના અંત સુધી તે એક ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ) તરીકે અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સ્વતંત્રમિજાજી વ્યક્તિ તરીકે સામાન્ય લોકો સાથે સંકળાયેલાં રહ્યાં. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તે ઇજનેર ડો.અબ્દુલકલામ સામે નહીં, પણ ભાજપનાં ઉમેદવાર એવા ડો.કલામ સામે એક ડાબેરી ઉમેદવાર તરીકે લડ્યાં હતાં.

કેપ્ટન લક્ષ્મી તરીકે જાણીતાં ડો.લક્ષ્મી સહગલ વીસમી સદીના ભારતના ઇતિહાસનું એવું ગૌરવવંતુ પાત્ર હતાં, જેમનું સ્થાન ઓછામાં ઓછું પાઠ્‌યપુસ્તકોમાં અને ખરેખર તો (પ્રસારમાઘ્યમો થકી) લોકહૃદયમાં હોવું જોઇએ. પરંતુ પ્રસાર માઘ્યમો વાસ્તવિક ‘હીરો’ની પરેજી પાળવા લાગ્યાં, એટલે કેપ્ટન લક્ષ્મી જેવાં પાત્રો હયાત હોવાના સમાચાર ઘણા લોકો સુધી તેમના મૃત્યુ નિમિત્તે જ પહોંચ્યા.

કેપ્ટન લક્ષ્મી સહગલ સાથે સતત ચાર દિવસ સુધી રોજ મળીને  તેમનો ઇન્ટરવ્યુ કરવાની તક ૧૯૯૭માં મળી હતી. એ વખતે કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા તેમના ઘર ઉપરાંત તેમના ક્લિનિક  અને રોજિંદા જીવનના સાક્ષી બનવાનો લ્હાવો પણ મળ્યો હતો. એ વખતે પણ આઝાદ હિંદ ફોજનાં નાયિકા કેપ્ટન લક્ષ્મી હયાત અને સાબૂત છે, એની કાનપુરની બહાર બહુ થોડાને ખબર હતી. પરંતુ તેમની સાથેની વાતચીતમાં કદી એ વાતનો જરાસરખો વસવસો તો ઠીક, ઉલ્લેખ પણ આવતો ન હતો. પરંતુ તારીખટાણે પોતાને કોઇ કેવળ ‘શોભામાં અભિવૃદ્ધિ’ ખાતર યાદ કરે, એની તેમને જબરી ચીડ હતી.

અમારી સાથે વાતચીત ચાલુ હતી અને ફોન રણક્યો. એ વખતે (ઓગસ્ટ ૧૯૯૭માં) આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણીનો માહોલ હતો. સામે છેડેથી સુવર્ણજયંતિ સમારંભ નિમિત્તે કોઇ ઔપચારિક નોતરું આવ્યું હશે. એટલે ફોન પર જ કેપ્ટન લક્ષ્મી ધણધણી ઉઠ્‌યાં, ‘સબ લોગ અભી જગ ઉઠે હૈં...પચાસ સાલ હમેં બિલકુલ ભૂલ ગયા. અભી હમ ઐસે હી ખતમ હો જાયેગા. હમારા ઇન્તઝાર ન કીજીએ’ અને ધડામ્‌ અવાજ સાથે રિસીવર ક્રેડલ પર મૂકાઇ ગયું.
Dr.Lakshmi Sehgal at her Kanpur residence, 1997
photo : Biren Kothari
આક્રમકતા અને સ્નેહ - આ બન્ને તેમના સ્થાયી અને અભિન્ન ભાવ હતા. કદાચ એટલે જ જેટલી સફળતાથી કાનપુરમાં છ દાયકા સુધી ગાયનેકોલોજિસ્ટ તરીકે તેમણે સેવા કરી, એવી જ રીતે એ રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવી શક્યાં. બાકી, તેમનું આરંભિક જીવન એક સમૃદ્ધ પરિવારની તેજસ્વી અને ઉદ્દામ કન્યા જેવું હતું. મદ્રાસના સ્વામિનાથન્‌ પરિવારમાં ઓક્ટોબર ૨૪, ૧૯૧૪ના રોજ જન્મેલાં લક્ષ્મીના પિતા વકીલ અને માતા કોંગ્રેસી કાર્યકર હતાં. ઘરમાં પહેલેથી મુક્ત વાતાવરણ હતું. એટલે જે જમાનામાં લોકો સાત ચોપડી ભણીને સંતુષ્ટ થઇ જતા અને છોકરીઓને ભણાવવાની તો વાત જ ન હતી, ત્યારે ૧૯૩૮ની સાલમાં તે એમ.બી.બી.એસ. થયાં હતાં.



પારિવારિક કારણોસર તેમનો ઝુકાવ શરૂઆતમાં ગાંધીજી તરફ હતો. ગાંધીજી સાથેની એકમાત્ર મુલાકાત યાદ કરતાં તેમણે કહ્યું હતું, ‘એક વખત અમે જે ટ્રેનમાં જતાં હતાં એમાં ગાંધીજી આગળથી બેસવાના હતા. ગાંધીજી આવ્યા એટલે અમે એમને મળવા ગયા. મેં એમના હસ્તાક્ષર માગ્યા. તેમણે આપ્યા પણ ફી તરીકે મારા હાથે પહેરેલું કડું માગી લીઘું અને કહ્યું કે આટલું પૂરતું નથી. તારે ખાદી પહેરવી પડશે.’ પરંતુ સરોજિની નાયડુનાં બહેન સુહાસિની ચટ્ટોપાઘ્યાયના સંસર્ગથી ડો.લક્ષ્મી સામ્યવાદી વિચારસરણીથી રંગાયાં. ડોક્ટર બન્યા પછી ટાટા એર લાઇન્સના એક પાઇલટ સાથે લગ્ન થયું, પણ છ મહિનામાં જ તેનો અંત આવ્યો. એટલે, મદ્રાસ છોડીને ડો.લક્ષ્મી સંિગાપોર ઉપડ્યાં. બીજું વિશ્વયુદ્ધ અને આંતરરાષ્ટ્રિય રાજકારણની ગતિવિધીઓ તેમને યોગાનુયોગે સુભાષચંદ્ર બોઝની નજીક ધકેલી રહી હતી.

યુદ્ધમાં ઘવાયેલાઓની સારવાર જેવી કામગીરીને કારણે ડો.લક્ષ્મીને બીજા વિશ્વયુદ્ધનો નજીકથી પરિચય થયો, પણ ત્યારે એમને કલ્પના ન હતી કે એ પોતે પણ તેનો હિસ્સો બનશે. વિશ્વયુદ્ધમાં યુરોપમાં જર્મનીએ અને એશિયામાં જાપાને સપાટો બોલાવ્યો હતો. તેને કારણે અંગ્રેજ ફોજ વતી લડતા સેંકડો ભારતીય સૈનિકો જાપાનમાં કેદ પકડાયા હતા. તેમાંથી કેપ્ટન મોહનસિંઘે જાપાની સરકારના આશીર્વાદથી આઝાદ હિંદ ફોજની રચના કરી. ડો.લક્ષ્મીએ ત્યારે પણ પોતાની સેવાઓ આપવાની વાત કરી હતી. કારણ કે ફક્ત ડોક્ટરી પ્રેક્ટિસ કરીને તેમને સંતોષ મળતો ન હતો. દેશ માટે તેમને કંઇક કરી છૂટવું હતું. પરંતુ રૂઢિચુસ્ત મોહનસિંઘે ‘એક સ્ત્રી ડોક્ટરનું લશ્કરમાં શું કામ?’ એવા ખ્યાલથી ડો.લક્ષ્મીને ના પાડી હતી.

ટૂંકી દૃષ્ટિ ધરાવતા મોહનસિંઘનાં વળતાં પાણી થયા પછી,  આઝાદ હિંદ ફોજના ત્રીસેક હજાર સૈનિકો જનરલ ભોંસલેની આગેવાની નીચે, ઇન્ડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ સાથે જોડાઇ ગયા. આ સંસ્થા જાપાનાં રહીને ભારતની આઝાદી માટે સક્રિય એવા રાસબિહારી બોઝે સ્થાપી હતી. ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ સીંગાપોર આવ્યા ત્યારે વૃદ્ધ રાસબિહારી બોઝે એક જાહેર સભામાં લીગની સાથોસાથ આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષબાબુને સોંપી દીઘું. એ સભામાં શ્રોતા તરીકે હાજર ડો.લક્ષ્મીએ માહોલનું વર્ણન કરતાં કહ્યું હતું,‘નેતાજી (સુભાષચંદ્ર બોઝ) પહેલી વાર સીંગાપોર આવ્યા હતા. સભામાં તેમણે સફેદ સુટ પર ગાંધીટોપી પહેરી હતી. સભાની શરૂઆત ‘વંદે માતરમ્‌’થી થઇ. પછી ‘મને પૂરો વિશ્વાસ છે કે તમારું નેતૃત્વ હિંદને આઝાદી અપાવશે’ એવા ઉદ્‌ગાર સાથે રાસબિહારી બોઝે સુભાષબાબુને લીગના અઘ્યક્ષ અને આઝાદ હિંદ ફોજના સુપ્રીમ કમાન્ડર જાહેર કર્યા.’
 લીગના સીંગાપોરના અઘ્યક્ષ યેલપ્પા થકી ડો.લક્ષ્મી સુભાષબાબુને તેમના ‘સી વ્યુ’ બંગલે મળ્યાં. એ મુલાકાતમાં શી વાત થઇ હતી?

ડો.લક્ષ્મીએ સ્મરણો પરથી સમય ખંખેરતાં કહ્યું હતું,‘કોઇ અંગ્રેજે બહાદુરીથી લડેલી રાણીના મૃત્યુ પછી એવી અંજલિ આપી હતી કે એના જેવી ફક્ત એક હજાર સ્ત્રીઓ દેશમાં હોત તો આ ભૂમિ પર અમારું રાજ ન સ્થપાયું હોત. એ યાદ કરીને નેતાજી કહેતા હતા કે આઝાદ હિંદ ફોજમાં આપણે એક મહિલા રેજિમેન્ટ બનાવવી છે. ઝાંસીની રાણીનું નામ ધરાવતી એ ટુકડીમાં ઓછામાં ઓછી એક હજાર સ્ત્રીઓ હોવી જોઇએ.’

‘નેતાજીની વાત સાંભળીને હું મૂંઝાઇ.’ ડો.લક્ષ્મીએ વાત આગળ ચલાવી,‘એક હજાર સ્ત્રીઓ સીંગાપોર તો શું, આખા પૂર્વ એશિયામાંથી પણ મળવી મુશ્કેલ હતી. સીંગાપોરમાં એ વખતે સ્ત્રીઓની દશા ભારત કરતાં પણ ખરાબ હતી. એ શિક્ષકની, કારકુનની કે બગીચામાં કામદાર તરીકેની નોકરી કરતી હતી. સ્ત્રીઓ વરદી પહેરીને ખભે રાયફલ લટકાવીને પરેડ કરે એ અકલ્પનીય વાત હતી. પણ નેતાજીની મક્કમતાથી મને પણ ઉત્સાહ આવ્યો. મેં નેતાજીની સભા પહેલાં પંદર-વીસ યુવતીઓ સાથે નેતાજીને લશ્કરી ઢબે ગાર્ડ ઓફ ઓનર આપવાનું નક્કી કર્યું. એ માટે આઝાદ હિંદ ફોજના અફસરોની મદદ લીધી. બે-ત્રણ દિવસ સુધી રાયફલો સાથે અમે પ્રેક્ટિસ કરી. સભાના દિવસે નેતાજી આ ‘સરપ્રાઇઝ’થી ખુશ થઇ ગયા.

પરંતુ એ કામગીરીની શરૂઆત હતી. ડો.લક્ષ્મી સ્વામિનાથન્‌ને કેપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો (આગળ જતાં તેમને મેજર અને પછી લેફ્‌ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યાં) પરંતુ કેપ્ટન પાસે પલટણ ક્યાં હતી? રાણી ઝાંસી રેજિમેન્ટ માટે સભ્યોની ભરતી કરવાની હતી. બીજી તરફ, સીંગાપોર પર કબજો ધરાવતા જાપાનને પણ સુભાષબાબુ અને તેમની ગતિવિધિઓથી અસુખ થવા માંડ્યું હતું. છતાં, કેપ્ટન લક્ષ્મી અને બીજા સાથીદારોના પ્રયાસથી ભારતના ઇતિહાસમાં અનોખી કહેવાય એવી, સશસ્ત્ર મહિલા ટુકડી ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’ તૈયાર થઇ અને મોરચે પણ ગઇ.

(વઘુ આવતા સપ્તાહે)

Saturday, July 28, 2012

800મી પોસ્ટઃ વાત નવી શરૂઆતની અને સાત-આઠ દાયકા જૂનાં-અવનવાં પ્રમાણપત્રો

બ્લોગની ચાર વર્ષ ઉપરની આ સફરમાં 800મી પોસ્ટનો મુકામ આવી પહોંચ્યો, પણ હજુ થાકનાં ચિહ્નો જણાતાં નથી. ‘ફેસબુક’ પર બે-એક વર્ષની સક્રિયતા પછી પણ નહીં. કારણ કે ‘ફેસબુક’ મારા માટે મુખ્યત્વે બ્લોગની લિન્ક મૂકવાનું અને કેટલાંક સહૃદય મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું માધ્યમ છે.

મોદી-અન્નાની સ્વાર્થી કે ડાબલાબંધ બ્રીફો લઇને ખખડ્યા કરતા પરચૂરણની પાકી ઓળખાણ થઇ ચૂકી હોવાથી, એમાં જરાય સમય બગડતો નથી. ઉપરથી કેટલાંક ધોરણસરનાં, બીજી રીતે ન મળી શક્યાં હોત એવાં મિત્રો ફેસબુક – અને તેના થકી બ્લોગના સંપર્કમાં આવીને મળે છે તેનો આનંદ છે. પહેલી તકે શિષ્ટતા-ભદ્રતા છોડીને કે ‘વીર સાચું કહેવાવાળા’ના ઓઠા તળે બેફામપણાને- માનસિક ગંદવાડને મૂલ્ય તરીકે સ્થાપિત કરવા મથતા લોકોની વચ્ચે, સમરસીયા મિત્રો-વાચકમિત્રો મળે છે એ મારા માટે બ્લોગની – અને ફેસબુકની પણ- ઉપલબ્ધિ છે.

800મી પોસ્ટ નિમિત્તે બે અંગત વાત પણ મિત્રોની આ મહેફિલમાં મૂકવાની છે.

આવતા મહિને એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ પત્રકારત્વમાં મને 17 વર્ષ પૂરાં થશે. એનું કશું વિશેષ માહત્મ્ય નથી. પરંતુ ઘણા વખતથી હું ‘દૃષ્ટિકોણ’ કોલમમાં આવતા મારા પૃથક્કરણાત્મક લેખોના એક સંગ્રહ પર કામ કરી રહ્યો હતો. લખાણનું કામ પૂરું થયા ચૂક્યા પછી હવે એ મેટર ડિઝાઇનર મિત્ર અપૂર્વ આશર પાસે છે. બધું સમુંસૂતરું પાર ઉતરે તો 1 સપ્ટેમ્બર, 2012ના દિવસે એ પુસ્તક પ્રકાશિત થાય એવી ધારણા છે. (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન, અમદાવાદ) હજુ આ કાર્યક્રમ પાકો નથી, પણ તેમાં જે કંઇ પ્રગતિ હશે તેની જાણ કરતો રહીશ.

‘દૃષ્ટિકોણ’ નામ ધરાવતા આ પુસ્તકમાં માતૃભાષા, ધર્મ, ભ્રષ્ટાચાર, પોઝિટિવ થિંકિંગ, અંધશ્રદ્ધા, નાગરિક ધર્મ, દારૂબંધી, રાજકારણ, ત્રાસવાદ, એન્કાઉન્ટર, અનામત જેવા ઘણા સાંપ્રત છતાં સનાતન વિષયો પર ત્રીસથી પણ વધુ પૃથક્કરણાત્મક લેખો લીધા છે, જે કોઇ પણ ખુલ્લા મનના માણસને અમુક રીતે, નવેસરથી વિચારવા પ્રેરી શકે છે. (આ માહિતી છે, જાહેરખબર નથીઃ-)

આ ઉપરાંત હાસ્યલેખોનો સંગ્રહ પણ તૈયાર થઇ રહ્યો છે. (મારાથી) શક્ય એટલી ઝીણવટ-ચુસ્તીથી થતી પસંદગી તથા એના સંપાદન-સમારકામને લીધે થોડું મોડું થયું છે. છતાં આ વર્ષના અંત સુધીમાં એ પુસ્તક પણ આવી જશે.

બીજી વાતઃ છેલ્લા થોડા સમયથી એવો વિચાર આવતો હતો કે પીએચ.ડી. કરવું જોઇએ. નામ આગળ ‘ડો.’ લખવા માટે નહીં, પણ ભવિષ્યમાં સંશોધન જેવી પ્રવૃત્તિ બાકાયદા હાથ ધરવી હોય તો પીએચ.ડી.નું લટકણિયું ઉપયોગી બની શકે. પીએચ.ડી. માટે પહેલાં માસ્ટર્સ ડિગ્રી હોવી જોઇએ. હું કેમિસ્ટ્રીનો ગ્રેજ્યુએટ ખરો, પણ તેમાં આગળ (ખરેખર તો એટલું પણ) ભણવાની ઇચ્છા ન હતી. તપાસથી જાણવા મળ્યું કે ગ્રેજ્યુએટ થનાર કોઇ પણ વિષયમાં માસ્ટર્સ કરી શકે. એટલે પત્રકારત્વ ભણાવતાં મિત્રો અશ્વિન ચૌહાણ અને સોનલ પંડ્યા સાથે વાતચીત કર્યા પછી એવું નક્કી કર્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા પત્રકારત્વના માસ્ટર્સના (બબ્બે વર્ષના) બે અભ્યાસક્રમમાંથી એક અભ્યાસક્રમ કરવો. પ્રશ્ન એ થયો કે અભ્યાસક્રમમાં પ્રવેશ જોઇતો હોય તો પ્રવેશપરીક્ષા આપવી પડે.

પરીક્ષા આપવાનો પણ વાંધો નહીં. ‘આપણે સત્તર-સત્તર વર્ષથી ફિલ્ડમાં કામ કરીએ છીએ ને પરીક્ષા શાની આપવાની?’ એવો કોઇ સવાલ ન હતો. ખરો વાંધો એ કે પરીક્ષામાં લેખનક્ષમતા કે સમજણક્ષમતા કરતાં વધારે ભાર જનરલ નોલેજ પર હોય અને તેમાં કંઇક અવળચંડા સવાલ પૂછાય, જે મારાં રસ કે જાણકારીના ન હોય. છતાં પ્રવેશ મેળવવા માટે બીજો રસ્તો ન હતો. એટલે બન્ને અભ્યાસક્રમનાં ફોર્મ ભર્યાં. ગયા અઠવાડિયે બન્નેની પરીક્ષા પણ બીજા સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સાથે બેસીને આપી. એક અભ્યાસક્રમમાં દોઢસો માર્કનું ઓબ્જેક્ટિવ (મલ્ટીપલ ચોઇસ નહીં, પણ ખાલી જગ્યાઓ)-પચાસ માર્કનું લેખન અને બીજામાં પચાસ માર્કનું ઓબ્જેક્ટિવ અને દોઢસો માર્કનું લેખન હતાં.

આજે 800મો બ્લોગ લખવાનો હતો ત્યારે, સવારે બન્ને પરીક્ષાનાં પરિણામ આવી ગયાં છે.
પાંચમા ધોરણમાં ભણતી મારી દીકરી પરીક્ષા પહેલાં મારી સાથે મસ્તી કરતાં કહેતી હતી, ‘વાંચવા બેસો. ખબર નથી પડતી, કાલે પરીક્ષા છે?’ અને હું એને મસ્તીમાં કહેતો હતો, ‘આ પરીક્ષા એવી છે કે જો હું પસંદ થઇશ તો ભણવા જઇશ અને પસંદ નહીં થાઉં તો ભણાવવા જઇશ.’ (આ કોર્સમાં ભૂતકાળમાં લેક્ચર લીધાં હોય કે પેપર કાઢ્યાં હોય એ રીતે)

પણ આજે આવેલાં પરિણામોથી જાણવા મળે છે કે મારે ભણાવવા નહીં, ભણવા જવાનું છે.

બન્ને કોર્સની પ્રવેશપરીક્ષાઓમાં મારા માર્ક સૌથી વધારે છે, એવું કહેતી વખતે શર્ટનું ઉપલું બટન તૂટી જતું નથી, પણ એટલો આનંદ ચોક્કસ થાય છે કે હજુ વિદ્યાર્થી તરીકે બેસવાની માનસિકતા અને ક્ષમતા સારી રીતે ટકી રહી છે. છેલ્લી લેખિત પરીક્ષા વીસેક વર્ષ પહેલાં આપી હશે. પત્રકારત્વમાં આવ્યો ત્યારથી બિનસત્તાવાર વિદ્યાર્થી અવસ્થા કાયમી છે અને એ અવસ્થામાં રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, નગેન્દ્રવિજય, નલિન શાહ જેવા ગુરુજનો મેળવીને સાર્થકતા અનુભવી છે. હવે થોડા દિવસમાં નવેસરથી સત્તાવાર વિદ્યાર્થી અવસ્થા શરૂ થશે, જે મારા માટે પીએચ.ડી. સુધી પહોંચવાનો પુલ છે.

પીએચ.ડી. માટે બે-ચાર વિષયો મનમાં છે. એ કામ ફક્ત ડિગ્રી લેવા માટે નહીં, પણ દિલથી કરવાનું છે. ત્યાં સુધી અને ત્યાર પછી પણ પત્રકારત્વ-લેખન એ મૂળ કામગીરી છે અને એ જ મુખ્ય રહેશે.

બ્લોગની આ સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથી બનનારા (નનામા કે ખોટા નામવાળા સિવાયના) સૌ મિત્રોનો આભાર.
***
હવે 800મા બ્લોગની ખાસ સામગ્રી તરીકે કેટલાંક પ્રમાણપત્રોની 'પરેડ'. તેની શરૂઆત કૌટુંબિક વડીલ કનુકાકાની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા (1932)ની પરીક્ષાથી થાય છે. આશા છે કે આ 'પરેડ'થી છેલ્લાં સિત્તેર-એંસી વર્ષનાં પ્રમાણપત્રોની દુનિયા, તેમાં વણાયેલી જમાનાની લાક્ષણિકતાઓ અને સાથે સૌની પોતપોતાની સ્મૃતિઓ પણ તાજી થશે.
(મોટી સાઇઝમાં પ્રમાણપત્રો જોવા માટે ફોટો પર ક્લિક કરો)

વર્નાક્યુલર ફાઇનલ, કનુભાઇ પંડ્યા (કનુકાકા), 1932


ગાંધર્વ મહાવિદ્યાલયની પ્રવેશિકા, સુલોચના કોઠારી (ફોઇ), 1947

હિંદી દૂસરી (જે ત્યારે હિંદુસ્તાની કહેવાતી હતી), સુલોચના કોઠારી, 1947
નીચે છાપેલી સહી સરદાર પટેલની છે.

ગાંધર્વ મહાવિદ્યાલયની પ્રવેશિકા, અનીલકુમાર કોઠારી (પપ્પા), 1949

કાયા કૌશલ્ય કસોટી, અનીલકુમાર કોઠારી, (સાલ નથી)

સીવણ, સ્મિતા કોઠારી (મમ્મી), 1962

સુલેખન, બીરેન કોઠારી, 1973

ડ્રોઇંગ, બીરેન કોઠારી, 1977

સંસ્કૃતની ત્રીજી પરીક્ષા 'ભૂષણ', બીરેન કોઠારી, 1978

સ્કોલરશીપ, ઉર્વીશ કોઠારી, 1979


        

Thursday, July 26, 2012

ગૉડ પાર્ટિકલ: કેટલાક ભારતીય પ્રતિભાવ


વિજ્ઞાનીઓએ હિગ્સ-બોસોન જેવું વિચિત્ર નામ ધરાવતું કંઇક શોધી કાઢ્‌યું તેમાં દુનિયાભરનાં પ્રસારમાઘ્યમો ગાંડાં થયાં. આપણે ત્યાં યોગેશ ઊર્ફે પપ્પુ, જીતેશ ઉર્ફે લાલો અને કેતન ઉર્ફે છોટુ જેવાં લાડકાં નામ હોય છે, એવી રીતે હિગ્સ-બોસોનનું લાડકું નામ છેઃ ગૉડ પાર્ટિકલ.

ખીજ પાડનારા કે તેનો શિકાર બનનારાને ખબર હશે કે ઘણી વાર આખી ખીજમાંથી તેનો અડધો હિસ્સો કાયમી ઉપનામ તરીકે ટકી જાય છે. જેમ કે ‘રાજુ ગોળપાપડી’ આગળ જતાં ફક્ત ‘રાજુ પાપડી’ તરીકે ઓળખાય છે. હિગ્સ-બોસોનને પહેલાં કોઇ વિજ્ઞાનીએ ‘ગોડડેમ પાર્ટિકલ’ (હાથમાં ન આવતો એવો કમબખ્ત કણ) કહેલો, પણ વખત જતાં એમાંથી ‘ગૉડ પાર્ટિકલ’ જળવાઇ રહ્યું. એટલે અહીં તેનો ઉલ્લેખ ગૉડ પાર્ટિકલ તરીકે જ કરીશું, પણ એ દરેક વખતે ખરાઇનો આગ્રહ ધરાવનારે ‘ગૉડ’ની પાછળ ‘ડેમ’ શબ્દ મનોમન ઉમેરીને વાંચવું.

ગૉડ પાર્ટિકલ વિશેનાં લખાણોમાંથી કેટલાંક એટલી ગેરસમજણ ફેલાવનારાં હતાં કે એ વાંચ્યા પછી ‘ગૉડ પાર્ટિકલ’ને ‘ફ્રૉડ પાર્ટિકલ’ તરીકે ઓળખવાનું મન થઇ જાય. ગૉડ પાર્ટિકલ વિશે લખનારા-વાત કરનારા બધા કહે છે કે એની સમજણ આપવાનું બહુ અઘરું છે, છતાં એ ચીજ બહુ અગત્યની છે. તો સમજાવટનું કામ ભારતમાં જુદા જુદા રાજકીય નેતાઓને સોંપવામાં આવે અથવા એ વિશે તેમના પ્રતિભાવ લેવામાં આવે તો?

***

દિગ્વિજયસિંઘ


બિગ બેન્ગ (પ્રચંડ સ્ફોટ)માં રાજીવજીની હત્યા થયા પછી અમારા બ્રહ્માંડ જેવી કોંગ્રેસ તો હતી. તેમાં અમારા જેવા મૂળભૂત કણો પણ હતા. પરંતુ અમારું કશું વજન ન હતું. અમે આમતેમ ફરી ખાતા હતા.  પરંતુ કાળક્રમે મેડમ પાર્ટીમાં સક્રિય બન્યાં- જાણે અમારા બ્રહ્માંડમાં હિગ્સ ફિલ્ડ પેદા થયું. અમને દળવિહોણા કણોને હિગ્સ ફિલ્ડ જેવાં મેડમની ઓથ મળતાં અમારામાં દળ આવ્યું, અમે સૌ ભેગા થઇ શક્યા અને આજે યુપીએની સરકાર સ્વરૂપે જે અગાધ બ્રહ્માંડ દેખાય છે તેનું સર્જન થયું.

અમારા સ્ટાન્ડર્ડ મોડેલમાં, આર્થિક હિત થકી એકબીજા સાથે જકડી રાખતો સ્ટ્રોંગ ફોર્સ, ડો.સિંઘનો જેને જેટલાં કૌભાંડ કરવાં હોય તેની છૂટ આપતો વીક ફોર્સ અને અહમદભાઇનો આંચકા-આકર્ષણના સંમિશ્રણ જેવો વિદ્યુતચુંબકીય ફોર્સ કામ એકબીજા સાથે મળીને અમારું અત્યારનું બ્રહ્માંડ રચે છે. પરિવારભક્તિ એ સૌ કોંગ્રેસીઓને જ્યાં છે ત્યાં, ભ્રમણકક્ષામાં ફરતા છતાં સ્થાયી રાખતું ગુરૂત્વાકર્ષણ બળ છે. તેના જોરે નાના કોંગ્રેસીઓ મોટા સાથે, મોટા કોંગ્રેસીઓ નેતાઓ સાથે, નેતાઓ મંત્રી સાથે, મંત્રીઓ અહમદભાઇ સાથે અને અહમદભાઇ મેડમ સાથે સંકળાયેલા છે. આ ગુરૂત્વાકર્ષણ બળ અદૃશ્ય છે, છતાં તેની અસરમાંથી કોઇ છટકી શકતું નથી. કોઇ તેની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કરે તો  શિસ્તભંગનાં પગલાં થકી તેને ગુરુત્વાકર્ષણની મજબૂતીનો અહેસાસ થઇ જાય છે- ન્યૂટનને માથા પર સફરજન પડવાથી થયો હતો એમ. આ બઘું મારા ઘરનું નથી. આઇન્સ્ટાઇને કહ્યું છે.

તમને થશે કે અમારા બ્રહ્માંડમાં હજુ સુધી રાહુલબાબાની વાત કેમ ન આવી? પરંતુ એમનું કામકાજ ગોળગોળ ફરતા ઇલેક્ટ્રોન જેવું છે. અત્યાર સુધી બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી અમે તેમની આગેવાનીમાં હારી ગયા. એટલે કેટલાક લોકો એમના માથે ૠણભાર (નેગેટીવ ચાર્જ) મૂકે છે, પણ ખરું પૂછો તો અમારા પક્ષમાં વીજળીનો સંચાર કરવાની ક્ષમતા એ જ ધરાવે છે. અમારી પાસે ઝળહળ પ્રકાશવાળા ફોટોન જેવા ફિલ્મસ્ટાર બહુ નથી, પણ ફોટોન જેવા દળ વગરના, બહારથી ચમકતા પણ અંદરથી ખાલી, કણોનું અમારે કશું કામ નથી.
 અમારું બ્રહ્માંડ સંકોચાઇ રહ્યું છે કે વિસ્તરી રહ્યું છે? એવો સવાલ કેટલાક લોકોને થાય છે. યુપીએનો પ્રભાવ જે રીતે ઓસરી રહ્યો છે એ જોતાં બ્રહ્માંડના સંકોચનની થીયરી સાચી લાગે છે, પણ જે ઝડપે મમતા બેનરજી, શરદ પવાર જેવા સાથીપક્ષો અમારાથી દૂર ભાગી રહ્યા છે તેની પરથી લાગે છે કે કદાચ અમારું બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પણ અમને એનાથી કશો ફરક પડતો નથી. અમારા માટે તો અમે ભલા ને અમારું ગુરુત્વાકર્ષણ ભલું. સૂર્ય-ચંદ્ર ને પૃથ્વીને ગુરુત્વાકર્ષણ પ્રમાણે વર્તવામાં કશી શરમ નડતી ન હોય તો અમને શાની શરમ?

નરેન્દ્રભાઇ મોદી

ખરેખર તો આ પાર્ટિકલનું નામ મારા નામ પરથી ‘મોડ પાર્ટિકલ’ પાડવામાં આવ્યું હતું, પણ મારો એટલે કે ગુજરાતનો જયજયકાર સાંખી ન શકતી સેક્યુલર ટોળકીના કાવતરાને લીધે તેનું નામ  છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવ્યું. મને અમેરિકાનો વીસા ન મળ્યો એ માટે આ ટોળકી જ કારણભૂત હતી.

એ વાતમાં કોઇ શંકા નથી કે ગુજરાતમાં ઘણા લોકો માટે હું જ ‘ગૉડ પાર્ટિકલ’ છું. એવા લોકોની દૃઢ શ્રદ્ધા છે કે હું આવ્યો તે પહેલાં ગુજરાતમાં બઘું હતું, પણ તેમાં સ્થિરતા ને વજન ન હતું. હું આવ્યો ને બસ, ગુજરાતમાં સૃષ્ટિનું પ્રાગટ્ય થયું. મારા આવતાં પહેલાં કંઇક લખનારા પોતાની સગવડ પ્રમાણે મારી પહેલાંના મુખ્ય મંત્રીઓની, કોમવાદી વિચારધારાની અને એવી પરચૂરણ આરતીઓ ઉતારી ખાતા હતા. પણ ગુજરાતની સત્તા પર ગૉડ પાર્ટિકલ સમકક્ષ એવો હું આવ્યો એટલે દળ અને સ્થિરતા વગરના એ લોકોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે મારી આરતી ઉતારીને મારામાંથી દળ મેળવ્યું અને તેના જોરે હું જેના કેન્દ્રસ્થાને હોઉં એવી આખેઆખી સૃષ્ટિ રચી નાખી. તેમણે સૂચવ્યું કે મારા નામ પરથી  ગૉડ પાર્ટિકલનું વૈજ્ઞાનિક નામ ‘મોદોન’ પાડવું જોઇએ, પણ હમણાં મેં એમને વાર્યા છે અને કહ્યું છે કે એક વાર પેલું દિલ્હીવાળું થઇ જવા દો. પછી બઘું જોઇશું.

કેશુભાઇ પટેલ

ગૉડ પાર્ટિકલની શોધની વાતો ફક્ત ગુજરાતને જ નહીં, સમગ્ર વિશ્વને ભયભીત બનાવવાનો કારસો છે. મીડિયામાં તેના પ્રભાવની વાતો વાંચીને લોકો ભયભીત બન્યા છે. આવો લપોડશંખ જેવો ગૉડ પાર્ટિકલ કોઇને ખપતો નથી. આપણે હવે ક્યાં સુધી ભયભીત બનીને બેસી રહીશું? જ્યાં સુધી કોઇ પાટીદાર વિજ્ઞાની નહીં બને અને એ ગૉડ પાર્ટિકલ નહીં શોધી કાઢે, ત્યાં લગી આપણે ગૉડ પાર્ટિકલની વાતો પર ઘ્યાન આપવાની જરૂર નથી. ગૉડ પાર્ટિકલના ભય અને આતંકનો વિરોધ કરવા માટે અમે રાજકોટમાં જંગી સંમેલન યોજીશું. સૌરાષ્ટ્રના ગામેગામ રેલી કાઢીશું. કોઇ સમુદાયે ગૉડ પાર્ટિકલના નામે થતા પ્રચારના આક્રમણથી ભયભીત થવાની જરૂર નથી. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોથી ગૉડ પાર્ટિકલની અસલિયત ખબર પડી જશે.

મમતા બેનરજી

સત્યેન્દ્રનાથ બોઝ બંગાળી હતા. એટલે ગૉડ પાર્ટિકલમાંથી મળનારા તમામ ફાયદામાં કેન્દ્ર સરકારે સૌથી મોટો હિસ્સો બંગાળને આપવો જોઇએ. એવું નહીં થાય તો હું યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લઇશ.

Wednesday, July 25, 2012

‘સત્યમેવ જયતે’ને બદલે નવો મુદ્રાલેખઃ કિંચિદપિ કઃ કરોતિઃ આટલું પણ કોણ કરે છે?


આમીરખાનના રીઆલીટી શો ‘સત્યમેવ જયતે’ વિશે ઘણી ચર્ચા થઇ ચૂકી છે. શોના પ્રશંસકોનો મુખ્ય સૂર હોય છેઃ ભારતમાં કેટલી બધી સમસ્યાઓ છે, જેના વિશે પ્રસાર માઘ્યમો (છાપાં-સામયિકો-ટીવી ચેનલો) ધરાર ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવે છે. પરિણામે, દેશનો બોલકો, સમૃદ્ધ  વાચક-દર્શક વર્ગ આ સમસ્યાઓથી અજાણ રહી જાય છે. ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ થકી આમીરખાન ભારતની અનેક સમસ્યાઓને પ્રકાશમાં લાવે છે. એ કેટલું સારું કહેવાય? આમીરખાન જેવો ફિલ્મસ્ટાર પોતાના પ્રભાવ અને સ્ટાર વેલ્યુનો ઉપયોગ ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવા માટે કરે તેનાથી રૂડું શું હોઇ શકે?

આટલે સુધી બરાબર છે, પણ વાત ફિલ્મસ્ટારની અને ટીવી શોની હોય ત્યારે તે અહીંથી પૂરી થતી નથી. આક્રમક માર્કેટિંગ અને ટીઆરપીની  રેસને કારણે ‘સત્યમેવ જયતે’ને ફક્ત સમસ્યાઓની દસ્તાવેજી રજૂઆત કરતો શો બનાવી શકાય નહીં. ખુદ આમીરખાન પણ કહે છે કે એવી રીતે સમસ્યાઓ દર્શાવવામાં આવે તો મોટા ભાગના લોકો એ જુએ નહીં. એટલે એક જૂની રમૂજમાંથી સરખામણી લઇએ તો, સમસ્યાઓની કડવી ગોળીને મનોરંજન-લાગણીના પેંડામાં ખોસીને દર્શકોને પીરસવામાં આવે છે. એમ કરવા પાછળનો પવિત્ર આશય એટલો કે લોકો મનોરંજનના બહાને, રીઆલીટી શોની જેમ કાર્યક્રમ જુએ અને ભારતની ગંભીર સમસ્યાઓથી પરિચિત થાય- તેમના વિચારજગતમાં એ સમસ્યાઓ પ્રવેશે.

પરંતુ જૂની રમૂજમાં બાળક પેંડામાંથી ‘ઠળિયો’ (કડવી ગોળી) ફેંકી દઇને પેંડો ખાઇ જતો હતો. કંઇક એવી જ રીતે, શોના બહુમતી દર્શકો સમસ્યાઓની રજૂઆતમાંથી સમસ્યાઓના મૂળની કડવી ગોળી કાઢી નાખીને, બાકીનો અનુકંપા- અરેરાટી- આંસુ પેદા કરતો કાર્યક્રમ હોંશે હોંશે જોઇ જાય છે. એટલું જ નહીં, એ જોઇને પોતે સામાજિક જાગૃતિ અથવા બદલાવની પ્રક્રિયાનો ભાગ બન્યાનો છૂપો સંતોષ અનુભવે છે. કેટલાક દર્શકોનો સુધરેલા હોવાનો ભાવ પણ એ વિચારે પ્રબળ થાય છે કે ‘આ બઘું તો બીજા લોકો કરે છે. આપણે કેટલા સારા કે આપણે ભ્રુણહત્યા નથી કરતા કે દલિતો માટે કપરકાબી જુદાં નથી રાખતા.’

બહુમતી દર્શકો ‘પેંડામાંથી ગોળી કાઢી નાખે છે’- એવું શી રીતે કહી શકાય? એ માટે અભ્યાસ- સર્વેક્ષણો થયાં નથી, પરંતુ સરેરાશ ભારતીય મથરાવટી માટે એ વાત નવી નથી. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન’ કહેનાર અખાનો મુદ્દો આ જ હતોઃ લોકો ગમે તેવી બોધદાયક કથામાંથી પોતે ગ્રહણ કરવાનો ભાગ બાજુ પર રાખીને, વાર્તારસ માણે છે. એમ કરવામાં બેશક કશું ખોટું નથી- શરત એટલી કે કથાકાર અને કથાશ્રોતાનો વાર્તારસથી વધારે કશો દાવો ન હોવો જોઇએ. માણસ જેમ ફિલ્મ કે નાટક કે ટીવી સીરીયલો જુએ છે, તેમ એ કથા સાંભળે. મનોરંજન, બસ, કેવળ મનોરંજન.

આમીરખાનનો કાર્યક્રમ એ દૃષ્ટિએ આવકાર્ય છે. પરંતુ જેવો કાર્યક્રમના મૂલ્યાંકનનો પ્રદેશ શરૂ થાય કે તરત દલીલ થાય છે, ‘લોકો સમસ્યા વિશે કશું ન જાણતા હોય એના કરતાં થોડુંઘણું કાચુંપાકું પણ જાણતા થાય, એ સારું ન કહેવાય? એમાં ખોટું શું છે? એવા કાર્યક્રમની ગુણવત્તામાંથી ખામી કાઢવી, એ દૂધમાંથી પોરા કાઢવા જેવો વાંકદેખો ઉદ્યમ છે. કોઇ જેટલું પણ સારું કરતું હોય, એટલાનાં આપણે વખાણ કરવાં જોઇએ. બીજા કશું નથી કરતા, ત્યારે એક માણસ આટલું તો કરે છે. બાકી, આપણે ત્યાં આટલું પણ કોણ કરે છે?’


આગળના ફકરામાં થયેલી દલીલો પહેલી નજરે ગળે ઉતરી જાય એવી છે. પરંતુ વાસ્તવિકતાનો થોડો ખ્યાલ કરતાં જણાશે કે મામલો આટલો સીધોસાદો, ફક્ત હકારાત્મક અભિગમ કેળવવાનો નથી. ટીકા કરનારા બધા નકારાત્મક અભિગમ ધરાવતા ટીકાખોર પણ નથી. તેમની ફરિયાદમાં રહેલા તથ્યના આધારે જ ટીકાનો પ્રકાર નક્કી થઇ શકેઃ એ વ્યક્તિગત-પ્રકૃતિગત દ્વેષ-નકારાત્મકતા જેવા ભાવથી કરાયેલી ટીકા છે કે તેમાં આમીરખાન પ્રત્યેના કોઇ અભાવ વિના, ચોક્કસ મુદ્દાને લગતી વાત છે?


‘સત્યમેવ જયતે’ જેવા શોની મુદ્દાસર, બિનવ્યક્તિગત ટીકામાં પણ બધા સંમત હોય એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે, આમીરખાન જંતુનાશકોની ખતરનાક અસરો વિશેનો આખો કાર્યક્રમ કરે અને તેમાં મોન્સાન્ટો કંપનીનું નામોનિશાન ન હોય, તો એ વાતને પણ બે રીતે જોઇ શકાય. એક વર્ગ કહેશે,‘તમે જંતુનાશકોનાં અનિષ્ટોની વાત કરતા હો અને એ માટે આખા જગતમાં ગવાઇ ગયેલી કંપનીની વાત જ ન કરો, એ કેવી રીતે ચલાવી લેવાય?’

 જ્યારે‘હકારાત્મક દૃષ્ટિકોણ’ ધરાવતા લોકો કહેશે,‘એમાં શું? મોન્સાન્ટોનું નામ ન લીઘું તો કંઇ નહીં. જેટલા મુદ્દા આવ્યા તે બરાબર હતા કે નહીં? જે આવ્યું તેની વાત કરવાને બદલે, જે નથી આવ્યું તેની પિંજણમાં શા માટે પડવું જોઇએ? એમ તો ટીકા કરનારા લોકોને કાર્યક્રમ બનાવવાનો થાય, તો એમાં પણ ઘણું બઘું રહી જાય.’

‘હકારાત્મક’ ઉત્સાહમાં જે મુદ્દો ચૂકાઇ જાય છે તે આઃ જે રહી  ગયું તે સમયની અછતના અભાવે- વિષયના બહોળા વ્યાપના અભાવે રહી ગયું કે પછી તેને ઇરાદાપૂર્વક બાકાત રખાયું? અંગ્રેજીમાં ‘સિન્સ ઓફ ઓમિશન’ (જાણીબુઝીને ગુપચાવવાનો ગુનો) કહેવાય છે, એવું  તો નથી ને? લખાણોમાં સ્થળસંકોચના અભાવે કે ટીવી પર સમયની મારામારીમાં ઘણી વાર મહત્ત્વના મુદ્દા રહી જતા હોય છે. એ યોગ્ય નથી, છતાં ક્ષમ્ય ગણી શકાય. પરંતુ મોટા ભાગના વિષયમાં ‘રહી જાય તો ચાલે જ નહીં’ એવા કેટલાક મુદ્દા પણ હોય છે.

દા.ત. હિગ્સ-બોસોન પાર્ટિકલની વાત ચાલતી હોય અને કોઇ સત્યેન્દ્રનાથ બોઝને યાદ ન કરે, તો એ કેમ ચાલે? વિદેશીઓ ભારતીયોના પ્રદાનને ઉવેખે કે તેમને યાદ ન કરે ત્યારે તરત એમની પર રંગદ્વેષનો (ઘણી વાર સાચો) આરોપ થતો હોય છે, પરંતુ એ ફૂટપટ્ટી ઘરઆંગણે લાગુ પાડવામાં આવતી નથી. એટલે, આમીરખાન આભડછેટ વિશેનો આખેઆખો કાર્યક્રમ ડો.આંબેડકરને યોગ્ય રીતે સંભાર્યા વિના કરી નાખે, ‘આઉટલૂક’ (૨૩ જુલાઇ,૨૦૧૨)માં એસ.આનંદ શોમાં થયેલા ‘સિલેક્ટીવ એડિટિંગ’ની, અણીયાળા ઉલ્લેખો પર ફરેલી કાતરની ઉદાહરણો સાથે ટીકા કરે, તો પણ આમીરખાન દોષમાં આવતા નથી. ઉલટું, એમની ટીકા કરનારા ટીકાખોરમાં ખપી જાય છે. કારણ કે એ વખતે આપણી અસલ ફુટપટ્ટી-આપણો રાષ્ટ્રિય ઘ્યેયમંત્ર કામે લાગે છેઃ કિંચિદપિ કઃ કરોતિ? (આપણે ત્યાં) આટલું પણ કોણ કરે છે? આવું બીજા લોકો ઉપરાંત કરનારા પોતે પણ માની બેસે ત્યારે ખરી મુશ્કેલી થાય છે.

સમાજસુધારો-જાતસુધારો


સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ હોય કે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકારો- ‘આટલું પણ કોણ કરે છે?’ના જાદુઇ મંત્રથી તેમની બધી મર્યાદાઓ માફ થઇ જાય છે- એટલું જ નહીં, તેમની મર્યાદાઓ ચીંધનારાને વાંકદેખા તરીકે ખપાવી શકાય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ તેમને મળતા ફંડમાંથી મોટો ભાગ વહીવટી ખર્ચમાં વાપરી કાઢે, તો પણ એમની ટીકા ન થાય. ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશની દિશા વિશે પાયાના સવાલો ઊભા ન કરી શકાય. એવું કરનાર પર વળતો પ્રહાર તૈયાર જ હોયઃ ‘બહુ એવું હોય તો તમે કરી બતાવો. તમારે તો બસ બેઠાં બેઠાં પથરા ફેંકવા છે. એક વાર કામ કરવા આવો. પછી ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે.’

પરંતુ પ્રશ્ન એ છે કે બીજા જે ન કરતા હોય એવું કામ (કે તેનો દાવો) કરનારને, અહોભાવરહિત મૂલ્યાંકનમાંથી મુક્તિ મળી જાય?  તેમનું મૂલ્યાંકન બીજું કોઇ કરી જ ન શકે? સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરીએ તો, સંસ્થા ચલાવવા માટે કેટલીક મર્યાદાઓ અનિવાર્ય હોઇ શકે છે, પરંતુ તેનું પ્રમાણભાન હોય કે નહીં? સંસ્થાને મળતા ભંડોળમાંથી મોટો ભાગ કેવળ વહીવટી ખર્ચા અને કાગળ પરના કાર્યક્રમોમાં ખર્ચાઇ જતો હોય, તો પણ તેમની ટીકા ન કરવી? અને ક્યાં સુધી ન કરવી?

ધારો કે કોઇ સંસ્થા બાળમજૂરી, ભ્રષ્ટાચાર કે દલિત સમસ્યા જેવા મુદ્દે કામ કરતી હોય તો,બે-પાંચ-દસ વર્ષમાં તે આ બઘું નાબૂદ કરી નાખે એવી અપેક્ષા કોઇ રાખતું નથી. પરંતુ આ સમસ્યા સામે લડવાનો દાવો તે કરતાં હોય ત્યારે -અને એ માટે અઢળક નાણાં મેળવતાં હોય ત્યારે તો ખાસ- તેમના કામની દિશાની અને પદ્ધતિની પૂરતી તપાસ શા માટે ન થવી જોઇએ?

અભિનેતા આમીરખાન માટે ‘સત્યમેવ જયતે’ એક શો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ કે ‘દસકા દમ’ જેવા શોની સરખામણીમાં તેની વધારાની ખાસિયત એ છે કે એ ભારતની રોજબરોજની છતાં ગંભીર સમસ્યાઓની વાત કરે છે. આ સમસ્યાઓ પોતાની આસપાસ હોવા છતાં, તેમની પ્રાથમિક જાણકારી મેળવવા માટે લોકોને આમીરખાનના શોની જરૂર પડે છે એ જુદી કરુણતા છે.

આમીરખાને જે સમસ્યાઓ વિશે ‘સત્યમેવ જયતે’માં  વાત કરી, તેના વિશે પ્રસાર માઘ્યમોમાં કશું આવતું નથી એમ કહેવું પણ સાચું નથી. અખબારો-સામયિકો અને અમુક અંશે ચેનલો ઉપર આ બધી જ સમસ્યાઓ અને તેમના કારણે સર્જાતા સમાચાર, ભલે અપૂરતી માત્રામાં, પણ આવતા હોય છે. પરંતુ તેમને આમીરખાનની સ્ટારવેલ્યુનો લાભ મળતો નથી. આમીરખાનને કારણે શો જોવા બેઠેલા લોકોને સમસ્યાના અસ્તિત્ત્વ વિશે શો જોયા પછી જ ખબર પડે, તો તેમાં એમણે પ્રસાર માઘ્યમોના વાંકની સાથોસાથ, વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કરતી પોતાની જીવનદૃષ્ટિ વિશે પણ વિચારવાની જરૂર નથી?

પરંતુ આમીરખાનનો કાર્યક્રમ પોતાનો વાંક કાઢવા માટે નથી.  દુનિયા કેટલી ખરાબ છે, એ જાણીને ડચકારા બોલાવવા અને આંસુ સારવા માટે છે. એ વખતે આપણે પણ એ જ દુનિયાનો હિસ્સો છીએ, એ કેટલાને યાદ રહેતું હશે?

સમસ્યાઓની અખંડ આગમાં અત્યાર સુધી અનેક લોકો યથાશક્તિ ડોલ-પીપડાં-ટેન્કર ભરીને પાણી રેડી ગયા. હવે આમીરખાન પણ તેમાં પોતાના તરફથી ચમચી રેડી રહ્યા છે. આમીરખાનના પ્રયાસનું માપ ચમચીમાં એટલા માટે કે એ જે પ્રકારની સમસ્યાઓની વાત કરે છે, તેમાં એક સ્વપ્ને સવાર પડી જતું નથી. વર્ષોની કામગીરી પછી પણ સમસ્યાઓની ગંભીરતા ઓછી ન થઇ નથી એ યાદ રાખીને, આમીરખાનના દોઢ-બે કલાકના એક કાર્યક્રમનું મૂલ્યાંકન કરવું પડે. સાથોસાથ તેની અસર અને એ કેટલું ટકી તેની પણ માહિતી સમાવી શકાય તો પ્રમાણભાન બરાબર જળવાય.

 - અને એ પણ યાદ રાખવું પડે કે સમાજસુધારો - એટલે કે જાતસુધારો- એ હેરઓઇલ- કોલા- ચ્યવનપ્રાશ-સૌંદર્યપ્રસાધનની બ્રાન્ડ નથી કે કોઇ સ્ટાર કહે એટલે લોકો એને હોંશેહોંશે અપનાવી લે.

(શીર્ષકપંક્તિ સૌજન્યઃ સ્વાતિ શાહ)

Tuesday, July 24, 2012

જય હિંદ, કેપ્ટન લક્ષ્મી

આઝાદીની લડાઇમાં ગાંધી-સરદાર-નેહરુ-સુભાષ સાથે સીધા સંકળાયેલાં હોય એવાં, પહલી હરોળના આગેવાનોમાં છેલ્લાં નેતા, કેપ્ટન લક્ષ્મી સહગલ/ Captain Lakshmi Sehgalનું 23 જુલાઇની સવારે અવસાન થયું. 24 ઓક્ટોબર, 1914ના રોજ લક્ષ્મી સ્વામિનાથન્ તરીકે જન્મેલાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં આ નાયિકા આઝાદ હિંદ ફોજ/ Indian National Armyની રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન તરીકે ઇતિહાસ અને કંઇક અંશે દંતકથાનું પાત્ર બન્યાં હતાં. તેમ છતાં, ભારતમાં બને છે તેમ, એમનું મોટા ભાગનું જીવન પ્રસાર માધ્યમોની ઝાકઝમાળથી દૂર વીત્યું.

1997માં ભારતની આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી થવાની હતી ત્યારે, કંઇક જુદું અને એક્સક્લુઝિવ કરવાની તાલાવેલીમાં કેપ્ટન લક્ષ્મીનો પતો મળ્યો. ખબર પડી કે તે મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય અને કાનપુરમાં રહે છે. ત્યાર પછી મોટા ભાઇ બીરેન સાથે કાનપુર જઇને તેમનો વિગતવાર અને યાદગાર ઇન્ટરવ્યુ કર્યો. તે પાંચ હપ્તાની લેખમાળા તરીકે 'સંદેશ'માં પ્રકાશિત થયો તેના થોડા દિવસ પછી, ઉજવણી માટે મુંબઇ ગયેલાં લક્ષ્મી સહગલ સમાચારોમાં આવતાં થયાં. છેક 1997 સુધી તેમને 'પદ્મશ્રી' સુદ્ધાં મળ્યો ન હતો. બીજા વર્ષે તેમને 'પદ્મવિભૂષણ' અપાયો. ( 'સન્માનિત કરાયાં'  એવું લખવાનો જીવ ચાલતો નથી.)

ડો.લક્ષ્મી સહગલ સાથે ચાર દિવસ રોજ દોઢ-બે કલાક ગાળવાના થયા હોય એટલે વાતોનો અઢળક ખજાનો મળ્યો હોય. પરંતુ તેમાંની ઘણી વાતો મારે આગામી કોલમમાં લખવાની હોવાથી, અહીં એ લખવાની લાલચ ટાળું છું. પરંતુ ડો. લક્ષ્મી સહગલની મુલાકાત નિમિત્તે ઉપલબ્ધ બનેલો અણમોલ તસવીરી ખજાનો (તેમાંથી કોલમનો ભાગ બાદ કરીને) અહીં મૂકવામાં વાંધો નથી. બલકે, એ અહીં મૂકાય અને સહૃદયો સાથે વહેંચાય, એમાં જ તેની સાર્થકતા છે- અને એ જ કેપ્ટન લક્ષ્મી સહગલને આજના દિવસે મારી આદરાંજલિ છે. 

કેપ્ટન લક્ષ્મી વિશેના જીવન વિશેની વિગતોની થોડી પ્રસાદી બીરેને બ્લોગ પર મૂકી છે. એ વાંચવાથી તેમના જીવનનો આલેખ નજર સામે આવી જાય છે.
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_23.html

(બધી રંગીન તસવીરોઃ બીરેન કોઠારી- ઉર્વીશ કોઠારી/ All Color Pics: Biren Kothari- Urvish Kothari)
Please click for larger pics/ તસવીરો મોટી જોવા માટે તેની પર ક્લિક કરશો.
Dr.Lakshmi Sehgal at her Kanpur residence
( All Pics of 1997 in this blog  : Biren & Urvish Kothari)
સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન લક્ષ્મી અને રાણી ઝાંસી રેજિમેન્ટનાં 'જવાનો'
Subhashchandra Bose with Captain Lakshmi Sehgal & Rani Jhansi regiment
Dr.Lakshmi Sehgal 
સ્વામિનાથન પરિવારની દુર્લભ તસવીરઃ વકીલ પિતા એસ. સ્વામિનાથન, કોંગ્રેસી કાર્યકર માતા અમ્મુ સ્વામિનાથન, વચ્ચે ઊભેલાં લક્ષ્મી, જમણી બાજુ ઊભેલાં નાનાં બહેન મૃણાલિની (સારાભાઇ), બેઠેલા ભાઇ
Rare Family photo of Swaminathan family :
S.Swaminathan (father), Ammu Swaminathan (mother) Lakshmi (between parents)
younger sister Mrinalini (Sarabhai) & brother
કેપ્ટન બન્યા પહેલાંનાં ડોક્ટર લક્ષ્મી
Dr.Lakshmi before she joined INA
Dr.Lakshmi at Singapore
અને આ રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન લક્ષ્મી
Captain Lakshmi of Rani Jhansi Regiment, INA
આઝાદ હિંદ ફોજના જમાનામાં જાપાની સરકારે જારી કરેલી ભારતીય રૂપિયાની ચલણી નોટઃ કેપ્ટન લક્ષ્મીના ઘરે આ નોટ જાળવીને ફ્રેમ કરીને રાખવામાં આવી હતી

'જન્મભૂમિ' જૂથના અમૃતલાલ શેઠે જોખમ ખેડીને બર્માની મુલાકાત લઇને આઝાદ હિંદ ફૌજની વિગતવાર માહિતી સંભવતઃ પહેલી વાર લોકો સમક્ષ રજૂ કરી. 'જન્મભૂમિ પ્રકાશન મંદિર' દ્વારા 5 નવેમ્બર, 1945ના રોજ  અંગ્રેજીમાં `Jai Hind' પુસ્તક પ્રકાશિત થયું, જે આઝાદ હિંદ ફોજના એક સૈનિકની ડાયરી સ્વરૂપે હતું. સંપાદકો હતાઃ વિઠ્ઠલભાઇ ઝવેરી અને સોલી બાટલીવાળા. તરત ડિસેમ્બર, 1945માં કરસનદાસ માણેકે કરેલો તેનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયો. આઝાદ હિંદ ફોજ વિશે સચિત્ર વિગતો આપતું કદાચ એ પહેલું પુસ્તક હતું.
Captain Lakshmi with Amrutlal Sheth of Janmabhoomi Group 

આઝાદ હિંદ ફોજ થકી પરિચયમાં આવીને પરણેલાં 
કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન લક્ષ્મી
Captain Premkumar Sehgal & Captain Lakshmi
યુ્દ્ધમાં પકડાયેલા આઝાદ હિંદ ફોજના ત્રણ મુખ્ય અફસરો લેફ્ટનન્ટ ગુરુબક્ષસિંઘ ધિલ્લોં, કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન શાહનવાઝ ખાન પર અંગ્રેજ સરકારે લાલ કિલ્લામાં રાજદ્રોહનો મુકદ્દમો ચલાવ્યો. સરકાર પક્ષે વકીલ નૌશીરવાન એન્જિનિયર હતા અને બચાવ પક્ષે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળ વકીલસમુહ હતો, જેમાં પ્રેક્ટિસ છોડ્યાનાં વર્ષો પછી જવાહરલાલ નેહરુ પણ વકીલનો કોટ પહેરીને હાજર રહ્યા હતા. આ કેસ ચાલુ તો થયો, પણ લોકલાગણી એટલી પ્રબળ બની કે આખરે અંગ્રેજોએ આ ત્રણેને નિર્દોષ જાહેર કરવા પડ્યા. આ ભવ્ય વિજય પછી દેશમાં લાલ કિલ્લાના ત્રણે 'આરોપી'નાં  વિજયસરઘસ નીકળ્યાં અને તેમનાં સામૈયાં થયાં.  એ ત્રણેને લાલ કિલ્લાના સિંહ તરીકે ચિતરતું નીચેનું કાર્ટૂન ઝવેરચંદ મેઘાણી સંપાદિત પુસ્તક 'લાલ કિલ્લાનો મુકદ્દમો' (ભારતી પ્રકાશન મંદિર, ભાવનગર, 23-1-1946)નું છે.

આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લાના મુકદ્દમાની સ્મૃતિમાં જારી કરાયેલી ત્રણે જવાનોનાં નામ-ચિત્રો ધરાવતી ટપાલટિકીટ (બ્રોશરનો ફોટો)

પુત્રી સુભાષિની (અલી) સાથે ડો. લક્ષ્મી સહગલ
Dr. Lakshmi Sehgal with daughter Subhasini (Ali)
વર્ષો પછી, ભારતની આઝાદીની સુવર્ણ જયંતિ નજીક આવતી હતી ત્યારે વિસરાઇ ગયેલાં પાત્રોની શોધમાં કેપ્ટન લક્ષ્મીનું નામ શી રીતે મનમાં આવ્યું એ યાદ આવતું નથી. મોટે ભાગે રજનીકુમાર પંડ્યા થકી એવી ખબર પડી કે કેપ્ટન લક્ષ્મી મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય. એટલે હું નિર્દોષભાવે, કેપ્ટન લક્ષ્મી જેવું ઐતિહાસિક પાત્ર અત્યાર સુધી તો ન જ હોય એવા ખ્યાલ સાથે, 'દર્પણ'ની ઓફિસ પર તપાસ કરવા ગયો. ત્યાં બાંધ્યા ભારે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કેપ્ટન લક્ષ્મી કાનપુરમાં કડેધડે છે. ત્યાંથી સરનામું મળ્યું એટલે કેપ્ટન લક્ષ્મીને પત્ર મળ્યો. તેમનો આ જવાબ


પછી શું? એ વખતે હું 'સંદેશ'માં હતો. પત્રકારત્વમાં માંડ બે વર્ષ પણ પૂરાં થયાં ન હતાં. પણ આ મૂળ રસનો મામલો હતો. 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુનભાઇને વાત કરી. તેમણે રજા આપી, એટલે અમે- મેં અને બીરેને- વેળાસર  કાનપુરની ટિકીટ કઢાવી અને પહોંચી ગયા. 

સિવિલ લાઇન્સ, કાનપુરમાં આવેલા તેમના ઘરે ચાર દિવસ સુધી રોજ તેમને દોઢ-બે કલાક મળવાનું થતું. તેમનો કડપ ભારે. તબિયત અડીખમ. ચાલ ટટાર. અવાજ બુલંદ. મિજાજ એથી પણ વધારે બુલંદ. પણ પહેલા દિવસની વાતચીત પછી ખાસ્સાં અનૌપચારિક થઇ ગયાં. તેમનું અંગ્રેજી ફડફડાટ, પણ હિંદી ઠીક ઠીક ગરબડીયું. વાતવાતમાં આઝાદ હિંદ ફોજ માટે કરાયેલા 'જનગણમન' ના હિંદી અનુવાદની વાત નીકળી. મેં એ ગીત સંભળાવવા કહ્યું, એટલે 'રાષ્ટ્રગીત છે. એ ગાવા માટે ઊભા થવું પડે' એમ કહીને 82 વર્ષની ઉંમરે ફટાક દઇને ખુરશી પરથી ઊભાં થઇ ગયાં. એ પ્રસંગનો યાદગાર ફોટો.
આઝાદ હિંદ ફોજનું રાષ્ટ્રગીત ગાતાં લક્ષ્મી સહગલ- ઉર્વીશ કોઠારી
Captain Lakshmi Sehgal- Urvish Kothari
એક વાર વાતચીતમાં ખુલી ગયા પછી તેમણે એટલી પ્રેમાળ વર્તણૂંક કરી કે જૂની ઓળખાણ હોય એવું લાગે. એક દિવસ અમારા માટે એક નમકીનની દુકાનમાંથી ગુજરાતી નાસ્તો મંગાવ્યો. એક દિવસ અમે એમની સાથે એમના ક્લિનિક પર આવવાની ઇચ્છા વ્યક્ત કરી તો એમની સાથે ક્લિનિક પર લઇ ગયાં. રસ્તામાં પેલી ગુજરાતી નાસ્તાની દુકાન પાસે ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યાં. અમને પણ ઉતાર્યા અને દુકાનવાળા ભાઇ સાથે ઓળખાણ કરાવી. ક્લિનિક પર પહોંચીને સ્ટાફ સાથે તેમના ફોટા પાડ્યા. તેમનાં મુખ્ય મદદનીશ ડો.શોભા વીજ સાથે પણ. સ્ટાફમાં એક ઉંમરલાયક બહેનને બોલાવીને કહે, 'મલ્લિકા (સારાભાઇ)ના જન્મ વખતે આ બહેન અમદાવાદ આવ્યાં હતાં.'

Dr.Lakshmi Sehgal at her Kanpur Clinic, August,1997 (Dr.Shobha Vij writing)
Dr. Lakshmi Sehgal with Biren Kothari/ બીરેન કોઠારી સાથે
એમની દિવાલ પરની ફ્રેમમાં લાગેલી વિવિધ તસવીરો અને તેમાંના પાત્રોની ઓળખાણ (ઉર્વીશ કોઠારી સાથે). સામેની ફ્રેમમાં યુવાન પ્રેમકુમાર સહગલની તસવીર
Dr.Lakshmi Sehgal with Urvish Kothari
કાનપુરથી પાછા ફર્યા પછી 'સંદેશ'માં કેપ્ટન લક્ષ્મી વિશે કરેલી પાંચ હપ્તાની સિરીઝનો પહેલો હપ્તો. 
તારીખ 15 ઓગસ્ટ, 1997

અને છેલ્લે એક સાવ અંગત યાદગીરીઃ
મારા લગ્ન નિમિત્તે ડો.લક્ષ્મી સહગલે પોતાના હસ્તાક્ષરમાં મોકલેલું શુભેચ્છા કાર્ડ
નીચે તેમની સહી અને આખું સરનામું છેઃ 15/241, સિવિલ લાઇન્સ, કાનપુર


અલવિદા...

Sunday, July 22, 2012

ગાંધીજી-ચેપ્લિનઃ એક વિશિષ્ટ મુલાકાત


ચાર્લી ચેપ્લિન અને ગાંધીજી- વીસમી સદીનાં બે વિરાટ વ્યક્તિત્વો. સમાજના ગરીબ વર્ગ પ્રત્યેની તેમની લાગણી, સત્તાધીશો પ્રત્યેનો અવિશ્વાસ અને આપખુદશાહી સામેનો તેમનો વિરોધ જગજાહેર હતાં. તેમ છતાં, તેમની વર્તણૂંકમાં લોકોને ઘણી વાર આપખુદશાહીની ગંધ આવતી હતી. બાકીની તમામ બાબતોમાં બન્ને વચ્ચે સામ્ય શોધવું અઘરું - અને એ શોધવાની જરૂર પણ શી છે? બન્નેનું પ્રદાન અનન્ય છે.

ગાંધીજીના વ્યક્તિત્વની વિલક્ષણતાઓને લીધે ઘણી વાર એવી કલ્પના કરવાનું મન થાય કે એ પોતાની હળવાશ અને રમૂજવૃત્તિ સાથે તેમના કટ્ટર ટીકાકાર ચર્ચિલ, ઘાતકી તરંગી હિટલર કે આઇન્સ્ટાઇન જેવા યુગસર્જક વિજ્ઞાનીને રૂબરૂ મળી શક્યા હોત તો? ૧૯૩૧માં ગોળમેજી પરિષદ વખતની યુરોપયાત્રા વખતે એ ઇટાલીના ફાસિસ્ટ શાસક મુસોલિનીને મળ્યા હતા. ગાંધીજીના પ્રશંસક-વિદ્વાન રોમાં રોલાંને લાગતું હતું કે ગાંધીજી રોમ જશે, તો મુસોલિનીનું ફાસિસ્ટ તંત્ર ગાંધીજીની મુલાકાતનો પોતાના ફાયદામાં દુરુપયોગ કરશે. (કોઇ પણ હકીકતને તોડીમરોડીને તેને પોતાના ફાયદાની દિશામાં લઇ જવી, એ ફાસિસ્ટ કાર્યપદ્ધતિની ખાસિયત હોય છે.)

એટલે રોલાંની સલાહ પ્રમાણે, ગાંધીજી ઇટાલીની સરકારના સત્તાવાર મહેમાન થવાને બદલે રોલાંના એક મિત્રના ઘરે ઉતર્યા. થોડાં વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને સાથ આપનાર અને કેટલીક બાબતોમાં હિટલરના પ્રેરણાપુરૂષ એવા મુસોલિની સાથે ગાંધીજીની મુલાકાત થઇ ખરી, પણ ગાંધીજી મુસોલિનીના દેખાડાથી અંજાય એમ ન હતા. મુસોલિની ગાંધીજી સાથે બહુ વિવેકથી વર્ત્યો. સામાન્ય રસમ એવી હતી કે મુલાકાતીને એક લાંબો ઓરડો વીંધીને મુસોલીની સુધી પહોંચવું પડે. ત્યાં એ શાહી ઠાઠથી બેઠો હોય. પરંતુ ગાંધીજીના કિસ્સામાં એ પોતે સામે ચાલીને તેમને લેવા આવ્યો અને મુલાકાત પૂરી થયા પછી મૂકવા પણ ગયો.
Gandhi-Musolini 
‘ફાસિસ્ટ રાજ વિશે તમે શું માનો છો?’ એવા મુસોલિનીના સવાલના જવાબમાં ગાંધીજીએ ટાઢકથી કહ્યું કે તમારું ફાસિસ્ટ રાજ પત્તાના મહેલ જેવું છે. મુસોલિની સાથેની વાતચીત દરમિયાન ગાંધીજીએ નોંઘ્યું હતું કે તેની આંખો સ્થિર રહેવાને બદલે સતત ચકળવકળ થતી હતી. 

મુસોલિની અને મુખ્યત્વે હિટલરની આપખુદશાહીને ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મ દ્વારા હાસ્યાસ્પદ બનાવનાર ચાર્લી ચેપ્લિન એવી જ એક હસ્તી હતો, જેની ગાંધીજી સાથે મુલાકાત થઇ હોત તો? એવો વિચાર આવે. યોગાનુયોગે ગાંધીજી-ચેપ્લિનની મુલાકાત થઇ હતી. ભલે એ બહુ લાંબી કે વિસ્તૃત ન હતી, પરંતુ ઐતિહાસિક ચોક્કસ હતી. ગાંધીજી સ્વાભાવિક રીતે જ ચાર્લી ચેપ્લિનના નામ કે કામથી પરિચિત ન હતા. પણ ગોળમેજી પરિષદ (૧૯૩૧) નિમિત્તે લંડન ગયેલા ગાંધીજી તમામ પ્રકારના લોકોને મળતા હતા અને ભારતની આઝાદીની તરફેણમાં મત કેળવવાનો પ્રયાસ કરતા હતા.

ચેપ્લિન એ વખતે ‘સીટી લાઇટ્‌સ’ ફિલ્મની રજૂઆત અને તેના પ્રચાર માટે લંડન આવ્યા હતા. કોઇ મિત્રે ચેપ્લિન સમક્ષ ગાંધીજીને મળવાની દરખાસ્ત મૂકી. આત્મકથામાં ચેપ્લિને નોંઘ્યું છે કે ગાંધીજીની અહિંસક ચળવળ અને યંત્રોના વિરોધથી તે પરિચિત હતા. તેમની રાજકીય મુત્સદ્દીગીરી અને દૃઢ મનોબળ માટે ચેપ્લિનના મનમાં આદર હતો. એટલે તેમણે ગાંધીજીને મળવા માટે હા પાડી.

ગાંધીજીએ સ્વાભાવિક રીતે જ ચેપ્લિનનું નામ સાંભળ્યું ન હતું. ફિલ્મ જોવાનો તો પ્રશ્ન જ ક્યાં? પણ તેમને કહેવામાં આવ્યું કે ચેપ્લિન કચડાયેલા-પીડિત લોકોની લાગણીને વાચા આપતી ફિલ્મો બનાવે છે- એટલે એ પણ મળવા માટે તૈયાર થયા. તેમની મુલાકાત કોઇ ભવ્ય હોટેલમાં નહીં, પણ એક ભારતીય ડોક્ટર કતિયાલના ઘરે ૨૨ સપ્ટેમ્બર, ૨૯૩૧ના રોજ થઇ.

ચેપ્લિન વહેલા પહોંચી ગયા હતા. એ વિસ્તાર લંડનનો શ્રમજીવી ભાગ ગણાતો હતો. થોડી વારમાં ગાંધીજી આવ્યા. મકાનની બહાર ભેગા થયેલા લોકોએ તેમને હર્ષનાદોથી વધાવી લીધા. દરમિયાન, ગાંધીજી સાથે શું વાત કરવી, એ વિચારતા ચેપ્લિને આત્મકથામાં લખ્યું છે,‘ભીડભાડથી ભરચક શ્રમજીવી વિસ્તારમાં એ વિચિત્ર દૃશ્ય હતું..મકાનમાં ઉપર આવીને તેમણે બારીમાંથી લોકોને દર્શન આપ્યાં. પછી મને ઇશારો કર્યો. એટલે અમે બન્નેએ બારી પાસે ઊભા રહીને લોકોનું અભિવાદન કર્યું.’ (જુઓ વિડીઓ)


ગાંધીજીની સાથે સરોજિની નાયડુ, મહાદેવ દેસાઇ અને બીજા કેટલાક સાથીદારો હતા. મહાદેવભાઇએ તેમની ડાયરીમાં ચેપ્લિન વિશે મનમાં પડેલી પહેલી છાપ આ શબ્દોમાં મૂકી છેઃ ‘મિ.ચેપ્લિન મને મળતાવડા, નિરભિમાન સજ્જન લાગ્યા. ચિત્રપટ પર જેવા દેખાય છે તેવા તો જરાયે ન દેખાયા, પણ પોતાના સ્વરૂપને છુપાવવામાં જ કદાચ  એમની કળા રહેલી હશે.’

Chaplin- Gandhi
ચેપ્લિન અને ગાંધીજી એક સોફા પર બેઠા, એટલે આ ઐતિહાસિક અને અમુક રીતે અજબ લાગે એવી જોડીની તસવીરો લેવા માટે ફ્‌લેશલાઇટો ઝબકવા લાગી. હવે શું? વાતની શરૂઆત કોણ કરે? એ મૂંઝવણ વિશે ચેપ્લિને લખ્યું છે, ‘મને ખબર હતી કે વાતચીતની શરૂઆત મારે જ કરવાની છે. કારણ કે મારી છેલ્લી ફિલ્મમાં કેટલી મઝા આવી- એવું તો મહાત્મા કહેવાના ન હતા. એમણે જીવનમાં કદી ફિલ્મ જોઇ હશે કે નહીં, એ વિશે પણ મને શંકા છે.’

બન્ને મહાનુભાવો આવી ગયા પછી પણ કોઇ બહેન અવિરતપણે બોલતાં હતાં. સરોજિની નાયડુએ તેમને ચૂપ થવા કહ્યું. ત્યાર પછી ચેપ્લિને ગળું ખોંખારીને વાત શરૂ કરી અને ભારતની આઝાદીની લડત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું, ‘મશીનરી પ્રત્યેની તમારી નફરત અંગે મારા મનમાં ગૂંચવાડો છે.’

ગાંધીજી લંડન ગયા એ વખતે અમેરિકામાં હેન્રી ફોર્ડની પહેલથી ‘માસ પ્રોડક્શન’નો યુગ શરૂ થઇ ચૂક્યો હતો. ફોર્ડે એસેમ્બલી લાઇન પદ્ધતિ અપનાવીને કારનું ઉત્પાદન ઝડપી બનાવી દીઘું : દરેક કારીગર પોતાની જગ્યાએ જ રહે અને તેનું કામ તેની જગ્યાએ આવતું જાય- દા.ત. એક કારીગરને અમુક પૂરજામાં સ્ક્રૂ ફીટ કરવાના હોય તો એવા પૂરજા કન્વેયર બેલ્ટ થકી સતત આવતા રહે. કારીગર પોતાની જગ્યાએ ઊભો ઊભો બસ સ્ક્રૂ ફીટ કરતો રહે.

Chaplin-Gandhi- Sarojini Naidu (standing)
‘માસ પ્રોડક્શન’  અને એસેમ્બલી લાઇન જેવી ‘પ્રગતિ’ને કેન્દ્રમાં રાખીને માણસ અને મશીનના સંબંધ પર ચેપ્લિને ૧૯૩૬માં ‘મોડર્ન ટાઇમ્સ’ નામે યાદગાર ફિલ્મ બનાવી. ગાંધીજી સાથેની મુલાકાત વખતે ચેપ્લિનના મનમાં મશીનોના ફાયદા-ગેરફાયદાના વિચાર ચાલતા હતા. તેમણે ગાંધીજીને કહ્યું, ‘મશીનરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માણસને ગુલામીના બંધનમાંથી મુક્તિ અપાવી શકે છે. તેનાથી માણસના કામના કલાકોમાં ઘટાડો થઇ શકે છે. એ રીતે બચતા સમયમાંથી તે જિંદગી માણી શકે છે અને માનસિક વિકાસ સાધી શકે છે.’

ગાંધીજીએ ચેપ્લિનને પોતાના વિરોધ માટેની સમજૂતી આપતાં કહ્યું,‘યંત્રોને કારણે અમે ઇંગ્લેન્ડ પર આધાર રાખતા થઇ ગયા હતા. એટલે પરાધીનતા નાબૂદ કરવાનો એક જ ઉપાય છેઃ મશીનરીથી બનતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો. એટલે અમે દરેક જણ પોતાના ખપ પૂરતું સૂતર કાંતે અને પોતાનાં વસ્ત્રો જાતે બનાવે, એને રાષ્ટ્રિય ફરજ જેવું બનાવી દીઘું છે. ઇંગ્લેન્ડ જેવા શક્તિશાળી દેશ પર આક્રમણ કરવાની  અમારી આ પદ્ધતિ છે.’
ચેપ્લિન-ગાંધીઃ ચેપ્લિનના ભારતમાં બહાર પડેલા ફર્સ્ટ ડે કવર પર
મહાદેવભાઇની નોંધ પ્રમાણે, ગાંધીજીએ રજૂ કરેલો બીજો મુદ્દોઃ ‘ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. અમે એને લૂંટ કહીએ છીએ અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે. હવે જો હિંદુસ્તાન યંત્રો સ્વીકારે અને પોતાની જરૂરિયાતો કરતાં અનેક ગણું પેદા કરે તો લૂંટારુ હિંદુસ્તાન  જગતને કેટલું વધારે જોખમરૂપ નીવડે?’

ચેપ્લિને તેમને પૂછ્‌યું, ‘એટલે આ સવાલ એકલા હિંદુસ્તાન પૂરતો જ છે? હિંદુસ્તાનમાં રશિયા જેવી સ્વતંત્રતા હોય અને તમે બેકારોને  બીજું કામ આપી શકો, સંપત્તિની સમાન વહેંચણી કરાવી શકો તો તમે યંત્રોનો તિરસ્કાર નહીં કરો?’

ગાંધીજીએ કહ્યું: ચોક્કસ. (એ સંજોગોમાં યંત્રોનો તિરસ્કાર ન કરું.)

મહાદેવભાઇએ લખ્યું છે કે ‘આ સવાલ ગાંધીજી જોડે સેંકડો વાર ચર્ચાઇ ચૂક્યો છે, પણ શાસ્ત્રજ્ઞ નહીં એવા કોઇ પરદેશીને આટલી ઝડપથી સ્થિતિ સમજી જતાં મેં જોયો નથી. એનું કારણ એ હશે કે એમને (ચેપ્લિનને) અગાઉથી બાંધેલા કશા રાગદ્વેષ નથી અને એમનામાં સહૃદયતા તો છે જ.’

ચેપ્લિને માણસ પર પ્રભાવી થઇ જતાં મશીનો પર બનાવેલી ફિલ્મ ‘મોડર્ન ટાઇમ્સ’માં ગાંધીપ્રકારની ચિંતા ઓછી ને એસેમ્બલી લાઇનની પાશ્ચાત્ય સમસ્યા વિશેની ચિંતા વધારે છે. છતાં, ગાંધીજી અને ચેપ્લિનની મુલાકાતની ફળશ્રુતિ કેવળ સ્થૂળ અર્થમાં (કોઇ ફિલ્મ પર પ્રભાવના રૂપે) કાઢવાની જરૂર ન હોય. પ્રેમીઓ-ચાહકો-અભ્યાસીઓ માટે ગાંધીજી-ચેપ્લિન મળ્યા હોય અને સાથે બેઠા હોય એ વાત જ પૂરતી રોમાંચકારી છે.

Wednesday, July 18, 2012

જુદા છે પ્રકારો બગાસે બગાસે


દુનિયામાં ઘણી ચેપી ચીજોના ઇલાજ શોધાયા છે, પણ હજુ સુધી બગાસાનું ઓસડ મળ્યું નથી. ખરી વાત તો એ છે કે બગાસાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફક્ત બગાસું જ નહીં, કોઇ પણ મુદ્દે ઠરીને વાત કરવાની આવે એટલે લોકોને બગાસાં આવવા લાગે છે. હકીકતમાં બગાસું મનુષ્યદેહ ધારણ કર્યા પછીની કેટલીક આવશ્યક ક્રિયાઓમાંની એક છે. આઘ્યાત્મિક પરિભાષામાં તેને ‘દેહધર્મ’ ગણાવવામાં ખાસ અતિશયોક્તિ નથી. ચોકલેટી ચિંતકો તેને નિદ્રારાણીનું છડીદાર ગણાવી શકે છે. ઘણા લોકો બુલંદ અવાજે બગાસાં ખાય ત્યારે તે રીતસર છડી પોકારતા હોય એવું લાગે છે.

બગાસામાં છીંક જેટલું સ્વરવૈવિઘ્ય નથી. બગાસું ખાનાર મનુષ્યના મોંમાંથી મોટે ભાગે અસ્પષ્ટ ઉદ્‌ગાર અને અવાજ નીકળે છે.  તેનો ભાવાનુવાદ કરવામાં આવે તો? એ કંઇક આ પ્રમાણે થાયઃ ‘બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. મલિકા-એ-નીંદકી સવારી આ રહી હૈ.’ મલિકા-એ-નીંદનું સામ્રાજ્ય એક જમાનાની મલિકા-એ-હિંદ રાણી વિક્ટોરિયા કરતાં પણ મોટું છે. આસ્તિકો કર્મને જે જશ આપે છે, તે બગાસાને પણ આપી શકાયઃ બગાસું કોઇને છોડતું નથી.

વૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં બગાસાને ઉત્સર્જન ક્રિયા ગણી શકાય, પરંતુ છીંક અને અન્ય ક્રિયાઓની સરખામણીમાં બગાસું સૌથી નિર્દોષ છે. તેમાં બિનહાનિકારક હવા સિવાય બીજી કોઇ ચીજ બહાર ફેંકાતી નથી. તેમ છતાં, બાકી બધાં ઉત્સર્જનો કરતાં તે અસરકારક નીવડી શકે છે. કારણ કે બાકીની ક્રિયાઓ શરીરનો મેલ કાઢે છે, જ્યારે બગાસાનો ઉપયોગ ઘણી વાર મન પર જામતો મેલ અટકાવવા માટે કરવામાં આવે છે.

સેમિનાર, ભાષણબાજી, વાર્તાલાપ જેવા સત્તાવાર કાર્યક્રમોમાં વક્તાઓ શ્રોતાઓ પર પૂરજોશમાં તૂટી પડ્યા હોય, ત્યાર થોડી વાર પછી શ્રોતાઓની ધીરજનો છેડો આવે છે. તેમના મનમાં અકળામણ જાગે છે. વઘુ સમય વીતે એટલે અકળામણમાં આથો આવતાં ખુન્નસ પેદા થાય છે. કેટલીક જગ્યાએ શ્રોતાસંખ્યા એટલી ઓછી હોય છે કે ચાલુ કાર્યક્રમે વાતો કરવાથી માંડીને સુઇ જવા જેવા સન્માનજનક વિકલ્પો ઉપલબ્ધ હોતા નથી. એવા વખતે બગાસું તેમની વહારે આવે છે. કેટલાક શ્રોતાઓ વારંવાર વક્તાનું ઘ્યાન પડે એ રીતે બગાસાં ખાવાનું શરૂ કરે છે. એમ કરવાથી રીઢા વક્તાઓ પર કશી અસર થતી નથી, પણ શ્રોતાઓનું ખુન્નસ અહિંસક માર્ગે બહાર આવી જતાં, તેમનું માનસિક સંતુલન ખોરવાઇ જતું અટકે છે.

વધારે વ્યાપક સ્તરે વિચારીએ તો, બગાસું અભિવ્યક્તિસ્વાતંત્ર્યનું અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય લોકશાહીનું પ્રતીક હોવાથી, બગાસું લોકશાહીનું પ્રતીક છે. નાગરિકશાસ્ત્રમાં બગાસાં વિશેનો એકાદ પાઠ મૂકવાનું હજુ સુધી કોઇને સૂઝ્‌યું કેમ નહીં હોય? એ જુદી વાત છે કે નાગરિકશાસ્ત્રની વાત આવે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ બગાસાં ખાવા લાગે છે. બગાસાંની લોકપ્રિયતા અને લોકો દ્વારા થતા મોકળા મને થતા તેના પ્રયોગને કારણે એટલું સાબીત થાય છે કે લોકશાહીનાં મૂળભૂત મૂલ્યો આત્મસાત્‌ કરવા માટે નાગરિકશાસ્ત્ર વાંચવું ફરજિયાત નથી.

બગાસું પ્રાકૃતિક ક્રિયા હોવાથી, પ્રાકૃત ઢબે (દેશી રીતે) બગાસું ખાવામાં જેટલા આનંદ અને સંતોષનો અનુભવ થાય છે, એટલો શિષ્ટ બગાસામાં લાગતો નથી. ઘણા લોકો બગાસું આવે ત્યારે મોં પર હાથ, હથેળી કે રૂમાલ ઢાંકીને, આડું જોઇને એવી રીતે બગાસું ખાય છે, જાણે કોઇ ન કરવા જેવું કામ કરતા હોય. સદ્‌ભાગ્યે, ‘પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી’ જેવી ખુમારી બગાસા માટે ધરાવનારા લોકો હજુ મોજૂદ છે. એ લોકો માને છે કે આજુબાજુના લોકોને ખ્યાલ પણ ન આવે તો એવું બગાસું ખાવામાં શો સ્વાદ છે? કલ્પના કરો : હોલમાં કે ક્લાસમાં છેલ્લી લાઇનમાં બેઠાં બેઠાં છેક સ્ટેજ સુધી સંભળાય એવું બગાસું ખાવાની કેવી મઝા આવે?

છીંકની જેમ બગાસું મૂળભૂત રીતે અનૈચ્છિક ક્રિયા છે. પણ વિજ્ઞાન કૃત્રિમ વરસાદ લાવી શકતું હોય તો કૃત્રિમ બગાસાં શી મોટી વાત છે? માથું દુઃખે ત્યારે ઘણા લોકો રૂમાલનો વળ ચડાવેલો એક છેડો નાકમાં નાખીને, કૃત્રિમ છીંકો ખાતા અને માથાનો ભાર હળવો કરવા મથતા જોવા મળે છે. પરંતુ કૃત્રિમ બગાસું ખાવામાં એવો કોઇ ઉદ્યમ કરવાની જરૂર નથી. ગમે તેવી શિખાઉ વ્યક્તિ પણ તબિયતથી નકલી બગાસાં ખાઇ શકે છે વાયરલેસ પદ્ધતિથી વક્તાને સંદેશો મોકલી શકે છે કે ‘બહુ થયું. હવે બસ કરો.’

ખાવાની વાત કરીએ તો છીંક અને બગાસા વચ્ચે સાદા પાણીમાં અને મિનરલ વોટરમાં બનાવેલી પાણીપુરી જેવો, શિષ્ટતાનો તફાવત હોય છે. છીંક ગમે તેટલી સભ્યતાથી ખાવા છતાં, તેમાં કોઇને શિષ્ટાચારનો ભંગ લાગી શકે છે. પ્રેમમાં પડ્યા પછી મન પર ને છીંક આવે ત્યારે મુખભાવ પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ હોય છે. કેટલાક લોકો એટલા મોટા અવાજે છીંક ખાય છે કે એવું લાગે, જાણે અંદર સાયલેન્સર મૂકવાનું રહી ગયું હશે- અથવા ઘોંઘાટિયા ફટફટિયાને જોઇને ઓટોમોબાઇલના જાણકારો કહે છે તેમ, સાયલેન્સર ફાટી ગયું હશે. તેની સરખામણીમાં મોટા અવાજે બગાસાં ખાનારા ઓછા હોય છે. શાંતિથી બગાસું ખાઇને પણ સામે બેઠેલા માણસને અશાંત કરી શકાતા હોય, તો અવાજ શા માટે કરવો?

આયુર્વેદમાં કે એલોપથીમાં બગાસાંના પ્રકાર પાડ્યા નથી. ફ્રોઇડ જેવાએ સ્વપ્નાંનું પૃથક્કરણ કર્યું છે, પણ બગાસાંનો અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી. ‘બગાસાંભેદ’ જેવા કોઇ ગ્રંથનો સંસ્કૃતમાંથી થયેલો અનુવાદ હજુ સુધી જોવામાં આવ્યો નથી. ચંદ્રમુખી નાયિકા બગાસું ખાય ત્યારે તેનું મુખારવિંદ કેવું લાગે અને પદ્મિની નારીના બગાસાની સાઇઝ કઇ હોય, એની વાતો કાલિદાસ-ભતૃહરિના મસાલામાંથી ચાલતા જંક ફુડના ખુમચામાંથી મળતી નથી. ઉમાશંકર જેવાએ ફેંકાયેલા ગોટલા પર કવિતા લખી છે, પણ કોઇ ગુજરાતી કવિએ ‘બગાસું ગાતી પ્રિયાને’ જેવું છંદોબદ્ધ કાવ્ય લખ્યું હોય એવું જાણમાં નથી.(આમ કહીને કવિઓને ઉશ્કેરવાનો કોઇ આશય નથી અને એવું થાય તો એમાં આ લખનારની કોઇ જવાબદારી રહેશે નહીં.)

બગાસાં ખાવામાં શું મળે? એવો સવાલ કોઇને થઇ શકે. ભૌતિકવાદના આ યુગમાં દરેક બાબત આ ફુટપટ્ટીથી મપાતી હોય ત્યારે બગાસું તેમાંથી શા માટે બાકાત રહે? પરંતુ કોઇ દાનવીરને (તકતી વગરનું) દાન કરવામાં કે કોઇ સંગીતકારને એકાંતમાં બેસીને સંગીતસાધના કરવામાં જેવો આનંદ આવે છે, એવી અનુભૂતિ થોડી સેકંડો પૂરતી બગાસાથી મેળવી શકાય છે. એ સર્વજનસુલભ છે. ગરીબોને બગાસાં ખાવા માટે બીપીએલ કાર્ડની જરૂર પડતી નથી ને અમીરોને બગાસાં ખાવા પર ટેક્સ લાગતો નથી.

રાત કોઇને અંધકારનો પર્યાય લાગે છે તો કોઇને તે પ્રભાતના આગમનની ખાતરી આપે છે. એવી જ રીતે બગાસાં ખાવાથી ઉંઘની જાહેરાત કરી શકાય છે તેમ, ઉંઘી ઉઠ્‌યા પછી ઉંઘ બરાબર પૂરી થઇ અને ઉંઘવાનો બહુ આનંદ આવ્યો, એવો સંદેશ પણ બગાસાં દ્વારા આપી શકાય છે- શરત એટલી કે જેને સંદેશ આપવાનો છે તે બગાસાં ખાતો ન હોવો જોઇએ.

Tuesday, July 17, 2012

‘બોસોન’ખ્યાત સત્યેન્દ્રનાથ બોઝ : ફરક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાનો


SN Bose/ સત્યેન્દ્રનાથ બોઝ
વાત મહાન વિજ્ઞાની અને ‘હિગ્સ બોસોન’ના પાયામાં રહેલા સત્યેન્દ્રનાથ બોઝની જ કરવાની છે, પણ શરૂઆત કેટલાંક બીજાં દંતકથા જેવાં નામથી કરીએ. 

કેપ્ટન લક્ષ્મી ઉર્ફે લેફ્‌ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ. આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડા. સુભાષચંદ્ર બોઝનાં અંતેવાસી. ઐતિહાસિક પાત્ર. તેમનું નામ પડતાં જ, પરિચિતોના ચહેરા પર આદર-અહોભાવની લાગણી પથરાઇ જાય. પરંતુ કેપ્ટન લક્ષ્મીનાં ગુણગાન અધવચ્ચેથી અટકાવીને કહેવામાં આવે કે ‘એ હજુ આપણી વચ્ચે હયાત છે’ તો?

સંભવ છે. સાંભળનારની પ્રતિક્રિયા એટલી જ તીવ્ર રહે. બસ, ચહેરા પર અહોભાવના જગ્યાએ આશ્ચર્ય - અવિશ્વાસ અને જીભે  ‘ના હોય!’ જેવા શબ્દો આવી જાય.

ભજનગાયિકા જુથિકા રોય. આઝાદી પહેલાંના સમયમાં આઘુનિક મીરાં તરીકે ઓળખાતાં. તેમનાં ભજનની રેકોર્ડ ઘરમાં હોવી એ સંસ્કારિતાની નિશાની ગણાતી. ગાંધીજી જેવા ગાંધીજીએ તેમનાં ભજન સાંભળ્યાં હતાં. પેઢીઓની પેઢીઓ તેમનાં ભજન સાંભળીને મોટી  અને તેમના પ્રત્યે ધન્યભાવ અનુભવતી થઇ. તેમનું નામ પડે એટલે ‘ઓહોહો’ થઇ જાય. પરંતુ બીજા તો ઠીક, જુથિકા રોયના ચાહકોમાંથી કેટલા જાણતા હશે કે જુથિકાજી હજુ આ જ દુનિયામાં- કોલકાતામાં - છે?’ અને આ જાણતા લોકોએ પણ છાપાંમાં કે ચેનલો પર એમના વિશે - કે લક્ષ્મી સહગલ વિશે- છેલ્લે ક્યારે વાંચ્યું-સાંભળ્યું? ‘ગુગલ ન્યૂઝ’ પર લક્ષ્મી સહગલનો એકમાત્ર રેફરન્સ ૧૦ વર્ષ પહેલાં તે ડો.અબ્દુલ કલામ સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં તેનો બતાવે છે અને જુથિકા રોય? એમનું તો ‘ગુગલ ન્યૂઝ’ પર અસ્તિત્ત્વ જ નથી. (અહીં સર્ચએન્જિન ગૂગલની નહીં, પણ તેના સમાચારવિભાગની વાત છે.)

પ્રમાણમાં ઘણાં લોકપ્રિય અને સંખ્યાબંધ લોકોને સ્પર્શે એવા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી લક્ષ્મી સહગલ- જુથિકા રોય જેવી હસ્તીઓની આ સ્થિતિ હોય, તો ભાગ્યે જ કોઇને ટપ્પી પડે એવા વિષયમાં પ્રચંડ પ્રદાન કરનાર સદ્‌ગત વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ વિસરાઇ જાય એમાં શી નવાઇ?

બોઝ-આઇન્સ્ટાઇન સંબંધો

હિગ્સ બોસોન કણની સંભવિત ઓળખ પછી થયેલાં ઉજવણાંમાં જીવીત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના જયજયકારની સાથે ૧૯૭૪માં અવસાન પામેલા ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝનો પણ ઉલ્લેખ થયો. બ્રહ્માંડના મૂળભૂત કણોના બે મુખ્ય પ્રકારમાંથી એકનું નામ  ‘બોઝ’ પરથી ‘બોસોન’ રખાયું હતું. એટલે એક રીતે, સત્યેન્દ્રનાથને યાદ કર્યા વિના છૂટકો ન હતો. છતાં, ઉજવણીના માહોલમાં થોડો ગણગણાટ એવો પણ થયો કે ‘સત્યેન્દ્રનાથ ભૂલાઇ ગયા. તેમનો થવો જોઇએ એટલો જયજયકાર ન મળ્યો.’ વધારે સાદા શબ્દોમાં કહીએ તો, તેમને (મરણોપરાંત) જોરદાર પ્રસિદ્ધિ ન મળી.

સત્યેન્દ્રનાથ ધારો કે હિગ્સ બોસોનની શોધ જોવા જીવીત હોત, તો તેમને પણ હિગ્સ અને બીજા સાથી વિજ્ઞાનીઓની જેમ ખાસ આમંત્રિત તરીકે બોલાવાય હોત. પરંતુ સત્યેન્દ્રનાથ પ્રસિદ્ધિના પ્રકાશપુંજમાં ઝળહળવા ઉપડી ગયા હોત કે પછી ઘરે બેસીને તેમનાં પ્રિય વાદ્ય- ઇસરાજ અથવા વાંસળી- વગાડીને પરમ તૃપ્તિ અનુભવતા હોત?

આ સવાલનો જવાબ કલ્પનાનો પ્રદેશ છે, પણ નોંધાયેલી-નક્કર હકીકત એ છે કે ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી તૈયાર થતા એક પુસ્તકના લેખક સત્યેન્દ્રનાથને મળવા ગયા- તેમનું શબ્દચિત્ર આલેખવાની વાત કરી, ત્યારે સત્યેન્દ્રનાથે એ કામને ‘સમયનો બગાડ’  ગણાવ્યું હતું. (જેની પર ‘બઘું મળે છે’ એવા‘ગુગલ’ પર સત્યેન્દ્રનાથના ફોટો એટલા ઓછા છે કે આંગળીના વેઢા વધી પડે.)

પ્રસિદ્ધિ પ્રત્યે તેમની ઉદાસીનતામાં દંભ નહીં, પણ જીવનદર્શન અંગેની સ્પષ્ટતા કારણભૂત હતી. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન એવું હતું કે એ બદલ તેમને નોબેલ પારિતોષિક મળવું જોઇએ, એવી ઘણાની લાગણી હતી. છતાં, તેમણે પોતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. આઇન્સ્ટાઇન સહિત અનેક ઘુરંધરો સાથે નિકટનો પરિચય હોવા છતાં, સત્યેન્દ્રનાથે નોબેલ પારિતોષિક માટે કદી પ્રયાસ તો ઠીક, એ ન મળ્યાનો વસવસો પણ ન કર્યો.

હા, એક વાર તેમણે ભારે ખચકાટ સાથે આઇન્સ્ટાઇનની ભલામણ માગી હતી. ઢાકા યુનિવર્સિટીમાં તે રીડર તરીકે કામ કરતા હતા. વિજ્ઞાનજગતના સાંપ્રત પ્રવાહોના અભ્યાસ માટે તે બે વર્ષ યુરોપ ગયા. ત્યાં અનેક વિજ્ઞાનીઓ ઉપરાંત આઇન્સ્ટાઇનને પણ મળ્યા. ફળદાયી પ્રવાસ પછી પાછા ફરેલા સત્યેન્દ્રનાથને મિત્રોએ સૂચવ્યું કે તેમણે  ઢાકા યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવી જોઇએ અને એ માટે આઇન્સ્ટાઇન પાસેથી ભલામણપત્ર માગવો જોઇએ.

સત્યેન્દ્રનાથની વિનંતીથી ખુદ આઇન્સ્ટાઇનને નવાઇ લાગી. તેમને થયું કે બોઝને વળી મારી ભલામણની શી જરૂર? એ પોતે એમની આવડતના બળે હોદ્દા માટે લાયક છે. પરંતુ સાપેક્ષવાદના શોધકને એ ન સમજાયું કે ભારતમાં લાયકાત એ સાપેક્ષ બાબત છે. આઇન્સ્ટાઇને ઉમળકાથી લખી આપેલા ભલામણપત્ર પછી પણ સત્યેન્દ્રનાથને એ હોદ્દો ન મળ્યો. તેમની જગ્યાએ બીજા એક ‘બોઝ’- ડી.એમ.બોઝ-ને પ્રોફેસરપદું આપવામાં આવ્યું. તેમણે અસ્વીકાર કરતાં તેમની જગ્યાએ, એટલે કે આઇન્સ્ટાઇનના હકારથી નહીં, પણ ડી.એમ.બોઝના નકારથી, સત્યેન્દ્રનાથને પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.

એકલવ્યવત્‌ સત્યેન્દ્રનાથ માટે આઇન્સ્ટાઇન ગુરુ દ્રોણ હતા. પણ આ ગુરુએ શિષ્યનો અંગુઠો માગી લેવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા. ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સત્યેન્દ્રનાથે એક પેપર (સંશોધન લેખ) તૈયાર કર્યો હતો. તેનું અંગ્રેજી શીર્ષક હતું : ‘પ્લાન્ક્‌સ લૉ એન્ડ લાઇટ ક્વોન્ટમ હાઇપોથીસીસ’. તેમનાં અગાઉનાં પેપર પ્રકાશિત કરનાર ફિલોસોફિકલ મેગેઝીને આ પેપર સાભાર પરત મોકલ્યું. એટલે સત્યેન્દ્રનાથે આઇન્સ્ટાઇન સાથે કશો પરિચય ન હોવા છતાં, તેમને એ સંશોધન લેખ મોકલી આપ્યો.  સાથેના પત્ર (૪ જુન, ૧૯૨૪)માં પેપરના વિષયવસ્તુ વિશે ટૂંકમાં જણાવીને લખ્યું,

‘જો તમને લાગે કે આ પેપર પ્રકાશનયોગ્ય છે અને જો તમે ફિઝિક્સ વિશેના જર્મન સામયિકમાં એના પ્રકાશન માટે યથાયોગ્ય તજવીજ કરશો તો હું આપનો આભારી રહીશ. તમે મને બિલકુલ ઓળખતા નથી. છતાં તમને આ વિનંતી કરવામાં હું કશો ખચકાટ અનુભવતો નથી. કારણ કે અમે તમારા શિષ્યો છીએ અને તમારાં લખાણમાંથી જ્ઞાનલાભ મેળવીએ છીએ. તમને યાદ હશે કે નહીં જાણતો નથી, પણ તમારા જનરલ રીલેટીવીટી અંગેના પેપરના અંગ્રેજી અનુવાદ માટે કલકત્તાથી કોઇએ તમારી પરવાનગી મંગાવી હતી અને તમે એ આપી પણ હતી...તમારા એ પેપરનો અનુવાદ કરનાર હું જ હતો.’

આઇન્સ્ટાઇને આ પત્રનો જવાબ આપ્યો. એટલું જ નહીં, સત્યેન્દ્રનાથના પેપરનો જર્મન અનુવાદ જાતે કર્યો, જે ભૌતિકશાસ્ત્રના સામયિકના ઓગસ્ટ, ૧૯૨૪ના અંકમાં પ્રગટ થયો. તેની સાથે અનુવાદકની નોંધમાં આઇન્સ્ટાઇને આ સંશોધનને ‘એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોરવર્ડ’ (પ્રગતિની દિશામાં નોંધપાત્ર પગલું) ગણાવ્યું.

આઇન્સ્ટાઇન સાથે સત્યેન્દ્રનાથનો અંગત પરિચય વિજ્ઞાનજગતમાં અમર બન્યો ‘બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ’ અને ‘બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ’ થકી. અત્યંત નીચા તાપમાને પરમાણુઓ  નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. એની ટેકનિકલ ચર્ચાને બદલે, નામ અને પ્રતિષ્ઠાની જ વાત કરતા હોઇએ ત્યારે યાદ રહે કે આ બન્ને પારિભાષિક નામોમાં પહેલું નામ બોઝનું મૂકાયું છે. કારણ કે તેના મૂળ જન્મદાતા સત્યેન્દ્રનાથ બોઝ હતા. આઇન્સ્ટાઇને બોઝના સંશોધનને આગળ વધાર્યું હતું.

અમરત્વની સામગ્રી

બોસોન અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ- આ બન્ને સંશોધનો ભૌતિકશાસ્ત્રમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ અમર બનાવવા માટે પૂરતાં છે, પરંતુ ‘અમરત્વ’ની વાત કરીએ ત્યારે યાદ રાખવું પડે કે તેનો સીધો સંબંધ પ્રસિદ્ધિ સાથે નહીં, પ્રતિષ્ઠા સાથે હોય છે. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સહિયારો ઝળહળાટ (આઇન્સ્ટાઇન જેવા) બહુ ઓછા કિસ્સામાં દાયકાઓ સુધી ટકે છે. તેના માટે પ્રદાન ઉપરાંત દેશકાળથી માંડીને સમાજ-સંસ્કૃતિ જેવાં અનેક પરિબળ કારણભૂત હોય છે. ભારતમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ સુદ્ધાં સાંભળ્યા વિના વિદ્યાર્થી બારમું સાયન્સ કે ભલું હોય તો સાયન્સ ગ્રેજ્યુએટ થઇ જાય, એ બિલકુલ બનવાજોગ છે.

ફક્ત સાયન્સ જ શા માટે, કોઇ પણ વિદ્યાશાખામાં ભણનારને પરિચય હોવો ઘટે, એવું વૈવિઘ્યપૂર્ણ અને મજબૂત સત્યેન્દ્રનાથનું કામ હતું. માતૃભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના તેમના પ્રયાસથી માંડીને શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સુધી  તેમનો વ્યાપ હોવા છતાં, (પ્રસિદ્ધિ માટેની પૂર્વશરત ગણાય એવી) પોતાના કામ સિવાયની પંચાતમાં તેમને રસ ન હતો. તેમની સાદગી-સરળતા અને એકાગ્રતાનાં અનેક ઉદાહરણ વાંચવા મળે છે. કાર્યક્રમોમાં બેઠા પછી આંખ બંધ કરી દેવાની તેમની પદ્ધતિથી ઘણાને ગેરસમજણ થતી હતી. પરંતુ એકથી વધારે પ્રસંગે તેમણે એ અવસ્થામાં પોતાની જાગૃતિનો પરચો આપ્યો હતો. એક વાર તો, વિખ્યાત વિજ્ઞાની નીલ્સ બોહ્‌ર પ્રવચન દરમિયાન કંઇક સમજાવતી વખતે અટક્યા-અટવાયા અને મંચ પર બેઠેલા સત્યેન્દ્રનાથ સામે જોઇને તેમણે કહ્યું,‘કેન પ્રોફેસર બોઝ હેલ્પ મી?’ શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે, આંખો ખોલીને સત્યેન્દ્રનાથ ઊભા થયા, બોહ્‌ર જે કહેવા માગતા હતા તે સમજાવી દીઘું અને ફરી પાછા આંખો બંધ કરીને બેસી ગયા.
Nehru- SN Bose/ જવાહરલાલ નેહરુ- સત્યેન્દ્રનાથ બોઝ
રવીન્દ્રનાથ ટાગોરે પોતાનું પુસ્તક ‘વિશ્વપરિચય’ સત્યેન્દ્રનાથને અર્પણ કર્યું હતું. માનદ્‌ ડોક્ટરેટ, વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી માંડીને ભારતના નેશનલ ફેલો, રાજ્યસભાના સભ્ય, પદ્મભૂષણ અને લંડનની રોયલ સોસાયટીના ફેલો જેવાં માન-સન્માન સત્યેન્દ્રનાથ સહજતાથી પચાવી ગયા. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને ચેમ્બર્સ જેવાં પ્રકાશનોની ડિક્શનરી ઓફ સાયન્ટિસ્ટ્‌સમાં ભારતનાં ગણ્યાંગાંઠ્‌યાં ચાર-છ નામ હોય, પણ એ દરેકમાં સત્યેન્દ્રનાથનું નામ અચૂકપણે જોવા મળે છે. 

તેમ છતાં, લિમ્કા બુક કે ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવનારને કે ફિલ્મમાં આઇટેમ સોંગ કરનારને વધારે પ્રસિદ્ધિ મળતી હોય, તો એવી પ્રસિદ્ધિ સત્યેન્દ્રનાથ બોઝને ન મળ્યાનો બહુ ધોખો કેવો? તેમનો પરિચય નવી પેઢીઓને સહેલાઇથી થતો રહે એટલું જ જરૂરી અને પૂરતું છે.